પાસવર્ડ પ્રકરણ – ૧૩ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ પ્રકરણ – ૧૩

પ્રકરણ – ૧૩

ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સી હવે સંપૂર્ણપણે હરકતમાં આવી જઈ સમગ્ર ઘટમાળ પર બારીકાઈથી નજર રાખી રહી હતી. ઇન્ટેલીજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ આ વિશે ચર્ચા કરવા પોતાના કેટલાક વિશ્વાસુ ઓફિસરોની બેઠક યોજી હતી. જેમાં તે હવે પછીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માંગતો હતો. આ માટે તેણે એક સિક્રેટ મિશન હાથ પર લીધું હતું. જ્યોર્જ ડિસોઝાએ આ મિશનમાં જે ઓફિસર પાસેથી જેટલું કામ લેવાનું હોય તેટલી જ માહિતી તેને આપી હતી. ઓફિસર ગમે તેટલો વફાદાર હોય તો પણ જ્યોર્જ ડિસોઝાએ તેઓને અસલ પ્લાન કે સ્ટ્રેટેજી વિશે માહિતી આપવાનું મુનાસીબ ન્હોતું માન્યું. અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ ચુકી હતી, તેમાં પોતાના વિશ્વાસુ ઓફિસરોની ક્ષમતા અને વફાદારી કેવી છે તેની પરીક્ષા કરવાની તક પણ ઝડપી લેવાનું તેણે નક્કી કર્યું હતું. તે એક તીરથી ત્રણ નિશાન પાર પાડવા માંગતો હતો.

પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરો રવાના થયા બાદ જ્યોર્જ ડિસોઝાએ તેના પ્રાઈવેટ ફોનમાંથી એક કોલ કરી સામે વાળી વ્યક્તિને પોતે મળવા આવી રહ્યાનું જણાવી થોડી વાર બાદ તે પોતાની એક ખાનગી કાર પાટનગરનાં રસ્તા પર દોડાવી મુકી. તે સારી રીતે સમજતો હતો કે, પોતે જેને મળવા જઈ રહયો છે તેઓની સાથેની ખાનગી મીટિંગ કાંઈ સરકારી કચેરીમાં નાં થઇ શકે. આ માટે તેણે એક ખાસ સ્થળ પસંદ કર્યું હતું. આ એવું સ્થળ હતું જ્યાં યોજાનારી બેઠક વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા ઉપસ્થિત થાય.

જ્યોર્જ ડિસોઝાએ જેની સાથે વાત કરી હતી તેના માધ્યમથી આ બેઠક એક એવી ખાનગી કંપનીની ઓફિસમાં યોજવાની હતી જેના માલિક શાસક પક્ષના નેતાના વિશ્વાસુ પાર્ટનરની માલિકીની હતી. અગાઉથી બધું નક્કી થયા અનુસાર દેશના ટોચના ત્રણ પ્રધાનો, શાસક પક્ષના નેતા અને જ્યોર્જ ડિસોઝા પોતપોતાની પ્રાઈવેટ કારમાં જ એ કંપનીની ઓફિસમાં આવ્યા હતા. તેઓની કાર સીધી જ કંપનીનાં સેલર પાર્કિંગમાં ધસી ગઈ. કંપનીના ગેઈટથી શરૂ કરીને સેલર પાર્કિંગમાં કાર પહોંચી ત્યાં સુધી કંપનીના સિક્યુરિટી ગાર્ડથી માંડીને અન્ય એક પણ કર્મચારીને ખબર ન્હોતી પડી કે કારમાં કોણ બેઠું છે.

કંપનીના માલિકે સેલર પાર્કિંગમાં આ મહાનુભાવોની કાર પાર્ક કરાવવાને બદલે સીધી સાતમાં માળ પર તેની પ્રાઈવેટ ઓફિસ અને રેસ્ટ રૂમ હતો ત્યાં બનાવવામાં આવેલ ખાસ હાઈલેવલ પાર્કિંગ સુધી કાર ચડાવી દીધી હતી. કંપનીની આ વિશાળ ઈમારતમાં દરેક માળ પર કાર પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. કંપનીનો માલિક ત્રણેય પ્રધાનો, શાસક પક્ષના નેતા અને જ્યોર્જ ડિસોઝાને પોતાની સ્પેશિયલ ઓફિસમાં લઇ ગયો. જ્યાં અન્ય ખાસ કોઈ ઔપચારિકતા વગર જ તેઓએ ટેબલ પરની ખુરશી સંભાળી લઇ ચર્ચા વિચારણા શરૂ કરી દીધી.

" હં.... કહો જ્યોર્જ.....હવે કઈ રીતે આગળ ધપીશું ?" એક પ્રધાને પુછ્યું.

" સર...ઇટ ઇઝ કોવર્ટ ઓપરેશન. આ એક સિક્રેટ મિશન છે. જે ઓફિસરોને મિશન પર મોકલ્યા છે તેઓનો કોઈ રેકોર્ડ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીમાં કે અન્ય કોઈ સરકારી કચેરીમાં નથી. માટે ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી."

" આ મિશન પૂર્ણ થતા કેટલો સમય લાગી શકે એમ છે?" પ્રધાને સવાલ પૂછ્યો.

" સર...એ બાબત ઘણા બધા પરિબળો પર નિર્ભર રહેશે."

" આપ સરકાર પાસેથી કેવી સહાયતા ઈચ્છો છો?"

" સર... આમ તો મિશન શરૂ થવામાં જ છે. તેનો સમય આવી પહોંચ્યો છે. જોકે વધુ આગળ ધપતા પૂર્વે આ બેઠક યોજવી એટલા માટે જરૂરી હતી કે, ઈટ્સ ઇન્ટરનેશનલ મેટર. ધેર કૂડ હેપન એનીથીંગ. જો કોઈ આંતરરાષ્ટ્રીય સમસ્યા સર્જાય છે તો તેને ડિપ્લોમેટિકલી હેન્ડલ કેવી રીતે કરવી તે વિશે સ્ટ્રેટેજી નક્કી કરી શકાય."

" આ સિક્રેટ મિશન માટે આપે ક્યા ક્યા ઓફિસરોની પસંદગી કરી છે?" એક પ્રધાને સંવેદનશીલ સવાલ પૂછી નાંખ્યો.

" સર....વિથ ડ્યુ રીસ્પેક્ટ....આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, પ્લીઝ પાર્ડન મી સર. જે ઓફિસરોનો કોઈ રેકોર્ડ જ ક્યાંય ઉપલબ્ધ નથી ત્યારે તેઓ વિશે આપને હું શું કહી શકું? કોઈ તેઓને ઓળખાતું પણ નથી. હું ધારૂ તો આપને કોઈ પણ પાંચ નામ આપી શકું એમ છું પરંતુ આપ સૌના આદર સાથે હું માત્ર એટલું જ કહીશ કે, તેઓ દેશભક્ત મરજીવા છે. તેઓની ઓળખ કરવાની ખરેખર કશી જ આવશ્યકતા નથી. ઇટ ઇઝ એ હાઈલી કોન્ફીડેન્શીયલ મિશન આફ્ટર ઓલ એન્ડ ઇટ મસ્ટ રિમેઈન હાઈલી કોન્ફીડેન્શીયલ મિશન એટ ઓલ." જ્યોર્જ ડિસોઝાએ ખુબ જ આદર સન્માન સાથે એક ઇન્ટેલીજન્સ ચીફને છાજે તે રીતે સરકારના ટોચના લીડરોને કન્વીન્સ કર્યા હતા. આ ઉત્તર સાંભળી પ્રધાનોને જ્યોર્જ ડિસોઝા પર ગર્વની લાગણી થઇ હતી.

*******************************

રણના છેવાડાના એક નાનકડા ગામમાં કિલ્લા જેવા દેખાતા એક વિશાળ મકાનમાં રાત્રે એજન્ટ મુકેશ તેના સાથી એજન્ટ વિજયને પોતાના ગત રાત્રીના એક ખાનગી કારસ્તાનની વાત સંભળાવે રહયો હતો ત્યારે થોડી વાતચિત સાંભળ્યા બાદ વિજયને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હોવાની ખબર પડતા જ મુકેશે પણ લંબાવ્યું ને સુતા ભેગી જ સીધી જ સવાર ક્યારે પડી ગઈ તેની તેને ખબર જ ના પડી.

વિજયે તેને સવારે ઢંઢોળીને ઉઠાડ્યો ત્યારે છેક મુકેશને ખબર પડી કે સવારના નવ વાગી ગયા છે. મુકેશ એકાદ કલાકમાં ફ્રેશ થઇ ગયો. આ પછી તે વિજયની સાથે નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તા દરમ્યાન જ વિજયે ગત રાત્રિની અધુરી વાત વિશે પૂછતા મુકેશે વાત આગળ ધપાવી.

" હોટલેથી જુદા વેશે બહાર નીકળ્યા બાદ મેં એક રીક્ષા ભાડે કરી. ત્યાંથી પછી હું સીધો જ મોસ્ટ વી.આઈ.પી.નાં બંગલાઓ આવેલા છે તે હાઈ સિક્યુરિટી ઝોનની નજીક પહોંચ્યો હતો. એ મહાશયનો બંગલો પણ ત્યાં જ સ્થિત છે. મને એવી બાતમી મળી હતી કે, એ રાત્રે એક પ્રાઈવેટ ક્લબમાં યોજાયેલી પારિવારિક પાર્ટીમાં એ મહાશય જવાના હતા. જોકે તેનો પરિવાર ઘેર જ હતો. જેનો મેં ફાયદો ઉઠાવ્યો. હું ત્યાં પહોંચ્યો પછી રીક્ષાને રવાના કરી દીધી. મેં આપણા ગુપ્ત સહાયકોની મદદથી અગાઉથી જ લાલ લાઈટવાળી એક કારની વ્યવસ્થા કરાવી રાખી હતી. કારમાં જ બેસીને મેં ઉચ્ચ પોલીસ અફસરનો યુનિફોર્મ પહેરી લીધો ને કાર સીધી જ એ મહાશયના બંગલાનાં ગેઈટ પાસે ઉભી રાખી. લાલ લાઈટ ધરાવતી કાર ત્યાં આવેલી જોઈને ગાર્ડઝે દરવાજો ખોલી નાંખ્યો. કાર બંગલાની પોર્ચમાં જઈને ઉભી રહી એ સાથે જ બંગલામાંથી એક મહિલા તેના પુત્ર સાથે બહાર આવી. મેં ખુબ જ અદબ સાથે કહ્યું કે, ગૃહ મંત્રી સાહેબે આપને પ્રાઈવેટ કલબમાં યોજાયેલી પાર્ટીમાં બોલાવ્યા છે. મને વિશ્વાસ હતો કે તેઓ વધુ વિચાર કર્યા વગર જ કારમાં બેસી જશે અને બન્યું પણ એવું જ. હું આગલી સીટમાં ગોઠવાયો. ને કાર સડસડાટ ત્યાંથી રવાના થઇ ગઈ પરંતુ પાર્ટીમાં જવા માટે નહી પણ મારા સહાયકોના ગુપ્ત સ્થળે જવા. એમ કહી શકાય કે મેં તેઓનું અપહરણ જ કર્યું હતું. તે બંનેને ગુપ્ત સ્થળે પહોંચાડી દીધા બાદ મેં મારા મોબાઈલ ફોનમાં તે બંનેની જાણ બહાર તેઓની એક નાનકડી વિડીયો ફિલ્મ પણ ઉતારી લીધી હતી. અલબત આપણે તેઓને કશું નુકશાન પહોંચાડવાનું હતું જ નહી. મેં તેઓને માત્ર એટલું જ કહ્યું કે, ગૃહ મંત્રી સાહેબ થોડી વારમાં અહીં આવશે અને પછી તમારી સાથે પાર્ટીમાં જશે. તેઓના આદર સત્કારનો અમે પુરો ખ્યાલ રાખ્યો હતો. એ માતા-પુત્રને ખબર ન્હોતી કે તેઓનું અપહરણ કરાયું છે. થોડી વાર ઇંતેજાર કરવાનું કહી મેં તેઓની રજા લીધી અને થોડી વારમાં જ તેડવા માટે પાછો આવું છું એમ જણાવી હું સીધો જ લાલ લાઈટવાળી કારમાં બેસી ગૃહ મંત્રીની પ્રાઈવેટ કચેરીએ પહોંચ્યો. સરકારી કચેરી ઉપરાંત ગૃહ મંત્રીની પોતાની એક પ્રાઈવેટ ઓફિસ પણ હતી. લાલ લાઈટવાળી કાર હોવાને લીધે તેની પાસે પહોંચવામાં મને કશી મુશ્કેલી ના પડી. મારી પાસે વધુ સમય ન્હોતો. હું ફટાફટ ત્યાં ગયો ત્યારે ગૃહ મંત્રી ઉભા થવાની તૈયારી જ કરતા હતા. મેં તેના પી.એ.ને કહ્યું કે એક ખુબ જ સિરિયસ મેટર મુદ્દે ગૃહ મંત્રીને મળવું જરૂરી છે. મને ઉચ્ચ પોલીસ ઓફિસરનાં યુનિફોર્મમાં જોઈને તેણે ચેમ્બરમાં જવાની મને તુર્ત જ અનુમતિ મેળવી આપી. અંદર જઈને પહેલું જ કામ મેં ગૃહ મંત્રીને તેના પત્ની અને પુત્રનો વિડીયો બતાવવાનું કર્યું. એ દ્રશ્યો જોઈને ગૃહ મંત્રી ઘડી સમજી ના શક્યા કે, આ બધું શું છે, પરંતુ મેં તેને કહ્યું કે તેના પત્ની અને પુત્રનું અપહરણ થઇ ચૂક્યું છે. આ પછી ગૃહ મંત્રીશ્રીના કેટલાક એવા વિડીયો પણ બતાવ્યા જેમાં તે બજારૂ મહિલાઓ સાથે અંગત પળો માણતા હોય. માત્ર એટલું જ નહી મેં તેમને એમ પણ કહ્યું કે, જો તમે તમારા પરિવારની સુરક્ષા ચાહતા હો અને ગૃહ મંત્રી તરીકે તમારો માનમોભો જળવાઈ રહે એવું ઇચ્છતા હો તો તુર્ત જ પોલીસ કમિશનર અભય કુમારને તમારા ખાનગી મિશનમાંથી પાછા વાળી લેજો. અભયે તમારા કામ માટે પોતાના જે ચાર વિશ્વાસુ ઓફિસરોને કામે મોકલ્યા છે તેમને પરત બોલાવવા અભયને સૂચના આપી દેજો. તમે અને અભયે જે કુંડાળામાં પગ મુક્યો છે તે એક ખોફનાક વમળ છે. જો તેમાં ડૂબી મરવું ના હોય તો મેં કહ્યા પ્રમાણે જ કરજો અને હા જ્યાં સુધી તમે મેં આપેલી સુચનાનો અમલ નહી કરો ત્યાં સુધી તમારા પત્ની અને પુત્ર તમને પાછા જોવા નહી મળે. માત્ર એટલું જ નહી, તમારા રંગરેલીયાની આ મસ્ત મસ્ત ફિલ્મો તો ટી.વી. ચેનલોને પહોંચી જશે. તેઓ માટે તો આવી સનસનીખેજ માહિતી અને તસવીરો જોરદાર સમાચાર બની રહેશે. આ વાત એટલેથી જ નહી પતે, આ વિડીયો ઈન્ટરનેટ પર અને સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવશે. બસ આટલું તો એ મહાશય માટે પૂરતું હતું."

" પછી શું થયું?" વિજયે પુછ્યું.

" ગૃહ મંત્રીએ પોલીસ કમિશનરને ફોન લગાડી મારી સૂચના મુજબ જ તેમનું કામ પડતું મુકવાની સૂચના આપી દીધી હતી. તેની પત્ની અને પુત્રને કશી મુશ્કેલી ના પડે એ માટે તેણે મને વિનંતી કરી અને સાથોસાથ પેલા ગંદા વિડીયો ક્યાંય લીક નાં થાય એની ખાતરી મારી પાસે માંગી હતી. મેં પણ એને કહ્યું કે, તમે હવે પછી ભવિષ્યમાં ક્યાંય પણ નડતરરૂપ થશો તો આ વિડીયો રીલીઝ થઇ જશે. તેણે પત્ની અને પુત્ર વિશે પૂછાતા મેં કહ્યું કે, તેઓ તમારી આજની પાર્ટીમાં પહોંચી જશે, ચિંતા નાં કરતા. "

મારૂ કામ પત્યા બાદ હું પાછો ફર્યો. ત્યાંથી ગૃહ મંત્રીના પત્ની અને પુત્રને એ પ્રાઈવેટ ક્લબમાં પહોંચાડી દીધા જ્યાં ગૃહ મંત્રીની પાર્ટી થવાની હતી. ત્યારબાદ સીધો જ બીજા વેશમાં મારી હોટલે પહોંચી ગયો હતો. મિશન સક્સેસફૂલ."

" શાબ્બાસ મુકેશ.... વેલ ડન......" વિજયે મુકેશ સાથે હાથ મિલાવી તેને અભિનંદન આપ્યા..

*******************************

કાચા કામના કેદી રાજેશ્વરે જેલર સાથે વાત કરી પોતાના એડવોકેટ કાર્તિકને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા જેલરે કાર્તિકને ફોન કોલ કરી રાજેશ્વર મળવા માંગતો હોવાનો સંદેશ મોકલાવ્યો. થોડી વારમાં જ કાર્તિક જેલમાં આવી પહોંચ્યો. રાજેશ્વર અન્ય કેદીઓ કરતા કાંઈક વિશેષ હતો. જેલરે કાર્તિક સાથે હાથ મિલાવ્યા અને ઔપચારિક વાતો કર્યા બાદ તે બંનેને પોતાની ચેમ્બરમાં જ વાતચિત કરવાની મોકળાશ કરી આપી પોતે થોડી વાર માટે જેલમાં રાઉન્ડ લગાવવા ચાલ્યો ગયો. કાર્તિક અને રાજેશ્વરે એક બીજા સાથે હાથ મિલાવી ખુરશી પર સ્થાન ગ્રહણ કર્યું.

" કાર્તિક હવે આપણે અદાલતમાં નવી જામીન અરજી રજુ કરી દઈએ તો?" રાજેશ્વરે સીધી જ મુદ્દાસર વાત માંડી.

" હા રાજેશ્વર. હું આ બાબતે ચર્ચા કરવા આપની પાસે આવવાનો જ હતો. છેલ્લા થોડા દિવસોમાં આપણા કેસમાં જે કાંઈ નવા ફણગા ફૂટ્યા છે તે આપણને મદદરૂપ થઇ શકે તેમ છે."

" પોલીસે આપની સામે માત્ર સાંયોગિક પૂરાવાઓનાં આધારે જ કાનૂની કાર્યવાહી કરી છે. તમે કહ્યું હતું એ મુજબ મેં નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત સાથે લગભગ એકાદ કલાક સુધી આ કેસની ચર્ચા કરી હતી. તેમની સાથેની વાતચિત પરથી મને એટલું જાણવા મળ્યું કે, પોલીસને અત્યાર સુધીની તપાસમાં કોઈ એવા નક્કર પૂરાવાઓ હાથ નથી લાગ્યા જે આપણા કેસને નબળો બનાવી શકે. એમાંય તાજેતરમાં જ પોલીસ કમિશનર અભય કુમાર સાથે જે કાંઈ ભેદી ઘટના બની છે તે આપણી જામીન અરજી માટે એક મહત્વપૂર્ણ નવું ડેવલપમેન્ટ છે. અદાલત મોટે ભાગે આરોપી સામેના ચાર્જશીટ પહેલાની એક કરતા વધુ વખતની જામીન અરજી પર માત્ર એટલું જ જુએ છે કે, જોઈ નવું કાનૂની ગ્રાઉન્ડ છે કે કેમ? નવો આધાર પ્રાથમિક રીતે એવું પૂરવાર કરી શકે છે કે આરોપી સામેનો કેસ નબળો છે ? મને લાગે છે કે, અભય કુમારના ઘેરથી બબ્બે લાશ મળી આવવી અને તેમને મળેલી ધમકીઓ એ બાબત તરફ અંગુલી નિર્દેશ કરે છે કે, આ આખા કેસમાં મુખ્ય ગુનેગારો અન્ય લોકો જ છે."

" યસ કાર્તિક, તો હવે લીગલ કાર્યવાહી કાર્યવાહી ક્યારે શરૂ કરો છો?

" બસ મને આપની સૂચના જ ઇન્તજાર હતો. અત્યારે જ કાગળ તૈયાર કરવાનું શરૂ કરી દવ છું. આવતીકાલે અદાલતમાં આપણી જામીન અરજી દાખલ થઇ જશે. આપ નિશ્ચિંત રહેજો."

" થેન્ક્યુ કાર્તિક. હવે એક બીજી વાત ............................................." રાજેશ્વર ખુબ ધીમા અવાજે કાર્તિકને કશુંક કહી રહયો હતો ત્યાં જ જેલર ત્યાં આવી પહોંચતા જ રાજેશ્વરે પોતાના કેસ સંબંધી લીગલ મુદ્દાઓ વિશે ચર્ચા શરૂ કરી દઈ વાતાવરણ નોર્મલ હોય તેવો માહોલ બનાવી રાખ્યો.

*******************************

નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત થોડી હળવાશ અનુભવી રહયા હતા. તેને હવે એવી આશા જાગી હતી કે, મિલિટરીમાં એક બાહોશ અને અત્યંત ચકોર ઓફિસર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતો સુનિલ આ ભેદી મેસેજ ઉકેલવામાં તેની મદદ કરી શકશે. ગઈ કાલે સુનિલ સાથેની ચર્ચા દરમ્યાન જ હેડ ક્વાર્ટર ખાતેથી ફોન આવતા સુનિલે વાતચિત અધુરી છોડી જતું રહેવું પડ્યું હતું.

સૂર્યજીત સુનિલના ઘેર જવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેનો સામેથી ફોન આવ્યો પોતાના ઘેર આવવા કહ્યું. સૂર્યજીત એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી ગયો. બંને જણા ફરી એક વખત એ કોડવર્ડ વિશેની ચર્ચામાં મશગુલ બની ગયા. સુનિલ ધ્યાનપૂર્વક એ મેસેજ વાંચવા લાગ્યો.

થોડી વાર સુધી સુનિલે ઊંડા વિચાર કર્યા. અચાનક તેના ચહેરા પર સ્મિત ફરક્યું ને એ જોઈને સૂર્યજીતે તેને પુઉછ્યું " શું વાત છે સુનિલ? આ મેસેજમાંથી કાંઈ અર્થ સરે છે ?"

" ત્રણ તબક્કામાં લખાયેલા આ સંદેશામાં સર્વપ્રથમ EATWHY લખ્યું છે. આ અક્ષરોને હવે આપણે આડાઅવળા ગોઠવીએ તો કોઈક મતલબ નીકળે તેવા શબ્દો બની શકે છે. ઊંડો વિચાર કરતા એક શબ્દ બને છે " THE WAY ". મને લાગે છે કે, આ કાંઈક કામનો શબ્દ બન્યો છે. અન્ય જે શબ્દો બન્યા છે તેમાં ખાસ કશું જ અર્થસભર જણાતું નથી."

" યસ યુ આર રાઈટ સુનિલ..." સૂર્યજીતના ચહેરા પર ખુશી ફરી વળી.

" આ મેસેજના બીજા તબક્કામાં 1029384756 આંકડા લખાયેલા છે. એ ટેલીફોન નંબર પણ હોઈ શકે અથવા તો આ આંકડા મુજબ એબીસીડીમાંથી અક્ષર પસંદ કરીએ અને પછી તેમાંથી નવા શબ્દો બનાવાયા હોય એવું પણ બની શકે. આ આંકડાનો સીધો જ સંબંધ પ્રથમ તબક્કાના શબ્દો " THE WAY " સાથે હોવો જ જોઈએ. આ સંદેશ લાખનાર વ્યક્તિ સામે વાળી વ્યક્તને કાંઈક એવું કહેવા માંગતો હોઈ શકે છે કે, રસ્તો આ મુજબનો છે." સુનિલે ખુબ સમજીને પોતાનો વિચાર રજુ કર્યો. સૂર્યજીત પણ સુનિલની તર્ક્બધ્ધતા મુજબ વિચાર કરી રહયો હતો ત્યાં જ તેના દિમાગમાં એક ઝબકારો થયો...

" અરે સુનિલ આ આંકડા ફરી ધ્યાનથી વાંચ. એમાં એકથી દસ સુધીના આંકડા લખાયેલા છે. એક પણ આંકડો રીપીટ થતો નથી, પરંતુ તે આડા અવળા ગોઠવાયેલા હોય એવું સમજાય છે. મને લાગે છે કે, આ મુજબ વિચારીએ તો કશોક ખ્યાલ આવી શકે. "

" વાહ સૂર્યજીત, તે ખુબ જ સાચી દિશામાં વિચાર્યું છે. તારી વાત સાવ સાચી છે. એકથી દસ સુધીના આંકડા કાંઈ જોગાનુજોગ હોઈ શકે નહી. મને થોડી વાર એ દિશામાં પણ વિચારવા દે." સુનિલ લગભગ દસેક મિનિટ સુધી વિચારતો રહયો ને અચાનક ખડખડાટ હસવા લાગ્યો.....

" સૂર્યજીત મારૂ માનવું છે કે, આપણે કોડ ઉકેલવાની દિશામાં લગભગ અડધાથી વધુ અંતર કાપી નાંખ્યું, આ જો...તુ કહે તે મુજબ જ આ એકથી દસ સુધીના આંકડા આડા અવળા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તેમાથી એક અર્થ પણ નીકળે છે. ધ્યાનથી જો 1029384756 માં મેસેજ લખનારે પહેલા 1 પસંદ કર્યો અને પછી 0. એવી જ રીતે તેણે પછી 2 લખ્યો ને ત્યારબાદ 9. બસ આ જ રીતે તેને 3 પછી 8, ને 4 પછી 7 ને છેલ્લે 5 પછી 6 લખ્યું છે. તેણે એકથી દસ સુધીના આંકડા લખ્યા બાદ સર્વપ્રથમ આંકડો ઉપરથી ને બીજો આંકડો છેલ્લેથી પસંદ કર્યો છે. એક પછી શૂન્ય, બે પછી નવ એ રીતે. હવે ખ્યાલ આવ્યો??"

" અરે વાહ સુનિલ તારા દિમાગમાં તો કોમ્પ્યુટર ફીટ કરાયું હોય એવું લાગે છે." સૂર્યજીતે સુનિલની પ્રસંશા કરી.

" કોમ્પ્યુટર ????????" સુનિલના દિમાગમાં જોરદાર સળવળાટ થયો.

" અરે યાર.....આ કોડ ઉકેલવાની ચિંતામાં ને ચિંતામાં એક વાત તો સાવ મગજમાંથી જ નીકળી ગઈ. આપણે આટલી બધી ભેજામારી કરવી જ ના પડી હોત.... " સુનિલે સૂર્યજીત સામું જોઈને કહ્યું ને પોતાના માથે વાળમાં તેના હાથના આંગળા પ્રસરાવ્યા .

" કઈ વાત સુનિલ...?" રાજેશ્વરે પ્રશ્ન પૂછ્યો પરંતુ સુનિલ જવાબ આપવાને બદલે પોતાના રૂમમાં દોડી ગયો...આ જોઈને સૂર્યજીત આશ્ચર્યમાં મુકાઈ ગયો.

( વધુ આવતા અંકે...)

*******************************