૦પ્રકરણ – ૭
ઉપરથી મળેલી સુચના મુજબ એક સાંજે સત્યપ્રકાશે એજન્ટ – "એ" અને એજન્ટ – "બી"ને એક ચોક્કસ સ્થળે બોલાવી આ પ્લાનને કેવી રીતે અમલમાં મુકી સફળતા સાથે પાર પાડી શકાય એ સમજાવ્યું હતું. આ મિશન દરમ્યાન તેઓને વિવિધ પ્રકારની સહાયતા ક્યાંથી અને કેવી રીતે મળશે તેનાથી પણ સત્યપ્રકાશે વાકેફ કર્યા હતા.
બીજા દિવસે સવારે પોતાના નવા મિશન પર રવાના થયા એ પૂર્વે એજન્ટ –"એ" અને એજન્ટ –"બી" શહેરની એક વિખ્યાત પ્રાઈવેટ બેન્કની મુલાકાતે પહોંચ્યા. બેન્કમાં રોજીંદી કામગીરીનો ધમધમાટ અને કોલાહલ પ્રવર્તી રહયો હતો. કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓ યંત્રવતરીતે તેમના કામ કર્યે જતા હતા. બેન્કમાં અન્ય કોઈને પણ મળ્યા વગર જ તેઓ સીધા જ મેનેજરની ચેમ્બરમાં પહોંચી ગયા.
તેઓને આ બેન્કમાં બે લોકરની સુવિધા પણ જોઈતી હતી. તેઓએ આ વિશે પૃચ્છા કરી. મેનેજરે એક કર્મચારીને બોલાવી જરૂરી ઔપચારિક વિધિ પુરી કરાવી. બેન્કમાં તેઓએ પોતાની અસલ ઓળખ છુપાવી હતી. બોગસ ઓળખ માટે તેઓ પોતાની પાસે રહેલા બોગસ આધારો અને ઓળખ કાર્ડ રજુ કર્યા હતા. આ બેન્ક આધુનિક જમાનાની હતી. તેમાં લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી ગ્રાહકોને વિવિધ બેન્કિંગ સેવાઓ એકદમ સરળતાથી ઉપલબ્ધ બનાવાઈ હતી. મેનેજરે મુકેશ અને વિજયને આ બેન્કના લોકર પરંપરાગત તાળા ચાવીની સાથો સાથ ઈલેક્ટ્રોનિક લોક પણ ધરાવતા હોવાની માહિતી આપી. લોકરને ડબલ લોક હતા. મેનેજરે તેઓને એ પણ સમજાવ્યું કે ઈલેક્ટ્રોનિક લોક ખોલવા અને બંધ કરવા કઈ પ્રક્રિયાને અનુસરવી? જરૂરી પ્રક્રિયા નિપટાવી તેઓ મેનેજરનો આભાર માની ત્યાંથી રવાના થઇ ગયા.
સત્યપ્રકાશ સાથે છેલ્લા કેટલાક વરસોથી મુકેશ એજન્ટ –"એ" તરીકે અને વિજય એજન્ટ –"બી" તરીકે કામ કરતા હતા. સ્વાભાવિક રીતે જ તેઓ બંને એકદમ ઇન્ટેલિજન્ટ, બહાદુર, સશક્ત અને અવનવા વેશ પરિધાનમાં માહિર હતાં. ભૂતકાળમાં તેઓએ એક સાથે રહી પોતાના નાના મોટા કેટલાક મિશન સફળતાપૂર્વક પાર પાડી સત્યપ્રકાશનો વિશ્વાસ જીતી લીધો હતો.
આ મિશનમાં પણ હવે પછી થનાર તમામ કોમ્યુનિકેશનમાં તેઓ પોતાનું અસલ નામ જાહેર કર્યા વગર માત્ર એજન્ટ –"એ" અને એજન્ટ –"બી" તરીકે જ સંબોધન કરી પોતાની ઓળખ છુપાવવાના હતા.
" તો હવે ક્યાં અને કેવી રીતે મળીશું?" મુકેશે વિજયનું નામ લીધા વગર પુછ્યું.
" સીધા જ સરહદ પાર જ મળીએ તો?" વિજયે જવાબ સાથે પ્રશ્ન પણ કર્યો.
" હા એમ જ કરવું પડશે. "
" અહીનું કામ પુરૂ કરી તું ત્યાં આવી જજે. એ દરમ્યાન હું ત્યાંનું કાર્ય સંભાળી લઉં છું."
" ઓકે ચાલો ત્યારે ..."
મુકેશ અને વિજયે એકબીજાને ગળે મળી સફળતાની શુભેચ્છા પાઠવી રવાના થઇ ગયા.
તેઓને ખબર હતી કે આ વખતનું મિશન ખતરનાક છે. તેમના જીવ પર પુરેપુરૂ જોખમ છે. તેઓના રસ્તા અત્યારે તો જુદા જુદા હતા પરંતુ તેમનો લક્ષ્યાંક એક જ હતો; અને કદાચ કામ પણ એક જ પ્રકારનું હતું. તેઓ બંનેના રસ્તા આખરે તો એક જ સ્થળે મળવાના હતા. સરહદ પાર.....કોઈક અજાણ્યા સ્થળે..... વિજયે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવા રેગીસ્તાનનો રસ્તો પસંદ કર્યો...ને મુકેશે હજુ થોડો સમય અહીં જ રહેવું પડે એમ હતું એટલે તેણે એક હોટલમાં આશરો મેળવવાનો નિર્ણય કર્યો હતો.
*******************************
અનંતરાયના છ મિત્રો પેલા ભેદી, અવાવરૂ અને સાવ અજાણ્યા સ્થળેથી ફાર્મ હાઉસે પાછા આવી પહોંચ્યા હતા. અનંતરાય તેમની રીવોલ્વીંગ ચેરમાં બેઠા હતા. તેમના મિત્રોને એ જાણવું હતું કે, અનંતરાયનું ગ્રુપ કેવી પ્રવૃત્તિઓ કરી રહયું છે અને હવે આ સ્ટીલના બોક્સનું તેઓએ શું કરવાનું છે???
" આ બે દિવસ દરમ્યાન તમારા દિમાગમાં કોણ જાણે કેટલાય સવાલો ઉભા થયા હશે. સ્વાભાવિક પણ છે. હું તમારા સવાલના જવાબો આપું એ પહેલા ફરી એક વખત કહી દઉં કે, મારા ગ્રુપમાં સામેલ થયા બાદ તમે ગદ્દારી કરવાનો વિચાર પણ મનમાં આવવા ના દેતા. આપણે એવી પ્રવૃતિઓને અંજામ આપી રહયા છીએ કે......" અનંતરાયે વાત આગળ ધપાવતા પહેલા થોડી પળો માટે મૌન ધારણ કરી લીધું.
" અમે ખુબ જ સમજી વિચારીને તમારા આ ગ્રુપમાં સામેલ થવા ઈચ્છીએ છીએ. તમારી દરેક શરત અમોને મંજુર છે. તમારે બીજી કઈ ખાતરી જોઈએ અનંતરાય? " છ પૈકી એક મિત્ર બોલ્યો.
" ખાતરી કરવા માટે મારી પાસે બીજા અનેક રસ્તા હોય છે પરંતુ મને તમારા પર વિશ્વાસ છે, અને એટલા માટે જ તમે મારા વિશે આટલું બધું જાણી શક્યા છો. હા....તો મૂળ વાત પર આવું. આપણું આ ગ્રુપ ખુબ જ ખાનગી રાહે કેટલીક એવી ભેદી પ્રવૃતિઓ કરે છે કે તેના વિશે કોઈને જરા સરખો પણ સંકેત મળવો ના જોઈએ. પોલીસ અને સરકારી એજન્સીઓથી ખાસ ચેતતા રહેવું જરૂરી છે. તમારૂ કામ માત્ર એટલું જ રહેશે કે, મારા તરફથી તમને જે સૂચના આપવામાં આવે તેને તમારે બ્લાઈન્ડલી ફોલો કરવાનું છે. તમને સોંપવામાં આવતા કોઈપણ કામ પાછળના કારણો જાણવા કે એ વિશે દિમાગની કસરત કરવાની કોઈ જરૂર નથી. તમારે માત્ર તમારા કામ પુરતો જ મતલબ રાખવાનો છે. હા મને જ્યારે જરૂરી લાગશે ત્યારે તમોને બીજી વધારાની માહિતી આપતો રહીશ."
" હવે અમારે શું કરવાનું છે અનંતરાય ?"
" તમારે બબ્બેની જોડીમાં જવાનું છે. તમને આપવામાં આવેલ સ્ટીલના આ બોક્સ તમારે હું કહું એ સ્થળે અને સમયે પહોંચાડી આપવાના છે. બસ તમારૂ કામ પુરૂ. પણ હા તમારે આ કામમાં ખાસ સાવધાની રાખવાની છે. તમારા માટે આજે સાંજે ત્રણ વાહનો અહી આવી પહોંચશે. કામ જોખમી છે પરંતુ તમને વળતર પણ સારૂ પ્રાપ્ત થશે. તમારી પાસે સાંજના સાત વાગ્યા સુધીનો સમય છે. જો અત્યારે તમે તમારા ઘેર આંટો મારવા જવું હોય તો જઈ શકો છો પરંતુ સાંજના છ વાગ્યા સુધીમાં અહીં પાછા આવી જજો."
" જી અનંતરાય....તો પછી સાંજે પાછા મળીએ છીએ."
" ઓકે...ધેન, સી યુ ઇન ધ ઇવનિંગ." અનંતરાયે તેમના મિત્રોને રજા આપી. મિત્રો રવાના થઇ ગયા. અનંતરાય હવે એકલા જ બેઠા હતા. તેમણે એક ફોન કોલ કરી સામે વાળી વ્યક્તિને કેટલીક સૂચના આપી કોલ કાપી નાંખ્યો. બીજી તરફ તેના છ મિત્રો પોતાના ઘેર જઈ રહયા હતા ત્યારે તેમના મનમાં એક જ સવાલ જન્મી રહયો હતો કે તેઓ જે કાંઈ પગલું ભરી રહયા છે તે સાચું છે કે ખોટું? જોકે જવાબ મેળવવા તેઓએ ઘણો લાંબો સમય સુધી વાત જોવી પડે એમ હતી.
*******************************
આખરે પી.આર. કન્સલ્ટન્સી કંપનીના અપહૃત ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારની ઇન્તજારીનો અંત આવ્યો. પોતાનું અપહરણ કરનારા લોકોનો ઈરાદો કોઈ પ્રકારની ખંડણી મેળવવાનો કે હત્યા કરવાનો ન્હોતો એટલી ખબર પડતા તેઓ આશ્વસ્ત થયા હતા. તેમને માનસિક ઘણી શાંતિ મળી ચુકી હતી. એટલામાં જ બંગલાના એ વિશાળ રૂમનો દરવાજો ફરી વખત ખુલ્યો. એક અજાણી વ્યક્તિ રૂમમાં પ્રવેશી. અશ્વિનીકુમાર અને મયુરકુમાર તેના તરફ જોતા રહી ગયા પરંતુ તેની ઓળખાણ ના પડી શકી. એ વ્યક્તિએ ત્યાં આવી બંને સાથે હાથ મિલાવ્યા અને વાતની શરૂઆત કરી.....
" તમારૂ અપહરણ થયું છે તેવા સમાચારો ન્યુઝ પેપર અને ટી.વી. ચેનલોમાં આવ્યા હતા. સૌ કોઈ એમ જ માને છે કે તમારૂ અપહરણ થયું છે. વાસ્તવમાં એવું નથી એટલો તો ખ્યાલ તમોને આવી ગયો જ હશે. ખરેખર આ ભેદ શું છે તેની અન્ય લોકોને ક્યારેય જાણ પણ નહી થાય."
"...પણ આ બધું શા માટે?" અશ્વિનીકુમાર અને મયુરકુમાર એક સાથે પૂછી બેઠા.
" હવે ધ્યાનથી સાંભળો............." એ વ્યક્તિ બોલતી રહી. અશ્વિનીકુમાર અને મયુરકુમાર સ્તબ્ધ બનીને તેમને સાંભળતા રહયા. એ વ્યક્તિએ કેટલીક એવી વાતો કરી હતી કે જે અશ્વિનીકુમાર અને મયુરકુમાર માટે અત્યંત આશ્ચર્યજનક હતી. જોકે તેમને એટલો ખ્યાલ આવી ગયો હતો કે થોડો સમય માટે તો તેઓએ આ બંગલામાં જ રહેવું પડે એમ હતું. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો. આ અપહરણ અનુસંધાને જ હવે એક બીજી રમતના પાસા ગોઠવાવા લાગ્યા હતા.
*******************************
પોલીસ કમિશનર અભય કુમારના ખાનગી બંગલેથી રવાના થયેલા તેના ચાર વિશ્વાસુ પોલીસ અફસરોએ બે કામ કરવાના હતા. એક તો પી.આર. કન્સલ્ટન્સી કંપનીના અપહૃત ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારને ક્યાં છુપાવાયા હોઈ શકે તેની શક્ય તેટલી માહિતી મેળવવી અને બીજું એ કે, અનંતરાય જેવી અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ અંદરખાને ભૂગર્ભમાં રહીને ખરેખર કેવી ભેદી પ્રવૃતિઓ કરે છે તે વિશે માહિતી મેળવવી. ચાર પૈકી બે ઓફિસરો અનંતરાયની પાછળ પડ્યા ને બીજા બે અફસરો અપહરણ કાંડ વિશે તપાસ કરવા નીકળી પડ્યા હતા. અભય કુમાર ઉપર જબરદસ્ત પ્રેસર હતું. તેને સૂચના આપનારાઓ ખુબ જ મોટા ગજાના લોકો હતા. આ બંને કામ પાર પાડવા તેના માટે ખુબ જ જરૂરી બની ગયા હતા.
એ રાત્રે પોતાના ખાનગી બંગલેથી અભય કુમાર તેના સત્તાવાર નિવાસે જવા નીકળ્યા ત્યારે તેમને એ ખબર ન્હોતી કે તેની કારની ડેકીમાં બે વ્યક્તિઓની લાશ પડી છે. આ બંને લાશ તેના માટે કોઈ નવી ઉપાધિ લઈને આવશે કે પછી આ ઘટનામાંથી તેનો આબાદ છુટકારો થઇ જશે તે નક્કી કરવું અન્ય કોઈના હાથમાં હતું.
નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત અને તેના અફસરોની ટીમ અપહરણ કાંડ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડના રહસ્યને ઉકેલવા મથામણ કરતા જ હતા પરંતુ હજુ સુધી તેઓને કશી નોંધપાત્ર સફળતા મળી ન્હોતી. જપ્ત કરવામાં આવેલા પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ત્રણ કોમ્પ્યુટરોમાં રહેલ ડેટા હસ્તગત કરવા સૂર્યજીતે તેમના વિશ્વાસુ કોમ્પ્યુટર નિષ્ણાંતોને કામે લગાડ્યા હતા. એમ.ડી. મયુરકુમારના કોમ્પ્યુટરનો લોક તોડવામાં હેકર જેવા કોમ્પ્યુટર નિષ્ણાંતો સફળ થયા હતા. તેમાંથી તેઓને કેટલાક રાજકીય નેતાઓ અને કેટલીક કંપનીના પી. આર. એસાઈન્મેન્ટસ વિશે માહિતી મળી હતી. સૂર્યજીતે આ માહિતીના આધારે થોડી વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેલના હત્યા કાંડ વિશે સૂર્યજીત હજુ કોઈ નક્કર તારણ પર પહોંચી શક્યા ન્હોતા. શહેરના બે નામાંકિત શ્રીમંતો ખુબ જ વિશાળ વ્યવસાય ધરાવે છે. પંદર – વીસ કરોડ રૂપિયાનો વ્યવહાર થવો અન્ય સામાન્ય લોકો માટે આશ્ચર્યજનક ગણાય પરંતુ તેઓ માટે નહી. અલબત્ત પોલીસ માટે આ કથિત આર્થિક વ્યવહાર શંકા જન્માવે એવો એટલા માટે હતો કે, અપહરણ અને હત્યાકાંડ પછીના બે – ત્રણ સપ્તાહમાં જ આટલી મોટી રકમની ઉથલ પાથલ ક્યા હેતુ માટે થઇ હતી તે જાણવું જરૂરી હતું. તપાસના અને શંકાના દાયરામાં આવતી એક પણ શક્યતા તપાસની બહાર રહે એમ સૂર્યજીત ન્હોતા ઈચ્છતા. જે આર્થિક વ્યવહાર વિશે અંધારી આલમમાં પણ ચર્ચા થઇ રહી હોય તેની તપાસ કરવી જરૂરી હતી. સૂર્યજીતે અંધારી આલમમાંથી વિશેષ માહિતી મેળવવા પોતાના ખબરીઓને કામે લગાડી દીધા હતા.
*******************************
સેન્ટ્રલ જેલની બેરેક નંબર ૮ માંથી બહાર નીકળી રાજેશ્વર સીધો જ જેલર પાસે પહોંચ્યો. તે અદબ વાળી પુરા આદર સાથે ત્યાં ઉભો રહયો. રાજેશ્વરના વ્યક્તિત્વ, તેનો અભ્યાસ અને તેના જ્ઞાન વિશે જેલમાં થતી ચર્ચા જેલરના કાને પડ્યા બાદ તેમણે રાજેશ્વરને મળવા માટે બોલાવ્યો હતો.
" ગૂડ મોર્નિંગ જેલર સર.." રાજેશ્વરે અદબ વાળી પુરા આદર સાથે કહ્યું.
" ગૂડ મોર્નિંગ, આવો રાજેશ્વર...બેસો." સામાન્ય રીતે અન્ય કેદીઓ સાથે થતો હોય તેના કરતા ખુબ સારો વ્યવહાર રાજેશ્વર સાથે દાખવી જેલરે વળતો જવાબ આપ્યો.
" જી સર...આપે મને બોલાવ્યો એટલે...."
" હા રાજેશ્વર. તમારા વિશે મેં કેટલીક વાતો જાણી એટલે મળવાની ઈચ્છા થઇ અને એક કામ પણ હતું.
" બોલોને સાહેબ "
" તમે જાણો છો કે જેલની એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં ઘણું કામ હોય છે અને સ્ટાફ પણ અમારી પાસે મર્યાદિત છે. આ સ્ટાફનો શૈક્ષણિક અભ્યાસ પણ ઓછો હોય છે. ઓફિસમાં નવા કોમ્પ્યુટરો પણ આવ્યા છે પરંતુ સ્ટાફ પાસે મર્યાદિત જ્ઞાન હોવાથી કોમ્પ્યુટરોનો પુરતો અને યોગ્ય ઉપયોગ થઇ શકતો નથી. મને એવો વિચાર આવ્યો કે, જેલમાં તમારે આખો દિવસ સાવ એમ જ પસાર કરવાનો હોય છે અને એમાં તમને કંટાળો પણ આવતો હશે. સામાન્ય રીતે જે કેદીઓનો કેસ કોર્ટમાં ચાલુ હોય તેવા કાચા કામના કેદીઓ પાસે કામ કરાવવાનું હોતું નથી. પરંતુ જો તમને વાંધો ના હોય તો તમે ઓફિસ સમય દરમ્યાન અમારા કામમાં થોડી મદદ કરો અને સ્ટાફને કોમ્પ્યુટરની તાલીમ પણ આપો એવું હું ઈચ્છું છું. આમાં કોઈ બળજબરી નથી રાજેશ્વર. તમારી ઈચ્છા હોય તો જ હા કહેજો."
" અરે વાહ જેલર સા'બ વાહ...." રાજેશ્વરે ખુશખુશાલ બનીને પ્રતિક્રિયા આપી, પછી પોતાની વાત આગળ ધપાવતા તેણે કહ્યું કે " મને કોઈ જ વાંધો નથી સર, તમે તો મને મારૂ મનગમતું કામ સોંપ્યું છે. આમ પણ આખો દિવસ હું નવરો જ હોઉં છું રેને બદલે મને સારી પ્રવૃત્તિ કરવા મળશે. થેંક યુ સર.."
" તો પછી કામ ક્યારથી શરૂ કરશો રાજેશ્વર ?"
" અત્યારથી જ સાહેબ..મને કોઈ પ્રોબ્લેમ નથી."
"વેરી ગૂડ રાજેશ્વર ... ચાલો મારી સાથે. ઓફીસના સ્ટાફ સાથે તમારો પરિચય કરાવી દઉં અને હવે પછીની તમારી ભૂમિકા શું રહેશે તે વિશે પણ સ્ટાફને માહિતગાર કરી દઈએ. " ચેમ્બરમાંથી તેઓ બંને બહાર આવ્યા. રાજેશ્વર મનોમન મુસ્કરાઈ રહયો હતો.....અને તેનું દિમાગ અવનવા વિચારો કરવા લાગ્યું હતું.....
*******************************
અપહરણ અને જેલના હત્યા કાંડ વિશે મીડિયા દ્વારા અલક મલકના અહેવાલો પ્રસિધ્ધ થતા રહયા હતા અને પછી ધીરે ધીરે આ બંને રહસ્યમય પ્રકરણોને અખબારોમાં સમાચાર રૂપે મળતી જગ્યા પણ ઓછી થવા લાગી હતી. જોકે એક અખબાર એવું પણ હતું જેના માલિક વિક્રમને અન્ય લોકો કરતા થોડી વિશેષ ખબર હતી કેમ કે તે કેટલાક એવા લોકો સાથે સંકળાયેલ હતા કે જેઓ સીધી કે આડકતરી રીતે આ બંને પ્રકારનો સાથે કોઈ ને કોઈ લિંક જરૂર હતી. અલબત્ત વિક્રમ કોઈ છીછરો માણસ ન્હોતો. તે ખુબ જ ઇન્ટેલીજન્ટ, બાહોશ, ખુબ સારી વગ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. કેટલાક હરિફ જોકે તેના વિશે એલફેલ વાતો કરતા રહતા પરંતુ વિક્રમે ક્યારેય તેઓની પરવા કરી ન્હોતી. જોકે તે બેધ્યાન કે બેદરકાર પણ ન્હોતો રહેતો. પોતાના અખબારના સ્ટાફ પર તેનો પૂરેપુરો વિશ્વાસ અને અંકુશ પણ હતો. સમાચાર વિભાગમાં કેટલાક પત્રકાર તેના ગાઢ વિશ્વાસુ હતા અને ખબરી જેવું કામ પણ કરતા હતા. માત્ર પોતાના અખબારમાં જ નહીં પરંતુ શહેરના અન્ય હરિફ અખબારોમાં પણ પોતાના વિશ્વાસુ માણસો હતા. અપહરણ અને હત્યાકાંડની ભેદી ઘટનાઓમાં હવે પછી આકાર લેનાર કેટલાક ચોંકાવનારા વળાંકોમાં વિક્રમ અને તેના અખબાર તથા વિશ્વાસુ પત્રકારોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બનવાની હતી...
( વધુ આવતા અંકે....)
*******************************