Babu books and stories free download online pdf in Gujarati

બાબુ

બાબુ

યશવંત ઠક્કર© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અસર - વાર્તાસંગ્રહ

વાર્તાઓ વિષે થોડુંક આ અસર છે.

આ અસર છે વર્ષો પહેલાં મોટાભાઈને વાંચવા માટે નિશાળની લાયબ્રેરીમાંથી વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લાવીને, એમની પહેલાં વાંચી લીધાની. જે ગામમાં અને જે દિવસોમાં વાંચવા માટે પસ્તી પણ પ્રાપ્ત થતી નહોતી એ ગામમાં અને એ જ દિવસોમાં મારા માટે વાંચનનો ખજાનો ખૂલી ગયો હતો. મારી તેર ચૌદ વર્ષની ઉમરે મને મારા નાનકડા ગામમાં દીવાના અજવાળે મેઘાણી, પેટલીકર, મડિયા, પન્નાલાલ, મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઈ, જ્યોતિન્દ્ર દવે જેવા ધુરંધરોએ જે આનદ આપ્યો છે એ આનંદની આ અસર છે.

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડયાની, પડયા આખડયાની, ઘવાયાની, ફરીથી ઊંભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડયાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની.

આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. આ અસર છે ટપાલના જમાનામાં વાંચકોએ લખેલા પત્રોની.

હવે આજના આ મોબાઈલ માધ્યમમાં વાચકો માટે પ્રતિભાવ આપવાનું કામ એકદમ સરળ છે ત્યારે પ્રતિભાવની રાહ તો હોય જ. આ પહેલાંનાં ઈ-પુસ્તક ‘દરિયાની માછલી’ માં મારાં લખાણો માટે મોકળા મનથી પ્રતિભાવ આપનારા વાચકોની યાદી આપી હતી. આ યાદીમાં કેટલાંક નામ અહીં ઉમેરૂં છું. એ વાચકો છે... જયેશ પટેલ, કેતન થંથ, કેતન કુમાર પ્રજાપતિ, જિગર ગજ્જર, મનહર રાઠોડ, દીપક મેહતા, ધ્રૂવ જોશી, નીલેશ ભારોડિયા, જયભાઈ ચૌધરી વગેરે. મને વિશ્વાસ છે કે હજી પણ આ યાદી લંબાતી જ જશે.

આ વાર્તાઓ વાચકોને ગમશે એવી આશા સાથે...

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

બાબુ

એ છોકરાનું નામ બાબુ છે. એ સાચું નામ ન પણ હોય. જનક અને છાયાભાભી એને ‘બાબુ’ કહીને જ બોલાવતાં.

જનક મારો મિત્ર છે. એને ઓટો સ્પેરપાર્ટ્‌સની દુકાન છે. મેં બાબુને પહેલી વખત એને ત્યાં જ જોયો હતો. બાબુના દેખાવ પરથી મને એ જનકના કોઈ સગાનો છોકરો હોવાનું લાગ્યું હતું. મેં જનકને એના વિષે પૂછ્‌યું તો જનકે કહ્યું હતું કે ‘આ તો ભૂમિપૂત્ર છે, દોસ્ત.’

‘મતલબ?’ મેં પૂછ્‌યું હતું.

‘મતલબ કે પંચમહાલના એક ગામડામાંથી લઈ આવ્યો છું. ત્યાં માટીનાં તગારાં ઊંંચકતો હતો. મને છોકરો મજાનો લાગ્યો. મારા ઘરે નાનાંમોટાં કામ કરવા માટે આવા એકાદ છોકરાની જરૂર તો હતી જ. પહેલાં તો એણે આવવા માટે આનાકાની કરી. પણ મેં એને સમજાવ્યો કે અમે તને સારી રીતે રાખીશું. એટલે એ આવવા તૈયાર થયો. એના બાપાને એક મહિનાનો પગાર અગાઉથી આપતો આવ્યો છું. આ છોકરો એટલો ચપળ છે કે ન પૂછો વાત. અમને તો એવું લાગતું જ નથી કે એ નોકરી કરવા આવ્યો હોય. અમારા મુન્નાને સાચવવા જ આવ્યો હોય એવું લાગે છે.’ જનકે જવાબ આપ્યો હતો.

આપણે જાણીએ છીએ કે મોટાભાગે ઘરકામ કરતાં લોકોને ઘરના સભ્ય તરીકે માનવામાં આવતાં નથી. તેઓને કામના પ્રમાણમાં પૂરતો પગાર આપવામાં આવતો નથી. ખાવાનું પણ સમયસર અને પૂરતું આપવામાં આવતું નથી. કેટલાંક લોકો તો એમને વાતવાતમાં ધમકાવતાં હોય છે. એમને ગાળો આપનારાં અને મારઝૂડ કરનારાં પણ હોય છે. આપણી નજર સામે જ આવું બનતું હોય છે ત્યારે આપણે મોટાભાગે ચૂપ જ રહેતાં હોઈએ છીએ. બીજાંની વાત જવા દઈએ અને ધારો કે આપણે પોતે જ શેઠ કે સાહેબ હોઈએ તો આપણે આપણું કામ કરતાં લોકોનું સ્વમાન સાચવીએ છીએ ખરાં?

સિક્કાની બીજી બાજુ પણ હોય જ. ઘરકામ કરનારાં કેટલાંક લોકો પણ કેટલાંક સરકારી નોકરોની જેમ શરૂઆતમાં સારૂં કામ કરે છે પરંતુ પછીથી કામચોર થતાં જાય છે. કેટલાંક નાનીમોટી ચોરી કરે છે તો કેટલાંક વારંવાર ભાગી જાય છે. કામે રાખનારની ભલમનસાઈ અને મજબૂરીનો દુરૂપયોગ કરનારાં પણ હોય છે. ઘરધણી અને નોકર વચ્ચેનો સંબંધ મોટાભાગે તંગ જ રહેતો હોય છે.

પરંતુ, જનકની અને બાબીની વાત સાવ નિરાળી હતી. એ બંને વચ્ચે ઘરધણી અને નોકર વચ્ચે હોય એવી ભાવના જ નહોતી. એટેલે તો ગામ છોડીને શહેરમાં આવ્યો હોવા છતાં બાબુની ગ્રામ્ય પ્રસન્નતા અખંડ હતી.

બાબુની આંખોમાં ચમક હતી. ઊંડતાં પતંગ્િાયાં પાછળ ભમતી કુમળી આંખોમાં હોય એવી કુતૂહલતા હતી. એ ચાલતા ચાલતાં જાણે થોડુંક કૂદી લેતો હતો. ચાપાણી કે નાસ્તો લાવવાનું કામ હોય કે ઘરમાં સાફસૂફી કરવાનું કામ હોય, દુકાનેથી જરૂરી ચીજ લાવવાનું કામ હોય કે મુન્નાને રમાડવાનું કામ હોય; એ પૂરા મનથી, આનંદથી અને એકાદ ગીત ગણગણતાં કરતો હતો. સામાન્ય રીતે ઘરકામ કરનારાં લોકો આવાં બધાં કામ ચૂપચાપ કરતાં હોય છે. એમના બોલવા ચાલવામાં કોઠે પડી ગયેલી શિસ્ત હોય છે. એમના ચહેરા પર લાચારીના, ડરના, થાકના કે કંટાળાના ભાવ હોય છે. જ્યારે બાબુનું બોલવું, ચાલવું, હસવું વગેરે કુદરતી હતું.

જનક અને છાયાભાભી બાબુને નાસ્તો કરવા માટે કે જમવા માટે પોતાની સાથે જ ડાઈનિંગ ટેબલ પર બેસાડતાં. બાબુ મન થાય ત્યારે જાતે જ ફ્રિજ ખોલીને ખાવાલાયક ચીજ ખાઈ શકતો. ટીવી ચાલુ કરીને જોઈ શકતો. આવા બધા હક એને સહજ રીતે મળ્યા હતા. ગામડાના એક ગરીબ પરિવારના છોકરાએ શહેરના એક માધ્યમ વર્ગના પરિવારમાં સ્થાન મેળવી લીધું હતું.

મુન્નાના જન્મદિવસના પ્રસંગે તો બાબુનો વટ પડી ગયો હતો. એણે પણ નવાં અને ફૅશનેબલ કપડાં પહેર્યાં હતાં. સાંજે પાર્ટીમાં આવેલા મહેમાનોને એવું જ લાગ્યું હતું કે આ છોકરો તો જનકના કોઈ સગાસંબંધીનો છોકરો હશે. પરંતુ, જયારે એ લોકોએ જાણ્‌યું કે આ તો ઘરકામ કરનારો છોકરો છે ત્યારે એમને જનક અને છાયાભાભીની ઈર્ષા આવી ગઈ. એમને થયું કે ‘આવો નોકર આપણે ત્યાં હોય તો કેટલી રાહત રહે!’ પછી તો એ લોકો વચ્ચે પોતપોતાના નોકરોના ત્રાસની વાતો કહેવાની જાણે કે હરીફાઈ ચાલી.

પરંતુ એ જ લોકોએ જયારે બાબુને; મુન્નાને પોતાના ગળે લગાડીને ફોટો પડાવતા જોયો, જાતે થાળી ભરીને નાસ્તો કરતા જોયો અને છૂટથી કિલકિલાટ કરતા જોયો ત્યારે એમને આ બધું વધારે પડતું લાગ્યું. એમની બધાની સહનશક્તિનું પિલ્લું ત્યારે ખલાસ થઈ ગયું કે જયારે બાબુએ જાતે મુન્નાનો એક ફોટો પડવાની ઈચ્છા દર્શાવી અને જાનકે એના હાથમાં કૅમરા આપી દીધો. મુન્નાનો ફોટો પાડીને બાબુને કેટલો આનંદ આવ્યો એ જોવાના બદલે એ લોકો અંદરોઅંદર એવી ચર્ચા કરવા લાગ્યા કે : ‘આવી રીતે તે નોકરને રખાતો હોય? અરે! નોકરને ગમે તેટલી સારી રીતે રાખો તોય નોકર એ નોકર. એ તો ગમે ત્યારે જતો રહેવાનો.’

અને, એ લોકોની વાત સાચી પાડવી હોય એમ બાબુ બીજે જ દિવસે સવારે જનકના ઘરેથી કોઈને કહ્યા જતો રહ્યો. સાંજે જનક મારે ત્યાં તપાસ કરવા આવ્યો ત્યારે મને ખબર પડી. જનકના કહેવા મુજબ એ ઘરમાંથી કશું જ લીધા વગર ગયો હતો.

ત્રણ દિવસ પસાર થઈ ગયા છતાંય બાબુનો પત્તો મળ્યો નહીં એટલે જનકને ચિંતા થવા લાગી. આખરે તો, બાબુને સાચવવાની એની જવાબદારી હતી. હું અને જનક બાબુના ગામ તપાસ કરવા જવાની તૈયારી કરતા હતા એટલામાં તો બાબુના બાપાની ટપાલ આવી. ટપાલમાં એણે લખ્યું હતું કે : ‘બાબુ ત્યાંથી ભાગીને અહીં આવ્યો છે. જો તમે કહેતા હો તો એને ફરીથી તમારે ત્યાં મૂકી જાઉં.’

બાબુને ફરીથી તેડાવી લેવાની જનકને ઈચ્છા હતી પરંતુ છાયાભાભીએ ના પડી. એમનું કહેવું હતું કેઃ ‘આવી રીતે કહ્યા વગર જતો રહે એવો છોકરો આપણને કોઈ દિવસ મુશ્કેલીમાં મૂકી દે.’

મુન્નો બાબુનો હેવાયો થઈ ગયો હતો એટલે એ એની કાલીઘેલી ભાષામાં બાબુને યાદ કરી લેતો હતો. જનક પણ ક્યારેક ક્યારેક બાબુને યાદ કરીને એવો અફસોસ કરતો કે : ‘જો એ અહીં ટકી ગયો હોત તો અમને ઘણી જ રાહત રહેત અને એનું પણ ભવિષ્ય બનત.’

આટલું જ બન્યું હોત તો મારે આ વાત કહેવાનો પ્રશ્ન જ ઊંભો ન થાત. પરંતુ બાબુ જનકનું ઘર છોડીને ગયો એના લગભગ છ મહિના પછી એ મને આજે અચાનક ભેગો થઈ ગયો.

આજે સ્ટેશન સામે આવેલી ચાની લારી પાસે હું કેટલાક મિત્રો સાથે ચા પીવા ઊંભો હતો ત્યારે ચા લઈને આવેલા છોકરાએ ‘કેમ છો અન્કલ?’ એવું પૂછ્‌યું ત્યારે હું ચમક્યો. એણે થોડી વાર સુધી ધ્યાનથી જોયા પછી હું એને ઓળખી શક્યો. એ બાબુ હતો.

બાબુ ગજબનો બદલાઈ ગયો હતો. એની આંખોમાંથીથી પેલી ચમક ઓછી થઈ ગઈ હતી. એના ચહેરા પર લાચારી અને થાક જણાતાં હતાં. ભૂખ અને ઉજાગરાએ એની સ્ફૂર્ત્િા ખૂંચવી લીધી હોય એવું એને જોઈને લાગતું હતું.

‘બાબુ, તું અહીં ક્યાંથી?’ મેં નવાઈથી પૂછ્‌યું.

‘હું આ ચાની લારીએ નોકરી કરૂં છું. મારા બાપુ મને મૂકી ગયા છે.’

‘આવું કામ તને ફાવે છે?’

‘ન ફાવે તોય કરવું પડે. અન્કલ, શેઠને ત્યાંથી ભાગીને મારા ઘરે ગયો ત્યારે મારા બાપુએ મને ખૂબ માર્યો હતો. એણે મને અભાગ્િાયો કીધો હતો. હવે મને મારા બાપની વાત સાચી લાગે છે.’ બાબુ જલદી જલદી બોલી ગયો. એ એના શેઠથી ફફડતો હોય એમ શેઠ તરફ વારંવાર જોઈ લેતો હતો.

‘પણ બાબુ, તારે એવી રીતે ભાગી નહોતું જવું. તને જનક અન્કલ અને છાયા આન્ટી કેવી રીતે સાચવતાં હતાં!’

‘મને બધું સાંભરે છે. હું એ દિવસે ભાગીને ઘરે ન જાત. પણ શું કરૂં? મુન્નાભાઈનો જનમદિવસ હતો ત્યારે એમનાં મમ્મી આખો દિવસ એમને બહુ વહાલ કરતાં હતાં. એ જોઈને મને મારી બા બહુ જ યાદ આવી ગઈ હતી. હું આખી રાત રોયો અને સવારે ન રહેવાયુ એટલે ઘેર જવા નીકળી ગયો.’

બાબુએ જનકનું ઘર છોડવાનું જે કારણ જણાવ્યું એ કારણ તો કોના મગજમાં હોય? ‘પણ તેં જનક અન્કલની રાજા લીધી હોત તો તને ખુશીથી જવા દેત. મૂકવા પણ આવત. તું પૂછ્‌યા વગર જતો રહ્યો એ ખોટું કર્યું.’ મેં બાબુને કહ્યું.

‘એમની પાસે રજા માંગતાં મારો જીવ જ ન ચાલ્યો. મારી પાસે ટિકિટના પૈસા પણ નહોતા. અન્કલનો બુશકોટ ખીંટીએ લટકતો હતો. એમાં બધા બહુ રૂપિયા હતા. એમાંથી મેં ટિકિટ માટે દસ રૂપિયા લઈ લીધા ને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યો. મને જોઈને મારી બા રાજી રાજી થઈ ગઈ. મને છાતીએ વળગાડીને રોઈ પડી. પણ જેવી એને ખબર પડી કે હું ભાગીને આવ્યો છું ત્યારે એ બળતરા કરવા માંડી કે, હવે તારે ફરીથી મજૂરી કરવી પડશે. મારા બાપુને જયારે ખબર પડી કે હું શહેરમાંથી ભાગીને આવ્યો છું ત્યારે એમણે મને મારવા લીધો.’

બાબુ મારી સાથે વધારે વાતો કરે તે પહેલાં એના શેઠે એણે બૂમ પાડીને બોલાવી લીધો. એ ખાલી કપરકાબી લઈને ઝડપથી જતો રહ્યો. એનો શેઠ એને ધમકાવવા લાગ્યો અને એ ચૂપચાપ કપરકાબી ધોવા લાગ્યો.

મને લાગ્યું કે બાબુની નિખાલસતા હજી અખંડ રહી છે. જનકને તો ખબર પણ નહીં હોય કે એના ખીસામાંથી દસ રૂપિયા ઓછા થયા હતા. પરંતુ બાબુ તો ગાડીભાડા માટે પૈસા લીધાનું કબૂલ કરતો હતો. કદાચ બાબુ આ કૃત્યને ચોરી ન માનતો હોય અને પોતાનો હક માનતો હોય. નાદાન છોકરો જગતની વાસ્તવિકતા સામે ઝઝૂમી રહ્યો હતો. આ જ વાસ્તવિકતા આવનારા દિવસોમાં એને બીડી પીતો, ગાંજો ફૂંકતો કે જુગાર રમતો પણ કરે તો નવાઈ નહીં.

અમે ચાના પૈસા અચૂકવીને ચાલતા થયા ત્યારે મેં ફરીથી બાબુનો અવાજ સાંભળ્યોઃ ‘અન્કલ, મારે તમારૂં એક કામ છે.’

‘બોલ.’ મેં કહ્યું.

‘જનક અન્કલને તો હું મારૂં મોઢું નહીં બતાવું. પણ મારે એમના દસ રૂપિયા પાછા આપવા જ છે. મેં મારા પગારમાંથી થોઢા થોઢા બચાવીને ભેગા કર્યા છે. કાલે તમે આવો તો હું તમને આપી દઈશ. તમે જનક અન્કલને આપી દેજો.’

હું કશો જવાબ આપું તે પહેલાં એ ‘આવશોને?’ એવા સવાલ સાથે ઝઢપથી લારી તરફ દોઢી ગયો.

હું વિચારી રહ્યો છું કેઃ ‘જનકને આ બધી વાત કરૂં તો કદાક એ બાબુને ફરીથી તેઢી લાવે. જો એવું થાય તો બાબુ ફરીથી હસતોકૂદતો થાય. પણ હવે એ લોકો બાબુને ખરા દિલથી આવકારે ખરા? બાબુએ આ વખતે પૂછ્‌યા વગર દસ રૂપિયા લીધા તો ફરીથી વધારે રકમ લઈ લે એવી એમને બીક પણ લાગેને? પોતાનું સંતાન આવી ભૂલ કરે તો માબાપ જે સહજતાથી માફ કરી દે એ સહજતાથી તેઓ બાબુને માફ કરી દેશે? કે પછી બાબુએ કરેલી ભૂલને વારંવાર યાદ કરીને એને ઉતારી પાઢશે. કશું કહી ન શકાય. તૂટેલા મનને રેણ થતું નથી. જગતના બધા વ્યવહાર માત્ર લાગણી પર નથી ચાલતા.’

જિંદગી સાચીખોટી દોઢધામથી ભરેલી છે. એ દોઢધામથી હું પણ મુક્ત નથી. છતાંય આવતી કાલે મારે સમય કાઢીને બાબુ પાસે જવાનું છે. કદાચ મારાથી ન પણ જવાય. મારૂં જવાનું નક્કી નથી. પરંતુ આવતી કાલે આખો દિવસ બાબુ એની ફાટીતૂટી ચઢઢીનાં ખીસામાં દસ રૂપિયા સાચવતો સાચવતો મારી રાહ જોતો હશે. હું એ શક્યતા સૂર્યના હોવા જેટલી નિશ્ચિત સમજું છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED