અનુરાગી Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

  • ભાગવત રહસ્ય - 76

    ભાગવત રહસ્ય-૭૬   જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને...

  • જીવનનો દાવ હારવો

    રવિ, 22 વર્ષનો યુવાન, એક મધ્યમવર્ગીય Gujarati પરિવારમાં જન્મ...

શ્રેણી
શેયર કરો

અનુરાગી

અનુરાગી

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુરાગી

કામિની સમયસર જ પહોંચી હતી એ સ્થળે. રિક્ષા અટકી, તે ઊતરી ને ઘડિયાળમાં જોયું. હજી આઠમાં પાંચ હતી. તેને ખુશી થઈ.

પેલાએ - પુનિત આચાર્યે જ સ્તો કહ્યું હતું ફોનમાં - ‘પ્રાતઃકાળે આઠ વાગ્યે તમારી પ્રતીક્ષા કરતો હોઈશ.’

‘જનપદ’ના સહતંત્રી શરદજીની સૂચનાય હજી કાનવગી હતી - ‘કામિની, જર્નાલિસ્ટે તો સમયની શિસ્ત પાળવી જ રહી.’

બાવીસની કામિનીને એ બધું જ અક્ષરશઃ યાદ હતું. રામદત્તજી તો ‘જનપદ’ના અદિપતિ. તેમણે જ ફોન કર્યો હતો. જર્નાલિઝમ અકાદમીના દેશપાંડેને.

‘મને તમારી એક શિષ્યા ગમી ગઈ. તેજ વછેરી, શું નામ-હા, કામિની ! બસ, મોકલી આપો. ‘જનપદ’ને તેની જરૂર છે.’

બસ, બીજી સાંજે એ છોકરીને નોકરી મળી ગઈ હતી. કામિનીની વિધવા માતા કેટલી હરખાઈ હતી ? કામિની ભાગ્યશાળી તો ખરી. પરિણામ આવ્યું ને બીજે દિવસે જ નોકરી ! ને એ ય ‘જનપદ’ માં ? પગારેય... !

પાંચમા ફ્લોર પર ઑફિસ. તેના ટેબલ પાસે જ બારી ! બારીમાંથી સામે દરિયો દેખાય, નીલું આકાશ દેખાય અને અજવાળાનો પુંજ છલકાય.’

પણ તેને પ્રકૃતિ દર્શન કરતાં કામમાં રસ હતો. ખૂપી ગઈ નવી કામગીરીમાં. સમયનું ભાનેય ક્યાં રહેતું હતું ?

રામદત્તજીએ શરદને કહેલું - ‘છે ને તેજ વછેરી ? મારી પસંદગી બરાબર જ હોય.’

ને તેમણે જ કામ સોંપ્યું હતું આ ઈન્ટરવ્યૂનું. ‘કામિની... પડકાર છે તારી સામે. એ છોકરો રઈસ ખાનદાનનો છે. ત્રીજી પેઢીએ તો જમાનો હતો એમનો. તેને રઢ લાગી છે - સંસાર છોડવાની. બસ, સંન્યાસ લેવો છે. તને કેટલાં થયાં. બાવીસને ? તો એ હશે એક બે વર્ષ મોટો કદાચ !

તારે અસલી વાત કઢાવવાની છે, એ પુનિત પાસેથી, કે તે શા માટે... મહાભિનિષ્ક્રમણ કરી રહ્યો છે. આ ઉંમર શું વૈરાગ્યની છે ?

વિનાયકજીના લેખ સાથે આ ઈન્ટરવ્યૂ છાપીએ. તું વાંચી જજે એ લેખ - ભર્તૃહરિ વિશેનો. શરદ પાસે છે. યુ નો ભર્તૃહરિ ? હીઝ ક્વીન પિંગળા ? તને શરદ કહેસે. બસ, સરસ ઇન્ટરવ્યૂ લઈ આવ, એ વૈરાગીનો. જરા ઇન્ટરેસ્ટીંગ બનાવજે. એ કોઈ છોકરીના પ્રેમમાં તો નહોતો ને ? શક્ય છે કે એમાં વિફળ પણ ગયો હોય ને વૈરાગ... વૈરાગ રટતો હોય.’

રામદત્તજીએ કહ્યું ને તે કામે લાગી ગઈ. રાતદિવસ એ જ વિચાર, એના જ ઉચાટ.

શરદજી, મને ભર્તૃહરિની સ્ટોરી કહો. હું વૉઝ અશ્વપાલ ? ‘શૃંગાર શતક’ અને ‘વૈરાગ્ય શતક’ બોથ રિટન બાય ધ સેઈમ ફૅલો ? ઓહ ! વૉટ એ ટિ્‌વસ્ટ ?’

તેણે પ્રશ્નાવલિ તૈયાર કરી - પુનિત આચાર્ય માટેની. કંઈ રીતે પૂછવું, કયા શબ્દ પર વજન મૂકવું, એ સમયે કયું ભાવપ્રદર્શન કરવું - સરળ, ગંભીર કે રસપ્રચુર - એ બધું જ હોમવર્ક કરી લીધું. અનેકવાર કરી લીધું.

ને સહસા તર્ક આવ્યો કે કેવો હશે એ પુનિત ? માત્ર વાત થઈ હતી, ફોન પર... બે પાંચ પળ માટે. તેણે સમય આપ્યો હતો - પ્રાતઃકાળે બરાબર આઠ વાગ્યે તે પ્રતીક્ષતો હશે કામિનીને. અલબત્ત, તે નામ પણ ક્યાં જાણતો હતો, કામિનીનું ?

*

તે રિક્ષામાંથી ઊતરી-દિવાનસાહેબની બંગલી પાસે. હા, સાચે જ એક જીર્ણ બંગલી, એના એક સમયના સુવર્ણકાળની ચાડી ખાતી સામે ખડી હતી.

સીસમની કલાત્મક ડેલી પર સમયના થર લાગ્યા હતા. કિચુડાટ સાથે, ધક્કો વાગતાં જ ખૂલી ગઈ હતી. તરત જ અંદરથી એક સ્ત્રી સ્વર સંભળાયો, તરા માંદલો-કોણ ? નિરાલી વહુ, કોણ છે - જરા જો ને !

એક મધ્યમ વયની સ્ત્રી બહાર ધસી આવી હતી. તેની પાછળ બાર, તેરની એક છોકરી - ચોટલા લેતી લેતી, એમ જ દોડી આવી. દરમિયાન કામિની ઊભી રહી. વિશાળ ફળીની વચ્ચે. એક પ્રશ્નચિહ્નની જેમ !

વિશાળ ફળીની એક તરફ હારબધ ક્યારાઓ હતા. જૂઈ, ચમેલી, ગલગોટા વગેરેના. તુલીસ અને કરેણ પણ. ખૂણામાં લીમડો ફાલેલો. એની પાસે જ લાકડાનો દાદર મેડી પર જવાનો.

બારી-બારણાં પરથી મકાનની વિશાળતાનો ખ્યાલ આવી જાય. બારીઓ પર છજાં. પરદાઓ પણ ખરાં, પરંતુ લીલા રંગના ખરબચડા. ભીંતો પર જીર્ણતા ડોકાય. રંગો ઉખડેલાં. એકંદરે ગરીબ સ્ત્રીના વસ્ત્રનો આભાસ થાય.

એ સ્ત્રીએ ઉદાસી ખંખેરીને પૂછ્યું - ‘તમે છાપાંવાળાં બેન ને ? શોભા, લઈ જાને બેનને - પુનિતકાકા પાસે મેડી પર.’

અને પેલી તો તરત જ તૈયાર થઈ ગઈ હરખભેર. લાંબી, સઘન કેશલતામાં કાંસકી ફેરવીત એ છોકરી આગળ અને પાછળ પાછળ કામિની. પાંચમે પગથિયે પહોંચાયું ત્યારે તેને લાગ્યું કે આ છોકરીને નામ કે એવું કશું પૂછવું જોઈએ. પૃચ્છા થઈ ને પેલીએ હરખાઈને કહ્યું - પ્રકૃતિ.

સરસ નામ. ગમ્યું કામિનીને.

પણ તેણે પ્રશંસા કરી, એ છોકરીના લાંબા કાળા વાળની. ને એ ખીલી ઊઠી, પાસેના લીમડાની ડાળીઓની જેમ જ. ‘બેન... મારા ટિચર પણ તમારી જેમ જ કે’તા’તાં વાળ વિશે.’

‘પહેલેથી જ મારા વાળ આવા. ચોટલા છેક...’ તે કહેવા લાગી કેશકથા. વચ્ચે સૂચના પણ આપે. આ પગથિયે ધ્યાન રાખજો. તૂટી ગયું છે. ને બેન, મારી મમ્મી દર રવિવારે માથું ધોઈ આપે - અરીઠાવાળા પાણીથી.

બેન, ગયા રવિવારે તો મેં જાતે જ, વાળ ધોઈ નાખ્યાં. ગરમ પાણીયે મેં જ કર્યું. ક્યાં ટાઈમ હતો મમ્મીને ? દાદી, મમ્મી, પપ્પા, બધાંય સમજાવતા હતા - પુનિતકાકાને. આમ કાંઈ ચાલી જવાય ? ને પાછું ક્યારેય આવવાનું પણ નહીં ? હેં બેન, તમેય સમજાવશોને, કાકાને ?’

એકીશ્વાસે ઘણું બધું કહેવાઈ ગયું. કામિનીનેય થયું કે શા માટે આમ સંસાર છોડીને ચાલ્યા જવાનું ? પેલા ભર્તૃહરિને સાચેસાચ વૈરાગ્ય આવ્યો હતો. લખ્યુંને, ‘વૈરાગ્ય શતક’ ? જો પેલી પિંગળા વફાદાર રહી હોત તો ? હી વુડ નોટ હેવ ગોન ! કદાચ ‘શૃંગાર શતક’ પાર્ટ-ટુ પણ લખ્યો હોત !

નહીં હોય આ પુનિતને કોઈ રોકવાવાળી ?

દરમિયાન કદાચ પેલી મધ્યમ વયની સ્ત્રીનો જ સ્વર સંભળાયો - છેક ઉપર.

‘આવી કો’ક વળગી ગઈ હોત તો આ સમય ન આવત.’ આમાં રોષ અને ઉદાસી તો હતાં જ પણ કામિનીની પ્રશંસા પણ હતી જ.

કામિનીને થયું કે તે સરસ જ લાગતી હશે. અને તરત જ એક ડૂસકું સંભળાયું હતું, અંદરના ઊડાણથી આવતું. કામિની હચમચી ગઈ.

કેવો હશે આ પુનિત ? અરે, લે’રખી લેતું વાતાવરણ પણ ક્યાં છોડી શકાય તેમ હતું ? અને તે આ પ્રેમના સરોવરને છોડીને મહાભિનિષ્ક્રમણ કરવા તત્પર હતો.

પછી તેણે જ મોં બગાડીને ઉમેર્યું - ‘જોયો મોટો ત્યાગી ?’

*

‘બેન, અંદર જાવ, બારણું ખૂલ્લું જ રાખે, પુનિતકાકા.’ કહેતી પેલી સરકી ગઈ-પતંગિયાની જેમ જ.

‘આવો, દેવી !’ ભીતરથી અવાજ આવ્યો હતો. સંબોધનની વિશિષ્ઠતા ઉપરાંત અવાજની કોમળતા તેને વળગી ગઈ - સંમોહનની જેમ.

કલાત્મક બારણું જરા હડસેલાયું ને સામે તે ઊભો હતો - મોહક સ્મિત વેરતો, પુનિત.

કામિનીના હાથમાં રહેલી બૅગ સહસા નીચે મુકાઈ ગઈ અને સહજ રીતે નમસ્તેની મુદ્રામાં આવી ગઈ.

થયું-કશુંક જરૂર છે આ પુનિતમાં, કશુંક અલગ, ખાસ-લોહચૂંબક સરખું. ના તમે તેને અવગણી ના જ શકો-ઇચ્છો તો પણ !

‘બેસો... દેવી’ તે બોલ્યો.

ત્યારે કામિનીએ હસીને કહ્યું - ‘કામિની.’

‘તમે આવ્યા એ પહેલાં, મેં મારું કામ આટોપી લીધું છે. બોલો, શી પૃચ્છા કરવાની છે તમારે, ‘જનપદ’ વતી ?’

બધું બરાબર ગોઠવીને જ રાખ્યું હતું - બ્રિફમાં. તેણે ટેપ ચાલુ કર્યું, પ્રશ્નાવલિ કાઢી, જરા ગળું ખોંખાર્યું. પ્રશ્ન જોયો અને પછી પુનિત ભણી જોયું.

અભ્યાસક્રમની ચોપડીઓમાં કેટલું બધું લખાયું, ચર્ચાયું હતું - આ ઈન્ટરવ્યૂ લેવા વિશે ? વળી શરદજીએ પણ છેલ્લી ક્ષણોની સૂચનાઓ આપી હતી.

પહેલો જ ઈન્ટરવ્યૂ હતો ને ? તે હસી તો ખરી પણ જીબ તાળવે ચોંટી ગઈ - એ સમયે.

અને પુનિતને સમજ પડી ગઈ - વાસ્તવિકતાની. તેણે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી.

‘અરે, આપણે બીજી રીતનો વિચાર કરીએ. તમે મને આ પ્રશ્નાવલિ આપો, હું એના ઉત્તરો લખી આપું. દરમિયાન તમે મને મદદ કરો. આ ચોપડીમાં લાલ અંડરલાઈન છે એનો ઉતારો કરી આપો આ નોટબુકમાં.

એ બહાને બંનેનો સમય બચશે.

કામિનીએ પ્રશ્નાવલિ પુનિત તરફ ધકેલી હતી. બીજો માર્ગ પણ શો હતો ? તેણે તેને ભોંઠપમાંથી બચાવી હતી. કેવી નર્વસ થઈ ગઈ ? પ્રશ્ન પૂછવાની હામ જ ના રહી ! જીભ જાણે તાળવે ચોંટી ગઈ.

ટેબલ પાસેની ખુરશી પર બેસીને લખવા લાગી, અંડરલાઈન કરેલી નોંધો.

પેલાએ એકઢાલિયા પર કાગળ મૂકીને પ્રશ્નોના ઉત્તર લખવા શરૂ કર્યા.

રડવા જેવી થઈ ગઈ હતી - કામિની. ખરા સમયે મહાભારતના કર્ણ જેવી હાલત થઈ. કેવું વિચાર્યું હતું - આડપ્રશ્નો પૂછવાનું, પેલાને મૂંઝવી મારવાનું, અને એમાંથી કશુંક મેળવી લેવાનું. સાક્ષાત્કાર કરવો એ તો કળા હતી - લખ્યું હતું રામદત્તજીની કૅબિનની દીવાલ પર. બધાં જ શસ્ત્રોથી સજ્જ હતી પણ જીભ કેવી વેરી બની ?

તે લખી રહી હતી, પુનિતની નોટબુકમાં - નતમસ્તકે. પેલું ટેપેય નિરાધાર પડ્યું હતું. એનો તો ઉપયોગ જ શો રહ્યો ? તે નોંધ કરી રહી હતી, એનો પણ કશો ઉપયોગ નહીં હોય કદાચ. ખાલી ખાલી લખાવતો હશે - શરમ ભાંગવા. તે સારી રીતે સમજી ગયો હશે - તેની અક્ષમતા.

શાલીન તો ખરો જ. કેવી બચાવી લીધી ?

ત્યાં પેલી છોકરી પ્રકૃતિ આવી. જલપાનનો સામાન લઈને. દશ વર્ષનો કુમાર-દૃશ્યો નિહાળવાની કુતૂહલતા સાથે.

‘આ તમારા માટે દૂધ, પુનિતકાકા માટે તુલસીનાં પાન...’ કહેતી તે મીઠું હસી-થોડી પરિચિત પણ હતી જ ને, કામિનીથી ?

‘ચિંતા ના રાખશો, પ્રામાણિક બનીને ઉત્તરો આપીશ. અરે, નહીં પૂછ્યા હોય તો પણ જરૂર લાગશે તો એ ય ઉત્તરો આપીશ. તમને એમ જ થશે કે આ બધું અપેક્ષિત હતું.’ શબ્દે શબ્દે કામિનીનો ક્ષોભ ઓગળી રહ્યો હતો.

થયું - ભલો હતો પુનિત. તેને વિચિત્ર સ્થિતિમાંથી બચાવી હતી. પાછી સહજતાથી જ. જાણે કશું જ બન્યું ના હોય એ રીતે. શા માટે વૈરાગ્ય આવ્યો હશે ? આવી સાલસ વ્યક્તિઓની કેટલી કમી છે સંસારમાં ? થોડો સમય પછી તો તે જવાનો જ હતો ને, આ બધું જ છોડીને ?

તે મનને ગોઠવતી અંચળો ઉતારતી હતી. અને પેલો નતમસ્તક થઈને પ્રશ્નાવલિના ઉત્તરો લખી રહ્યો હતો. કુતૂહલ તો થાય જ ને કે શું લખ્યું હતું ? અક્ષરો કેવા હશે ? ભાષા કેવી હશે ?

*

અચાનક તે બોલ્યો હતો - ‘આ તેરમો પ્રશ્ન કોને સ્ફૂર્યો હતો ? તમને કે તતમારા અખબારવાળાને ?’

કામિની ચમકી હતી કારણ કે તેણે જ આ પ્રશ્ન લખ્યો હતો - પ્રશ્નાવલિમાં.

રામદત્તજીએ કહ્યું હતું ને કામિનીને કે ઇન્ટરવ્યૂ બોરિંગ ના બનવો જોઈએ. માત્ર વૈરાગ્યની વાતો ન પૂછતી, પ્રેમની વાતો પણ પૂછજે. તે નક્કી હશે, કોઈના પ્રેમમાં ! યુક્તિથી વાતો કઢાવી લેવાની.

બસ, એનું જ પરિણામ - આ તેરમો પ્રશ્ન.

તેણે કહ્યું, દેવી, આનો ઉત્તર આપીશ, માત્ર તમને, કેમ કે આ તમે જ સર્જોય છે, ખરું ને ?

તે પકડાઈ ગઈ હતી. આ પ્રશ્ન તેણે જ વિચાર્યો હતો. બસ... આ રીતે પૂછવું જેથી પ્રગટ થાય એ સંન્યાસીનો અતીત. કશુંક તો હશે જ - પ્રેમ બ્રેમ જેવું. એ નિખાલસ હશે તો જરૂર... બહાર આવી જશે... જે ‘જનપદ’ ઇચ્છે છે. કશુંક રસપ્રદ, ચટાકેદાર... !

પુનિતે ગંભીર બનીને કહ્યું, ‘દેવી, આ વાત તમને જ કહીશ, માત્ર તમને. અખબાર કે ક્યાંક પ્રગટ ના કરવાની શરતે અલબત્ત, આ સમયે જ્યારે બધું જ છૂટી ગયું છે, જળકમળવત્‌ છે અને જઈ રહ્યો છું આ દુન્વયી દૃશ્યો છોડીને, મારે આવી વાત સ્મરવાની ના હોય.’

આ તમને જોયા ને સહજ રીતે થઈ આવ્યું કે આ વાતથી પણ મુક્ત થઈ જાઉં... તમને કહીને.

શાંતિ પથરાઈ ગઈ એ ખંડમાં. પવનના સરસરાટ સિવાય કશું જાણે અસ્તિત્વમાં જ નહોતું. અને એ સરસરાટ તો વાતાવરણને લયબદ્ધ કરતો હતો.

‘દેવી... લગભગ ચૌદ પંદર વર્ષ જૂની વાત. હા, એ સ્થળ વાંકાનેર જ હતું. કદાચ બીજું પણ હોય. મામા ત્યાં પોસ્ટમાસતર. રજાઓમાં તો મામાનું ઘર જ હોય ને.’ પુનિતે પ્રારંભ કર્યો, વાતનો. અને તે ઠાવકી થઈને સાંભળતી રહી.

એ સમયે બધું જ વીસરી ગઈ, ‘જનપદ’ - રામદત્તજી, શરદજી, બારી પાસેનું ટેબલ જેમાંથી આકાશ, દરિયો, અજવાળું - એ બધું જ પ્રવેશ્યા કરતું !

વાત આ પ્રમાણે હતી : પુનિત દસ, અગિયારનો એ સમયે. સામે જ બારણું ને એમાં દેખા દે નવ-દશની એક બાલિકા. તેને તો કેટલી ગમી એ, રૂપાળી ઢીંગલી જેવી ! ને આંખો નીલી... આકાશ જેવી !

પુનિત તો મોહી પડ્યો - એ છોકરી પર. થયું કે આની સાથે જ લગ્ન થાય તો ? પ્રેમકથા બાળકની !

શું હસવું આવે કામિનીને ?

‘દેવી-બસ, આ જ સાક્ષાત્કાર પ્રેમનો. હજીયે એ આકાર ચિત્તમાંથી ખસ્યો નથી.’ પુનિતે પૂરું કર્યું.

ને અચાનક શું થયું કે કામિની પૂછી બેઠી - ‘પુનિતજી, અત્યારે એ છોકરી તમારી સામે પ્રગટ થાય, તમને પ્રપોઝ કરે તો શું તમે તેની માગણી સ્વીકારો ? સંસાર ત્યજવાની વાત જ ત્યજી દો ?’

કામિની ઘરે આવી, ઉદાસ ઉદાસ.

તેણે તેના ઉત્તરનો જવાબ ના વાળ્યો પણ એ રીતેય ઉત્તર તો મળી જ ગયો. તે હજી... !

મા પાણીનો ગ્લાસ લઈને સામી આવી. તેનેય ઇંતેજારી હતી - પ્રથમ ઈન્ટરવ્યૂની ફલશ્રુતિ જાણવાની.

પણ એ પહેલાં કામિનીએ પૂછ્યું - ‘હેં... મમ્મી આપણે ક્યારેય વાંકાનેર હતાં ? હું આઠ-નવ વરસની હોઉં. સામેના બારણે કોઈ પોસ્ટમાસતર રહેતા હોય ! અને તેમને ત્યાં રજાઓમાં... ?’