Chapti Bharine Varta books and stories free download online pdf in Gujarati

ચપટી ભરીને વાર્તા

લઘુકથા સંગ્રહ

ચપટી ભરીને વાર્તા

-ઃ લેખક :-

યશવંત ઠક્કર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વાચકોને

પ્રિય વાચકો,

‘ચપટી ભરીને વાર્તા’ લઘુકથાઓનો સંગ્રહ છે. દરેક લઘુકથા ખરેખર લઘુ જ હોય અને એ વાર્તા પણ બને એની મેં કાળજી રાખી છે. દરેક વાર્તાનો વિષય પણ જુદો જુદો છે. આપણી આસપાસ જીવાતા જીવનમાંથી પ્રગટતા વિવિધ ભાવ જેવા કે પ્રેમ, પીડા, આનંદ, માણસાઈ, દંભ, વ્યવહાર વગેરેને ઝીલવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાઓમાં ગામડાનું જીવન પણ છે અને શહેરનું જીવન પણ છે. વાર્તાઓનાં પાત્રો કાલ્પનિક છે છતાંય એ આપ સહુને સાવ અજાણ્‌યાં નહીં લાગે.

‘ગુજરાતી પ્રાઈડ’ સાથે જોડાયેલા વાચકોને આ લઘુકથાઓ ગમશે એવો મને ભરોસો છે. વાચકો તરફથી પ્રતિભાવની પણ અપેક્ષા છે.

-યશવંત ઠક્કરના

જય જય ગરવી ગુજરાત

અનુક્રમણિકા

•સાંકડમોકડ

•વાતનો કટકો

•સૂલે તપેલી

•લીલા

•મુંબઈ

•મુખવટો

•સમજણ

•હારજીત

•કિંમત

•ગયા ભાવનો લેણદાર

•શરત

•દક્ષિણા

•હજુ મને ઊંંઘ નથી આવતી

•અફસોસ

•ત્રીજી આંખ

૧. સાંકડમોકડ

મોટરગાડી ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જી રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊંતરીને ગામ સુધી ચાલીને જવાની ઈચ્છા થઈ આવી; પણ, રાકેશની બીકે હું મારી ઈચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.

રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?

નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંંચો કરીને ઊંભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.

‘રાકેશ, ગાડી ઊંભી રાખ.’ મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊંભી રાખી.

નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યુંઃ ‘ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડયો છે એટલે કહું છું.’

‘ગાડીમાં જગ્યા જ નથી.’ રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.

‘જરા સાંકડમોકડ બેહાડી દ્યો તો મહેરબાની.’

‘આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.’ રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.

એ જ ક્ષણે મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું બળદગાડું. માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી. આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો અને એમાં નાગભાઈનાં પરિવારના સભ્યો બેઠાં હતાં.

માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ મેં માફામાંથી નાગભાઈની બાના શબ્દો મેં સાંભળ્યાઃ ‘અરેરે! આ બળબળતા તાપમાં આ સોકરો શેકાઈ જાશે! એને બિચારાને બેહાડી દે.’

‘મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ છે પણ તમને ફાવશે?’ માફામાં જગ્યા નહોતી એટલે નાગભાઈએ અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્‌યું.

‘અરે! સાંકડમોકડ હામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.’

‘આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?’ એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો ઊંભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાંઆપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.

વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને...

‘રાકેશ, ઊંભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.’ મારાથી કહેવાઈ ગયું.

રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.

ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.

ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડયો.

‘શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ન થવાય. તું પણ હજી સુધર્યો નહીં....’ રાકેશ બોલ્યે જતો હતો.

પણ, મારા મનમાં કીડિયારાની જેમ ઊંભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમોકડ જગ્યા કરી રહી હતી.

૨. વટનો કટકો

‘બોલો ભાઈ બોલો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ધરમનાં કામમાં ઢીલ કરશો તો પસ્તાશો.’ વાલજીશેઠે ગામલોકોને પાણી ચડાવવાનું શરૂ કર્યું.

વાલજીભાઈનો ગામમાં પહેલાં મોટો ધંધો હતો. પણ ઉધારી ન પતવાને કારણે ધંધો પડી ભાંગ્યો હતો. હવે તેઓ નાનકડી હાટડીના માલિક હતા. પણ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! ગામલોકો હજી એમને વાલજીશેઠ જ કહેતાં. જળઝીલણી અગ્િાયારસના તહેવારે ઠાકોરજીની આરતી ઉતારવાનો બોલ બોલાવવાનું શુભ કાર્ય એમના ભાગે જ આવતું. હિસાબકિતાબના જાણકાર ખરાને?

કોઈએ સવા રૂપિયાથી શરૂઆત કરી. બીજાએ પોતાનો બોલ સવા બે રૂપિયાથી બોલાવ્યો. તો ત્રીજાએ સવા પાંચ રૂપિયા કહ્યા!

પણ ત્યાં તો....

‘આપણા સવા અગ્િાયાર રૂપિયા.’ અમકુભાઈએ હાથ ઊંંચો કરીને હાકલો કર્યો.

‘ઠાકોરજીની આરતી ઉતારવાના બોલમાં અમકુભાઈના સવા અગ્િાયાર રૂપિયા.’ વાલજીશેઠે પણ પોતાનો હાકલો યથાશક્તિ મોટો કર્યો.

‘આપણા સવા એકવીસ રૂપિયા’ વાઘજી પટેલ પણ જાણે જંગના મેદાનમાં જંપલાવતા હોય એમ બોલ્યા.

‘વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા.’ વાલજીશેઠ ગળું ખંખેરતાં બોલ્યા.

ગામલોકોના ડોકાં ઊંંચા થઈ ગયાં. ‘હવે જામશે’ કોઈ બોલ્યું પણ ખરૂં.

‘આપણા સવા એકત્રીસ રૂપિયા’ અમકુભાઈએ ફરી હાથ ઊંંચો કર્યો.

‘અમકુભાઈના સવા એકત્રીસ રૂપિયા. બોલો ભાઈ બોલો.નાણું મળશે પણ ટાણું નહીં મળે.’ વાલજીશેઠ જોર કરીને બોલ્યા.

ગામલોકો વાલજીશેઠ, અમકુભાઈ, વાઘજી પટેલ અને ઠાકોરજી તરફ વારાફરતી જોતાં રહ્યાં અને બોલી વધતી ગઈ.

જેમ જેમ બોલી વધતી ગઈ તેમ તેમ વાલજીશેઠનું ગળું સુકાતું જતું હતું.

‘હવે વાલજીશેઠનાં ગળામાં પહેલાં જેવો રણકો નથી રહ્યો.’ કાળીદાસે ટીખળ કરી.

‘ક્યાંથી રહે! હાટડી હાલે તો ગળું હાલેને?’ દુલાએ મમરો મૂક્યો.

‘આપણા સવાસો રૂપિયા’ વાઘજી પટેલ બોલ્યા.

‘વાઘજી પટેલના સવાસો રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવાસો રૂપિયા’ વાલજીશેઠ ફાટતા ગળે બોલ્યા.

‘અપણા સવા બસ્સો રૂપિયા’ અમકુભાઈ બંદુકંનો ધડાકો કરતા હોય એમ બોલ્યા.

વાલજીશેઠને તો પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એ તો અમકુભાઈ સામે જોતા જ રહ્યા.

‘શેઠ, અટકી કેમ ગયા? આ તો મરદના ખેલ સે. બોલો આપણા સવા બસ્સો રૂપિયા.’ અમકુભાઈએ પોતાની મૂછો પર હાથ ફેરવતા ચોખવટ કરી.

‘એ અમકુભાઈના સવા બસ્સો રૂપિયા.’ વાલજીશેઠે પોતાનામાં હતું એટલું જોર રજૂ કરી દીધું.

હવે બધાની નજર વાઘજી પટેલ તરફ ગઈ.

પરંતુ,

‘ભલે અમાકુભાઈ લાભ લેતા’ એમ કહીને વાઘજી પટેલ બોલી વધારવામાંથી ખસી ગયા.

બીજું તો કોઈ મેદાનમાં હતું નહીં. વાલજીશેઠ બોલી બોલાવવાના કાર્યક્રમનો અંત લાવતા ઊંંચો હાથ કરીને જોર એકઠું કરીને બોલ્યાઃ ‘ઠાકોરજીની આરતી ઉતારવાના અમકુભાઈના સવા બસ્સો રૂપિયા એક વાર... સવા બસ્સો રૂપિયા બે વાર...સવા બસ્સો રૂપિયા ત્રણ વાર.બોલો શ્રી ગ્િારિરાજધરણકી જે...’

‘જે...’ ગામલોકો ઉમળકાથી જય બોલ્યાં.

ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા અમકુભાઈ જ્યારે ઠકોરજીની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે વાલજીશેઠ મનોમન બોલ્યાઃ ‘વટનો કટકો! ગઈ દિવાળી પહેલાંના દોઢસો રૂપિયા બાકી છે એ આપવાનું નામ નથી લેતા ને અહીં સવા બસ્સો દઈને ઠાકોરજીની આરતી ઉતારે છે!’

૩. સૂલે તપેલી

‘એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી છે.’

‘પૈસા લાવ્યાં છો?’ મેં પૂછ્‌યું.

‘બાકી રાખવા સે, દીકરા.’’

‘બાકી? બાકી બાકી કેટલા દિવસ સુધી કરશો? નથી ઉધાર આપવું જાવ.’

‘કાંઈ કારણ પણ?’

‘આગળના વીસ રૂપિયા લેણા છે એ ચૂકવવાનું તો નામ નથી લેતાં. રોકડેથી લેવા બીજાની દુકાને જાઓ છો ને ઉધાર લેવા અહીંયા આવો છો ? મારે નથી એવો ધંધો કરવો.એક તો ઉધાર આપવું ને ઉપરથી ઘરાક ખોવું.’

‘કોને ન્યાંથી રોકડેથી લાવી વળી? ઈ તો તારા વીસ રૂપિયા નથી દેવાણા એટલે આજ્યકાલ મગનની દુકાને જાવું પડે સે. ને ન્યાંથીનેય ઉધાર જ લાવુંસ.’

‘તો આજેય જાઓ એને ત્યાં.’

‘ એની દુકાન બઉ આઘી પડી જાય દીકરા. ઘેર મે’માન બેઠા છે ને સૂલે તપેલી સે. નકર તારી હારે આટલી બધી ધડય નો કરૂં હો.’

‘તમને કહ્યુંને એકવાર કે મારે ઉધાર નથી આપવું. મારે ઈ ધંધોજ નથી કરવો. મણીકાકી. હું આમ ગામલોકોને ક્યાં સુધી ઉધાર આપ્યાં કરૂં? ઉઘરાણી તો પતતી નથી. મારે તો ગામ મૂકવાનો વારો આવશે.’

‘ગામની વાત જાવા દે. તને આ તારી મણીકાકી ઉપર વિશવાસ નથી? ‘

‘નથી નથી ને નથી. એકસો ને એક વાર નથી. હવે કહેવું છે કૈં?’

‘તારો મગજ તો બઉ આકરો ભઈ. કાંઈ વાંધો નઈં. ઘેર મે’માન સે ને સૂલે તપેતી સે. કાંઈક મારગ તો કાઢવો પડશેને?’

‘તમારે જેમ કરવું હોય એમ કરો. બાકી હું ઉધાર નહીં આપું.’

‘જેવી તારી મરજી.’

મણીકાકી દુકાનનો ઓટલો ઊંતરી ગયા. મેં નવલકથાનું વાંચન આગળ વધાર્યું. પાંચ લીટી પણ નહીં વાંચી હોયને મને થયું કે મણીકાકીને પાછાં બોલાવું. મેં ઊંભા થઈને દુકાનની બહાર ડોકું કાઢ્‌યું .ઊંભી બજારે નજર દોડાવી પણ મણીકાકી ક્યાંય નજરે ન ચડયાં. ત્રણચાર કૂતરાં અને દસબાર નાના છોકરાંઓ સિવાય આખું ગામ હજી રોંઢો થવાની જાણે રાહ જોતું હતું.

મેં ગાદીતકિયા પર લંબાવ્યું અને નવલકથામાં ડૂબકી મારી. હજુ પૂરો ડૂબું ન ડૂબું ત્યાંતો મણીકાકી પાછાં આવ્યાં અને ઓઢણીથી ઢાંકેલો અને ખાંડથી ભરેલો વાટકો દેખાડતાં બોલ્યાંઃ ‘જો દીકરા.તેં ઉધાર દેવાની ના પાડી તો આ તારી ઘેર જીને તારી બા પાંહેથી વાટક્યો ખાંડ ઉછીની લઈ આવી. પણ જોઈ એમાં કાંઈ હાલે? ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી સે. તું જ કે હું બીજું સું કરૂં?’

હું મણીકાકીને તાત્કાલિક જવાબ આપી ન શક્યો અને મારા જવાબની રાહ જોયા વગર જ તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં.

એમની જીમીનો લફડફફડ અવાજ મારે કાને અથડાતો રહ્યો.

૪. લીલા

મથુરાથી વૃંદાવનના હરિયાળા રસ્તે એક નાની બસ ઊંભી રહી. સૌ પ્રથમ ગોર મહારાજ નીચે ઉતર્યા. પછીથી યાત્રાળું ઉતર્યાં.

‘દેખો. યે સબ ભગવાનકી લીલા હૈ. યે સબ અગલે જન્મોમેં ગોવાલ થે. સબ ભગવાનકે સાથ ગૌવા ચરાતે થે.’ વૃક્ષો પર બેઠેલાં વાંદરાં તરફ આંગળી ચીંધતાં ગોર મહારાજે કહ્યું.

યાત્રાળું એક જ ગુજરાતી પરિવારનાં હતાં. તેઓ અહોભાવથી વાંદરાંનાં દર્શન કરવાં લાગ્યાં. વાંદરાં પણ ગુજરાતીઓને ઓળખી ગયાં હોય એમ ગેલમાં આવી ગયાં. તેઓ વૃક્ષો પરથી નીચે ઉતરીને નજીક આવી ગયાં.

ગોર મહારાજ બસમાંથી જામફળથી ભરેલો કોથળો બહાર લાવ્યા. તેઓ એક પછી એક જામફળ કાઢી કાઢીને વાંદરાંને ખવડાવવા લાગ્યા. ‘આપ લોગ ભી ખિલાઈએ ઔર મજો લીજિયે.’ તેમણે યાત્રાળુંને કહ્યું. બધાં હોંશે હોંશે જામફળ લઈ લઈને વાંદરાંને ખવડાવવા લાગ્યાં. ગોર મહારાજ ભગવાનની લીલાની અવનવી વાતો કરવા લાગ્યા. વાંદરાં પોતાની લીલા દ્વારા વાતાવરણને ગુંજતું કરવા લાગ્યાં.

પ.થોડે દૂર એક નાનકડી છોકરી ત્રણ ચાર ભૂલકાઓ સાથે ઊંભી ઊંભી પોતાના હિસ્સાની અમર આશા આંખોમાં લઈને ઊંભી હતી. યાત્રાળું પરિવારની એક છોકરીનું ધ્યાન એ ભૂલકાઓ તરફ ગયું. એનાં મનમાં ભાવ જાગ્યો એટલે ભૂલકાઓને આપવા માટે થોડાં જામફળ લઈને એ એમના તરફ જવા લાગી. ભૂલકાઓના ચહેરા ખીલી ઊંઠ્‌યા.

પણ ગોર મહારાજનું ધ્યાન જતાં જ એમણે યાત્રાળું પરિવારની છોકરીને રોકતાં કહ્યું કે ’ બેટે. યે લોગોકો તો આકે ખડે રહ જાનેકી આદત હૈ. ઈન્હે દેનેકી જરૂરત નહીં હૈ.’ પછી વાંદરાં તરફ હાથ કરતાં કહ્યું. ‘યે ભકતો કો લાભ દો’

નાનકડી છોકરી અને ભૂલકાઓ પાછી ફરી રહેલી છોકરીને તેમજ એના હાથમાંનાં જામફળોને જોતાં જ રહ્યાં. તેમના ચહેરા યથાવત થઈ ગયા.

બધાં જામફળ ખલાસ થઈ ગયાં એટલે ગોર મહારાજે બધાંને મોટા અવાજે પૂછ્‌યું કે ‘મજો આયો?’ જવાબમાં બધાંએ હા પાડી.

‘ચલો અબ આગે ચલે.’ ગોર મહારાજના કહેવાથી બધાં બસમાં ગોઠવાયાં.

બસ જતી રહી. વાંદરાં પણ વૃક્ષો પર જતાં રહ્યાં.

નાનકડી છોકરી અને ભૂલકાઓ વાંદરાંને અકળ ભાવે જોતાં રહ્યાં.

૫. મુંબઈ

મુંબઈ! ઝડપનું બીજું નામ. એ આ વાત જાણતો હતો.પહેલી વખત મુંબઈમાં આવ્યો હતો એટલે એ અંદરથી થોડોઘણો ભયભીત પણ હતો. ઘણાંએ ચેતવ્યો હતો કે મુંબઈની જિંદગી દૂરથી જ દેખાવડી છે. નજીકથી જોઈશ ત્યારે ખ્યાલ આવશે કે કેટલી નમણી છે ને કેટલી કુબડી છે. ‘મુંબઈમાં તો કોઈ કોઈનું નથી’ એવું બોલવાનું તો કોઈ જ ચૂકયું નહોતું. તોય એ મુંબઈ આવ્યો હતો. સપનાં લઈને!

અંધેરીમાં એક જ્ગ્યાએ આજે એણેએક ઈંટરવ્યુ આપવાનો હતો. મન ઉમંગ અને શંકાઓથી ખીચોખીચ ભરેલું હતું; તો ડબ્બો મુસાફરોથી ખીચોખીચ ભરેલો હતો. બેસવાની જ્ગ્યા મળે તો પણ એની બેસવાની તૈયારી નહોતી. અંધેરી જતું રહે તો? એ ડબ્બામાં રસ્તામાં જ ઊંભો રહી ગયો હતો. એક હાથથી બેગ પકડી હતી ને બીજા હાથથી સળિયો. આવતા જતા મુસાફરો એને હડસેલીને જતા હતા. એ પોતાનાં વ્યક્તિત્વને અકબંધ રાખવાની મથામણમાં, વ્યાયામના દાવ કરતો હોય એમ પોતાના દેહને આમથી તેમ ઘુમાવતો હતો.

એ, ક્યુ સ્ટેશન આવ્યું એની જાણકારી મેળવે તે પહેલા તો ગાડી ગતિ પકડી લેતી હતી. જાણે કે ગાડી ક્યાંય ઊંભી જ નહોતી રહેતી પણ ઊંભા રહેવાનો માત્ર ઢોંગ કરતી હતી!

આમ તો એની નજર ડબ્બાની બહારનું; માણસો, વાહનો અને ઈમારતોથી ખદબદતું મુંબઈ જોવામાં જ રોકાયેલી હતી. પરંતું તક મળતાં એ ડબ્બાની અંદર બેઠેલાં લોકો પર પણ નજર નાંખી લેતો હતો. આત્મવિશ્વાસથી ભરેલાં ચહેરાઓની વચ્ચે અધ્ધર જીવ વાળા બે ચાર મુસાફરોને જોઈને એને, પોતે એકલો ન હોવાની રાહત મળતી હતી.

જ્યારે જ્યારે કોઈ સ્ટેશન આવે ત્યારે ત્યારે ધક્કામૂક્કી અને બૂમાબૂમ શરૂ થઈ જતાં હતાં. ને પછી જાણે ઘીનાં ઠામમાં ઘી પડી જતું હતું. દૂધમાં સાકર ભળે એમ મુસફરો ડબ્બામાં ભળી જતા હતા.

‘અબ અંધેરી આયેગા?’ દરેક સ્ટેશનના ગયા પછી એ બીજાને પૂછી લેતો હતો.

‘નહીં. અભી દેર હૈ.’ જવાબ આપનાર એની સામે જોઈ લેતો. ‘મૈં બોલૂંગા.મુજે અંધેરી હી ઉતરના હૈ.’ એક માણસે કહ્યું. ત્યારે એને થોડી નિરાંત થઈ. પણ તુરત ફિકર શરૂ થઈ ગઈ. એ લેભાગુ તો નહીં હોયને? એણે હિમ્મત કરીને પેલાની તરફ જોયું. પેલાએ દયાભરી નજરથી એની સામે જોયું.એણે નજર ફેરવી લીધી.

....અંધેરી આવવાનું થયું. ‘યહાં ઉતર જાના’ પેલા માણસે કહ્યું.

‘ચલો ભાઈ..ઉતરો’ ....‘જાને દો’... ‘નહીં ઉતરના હૈ તો રાસ્તા દો.’ બૂમાબૂમ શરૂ થઈ ગઈ. ગાડી ઊંભી રહે એ પહેલાં તો એને ધક્કા વાગવા લાગ્યા. એણે સળિયો જોરથી પકડી રાખ્યો. ‘જાને દો..જાને દો ..ની બૂમો ચાલુ જ હતી. એણે ઉતરવાની માનસિક તૈયારી કરી લીધી.

ગાડી ઊંભી રહી.એણે સળિયો છોડયો ને એ કશા પણ પ્રયત્ન વગર દરવાજા તરફ ધકેલાયો. લોકો ડબ્બામાંથી ધડાધડ પ્લેટ્‌ફૉર્મ પર ઠલવાવાં લાગ્યાં. તો પ્લેટ્‌ફૉર્મ પર ઊંભલા લોકો પણ ડબ્બામાં ઠલવાવા માટે એટલાં જ આતુર હતાં.

દરવાજે પહોંચીને એ ઉતરવા ગયો પણ એ પહેલાં જ એને પાછળથી ધક્કો વાગ્યો ને એ પલેટફોર્મ પર ગોઠણિયાભેર ખાબક્યો. જાતને બચાવવાના પ્રયાસમાં એના હાથમાંથી બેગ છૂટી ગઈ.

‘ઝડપ નહીં કરોગે તો ઐસા હી હોગા’ કોઈ મજાકિયા અવાજે બોલ્યું.

નરી ભીડમાં પોતાની જાતને સંભાળતો એ ઊંભો થયો. બેગ જોવામાં ન આવતાં એ ઘાંઘો થઈ ગયો સર્ટિફિકેટ્‌સ અને માર્કશીટ્‌સ તો એની એક માત્ર મૂડી હતી ને એ મૂડી બેગમાં જ હતી.

એક ક્ષણ માટે એને લાગ્યું કે ભધું જ લૂંટાઈ ગયું છે. હવે વીલાં મોંઢે પાછા ફરવું પડશે. માબાપના દુઃખી ચહેરા નજરે તરવરવા લાગ્યા. એની આંખોમાં જળજળિયાં આવી ગયાં.સપનાં એને રોળાઈ જતાં લાગ્યાં.

પણ બીજી જ ક્ષણે એના ખભા પર કોઈએ હાથ મૂક્યો.

‘બમ્બઈમેં નયે નયે લગતે હો. કોઈ બાત નહીં. આદત હો જાયેગી. લો અપની બેગ સંભાલો.’ એના ખભે હાથ મૂકનાર વ્યક્તિએ કહ્યું.

બેગ લેતાં લેતાં તો એની આંખોમાંથી લૂંટાઈ ગયેલી ચમક પાછી આવી ગઈ. પણ આઘાત અને આનંદના બેવડા મારથી એ કશું જ બોલી શક્યો નહીં.

..ને એ પેલી અજાણી વ્યક્તિનો ચહેરો જુએ કે આભાર માને તે પહેલાં તો એ વ્યક્તિ ઝડપથી ભીડમાં ઓગળી ગઈ.

૬. મુખવટો

ગૌરવનો આજે પાંચમો ઈન્ટરવ્યૂ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને એમબીએમાં સિત્તેર ટકા ગુણ હતા. પરંતુ, બારમાં ધોરણમાં ફક્ત પંચાવન ટકા ગુણ આવ્યા હોવાથી એને પોતાની લાયકાત પુરવાર કરવાની તકો ઓછી મળતી હતી. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ ઈન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી. જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી. સ્ટાફની જરૂરિયાતના પ્રમાણમાં ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે રહેતી હતી. હરીફાઈનો જમાનો હતો. ગૌરવે પણ પૂરી તૈયારી સાથે ઈન્ટરવ્યૂ આપ્યા હતા. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી. લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું કપરૂં હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું. દુનિયાની કડવી વાસ્તવિકતા હવે એને સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું. માતાપિતા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું. એ તો માનતા હતા કે બધું સારૂં થશે. પરંતુ મધ્યમ પરિવારના સંસ્કાર હેઠળ ઉછરેલ હોવાથી ગૌરવને જલ્દી કમાતા થવાની અને પોતાના પિતાને રાહત આપવાની ઉતાવળ હતી. ...અને બારમાં ધોરણના પંચાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે માતાપિતાએ દરવખતની જેમ આજે પણ ‘ બેસ્ટ ઓફ લક’ કહ્યું હતું. પોતે જવાબમાં ‘થેંક્યુ ’ પણ કહ્યું હતું. એણે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને હૃદયમાં ફરી એક વખત આશાનો દીવો પ્રગટાવ્યો હતો.

એનાં માતાપિતાનાં હ્ય્દયમાં આશાના ટમટમતા દીવા તો ક્યારેય હોલવાયા જ નહોતા. એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ’ હમણાં ટેલિફોન રણકશે ને ગૌરવ હોંશે હોંશે શુભ સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

....ને ઈન્ટર્વ્યૂ આપીને સાંજે એ ઘેર પછો આવ્યો. એનું મોઢું પડી ગયેલું હતું. એનાં માતાપિતાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે એને ઈન્ટર્વ્યૂ બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે પોતે પસંદ ન થયાનું કહેતી વખતે એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો. ઊંગીને ઊંભા થયેલા દીકરાની નિરાશા એમનાથી જોવાતી નહોતી.

ગૌરવે પાણી પીધું. એનાં માતાપિતાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. ગૌરવ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ ગૌરવને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો ગૌરવના ચહેરા પર નજર નાખવાની પણ હામ નહોતી રહી. ઘરમાં નર્યું મૌન વહેવા લાગ્યું!

લાં...બી લાં...બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એની માતાથી મૌન જીરવાયું નહીં. એનાથી પૂછાઈ ગયું કે ‘ બેટા, આજે કેવું રહ્યું?’

ને બીજી જ ક્ષણે એને લાગ્યું કે પોતે ઉતાવળ કરી બેઠી છે. પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક સાંભળવું જ રહ્યું. માતાપિતાએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી સાથે ગૌરવના ચહેરા તરફ નજર નાંખી.

ને ગૌરવે મૌન તોડયું. ‘આજે તો થઈ ગયું.’

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું. એની માતાએ અધીરાં થઈને પૂછ્‌યુંઃ ‘ થઈ ગયું એટલે?’

‘થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી, આજે હું ઈન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.’ ગૌરવે પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને કહ્યું.

‘અરે વાહ!’ નાં ઉદગાર સાથે ગૌરવના પિતા એને ભેટી પડયા.

‘ગાંડા, ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!’ એની માતાએ ઠપકો માપ્યો. એની આંખોમાં હરખનાં આંસુ હતાં.

‘હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.’ ગૌરવે ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊંભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!

૭. સમજણ

આલોક કામ પરથી ઘેર આવ્યો.

‘મમ્મી, આ પેકેટ ખોલ.’ કહીને તેણે એક પેકેટ મમ્મીના હાથમાં મૂક્યું.

‘શું છે બેટા?’

‘ખોલીને જોઈ લેને.’

એની મમ્મીએ પેકેટ ખોલ્યું. જેમાં એક સુંદર મજાની નવી સાડી હતી.

‘અરે! આ કોના માટે?’

‘તારા માટે. બીજા કોના માટે? ખબર નથી? આજે મારો પહેલો પગાર આવવાનો હતો.’

‘અરે મારા દીકરા! તું પહેલા પગારમાંથી મારી સાડી લાવ્યો?’ એ આલોકને ભેટી પડતાં બોલી.

સાડી જોતાં જોતાં તે આગળ બોલી...‘તને સાડી લેતાં આવડી?’

‘બધું ય આવડે. કેવી લાગી એ કહેને.’

‘એકદમ સરસ છે. મને તો બહુ ગમી. પણ દીકરા, આ તો બહુ મોંઘી લાગે છે. કેટલાની આવી?’ મધ્યમ વર્ગની કોઈપણ માતા કરે તેવો સવાલ એણે અચકાતાં અચકાતાં કર્યો.

આલોક જરા અકળાયો. ‘મમ્મી, તારે પહેરવાનું કામ છેને? કિંમત જાણવાની શી જરૂર છે?’

‘આ તો જરા જાણવા માટે. બહુ મોંઘી હશે નહિ?’

હવે આલોક વધારે અકળાયો. એની મમ્મીને શિખામણ આપતો હોય તેમ એ બોલ્યોઃ’ મમ્મી, સસ્તી સાડીઓ બહુ પહેરી. હવેથી બંધ. અને હા, વારેવારે કોઈપણ ચીજની કિંમત પૂછ્‌યા નહિ કરવાની. સમજીને?’

માતા સજળ આંખોએ મોટાં થઈ ચૂકેલા દીકરાને જોઈ રહી.

‘સમજી.’ એ મનમાં જ બોલી.

૮. હારજીત

મનીષ સ્વાતિની રાહ જોઈને થાક્યો. એણે વારંવાર મોબાઈલથી સ્વાતિનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા પણ સ્વાતિ તરફથી જવાબ મળ્યો નહોતો. જો સ્વાતિ આવી ગઈ હોત તો બંને જણાં અત્યારે લગ્નગ્રંથીથી જોડાઈ ગયાં હોત.

એક મિત્રને ત્યાં એક પ્રસંગમાં મનીષ અને સ્વાતિ પરિચયમાં આવ્યાં હતાં. બંને એકબીજાને ગમવા લાગ્યાં હતાં અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ, મનીષની જન્મકુંડળીમાં અડડો જમાવીને બેઠેલો મંગળ વચ્ચે આવ્યો હતો. સ્વાતિનાં માતાપિતાને કુંડળી પર વિશેષ શ્રદ્ધા હતી. બંનેના જન્માક્ષરો મેળવ્યા પછી એમને લાગ્યું હતું કે, ‘મનીષ સાથેનું સ્વાતિનું લગ્નજીવન સુખી નહિ નીવડે.’ પરિણામે એમેની અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની મરજી પૂરી થઈ નહોતી.

ગઈ કાલે મનીષે સ્વાતિને કહી દીધું હતું કે, ‘સ્વાતિ, હવે માત્ર કોર્ટમેરેજનો રસ્તો જ બાકી છે. જો તારાં મમ્મીપપ્પાની મરજી વિરૂદ્ધ મારી સાથે લગ્નથી જોડાવાની હિંમત હોય તો કાલે સવારે દસ વાગ્યે કોર્ટ પર આવી જજે. સાથે જરૂરી પુરાવા લેતી આવજે. તારા આવ્યા પછી મારા મિત્રોને સાક્ષી માટે બોલાવી લઈશ. અને, જો તું હિંમત નહિ કરી શકે તો પછી આપણે કાયમ માટે છુટ્ટાં પડીશું.’

બાર વાગવા છતાં સ્વાતિ આવી નહિ તેથી મનીષની ધીરજ ખૂટી ગઈ. એને થયું કે, ‘હવે સ્વાતિની રાહ જોવી નકામી છે.’

એ કોર્ટના પગથિયાં ઉતરીને મેદાન પાર કરવા લાગ્યો. ‘મંગળ જીતી ગયો અને પ્રેમ હારી ગયો.’ એવા વિચાર સાથે એનાથી એક નિસાસો નંખાઈ ગયો.

એ કોર્ટના દરવાજે પહોંચે એ પહેલાં એના મોબાઈલમાં રિંગ વાગી. સ્વાતિનો ફોન હતો. ‘ હલો મનીષ, હું . રસ્તામાં જ છું. મારે ત્યાં અચાનક જ એક મુરતિયો મને જોવા આવી ચડયો. મારાં મમ્મીપપ્પાએ ગોઠવેલું પણ મને ખબર નહોતી. મારે ફોન બંધ રાખવો પડયો હતો. એ લોકો જેવાં ગયાં એવી જ હું ઘેરથી નીકળી છું. પૂરી તૈયારી સાથે આવું છું.’ એ શ્વાસભેર બોલી ગઈ.

મનીષ કોર્ટ તરફ પાછો ફર્યો, એવું વિચારતાં કે, ‘મંગળ હારી ગયો અને પ્રેમ જીતી ગયો.’

૯. કિંમત

અમેરિકાથી અમદાવાદ આવ્યા પછી બીજા જ દિવસે અંજનાએ પોતાના પપ્પા પાસેથી ઈરફાનનું સરનામું મેળવ્યું. ઈરફાનના પરિવારને ભેટ આપવા માટેની વસ્તુઓ લઈને એ રિક્ષામા ઈરફાનની ઘેર પહોંચી.

ઈરફાનની પત્ની શબાનાએ બારણું ખોલ્યું.

‘ઈરફાનભાઈનું ઘર આ જ કે?’

‘હા. પણ એ તો અત્યારે લંડન છે.’

‘તમે.?

‘હું શબાના, એમની બીબી.’ શબાનાએ શરમાઈને કહ્યું.

‘ઓહ! શબાનાભાભી’ કહેતાંની સાથે અંજના એને ભેટી પડી.

શબાના મૂંઝાઈ ગઈ કે આ કોણ હશે?

‘મારી ઓળખાણ આપું. હું અંજના. જેને તમારા હસબન્ડે નવી જિંદગી આપી છે એ.‘

શબાનાને કશી સમજ પડી નહિ.

‘ભાભી, બે વર્ષ પહેલાં તમારા હસબન્ડે ચેન્નઈ આવીને જેને પોતાની એક કિડની આપી હતી એ હું.’

સાંભળતાની સાથે જ શબાના સ્તબ્ધ થઈ ગઈ.

‘કિડની? એ ચેન્નઈ તમને કિડની આપવા માટે આવ્યા હતા?’

‘હા, ભાભી. મારી બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. આજે હું ઈરફાનભાઈને લીધે જ જીવું છું.’

‘પણ મને તો એમણે આ વાત કરી જ નથી. એ તો ચેન્નઈ કોઈના લગ્નમાં ગયા હતા.’ શબાનાનો આઘાત હજી શમ્યો નહોતો.

અંજના પણ સ્તબ્ધ થઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો કે, ઈરફાને કિડની આપ્યાની વાત એની પત્નીને કરી નથી. અહી આવવામાં મોટી ભૂલ થઈ હોવાનો એને લાગ્યું.

શબાના મનોમન તાળો મેળવવા લાગી. બે વરસ પહેલાં ઈરફાનના મનમાંથી લંડન જવાનું ભૂત દૂર થતું નહોતું. એ વારંવાર કહેતો હતો કે, ‘તને અને છોકરાઓને સુખી કરવા માટે જે કરવું પડે તે કરીશ. હું ગમેતેમ કરીને પણ લંડન જીશ અને ખૂબ કમાણી કરીશ.’ એ ઘણુંય સમજાવતી હતી કે, ‘આપણે અહી સુખી છીએ. તમે અમારી ફિકર ન કરો અને શાંતિથી જીવો.’

પરંતુ ઈરફાન સતત પૈસાના બંદોબસ્ત માટે દોડધામ કરતો હતો.

અને એક દિવસ એણે બે લાખ રૂપિયાની લોન મળી હોવાની વાત કરી હતી.

શબાનાથી ઠપકાભરી નજરે ઈરફાનના ફોટા સામે જોવાઈ ગયું. ‘અમને સુખી કરવા માટે આટલી મોટી કિંમત ચૂકવી અને મને જાણ પણ ન કરી.’ એ મનોમન બોલી.

ફોટામાં હસી રહેલા ઈરફાનને જોઈને શબાના પોતાની જાતને ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રોકી ન શકી.

૧૦. ગયા ભાવનો લેણદાર

એ ગડમથલમાં હતી. ‘હવે મારે કશો નિર્ણય લઈ લેવો જોઈએ. મહેમાન આવવાની તૈયારી છે. મુરતિયો તો આવશે જ. મુલાકાત ગોઠવાશે. પરિણામ તો બધાંએ નક્કી કરી લીધું જ છે. સગાઈની બધી તૈયારી પણ થઈ ચૂકી છે. પપ્પાને કેટલું કહ્યું હતું કેઃ પપ્પા, પ્લીઝ. મને જે ગમ્યો છે, મારા મનમાં જે વસ્યો છે એની સાથે મને પરણવા દો. પણ પપ્પા કોને કહેવાય! ન માન્યા.’

એણે મોન્ટુને ફોન કર્યો. ‘આજે જ મારી સગાઈ નક્કી થવાની છે. આપણે આજે જ ભાગવું પડશે. લાંબી વાત કરવાનો અર્થ નથી.’

‘ઓકે. હું બાઈક લઈને નીકળું છું. તું રિક્ષામાં નીકળ. ગાંધી સર્કલ પાસે ભેગાં થઈએ છીએ. આગળનું પછી વિચારીશું.’

એ હળવા પગલે દરવાજે પહોંચી. કોઈનું ધ્યાન ન ગયું. શેરીમાંથી બહાર નીકળીને એણે રિક્ષા કરી. ‘ગાંધી સર્કલ. ઝડપ કરજો.’

ને પોતાના ધબકારા રિક્ષા કરતાં પણ વધારે ઝડપી લાગ્યા!

‘ઊંતરો’ રિક્ષાવાળએ કહ્યું.

‘પણ ગાંધી સર્કલ તો આવવા દો’

‘બેન. આ રહ્યું ગાંધી સર્કલ. અહીં જ ઊંતરી જાવ. રિક્ષા આગળ જાય એમ નથી. ટ્રાફિક જામ છે.’

એણે પૈસા ચૂકવ્યા. ભીડ હતી. અકસ્માત થયો હોવાની વાત સાંભળી. ભીડને ચીરતાં ચીરતાં જ એણે મોબાઈલ પરથી મોન્ટુને ફોન લગાડયો. ન લાગ્યો.

‘બાઈકવાળો ખલાસ થઈ ગયો. બાઈક પાછળ મોન્ટુ લખ્યું છે.’ એણે કોઈના શબ્દો સાંભળ્યા.

પછી તો જાણે એને કશું જ સંભળાતું નહોતું. સંભળાતો હતો માત્ર ઘોંઘાટ! એ બાઈક સુધી પહોંચે તે પહેલાં પોલીસે એને રોકી. પણ એણે કચડાયેલી બાઈક જોઈ. એ જ નંબર! એ જ નામ! મોન્ટુ! ને બાજુમાં...

એણે હથેળીથી પોતાની આંખો દાબી દીધી.

‘હટો હટો. ઍમ્બ્યુલન્સને આવવા દો’ પોલીસે બૂમ પાડી ને એને ધક્કો માર્યો.

એ અથડાતી અથડાતી પાછી ફરી. ચરણોમાં ગતિ નહોતી! મનમાં વાવાઝોડું હતું. આંખો જળથી ડબડબ હતી.

રિક્ષામાં ઘેર આવી.

‘કયાં ગઈ’તી?’ એની મમ્મીએ પૂછ્‌યું.

‘મોબાઈલ રીચાર્જ કરાવવા.’ એણે જવાબ આપ્યો.

‘હવે. આડીઅવળી થતી નહીં. ને આ કપડાં બદલી નાંખ.’

‘કેમ?’ એનાથી પૂછાઈ ગયું.

‘હમણાં જ ફોન આવ્યો. મહેમાનની કારને અકસ્માત થયો છે. ગાંધી સર્કલ પાસે એક બાઈકવાળો આડો આવ્યો. મુરતિયાનો જીવ લઈને ગયો. ગયા ભવનો લેણદાર!’

૧૧. શરત

આરતી થઈ ગઈ એટલે વડીલ મંડળીના સભ્યો ફરીથી બાંકડાઓ પર ગોઠવાઈ ગયા. ફરીથી અલકમલકની વાતો શરૂ થઈ. વાતો...રોજ તો ભાજપ, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આંદોલન વગેરેની આસપાસ ચક્કર માર્યા કરે. પરંતુ એ દિવસે તો માત્ર ક્રિકેટ અને એમાંય ભારત-પાકિસ્તાનની મેચ પર જ ખોડાઈ ગઈ. વર્લ્ડકપ માટેનો જંગ શરૂ થઈ ગયો હતો અને બીજે જ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હતી.

‘આ વખતે તો પાકિસ્તાનના ભુક્કા બોલી જવાના છે.’

‘કશું કહેવાય નહીં. આપણી ટીમ તો ગાંડી માથે બેડા જેવી છે. ‘

‘સાચી વાત છે. ઘર આંગણે જેટલું જોર કરે છે એટલું બહાર નથી કરતી.’

‘પણ સામે પાકિસ્તાન છે એ કેમ ભૂલો છો? સામે પાકિસ્તાન હોય એટલે જોર ન લાવવું હોય તોય લાવવું પડે.’

‘જોર તો ધોની એ પણ કરવું પડશે. આ વખતે પાણી નહીં બતાવે તો એનું તો આવી બનવાનું છે.’

‘પાણી બતાવે એવો કોહલી છેને! પછી ચિંતા શાની યાર?’ અત્યાર સુધી ચૂપ બેસી રહેલા સોમાભાઈ બોલ્યા.

‘તમારો કોહલીય આજકાલ નથી ચાલતો. પેલી અનુષ્કા પાછળ લટ્ટુ થઈ ગયો છે.’ ગોપાળભાઈએ પોતાનું જ્જ્ઞાન ઠાલવ્યું.

‘એ જે હોય તે. પણ કાલે કોહલીની સદી પાક્કી.’ સોમાભાઈએ હાથ પછાડીને કહ્યું.

‘જો તમે એવું માનતા હો તો મારીએ શરત. મારૂં કહેવું એમ છે કે કાલે કોહલીની સદી નથી થવાની. બોલો મારવી છે શરત?’

‘મારી દઈએ.’... સોમાભાઈએ તૈયારી બતાવી.

ત્યાં તો ગોપાલભાઈએ સોમાભાઈને તાતા તીર જેવો સવાલ કર્યો, ‘શરત તો મારશો. પણ શાની મારશો? શરત મારવા જેવું કશું તમે તમારી પાસે રહેવા દીધું છે ખરૂં?”

‘હા સાલું. એ વાત સાચી. ‘સોમાભાઈ ઢીલા પડી ગયા, ‘જે હતું એ બધું તો છોકરાઓનાં નામે કરી દીધું છે. ચાપાણીના પાંચ રૂપિયાય છોકરાઓ પાસે માંગવા પડે છે. એક ચાની શરત મારવી હોય તોય વિચારવું પડે એવું છે. જાવા દો ગોપાલભાઈ, શરત નથી મારવી.’

ભારતની ઉપરાઉપરી બે વિકેટ જાય ને જેવો સન્નાટો છવાઈ જાય એવો સન્નાટો વડીલ મંડળીમાં છવાઈ ગયો.

૧૨. દક્ષિણા

મથુરાની પવિત્ર ભૂમિની જાત્રાએ ગયેલા જશુભાઈને બે દિવસમાં તો એ સત્ય સમજાઈ ગયું કે, અહિં તો ડગલે ને પગલે પૂણ્‌યનાં પેકેજ વેચનારાઓની કમી નથી. કોઈ મંદિરમાં જીને હજી હાથ જોડયા હોય ત્યાં તો દક્ષિણાની માંગણી થવા લાગે. જશુભાઈ યમુનાજીના કિનારે જીને હજી તો ઊંભા હોય ત્યાં તો કોઈને કોઈ લપ્પીદાસ હાજર થઈ જાય ને એની સેલ્સમેનશિપ ચાલુ કરી દેઃ પૂજન કરા દુ? ગુજરાત સે આયે હો?

મથુરા જેવા તીર્થસ્થાનોમાં ગુજરાતીઓની છાપ દક્ષિણાણા નામે લુંટાઈને ખુશ થનારી પ્રજા તરીકેની છે. જશુભાઈ પણ યથાશક્તિ લુંટાયા. પછી એમેન જ્જ્ઞાન થયું કે, હવે જો હું ઢીલો પડીશ તો ગુજરાતભેગા થવાના પણ પૈસા નહિ બચે અને મથુરામાં જ વાટકો લઈને ઊંભા રહેવાનો વારો આવશે. એટલે એમણે પોતાની દક્ષિણા નીતિમાં પરિવર્તન કર્યું.

એ પરિવર્તનને અમલમાં મૂકવાની ઘડી આવી પહોંચી. તેઓ એક મંદિરમાં થતી આરતીનો ધાર્મિક લાભ લેવા પહોંચ્યા. એ જ વખતે એક ચોબાજી આરતીનો આર્થ્િાક લાભ લેવા એમની સમક્ષ આવી પહોંચ્યા અને જશુભાઈ કશું પણ સમજે તે પહેલાં એમના હાથમાં એક પાંદડું મૂકી દીધું અને આગળ વધી ગયા. .

આરતી પૂરી થઈ એટલે પેલા ચોબાજી જશુભાઈનિ પાસે આવી પહોંચ્યા અને બોલ્યાં કે ‘દક્ષિણા દિજીએ.’

‘કાય કી દક્ષિણા?’ જશુભાઈએ પૂછ્‌યું.

‘મૈને અભી આરતી કરવાઈ ન?’

‘આરતી તો મૈને ખુદ કી.’

‘લેકિન ફૂલ તો મૈને દિયે.’

‘કૌન સે ફૂલ?’

‘એ આપકે હાથ મેં હૈ વો ફૂલ. આરતી કા લાભ લિયા ઔર અબ દક્ષિણા દેને સે બચ રહે હો? ગુજરાત સે આયે હો. નિકાલો દોસો એકાવન ઔર ખુશ કર દિજીયે મથુરા કે બ્રાહ્‌મણ કો.’

‘એ તો એક પાંદડા હૈ.’

‘મથુરા કી પવિત્ર ભૂમિ કા પાન હૈ. ફૂલ બરાબર હૈ.’

‘અચ્છા, એ વાત હૈ તો લો મેરી ઓર સે એ પાંચ સો રૂપિયે કી દક્ષિણા. એ મથુરા કી પવિત્ર ભૂમિ કા એક કાગજ પાંચ સો રૂપિયે કી નોટ બરાબર હોતા હૈ.’ જશુભાઈએ નીચે પડેલું એક નકામું કાગળિયું ઉઠાવ્યું અને ચોબાજીના હાથમાં મૂકતાં કહ્યું.

૧૩. હજુ મને ઊંંઘ નથી આવતી.

આજે કૉલેજમાં ચૂંટણી હતી. કૉલેજમાં પ્રવેશતાની સાથે જ પહેલી મુલાકાત હિતેશની થઈ. હું એને માત્ર નામથી જ ઓળખતો હતો. વિદ્યાર્થી કાર્યકર તરીકે હિતેશ વિદ્યાર્થી આલમમાં તેમજ પ્રોફેસરોમાં પ્રિય હતો. એની સાથેની આ મારી પહેલી મુલાકાત હતી.

‘હલો પાર્ટનર. મત આપ્યો કે હજી બાકી છે?’

‘ બાકી છે.’

‘ જૂઓ મિત્ર, મારે આપને થોડી વિનંતી કરવાની છે. આપ જાણતા હશો જ કે હું જી,એસ.ની ચૂંટણીમાં ઊંભો છું. મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ માત્ર બે ઉમેદવારો વચ્ચેનો જંગ નથી પરંતુ સિદ્ધાંત અને પૈસા વચ્ચેનો જંગ છે. અમે કામ કરીને તમારા દિલ જીતવા માંગીએ છીએ. જ્યારે સામેવાળા પૈસા આપીને આપ સૌને ખરીદવા માંગે છે. માટે આત્માને પૂછીને ....’

હિતેશનું છેલ્લું વાક્ય પૂરૂં થાય એ પહેલા જ જિતેન આવી પહોંચ્યો. મારો હાથ ખેંચીને એ મને દૂર લઈ ગયો.

‘અરે યાર! એની સાથે શું મંડાઈ ગયો હતો? જા પહેલાં મત નાખી આવ. પછી આપણા તરફથી ચા નાસ્તો કરીને સરઘસની તૈયારીમાં લાગી જા. વાતાવરણ આપણી ફેવરમાં છે.’

જિતેન જી.એસ. માટેનો બીજો ઉમેદવાર હતો. પૈસાદાર પિતાનો પૂત્ર હોવાથી એણે ચૂંટણીમાં બેફામ પૈસા વાપર્યા હતા. લગભગ બધા જ વિદ્યાર્થીઓ એને ઓળખતા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે એ અંગત પરિચય કરી ચૂક્યો હતો. અઠવાડિયા પહેલાં જ હું એના પરિચયમાં આવ્યો હતો.

હિતેશને પડતો મૂકીને હું જિતેન સાથે ચાલ્યો. મેં એક નજર હિતેશની સામે નાંખી. એના ચહેરા પર વિષાદની કાળી છાયા પથરાઈ ચૂકી હતી.

મતપત્રકમાં મને હિતેશનો ગમગીન ચહેરો દેખાયો. એની વાત સાચી હતી. જિતેનનો વિદ્યાર્થી પ્રવૃત્તિમાં કશો ફાળો નહોતો જ્યારે હિતેશની કાર્યકર તરીકેની કારકિર્દી ઉજ્જવળ હતી. જિતેનને યેનકેન પ્રકારે ચૂંટાઈને જી.એસ. થવામાં જ રસ હતો. એ માટે પૈસા ખર્ચવામાં એણે પાછું વળીને જોયું નહોતું.

મેં મત આપી દીધો.

ચૂંટણીમાં જિતેન વિજયી થયો. ફક્ત એક મતથી. પૈસાના જોરે મત ખરીદવા છતાં એ એકજ મત વધારે મેળવી શક્યો.

જિતેનનું જોરદાર વિજય સરઘસ નીકળ્યું. કંકુ ને ગુલાલ ઉડયાં. ‘ હિતેશ હાય હાય’ અને ‘જિતેન કે નામપે રામધૂન લાગે’ જેવાં સૂત્રો પોકારાયાં.

...રાત્રિના બે વાગ્યા છે પણ મને ઊંંઘ નથી આવતી.ગુલાલથી રંગાયેલો જિતેનનો ચહેરો નજરે તરવરે છે. સૂત્રોના ભણકારા વાગે છે અને તરત જ નજરે તરવરે છે હિતેશનો ગમગીન ચહેરો. હારવા છતાં એણે જિતેનને અભિનંદન આપ્યાં હતાં. એટલું જ નહીં પોતાના ખભા પર બેસડીને એણે જિતેનને ફેરવ્યો હતો.

હિતેશ ખરેખર લાયક ઉમેદવાર હતો છતાં પણ એ હારી ગયો હતો અને એ પણ ફક્ત એક જ મતથી. આજે કશું ક ખોટું કર્યાનો મને અફસોસ થતો હતો. કાશ મેં હિતેશને મત આપ્યો હોત તો!

હજુ મને ઊંંઘ નથી આવતી!!!

૧૪. અફસોસ

શશી એક આશાસ્પદ લેખક છે. એણે એક વાર્તાસ્પર્‌ધા માટે એક વાર્તા લખી. દિવસો સુધી વાર્તાને યોગ્ય ઘાટ આપવામાં જ રચ્યોપચ્યો રહ્યો. સ્પર્ધામાં પોતાની વાર્તા બધી રીતે કસોટીમાં પાર ઊંતરે એ માટે એણે કોઈ કસર છોડી નહીં.

શશીની લગન લેખે લાગી. પસંદગીકારોએ એની વાર્તાને પ્રથમ પુરસ્કાર માટે પસંદ કરી. એને તરીકે પાંચ હજાર રૂપિયા મળ્યા.

આ સમાચાર એણે મિત્રોને, સગાંસંબંધીઓને, પાડોશીઓને, પોતાની ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને આપ્યા. એને જેને જેને આ સમાચાર આપ્યા એણે એણે ધન્યવાદ આપ્યા અને કોઈ ને કોઈ ચીજની માંગણી કરી. કોઈએ પેંડા માંગ્યા, કોઈએ બીજી મીઠાઈ માંગી તો તો કોઈએ આઈસક્રીમ માંગ્યો. ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને તો એ એક સારી હોટેલમાં લઈ ગયો અને જેને જે ખાવું હતું તે ખવડાવ્યું.

એને ઈનામમાં મળેલા પાંચ હજાર રૂપિયા તો આ રીતે જ વપરાઈ ગયા.

પરંતુ, એ બાબતનો એને જરાય અફસોસ ન થયો. એને અફસોસ માત્ર એ બાબતનો થયો કે દરેકે કાંઈ ને કાંઈ માંગ્યું પણ કોઈએ એની વાર્તા ન માગી. કોઈએ એમ ન કહ્યું કે : ‘શશી, પ્રથમ ક્રમે આવેલી તારી વાર્તા તો વાંચવા આપ. જોઈએ તો ખરાં કે તેં કેવું લખ્યું છે.’

૧૫. ત્રીજી આંખ

‘મંગલ નિવાસ’માંથી રાકેશ બહાર નીકળ્યો.

‘ગુડ બાય, રાકેશ.’ દરવાજા સુધી આવેલી સરિતાએ હાથ ઊંંચો કરીને રાકેશને વિદાય આપી. રાકેશે કશો જવાબ આપ્યો નહીં. થોડે દૂર જીને એણે પાછળ જોયું. સરિતા રડવા જેવી થઈ ગઈ હતી. પરંતુ, રાકેશ પીગળ્યો નહીં. એ મોઢું ફેરવીને ચાલવા લાગ્યો અને મનમાં બોલ્યો : ‘નાટક!’

થોડો આગળ વળ્યા પછી એણે ફરીથી પાછળ જોયું તો પંકજ ‘મંગલ નિવાસ’માં દાખલ થતો હતો. એ મોઢું ફેરવીને ફરી ચાલવા લાગ્યો. પરંતુ આ વખતે એના માથામાં પાછળ એક ત્રીજી આંખ અને બીજા બે કાન ખૂલી ગયા. હવે એને ‘ મંગલ નિવાસ’ની દીવાલોની આરપાર બધું જ દેખાવા અને સંભળાવા લાગ્યું.

પંકજને જોઈને સરિતા એકદમ ખુશ થઈ ગઈ. એણે પંકજને વહાલથી આવકાર આપ્યો. એ પંકજનો હાથ પકડીને પોતાના ઓરડામાં લઈ ગઈ. એણે પંકજને પાણી આપ્યું. પાણી પીતા પંકજને એ એકી નજરે જોવા લાગી.

પંકજના હાથમાંથી ખાલી ગ્લાસ લેતી સરિતાએ પંકજની આંગળીઓ સાથે સ્પર્શની નાનકડી રમત રમી લીધી અને મોહક રીતે હસી પડી. ‘બેસજે હાં કે, હમણાં જ ચા બનાવીને લાવું છું.’ કહેતી સરિતા રસોડા તરફ ગઈ. ‘ના, સરિતા રહેવા દેજે. મારે ચા નથી પીવી.’ એમ કહેતો પંકજ પાછળ ગયો. ‘પણ મારે પીવી છે એનું શું?’ સરિતા બોલી. એણે ગેસ ચાલુ કર્યો.

‘પણ મારે તારી સાથે વાતો કરાવી છે એનું શું?’ રસોડાના બારણા સુધી આવી પહોંચેલા પંકજે કહ્યું. ‘હું તને વાતો કરવાની ના પાડું છું?’ એવું કહેતી સરિતા પંકજની પાસે આવી. પાસે આવેલી સરિતાનો હાથ પકડીને પંકજે એને પોતાના હોઠ સુધી નજીક ખેંચી લીધી.

અને રાકેશે પોતાની આગળની બે આંખો વડે જોયું તો સામેથી સરિતાના પપ્પા આવી રહ્યા હતા. તુરત જ એના માથા પાછળના આંખકાન કામ કરતાં બંધ થઈ ગયાં. સરિતાના પપ્પા નજીક આવ્યા એટલે એ ઊંભો રહી ગયો.

‘કેમ લ્યા, ઘરે નથી આવવું?’ સરિતાના પપ્પાએ પૂછ્‌યું.

‘ના, હું ત્યાંથી જ આવું છું.’ પંકજે જવાબ આપ્યો.

‘ફરી વાર ચાલ. બીજી વાર ન અવાય?’ .

રાકેશ સરિતાને રેડ હેન્ડેડ પકડવાના છુપા ઈરાદા સાથે પાછો ફર્યો. દરમ્યાન એના માથા પાછળના આંખકાન ફરીથી કામે લાગ્યાં. હવે એને સરિતા અને પંકજને મસ્તી કરતાં દેખાયાં.

‘મંગલ નિવાસ’માં દાખલ થતાં જ માથા પાછળનાં આંખકાન ફરીથી કામ કરતાં બંધ થઈ ગયાં. એણે પોતાની આગળની આંખો વડે જોયું તો પંકજ અને સરિતાનો નાનો ભાઈ ટીકુ ઓસરીમાં બેઠાં બેઠાં ચેસ રમતા હતા. એ બંનેએ રાકેશને આવકારો આપ્યો. રાકેશ બાજુમાં પડેલી ખાલી ખુરશી પર બેઠો.

‘ટીકુ બેટા, સરિતા ક્યા છે?’ સરિતાના પપ્પાએ ટીકુને પૂછ્‌યું.

‘એ અંદર છે.’ ટીકુએ જવાબ આપ્યો.

‘જા એને ચા મૂકવાનું કહે.’

‘હું નહીં જાઉં. મારી રમત બગડે.’

‘જા રાકેશ, તું જા ને સરિતાને કહે કે આપણા બધાની ચા મૂકે.’ સરિતાના પપ્પાએ રાકેશને કહ્યું.

રાકેશ અંદર સરિતાના ઓરડામાં ગયો. સરિતા ઊંંધું ઘાલીને એક કાગળ પર ચિત્ર દોરી રહી હતી. રાકેશ ધીમા પગલે સરિતાની સાવ નજીક પહોંચ્યો અને જોયું તો એક ડાકણ જેવી સ્ત્રીનું ચિત્ર પૂરૂં થવા આવ્યું હતું.

ચિત્રનું શીર્ષક હતું : શંકા!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED