પાસવર્ડ પ્રકરણ – ૩ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ પ્રકરણ – ૩

પાસવર્ડ ૦પ્રકરણ – ૩

-વિપુલ રાઠોડ

અખબારો અને ટી.વી. ચેનલોએ જેલના હત્યા કાંડને લઈને એટલી હદે હોબાળો મચાવી દીધો હતો કે સરકારના ગૃહ મંત્રાલયે આ ઘટનાની ગંભીર નોંધ લેવી પડી હતી. ગૃહ સચિવે પોલીસ વડા અભય કુમાર પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવી લીધો હતો. સરકારે સર્વ પ્રથમ તો જેલરને સસ્પેન્ડ કરી આ ઘટના અનુસંધાને તપાસમાં જ્યાં ક્યાંય પણ આવશ્યકતા જણાય ત્યાં તેમની સાથે રહેવા તેમજ નવા જેલરને વિના વિલંબે ચાર્જ સંભાળી લેવાનો હુકમ કર્યો. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે ત્રણ સિનિયર અધિકારીઓની એક તપાસ સમિતિ નિયુક્ત કરી સત્વરે રિપોર્ટ આપવા આદેશ કર્યો. અન્ય ઘટનાઓમાં બનતું હોય છે તેમ આ કિસ્સામાં પણ સરકારે સસ્પેન્શન અને તપાસ સમિતિ રચવા જેવા લીધેલા આ નિર્ણયો પણ મીડિયાની હેડ લાઈન્સ બની ચમકવા લાગ્યા.

સરકારના હુકમને પગલે નવા જેલરે સાંજના સમયે સેન્ટ્રલ જેલનો કાર્યભાર સંભાળી લીધો હતો. તેમણે જેલના અન્ય તમામ અધીકારીઓ અને ગાર્ડઝ સાથે તાકિદની એક બેઠક યોજતા પૂર્વે અધિકારીઓને સાથે રાખી જેલના ખૂણે ખુણાની મુલાકાત કરી જેલની કાર્ય પ્રલાણી, સુરક્ષા વ્યવસ્થા અને ગત રાતે બની ચૂકેલી ઘટના વિશે જાણકારી મેળવી લીધી. અધિકારીઓ સાથેની બેઠક બાદ તુર્ત જ તેમણે જેલની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરી નાંખ્યા. બેરેકની જવાબદારી સંભાળી રહેલા ગાર્ડઝની અદલા બદલી કરી હવેથી પોતાની સૂચના મુજબ જ કામગીરી કરવા આદેશ આપ્યો. જેલમાં હવે જો ક્યાંય પણ કાયદા કે નિયમોનો ભંગ થયાની ખબર પડશે તો જે તે જવાબદાર અધિકારી અને ગાર્ડ સામે આકરા પગલાં લેવાની ચેતવણી પણ આપી.

****************************

અભય કુમાર વહેલી સવારના પાંચ વાગ્યે ત્યાંથી રવાના થયા ત્યારબાદ નાયબ પોલીસ વડા સૂર્યજીતે આ કેસની તપાસ આગળ ધપાવી હતી. સૂર્યોદય બાદ તેમણે તપાસના કાર્યમાં કોઈ બાધા ના આવે તે માટે આજના દિવસ માટે કેદીઓને બેરેકની અંદર જ પુરી રાખવા જેલરને સૂચના આપી દીધી. સૂર્યજીતે હત્યાના સ્થળોએ ઝીણવટભરી તપાસ શરૂ કરી. જ્યાં તેઓને રાતે જે કાંઈ જોવા ના મળ્યું એ અત્યારે જોવા મળી રહયું હતું. ચાર કેદીઓ અને એક ગાર્ડને સામુહિક રીતે મોતને ઘાટ ઉતારવા જેવી ઘટના ખુબ જ સમજી વિચારને પાર પાડવામાં આવેલુ એક પૂર્વયોજીત ષડયંત્ર જ છે. જેમાં સ્વાભાવિક રીતે જ એક કરતા વધુ હત્યારાઓ સંડોવાયેલા હતા. જોકે કેદીઓની સાથે જેલના એક ગાર્ડને શા માટે મારી નંખાયો હશે તે પ્રશ્ન કેટલાક પોલીસને સતાવતો હતો.

શું એ ગાર્ડ કેદીઓ સાથે કોઈ પ્રકારની સાંઠ ગાંઠ ધરાવતો હશે? જ્યારે હત્યારાઓ કેદીઓને મારતા હતા ત્યારે શું ગાર્ડ તેઓને જોઈ ગયો હોય અને એ કારણસર હત્યારાઓ તેની ઉપર પણ તૂટી પડ્યા હશે? હત્યારાઓ જેલના જ અન્ય કોઈ કેદીઓ હશે કે.......??? આ વિચાર વાક્ય પુરૂ થાય એ પહેલા સૂર્યજીતને ફાંસી ખોલી પાસે કેટલાક મહત્વના ચિહ્નો જોવા મળ્યા. જેલની ઊંચી દિવાલ ફાંસી ખોલીથી માત્ર પચાસેક ફૂટના અંતરેથી પસાર થતી હતી. આ એરીયામાં ગાર્ડનિંગ કરાયેલ હતું. દિવાલથી સૌથી નજીકના બે ત્રણ વૃક્ષો આશરે માંડ દસેક ફૂટ જ દૂર હતા. સૂર્યજીતને વૃક્ષોની આસપાસ અકાળે તૂટી પડેલા કેટલાક લીલા પર્ણ તેમજ ત્રણેક નાની મોટી ડાળીઓ નીચે પડી હતી. માત્ર એટલું જ નહીં, ચાલીસેક ફૂટ લાંબા બે દોરડા ઝાડની ઉપર અધવચ્ચે ગાંઠ મારીને બાંધેલા જોવા મળ્યા. જેનો બીજો છેડો દિવાલ પર થઈને જેલની બહારની સાઈડમાં લટકતો હતો. દોરડામાં થોડા થોડા અંતરે ગાંઠો મારેલી હતી. આ દ્રશ્યો પોલીસે કેમેરામાં ઝીલી લીધા. સૂર્યજીતને એટલો ખ્યાલ આવી ગયો હતો કે હત્યારાઓ બહારના જ કોઈ શખસો છે જેઓને જેલની અંદરથી કેટલાક કેદીઓ અને ગાર્ડઝનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. રાત્રે કેદીઓને બેરેકમાં પુરી દીધા બાદ તેઓની ગણતરી કરાઈ ત્યારે સંખ્યા બરોબર હતી સિવાય કે ચાર મૃત કેદીઓ. મતલબ સાફ હતો કે એક પણ કેદીએ જેલમાંથી ભાગવાની કોશિષ નથી કરી અથવા તો અંધાધૂંધી દરમ્યાન ભાગી છૂટવાનો મોકો કદાચ તેઓને ના મળ્યો હોય.

એક સવાલ એ પણ ઉપસ્થિત થતો હતો કે, બેરેક નંબર ૧૦, ૧૧ અને ૧૨ ના દરવાજા ખુલ્લા હતા તો એ કોણે ખોલ્યા અથવા તો ખોલવાની વ્યવસ્થા કેવી રીતે થઇ? જે કેદીઓ મૃત્યુ પામ્યા હતા તેઓ બેરેકની બહાર શા માટે ગયા હતાં? આ પ્રશ્નનો જવાબ તો બેરેકમાં તેમની સાથે રહેલા અન્ય કેદીઓ જ આપી શકે એમ હતાં.

સૂર્યજીતે ધ્યાનમાં આવેલી તમામ બાબતો પોતાની ડાયરીમાં નોંધી લીધી. મૃત્યુ પામેલા ચાર કેદીઓ પૈકી એક એક કેદી બેરેક નંબર ૧૦ અને ૧૧ના તથા ચોથો કેદી બેરેક નંબર ૧૨ નો હતો. જ્યારે તેઓની સાથે જ મોતને ભેટેલો ગાર્ડ બેરેક નંબર ૧૨ પાસે ચોકી કરવાની ફરજ બજાવતો હતો. આમ સૂર્યજીતની તપાસ હવે આ ત્રણ બેરેક આસપાસ કેન્દ્રિત થઇ હતી. તેણે વિશેષ વિગતો પ્રાપ્ત કરવા આ ત્રણેય બેરેકના કેદીઓની પુછપરછ શરૂ કરાવી. દરેક કેદીએ શું શું જોયું અને તેઓ આ કિસ્સામાં કેવી કેવી જાણકારી ધરાવે છે તેના નિવેદનો લેવાનું શરૂ કર્યું. મોટાભાગના કેદીઓ ફફડી રહયા હતા. તેઓના નિવેદનોનો સૂર મહદ અંશે એકસરખો જ હતો પણ થોડા કેદીઓ એવા હતાં જેઓ પાસે થોડી વિશેષ માહિતી મળી શકે એમ હતી. સૂર્યજીત આ કેદીઓને એક અલગ રૂમમાં લઇ ગયો અને ત્યાં જઈને તેઓની વિસ્તૃત પુછપરછ કરતા તેમને આ કેસના મૂળ સુધી જઈ શકાય એવી કેટલીક કડીઓ પ્રાપ્ત થઇ. અમુક કેદીઓ પાસે કેસમાં ઉપયોગી થાય એવી માહિતી ચોક્કસપણે હતી અને પોલીસ એ માહિતી ઓકાવવામાં લગભગ સફળ રહી હતી. આ માહિતીના આધાર પર પોલીસે શહેરના બે મોટા ગજાના વગદાર શ્રીમંતો પર ગુપ્ત વોચ ગોઠવી દેવાનું નક્કી કરી લીધું હતું.

****************************

સરકારમાં નાણાં મંત્રાલય જેવા મોભાદાર વિભાગનાં વરિષ્ઠ મંત્રી હોવાના નાતે અનંતરાય શહેરમાં પણ સરકારી પ્રશાસનમાં તેનો પડ્યો બોલ ઝીલાતો હતો. તેમણે પોતાના અત્યંત વિશ્વાસુ એવા ખાસ છ મિત્રોને શહેરથી દુર પોતાના ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા. નેશનલ હાઈવે પરથી આડા ફાટતા એક સાંકડા રોડ પર લગભગ દસેક કિ.મી. આગળ ધપ્યા બાદ તેઓએ રોડથી નીચે ઉતરી એક કાચા રસ્તા પર તેમની કાર ધીમી ગતિએ હંકાર્યે રાખી. પાંચ સાત મિનિટ બાદ તેઓ ફાર્મ હાઉસના મેઈન ગેઈટ પાસે આવી પહોંચ્યા. દરવાને ગેઈટ ખોલતા બંને કાર અંદર ચાલી ગઈ. ગેઈટથી અંદરના બંગલા સુધીના ૫૦૦ મીટર જેટલા રસ્તાની બંને બાજુ ઊંચા વૃક્ષો ઉભા હતા અને થોડા થોડા અંતરે હથિયારધારી સિક્યુરીટી ગાર્ડ ખડે પગે ઉભા હતા. બંગલા પાસે પહોંચ્યા બાદ અનંતરાય સૌને બંગલાની અંદર દોરી ગયા. તેમણે દરવાજો બંધ કરી દીધો. અંદર પહોંચતા જ તેમના મિત્રોની આંખો પહોળી થઇ ગઈ.

બંગલાના મુખ્ય હોલની વચ્ચે મોંધી દાટ ગોળાકાર ચટાઈ પથરાયેલી હતી. ફરતી બાજુ હિન્દી ફિલ્મોની જેમ સુંવાળા ગાદલા અને તકિયા ગોઠવવામાં આવ્યા હતા. પ્રત્યેક ગાદલા પાસે વિવિધ પ્રકારના નાસ્તાની ડીશો તૈયાર હતી. બાજુમાં જ જુદી જુદી બ્રાન્ડની શરાબની બોટલો પડી હતી. અનંતરાયે સૌને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા કહ્યું. થોડી વારમાં જ બંગલાની અંદરની ઝાકમઝોળ રોશની ધીમે ધીમે આછી થવા લાગી ને આખરે સાવ અંધકાર છવાઈ ગયો. બે ત્રણ મિનિટ બાદ તમામ લાઈટો એક સાથે જ ઝળહળી ઉઠી. સૌના આશ્ચર્ય વચ્ચે ગોળાકાર ચટાઈની બરોબર વચમાં ઉભેલી છ સુંદર યુવતીઓ ફિલ્મી હિરોઈનો જેવા આકર્ષક ટુંકા અને ચુસ્ત વસ્ત્રોમાં ઓપતી હતી. અનંતરાયે ચપટી વગાડતા જ મધ્યમ અવાજમાં ફિલ્મી ગીત ગુંજવા લાગ્યું ને એ સાથે જ પાંચે પાંચ યુવતીઓએ સેક્સી અંદાજમાં ડાંસ શરૂ કરી દીધો.....એક પછી એક આઇટમ સોંગ ડાન્સરો જોરદાર ઝૂમી હતી.

આ સિલસિલો લગભગ બે ત્રણ કલાક સુધી ચાલ્યો. ત્યારબાદ સૌએ ફાઈવ સ્ટાર હોટલમાંથી મંગાવવામાં આવેલું ભોજન કર્યું ત્યાં સુધીમાં તો રાત્રીના દસ વાગી ગયા હતા. ત્યારબાદ અનંતરાયે તેના મિત્રોને વધુ એક સરપ્રાઈઝની ભેટ ધરી. અનંતરાયના આદેશને પગલે તેમના નોકર છ સુટકેશ ત્યાં મુકી ગયો. અનંતરાયે તમામને એક એક સુટકેશ આપી અને ખોલીને જોવા કહ્યું. મિત્રોએ સુટકેશ ખોલતા જ તેમની આંખો ચમકી ઉઠી. દરેક સુટકેશમાં બબ્બે કરોડ રૂપિયાની થપ્પીઓ ગોઠવાયેલી હતી.

" આ રૂપિયા તમારા છે...આપણે નક્કી કર્યું હતું એ મુજબનું કામ બરોબર પાર પડી ગયું છે ને મારે જે જોઈતું હતું એ મને મળી ગયું છે. તમે તમારા કામમાં સો ટકા સફળ થયા છો. સૌથી મજાની વાત તો એ છે કે આપણું મિશન કોઈને જરા સરખી ગંધ પણ ના આવે તે રીતે પુરૂ થયું છે. આ રકમ તમારા પુરસ્કાર રૂપે છે. " અનંતરાયે ધીમા અવાજે કહ્યું.

" થેંક યુ અનંતરાય...અમને તો આશા જ ન્હોતી કે....અમને આવી શાનદાર સરપ્રાઈઝ મળશે.

" અરે હજુ સરપ્રાઈઝનો સિલસિલો પુરો નથી થયો. ચાલો હવે આપણે સૌ પોત પોતાના રૂમમાં આરામ કરીશું અને વહેલી સવારે ૪.૦૦ વાગ્યે અહીથી શહેર પાછા જવા રવાના થઈશું. તો ચાલો ગૂડ નાઈટ એવરી બડી. એન્જોય ધ સ્ટે ઇન ધીસ બ્યુટીફુલ ફાર્મ હાઉસ. સી યુ એટ ધ અર્લી મોર્નિંગ."

" ગૂડ નાઈટ અનંતરાય..." સૌ એક સાથે બોલ્યા ને અનંતરાય પણ પોતાના રૂમમાં સરકી ગયા.

અનંતરાય તેમના રૂમમાં જઈને તેના ફોનમાંથી એક કોલ કરે છે.

" બોલો શું રીપોર્ટ છે? "

" સર આપની સૂચના બાદ મેં કાર્તિકનો પીછો કર્યો હતો. તે તેની ઓફિસે જવાને બદલે તેના એક ખુબ જ સિનિયર એડવોકેટ પાસે ગયો હતો. જ્યાં તેણે ખાસ્સો બે કલાક જેવો સમય પસાર કર્યો હતો. સંભવ છે કે આ કેસમાં વિશેષ માર્ગદર્શન મેળવવા તે ત્યાં ગયો હોય. "

" તને પાક્કી ખાતરી છે કે તે ત્યાં જ ગયો હતો? "

" જી સર મને ખાતરી છે."

" ઓકે. હવે તારે હવે એક બીજું કામ કરવાનું છે."

" બોલો સાહેબ "

" મને એમ લાગે છે કે, પી. આર. કન્સલ્ટન્સી કંપનીમાં આપણા જે કોઈ સોર્સ છે તેઓની પાસેથી તારે એ તપાસ કરવી જોઈએ કે ....................." અનંતરાયે કેટલીક સૂચના આપીને ફોન કટ કરી નાંખ્યો.

એએજી તરફ તેના દરેક મિત્ર પોત પોતાના રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે સરપ્રાઈઝ નંબર ૩ તેમને આવકારવા માટે તૈયાર હોય છે.

****************************

પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ અને સેન્ટ્રલ જેલના ભયાનક હત્યા કાંડથી થથરી ઉઠેલા અભય કુમારે દેખીતી રીતે જ અન્ય બનાવો કરતા અત્યંત રહસ્યમય અને જબરદસ્ત ઊંડાણ ધરાવતા આ પ્રકરણમાં પોલીસ દ્વારા થઇ રહેલી તપાસ છેક મૂળ કાવત્રાખોરો સુધી પહોંચી શકશે કે કેમ એવી શંકા જણાતા તેના અતિ વિશ્વાસુ એવા ચાર પોલીસ અફસરોની એક ખાનગી બેઠક પોતાના ગુપ્ત સ્થળે આવેલા એક બંગલામાં બોલાવી હતી. ચારેય અફસરોએ અભય કુમારની આખી વાત સાંભળ્યા પછી કેટલાક સવાલો પૂછ્યા ને અભયે તેના જવાબો આપ્યા.

બરોબર આ તકે અચાનક જ બંગલાના અંદરના એક રૂમમાંથી એવી એક હસ્તિ પ્રગટ થાય છે જેને જોતા જ ચારેય પોલીસ ઓફિસરોના પગ તળેથી જમીન સરકી ગઈ. તેઓ એક સાથે ઉભા થઇ ગયા. તેઓના આશ્ચર્યનો કોઈ પાર ના રહયો. હવે પરીક્ષા આ ચારેય અફસરોની થવાની હતી. અભય કુમારની વાત સાંભળ્યા બાદ તેઓને શરૂઆતમાં તો તોડી ચિંતા થઇ હતી પરંતુ ત્યાં પ્રગટ થયેલ વ્યક્તિ સાથે પણ કેટલાક મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ તેઓની ચિંતા દૂર થઇ ગઈ. તેઓ હવે બેફિકરાઈથી પોતાના મિશનમાં આગળ ધપી શકે એમ હતાં.

"...તો ...સર હવે અમોને રજા આપો ..." એટલું કહી ચારેય ઓફિસરોએ સેલ્યુટ ઠોકી.

" ઓકે ફ્રેન્ડઝ...ગો એન્ડ કમ બેક વિકટોરિયસ...ગૂડ નાઈટ...ઓલ ધ બેસ્ટ"

અભય કુમારનો આભાર માને ચારેય અફસરો ત્યાંથી રવાના થઇ ગયા..

અચાનક અભય કુમારનું ધ્યાન કાચની બારી પર હલન ચલન કરી રહેલા પરદા પાછળ જોવા મળેલા એક ચહેરા પર પડ્યું ને તેઓ ઉભા થઇ ગયા........

****************************

સેન્ટ્રલ જેલના ભયાવહ હત્યા કાંડને કારણે પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણની ઘટનાનો ઉઠવો જોઈતો શોરબકોર દબાઈ ગયો. શહેરની મધ્યમાંથી પસાર થતા ૨૦૦ મીટરના રિંગ રોડ પર આવેલ વિખ્યાત પી.આર. ટાવરમાં કાર્યરત આ કંપનીમાં શોક અને ભયનો માહોલ પ્રવર્તી રહયો હતો. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના તમામ સદસ્યો પણ થડકી ઉઠ્યા હતા. ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વરને અપહરણના આ કેસમાં જેલમાં ધકેલી દેવાતા કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. અશ્વિનીકુમાર અને મયુરકુમાર ઇન્ટરનેશન ક્ક્ષાનો એક જબરદસ્ત કોન્ટ્રાક્ટ કંપનીને અપાવવા માટે ટૂર પર ગયા ત્યાર પછીથી તેમનો કોઈ અતો પતો નથી. પોલીસે આ બંનેના પરિવારજનોનો સંપર્ક કરી પ્રાથમિક પુછતાછ કરી હતી પરંતુ નક્કર કહી શકાય એવી કામની એક પણ વાત જાણવા મળી શકી ન્હોતી. જોકે જેને મુખ્ય આરોપી ગણી જેલ ભેગો કરી દેવાયો છે તે રાજેશ્વરની પુછતાછ દરમ્યાન તેની વાતચિત થોડી શંકાસ્પદ જરૂર જણાઈ હતી. ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ તરીકેનું રાજેશ્વરનું કાર્યક્ષેત્ર એવું હતું કે કંપનીનો એકે એક અધિકારી અને કર્મચારી તેને સલામ ઠોકતો હતો. કંપનીના મેનેજમેન્ટમાં ટોચના પદાધિકારીઓ સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ હતો અને તેનો પડ્યો બોલ પણ ઝીલાતો હતો. પોલીસ એવું માનતી હતી કે રાજેશ્વર અપહરણની ઘટનામાં મહત્વની કડી રૂપ છે. તે ઘણું બધું જાણે છે પરંતુ કશું બોલતો નથી. બીજી તરફ રાજેશ્વરે પણ પોતાના બચાવમાં જે કાઈ વાતો કરી હતી તે પોલીસને ગળે ઉતરતા ન્હોતા. સરવાળે તેને જેલ યાત્રા કરવાની નોબત આવી.

અપહરણની ઘટનાને એક સપ્તાહનો સમય વિતી ગયો હતો પણ પોલીસને હજુ પણ ચેરમેન કે વાઈસ ચેરમેનની કોઈ ભાળ મળી શકી ન્હોતી. પોલીસ એવી ધારણા લગાવી રહી હતી કે અપહરણકારો કંપની સાથે સંકળાયેલા અન્ય કોઈ મહત્વના પદાધિકારીનો સંપર્ક કરવાનો કોઈ પણ રીતે પ્રયાસ જરૂર કરશે. જોકે આટલો સમય પસાર થઇ જતા હવે પોલીસની ચિંતા પણ વધવા લાગી હતી. અપહરણકારોએ હજુ સુધી કોઈનો પણ સંપર્ક કર્યો ન્હોતો.

પોલીસે આ ઘટના બાદ કંપનીની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ચેરમેન, વાઈસ ચેરમેન અને રાજેશ્વરની ચેમ્બર ફંફોળી નાંખવામાં આવી હતી,પરંતુ કશું વાંધાજનક કે પછી કેસની તપાસમાં પ્રગતિ થઇ શકે તેવી કોઈ ઉપયોગી માહિતી મળી શકી ન્હોતી. આમ છતાં આ ત્રણેયની ચેમ્બર "સીલ" કરાવી દીધી હતી. ઉપરાંત ત્રણેયના મોબાઈલ ફોન, વિવિધ વિષયોની ફાઈલો અને કોમ્પ્યુટર જપ્ત કરી તેમાં રહેલ ડેટા મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. શહેર પોલીસ વડા અભય કુમારના આદેશના પગલે આ કંપનીના અત્યાર સુધીના તમામ ક્લાયન્ટ્સના નામ સરનામાં તેઓ તરફથી કંપનીને સોંપવામાં આવેલ કાર્યની પોલીસે એકત્ર કરી હતી. અભય કુમારની એક ધારણા એવી પણ હતી કે, કોઈ ક્લાયન્ટના કામના અનુસંધાને સંભવ છે કે કોઈ માથાકૂટ સર્જાઈ હોય. આ તમામ ક્લાયન્ટ્સના કામો કંપનીમાં કોણ કોણ સંભાળતું હતું તે અધિકારી કર્મચારીઓની કુંડળી પણ પોલીસ ચકાસી રહી છે. પોલીસને એવી શંકા હતી કે, કંપનીમાં કંઇક કાર્ય તો એવું થતું હશે જેના કારણે ટોચના બબ્બે પદાધિકારીઓનું અપહરણ થઇ ગયું.

****************************

" બોસ....આજે અભય કુમારે તેના ખાનગી બંગલામાં અને અનંતરાયે તેના ફાર્મ હાઉસ ખાતે પોતપોતાના કેટલાક ખાસ માણસો સાથે ગુપ્ત મીટીંગ કરી હતી." અધિરાજનો બાતમીદાર તેને ફોનમાં માહિતી આપી રહયો હતો.

" આ બંને મીટીંગ શા માટે બોલાવાઈ હતી એ જાણવા મળી શક્યું ખરૂ? અધિરાજે સવાલ પૂછ્યો.

" સોરી બોસ, એ ખબર ના પડી, પણ મીટીંગમાં હાજર રહેલા લોકોની કુંડળીઓ મેળવી રહયા છીએ."

" માત્ર કુંડળી જ નહીં પરંતુ હવે એ લોકોની હરકત પર નજર રાખજો. તેઓ કોઈ ગેઇમ ખેલી નાંખે અને આપણને ખબર પણ ના હોય એવું ના બને એની કાળજી રાખજો."

" જી..બોસ"

"ગૂડ નાઈટ ..."

"ગૂડ નાઈટ બોસ..."

****************************