Asar books and stories free download online pdf in Gujarati

અસર

અસર

યશવંત ઠક્કર



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અસર - વાર્તાસંગ્રહ

વાર્તાઓ વિષે થોડુંક આ અસર છે.

આ અસર છે વર્ષો પહેલાં મોટાભાઈને વાંચવા માટે નિશાળની લાયબ્રેરીમાંથી વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લાવીને, એમની પહેલાં વાંચી લીધાની. જે ગામમાં અને જે દિવસોમાં વાંચવા માટે પસ્તી પણ પ્રાપ્ત થતી નહોતી એ ગામમાં અને એ જ દિવસોમાં મારા માટે વાંચનનો ખજાનો ખૂલી ગયો હતો. મારી તેર ચૌદ વર્ષની ઉમરે મને મારા નાનકડા ગામમાં દીવાના અજવાળે મેઘાણી, પેટલીકર, મડિયા, પન્નાલાલ, મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઈ, જ્યોતિન્દ્ર દવે જેવા ધુરંધરોએ જે આનદ આપ્યો છે એ આનંદની આ અસર છે.

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડયાની, પડયા આખડયાની, ઘવાયાની, ફરીથી ઊંભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડયાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની.

આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. આ અસર છે ટપાલના જમાનામાં વાંચકોએ લખેલા પત્રોની.

હવે આજના આ મોબાઈલ માધ્યમમાં વાચકો માટે પ્રતિભાવ આપવાનું કામ એકદમ સરળ છે ત્યારે પ્રતિભાવની રાહ તો હોય જ. આ પહેલાંનાં ઈ-પુસ્તક ‘દરિયાની માછલી’ માં મારાં લખાણો માટે મોકળા મનથી પ્રતિભાવ આપનારા વાચકોની યાદી આપી હતી. આ યાદીમાં કેટલાંક નામ અહીં ઉમેરૂં છું. એ વાચકો છે... જયેશ પટેલ, કેતન થંથ, કેતન કુમાર પ્રજાપતિ, જિગર ગજ્જર, મનહર રાઠોડ, દીપક મેહતા, ધ્રૂવ જોશી, નીલેશ ભારોડિયા, જયભાઈ ચૌધરી વગેરે. મને વિશ્વાસ છે કે હજી પણ આ યાદી લંબાતી જ જશે.

આ વાર્તાઓ વાચકોને ગમશે એવી આશા સાથે...

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

અસર

પક્ષઘાતના હુમલા જેવું હુલ્લડ શહેર પર ફરી વળ્યું અને અસર રૂપે આઘાત, વેદના, વેરઝેર મૂકીને ધીરે ધીરે વિદાય થયું. કર્ફ્યુ ઘટતો ઘટતો નાબૂદ થઈ ગયો. છાપાંમાંથી હુલ્લડના સમાચારોએ અને શાંતિસેનાની અપીલોએ પણ વિદાય લીધી. જો કે કોઈ કોઈ કવિની કવિતામાં હજુ હુલ્લડ દેખાતું હતું. છાપાંની કોલમમાં કેટલાક બુદ્‌ધિજીવી, નરરાક્ષસો ફરીથી માથાં ન ઊંંચકે એ માટે જાગૃત રહેવા સમાજને ચેતવણી આપતા હતા. હુલ્લડથી જેમને બહુ અસર નહોતી થઈ એવા કેટલાંક લોકો ચૂંટણી, ક્રિકેટ કે ફિલ્મ વિષે વાતો કરવા લાગ્યાં હતાં.

ફરજિયાત આરામ ભોગવીને થાકેલા દુકાનદારોનાં રોમ રોમ પૈસાના સ્પર્શ માત્રથી પુલકિત થવા લાગ્યાં હતાં. માત્ર દુકાનદારો જ નહીં પણ કારકુનો, વકીલો, પટાવાળા, ડ્રાઈવરો, કંડકટરો, ફેરિયા, ભીખારીઓ, દાતાઓ, ચાલનારા, દોડનારા વગેરે તમામ વર્ગ પોત પોતાની પ્રવૃત્તિમા લાગી ગયા હતા. આ બધાની એક જ મરજી હતી કે શહેર ફરીથી ધમધમતું થાય. રસ્તા પર પડેલા પથ્થરો અને સળગેલો કાટમાળ પ્રધાનશ્રીના આગમન પહેલાં યુદ્ધના ધોરણે હટાવાઈ ગયા હતા. દુકાનોનાં તૂટેલાં બોર્ડની જગ્યાએ નવાં બોર્ડ લગાવાઈ રહ્યાં હતાં. જે દુકાનોમાં તોડફોડ થઈ હતી એ દુકાનો નવાં રૂપરંગ ધારણ કરવા લાગી હતી.

આ કાંઈ પહેલું હુલ્લડ નહોતું. કેટલામું હતું એ કહેવું પણ મુશ્કેલ છે. આ શહેર માટે હુલ્લડ એક એવી અણધારી ઋતુ છે કે જે ગમે ત્યારે આવી જાય અને ગમે એટલી રોકાય. લોકો પણ જાણે કે ટેવાઈ ગયાં છે. કોઈ ભયાનક ફિલ્મ જોયા પછી થિયેટરમાંથી બહાર નીકળીને પોતાની વાસ્તવિક જિંદગીમાં ગોઠવાઈ જતાં હોય એમ લોકો પણ હુલ્લડ પછી ઝઢપથી પોતાના કામકાજમાં ઓતપ્રોત થઈ જાય છે. જેણે ગુમાવ્યું હશે એની શી દશા થતી હશે એ વિષે વિચારવાની જાણે કે કોઈને આદત જ નથી રહી.

મોટી બજાર ધમધમવા લાગી પણ, ફકીર મહમ્મદની સાઈકલની દુકાન હજી જાણે કે રિસાયેલી હતી. એ ખુલ્લે ખુલ્લી બંધ પઢી હતી. તેનાં બારણાં તૂટેલાં હતાં અને અંદર રક્ષણ કરવા લાયક કશું બચ્યું નહોતું.

હિંદુઓથી ભર્યા ભર્યા વિસ્તારમાં હોવા છતાં ફકીર મહમ્મદની દુકાનને આંચ આવી હોય એવું આ પહેલાં ક્યારેય બન્યું નહોતું. આ વખતે પરંપરા તૂટી હતી.

ફકીર મહમ્મદ આ વિસ્તારના ચાચા હતા. એવા ચાચા કે જે હંમેશા ખુશ જ દેખાતા હોય. ઘરાકની સાથે હંમેશા ભાઈચારાથી વાત કરતા હોય. ઘરાકની સાઈકલ જલ્દી દોઢતી થઈ જાય એ માટે કાળજી રાખતા હોય. અને સહુથી મહત્ત્વની વાત એ કે પોતાની કારીગરી બદલ વાજબી જ વળતર લેતા હોય. વારંવાર ‘ખુદા’ ‘ખુદા’ ભલે ન કરતા હોય પણ હંમેશા ખુદાઈને સાચવીને રાખતા હોય. સાંજ પઢી ગઈ હોય ને રઢયો ખઢયો કોઈ ઘરાક પંક્ચર થયેલી સાઈકલ ખેંચીને ચાચાની દુકાને આવે તો એ નિરાશ ન થાય. એ એની સાઈકલ પર બેસીને જ પાછો જાય. ચાચાના દિલને સામેના માણસની મુશ્કેલી સ્પર્શી જતી હતી. આ જ ધંધામાં પઢેલા બીજા લોકો કરતાં ચાચા અલગ હતા. તેઓ સંઘર્ષ કરીને ફૂટપાથથી દુકાન સુધી પહોંચ્યા હતા પણ એમની સાદગી અણનમ રહી હતી. આવા માણસને જ લોકો ચાચા કહેતા હોય છે.

દુકાનના માલિક હોવા છતાં ચાચા પોતે મહેનત કરતા. એ જોઈને ઘણા લોકો એવી એવી સલાહ આપતા કેઃ ‘ચાચા, આ ઉમરે શા માટે હાથમાં પકઢપાનાં લો છો? તમારા દીકરાએ તો કામ સંભાળી લીધું છે. બબ્બે કારીગરો પણ છે. બહુ તાણ પઢતી હોય તો એકાદ કારીગર વધારે રાખી લો. તમારે તો બેઠાં બેઠાં પૈસા જ કાપવા જોઈએ.’

આવી સલાહના બદલામાં ચાચા એવા એવા જવાબો આપતા કેઃ ‘દુકાનવાળો તો હુ પછી થયો. પહેલાં તો કારીગર જ હતો. જે કામ કરીને હું આગળ આવ્યો એ કામને કેવી રીતે છોઢું? કારીગરો બહુ ટકતા નથી. ગમે ત્યારે જતા રહે. જાતે કામ કરવાની આદત હોય એ સારૂં. ઘરાક હેરાન ન થાય. સહુથી મજાની વાત કે કામ કરવાથી મને પણ સારૂં લાગે છે.’ ચાચા હસી પડતા.

આવા ચાચાની પણ દુકાન પણ લુંટાઈ ગઈ. આસપાસના લોકોએ ચાચાની દુકાન બચાવવા કોશિશ કરી હતી પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવા નીકળેલા ટોળા સામે એ લાચાર થઈ ગયા હતા. અફવા અને ઝનૂનના ચલણ સામે ભાઈચારાના ભાવ ગગડી ગયા હતા.

તોફાનો શાંત થયા પછી ચાચા એમના દીકરા ઈકબાલ સાથે એક વખત દુકાને આવેલા. પરંતુ દુકાનની હાલત જોઈને ચૂપ થઈ ગયેલા. દૃશ્ય એમની ધારણા બહારનું હતું. પહેલી વખત એમની દુકાન તૂટી હતી. પહેલી વખત એમનું દિલ તૂટ્‌યું હતું.

ઈકબાલે તસલ્લી આપતાં કહ્યું હતું : ‘અબ્બા, ફિકર મત કરના. સરકાર નુકસાની દેગી. સબ ઠીક હો જાએગા.’

ચાચાએ જવાબ આપ્યો હતોઃ ‘બેટા, નુકસાની તો સરકાર દેગી. નહીં દેગી તો ફિરસે કમા ભી સકતે હૈં. લેકિન, હમારા ભરોસા લૂંટ ગયા હૈ વો કૌન વાપિસ દેગા? મૈં તો માનતા થા કિ હમારી દુકાન કભી નહીં ટૂટેગી, ચાહે દુનિયા ઈધર કી ઉધર હો જાએ. લેકિન અબ લગતા હૈ કિ મેરા ખયાલ ગલત થા. લોગોં કી નજર મેં અબ મૈં ચાચા નહીં રહા, સિર્ફ મિયાંભાઈ હી રહ ગયા હૂં!’ ઈકબાલને લાગ્યું હતું કે ચાચાની અંદર કશું કઢઢઢભૂસ તૂટી રહ્યું છે. એણે ચાચાને સમજાવીને ઘરભેગા કર્યા હતા. ત્યાર પછી ન તો ચાચા દેખાયા હતા કે ન તો ઈકબાલ.

ચંદુ પાનવાળો, રાવજી ચાવાળો, રામુ ધોબી, કાંતિ સલૂનવાળો એ બધા દિવસમાં કેટલીય વખત ચાચાને યાદ કરીને ખાલીખમ દુકાન તરફ નજર નાખી લેતા હતા. ચાચા જોવા નહોતા મળતા એટલે એ લોકોને લાગતું હતું કે ગાઢી પાટે ચડવામાં હજી કશુંક ખૂટે છે. પણ, ચાચાની ખરી જરૂરિયાત ત્યારે સમજાતી કે જયારે પંક્ચર થયેલી સાઈકલ લઈને આવેલો કોઈ માણસ ચાચાની તૂટેલી દુકાન જોઈને નિસાસો નાખીને ઊંભો રહી જતો. ચાચાના કાયમી ઘરાકો, પછી ભલે એ ગમે તે કોમના હોય, એમને બીજી દુકાને જવાની આદત નહોતી.

ફકીર મહમ્મદ નામના ઈન્સાનને હુલ્લ્ઢે હચમચાવી નાખ્યો છે એ વાતનો ખયાલ શહેરના રાજકીય અને ધાર્મિક આગેવાનોને ભલે ન આવ્યો પણ ફકીર મહમ્મદ દુકાનની આસપાસ ટોળે વળતા કેટલાક છોકરાઓને આવી ગયો. એ છોકરાઓ હિંદુ હતા. ધાર્મિક હતા. પરંતુ એમને કથાવાર્તામાં બહુ રસ નહોતો પડતો કે કોમી એકતાની કવિતાઓ એમને બહુ નહોતી સમજાતી. ફેશનેબલ કપડાં પહેરેલા અને વિવિધ પ્રકારની હેઅર-સ્ટાઈલ ધરાવતા એ છોકરાઓ એક વખત ઓટલે ભેગા થઈને ચર્ચાએ ચઢી ગયા. ચર્ચાનો આ એવો કાર્યક્રમ હતો કે જેનું અગાઉથી આયોજન નહોતું થયું. આ કાર્યક્રમમાં કોઈ પ્રમુખશ્રી નહોતા, કોઈ અતિથિ વિશેષ નહોતા, કોઈ આમંત્રિત મહેમાનો નહોતા. આ કાર્યક્રમમાં કોઈ સ્વાગત પ્રવચન નહોતું કે નહોતી આભારવિધિ.

આ ચર્ચા કાંઈક આવી હતી...

‘યાર, ચાચાની દુકાન હજી ખુલી નથી.’

‘ક્યાંથી ખુલે? ચાચાને બહુ લાગી આવ્યું છે.’

‘આવા ઓલિયા માણસની દુકાનને તોડવાથી શો ફાયદો? દુકાન તોડવી હોય તો એવા લોકોની તોડવી જોઈએ કે જે લોકોને છેતરતા હોય. પછી ભલે એ ગમે તે કોમના હોય.’

‘જવા દેને યાર, અમે એમને ખૂબ સમજાવ્યા હતા કે આ દુકાન ન તોડો તો સારૂં. પણ એ લોકો માન્યા જ નહીં.’

‘ચાચા એક દિવસ આવ્યા હતા પણ દુકાનની હાલત જોઈને જ ચૂપ થઈ ગયા હતા.’

‘થઈ જ જાયને. પૂરી ઈમાનદારીથી ધંધો કરે છે. તોય આવું થાય એટલે એમને દુઃખ તો થાય જ ને?’

‘આવું તો ચાલ્યા કરે. આપણાવાળા પણ દુઃખી થયા જ છેને?’

‘જો દોસ્ત, આપણા હોય કે એમના હોય. જેમના પર વીતે છે એ જ જાણે છે. બાકી બીજી બધી વાતો બોગસ છે.‘

‘પણ ચાચાની તો વાત જ અલગ છે. અત્યારે એમની દુકાન બંધ છે એટલે બીજી દુકાનવાળાઓ ઘરાકોની ગરજનો ખોટો લાભ ઉઠાવે છે. લૂંટ ચલાવે છે. એમને માટે તો હિંદુ કે મુસલમાન બધા જ સરખા.’

‘લૂંટફાટની વાત જવા દો યાર. હવે શું કરવું છે એ બોલોને.’

થોઢી ચુપકીદી પછી એક છોકરો બોલ્યો કે ‘હું તો કહું છું કે ચાલો ચાચાને મળીએ. એમને હિંમત આપીને દુકાન ખોલવા સમજાવીએ.’

એ વાત પર બધા સહમત થઈ ગયા.

‘પણ યાર, ચચાને ત્યાં ખાલી હાથે જીશું? એમને આપણે બનતી મદદ કરી હોય તો?’

‘એ વાત સાચી છે. આપણે ફાળો ઉઘરાવીએ.’

‘જા જા. ફાળાની તો વાત જ નહીં કરતો. કોઈ ફાળો આપવાના બદલે છાનામાના પઢયા રહેવાની શિખામણ આપશે.’

‘ચાચા ફાળાના પૈસા લેતા હશે? એમની ઈજ્જતનો સવાલ છે.’

‘અરે ભાઈ, ફાળાની જરૂર જ ક્યાં છે? આપણી ગેંગ નાની છે? એક એક જણો પચાસ પચાસ કાઢશે તો પણ હજાર રૂપિયા જેવું થઈ જશે.’

‘હજારથી કશો દહાડો ન વળે.’

‘એ તો હું પણ જાણું છું. આ તો આપણી શક્તિ મુજબ હૂંફ આપવાની વાત છે.’

એ ચર્ચા લેખે લાગી. બે દિવસમાં તો બારસો રૂપિયા ભેગા થઈ ગયા અને સમજુ ગણાય એવા સાતેક છોકરાઓ ચાચાને ત્યાં જવા નીકળ્યા.

રસ્તામાં એકે શંકા વ્યક્ત કરી કે ‘યાર, ટોળું લઈને નીકળ્યા તો છીએ. પણ ચાચાના મહોલ્લાવાળા અવળું સમજશે તો રાઢો થશે.’

‘નહીં થાય.’ બીજાએ કહ્યું, ‘મારા કલાસનો અબ્દુલ નાકા પર જ મળી જશે. એ નહીં મળે તો બીજાં બેત્રણ ઓળખીતા છે.’

અબ્દુલ નાકા પર જ મળી ગયો. એ બધાને ચાચાને ત્યાં લઈ ગયો.

ચાચા ઓસરીમાં ખાટલા પર બીમાર હોય એમ પડયા હતા. છોકરાઓને જોઈને એ બેઠા થઈ ગયા. એમના ચહેરા પર ખુશાલી ફરી વળી. બધાને આવકારો આપીને એમણે ઈકબાલને બૂમ પાડી, ‘ઈકબાલ દેખ તો સહી, આજ અપને ઘર કિતને સારે મેહમાન આયે હૈં!’

ઈક્બાલ ઘરમાંથી બહાર આવ્યો. ‘ક્યા બાત હૈ’ ખુશીના માર્યા એનાથી વધરે બોલાયું જ નહીં. એ બધા માટે ખુરશીઓ લેવા જતો હતો પણ એને ના પાડીને બધા ઓસરીમાં નીચે જ બેસી ગયા. થોડી વાર સુધી તો છોકરાઓમાંથી કોઈ કશું બોલ્યું જ નહીં. વાતની શરૂઆત કેમ કરવી એ મૂંઝવણ સાથે બધા એકબીજા તરફ જોવા લાગ્યા.

ત્યાં તો ચાચાએ જ વાત શરૂ કરી અને બધાનાં ખબરઅંતર પૂછ્‌યાં.

‘ચાચા, તમારી દુકાન તૂટવાથી અમને બહુ દુઃખ થયું છે.’ એક છોકરાએ ગંભીર થઈને કહ્યું.

‘ચાલ્યા કરે બેટા, મારા એકલાની થોઢી તૂટી છે?’ ચાચા સહેજ પણ કઢવાશ વગર બોલ્યા.

‘પણ તમારા જેવા ભલા માણસની દુકાન તૂટી એ ઠીક નથી થયું.’

‘દેખો ભાઈ, માણસમાં ભલાઈ અને બૂરાઈ બંને ભરેલાં હોય છે. ક્યારેક બુરાઈ જોર કરી જાય. આગ લાગે ત્યારે લીલુંસૂકું બધું જ બળી જાય છેને?’

વાતો થતી રહી. ચાચાની બીમારી ભાગી ગઈ. ઈકબાલ અને એની અમ્મા તો જોતાં જ રહ્યાં. એ મૂંઝાતાં હતાં કે ‘આ હિંદુ છોકરાઓનું સ્વાગત શાનાથી કરવું. આપણા ઘરનાં ચાપાણી લેશે કે નહીં?’

છેવટે એક છોકરાએ ચાચાને પૂછી નાખ્યું કે ‘ચાચા, દુકાન ફરીથી ક્યારે ચાલુ કરો છો?’

ચાચા જવાબ આપે તે પહેલાં ઈકબાલે જવાબ આપ્યો, ‘હું પણ એ જ કહું છું. પણ એ માનતા નથી. કહે છે કે ન થવાનું થઈ ગયું. આપણો ભરોસો તૂટી ગયો. હવે દુકાન ખોલીને શું કરવું છે?

‘નહીં ચાચા, એવું વિચારશો જ નહીં. તમે હમણાં કહ્યું એમ બુરાઈ જોર કરી ગઈ એટલે આ બધું થયું છે. પણ ભલાઈ હારી નથી ગઈ. દુકાનની આસપાસ વાળા બધાને ખૂબ દુઃખ થયું છે. બધા તમને રોજ યાદ કરે છે અને તમે દુકાન ખોલો એની રાહ જુએ છે.’

‘ચાચા, તમારા બધા ઘરાક હેરાન થાય છે. એમને ખાતર પણ તમારે દુકાન ખોલવી જ જોઈએ. તમારા જેવા માણસ હાર માની જશે તો દુનિયા કેવી રીતે ચાલશે?’

‘અમે તો નાદાન છીએ. તોય અમે અમારા મનની વાત લઈને આવ્યા છીએ. તમે જ વિચાર કરો કે આમ ધંધો બંધ કરીને બેસી જવું એ ઠીક છે? ગાડી પાટે તો ચઢાવી જ પઢશેને?’

ચાચાએ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ભેગા થઈને હાહાહીહી કરનારી ટોળકી આવું પણ સમજી શકે છે! ‘તમારી વાત સાચી છે.’ ચાચા ભીના ભીના અવાજે બોલ્યા, ‘હું વધારે પડતો નિરાશ થઈ ગયો હતો. પણ હવે મને લાગે છે કે મારી વિચારવાની રીત ખોટી હતી. અમે કાલથી જ દુકાન ખોલી દઈશું. ખુશ?’

ચાચાની એ વાત છોકરાઓએ તાળીઓના અવાજથી એવી વધાવી કે ચાચાના ચહેરા પરથી વધીઘટી ઉદાસી પણ ભાગી છૂટી. છોકરાઓને એ વાતનો આનંદ થયો કે એમનું આવવું લેખે લાગ્યું.

‘ચાચા, આ અમરા તરફથી નાનકઢી ભેટ છે. તમને કામ લાગશે.’ એવું કહેતાં કહેતાં એક છોકરો સાથે લાવેલી રકમ ચાચાને આપવા લાગ્યો.

અને, ચાચા અડીખમ યોદ્ધાની જેમ ટટ્ટાર ઊંભા થઈ ગયા. ‘બચ્ચાઓ, તમે કેવી વાત કરો છો? ધંધામાં તો નુકસાની થયા કરે. આ વખતે તોફાનને લીધે થઈ એ અલગ વાત છે. પણ અમે કમાઈ લઈશું. તમારી પાસેથી મારે પૈસા ન લેવાય. ગલત વાત છે.’

‘ચાચા, અમે ભાઈબંધોએ જ પ્યારથી ભેગા કર્યા છે. બહારથી ઉઘરાવ્યા નથી.’

‘સમજી ગયો બેટા, પણ અમારે માટે તો તમારો પ્યાર જ કાફી છે. આ પૈસાથી તમે લોકો પાર્ટી કરજો અને ખુશ થજો.’

‘નહીં ચાચા, અમે આ પૈસા પાર્ટી કરવા માટે ભેગા નથી કર્યા.’

‘તો ઐસા કરો, જેને ખરેખર જરૂર હોય, જેનું બધું જ લૂંટાઈ ગયું હોય એવા કોઈ ઈન્સાનને આપી દેજો. પછી ભલે એ ગમે તે કોમનો હોય.’

હવે છોકરાઓને લાગ્યું કે ચાચા, ધાર્યા હતા એના કરતાં પણ વધારે ઊંંચા માણસ છે. હવે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. ચાચાએ બતાવેલો ઉકેલ બધાને ગમ્યો. નક્કી થયું કે, ભેગા કરેલા પૈસા હુલ્લડમાં અસર પામેલા બીજા કોઈને આપવા.

‘હવે બોલો કે બધા શું લેશો? ઠંડુ કે ગરમ? તમને જે માફક આવે એમ હોય એ હોટલમાંથી લઈને આવું.’ મોકો મળતા જ ઈકબાલે છોકરાઓને સવાલ કર્યો.

‘હોટલમાંથી કેમ?’ એક છોકરાએ સામો સવાલ કર્યો. ‘અમે તમારે ત્યાં આવ્યા છીએ ને તમે અમને હોટલની ચા પીવડાવશો?

‘પણ તમે લોકો અમારા ઘરની ચા પીશો?’ ઈકબાલે આનંદ અને આઘાત સાથે પૂછ્‌યું.

‘કેમ નહિ?’ એક સાથે સવાલ થયો.

...બીજે દિવસે સવારમાં જ ચાચા અને ઈકબાલ દુકાને આવીને સાફસૂફી કરવા લાગ્યા. વગર મંગાવ્યે જ રવજી ચા લઈને આવી પહોંચ્યો. ચંદુ, રામુ અને કાંતિ પણ આવ્યા અને ચાચા સાથે હાથ મિલાવી ગયા. બધાએ હોઠોથી ઓછું અને આંખોથી વધારે કામ લીધું. કોઈએ હુલ્લડની વસમી વાતો કરી નહીં.

અને ચાચા! એમના દિલમાં જાણે પંક્ચર પડયું જ નહોતું!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED