હળવાશ - ગિરીશ ભટ્ટ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હળવાશ - ગિરીશ ભટ્ટ

હળવાશ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


હળવાશ

તે આ શબ્દનો અર્થ જાણતી હતી. ખૂબ વિસ્મય થયું હતું જ્યારે તેણે સીમાને મુખે પ્રથમ વાર એ શબ્દ સાંભળ્યો હતો. કૉલેજનો અભ્યાસ શરૂ થયો ત્યારે તેને તેની મમ્મીએ અનેક શિખામણો આપી હતી.

આમ કરવું, આમ ન કરવું - એવી બધી.

સત્તર વરસની ક્ષમા મૂંઝવણમાં પડી ગઈ હતી કે આટલો બધો ખ્યાલ રાખવાનો ? સાવ અચાનક જ ?

તેણે ડરતાં ડરતાં એ નવી ભૂમિમાં ડગ મૂક્યો હતો. પળેપળે નવી અનુભૂતિઓ થતી હતી, નવા આનંદો ઉમેરાતા હતા. અને સાથોસાથ ઘર કરી ગયેલો ભય પણ ઓગળતો હતો.

‘મમ્મી... સાવ અકારણ ડરતી હતી. એવું કશું નહોતું કે જે માટે આટલી ચિંતા રાખવી પડે.’ તે વિચારતી હતી.

જોતજોતામાં એક વરસ પસાર થઈ ગયું.

‘મમ્મી... સાવ ભોળી. બીજું શું ?’ તે હસી પડતી હતી.

તેને આ શબ્દનો અર્થ, સખીઓ સાથેની વાતોમાંથી સમજાયો હતો.

સીમા ટોળા વચ્ચે સાવ ધીમા અવાજે કહેતી હતી : ‘શશી, ક્ષમા, ખબર છે તમને ? ઓલા... મજમુદાર સરને સંસ્કૃતનાં વર્ષાબહેન સાથે... લફરું છે !’

અને ટોળામાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

સીમાએ તેના જ્ઞાનને વિસ્તાર્યું હતું : ‘એ વર્ષાબહેન અમારા ઘરથી પાંચમે ઘરે રહે છે, એકલાં જ છે...’

અને પછી રસની લહાણ થઈ હતી. સહુ તરબોળ થઈ ગયા હતા. ક્ષમાને એ શબ્દનો અર્થ બરાબર સમજાઈ ગયો હતો. તેનું મન કટુતાથી ભરાઈ ગયું હતું. એ બે પાત્રોએ તેનો કેડો મૂક્યો નહોતો. રાતે પથારીમાં પડે ત્યારે અચૂક યાદ આવી જતાં એ બન્ને.

શું કરતાં હશે એ બન્ને ? મળતાં હશે, પ્રેમાલાપ કરતાં હશે અને... બીજું પણ...!

તેને આ ખરાબ લાગતું. આ તો નીતિનું અવમૂલ્યન. છી-છી કેટલું... ભયંકર ?

ક્ષમાને કમકમાં આવી જતાં.

તેને શશી સાથે સારું બનતું. બન્નેનો આવ-જાનો રસ્તો પણ એક જ હતો. આવતાં-જતાં સંગાથ પણ થઈ જતો.

એક વેળાએ બન્ને આવતાં હતાં ત્યારે અચાનક જ શશીએ તેને ઊભા રહેવા સંકેત કર્યો હતો.

‘ક્ષમા... એક વાત કહેવા જેવી છે પણ મારા હોઠ અટકી જાય છે.’ તે ધીમેથી બોલી હતી, ક્ષમાને કાનમાં કહેતી હોય એ રીતે.

‘શું છે વળી એવું ?’ ક્ષમાને વિસ્મય થયું હતું. તેને ડર પણ લાગ્યો હતો. મન ચકરાવામાં પડી ગયું હતું. કશી કોઈ ચટપટી વાત હશે ?

‘તને ખોટું ન લાગવું જોઈએ. મને તો ઘણા સમયથી જાણ છે.’ શશીએ કુતૂહલમાં વૃદ્ધિ કરી હતી.

એટલી પળોમાં તો ક્ષમા વલોવાઈ ગઈ હતી, ભીતર ભીતર.

શું હશે ? શશી કેમ આમ કહેતી હશે ?

‘બોલને, શશી.’ તે ઉતાવળી થઈ ગઈ. શ્વાસના ધબકારા વધી ગયા.

‘પેલી સ્ત્રીને તું ઓળખે છે ?’ શશીએ થોડે દૂર લારી પાસે ફળો ખરીદતી એક સ્ત્રી તરફ અંગુલિનિર્દેશ કર્યો.

ક્ષમા એ સ્ત્રી-છોકરીને તાકી રહી. લગભગ પચીસની જણાતી એક સ્ત્રી ફળો ખરીદતી હતી. વાને ઘઉંવર્ણી હતી, પરંતુ નમણી અને સપ્રમાણ હતી. બોલ્ડ હેર હતા જે ખભા પર ઢળેલા હતા. આકર્ષક લાગતી હતી. માત્ર આંખો જ નહિ પણ આખો ચહેરો જાણે કે હસી રહ્યો હતો.

આને છોકરી જ ગણી શકાય, સ્ત્રી નહીં.

ક્ષમાએ આ મુજબનું અવલોકન કર્યું. અલબત્ત તેની જિજ્ઞાસા હજી યથાવત્‌ હતી કે શશી શું કહેવા માગતી હતી - આ છોકરી વિશે.

તેણે દૃષ્ટિને શશીની દિશામાં ફેરવી.

‘ક્ષમા... આ સ્ત્રી અમારા ફ્લેટની સામે જ રહે છે. સામું જ બારણું... તને ખરેખર કશી ખબર નથી ?’

શશીએ વળી પૂછી નાખ્યું. તેણે માથું હલાવ્યું-નકારમાં.

‘ક્ષમા... આ સ્ત્રીને અને તારા પપ્પાને લફરું છે-એમ વાતો થાય છે.’ શશીએ ઘટસ્ફોટ કર્યો.

‘હેં !’ ક્ષમાથી બોલાઈ ગયું. તે લેવાઈ ગઈ-પગથી માથા સુધી. ચહેરો કાળોધબ્બ થઈ ગયો. રડું રડું થઈ ગઈ. રડી જ પડત પણ માંડ માંડ જાતને જાળવી શકી.

તેણે પેલી લારી તરફ જોયું પણ એ સ્ત્રી તો ત્યાં નહોતી. ચાલી ગઈ હતી.

શશીએ આત્મીયતાથી તેના ખભા પર હાથ મૂક્યો.

‘ક્ષમા... તને આવી વાત કહેતાં જીવ ચાલતો નહોતો. ના જ કહેત પણ અહીં સોનલબહેનને જોયાં ને વાત નીકળી ગઈ.’

તેણે દુઃખ વ્યક્ત કર્યું. તેનો ચહેરો પણ ગંભીર થઈ ગયો.

ક્ષમાના માથે તો જાણે વીજળી પડી ! પેલી છોકરી સોનલ અને તેના પપ્પા ! તે હલબલી ઊઠી. કેવી બેહૂદી અને ગંદી વાત ? શશી મજાક તો નહિ કરતી હોય ? તેનો સ્વભાવ મજાકિયો ખરો, પણ તે આવી મજાક શા માટે કરે ? ના જ કરે. તેને વિશ્વાસ હતો.

તેણે લાચારીથી શશી સામે જોયું પણ તે તો પૂરેપૂરી ગંભીર હતી. હવે... ? તે નિરાધાર બની ગઈ હતી. આમ જાહેરમાં રસ્તા વચ્ચે. એકાંત હોત તો તેણે તેની લાગણીઓ જરૂર વ્યક્ત કરી હોત, પણ અહીં તો તે લાચાર હતી. તે રડી શકતી પણ નહોતી.

‘ક્ષમા... બહુ દુઃખી ન થતી. કદાચ તારાં મમ્મી આ વાત જાણતાં પણ હોય. કાંઈક રસ્તો જરૂર મળી આવશે.’

‘મૂકી જઉં તને ?’ તેણે સખીને હલબલાવીને પૂછ્યું હતું. તેને પશ્ચાત્તાપ પણ થતો હતો કે વળી આ વાતમાં ક્યાં પડી. કઈ પુત્રી તેના પિતા વિશેની આવી આઘાતજનક વાત સહી શકે ?

‘ના... શશી... હું જતી રહીશ.’ તેણે જરા હિંમત દેખાડી કહ્યું.

‘ઉતાવળી ન થતી.’ શશીએ છેલ્લી સૂચના પણ આપી.

શશીએ તેને ફરી પંપાળી, નાની બાળકીને પંપાળતી હોય તેમ.

‘શશી... તને ખાતરી છે કે વાત... સાચી જ છે ?’ ક્ષમાએ ડૂબતો માણસ તરણું પકડતો હોય એમ પૂછી નાખ્યું.

જોકે તેને પોતાને પણ જાત પર પૂરો વિશ્વાસ નહોતો.

‘ક્ષમા... મારે તને આવી વાત કહેવી જોઈતી નહોતી. મને એમ કે તું એના વિશે વિચારી શકે, કદાચ તારાં મમ્મીને મદદ કરી શકે. બસ, એ જ આશયથી કહેવાઈ ગયું.’

‘અને એમ પણ હોય કે આ લોકો રજનું ગજ કરતા હોય’, શશીએ વાતને જરા હળવી કરી.

ક્ષમા ઘરે આવી ત્યારે તેની માનસિક હાલત કાંઈ સારી નહોતી. મજમુદાર સર અને વર્ષાબહેન વચ્ચેના લફરા વિશે વિચારી શકાય એવી સહેલી વાત તો આ નહોતી જ.

આ તો ખુદ તેના પપ્પા ? કેવા પ્રેમાળ પપ્પા હતા ! નાનપણમાં એમણે તેને પરીની વાર્તાઓ કહી હતી, રમાડી હતી. કેટલી બધી ચીજો લઈ આવતા હતા લાડલી ક્ષમા માટે.

એ પપ્પા સાચેસાચ પેલી પરી જેવી છોકરીમાં...

તેણે ધ્રૂજતા હાથે ડોરબેલની સ્વિચ પર હાથ મૂક્યો.

શું મમ્મી આથી અજાણ હશે ? સીમાના ઘરના અને આસપાસના લોકો આ જાણતા હતા. તો જ વાતો થાયને ? આગ હોય તો જ ધુમાડો થાય.

મમ્મી તો સાવ સરળ હતી. પતિ અને પુત્રીને સંભાળતી હતી. શું એ સરળતાને કારણે જ... પપ્પા...

તેની મમ્મીએ બારણું ખોલ્યું.

‘આવી ગઈ ?’ તેઓ પ્રસન્નતાથી બોલ્યાં.

ક્ષમાએ નવેસરથી તેની મમ્મીને અવલોકી. તેને થયું કે મમ્મી તો સરસ હતી, વહાલ કરવાનું મન થાય તેવી.

હા, પણ તેનામાં પેલી છોકરી-સોનલ જેવી ચમકદમક નહોતી. એ તો વયની અસર હોય જ. મમ્મી કાંઈ થોડી પચીસની હતી ? તે પચીસની હશે ત્યારે જરૂર... પેલી કરતાં પણ સુંદર હશે ! આમાં મમ્મી શું કરે ? એ શું કાયમ એવી ને એવી થોડી રહી શકે ? એમ તો પપ્પા પણ આ ઉંમરે પહેલાં જેવા...

તે આવેગથી છાયાબહેનને વળગી પડી.

‘અરે, શું થયું-ક્ષમા ? હજુ પણ એવી ને એવી જ...’ તેઓ હસી પડ્યાં હતાં. તેમની આંખો ભીની થઈ હતી.

ક્ષમાને થઈ આવ્યું કે તે બધી વાત મમ્મીને કહી દે પણ તે એમ ન કરી શકી.

તે તરત સ્નાન કરવા બાથરૂમમાં ઘૂસી, જાણે ઘસી ઘસીને દેહ પરથી એ વાત દૂર કરવા માગતી ન હોય !

જરાતરા હળવીય થઈ.

કદાચ આ વાત ખોટી પણ હોય. લોકો તો નવરા હોય. તેમને પણ પારકી વાત મીઠી લાગે.

એ રાતે ડાઈનીંગ ટેબલ પર રોજની માફક ખૂલી ન શકી. કાયમ તો એનો કલબલાટ ચાલુ જ હોય. કૉલેજની વાતો થતી હોય, સખીની, પ્રોફેસરોની કે રસ્તા પર જોયેલી કોઈ રસભરી વાત હોય.

છાયાબહેને એની માનસિક નોંધ લીધી, પણ કશું બોલ્યાં નહીં. ક્ષમાના પપ્પા અજયભાઈ પણ અન્યમનસ્ક હતા.

ક્ષમા વિચારી રહી-શું વિચારતા હશે તેના પપ્પા ? પેલી સોનલ વિશે કે અન્ય કશું ?

‘આજ કોયલ કેમ મૂંગી છે ?’ છાયાબહેન બોલ્યાં પણ ખરાં, પણ પિતા અને પુત્રી ખાસ કંઈ ચલિત ન થયાં.

તે પૂર્વવત્‌ કૉલેજ જતી રહી. મન ખળભળ્યું હતું એટલે અસર તો રહે જ ને. શશી સાથેની વાતો ક્યાં ભૂલી શકતી હતી ?

રહી રહીને એમ થતું હતું કે શશી એમ કહે કે આ તો મજાક હતી. આમ બે અંતિમો વચ્ચે લોલકની માફક અથડાવું ક્યારેય બન્યું નહોતું-તેની નાનકડી જિંદગીમાં કેટલો થાક અનુભવી રહી હતી ?

એક દિવસ થયું કે નથી જવું શશી સાથે. તેણે જ... આવી વાત કહીને આટલી અસ્વસ્થ કરી હતી.

તે નજીકના બસ-સ્ટોપ પર ગોઠવાઈ ગઈ. આમ તો કૉલેજમાં જવાનું પણ મન નહોતું થતું. તેના માટે આખું વિશ્વ બદલાઈ ગયું હતું. કશું જ ગમતું નહોતું.

સાવ અકારણ જ ઊભી રહી ગઈ, લાઈનમાં. કસમે કમ, નવું વાતાવરણ તો મળ્યું. નવા ચહેરાઓ જોવા મળ્યા. સામેના માર્ગ પર વાહનોની કતાર ચાલી જતી હતી, એ જોવામાં તેને રસ પડ્યો. કેવા અજાણ્યા ચહેરાઓ હતા ?

એક બસ આવી પણ તેણે એ જવા દીધી. ભલે વિલંબ થાય. તેણે નક્કી કરી નાખ્યું કે તે પહેલો તાસ નહિ ભરે, વર્ષાબહેનનો.

અને તેને તરત જ મજમુદાર યાદ આવી ગયા.

એ બન્નેનેય લફરું ! સોનલને પણ...

તેના દેહમાં એક કંપન ફરી વળ્યું. ફરી એ જ ભૂતાવળ ? ફરી તેણે રસ્તાની યાતાયાતમાં મન પરોવ્યું. કેવી હતી પેલી સ્ત્રી ? કેટલી મેદસ્વી ? અને પેલી કેટલી નટખટ ? ઉંમર પણ કાંઈ નાની તો ન કહેવાય.

અચાનક તેની દૃષ્ટિ થીજી ગઈ. તેની આંખો સામે એક બાઈક પસાર થઈ ગઈ. તેના પપ્પા હતા ! તે ઓળખી ગઈ. ઓળખે જ ને ? તેના પપ્પા હતા. પણ પાછળ પેલી... સ્ત્રી, છોકરી-સોનલ બેઠી હતી, વળગીને. હા, વળગીને જ. પતિ-પત્ની વળગીને બેસે એમ. તે સોનલ પણ... !

શશીએ ઓળખાવી હતીને ? પછી એ ભુલાય પણ કેમ ? હા... એ જ હતી ચપોચપ, વળગીને, બાથ ભરીને !

હસતી પણ હતી. તેણે સ્પષ્ટ સાંભળ્યું હતું, જોયું હતું. બસ-સ્ટોપ પર ઊભેલી વ્યક્તિઓમાંની એક વ્યક્તિએ મોટેથી કહ્યું હતું : ‘જોયાં, મૉડર્ન લયલા-મજનૂ !’

કેટલાક હસ્યા પણ હતા.

એ પાંચ ક્ષણો તો પૂરી પણ થઈ ગઈ. અન્ય માટે તો તે દૃશ્ય ભૂંસાઈ ગયું, પરંતુ ક્ષમા માટે તો આ અસહ્ય હતું. શશી સાચી જ હતી, જેનું આ પ્રત્યક્ષ પ્રમાણ હતું. આથી વિશેષ શું જોઈએ - આ સંબંધો પુરવાર કરવામાં ?

ક્ષમા થીજી જ ગઈ. સઘળું ચેતન એ પાંચ ક્ષણોમાં હરાઈ ગયું.

તેને પારાવાર પીડા થઈ. તેને શશી યાદ આવી. અને સોનલ પણ. ‘તેના પપ્પાય...! કેવી વળગી હતી પેલી ? અને કેવી ગંદી કૉમેન્ટ થઈ હતી, ટોળામાંથી ? લોકો હસ્યા પણ હતા.’

તેણે પાસેની થાંભલી ઝાલી લીધી.

મમ્મી આ જાણતી હશે ? ના જાણતી હોય તો સારું. કેટલી દુઃખી થઈ જાય એ બિચારી ?

તે ધીમે પગલે ઘર તરફ ચાલી. કૉલેજમાં કેવી રીતે જઈ શકાય ? શશી એકલી જ થોડી જાણતી હશે ? એ સિવાય પણ... અનેક...

છાયાબહેન બારણું ખોલતાંવેંત આશ્ચર્યમાં પડી ગયાં. ‘કેમ આવી, બેટા ? કૉલેજ ન ગઈ ? તાવ આવ્યો કે શું ?’

એકસામટી, અનેક ચિંતા વળગી.

અનેક શક્યતાઓ હતી.

ગાલ પર હાથ મૂક્યો. ના, તાવ તો નહોતો. તો પછી ? તેઓ ભીતરથી હલબલી ઊઠ્યાં, કારણ કે ક્ષમાના ચહેરા પર જે ભાવો હતા - એ ચિંતા પ્રેરે તેવા હતા.

કોઈએ છેડતી કરી હશે ? મવાલી... નો ક્યાં તોટો હતો ? કે પછી... ?

‘શું થયું-દીકરા ?’ તેમણે બારણું વાસીને એ પ્રશ્ન દોહરાવ્યો.

‘મમ્મી... મારા પપ્પા... !’ ક્ષમાથી બોલાઈ ગયું.

‘હં... શું ?’ છાયાબહેનની આંખમાં ચમકારો થયો.

શું એ જ હશે ? ક્ષમાને જાણ થઈ હશે-એમના પેલી સાથેના સંબંધની ?

‘અને એ-બાઈક પર.’ ક્ષમાએ પૂરું કર્યું હતું.

અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી-માતાને વળગીને.

છાયાબહેને પુત્રીને પંપાળી, થાબડી. કેટલા સમયથી તેઓ ઢાંકપિછોડા કરતાં હતાં ? બસ... ક્ષમાને જાણ ન થવી જોઈએ. કેટલી ચિંતા રહેતી હતી ? અરે, રડી પણ શકતાં નહોતાં. પુત્રીની હાજરીમાં ચહેરા પર મહોરું પહેરીને જીવવું પડતું હતું. પતિ સાથે ઔપચારિકતા નિભાવવી પડતી હતી.

કેટલો બોજો વેંઢારતાં હતાં, છેલ્લાં બે વરસથી ? હવે તો ઉંમરલાયક પુત્રી એ કડવું સત્ય જાણી ચૂકી હતી. બસ, એક જ પીડા. તેમના મન પરથી બોજો હટી ગયો.

સાચે જ, છાયાબહેન હળવાશ અનુભવવા લાગ્યાં.