મોટીબહેન Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોટીબહેન

મોટીબહેન

યશવંત ઠક્કર

નયનાનો પત્ર આવ્યો. પૂરાં ચાર પાનાં ભરેલું લખાણ હતું. કુસુમબહેને બે વખત વાંચ્યો. એક વખત ઉતાવળે અને બીજી વખત નિરાંતે. નયનાએ છેલ્લે લખ્યું હતું કે, વિશેષ વાતો રૂબરૂમાં કરીશું.

આખો પત્ર વાંચ્યા પછી વૈશાલી હસતાં હસતાં બોલી, ‘મમ્મી, મોટીબહેને કેવું કેવું લખ્યું છે નહિ? આટલું બધું લખતાં એમને કંટાળો નહીં આવતો હોય?’

‘હરખની વાતો લખવામાં કંટાળો શાનો? લખવામાં તો એ જીવ રેડી દે એવી છે. એ ભણતી’તી ત્યારે એની નોટબૂકો વાંચવા માટે પડાપડી થતી’તી. એક તો મોતીના દાણા જેવા અક્ષરો ને વળી લખાણ એવું લખે કે જાણે સામે જ ઊભી ઊભી વાતો કરતી હોય!’

કુસુમબહેને તો આવી કેટલીય વાતોનું પુનરાવર્તન કરી નાંખ્યું. વૈશાલીએ આ વાતો અનેક વખત સાંભળી હતી. કુસુમબહેને બીજા અનેક લોકોની સામે પણ આ વાતો દોહરાવી હતી. વર્ષો વીતી ગયાં હતાં છતાં, આજકાલની જ વાતો હોય તેમ એ નયનાની હોશિયારીની વાતો થાક્યા વગર કરતાં. … નયના ભણવામાં હોશિયાર હતી, એ ગરબામાં નંબર લાવતી હતી, એને ગાવાનો ખૂબ શોખ હતો, એ નાટકમાં પણ ભાગ લેતી હતી… વગેરે વાતોમાં સાંભળનારને રસ પડે છે કે નહીં એની પરવા કર્યા વગર કુસુમબહેન સતત બોલ્યા કરતાં ત્યારે વૈશાલી મનમાં ને મનમાં અકળાયા કરતી.

વૈશાલી કોમર્સના બીજા વર્ષમાં હતી. એણે કોર્સ પૂરો કરવા માટે ઉજાગરા શરૂ કરી દીધા. એની પરીક્ષા મે મહિનામાં હતી અને નયના એ પહેલાં આવી જવાની હતી. કુસુમબહેન તો નયના સાથે વાતો કરવામાં જ રોકાઈ રહેવાનાં હતાં.

***

રિક્ષા આવી. કુસુમબહેન દોડીને ઘરની બહાર આવ્યાં. નયના એમના ગળે વળગી પડી. મા દીકરી બંનેની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાઈ આવ્યાં. વૈશાલીએ સામાન ઊંચકીને ઘરમાં મૂક્યો. કુસુમબહેને નાનકડાં મયૂર અને મમતાને વારાફરતી ઊંચકીને વહાલ કર્યું.

પછીથી જેમ વૈશાલીએ વિચાર્યું હતું એમ જ થવા લાગ્યું. નયનાને ભાવે એવો નાસ્તો, નયનાને ફાવે એવી ચા, નયના માટે ખાસ સાચવીને રાખેલું અથાણું, નયનાને ભાવે એવું શાક, નયનાને ભાવે એવી દાળ, નયના માટે ખાસ ઓરડો ને નયના માટે ભેગી કરી રાખેલી વાતો...

દર વખતે આમ જ થતું. નયના આવે એ પછી ઘરમાં જે કાંઈ થતું તે નયનાઓ ખ્યાલ રાખીને જ થતું. પંખાનું રેગ્યુલેટર કે ટી.વી.નું વોલ્યૂમ પણ નયનાની ઇચ્છા પ્રમાણે જ રહેતું. વૈશાલીની દશા પણ ક્યારેક ક્યારેક પંખાના રેગ્યુલેટર જેવી થઈ જતી.

બપોરે ગિરીશભાઈ દુકાનેથી જમવા આવ્યા.

‘બેટા, કેમ છે?’ એમણે નયનાને પૂછયું.

‘મજામાં છું, બાપુજી.’

‘હરેશકુમાર શું કરે છે?’

‘એ પણ મજામાં છે, બાપુજી.’

‘ને તારાં ટાબરિયાં સારાં છે ને?’

‘હા બાપુજી.’

‘તો બસ.’

ગિરીશભાઈ હાથપગ ધોઈને બાથરૂમમાંથી બહાર આવ્યા એ દરમ્યાન નયનાએ મયૂર અને મમતાને બૂમ પાડીને બોલાવી લીધાં.

‘જુઓ, આ મારા બાપુજી છે. એમને પગે લાગો.’ નયનાએ બંને બાળકોને કહ્યું.

બંને બાળકો ગિરીશભાઈના પગમાં લાંબા થઈ ગયાં. કુસુમબહેને વહાલથી બંનેને ઊભાં કર્યાં. ગિરીશભાઈએ બંનેનાં માથાં પર હાથ ફેરવ્યો.

‘છોકરાંને જે જોઈએ તે આપજો. એમને રાજી રાખજો.’ ગિરીશભાઈએ કુસુમબહેનને કહ્યું ને જમવા બેઠા.

દર વખતે આમ જ થતું. નયનાના આગમનથી ગિરીશભાઈની દિનચર્યામાં ખાસ ફરક પડતો નહીં. એમનો ખોરાક પણ સાદો જ રહેતો. નયના આગ્રહ કરતી ત્યારે એનું માન રાખવા એકાદ બટકું મીઠાઈનું કે ફરસાણનું ખાઈ લેતા ને કહેતા: ‘બેટા, મને આવુંબધું હવે ફાવતું નથી. તમે ધરાઈને ખાઓ. મને તો શાક-રોટલા સિવાય બીજું કશું ન જોઈએ.’

રાત્રે પણ તેઓ બેચાર વાતો કરીને પોતાની પથારી ભેગા થઈ જતા.

ને પ્રણવ તો મનમોજી હતો. એ તો રમવામાંથી જ નવરો પડતો નહોતો. મોટીબહેનની વાતો એને સમજાતી નહોતી. પણ મોટીબહેન સાસરેથી આવે એ એને બહુ જ ગમતું. મયૂર અને મમતાને એ ખૂબ જ રમાડતો. વિદાય લેતી વખતે નયના કુસુમબહેનના ગળે વળગીને રડી પડતી ત્યારે તે પણ રડવા જેવો થઈ જતો.

‘અલ્યા, તું તો સંજયદત્ત જેવો ઊંચો થઈ ગયો છે ને?’ નયનાએ પ્રણવની મજાક કરી ત્યારે તે શરમાઈ ગયો.

વાતવાતમાં એકાદ ફિલ્મને યાદ કરવી કે કોઈને કોઈ અભિનેતા કે અભિનેત્રીનું ઉદાહરણ આપવું એ નયનાની આદત હતી. કેટલાંક જૂનાં ગીતો તો તેને આખે આખાં યાદ હતાં. એમાંય ‘આરાધના’ કે ‘કટીપતંગ’નાં ગીત જ્યારે ટી.વી.ના પરદા પર જોતી ત્યારે ખૂબ જ ભાવુક થઈ જતી. દોઢ દાયકા પહેલાંનો સમય તેની આંખોમાં ઉછાળે ચડતો. વૈશાલી જાણીજોઈને રાજેશખન્નાની નાની અમસ્તી ટીકા કરતી તે પણ એનાથી સહન થતું નહીં. રાજેશખન્નાની લોકપ્રિયતાનું લાંબું લાંબું વર્ણન કર્યા પછી તે કહેતી, ‘તને શી ખબર પડે? એ તો અમારા જમાનાનો સુપરસ્ટાર હતો.’

‘તમારો જમાનો હવે નથી?’ એક વખત એવો સવાલ વૈશાલીએ મોટીબહેનને કર્યો પણ હતો. જેના જવાબમાં નયનાએ ફિક્કું ફિક્કું હસીને કહ્યું હતું કે, ‘કોઈનો જમાનો કાયમ માટે રહેતો નથી.’

વારંવાર ભૂતકાળમાં ડૂબકીઓ મારવાની મોટીબહેનની આદતથી વૈશાલીને નવાઈ લાગતી. વૈશાલીની પોતાની પાસે ભૂતકાળની કોઈ વાતો નહોતી. વર્તમાનની જે વાતો હતી એ કોઈને કહેવા માટે નહોતી!

‘અલી, તું વધારે ના ખાતી. બહુ જાડી થઈ જઈશ.’ નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી.

મોટીબહેનને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીએ કહ્યું: ‘આપણે તો ખાઈ પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ, મોટીબહેન.પછી જે થવું હોય તે થાય.’

‘હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!’

‘કેમ? લગ્ન પછી મસ્તીથી ન જીવાય?’

‘ન જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!’

‘જવાબદારી વળી શાની?’

‘ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુ-સસરાને સાચવવાની.’

‘એ બધાં નાના કીકલા હોય?’

‘નાના કીકલા તો ઘણા સારા…..’

નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં.

‘શું છે? કોની વાત કરો છો?’ એમણે પૂછ્યું.

‘કોઈની નહિ. મમ્મી, આ તો હું વૈશાલીને કહું છું કે, જવાબદારી ઉપાડતા શીખી જજે જેથી સાસરે તકલીફ ન પડે’ નયનાએ કહ્યું.

‘જવા દે ને એની વાત. એ તો માથાની ફરેલી છે. દુ:ખી થવાની છે. મારી તો એકેય વાત એ ધ્યાનમાં લેતી નથી. એને કૉલેજ કરવા દીધી એ જ મોટી ભૂલ થઈ ગઈ છે.’

‘હું એને સમજાવી દઈશ. તમે ચિંતા ન કરો.’ નયનાએ ધરપત આપી.

‘મારે કશું સમજવું નથી. હું જે છું તે બરાબર છું.’ વૈશાલીએ ગરદનને ઝાટકો મારીને કહ્યું.

નયનાનો ચહેરો ઝાંખો થઈ ગયો.

‘એના બોલ્યા સામું ન જોઈશ. એ આજકાલ ચઢી વાગી છે.’ કુસુમબહેન બબડયાં.

દર વખતે આમ નહોતું થતું. આ વખતે પહેલે જ દિવસે આવું થઈ ગયું.

મોડી રાત સુધી નયના કુસુમબહેનના મોઢેઁ પોતાની, બાળકોની અને પોતાના પતિની વાતો કરતી રહી. વૈશાલી એ વાતો સાંભળવા બેઠી નહિ, અને પથારીમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગઈ.

નયનાથી એ આઘાત જીરવાયો નહિ. એ આખી રાત પડખાં ફેરવતી રહી.

બીજે દિવસે નયના મન મૂકીને વૈશાલી સાથે બોલી નહિ. એને એમ હતું કે વૈશાલી પોતાની માફી માંગશે. પણ વૈશાલી તો જાણે કશું જ બન્યું ન હોય તેમ ‘મોટીબહેન, મોટીબહેન’ જ કરતી રહી. છેવટે બપોરે નયનાએ જ વૈશાલીને પૂછ્યું: ‘તું આજકાલમાં બ્યૂટિ પાર્લરમાં જવાની છે?’

‘નક્કી નથી. કેમ?’

‘જાય તો મને સાથે લઈ જજે.’

‘એમાં શું? આપણે આજે જ જઈ આવીએ.’

બ્યૂટિ પાર્લરમાંથી આવ્યા પછી નયના ક્યાંય સુધી અરીસા સામે ઊભા રહીને વાળમાં કાંસકો ફેરવતી રહી ને એ બહાને પોતાનો ચહેરો જોતી રહી.

‘મમ્મી, મોટીબહેન તો ક્યારનાં ઊભાં ઊભાં અરીસામાં પોતાનું મોઢું જોતાં હતાં.’ વૈશાલી બોલી.

‘બિચારીના મોઢાં પર લોહી ક્યાં રહ્યું છે?’

‘મમ્મી, એવું કેમ થયું હશે? મોટીબહેન પહેલાં તો સ્માર્ટ હતાં, નહિ?’

કુસુમબહેને નયના પહેલાં કેવી હતી એની વાત માંડી. નયનાના રતુમડા ગાલ, લીંબુની ફાડ જેવી આંખો, નાગણ જેવો ચોટલો, હરણી જેવી ચાલ….એ બધી વાતો કર્યા પછી બોલ્યાં: ‘જોતાં જ કોઈની નજર લાગી જાય એવી હતી બિચારી! દેશપરદેશથી માગાં આવતાં હતાં, પણ તારા બાપુજીએ જ ના પાડી હતી. એમણે તો નક્કી જ કર્યું હતું કે, પરદેશમાં તો આપવી જ નથી ને અજાણ્યામાં પણ આપવી નથી. એ તો જ્યાં અંજળ હોય ત્યાં જ થાય. હરેશકુમારનું કુટુંબ તો જાણીતું હતું. મામા-મામી સાથે એમની ભાવના માટે અમે પણ હરેશકુમારને જોવા ગયાં હતાં. એ વાત આગળ વધી નહિ, પણ છ મહિના પછી એ લોકોએ જ નયનાનું માગું નાંખ્યું. કુટુંબ સારું અને ખાધેપીધે સુખી. પછી શું જોવાનું હોય? સુખી છે બિચારી.’

‘કોની વાત કરો છો?’ નયનાએ રસોડામાં આવીને પૂછ્યું.

‘મોટીબહેન, અમે તમારી જ વાતો કરતાં હતાં...’ વૈશાલીએ નયનાની આંખો નીચેનાં કાળાં કૂંડાળાં તરફ જોતાં કહ્યું. ‘ મમ્મી કહેતાં હતાં કે તમે ખૂબ સુખી છો.’

‘સુખી તો છું જ ને...’ નયના ફિક્કુ ફિક્કુ હસીને બોલી, ‘જો વૈશાલી, સાચું સુખ તો મનમાં જ છે. મનથી માનીએ તો સુખી અને ના માનીએ તો દુ:ખી. બાકી, બધી વાતનું સુખ કોઈને હોતું નથી.’

પછી તો નયના પોતાના સુખની વાતો સતત કરતી જ રહી...હરેશકુમારે એક નવો ફલેટ નોંધાવ્યો છે, ધનતેરશના દિવસે જ બે તોલા સોનું લીધું, મયૂરનો ચિત્રકામમાં હંમેશા પહેલો નંબર આવે છે, મમતા સારું નૃત્ય કરે છે, સાસુ પહેલાં કરતાં હવે ઠંડાં પડ્યાં છે, નણંદનાં લગ્ન થશે પછી એનું જોર પણ ઓછું થશે, હરેશકુમારને તો નવું નવું ખરીદવાનો બહુ જ શોખ છે, હમણાં જ ટીવી બદલાવી નાંખ્યું, છ મહિનામાં તો જૂનાં ડાઈનિંગ ટેબલનો પણ ફેંસલો થઈ જશે...

‘પણ તમારું શરીર તો જૂઓ મોટીબહેન.’ વૈશાલી બોલી, ‘હું હરેશકુમારને કહેવાની છું કે તમે મારી મોટીબહેનની આ કેવી દશા કરી નાંખી છે!’

‘ ના…ના. તું એવું ન કહેતી.’ નયના ભયભીત થઈને બોલી, ‘મમ્મી, વૈશાલીને કહી દેજો કે આડુંઅવળું ન બોલે. નહિ તો…’

‘પણ એમાં શું ખોટું કહેવાનું છે? જે છે તે જ કહેવાનું છે ને?’ વૈશાલી બોલી.

‘તને સમજણ ન પડે. જમાઈ ને જમ સરખા. એક પણ શબ્દ ખોટો બોલાઈ જાય તો સહન નયનાએ જ કરવું પડેને?’ કુસુમબહેન બોલ્યાં.

‘ જમાઈ!’વૈશાલી હાથનો લટકો કઈને બોલી: ‘તમે લોકો જ પહેલાં જમાઈને વધારે પડતાં માનપાન આપો છો. એટલે જમાઈ ચઢી વાગે ને જમ થઈ જાય છે. તમને લોકોને નોર્મલ લાઈફ જીવતાં આવડતું જ નથી.’

‘અત્યારે તારે જેમ બોલવું હોય તેમ બોલી લે. વખત આવશે ત્યારે તને પણ સમજણ પડશે.’ નયના બોલી.

પરતુ, વૈશાલી એ શબ્દો સાંભળવા ઊભી જ નહોતી રહી.

નયના માટે આ બીજો આઘાત હતો.

***

‘વૈશાલી. હું આવી એને દસ દિવસ થઈ ગયા. તું તો આ વખતે પિક્ચર જોવા જવાનું નામ જ નથી લેતી.

‘ટી.વી. પર એટલી બધી ફિલ્મ્સ બતાવે છે કે હવે તો થિયેટરમાં જવાનું મન જ થતું નથી.’ વૈશાલીએ જવાબ આપ્યો.

‘તો પણ મોટા પર્દા પર એકાદ જોઈ નાંખીએ. જો તને ટાઈમ હોય તો.’ .

વૈશાલીએ તૈયારી બતાવી. નયનાએ ’રાજશ્રી’માં મેટેની શૉમાં ચાલતી ફિલ્મ ‘અમર પ્રેમ’ જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો તો વૈશાલીને હસવું આવ્યું.

‘મોટીબહેન, રાજેશખન્નાનો જાદુ હજુ સુધી તમારા પરથી ઊતર્યો નથી?’

‘એ તો અમારો હીરો છે. જેમ આમિરખાન તમારો હીરો છે.’

‘હટ્! હું તો કોઈને મારો હીરો માનતી નથી. ફિલ્મ જોઈ નાખવાની પછી બધુ ભૂલી જવાનુ.’

‘નથી ભુલાતું. મારાથી તો ઘણું ઘણું નથી ભુલાતું.’

‘તમને તો બધું યાદ પણ બહુ રહે છે.’

‘ હા. ને કેટલીક વાતો યાદ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે…’

‘રણમાં મીઠી વીરડી મળી. નહિ?’ વૈશાલી વચ્ચે જ બોલી.

વૈશાલીની એ વાત પર નયના ખુશ થઈને હસી પડી.

….’અમર પ્રેમ’ જોઈને આવ્યા પછી પણ નયના મોડે સુધી એની અસર તળે રહી.

મોડી રાત સુધી વૈશાલી વાંચતી હતી ત્યારે પણ તેને મોટી બહેનનો ગણગણાટ સંભળાતો હતો: ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાએ... સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે...

***

‘વૈશાલી આજે હું તને વાંચવા નહીં દઉં. આજે તો તારે મારી સાથે મન ભરીને વાતો કરવી પડશે.’

‘પણ મોટી બહેન, મારે કોર્સ પૂરો કરવાનો છે.’

‘થઈ જશે. આજે છેલ્લો દિવસ છે. થોડીઘણી વાતો કરી લઈએ. કાલે હું તને ઓછી કહેવાની છું.’

‘કેમ આજે છેલ્લો દિવસ? તમે કાલે જ જવાના છો?’

‘ના. કાલે તો તારા જીજાજી આવશે. ત્રણેક દિવસ રોકાશે, પછી અમે એમની સાથે જતાં રહીશું. પંદર દિવસ જતાં વાર ન લાગી. મયૂર ને મમતા તો મામાની સાથે ને સાથે. જવાનું નામ પડે છે ને રડવા જેવા થઈ જાય છે.’

‘અચ્છા! એમ વાત છે . જીજાજી આવશે એટલે તમને તો અમારી સાથે વાતો કરવાનો સમય જ નહિ મળે! બરાબરને?’

‘એ તો એમ જ હોય. મારે તો નવાં પિક્ચર જોવાં નથી. પણ એ તો માનશે જ નહીં. રોજરોજ પિક્ચરનો પ્રોગ્રામ ગોઠવી કાઢશે. એ તો એવા શોખીન છે કે ન પૂછો વાત.’

નયના હરેશકુમારના શોખ વિષે ક્યાંય સુધી બોલતી રહી.

‘અલી વૈશાલી, સાંભળે છે કે ઊંઘી ગઈ?’ હોકારા ન મળતા નયનાએ પૂછ્યું.

‘સાંભળું છું મોટીબહેન.’ વૈશાલી નયનાની આંખોમાં તાકીને બોલી: ‘પણ મોટીબહેન, મારા એક સવાલનો જવાબ આપશો?’

‘બોલને.’

‘તમે ખરેખર સુખી છો?’

નયના માટે આવો સવાલ અણધાર્યો હતો. એ થોડી અસ્વસ્થ થઈ ગઈ.

‘તને શું લાગે છે?’ નયના માંડમાંડ બોલી.

‘મને તો લાગે છે કે તમે સુખી હોવાનો અભિનય કરો છો.’ વૈશાલીએ નીચું જોઈને, ધીમા છતાં મક્કમ અવાજે કહ્યું.

નયનાએ કશો જવાબ ન આપ્યો..

થોડી ક્ષણો એ રીતે જ પસાર થઈ ગઈ.

વૈશાલીએ નયનાની સામે જોયું ત્યારે નયનાની આંખોમાંથી વહેતાં આંસુઓ એના ગાલોને ભીંજવી રહ્યાં હતાં.

‘આઈ એમ સૉરી મોટીબહેન. મારો ઇરાદો...’ વૈશાલી પસ્તાવો કરતી હોય તેમ બોલી.

પણ એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં તો…

નયના વૈશાલીના ગળે વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

[સમાપ્ત]