પાસવર્ડ – ૮ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ – ૮

વહી ગયેલી કથા......

પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણના કેસમાં ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વરની ધરપકડ થયા બાદ તેને જેલમાં ધકેલવામાં આવે છે. બરોબર એ જ દિવસે મધ્યરાત્રિએ જેલમાં પણ એક ખોફનાક હત્યા કાંડ સર્જાય છે જેમાં ત્રણ કેદીઓ અને એક ગાર્ડને એકદમ ક્રૂર રીતે રહેંસી નાંખવામાં આવે છે. ટોચના પોલીસ અફસરોને એમ લાગે છે કે આ બંને ઘટનાઓ કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. આ બંને ભેદી ઘટનાઓના તાર એટલે દુર સુધી લંબાયેલા હતા કે, માત્ર પોલીસ જ નહી પરંતુ અધિરાજ નામક એક ખુબ જ ભેદી વ્યક્તિ, રાજ્યનો નાણા મંત્રી અનંતરાય, અનેક રહસ્યમય અને ખાનગી મિશન પાર પાડી ચુકેલ સત્યજીત નામક એક બાહોશ વ્યક્તિ અને મીડિયા આ ઘટના સાથે સંકળાયેલી પ્રત્યેક હિલચાલ પર નજર રાખી રહયા હતા. પોલીસને એવા સંકેત મળે છે કે આ ઘટનાઓ પાછળ બોગસ ચલણી નોટનું પ્રકરણ જવાબદાર હોઈ શકે. પરંતુ પોલીસ કમિશનર અભય કુમાર કોઈ મોટા ગજાના એક મહાનુભાવના કહેવાથી પોતાના ચાર વિશ્વાસુ ઓફિસરોને શહેરના બે નામાંકિત શ્રીમંતોની હિલચાલ પર નજર રાખવા અને અપહરણ કાંડની માહિતી મેળવવા અલગથી કામે લગાડે છે. આ શ્રીમંતો દ્વારા થયેલા રૂ. ૨૦ કરોડના એક કથિત શંકાસ્પદ વ્યવહાર બાદ તેઓ પણ શંકાના ઘેરાવમાં આવી ગયા હતા. કમિશનર અભયની હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહેલા અધિરાજના માણસોએ અભય કુમારની એક ખાનગી મીટિંગ દરમ્યાન તેઓના બે ખાનગી ગાર્ડને મારવા પડે છે અને પછી અભયની જ કારની ડેકીમાં બંને લાશ છુપાવી દયે છે. અભય તરફથી કોઈ નવી પરેશાની ઉભી ના થાય એ માટે અધિરાજ તેમના માણસોને એક કામ પાર પાડવા સૂચના આપે છે. દરમ્યાન પી.આર. કન્સલ્ટન્સીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારને એવી ખબર પડે છે કે તેમનું અપહરણ કરનારાઓનો હેતુ નાણા કમાવાનો ન્હોતો. ખરા અર્થમાં જોઈએ તો એ અપહરણ હોવા છતાં અપહરણ ન્હોતું. બીજી તરફ સેન્ટ્રલમાં જેલમાં કેદી રાજેશ્વરને તેની બૌધિક કુશળતાથી પ્રેરિત થઇ જેલર તરફથી જેલની ઓફિસમાં વહીવટી કામ સોંપવામાં આવે છે. રાજેશ્વરના એડવોકેટ કાર્તિકની હિલચાલ પણ અસામાન્ય હતી. દરમ્યાન ઘણે દુરથી કોઈના તરફથી મળેલા એક ટેલીફોનિક સંદેશા બાદ સત્યજીત તેના બે એજન્ટો વિજય અને મુકેશને આ ઘટના અનુસંધાને તાત્કાલિક એક ખાસ જોખમી મિશન પર રવાના કરે છે. એક એજન્ટ સરહદ પાર જવા તૈયારી કરે છે અને બીજો એજન્ટ પણ હાલ તુર્ત એ શહેરમાં જ એક કામ પાર પાડવા રોકાયો હતો અને કામ પૂર્ણ થયા બાદ તે સરહદ પાર પોતાના સાથી એન્જટ સાથે જોડાઈ જવાનો હતો. નાણા મંત્રી અનંતરાય પણ કોઈક અજુગતી અને ભેદી પ્રવૃતિઓ કરી રહ્યાની આશંકા ધરાવતા તેના ખાસ છ મિત્રોને એક કામ પાર પાડવા બદલ કરોડો રૂપિયાની ભેંટ આપે છે. અનંતરાય તેઓને પોતાના ખુફિયા સ્થળની મુલાકાત પણ કરાવે છે. આ બધું જોયા પછી તેઓ મબલખ નાણા કમાવાની લાલચમાં અનંતરાયના એક ખુફિયા ગ્રુપમાં સામેલ થઇ જાય છે. ત્યારબાદ અનંતરાય તેઓને સ્ટીલના બનેલા અને ઈલેક્ટ્રોનિક લોક ધરાવતા ત્રણ બોક્સ એક સ્થળે પહોંચાડવાનું કામ સોંપે છે.

હવે પછી શું થાય છે........? વાંચો પ્રકરણ નંબર – ૮.

૦પ્રકરણ – ૮

પોલીસ કમિશનર અભય કુમારના ખાનગી બંગલેથી બાઈક નાસી છુટેલા એ બંને શખસો અધિરાજની સૂચના મુજબ કામ પાર પાડવા રાત્રિના સમયે અભય કુમારના સત્તાવાર નિવાસ સ્થાનથી થોડે દુર પહોંચી ચૂકયા હતા. અભયના બંગલામાં તે બંનેને આસાનીથી પ્રવેશ મળી શકે તે માટે મદદરૂપ થવા અધિરાજે એક અન્ય રસ્તો પણ વિચારી રાખ્યો હતો. શહેરના છેવાડાના પોશ વિસ્તારમાં એક રસ્તાની બંને તરફ લાઈનબંધ આલીશાન બંગલાઓ ઉભા હતા. એક કતારમાં સૌથી છેલ્લો બંગલો અભયનો હતો. આ પોશ વિસ્તારની જ્યાંથી શરૂઆત થતી હતી તે ચાર રસ્તાવાળા ચોકમાં જ એક ભવ્ય મોલ પણ હતો. જ્યાં હજુ લોકોની સારી એવી ચહલ પહલ જોવા મળતી હતી. મોલમાં રોશનીનો ઝગમગાટ દેખાતો હતો.

ચોકમાંથી એક રસ્તો અભયના બંગલા તરફ જતો હતો. જોકે આ રસ્તા પર સ્ટ્રીટલાઈટ હોવા છતાં પણ અંધકાર જેવો માહોલ પણ પ્રવર્તી રહયો હતો. વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળતી હતી. બંને શખસો મોલના કમ્પાઉન્ડ પાસે જ રસ્તા પર નજર રાખીને ઉભા હતા. હજુ અભય કુમાર કે તેમની કાર ઘેર પાછા આવ્યા ન્હોતા. બંને જણાએ રાહતનો શ્વાસ જરૂર ખેંચ્યો હતો પરંતુ તેઓ જાણતા હતા કે તેઓએ અભયના બંગલામાં ચોર કદમે ઘૂસીને કામ પાર પાડવું સ્વાભાવિકપણે આસાન ન્હોતું જ. તેઓ અભયના આવવાનો ઇંતજાર કરી રહયા હતા. એવામાં દુરથી એક કાર આવતી દેખાઈ. કારની માથેની લાલ લાઈટ ગોળ ગોળ ફરી રહી હતી. કારની અભયની જ હતી. પાછલી સીટમાં બેઠેલા અભય કુમારને કે કાર ચલાવી રહેલા ડ્રાઈવરને પણ ક્યાં ખબર હતી કે તેની આ કારની ડેકીમાં બબ્બે લાશ પોટલાની જેમ પડી છે ને તેની સાથે જ મુસાફરી કરીને તેની હવે બંગલે પણ આવી રહી છે.

અભયની કાર મોલ પાસેથી તેના બંગલા તરફના રસ્તે આગળ ધપી એ સાથે જ એ બંને જણા પણ તેની પાછળ અનુસર્યા. તેઓ પગપાળા જઈ રહયા હતા. તેઓએ દુરથી જોયું કે અભયની કાર બંગલામાં પ્રવેશી એ સાથે જ બંગલાના ગેઈટ પાસે ચોકીદારી કરી રહેલા બબ્બે હથિયારધારી સિક્યુરીટી પોલીસ ગાર્ડસે સલામ ઠોકી. પોલીસ ગાર્ડ્સ પર નજર રાખી શકાય તેટલા અંતરે થોડે દુર અંધારાનો લાભ ઉઠાવી બંને શખસો એક વ્રુક્ષના જાડા થડની પાછળ એવી રીતે ઉભા રહીને છુપાયા કે પોલીસ દરવાનોની નજર પણ ના પડે અને રસ્તા પર ક્યારેક ક્યારેક અવર જવર કરી રહેલા લોકોને પણ કશું જ અજુગતું ના લાગે. એવામાં સડસડાટ ગતિએ ત્યાંથી પસાર થયેલ એક બાઈક બરોબર અભયના બંગલાના દરવાજા પાસે જ સામેથી આવી રહેલા અન્ય એક બાઈક સાથે ધડાકા ભેર અથડાયું ને બંને બાઈકચાલકો ફંગોળાઈને ગડથોલા ખાતા ખાતા દુર જઈને પડ્યા. અભયના બંગલે બેઠેલા પોલીસ ગાર્ડ્સ આ અકસ્માત જોઈ એ બંને બાઈકચાલકોને મદદ કરવા દોડ્યા...અને બીજી તરફ વ્રુક્ષ પાછળ લપાયેલા પેલા બંને શખ્સોએ તક ઝડપી લીધી.

*******************************

અપહરણના કેસમાં જેલમાં રહેલા કેદી રાજેશ્વરે પોતાની સાથેની મુલાકાત દરમ્યાન તેના એડવોકેટ કાર્તિકને આપેલી એક સૂચના મુજબ તે નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતની મુલાકાત લેવા શહેરની મધ્યમાં સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં તેની ઓફિસે પહોંચ્યો હતો.

" મે આઈ કમ ઇન સર ?" કાર્તિકે વિવક દાખવી ચેમ્બરમાં પ્રવેશવા રજા માંગી.

" પ્લીઝ કમ ઇન કાર્તિક " સૂર્યજીતે પણ તેને આવકાર આપ્યો. કાર્તિકે સૂર્યજીત સાથે હસ્તધૂનન કર્યું અને પછી એક ખુરશીમાં જગ્યા લીધી.

" યસ કાર્તિક, વ્હોટ કેન આઈ ડુ ફોર યુ ?"

" સર, આ અપહરણ કેસમાં મારા અસીલ રાજેશ્વર સામે માત્ર સાંયોગિક પુરાવાના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. આપ જાણો છો કે, અમારી પ્રથમ જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. હું એ જાણવા આવ્યો છું કે, તપાસ ક્યાં પહોંચી છે અને પોલીસ કોર્ટમાં ચાર્જશીટ ક્યારે દાખલ કરશે? કેમ કે ચાર્જશીટ બાદ જ અમે નવા લીગલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી શકીશું."

" જુઓ કાર્તિક કેસની તપાસ વિશે હું તમોને માત્ર એટલું જ કહી શકું એમ છું કે, પોલીસ તંત્રને અપહરણ અને જેલના હત્યા કાંડ વચ્ચે કોઈક કનેક્શન હોવાની શંકા છે. અલબત્ત પ્રથમ દ્રષ્ટિએ એટલું સમજાય છે કે, હત્યા કાંડ સાથે સ્વાભાવિક રીતે જ રાજેશ્વરને કોઈ સંબંધ જણાતો નથી. અમો વિવિધ શક્યતાઓ વિચારીને અમારી તપાસ આગળ ધપાવી રહયા છીએ. ચાર્જશીટ રજુ કરવામાં હજુ થોડી વાર લાગશે કાર્તિક."

" સર, આ કેસ વિશે બીજું શું જાણવા મળ્યું છે?"

કાર્તિકના આ સવાલ પર ઘડી ભર સૂર્યજીત મૂંઝાયા પણ...કાર્તિકે તેમનો ભય દુર કર્યો અને પછી બંને વચ્ચે લગભગ એકાદ કલાક સુધી વાતચીત થતી રહી. આ વાતચીત દરમ્યાન બંનેને કેટલાક એવા મુદ્દા વિશે જાણકારી મળી હતી જે સમગ્ર કેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાની હતી. સૂર્યજીત અને કાર્તિક બંનેને એકબીજાના કેસમાં ઉપયોગી થાય તેવી માહિતી મળી હતી.

*******************************

અનંતરાયના ફાર્મ હાઉસ ખાતેથી પોતાના ઘેર જવા નીકળેલા તેના છ એ છ મિત્રો પોતપોતાના ઘેર પહોંચતા પહેલા થોડી વાર માટે એક કોફી શોપમાં બેઠા હતા. એમાં કોઈ શંકા ન્હોતી કે અનંતરાય તેમના ખુબ જ વિશ્વાસુ સાથી હતા પરંતુ તેઓએ જે કાંઈ જોયું હતું તેના કારણે તેઓના મનમાં કશી શંકા અને દહેશત જન્મે તે સ્વાભાવિક હતું. જોકે અનંતરાયે તેઓને સોંપેલ એક ખાનગી કામ તેઓએ સફળતાપૂર્વક પુરૂ કરી આપતા તેઓને બક્ષીશ રૂપે બબ્બે કરોડ રૂપિયા પણ મળ્યા હતાં. તેઓના માટે આ રકમ ખુબ જ મોટી હતી. તેઓએ એક એવું કામ પાર પાડ્યું હતું ; જેમાં તેઓને કામિયાબી ના મળી હોત તો અનંતરાય માટે ઘણી મોટી સમસ્યા ઉભી થવાની હતી.

કોફી શોપમાં બેસીને ગહન પરામર્શ કરવા પાછળનો તેઓનો હેતુ પોતાની સુરક્ષા અને સલામતીનો હતો. તેઓ પોતાને સલામત રાખીને જ આગળ ધપવા માંગતા હતા. જોકે અનંતરાયના ખુફિયા ગ્રુપમાં સામેલ થવા તેઓની ઉપર અનંતરાયે કોઈ બળજબરી ન્હોતી કરી. આ ગ્રુપ કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તેના વિશે તેઓને કોઈ જાણકારી ન્હોતી. તેઓએ અનંતરાય પર આંધળો ભરોસો મુકીને જ ગ્રુપમાં જોડવા નિર્ણય કર્યો હતો. આમ છતાંય તેઓએ અનંતરાય દ્વારા સોંપવામાં આવેલા કામ દરમ્યાન પોતપોતાની સુરક્ષા માટે વિશેષ ઇન્તજામ કરવાનું નક્કી કર્યું હતું. આ ગ્રુપમાં રહી જેમ જેમ વધુ કામ કરતા જઈશું તેમ તેમ અનંતરાયના ગ્રુપ અને તેની ભેદી પ્રવૃતિઓ વિશે વધુ ને વધુ જાણકારી મળતી રહેશે અને તેના આધાર પર આગળના કામ કરવા કે નહી તેનો નિર્ણય કરવો એવું નક્કી કરી તેઓ પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. તેઓની સાથે બબ્બે કરોડ રૂપિયા ભરેલી બેગ પણ હતી. તેઓના ચહેરા પર ખુશી તો છલકતી હતી પરંતુ તેની પાછળ હવે પછીના કામ બાબતે થોડી ચિંતા પણ છુપાયેલી હતી.

સાંજે છ વાગ્યે તેઓ અનંતરાયના ફાર્મ હાઉસે પાછા આવી ગયા પરંતુ અનંતરાય હજુ સુધી ત્યાં પહોંચ્યા ન્હોતા. સારો એવો સમય પસાર થઇ ગયો પણ અનંતરાયનો કોઈ સંદેશ પણ તેઓને મળ્યો ન્હોતો. એક મિત્રએ અનંતરાયના મોબાઈલ ફોન પર કોલ કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ તેઓની ચિંતા અને ઉત્કંઠામાં વધારો થઇ રહયો હતો. રાત્રિના લગભગ દસેક વાગવા આવ્યા હતા.

એવામાં અચાનક જ થોડે દુરથી એમ્બ્યુલન્સ અને કારનો એક કાફલો તેઓની તરફ આવી રહેલો જોઈ તેઓ હાંફળાફાંફળા થઇ ગયા. તેઓનું મગજ કામ કરતું બંધ થઇ ગયું.

*******************************

દરિયા કાંઠા પરના આ શહેરમાં આમ તો ઘણા ધનિકો હતા પણ લક્ષ્મીકાંત અને ગોપાલદાસ તેમની રાજકીય અને સરકારી વગને કારણે વધુ નામાંકિત શ્રીમંત તરીકેની તેઓની ખ્યાતી દુર દુર સુધી ફેલાયેલી હતી. આટલા સક્ષમ હોવા છતાં પણ તેઓને એ ખબર પણ ન્હોતી પડી કે, તેઓ પોલીસના રડાર હેઠળ આવી ગયા છે. પોલીસે ખાનગી રાહે તેઓની પાછળ પોતાના માણસોને કામે લગાડી દીધા હતા. નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતને આ કેસની તપાસ દરમ્યાન લક્ષ્મીકાંત અને ગોપાલદાસ તરફથી કુલ રૂ. ૨૦ કરોડનો જંગી નાણાકીય વ્યવહાર થયાની બાતમી મળી હતી. સૂર્યજીતે અન્ડરવર્લ્ડમાં સક્રિય એવા પોતાના ખબરીઓને શક્ય તેટલી વધુ જાણકારી એકત્ર કરવા મોકલ્યા હતા.

સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલ એક મોટા વ્યાપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા લક્ષ્મીકાંત અને શિપિંગ બિઝનેસના મહારથી ગોપાલદાસ ખુબ સારા મિત્રો હતા. રાજકીય પક્ષોને તેઓ વખતો વખત ચૂંટણી ફંડમાં મોટી રકમ આપતા રહેતા હતા. તો સરકારી અધિકારીઓને પણ સમયે સમયે ભેંટ સોગાદો આપીને તેઓ ખુશ રાખતા હતા. આ વગને કારણે તેઓના સરકારી કામો વિના વિલંબે થઇ શકતા હતા.

ગોપાલદાસ તેની ઓફિસમાં બેઠા હતા. અચાનક તેના પર્સનલ નંબર પર એક ફોન આવે છે.

" હેલ્લો, ગોપાલદાસ બોલું છું, આપ કોણ?"

" આપનો શુભ ચિંતક ......"

" શુભ ચિંતકનું કોઈ નામ તો હશેને?"

" નામ મેં ક્યા રખ્ખા હૈ ? કામ કી બાત કરે ?"

" હા બોલો ભાઈ....." થોડી પળો સુધી વિચાર કરીને ગોપાલદાસે જવાબ આપ્યો.

" તમને કદાચ ખબર નહી હોય કે............." ફોનના સ્પીકરમાંથી બોલાઈ રહેલા શબ્દો સાંભળીને ગોપાલાદાસને એ.સી. ઓફિસમાં પણ પરસેવો વળી વળી ગયો.

" આ તમે શું કહો છો?"

" અરે ગોપાલદાસ તમે અને હું પણ જાણીએ છીએ કે મેં તમને જે વાત કરી છે તે સાવ સાચી છે."

" ....પણ તમે કોણ છો? મારે તમને મળવું હોય તો ?"

" અત્યારે કદાચ મુલાકાતની જરૂર જણાતી નથી. સમય આવ્યે જરૂર મળીશું."

" થેન્ક્યુ શુભ ચિંતકજી "

" ઈટ્સ ઓલરાઈટ ગોપાલદાસજી " સામે વાળી વ્યક્તિએ ફોન કાપી નાંખ્યો.

આ વાતચીત બાદ અત્યંત માનસિક તનાવ અનુભવી રહેલા ધ્રુજતા હાથે ગોપાલદાસે તુર્ત જ લક્ષ્મીકાંતને ફોન જોડ્યો.

" હેલ્લો લક્ષ્મીકાંત "

" હા બોલો ગોપાલદાસ"

" મારે તમને અત્યારે જ મળવું છે."

" કેમ શું થયું ગોપાલદાસ? આટલા ગભરાયેલા કેમ લાગો છો?"

" પહેલા તમે મને મળો પછી વાત કરૂ. ફોન પર બીજી કોઈ વાત નહી થાય "ગોપાલદાસે વધુ વાત કરવાનું ટાળ્યું.

" ઓકે નો પ્રોબ્લેમ. તમે મારી ઓફિસે આવો છો કે હું તમારી ઓફિસે આવું?કે પછી અન્ય કોઈ બીજા સ્થળે મળવું છે?

" આપણે એવી રીતે મળવું પડશે કે બીજા કોઈને ગંધ પણ ના આવે. ગમે તે થાય પણ આજે મળવું અનિવાર્ય છે."

" એક કામ કરીએ................"લક્ષ્મીકાંતે મળવાનું સ્થળ જણાવી વાત પુરી કરીને ફોન કાપી નાંખ્યો.

" ઓકે લક્ષ્મીકાન્ત હું થોડી વાર બાદ ત્યાં પહોંચી જઈશ." ચિંતામાં મુકાઈ ગયેલા ગોપાલદાસે ફોન કટ કર્યો. થોડી પળો ગુમસુમ બેસી રહયા બાદ તે ઓફિસમાં સ્ટાફને કશી જ વાત કર્યા વગર તુર્ત જ તેની ઓફિસેથી બહાર જવા નીકળી ગયા.

*******************************

જેલરની સૂચના મુજબ કેદી રાજેશ્વરને જેલની વહીવટી ઓફિસમાં એક ટેબલ ફાળવી દેવામાં આવ્યું હતું. આ ટેબલે ઈન્ટરનેટ કનેક્શન સાથેનું એક કોમ્પ્યુટર પણ હતું. કદાચ જેલરે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લીધી ન્હોતી. ઓફિસમાં ક્લાર્ક કક્ષાના માંડ બે કર્મચારીઓ હતા. જ્યારે બાકીના ટેબલનું વહીવટી કામ જેલના ગાર્ડ્સ પાસેથી કરાવવામાં આવતું હતું. તેઓના ટેબલે પણ ઈન્ટરનેટ કનેક્શન સાથેના નવા કોમ્પ્યુટરો, પ્રિન્ટરો મુકાઈ ગયા હતા. જેમાં એક થ્રી ઇન વન પ્રિન્ટર પણ હતું જે પ્રિન્ટીંગ ઉપરાંત સ્કેનિંગ અને ફેક્સ જેવી સુવિધા ધરાવતું હતું.

ઓફીસનો વહીવટ અત્યાર સુધી જ મેન્યુઅલી જ થતો હતો. જેલરે રાજેશ્વરને શક્ય એટલી કામગીરીનું કોમ્પ્યુટરાઈઝેશન કરાવી આપવા અનુરોધ કર્યો હતો. રાજેશ્વરે કામ સાંભળી લીધું હતું. જેલર પાસેથી તેણે એ પણ સમજી લીધું કે ઓફિસમાં મુખત્વે કઈ કઈ કામગીરી થાય છે. આ પછી તેણે ઓફીસના સ્ટાફ માટે કામગીરીનું વિભાજન અને કાર્ય ફાળવણી કઈ રીતે કરવી તેની ચર્ચા પણ જેલર સાથે કરી હતી. કેદીઓનો રેકોર્ડ, કેદીઓને દર સપ્તાહે કે પંદર દિવસે મળતી એક મુલાકાતનું રેકોર્ડ, કાચા કામના કેદીઓના કેસમાં કોર્ટની તારીખનું રેકોર્ડ, જેલનો પત્ર વ્યવહાર, ગાર્ડઝ ડ્યુટી શેડ્યુલ, જેલના દવાખાનાનો રેકોર્ડ, જેલના રસોડાની વ્યવસ્થા, જે કેદીઓ પાસેથી જેલમાં કામ કરાવવામાં આવતું હતું તેની રોજગારીનું રેકોર્ડ, જેલમાં અલગ અલગ પ્રસંગોએ યોજવામાં આવતા કાર્યક્રમો અને જેલની લાઈબ્રેરી સહિતની વિગતો કોમ્પ્યુંટરાઈઝ કરવાની હતી. રાજેશ્વર ખુબ જ શાતિર હતો. તે સમજતો હતો કે આ કામ કેટલું મહત્વનું છે અને તેણે આ કામગીરી દરમ્યાન કેટલી મહત્વપૂર્ણ જાણકારી પણ મળવાની છે.

જેલ પાસે આ કામગીરી માટે કોઈ સ્પેશિયલ સોફ્ટવેર ઉપલબ્ધ ન્હોતો. રાજેશ્વરે શક્ય તેટલી વધુ કામગીરી જાતે જ કરી શકાય એ રીતે અલગ અલગ પત્રકો તૈયાર કરવા અને સ્ટાફ પાસે તૈયાર કરાવવાનું શરૂ કરાવી દેવાનું નક્કી કરી સમગ્ર કાર્ય માળખું કેવી રીતે ગોઠવવું તેની ચર્ચા જેલર સાથે કરી તેનો વિશ્વાસ પણ જીતી લીધો હતો.

*******************************

પોલીસ કમિશનર અભય કુમારે રવાના કરેલા પોતાના ચાર પોલીસ ઓફિસરો પૈકી બે અફસરોએ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના અપહૃત ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારને ક્યાં છુપાવાયા હોઈ શકે તેની શક્ય તેટલી માહિતી મેળવવાની હતી, જ્યારે બાકીના બે ઓફિસરોએ રાજ્યના નાણા મંત્રી અનંતરાય જેવી અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ ભૂગર્ભમાં રહીને ખરેખર કેવી ભેદી પ્રવૃતિઓ કરે છે તે શોધી કાઢવાનું હતું. જોકે તેઓ માટે આ કાર્ય જરાય સરળ ન્હોતું. આ ઘટનાઓમાં કોણ ક્યાંથી કેવો દોરીસંચાર કરે છે અને શા માટે એ તો તેઓની કલ્પના બહારની વાત હતી. જોકે તેઓને એ ખબર ન્હોતી કે, અધિરાજનું નેટવર્ક એટલું વિશાળ હતું કે, પોલીસ ડીપાર્ટમેન્ટની અને અભયની દરેક હિલચાલની માહિતી મેળવી રહેલા અધિરાજની ચોર નજરમાંથી તેઓ બચી શકે એમ ન્હોતા.

અભય કુમાર માટે આ એક અત્યંત ગંભીર અને ખુબ જ જોખમી કામ હતું. તેણે પોતાના વિશ્વાસુ અફસરોને જે વ્યક્તિની જાસૂસી કરવા દોડાવ્યા હતા તે અનંતરાય રાજ્યનો નાણા મંત્રી હતો. પોતાની બાજી ખુલ્લી પડી જવાથી તેના કેવા ખરાબ પરિણામો આવી શકે તેનાથી તે સારી રીતે વાકેફ હતો. રહી વાત અપહૃત ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમાર વિશે માહિતી મેળવવાની તો અભય કુમાર આ કેસમાં તો સંપૂર્ણપણે બ્લાઈન્ડ ગેઇમ ખેલી રહયો હતો. તેને ગંભીરતાની કે સંભવિત ખોફનાક પરિણામો વિશે કશી જ ગતાગમ ન્હોતી કે તે કેવા કુંડાળામાં પગ મુક્વા જઈ રહયો છે. અલબત્ત અભયને આ મિશનની જવાબદારી સુપરત કરનાર એ મોટા ગજાના ભેદી વગદાર મહાશય પણ જરાય ઓછી માયા નથી એવું માનીને જ અભયે આ ખુફિયા કામની જવાબદારી સ્વીકારી હતી. અભયને એમ જ હતું કે તેનો વાળ પણ વાંકો નથી થવાનો.

અભય કુમારના એ ખાનગી બંગલેથી રવાના થયા બાદ ચારેય અફસરો એક સ્થળે ભેગા થયા હતા. તેઓના મનમાં પણ કેટલાક સવાલો ઉપસ્થિત થયા હતા. તેઓ જાણતા હતા કે તેઓ જે કાંઈ કામ માટે તૈયાર થયા છે તે સરકારી અને મીડિયાની ભાષામાં કહીએ તો ઓફ ધ રેકોર્ડ એસાઈન્મેન્ટ હતું. કાર્યમાં સફળતા મળ્યેથી કોઈ મેડલ કે પ્રમાણપત્ર પ્રાપ્ત થવાનું ન્હોતું. હા, સફળતા મળ્યે અધધધ કહી શકાય તેટલા પ્રમાણમાં નાણા જરૂર મળવાના હતા. આ ચારેય ઓફિસરોની ચર્ચા દરમ્યાન આ બંને પ્રકરણો વિશે માહિતી કેવી રીતે પ્રાપ્ત કરવી તેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.

( વધુ આવતા અંકે....)

*******************************