પાસવર્ડ – 6 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ – 6

૦પ્રકરણ – ૬

અપહરણ અમે જેલ હત્યા કાંડના સમગ્ર મામલે ચર્ચા કરવા પોલીસ કમિશનર અભય કુમારની ચેમ્બરમાં એક બેઠકનું આયોજન થયું હતું. નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત કમિશનરના ટેબલની સામેની ચેરમાં બેઠા છે. થોડી વારમાં પ્યુન બે કપ કોફી મુકી જાય છે.

"સૂર્યજીત કહો તમારી તપાસ ક્યાં પહોંચી?" અભય કુમારે સવાલ કર્યો.

" સર, જેલના કેદીઓની પુછતાછ પરથી એટલો ખ્યાલ આવ્યો છે કે, પી. આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અને એમ.ડી.ના અપહરણ સાથે જેલના હત્યા કાંડને સીધી કે આડકતરી રીતે કોઈ ને કોઈ સંબંધ જરૂર છે."

"તમે એવું કયા આધાર પરથી કહો છો? કેદીઓએ એવી તે કઈ માહિતી આપી છે?"

જવાબ આપતા પૂર્વે થોડી વાર માટે બોલતા અટકી ગયેલા સૂર્યજીતે પોતાની પર્સનલ ડાયરી ખિસ્સામાંથી બહાર કાઢી. તેમાં તેણે પોતે લખેલા કેટલાક પોઈન્ટસ પર એક નજર ફેરવી વાત આગળ ધપાવી ....." સર, અમે માત્ર કેદીના નિવેદનો કે તેઓની પાસેથી મળેલી નિવેદન સિવાયની કેટલીક માહિતી પર જ આધાર રાખીને આવી ધારણા પર નથી પહોંચ્યા. તેઓના નિવેદનો અને અન્ય માહિતીમાં તથ્ય કેટલું ચકાસવા માટે પણ મહેનત કરી રહયા છીએ. તપાસ દરમ્યાન શહેરના બે નામાંકિત શ્રીમંતોના નામો સપાટ પર આવ્યા છે. અમે આ બંને શ્રીમંતોની હિલચાલ પર નજર રાખી રહયા છીએ. જેલના હત્યા કાંડ અને અપહરણ કાંડ સાથે તેઓને સીધી કે આડકતરી રીતે કશું લાગે વળગે છે કે કેમ તે વિગતો મેળવાઈ રહી છે."

"અત્યાર સુધીની તપાસ પરથી આ બંને શ્રીમંતોની હાલની અને તેની ભૂતકાળની હિલચાલ શું કહે છે?"

" સર, એટલું જાણવા મળ્યું છે કે, છેલ્લા એક દોઢ સપ્તાહમાં આ બંને શ્રીમંતોએ લગભગ વીસેક કરોડ રૂપિયાનો વ્યવહાર કર્યો હોવાનું ટોચના કેટલાક વર્તુળો અને અંધારી આલમમાં ચર્ચાઈ રહયું છે. આ વાત કેટલી સાચી અને કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે પરંતુ જો આ વાત સાચી હોય તો વીસ કરોડ રૂપિયાનો વ્યવહાર કયા કામ માટે થયો હશે તે સમજવું જરૂરી બની રહે છે."

" તમે આ બંને શંકાસ્પદ શ્રીમંતો પર ખાસ નજર રખાવજો. અરે હા...પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વરને અપહરણના આ કેસમાં આપણે જેલમાં તો ધકેલી દીધો છે. તેની સામે અદાલતમાં ચાર્જશીટ રજુ કરવાનું થશે ત્યારે તેની સામેના આરોપને મજબૂત પૂરવાર કરવા માટે તમે કયા આધાર અને પૂરાવા બતાવી શકશો?" અભય કુમારે મહત્વનો સવાલ કર્યો.

" સર, અત્યારે તો આપણી પાસે માત્ર આનુસાંગિક પૂરાવા કે આધારો જ છે. અદાલત તેને કેટલી ગંભીરતાથી લેશે એ કહી શકાય નહી."

" જેલમાંથી મળેલા એક સીમ કાર્ડની કોલ ડીટેઈલ પરથી કશું ખાસ જાણવા મળ્યું છે ખરૂ?"

" સર, તપાસ ચાલી રહી છે. આ સીમ કાર્ડનો માત્ર એક જ વખત જ ઉપયોગ થયો છે. તેની મદદથી જે કોઈ પણ વ્યક્તિને ફોન થયા હતા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહયો છે. જોકે અત્યાર સુધી ખાસ સફળતા મળી શકી નથી."

" ઓકે....તપાસ ગંભીરતાથી આગળ ચલાવો અને મને નિયમિત રીતે રીપોર્ટ કરતા રહો. મારે પણ ઉપર રીપોર્ટ આપતા રહેવું પડે એમ છે. સરકાર આ કેસને ખુબ જ સીરિયસ ગણી રહી છે."

" યસ સર... આઈ વિલ...રીપોર્ટ "

આ પછી બંને વચ્ચે કેટલીક વાતચિત થઇ. જેમાં સૂર્યજીતે પી.આર. કન્સલ્ટન્સી કંપનીના જપ્ત કરાયેલા ત્રણ કોમ્પ્યુટરોમાં રહેલા ડેટા મેળવવા માટે થઇ રહેલી મહેનત વિશે કમિશનરને જાણકારી આપી હતી. ત્યારબાદ સૂર્યજીત ત્યાંથી રવાના થઇ ગયા. સૂર્યજીતે તપાસ દરમ્યાન પોતાને જાણવા મળેલી બોગસ ચલણી નોટ છાપવાના એક કારસ્તાન વિશેની માહિતી કમિશનરને આ મીટીંગમાં આપી ન્હોતી. જોકે સૂર્યજીતને એ ખબર ન્હોતી કે તે જે માહિતી છુપાવી રહયો હતો તેની જાણકારી કમિશનર અભય કુમાર પાસે પહોંચી જ ચુકી હતી.

*******************************

સેન્ટ્રલ જેલના હત્યા કાંડને એક સપ્તાહ કરતા વધુ સમય પસાર થઇ ગયો હતો. ધીમે ધીમે જેલમાં વાતાવરણ નોર્મલ બનતું જતું હતું. કેદીઓને તેઓની બેરેકમાંથી બહાર આવવાની તથા નિશ્ચિત સમયે જેલના કમ્પાઉન્ડમાં હરવા ફરવા કે અન્ય બેરેકમાં કેદીઓને મળવા જવાની છૂટ મળી ચુકી હતી. રાજેશ્વર તેની બેરેક નંબર – ૮ માંથી બહાર આવીને મેદાનમાં હરી ફરી શકતો હતો. તે અન્ય કેદીઓને મળતો પણ હતો. તેણે બેરેક નંબર – ૧૦, ૧૧ અને ૧૨ ના કેટલાક કેદીઓ સાથે મિત્રતા કેળવી લીધી હતી તથા ત્યાં ઉત્સુકતાવશ તેણે નજીકમાં જ આવેલી ફાંસી ખોલી સુધી ચક્કર પણ મારેલા. પોતે જેલમાં આવ્યો એ રાત્રે જ મચેલા ઘમાસાણ વખતે આ ફાંસી ખોલીમાં જ એક કેદી અને એક ગાર્ડને ક્રૂર રીતે ફાંસીના માંચડે લટકાવી દેવાયા હતા એ વિચાર માત્રથી રાજેશ્વર ધ્રુજી ઉઠ્યો હતો. જેલના એક એક ખુણાથી તે હવે પરિચિત થઇ ચુક્યો હતો. આ દરમ્યાન તેને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

રાજેશ્વરને એટલી જાણકારી મળી હતી કે બોગસ ચલણી નોટ છાપવાના એક કારસ્તાન અનુસંધાને જેલમાં હત્યા કાંડ સર્જાયો હતો. જેમાં ચાર કેદીઓ અને એક ગાર્ડ મોતને ભેંટયા હતા. જોકે એમાં કેદીઓની ભૂમિકા શું હોઈ શકે એ ખબર ન્હોતી પડી. પરંતુ તે એટલું સમજી શકતો હતો કે, મોતને વરેલા કેદીઓ કદાચ એવું કાંઈક એવું જાણી ગયા હશે કે જે તેઓએ જાણવું ન્હોતું જોઈતું. અથવા તો તેઓએ કોઈ એવી હરકત કરી હશે કે જે તેઓએ કરવી ન્હોતી જોઈતી. રાજેશ્વરને એ પણ જાણવા મળ્યું કે, જેલમાં કેટલાક કેદીઓની હરકત શંકાસ્પદ છે અને આ કેદીઓ બે જૂથમાં વહેંચાયેલા છે. જેલના હત્યા કાંડ પાછળનું સાચું કારણ શું છે, હત્યા કોના ઇશારે કરવામાં આવી અને તેઓનો શું મકસદ છે અમુક કેદીઓ જાણે જ છે.

રાજેશ્વર આ વૈચારિક ગડમથલમાં હતો ત્યારે જ એક ગાર્ડ તેની પાસે આવ્યો. સામાન્ય રીતે કેદીઓને તુંકારે જ બોલાવવાની ગંદી આદતો ધરાવતા ગાર્ડઝ રાજેશ્વરના અદભૂત વ્યક્તિત્વને જોઈને એવા અંજાઈ ગયા હતા કે તેને તુંકારે બોલાવવાની હિંમત કેળવી શકતા ન્હોતા.

" રાજેશ્વર તમારા માતા-પિતા, પત્ની અને એડવોકેટ તમને મળવા આવ્યા છે. ચાલો મારી સાથે."

ગાર્ડની વાત સાંભળીને રાજેશ્વરના ચહેરા પર સ્મિત અને કશોક કળી ના શકાય એવો ભાવ પણ ઉપસી આવ્યો. ગાર્ડ તેને મુલાકાત રૂમ સુધી દોરી ગયો. આ રૂમ લોખંડના સળીયાની મદદથી વચ્ચો વચ્ચ ઉભી કરાયેલી જાળીને કારણે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. જાળીની એક તરફ રાજેશ્વર અને બીજી તરફ મુલાકાતીઓ ઉભા રહી શકતા હતા. રૂમમાં પ્રવેશતા જ રાજેશ્વરે તેના પરિવારજનોને નિહાળ્યા. સ્વાભાવિકપણે જ તેઓની આંખો ભીની થઇ ગઈ હતી. એડવોકેટ કાર્તિક પણ તેની લાગણીને વહેતી રોકી શક્યા ન્હોતા. ગમગીન બની ગયેલા માહોલમાં થોડી પળો બાદ એક બીજાના હાલ ચાલ પૂછી તેઓએ મહત્વના કેટલાક મુદ્દાઓ વિશે વાતચિત કરી લીધી. મુલાકાત માટે તેઓને ૧૫ મિનિટનો મર્યાદિત સમય જ મળ્યો હતો.

રાજેશ્વરની વાતચિત પરથી તેના માતા-પિતા અને પત્નીને એટલી હૈયે ધરપત વળી કે રાજેશ્વર ઠીકઠાક છે. કોઈ મુશ્કેલી નથી. પંદર મિનિટનો સમય પુરો થઇ ગયા પછી રૂમમાં ઉભેલા એકેય ગાર્ડે " મિલને કા વક્ત ખતમ હો ગયા....." એવું કહેવાની હિંમત કરી ન્હોતી. વધુ પંદર મિનિટનો સમય પસાર થયા બાદ આખરે એક ગાર્ડે પુરા વિવેક સાથે રાજેશ્વરને સમય મર્યાદા વિશે વાત કરતા તે સમજી ગયો અને તેણે તેના માતા પિતાને વંદન કર્યા અને પત્ની સામે સસ્મિત નજર ફેંકી તેઓને જવા માટે સાદર વિનંતી કરી. તેઓ ત્યાંથી રવાના થયા અને રૂમમાંથી બહાર નીકળ્યા જ હતા ત્યાં રાજેશ્વરે બૂમ પાડી એડવોકેટ કાર્તિકને એક મિનિટ પાછા બોલાવ્યા. ગાર્ડઝને વિનંતી કરતા તેણે થોડી પળો વધુ મળી ગઈ. કાર્તિક પાછો મુલાકાત રૂમમાં આવતા જ રાજેશ્વરે તેને અન્ય કોઈ વ્યક્તિને સંભળાય નહી એ રીતે તેના કાનમાં ખુબ જ ધીમા સ્વરે કેટલીક વાતો કરી દીધી. આ પછી રાજેશ્વર અને કાર્તિકે પણ રૂમમાં ઉભેલા તમામ ગાર્ડઝનો આભાર માનીને પોતપોતાના રસ્તે ત્યાંથી ચાલતી પકડી.

" શું કહે છે રાજેશ્વર?" રૂમમાંથી બહાર આવેલા કાર્તિકને રાજેશ્વરના માતા પિતાએ સ્વાભાવિક રીતે જ પૂછયુ પરંતુ જોકે કાર્તિકે પણ સાચી વાત કહેવાને બદલે કેસ સંબંધી કેટલાક મુદ્દાઓની ચર્ચા થયાનું જણાવી તેઓને આશ્વસ્ત કરી દીધા. જેલના બહારના કમ્પાઉન્ડમાંથી બહાર આવ્યા બાદ કાર્તિકે રાજેશ્વરની સૂચના મુજબ એક કામ કરવાનું હતું.

*******************************

અનંતરાયે સ્ટીલના ગુમ્બજના ચાર પૈકી એક દરવાજા પાસેની કોમ્પ્યુટર સ્ક્રીન પર પોતાનો ગુપ્ત કોડ એન્ટર કર્યો ને ફરી કોમ્પ્યુટર બોલ્યું. " થેન્ક્યુ. નાવ પ્રેસ ધ રેડ બટન ". અનંતરાયે રેડ બટન દબાવતાં જ દરવાજો એક તરફ ખસી ગયો.

" ચાલો અંદર." અનંતરાય તેઓને અંદર દોરી ગયા. જતા જતા અનંતરાયે અંદરની બાજુએથી પણ બહાર જેવી જ એક કોમ્પ્યુટર સિસ્ટમમાં એક બટન દબાવતાં જ દરવાજો પૂન: લોક થઇ ગયો.

અનંતરાયના મિત્રો રૂમમાં પ્રવેશ્યા. ખરેખર તેને રૂમ કહેવા કરતા તો એક કોમ્યુટર લેબ કહેવી વધુ ઉચિત હતી. રૂમની ફરતી બાજુએ દિવાલ પાસે ટેબલ પર લેટેસ્ટ કોમ્યુટરો, પ્રિન્ટર, સ્કેનર અને અન્ય ઈલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ નજરે પડતા હતા. જોકે એક પણ કોમ્પ્યુટર પર કોઈ વ્યક્તિ હાજર ન્હોતી. આ રૂમમાં તેઓ સાત જણા સિવાય બીજું કોઈ જ હાજર ન્હોતું.

" તમારે હવે જે કામ કરવાનું છે એ હું તમોને કહું છું, પરંતુ ફરી એક વાર સાંભળી લ્યો કે હવે પછે થનારી એક પણ વાત આપણા સાત જણા સિવાય બીજા કોઈને ખબર ના પડે તેનું ધ્યાન રાખવાનું છે. "

" જી અનંતરાય...અમે સમજી ચુક્યા છીએ. તમે ચિંતા ના કરો. કામ બોલો."

અનંતરાયે સ્ટીલની દિવાલ પર એક જગ્યાએ કોમ્પ્યુટર સ્ક્રીનમાં પોતાના કોડ એન્ટર કરી વિશાળ લોકર ખોલ્યું. છ એ છ મિત્રો તો ફાટી આંખે જોઈ જ રહયા કે અનંતરાયની આ બધી શું માયાજાળ છે? એ લોકરમાંથી અનંતરાયે સ્ટીલના જ બનેલા છ મોટા કદના બોક્સ બહાર કાઢ્યા અને પછી બોલ્યા કે...

" તમારે આ છ બોક્સ હું કહું એ સમયે અને એ જગ્યાએ પહોંચતા કરવાના છે. બસ તમારે માત્ર આટલું જ કરવાનું છે. બોલો કોઈ પ્રશ્ન ?"

" પણ આ બોક્સમાં છે શું?" એક મિત્રે પ્રશ્ન પૂછ્યો.

" એ તમારે જાણવાની જરૂર નથી. આમ પણ આ બોક્સ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ આધારિત લોક ધરાવે છે અને પાસવર્ડથી લોક પણ છે. માત્ર એટલું જ નહી, આ બોક્સ માત્ર પાસવર્ડ એન્ટર કરવાથી પણ નહી ખુલી શકે, કેમ કે બીજા સ્ટેજમાં વ્યક્તિએ સામાન્ય સુટકેશમાં હોય છે તેવો પરંતુ માત્ર ચાર આંકડા નહી પણ છ આંકડાનો બીજો પાસવર્ડ મેન્યુઅલી એન્ટર કરવો પડશે, અને ત્યારબાદ જ આ બોક્સ ખુલી શકશે. માટે તમે આ બોક્સમાં શું હશે એ જાણવાની તાલાવેલીમાં કોઈ ખોટા પાસવર્ડ એન્ટર કરી ના બેસતા, અન્યથા આ બોક્સની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સંપૂર્ણ લોક થઇ જશે અને પછી કોઈના બાપથી પણ આ બોક્સ નહી ખુલે. માટે એવી ભૂલ કરતા નહી."

" આ બોક્સ ક્યા લઇ જવાના છે?"

" તમારે છ એ છ જણાએ એક સાથે જવાનું નથી. કે એક જ સ્થળે પણ જવાનું નથી. તમને કહી દેવામાં આવશે કે તમારે ક્યા જવાનું છે. હા એટલું કહી દઉં કે તમારે બબ્બેની જોડીમાં જવાનું થશે. મતલબ કે ત્રણ સ્થળે તમારે બબ્બે બોક્સ પહોંચાડવાના થાશે. હવે કોઈ સવાલ?

" ..... પણ જવાનું ક્યારે થશે?"

" એ પણ તમોને ખબર પડી જાશે. અધીરા ના થાવ."

બરોબર એ સમયે રૂમનો દરવાજો ખુલ્યો ને ચહેરા પર નકાબ ચડાવેલા વધુ છ માણસો રૂમમાં પ્રવેશ્યા. અનંતરાયે તેઓને આ બોક્સ બહારના રૂમમાં લઇ જવા સૂચના આપી. બીજી તરફ અનંતરાય અને તેના મિત્રો રૂમમાંથી બહાર આવ્યા. ત્યાં અનંતરાયના વધુ કેટલાક માણસો હાજર હતા. તેઓએ છ એ છ મિત્રોની આંખો પર પટ્ટી બાંધી દીધી. જે રીતે તેઓ અહી સુધી આવ્યા હતા એ જ રીતે જ તેઓ બહાર પણ નીકળી ગયા અને તેઓને મોટર કારમાં બેસાડી અનંતરાયના ફાર્મ હાઉસ ખાતે પહોંચાડી દેવાયા. ગઈ રાત્રે તેઓએ જ્યાં મસ્ત ડાન્સ પાર્ટી ઉજવી હતી ત્યાં તેઓ પાછા આવી પહોંચ્યા હતા. આંખો પરથી પટ્ટી હટાવી દેવાઈ હતી.

અનંતરાય તેમની રીવોલ્વીંગ ચેરમાં બેઠા હતા. તેમના મિત્રોને એ જાણવું હતું કે, અનંતરાયનું ગ્રુપ કેવી પ્રવૃત્તિઓ કરી રહયા છે અને હવે આ સ્ટીલના બોક્સનું તેઓએ શું કરવાનું છે???

*******************************

અપહરણ અને હત્યા કાંડ વિશે અખબારો અને ટી.વી. ચેનલોએ જે વિવિધ અહેવાલો જાહેર કર્યા હતા તેના કારણે અધિરાજની ચિંતામાં થોડો વધારો જરૂર થયો હતો. જો મીડિયા આમ ને આમ બૂમ બરાડા પાડ્યા રાખશે તો પોતાનો પ્લાન ચોપટ થઇ જશે એવી દહેશત તેના મનમાં જન્મી હતી. આ સ્થિતિમાં મીડિયાને અન્ય માર્ગે દોરવું જરૂરી બનવા લાગ્યું હતું. તે કશુંક વિચારી રહયો હતો ત્યાં જ તેના ફોનમાં રિંગ વાગી.

" હા...કહો...શું ખબર છે?"

" કમિશનર અભય કુમારના નિવાસે એક ખાનગી બેઠક મળી હતી, અને તેમાં અભયે તેના ચાર વિશ્વાસુ પોલીસ ઓફિસરોને તેમાં હાજર રાખ્યા હતા."

" આ મીટિંગમાં અન્ય એક હસ્તિ પણ સામેલ હતી."

" કોણ હતું એ મહાશય ?"

"...............................!!!!!!!" સામેથી જવાબ સાંભળીને અધિરાજના ચહેરા પર ખુશી ફરી વળી.

" વેરી ગૂડ ...., બીજું શું જાણવા મળ્યું?"

" આ બેઠકમાં નક્કી થયા મુજબ ચારેય ઓફિસરોને કોઈ ખાસ કામે મોકલવામાં આવેલ છે. જોકે અમે વધુ વિગત મેળવી શકીએ એ પહેલા તો અભય કુમારનું ધ્યાન બારી પર પડતા જ અમો બંનેએ ત્યાંથી ભાગી જવું પડ્યું. અભયે તો તેના પહેલવાનોને અમારી પાછળ દોડાવ્યા હતા અને એ વિસ્તારના પોલીસ મથકના સ્ટાફને પણ જાણ કરી દીધી હતી અને તેઓ પણ અમોને પકડવા રસ્તા પર અમારી વાત જોતા હતા પણ અમે ગમે તેમ કરીને પણ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થઈ ગયાં. "

" તમે બંને અભયના એ ખાનગી બંગલામાં ઘુસી ગયા ત્યાં સુધી કોઈને ખબર ના પડી એટલા વળી તમારા નસીબ સારા કહેવાય ખરૂને?"

" ના સાવ એવું પણ નથી. અભયની સાથે મીટિંગમાં હાજર રહેલા પેલા મહાશયના બે માણસોનું ધ્યાન અમારા પર પડી ગયું હતું. તેઓ પહેલેથી જ ત્યાં હાજર હતા. અભય અને તેના ચાર ઓફિસરો અને પોતે બંગલામાં આવે ત્યાર પહેલા જ એ મહાશયે પોતાના એ બંને માણસોને ત્યાં તૈનાત કરી જ રાખ્યા હતા. જેની અભયને પણ ખબર ન્હોતી."

"....પછી શું થયું....?

" બન્યું એવું કે, અભયના માણસોની નજર ચૂકવીને અમે લપાતા છુપાતા ત્યાં પહોંચી ગયા, અને કમ્પાઉન્ડમાં રહેલા બગીચાની ઝાડીમાં અમે છુપાઈ ગયા હતા. જોકે ઝાડીમાં કશીક હિલચાલ થતી હોવાની શંકાએ એ બંને જણા ત્યાં આવી ગયા હતા. પછી અમારી ટક્કર થવાની જ હતી, પરંતુ એ ટક્કર થાય અને રાડા રાડી થાય એવું આપણને કેમેય પોસાય એમ ન્હોતું એટલે પછી અમે એવો રસ્તો અપનાવ્યો કે........"

અધિરાજ શાંત ચિતે સાંભળતો હતો .....અને મનમાં કેટલાક સવાલ પણ ઉભા થયા હતા...

" એ બંને જણાના કપડા ઉતારી અમે પહેરી લીધા હતા અને તેમના હથિયારો અને મોબાઈલ પણ છીનવી લીધા. અમે એ બંને જણા પાસેથી એ પણ જાણી લીધેલું કે તે બંને અભયના નહી પણ ત્યાં મીટિંગમાં આવનાર પેલા મહાશયના માણસો હતા અને ત્યાં નજર રાખવા તેઓને સૂચના આપવામાં આવી હતી.તેઓ વચ્ચે કયા મોબાઈલ ફોન નંબર પર વાત થાય છે એ પણ જાણી લીધું હતું. પછી અમે જ્યારે ત્યાંથી ભાગી રહયા હતા ત્યારે એ મહાશયના મોબાઈલ ફોનમાં કોલ કરી અમે ભાગી છુટ્યા હોવાની જાણ કરી દીધી જેથી કરીને તે નિશ્ચિંત જ રહે. એ મહાશય છેક સુધી અંધારામાં જ રહયા. તેને એમ જ છે કે પોતાના માણસો જ અભયના બંગલે હતા અને પછી ત્યાંથી ભાગી છુટ્યા. અભયને પણ આ વાતની ખબર ન્હોતી. એ મહાશયે અભયથી પોતાના માણસોને શા માટે છુપા રાખ્યા હશે એ સમજાતું નથી. કેમ કે તેઓને એવી સૂચના પણ મળી હતી કે જો કોઈનું ધ્યાન તેઓની ઉપર પડે તો ત્યાંથી તેઓએ ભાગી જ છૂટવાનું છે. તેઓએ ચહેરો બતાવવાનો નથી. "

".......પણ એ બંને જણાની બોડી....ક્યા છે?" અધિરાજથી રહેવાયું નહી ને પૂછી નાંખ્યું.

" ત્યાં ક્યાંય પણ બોડી છુપાવી શકાય એટલો સમય જ ન્હોતો. જો બોડી કોઈના ધ્યાનમાં આવી જાય તો બબાલ થઇ જાત. આખરે અમે ખુબ ચુપકિદીથી એ બંને બોડી અભય કુમારની કારની ડેકીમાં છુપાવી દીધી હતી."

" પણ આજે નહી તો કાલે અભયને આ વાતની તો ખબર પડવાની જ છે ને કે તેની કારની ડેકીમાં બબ્બે લાશ છે"

" ભલે ને ખબર પડે .....એ ક્યાં ઓળખે છે કે એ બંને લાશ કોની છે?"

" શાબ્બાસ ....વ્હોટ એ ગેઇમ યુ હેવ પ્લેઈડ ? ....તો પછી તમે બંને હવે એક કામ કરો........"

અધિરાજે એ બંને જણાને સમજાવી દીધું કે તેમણે અભય કુમારને ગેરમાર્ગે દોરવા માટે શું કરવાનું છે...

( વધુ આવતા અંકે...)

*******************************