સુખ - Sukh Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

સુખ - Sukh

સુખ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સુખ

પ્રેમની ભરતી શમવામાં ખાસ સમય ના લાગ્યો. બસ ત્રીજે વરસે જ સુજાતાને થયું કે શું આ જ તેની જિંદગી હતી ? પણ એ સમયે તો નાનકડી પારિજાત તેની ગોદમાં હતી. ખૂબ વહાલી લાગતી હતી એ ઢીંગલી અને પતિ માટે ભારોભાર અણગમો.

કેવો સામાન્ય લાગતો હતો એ પુરુષ-જેની સાથે તે, એક દિવસ પહેરેલ વસ્ત્રે નીકળી પડી હતી ? મોહનિદ્રા હતી તેની.

બે દિવસ પહેલાં, સાંજે સુલેખા મળી ગઈ હતી. તે શાકભાજી ખરીદી રહી હતી ને ગાડી ઊભી રહી હતી પાસે.

‘તું સુજાતા ? માંડ ઓળખાણી તું તો ! કેમ આમ સાવ-મણિબેન બની ગઈ ?’ પૃચ્છા થાય જ ને ? ને વિસ્મય પણ.

એક સુખી-સંપન્ન પરિવારની પુત્રી આ વેશમાં થોડી હોય ? ‘મૂરખી તું તો ?’ વાત જાણીને તે બોલી હતી.

‘કેવી ભૂલ કરી બેઠી ? આ શું તારી જિંદગી છે ? કોઈ બિઝનેસમેન કે બ્યૂરોક્રેટ ના મળ્યો તને ? કોઈ નહીં ને માસ્તર પર મોહી ? શું લેખક છે ? વાર્તા લખે છે ? પણ એમાં તારું શું વળ્યું ? બહુ બહુ તો તને સાહિત્ય-સભાઓમાં લઈ જતો હશે ? મહિનામાં એક-બે વાર સો, બસોના મનીઓર્ડર આવતા હશે !’

તે કેટલુંય બોલી ગઈ-એ સાંજે.

એ સાંજે તેને ઘરમાંનાં પુસ્તકોનાં કબાટો ના ગમ્યાં, જે તેણે પોતે જ હોંશથી ગોઠવ્યાં હતાં.

વિભાકરે ગૃહ પ્રવેશ વખતે કહ્યું હતું - ‘તારું સ્વાગત છે આ ગરીબખાનામાં.’

ત્યારે તે બોલી હતી - ‘શાનું ગરીબખાનું ? કેટલો વૈભવ છે આ પુસ્તકોનો, તમારા લખાણોમાં ? વિભાકર, આ તો અલગ દુનિયા છે - એનું મૂલ્ય કોણ જાણી શકે ? હું તો આજે કેટલો વૈભવ પામી છું ? તમારા હૃદયની વિશાળતા, ઉદારતા અને સમૃદ્ધિ !’

એ રાતે સુજાતાને પુસ્તકોની વિશિષ્ટ ગંધ ના ગમી. આખરે શું મૂલ્ય હતું આ પુસ્તકોનું ? ધારે તો તેના પિતા એક-પાંચ આંકડાની રકમથી ખરીદી શકે.

આ શું ડ્રોઈંગ રૂમ હતો કે વખાર હતી પુસ્તકોની ? દિવસે દિવસે એ કાગળો વધુ જીર્ણ થતા હતા.

રાતે વિભાકર લખતો હતો-એક ઢાળિયા સરખા ટેબલ પર. તે એક પણ વખત તેની પાસે ના ગઈ. બસ, પડી રહી પાસાં ઘસતી પથારીમાં. સમૂળગું પરિવર્તન આવી ગયું.

બીજી સવારે, સુલેખાની ગાડી પોળને નાકે ઊભી રહી. તે નાક દબાવતી, પૂછતી પૂછતી આવી બારણે.

વિભાકર સ્કૂલે જ હોય ને આ સમયે !

‘સુજાતા... તું જાતે જ કૂવામાં પડી આ તો, તારા પુરુષ પર આટલી ઓળઘોળ શાથી થઈ ગઈ ? આ તારું ઘર ? બાપ રે, એક કલાક માટે પણ ના રહી શકાય ને તું ત્રણ વરસથી... ? એ પુરુષને તો લોટરી લાગી પણ તને શું મળ્યું ? પારિજાત અહીં જ મોટી થશે ? સુજાતા... શું કહેવું તને ? ના, આન્ટીને નથી મળી.’

સુલેખા દૃઢતાથી પ્રવેશી-એના મસ્તિષ્કમાં.

‘અરે, કેવી ભ્રમમાં રહી ? વિભાકર સારા છે પણ કેટલા અભાવો છે ? આટલી આવકમાં થઈ થઈને શું થઈ શકે ?’

‘અને જો, તારી સાડી. આ શું સુખ છે ? પારિજાતને શું આપીશ જ્યાં તું જ અભાવોથી ભરી છે ?

હજી સમય છે. ચેતી જા. પારિજાત જ છે ને ? લઈ લે ડાઈવૉર્સ.’ સુલેખા હામી થઈ ગઈ હતી.

‘પછી પરણી જા જે-કોઈ મેચિંગ પુરુષને મળી લે, તારાં મમ્મીને...’ તેણે છેલ્લો ઘા મારી લીધો-મર્મસ્થાન પર.

‘તારું આ રૂપ, પ્રતિભા, આવડત ખોટી જગ્યાએ વેડફી નાખવા માટે નથી જ. અરે, હું તને મદદ કરીશ. આવી જા યુકે.’

સુજાતા પ્રસ્વેદે રેબઝેબ થઈ ગઈ હતી.

‘સુલેખા, તેં મને જગાડી. સારું થયું તું મળી. સાચે જ... હું તો મોહમાં પડી હતી. ભાન વગરની !’

‘વિભાકર, આજે જાઉં છું મમ્મી પાસે. તેમણે બોલાવી છે મને. પારિજાતને જોવી છે.’ બે દિવસ પછી તેણે પતિને કહ્યું.

‘વાહ, સરસ ! જોયું ને. આનું નામ માવતર. લાગણીનું વ્હેણ થોડું સુકાઈ જાય ? જા, જઈ આવ.’ પતિ હરખાઈ ગયો. વાર્તાઓમાં આવું આવતું જ હોય ને ? ચાલો, એક દિશા ખૂલી. સુજાતા કેવી કરમાઈ જતી હતી ? દુઃખ તો લાગે જ ને ?

પણ એ પુરુષની ખુશી અલપ આયુવાળી નીકળી. આ તો ઉદાસ થઈ ગઈ સુજાતા. શું થયું હશે ?

આઠેક દિવસો વીતી ગયા-આ અસમંજસમાં. સુજાતા બદલાઈ ગયેલી લાગતી હતી. તર્ક પણ આવ્યો કે શું તેને એ લોકોનો અહાંગળો લાગ્યો હશે, કે કોઈએ અવહેલના કરી હશે ? આ માર્ગ તો કઠોર જ હતો.

વિભાકરે જ પૂછ્યું-લાગણીથી, કોઈ તંતુ વાદ્ય વગાડતો હોય એટલી નજાકતથી. આખરે સુજાતા-એનું સર્વસ્વ હતું. પ્રેરણામૂર્તિ હતી અને હવે પારિજાત સાંપડી હતી-નવ્ય ગુલછડી સરખી. કેટલો સમૃદ્ધ બની ગયો હતો - આ બન્નેથી !

ના, અણસાર સરખો ય નહોતો-સુજાતાના ભીતરી રંગનો. ‘તમારે મને સુખી કરવી છે ને; વિભાકર ?’ તેણે હોઠ ખોલ્યા હતા. ‘હા... સુજાતા. પણ તું સુખી નથી શું ? આપણી સુખની પરિભાષામાં તો...’

‘વિભાકર... હું નથી સુખી. કાં તો આપણી પરિભાષા જ ખોટી અથવા મારી પાત્રતા.’ તે વ્યક્તિ થઈ હતી. એ રાતે.

‘હું લાયક નથી, આ સુખ માટે. મને મુક્ય કરી શકશો, વિભાકર ?’ તે રડી પડી. પારિજાત ઘસઘસાટ નીંદરમાં હતી.

વિભાકર ખિન્ન થઈ ગયો. આઘાત લાગ્યો. અરે, આતો... ! સુજાતાની વાત સુરેક અને સ્પષ્ટ હતી. આ શું એ જ સુજાતા... હતી જે પહેરેલ વસ્ત્રે નીકળી ગઈ હતી, એની સંગાથે ? પ્રેમના મંત્રો ભણતી હતી-પળેપળે.

એ પુરુષે પ્રયાસો તો કર્યા જ, સમજાવટના, પરંતુ એ મક્કમ હતી. યાચતી હતી-મુક્તિને... વિભાકર જમી ના શક્યો. રાતે સૂઈ ના શક્યો. બસ, આમ જ સંબંધો તૂટી જતા હશે ? કાચા તાંતણાની માફક ? ઉદાસી ઘેરી વળી.

સુજાતા સજ્જ થઈને જ બેઠી હતી-છૂટા પડવા માટે ! કેટલી તૈયાર હતી એ ક્ષણે ? કશુંક થયું હશે ને ભીતર, એ પહેલાં ? અરે, મનથી તો વિમુક્ત જ હશે, થઈ હશે-કેટલાય સમયથી !

કેમ તેને કશો ખ્યાલ ના આવ્યો ?

(૨)

પછીની વિધિઓ પણ એટલી સહજતાથી ક્રમબદ્ધ આટોપાઈ હતી. કે પછી ખ આવે એમ જ.

વકીલની નોટિક આવી ને સાથે પત્ર.

જમાઈબાબુ... તમે કેટલા સમજદાર ને ઉદાર છો ! સુજાતાને સુખી કરવામાં એકે ય કસર નથી છોડી. અમારો પરિવાર તમારો ઋષિ રહેશે. બે જગ્યાએ સહી કરવાની છે. બેય પક્ષની સંમત્તિથી બધું પતિ જશે. પારિજાતને મળવા આવી શકો છો. રવિવારે સાંજે અનુકૂળ રહેશે ને ?

વિભાકરે સંમતિ-પત્રમાં સહી કરીને દસ્તાવેજ મોકલી પણ આપ્યો. ભલે, સુખી થતી-એની રીતે. સુખ ક્યાંથી આવે છે-એની જાણકારી ક્યાં કોઈને હોય છે ?

શું સુજાતા એક સ્વપ્નું હશે ? કે ઉભરો હશે ? પણ પારિજાત શું ભૂલી જવા માટે હોય ? કેમ ભૂલી શકાય-જીવનના હિસ્સાને ? અને સુજાતા પણ એ જ હતી ને !

આવું કેમ બનતું હશે ? ઝાકળનું વરસવું અને ઊડી જવું-જોતજોતામાં ?

લોકો શું કહેશે ? અરે, જાતજાતની વાતો માંડશે, તાપણીએ તાપતાં હોય એમ !

આ ઘરના દરેક સ્થાન પર સુજાતાનાં નિશાનો હતાં, સ્પર્શો હતા. વ્હાલના બોલો હજી યે હવામાં સંતાકૂકડી ખેલે છે. ત્રણ વરસો ! ગરીબખાનામાં આટલું સુખ વરસાવીને જતી રહી, એનું માનેલું સુખ પામવા માટે મળશે ? મળે ય ખરું. શું સુજાતા બીજા પુરુષને... ? તો પારિજાત, જાતજાતની વાતો માંડશે, તાપણીએ તાપતાં હોય એમ !

મગજ થાકી ગયું. મન લથડી ગયું. અચાનક થઈ આવ્યું કે આ આંધી કેમ આવી, એના જ ભાગ્યમાં ?

વાર્તાઓ લખી નાખવી એક વાત હતી ને આ નરદમ યથાર્થ ! તે કેટલી વ્યથાઓ આપતો હતો તેનાં પાત્રોને ?

એક વાચકે પત્રમાં લખ્યું હતું - ‘લેખક મહાશય, શું આપે પણ આ વ્યથાઓ અનુભવી છે ? આટલું સચોટ વર્ણન-વ્યથાની અનુભૂતિ વિના કેમ લખી શકાય, અન્યથા ?’

તે હસી પડ્યો હતો એ વાંચીને. આ જ હતો એની કલમનો જાદુ ! એ પત્ર સુજાતાએ પણ વાંચ્યો હતો - ગૌરવથી.

તેનું મન ક્ષુબ્ધ બની જતું હતું. આ વાત જાહેર તો થવાની જ હતી. શું કહેશે લોકોને ? એ લોકોની પૃચ્છાઓમાં માત્ર કુતૂહલ જ નહીં હોય. સહાનુભૂતિ જ નહીં હોય, તીવ્ર કટાક્ષ પણ હશે.

તેની સરળતા, ઉદારતાને કોણ સમજવાનું હતું ? એ લોકો તો એને મૂર્ખતા ને નિર્બળતા જ લેખશે.

શું ક્યાંય ચાલી જવું-દૂર દૂર; સુજાતાથી અને અતીતથી ? પણ પારિજાત તો નહીં છૂટી શકે !

આવા વળાંકો તો તે તેની વાર્તાઓમાં ક્યાં લાવતો હતો ? ના, કશું ય નથી કરવું. ચૂપચાપ સહી લેવી છે સ્થિતિ, જેવી છે તેવી. પારિજાત ખાતર.

સુજાતા હવે ચિત્રમાં નહોતી.

એક અધ્યાય પૂરો થયો-વિચ્છેદનો. કાનૂની રૂપ મળી ગયું. સુજાતા ઉદાર બની હતી. ના, કશું જોઈતું નથી-પતિ પાસેથી. બસ, સાથે રહી શકાય તેમ નથી. વકીલે અનેક વાતો લખી હતી-વિચ્છેદના સમર્થનમાં.

મન જ ના હોય પછી સંબંધ શાનો ? એક યાતનામય વિધિ આટોપાઈ ગઈ. વિચ્છેદ ! સુજાતા રસ્તો ચાતરીને ચાલી ગઈ, તેની પાસેથી જ.

ચુકાદામાં એક વ્યવસ્થા હતી-પારિજાતની. તે સુજાતા પાસે જ રહેવાની હતી, સોળ વરસની થાય ત્યાં સુધી. પછી પારિજાતે જ નક્કી કરવાનું હતું કે તે કોની સાથે રહે. દરમિયાન વિભાકર પારિજાતને મળી શકે-દર મહિનાની પહેલી તારીખે.

સ્વપ્ન રોળાઈ ગયું વિભાકરનું. એક નાનકડું ચાંદરડું મળતું હતું સુખનું.

પહેલી તારીખનો એ એક કલાક જલ્દી વીતી જતો હતો. શરૂઆતમાં તો રડતી દીકરીને સમજાવવી પડતી કે તે તેને મૂકીને ચાલ્યો નહીં જાય. વળી તે જીદ કરતી-ઘરે લઈ જવાની. તેને અને સુજાતાને.

એ કલાક પૂરો થઈ જતો ને કોઈ ને કોઈ બહાનું બનાવીને ચાલ્યા જવું પડતું.

પણ પછી દીકરીને જ સમજ પડી હતી. તે સરસ વાતો કરતી-સ્કલૂની, ટિચરોની, પોએમની, સખીઓની. બાય-બાય કરતી-વિદાય વેળાએ. પણ સુજાતાની વાત કરતી નહોતી.

બસ, આ એક જ રસ બચ્યો હતો-વિભાકરને.

એક મુલાકાત દરમિયાન પારિજાતે કહ્યું હતું - ‘પપ્પા... હવે હું માથેરાનની કોન્વેટ સ્કૂલમાં દાખલ થવાની છું. તમે મને ત્યાં મળવા આવશો ને ?’

(૩)

થોડા સમય પછી બીજા સમાચાર પણ મળ્યા-સુજાતાના લગ્નના. મન ચચર્યું વિભાકરનું. તેની પણ પત્ની જ હતી ને, એક સમયની ? જો કે હવે એ કશી જ નહોતી તેની.

પ્રશ્ન સળવળ્યો કે પારિજાતનું હવે કોણ ? પણ એનો ય જવાબ મળી ગયો હતો.

પારિજાતનો પત્ર આવ્યો હતો. સરનામું બરાબર જ કર્યું હતું. જાણતી હશે ? ખૂબ લાગણીસભર શબ્દોમાં લખ્યું હતું. સ્થિતિ સમજાયા પછી પારિજાતને કેટલી મૂંઝવણ થતી હશે ?

સ્કૂલની વાતો, તમે ખૂબ યાદ આવો છો. એ વાત, જમવાનું શું કરો છો- અને ચિંતા, કેટકેટલું હતું એ પત્રમાં ? વચન પણ હતું કે તે આ રીતે નિયમિત પત્રો લખશે.

બીજા પત્રમાં લખ્યું હતું - ‘પપ્પા, મમ્મી આવી હતી મળવા. ખૂબ આનંદમાં હતી. સાથે કોણ હતું, ખબર છે ?’ પપ્પા, મમ્મીએ... ફરી લગ્ન કર્યા !’

પારિજાત એ વાક્ય પાસે ગૂંચવાઈ હતી એ સ્પષ્ટ કળાતું હતું એની લખાવટમાં.

ત્રીજા પત્રમાં લખ્યું હતું - ‘તમે અહીં ન આવતા, પપ્પા. મમ્મીએ ગાર્ડિયનમાં એનું એકલીનું નામ લખાવ્યું છે. એ જ આવશે. રજાઓમાં ત્યાં આવીશ ત્યારે તમને મળવા આવીશ.’

પપ્પા, આજે તરંગ-સૃષ્ટિમાં તમારી વાર્તા વાંચી. એટલી ખુશી થઈ કે વાત ના પૂછો. સૌમ્યાને કહ્યું - જો, મારા પપ્પાની વાર્તા. મોટા લેખક છે !

વિભાકરના ખાલી જીવનમાં રસ જાગ્યો, પ્રતીક્ષાનો; ક્યારે આવશે પારિજાતનો પત્ર ?

બીજું-મિત્રોએ તેને સંભાળી લીધો, સમયસર. કોઈએ એ દુર્ઘટનાને યાદ પણ ના કરી.

‘જો... એક માસી છે, અમરતમાસી. એ સવાર-સાંજ રસોઈ કરી જશે. અરે, ખરીદી પણ કરી લેશે. તું તારે લખ્યા કરજે વાર્તાઓ, કવિતાઓ.’

ને અમે તો આવવાના જ મળવા. પત્રો આવે છે ને, પારિજાતના ? અને તું આળસ ના કરતો. શું સમજ્યો ? જવાબ લખજે.

ને બોલી નાખ. તારી ઇચ્છા નથી ને પરણવાની ? નહીં તો અમે તૈયાર છીએ. એક સરસ... ભાભી... !

ગદ્‌ગદ્‌ થઈ જતો વિભાકર.

વરસ પછી વરસ જતાં ગયાં. પારિજાત ના આવી શકી, ક્યારેય પણ.

અગાઉથી જ રજાઓના કાર્યક્રમો ઘડાઈ જતા, નવાં નવાં સ્થાનો જોવાના.

પારિજાત લખતી - ‘સોરી પપ્પા, ન આવી શકી. આ વખતે જયપુર જોયું, જેસલમેર, જોધપુર...! કિલ્લાઓ, ભૂખરી જમીન, રાતીચોળ સાંજો !’

વિભાકર આભો જ બની જતો. કેટલી સરસ અભિવ્યક્તિઓ છે દીકરીની ? ભાષા-વૈભવ...? નહીં તો શી ઉંમર થઈ ? ગણતરી માંડી. ઓહ ! પંદર પૂરાં થયાં ! સોળમું ચાલે છે !

સુખદ આંચકો અનુભવ્યો વિભાકરે. સોળ પૂરાં થાય ને તેણે નક્કી કરવાનું કે તે કોની સાથે... ?

તે થીજી ગયો. શું થશે, સોળ પૂરાં થયે ? તે... સુજાતા સાથે હરેફરે છે- રજાઓમાં, અને તેને તો પત્રો જ લખે છે !

મન હાલક ડોલક થઈ ગયું. પત્રોય ઓછા થઈ ગયા હતા, હમણાં હમણાં.

મિત્રો પૂછતા હતા - ‘કેમ ઉદાસ છે, વિભાકર ? જો તારી ઇચ્છા હોય તો... !’

‘ના, એ વાત તો નથી જ’ તે ભારપૂર્વક કહેતો.

પણ મનની ગઠરી ના છોડી, સંકોચવશ. કેટલા ખુલ્લા થઈ જવું ? ના, પારિજાત ના આવે તો આ બધું છોડીને ક્યાંક ચાલ્યા જવું... દૂર દૂર ! મનથી એક દિશા પકડાઈ ગઈ.

(૪)

એક સાંજે કોલબેલ વાગી.

અમરતમાસી રસોઈ કરી રહ્યાં હતાં. વિભાકર શૂન્યમનસ્ક બનીને બેઠો હતો-ખુરશી પર.

કોણ હશે-એ પ્રશ્ન ઉદ્‌ભવ્યો, બે પળ માટે. તરત જ એક કોમળ, ઉતાવળો સ્ત્રી-સ્વર સંભળાયો - ‘પપ્પા...!’

અરે, આ તો પારિજાત ! બીજું કોણ કહે - પપ્પા ?

વિભાકરે દોડીને બારણું ખોલ્યું, ને સામે સોળ વરસની પારિજાત. વળગી પડી વિભાકરને. કેટલી નવી લાગતી હતી ?

‘પપ્પા, આવી છું-કાયમને માટે. સોળ વરસની થઈને ?’

શબ્દો, આંસુ અને હરખ-ત્રણેય ખરડાઈ ગયા વાતાવરણમાં. ‘મમ્મી મૂકી ગઈ’ તે ભીંજાયેલા સ્વરે બોલી.

પત્ર મૂક્યો હાથમાં. કંપતા હાથે ખૂલ્યો ને ભીની આંખે વંચાયો. ‘વિભાકર... સંભાળી લો, દીકરીને. તમારી અમાનતને. તમારું સુખ તમને સોંપું છું. શક્ય હોય તો ક્ષમા કરજો. ખૂબ જ દુભવ્યા છે, તમને. અપરાધી છું- તમારી, પારિજાતની. ભૂલ કરે એને સુખ તો ક્યાંથી મળે ?’

બહાર ગાડીનું હોર્ન વાગ્યું.

મમ્મીઈ-કરતી પારિજાત બહાર આવી.

‘કોણ સુજાતા ?’ વિભાકર પણ અનુસર્યા.

એક હાથ ફરફર્યો હવામાં અને મંથર ગતિએ ગાડી સરકી ગઈ.

પછી માત્ર ફરફરાટ જ રહ્યો હવામાં.