પાસવર્ડ - ૯ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - ૯

પાસવર્ડ

પ્રકરણ - ૯

સત્યપ્રકાશ સાથે છેલ્લા કેટલાક વરસોથી મુકેશ એજન્ટ –"એ" તરીકે અને વિજય એજન્ટ –"બી" તરીકે કામ કરતા હતા. સ્વાભાવિક રીતે જ તેઓ બંને એકદમ ઇન્ટેલિજન્ટ, બહાદુર, સશક્ત અને અવનવા વેશ પરિધાનમાં માહિર હતાં. ભૂતકાળમાં તેઓએ એક સાથે રહી સત્યપ્રકાશના નાના મોટા કેટલાક મિશન સફળતાપૂર્વક પાર પાડી તેનો વિશ્વાસ જીતી લીધો હતો. ક્યારેક તો મુકેશ અને વિજયને મનમાં એવા સવાલ પણ ઉભા થતા હતા કે, સત્યપ્રકાશ ખરેખર કોણ વ્યક્તિ છે? શું તેનું સાચું નામ સત્યપ્રકાશ જ હશે કે બીજું કાંઈ? સત્યપ્રકાશ કોના કહેવાથી આવું જોખમી કામ કરી રહયો છે?

આ વખતે તેમને સોંપવામાં આવેલું મિશન એકદમ ખતરનાક હતું. તેઓને ખબર હતી કે આ વખતના મિશનમાં તેમના જીવ પર પુરેપુરૂ જોખમ રહેવાનું છે. તેમની એક ભૂલ એટલે મોતને આમંત્રણ આપવા બરાબર હતું. તેઓના રસ્તા અત્યારે તો જુદા જુદા હતા પરંતુ તેમનો લક્ષ્યાંક એક જ હતો; અને કદાચ કામ પણ એક જ પ્રકારનું હતું. તેઓ બંનેના રસ્તા આખરે તો એક જ સ્થળે મળવાના હતા. સરહદ પાર.....કોઈક અજાણ્યા સ્થળે..... મુકેશે હજુ થોડો સમય અહીં જ રહેવું પડે એમ હતું એટલે તેણે એક હોટલમાં આશરો મેળવવાનો નિર્ણય કર્યો હતો.

વિજય સીધો જ બસ સ્ટેન્ડે પહોંચ્યો. વિજયે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવા રેગીસ્તાનના અફાટ રણનો રસ્તો પસંદ કર્યો હતો. રણ સુધી પહોંચવા તેણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની સાદી અને ખખડધજ બસમાં સામાન્ય મુસાફરોની સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું. બસ નિર્ધારિત સમયે પ્લેટફોર્મ પર મુકાઈ. તેણે બારી પાસેની એક ખાલી સીટ પર શરીર ટેકવી રાહતનો શ્વાસ ખેંચ્યો.

વિજય પાસે એક સુટકેશ હતી. જે ચાર આંકડાનો લોક ધરાવતી હતી. લોકની બંને બાજુ પોસ્ટલ સ્ટેમ્પ આકારનો એક એક નાનકડો બ્લેક કાચ પણ હતો. ચાર આંકડાનો મેન્યુઅલ લોક ખોલ્યા બાદ તેની જમણી બાજુના બાયોમેટ્રિક સિસ્ટમના આ બ્લેક કાચ પર વિજય તેના અંગુઠાની છાપ બતાવે તો જ આ લોક ખોલી શકાતો હતો. અન્ય કોઈ વ્યક્તિને દેખીતી રીતે ખબર પણ ના પડે આ બ્લેક કાચ કાચ કોઈ ઈલેક્ટ્રોનિક સિસ્ટમનો જ એક ભાગ છે કે પછી સુટકેશની ડીઝાઈન? આવી જ એક સુટકેશ મુકેશ પાસે પણ હતી.

ડ્રાઈવરે બસ ઉપાડી. કન્ડક્ટર પાસેથી વિજયે રૂટના છેલ્લા બસ સ્ટોપની ટિકીટ લીધી. મુસાફરી લાંબી હતી. આશરે વીસેક કલાક સુધી તેણે બસમાં જ બેસી રહેવાનું હતું. તેણે પોતાના બીજા એક થેલામાંથી અંગ્રેજી ભાષાનું એક સસ્પેન્સ થ્રીલર પુસ્તક બહાર કાઢ્યું અને તે વાંચવામાં મગ્ન થઇ ગયો.

બીજી તરફ મુકેશે શહેરની એક સામાન્ય હોટલમાં એક રૂમ બૂક કરી પોતાની સુટકેશ અને બીજો એક થેલો રૂમના કબાટમાં લોક કર્યા. થોડી વાર બાદ તે હોટલમાંથી બહાર નીકળ્યો. હોટલની નજીકમાં જ આવેલા એક શોપિંગ સેન્ટરમાંથી તેણે બે જોડી નવા વસ્ત્રો ખરીદ કર્યા. ત્યાંથી પછી તે સીધો જ બસ સ્ટેન્ડે પહોંચ્યો. સમય બગાડ્યા વગર તે બસ સ્ટેન્ડના બાથરૂમમાં ઘુસી ગયો. દસેક મિનિટ બાદ તે જ્યારે બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેનો લૂક સંપૂર્ણપણે બદલી ગયો હતો. તે કોઈ મોટી ઉમરના વયો વૃધ્ધ જેવો દેખાતો હતો. કોઈ તેને ઓળખી શકે એમ ન્હોતું કે એ મુકેશ છે. બસ સ્ટેન્ડથી તે હોટલમાં પાછો ફર્યો.

હોટલના રિસેપ્શન કાઉન્ટર પરનો ક્લાર્ક સ્વાભાવિકરીતે જ તેને ઓળખી ના શક્યો. મુકેશે વધુ એક વખત ખોટા નામ સાથે બીજો રૂમ બૂક કરાવ્યો ને પોતાની ઓળખ માટે વધુ એક બનાવટી આઈ કાર્ડ પણ બતાવ્યું. આ હોટલ સાવ સામાન્ય હતી. વધુ મુસાફરો ત્યાં આવતા હોય એવું જણાયું નહી એટલે મુકેશનું કામ આસાન બન્યું હતું. રિસેપ્શનનો ક્લાર્ક પણ તેની કામગીરીમાં ગંભીર ન્હોતો. તેના નસીબ જોગે તેણે આ પહેલા જે રૂમ બૂક કરાવેલો તેની બાજુનો જ રૂમ તેને ફાળવવામાં આવ્યો હતો. તે ખુશ થઇ ગયો.

આ તરફ બસ સડસડાટ આગળ ધપી રહી હતી. વિજય નવલકથા વાંચવામાં ઓતપ્રોત થઇ ગયો હતો. સૂર્યાસ્ત ક્યારે થઇ ગયો તેની તેને ખબર ન રહી. બસની લાઈટ ચાલુ થઇ ત્યારે વિજયની તંદ્રાવસ્થા તૂટી. બસ હાઈ-વે પરની સ્ટેટ બોર્ડર ચેક પોસ્ટ પર થોડી પળો માટે ઉભી રહી અને પછી ફરી દોડવા લાગી. પંદર વીસ મિનિટ બાદ હાઈ-વે પરના એક ધાબા પાસે જઈને બસ ઉભી રહી. અડધો પોણો કલાક માટે મુસાફરોને જમવાનો સ્ટોપ મળ્યો હતો. વિજય પણ અન્ય પડોશી મુસાફરો સાથે ધાબામાં જમવા બેસી ગયો. સૌની સાથે જ તેણે સાદું ભોજન લીધું. ભોજન બાદ તે અહી તહી ટહેલતો રહયો. થોડી વારે કંડકટરે મુસાફરોને બૂમ પાડી ને સૌ બસમાં ગોઠવાયા. ફરી બસ ઉપડી તેની મંઝિલ ભણી. બસની લાઈટ ઓફ થઇ ગઈ. વિજયે હવે સવાર સુધી નિંદર જ માણવાની હતી. સવારે છેલ્લા સ્ટોપ પર પહોંચ્યા બાદ કઈ રીતે આગળ ધપવું તેનો પ્લાન વિચારતા વિચારતા વિજય ઊંઘમાં સરી પડ્યો. બસ પણ હવે પુરપાટ વેગે ભાગી રહી હતી.

દરમ્યાન હોટલના રૂમમાં બેસીને પોતાના પ્લાને અંજામ આપવા વિશે વિચારી રહેલા મુકેશે તેની સુટકેશ ખોલી તેમાંથી જરૂરી સાધનો બહાર કાઢ્યા. મુકેશે શક્ય બને ત્યાં સુધી આજ રાત્રે જ તેનું કામ પાર પાડવાનું નક્કી કર્યું હતું. હોટેલમાંથી ચુપચાપ બહાર નીકળવા એક તરકીબ વિચારી તે હોટલની અગાશી પર ચડી ગયો.....

*******************************

પોલીસ કમિશનર અભય કુમારના બંગલાના દરવાજા પાસે જ બે બાઈક સામ સામે ધડાકા ભેર અથડાયા. બંને બાઈકચાલકો ફંગોળાઈને ગડથોલા ખાતા ખાતા દુર જઈને પડ્યા. અભયના બંગલે બેઠેલા બે પોલીસ ગાર્ડ્સ આ અકસ્માત જોઈ એ બંને બાઈકચાલકોને મદદ કરવા દોડ્યા...અને બીજી તરફ વ્રુક્ષ પાછળ લપાયેલા પેલા બંને શખ્સોએ તક ઝડપી લીધી. તેઓ ચુપચાપ બંગલાના કમ્પાઉન્ડમાં ઘુસી ગયા. બંગલાના બારી દરવાજા બંધ હતા. બંગલામાં અભય અને તેના પરિવારના સભ્યોએ ડીનર લેવાનું શરૂ કર્યું હતું. બંગલાની બહાર શું ચાલી રહયું છે તેનાથી તેઓ સાવ અજાણ હતા.

કમ્પાઉન્ડમાં ઘુસ્યા બાદ તેઓ બંને જણાએ એક પળનો પણ વિલંબ કર્યા વગર અભયની કારની ડેકીમાંથી બંને લાશ બહાર કાઢી કમ્પાઉન્ડમાં બંગલાની પાછળની સાઈડમાં રહેલા બગીચાની ઝાડીઓમાં છુપાવી દીધી. કામ પુરૂ થતા જ તેઓ છાનામુના મેઈન ગેઈટ પાસે આવ્યા. અભય કુમારના બંને ગાર્ડ્સ હજુ પણ રોડ પર પડેલા બાઈક સવારો પાસે બેઠા હતા. બંને ગાર્ડ્સ બાઈક સવારોના હાલહવાલ પૂછી રહયા હતા. બાઈક સવારો પોતાના હાથ પગ પકડી થોડી વાર માટે કણસતા રહયા. બંગલામાંથી બંને શખસોને બહાર આવી ગયેલા નિહાળતા વેંત જ બંને બાઈક સવારો વારા ફરતી ઉભા થયા અને ધીરે ધીરે ચાલી પોતપોતાના બાઈક પાસે પહોંચ્યા. અભયના ગાર્ડસે એમ્બ્યુલન્સ બોલાવી આપવાની ઓફર કરી હતી પરંતુ તેઓની ઇજા સામાન્ય છે એવો જવાબ બાઈક સવારોએ વાત ટાળી દીધી હતી. તેઓ બાઈક પર બેઠા અને કીક લગાવી બાઈક સ્ટાર્ટ પણ કરી બતાવ્યું. ગાર્ડ્સને સંતોષ થયો. બાઈક સવારો ગાર્ડ્સનો આભાર માની ત્યાંથી ચાલી નીકળ્યા. બંને શખસોએ જોયું કે બાઈક સવારો સાજા નરવા હતા.

" લાશ ડેકીમાં જ પડી રહી હોત તો શું ફેર પડવાનો હતો? હવે લાશ અભયના બંગલાના કમ્પાઉન્ડમાં બગીચાની ઝાડીમાં છુપાવાયેલી છે તો તેનાથી શું ફેર પડશે?" ચુપચાપ કામ પતાવ્યા બાદ અભયના બંગલેથી દુર આવેલી એક હોટલમાં ચા પાણી પી રહેલા બંને શખસો વાત કરી રહયા હતા.

" એ તો મારા મગજમાં પણ નથી ઉતરતું "

" તો પછી હવે અધિરાજને ફોન કર અને જાણ કરી દે "

બે પૈકી એક શખસે ફોન લગાડ્યો.

" હા ... બોલો..." અધિરાજે જવાબ આપ્યો.

" કામ થઇ ગયું છે."

" વેરી ગૂડ. પેલા બંને બાઈક સવારોને ખાસ કાંઈ ઇજા તો નથી થઈને?"

" વ્હોટ..? એ બંનેને તો ખાસ કાંઈ ઇજા નથી નથી થઇ પણ તમને કેવી રીતે ખબર પડી?"

" એમને મેં જ મોકલ્યા હતા. બાઈકનો નાનકડો અકસ્માત થાય તો જ અભયના ગાર્ડ્સ દરવાજેથી દુર જાય અને તમોને બંગલાના કમ્પાઉન્ડના પ્રવેશવાની તક મળે."

" વાહ સાહેબ વાહ...એક સવાલ પુછું?"

" જરૂર "

" લાશ ડેકીમાં જ પડી રહી હોય કે બંગલાના કમ્પાઉન્ડમાં બગીચાની ઝાડીમાં છુપાવાયેલી હોય તેનાથી શું ફેર પડશે?"

" જો અભયને એ ખબર પડે કે તેની ડેકીમાં લાશ છે તો તેને એ સમજતા વાર ના લાગત કે આ બંને લાશ ક્યારે અને ક્યાંથી ડેકીમાં પહોંચી હશે. હવે તો લાશ તેના બંગલામાં જ છે અને જ્યારે તેને આ વિશે ખબર પડશે ત્યારે તેનું દિમાગ કામ કરતું બંધ થઇ જશે. તેને એ સમજાશે જ નહી આ બધું શું ચાલી રહયું છે. કમ્પાઉન્ડમાં બબ્બે લાશ ક્યાંથી આવી હશે તેની તેણે ખબર જ નહી પડે. અભયને આપણી આગળીના ટેરવે નચાવવામાં આ બંને લાશ અને હવે પછી શરૂ થનારી રમત આપણને ખુબ ઉપયોગી બનશે. આ રમતને હજુ થોડી આગળ ધપાવવી છે. તમે જોયે રાખો હવે શું થાય છે. આ લાશ અભયને પાગલ કરી મુકવાની છે."

" તો પછી અમારે હવે શું કરવાનું છે?"

" આરામ.........બાકીનું કામ હવે મારે કરવાનું છે." અધિરાજે ફોન કાપી નાંખ્યો. જવાબ સાંભળીને એ બંને શખ્સોને ખરેખર સંતોષ તો થયો હતો પરંતુ હવે શું થવાનું છે એ જાણવાની સ્વાભાવિક રીતે જ તેઓને તાલાવેલી પણ જાગી હતી.

અધિરાજ હવે એક નવી રમત આગળ ધપાવવા જઈ રહયો હતો. તેણે તુર્ત જ કેટલાક લોકોને ફોન કોલ કર્યા જેના પરિણામે સવારે નવો ખળભળાટ મચી જવાનો હતો.

*******************************

સાંજે છ વાગ્યે તેઓ અનંતરાયના ફાર્મ હાઉસે પાછા આવી ગયા પરંતુ રાત્રિના લગભગ દસેક વાગવા આવ્યા ત્યાં સુધી અનંતરાય હજુ સુધી ત્યાં પહોંચ્યા ન્હોતા. એક મિત્રએ અનંતરાયના મોબાઈલ ફોન પર કોલ કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ તેઓની ચિંતા અને ઉત્કંઠામાં વધારો થઇ રહયો હતો. રાત્રિના લગભગ દસેક વાગવા આવ્યા હતા અને હવે તેમનો ઇન્તજાર ખતમ થઇ રહયો હતો. એવામાં અચાનક જ થોડે દુરથી એમ્બ્યુલન્સ જેવું વાહન અને કારનો એક કાફલો તેઓની તરફ આવી રહેલો જોઈ તેઓ હાંફળાફાંફળા થઇ ગયા. તેઓનું મગજ કામ કરતું બંધ થઇ ગયું.

થોડી પળોમાં જ કાફલો ફાર્મ હાઉસની અંદર પહોંચ્યો ત્યારે છેક તેઓને ખબર પડી કે કાફલામાં એક નહી પણ ત્રણ એમ્બ્યુલન્સ હતી અને ચાર કાર પણ હતી. આ એ એમ્બ્યુલન્સ હતી જે શબ લાવવા મુકવાનું કામ પણ કરતી હતી. વાહનોનો કાફલો ફાર્મ હાઉસના કમ્પાઉન્ડમાં આવીને ઉભો રહયો, ને એટલામાં જ ફાર્મ હાઉસના જ એક રૂમમાંથી અનંતરાય પ્રગટ થયા. તેમને જોતા જ તેમના છ એ છ મિત્રો ઘડીક વાર માટે મૂંઝાઈ ગયા. અનંતરાય અંદર જ હતા તો પછી અત્યાર સુધી બહાર કેમ ના નીકળ્યા એવો સવાલ તેમના મનમાં ઉઠ્યો.

અનંતરાયે તેમના મિત્રોને અંદર બોલાવ્યા. તેઓ કચવાતા મને અંદર ગયા. તેઓની ઇન્તજારી અને ઉત્કંઠા વધતી જતી હતી.

" અનંતરાય આ એમ્બ્યુલન્સ અને કારનો કાફલો........??" એક મિત્રએ પુછ્યું.

" આપણા જ પ્લાનનો એક ભાગ છે તે " અનંતરાયે જવાબ આપ્યો.

" એટલે ?"

" એટલે કે તમો સ્ટીલના જે બોકસ લઇ જવાના છે તેનું ટ્રાન્સપોર્ટેશન આ વાહનોની મદદથી થવાનું છે. તમારે એમ્બ્યુલન્સ અને કાર લઈને જવાનું થશે."

" ઓકે. તો પછી ક્યારે રવાના થઈશું?" અન્ય એક મિત્રે અધીરાઈ દાખવી.

" બસ થોડી વારમાં જ...સ્ટીલના બોક્સ એમ્બ્યુલન્સમાં ચડાવી દેવાય એટલી જ વાર, અને હા ત્રણેય એમ્બ્યુલન્સ જુદા જુદા રસ્તે જવાની છે. ક્યાં જવાનું છે અને આ બોક્સ કોણે હવાલે કરવાના છે એ ડ્રાઈવરને ખબર છે માટે તમારે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી. એક બીજી વાત આ કામ કે પછી ભવિષ્યમાં હાથ પર લેવામાં આવનાર નવા કોઈ પણ કામ દરમ્યાન તમારે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો નથી. ડ્રાઈવર પાસે તો કોમ્યુનિકેશન ડીવાઈસ છે જ. તમારા માટે પણ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તમારા ફોન અત્યારે જ બંધ કરી મને આપી દો. હું તમને બીજા કોમ્યુનિકેશન ઈન્સ્ટ્રુમેન્ટ આપું છું. તમોને સફર દરમ્યાન કોઈ પણ મુશ્કેલી પડે કે બીજી કોઈ જરૂરીયાત જણાય તો આ ઈન્સ્ટ્રુમેન્ટનો જ ઉપયોગ કરવાનો છે એ યાદ રાખજો."

તમામ મિત્રોને સેટેલાઇટ ફોન જેવું એક એક ઈન્સ્ટ્રુમેન્ટ આપતા અનંતરાયે તેમની વાત આગળ ધપાવી.

" આ એવું ડીવાઈસ છે કે આપણા વચ્ચે થનારી વાતચિતને અન્ય કોઈ વ્યક્તિ આંતરી નહી શકે. તમારે બબ્બેની જોડીમાં જવાનું છે. તમારા ત્રણેય ગ્રુપ મારી સાથે અને એકબીજા વચ્ચે પણ વાત કરી શકશે. હવે બીજો કોઈ સવાલ હોય તો પૂછો."

છ એ છ મિત્રોએ એકબીજા સામે જોયું અને એક સાથે જ "ના"માં જવાબ આપ્યો.

" તો પછી ચાલો એમ્બ્યુલન્સ તમારો ઇંતજાર કરે છે."

સૌ બહાર આવ્યા અને જોયું તો એમ્બ્યુલન્સ ચાલુ થઇ ચૂકી હતી. તેઓ ત્રણેય એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા પણ તેઓને સ્ટીલના બોક્સ ક્યાંય દેખાયા નહી. બબ્બેની જોડીમાં તેઓ એમ્બ્યુલન્સમાં બેસી તો ગયા પરંતુ તેમના મનમાં જે સવાલ રમતો હતો તેનો જવાબ અનંતરાયે સામેથી આપી દીધો.

" તમારા મનમાં સવાલ છે કે સ્ટીલના બોક્સ ક્યાં ગયા? ચિંતા ના કરો. મારા આ ડ્રાઈવરો એમ્બ્યુલન્સ યોગ્ય સ્થળે પહોંચ્યા બાદ તમારા સવાલનો જવાબ આપી દેશે. અને એક છેલ્લી વાત, તમારા સપોર્ટ માટે એમ્બ્યુલન્સની પાછળ થોડા અંતરે જ આ કાર પણ તમારી સાથે રહેશે. કોઈ ઇમરજન્સી ઉભી થાય તો આ કાર અમારી મદદ કરશે. "

છ એ છ મિત્રો ફરી મૂંઝાઈ ગયા. અનંતરાય શું કરી રહયા છે તેની કશી જ ખબર ન્હોતી પડતી. તેઓ વિચારોમાં મગ્ન હતા ત્યાં જ અનંતરાયનો આદેશ થયો અને એમ્બ્યુલન્સ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી ગઈ . તેની પાછળ જ કાર પણ તેને અનુસરી. કાફલો રવાના થયો એ સાથે જ અનંતરાયે એક ફોન કોલ જોડ્યો અને રીપોર્ટ આપી દીધો.

*******************************

એક અજાણ્યા ફોન કોલમાં થયેલી વાતચીત્તને કારણે ચિંતામાં મુકાઈ ગયેલા ગોપાલદાસ થોડી પળો ગુમસુમ બેસી રહયા બાદ તે પોતાના સ્ટાફને કશી જ વાત કર્યા વગર તુર્ત જ તેની ઓફિસેથી બહાર જવા નીકળી ગયા. પોતાની કાર તે પોતે જ ડ્રાઈવ કરી રહયા હતા. સોના ચાંદીના મોટા વ્યાપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા લક્ષ્મીકાંત અને શિપિંગ બિઝનેસના મહારથી ગોપાલદાસ માથે એક સંકટ ઉભું થાય તેવી દહેશત ઝળુંબી રહી હતી. બંનેએ તેનો કોઈક ઉકેલ શોધવાનો હતો.

લક્ષ્મીકાંતે સૂચવ્યા મુજબના સ્થળે ગોપાલદાસ પહોંચી ગયા. લક્ષ્મીકાંત પણ થોડી વાર પહેલા જ ત્યાં પહોંચ્યા હતા.

" આવો ગોપાલદાસ આવો." લક્ષ્મીકાંતે આવકાર આપી ગોપાલદાસ સાથે હાથ મિલાવ્યા.

" અહી વાત કરવામાં વાંધો નથી ને?ધ્રુજતા સ્વરે ગોપાલદાસે પુછ્યું.

" નોટ એટ ઓલ, ડોન્ટ વરી. બોલો શું થયું? "

" થોડી વાર પહેલા જ મને કોઈ અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો. તેણે મને જે વાત કરી તે સાંભળીને હું ચોંકી ઉઠ્યો હતો."

" કેમ? શું કહ્યું એ વ્યક્તિએ?"

" એ જ કે તેને આપણા વીસ કરોડ રૂપિયાના ખાનગી વ્યવહારની ખબર છે. માત્ર એટલું જ નહીં અંધારી આલમને તેમજ પોલીસને પણ આ વાતની સાચી ખોટી ગંધ આવી ગઈ છે. ફોન કરનાર વ્યક્તિએ આપણને સાવચેત રહેવા જણાવ્યું છે."

" ઓહ નો.....આ તો ભારે કરી...." લક્ષ્મીકાંત ડઘાઈ ગયા.....

( વધુ આવતા અંકે....)