એકાકાર Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાકાર

એકાકાર

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


એકાકાર

રોજ કરતાં તે જરા વહેલી ઊઠી હતી. એ માટેનું ખાસ કાંઈ પ્રયોજન નહોતું; બસ, એમ જ ઊઠી જવાયું હતું. ફાગળનો ચટકીલો તડકો હજુ આગળના આંગણામાં જ પહોંચ્યો હતો. તે કુતૂહલથી રસપૂર્વક એ તડકાને જોઈ રહી. કાયમ આંખો ચોળતી, મોડી મોડી ઊઠતી ત્યારે તેનું ધ્યાન પાણીની ચોકડીની ભીડ તરફ જ દોરાતું. પેલો તડકો તો ક્યાંય નજરમાંય નહોતો આવતો.

આજે એ ચોકડી સાવ નિર્જન હતી. અને પાણીનો નળ જોશભેર વહી રહ્યો હતો. તે તરત જ ત્યાં ધસી ગઈ. હાથમોં ધોયાં. કોગળા કર્યા. પ ણપછી પાણી સાથે રમત કરવા લાગી. મજા આવતી હતી માલુને. તેને એ વાતનો આનંદ થતો હતો કે સાવ એકલી જ હતી, અને આ વહી રહેલા પાણી પર તેનો-એકલીનો જ અધિકાર હતો. તેણે ઠીબમાં પાણી રેડ્યું, તુલસીક્યારાને પણ સીંચ્યો. મન અજાણી પ્રસન્નતાથી છલકાઈ ગયું.

એ પ્રસન્નતાની આડશમાં તે તેની આખી ગઈ રાત ભૂલી ગઈ હતી. માલુ રમતિયાળ હતી. બધું જ હસી કાઢતી; દુઃખ, ગ્લાનિ... નિષ્ફળતા.

પડખેવાળી માસી કાયમ તેને ટપારતી, ‘આવી નફિકરાઈ જરા પણ ન ચાલે. આમ ને આમ કરીશ તો બધાં હીંડ્યા જશે... ને પરખાવ્યા વિના.’

પણ તે તો એવી ને એવી જ રહી હતી-નફિકરી. બે વર્ષ પહેલાં જ મા મરી ગઈ ત્યારે તો તે સાવ બાળકી લાગતી હતી. પણ એ તો જોતજોતામાં પુખ્ત થઈ ગઈ જાણે ! અને કામેય ચડી ગઈ.

ચણિયાની કોર વતી મોં લૂછતી તે પાસેની ઓટલી પર બેસી ગઈ. આસપાસનાં મકાનોમાં શાંતિ હતી. કોઈ સળવળાટ પણ નહોતો. જાણે મધરાત ચાલતી હતી ! માલુ એ પર પણ હસી. તે બેઠી બેઠી, એક ફિલમના જાણીતા ગીતને ગણગણવા લાગી. તેના બંને પગ એના તાલમાં હલાવવા લાગી. તેને કોઈ રોકટોક કરવાવાળું તો હતું જ નહીં. પણ તોય તેને મા યાદ આવી જતી ત્યારે રડી જવાતું.

જોકે, અત્યારે તો તેને કાંઈ માની યાદ નહોતી આવતી. તેને માની યાદ રાતે જ આવી જતી. ઓહ ! માએ ઠેઠ સુધી... મૃત્યુ પામી ત્યાં સુધી... આમ જ... ? તેને માની લાચારી પણ સમજાતી હતી. બિચારી... મા ! તે બબડતી.

અત્યારે તો તેનું મન તુલસીક્યારામાં હતું.

માલુ શ્રદ્ધાથી-એ તરફ જોઈ રહી હતી. તેણે તેની માની એક ટેવ ચાલુ રાખી હતી. સાયંકાળે તે તુલસીક્યારામાં દીપ પ્રગટાવી, બે હાથ જોડીને માથું નમાવી ને બેચાર ક્ષણ ઊભી રહેતી. કાંઈ મંત્રબંત્ર તો આવડતા નહોતા.

નંદુ બરાબર એ સમયે જ ત્યાં આવી. તેણે બે ક્ષણ બધું અવલોકન કર્યું. ગોરધનની સ્ત્રીએ તેને બતાવેલી બધી નિશાનીઓ મોજૂદ હતી. તુલસીક્યારો, ખુલ્લી પરસાળ, આંગણાની ઓટલી, એક તરફની નળની ચોકડી-બધું જ કહ્યાં મુજબનું હતું. સામે એક નટખટ છોકરી બેઠી હતી.

બસ, એ જ... નંદુએ અનુમાન કર્યું. તાળો મળતો હતો. તે નક્કી કરીને જ આવી હતી કે ઝઘડો કરવો. તેનો ચહેરો લાલ લાલ થઈ ગયો હતો. તે કંપી પણ ખરી.

નંદુ નક્કી કરીને જ આવી હતી. એની આખી રાત એ વિચારોમાં ગઈ હતી. પાસે સૂતેલા એના પતિ પર એને ધૃણા જન્મી. ક્યાંથી સૂઝ્‌યું આવું ? સાવ સીધી લીટીના આ માણસને ?

પહેલાં ધમકાવવી, ડારો દેખાડવો, પછી કળથી સમજાવવી પણ ખરી. છેલ્લે કશું ન વળે તો કશી લાલચ...

ગોરધનની સ્ત્રીએ તો કહ્યું હતું કે, રાં... ને ચોટલો ઝાલીને પછાડજે જ. ખો ભૂલી જાય.

માલુએ પણ નંદુને જોઈ હતી. સારા ઘરની લાગતી હતી. રસ્તો ભૂલી હશે કે શું ? આમ તો અહીં રસ્તો ભૂલેલા જ આવતા હોય છે ! માલુ હસી પડી. તેને ગમ્મત થતી હતી. કાંઈ બોલે તો ખબર પડે. બાઈ માણસનું અહીં શું કામ ? તે હસી પડી.

નંદુ ઉશ્કેરાટમાં આવી ગઈ, બેકાબૂ બની ગઈ-માલુના વર્તનથી. લો, હસે છે ! જાણે મોટું પરાક્રમ ન કર્યું હોય ! ‘રાં... મેં તારું શું બગાડ્યું છે કે મારો સંસાર ઉજાડવા બેઠી છો ? બોલ... જવાબ દે...?’

નંદુએ ત્રાડ નાખવા પ્રયત્ન કર્યો. તે થોડી સફળ પણ થઈ. સાવ ધાર્યા મુજબ તો ન જ થયું.

માલુ તુલસીનાં પાંદડાં ચાવતી અટકી ગઈ. તેને હવે સમજ પડી કે એ સ્ત્રી શા માટે આવી હતી. તેના પેટનું પાણી ના હાલ્યું. તેણે એક દૃષ્ટિ નંદુ પર ફેંકી : જોઈ લીધું કે તે શું કરી શકે તેમ હતી.

નંદુના અવાજની અસર તો થઈ જ. આસપાસનાં બંધ બારણાંઓ ટપોટપ ખૂલી ગયાં. દરેકમાંથી, આ માલુ જેવી જ સ્ત્રીઓ, આંખો ચોળતી નીકળવા લાગી અને નંદુને નવાઈથી નીરખવા લાગી.

‘મોઢામાં મગ ભર્યા છે ? કેમ ફાટતી નથી, કભારજા ?’

નંદુએ બીજી ત્રાડ પાડી. ચોકડીમાં એકઠી થયેલી સ્ત્રીઓની હાજરીથી તે ઉશ્કેરાટમાં આવી ગઈ. ડર પણ લાગ્યો. શું આ બધીયું... પણ આવી જ... ?

એ બધી સ્ત્રીઓનું કુતૂહલ તરત સમેટાઈ ગયું. આવેલી સ્ત્રીમાં ખાસ કાંઈ દમ નહોતો. તે ખાસ ઝઘડતી નહોતી. તેને જાણે ઝઘડતાં આવડતું જ નહોતું. આમ, આવું ઢીલું ઢીલું બોલે તો કોણ જવાબ દે ?

માલુ પણ ક્યાં જવાબ દેતી હતી. સાવ શાંત થઈને બેઠી હતી. નંદુ જાણે ત્યાં હતી જ નહીં !

ક્યારેક ક્યારેક આવું બનતું હતું. ઘરાકની પત્ની, મા, બહેન કે કોઈ આમ આવી ચડતું. પછી તો ગાળોની રમઝટ બોલતી. સૌ ઝધડામાં... ભાગ લેતાં. બસ, જોણું થઈ જતું. પણ આ સ્ત્રી તો ઝઘડવા આવી હોય એમ જ ન લાગે. તે જે બોલતી હતી, એ અપશબ્દોને અહીં કોઈ ગણકારે જ નહીં. બસ, હસી કાઢે. એમ જ થયું.

સૌ હસતાં હસતાં નળ નીચે નહાવાધોવામાં લાગી ગયાં. આમાં સમય બગાડવો પાલવે તેમ નહોતું.

‘બોલતી કેમ નથી ? તું માલુ ને ?’ નંદુ બોલી.

આ સાંભળીને પેલી સ્ત્રીઓ ઉપાલંબ કરતી હોય તેમ હસી પડી. માલુય મલકી. મનમાં ગણગણીય ખરી. હા, મારી બૈ, હું માલુ... તું અહીં સુધી લાંબી થૈ છું. એ શું મારું નામ જાણવા ! હુંય જાણું છું. તારો કોઈ સગલો, મારી પાસે આવતો હશે... બીજું શું ? માલુને હસવું આવી ગયું.

શું સમજતી હશે આ ઘર માંડેલી ? મરદને સાચવતી નથી ને, અને અહીં દોડી આવે છે ?

‘બોલને નપાવટ... મગ ભર્યા છે તારા મોંમાં ?’ નંદુ ફરી બોલી. પણ એના શબ્દોમાં ખાસ જોમ નહોતું. તે થાકી ગઈ હતી. આ કદાચ તેનો છેલ્લો હુમલો હતો.

તેણે આવું બનશે એવું ધાર્યું નહોતું. ગોરધનની સ્ત્રીએ તેને બરાબર તૈયાર કરીને મોકલી હતી. પણ એ મુજબ તો કશું બનતું નહોતું.

‘હું કાંઈ થોડી કોઈને બોલાવવા જાઉં છું ? કોઈ અહીં હાલ્યા આવે, એમાં મારે શું કરવું ? સમજાવ... તારા મરદને !’ માલુએ પહેલી જ વાર જવાબ વાળ્યો, સાવ શાંતિથી. અને બધી સ્ત્રીઓ ખડખડાટ હસી પડી. નંદુને હાસ્યનો ધક્કો વાગ્યો. તે ઝંખવાઈ ગઈ, શરમથી પાણી પાણી થઈ ગઈ.

‘શું સમજતી હશે-આ બધી ? એકનેય સાચવી શકતી નથી... જ્યારે આપણે તો...’ ટોળાંમાં એક બોલી. ફરી હસાહસ થઈ રહી.

‘જા... મારી બૈ... તારા મરદને સાચવ...’ બીજો સ્વર આવ્યો.

નંદુ જાણે થીજી જ ગઈ. માલુની એક દલીલે તે પરાસ્ત થઈ ગઈ, નિરાવરણ થઈ ગઈ. આ કાંઈ જેવી તેવી નાલોશી નહોતી. જમીન મારગ આપે તો સમાઈ જવાનું મન થાય એવી બાબત હતી. માંડ માંડ ટકાવેલું મનોબળ હવે તૂટી રહ્યું હતું. એય ઉપરઉપરથી, બાકી ભીતરથી તો ક્યારનીય ભાંગી ચૂકી હતી.

આવી સાવ નફ્ફટ સ્ત્રી પાસે ‘એ’ કેમ આવતા હશે ? શું અહીં હતું... આવવા જેવું ! તેનું મન આઠદસ પગથિયાં ગબડી પડ્યું. તેને કેવી બેચેની લાગતી હતી ? હવામાં જ કશું પ્રવેશી ચૂક્યું હતું, અસહ્ય... વાસ... તેના શ્વાસ અને મનમાં ફરતી થઈ ગઈ હતી.

કેવી ગંદી સ્ત્રીઓ હતી ! તેની સાથે... છી છી છી... સાવ વિચિત્ર વાત કહેવાય. શા સુખ મળતાં હશે અહીં ? લજ્જા નહીં આવતી હોય ? વળી, આ ઉંમરે ? ગમતું હશે ? ગમતું જ હશે; નહીં તો અહીં અવારનવાર આવે જ શું કામ ! છેલ્લા બે મહિનાથી આમ ચાલતું હતું. ગોરધન જ તેમને લઈ આવ્યો હતો. આ તો તેની પત્નીએ કહ્યું; ‘ભોળા ભાવે... તો ખબરેય પડી, નહીં તો અંધારામાં જ રહેત ને ? સાવ... આવા નીચા ઊતરી ગયા, કેવી વાત કહેવાય ? મને તો વેરણછેરણ કરી નાખી. બાપ-દાદા... બૈરી... આ પવિતર ખોળિયું... કશું જ ન વિચાર્યું. બસ... પાણી ફેરવી દીધું એ સૌ પર.’ેે

જોકે, તેનેય શંકા તો ગઈ હતી. કાંઈક નવું નવું લાગતું હતું. તેનો પતિ છેક આવું તો નહોતો કરતો. હમણાં હમણાંથી તેનામાં ફેરફાર જણાતો હતો. વર્તનમાં નવતર હતું. શબ્દો પણ બદલાયા હતા. ‘મારી જાન... મારી જાન...’ એ તેના હોઠો પર અકુદરતી લાગતું હતું. તેણે ઝાઝો વિચાર નહોતો કર્યો. ‘ક્યાંથી શીખી આવ્યા’ એવું અછડતું કશું... એક વાર બોલી’તી. એમનાથી ચમકી જવાયું. પણ પછી નંદુ એ લપછપ કરી નહોતી. તેને એવું સૂઝ્‌યું નહોતું.

એ પછી તો પતિની વિચિત્રતા વધી ગઈ. નંદુને લાગતું હતું કે, તે કશા ડરથી પરેશાન હતા. અને ડર જ તેની પાસે વિચિત્ર વર્તન કરાવતો હતો.

નંદુને ચિંતા થવા લાગી. શું થયું હશે ? પણ અચાનક જ તાળો મળી ગયો, ગોરધનની સ્ત્રીને મળ્યા પછી.

તેણે આંચકો અનુભવ્યો. પછી શોકમાં ડૂબી ગઈ. આમ બને જ કેમ ? પોતે શું કમી રહેવા દેતી હતી ? શું પામવું હશે એમને, એથી પણ વિશેષ ? પામતાં હશે ખરેખર ?

નંદુ સાચાખોટા વિચારોમાં અટવાઈ ગઈ. શું કરવું-એ જ મોટો સવાલ હતો.

આવી વાત કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. કેવી મોટી વિડંબના હતી ?

તે સત્ય જાણ્યા પછી પતિ સામે જોઈ શકતી પણ નહોતી. મન ઘૃણાથી ભરાઈ જતું હતું.

આવડી મોટી ઘટના બની હતી ને આ નફ્ફટ સ્ત્રી કશું ના બન્યું હોય એમ બેઠા બેઠા વાળ ઓળી રહી હતી.

શરમનો છાંટોય નહીં, એ છોકરી પાસે. હા, છોકરી જ હતી. કાંઈ મોટી નહોતી. ‘તેમને’ તો ‘કાકા’ જ કહે. જ્યારે આ તો... ? નંદુ નખશિખ કંપી ગઈ.

અને આ કાંઈ ખોટી તો નહોતી જ; તે ક્યાં કોઈને બોલાવવા જતી હતી ? આ તો સામેથી...?

હવે શો અર્થ હતો, અહીં ઊભા રહેવાનો ? નળની ચોકડી પણ હવે ખાલી હતી. પેલી સ્ત્રીઓ પણ પોતપોતાના કામકાજમાં પડી ગઈ હતી. નંદુમાં કોઈને રસ નહોતો.

માલુ વાળ ઓળતાં ઓળતાં વિચારતી હતી. માથા પગ મેળવતી હતી. આનો કયો મરદ ? કોણ હોઈ શકે ? માથાફોડ કરતી એક નિર્ણય પર આવી. બસ... એ જ, એ જ હશે ! છેલ્લા બે માસથી આવતો હતો. લગભગ નિયમિત-ગોરધન જ લાવ્યો હતો. શરૂઆતમાં ગભરું ગભરું લાગતો હતો. પણ પછી તો વાચાળ બની ગયો હતો. માલુને ક્યારેક એમ લાગતું હતું કે આ વાત કરવા જ આવે છે કે... તે અલકમલકની વાતો કર્યા કરતો, તેના ઘરની, તેની પત્નીની, રસ્તામાં થયેલા અકસ્માતની. અરે, ક્યારેક તો અન્ય સ્ત્રીની પણ વાત કરી બેસતો.

માલુ અચંબામાં પડી જતી. તેને થતું કે આની સ્ત્રી જરૂર કજિયાળી હશે, મોં ખોલવાની તો તક જ નહીં આપતી હોય.

જોકે, માલુનો તર્ક ખોટો સાબિત થયો. આ તો કાંઈ એવી તો લાગતી નહોતી. બિચારી, વખાની મારી અહીં દોડી આવી હોય તેવું લાગતું હતું. સાવ બાઘા જેવી લાગી. કઈ ગણતરી કરીને આવી હશે ? ગમે તેમ તોય કાંઈ ખરાબ સ્વભાવની તો જણાતી નહોતી. એને આ નહીં ગમતું હોય. દરેક સ્ત્રી એમ જ ઇચ્છે કે તેનો મરદ માત્ર તેનો જ રહે. પણ એમ બને છે ખરું ? તો પછી... તેનું શું થાય ? -માલુ હસી પડી, લજ્જાય પામી, તેના તર્ક માટે.

તે પુરુષ માલુને ભેટ પણ આપતો, પણ ક્યારેય વધુ ખુશ હોય તો ગજવામાં જેટલું હોય એ બધું જ ઠાલવી દેતો. એક વાર તો એક સાડી પણ આપી. માલુ ફિલમ જોવા જતી ત્યારે વટથી પહેરતી.

બસ, એની ઓળખ થઈ ગઈ. આવેલી સ્ત્રી કાંઈ એવી તો નહોતી જ કે ન ગમે. સ્ત્રી વળી આવી જ હોય ને ! શું હોય બીજું ? તોપણ તે કાયમ થનગનતાં મને આવતો હતો; ઝભ્ભા પર સેન્ટનો છંટકાવ કરીને, ક્યારેક ફૂલની કલગી લઈને, તો વળી ક્યારેક કોઈ ચાલુ ગીતનું મુખડું ગણગણતો.

માલુના ચક્ષુપટ પર એ પાત્ર જીવંત બની ગયું. તેને સામે ઊભેલી સ્ત્રી પર કરુણા ઊપજી. તેણે હાથનો સંકેત કરીને નંદુને ઓટલી પર બેસી જવા કહ્યું.

માલુને ડર હતો કે તે પ્રતિકાર કરશે, પણ તે તો બેસી જ ગઈ. થાકીને લોથપોથ થઈ ગઈ હતી. મનથી તો ભાવશૂન્ય બની ગઈ હતી. તેના ચહેરા પરનું ઝનૂન તો ક્યાંય ઓસરી ગયું હતું. તેને બેસી જવાથી રાહત થઈ હોય તેમ લાગતું હતું. આંખો જ કહી આપતી હતી.

માલુ સ્વચ્છ પ્યાલામાં પાણી લઈને આવી, એ પણ તે પીં ગઈ. કદાચ શોષ પડતો હશે જીભને !

‘જુઓ, તમે જ સમજાવજો કે અહીં ન આવે. મારાથી ના પાડી શકાય નહીં.’ માલુ શાંતિથી બોલી. સંમત થતી હોય તમે મુખ હલાવ્યું. તે પણ માલુને સમજી રહી હોય એમ લાગ્યું.

બંને એકબીજાના શ્વાસોશ્વાસ સાંભળી શકે તેટલાં નિકટ હતાં. નંદુને માલુનાં વસ્ત્રોમાં હવે કશી નિર્લજ્જતા જણાતી નહોતી. આની પણ લાચારી હશે ? નહીં તો તેને પણ સંસાર માંડવો શું ન ગમે ?

નંદુ ઊભી થઈ. હવે ઊભા રહેવાનું કશું પ્રયોજન નહોતું. તેણે વસ્ત્રો જરા સરખાં કર્યાં, ચાલવા માટે પગ ઉપાડ્યા. અચાનક જ કાંઈ યાદ આવ્યું હોય તેમ તે અટકી. બોલી, ‘બહેન, તું મને એટલું જ કહે, તું તેમને કેવી રીતે રાજીપામાં રાખે છે ?’

બંનેએ એકબીજાની સામે જોયાં કર્યું. નર્યું મૌન પથરાઈ ગયું. બંને સ્ત્રીઓ વચ્ચે કશું અંતર જ ના રહ્યું. કે જાણે એકાકાર થઈ ગઈ !