પાસવર્ડ પ્રકરણ – 5 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ પ્રકરણ – 5

૦પ્રકરણ – ૫

પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણની ઘટનાની તપાસમાં વેગ લાવવા પોલીસ ઉંધે કાંધ થઈને ઝઝૂમી રહી હતી. પોલીસે આ કંપનીની ઓફિસમાં કરેલી તપાસ દરમ્યાન અશ્વિનીકુમાર, મયુરકુમાર અને આરોપી ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વરની ચેમ્બરમાંથી કેટલુંક ઓફિસ રેકર્ડ, અને કોમ્પ્યુટર જપ્ત કર્યું હતું. નાયબ પોલીસ વડા સૂર્યજીતની ઓફિસમાં તેની નજર સામે જ કંપનીના રેકર્ડની ચકાસણી કરવામાં આવી રહી હતી. અશ્વિનીકુમાર અને મયુરકુમાર ઇન્ટરનેશનલ ક્ક્ષાનો જે મોટો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ટૂર પર જવાનું પ્લાનિંગ કરતા હતા તેના વિશે કેટલીક જાણકારી પ્રાપ્ત થઇ હતી. જોકે ત્રણેય કોમ્પ્યુટરમાંથી કશી જ માહિતી મળી શકી ન્હોતી કેમ કે ત્રણેય કોમ્પ્યુટર કોઈ ખાસ કોડવર્ડ આધારિત પાસવર્ડની મદદથી જ ખુલી શકે એમ હતા. પોલીસના કોમ્પ્યૂટર નિષ્ણાંતો છેલ્લા એક સપ્તાહથી આ ખાસ કોડ તોડવા મથતા હતા પરંતુ તેઓને સફળતા મળી શકી ન્હોતી. આખરે સૂર્યજીતે ખાનગી કોમ્પ્યુટર નિષ્ણાંતોને બોલાવ્યા. આ નિષ્ણાંતો હેકરની પણ ગરજ સારે એવા હતા.

સૂર્યજીત અત્યાર સુધી એમ જ સમજતો હતો કે આ ત્રણેય કોમ્પ્યુટર સામાન્ય રીતે જોવા મળતા હોય છે તેવા રૂટીન પાસવર્ડથી લોક થયેલા હશે પરંતુ તેની ધારણા ખોટી ઠરી હતી. સૂર્યજીતને તો એ પણ ખ્યાલ ન્હોતો કે, પી.આર. કન્સલ્ટન્સી કંપનીના તમામ કોમ્પ્યુટર એક ખાસ લેનથી એકબીજા સાથે જોડાયેલા હતા. જેમાં દરેક કર્મચારી અને અધિકારીને પોતપોતાના ખાસ એકાઉન્ટ ફાળવવામાં આવ્યા હતા. તેઓ આ એકાઉન્ટ પોતાના પાસવર્ડ એન્ટર કરીને ઓપન કરતા હતા. માત્ર એટલું જ નહીં અશ્વિનીકુમાર, મયુરકુમાર અને રાજેશ્વરના કોમ્પ્યુટર પણ લેનથી જોડાયેલા હોવાની સાથોસાથ અલગ અલગ વ્યક્તિગત રીતે "લોગ ઇન" કરીને પણ ઓપરેટ કરી શકાતા હતાં. આ ત્રણેય કોમ્પ્યુટરની બીજી એક ખાસિયત એ હતી કે કંપનીના અન્ય તમામ કોમ્પ્યુટરમાં શું ચાલી રહયું છે તેની જાણકારી તેઓ જોઈ શકતા હતા.

કંપનીએ આ આખી ઈલેક્ટ્રોનિક ચેનલ માટે સ્વાભાવિક રીતે જ પોતાનું એક જમ્બો સર્વર સ્થાપિત કર્યું હતું. કંપનીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ તેમના કોમ્પ્યુટરમાં કયુ કામ કરી રહયા છે તે જાણવું મેનેજમેન્ટ માટે એકદમ આસાન હતું. કંપનીમાં થતી રોજબરોજની કામગીરી દરમ્યાન આ તમામ કોમ્પ્યુટરમાં જનરેટ થતો ડેટા કંપનીના સર્વરમાં પણ સ્ટોર થતો હતો. કદાચ હેકર જેવા ખાનગી કોમ્પ્યુટર નિષ્ણાંતો ખાસ કોડવર્ડ આધારિત પાસવર્ડ બ્રેક કરવામાં સફળતા પ્રાપ્ત કરી પણ લ્યે તોય આ કોમ્પ્યુટરમાંથી તેઓને વિશેષ કોઈ જાણકારી મળી શકે એમ ન્હોતી. કેમ કે આ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં રહેલ ડેટામાં એવી કોઈ ખાનગી માહિતી હોવાની સંભાવના ન્હોતી. સંવેદનશીલ કહી શકાય એવી ગુપ્ત માહિતી તો કંપનીના સર્વરમાં અથવા તો એક્ષટર્નલ હાર્ડ ડિસ્ક કે અન્યત્ર ક્યાંક હોવાની સંભાવના નકારી શકાતી ન્હોતી.

સૂર્યજીતે કંપનીની ઓફિસમાં તપાસ દરમ્યાન સર્વર વિશે પ્રાથમિક જાણકારી મેળવી હતી, પરંતુ આ આખી સિસ્ટમ કઈ રીતે કાર્ય કરી શકે છે અને મેનેજમેન્ટમાં સામેલ ટોચના લોકો આ સિસ્ટમનો ઉપયોગ અથવા તો દૂરૂપયોગ કઈ રીતે કરી શકે છે તેના વિશે તેને કશી જ ગતાગમ પડી ન્હોતી. કોમ્પ્યુટર અને લેન સિસ્ટમનું વિસ્તૃત જ્ઞાન તેની પાસે ન્હોતું. કંપનીની કોમ્પ્યુટર સિસ્ટમ જ એ પ્રકારે ડેવલપ કરવામાં આવે હતી કે તેમાં બે પ્રકારે ડેટા રાખી શકાતો હતો. કંપનીનું કામ જ એવા પ્રકારનું હતું કે કર્મચારીઓ અને અધિકારીઓને તેમની ફરજ અને કામગીરી સિવાયની વિશેષ કોઈ વિગતો આપવામાં આવતી ન્હોતી.

કંપનીને જે તે ક્લાયન્ટ પાસેથી મળેલા કેમ્પેઈન તૈયાર કરવાની કામગીરી સ્ટાફ દ્વારા થતી પરંતુ કેમ્પેઈન પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે તે વિશે ખાસ કોડવર્ડમાં તૈયાર થતા પ્રેઝન્ટેશનમાંથી જ માહિતી મળી શકે. આ માહિતી મેનેજમેન્ટમાં ટોચના માત્ર બે ચાર લોકોને જ ખબર રહેતી. કોડવર્ડની ભાષાને કારણે આ પ્રેઝન્ટેશનમાં શું છે એ કહેવું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે. માત્ર એટલું જ નહી, આવા ખાસ પ્રેઝન્ટેશન સ્પેશિયલી બનાવવામાં આવેલા સોફ્ટવેરમાં અલગ પાસવર્ડથી " લોક " રાખવામાં આવતા હતા. આમ આવી રીતે કાર્ય કરતી આ આખી સિસ્ટમને સમજવી માત્ર સૂર્યજીત તો ઠીક આખા પોલીસ ડીપાર્ટમેન્ટ માટે લગભગ અસંભવ હતી.

સૂર્યજીત હજુ પણ એમ જ સમજતો હતો કે ખાનગી કોમ્પ્યુટર નિષ્ણાંતો આ ત્રણેય કોમ્પ્યુટરના પાસવર્ડ આધારિત લોક બ્રેક કરી દેશે અને પોતે ખાનગી માહિતી મેળવી અપહરણના રહસ્યમય કેસના મૂળ સુધી પહોંચી જશે.

*******************************

૫૦૦ કિ.મી દૂરથી મળેલી ખાસ સૂચના અનુસાર સત્યપ્રકાશ અને તેના બે સાથીઓએ એક ગુપ્ત પ્લાન ઘડી કાઢ્યો હતો. આ પછી સત્યપ્રકાશે પોતાને સૂચના આપનારી વ્યક્તિ પાસે આ પ્લાન વિશે ચર્ચા કરી લીધી હતી અને અનુમોદન મળતા જ પ્લાન અમલમાં મુકવાનું નક્કી થઇ ગયું હતું. સત્યપ્રકાશે તેના બંને સાથીઓને એજન્ટ – "એ" અને એજન્ટ – "બી" એવા નામ પણ આપી દીધા હતા. બંને એજન્ટને બોગસ નામ અને ઓળખ ધરાવતા પાસપોર્ટ, બેન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વગેરે આપી દેવામાં આવ્યા હતા. તેઓની પાસે કોમ્યુનિકેશન માટે સ્પેશિયલ ડીવાઈસ ઉપલબ્ધ હતા. જેની મદદથી અન્ય કોઇપણ વ્યક્તિની નજરમાં આવ્યા વગર તેઓ પોતાના સંદેશાઓની આપ લે કરી શકતા હતા.

એક સાંજે સત્યપ્રકાશે બંને એજન્ટને એક ચોક્કસ સ્થળે બોલાવી આ પ્લાનને કેવી રીતે અમલમાં મુકી સફળતા સાથે પાર પાડી શકાય એ સમજાવ્યું. મિશન પર રવાના થતા પૂર્વે સત્યપ્રકાશે તેઓને જરૂરી એવી વિવિધ પ્રકારની સહાયતા ક્યાંથી અને કેવી રીતે મળશે તેનાથી વાકેફ કર્યા. એજન્ટ – "એ" અને એજન્ટ – "બી" પોતાના મિશન પર રવાના થઇ ગયા હતા.

*******************************

અનંતરાયના ફાર્મ હાઉસથી આંખે પાટા બાંધીને રવાના થયા બાદ અન્ય કોઈ ગુપ્ત સ્થળે આવે પહોંચેલા એ છ મિત્રોની આંખો પરથી પાટા દૂર થયા બાદ તેઓને જે કાંઈ જોવા મળ્યું તે તેમની સમજ બહારનું હતું. તેઓ સ્ટીલના બનેલા એક વિશાળ ગુંબજમાં બરોબર વચ્ચે ઉભા હતા. જેની છત કોઈ મંદિરમાં જોવા મળે એવી ઊંચી અને શંકુ આકારની હતી. ગુંબજમાં ક્યાંય કોઈ બારી ન્હોતી. સિવાય કે એરકન્ડીશનર સિસ્ટમમાંથી આવતી ઠંડી હવા પ્રસરાવતી બારીઓ હતી અને તેની ઉપર સ્ટીલની બનેલી જાળી લગાવાઈ હતી. ગુંબજની ચારેય દિશામાં એક એક દરવાજો હતો. દરવાજાની બાજુમાં દિવાલ પર ચમકી રહેલા નાનકડા કોમ્પ્યુટર સ્ક્રીન જોવા મળતા હતા. તેમાં કેલ્ક્યુલેટર જેવું કોઈ સાધન પણ જોડાયેલું હતું. છ પૈકી એક પણ વ્યક્તિને એ ખબર ના પડી કે તેઓ ક્યા દરવાજેથી અંદર આવ્યા હતા. ફાર્મ હાઉસથી ઘેર જવાને બદલે તેઓ અહીં એક વિચિત્ર જગ્યાએ આવી પહોંચેલા. આ છ જણાનાં મનમાં ઘણા સવાલો જનમ્યા હતા. અનંતરાય એક ભેદી વ્યક્તિ છે એ તો તેઓને ખબર હતી પરંતુ આટલી હદે ભેદભરમ જોવા મળશે એ ખબર ન્હોતી. અચાનક તેઓની વિચાર શ્રુંખલા તૂટી.

" વેલકમ ટુ માય કેસલ " અવાજના પડઘા પડ્યા. એક દરવાજા પાસે ઉભેલા અનંતરાયે પોતાના ખુફિયા કિલ્લા જેવા એ ભેદી સ્થળે તેઓને આવકાર્યા.

" અનંતરાય અમોને કશું જ સમજાતું નથી કે તમે અમોને અહી શા માટે લાવ્યા છો અને આ બધું શું છે?"

" તમે મારા સાવ અંગત સાથીદારો છો અને તમારી ઉપર મને પૂરે પુરી શ્રધ્ધા અને વિશ્વાસ છે એટલા માટે જ તમને અહી લાવ્યો છું. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી તમે મારા માટે કેટલાય નાના મોટા કામ કર્યા છે. જેનું વળતર પણ તમને મળ્યું છે. અત્યાર સુધીના તમારા કામ અને મારા પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી જોતા હવે હું તમોને મારા એક એવા ગ્રુપમાં સામેલ કરવા ઈચ્છું છું જેમાં તમો કામના બદલામાં એટલા નાણા પણ કમાશો કે તમે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. જો તમે રાજી ખુશીથી સામેલ થવા માગતા હો તો જ હું આગળ વાત કરૂ." અનંતરાયની પ્રસ્તાવના સાંભળી તેઓ સ્તબ્ધ થઇ ગયા. તેઓ એક્બીજાની સામે જોવા લાગ્યા. તેઓના ચહેરા અને આંખોના હાવભાવ પરથી વગર બોલ્યે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ ગ્રુપમાં જોડાવા તૈયાર છે.

" અમોને તમારા પર પુરો વિશ્વાસ છે અનંતરાય. અમો તૈયાર છીએ." છ મિત્રો વતી એક વ્યક્તિએ અનુમોદન આપી દીધું.

" ઓકે, પણ એક વાત બરોબર ગંભીરતા સાથે સમજી લ્યો કે, એક વખત આ ગ્રુપમાં આવ્યા બાદ તમારા પૈકી કોઈએ પણ ગદ્દારી કરવાનો વિચાર પણ કર્યો છે તો તેના પરિણામો ખુબ જ ભયાનક હશે. " અનંતરાયે ચેતવણી સાથે પોતાની વાતનો પ્રારંભ કર્યો.

" ......પણ અમારે કરવાનું શું છે અનંતરાય ? "

" તમોને બધી જ વાત કરીશ પરંતુ તમે મને વચન આપો કે હવે પછે તમને હું જે કાઈ વાત કરીશ તે વિશે તમે ક્યારેય ક્યાય પણ કોઈની સમક્ષ એક શબ્દ પણ નહી ઉચ્ચારો. તમારા ઘરના એકેય સભ્ય સમક્ષ પણ નહી. બોલો મંજુર છે? તો વચન આપો."

" અમોને મંજુર છે. અમે વચન આપીએ છીએ."

" ઓકે તો હવે ચાલો મારી સાથે." એટલું બોલી અનંતરાય ચાર પૈકી એક દરવાજા પાસે ગયા. કોમ્પ્યુટરની સ્ક્રીનમાં પોતાની આંખો બતાવી એટલે તુર્ત જ કોમ્પ્યુટરમાં અવાજ આવ્યો. "ઓકે. ડન. નાવ પ્લીઝ એન્ટર યોર પાસવર્ડ". અનંતરાયે પોતાનો ગુપ્ત કોડ એન્ટર કર્યો ને ફરી કોમ્પ્યુટર બોલ્યું. " થેન્ક્યુ. નાવ પ્રેસ ધ રેડ બટન ". અનંતરાયે રેડ બટન દબાવતાં જ દરવાજો એક તરફ ખસી ગયો.

" ચાલો અંદર." અનંતરાય તેઓને અંદર દોરી ગયા. જતા જતા અનંતરાયે અંદરની બાજુએથી પણ બહાર જેવી જ એક કોમ્પ્યુટર સિસ્ટમમાં એક બટન દબાવતાં જ દરવાજો પૂન: લોક થઇ ગયો.

*******************************

" મને એ સમજમાં નથી આવતું કે આપણું અપહરણ કોણે અને શા માટે કર્યું છે? આપણને કયા સ્થળે રાખવામાં આવ્યા છે એ પણ ખબર પડતી નથી." ચેરમેન અશ્વિનીકુમારે એમ.ડી. મયુરકુમારને કહ્યું.

" અપહરણ કરનારાઓનો ઈરાદો શું છે એ પણ જાણી નથી શકાતું. આપણને ઘણા સમયથી અહી બંદીવાન બનાવીને રાખ્યા છે પરંતુ હજુ સુધી કોઈ આપણને કોઈ મળવા પણ નથી આવ્યું. " મયુરકુમારે પણ ચર્ચામાં ઝંપલાવ્યું.

" આશ્ચર્ય એ વાતનું પણ છે મયુર કે આ જે કોઈ લોકો હોય તેઓએ હજુ સુધી આપણને હેરાન કે ટોર્ચર નથી કર્યા. જોકે અત્યાર સુધી કોઈ અહી આવે જ નહી એ વાત પચતી નથી."

અશ્વિનીકુમાર અને મયુરકુમાર એક ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે પાટનગર આવ્યા હતા. એરપોર્ટ પર તેઓને તેડવા આવેલી એક આધુનિક કાર તેઓના ક્લાયન્ટની નહી પરંતુ અપહરણકારોની હતી. ડ્રાઈવરે નિર્ધારિત સ્થળે પહોંચવા કાર મુક્યા બાદ તેની બાજુની સીટમાં બેઠેલા સુટ બૂટ ને ટાઈ પહેરેલા માણસે અશ્વિનીકુમાર અને મયુરકુમારને પાણીની બોટલ આપેલી અને એ પાણી પીધા બાદ તેઓ લાંબા સમય સુધી બેભાન થઇ ગયા હતા. તેઓને કોઈ ગુપ્ત સ્થળે ઉપાડી લવાયા હતા. તેઓને એક મોટા રૂમમાં રાખવામાં આવ્યા હતા. સુંદર ફર્નિચર, લાઈટ, પંખા એ.સી., ટોઇલેટ - બાથરૂમ વગેરે. જાણ્યે કે આ કોઈ બંગલાનો રૂમ હોય તેવું તેઓને લાગતું હતું. સમયસર સુંદર ભોજન તેમને મળી રહેતું હતું. અપહૃત વ્યક્તિ સાથે થાય તેવો ક્રૂર વ્યવહાર અત્યાર સુધી તેઓની સાથે ન્હોતો કરાયો. જોકે મુશ્કેલી એક જ વાતની હતી. આ રૂમની બહાર દુનિયામાં શું ચાલી રહયું છે એ જોવા જાણવા માટેનું એક પણ સાધન તેમાં ઉપલબ્ધ ન્હોતું. આ રૂમના દરવાજા બહારથી "લોક" કરવામાં આવતા હતા. તેઓના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા. તેઓ બરોબરના કંટાળ્યા હતા. હવે તેઓને ઇંતેજાર એ વાતનો હતો કે જો કોઈ વ્યક્તિ ત્યાં મળવા આવે તો ખબર તો પડે કે આ બધું શું ચાલી રહયું છે? તેઓની ઈંતેજારી જોકે હવે ખતમ થઈ હતી.

રૂમનો દરવાજો ખુલ્યો....

પડછંદ કાયા ધરાવતી બે વ્યક્તિઓ રૂમમાં પ્રવેશી એ સાથે જ દરવાજો આપોઆપ જ બંધ થઇ ગયો. તેઓ સુટ બૂટ ને ટાઈ પહેરેલા હતા. તેની કમર પર રિવોલ્વર લટકતી હતી. અશ્વિનીકુમાર અને મયુરકુમાર તેમને જોતા રહી ગયા.

" ગૂડ મોર્નિંગ જેન્ટલમેન. તમોને અહી લાવવા પડ્યા એ બદલ અમો દિલગીર છીએ પરંતુ કોઈ છુટકો જ ન્હોતો. પરિસ્થિતિ જ કાંઇક એવી નિર્માણ પામી છે કે.........." બે પૈકી એક વ્યક્તિ બોલી.

"......ગૂડ.....મોર્નિંગ.... પણ આ બધું શું છે જેન્ટલમેન ?" અશ્વિનીકુમારે હિંમતભેર પૂછી નાંખ્યું.

" એ પણ તમને ખબર પડી જાશે, થોડી ધીરજ રાખો."

" તમારે શું જોઈએ છે? પૈસા?" મયુરકુમારથી રહેવાયું નહી એટલે તેનાથી બોલાઈ ગયું.

" પૈસા????? હા ...હા...હા....હા..." બંને વ્યક્તિઓ ખડખડાટ હસી પડી.

" પૈસા તો અમો તમને બંનેને આપીશું અને એ પણ જોઈએ તેટલા. પૈસાની અમારે જરૂર નથી!"

" હેં ???!!!!!!!!......" વાત સાંભળીને અશ્વિનીકુમાર અને મયુરકુમાર દિગ્મૂઢ બની ગયા. તો પછી આ અપહરણનું કારણ શું હશે ? હવે તો તેઓની ઈંતેજારી પણ વધવા લાગી હતી.

*******************************

પોલીસ કમિશનર અભય કુમારના ખાનગી બંગલેથી બાઈક પર બેસીને ભાગી છુટેલા બે શખસો પૂરપાટ વેગે ભાગી રહયા હતા. અભય કુમારના માણસો તેઓનો પીછો કરી રહયા હતા. થોડી વાર બાદ એ બાઈક શહેરના ગીચ ટ્રાફિક ધરાવતા માર્ગ પર ભાગ્યું. સંખ્યાબંધ વાહનોને ઓવરટેઇક કરી આ બાઈક ટ્રાફિકમાં ઘણું આગળ નીકળી ગયું ને અભય કુમારના માણસો પાછળ રહી ગયાં. ટ્રાફિક એટલો બધો વધારે હતો કે, હવે એ બાઈકને પકડવું લગભગ અશક્ય બની ગયું. થોડી વારમાં તો એ બાઈક ટ્રાફિકમાં ક્યાંક અલોપ થઇ ગયું.

પીછો કરી રહેલા પહેલવાનો પૈકી એક જણાએ ડરતા ડરતા અભયકુમારને ફોન જોડી આખો વૃતાંત કહી સંભળાવ્યો. તેને બીક હતી કે ઠપકો મળશે જ, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે ખડખડાટ હસી રહેલા અભયકુમારે તેઓને કશું પણ ના કહ્યું. માત્ર બંગલે પાછા આવી જવાની સૂચના આપી. પહેલવાનોને કશું સમજાયું નહી. બીજી તરફ અભયકુમાર તેમના બંગલામાં જે વ્યક્તિ સાથે બેઠા હતા તેની સાથે વાત કર્યા બાદ સાવ નિશ્ચિંત થઇ ગયા હતા. એ વ્યક્તિ અભયકુમાર કરતા પણ એક ડગલું આગળ હતી. એ વ્યક્તિને અભય ઉપર ભરોસો ન્હોતો એવું નથી પરંતુ આ બંગલામાં થોડી વાર પૂર્વે જે બેઠક મળેલી અને તેમાં જે કાઈ ચર્ચા વિચારણા થઇ હતી તે કોઈ પણ ભોગે ગુપ્ત રહેવી આવશ્યક હતી. આથી જ તેણે અગાઉથી જ પોતાના બે ખાસ માણસોને આ બંગલા પાસે મોકલી આપ્યા હતા. અભયને એ વાતની નવાઈ જરૂર લાગી કે, તેના બંગલાની સુરક્ષા વ્યવસ્થા પોતાની ધારણા કરતા કાચી હતી. એ બે અજાણ્યા માણસો બંગલાનાં પરિસરમાં ઘુસી આવ્યા તેની પોતાના માણસોને પણ ખબર ના પડી.

" અભયકુમાર હવે તો તમે નિશ્ચિંત થઇ ગયા હશો." એ વ્યક્તિ બોલી.

" ચોક્કસ સર. આપ તો મારા કરતા ઘણા આગળ છો."

" અરે છોડો એ બધું. મને એ કહો તમે જે ચાર પોલીસ અફસરોને રવાના કર્યા છે એ ઇન્ટેલીજન્ટ અને વિશ્વાસું તો છે ને? તમને ભરોસો છે?"

" યસ સર. મને પુરો ભરોસો છે. બીજા કોઈને શક ના પડે તે માટે એટલા માટે તો અલગ અલગ જિલ્લામાંથી ટ્રાન્સફર કરાવી તેઓને મેં અહી મારા કાર્યક્ષેત્રમાં બોલાવ્યા હતા. સૌથી મહત્વની વાત એ કે તમને અહી જોયા બાદ તો તેઓ પુરા જોશ સાથે આપણું કામ કરી આપશે."

" ગૂડ...વેરી ગૂડ.... તો હવે સાંભળો હું તમને મારો સમગ્ર પ્લાન શું છે તે સમજાવી દઉં જેથી કરીને તમારા ઓફિસરોને વખતો ખાત કેવી રીતે ગાઈડ કરવા એનો ખ્યાલ રહે...."

"..............." અભયકુમાર શાંત ચિતે એ વ્યક્તિની યોજના સાંભળતા રહયા....

( વધુ આવતા અંકે )

*******************************