પાસવર્ડ - 14 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 14

પ્રકરણ નં.૧૪

ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સીના ચીફ જ્યોર્જ ડિસોઝાએ હવે પછીના માસ્ટર પ્લાન મુજબ આગળ ધપવા માટે માટે એક સિક્રેટ મિશન હાથ પર લીધું હતું. તે એક તીરથી ત્રણ નિશાન પાર પાડવા માંગતો હતો. પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરો રવાના થયા બાદ જ્યોર્જ ડિસોઝાએ એક ખાનગી મીટિંગ માટે તેણે એક ખાસ સ્થળ પસંદ કર્યું હતું જ્યાં યોજાયેલી બેઠક વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા ઉપસ્થિત થાય. મીટિંગમાં ઉપસ્થિત રહેલા દેશના ટોચના ત્રણ પ્રધાનો, શાસક પક્ષના નેતાને જ્યોર્જ ડિસોઝા આ ઓપરેશન વિશે માહિતી આપી રહયા હતા, કેમ કે આ ઇન્ટરનેશનલ ઓપરેશન હાથ ધરવા માટે સરકાને વિશ્વાસમાં લેવી ખુબ જ જરૂરી હતી.

" સર...ઇટ ઇઝ એ કોવર્ટ ઓપરેશન. આ એક એવું સિક્રેટ મિશન છે જેમાં સરકાર ઓન ધ રેકોર્ડ ક્યાંય સામેલ નથી. જે ઓફિસરોને મિશન પર મોકલ્યા છે તેઓનો કોઈ રેકોર્ડ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીમાં કે અન્ય કોઈ સરકારી કચેરીમાં નથી. કદાચ આપણું મિશન કોઈ કારણસર નિષ્ફળ રહે તો પણ ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. કેમ કે મરજીવા સમાન આ ઓફિસરો મારા વિશ્વાસુ અને વફાદાર છે તેના પણ તેઓ રાષ્ટ્રવાદી પહેલા છે. તેઓ પોતાનો જીવ દઈ દેશે પરંતુ આ મિશનનું રહસ્ય ક્યારેય ઉજાગર નહી કરે."

" આપણા પ્લાન વિશે ઝીણામાં ઝીણી બાબતને ધ્યાનમાં રાખી તેનો અભ્યાસ કરી જ લીધો હશે પરંતુ આમ છતાં તમે આ મિશનમાં રહેલા ભયસ્થાનો ક્યા કયા છે તેની વાત કરો. ?" એક લીડરે સવાલ ઉઠાવ્યો.

" જી. આપણો મૂળભૂત પ્લાન આ મુજબ છે................." જ્યોર્જ ડિસોઝાએ આખી યોજના અને તેને પાર પાડવાની રણનીતિ વિશે તેઓને જણાવવી આવશ્યક હોય તેટલી જ માહિતી આપી.

" સરકાર આપની સાથે છે મિસ્ટર જ્યોર્જ ડિસોઝા. અમોને તમારા પર વિશ્વાસ છે. ગો અહેડ. આ એક એવું મિશન છે જેના પરિણામો ખુબ જ લાંબા સમયગાળાના છે."

" યસ સર...એ પરિણામો માટે અત્યારથી આ પ્લાનિંગ કરી લેવું જરૂરી છે."

" ઓકે વેરી ગૂડ. પણ હવે છેલ્લો સવાલ... તમારા વિશ્વાસુ ઓફિસરોએ અધિરાજનાં ગ્રુપમાં સામેલ થવું પડશે. તેઓએ અધિરાજનાં જ વિશ્વાસુ બનીને તેની સાથે કામ કરતા રહી આ મિશનને આખરી અંજામ આપવાનો છે. આ ખુબ જ જોખમી કામ છે. હવે તમે કહો આ અધિરાજ કઈ માયા છે? તેના વિશે આપની પાસે કેટલી માહિતી છે?" ટોચના પ્રધાને વાત પુરી કરી.

".................................................." જ્યોર્જ ડિસોઝાએ જવાબમાં સસ્મિત મૌન આપ્યું. આ સાથે જ મીટિંગ પુરી થઇ. સૌએ એકબીજા હાથ મિલાવ્યા અને પછી કંપનીના માલિકે ત્યાં જ આ તમામ મહાનુભાવોની મહેમાનગતિ અને આગતા સ્વાગતા પુરી કરી હતી. ત્યાર બાદ સૌ થોડા થોડા સમયના અંતરે ત્યાંથી વારાફરતી નીકળી ગયા. કંપનીના એક પણ કર્મચારી કે અધિકારીને જરા સરખી ગંધ પણ ના આવી કે દેશનાં એક ખુબ જ સિક્રેટ મિશન વિશે ખાનગી કંપનીની ઓફિસમાં એક હાઈલેવલ અને અત્યંત સંવેદનશીલ મીટિંગ મળી હતી. કંપનીનું કામકાજ રાબેતામુજબ ચાલતું રહયું.....

*******************************

" અનંતરાયની સૂચના મુજબ સ્ટીલના ત્રણેય બોક્સ સરહદ પાર મોકલી દેવા એ નાનકડા ગામના ચોક્કસ લોકોનું ગ્રુપ હરકતમાં આવી ગયું હતું...

" અરે ભાઈ, અત્યારે તમે આરામ કરો. બાકીની વાતો આપણે દિવસે કરીએ જ છીએ ને?" લીડરે જવાબ આપ્યા બાદ સૌ નેસની અંદર ચાલ્યા ગયા. અંદર પહોંચતા જ તેઓની નજરે જે કાંઈ ચડ્યું એ જોઈને અનંતરાયનાં છ મિત્રો તો દંગ જ રહી ગયાં.

" તમે વધુ ચિંતા ના કરો. ડરવાની પણ જરૂર નથી. અહી કશો જ ભય નથી." ડ્રાઈવરે તેઓને આશ્વાસન આપતા કહ્યું.

".............પણ આ બધું શું છે....?" એક મિત્રએ પુછ્યું.

" આ બોક્સ સરહદ પાર મોકલવાની વ્યવસ્થાનો જ એક ભાગ છે. " ડ્રાઈવરે તેઓને આશ્વસ્ત કર્યા. ઘાંસ અને માટીના બનેલા આ નેસમાં કેટલાક સાદા ખાટલા બિછાવવામાં આવેલા હતા. એક વ્યક્તિએ એક ખાટલો ઉંચો કરી તેની નીચે ફ્લોર પરથી જાજમ હટાવી. પેલા છ મિત્રો જોઈ જ રહયા. તેમને મનમાં એમ હતું કે, ખાટલા ઊંચા કરી ત્યાં પેલા સ્ટીલના બોક્સ રાખવાના હશે, જોકે તેઓના આશ્ચર્ય વચ્ચે માટીના ફ્લોર જેવી જ સપાટી ધરાવતા ચાર બાય છ ફૂટનો લાકડાનો બનેલો એક દરવાજો જમીન પરથી ઉંચો કર્યો ને નીચે જવા માટે પગથીયા દ્રશ્યમાન થયા. તેઓ દંગ રહી ગયા. માટીથી લીપાયેલા ફ્લોર પર આવો એક ભેદી દરવાજો ત્યાં બનાવાયો છે તેની તેઓને અત્યાર સુધી ખબર જ ન્હોતી પડી શકી. એક સહાયકે સૌને અંદર નીચે જવા માટે કહ્યું.

ડ્રાઈવરની વાત સાંભળીને છ એ છ મિત્રો, ડ્રાઈવર અને નેસનો લીડર પગથીયા ઉતરી નીચે ભોંયરામાં ચાલ્યા ગયાં. લીડરના કેટલાક સહાયકોએ સ્ટીલના ત્રણેય બોક્સ ઊંચકી ભોયરામાં ઉતારી લીધા. તેઓ નીચે ઉતર્યા એ સાથે જ નેસમાં ઉપર રહેલા સહાયકોએ ફ્લોર પરની જાજમ પૂન: બિછાવી દીધી ને તેની ઉપર ખાટલો પાછો ઢાળી દીધો. બીજી તરફ અંદર નીચેથી એક સહાયકે પણ એક દરવાજો ઉંચે ચડાવી ભોંયરૂ બંધ કરી દીધું. ધારો કે કોઈ બહારની વ્યક્તિ ત્યાં આવી પણ ચડે તોય તેને ઉપરથી એવી ખબર પડી શકે એમ ન્હોતી કે ત્યાં દરવાજા જેવું પણ કાંઈ છે.

ભોંયરામાં અંધારૂ હતું. અનંતરાયના છ એ છ મિત્રો થરથર કાંપી રહયા હતા. તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા. સૌથી આગળ ચાલી રહેલા લીડરે વીજળીના બલ્બ ચાલુ કરી પ્રકાશ રેલાવતા તેઓએ હાશકારો અનુભવ્યો. ભોંયરામાં પેસેજના છેડે કેટલાક રૂમ બનાવવામાં આવેલા જોવા મળ્યા. તેઓ સૌ એક રૂમમાં પ્રવેશ્યા. જ્યાં સૌ માટે ઘર જેવી જ તમામ સુખ સગવડ ઉપલબ્ધ હતી. આરામ અને ભોજન સહિતની વ્યવસ્થા લીડરના સહાયકોએ કરી નાંખી હતી. અનંતરાયના મિત્રોને થોડો સમય આરામ કરવાનું કહી લીડર અને તેના સહાયકો અન્ય કામમાં જોતરાઈ ગયા. ત્રણ ચાર કલાકના આરામ બાદ તેઓ ઉઠ્યા ત્યાં સુધીમાં લીડરે હવે પછીના કામ માટેની તૈયારી કરી લીધી હતી. સૌ સ્નાન કરી ફ્રેશ થયા એટલામાં ભોજનની થાળી પીરસાઈ ચુકી હતી. ભોજન દરમ્યાન જ લીડરે સૌને કહ્યું કે, હવે સ્ટીલના બોક્સને કઈ રીતે અહીંથી સરહદ પાર પહોંચાડવાના છે અને એ માટે તેઓએ કેવી વ્યવસ્થા કરી છે. આખી યોજના અને વ્યવસ્થા વિશે જાણીને તેઓ દંગ રહી ગયા....

*******************************

ભેદી કોડવર્ડ બ્રેક કરવા માટે માથાફોડી કરી રહેલા સુનિલ અને સૂર્યજીતને અચાનક જ એક એવી બાબત યાદ આવી ગઈ હતી કે આ કોડવર્ડનું રહસ્ય હવે લાંબો સમય સુધી અકબંધ રહી શકે એમ ન્હોતું.

" કોમ્પ્યુટર ...!!!! તુ હમણાં જ બોલ્યો કે મારા દિમાગમાં કોમ્પ્યુટર ફીટ કરાયેલું છે. હું તો સાવ ભૂલી જ ગયો કે, મારા કોમ્પ્યુટરમાં એક એવો સોફ્ટવેર છે જે આ કોડવર્ડ ઉકેલવામાં આપણી મદદ કરી શકે છે. ચાલ કોમ્પ્યુટર ચાલુ કરીએ." સુનિલે ધડાકો કર્યો, ને સૂર્યજીત એટલી હદે ખુશ થઇ ગયો જાણે કે તેઓએ કોડવર્ડ બ્રેક કરી જ નાંખ્યો હોય.......

" અત્યાર સુધીની તપાસ એમ સૂચવે છે કે, આ બંને પ્રકરણ પાછળ બોગસ ચલણી નોટ છાપવાનું કારસ્તાન જવાબદાર હોઈ શકે છે. માત્ર એટલું જ નહી, રાજકીય અને વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો એન્ગલ પણ સામે આવી રહયો છે. અપહરણ અને હત્યા કાંડ એક જ પ્રકરણની બે ઘટના હોવાનું સમજાય છે. પી.આર.કન્સલ્ટન્સી કંપનીમાંથી કોઈએ આ ભેદી સંદેશ કોઈને મોકલ્યો હોય એવું સમજાય છે, પણ આ સંદેશ પ્રાપ્ત કરનાર કોણ હોઈ શકે એ તો મેસેજ ઉકેલાય તો જ ખબર પડે એમ હતું. " સુનિલ કોમ્પ્યુટર ચાલુ કરી રહયો હતો ત્યારે સૂર્યજીતે ફરી એ જ વાત દોહરાવી જે તેણે ગઈકાલે પણ સુનિલને કહી હતી.

" આ જો..સૂર્યજીત ....આ સોફ્ટવેરમાં આપણે પેલો કોડવર્ડ આધારિત મેસેજ ટાઈપ કરીએ અને પછી જોઈએ કે કોમ્પ્યુટર આપણને આ શબ્દો અને આંકડા પરથી અસંખ્ય કોમ્બિનેશન બનાવી આપશે." સુનિલે સૂર્યજીતને એ સોફ્ટવેર બતાવતા કહ્યું.

" સૂર્યજીત,હું તને સમજાવું કે આ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે. સુનિલે સોફ્ટવેરમાં સર્ચ ઓપ્શન માટેના ખાનામાં પહેલા ઉદાહરણ રૂપે ચાર અક્ષરો લખ્યા. THEW. સુનિલે એન્ટર કી દબાવતાં જ સૂર્યજીત સામે કોમ્પ્યુટર સ્ક્રીન પર THEW માંથી બનેલા અનેક શબ્દોના કોમ્બિનેશન ઝબકી ઉઠ્યા.

THEW, TEHW, TWHE, TWEH,

HTEW,,HETW,,HWET ,HWTE

ETHW, ETWH, EHTW, EHWT.

WEHT, WHET,WTEH, WTHE.

આ પછી સુનિલે બીજું ઉદાહરણ આપતા સર્ચ ઓપ્શનમાં 123 ટાઈપ કર્યા અને એન્ટર કી દબાવતાં કોમ્પ્યુટરે આ આંકડાના વિવિધ કોમ્બિનેશન પર બનાવી આપ્યા.

123, 132

213, 231

312, 321

" સૂર્યજીત, હવે ખ્યાલ આવી ગયો ને કે આ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે? તમે જેટલા અક્ષરો એન્ટર કરો તેના ગુણાંકમાં કોમ્પ્યુટર ઉપર આપણે જોયું એવી રીતે તેના કોમ્બિનેશન બનાવી આપે છે. "

" વાઉ....સુનિલ ક્યા બાત હેં યાર ??? ઇટ ઇઝ અ માઈન્ડબ્લોઇંગ સોફ્ટવેર. " સૂર્યજીતનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. અચાનક જ તેના ચહેરા પર ચિંતાની એક લકીર પણ ઉપસી આવી એ સુનિલે જોયું.

"શું વિચારે છે સૂર્યજીત? "

" આપણે જે કોડવર્ડ બ્રેક કરવાનો છે તેમાં તો ઘણા અક્ષરો અને આંકડાઓ છે. કોમ્પ્યુટર તેના અગણિત કોમ્બિનેશન બનાવી આપશે. આપણે તેમાંથી સાચું કોમ્બિનેશન કેવી રીતે શોધી શકીશું?"

સુનિલ હસવા લાગ્યો. કોમ્પ્યુટર કી બોર્ડ પર તેજ ગતિથી તેના આંગળા સ્વીચો દબાવી રહયા હતા. તેણે કોડવર્ડ ટાઈપ કર્યો. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD. જેમાં કુલ ૪૧ કેરેક્ટર હતા.

" સૂર્યજીત આપણે આ ૪૧ કેરેક્ટર ટાઈપ કર્યા છે એટલે કોમ્પ્યુટર તેમાંથી ૪૧ X ૪૧ = ૧૬૮૧ કોમ્બિનેશન બનાવી દેશે." સુનિલે પ્રાથમિક માહિતી આપીને એન્ટર કી દબાવી દીધી.

કોમ્પ્યુટર સ્ક્રીન પર કુલ ૧૬૮૧ કોમ્બિનેશન ઝબકી ઉઠ્યા. સૂર્યજીત ફાટી આંખોએ તેને નિહાળતો રહી ગયો. " અરે ભગવાન આટલા બધા કોમ્બિનેશન ક્યારે જોઈ શકીશું?" તે મનમાં જ બબડ્યો પરંતુ જાણ્યે કે સુનિલે તેના મનમાં બોલાયેલા શબ્દો સાંભળી લીધા હોય તેમ કહ્યું...

" સૂર્યજીત આ સોફ્ટવેરમાં અન્ય એક મેજિકલ સુવિધા પણ છે.......હવે જો આ સોફ્ટવેરનો જાદૂ. " સુનિલે સર્ચ ઓપ્શનમાં જઈ એક વિશેષ ઓપ્શન પર ક્લિક કર્યું.......

*******************************

અખબારના સંપાદક વિક્રમે અહેવાલ લખવાનું શરૂ કર્યું. તેને ખબર હતી કે, સવારે તેના અખબારમાં આ નવો સનસનીખેજ અહેવાલ પ્રસિદ્ધ થશે એ સાથે જ પોલીસ ખાતામાં સનસનાટી પ્રસરી જવાની છે. વિક્રમે આ અહેવાલ લખવા માટે તેના કોઈ પત્રકાર કે સહ સંપાદકને સૂચના આપવાને બદલે પોતે જ કલમ અને કાગળ હાથમાં લઇ લીધા. માત્ર પોલીસ ઓફિસરો સાથેની વાતચીત જ નહીં પરંતુ તેની ઓફિસમાં રૂબરૂ આવેલા એક ભેદી અને વિશ્વાસપાત્ર શખસે આપેલી માહિતીના આધાર પર તે આ અહેવાલ લખી રહયો હતો.

વિક્રમે અહેવાલનું મથાળું માંડ્યું કે.......

" અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડમાં ચોંકાવનારો ધડાકો....ટોચના એક રાજકીય નેતાને પણ મળી ધમકી "

" આ અહેવાલમાં લખવાની થતી કેટલીક ખુફિયા માહિતી એવી હતી જે ગણ્યાગાંઠયા લોકોને જ ખબર હતી તો પછી આ માહિતી મારા સુધી કેવી રીતે પહોંચી ગઈ? એવો સવાલ પોલીસ અને ટોચના એ રાજકીય નેતાના મનમાં ઉપસ્થિત જરૂર થાય અને તપાસ મારા સુધી પણ પહોંચી જાય " એવો વિચાર કરી વિક્રમે પોલીસ કમિશનર અભય કુમાર સાથેની ઘટના વખતે જેમ વિવિધ ટી.વી. ચેનલો અને અન્ય અખબારોમાં માહિતી લીક કરાવી નાંખી હતી તેવી જ રીતે તેણે ટોચના એક રાજકીય નેતાને પણ મળેલી ધમકી વિશેની ખાનગી માહિતી પણ પોતાના અત્યંત વિશ્વાસુ લોકો મારફત સર્વપ્રથમ તો પોલીસ ખાતામાં અને ત્યારબાદ મીડિયામાં લીક કરાવી નાંખી.................ને શહેરમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો હતો.

*******************************

અપહરણ કેસના કાચા કામના કેદી રાજેશ્વરના એડવોકેટ કાર્તિકે જામીન અરજી તૈયાર કરવાનું શરૂ જ કર્યું હતું ત્યાં ટી.વી. ચેનલોમાં બ્રેકિંગ ન્યુઝ શરૂ થઇ ગયા.

" અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડમાં ચોંકાવનારો ધડાકો....ટોચના એક રાજકીય નેતાને પણ મળી ધમકી "

એડવોકેટ કાર્તિક દંગ રહી ગયો. જોકે તેના ચહેરા પર વધુ ખુશી પણ ફરી વળી હતી. કેમ કે પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ કેસમાં હાલ જેલમાં રહેલા તેના અસીલ રાજેશ્વર જેલમુકત થાય એ દિવસ હવે વધુ દૂર ન્હોતો.

પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાંથી બબ્બે લાશો મળી અને તેને ધમકી પણ આપવામાં આવી એ ઘટના બાદ હવે ટોચના રાજકીય નેતાને ધમકી આપવામાંઆવી હતી. પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ અને સેન્ટ્રલ જેલ હત્યા કાંડની તપાસને ખોરવી નાંખવા માટે જ તે બંનેને આ ધમકીઓ મળી હતી તેવા અહેવાલો ટી.વી. ચેનલો અને અખબારોમાં વહેતા થયા હતા.

કાર્તિક પાસે તો રાજેશ્વરને છોડાવવા માટે માત્ર અભય કુમાર વાળી ઘટનાનું જ એક નવું લીગલ ગ્રાઉન્ડ નહી પરંતુ ટોચના એક રાજકીય નેતાને મળેલી ધમકી વાળી ઘટના વધુ એક નવા લીગલ ગ્રાઉન્ડ તરીકે ઉપસી આવી હતી. તેણે ફટાફટ રાજેશ્વારની જામીન અરજી તૈયાર કરી નાંખી.

આ પછી કોર્ટે જવાને બદલે પહેલા નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત સાથે વાત કરવાનું નક્કી કરી લીધું. તે સડસડાટ સૂર્યજીતની ઓફિસે પહોંચ્યો. જોકે સૂર્યજીત તેની ઓફિસમાં હાજર ન્હોતા. કાર્તિકે તુર્ત જ તેમને મોબાઈલ ફોનથી રિંગ કરી.

*******************************

ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સીના ચીફ જ્યોર્જ ડિસોઝાએ રવાના કરેલા તેના પાંચ વફાદારોએ એક અતિ ભેદી અને કોવર્ટ ઓપરેશન પાર પાડવાનું હતું. ડિસોઝાએ તેઓને આ મિશન વિશે તેઓ માટે જાણવી જરૂરી હતી એટલી માહિતીથી વાકેફ કરી દીધા હતા. તેઓનું પહેલું કામ હતું અધિરાજ વિશે માહિતી મેળવવાનું અને પછી તેના ગ્રુપમાં સામેલ થઇ જવાનું. તેઓને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે, પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ અને સેન્ટ્રલ જેલના ભયાનક હત્યા કાંડ વચ્ચે ભેદી સાંઠગાંઠ છે જ અને આ આખા મામલામાં અધિરાજ નામની કોઈ રહસ્યમય વ્યક્તિ સૌને પોતાની ઈચ્છા મુજબ નચાવી રહી છે. અધિરાજ વિશે નક્કર માહિતી મેળવવા માટે તેઓએ પોતાના સુત્રોને કામે લગાડી દીધા. પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાં મળેલી બબ્બે લાશો, ગૃહ મંત્રીને મળેલી ધમકી અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડની ભીતરમાં ખરેખર શું રંધાઈ રહયું છે તેની વિગતો મેળવવા પુરજોશમાં તપાસ શરૂ કરી દીધી. તેઓએ સર્વપ્રથમ તો પોલીસ ખાતામાં રહેલા પોતાના બાતમીદારો પાસેથી શક્ય તેટલી વધુ વિગતો મેળવવાનું મુનાસીબ માન્યું કેમ કે, પોલીસને આખા પ્રકરણમાં જેટલી ખબર હશે તેટલી કદાચ અન્ય કોઈને ન પણ હોય, પરંતુ તેઓની આ ધારણા માત્ર આંશિક રીતે જ સાચી જ હતી. જોકે એક કડી તેઓને એવી મળી કે જે તેઓને અધિરાજની રહસ્યમય ગુફા સુધી દોરી જઈ શકે એમ હતી.

( વધુ આવતા અંકે....)

*******************************