તમે શું માનો છો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમે શું માનો છો

તમે શું માનો છો?

યશવંત ઠક્કર

‘કોણ? માધવ પેંડાવાળો ધર્મેશ બોલે છે?

‘હા. તમે કોણ બોલો છો?’

‘કાળુ સુબેદારનો માણસ બોલું છું.’

‘બોલો.’ નામ સાંભળતાં જ ધર્મેશના અવાજમાં નરમાશ આવી ગઈ.

‘તારે પેલા અરવિંદ સાથે વાંધો પડ્યો છેને?’

‘હા. પણ તમને કોણે કહ્યું?’

‘અરવિંદે જ વાત કરી છે. એણે કેસ કાળુભાઈને સોંપ્યો છે. પતાવટ કરી દેવાની છે.’

‘અરવિંદ તો મારા સગામાં થાય છે. અમે અંદરોઅંદર પતાવટ કરી લઈશું.’

‘અંદરોઅંદર પતાવટ નથી થઈ એટલે તો કેસ અમારી પાસે આવ્યો છે.’

‘સારું. હું અરવિંદ સાથે ફરીથી વાત કરીશ. અમે સમજી લઈશું.’

‘હવે એની સાથે નથી સમજવાનું. અમારી સાથે સમજવાનું છે.’

‘મારે જેની સાથે વાંધો પડ્યો છે એની સાથે સમજુંને?’

‘તને કહ્યુંને કે કેસ કાળુભાઈના હાથમાં છે.’

‘સારું. હું કાળુભાઈ સાથે વાત કરી લઈશ. તમે મૂકી દો.’

‘એમ કાળુભાઈ રેઢા નથી પડ્યા. તારે એના દરબારમાં હાજર થવાનું છે. ટાઈમ જાણી લે. આજે સાંજે છ વાગે’

‘કઈ જગ્યાએ’

‘કાલુભાઈની ઓફિસે. શાંતિનગર રોડ. રામદેવ ચાર રસ્તા. રોનક પ્લાઝામાં બીજે માળ. સમાધાન સેવા કેન્દ્ર. જાણીતી જગ્યા છે. આવી જજે. પોલીસનું લફરું કરવાનું નથી. નહિ તો શું થશે એની ખબર છેને?’

‘શું થશે?’

‘તારા ઘરની બારી રોડ પર પડે છે ત્યાં આવ એટલે ખબર પડી જશે.’

ધર્મેશ મોબાઇલ ચાલુ રાખીને જ રોડ તરફની બારી પાસે આવ્યો અને બારીની બહાર નજર નાખી તો એક તગડો યુવાન બાઈક પર કાને મોબાઇલ રાખીને બેઠો હતો. એની નજર બારી તરફ જ હતી. ધર્મેશને જોઈને હાથ ઊંચો કર્યો પેન્ટમાં ખોસેલી પિસ્તોલ બતાવીને અને બોલ્યો, ‘હવે વિશ્વાસ આવ્યો ને આ મજાક નથી. વાત બહુ આગળ વધી ગઈ છે.’

‘પણ હલો, આ કેસમાં મારો કશો વાંક નથી. અરવિંદની જ આડોડાઈ છે.’

‘એ બધી વાત કાળુભાઈ સાથે કરવાની. બરાબર? જેટલો વિચાર કરવો હોય એટલો કરી લેજે અને કાલે જવાબ આપજે. સમજ્યો?’

‘હા.’ ધર્મેશના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો.

ધમકી આપનારે ફોન બંધ કરીને બાઇક ચાલુ કરીને જતો રહ્યો. ધર્મેશે જોયું કે એની પાછળ પાછળ બીજા ચાર ચાર બાઇકસવાર છોકરાઓ પણ નીકળ્યા. મતલબ કે એ એકલો નહોતો. જરૂર પડે તો ખૂનખરાબા કરવાની પૂરી તૈયારી સાથે આવ્યો હતો.

ધર્મેશના ચહેરા પરની ઝાંખપ સંધ્યાના ધ્યાનમાં આવી ગઈ. એણે પૂછ્યું, ‘શું થયું છે? કોનો ફોન હતો?’

‘કશું નથી થયું. તું તારું કામ કર.’

‘થયું છે. ભલે તમે ન કહો પણ મને ખબર પડી ગઈ છે. આ બધી અરવિંદની મગજમારી છે.’

‘એ માણસ તો સાવ બદલાઈ ગયો છે. આવો નહોતો ધાર્યો.’

‘પણ ફોન કોનો હતો એ તો કહો.’.

ધર્મેશ જવાબ આપ્યા વગર કબાટમાંથી એક કાગળ ખોલીને વાંચવા લાગ્યો.

‘વહાલા મોટાભાઈ ધર્મેશભાઈ,

આમ તો તમે સગપણની રીતે મારા દૂરના મોટાભાઈ થાવ. પણ હું તમને મારા પિતા સમાન માનું છું. મારા પિતાજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી અમારું કોઈ નહોતું. પણ તમે મારો હાથ ઝાલ્યો. મને ધંધે ચડાવ્યો અને કમાતો કર્યો. મારો સંસાર વસાવી દીધો. જે સમાજને હું નફરત કરતો હતો એ જ સમાજમાં મને ભળતો કર્યો. મને તો કશું જ આવડતું નહોતું. કુંભાર માટીમાંથી ઘડો ઘડે એમ મને ઘડ્યો છે. આજે હું જે છું એ તમારા લીધે છું. તમારે લીધે જ હું આજે સ્વમાનથી જીવી શકું છું. તમે મારો હાથ ન ઝાલ્યો હોત તો હું દર દરની ઠોકરો ખાતો હોત. તમને કદાચ આ બધું કાલુઘેલું લાગશે પણ શું કરું? તમારા તરફ મને જે માન છે એ વ્યક્ત કરું છું. મારા દિલમાં તમારું જે સ્થાન છે એ સ્થાન ભગવાન પણ નહિ લઈ શકે.

તમારા તરફથી સદાય આવો જ પ્રેમ મળતો રહેશે એવો મને વિશ્વાસ છે. જય શ્રી કૃષ્ણ.

લિ. આપનો નાદાન ભાઈ અરવિંદના પ્રણામ.

‘સાલો જબરું નાટક કરી ગયો. કેવું મીઠું મીઠું બોલતો હતો. જાણે હું એનો સગો બાપ હોઉં એવો તો કાગળ લખ્યો હતો. હવે ગુંડાના ખોળે જઈને બેસી ગયો.’ ધર્મેશ બબડ્યો.

‘મેં તો તમને કહ્યું હતું કે સગાં જોડે વહીવટ રહેવા દો. પણ તમે માન્યા નહોતા. પારકા છોકરાના માબાપ બનાવાનો મોહ હતોને.’ સંધ્યાએ જૂની બળતરા કાઢી.

અરવિંદે આ પત્ર ત્રણ વર્ષો પહેલાં લખ્યો હતો. ચારેક વર્ષો પહેલાં એ ગોંડલથી કામધંધો શોધવા અમદાવાદ આવ્યો હતો. ધર્મેશની ‘માધવ પેંડા’ નામે ધમધોકાર ચાલતી દુકાન હતી. અરવિંદ દૂરના સંબંધે ધર્મેશનો ભાઈ થતો હતો. એ ધર્મેશને મળ્યો હતો અને માર્ગદર્શન માંગ્યું હતું. એની પાસે કોઈ ધંધાનો અનુભવ નહોતો. માત્ર પાંચ લાખ રૂપિયાની રકમ હતી. એટલી મૂડીથી મોટો ધંધો થઈ શકે એમ નહોતું. વળી વગર અનુભવે ધંધો કરવામાં જોખમ પણ હતું. ધર્મેશે ખાણીપીણીની લારીથી શરૂઆત કરવાની સલાહ આપી હતી. એમાં જોખમ ઓછું હતું. પરંતુ, અરવિંદને એ પસંદ નહતું. છેવટે ધર્મેશે એક રસ્તો કાઢ્યો હતો કે, ‘તારી પાસે પાંચ લાખની રકમ છે. એ મને આપ. હું તને મહિને બે ટકા વ્યાજ આપીશ એટલે તને મહિને દસ હજાર મળશે. એ સિવાય તું મારી નવી દુકાન સંભાળજે. હું તને મહીને પાંચ હજાર પગાર આપીશ. હમણાં ટ્રેનિંગ છે એમ માનજે. જેમ જેમ તારો અનુભવ વધતો જશે એમ એમ પગાર વધારતો જઈશ. તારી રકમ સચવાશે અને તારું ઘર પણ ચાલશે. હમણાં આ રીતે ચલાવીએ. આગળનું પછી વિચારીશું.’

અરવિંદને એ રસ્તો પસંદ પડ્યો હતો. ધર્મેશે દુકાનની શાખા ખોલવા માટે વીસ લાખ રૂપિયામાં બીજી દુકાન ખરીદી હતી. એમાં અરવિંદના પાંચ લાખ ઉપયોગમાં લીધા હતા.

અરવિંદને શરૂઆતમાં તકલીફ પડી પણ ધર્મેશનો સાથ હતો એટલે વાંધો ન આવ્યો. પગાર વધતો વધતો દસ હજારે પહોંચ્યો હતો. ધર્મેશ તરફથી બીજી નાનીમોટી મદદ પણ મળતી રહેતી હતી. સમાજમાં ધર્મેશની છાપ સારી હતી. એ છાપનો લાભ અરવિંદને પણ મળ્યો અને એનાં લગ્ન પણ થઈ ગયાં. બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. ત્યારે અરવિંદે આ પત્ર લખ્યો હતો.

પરંતુ, હાલમાં અચાનક અરવિંદે ધર્મેશ પાસે ધંધાની કમાણીમાં ચોથો ભાગ રાખવાની માંગણી કરી હતી. એનું કહેવું હતું કે, ‘નવી દુકાન વીસ લાખમાં લીધી હતી એ વખતે એમાં મારા પાંચ લાખ હતા. હવે ધંધો જામી ગયો છે એટલે મને ચોથો ભાગ મળવો જોઈએ.’

‘ભાઈ અરવિંદ, ‘ધર્મેશે એને સમજાવ્યો હતો, ‘દુકાન વીસ લાખમાં લીધી હતી પણ અમે બીજું રોકાણ કર્યુંને? બીજાં સાધનો, માલસામાન, ફર્નિચર, ભઠ્ઠી પાછળનું રોકાણ, ધંધાની જાહેરાત, આ બધું ગણતાં સામા પચાસ લાખ જેવું થઈ ગયું હતું. એ સિવાય કારીગરો અને નોકરોનો પગાર, સરકારી વેરા, લાઈટ બીલ, અમારી મૂડીનું વ્યાજ, અમારી આવડત અને મહેનતને લીધે ધંધો જામ્યો છે. માત્ર તારા પાંચ લાખને લીધે નહિ. તારા પાંચ લાખ મેં વ્યાજે લીધા છે. ધંધામાં ભાગીદાર બનાવવા માટે મૂડી તરીકે નથી લીધા. આપણે એ રીતે લખાણ પણ કર્યું છે. બધું કાયદેસર કર્યું છે.’

‘મહેનત તો મેં પણ કરી છેને?’

‘તને એનો પગાર આપ્યો છેને. એક સંબંધી જાણીને કોઈ ન આપે એટલો પગાર તને આપ્યો છે. તપાસ કરી જો તો ખબર પડે કે એમબીએ થયેલા છોકરાઓને પણ કોઈ વેપારી દસ હજારનો પગાર નથી આપતા.’

‘તમે મને સાવ ઓછો પગાર આપ્યો છે. મારું શોષણ કર્યું છે. મારી મહેનતની કદર કરી નથી.’

‘શું મહેનત છે તારી ભાઈ?’ ધર્મેશ હવે દિમાગ પરનો કાબુ ગુમાવ્યો, ‘ઘરાક પાસેથી પૈસા કાપવા સિવાય સિવાય તે શું કામ કર્યું છે એ કહે. એ સિવાય તને બીજું કશું આવડ્યું છે? બીજાં કામમાં ક્યારેય હાથ લગાડ્યો છે? પેંડા બનાવવાનું તો દૂર રહ્યું એક પેંડો તું સરખો વાળી દે તો મને એમ થાય કે તું મારી દુકાનેથી કશું શીખ્યો. તે ક્યારેય કોઈ જવાબદારી લીધી છે? તૈયાર દુકાન પર તું ઊભો રહ્યો છે ને ચોથો ભાગ માંગે છે. શરમ આવવી જોઈએ. તું અત્યારથી જ છૂટો. આ મહિનાનો આખો પગાર આપી દઈશ. ને તારા પાંચ લાખ પણ તને કાલે મળી જશે.’

‘પાંચ નહિ, પૂરા પંદર લાખ આપવા પડશે. મને અક્કલ વગરનો સમજો છો?’ એણે ઊભા થતાં કહ્યું હતું.

ધર્મેશ હસ્યો હતો અને બોલ્યો હતો, ‘જા, જા. પંદર લાખ કેમ થાય છે એ ખબર પડે છે? મેં અને મારા બાપાએ જાત ઘસી નાખી છે ત્યારે આ દિવસો જોવા પામ્યા છીએ.’

‘એ તો બધી ખબર પડી જશે.’ અરવિંદે જતાં જતાં ધમકી આપી હતી.

વાત આ રીતે બગડી ગઈ હતી. સગાંસંબંધીઓની સમજાવટથી ધર્મેશ દસ લાખ સુધી આપવા તૈયાર થયો હતો પણ અરવિંદ પંદર લાખ માટે મક્કમ રહ્યો હતો. ધર્મેશને લાગ્યું હતું કે, અરવિંદને કોઈએ ચડાવ્યો છે. એ કરી કરીને શું કરશે? કાયદેસર તો કશું કરી શકે એમ નથી એટલે ડરવાની જરૂર નથી.

પરંતુ ડરવાની નોબત આવી ગઈ હતી. અરવિંદ આ હદે જશે એવું તો એણે ક્યારેય વિચાર્યું નહોતું. એણે વિશ્વાસુ મિત્રો અને સગાંસંબંધીઓની સલાહ લીધી. બધાનો એક જ મત હતો કે. ‘આજકાલ કાળુભાઈની ધાક બોલે છે. એ ધારે એનું ખૂન કરાવી શકે એમ છે. એની સામે પાડવામાં મજા નથી. પોલીસ ફરીયાદ તો કરતા જ નહિ. વાત વધી જશે. સમાધાન કરવામાં જ મજા છે.’

ધર્મેશે એક ઓળખીતા રાજકીય નેતાનો સંપર્ક કર્યો. એણે પણ લાચાર થઈને કહ્યું કે, ‘અમે અત્યારે સત્તામાં નથી એટલે એ અમને પણ ગાંઠતો નથી. એને સત્તામા બેઠેલાઓએ જ ઊભો કર્યો છે એટલે આટલો ફાટ્યો છે. અત્યારે તો કોઈ રસ્તો નીકળે એમ નથી.’

ધર્મેશને છ વાગ્યે કાળુભાઈના દરબારમાં પહોંચી જવું ઠીક લાગ્યું. એને એમ હતું કે પોતાનો વાંક નથી એટલે આઠદસ લાખમાં પતાવટ થઈ જશે.

પરંતુ, આલીશાન ઓફિસમાં સિંહાસન સમાન ખુરશી પર બિરાજમાન કાળુભાઈએ સીધી વીસ લાખની જ વાત મૂકી. જો ધર્મેશ ન માને તો ધર્મેશના ધંધાને જ નહિ પણ ધર્મેશને ખુદને નુકસાન પહોંચાડવાની ધમકી આપી.

ધર્મેશે બધી વાત માંડીને કરી અને કરગર્યો, ‘કાળુભાઈ, અમે બહુ મહેનત કરીને કમાયા છીએ. આ તો ધરમ કરતાં ધાડ પડી છે.’

‘જાણું છું ભાઈ, તમારા બાપાનો સંઘર્ષ પણ મેં જોયો છે. પણ તમે મહેનત કરીને કમાયા તો છોને. ‘હેં? તમે કમાયા ન હોત તો હું તમને અહીં બોલાવત જ નહિ. વળી તમે અરવિંદના પૈસા લઈને મોટી મુસીબત ઊભી કરી છે. તમને એ મુસીબતમાંથી બચાવવાનો ખર્ચો તો થાય ને? જેમ તમે ધંધો લઈને બેઠા છો એમ હું પણ ધંધો લઈને બેઠો છું. આ જીવનું જોખમ લઈને કામ કરતા જુવાન છોકરાઓને મારે પાલવવાના નથી?’

‘વીસ લાખ તો વધારે કહેવાય. ઓછા કરો’

‘પાંચ લાખ પહેલેથી જ ઓછા કરી નાખ્યાં છે. ધર્મેશભાઈ, તમે ધાર્મિક માણસ છો એ જાણવા મળ્યું છે. સામાજિક કામ માટે પણ ધર્માદો કરો છો. અમારા છોકરાઓ વારતહેવારે ઉઘરાણું કરવા આવે છે ત્યારે પણ એમને રાજી કરો છો. આ બધું જોતાં પાંચ લાખ ઓછા કર્યા છે. હું ભાવતાલ કરતો નથી. જે બોલું એ ફાઇનલ હોય છે.’

છેવટે ધર્મેશને વાત માની લેવી પડી. પૈસા ભેગા કરવાં માટે એને ચાર દિવસની મુદ્દત મળી.

ધર્મેશે ગમે તેમ કરીને વીસ લાખ રૂપિયા ભેગા કરીને કાળુભાઈને પહોંચાડ્યા. બદલામાં કાળુભાઈએ ખાતરી આપી કે, ‘હવે અરવિંદ તમારી સાથે મગજમારી ન કરે એની જવાબદારી મારી. અરવિંદ જ નહિ, બીજા કોઈપણ તરફથી તકલીફ થાય તો અચકાયા વગર અમારો સંપર્ક કરજો. અમે ચાર્જ કરીએ છીએ પણ સેવા પૂરી આપીએ છીએ.’

ધર્મેશને વિદાય કર્યા પછી કાળુભાઈએ અરવિંદને બોલાવીને એણે દસ લાખ રૂપિયા પકડાવ્યા. અરવિંદે વધારે પૈસા માટે દલીલ કરી તો એને ખાકાહ્દાયો, ‘તને તારા હકના આ પૈસા અપાવી દીધા છે. પકડ અને રવાના થા. હવે ધર્મેશને કોઈ પણ રીતે હેરાન કરીશ તો હું તને છોડીશ નહિ. હવે એની સલામતીની જવાબદારી મારી છે.’

અરવિંદને જયારે ખબર પડી કે કાળુભાઈએ ધર્મેશ પાસેથી વીસ લાખ લીધા છે ત્યારે એને ભાન થયું કે, આ સોદામાં નથી ધર્મેશ ફાવ્યો કે નથી પોતે ફાવ્યો. ફાવ્યો છે તો કાળુભાઈ ફાવ્યો છે.

અરવિંદે દસ લાખ રૂપિયા રોકીને પેંડાની જ દુકાન કરી. ધર્મેશની દુકાનના કારીગરોને વધારે પગારની લાલચ આપીને લઈ આવ્યો. પરંતુ પોતાની કશી આવડત ન હોવાથી ધંધો જામ્યો નહિ. ધંધો બદલીને સમોસાનું શરૂ કર્યું. સમોસા છોડીને સાડીઓ વેચી. એકાદ વર્ષમાં તો ખાલી થઈ ગયો. પૈસાથી અને આબરૂથી પણ.

ફરી ધર્મેશને દુકાને પહોંચ્યો. પગમાં પડીને કરગરવા લાગ્યો: ‘ધર્મેશભાઈ મને માફ કરો. મેં બહુ મોટી ભૂલ કરી છે. તમે તો મારા માવતર છો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થતાં નથી. મને એક તક આપો.’

ધર્મેશે એને બહારનો રસ્તો બતાવતાં કહ્યું: ‘મેં તો તને માફ કરી જ દીધો છે. તું મને માફ કર અને બહાર નીકળ. તું તો ભીખ મેળવવાને પણ પાત્ર નથી.’

એ ગયા પછી ફરી આવ્યો નહિ પરંતુ એનો પત્ર આવ્યો. એ પત્રમાં પણ પોતાનો પસ્તાવો જ વ્યક્ત કર્યો હતો: ‘ધર્મેશભાઈ, મેં તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે. હું જે થાળીમાં ખાતો હતો એ થાળીમાં જ હું થૂક્યો છું. ભગવાન મને ક્યારેય માફ નહિ કરે. મને મારા કર્મોની સજા મળી ગઈ છે. આ શહેરમાં મારું કોઈ નથી એટલે આ શહેર છોડીને જઉં છું. હું ફરીથી ખરા દિલથી તમારી માફી માંગુ છું. ભગવાન તમારુ ભલું કરશે. લિ. અભાગી અરવિંદના છેલ્લાં છેલ્લાં જય શ્રી કૃષ્ણ.’

ધર્મેશ માટે હવે આવા પત્રનું કોઈ મહત્ત્વ ન હતું. સમગ્ર ઘટના એના માટે એક વાવાઝોડા સમાન હતી. વાવઝોડું આવ્યું હતું ને નુકસાન કરીને ચાલ્યું ગયું હતું અને ભુલાઈ ગયું હતું. એનો ધંધો, નામ, આબરૂ બધું વધ્યું હતું. માણસોને ઓળખવાની સમજ પણ વધી હતી.

એક રાત્રે ધર્મેશ મુંબઈથી એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને અમદાવાદ પાછો આવ્યો હતો. ડ્રાઇવર રજા પર હોવાથી ગાડી લેવા આવવાની નહોતી. એણે ઘરે પહોંચવા માટે રિક્ષા કરી. રિક્ષા ઘરે પહોંચી એટલે ખિસ્સામાં હાથ નાખતાં રિક્ષાવાળાને પૂછ્યું, ‘કેટલા અપાવાના?’

રિક્ષાવાળાએ મીટર જોયું અને બોલ્યો, ‘પિસ્તાળીસ રૂપિયા.’

ધર્મેશે રૂપિયાની નોટ આપીને કહ્યું, ‘ભલે રહ્યા.’

‘નહિ શેઠ.’ રિક્ષાવાળો પાંચ રૂપિયા પાછા આપતાં બોલ્યો, ‘મારે વગર હકનું નથી જોઈતું. આમેય મેં તમારી પાસેથી વગર હકનું ઘણું લીધું છે. એ પાપની સજા ભોગવી રહ્યો છું. હવે મારે વધારે પાપમાં નથી પડવું.

ધર્મેશને એ અવાજ જાણીતો લાગ્યો. અત્યાર સુધી એણે રિક્ષાવાળાને ધ્યાનથી જોયો નહોતો. હવે જોયો. આડેધડ વધેલી દાઢીની પાછળના ચહેરાને એણે ઓળખ્યો. એ અરવિંદનો ચહેરો હતો.

ધર્મેશ કશું બોલે તે પહેલાં તો એ રિક્ષા ચાલુ કરીને જતો રહ્યો. જતાં જતાં ધર્મેશને ‘જય શ્રી કૃષ્ણ’ કહેતો ગયો.

‘નાટકિયો સુધર્યો નથી.’ ધર્મેશ ઘરના દરવાજા તરફ જતાં જતાં મનમાં જ બોલ્યો.

તો હે વાચક, શું અરવિંદમાં પરિવર્તન નહિ આવ્યું હોય? કે પછી ધર્મેશ માને છે એમ નાટક જ કરતો હશે?

તમે શું માનો છો?

[સમાપ્ત]