ખભો
લેખક :-
ગિરીશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
ખભો
સામતાપ્રસાદને કેટલો અનુભવ હતો આ લોકોનો ? કાળા વાળ પર શ્વેત ઝાંય આવી ગઈ હતી એમને ખુશ કરવામાં. પદનું નામ હતું - જનસંપર્ક અધિકારી. પણ કામ તો આ જ; એ લોકની નાડ જાણીને તેઓનું મનોરંજન કરવાનું.
ખોસલા સાહેબની આ રીત હતી. પેલાને એવો ખુશ કરવો કે બીજે દિવસે તેની પાસેથી ધાર્યું પરિણામ મેળવી શકાય.જી
ફોન આવે સામતા પર. રંગસ્વામી આળે છે - આજની ફ્લાઈટમાં. અને તે કામ પર ચડી જતો - પૂરી ગંભીરતાથી. સાઉથ ઇન્ડિયન લહેકાથી આવકાર, ઉતારા અને યોગ્ય ભોજનની વ્યવસ્થા, મીનાક્ષી મંદિર અને રામેશ્વર, કન્યાકુમારી વિશેની વાતચીતો અને એ દરમિયાન જ પેલી વાત જાણી લેવાની - એ સાથી ખુશ થાશે એ જ સ્તો !
અને એ પછી એની વ્યવસ્થા.
સામતાપ્રસાદનો અનુભવ હતો કે એ કામ તો ચપટી વગાડવા જેટલી જ સરળતાથી પતી જતું. ભલે ને નામ રામદાસ કે કેશવદેવ હોય, કપાળમાં ત્રિપુડં હોય પણ વાત તો ત્યાં જ પહોંચી જતી - ‘સામતાપ્રસાદ... ચીજ અચ્છી હોની ચાહિએ...!’
ક્યારેક શરમાતાં, ક્યારેક અધિકારપૂર્વક તો ક્યારેક જરા આનાકાનીનો અભિનય કરતાં કરતાં પણ વાત એક જ બનતી.
સામતા રાતે ફોન કરી દેતો સબ સલામતનો. ‘રંગા સ્વામીને ? એ પડ્યો ગેસ્ટ હાઉસમાં, બેવડા નશામાં.’
બેય આછું મલકી લેતા હતા.
સામતાને મસમોટો વિશ્વાસ હતો કે ગમે તે ના હોય..., અંતે તો જાળમાં આવી જવાનો-પાકા બોરની જેમ !
ચોપરાએ કહ્યું - ‘સામતા પ્રસાદ, કમલનયન આવે છે... ખૂબ જ કામનો માણસ છે... ત્રીસ-બત્રીસનો. મોટો માણસ છે એની કંપનીમાં. પાછો જિનીયસ...! ખુશ થવો જ જોઈએ...!’
ત્યારે તે હસી પડ્યો હતો.
‘ખોસલા સા’બ... કામ હો જાયેગા.’
પણ... આ કમલનયન તો જુદી જ માટીનો નીકળ્યો. સામતાનાં આયુધો ખૂટી પડ્યાં.
તેણે તો ગેસ્ટ હાઉસમાંથી કામ શરૂ કરી દીધું. ફોન રણકતો કરી દીધો. અચ્છા, ચોપરા... મુઝે ઇતની ડિટેઇલ્સ ચાહિયે... અભી ઈસી વક્ત. મૈં કામ શરૂ કર દેના ચાહતા હૂં.
તે તો ચોંટી પડ્યો હતો - કામની ફાઈલોમાં. પહેલેથી તૈયાર થઈને આવ્યો હતો.
સામતાએ કહ્યું - ‘સર, સાઈટ... દેખેંગે...?’
તેણે કહ્યું હતું - ‘સામતા... આ તો મારી જન્મભૂમિ છે. બાર વરસનું શૈશવ અહીં જ... આ માટીમાં વીત્યું. હા, સાંજે... નીકળશું. પણ અત્યારે તો કામ...!’
સામતાએ કપાળ કૂટ્યું હતું. અરે, આ તો બીજો... ગાંધી ! તેના ભાથામાં એકેય તીર બન્યું નહોતું. પેલી વાત તો કહેવાય એને ?
ખોસલાએ રાતે રિપોર્ટ માંગ્યો ત્યારે તો તે ખરેખર અકળાઈ જ ગયો હતો. શું આપે... રિપોર્ટમાં ? કશું આપવા જેવું હોય તો ને ?
એ કમલનયનનો બચ્ચો શહેરની પદયાત્રા પર નીકળ્યો હતો ! અને... આખા શહેરના વર્ણન પર ચડી ગયો હતો. સામતાપ્રસાદ, આ જગ્યાએ વ્યાયામશાળા હતી જ્યાં રોજ સવારે... કુસ્તીના દાવ થતા હતા. હરિભાઈ પંડ્યા... દાવ શીખવતા હતા.
અહીં... માતાજીનું થાનક હતું જ્યાં નવરાત્રીમાં... સ્ત્રીઓ ગરબા લેતી.
આ જગ્યાએ આ... અને પેલી જગ્યાએ... પેલું - એવી નગરકથા શરૂ કરી હતી.
બ્રહ્મ પોળના એક મકાન પાસે ભાવવિભોર બનીને કહ્યું હતું - સામતા, અહીં જ મારું શૈશવ પસાર થયું ! અહીં તુલસી-ક્યારો હતો અને ત્યાં પેટીવાજુ હતું ! મા... સરસ પ્રભાતિયાં ગાતી રોજસવારે. કોઈ જીવણકાકા... પેટીવાજાની સંગતમાં ભજનો ગાતા. આમાં... ખોસલાની ઇચ્છા ક્યાંથી સંતોષાવાની ? એ તો કોરી કડકડતી નોટ જેવાં પરિણામો જ માગશે !
તેને શું આ વાતો કહેવી ? એ બ્રહ્મ પોળના ઘર પાસેથી વિદાય લેતી વખતે વિષાદમાં કેવું બોલી ગયો હતો - એ કહેવું ? આ ક્યાં રંગાસ્વામી હતો કે સામેથી કહે - સામતા, કુછ અચ્છી ચીજ હો જાય ? કે નહોતો રામસ્વરૂપ કે તેને હોટ ડ્રિન્ક પકડાવી દેવાય ? આ તો... કોઈ, આ તો કોઈ લખવાવાળા જેવો હતો કવિ કે પછી... !
આવ્યા પછી પલંગમાં પડ્યો હતો - મૂઢની જેમ. આમાં સામતાપ્રસાદ કહે પણ શું ? હિંમત જ ક્યાંથી ચાલે ?
અને આ બધી - વિફળતાની કબૂલાત પણ કેમ કરીને કરે ખોસલા પાસ ?
‘ખોસલા સા’બ... સબ બરાબર હો જાયેગા. આપ મુજ પર છોડ દિજીયે. યે કમલનયન... મૂઠ્ઠી મેં આ જાયેગા...! તેણે હિંમતથી કહી દીધું હતું. જો કે દૃષ્ટિ સમક્ષ તો એનો ઉદાસ ચહેરો તેને છળી રહ્યો હતો.
તે વિચારતો હતો કે બીજી આખી સાંજ તેની પાસે હતી. કશું તો જરૂર કરી શકશે.
અચાનક એક ચમકારો થયો. તેને પેટીવાજું સાંભર્યું. એ કમલનયન શું કહેતો હતો, બ્રહ્મ પોળના જૂના મકાનને યાદ કરીને ? કહેતો હતો કે આ જગ્યાએ પેટીવાજું રહેતું, એ જગ્યાએ ભજન ગવાતાં હતાં, તેની મા પ્રભાતિયાં ગાતી.
હા... તેને જરૂર પક્ષપાત હતો સંગીત માટે, તો... ? કમલનયનને ત્યાં જ લઈ જવો - ઠૂમરી સાંભળવા ! સામતાપ્રસાદને સરસ રસ્તો મળી ગયો. જોયું ને, અંતે પકડાઈ ગયો ! બે ચાર ઠૂમરીઓ સાંભળશે અને રસથી તરબોળ થઈ જાશે, એ છોકરો.
સારું થયો, એણે જીદ કરી... એ ગલીમાં જવાની, પેલા ઘરમાં જવાની. અને એમાંથી માર્ગ મળી ગયો - તેને ખુશ કરવાનો. સામતા પ્રસાદ વિચારતો હતો.
સારું થયું કે એ પેટીવાજું યાદ આવી ગયું.
અને એ જ પેટીવાજાની યાદ, કમલનયનને દુઃખી કરતી હતી. સરસ રેશમી સુંવાળી શૈયા હતી, એ.સી.ની ઠંડક હતી પરંતુ તે તો ભીતરના દાહથી બળતો હતો.
બારમે વરસે જ તેણે, એ ઘર, શેરી અને નગર છોડ્યું હતું. તેણે માતાને પ્રભાતિયાં ગાતી જોઈ હતી, રડતી અને આંસુ લૂછતી જોઈ હતી. ક્યારેક કુતૂહલ થતું હતું કે મા શા માટે રડતી હશે ? એવું કશું નહોતું કે તેણે રડવું પડે.
તેની વય પણ કેવડી ? તે પૂછતો - ‘મા’ કેમ રડે છે ? તને માથું દુઃખે છે ? પેટમાં...’
ત્યારે તેની દુઃખની વ્યાખ્યા આટલી જ હતી.
તેને ખ્યાલ હતો કે પિતાજી... કાયમ મધરાતે જ બહારથી આવતા. મા બારણું ખોલે, કશું બોલે ગુસ્સાથી પણ એ તો કશું ગીત ગણગણતા હોય.
મા વિશેષ બોલવા લાગે તો પણ તે ગુસ્સે ના થાય. એ સમયે તેને પિતાજી ગમતા, માનો ગુસ્સો નહોતો ગમતો.
મિતભાષી હતા એ. કમલનયનને યાદ હતું કે માના ગુસ્સાને કારણે જ પિતાજીએ રાતે આવવાનું છોડી દીધું હતું. સવારે આવે. ઝટપટ તૈયાર થાય ને રીસમાં નોકરી પર ચાલ્યા જાય. મા કમલને જમાડે પણ પોતે ભૂખી જ રહે. નાના કમલને સમજ પડી હતી કે માને મતભેદ હતા પિતાજીથી. બસ... એ જ કારણથી તે રડતી હતી :
પછી તો તે ખૂબ ઝડપથી સમજણો થઈ ગયો હતો. પાર્વતી તેને કહેતી, ‘કમલ... એ ગાનારી એ જાદુ કર્યું છે. ત્યાં જ પડ્યા પાથર્યા રહે છે. તે પેટી વગાડે છે ને પેલી નાચે છે. બીજું શું ય કરતા હશે ! રોળી નાખ્યો સંસાર એ કભારજાએ.’
કમલનયનને લાગ્યું કે મા ખરે દુઃખી હતી. કોણ હશે એ ગાનારી, નાચનારી, કભારજા ? શું કરતા હશે પિતાજી એની સાથે ? મા કાંઈ અમસ્તી અમસ્તી રડે ?
પછી તો તે શાળાએ જાય કે વ્યાયામ શાળામાં જાય, તેને મા યાદ આવી જતી. થતું કે તે રડતી જ હશે ! વળી થતું કે પિતાજીએ શા માટે જવું જોઈએ પેલી સ્ત્રી પાસે ?
એક વેળા તે શાળાએથી આવ્યો ત્યારે મા ચોધાર આંસુએ રડતી હતી, અને પાસેવાળા મણિમા સાંત્વના આપતાં હતાં. ‘પાર્વતી... તું ખૂબ જ ઢીલી. પ્રાણવલ્લભ આવું કરે એ કેમ ચાલે ? કોઠા પર જઈને નાચનારીના સંગમાં રહે એ સારા માણસનું લક્ષણ ગણાય ? કોઈ નથી એને... વારવાવાળું ?’
એ વેળાએ તો તે પણ રડી પડ્યો હતો માને વળગીને. એ રાતે તેને ખૂબ જ ખરાબ વિચારો આવ્યા હતા. માને વળગીને સૂતો હતો. તેને થયું હતું કે ભગવાન શા માટે પેલી નાચનારી સ્ત્રીને સજા ન કરે. આ તો મા દુઃખી થતી હતી, પેલીને બદલે.
બીજે દિવસે તેને રીસ ચડી હતી. ના, નથી પ્રણામ કરવા, એ ભગવાનને.
એ વરસની પરીક્ષામાં તે માંડ માંડ પસાર થયો હતો. તેણે માને કહ્યું હતું કે તેને ભણવામાં મન લાગતું જ નહોતું.
એક દિવસ... મોટા મામા આવ્યા ને તેને તેડી ગયા સાથે. માએ ભાર દઈને કહ્યું હતું - પ્રતાપ, આ અહીં નહીં ભણી શકે. એ રામ ક્યાં છોડવાના હતા - પેલીનું પડખું ? કમલને મારે મોટો માણસ બનાવવો છે...’
કમલનયનને એ રાતે, બધું જ સપાટી પર આવી ગયું હતું. તેણે એ પછી પિતાજીને ક્યારેય જોયા નહોતા. માત્ર વાતો સાંભળવા મળતી હતી. અને એ વાતોય કેવી ?
મામી કહેતાં - ‘પાર્વતીબહેનનો જ દોષ ગણાય ? પોતાના પુરુષને તો સંભાળવો જ પડે. એ ક્યાંય જાય જ... કેમ ?’
મામા પાર્વતીનો પક્ષ લેતા.
એક દિવસ એ પુરુષના મૃત્યુના સમાચાર આવ્યા ને મામા બોલ્યા હતા - ‘ચાલો, મુક્તિ મળી પાર્વતીને !’
શ્રાદ્ધ આટોપાઈ ગયું નર્મદાની કોઈ પવિત્ર જગ્યાએ. કમલનયનનું મન ધિક્કારથી ભરાઈ ગયું એ, ના જોયેલી અજાણી સ્ત્રી માટે.
મા મૃત્યુ સુધી લગભગ મૌન જ રહી હતી. ના વલોપાત, ના પશ્ચાત્તાપ, ના સુખ, ના ગ્લાનિ.
જાણે તંતુ જ તોડી નાખ્યો, અણગમતા અતીત સાથે. તો પણ એ પુરુષની મૃત્યુતિથિ યાદ રાખીને વિશેષ પૂજા-અર્ચના કર્યા કરી હતી, છેક સુધી.
કમલનયન જાતને પૂછ્યા કરતો એક પ્રશ્ન. માની જિંદગી વિશેસ્તા ! એની જિંદગી રોળનાર એ સ્ત્રી ક્યાં હશે ? એને શું ફળ મળ્યું આ કર્મથી ?
એટલું સારું થયું કે મા સુકેશીને જોઈને, માથા પર હાથ મૂકીને ગયાં. બસ, એટલું જ એનું સુખ ને ?
કમલનયન ખિન્ન થઈ ગયો એ રાતે. દિવસભર કામ આટોપ્યા કર્યું અન્યમનસ્ક ભાવે. ખોસલા ઇચ્છતા હતા કે કમલનયન ખુશ થઈને સરસ અહેવાલ લખે અને તેને મોટી લોન મળી જાય વિસ્તરણ માટે. પણ જે સંકેત મળતા હતા એ શુભ તો નહોતા જ. તે ફોનને રણકાવતો હતો - ‘સામતા... ક્યા હો રહા હૈ ?’ સામતાપ્રસાદ ક્યાં જાણતો હતો કમલનયનના ભીતરના વ્હેણને ? તે તો મુસ્તાક હતો... પન્નાબાઈની ઠૂમરીની નજાકત પર, અલબત્ત તેને ક્યાં સૂઝ પડતી હતી સંગતની ? બસ, ગમી ગયું હતું કાનને અને પછી મનને ? ભૈરવી અને જય જયવંતી -સરખાં જ હતાં એને મન !
સાવ અકસ્માતે જ આ પન્નાબાઈ મળી ગયાં હતાં. તે તો કોઈ અશરફી બાઈને શોધી રહ્યો હતો - ચબરખી હાથમાં લઈને. નીચેની પાનની દુકાનવાળાએ માહિતી આપી હતી કે બાઈ સરસ ઠૂમરી ગાય છે. બાબુજી... સાક્ષાત્ ઈશ્વર પણ સાંભલવા આવી જાય એટલી મીઠાશ છે ગળાની.
અને એ અશરફી બાઈની લાલચે તે જીર્ણ, વળાંકવાળો લાકડાનો દાદર ચડેલો.
અને એક શુભ્ર વસ્ત્રધારી પચાસેક વરસની ગૌર સ્ત્રીનાં દર્શન થયાં સામતાને - એક, બે સાજિંદાઓ હતા અને સામે કોઈ જ નહીં ! પણ કાંઈ મીઠાશ હતી ગળાની ! તે સ્થિર બેસી જ ગયો ફરસ પર. સ્થળ-કાળનું ભાન ક્યાં રહ્યું હતું. ખોસલાનું કામ અશરફી બાઈનો પત્તો લગાવવાનું - સાવ વિસરાઈ ગયું.
કલાક પસાર થઈ ગયો એ સ્વરગાનની લીલામાં. અચાનક પન્નાબાઈએ તેને પૂછ્યું હતું - ‘આપ પટનાકે હો ?’ તે ચકિત થઈ ગયો હતો. આ સ્ત્રીને તેના વતનની ક્યાંથી ખબર ? સંયોગથી બન્નેનું વતન એક જ હતું.
બેયની આંખો સમક્ષ બિહારનો ગ્રામ્ય પ્રદેશ તગતગી ઊઠ્યો હતો. લીલાછમ્મ ધાનથી લથબથ ખેતરો, ગંગાનો વિશાળ જળરાશિ અને કંગાળિયાત વચ્ચે ખદબદતાં ગ્રામ્ય કસબાઓ !
ખૂબ વાતો થઈ વતનની. આંખો ભીની થઈ.
‘સામતાપ્રસાદ, ભૈયા, આયા કરો.’ પન્નાબાઈએ આંખો લૂછી હતી ભીના પાલવથી. સાજિંદાઓ તો ક્યારનાય ચાલ્યા ગયા હતા. તે દાદર સુધી વળાવવા આવી હતી.
એ પછી માંડ એકાદ વાર મળવાનું બન્યું હતું, ને એ પણ અલ્પ સમય માટે જ; તો પણ તંતુ તો જળવાય રહ્યો હતો - વતનની સ્ત્રી પ્રતિ.
કલમનયનની ગૂંચ આવી ને તરત જ સામતાપ્રસાદને એની યાદ આવી ગઈ. કમલનયનને તો માત્ર એટલું જ કહ્યું - ‘ચાલો, તમને એક સરસ પરિચય કરાવું. પછી તમે કહો તેમ ગોઠવશું.’
પહેલેથી એમ કહે કે એક પચાસ-એકાવનની સરળ સ્ત્રીને મળવાનું ? જીર્ણ દાદર ચડીને એક જૂની મેડી પર જવાનું ?
એવું પણ બને કે કમલનયન ના જ પાડી દે.
સામતાપ્રસાદે છાસને ફૂંકી ફૂંકીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. ગાડીની તો વાત જ ક્યાંથી થાય ? થોડી પદયાત્રા બાદ રિક્ષા ઊભી રાખવી હતી.
સાવ સહજ રીત... જીર્ણ દાદર સુધી પહોંચી જવાયું હતું. ‘આઈ એ કમલ સા’બ... મળી લઈએ... એને’ એમ બોલાયું પણ ખાસ્સી કડવાશથી. સાવ સામાન્ય કામ માટે જ મેડી પર જવાનું હતું એવો જ ભાવ હતો ચહેરા પર.
પણ મનોમન કેટલો તંગ હતો ?
કમલનયનના ચહેરા પર થોડું વિસ્મય હતું અને ઝાઝો અણગમો હતો. તે તો એ પછીના સમયનું વિચારી રહ્યો હતો. ખાસ્સો દિવસ હતો હજી. પંદરેક મિનિટ પછી આ માર્ગથી થોડે દૂર બિસ્માર પુલ પરથી સરસ સૂર્યાસ્ત જોઈ શકાય. હા, તેને ખબર હતી. કદાચ સામતાને તો એની જાણ પણ નહીં હોય !
દાદરના વળાંક પર પહોંચ્યા ને એક ભીનો દર્દભર્યો સ્વર સંભળાયો હતો - ‘પ્રભુ મોરે અવગુણ...’
સામતાપ્રસાદ માટે તો કશું અણધાર્યું નહોતું પણ કમલ ચમક્યો હતો. તેણે સામતા સામે જોયું હતું - વિસ્મયથી. ‘આવો સાહેબ... આ તો ઈશ્વરનું વરદાન છે.’ સામતાએ હસીને કહ્યું હતું.
અંતરો બેવડાયો અને વાતાવરણ નિર્ઝરી ઊઠ્યું - ખળ ખળ ખળ ! કોઈ પણ વ્યક્તિ પોતાને ભૂલીને સ્વર, લયના વહેણમાં વહેવા લાગે. કમલનું પણ એ જ થયું.
બીજી પળે તો તે બન્ને... પન્નાબાઈની સામે હતા. ખાલી જાજમ પર ક્યારે ગોઠવાઈ જવાયું એનું ભાન જ ના રહ્યું.
બીજો અંતરો ગવાયો. પન્નાબાઈની આંખો ક્યાં ખૂલી હતી ? ગાલ પર આંસુ અભિષેક કરતાં હતાં. સામતાને લાગ્યું કે આજની પન્નાબાઈ સાવ અલગ હતી.
સૂરો ધીમા થયા અને શાંત થયા. છેલ્લી થાપ પડી તબલા પર. બે પળ માટે મેડી નિઃસ્તબ્ધ બની ગઈ.
‘કોણ સામતાપ્રસાદ ?’ એ બંધ આંખો ખૂલી તરત જ. આંસુ ભર્યા ગાલ લુછાયા, બેય હથેળીઓથી.
સામતાએ સ્મિત કર્યું - પરિચિતતાનું, ને કમલ સામે જોયું. આખરે તેની આ મુલાકાતનું પ્રયોજન કમલ જ હતો ને ? તેને ખુશ કરવાના ધ્યેય સાથે અહીં આવ્યો હતો.
અચાનક પન્નાબાઈ બોલી - ‘સામતા... તમે યોગ્ય સમયે જ આવ્યા છો. આજે હું અસ્વસ્થ જ હતી. અને એકલી પણ. ખાસ નિમિત્ત છે, આજનો દિવસ. હું ખભો શોધતી હતી - ખાલી થવા માટે.’
સામતા ગંભીર થઈ ગયો. કશીક પીડા હતી આ સ્ત્રીની. પણ એમાં શો રસ પડશે કમલનયનને ?
તેણે જોયું તો એ પણ સ્થિર રહીને પન્નાબાઈને સાંભળતો હતો. ‘સામતા... એમનું નામ પ્રાણવલ્લભ. તેજસ્વી, સ્નેહ વરસાવતી આંખો. શું સરસ પેટી બજાવે ? આંગળીઓ જાણે નૃત્ય કરે...!
પન્નાબાઈ જરા રોકાઈ. અતીતમાં જવા માટે ઊંડું ઊતરવું પડે ને ? પણ કમલનયન ચમક્યો હતો. આ પ્રાણવલ્લભ તો તેના પિતા ? એમની જ વાત ! તો... આ જ પેલી ખરાબ સ્ત્રી !
કમલનયનનો ધિક્કાર સપાટી પર આવી ગયો. ‘સામતા... એ પ્રાણવલ્લભ મારો તારણહાર, મારો સાચો રાહબર... મારો... પ્રાણ, મારું સર્વસ્વ.’ તે બોલી.
કમલનયનને થયું કે ઊઠીને ચાલી જાય. શો અર્થ હતો - આને નીરખ્યા કરવાનો, પાપિણીને સાંભળ્યા કરવાનો ?
પણ તે યત્ન કરવા છતાં પણ ઊભો ના થઈ શક્યો. ‘આજે એમની પુણ્યતિથી’. તે નિશ્વાસ નાખતાં બોલી.
‘સામતા, એમની વાતો કેટલી અદ્ભુત ? કેટલી સમજણ ભરી ? મને તારી એ મહાપુરુષે, હું તો એક તવાયફ સરખી હતી, નાચ-ગાન થકી રીઝવતી હતી લોકોને. અને અભિમાનેય કેટલું હતું ? રૂપનું, તનનું, મારી એક એક નખરાળી અદા પર ઝૂમતા... લોકોનું ?’
એમણે જ મને ઢંઢોળી હતી. કહ્યું હતું - પન્ના, પાછી ફર. આ તો પતનનો માર્ગ છે. ઈશ્વર માટે ગા, નાચ અને સમર્પિત થઈ જા.
મેં મૂર્ખીએ શરત મૂકીને તે કકળી ઊઠ્યો. કહે - પન્ના, મારે પત્ની છે. મારે એક પુત્ર છે, મારો સંસાર છે, તું જેને પ્રેમ કહે છે એ તો મૃગજળ છે. તું તો ગંગામાં નાહી છું. અને ગંદા નાળામાં સ્નાન કરવા તૈયાર થઈ ગઈ ?
સામતા... મારી જિંદગી બદલાઈ ગઈ પણ હવે એ નથી. બસ... કશું જ નથી મારી પાસે - એમના સ્મરણ સિવાય.
હચમચી ગયો કમલનયન... ઓહ ! આ સત્ય ! તે કેટલો ધિક્કાર લઈને જીવતો રહ્યો પિતા માટે, અજાણી સ્ત્રી માટે. પિતાની છેલ્લી નિશાની પેટીવાજું ય વેચી નાખ્યું, પાણીના મૂલે ! અણગમતા મનથી શ્રાદ્ધવિધિ કરી હતી, નર્મદાના ઘાટ પર. સુકેશી પણ જાણતી હતી તેના ધિક્કારને. ક્યાં એકેય તસવીર હતી મૃત પિતાની ? આજે આખો અતીત સળવળ્યો. બેય આંખો અને ત્રીજું મન - ભીનાં થયાં.
કમલનયનના મનોવ્યાપારો સામતાપ્રસાદ ક્યાંથી જાણે ?
બેય પાછા ફર્યા, દાદર પર.
‘કમલ સા’બ... વાત આડા પાટે ચડી ગઈ. નહીં તો બે ચીજ સંભળાત ને ?’ તે સાંત્વના આપવા લાગ્યો.
પણ કમલનયન તો કોઈ ખભાને ઝંખતો હતો. માથું મૂકીને તે રડી શકે, ખાલી થઈ જાય.
તેણે અવશપણે મેડીના બંધ બારણા પ્રતિ જોયું, જોયા કર્યું.
તેને લાગ્યું કે એય ઝંખતી હશે ને, કોઈ ખભો !