પાસવર્ડ - 23 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 23

પ્રકરણ નં.૨૩

સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા બાદ રાજેશ્વર અને કાર્તિક ફ્લાઈટમાં બેસી પાટનગર આવી પહોંચ્યા. માતા સુલોચના – પિતા જ્યોતિન્દ્ર કુમાર અને પત્ની શીતલને એ વાતથી અત્યંત આશ્ચર્ય થયું કે, હજુ તો રાજેશ્વર આજે જ જેલમાંથી છુટીને બહાર આવ્યો છે ને તે ઘેર પહોંચે એ સાથે જ અચાનક તેના માટે ફોન કોલ આવે છે. કંપનીમાંથી ફોન કોલ આવ્યો હોવાનું જણાવ્યા બાદ રાજેશ્વર ત્યાં જાય છે પરંતુ થોડી વાર બાદ તે ઘેર ફોન કરીને પોતે અને એડવોકેટ કાર્તિક પાટનગર જઈ રહયા હોવાનું જણાવે છે. જ્યોતિન્દ્ર કુમારને એમ થયું કે, નક્કી કોઈ ગડબડ છે. ચોક્કસપણે રાજેશ્વર ઉપર કોઈ વ્યક્તિ નજર રાખી રહયું છે.

બીજી તરફ રાજેશ્વર અને કાર્તિકને એરપોર્ટ રિસિવ કરવા એક લકઝરીયસ કાર આવી હતી અને તેઓ સીધા જ એક ખાસ વ્યક્તિની મુલાકાત કરવા માટે પાટનગરની હાઈ સિક્યુરીટી ઝોનની એક સોસાયટીમાં આવેલા એક આલીશાન બંગલામાં પહોંચ્યા હતાં. આઠ – દસ એકર જમીનમાં ફેલાયેલા આ વિશાળ બંગલાની ફરતી બાજુએ સુંદર બગીચો બનાવાયો હતો. બંગલાની એટલા બધા રૂમ હતાં અને તેમાં આવવા જવા માટે એવા ભુલભુલામણી વાળા પેસેજ હતાં કે એક વાર કોઈ વ્યક્તિ તેમાં પ્રવેશ કરે એટલે તેનું બહાર નીકળવું મુશ્કેલ જ નહીં પરંતુ લગભગ અશક્ય બની રહે. રાજેશ્વર અને કાર્તિકને એક ખાસ રૂમમાં લઇ જવાયા. જ્યાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેઓની મુલાકાત એક ભેદી વ્યક્તિ સાથે થઇ. ટીવી સ્ક્રીન પર એ રહસ્યમય વ્યક્તિનો ચહેરો જોઈ શકાતો ન્હોતો. જાણ્યે કે કોઈ અંધારામાં કોઈ એક આકૃતિ તેઓની સાથે વાત કરી રહી હતી.

" વેલકમ રાજેશ્વર એન્ડ કાર્તિક. હું સીધો જ મુદ્દા પર આવું છું. તમે બંને અત્યારે જ પડોશી દેશના રાજવી આદિત્યરાજસિંહને મળવા જઈ રહયા છો. તમારી ફ્લાઈટ ઉપડવાને હવે વધુ સમય નથી બચ્યો. તમારા બંનેના બોગસ વિઝા અને ટિકિટ તમને એરપોર્ટ જતી વખતે કારમાં જ મળી જશે. ત્યાં જઈને શું કરવાનું છે એ તમો જાણો જ છો. આ પ્રવાસ દરમ્યાન મારા બે માણસો તમારી સુરક્ષા માટે આજુબાજુ જ રહેશે. એ કોણ છે એ જાણવાની તમારે જરૂર નથી."

" જી...." રાજેશ્વરે એકદમ ટૂંકો જવાબ આપ્યો. અનંતરાયે મોકલેલા બે ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ અગાઉથી જ આ બંગલામાં પહોંચી ગયા હતાં. તેઓની સાથે પણ એ જ ભેદી વ્યક્તિએ વિડિયો કોન્ફરન્સથી વાત કરી રાખી હતી. ઇન્ટેલિજન્સ ઓફિસરો સમક્ષ રહસ્યમય વ્યક્તિએ પોતાની ઓળખ અધિરાજ તરીકે આપી હતી. જોકે ઇન્ટેલિજન્સ ઓફિસરો એ વ્યક્તિનો ચહેરો જોઈ શક્યા ન્હોતા. અધિરાજે તેઓને કહેલું કે, મારા બે ખાસ માણસો રાજેશ્વર અને કાર્તિકને હું વિદેશ મોકલી રહયો છું અને તમારે તેઓની પાછળ પડછાયાની જેમ સાથે રહી તેમને સુરક્ષા આપવાની છે.

" ઓકે ધેન, બેસ્ટ ઓફ લક. કમ બેક સૂન. " રાજેશ્વર અને કાર્તિકને શુભકામના પાઠવી એ ભેદી વ્યક્તિ ટીવી સ્ક્રીન પરથી ગાયબ થઇ ગઈ.

" યસ. વી વિલ."

રાજેશ્વર અને કાર્તિક વાતચિત પુરી કરી રૂમમાંથી બહાર આવ્યા એ સાથે જ એક ડ્રાઈવર તેમને તેડવા માટે રાહ જોતો ઉભો હતો. તેની સાથે બંગલાના ત્રણ નોકરો તેમના માટે પ્રવાસમાં જરૂરી એવી તમામ સામગ્રી ભરેલી સુટકેશ સાથે તૈયાર જ ઉભા હતાં. તેઓ કારમાં બેઠા. ડ્રાઈવરે તેઓને એર ટિકિટ સહિતના ટ્રાવેલિંગ માટે જરૂરી ડોક્યુમેન્ટસ સુપ્રત કરી દીધા. કાર થોડી મિનિટોમાં જ એરપોર્ટ પહોંચી. રાજેશ્વર અને કાર્તિક હડી મેલતા એરપોર્ટની અંદર ઘુસ્યા. જરૂરી વિધિ પુરી કરી તેઓ પ્લેનમાં ગોઠવાઈ ગયાં. લગભગ એકાદ કલાકની મુસાફરી બાદ તેઓનું વિમાન પડોશી દેશના એરપોર્ટ પર ઉતર્યું અને રાજેશ્વર તથા કાર્તિક વિના કોઈ ખાસ મુશ્કેલી એરપોર્ટની બહાર આવી પણ ગયા. જ્યાં તેમને રિસિવ કરવા માટે અગાઉથી જ એક કાર તૈયાર ઉભી હતી. તેઓ એ કારમાં બેસી રવાના થઇ ગયા. તેમની પાછ્ળોપાછળ ત્યાં પહોંચે ગયેલા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેમની કારનો પીછો કર્યો. ઇન્ટેલિજન્સ ઓફિસરોના અન્ય ત્રણ સાથી ઓફિસરો ત્યાં જ નોકરોના સ્વાંગમાં બંગલામાં ઘુસી જવામાં સફળ થયા હતાં. સુટકેશની અંદર તેઓએ મુકેલા વસ્ત્રો તેમજ અન્ય તમામ જરૂરી ચીજોમાં કોમ્યુનિકેશન અને અન્ય કામો માટેના ગુપ્ત ઇલેક્ટ્રોનીક્સ ડીવાઈસ ફીટ કરી જ દેવાયા હતાં. રાજેશ્વર અને કાર્તિક તેનાથી બેખબર હતા. આ ત્રણેય ઓફિસરો પણ આગલી બંને કારનો પીછો કરી રહયા હતાં.

***

રાજવી પરિવારના વૈભવી મહેલના પાછલા હિસ્સામાં સ્થિત ખુફિયા તહેખાનામમાં સારી એવી હિલચાલ શરૂ થઇ ચુકી હતી. આ તહેખાનાથી માત્ર રાજવી આદિત્યરાજસિંહ અને તેમનો રાજવી પરિવાર અને તેના અમુક ગણ્યાગાંઠ્યા વફાદારો જ વાકેફ હતાં.

આદિત્યરાજસિંહે સ્ટીલના છ એ છ બોક્સ સુરક્ષિત જગ્યાએ મુકાવી પોતાના અન્ય એક ખુફિયા લોકર રૂમમાં મુકાવી દીધા બાદ તુર્ત જ ફોન ઘુમેડ્યો અને વ્યક્તિને સૂચના આપેલી. આ વાતચિત થયાને માંડ એકાદ કલાક જેવો સમય વીત્યો હશે ત્યાં જ મહારાજ આદિત્યરાજસિંહને એક સમાચાર મળ્યા. " કટ્ટર બળવાખોરો અને સૈન્ય તેમના મિશનમાં સક્રિય થઇ ગયા છે. થોડા સમયમાં જ નવા સમાચાર આવવા જોઈએ."

આદિત્યરાજસિંહના ચહેરા પર સ્મિત ચમકી ઉઠ્યું. થોડી વાર આદિત્યરાજસિંહ માટે વધુ એક ફોન કોલ આવ્યો. " સર, આપના બંને મહેમાનો આવી પહોંચ્યા છે."

આ મિશનમાં જોડાયેલા, સત્યપ્રકાશના બે ખાનગી એજન્ટો મુકેશ અને વિજયને હવે આદિત્યરાજસિંહની નવી સુચનાનો ઇન્તેજાર હતો ત્યાં જ આદિત્યરાજસિંહ પોતે તેમને મળવા આવી પહોંચ્યા.

" ચાલો મારી સાથે. આપણે એક કામ માટે બહાર જઈ રહયા છીએ." આદિત્યરાજસિંહે સૂચના આપી.

તેઓ સૌ બહાર આવ્યા. રાજવીની કારમાં જ બેસીને તેઓ સીધા જ આદિત્યરાજસિંહની કંપનીની ઓફિસમાં પહોંચ્યા. રાજેશ્વર અને કાર્તિકે ઉભા થઇ મહારાજને નમસ્તે કર્યા. મહારાજે તેઓની સાથે મુકેશ અને વિજયની ઓળખ પોતાના ખાસ મહેમાન તરીકે કરાવી.

આદિત્યરાજસિંહે ઓફિસના અન્ય એક રૂમમાં જઈ પોતાના એક ખાનગી કોમ્યુનિકેશન ડિવાઇઝ મારફત થોડી વાતચિત કરી અને પાછા ઓફિસમાં આવી ગયા.

" જુઓ અત્યારે કટ્ટર બળવાખોરોનું એક જૂથ અને સૈન્યના કેટલાક ઓફિસરો તથા જવાનોની ટીમ દ્વારા અહીના પાટનગરના મુખ્ય સચિવાલય પર એટેક થવાનો છે. આ ધમાલ દરમ્યાન તમારે એક કામ કરવાનું છે. કામ પતાવ્યા બાદ તમોને સીધા જ મારા મહેલે પહોંચાડી દેવામાં આવશે. આ કામમાં અનંતરાયનું આખું ગ્રુપ સામેલ રહેવાનું છે. માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

" અમારે કયુ કામ પાર પાડવાનું છે ?" રાજેશ્વરે સવાલ પૂછ્યો.

"....." આદિત્યરાજસિંહે જવાબની સાથો સાથ આખો પ્લાન પણ સમજાવી દીધો. પ્લાનને અંજામ આપવા ચારે ચાર જણા એ જ ઘડીએ નીકળી પડ્યા.

***

પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ટોચના બે હોદેદારોના અપહરણ થયા તેના થોડા દિવસો પૂર્વે કંપની કોમ્પ્યુટર હેકિંગનો શિકાર બની હતી. આઈ.પી. એડ્રેસના આધારે હેકિંગનું લોકેશન પડોશી દેશનું કોઈ સ્થળ હોવાનું જાણવા મળ્યું હતું. સૂર્યજીતના કાન ચમક્યા. "ઓહ માય ગોડ". એ હેકિંગ પડોશી દેશમાંથી થયું હતું. આ બાબત ખુબ જ ગંભીર હતી. તેણે ફરી એક વખત સુનિલને ફોન કરીને એ વિશે જાણ કરતા સુનિલ પણ વિચારે ચડી ગયો. આ મામલામાં ટોચની ઓથોરિટીને જાણ કરવા સૂર્યજીતે સુનિલને વિનંતી કરી. સુનિલ એ સમજતો હતો કે, આવા મામલાની તપાસ ખુબ જ ખાનગી ધોરણે થતી હોય છે. તેણે સૂર્યજીતને માત્ર એટલું જ કહ્યું કે, "હું મારા ઉપરી અધિકારી સાથે વાત કરૂ છું. જોઈએ છીએ તેનું શું કહેવાનું થાય છે?" વાત પુરી કર્યા બાદ સુનિલે તેના ઉચ્ચ અધિકારીને આ આખા મામલાની જાણકારી આપી. સુનિલે એ પણ કહેલું કે, પોલીસને પી.આર. કન્સલ્ટન્સી કંપનીના કોમ્પ્યુટરમાંથી કોડવર્ડ આધારિત એક ભેદી મેસેજ પણ મળ્યો છે અને તે મેસેજ કાંઈક આ રીતે લખાયો છે. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD. આ આખી વાત સાંભળી સુનિલના ઉચ્ચ અધિકારીએ તેને નિશ્ચિંત થઇ જવાની સલાહ આપી. સુનિલે તેના ઉપરીથી એ વાત છુપાવી કે, તેણે અને સૂર્યજીતે અગાઉથી જ આ મેસેજ મહદ અંશે ઉકેલી નાંખ્યો છે. સૂર્યજીત અને સુનિલને લાંબી કસરત બાદ માત્ર એટલી જ ખબર પડી હતી કે, આ કોડેડ મેસેજ કાંઈક એવું કહેવું માંગે છે કે, PLEASELOCKCODEANDPASSWORD.

***

પડોશી દેશના ઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફરને તેના બંને જાસૂસોએ આપેલી માહિતી પરથી માત્ર એટલી જ ખબર પડી હતી કે, તેમના જ દેશનો ગૃહ મંત્રી પી. આર. કન્સલ્ટન્સી કંપનીના હોદેદારોના અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડના મૂળમાં છે. ગૃહ મંત્રી એ જાણવા માંગતો હતો કે, પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી કાઢી છે જે માત્ર બંને દેશના રાજકારણ અને લોકોને જ નહી પરંતુ સમગ્ર વિશ્વના રાજકારણમાં જોરદાર ચર્ચા જગાવે એવી છે. અબ્રાહમના ચહેરા પર ખુશી ચમકી રહી હતી. તેને જે કાંઈ વિગતો મળી હતી તે તેના માટે ખુબ જ ચોંકાવનારી હતી. પોતાના બંને જાસૂસોએ આપેલી આ ખાનગી વિગતો જાણીને અબ્રાહમ અત્યંત રાજી થયા હતાં. જોકે તેમની આ ખુશી વધુ સમય માટે ટકી શકી નહી.

એક ટેલીફોન કોલે તેમને સ્તબ્ધ કરી દીધા. તેમને જે કાંઈ સમાચાર મળ્યા એ સાંભળીને તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ફોનમાં સામે છેડેથી કોઈ તેણે માહિતી આપી રહયું હતું કે...

" સર, થોડી વાર પહેલા આપણા જ સૈન્યના જવાનો અને કેટલાક કટ્ટર બળવાખોરોના જુથે સચિવાલય પર ભયાનક હુમલો કરી દીધો છે અને આ એટેક દરમ્યાન સચિવાલયમાં જ પોતાની ઓફિસમાં હાજર રહેલા ગૃહ મંત્રીને ગોળીથી વિંધી નાંખવામાં આવ્યા છે. સચિવાલયની ચારેકોર ધાણીફૂટ ગોળીબાર થઇ રહયા છે. જ્યાં ને ત્યાં બોમ્બ બ્લાસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. હુમલાખોરો ગૃહ મંત્રીની હત્યા કર્યા બાદ તેમની ઓફિસમાં કાંઈક શોધવા આવ્યા હોય તેમ બધા કબાટ વેરવિખેર કરી નાંખ્યા હતાં. તેમના ખાનગી લોકર પણ તોડી નાંખેલા જોવા મળ્યા છે. માત્ર ગૃહ મંત્રીના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કાઢી લેવામાં આવી છે. તેમનું પર્સનલ લેપટોપ અને તેના બંને મોબાઈલ ફોન હુમલાખોરો ઉઠાવી ગયા છે. સર, છેલ્લા કેટલાક સમયથી કેટલાક કટ્ટર બળવાખોરો હુમલો કરવાના એવા મીડિયા અહેવાલો સાચા પડ્યા. જોકે આ હુમલામાં સૈન્ય પણ સામેલ થઇ જશે એવી કલ્પના કોઈએ ન્હોતી કરી. સર, જાણીને વધુ આશ્ચર્ય એ વાતનું થશે કે, હુમલાખોરોએ માત્ર સચિવાલય જ નહી, ગૃહ મંત્રીના નિવાસે પણ હુમલો કર્યો હતો અને ત્યાંથી પણ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ અને અન્ય કોમ્યુનિકેશન ડિવાઇઝ લૂંટીને ભાગી ગયા છે. "

અબ્રાહમ ક્રિસ્ટોફર અવાચક બની ગયા. તેની ઇન્ટેલિજન્સ એજન્સી આ હુમલા વિશે સરકારને કશી પણ સચોટ માહિતી આપવામાં નિષ્ફળ રહી હતી. હવે તેની ઉપર માછલા ધોવાવાની પુરી શક્યતા હતી. જોકે અબ્રાહમ ક્રિસ્ટોફરને ચિંતા એ વાતની થતી હતી કે, પડોશી દેશની પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી હશે જે વિશે ગૃહ મંત્રી માહિતી મેળવવા ઇચ્છતા હતાં? ખરેખર શું એવી કોઈ યોજના ઘડાઈ હશે ખરી કે પછી વાત બીજી જ કાંઈક હશે ? ગૃહ મંત્રીની હત્યા થઇ જતા હવે આ ભેદી રહસ્ય કાયમને માટે એક રહસ્ય જ બની રહેશે. એ રહસ્ય ગૃહ મંત્રીની સાથે જ ઉપર ચાલ્યું ગયું હતું.

***

રાજવી આદિત્યરાજસિંહ ટીવી ચેનલ પર બ્રેકિંગ ન્યુઝ નિહાળી રહયા હતાં. ન્યુઝ રીડર બૂમ બરાડા પાડી પાડીને બોલી રહયો હતો કે, "સૈન્યના જવાનો અને કેટલાક કટ્ટર બળવાખોરોના જુથે સચિવાલય પર કરેલો ભયાનક હુમલો" , "સચિવાલયની ચારેકોર ધાણીફૂટ ગોળીબાર" , " જ્યાં ને ત્યાં થઇ રહેલા બોમ્બ બ્લાસ્ટ", "હુમલાખોરોએ ગૃહ મંત્રીની કરેલી ઘાતકી હત્યા ", "સચિવાલયના સુરક્ષા ગાર્ડઝ ઊંઘતા ઝડપાયા", " હુમલાખોરો અને સુરક્ષા ગાર્ડઝ વચ્ચે સામસામે અંધાધૂંધ ગોળીબાર "

સમાચાર જોઈ સાભળીને આદિત્યરાજસિંહ તેમના મહેલના તહેખાનામાં ઉચાટ વદને પોતાના માણસોની વાટ જોઈ રહયા રહયા હતાં. તેમને પોતાના આ સાથીદારોની સુરક્ષાની ચિંતા પણ કોરી ખાતી હતી. આશરે એકાદ કલાક બાદ રાજેશ્વર, કાર્તિક, મુકેશ અને વિજય ત્યાં પાછા આવી ગયા.

આદિત્યરાજસિંહ તેઓને ભેટી પડ્યા. તેમની આંખો ભીની થઇ ગઈ.

" શાબ્બાશ મારા જાંબાઝ સિંહ. " આદિત્યરાજસિંહે તેઓને ખુબ ખુબ અભિનંદન આપ્યા.

" મહારાજ સાહેબ સચિવાલય અને ગૃહ મંત્રીના નિવાસેથી કોમ્યુટર, લેપટોપ, મોબાઈલ, હાર્ડ ડિસ્ક, કેટલીક ફાઈલો સહિતની સામગ્રી અમે અહીં ભેગી લેતા આવ્યા છીએ. રાજેશ્વરે તમામ વસ્તુઓનો ઢગલો કરાવતા કહ્યું.

" વાહ મારા શેર વાહ...ખરા બહાદુર છો તમે ત્રણેય.....આ કામમાં તમોને કોઈ મુશ્કેલી તો નથી પડીને?"

" મહારાજ, હુમલા દરમ્યાન અમે ચારેય જણા સૈન્યના જવાનના યુનિફોર્મમાં હતાં એટલે અમારૂ કામ એકદમ આસાન થઇ ગયું. "

"વેરી ગૂડ, ચાલો હવે મારા લોકર રૂમમાં. હવે પેલા સ્ટીલના છ બોક્સનો નિકાલ પણ કરી નાંખીએ. " આદિત્યરાજસિંહે વિનંતી કરતા સૌ તેમની પાછળ ચાલ્યા.

લોકર રૂમમાં પડેલા સ્ટીલના બોક્સ પર દેખાતી નાનકડી સ્ક્રીન પર બ્લ્યુ રંગની લાઈટ લબકઝબક થતી હતી..... મુકેશ અને વિજય આશ્ચર્યથી એ બોક્સને જોઈ રહયા હતાં. જોકે, રાજેશ્વર અને કાર્તિકના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહયું હતું. મુકેશ અને વિજય એ વિચાર કરી રહયા હતાં કે, આ બોક્સ ખોલવા કઈ રીતે?

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાનું મિશન અંતિમ ચરણમાં હતું. તેને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક હતું. તે પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા પડોશી દેશના પાટનગરમાં બની રહેલી તમામ ગતિવિધિ પર નજર રાખીને બેઠા હતાં ત્યાં તેમના ફોનની ઘંટડી વાગી. તેમણે ફોન રિસિવ કર્યો.

" યસ?" તેમણે ફોન રિસિવ કરતા પુછ્યું.

" સર, પ્લીઝ જલ્દી ટીવી ન્યુઝ ચેનલ ચાલુ કરો. જબરદસ્ત બ્રેકિંગ ન્યુઝ આવી રહયા છે." જ્યોર્જ ડિસોઝાએ ફોન ક્રેડલ પર મુકી વાત કાપી નાંખી તુર્ત જ ટીવી ઓન કર્યુ ને સ્ક્રીન પર ધાણીફૂટ સમાચારો દેખાવા લાગ્યા. " પડોશી દેશમાં સૈન્યના જવાનો અને કેટલાક કટ્ટર બળવાખોરોના જુથે સચિવાલય પર કરેલો ભયાનક હુમલો", " સચિવાલયની ચારેકોર ધાણીફૂટ ગોળીબાર ", " જ્યાં ને ત્યાં થઇ રહેલા બોમ્બ બ્લાસ્ટ ", "હુમલાખોરોએ ગૃહ મંત્રીની કરેલી ઘાતકી હત્યા ".

અચાનક તેમના ખાનગી કોમ્યુનિકેશન લાઈન પર ફોન કોલ આવ્યો.

" યસ, બોલો " જ્યોર્જ ડિસોઝાએ ફોન કાને ધરતા પુછ્યું.

" મિશન સક્સેસફુલ. સૌ સલામત છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અધિરાજના ગ્રુપમાં સામેલ થઇ ચુકેલા આપણા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો અને તેમને સુરક્ષા કવચ આપી રહેલા અન્ય ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરો તેમનું કામ પુરૂ કરી વતન પાછા આવવા નીકળી ગયા છે. બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો અહીંથી ત્યાં પહોંચ્યા બાદ સીધા જ અધિરાજ પાસે જવાના છે. બાકીનો રીપોર્ટ રૂબરૂ જ આપું છું. "

" અરે.....વા....હ.......વાહ ....વાહ..." જ્યોર્જ ડિસોઝા ખુરશીમાંથી ઉભા થઇ ગયા.

***

બીજી તરફ અધિરાજ તેની વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમથી અનંતરાય અને સત્યપ્રકાશ સાથે વાતચિત કરી રહયો હતો.

" તમે બંનેએ ટીવી ન્યુઝ ચેનલ પર તાજ્જા બ્રેકિંગ ન્યુઝ તો જોયા જ હશે?"

" યસ સર, અત્યારે પણ ટીવી ચાલુ જ છે." બંનેએ જવાબ આપ્યો.

" સત્યપ્રકાશ, તમારા બંને એજન્ટો મુકેશ અને વિજયે રંગ રાખ્યો. તેમની બહાદુરીની વાત હું હવે પછી કરીશ. અને હા અનંતરાય તમારા આખા ગ્રુપે જે રીતે યોજના પાર પાડી છે તે અદભૂત છે. બાકીની વાત રૂબરૂ જ કરીશું. પેલા સ્ટીલના બોક્સનું શું થયું એ વિશે પણ મારે તમોને રસપ્રદ માહિતી આપવાની છે.

" જી.. સર...તો આપણે ક્યારે મળવાનું થશે?"

" થોડી વાટ જુઓ. હું તમોને જાણ કરું છું."

( વધુ આવતા અંકે....)

*******************************