અવાજ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવાજ

“અવાજ”

યશવંત ઠક્કર

બીડી જલઈલે... જિગર સે પિયા, જિગરમાં બડી આગ હૈ...

ડીજે સિસ્ટમના જોરે મોટા અવાજે ગીત વાગવાનું શરૂ થયું ને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. એણે સુધાંશુ સરને કહ્યું, ‘સર,આ અવાજ બંધ કરાવો. ડિસ્ટર્બ થાય છે.‘

આચાર્ય સુધાંશુએ હાથમાં રહેલુ પુસ્તક બંધ કર્યું. એમનાં હોઠ પર પોતાનું આગવું સ્મિત ફરકી ગયું. ‘આપણે ભણવાનું બંધ કરીએ એ જ વધારે ઇચ્છનીય રહેશે.’ મધુર અવાજમાં એ બોલ્યા.

‘એવું ન ચાલે સર. કોલેજમાં ડી.જે. વગાડી જ ન શકાય.’ અંજલિએ દલીલ કરી.

‘કૉલેજમાં તો બીજું ઘણું ઘણું ન થઈ શકે, પરંતુ એ બધું થાય છે. આપણે સહન કરીએ છીએ. એક પ્રવૃત્તિ વધારે સહન કરી લઈએ. વાર્ષિક ઉજવણીનું વાતાવરણ છે. રંગમાં ભંગ શા માટે પાડવો?’

‘નહીં સર, મેં મીટિંગમાં જ ડી.જે. માટે વાંધો ઉઠાવ્યો હતો. જીએસને મેં ચોખ્ખું કહ્યું હતું કે, આ સાલ કૉલેજમાં ડીજેનું દૂષણ નહિ જોઈએ.‘

‘તમે અને હું એને દૂષણ માનીએ. આમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ પણ એવું માને. પરંતુ, જે લોકો એને આભૂષણ માનતા હોય એમને આપણે કઈ રીતે રોકી શકીએ?’

‘સર,આ કાયદા વિરુદ્ધનું કામ છે.‘

‘કાયદા ઉપરાંત પોતપોતાની સમજની આ વાત છે. આ વાતને વધારે મહત્ત્વ ન આપીએ.’

‘મહત્ત્વતો આપવું જ પડશે. સર, હું એને બંધ કરાવીને આવું છું.’

આચાર્ય સુધાંશુ અંજલિને, ડીજેના તાલે નાચી રહેલા છોકરાઓ પાસે ન જવા માટે સમજાવે એ પહેલાં તો એ વર્ગની બહાર નીકળી ગઈ.

અંજલિ સોશિયોલોજીના વિષય સાથે આર્ટસનો અભ્યાસ કરતી હતી. એ અન્યાય સહન ન કરવાની ગજબની જિદ ધરાવતી હતી. સ્વાભાવિક રીતે જ, ‘કૉલેજ એટલે માત્ર ધમાચકડી કરવાની જગ્યા’ એવું માનનારા છોકરાઓ સાથે એને અવારનવાર વાંધો પડતો હતો. ખાસ કરીને રાહુલ સાથે, જે કૉલેજનો જીએસ હતો.

રાહુલ, શહેરના કેટલાક રાજકીય નેતાઓના જોરે કૉલેજમાં જીએસ તો બની ગયો હતો. પરંતુ, એનામા જીએસના પદને ચાર ચાંદ લગાવી શકે એવી પ્રતિભા નહોતી. ચીલાચાલુ કાર્યક્રમોનું આયોજન કરીને એ અને એના સાગરીતો રાજી થતા હતા. એમની અને અંજલિ વચ્ચે અવારનવાર નાનામોટા ઝઘડા થયા કરતા હતા. જેને કારણે કૉલેજના વાતાવરણમાં જીવંતતા છવાઈ રહેતી હતી.

‘બંધ કરો આ તમાશો.’ અંજલિએ કૉલેજના મેદાનમાં ડીજેના તાલ પર નાચી રહેલા છોકરાઓની પાસે જઈને બૂમ પાડી.

અંજલિની બૂમની અવળી અસર થઈ. કેટલાક છોકરાઓ એની સામે જોઈ જોઈને વધારે ઝનૂનથી કિકિયારીઓ પાડવા લાગ્યા. એમને તો અંજલિ પર દાઝ ઉતારવાનો એક સારો મોકો મળી ગયો હતો. અંજલિ સમસમીને એમની એ હરકતો જોઈ રહી. આ દૃશ્ય જોઈ રહેલાંઓને લાગ્યું કે, ‘હવે જરૂર કશી નવાજૂની થવાની.’

અંજલિ કોઈ મક્કમ ઇરાદા સાથે ડીજે સિસ્ટમ તરફ આગળ વધી. લાંબાં પગલાં, મનનો આદેશ પાળવા તત્પર બંને હાથ, દાંત નીચે દબાયેલો નીચલો હોઠ, રોષ વ્યક્ત કરતી આંખો, વાળના ઉછળતા જુલફા... અંજલિનું આ રૂપ જોઈને કોઈ એને રોકવાનું સાહસ ન કરી શક્યું.

જોનારાં, અંજલિ જેવી જિદ્દી છોકરી શું કરશે એ બાબત અનુમાન કરવા લાગ્યાં.

પરંતુ, અંજલિએ જે કર્યું એની કલ્પના કોઈએ કરી નહોતી.

એણે ડીજે સિસ્ટમના વાયરોને બેટરી સાથે જોડનારો પ્લગ જ ખેંચી કાઢ્યો.

જાણે જામેલી બીડી ઠરી ગઈ. નાચ અટકી ગયો. બધાં ફાટી આંખે અંજલિને જોઈ રહ્યાં.

અંજલિ હાથમાં વાયર પકડીને અડીખમ ઊભી રહી ગઈ હતી જાણે તલવાર ખેંચીને ઊભેલી ઝાંસીની રાણી! એની આંખો જાણે પૂછતી હતી કે. ‘બોલો, હવે શું કરશો?’ .

અંજલિનાં સાગરીતો રાહુલ તરફ જોવા લાગ્યા.

રાહુલ માટે તો પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો હતો. એ અંજલી તરફ આગળ વધ્યો.

‘આટલા મોટા અવાજે ગીતો વગાડતાં શરમ નથી આવતી? જીએસ થઈને એટલી પણ સમજ નથી કે કલાસ ચાલુ છે.’ રાહુલ કશું બોલે એ પહેલા જ અંજલિએ એને સણસણતો સવાલ કર્યો.

‘અંજલિ વધારે હોશિયારી ન કરીશ. ડીજે ચાલુ રહેવા દે.’ રાહુલે કહ્યું.

‘ડીજે કોઈ સંજોગોમાં ચાલુ નહીં થાય. તમારે નથી ભણવું પણ જેને ભણવું હોય એમને તો ભણવા દો.’

‘ભણવાનું તો આખું વર્ષ છે. તારી જેવાં પંતુજીઓને લીધે અમારે મજા નહીં કરવાની? જ્યાં સુધી એન્યુઅલ ફંકશન ચાલશે ત્યાં સુધી અમને નાચતાંગાતાં કોઈ રોકી નહીં શકે. સમજી?’

‘મજા કરવાની ના નથી. નાચાવાગાવાનો પણ વાંધો નથી. પણ ડીજેનો અવાજ તો નહીં જ ચાલે. બીજાંને ત્રાસ આપીને મજા કરવાની વાત બરાબર નથી.‘

‘તને ત્રાસ થતો હોય તો તું ઘરભેગી થા.’ રાહુલે કહ્યું.

‘પોતાની જાતને કિરણ બેદી સમજે છે.’ જીએસને એકલા પડવા નહિ દેવાના ઇરાદાથી કોઈ બોલ્યું.

‘હા યાર, સોશિયોલોજી ભણે છે એટલે સામાજિક કાર્યકર થવાની પ્રેક્ટિસ કરે છે.’ બીજો અવાજ આવ્યો.

‘પોતાને મજા કરવી નથી ને બીજાને કરવા દેવી નથી આવા લોકો કૉલેજમાં જખ મારવા આવતા હશે!’ ટોળામાંથી ત્રીજો અવાજ આવ્યો.

‘કોણ છે આ બીકણ બબૂચકો? જે કહેવું હોય એ મારી સામે આવીને કહોને. જવાબ મળી જશે. આવો, મારી સામે આવીને વાત કરો.’ અંજલિએ પડકાર ફેંક્યો.

કોઈ સામે આવી ન શક્યું.

‘અંજલિ, જવા દે. વાત બગડી જશે. આ ફંકશન વર્ષમાં એક જ વાર આવે છે. હું તારી સાથે સીધી વાત કરું છું તો તું પણ મને સહકાર આપ.’ રાહુલે અંજલિને મનાવી લેવાના ઇરાદે કહ્યું.

‘રાહુલ, મારો સહકાર મળશે. બધાંનો સહકાર મળશે. તમે લોકો રક્તદાનનો કાર્યક્રમ કરો. ડીબેટનું આયોજન કરો. સંગીતનો કાર્યક્રમ ગોઠવો. અને નાચવાનો કાર્યક્રમ રાખવો હોય તો એને માટેનો સમય અગાઉથી જાહેર કરો. પણ આ શું? મનફાવે ત્યારે ડીજે ચાલુ કરીને દેકારા કરવા એ ઉજવણી છે? એને લીધે બીજાનો અભ્યાસ બગાડે છે. ઘોંઘાટથી પોલ્યુશન થાય છે. એનો ખ્યાલ નથી આવતો?’

‘ડીજે વગર નાચવાનું જામે જ નહિ. ઘોંઘાટથી વેદિયાઓને પોલ્યુશન થતું લાગે. અમને તો મજા આવે છે.’

કેટલાક છોકરાઓ ખડખડાટ હસ્યા. એમાંથી કોઈએ અંજલિનો હુરિયો બોલાવ્યો એટલે બાકીના છોકરાઓને પણ જોર ચઢ્યું. અંજલીનાં વિરોધમાં સૂત્રો પણ પોકારાયાં. ‘ઝિંદાબાદ ઝિંદાબાદ. વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ. મુર્દાબાદ મુર્દાબાદ... ડીજે કી દુશ્મન મુર્દાબાદ.’

આચાર્ય સુધાંશુએ આવીને છોકરાઓને સમજાવવાના પ્રયાસો કર્યા તો એમનો પણ હુરિયો બોલી ગયો.

અંજલિથી વધારે સહન ન થયું. એણે પોતાના મોબાઈલથી પોલીસ સ્ટેશને જાણ કરી કે, ‘કોલેજમાં કેટલાક છોકરાઓ વગર રજાએ ડીજે વગાડીને ત્રાસ ફેલાવી રહ્યા છે. તમારા તરફથી કોઈ પગલાં નહિ લેવાય તો હું પોલીસ કમિશ્નરને ફરિયાદ કરીશ.’

પોલીસની રાહ જોતી અંજલિ ડીજેના વાયરો પકડીને અડીખમ ઊભી રહી. એનો હુરિયો બોલાતો રહ્યો. . અપમાનભર્યા શબ્દો બોલાતા રહ્યા. રાહુલ અંજલિને અલગ અલગ રીતે સમજાવતો રહ્યો. પરંતુ એણે મચક ન આપી. એનું તો એક જ રટણ હતું કે, ‘કોઈ પણ સંજોગોમાં, કૉલેજમાં ડીજે તો નહિ જ વાગે.’

પોલીસ અધિકારી આવ્યા. એમણે બંને પક્ષોની રજૂઆત સાંભળી. સમાધાનના પ્રયાસો થયા. અંજલિએ ખાતરી માંગી કે, ‘કૉલેજમાં કલાસ ચાલતા હોય ત્યારે ડીજે નહીં વાગે.’ તો રાહુલ અને એના સાગરીતો એ વાત પર અડગ રહ્યા કે, ‘ડીજે તો વાગશે, વાગશે ને વાગશે જ!’

‘તો પછી તમે તમારી ફરજ બજાવો. અમારું ન માનો. કાયદાનું માનો.‘ અંજલિએ પોલીસ અધિકારીને કહ્યું.

‘પોલીસ સ્ટેશનેથી ડીજે વગાડવાની પરવાનગી લેવાણી નથી એટલે ગુનો તો બને છે. પણ, ફરિયાદી કોણ બનશે?’ પોલીસ અધિકારીએ પૂછ્યું.

‘કોઈ નહીં બને. એવું જોખમ લેવા કૉલેજનો કોઈ અધિકારી કે વિદ્યાર્થી તૈયાર નહીં થાય.’ રાહુલે કહ્યું.

‘સાચી વાત છે. પણ હું તૈયાર છું.’ અંજલિએ કહ્યું.

‘તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે. વિચારી લેજો. વારેવારે પૂછપરછ પણ થશે. પછી એવું ન થાય કે ખોટા લફરામાં પડ્યાં.’ પોલીસ અધિકારીએ બીક બતાવી.

અંજલિએ જવાબ આપ્યો: ‘ભલે. મારે માટે આ કરવા જેવું કામ છે. લફરું નથી. તમે મારી ચિંતા ન કર્યા વગર તમારી ફરજ બજાવો.’

પોલીસ અધિકારીએ ડીજે સિસ્ટમ જપ્ત કરી. રાહુલ સહિતના કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા. અંજલિ અને એને સાથ આપનારાં પણ પોલીસસ્ટેશને પહોંચ્યાં. રાહુલ અને એના સાગરીતોને છોડાવવા માટે એમના વાલીઓ અને કેટલાક સ્થાનિક નેતાઓ પણ મારતી ગાડીઓએ પોલીસસ્ટેશને આવી પહોંચ્યાં.

રાહુલના સાગરીતોએ પોલીસ સ્ટેશને પણ અંજલિ વિરુદ્ધ સૂત્રો પોકારીને વાતાવરણ ગજવી મૂક્યું. વાલીઓ અને નેતાઓના દબાણને વશ થઈને, પોલીસ અધિકારીએ ફરીથી અંજલિને ફરિયાદ ન કરવા માટે સમજાવી. પરંતુ, અંજલિએ પોતાની મક્કમતા જાળવી રાખી. એ મક્કમતાએ પોલીસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર કર્યા. રાહુલ અને એના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો.

બીજા દિવસના અખબારમાં આ ઘટના તમતમતા સમાચાર રૂપે પ્રગટ થઈ. રાહુલની નેતાગીરીમાં ઘોબો પડી ગયો. જ્યારે અંજલિ ‘ડીજેની દુશમન’ તરીકે છવાઈ ગઈ.

કૉલેજના સત્તાધીશોને અંજલિનું પરાક્રમ માફક ન આવ્યું. કૉલેજમાં પોલીસની દખલગીરી કરાવવા બદલ, ઉપકુલપતિશ્રી રમાકાંત જાની તરફથી એને ઠપકો મળ્યો ત્યારે એણે પોતાના બચાવમાં કહ્યું કે: ‘સર, આપનું ખરેખર શું માનવું છે? ઉજવણી માટે કૉલેજના મેદાનમાં ડીજે વગાડવું જરૂરી છે? એ પણ કલાસ ચાલતા હોય ત્યારે? બીજાંને ત્રાસ ન થાય એ રીતે ઉજવણી ન થઈ શકે? આવા તમાશા રોકવાની ફરજ કોઈકે તો બજાવવી પડેને? આપ લાચાર હતા એટલે મેં એ ફરજ બજાવી છે. આપ ચાહો તો મારા પર પગલાં લઈ શકો છો, અને જો એમ થશે તો હું આપની સામે પણ લડીશ.’

‘જિદ્દી છોકરી, તું કેટલાની સામે લડીશ અને ક્યા સુધી લડીશ?’ રમાકાંતે વહાલથી પૂછ્યું.

‘સર, જ્યાં સુધી મને મારો અંતરાત્મા સાથ આપશે ત્યાં સુધી હું જેટલાની સામે લડવું પડે એટલાની સામે લડીશ.’ અંજલિએ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

રમાકાંતને પાસે એને આશીર્વાદ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

રાહુલ પાસે અંજલિને પાઠ ભણાવવા માટે મોકાની રાહ જોવા સિવાય વિકલ્પ નહોતો.

પરંતુ, એને એ મોકો મળે એ પહેલાં અંજલિએ કૉલેજ જ નહીં, શહેર પણ છોડી દીધું. એના પપ્પાની મુંબઈ બદલી થવાથી એને પણ મુંબઈ જવું પડ્યું.

જતાં પહેલાં એ રાહુલને મળી અને બોલી: ‘બાય રાહુલ, જઉં છું. આપણી વચ્ચે જે તકરાર થઈ એ ભૂલી જજે. વિશ યુ બેસ્ટ લક.’

‘એ ભૂલી જવાય એવી વાત નથી. એ તો ત્યાં સુધી યાદ રહેશે જ્યાં સુધી આપણો હિસાબ ચૂકતે નહીં થાય.’ રાહુલે કડવાશ છોડીથી કહ્યું.

‘ઓકે...વાંધો નહીં. મને પણ હિસાબ સરભર કરવામાં મજા પડશે.’ અંજલિ બેફિકરાઈથી હસી અને વટપૂર્વક ત્યાંથી ચાલી ગઈ.

***

પાંચ વર્ષો પછી...

ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા રે એ એ એ ...

‘દીકરા, આ અવાજ સહન નથી થતો.’ જમનાદાસે રાહુલને કહ્યું. એમના અવાજમાં પીડા હતી.

‘પપ્પા, કોઈનાં લગ્નનો વરઘોડો નીકળ્યો છે હમણાં જતો રહેશે.’ રાહુલે કહ્યું.

‘જતો તો રહેશે. પણ એ પહેલા મારો જીવ જતો રહેશે.’

‘શું કરીએ? કોઈને વરઘોડો કાઢવાની નાતો ન પડાયને?’

‘આવા વરઘોડા હોય? આટલો અવાજ! મારું હ્રદય બેસી જશે.’

‘ડીજે વગાડે છે એટલે અવાજ તો થવાનો, પપ્પા.’

‘એમને ના પાડ જા. કહેજે કે હાર્ટપેશન્ટને તકલીફ થાય છે.’

રાહુલ ઘરના દરવાજે જઈને જોયું તો વરઘોડામાં છોકરાઓનું એક ટોળું પૂરી મસ્તીથી નાચી રહ્યું હતું. ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો એટલે વાહનોનાં હોર્ન પણ સતત વાગવા લાગ્યાં હતાં. જમનાદાસ જેવા લોકો કે જેમણે હદયનાં ઓપરેશન કરાવ્યાં હોય એમના માટે તો ભારે જોખમી વાતાવરણ હતું.

‘પ્લીઝ, આવાજ ઓછો કરો. મારા પપ્પા હાર્ટના પેશન્ટ છે. થોડા દિવસો પહેલાં જ ઓપરેશન કરાવ્યું છે.’ રાહુલે વરઘોડાની આગળ રહેલા એક વડીલને કહ્યું.

એ વડીલ નાચી રહેલા છોકરાઓની પાસે ગયા. પરંતુ એમની વાત જાણે કે કોઈના કાને પડી જ નહિ. એ ફરીથી કહેવા ગયા ત્યાં તો નાચી રહેલા એક છોકરાનો ધક્કો વાગ્યો અને એ બિચારા પડતાં પડતાં બચ્યા.

લાચાર વડીલે રાહુલ પાસે આવીને આશ્વાસન આપ્યું: ‘ થોડી વારમાં આગળ વધી જશે. નહિ વાર લાગે.’

‘અરે પણ! મારા પપ્પાથી આ અવાજ સહન નથી થતો.’ રાહુલે કહ્યું.

‘તો તમે જઈને વાત કરો. કદાચ તમારું માને.’ વડીલે સલાહ આપી.

રાહુલ ગુસ્સે થઈને, નાચી રહેલા છોકરાઓ પાસે પહોંચ્યો.

‘ડીજેનો આવાજ ધીમો રાખો.’ એણે મોટેથી કહ્યું.

‘કેમ?’ એક છોકરાએ ઊભા રહીને પૂછ્યું.

‘અમને તકલીફ થાય છે. ઘરમાં બીમાર માણસ છે.’

‘બીમાર હોય તો દવાખાને લઈ જાવ. ડીજે તો વાગશે જ. તમારે લીધે અમારે મજા નહિ કરવાની?’ એ છોકરો મજાકમાં હસ્યો અને ફરીથી નાચવા લાગ્યો.

રાહુલ ડીજે વગાડનાર પાસે પહોંચ્યો તો ત્યાં પણ બે છોકરાઓ પહોંચી ગયા અને ડીજે વગાડનારને અવાજ ઓછો ન કરવા અગાઉથી જ કહી દીધું.

ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા રે એ એ એ ...

ગીત વાગતું રહ્યું.... રાહુલની વાત કોઈએ સાંભળી નહિ. એ અપમાનિત અને લાચાર દશામાં ઊભો રહ્યો... વરઘોડો જરા પણ આગળ વધતો ન હતો. અવાજ જરા પણ ધીમો થતો ન હતો. ટ્રાફિક વધારે જામ થતો જતો હતો. હોર્નના અવાજો પણ વધતા જતા હતા. રાહુલની અકળામણ વધતી જતી હતી.

  • કૉલેજનો અભ્યાસ પૂરો થયા પછી એણે જમનાદાસનો ધંધો સંભાળ્યો હતો. રાજકારણનાં ક્ષેત્રમા કટ્ટર હરીફાઈને કારણે એનો ગજ વાગ્યો નહોતો. અત્યારે ઊભી થયેલી સમસ્યા માટે એને કોઈ રાજકીય નેતા તાત્કાલિક મદદ કરે એમ નહોતો. પોલીસને ફોન કરવાથી પણ ડીજેનો અવાજ તાત્કાલિક બંધ થાય એમ નહોતો.
  • રાહુલને થયું કે, ‘એક વખત પપ્પા પાસે જઈ આવું. જો માને તો એમના કાનમાં રૂનાં પૂમડાં નાખી દઉં.’ એ ઘરના દરવાજે પહોંચ્યો અને...

    સાવ અચાનક જ ડીજે વાગતું બંધ થઈ ગયું! નાચનારાઓના હાથપગ થંભી ગયા. એમના હાથપગની ચંચળતા જાણે કે ડીજે પર જ આધારિત હતી. સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ!

    રાહુલ રાહતના શ્વાસો લેતો દરવાજે જ ઊભો રહી ગયો.

    ‘શું થયું?.. શું થયું?’ના સવાલો થવા લાગ્યા. ડીજેમાં ગરબડ થઈ હોવાના અનુમાનો થવા લાગ્યાં. ડીજેની આસપાસ ટોળું થઈ ગયું. હોહા વધવા લાગી. ઝઘડો થયો હોય એવું વાતાવરણ થઈ ગયું.

    રાહુલ કુતૂહલથી ટોળામાં ભળ્યો અને એણે કોઈની ત્રાડ સાંભળી... ‘તમને લોકોને આટલા મોટા અવાજે ડીજે વગાડતાં શરમ નથી આવતી? એટલો તો વિચાર કરો કે, અહિંયા બીજા લોકો રહે છે. એમાં કોઈનો અભ્યાસ ચાલતો હોય, કોઈ બીમાર હોય, કોઈનાથી વધારે અવાજ સહન ન થતો હોય... એ બધું નહિ વિચારવાનું? બસ, તમારા આનંદ ખાતર બીજાની પરવા જ નહિ કરવાની? ઘોંઘાટને તો તમે પોલ્યુશન ગણતા જ નથી! ગમે તે થાય હું અહીં ડીજે નહિ વગાડવા દઉં.’

    રાહુલના મનમાં એક ચમકારો થયો કે, ‘આ અવાજ તો ક્યારેક સાંભળેલો છે! કદાચ...’

    એ ટોળાને વીંધીને આગળ પહોંચ્યો. અને, એણે જોયું તો એની ધારણા સાચી પડી!

    ડીજેનો ખેંચેલો પ્લગ હાથમાં લઈને રણચંડી સમાન અંજલિ ઊભી હતી.

    પાંચ વર્ષો પહેલાં જોઈ હતી એવી જ આક્રમક અને એવી જ તેજસ્વી મુદ્રામાં!

    [સમાપ્ત]