પાસવર્ડ પ્રકરણ – 10 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ પ્રકરણ – 10

પ્રકરણ – ૧૦

નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતે પી. આર. કન્સલ્ટન્સી કંપનીના જપ્ત કરાવેલા ત્રણ કોમ્પ્યુટરોમાંથી કોઈ એવા પ્રકારની ખાનગી માહિતી મેળવવા કોમ્પ્યુટર નિષ્ણાંતોને કામે લગાડ્યા હતા કે જેના આધારે કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ કેસ અને સંભવત: તેની સાથે જ કોઈ લિંક ધરાવતા સેન્ટ્રલ જેલના અત્યંત ક્રૂર હત્યા કાંડનો ભેદ ઉકેલવામાં કોઈ રસ્તો મળી આવે. પોતાની ચેમ્બરમાં કેટલાક પોલીસ અફસરો સાથે આ બંને પ્રકરણોની ચર્ચા કરી રહેલા સૂર્યજીતને થોડી વાર માટે ખુશ કરી દયે તેવી એક વાત દરવાજે ટકોરા મારવા તૈયાર હતી. જોકે એ ખુશી કેટલો સમય ટકશે એ કહેવું મુશ્કેલ હતું. ચેમ્બરના દરવાજે ટકોરા પડતા જ સૌનું ધ્યાન એ તરફ આકર્ષિત થયું.

" પ્લીઝ કમ ઇન " સૂર્યજીતે જવાબ આપ્યો. દરવાજો ખુલતા જ કોમ્પ્યુટર નિષ્ણાંતો ચેમ્બરમાં પ્રવેશ્યા.

" સર, અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. " એક નિષ્ણાંતે કહ્યું.

" ઓકે ...પ્લીઝ બી સીટેડ " સૂર્યજીતે ચેમ્બર અગાઉથી જ બેઠેલા અફસરોને થોડી વાર માટે બહાર બેસવા સૂચના આપી કોમ્પ્યુટર હેકરો માટે મોકળાશ કરી દીધી.

" સર, અમોએ ત્રણેય કોમ્પ્યુટરોના ડેટા મેળવવા પ્રયાસ કરી રહયા છીએ. બે કોમ્પ્યુટરોના લોક અમે તોડી શક્યા છીએ પરંતુ ત્રીજા કોમ્પ્યુટરનો લોક તોડવાના અમારા પ્રયાસો કેમેય સફળ થતા નથી."

" નો પ્રોબ્લેમ...પ્રયાસ ચાલુ રાખો. અત્યાર સુધીમાં તમોને કશું ખાસ નોંધપાત્ર મળ્યું છે ખરૂ?"

" જી સર, અમોને એક કોમ્પ્યુટરમાંથી કશુંક મળ્યું છે."

" વેલ ડન, શું મળ્યું છે " સૂર્યજીત ઉત્સાહમાં આવી ગયા.

" અમોને કોડેડ મેસેજ લખેલ એક ડોક્યુમેન્ટની સ્કેન્ડ કોપી હાથ લાગી છે. અક્ષર ખુબ જ ઝીણા હતા. અમે તેને શક્ય તેટલા એન્લાર્જ કરી આપણા માટે તેની એક કોપી લાવ્યા છીએ. આ રહી જુઓ." એક કોમ્પ્યુટર નિષ્ણાંતે સૂર્યજીતને એક કાગળ આપ્યો.

" વાહ ક્યા બાત હૈ ?"ના ઉદ્ગારો સાથે સૂર્યજીત એ કાગળ લઈને વાંચવા માંડ્યા. ટેબલની સામે બેઠેલા કોમ્પ્યુટર નિષ્ણાંતો આંખોની પાંપણ હલાવ્યા વગર સૂર્યજીતને નિહાળી રહયા હતા. થોડી જ પળો પહેલા જ ખુશખુશાલ દેખાતો ચહેરો અચાનક જ કાળો પડી ગયો. એ કાગળમાં એક ટૂંકો પરંતુ કોડવર્ડમાં લખાયેલો એક સંદેશ હતો. સૂર્યજીત સાંકેતિક ભાષામાં લખાયેલા એ સંદેશાને ડીકોડ કરવા અને તેને ઉકેલવા મગજ કસી રહયા હતા, પરંતુ તેમને સફળતા મળતી ન્હોતી.

" સર, એ કોડ ઉકેલી શકાય એમ લાગે છે ખરૂ?" એક હેકરે પુછ્યું.

" થોડી મહેનત કરવી પડશે, પણ હા, હવે એક બીજી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ કોડેડ મેસેજ વિશે આપણા ચાર જણા સિવાય બીજા કોઈને ખબર પડવી ના જોઈએ. મને એમ લાગે છે કે આ સાંકેતિક સંદેશો આપણને આ કેસ ઉકેલવાની દિશામાં પ્રગતિ કરાવી શકશે. "

" જી સર, તમે નિશ્ચિંત રહેજો. અમારા ત્રણ સિવાય આ માહિતી બીજા કોઈ પાસે નહી જાય."

" ગૂડ... તમોને શું લાગે છે, આ કોડેડ મેસેજ શું કહેવા માંગે છે?"

" અમોએ ખુબ જ મહેનત કરી પરંતુ તેને અમો ઉકેલી શક્યા નથી. સોરી સર"

" ઈટ્સ ઓલરાઈટ. ડોન્ટ વરી. ઇટ રીક્વાયર્સ ડીપ ડીપ બ્રેઈનસ્ટોર્મિંગ. નાવ લેટ મી મેઇક એફોર્ટસ "

" યસ સર, નાવ શેલ વી ગો ?"

" યસ. યુ ઓલ હેવ ડન નાઈસ જોબ ફ્રેન્ડ્સ. થેંક યુ વેરી મચ."સૂર્યજીતે તેઓનો આભાર માન્યો અને ત્રણેય નિષ્ણાંતો ત્યાંથી પોતાની ઓફિસમાં જતા રહયા. સૂર્યજીતે મનોમન નક્કી કરી લીધું હતું કે તે કોઇપણ ભોગે આ મેસેજ ઉકેલીને જ રહેશે અને ત્યાં સુધી પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોઈને પણ કશી જ વાત નહી કરે.

સૂર્યજીત હજુ પણ એ કોડેડ મેસેજને ડીકોડ કરવા મથામણ કરી રહયા હતા, પરંતુ મેળ પડતો ન્હોતો. તેની ચેમ્બરની બહાર તેમની વાટ જોઈને બેઠેલા પોલીસ ઓફિસરોને પાછા બોલાવવાનું પણ તે ભૂલી ગયા હતા. સૂર્યજીત વારંવાર એ વિચિત્ર મેસેજને વાંચી રહયા હતા.

એ કોડેડ મેસેજ કાંઇક આવા પ્રકારનો હતો.

સૂર્યજીતની કારકિર્દીમાં આવો અટપટો, ભેદી અને અત્યંત કઠીન કેસ પ્રથમ વખત જ સામે આવ્યો હતો.

સૂર્યજીત વિચારી રહયા હતા કે, આવા રહસ્યમય સંદેશની પી.આર. કન્સલ્ટન્સી કંપનીને ભલા શું જરૂર પડી હશે? કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારનું અપહરણ થવું અને આ કેસમાં શકમંદ તરીકે હાલ સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા કંપનીના ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વર પૈકી કોણે, શા માટે અને કઈ વ્યક્તિને આ કોડેડ મેસેજ મોકલ્યો હશે? આ ખાનગી સંદેશ શું કહેવા માંગે છે? આવા કેટકેટલાય સવાલો સૂર્યજીતના દિમાગને હલબલાવી રહયા હતા. તેણે ખુબ વિચાર કર્યા, અનેક શક્યતાઓ ચકાસી, પરંતુ તેને કેમેય કશું જ સમજાતું ન્હોતું. આખરે તેણે મનોમન એક નિર્ણય કર્યો. જોકે એ વિશે હાલતુર્ત કોઈને કશું જ નહી કહેવાનું નક્કી કરી લીધું હતું. સૂર્યજીત તેની ચેમ્બરમાંથી બહાર આવ્યો અને ડ્રાઈવર પાસેથી પોતાની કારની ચાવી લઇ એકલા જ કોઈને મળવા ચાલી નીકળ્યો.

*******************************

પોલીસ કમિશનર અભયકુમારના બંગલામાં ચોરી છુપીથી ઘુસી ગયેલા બે શખસોએ સફળતાપૂર્વક બે લાશ છુપાવી દીધા બાદ આ કામ વિશે અધિરાજને વાકેફ કરી દીધા હતા. અધિરાજ આ ઘટનાનો પુરેપુરો ફાયદો ઉઠાવી લેવા માંગતો હતો. અભયકુમારને એ રાત્રે જરા સરખી ગંધ પણ ન્હોતી આવી કે તેના બંગલાની પાછળના ભાગમાં આવેલા બગીચામાં કોઈ અજાણ્યા બે શખસો ઘુસી આવ્યા હતા અને બબ્બે લાશો ગાર્ડનની ઝાડીમાં છુપાવી ગયા હતા. જોકે સવારે તેની પત્નીએ તેને જોરજોરથી બૂમો પાડીને ઉઠાડ્યા ત્યારે તેના હોંશકોશ ઉડી ગયા. ટી.વી. ન્યુઝ ચેનલોમાં તેને સ્તબ્ધ કરી દેતા આંચકાજનક બ્રેકિંગ ન્યુઝ ચમકી રહયા હતા.

અભયના બંગલાની બહાર ગેઈટ પાસે પણ ભારે કોલાહલ સંભળાતો હતો. અભયને કશું જ સમજાયું નહી કે આ બધું શું ચાલી રહયું છે. તેણે બંગલાની બહાર નીકળતા પહેલા ટી.વી. સ્ક્રીન પર એક નજર દોડાવી એ એ સાથે જ તેના આંખના ડોળા ફાટી ગયા. તેના પગ નીચેથી માનો કે ધરતી ખસી ગઈ. તેનું દિમાગ કામ કરતું બંધ થઇ ગયું. હવે શું થશે? આ પ્રશ્નએ તેને ગભરાવી મુક્યો હતો. તે થર થર કાંપવા લાગ્યો હતો.

ટી.વી. સ્ક્રીન પર ઝબકી રહેલા બ્રેકિંગ ન્યુઝ કહી રહયા હતા કે, " પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાં ઘુસી ગયેલા બે શખસોના મોત. અપહરણ કાંડ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડની તપાસમાં આગળ ધપી રહેલા અભય સામે બદલો લેવા તેને અને તેના પરિવારને મારવા આવેલા બંને શખસો અભય સાથેની ટક્કરમાં ખુદ માર્યા ગયા. બંને શખસોની ગરદન પર અભયે લગાવેલા એક એક જોરદાર ફટકાએ તેઓને મોતને ઘાટ ઉતારી દીધા. "

અભય કશું જ સમજે વિચારે એ પહેલા તેના લેન્ડ લાઈન ફોનની ઘંટડી વાગી. તેણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી બોલી રહેલા શખસે તેને કેટલીક સૂચના આપી. અભય સાંભળતો રહયો અને જવાબમાં માત્ર એટલું જ બોલી શક્યો કે...." જી આપ કહેશો તેમ જ થશે."

અભય બંગલાની બહાર આવ્યો. ગેઈટ પાસે ટી.વી. ચેનલો, કેમેરામેનો, અને અખબારોના પત્રકારો તથા ફોટોગ્રાફરો ગાર્ડ્સ સાથે માથાકૂટ કરી રહયા હતા. અભય તેઓની પાસે ગયા. સૌ તેને ઘેરી વળ્યા અને સવાલોની ઝડી વરસાવી દીધી.

" આપ સૌ શાંત રહો. મને બોલવા દેશો તો આપના સવાલોના જવાબો આપી શકીશને? પ્લીઝ શાંતી રાખો." અભયે વિનંતી કરી એ સાથે જ સૌ શાંત થઇ ગયા પછી અભયે આખી ઘટનાનું વર્ણન કરવાનું શરૂ કર્યો.

" રાત્રીના લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ હું ઉઠ્યો ત્યારે બંગલાની પાછળના ભાગે ગાર્ડનમાં કશી ચહલ પહલ થતી હોવાનો અણસાર આવતા હું બહાર આવ્યો. એ સાથે જ આ બંને શખસોએ અપહરણ અને હત્યા કાંડની તપાસ તાત્કાલિક બંધ કરાવી દેવા અન્યથા મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપી. મેં તપાસ બંધ કરાવવાનો ઇન્કાર કરતા તેઓએ મારી ઉપર હુમલો કર્યો પરંતુ તેઓનો સામનો કરવા હું પણ તૈયાર જ હતો. સ્વબચાવમાં મેં પણ વળતી પ્રતિક્રિયા આપતા તે બંને માર્યા ગયા."

"........પણ અભય સર આ બંને શખસોને કોણે મોકલ્યા હતા એ ખબર પડી કે નહીં?"

" ના. એ તપાસનો વિષય છે."

મીડિયાકર્મીઓ અને અભય સાથે વાતચિત ચાલી હતી ત્યાં જ નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત પોલીસ કાફલા અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં આવી પહોંચ્યા. બરોબર એ જ વખતે લેન્ડ લાઈન પર ફરી એક વખત ફોનની ઘંટડી વાગતા બંગલામાંથી અભયની પત્નીએ બૂમ પાડીને અભયને અંદર બોલાવ્યા. અભય સૌને ગેઈટ પાસે જ ઉભા રહેવા આદેશ આપી અંદર દોડી ગયા...ફોન કોલ રિસીવ કર્યો.

" જી..... અભય બોલું છું, આપ કોણ?"

" યુ હેવ ડન ગૂડ જોબ, એકઝેટલી એઝ સેઈડ ....ખુબ સરસ અભય, મીડિયાને તમે બરોબર સમજાવી દીધું. હવે આ વાતને વળગી રહેજો.અને હા.... એક વાત તો કહેવાની રહી જ ગઈ..."

" હા....બોલો......"

"......................... અને હા હવે એક છેલ્લી વાત. તમારે હવે અમે કહીએ તેમ આગળ ધપવાનું છે." સામેથી આપવામાં આવતી સૂચના અભય ધ્યાનથી સાંભળી રહયો હતો.

ફોન કોલ કટ કર્યા બાદ અભય બહાર આવ્યો અને ગેઈટ પાસે પહોંચી ગયો. તેણે સૂર્યજીત અને અન્ય પોલીસ અફસરોને કેટલીક સૂચનાઓ આપી બંને લાશોને એમ્બ્યુલન્સમાં ચડાવી દીધી. સૂર્યજીત એક ભેદી કોડેડ મેસેજને ઉકેલવાની ચિંતામાં હતો ત્યાં વળી કમિશનરના બંગલામાંથી બબ્બે લાશો મળી આવવાની ખોફનાક ઘટનાએ તેને પણ હલબલાવી નાંખ્યો હતો...

" સૂર્યજીત તમે ઓફિસે પહોંચો. હું થોડી વારમાં જ ત્યાં પહોંચું છું." અભયે આદેશ કર્યો.

" યસ સર..." અદબ સાથે જવાબ વાળી સૂર્યજીત ઓફિસ ભણી રવાના થયા.

*******************************

દરિયા કાંઠા પરના આ શહેરમાં આમ તો ઘણા ધનિકો હતા પણ લક્ષ્મીકાંત અને ગોપાલદાસ તેમની રાજકીય અને સરકારી વગને કારણે વધુ નામાંકિત શ્રીમંત તરીકેની તેઓની ખ્યાતી દુર દુર સુધી ફેલાયેલી હતી. આટલા સક્ષમ હોવા છતાં પણ તેઓને એ ખબર પણ ન્હોતી પડી કે, તેઓ પોલીસના રડાર હેઠળ આવી ગયા છે. નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતને આ કેસની તપાસ દરમ્યાન લક્ષ્મીકાંત અને ગોપાલદાસ તરફથી કુલ રૂ. ૨૦ કરોડનો જંગી નાણાકીય વ્યવહાર થયાની બાતમી મળી હતી. સૂર્યજીતે અન્ડરવર્લ્ડમાં સક્રિય એવા પોતાના ખબરીઓને શક્ય તેટલી વધુ જાણકારી એકત્ર કરવા મોકલ્યા હતા. ગોપાલદાસ તેની ઓફિસમાં હતા એ સમયે તેના પર્સનલ નંબર પર એક ફોન આવે છે. જેમાં કોઈ શુભ ચિંતકે તેની ઊંઘ ઉડી જાય તેવી માહિતી આપી હતી. ત્યારબાદ ગોપાલદાસે લક્ષ્મીકાંતને ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓ બંને એક ખાનગી સ્થળે ભેગા થયા.

" શું થયું ગોપાલદાસ. આટલા બધા કેમ ગભરાઈ ગયેલા દેખાવ છો ? "

" મને કોઈ અજાણ્યા શખસે ફોન પર કરેલી વાતચિતે મારી ઊંઘ હરામ કરી નાંખી છે."

" શું કહ્યું એ વ્યક્તિએ?"

" મને એ માણસે કહ્યું કે, તમે અને લક્ષ્મીકાંતે રૂ. ૨૦ કરોડનો જે વ્યવહાર કર્યો છે તેના વિશે પોલીસને ગંધ આવી ગઈ છે અને એ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ એ જાણવા માંગે છે કે, આવો કોઈ નાણાકીય વ્યવ્હાર થયો છે કે કેમ અને જો થયો હોય તો તેનો આશય શું હોઈ શકે?"

" મતલબ કે પોલીસને હજુ માત્ર શંકા જ છે ને? ભલે ને તેઓ તપાસ કરી લ્યે, તેમને બીજી કાંઈ જ ખબર નહી પડે. તમે ચિંતા ના કરો ગોપાલદાસ."

" અરે યાર ચિંતા થાય એવી વાત તો છે જ ને? આપણે કાંઈક રસ્તો વિચારવો પડશે. પોલીસને આડે પાટે ચડાવવી જ પડે એમ છે. જો પોલીસ આપણા સુધી પહોંચી જશે તો તેના કેવા ગંભીર પરિણામો આવી શકે છે તે તમે પણ સમજી શકો છો."

" એ વાત તો ખરી છે. તો પછી તમે શું વિચાર્યું છે?"

" મારે એ વ્યક્તિ સાથે વાત કરવી પડશે. બીજો કોઈ વિકલ્પ જ નથી."

" ઓકે. તમારી વાત બરોબર છે. તમે તેની સાથે વાત કરી લ્યો ત્યારપછી મારા લાયક કોઈ સૂચના હોય તો મને કહેજો."

" ભલે "

વાતચિત પુરી કરી તેઓ બંને પોતપોતાના અલગ અલગ રસ્તે રવાના થઇ ગયા.

*******************************

શહેરના ખુબ વગદાર એવા અખબાર માલિક વિક્રમ તેના પત્રકારો અને સંપાદકો સાથેની મીટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેના મોબાઈલમાં એક કોલ આવે છે.

"એક્સક્યુઝ મી ફોર એ વ્હાઈલ ફ્રેન્ડઝ..." સ્ટાફની દિલગીરી ચાહી વિક્રમ તેની ઓફિસની એન્ટી ચેમ્બરમાં ઘુસી ગયો.

" યસ સર...બોલો બોલો ..."

" યુ હેવ ડન એક્સેપ્સનલી ફેન્ટાસ્ટિક જોબ વિક્રમ. હવે તમારે વધુ એક બ્રેકિંગ ન્યુઝ માટે તૈયાર રહેવાનું છે. અને હા....પોલીસ કમિશનર અભય કુમારના ઘરમાંથી મળેલી બબ્બે લાશની ઘટનાને પણ આપણે ઈચ્છીએ છીએ એ પ્રકારે જ પ્રસિધ્ધ કરી તેને હીરો બનાવી દો...એન્ડ બાય ધ વે થેંક યુ વેરી મચ ફોર યોર ગ્રેટ સપોર્ટ "

" ઈટ્સ ઓલરાઈટ ....નવા બ્રેકિંગ ન્યુઝ માટે તમે મને એડવાન્સમાં થોડો સમય આપજો." વિક્રમે સામે વાળી વ્યક્તિને વિનંતી કરી અને પછી ફોન કાપી નાંખી નાંખ્યો. અભયના ઘરમાં મળેલી બે લાશ અને ઉપજાવી કાઢવામાં આવેલી આખી વાત મીડિયા સુધી પહોંચતી કરવામાં વિક્રમે તેના અત્યંત વિશ્વાસુ પત્રકારો મારફત મહત્વની ભૂમિકા ભજવી હતી. પત્રકારોએ પણ સાવચેતીના ભાગ રૂપે તેમના અન્ય સોર્સની મદદ લઈને એ વાત મીડિયા સુધી પહોંચાડી હતી.

" તો ફ્રેન્ડઝ ચાલો વધુ એક નવા ધડાકાભેર બ્રેકિંગ ન્યુઝ માટે તૈયાર રહેજો." વિક્રમે એન્ટી ચેમ્બરમાંથી બહાર આવતા સ્ટાફને કહ્યું અને પોતાની ચેરમાં બેસી ગયો.

" શું છે એ ખબર?" એક પત્રકારે પુછ્યું.

" થોડો ઇંતેજાર કરો.... આ સમાચાર સૌ પ્રથમ આપણને જ મળવાના છે. અને હા..આ દરમ્યાન ક્રાઈમ રિપોર્ટરોએ પોલીસ ડીપાર્ટમેન્ટ અત્યારે અપહરણ અને હત્યા કેસમાં કઈ દિશામાં આગળ ધપી રહયું છે તેની તપાસમાં લાગી જવાનું છે."

મીટિંગ પૂર્ણ થયેલી જાહેર કરી વિક્રમ ઓફિસમાંથી બહાર આવ્યો.

*******************************

પોતાના બે સાથીઓ એજન્ટ –"એ" મુકેશ અને એજન્ટ –"બી" વિજય તેમના મિશન પર રવાના થઇ ચુક્યા હતા પણ સત્યપ્રકાશને થોડી ચિંતા જરૂર હતી. જો કામમાં કોઈ ભૂલ થાય તો તેઓનું આવી જ બને. સત્યપ્રકાશે મુકેશ અને વિજયની સલામતી અને મદદ માટે પોતાના અન્ય સોર્સને ખાનગી રાહે કામે લગાડી દેવાનું મુનાસીબ માન્યું.

મુકેશે તેનું કામ પાર પાડવા શહેરની એક સામાન્ય હોટલમાં આશરો મેળવ્યો હતો. બીજી તરફ વિજયે રણ સુધી પહોંચવા તેણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની સાદી અને ખખડધજ બસમાં સામાન્ય મુસાફરોની સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું.

દરમ્યાન હોટલના રૂમમાં બેસીને પોતાના પ્લાને અંજામ આપવા વિશે વિચારી રહેલા મુકેશે તેની સુટકેશ ખોલી તેમાંથી જરૂરી સાધનો બહાર કાઢ્યા. મુકેશે શક્ય બને ત્યાં સુધી આજ રાત્રે જ તેનું કામ પાર પાડવાનું નક્કી કર્યું હતું. હોટેલમાંથી ચુપચાપ બહાર નીકળવા એક તરકીબ વિચારી તે હોટલની અગાશી પર ચડી ગયો....તેણે પાણીની ટાંકીમાં ઉતરી પાઈપલાઈનમાં કચરો ઠુંસી જલ પ્રવાહ બંધ કરી દીધો. પછી તે પોતાના રૂમમાં પાછો આવ્યો. થોડી વારમાં જ હોટલના જુદા જુદા રૂમમાંથી રિસેપ્શન પરના ઇન્ટર કોમ પર ફોન આવવાનું શરૂ થઇ ગયું. હોટલમાં રહેલા લોકોએ નળમાં પાણી આવતું બંધ થઇ ગયાની ફરિયાદ કરતા કરી બાથરૂમમાં પાણી બંધ થઇ ગયાનું જણાવતા રિસેપ્શન પરનો ક્લાર્ક સીધો જ અગાસી પર ગયો...ને એ સાથે જ મુકેશે તક ઝડપી લીધી. તે અલગ જ વેશ ધારણ કરી ચુક્યો હતો. તે રૂમમાંથી બહાર આવ્યો. તેણે જોયું કે રિસેપ્શન કાઉન્ટર પર કોઈ ન્હોતું. તે આસાનીથી હોટલમાંથી બહાર નીકળ્યો ને રોડ પર થોડે દુર સુધી પગપાળા ચાલ્યા બાદ એક રીક્ષા ભાડે કરી તે પોતાના લક્ષ્યાંક ભણી રવાના થઇ ગયો.

આ તરફ વિજય રણ સુધી પહોંચવા સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે સાદી અને ખખડધજ બસમાં બેઠો હતો તે સડસડાટ ગતિએ આગળ ધપી રહી હતી. સસ્પેન્સ નવલકથા વાંચતા વાંચતા વિજયને ક્યારે નિંદર આવી ગઈ તેની તેણે ખબર જ ના રહી. સવાર થવાને હજુ થોડી વાર હતી અને એક સ્થળે બસ ડ્રાઈવરે ચા – પાણી માટે બસનો હોલ્ટ કર્યો ત્યારે તે ઊંઘમાંથી જાગ્યો. સૌ મુસાફરો સાથે તે પણ ચા પીવા નીચે ઉતર્યો. તેણે એક ચા નો ઓર્ડર આપ્યો ને અહીં તહીં ટહેલી રહયો હતો ત્યારે અચાનક તેના ફોનમાં એક કોલ આવ્યો. સામે છેડે મુકેશ વાત કરી રહયો હતો.

" હં.....બોલો શું થયું?" વિજયે તેનું નામ ઉચ્ચાર્યા વગર જ પુછ્યું.

" ડન. "મુકેશે જવાબ આપ્યો ને વિજયના ચહેરા પર ખુશી ફરી વળી હતી.

" તો હવે?"

"હું પણ સવારે ત્યાં પહોંચવા નીકળી રહયો છું. " મુકેશના જવાબથી એકદમ રાહત મહેસુસ કરી રહેલો વિજય સમજી શકતો હતો કે મુકેશે કેવું અઘરૂ કામ પાર પાડ્યું હતું.

" ઓકે. આઈ વિલ બી વેઇટિંગ ધેર" વિજયે વાત પુરી કરી ફોન કાપી નાંખ્યો. જોકે તેને એ જાણવું હતું કે મુકેશે એ કામ કેવી રીતે પુરૂ કર્યું પરંતુ ફોનમાં વધુ વાત કરવાનું મુનાસીબ નહી જણાતા તેણે વિચાર્યું કે મુકેશ મારી પાસે આવી જ રહયો છે ત્યારે રૂબરૂ મળીને જ વિગતો પૂછી લઈશ.

( વધુ આવતા અંકે....)

*******************************