હું હોંઉ તો
લેખક :-
ગિરીશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
હું હોંઉ તો
શાળાનો સમય પૂર્ણ થયાનો ઘંટ વાગ્યો અને બે મિનિટમાં જ આખો વર્ગ ખાલી થઈ ગયો. વર્ગનો કોલાહલ છેક પરસાળમાં પહોંચ્યો ત્યારે જ લીના ઊભી થઈ. સાવ નિરાંતે બુટની લેસ બાંધી, લાંબા વાળ પસવાર્યા અને સ્કૂલ બેગ ખભે મૂકી. જાણે એને ઘરે જવાની ઉતાવળજ નહોતી !
સામે જ ખુરસી પર કમલિની મૅડમ બેઠા હતા, નિબંધની નોટો તપાસતા હતા - ગુજરાતી નિબંધની.
‘લીના, તું હજી નથી ગઈ ?’ એકાએક ધ્યાન દોરાયું એમનું. ‘ના... મૅડમ...’ લીના ચમકી હતી.
જોકે મૅડમનું ધ્યાન તો નોટમાં જ હતું.
‘તું તો... બઈ, સરસ નિબંધ લખે છે.’ તે ખુશ થતા બોલ્યાં. લીનાના ગૌર મુખ પર આનંદ લીંપાઈ ગયો. ‘ભાષા સરસ છે. લખાણમાં લાલિત્ય છે. જાતે જ લખે છે કે કોઈ મદદ કરે છે ?’ મૅડમની પૃચ્છા લંબાઈ. ‘ના, મૅડમ, જાતે જ !’ તે તરત જ બોલી - ‘સરસ...’ કહીને મૅડમે હાંસિયામાં પ્રશિસ્ત કરતાં વાક્યો લખ્યાં, ગાલે વ્હાલની ટપલી પણ મારી.
પછી કોણ જાણે કેમ પણ બોલ્યા - ‘સમય આવશે ત્યારે તું સરસ પ્રેમપત્રો લખી શકીશ !’
અને લીના શરમાઈ પણ ખરી. તે આ શબ્દથી અજાણ તો નહોતી જ. મૅડમ મર્માળુ હસી પડ્યા.
‘તને એકાંત મળે છે - લખવા માટે ?’ પૃચ્છાની દિશા બદલાઈ.
‘હા, મૅડમ...’ તે બોલી... જરા ખટકતાં સ્વરે.
અને પછી ધીમે પગલે પરસાળમાં પહોંચી ગઈ.
‘એકાંત મળે છે ? કેવું પૂછ્યું મૅડમે ?’ તે ઉદાસ થઈ ગઈ. વળી પાછી મૅડમે કરેલી પ્રશંસા યાદ આવી ગઈ. તે હસી પડી. બાયસિકલના પેડલ પણ જોરથી મારવા લાગી. રસ્તો ઝટ કપાઈ ગયો. કશો ખ્યાલ જ ના રહ્યો. લિફ્ટમાં ઘૂસી, બટન દબાવ્યું. બધું જ, આનંદની છોળ વચ્ચે બની ગયું. પાંચમો ફ્લોર આવી ગયો ને લિફ્ટ અટકી. પેલી છોળ પણ અટકી ગઈ.
સામે જ-ખુલ્લાં બારણા વચ્ચે રમાબાઈ ઊભી હતી. ‘અચ્છા હુવા, તુમ આ ગઈ, બેબી. અસ્પતાલમેં જાના હૈ...’ તે બોલી, ત્વરાથી. જણે શબ્દો હોઠો પર ગોઠવીને જ બેઠી હતી ! ‘ખાના ટેબલ પર રખા હૈ.’ કહેતા તે દાદર ઊતરવા લાગી હતી.
લીના માટે ત્રણ ફ્લેટો વચ્ચેની નાનકડી જગ્યા સાવ ખાલી થઈ ગઈ. અને અંદર પણ ખાલીખમ હતું.
મમ્મી કે પપ્પા, આ સમયે ઘરમાં ના જ હોય એની લીનાને પાકી ખાતરી હતી.
બારણું અંદરથી વાસ્યું, બરાબર વસાયું છે કે નહીં એ પણ તપાસી લીધું. રોજનો ક્રમ હતો. પછી ત્રણ ખંડના વિશાળ ફ્લેટ પર એક દૃષ્ટિપાત કર્યો. એની એ જ દીવાલો, છતો, બારીઓ, સામાન દેખાયાં. સવારે હતું એ જ અત્યારે હતું. અને મમ્મી નહોતી ! ‘તને એકાંત મળે છે - લખવા માટે ?’ કમલિની મૅડમે એને પૂછ્યું હતું. એને તો એકાંત જ હતું - વસમું એકાંત ! ન સહી શકાય એવું એકાંત.
તેણે જમી લીધું. તેને ગમતું રસાવાળું શાક હતું, મુરબ્બો હતો. રમાબાઈને લીનાના ગમા-અણગમાની જાણ હતી. રમાબાઈ હોત તો વાત અલગ હતી.
લીનાએ જમતાં જમતાં એમને સ્કૂલની બધી વાતો કહી હોત. પણ હમણાં હમણાં તો રમાબાઈ પણ ક્યાં ઘરે રહેતા હતા ? લીના ભીંતો સામે જોઈને સમય પસાર કરતી. વળી હોમવર્ક પણ હોય. ક્યારેક ફોન કરે સ્મિતાને, જાગુને કે પછી કોઈને. ‘એકલી જ છું, જાગુ. આવડાં મોટા ઘરમાં સાવ એકલી જ !’ તે પહેલું વાક્ય આ જ બોલતી. કદાચ બોલાઈ જાતું - ન ધાર્યું હોય તો પણ.
મમ્મી કદાચ પાંચે, સાડાપાંચે આવે. ક્યારેક ક્લબમાં જાય તો રાતે ય થઈ જાય. જો કે રમાબાઈ આવી જાય ત્યાં સુધીમાં. એવું બને કે તે તો રમાબાઈની પ્રતીક્ષા કરતી હોય ને અણધારી મમ્મી ટપકી પડે.
તરત જ ફટાફટ બોલવા માંડે - ફટાકડાની જેમ જ. ‘રમાબાઈ નથી ? હમણાં ચોર થઈ ગઈ છે. હં... શું કર્યું તે ? હોમવર્ક થઈ ગયું ? કોનો ફોન આવ્યો’તો ? ઓહ ! પ્રતિભાનો ? કદાચ મારે જવું જ પડશે. એ નહીં છોડે મને - પાર્ટીમાં તો હું જોઈએ જ.’
અને થોડીવારમાં તો એ બનીઠનીને ચાલી પણ જતી. લીનાના હોઠ પર એ શબ્દો આવીને અટકી જતાં. તે કહી શકતી નહોતી કે તેને પણ સાથે આવવું હતું.
પાછી રમાબાઈ અથવા એકલતા.
પપ્પા તો છેક રાતે દશ અગિયારે આવે. ત્યારે તો તે થાકીપાકીને જંપી ગઈ હોય. રાતે ઝબકી જાય ત્યારે કદાચ પપ્પાનો અવાજ સંભળાય, મમ્મીનો ય સંભળાય. ‘શું કરે છે, લીની ? બરાબર ચાલે છે ને, એનું ?’ ક્યારેક તો એના જ વિશે વાત થતી હોય ને એ સરવા કાને સાંભળતી હોય. એને થાય કે પપ્પા અને મમ્મી પાસે આવે, એને પંપાળે, પપ્પી કરે. પણ એવું તો બનતું જ નહોતું.
આ કરતાં તો નીલા ફોઈ હતા ત્યારે એને સારું હતું. સ્હેજે ય એકલતા જ નહીં.
બે ય સાથે જ બહારથી આવે. લગભગ સાડાબાર થતા હોય. અરે, સમયની ફિકર જ કોને હતી ?
બે ય સાથે જમે, અલકમલકની વાતો કરતા. બેય વચ્ચે એક જ ખંડ. એક જ પલંગ. ફોઈ ત્યારે વીસ-એકવીસના. પપ્પા, મમ્મી અને રમાબાઈ તો ત્યારે પણ આમ જ. પણ ફોઈ હતાં ને ? કેવું જામે ? એકલતા લાગે જ ક્યાંથી ? આખો ખંડ બેયના હાસ્યથી ગાજતો હોય.
અને પછી તો નીલા ફોઈ પણ પ્રેમપત્રો લખતા હતા. ટેબલ-લેમ્પ ચાલુ કરીને બેસી જાય. એક ચિત્તે લખ્યા કરે. લીનાથી છાનુંછાનું. ફટ દઈને લીનાએ પૂછી નાખ્યું હતું. આવી અલગતા એ ક્યાંથી સ્વીકારે ? ‘પ્રેમપત્ર લખું છું - તારા ફૂવાને.’ તોરમાં ને તોરમાં નીલાફોઈએ સત્ય જાહેર કર્યું.
તે જરા વિચારમાં પડી ગઈ હતી, પણ પછી તરત જ મગજમાં બત્તી થઈ હતી. ‘યે મેરા પ્રેમપત્ર પઢકર... તુમ નારાજ ના હોનાં - ફોઈ એ જ ને ?’ તે બોલી હતી. ‘વાહ... તને તો ભઈ ઘણી ખબર છે. બસ એ જ...’ કહીને નીલા પાછી પત્રમાં ડૂબી ગઈ હતી.
લીના આવલોકતી હતી ને નીલાફોઈનું મોં સતત મલકતું હતું - પ્રેમપત્ર લખતાં લખતાં સ્તો !
એ રાતે એને બધું યાદ આવી ગયું. તો કમલિની મૅડમ પણ પ્રેમપત્રો લખતા જ હશે ને ? એમની સગાઈ પણ હમણાં જ થઈ હતી.
વાણી મૅડમે એમને અભિનંદન આપેલા; કહેલું કે કેવોક છે છોકરો ? તારા જેવો કે પછી... અને કમલિની મૅડમ શરમાઈ ગયેલા. તે એ સમયે બારણામાં જ ઊભી હતી. ‘તે... લગન તો છોકરા સાથે જ થાય !’ તે બબડી હતી. ‘નીલીફોઈના... ફૂવા સાથે જ થયેલા ને ! જાન આવી હતી. પપ્પા હુકમ પર હુકમ છોડ્યે જતા હતા. મમ્મી પણ કેવી સરસ તૈયાર થઈ હતી ? તેને એ સમયે મમ્મીને વળગી પડવાનું કેટલું મન થયું હતું ? અને નીલાફોઈ તો પરી જેવા જ લાગતા હતા. તેણે આઈસક્રીમના કેટલાં કપ ખાધેલાં ? અરે, પછી તો એનું બુટીવાળું ફ્રોક પણ આઈસક્રીમ... આઈસક્રીમ...!’
અને કેટલું રડેલી વિદાય વખતે, નીલીફોઈને વળગીને ? થયું - આ પણ જતા રહેશે ? મારે એ ખંડમાં એમના વિના રહેવાનું ? હવે કોને વળગીને સુઈશ ? કોની સાથે હસીશ ? એના પપ્પા તો ગુસ્સે થઈ ગયા હતા. લીનાને ગુસ્સા ભર્યો અવાજ કાન સુધી આવ્યો હતો. ‘દેવી... ધીસ ઈઝ ટુ મચ. સ્ટોપ ધીસ સ્ટુપીડનેસ !’ પછી તો તે જ અળગી થઈ ગઈ હતી - નીલાફોઈથી. પપ્પાનો ગુસ્સો માંડ શાન્ત થયો હતો.
બસ... એ દિવસથી જ લીના એકલી થઈ ગઈ હતી. આટલું વિશાળ ઘર ને તે એકલી જ !
અને એકલી એકલી જ તે... બારમાંથી તેર વરસની થઈ હતી. શાળાએથી ઘરે આવવું ક્યા ંગમતું હતું ? કમલિની મૅડમ ગમતા હતા એટલી મમ્મી ક્યાં ગમતી હતી ?
પણ એ રાતે તે એકલી ક્યાં હતી ? કમલિની મૅડમ જાણે એની સાથે જ હતા ! ઓ ! કેટલાં વખાણ કર્યાં નિબંધના ? કહ્યું કે સમય આવશે ત્યારે સરસ પ્રેમપત્રો લખી શકીશ ! એ લખવાનો સમય ક્યારે આવશે ?
એ તો નીલાફોઈ જેવડા થવાય પછી જ લખાય. તેણે રીતસર આંગળાના વેઢાંઓ પર ટેરવા ફેરવ્યા. ગણતરી માંડી વરસોની. એક આંકડો મળ્યો પણ ખરો.
પણ તરત મન સળવળ્યું. કોને લખીશ ? ના... તોફાની અશેષડાને તો નહીં જ લખું. કદાચ યશને લખીશ !
બીજી સવારે ઝટપટ તૈયાર થઈને સ્કૂલે ગઈ. કમલિની મૅડમ તો આવ્યા જ નહોતા. તે ઉદાસ થઈ ગઈ.
એ દિવસે વાણી મૅડમે એટલાં હસાવ્યા કે સહુ ખુશ થઈ ગયાં. સ્મિતાએ લીનાને કહ્યું પણ ખરું - ‘લીની... મજા પડે છે. કમલિની મૅડમ હોત તો બોર જ થઈ જાત !’
તેને ના ગમ્યું. તેણે કશો જવાબ જ ના વાળ્યો. અશેષે તો મોટા અવાજે જ કહી દીધું - ‘કમલિની મૅડમ ન આવ્યા એ સારું જ થયું.’
સતત દશ દિવસ ના આવ્યા, કમલિની મૅડમ. લીના તો દુઃખીદુઃખી થઈ ગઈ.
ઘરે જઈને રમાબાઈ પાસે રડી પણ ખરી. ‘રમાબાઈ... નથી ગમતું મૅડમ વિના.’ રમાભાઈએ આશ્વાસન આપ્યું એથી તો તે વધું ભડકી હતી. ‘મૅડમકો બચ્ચા આનેવાલા હોગા. વો અબ નહીં આયેગી. દૂસરી મૅડમ તો આતી હૈ ના ? બસ... યહ હી હોતા હૈ ઔરતો કે સાથ. બચ્ચા, ફિર દૂસરા, તીસરા...!’
રમાબાઈએ પેટ પર હાથ મૂકીને બગાસું ખાધું હતું.
છેક અગિયારમે દિવસે આવ્યા હતા, કમલિની મૅડમ. ચહેરો સાવ કરમાઈ ગયેલો, આંખો નિસ્તેજ. કેવાં લાગતાં હતાં ? જાણે પહેલાંના કમલિની મૅડમ જ નહીં ! લીનાનું સુખ છીનવાઈ ગયું. ચિંતા થવા લાગી. શું થયું હશે ? રમાબાઈ કહેતા હતા એવું તો કશું નહીં હોય ને ? આવું પૂછાય પણ કેવી રીતે ? તેમણે ગુજરાતી કવિતા શીખવી ખરી પણ જાણે મન વિના જ ! સ્મિતાએ મોં મચકોડ્યું હતું. અશેષે પાટલી પર હાથ પછાડ્યો હતો. એક બે વાર... સહુ અકારણ હસી પડ્યા હતા.
શું થયું હતું - એના કમલિની મૅડમને ? લીના ચિંતામાં પડી ગઈ હતી.
તે ઘરે આવીને રમાબાઈએ ચાલતી પકડી હતી. ‘બેબી... હોસ્પિટલ જાના હૈ... ખાના ટેબલ પર પડા હૈ.’ એ શબ્દો ય સંભળાયા. હવે તો એ વાક્યો ગોખાઈ જ ગયા હતા. એ દિવસે તે જમી ના શકી. એક બે કોળિયા માંડ ઉતારી શકી. બસ... નિરાંતે રડી લીધું. શા કારણે રડવું આવતું હતું એનું ય ભાન ક્યાં હતું ? થયું કે શાળાએ જ નથી જવું. ત્યાં હવે ક્યાં ગમતું હતું ? પણ ઘરેય ક્યાં ગમતું હતું ?
નીલાફોઈ ના પરણ્યા હોત તો ? અહીં જ હોત ને મારી પાસે ? કલમિની મૅડમ પણ જશે જ ને - એમના સાસરે !
એક ચમકારો થયો. એના નાનકડાં મગજમાં. હા... એમને પણ જવું જ પડશે - એમના સાસરે. પણ પછી તો સ્કૂલે કેમ ગમશે ? અને ઘરમાં તો ક્યાં ગમતું જ હતું ?
તે ગમગીન થઈ ગઈ. કેમ બધું અણગમતું જ બનતું હતું ? તેણે એક પછી એક, સહુને ગુમાવવાના જ હતા.
એ રાતે લીનાને ઉંઘ જ ના આવી. દશના ડંકા સાંભલ્યા. અગિયાર વાગે તો ગણ્યા પણ ખરા, આગળના ખંડની બત્તી બળતી હતી. મમ્મી કોઈ સાથે ફોન પર વાતો કરતી હતી, એમ લાગ્યું. વળી પાછી શાંતિ પ્રસરી. ડોરબેલ વાગી. મમ્મીનો ચાલવાનો, પછી દોડવાનો અવાજ સંભળાયો.
પપ્પાનો પહાડી સ્વર ફેલાઈ ગયો આખા ખંડમાં. ‘દેવી... તું હજી જાગે છે ?’ એ પછી, એ બન્નેની વાતો ચાલી હતી - સાવ ધીમા સ્વરમાં.
લીનાને વિચાર આવ્યો કે તે પણ ઊઠીને ત્યાં જાય. પણ તે એમ ના કરી શકી. પપ્પાને ના ગમે તો - એ પ્રશ્ન ઉઠ્યો, એના નાનકડા મસ્તિષ્કમાં.
કદાચ મમ્મીને પણ ના ગમે. અરે, ના જ ગમે. એ રાતે તે ડરની મારી, મમ્મી-પપ્પાના ખંડના બારણા ખટખટાવવા લાગી હતી ને શું થયું હતું ?
લીનાથી આંખો મીંચાઈ ગઈ હતી અને જમણો હાથ ગાલ પર દબાઈ ગયો હતો.
બીજો વિચાર એ આવ્યો કે કદાચ એ બન્ને જ તેની પાસે આવે તો ? આવીને પૂછે કે લીની, તને ઠીક તો છે ને ? લાવ, તને એક સ્ટોરી... !
ક્યાંય સુધી, આમ બનેં એની મનોરમ્ય કલ્પનાઓ કરતી રહી. કેવું સરસ લાગતું હતું ! મમ્મી એને પંપાળે. પપ્પા માથા પર હાથ મૂકે. તે હસી પડે - કેલેન્ડરમાં હસતી છોકરી જેવું જ. તંદ્રામાંથી જાગી ત્યારે આગળના ખંડમાં સૂનકાર હતો.
બીજી સવારે, એને મમ્મીએ ઢંઢોળી ત્યારે ઉઠી. મમ્મીએ ઢંઢોળી એ પણ ગમ્યું. ‘તને ઠીક તો છે ને ?’ એણે પૂછ્યું પણ ખરું. તે રાજીરાજી થઈ ગઈ. તેણે પણ પૂછી લીધું - ‘મમ્મી, પપ્પા... ગયા નથી ને ?’ ‘અરે, એ તો અત્યારે હોય ? ચાલ, તૈયાર થઈ જા. રમાબાઈની જ રાહ છે. મારે પણ જવું જ પડશે. છૂટકો જ નથી. કેટલો આગ્રહ છે, એ લોકોનો ? શાલિની ભલેને દોરી કાપતી. મુખ્ય સ્પીચ તો મારે જ... આપવાની છે.’
એમાં લીનાને ખાસ સમજ ના પડી.
તેેેણે તરત જ કમલિની મૅડમમાં મન પરોવ્યું. હજી કાંઈ એમ જલદી જલદી લગ્ન ના થાય. નીલીફોઈના ક્યારે થયા હતા ? કેટલાં કાગળો લખતાં હતાં નીલીફોઈ ? લવલેટરો ?
તેને એ શબ્દ યાદ આવી ગયો. નીલીફોઈ એને એ જ કહેતા હતા, જ્યારે કમલિની મૅડમ... ?
વળી પાછું મૅડમનું પેલું વાક્ય યાદ આવી ગયું. શું કહ્યું હતું ? સમય આવશે ત્યારે તું પણ સરસ પ્રેમપત્રો લખી શકીશ.
અને એક નમણું સ્મિત એના ચહેરા પર લીંપાઈ ગયું. તે સ્કૂલે આવી ત્યારે ખાસ કાંઈ ચહલપહલ પણ ક્યાં હતી ? ક્યાંથી હોય ? તે કેટલી વહેલી આવી હતી ? તૈયાર થઈને બેસી ગઈ સાઈકલ પર. નાસ્તો, દૂધ... બધું જ રહી ગયું, ટેબલ પર. હજી ખાસ્સી વાર હતી.
તે સ્કૂલના બાગમાં ગઈ. એક બેંચ પર બેસી ગઈ - નિરાંતવી. પાછળ મેંદીની વાડ હતી. અને એની પાછળ કશો સળવળાટ અનુભવાયો. ‘તને શું વાત કહેવી, જાનકી ? બધું જ વિચિત્ર છે.’ કમલિની મૅડમનો અવાજ ઓળખાયો. અને બીજા જાનકી મૅડમ હતા, એ પણ સમજ પડી. જાનકી મૅડમ તો ભારે કડક. ડર જ લાગે, ચહેરો જોઈને. ‘હં... કહે મને વિગતથી’ જાનકી મૅડમ બોલ્યા. લીના સંકોચાઈને બેસી ગઈ ચૂપચાપ. ‘જાનકી... એમ લાગે કે લવલેટર કોઈ બીજા પાસે જ લખાવ્યો હશે. લખાણનો એક અંશ પણ ના દેખાય - વ્યક્તિત્વમાં. નરી અભદ્રતા જ. હું તો બે દિવસ જ રહી ત્યાં પણ વાજ આવી ગઈ. કેટલાં હરખ સાથે ગઈ હતી ?’
કમલિની મૅડમનો સ્વર આર્દ્ર બન્યો. તે સાંભળી રહી. કશુંક દુઃખ હતું એમને એ સમજાયું. ‘અને જાનકી, ઘરે ય કેટલું નાનું ? પંદર બાય દશની એક ઓરડી. એક આઠ બાય છનું કિચન. ઘરમાં આઠ ને હું તો નવમી. સમજી ગઈને, સૂવાનું તો રસોડામાં જ. બાથરૂમ છેક રૂમને બીજે છેડે. રાતે જવું હોય તો કેટલાંને ઓળંગીને... જવાનું ? એમણે છેતર્યાં જ છે. સગાઈ પહેલાં બીજું જ ઘર... દેખાડ્યું હતું. કહે હવે શું કરવું ?’
ઘરમાં આટલાં માણસો ? હડફેટે આવે ! આમાં શી પ્રાઈવસી સચવાવાની હતી ?
કમલિનીએ વ્યથા વર્ણવી. ‘એક ઓરડીમાં આઠ આઠ-જીવ. કમલિની, હું હોઉં તો ના જ પાડી દઉં.’ જાનકી રોષથી બોલી.
પણ લીના વિચારમાં પડી ગઈ હતી. ‘આમાં ન ગમે એવું શું હતું ? ઘરમાં માણસો ને માણસો. કેવી મજા ? દિવસે કે રાતે, એકલતા જ ન લાગે. કમલિની મૅડમ આને દુઃખ કેમ ગણતા હશે ? હું હોઉં તો... પટ કરતી ત્યાં ચાલી જાઉં !’