પ્રકરણ – ૧૨
ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સી હવે સંપૂર્ણપણે હરકતમાં આવી ચુકી હતી. આ સમગ્ર ઘટમાળ પર બારીકાઈથી નજર રાખવી તેના માટે જરૂરી બની ગઈ હતી. ઇન્ટેલીજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ આ વિશે ચર્ચા કરવા પોતાના કેટલાક વિશ્વાસુ ઓફિસરોની બેઠક યોજી હતી. જેમાં તે હવે પછીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માંગતો હતો.
મીટીંગ રૂમમાં તેના ખાસ વફાદાર ઓફિસરો ઉપસ્થિત થઇ ચુક્યા હતાં. મીટીંગ શરૂ થવાને હજુ થોડી વાર હતી. જ્યોર્જ ડિસોઝા તેની ચેમ્બરમાં બેઠા હતા. તે સમજતા હતા કે, પોતાના શિરે જે જવાબદારી સુપરત કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખતા ઇન્ટેલિજન્સ એજન્સીનાં ઓફિસરોની મીટિંગમાં જરૂર પૂરતું જ બોલવું અને જે ઓફિસર પાસેથી જેટલું કામ લેવાનું હોય તેટલી જ માહિતી તેને આપવી. એક અક્ષર પણ વધુ બોલવો નહી. ઓફિસર ગમે તેટલો વફાદાર હોય તો પણ તેને અસલ પ્લાન કે સ્ટ્રેટેજી ક્યારેય તેઓને જણાવવા નહી.
જ્યોર્જ ડિસોઝા માટે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ ચુકી હતી, તેમાં પોતાના વિશ્વાસુ ઓફિસરોની ક્ષમતા અને વફાદારી કેવી છે તેની પરીક્ષા કરવાની તક પણ ઝડપી લેવાનું તેણે નક્કી કર્યું હતું.
દરવાજો ખુલ્યો ને જ્યોર્જ ડિસોઝાએ મીટિંગ રૂમમાં પ્રવેશ કર્યો એ સાથે જ ત્યાં બેઠેલા પાંચ ઓફિસરોએ ઉભા થઇ તેમને આદર આપ્યો. છ ફૂટ ઊંચી પડછંદ કાયા, બ્લેક પેન્ટ અને ટાઈ સાથેના વ્હાઈટ શર્ટમાં સજ્જ જ્યોર્જની આભા જ કાંઈક જુદી હતી.
" પ્લીઝ સીટ ડાઉન ફ્રેન્ડ્સ " જ્યોર્જે આદર સામે વળતો વિવેક દાખવી કોઈ પણ પ્રકારની પ્રસ્તાવના બાંધ્યા વગર સીધી જ પોતાની વાત શરૂ કરી, " માય ફ્રેન્ડ્સ આપ જાણો છો કે અત્યારે નાણા મંત્રી અનંતરાયનાં શહેરમાં કેવી કેવી ઘટનાઓ બની રહી છે. પોલીસ ઉપર પણ જબરદસ્ત દબાણ વધ્યું છે. આ ઘટનાઓને લઈને હાલમાં ઘણી બધી ચર્ચાઓ થઇ રહી છે. આમ તો સત્તાવાર રીતે પોલીસ કે સરકાર કશું કહેતી નથી પરંતુ તેઓને એવી આશંકા છે કે, અન્ડરગ્રાઉન્ડ કોઈ ભેદી પ્રવૃત્તિ ચાલી રહી છે અને તેના લીધે જ આ ઘટનાઓ બની રહી છે. ઇન્ટેલિજન્સ એજન્સીને એવી ખુફિયા બાતમી મળી રહી છે કે, અધિરાજ નામક કોઈ માણસ આ ઘટનાઓમાં કશીક ભેદી રમત ખેલી રહયો છે. આજે મારે તમને પાંચેય ઓફિસરોને એક મિશન સોંપવાનું છે. જેમાં તમારે અધિરાજ કોણ છે અને તે શું પ્લાન કરી રહયો છે તેની માહિતી તમારે એકત્ર કરવાની છે. આ માટે તમારા પાંચ પૈકી બે ઓફિસરોએ અધિરાજનાં ગ્રુપમાં સામેલ થવું પડશે. તેઓએ અધિરાજનાં જ વિશ્વાસુ બનીને તેની સાથે કામ કરવું પડશે. તમો પાંચેય ઓફિસરોએ મને સતત અપડેટ કરતા રહેવાનું છે. આ મિશનમાં તમારામાંથી કોણ કઈ ભૂમિકા ભજવશે એ તમારે જ નક્કી કરી લેવાનું છે. જ્યારે અન્ય ત્રણ ઓફિસરોએ મિશનમાં રહેલા બાકીના બે સાથીદારોની સુરક્ષા સુનિશ્ચિત કરતા રહેવાનું છે. ઇઝ ધેટ ક્લીયર ?"
" યસ સર..." પાંચેય ઓફિસરો એક સાથે બોલી ઉઠ્યા.
" ઇટ ઇસ હાઈલી સિક્રેટ મિશન. ધેર ઇઝ નો રૂમ ફોર એની સિલ્લી મિસ્ટેક. યુ હેવ ટુ બી એલર્ટ ઓન એવરી મૂવ. કોઈના મનમાં કોઈ સવાલ હોય તો અત્યારે જ પૂછી લો."
" નો...સર..." ઓફિસરોએ ફરી એ જ વિશ્વાસ દર્શાવ્યો.
" રાબેતા મુજબ જ તમારી અસલ ઓળખાણ ક્યારેય જાહેર થવા દેવાની નથી. ક્યા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ એ મારે તમોને શીખવવાની જરૂરીયાત નથી. ધારો કે તમારી અસલિયત ખુલ્લી પડી જાય છે તો તેવી પરિસ્થિતિમાં મિશનના હિતમાં યોગ્ય હોય એવો નિર્ણય કરશો એવી મને તમારી ઉપર શ્રધ્ધા છે. તમારે આજથી તમારૂ કામ શરૂ કરી દેવાનું છે. એની ડાઉટ?"
" નો સર..."
" ગૂડ...આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર સક્સેસફુલ મિશન એન્ડ પ્રે ફોર યોર સેફ્ટી. કમ બેક વિક્ટોરિયસ એન્ડ વી વેલ હેવ પાર્ટી. "
" થેંક યુ વેરી મચ સર"
" ઓકે ધેન, પ્રોસીડ માય ડિયર ફ્રેન્ડ્સ. નાવ ધ મીટિંગ ઇઝ ઓવર."
જ્યોર્જ ઉભા થઇ તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. પાંચેય ઓફિસરો મીટિંગ રૂમમાંથી બહાર આવ્યા અને હવે પછી શું કરવું તેની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઇ ગયા.
*******************************
અખબારના સંપાદક વિક્રમને માહિતી આપનાર શખ્સ ઓફિસમાંથી બહાર નીકળી ગયો. વિક્રમ જોઈ રહયો હતો કે, દુનિયામાં કેવા કેવા ખેલ ખેલાઈ રહયા છે. હવે તેણે આ પ્રકરણમાં એક નવો વળાંક આપવાનો હતો.
વિક્રમે ટેબલ પર રહેલો ફોન ઉપાડ્યો અને વારાફરતી પોલીસ કમિશનર અભય અને નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતને કોલ કરી તેની સાથે અપહરણ અને હત્યા કેસનાં સંબંધમાં વિગતે ચર્ચા કરી. બંને ઉચ્ચ પોલીસ અફસરોને એ બાબતની નવાઈ લાગી કે, વિક્રમ પાસે આવી ખાનગી માહિતી કેવી રીતે પહોંચી હશે?
અત્યાર સુધી પોલીસ એમ જ માનતી હતી કે રાજકીય અને વ્યવસાયિક પ્રતિસ્પર્ધાને કારણે એકબીજા પ્રત્યેનો હિસાબ ચૂકતે કરવા તેમજ મબલખ નાણા પ્રાપ્ત કરવા માટે જ આ આખું પ્રકરણ રચાયું છે. જોકે વિક્રમ સાથે વાતચિત કર્યા બાદ બંને પોલીસ ઓફિસરોના વિચારો બદલી જાય એ સંભવ હતું. તેઓના મનમાં એ સવાલ રમવા લાગ્યો હતો કે, કાલે સવારે વિક્રમના અખબારમાં આ પ્રકરણ અનુસંધાને કેવી હેડલાઈન હશે અને એ અહેવાલમાં શું લખ્યું હશે? આ પ્રકરણને હવે કઈ દિશા આપવી તેનો દારોમદાર વિક્રમના આવતીકાલના અહેવાલ પર નિર્ભર હતો.
પોલીસ ઓફિસરો સાથેની વાતચીતના આધાર પર વિક્રમે સવારે તેના અખબારમાં એક નવો સનસનીખેજ અહેવાલ પ્રસિદ્ધ કરવાનો હતો. જેની સૌથી વધુ અસર પોલીસ ખાતા ઉપર થવાની હતી. વિક્રમે આ અહેવાલ લખવા માટે તેના કોઈ પત્રકાર કે સહ સંપાદકને સૂચના આપવાને બદલે પોતે જ કલમ અને કાગળ હાથમાં લઇ લીધા.
*******************************
અભય પોતાની સાથે બનેલી ઘટના અને ત્યારબાદ વિક્રમ સાથે થયેલી વાતચિતને કારણે ભારે તનાવ અનુભવી રહયા હતા. ચેમ્બરમાં બેઠા બેઠા આ ઊંડા ભેદી ઘટનાક્રમ વિશે અંકોડા મેળવવા મથામણ કરી અભયને કોઈ દિશા દેખાય એ પહેલા જ તેને એ મહાશયનો ફોન આવ્યો...
" અભય આ બધું અચાનક જે કાંઈ બનવા લાગ્યું છે તેના પરથી એટલો ખ્યાલ આવે છે કે આપણે હાલતુરત આપણી માયાજાળ સંકેલી લઈએ, અન્યથા પરિસ્થિતિ વધુ ગંભીર બની જશે....તમે અત્યારે જ આપણા પેલા ચાર ઓફિસરોને સોંપેલા કામ પરથી દુર હટાવી લો." સામેના છેડે બોલી રહેલ મહાશયે સીધી મુદ્દાની જ વાત કરી.
" જી....આપ બરોબર કહો છો."
" બીજી સૂચના ના મળે ત્યાં સુધી આપણું આ કાર્ય અત્યારે થંભાવી દઈએ છીએ."
" રાઈટ. હું પણ એ જ મતનો છું."
" જેમ તમારા ઘરમાં બબ્બે લાશ મળી આવવાની અત્યંત ચોંકાવનારી અને ડરામણી ઘટના બની છે એવી જ એક ભયાનક ઘટના મારી સાથે પણ બની છે..."
" હેં.....???!!!!!!!!!......શું વાત કરો છો...?" અભય રીતસરનો ડઘાઈ જ ગયો.
" યસ, અત્યાર સુધી હું એમ જ માનતો હતો કે, આપણે આસાનીથી આપણો લક્ષ્યાંક પાર પાડીશું પરંતુ આ તો કાંઇક જુદી રમત ચાલી રહી છે. આપણે જેઓને મગતરાં સમજતા હતા એ તો મોટા મગરમચ્છ નીકળ્યા."
" તમારી સાથે એવું તે શું બની ગયું કે, તમે પણ આટલી હદે ગભરાઈ ગયા...?"
" મારી સાથે એવું બન્યું કે.........." એ મહાશય બોલતા રહયા અને અભય કુમારનાં આંખના ડોળા ફાટ્યા રહયા.
*******************************
અચાનક નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતનાં ચહેરા પર ખુશીની લકીર ઉપસી આવી. તેણે મિલિટરી ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવતા પોતાના મિત્ર સુનિલને ફોન કર્યો અને એક અગત્યના કામ સબબ પોતે તેને મળવા આવી રહયો હોવાની જાણ કરી પોતાની કાર તેના ઘર તરફ મારી મુકી. સૂર્યજીત થોડી વારમાં તેના ઘેર પહોંચી ગયો. સૂર્યજીતને એવી આશા જાગી હતી કે, મિલિટરીમાં એક બાહોશ અને અત્યંત ચકોર ઓફિસર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતો સુનિલ આ ભેદી મેસેજ ઉકેલવામાં તેની મદદ કરી શકશે.
" વેલકમ સૂર્યજીત....વેલકમ. ઘણા લાંબા સમય બાદ તારા દર્શન થયા યાર. " સુનિલે તેને પોતાના ઘરમાં આવકાર આપતા કહ્યું. સુનિલ વિચારી રહયો હતો કે, ચોક્કસપણે કોઈ ગંભીર બાબત ઉભી થઇ છે અને એટલે જ સૂર્યજીત તાત્કાલિક મળવા આવ્યો છે.
" સુનિલ, હું તારી પાસે એક ખુબ જ મહત્વના કામે આવ્યો છું. આપણે વાત કરીએ એ પહેલા તુ મને વચન આપ કે, હવે હું તારી સાથે હું જે કાંઈ ચર્ચા કરવાનો છું તેને તુ સંપૂર્ણપણે ખાનગી જ રાખીશ. "
" અરે યાર એવી તે કઈ મુસીબત આવી પડી છે કે, તારે મારી સાથે પણ આવી રીતે વાત કરવી પડી રહી છે? આમ છતાં તુ ચિંતા ના કર. હું વચન આપું છું બસ? હવે પછી થનારી સંપૂર્ણ વાત આપણા બે વચ્ચે જ રહેશે, અને હા એટલું જ નહી તને જ્યાં ક્યાંય પણ મારી જરૂર હશે ત્યાં પણ હું હાજર જ છું. બોલ હવે શું વાત છે?"
" હું લંબાણપૂર્વક વાત નથી કરતો. તુ જાણે જ છે કે, અપહરણ અને સેન્ટ્રલ જેલ હત્યા કાંડ બાદ પોલીસ ઉંધે માથે થઇ ગઈ છે. આ બંને પ્રકરણની તપાસ દરમ્યાન પી.આર.કન્સલ્ટન્સી કંપનીનાં જપ્ત કરાયેલા ત્રણ કોમ્પ્યુટર પૈકી એકમાંથી મને આ ભેદી કોડવર્ડ આધારિત એક સંદેશ મળી આવ્યો છે પરંતુ તેને ઉકેલવાની ભારે મથામણ પછી પણ પરિણામ શૂન્ય જ આવ્યું છે." સૂર્યજીતે પોતાના ખિસ્સામાંથી એક ચબરખી કાઢી સુનિલને એ સંદેશો બતાવ્યો. સુનિલ થોડી પળો માટે તેને શાંતિથી વાંચતો રહયો.....
સૂર્યજીતને ખ્યાલ હતો કે મિલિટરી ઇન્ટેલિજન્સમાં એક અત્યંત કાબેલ ઓફિસરની છાપ ધરાવતો સુનિલ કોઈક રસ્તો જરૂર બતાવશે. " હી વિલ બ્રેક ધ કોડ એન્ડ ધ મેસેજ વિલ બી ક્લીયર " સૂર્યજીત મનોમન બોલી રહયો હતો.
" સૂર્યજીત આ મેસેજ પરથી તને કેટલો ખ્યાલ આવ્યો અને તુ શું વિચારે છે? અત્યારે પોલીસ કઈ દિશામાં આગળ ધપી રહી છે એ વિશે મને થોડીક વિગતે વાત કરી શકીશ?"
" અત્યાર સુધીની તપાસ એમ સૂચવે છે કે, આ બંને પ્રકરણ પાછળ બોગસ ચલણી નોટ છાપવાનું કારસ્તાન જવાબદાર હોઈ શકે છે. માત્ર એટલું જ નહી, રાજકીય અને વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો એન્ગલ પણ સામે આવી રહયો છે. અપહરણ અને હત્યા કાંડ એક જ પ્રકરણની બે ઘટના હોવાનું સમજાય છે. પી.આર. કન્સલ્ટન્સી કંપનીમાંથી કોઈએ આ ભેદી સંદેશ કોઈને મોકલ્યો હોય એવું સમજાય છે, પણ આ સંદેશ પ્રાપ્ત કરનાર કોણ જોન હોઈ શકે એ તો મેસેજ ઉકલે તો જ ખબર પડે એમ છે. હવે મુશ્કેલી એ થઇ રહી છે કે, તપાસ ખરેખર કઈ દિશામાં આગળ લઇ જવી? જો આ મેસેજ સ્પષ્ટ થઇ જાય તો કમ સે કમ એટલો તો ખ્યાલ આવશે કે હવે શું કરવું? " સૂર્યજીતની વાત સાંભળ્યા બાદ સુનિલ ફરી એ મેસેજ ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યો.
સુનિલ મનોમન અંકોડા મેળવવા લાગ્યો. થોડી વાર સુધી ઊંડા વિચાર કર્યા. અચાનક તેના ચહેરા પર સ્મિત ફરક્યું ને એ જોઈને સૂર્યજીતને પણ થોડો હાશકારો થયો. તેણે એવી ધારણા માંડી લીધી હતી કે, સુનિલે કોડ બ્રેક કરી નાંખ્યો. જોકે તેની ધારણા માત્ર આંશિક રીતે જ સાચી હતી.
" શું વાત છે સુનિલ? કાંઈ ખ્યાલ આવે છે ?" સૂર્યજીત પૂછ્યા વગર રહી નાં શક્યો.
સુનિલે કહ્યું, " સૂર્યજીત, પ્રથમ નજરે એમ જણાય છે કે, આ કોડેડ મેસેજ ત્રણ તબક્કામાં લખાયેલો છે. આ જો હું તને સમજાવું...પહેલો તબક્કો છે EATWHY. બીજો તબક્કો છે 1029384756 અને ત્રીજો તબક્કો છે DPRLOEWASSSEALPODCNKACEOD. આ મેસેજ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. તારૂ શું માનવું છે?"
"....પણ આ વાત તુ કયા આધાર કે તર્ક પર કરે છે?"
" ફરી મેસેજ શાંતિથી વાંચ, મેસેજ લખનાર વ્યક્તિએ પ્રથમ તો અંગ્રેજીમાં કોઈ શબ્દ કે શબ્દો લખ્યા છે ને પછી કેટલાક આંકડા મુક્યા છે ને છેલ્લી વળી પાછા કેટલાક અંગ્રેજી શબ્દો લખ્યા છે. આટલું તો લગભગ માની જ શકાય."
" તારી વાતમાં દમ છે સુનિલ."
" આ જો, લખનારે પહેલા લખ્યું છે કે, EATWHY. આ અક્ષરોને હવે આપણે આડાઅવળા ગોઠવીએ તો કોઈક મતલબ નીકળે તેવા શબ્દો બની શકે છે. પહેલા તો એ જ વિચાર કે જે લખ્યું છે તે જ માની લઈએ કે EATWHY, એટલે કે EAT WHY, શા માટે ખાવું જોઈએ? શું આ શબ્દનો કોઈ અર્થ સરે છે ખરો? થોડો અર્થ તો જરૂર નીકળે છે." સુનિલ તેની વાત સમજાવી રહયો હતો ત્યાં જ તેને મિલિટરી હેડ ક્વાર્ટર પરથી ફોન આવે છે. સુનિલે વાત કરી અને પછી " સોરી " કહીને સૂર્યજીતની રજા લેવી પડી. સુનિલે મિલિટરી હેડ ક્વાર્ટર પર પહોંચવું જરૂરી હતું.
" સૂર્યજીત, હાલ તુર્ત આપણે અત્યારે જે થિયરી મગજમાં આવી છે તે મુજબ આ મેસેજને ઉકેલવાનો પ્રયાસ કરીએ. કાલે પાછા આપણે મળીશું. મારૂ કામ પતી જશે એટલે હું આ કોડ બ્રેક કરવાનો પ્રયાસ કરૂ છું. તુ પણ તારા પ્રયાસો ચાલુ રાખ. મને વિશ્વાસ છે કે, કોઈક અર્થસભર સંદેશ જરૂર મળી રહેશે. અત્યારે મારે હેડ ક્વાર્ટર ખાતે પહોંચવું ખુબ જ જરૂરી છે. સોરી યાર." સુનિલની વાત સાંભળી સૂર્યજીતે મનેકમને પણ આ મીટિંગ અટકાવી દેવી પડી પરંતુ એ તેનો જીગરજાન મિત્ર હતો. તેની મજબુરી પણ પોતે સમજતો જ હતો.
" અરે કાંઈ વાંધો નહી સુનિલ, એમાં તારે સોરી થોડું કહેવાનું હોય? આપણે કાલે ચોક્કસ મળીશું."
*******************************
રણના છેવાડાના એક નાનકડા ગામમાં કિલ્લા જેવા દેખાતા એક વિશાળ મકાનમાં રાત્રે એજન્ટ મુકેશ અને એજન્ટ વિજય એક રૂમમાં આરામ ફરમાવી રહયા હતા.
" કેમ રહયું તારૂ કામ ?" વિજયે પથારીમાં તેનું શરીર પડતું મુકતા જ ઉત્સુકતાવશ સવાલ પૂછ્યો.
મુકેશે જુદા જુદા વેશમાં હોટલમાં બૂક કરાવેલા રૂમથી માંડીને કોઈ તેને જોઈ ના જાય એ રીતે ચાલાકીપૂર્વક હોટલમાંથી તે કેવી રીતે બહાર નીકળ્યો એ કહ્યું અને પછી શરૂ કરી તેણે પાર પાડેલા એ દિલધડક ઓપરેશનની વાત.....
" હોટલેથી જુદા વેશે બહાર નીકળ્યા બાદ મેં એક રીક્ષા ભાડે કરી. ત્યાંથી પછી હું સીધો જ મોસ્ટ વી.આઈ.પી.નાં બંગલાઓ આવેલા છે તે હાઈ સિક્યુરિટી ઝોનની નજીક પહોંચ્યો હતો. પોલીસ કમિશનર અભયની સાથે તેના ફાર્મહાઉસમાં ખાનગી બેઠક યોજનાર એ મહાશયનો બંગલી પણ આ હાઈ સિક્યુરિટી ઝોનમાં આવેલો છે. મેં સર્વ પ્રથમ તો આપણા બાતમીદારો પાસેથી એ જાણી જ લીધું હતું કે, એ મહાશય કેટલા વાગ્યે ક્યા સ્થળે હોય છે. મારે તેના બંગલામાં એક વખત નહી પરંતુ બબ્બે વાર જવું પડ્યું હતું. તેના બંગલાના ગેઈટ પર હથિયારધારી ગાર્ડઝનો પહેરો તો હોય જ, એવામાં એ ગાર્ડઝને ઉલ્લુ બનાવવા માટે મેં પહેલાથી જ એક પ્લાન વિચારી રાખ્યો હતો. મારા સદનસીબે એ પ્લાન સફળ થયો ને આપણું કામ આસાનીથી પાર પડી ગયું." મુકેશ બોલી રહયો હતો. અચાનક તેનું ધ્યાન વિજય પર પડ્યું ને હંસી પડ્યો. વિજય તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યો હતો. " લે...બોલ......હું બોલ્યે જાવ છું ને આટલી રોમાંચક વાત પણ ભાઈ સાહેબને કોઈ કંટાળાજનક ફિલ્મ જોઈ રહયો હોય તેમ એ તો સુઈ ગયો...." મુકેશ મનોમન બોલ્યો ને " હવે સવારે જ બાકીની વાત પુરી કરીશ " એમ વિચારીને તેણે પણ પથારીમાં પડતું મુક્યું. વિજયની જેમ જ મુકેશ પણ લાંબી મુસાફરીનાં થાકને વશ થઇ થોડી પળોમાં જ ઊંઘી ગયો.
*******************************
રાજેશ્વરે પોતાને ઉપયોગમાં આવે તેવી માહિતી અલગ તારવવાનું અને ઈન્ટરનેટની મદદથી તેને પોતાના એક સિક્રેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે જેલમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને અત્યારે નોકરી કરી રહેલા ઓફિસરો અને ગાર્ડ્સ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. કદાચ જેલરે રાજેશ્વર ઉપર વધુ પડતો ભરોસો મુકી દીધો હતો. રાજેશ્વર આ માહિતી ક્યા કામમાં ઉપયોગમાં લેવાનો છે અને તેના મનમાં શું પ્લાન દોડી રહયો હતો તેની તો તેને કલ્પના પણ ક્યાંથી હોય?
રાજેશ્વરે તેના કામની નિષ્ઠાથી સૌ કોઈના દિલ જીતે લીધા હતા. ઓફિસમાં કામ દરમ્યાન કેદીઓ સાથે વાત કરવાનું કે જેલમાં અહી તહી આંટા મારવાનું થોડું સરળ બની ગયું હતું. તેને ઘણી બધી એવી વિગતો જાણવા મળી હતી જે ખુબ જ ચોંકાવનારી હતી. ખાસ કરીને જેલની અંદર સર્જાયેલા બિહામણા હત્યા કાંડ વિશે. રાજેશ્વરે હજુ થોડો સમય જેલમાં જ કાઢવો પડે એમ હતો. આ દરમ્યાન તે જેલની ઓફિસનું કોમ્પ્યુટરાઈઝેશનનું કામ જેટલું બને એટલું ઝડપી પુરૂ કરી લેવા માંગતો હતો. જેલની બહાર નીકળવા કોર્ટમાંથી જામીન મેળવવા પડે એમ હતા. આ માટે તેણે તેના એડવોકેટ કાર્તિક સાથે વાત કરવી પડે એમ હતી. રાજેશ્વર ઇચ્છતો હતો કે અપહરણનાં કેસમાં પોતે નિર્દોષ છૂટે.
રાજેશ્વરે જેલર સાથે વાત કરી પોતાના એડવોકેટ કાર્તિકને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જેલરે કાર્તિકને ફોન કોલ કરી રાજેશ્વર મળવા માંગતો હોવાનો સંદેશ આપ્યો. કાર્તિકે પણ પોતે થોડી વારમાં જેલમાં આવી રહ્યાનો જવાબ આપ્યો.
*******************************
" આ ત્રણેય બોક્સ સરહદ પાર મોકલી દેવાની સૂચના અનંતરાયે આપી છે. બાકી બધી વાત તમને અનંતરાય કરશે." એક ડ્રાઈવરે એમ્બ્યુલન્સમાંથી ઉતારવામાં આવેલા બોક્સ તરફ આંગળી ચિંધતા નેસના લીડરને ધીમેથી કહ્યું.
" નો પ્રોબ્લેમ. કામ થઇ જશે. ચિંતા છોડી દો." લીડરે જવાબ આપ્યો.
આ વાતચિત સાંભળીને પેલા છ જણા તો ડઘાઈ જ ગયા? શું અનંતરાય સ્મગલિંગનો ધંધો કરતા હશે? એવો પ્રશ્ન સહજ રીતે જ તેમને હચમચાવી ગયો.
" હવે અમારે શું કરવાનું કરવાનું છે એ કહો " ડ્રાઈવરે પુછ્યું.
" તમો થોડો સમય આરામ કરો. બાકીની વાતો દિવસે કરીશું. હવે થોડી વાર પછી સૂર્યોદય થશે. આપણે આ કામ કેવી રીતે પાર પાડીશું તેની ચર્ચા દિવસે કરીશું."
" હવે પછીના કામમાં અમારા સૌની તમને જરૂર પડશે કે કેમ?" ડ્રાઈવરે ફરી પુછ્યું.
" અરે ભાઈ, અત્યારે તમે આરામ કરો. બાકીની વાતો આપણે દિવસે કરીએ જ છીએ ને?" લીડરે જવાબ આપ્યા બાદ સૌ નેસની અંદર ચાલ્યા ગયા. અંદર પહોંચતા જ તેઓની નજરે જે કાંઈ ચડ્યું એ જોઈને અનંતરાયનાં છ મિત્રો તો દંગ જ રહી ગયાં.
" તમે વધુ ચિંતા નાં કરો. ડરવાની પણ જરૂર નથી. અહી કશો જ ભય નથી." ડ્રાઈવરે તેઓને આશ્વાસન આપતા કહ્યું.
".............પણ આ બધું શું છે....?" એક મિત્રએ પુછ્યું.
( વધુ આવતા અંકે...)
*******************************