કરણ ઘેલો
ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા
નંદશંકર તુળજાશંકર મહેતા
પ્રકરણ ૧૫
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ - ૧પ
બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી. ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચોરા ઉપર ઘણા સવારો તથા સિપાઈઓ એકઠા થઈ બેઠા હતા. કેટલાક નકામા ગામમાં આણીમેર-તેણીમેર થઈ ફર્યા કરતા હતા. કેટલાક ગામની બહાર સીમમાં પોતાના ઘોડાઓને વાસ્તે ચારો શોધતા હતા. ગાયો તથા ગોધા ચરીને મસ્તી કરતાં તથા રસ્તામાં ધૂળ ઉડાડતાં પાછાં ગામ તરફ આવતાં હતાં. ખેડૂતો પોતાનાં ખેતરોથી થાકેલા-પાકેલા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા, તથા તેઓના બળદો રાતનો વિસામો ખાવાને ઘણા આનંદથી શિંગડાં ડોલાવતા તથા તેઓને ગળે બાંધેલા ઘૂઘરાનો અવાજ કરતા ચાલતાચ હતા. વખત ઘણો રળિયામણો લાગતો હતો. સૂર્યનારાયણ પશ્ચિમને દરવાજેથી જતા રહેવાની તૈયારીમાં હતા, અને આકાશનો તે ભાગ નાના પ્રકારના રંગથી શોભાયમાન દીસતો હતો, આસપાસનાં ઝાડો તથા ફૂલોની મંદમંદ સુવાસ સઘળે પથરાઈ રહી હતી, તેમાં માત્ર માણસની બેફીકરાઈથી તથા ફુવડાઈથી જ ઉત્પન્ન થતી દુર્ગંધ કોઈ વેળા ભળતી હતી. ગામમાં હરેક ઘરની સામાં એકેક ઉકરડો હતો, તેમાં વર્ષોનાં વર્ષ થયાં છાણ વગેરે ઘણી ગલીચી એકઠી થયા કરતી હતી. એ ઝેરના ઢગલામાં સડેલી વનસ્પતિ તથા બીજા પદાર્થ કોહ્યા કરતા, અને તેમાંથી જે નાશકારક રજકણો હવામાં ઊડતા હતા તેથી લોકોમાં અનેક તરેહના રોગો પથરાતા હતા, તથા તેઓની આવરદામાં ઘણો ઘટાડો થતો હતો. પણ તે બિચારાં પશુતુલ્ય પ્રાણીઓને એ વાતનું કાંઈ પણ ભાન ન હતું. પોતાના દૈવ ઉપર પાકો ભરોસો રાખીને જે જાય છે તે ઈશ્વરની તરફથી બને છે એમ સમજીને તથા તેઓનાં મા બાપ, છોકરાં, ધણીધણિયાણી, સગાંવહાલાં, વગેરે જેઓ મોતના સપાટામાં તેઓના યોગ્ય વખત પહેલાં આવી પડેલાં તેનું કારણ કેટલેક દરજ્જે એ ઉકરડા જ હતા, તથા એ મૃત્યુને કાંઈક હદમાં રાખવું એ તેઓના હાથમાં હતું એ વાત જાણ્યા સિવાય, તેઓ સુખી અજ્ઞાન અવસ્થામાં પોતાના દહાડા કાઢતા હતા. તે ગામના એક નીચ ઘરમાં એક ઓરડામાં તે સાંજરે બે માણસ બેસી ધીમે ધીમે વાતચીત કરતાં હતાં. તેઓમાંથી એક પુરુષ તથા બીજી સ્ત્રી હતી. પુરુષની વય આશરે ૪૦ વર્ષની દેખાતી હતી; પણ કેટલાક કારણોને લીધે તે વૃદ્ધાવસ્થામાં આવી પડ્યો હોય એમ લાગતું હતું. તેનું શરીર સુકાઈ ગયેલું તથા ચામડીનો રંગ છેક કાળો પડી ગયેલો હતો, આખા શરીરે તે ખંજવાળ્યા કરતો હતો. તેની આંખ લાલચોળ તથા ઊંડી પેસી ગયેલી હતી. તથા ઉપર ટાલ પડ્યાથી તે કાચના જેવું ચળકતું હતું; અને તે ઉપર આફ્રિકાના મહા રણમાં લીલોતરીની કોઈ નાની જગા માલુમ પડે છે તેમ સફેદ થોડાક નિમાળા ઊડતા હતા. તેના આખા દેખાવ પરથી જણાતું હતું કે કોઈ નઠારા વ્યસનમાં ગર થવાથી અશક્ત થઈ ગયેલો હતો; અને ખરી વાત પણ તેમ જ હતી. તે ભાંગનો પૂરો ગરાડી હતો. આખા દહાડામાં જો તેને આશરે ચાર અથવા પાંચ શેર ભાંગ ન મળે તો તે મરણતોલ થઈ જાય. પણ એકલી ભાંગથી તે ધરાતો ન હતો. અફીણ, ગાંજો તથા બીજી કેફી વસ્તુઓ પણ રોજ તેના ખપમાં આવતી હતી. તેથી આખો દહાડો અમલ કરવા સિવાય તેનાથી બીજું કોઈ કામ થઈ શકતું ન હતું. આ સઘળાનું પરિણામ એ થયું કે તેનાથી કાંઈ ધંધોરોજગાર થઈ શકતો નહીં. ગામમાં ગામોટપણું કરવામાં જે કાંઈ થોડી ઊપજ આવે તેમાંથી તેની તરફથી કામ કરનાર બ્રાહ્મણને અર્ધોઅર્ધ આપવું પડતું હતું, અને બાકીના અર્ધામાંથી પોતાની સ્ત્રી અને પાંચ છોકરાંનું ગુજરાન કરવું પડતું હતું. તે બિચારો ઘણી કંગાલ અવસ્થામાં હતો; પણ જો તે એકલો હોત તો ગમે તેવી દુર્દશાથી તે સંતોષ પામી પોતાના કાળનો નિર્વાહ કરત. પણ તેની સ્ત્રી ઘણા જ જુદા સ્વભાવની હતી, અને તેના ઠોક તથા ધાકથી નિરંતર તેને ઉપદ્રવ થયા કરતો, અને જો કેફના અમલથી તે નિશ્ચિંત તથા સદા આનંદી રહેતો ન હોત તો તેની સ્ત્રીના પૈસાના લોભથી તેનો જલદી અંત આવત. પણ હવે તો તેની બાયડીના ઠોક પણ પવનમાં ઊડી જતા હતા. તેની ગાળ ઘરની ભીંત માને તો તે માને, અને તેના વજ્ર જેવા બોલ તેની હાથી જેવી ચામડી ઉપર અથડાઈને પાછા પડતા હતા. તે સઘળાં કારણોને લીધે તેની બૈરીનો જીવ ઘણો ઊકળી જતો. વખતે તેને ક્રોધ એટલો બધો ચઢતો કે તે પોતાના શરીરને ભારે દુઃખ પહોંચાડતી; ઘણી વાર તે પોતે ભુખી રહેતી; તથા પોતાના ધણીને ભૂખ્યો રાખતી. એ વગેરે ઘણેક રસ્તે તેની રીસ ઊભરાઈ જતી. પણ શાંતિ એ અમુલ્ય ગુણ તેના સ્વામીમાં જોઈએ તે કરતાં વધારે હતો તેથી આખરે તેનો જ પરાજય થતો. એ ક્રોધાંધ સ્ત્રી શરીરે ઘણી કદાવર હતી. તેના દેખાવ ઉપરથી જ કોઈને ભય ઉત્પન્ન થાય. તેની ઉંમર આશરે ૩પ વર્ષની હતી. આવી સ્ત્રી જેને હોય તેની ખરેખરી કમબખ્તી જાણવી. જેટલા ગુણો નઠારા ગણાય છે તેઓમાંના ઘણાખરા તેનામાં હતા. ક્રોધ, અદેખાઈ, નિર્દયતા, આદિ બીજા દુર્ગુણોનું તેના મન ઉપર ઘણું પ્રબળ હતું. પણ સૌથી વધારે તેનામાં પૈસાનો લોભ હતો. પૈસાને વાસ્તે તે શું નહીં કરે, એ કહી શકાય નહીં. પૈસાને વાસ્તે રાતદહાડો તેનો જીવ બળ્યા કરતો હતો. પણ ઈશ્વરનો બનાવ એવો બન્યો કે જેટલો તેને લોભ વધારે તેટલી તેની દરિદ્રતા વધારે હતી. પોતાની અગણિત તૃષ્ણાઓને શાંત કરવાને જોઈએ તેટલા પૈસા તેને મળતા ન હતા એટલું જ નહીં, પણ તેને ખાવાપીવાના તથા બીજી જિંદગીને અવશ્ય વસ્તુઓના વાંધા પડતા. એ જ તેને ઘણું ભારે દુઃખ હતું, અને તેથી જે રીસ તેનામાં ઉત્પન્ન થતી તે સઘળી તેના ધણી ઉપર તે કાઢતી. તે દહાડે તેને ઘેર મોટા શ્રીમંત પરોણા આવેલા હતા. ભીમદેવ તથા દેવળદેવી તેઓને ઘેર ઊતરેલાં હતાં. તેઓના દરજ્જા પ્રમાણે તેઓનું સન્માન કરવું, તેઓને કોઈપણ પ્રકારે રાજી રાખવાં, એ વિષે તેને ઘણી ચિંતા થતી હતી. તેને એવી આશા હતી કે જો તેઓ પોતાના રાજકુંવરને ખુશ કરશે તો તેઓ તેને ન્યાલ કરી નાખશે, તથા તેઓનો દહાડો ફેરવી નાખશે. એ મતલબસર તેણે ઘણી ગોઠવણ કરી; પણ એટલા ઉપરથી પોતાની ધારેલી મતલબ પાર પડશે, એ બાબત તેને ઘણો શક હતો માટે આ વખતે કાંઈ તદબીર કરવી જોઈએ. તે શું કરવી એ વિષે ઊંડા વિચારમાં પડી હતી. દેવળદેવીના અંગ ઉપર ઘણું કીમતી ઘરેણું હતું તેટલું જ જો હાથ આવે તો જન્મ સુધી પાર પડી જવાય. પણ તે શી રીતે મળે ? મધ્યરાત્રે તે જ્યારે ભરઊંઘમાં હોય તે વખતે તેને ગૂંગળાવી મારી નાખીને તમામ ઘરેણું ઉતારી લઈ રાતે ને રાતે નાસી જવું; અને મુસલમાનોનું લશ્કર પાસે હતું તેથી તેને આશા હતી કે ભીમદેવ તેની શોધ કરવા આવશે નહીં. એ વાત ઉપર જેમ જેમ તે દુષ્ટ ચંડાળે વધારે વાર વિચાર કર્યો તેમ તેમ તેનું અંતઃકરણ વધારે વજ્ર તથા નિર્દય થતું ગયું, અને પૈસાના લોભથી તેના મનમાં સઘળા કોમળ વિચાર દબાઈ ગયા.
પણ તે કામ હવે કોણે કરવું ? તેણે પોતાના ધણીને પાસે બોલાવ્યો, અને તેની આગળ સઘળી હકીકત ઘણી અસરકારક રીતે કહી, અને છેલ્લે પોતાનું ધારેલું દુષ્ટ કામ તેની પાસે કરાવવાને તેણે હુકમ કર્યો. પોતાની ધણિયાણીમાં પૈસાનો આટલો બધો લોભ હશે, તથા તેને લીધે આવું પાપી કર્મ કરવાને તે કહેશે, એવું હજી લગી તેના મનમાં ન હતું. તથા આ ધારણા સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું એટલું જ નહીં, પણ તેને ઘણો ક્રોધ ચડ્યો. તે બોલ્યો : ‘‘અરે ! દુષ્ટ ચંડાળણી ! અરે ! શંખણી ! યુગના માહાત્મ્યને લીધે તારામાં કેટલું પાપ ભરાયું છે ? અરે ! કસાઈ ! તને આ વિચાર કેમ સૂઝયો હશે ? અરે ! મારી પાસે સ્ત્રીહત્યા કરાવવી ! અને તે સ્ત્રી પણ રાજકન્યા, અને આપણા રાજાના પુત્રની સ્ત્રી ? અરરર ! હવે કલિયુગની ભરજુવાની બેઠી. આ કાળમાં પુરુષો તો દુષ્ટ થઈ ગયા છે; તેઓએ તો સત્ય મૂક્યું; તેઓ પ્રપંચના કૂવામાં પડ્યા; તેઓ માયાની મોહજાળમાં ફસાઈ પડ્યા; તેઓ પરમેશ્વરનો ભય જરા પણ રાખતા નથી; એ સઘળું જોયું છે. પણ સ્ત્રીઓ ! કોમળહૃદય સ્ત્રીઓ, જેઓ અંધારામાં જતાં બીએ, જેઓ માખી મરતી જોઈને કમકમાટ પામે, જેઓના મનમાં દયા વધારે હોવી જોઈએ, તે સ્ત્રીઓ જ્યારે નિરપરાધી પ્રાણીની હિંસા કરવાનો વિચાર કરે, એથી તો સીમા વળી. અરે ભગવાન ! આગળ કેવો કાળ આવવાનો છે ! તે હું ન જોઉં તો સારું. તેની અગાઉ, અરે ભગવાન ! તું મને ઉઠાવી લેજે. રાજદ્રોહ ! સ્ત્રી હત્યા શાસ્ત્રમાં મોટામાં મોટી કહેલી છે. અરે લક્ષ્મીબાઈ ! તેં જગતમાં સઘળાને વશ કીધાં છે, બીજા બધા દેવો તથા દેવીને મુકીને તારા સેવકો સઘળા થઈ પડ્યા છે. તારે વાસ્તે લોકો ઘણા અધર્ળ્મ કરે છે. અરે ! એક સ્ત્રી, તે વળી રાજકન્યા, અને તે પણ પરોણાગતના આશ્રયમાં રહેલી, તેની હત્યા કરવાનો વિચાર મારી દુષ્ટ સ્ત્રીને સૂઝ્યો, અને તે ઘોર પાપ મારી પાસે કરાવવાને ધારે છે એથી તો આડો આંક વળ્યો. હવે જગતમાં રહેવામાં કાંઈ સાર નથી, હવે તો મારે સંન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ, અને આ પાપી પ્રપંચી દુનિયાનો ત્યાગ કરવો જોઈએ. હું એક ગરીબ બ્રાહ્મણ છું; મને મારી ધણિયાણી તરફથી મહાસંતાપ છે; મારું ભરણપોષણ પણ મુશ્કેલીથી થાય છે; તોપણ આટલાં બધાં દુઃખની સાથે હું મારા કાળનો નિર્વાહ કરું છું; જગત્ની જંજાળ તથા કલિયુગના દુષ્ટ વિચારોથી વિરક્ત રહેવાને હું રંગપાણી લઉં છું. હમેશાં નશાની લહેરમાં રહીને સંસારનો મહાસાગર ચેનથી તરી જાઉં છું. ભલે આકાશ તૂટી પડે તોપણ આ દુષ્ટ કર્મ, આ ઘોર પાપ હું કદી કરવાનો નથી. મારે કાંઈ પૈસાનું કામ નથી, અને મારાથી એ કામ બને એવું નથી.’’
રંગમાં ચકચૂર થયેલા ભટ આ પ્રમાણે પહેલી જ વાર પોતાની ધણિયાણીની સામું બોલ્યા. ભટે પહેલી જ વાર પોતાની ભટાણીની મર્યાદા તોડવાને હિંમત ચલાવી. તે એ પ્રમાણે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવી ભટાણીને આશા ન હતી, અને તેની સાથે તે આવી રીતે ચાલશે એવો તેને વિચાર જ આવ્યો ન હતો. તેને એ વાતની તો પકક્કી ખાતરી હતી કે એ કામ તેનાથી થવાનું નથી. તેને તો માત્ર તેની મદદ જોઈતી હતી, પણ ઉપર પ્રમાણેનું બોલવું સાંભળીને તેનામાં સુતેલો સેતાન જાગ્યો; તેનામાં નખથી શિખા સુધી ક્રોધની જ્વાળા ઊઠી; તેનું મોં રીસથી લોહીવર્ણ થઈ ગયું; તેના ડોળા લાલચોળ થયા; તથા આખા શરીર ઉપર તેનાં રૂઆં ઊભાં થયાં. આટલી બધી વાત સાંભળવાની તેનામાં ધીરજ રહી એ જ મોટું આશ્ચર્ય હતું; પણ ક્રોધને લીધે તેની છાતી બંધ થઈ ગઈ અને તેનાથી બોલી શકાયું નહીં. પણ જ્યારે ભટ ઉપર પ્રમાણેનું ભાષણ કરી ચૂપ બેઠા, તયારે ભટાણીનો સઘળો અગ્નિ પ્રદીપ્ત થયો, અને પહેલો જુસ્સો તો તેણે ગાળ દેવામાં ખાલી કર્યો. તે બોલી : ‘‘અરે ભંગી ! અફીણી ! ગાંજાખોર ! અરે દુષ્ટ વ્યસની ! અરે બાયલા ! તું પુરુષને રૂપે સ્ત્રી છે. તને પુરુષ બનાવવામાં બ્રહ્માની ભૂલ થઈ છે. મારાં ક્યા જન્મનાં પાપ નડ્યાં કે હું તારે પાલવે પડી ! મારાં માબાપ આંધળાં હશે કે મારે વાસ્તે આવો ધણી શોધી કાઢ્યો. તને તો મશાલ લઈને શોધી કાઢ્યો હશે. અરે, બીજા મરી ગયા હશે, કે તારી કર્મે હું પડી ! બળતી મશાલે ખરે બપોરે મને કૂવામાં નાખી. તને પરણીને હું શું સુખ પામી છું ? તું તો નશામાં આંધળો થઈને પડી રહે છે તે તેં કાંઈ જોયું છે ? બીજાં આપણી ન્યાતમાં બૈરાં કેવાં ફરે છે ? લૂગડાં ઘરેણાંથી તેઓ ભરપૂર રહે છે, તેઓના સઘળા કોડ તેઓના ધણી પૂરા પાડે છે. તેઓનાં મન રાજી રાખવાને તેઓ સવારથી સાંજ સુધી ગદ્ધાવૈતરું કરે છે. તેઓની મરજી સંભાળે છે. તેઓની સાથે હેતથી રહે છે. પણ હું અભાગણી કેવી ? એવું સુખ મારા જન્મારામાં ભોગવ્યું નથી. મારો અવતાર છેક એળે ગયો. મારાં સુખ તો સ્વપ્નામાં જ વહી ગયાં. મારી ઉમેદ તો ઊગતી જ દબાઈ ગઈ. અરે દૈવ ! મારા ઉપર આટલી આફત, આટલું દુઃખ શા માટે નાખ્યું ? ધણીધિયાણીના સુખનો સ્વાદ તો મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી; અરે, લૂંગડાં ઘરેણાં તો ક્યાંથી જ ? મુઆમાં રળવાની શક્તિ નથી; પીટ્યાથી પોતાના પેટનું તો ભરણપોષણ થતું નથી; એ તો મારે લીધે તને, મને, તથા આ મૂઆં નાનાં નાનાં છોકરાંના ભુડક્સને કકડો રોટલો મળે છે, તો પછી બીજું શું તું આપવાનો છે ? જો હું બેસી રહું, હું રાતદહાડો ફિકરમાં રહેતી ન હોઉં, જો હું પેટને સારુ ફાંફાં મારતી ન હોઉ, તો આપણે સઘળાં ભૂખે મરી જઈએ. એ એ સઘળું મુઓ ભૂલી ગયો ? અને આજે મને શિખામણ દેવા બેઠો છે ! કળજુગને સતજુગ, બ્રહ્મા ને વિષ્ણુ ! બોલતાં જ આવડે છે ! એ કરતાં તું પથ્થર થયો હોત તો હજારો લોકોને કામ લાગત. તેં મનખાદેહ ધરીને શું સાર્થક કર્યું ? પહેલાં પોતાના કુટુંબનું પોષણ તો થતું નથી. ધિક્ પડી તારા દેહને ! ધૂળ પડી તારા અવતાર ઉપર ! અરે, બળ્યું તારું જીવતર કે બૈરીને લીધે તારું પેટ ભરે છે. તારા જેવા માણસ જીવતા અને મુએલા બંને સરખા. તું જીવને શું ઉકાળે છે ? આખો દહાડો નશો કરીને ગધેડાની પેઠે પડી રહે છે. એવા વર કરતાં રંડાપો પણ હજારગણો સારો કે દેખવુંયે નહીં અને દાઝવુંયે નહીં. તું ખરેખરો મૂએલા જેવો છે. તારા ગયા પછી આ ચૂડો ફોડી નાખવો; અને આ ચોટલો બોડાવવો તેમાં દુઃખ શું છે ? હું તો જીવતા ધણીએ રંડાપો ભોગવું છું. જે કામ તારે કરવાનું છે તે હું કરું છું, જો તું ઉદ્યમ કરી કમાતો હોત તો આ દુષ્ટ કામ કદી કરવું પડત નહીં. એ કલિયુગનું પણ માહાત્મ્ય નથી અને કોઈનું પણ માહાત્મ્ય નથી, એ તો તારું માહાત્મ્ય છે. હું જાણું છું કે એ મહાપાપ કરવાથી આપણો કોઈ દહાડો છૂટકો થવાનો નથી. એ સ્ત્રીહત્યા કરવાથી જમના માર ખાવા છે, અને નરકના કીડા થઈ અવતરવું છે. પણ શું કરવું ? પેટને અર્થે કરવું પડે છે. શું આપણે જીવતાં સુધી દુઃખમાં અને દરિદ્રતામાં દહાડા કાઢવા ? શું આપણે જીવતાં આપણાં છોકરાંને ભૂખે મરવા દેવાં ? અરે ગધેડા ! એ બાળહત્યા શું નહીં ? આપણાં પેટનાં છોકરાં ભૂખે મરે તે આપણે જોયાં કરી અને સ્ત્રીહત્યા કર્યાં કરીએ ! શું પૈસાને સારુ પાપ કોણ નથી કરતું ? રાજાથી રંક સુધી સઘળા પૈસાને વાસ્તે પ્રપંચ કરે છે; વ્યાપારીઓ જૂઠું બોલે છે તથા ઘરાકોને છેતરે છે, સરકારી કારભારીઓ રુશવત ખાય છે; કારીગર લોકો વખત ચોરે છે તથા વખતે ખરેખરી જણસની ચોરી કરે છે. બિચારા બ્રાહ્મણોને કાંઈ ચોરવાનું નથી, ત્યારે શું કરવું ? પૈસા તો જોઈએ; ત્યારે આ મહા પાપ કરવાની જરૂર પડે છે. મેં તો તારું મન જોવાને તને કહ્યું. હું જાણું છું કે તારામાં એવું કામ કરવાની શક્તિ નથી. પણ તું જૂઠો ઢોંગ કરે છે તે જોઈને મને ઘણો ક્રોધ ચઢે છે. કહેવત છે કે ‘અશક્તિમાન ભવેત્ સાધુ.’ તારામાં શક્તિ નથી ત્યારે ધર્માત્માપણું જણાવે છે. અત્યાર સુધી પુરુષનું કામ હું જ કરતી આવી છું; તું તારી પાઘડીને એબ લગાડે છે. તારી પાઘડી ઉતારીને મને આપ, અને આ મારી કાંચળી તું પહેર. જો એ કામ કરવાની તારી ખુશી ન હોય, તો મૂગોમૂગો બેસી રહે, કોઈને કહેતો ના.’ ભટ આ પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને છક થઈ ગયો; અને શિવ ! શિવ ! કરી ઈશ્વરનું ધ્યાન ધરી પોતાની જગાએ બેસી રહ્યો.ં
હવે ભટાણીએ રાતને વાસ્તે સઘળી તદબીર ગોઠવવા માંડી; પણ એ સઘળું કરવાની અગાઉ દેવળદેવીના શરીર ઉપર કેટલું ઘરેણું છે તથા તે ક્યાં ક્યાં છે તે પહેલાં જોઈ લેવાની જરૂર હતી; માટે ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવીની પાસે જઈને બેઠી, અને બૈરાંની રીત પ્રમાણે વાત કરવા લાગી. કેટલાક જુદા જુદા વિષય ઉપર વાત કરીને ઘરેણાં વિષે બોલવા માંડ્યું, અને એમ કરતાં તેનું સઘળું ઝવેર તેણે જોઈ લીધું. તે વખતે રાત પડેલી હતી, અને જમવાની તૈયારી કરવી હતી, માટે ભટાણીએ તરત રસોઈ કરી; પણ તેનું મન રાંધવામાં ન હતું. દાળ દાઝી, ભાત બળી ગયો, અને રોટલી કાચી રહી. ભટાણીને રાત્રે એક દુષ્ટ અને ભયંકર કર્મ કરવાનું હતું, તેથી તેનું મન આવું અસ્થિર થઈ ગયું હતું, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. તેના અંતઃકરણમાં જુદા જુદા વિકારોનું તોફાન થઈ રહ્યું હતું. કોઈ વાર દયા જય પામે, એટલે દ્રવ્યનો લોભ જોર પકડીને દયાને દાબી નાખે. કોઈવાર ધર્મની વૃત્તિ જોર પકડે ત્યારે પોતાની દુર્બળ અવસ્થા તથા પોતાનાં છોકરાંનું દુઃખ યાદ આવી તે વૃત્તિને કચડી નાખે. એ પ્રમાણે તેના મનમાં ઊથલપાથલ થઈ રહી હતી, પીરસવામાં પણ ભટાણીનું ચિત્ત ઠેકાણે ન હતું. તેના દુષ્ટ વિચારથી તેને દૂર કરવાને અંતઃકરણ તેને ધીમે ધીમે સમજાવતું હતું, પણ તે એકલાની સામા બોલનારા શત્રુ ઘણા હતા. જમનારાઓએ તેને બેબાકળી થયેલી જોઈ; તેનું કારણ શું હશે તે ન જાણ્યાથી તેઓ મૂગા બેસી રહ્યા. તેઓ સમજ્યા કે એ સ્ત્રીજાત છે માટે પુરુષને દેખી શરમાય છે; પણ તેના મનનું માપ તેઓથી થઈ શક્યું નહીં. જ્યારે જ્યારે ભટાણીનું મન સ્થિર થતું, ત્યારે ત્યારે તે બોલતી કે આવા રાજકુંવર જેવા મોટા પરોણા અમારા ગરીબ ઘરમાં આવ્યા એ અમારું મોટું ભાગ્યા, તથા તેથી અમારું ઝૂંપડું પાવન થયું; પણ તેઓની જોઈએ તેવી પરોણાગત કરવાને અમારી પાસે કાંઈ નથી તેથી અમને ઘણી લાજ લાગે છે, અને તેથી મારું મન આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. ભીમદેવ તથા દેવળદેવીએ તેને મીઠાં મીઠાં વચન કહી ધીરજ આપી. આવે વખતે ને આવી જગાએ તેઓએ તેમને રાખ્યાં એ જ તેઓનો મોટો ઉપકાર થયો, અને એ ગુણનો બદલો કોઈ વાર પણ વાળવામાં આવશે. એ રીતે તેને ઘણો દિલાસો દીધો. પણ જેને પેટમાં દુખે તેને માથે ઓસડ ચોપડવાથી શો ગુણ થાય ? એ પ્રમાણે તેઓ બંનેના વચન ભટાણીએ સાંભળી લીધાં. પણ તેણે નાનપણથી કોઈએ ઉપદેશ કર્યો હતો કે રાજાના બોલવા ઉપર ભરોસો કદી રાખવો નહીં; તેઓ તો ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ એવી જાતના લોકો હોય છે; માટે ભટાણીને તેઓના બોલવા ઉપર કાંઈ વિશ્વાસ આવ્યો નહીં. વળી તેનો વિચાર એવો હતો કે નિશ્ચિત વસ્તુ છોડીને જે અનિશ્ચિત વસ્તુ મળવા ઉપર ભરોસો રાખે છે તેને કેવળ મૂર્ખ જાણવો. તેના મનમાં તેના ધારેલા કામમાં કાંઈ મુશ્કેલી લાગતી ન હતી, અને નાસી જઈ બચવા વિષે પણ પૂરી ખાતરી હતી. અરેરે ! માણસની કેવી મૂર્ખાઈ છે ! દુનિયામાં ઘણાખરા ગુના આ જૂઠા વિચારને લીધે જ થાય છે, તે પ્રમાણે ભટાણીના મનભમાં આવતું હતું એમાં કાંઈ નવાઈ જેવું ન હતું.
જમી રહ્યા પછી સૌ સૂવાને ગયાં, અને તેઓને બીજે દહાડે સવારે જલદી કૂચ કરવાની હતી તેથી તેઓ સઘળાં વહેલાં સૂઈ ગયાં, અને તરત ઊંઘવાને માટે પછાડા મારવા મંડી ગયાં. ભીમદેવનાં માણસો એકદમ નિદ્રાવશ થઈ ગયાં. ભટ પોતે પણ લાંબા થઈને સૂતા, અને નશામાં ચકચૂર થયેલા તેથી પોતાની વહુની સાથે થયેલી સઘળી વાત તેના મગજમાંથી ભૂંસાઈ ગઈ, અને લહેરમાં ઊંઘી ગયા. છોકરાં સઘળાં સૂઈ ગયાં. માત્ર ઘરમાં ત્રણ જણ જાગતાં હતાં. એક તો ભટાણી પોતાના ઓરડામાં એક તલવાર તૈયાર રાખીને બિછાના ઉપર પછાડા મારતી હતી, અને ઘણી જ આતુરતાથી મધ્યરાત્રિના સમયની રાહ જોતી હતી, એક મિનિટ તેને કાળ જેવી લાંબી લાગતી હતી અને તેના મનની અવસ્થા એવી હતી કે તેનું યોગ્ય વર્ણન પણ થઈ શકે નહીં. બીજો ભીમદેવ દુશ્મનના હાથમાંથી બચ્યો, તથા પોતાની રાજધાનીમાં બીજે દહાડે સાંજરે પહોંચાશે, એ વિચારથી તથા પોતાનું ધારેલું કામ સિદ્ધ થયું અને દેવળદેવીને પોતાના ભાઈ શંકળદેવને વાસ્તે લઈ જઈશ, એ વાતથી તેને ઘણો આનંદ થતો હતો. તે છતાં પણ એક દહાડો હજી કાઢવો છે, તથા તેટલા વખતમાં કદાપિ શી શી વિપત્તિ આવી પડે તેની ખબર ન હતી તેથી તેને ઊંઘ આવતાં મુશ્કેલી પડતી હતી. તોપણ થોડી વારમાં તે ભરઊંઘમાં પડ્યો. ત્રીજી દેવળદેવીની સ્થિતિ સુખદાયક તથા દુઃખદાયક એ બંને હતી. અગર જો સાચા તથા પવિત્ર પ્યારનો રસ્તો નિર્વિધ્ન હોતો નથી, અગર જો તે રસ્તો ઘણો વિકટ તથા ખડબચડો હોય છે, અગર જો ધારેલી ઉમેદ પાર પાડતાં ઘણો વિલંબ લાગે છે. તથા વચમાં ઘણી અડચણો નડે છે, તોપણ અંતે સાચા સ્નેહનો જય થાય છે; અંતે વહાલાનો સંયોગ થાય છે; અને અંતે આગલાં સઘળાં દુઃખના બદલામાં ઘણું સુખ મળે છે. એ વાત ઉપર વિચાર કરવાથી દેવળદેવીના મનને ઘણો દિલાસો મળતો હતો, તથા તેનો જીવ ઘણો ઉલ્લાસમાં હતો. તે બિચારી હજી બાળક હતી. તેને હજી કોઈ અનુભવ ન હતો. તેણે માત્ર તડકો જ જોયો હતો, છાંયડાનો તો તેને અનુભવ જ ન હતો. દુનિયામાં કેટલી હરકતો નડે છે તે તે જાણતી ન હતી; માટે જેની છબી તેના અંતકરણમાં રહી હતી, જેનું તે નિરંતર મનન કર્યા કરતી હતી, જેની સાથે તેણે પહેલો જ પ્યાર બાંધ્યો હતો, તથા જેને તેણે પોતાનું તન, મન, અને ધન અર્પણ કરેલું હતું તેનો કાલે મેળાપ થશે, એ આતુરતાથી જ તેના જીવને અત્યારે જરા પણ ચેન પડતું ન હતું. તે બિચારી દેવળદેવીને કાલે શું થવાનું છે તેની ખબર ન હતી. તે આસપાસની હકીકત પ્રમાણે પોતાના હતાં, તેને લીધે તેના મનમાં ધીરજ રહેતી હતી, તથા તેઓની ખુશીની સાથે તેને ખુશી થતી હતી. પોતાના પરમ પ્રિયનું દર્શન, તેની સાથે પહેલી મુલાકાત, પરસ્પરનો હેતનો ઊભરો, પ્રેમસહિત વાતચીત, તથા આગળ કેવાં સુખ ભોગવવાં છે, તે સઘળું તેની આંખ આગળ રમી રહ્યું હતું. કલ્પનાશક્તિ જોરાવર હોવાને લીધે તેને અતિ સુખ પ્રાપ્ત થતું. પણ અફસોસ ! ભવિષ્ય ઉપર એક ભયંકર કાળો પડદો પડેલો હતો અને પરમ દયાળુ પરમેશ્વરની કૃપાથી તે પડદાની આરપાર તેનાથી જોઈ શકાતું ન હતું, તેથી તેની પેલી ગમ સઘળું સુખરૂપ છે, એવી કલ્પનાથી તે બિચારી પોતાનો કાળિનર્વાહ કરતી, અને આ પ્રમાણે કલ્પેલું સુખ ભોગવવામાં જ તે નિદ્રાને વશ થઈ.
રાતના બે વાગ્યા. રાતનો ભરપૂર અમલ બેઠેલો હતો. ચંદ્રમાં અસ્ત પામ્યો હતો, અને સઘળે ઠેકાણે અંધકાર વ્યાપી ગયો હતો. આખી સૃષ્ટિમાં ચૂપાચૂપ હતું. માત્ર વખતે વખતે ઘુવડ અથવા ચીબરીનો કઠોર શબ્દ કાને પડતો હતો. આ વખત ચોરોને ઘણો અનુકૂળ પડે એવો હતો. એ વખતે ભૂતપીશાચ વગેરે મલિન પ્રાણીઓને બહાર ફરવા નીકળવાનો ગણાતો હતો. આ વખતે સદ્દગુણ આરામ પામતો હતો, અને દુર્ગુણ જ માત્રો જાગી ઘડી ગણતો હતો. એવે વખતે ભટાણી જાગ્રત થઈને ઊઠી અને ખૂણામાં જે તલવાર સંતાડેલી હતી તે પકડી. તે ધીમે ધીમે જે ઠેકાણે દેવળદેવી સૂતી હતી ત્યાં ગઈ, અને પોતાના ધારેલા કામને પાર પાડવાની તૈયારી તેણે કરી. ઓરડામાં સઘળાં ભરઊંઘમાં હતાં, તેઓની ઘોરથી ઘણો મોટો તથા ભયંકર શબ્દ થઈ રહ્યો હતો, દીવો ઝાંખો ઝાંખો બળતો હતો તોપણ જેટલાં પ્રકાશનાં કિરણ તેમાંથી નીકળતાં હતાં, તેઓમાંથી ઘણાં દેવળદેવીના રૂપવંતા વદન ઉપર પડતાં હતાં. આ અંધકાર અને અજવાળાની મર્યાદા ઉપર દેવળદેવી સૂતી હતી, અને તેની પાસે ભટાણી હાથમાં નાગી તલવાર લઈને ઊભી હતી. આ કેવો દેખાવ ! આ વખતે કોઈ ચતુર ચિતારો હોય તો તેને પોતાના ચિત્રને માટે એક વિચિત્ર પણ ભયાનક વિષય મળી આવે. એક તરફ એક ભરજુવાનીમાં ફૂટતી, રૂપાળી, નિર્દોષ સ્ત્રી ભરનિદ્રામાં ગર્ક થયેલી હતી; અને બીજી તરફ એક મધ્યમ અવસ્થાની ક્રૂર, ચંડાળ સ્ત્રી મહાપાપ કરવાને તત્પર થઈ હાથમાં પ્રાણઘાતક શસ્ત્ર લઈ ઊભી હતી. એક તરફ ઈંદ્રની રંભા, અને બીજી તરફ એક શંખણી, એક તરફ કમળલોચની પોતાનાં નેત્રકમળની પાંદડી બીડીને વિશ્રાંતિ લેવી હતી; અને બીજી તરફ લોહીવર્ણ, ફાટેલા ખૂની ડોળાવાળી રાક્ષસી દુષ્ટ વાઘની પેઠે પોતાના શિકાર તરફ તાકતી હતી. એક તરફ સદ્ગુણી, શાંત મનની અબળા નિદ્રાદેવીની બાથમાં ભરાયેલી હતી; અને બીજી તરફ સ્ત્રીના નામને એબ લગાડનાર બાયડી અતિ દુષ્ટ કર્મ કરવાને તત્પર થયેલી હતી; તેના મનમાં જેમ વાવાઝરડાંથી સાગરનું પાણી ઊછળે છે તેમ ઊથલપાથલ થઈ રહી હતી. આ ભયંકર વખતે તેણે તલવાર ઉગામી તો ખરી, પણ તે નીચે પડતાં વચમાં અટકી ગઈ. ખરે કોઈ સદ્ગુણની, કોઈ નિર્દોષપણાની રક્ષણ કરનાર દેવીએ તે શસ્ત્ર પકડી રાખ્યું, ભટાણીનો હાથ નિર્બળ થઈ ગયો, તલવાર હાથમાંથી પડી ગઈ; તેની કાયા શિથિલ થઈ થરથર કાંપવા લાગી; તેને સર્વાંગે પરસેવો છૂટ્યો; અને કપાળ ઉપર પાણીનાં ટીપાં બંધાયાં; તેના મોં ઉપરથી લોહી ઊડી ગયું; અને જેવો શીરના બહારના ભાગમાં મોટો ફેરફાર થયો તેવો માંહે પણ થયો. પ્રિય વાંચનાર ! આ ઠેકાણે સવાલ ઊઠશે કે આ શાથી થયું ? અંતઃકરણના પશ્ચાત્તાપથી જ. ભટાણીએ જો જતાં વાર ઘા માર્યો હોત, તો તે દુષ્ટ કામ થઈ ગયું હોત; પણ તેણે આવીને દેવળદેવીનું મોં કેટલીક વાર જોયાં કર્યું, તેથી ઊંચી વૃત્તિઓને જોર પકડવાનો વખત મળ્યો; અંતઃકરણે પાછો પોકાર કર્યો. દેવળદેવીના સુંદર તથા નિર્દોષ મુખમાંથી જે શીતળ કિરણો નીકળ્યાં તેથી ભટાણીના મનની આગ હોલવાઈ ગઈ, અને તે વખત દયા તથા બીજા કોમળ વિકારો મદદે આવ્યા, તેથી ભટાણી બદલાઈ ગયાં. લાગલો જ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. આ સુંદર કોમળ કાયા ઉપર કઠણ લોઢાનો ઘા કોણ કરી શકે ? આ રૂપાળા ફૂલની કળી કોનાથી તોડાય ? આ શોભાયમાન વૃક્ષ ઉપર કુહાડો કેમ મરાય ? તેથી ભટાણી તલવાર પાછી લઈ પોતાની તળાઈ ઉપર સૂઈ ગયાં, એમાં કાંઈ આશ્ચર્ય નથી. સદ્ગુણનું આટલું જોર છે; પશ્ચાત્તાપની એટલી અસર છે; પણ તે સઘળું થવાને માટે વખત અવશ્યનો છે. કોઈ પણ દુષ્ટ કર્મ કરવા અગાઉ જો થોડોઘણો વખત મળે તો તે કર્મ થતું બંધ પડવાનો ઘણો સંભવ રહે છે.
પ્રભાતનો પહોર થવાની લગભગ વેળા થઈ. સૃષ્ટિનું રૂપ બદલાવા માંડ્યું. પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ જાગ્રત થઈ પોતપોતાને કામે નીકળ્યાં. ગામનાં કૂતરાંઓ ભસવા લાગ્યાં. સવારોના ઘોડાઓએ ખંખારવા માંડ્યું અને ભીમદેવનાં સઘળાં માણસો તૈયાર થઈ કૂચ કરવાને નીકળ્યાં. ભીમદેવ પણ પોતાના ઘોડા ઉપર સવાર થયો. દેવળદેવી ઘરમાંથી બહાર નીકળી, અને તેને વાસ્તે જે ઘોડો તૈયાર કર્યો હતો તે ઉપર તેણે બેસવા માંડ્યું. તે વખતે ભટજી હાથ જોડીને ભીમદેવની આગળ ઊભા રહ્યા; આશીર્વાદના મંત્ર ભણ્યા; અને દક્ષિણાને માટે આતુરતા દેખાડી. ભટાણી નીચું માથું રાખીને દેવળદેવીની સામી ઊભી રહી. રાતની વાત યાદ આવવાથી ભટાણીથી દેવળદેવીની સામું જોઈ શકાયું નહીં. તેને એટલી તો શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તો તે માંહે પેસી જાય. દેવળદેવી તો તે સવારે ઘણી હસમુખી દેખાઈ, અને ઘણા ઉમંગથી ભટાણીને પાસે બોલાવી તેણે જે ચાકરી કરી તથા આવે વખતે જે પરોણાગત કરી તેને માટે તેનો ઉપકાર માન્યો, અને રાત્રે જેટલું ઝવેર તેના અંગ ઉપર હતું તે સઘળું એક દાબડામાં ભરી તેને આપી દીધું, અને તેને એવું વચન આપ્યું કે દેવગઢ પહોંચ્યા અને ત્યાં ઠરીઠામ થયા પછી તને પણ ત્યાં બોલાવી લઈશ, અને પોતાની પાસે હમેશાં રાખીશ. ભટને પણ સો સોનાની દક્ષિણા મળી, અને વળી રાજધાનીમાં ગયા પછી દરબારમાં બોલાવી તેને જન્મ સુધી ન્યાલ કરી નાખવાની કબૂલાત આપી. આવી રીતે તે દુર્ભાગી દરિદ્રી કુટુંબના સુખના સૂર્યનો ઉદય થયો, તેથી ધણીધણિયાણીને જે અતિ આનંદ થયો તેની વાંચનારાઓએ કલ્પના કરી લેવી. જો ભટજી નશાના અમલથી સદા આનંદી ન હોત તો આ સુખની અકસ્માત્ રેલ આવવાથી તેનું મગજ ઘસડાઈ જાત, અને છેક ગાંડો થઈ જાત, તેમ જ જો ભટાણીનું મન મજબૂત ન હોત તો તે જ વખતે તે હર્ષ સનેપાતથી પડીને મરણ પામત. તેઓનાં મનમાં ઉપકાર ઊભરાઈ જવા લાગ્યો, અને આ ગુણનો કાંઈ બદલો વાળવાને તથા પશ્ચાત્તાપના કીડાને કાંઈ નરમ પાડવાને ભટાણીએ દેવળદેવીની સાથે જવાનો નિશ્ચય કર્યો, અને તે બીજી દાસીઓના ટોળામાં પોતાનાં છોકરાંને સાથે લઈ સામેલ થઈ. ભટજી પણ તેની સાથે ચાલ્યા. એ પ્રમાણે સવારી ગામ બહાર નીકળી. ગામના લોકો તેઓને વળાવવા આવ્યા, તથા પોતાના રાજકુંવરને વાસ્તે તથા જે તેઓની હવે પછી રાણી થનાર હતી તેના ઉપર તેઓએ ઘણો પ્યાર દેખાડ્યો; તેઓના ઉપર ફૂલોની વૃષ્ટિ કરી; અને ઘરડાથી તે બાળક સુધી સઘળાં માણસોએ પોતાના અંતફકરણથી તેઓને આશીર્વાદ દઈને પરમ કૃપાળુ ઈશ્વર પાસે એટલું માગી લીધું કે તેઓને રસ્તે દુષ્ટ મ્લેચ્છનો અથવા બીજા કોઈનો ઉપદ્રવ થાય નહીં, અને તેઓ સુખરૂપ તથા સહીસલામત રાજનગરીમાં જઈ પહોંચે. તેઓમાંથી આશરે સો જુવાનો હથિયારબંધ ભીમદેવની સાથે ચાલ્યા અને બાકીના પોતપોતાને ઘરે ગયા.
જ્યારે ભીમદેવની સવારી દેવનગરી તરફ જતી હતી તે વખતે અલફખાં શું કરતો હતો તે ઉપર જરા આપણે નજર કરીએ. જે મેદાનમાં આવી અલફખાં અટક્યો ત્યાં જ તેણે તેના લશ્કરને માટે છાવણી કરી. થોડી વારમાં તે ઠેકાણે એક ગામ બની રહ્યું. નાના પ્રકારના તંબુઓથી તે જગા શોભી રહી હતી. વચ્ચે એક મોટો બજાર મંડાયેલો હતો. લશ્કરને માટે જે જે અવશ્યનું હતું તે સઘળું ત્યાં આવી પહોંચ્યું હતું. અને અગર જો દુકાનદાર તથા બીજા કેટલાક લોકોને ફાયદો હતો, અને તેથી તેઓ ઘણા આનંદમાં દેખાતા હતા તોપણ મુખ્ય સરદાર, નાના અમલદારો, તથા ઊંચા વર્ગના સિપાઈઓમાં ભારે દિલગીરી પથરાયેલી હતી. અલફખાંના દુઃખનો તો કાંઈ પાર જ ન હતો. તેનાં કારણો એવાં એવાં તો ખુલ્લાં છે કે તે કહેવાની કાંઈ જરૂર નથી. હવે તો તે બિલકુલ નિરાશ થઈને બેઠો. હવે કાંઈ જ ઈલાજ રહ્યો નહીં. અને હવે પછી શું થશે તેની તેને કાંઈ ખબર ન હતી. હવે આગળ જવામાં કાંઈ ફાયદો ન હતો. દેવગઢ એક મજલ દૂર રહ્યું હતું; પણ તે શહેર ઉપર તેની પાસે જેટલાં માણસો હતાં તેટલાં લઈ જવામાં કાંઈ નફો ન હતો. એટલું જ નહીં પણ ઘણું નુકસાન હતું. કેમ કે એટલાં મુઠ્ઠીભર માપણો દેવગઢનો રાજા સહેજ કાપી નાખશે, એમ તે સમજતો હતો. પાછું જવું એ વિના બીજો રસ્તો ન હતો, પણ એ કેવો દુઃખદાયક વિચાર !
તેના સિપાઈઓ પણ તેવી જ દિલગીરીમાં ગિરફતાર થયા હતા. તેઓની સઘળી મહેનત છૂટી પડી, અને આટલું દુઃખ તથા સંકટ વેઠ્યા પછી અપયશનો ગાંસડો બાંધ્યો. કાફર હિંદુઓ તેઓ ઉપર હાથ મારી ગયા એથી તેઓ ઘણા ગુસ્સે થયા. જો પોતાના દીનવાળાઓ સાથે લડતાં હાર્યા હોત તો આટલી ફજેતી ન હતી. તેઓ વારે વારે મૂછ ઉપર તાવ દેતા હતા, અને તેઓની ચાલ ઉપરથી ‘મિયાં પડે ટંગડી ખડી’ એ કહેવત ખરી પડતી હતી, જ્યારે રાત પડી ત્યારે તેઓનાં જુદાં જુદાં ટોળાં બંધાયાં, અને મોટાં મોટાં તાપણાં સળગાવી જુદે જુદે ઠેકાણે તેઓ કૂંડાળાં વળીને બેઠા. તેઓમાંથી એક કૂંડાળામાં બે સિપાઈઓ નીચે પ્રમાણે વાત કરતા હતા :
સોભાનખાં - મિયાં ઈબ્રાહીમખાં ! અલ્લા તમને સલામત રાખે, પણ અલફખાંનું પાણી હવે ગયું. પાદશાહની હજુરમાં તેણે વક્કર ખોયો. એ રંડી ખરેખર હાથમાંથી છટકી ગઈ. પણ અલ્લાના કસમ, એમાં અલફખાંનો કાંઈ વાંક નથી. તેનાથી જેટલી મહેનત થઈ તેટલી તેણે કરી. સઘળી વાત ખુદાના હાથમાં છે. તેની એ પ્રમાણે જ ખુશી હશે.
ઈબ્રાહીમખાં - વાત સાચી કહી રંડી હાથમાંથી છટકી તો ગઈ, અને તેમાં અલફખાંનો ઘણો કસૂર નથી. પણ તેણે થોડી આપણી પણ મસલત લીધી હોત તો સારું. તે પોતાની જ અક્કલ પ્રમાણે ચાલ્યો તેમાં એવાં ફળ નીપજ્યાં. હવે તે પાદશાહને શી રીતે મોં બતાવશે ? પણ એ સઘળું કારસ્તાન પેલા ખોજાનું છે. વધારે કહેવાની શી જરૂર છે ? થોડામાં સમજી લેવું, તેણે પોતાને આબરૂ મળવા માટે આ જંગલમાં એક ભુખડી રાજા ઉપર ચઢાઈ કરી, અને આ જંગલમાં અને પહોડોમાં મુસલમાન લોકોને ફસાવ્યા. ખુદાને માલૂમ કે એનું પરિણામ શું થશે. પણ હાલ તો બિચારો અલફખાં ગરદન મરાયો. ખુદા ખેર કરે. શું થશે ?
સોભાન અ જ્યારે તમે આગળ વાત ચલાવી ત્યારે તો મારે કહેવું જોઈએ કે એ ખોજાને તો એ રાંડ સાથે કાંઈ જ નિસબત નથી. એને તો દેવગઢના રાજાને પાધરો દોર કરવો છે. પણ પાદશાહના ઝનાનખાનામાં એક રજપૂતાણી રાંડ છે તેને પાદશાહ વશ થઈ ગયો છે. તે ખરેખરી પરીજાત છે. જેવી બેહેશ્તની હુરી. પાદશાહ તેનામાં ગુલતાન થઈ ગયો છે, એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. ઓરતની વાત જ એવી છે. તે રંડીના કહેવાથી ઉપરથી અલફખાંને અહીં આવવું પડ્યું. નાસી ગયેલી ઓરત તેની દીકરી થાય છે. તેને દિલ્હીમાં પોતાની પાસે બોલાવવી છે. પાદશાહની વાત જ ન પૂછવી. અલ્લા જાણે, એ જુવાન છોકરીને પાદશાહ શું કરશે ? માને પરણીને હવે છોકરી સાથે શાદી કરશે ? અગર નહીં તો શાહજાદા સાથે પરણાવશે ? કાફર લોકોમાં પણ ઘણી ખૂબસૂરત ઓરતો છે તે ખુદાએ આપણે જ માટે પેદા કરેલી છે. પણ જ્યારે પાદશાહ તે સઘળીને પોતાની પાસે ખેંચી લેશે, ત્યારે આપણા જેવા સિપાઈ બચ્ચાને ઓરતો ક્યાંથી મળશે ? પાદશાહનો પણ જુલમ છે.
મલેક જાફર - (વચ્ચે બોલી ઊઠ્યો) કેમ છે મિયાં સાહેબો ? કાંઈ અક્કલ ગીરો મૂકી છે ? હજરતો ! કાંઈ જિંદગીથી કાયર થયા છો ? નકામા મોત શા માટે માગી લો છો ? જો તમારી વાત પાદશાહના જાણ્યામાં આવશે તો તમારા કટકે કટકા કરી નાખશે. તમે હજી અલાઉદ્દીન ખીલજીને ઓળખતા નથી. તે સઘળે ખાનગી જાસૂસો રાખે છે અને ગમે તેવી છાની વાત થાય તો પણ તેને કાને પડ્યા વિના રહેતી નથી. માટે હમેશાં સમાલીને વાત કરવી જોઈએ. એમાં નફો નથી, ઊલટી હાનિ છે; માટે એ વાત બદલી નાખવી જોઈએ, બીજી ઘણીએ વાત છે.
સોભાન - ઈસ્તગ્ફરૂલ્લાહ ! વાત સાચી છે. બીજી વાત કરવી જોઈએ. વારુ, આટલામાં કાંઈ જોવા લાયક જગા છે ? હવે અહીં નવરા પડી રહ્યા છીએ, ત્યારે કાંઈ ગમત કરવી જોઈએ.
મ. જા. અ સુબાનઅલ્લાહ ! જગા તો એવી બતાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ. અહીંથી થોડેક દૂર કાફર લોકોનાં દેવળ છે. એવાં સઘળી જહાંનમાં નહીં હશે. અલબત્ત, મક્કા, મદીનામાં જે આપણી મસ્જિદો છે તેની વાત તો કહેવી જ નહીં. વેરુલ કરીને એક પાસે ગામ છે તેમાં ગુફાઓ છે તેની શી તારીફ કરું ! તે ઉપરની નકશી તથા કોતરેલું કામ તો જોયાં જ કરીએ. હિંદુ લોકોમાં પણ મોટા કારીગરો થઈ ગયેલા છે. એ લોકો ઘણી વાતમાં હોશિયાર છે. એક તેઓનો દીન શેતાનનો બનાવેલો છે, અલહમદુલિલ્લાહ ! ખુદા તેઓને વધારે રોશની આપે.
સોભાન - મિયાં સાહેબ - એ કોતરોનું થોડું બ્યાન કરો.
મ. જા. - તેઓનું બ્યાન થઈ શકે એવું નથી; જોયાથી જ તેની ખુબી જણાય. પણ જ્યારે તમારા સઘળાની ખાહિશ છે ત્યારે તેનો એક ટૂંકો અહેવાલ મારી મગદુર પ્રમાણે હું આપું છું. વેરુલ ગામથી આશરે અર્ધા કોશ ઉપર એક અર્ધચંદ્રાકાર પહાડ છે. તેના આગલા ભાગમાં એ ગુફાઓ છે. તેઓ બ્રાહ્મણ, જૈન તથા બૌદ્ધ લોકોની છે. જમીનની અંદર દેવળો એટલાં બધાં છે તથા તેઓ એવાં શોભાયમાન છે, તેઓમાંનાં કેટલાંક એટલાં તો મોટાં તથા ઊંચા છે, બીજાં કેટલાંકમાં એવી તો ભાતભાતની નકશી છે, અજાયબ સરખાં પાતરાં તથા વેલ એવી તો કોતરેલી છે; થાંભલા ઉપર એવી તો બારીક તથા ખૂબસૂરત નકશી છે, તેઓના ઉપર દેવીની મૂર્તિ એવી તો રમણીય ખોદી કાઢી છે, તથા પૂતળાં એવાં એવાં તો મોટા કદનાં છે કે આપણે એ સઘળું જોઈને ખરેખરા તાજુબ થયા વિના રહીએ નહીં. કેલીક ગુફાઓને બ્રાહ્મણ લોકો ધિક્કારીને ઢેડવાડો કહે છે. તેઓ ચોમાસાના દહાડામાં ઘણી જ રળિયામણી દેખાય છે. જે કોતર છે તે ઘણું જ મોટું તથા ખૂબસુરત છે, અને તેના આગલા ભાગ આગળથી ચોમાસામાં એક નાની નદી વહે છે. એ નદી જ્યાં નીચેના મેદાનમાં પડે છે ત્યાં એક સુંદર પાણીનો ધોધ થાય છે, અને તેથી દહેરાં આગળ એક કાચના જેવો નિર્મળ પારદર્શક પડદો થઈ રહે છે. ગુફાના મોં આગળથી તે છેક છેડા સુધી જમીન ઉપર બે પથ્થરની પાટલી સામસામી સીધી ને સીધી જડેલી છે તે ઉપર વિદ્યાર્થીઓ, લહિયા, તથા દુકાનદારો બેસે છે, અને વચ્ચે થઈને છેક છેડાની મૂર્તિ આગળ જવાય છે. ઘણું લંબાણ થઈ જાય માટે વધારે બોલતો નથી; પણ એટલાથી જ તે ગુફાઓ કેવી જોવા લાયક છે તેનો તમારે ખ્યાલ કરી લેવો. પણ તે ગમે તેવી સારી હોય તોપણ જો વા શી રીતે જણાય ! અલફખાંની રજા લેવી જોઈએ. હમણાં રજા માગવા કોનાથી જવાય ? અને આવે વખતે આપણે સેર કરવાનો વિચાર કરીએ એ સાંભળીને તે ઘણો ગુસ્સે થશે, અને રજા આપશે નહીં એટલું જ નહીં, પણ તે આપણને ઘણો સખ્ત ઠપકો દઈ કાઢી મુકશે. માટે શો વિચાર છે ?
સોભાનખાં, ઈબ્રાહીમખાં તથા બીજા ઘણા સિપાઈઓ બોલી ઊઠ્યા કે આપણે પણ મુસલમાન બચ્ચા છીએ. આપણે લશ્કરમાં આપણા પાદશાહની ખાતર લડવા આવ્યા માટે તેને કાંઈ આપણે વેચાયા નથી. રજા માગવાની કાંઈ જરૂર નથી. જો આપણે ઘણા જણ સાથે જઈશું તો અલફખાં કે તેનો બાપ શું કરનાર છે ? આપણે સઘળાને કાંઈ ફાંસી દેવાનો નથી, અને કાઢી મુકશે તો શી ફિકર છે ? હવે કામ સઘળું થઈ ચૂક્યું છે. આપણે અહીં આટલા દહાડા મોટું દુઃખ ભોગવ્યું, તથા ઘણી મુસીબતો વેઠી ત્યારે હવે એક દહાડો સેર કરવાનો નહીં મળે ? હવે જે થવાનું તે થઈ રહ્યું. અલ્લાનું નામ લઈને મોજ કરીએ. અહીં ફરીફરીને ક્યાં આવવાના છીએ ? જીવ્યા કરતાં જોયું ભલું. માટે બસો-ત્રણસો માણસો એકઠા થઈએ; પછી જે થનાર હોય તે થાય. રજા લેવાની કંઈ જરૂર નથી. માટે, અતયારે કોણ કોણ આવવાને રાજી છે તેઓને ચુપકીથી એકઠા કરવા, અને રાત્રે સઘળી તૈયારી કરી રાખી સવાર ન પડે એટલામાં બીજા કોઈ ન જાણે તેમ કૂચ કરી ચાલ્યા જવું. એ સિવાય બીજો કાંઈ રસ્તો નથી.
વેરુલની ગુફા જોવા જવાને તે જ રાત્રે આશરે ત્રણસો માણસ તૈયાર થયા અને પાછલી રાત્રે ઊઠીને તથા સાથે હથિયાર રાખીને તેઓ સઘળા ચાલતા થયા. એ કામ તેઓએ એવું છાનામાના કર્યું કે છાવણીમાંથી કોઈને કાંઈ ખબર પડી નહીં, અને જે થોડાએ જાણ્યું તેઓ કાંઈ બોલ્યા નહીં. આ સેર કરવા નીકળેલી ટુકડી ઘણી રમણીય જગાઓમાં થઈને ચાલી. જમીન ઘણી જ ઊંચીનીચી હતી. નાના પહાડો વનસ્પતિથી છવાઈ ગયેલા હતા અને ઘણા શોભાયમાન દીસતા હતા. નીચે ખીણોમાં કાચ જેવી નીતરી નાની નદીઓ વહેતી હતી. તે ઉપર જ્યારે સૂર્ય પ્રકાશ્યો ત્યારે તો શોભાની કાંઈ મણા રહી નહીં. સવાર કેવી રળિયામણી લાગતી હતી ! તેમાં આવા જખ્ખડ સિપાઈઓ જેઓનો સઘળો અવતાર માણસોને ચીમડાંની પેઠે કાપી નાંખવામાં ગયેલો, તથા જેઓ દારૂગોળાની પડોશમાં જ રહેલા, અને સૃષ્ટિની લીલા જેઓએ જોયેલી જ નહીં, તેઓમાંથી જો કોઈને ઈશ્વરનાં સુંદર કામ તપાસવાનો શોખ હોય તો તેને તે સવારે અતિ આનંદ થયા વિના રહે જ નહીં. સૂર્યોદય થતાં જ પહેલાં તો પહાડોની ટોચો ઉપર સઘળે તડકો પડ્યો; હજી બીજી નીચી જગાઓ ઉપર અંધારું હતું, પણ ધીમે ધીમે નદીઓનાં પાણી પણ ચળકવા લાગ્યાં. ઝાડોનો લીલો રંગ ભભકાદાર જણાવા માંડ્યો. ઝાડીઓમાંનાં પક્ષીઓએ નાના પ્રકારના મધુર સ્વર કાઢીને આખી જગા ગજાવી મૂકી. વચ્ચે વચ્ચે રાની પશુઓનો કઠોર શબ્દ સંભળાતો હતો. એવી જગામાંથી જોતા જોતા તે લોકો આગળ ચાલ્યા.
હવે ભીમદેવ, દેવળદેવી, સવારો, સિપાઈઓ, દાસ, દાસીઓ, ભટ, ભટાણી વગેરેનું શું થાય છે તે ઉપર નજર કરીએ. ગામની બહાર નીકળ્યા પછી કેટલેક દૂર સુધી રસ્તામાં કાંઈ પણ બનાવ બન્યો નહીં. આશાથી ભરપૂર, ભયરહિત તથા ખુશ દિલથી તેઓ ચાલ્યાં જતાં હતાં. દેવળદેવી એક સુંદર તથા જલદ ઘોડા ઉપર બેસીને ઊંડા વિચારમાં ઘોડાની મરજી પ્રમાણે આગળ જતી હતી. તે દહાડો તેની જિંદગીમાં સૌથી મોટો હતો; તે દહાડે તેની સઘળી ઈચ્છા સફળ થવાની તે આશા રાખતી હતી; તે દહાડે તેના પ્રિયતમનું મોં તેને જોવું હતું; તે દહાડાથી તેના સંસારનો આરંભ થવાનો હતો; અને તે દહાડો તેના કલ્પેલા સુખી વખતનો પહેલો જ હતો. માટે તે દહાડે તેને અતિ સુખની સાથે ઘણી જ ચિંતા મનમાં રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
દહાડો ધીમે ધીમે ચઢવા લાગ્યો; અને ખરા બપોર થયા એટલે કેટલેક દુરથી કોઈ રડતું હોય એવો અવાજ સઘળાઓએ સાંભળ્યો. બપોરને વખતે આવો ભયંકર શબ્દ કાને પડ્યો તેથી સઘળા ચમક્યા. દેવળદેવીએ જાણ્યું કે કોઈ માણસ મોટી વિપત્તિમાં આવી પડેલું છે, અને તેને મદદ કરવાની જરૂર છે, માટે સવારી અટકાવી અવાજ જ્યાંથી આવે છે ત્યાં જવું એવી મરજી થઈ; અને તેણે પોતાની સાથેનાં માણસોને અટકાવ્યાં, ભીમદેવને ત્યાં જરા પણ થોભવાની ખુશી ન હતી. રસ્તામાં આગળ શું થશે તેની કાંઈ ખબર ન હતી; માટે જેમ બને તેમ જલદીથી કૂચ કરી શહેરમાં પહોંચી જવું એવો તેનો વિચાર હતો. પણ જ્યારે દેવળદેવી અટકી ત્યારે તેને પણ અટકવાની જરૂર પડી અને તેઓ સઘળા તે બાજુ તરફ વળ્યા. અવાજ વધારે વધારે સાફ સંભળાવા લાગ્યો, અને કેટલેક દુર ગયા પછી તેઓએ એક ઝાડની નીચે એક બૈરીને બેઠેલી જોઈ, તે બૂમ પાડીને રડતી હતી. આ બૈરી દુઃખ થતા દરિદ્રતાનું ખરેખરું સ્વરૂપ હતી, તેના શરીર ઉપર જે ફાટાં ચીંથરાં ઢાંકેલાં હતાં તેમાંથી તેનું આખું શરીર જણાતું હતું, અને તે ચીંથરાં એટલાં તો મેલાં હતાં કે અસલ તેઓ કેવા રંગનાં હશે તે હાલ કહેવું અશક્ય હતું, તથા તેમાં જૂ વગેરે બીજાં જીવડાંઓએ વાસો કર્યો હતો. તેના મોં ઉપરથી દેખાતું હતું કે તે કાંઈ મહાભારત દુઃખમાં આવી પડેલી છે. તે એવી તો બદસિકલ તથા બિહામણી હતી કે તેને જોઈને ધોળે દિવસે પણ બીક લાગ્યા વિના રહે નહીં. દેવળદેવીનો ઘોડો પાસે આવતાં જ તે એકદમ ઊઠી, અને લગામ પકડી તેને પાછો ઘસડવા લાગી. ઘોડો તો ઘણા વેગે દોડ્યો, અને તેની સાથે પેલી બૈરી પણ દોડતી ચાલી. સઘળા સિપાઈઓ તો જડભરત થઈ ઊભા રહ્યા. આ કોઈ પ્રેત, ડાકણ, કે શાકણી હશે, અને તે દેવળદેવીને ઢસડી જઈ કોઈ નદીમાં ડુબાડી દેશે, અથવા બીજી રીતે તેનો પ્રાણ લેશે એ વિષે તેઓને કાંઈ શક રહ્યો નહીં, અને તેની આગળ આપણું કાંઈ ચાલવાનું નથી. એવી ખાતરી થવાથી તેઓએ તેની પાછળ કાંઈ દોડ કરી નહીં, પણ મૂંગા મૂંગા જોયા કર્યું દેવળદેવીનો ઘોડો જ્યારે ઘણો દૂર નીકળી ગયો. ત્યારે ભીમદેવે હિમ્મત પકડી પોતાનો ઘોડો પાછળ ફેંક્યો, અને તે એવો તો વીજળીના વેગે ચાલ્યો કે તે દેવળદેવીને પકડી પાડશે એમાં કાંઈ શક રહ્યો નહીં. ભીમદેવની પાછળ કેટલાક સવાર પણ ગયા, ભીમદેવે દેવળદેવીનો ઘોડો આઘે જોયો તેની પાછળ તે ઘણા જોરથી ધસ્યો. આશરે એક કલાક સુધી દોડ કર્યા પછી તેઓ પાસે પાસે આવી ગયા. તે વખતે તે રાંડને જોઈને ભીમદેવને એટલો બધો ક્રોધ ચઢ્યો કે પોતાની તલવાર કાઢીને તેને મારી, પણ હવામાં તલવાર મારવી અને તેને મારવી બરોબર. ઘા પડ્યો તો ખરો, પણ હવામાં. બૈરી તો એક બળતું થઈને ઊડી ગઈ, અને ત્યાંથી બે કદમને છેટે આવી પાછી ઊભી રહી. ભીમદેવ રજપૂત બચ્ચો હતો, તોપણ આ તમાશો જોઈને તેનાં ગાત્ર શીથિલ થયાં; તેના મનમાં ઘણી દહેશત ભરાઈ; પણ હિમ્મત કદી હારવી નહીં એ રજપૂતનો પહેલો તથા મુખ્ય ધર્મ; માટે પાછો સાવધ થઈ તેણે મોટે અવાજે પૂછ્યું : ‘‘તું કોણ છે ? તારે દેવળરાણીની સાથે શું કામ છે ? તું તેને ક્યાં લઈ જતી હતી ? અને તેને શું કરવાનો તારો વિચાર હતો ?’’ બૈરી છેક બદલાઈ ગયેલી હતી, ભડકું થઈને તે ઊડી ગઈ અને પાછી આવી ત્યારે તેમાં બિલકુલ ફેરફાર થઈ ગયેલો હતો. હમણાં તો તે દેવાંગના જેવી રૂપાળી દેખાતી હતી. તેના મોંની કાન્તિ ઘણી જ સુંદર હતી. તેણે જરીનાં વસ્ત્ર પહેરેલા હતાં, તથા તેના અંગ ઉપર ઘણાં અમૂલ્ય તથા શોભાયમાન આભુષણ હતાં. તેના ચહેરા ઉપર ઉદાસી જણાતી હતી, તથા તેની આંખ દયાથી ભરેલી હતી. ભીમદેવના સવાલનો જવાબ દેવા અગાઉ તેણે ઘણા પ્રેમથી દેવળદેવીના સામું જોયું, અને જોતાં જ તેની કમળ જેવી આંખમાંથી આંસુઓની બે ધાર ચાલી. તેનું હૈયું એવું તો ભરાઈ આવ્યું કે તેનાથી તરત બોલાયું નહીં. પણ થોડીવાર પછી તેણે આંસુ પોતાનાં કીમતી લૂગડાં વડે લૂછી નાખ્યાં, અને આકાશમાંથી ઓસ જેમ ધીમે પડે છે તેમ ધીમેથી તથા મૃદુ સ્વરે બોલી : ‘‘હું દેવળદેવીની વિધાતા છું. હું અત્યાર સુધી તેનું રક્ષણ કરતી આવી છું. હવે પાછા ફરો. કોઈ ઠેકાણે આજની રાત મુકામ કરી કાલે સવારે જાઓ. મારું કહ્યું માનવામાં જ ફાયદો છે. જો તમારા દુર્ભાગ્યને લીધે હઠ કરી તમે આગળ જશો તો શું પરિણામ નીપજશે તેનો હું જવાબ દેવાની નથી. આ મારી છેલ્લી શિખામણ છે. માનવી હોય તો માનવો, નહીં તો હું તો જાઉં છું.’’ એટલું કહી તે સ્ત્રી અદૃશ્ય થઈ.
ભીમદેવ તથા દેવળદેવી તે સ્ત્રી અલોપ થયા પછી કેટલીક વાર સુધી ત્યાં જ ઊભાં થઈ રહ્યાં, અને એકએકની સામું ટગરમગર જોયા કર્યું. શું કરવું તે સૂઝે નહીં. એટલામાં પાછળના સવારો ત્યાં આવી પહોંચ્યા તેને જોઈને બંનેને હિમ્મત આવી, અને હવે કાંઈ પણ ઠરાવ કરવો જોઈએ એમ તેઓને લાગ્યું. એટલે સુધી આવ્યા પછી જો તેઓ પાછાં જાય તો સિપાઈ લોકોમાં તેની બહાદુરી વિષે ઘણો હલકો વિચાર આવે માટે આગળ ચાલવું જોઈએ. વળી ક્ષત્રિયનો ધર્મ છે કે કશાથી બીવું નહીં, ત્યારે આ પ્રસંગે ભય શા માટે રાખવો જોઈએ ? તેમાં એક વળી બૈરીથી ડરવું ? એ તો છેક નામર્દાઈ, માટે દહેશત છોડી દઈ આગળ કૂચ કરવી. દેવળદેવીને પણ શંકળદેવને મળવાની એટલી તો આતુરતા હતી કે લેશમાત્ર વિલંબ પણ તેનાથી ખમાય એવું ન હતું. વળી તેની ખીલતી જુવાની હતી. તેવે વખતે ભય મન ઉપર થોડી અસર કરે છે. તેને તે જ દહાડે પોતાના પ્રાણપ્રિયને જોવાની એટલી તો હોંશ હતી કે તે બૈરી પોતાની વિધાતા છે એમ તેણે માન્યું નહીં, પણ તે કોઈ વંતરી અથવા મલિન પ્રાણી હશે અને તેને અમથી ભડકાવી હશે, એમ માનીને તેણે મનમાં સંતોષ માન્યો. એ પ્રમાણે ભીમદેવ તથા દેવળદેવીની વૃત્તિ જવા તરફ થઈ. તેઓ તરત પોતાના લશ્કરને જઈ મળ્યાં, અને આ બનાવ બન્યો જ નથી, એમ જાણી આગળ ચાલ્યાં.
કેટલીક વાર સુધી મેદાનમાં ચાલ્યા પછી તેઓ એક સાંકડી ગલીમાં આવ્યાં. આસપાસ ઊંચા પહાડ આવી રહ્યા હતા. એ નાળ ઘણી જ લાંબી હતી. આગળ જતાં તેઓએ થોડેક દૂર ધુમાડો નીકળતો જોયો. પહેલવહેલાં તો તેઓએ જાણ્યું કે તે કોઈ ગામડું અથવા ભઠ્ઠી કે પજાવો હશે; પણ જરા આગળ ચાલતાં માણસોનું એક ટોળું રસોઈ કરતું હોય એમ તેઓને લાગ્યું. તેઓની પાસે ગયા ત્યારે તેઓ મુસલમાન છે એમ માલૂમ પડ્યું. એ મુસલમાનો વેરુલની ગુફા જોવા જનાર અલફખાંના સિપાઈઓ જ હતા. તેઓએ પણ જ્યારે કોઈ લશ્કર આવતું જોયું, ત્યારે સઘળા રસોઈનું કામ પડતું મૂકીને જાગ્રત થઈ ગયા. સૌએ લૂગડાં પહેરીને હથિયાર બાંધી દીધાં. અને શું કરવું તેનો મનસૂબો કરવા લાગ્યા. થોડી વાર તો ત્યાં ગરબડ સરબડ થઈ ગઈ. રસૂલખાં, પીરમહમદ, જાફર, બેહેલીમ, વગેરે તરેહવાર નામોની બૂમો સંભળાવા માંડી, ‘‘અલ્લાહો અકબર’’ ની ચીસ કેટલાકે પાડી. કેટલાક સ્થિર ઊભા જ રહ્યા, અને કેટલાક ફક્કડ લબાડ સિપાઈઓએ પોતાની મોટાઈની તથા બહાદુરીની મોટી મોટી વાતો કરવા માંડી. તોપણ તે તડકા મારવાનો વખત ન હતો. કાંઈ પણ દૃઢ સંકલ્પ કરવો જોઈએ. તેઓ તો ફક્ત ૩૦૦ માણસ હતા, અને સામાવાળા તો તેઓને તેથી બમણાં-ત્રમણા દેખાયા ત્યારે તેઓની સાથે લડવું કે નહીં એ વાતનો નિશ્ચય કરવો જોઈએ. કેટલાકનો વિચાર લડવું નહીં એમ હતો; પણ કેટલાક જુવાન તુરક મિરજાંઓનાં મનને હિંદુનો કશો હિસાબ ન હતો, અને તેઓની હરેક લડાઈમાં ખુદા તેમની તરફથી લડવા આવે છે એવો તેઓનો દૃઢ વિશ્વાસ હતો, તેથી તેઓના મનમાં હિમ્મત હતી; વળી લડાઈમાં નાસવું એ મોટી શરમની વાત, અને તેમાં કાફર નામર્દ હિંદુઓથી ડરવું, એ તો કાયરનું કામ; માટે ગમે તે થાય તો પણ એક તસુભર હઠવું નહીં. ‘‘અલ્લા બેલી ને પીર મદદ’’ એવું કહી તેઓ હારબંધ દુશ્મનની મુલાકાત લેવાને ઊભા રહ્યા.
આણીગમ ભીમદેવ પણ મોટી ફિકરમાં પડ્યો, તેને તે રસ્તે કોઈ દુશ્મન મળશે એવું તેણે ધારેલું ન હતું તેથી લડવાની કાંઈ તૈયારી રાખી ન હતી. વળી તેની સાથે દેવળદેવી હતી, તેને સહીસહીસલામત દેવગઢ લઈ જવાની તેને ઘણી ફિકર હતી. લડાઈમાં કોણ જાણે શું થાય ? જો હાર થઈ તો આટલું કષ્ટ સહીને તથા શ્રમ કરીને લાવેલી રાણી હાથમાંથી જતી રહે એ વિષે તેણે ઘણી ચિંતા હતી. તે વખતે તેને પેલી ચીંથરિયા બૈરી યાદ આવી, તથા તેનું કહેલું વચન સાંભરી આવ્યું. તેના કહ્યા પ્રમાણે તેને મુકામ ન કર્યો તેનો હમણાં ઘણો પશ્ચાત્તાપ થયો, અને હવે તે વિધાતાનું ભવિષ્ય ખરું પડશે એવી તેની ખાતરી થઈ, ને તેથી જ તેની સઘળી હિમ્મત જતી રહી. તેનાં મોં ઉપરથી લોહી ઊડી ગયું અને છેક ઉદાસ થઈ ગયો. હવે શું કરવું ? પાછું તો જવાતું નથી, તેમ દેવગઢ જવાનો બીજો રસ્તો પણ ન હતો, માટે લડાઈ વગર તેનો છૂટકો ન હતો. પોતાની તરફ માણસો દુશ્મન કરતાં ઘણા વધારે છે, તથા રજપૂતોને ફાટાતૂટા તુરકડાઓને મારી હઠાવતાં કાંઈ વાર લાગવાની નથી એવું કહીને તેણે પોતાના માણસોને હિમ્મત આપવાનું કર્યું; પણ તેનું મોં જ તેના ઉત્તજક શબ્દોને જૂઠા પાડતું હતું. તેઓએ ભીમદેવને કોઈ વાર કાયર થયેલો જોયો ન હતો, અને જ્યારે તે વખતે તેઓએ તેને નિરાશ તથા હિમ્મત હારેલો દીઠો, ત્યારે તેઓ સઘળાને એકદમ લાગ્યું કે આજે કાંઈ નવતરું કારણ છે, અને બધાના હાંજા ગગડી ગયા. તેઓએ બહારથી શૂરાતન દેખાડ્યું, પણ તેઓની છાતી ધડકતી હતી, તથા પગ બરાબર ઊપડતા ન હતા. એવી સ્થિતિમાં તેઓ મુસલમાનોની સામે યુદ્ધ કરવાને આગળ ચાલ્યા.
શત્રુઓ તેઓને વાસ્તે તૈયાર જ હતા. તેઓને પાસે આવતા જોઈ મુસલમાનોએ ‘‘અલ્લાહો-અકબર’’ની જોરથી બુમ પાડી. એ બૂમ રજપૂતોએ આજ પહેલાં સેંકડો વાર સાંભળી હતી તોપણ આ વખત તેથી તેઓના મન ઉપર ઘણી જ જુદી જાતની અસર ઉત્પન્ન થઈ. બંને લશ્કર સામસામાં મળ્યાં, અને મુસલમાન લોકો થોડા હતા તોપણ કાંઈ દહેશત ખાધા વિના તેઓએ ભીમદેવના માણસો ઉપર ધસારો કર્યો. તીરથી વાદળ છવાઈ ગયું, ચીસાચીસ તથા બૂમાબુમથી કાન બહેર મારી ગયા. એક તરફ શિરોહીની તથા બીજી તરફ અરબસ્તાનની તલવાર ઊછળી રહી. જુવારની કાપણી થતી હોય તેમ સામસામેનાં માણસો કપાયાં. તે વખત ‘‘અલ્લાહો અકબર’’ની બીજી ચીસ સંભળાઈ, અને મુસલમાનોએ વધારે જુસ્સાથી હુમલો કર્યો. તેની સામે હિંદુઓથી ટકાયું નહીં. તેઓમાં ભંગાણ પડ્યું ઘણાખરા જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા. દેવળદેવીના ઘોડાને એક તીર એવું તો જોરથી વાગ્યું કે તે તરત મરણ પામ્યો, તથા તે પોતે બેહોશ થઈ જમીન ઉપર પડી. તેને લઈ જવાને વાસ્તે તેની દાસીઓ ચોતરફ વીંટળાઈ વળી, એટલામાં મુસલમાન સિપાઈઓએ આવીને તેને ઘેરી લીધી. કેટલાક તેની ખૂબસૂરતી જોઈને છક થઈ ગયા, અને આ કોઈ બેહેસ્તની હૂરી છે એમ તેને માની તેની સામું કેટલીક વાર સુધી તેમણે જોયાં કર્યું, કેટલાકને તો તેને જોઈને એટલો કામાવેશ આવી ગયો કે તેને લઈ જઈ પોતાના ઝનાનખાનામાં રાખવાનું મન થયું. કોઈ બુઢ્ઢા સિપાઈઓ કહેવા લાગ્યા કે ખુદાએ અમારા ઉપર મહેર કરી આ રંડી અહીં મોકલી દીધી; અમને રોટલી પકાવવાની ઘણી આપદા પડે છે તે આ છોકરી આવે તો મટી જાય. કેટલાક પૈસાના લોભી એવું વિચારવા લાગ્યા કે જો આ ખૂબસૂરત છોકરી અમારા હાથમાં આવે તો દિલ્હીમાં એની ઘણી કિમ્મત ઊપજે, અને જન્મ સુધી ન્યાલ થઈ જવાય. એ પ્રમાણે જુદા જુદા માણસોએ જુદા જુદા અભિપ્રાય બાંધ્યા. ‘‘એક રાંડ સો સાંઢ’’ તેના જેવી વાત થઈ. બધાને જ તેને લઈ જવાની મરજી, એટલે પરિણામ એવું થયું કે તેને સઘળા ઘસડવા લાગ્યા, અને એમ કરતાં કરતાં માંહેમાંહે કાપાકાપી ઉપર આવી ગયા. જે તલવાર દુશ્મન ઉપર ઊછળી હતી તે હમણાં પોતાના જાતભાઈ ઉપર વપરાઈ. એ ગડબડમાં એકાદ ઝટકો વાગ્યાથી દેવળદેવી તો ત્યાં જ નક્કી થઈ જાત, અને એવો વખત પણ ઘણી વાર આવ્યો હતો. તેની દાસીઓ રજપૂતોમાં રહેલી તેથી તેનું નામ કહી દેવા કરતાં તેને મરવા દેવી એવું વિચારીને મૂગી મૂગી ઊભી રહી, પણ પેલી ભટાણીએ જે જોડે હતી તેનાથી ઘણી વાર સુધી ચૂપ રહેવાયું નહીં. એક વાર જ્યારે દેવળદેવી સહેજ બચી ગઈ તે વખતે તે બોલી ઊઠી, ‘‘અરે મૂઆ તુરકડાઓ ! તમે કોને વાસ્તે લડી મરો છો ? એ તો દેવળદેવી, શંકરદેવને સાથે પરણવાની છે. પીટ્યાઓ ! તમારી લડાઈ બંધ રાખો, અને રાણીને તમારા સરદાર પાસે લઈ જાઓ.’’
દેવળદેવી નામ સાંભળતા જ સઘળાઓએ હથિયાર નાખી દીધાં, અને આટલી મુદત થયાં જેને માટે લડતા હતા તે હાથમાં આવી એવું જાણી ઘણા રાજી થઈને આ ખુશ ખબર અલફખાંને કહેવાને એક કાસદ મોકલ્યો. તેઓ પણ દેવળદેવીને એક ઘોડા પર બેસાડી મોટી છાવણી તરફ તાકીદથી લઈ ચાલ્યાં. અલફખાંને આ સમાચાર સાંભળીને તથા થોડી વાર પછી દેવળદેવીને નજરે જોઈને જે હર્ષ થયો તેનું વર્ણન થઈ શકાતું નથી. તે વખતે તેણે પરમેશ્વરના શુકર કર્યા; પોતાની પાસે જેટલા પૈસા હતા તેટલા તે માણસોમાં વહેંચી દીધા; અને ત્યાંથી છાવણી ઉઠાવીને દેવળદેવીને સાથે લઈ ગુજરાત જવાને નીકળ્યો.