પ્રેમ (Prem) Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

 • મારા અનુભવો - ભાગ 2

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:...

 • અગ્નિસંસ્કાર - 95

  વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયે...

 • વિષ રમત - 27

  વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ (Prem)

પ્રેમ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રેમ

સાવધ બનીને આસપાસ શેરીમાં જોવાઈ ગયું કે કોઈ નથી તેને ટીકી - ટીકીને જોનારું ? બસ, એ પછી જ સોનલે હળવેથી સિસકારીને વિનુને બોલાવ્યો હતો.

સાવ સામસામા મકાનો વચ્ચે દશબાર ફૂટનું અંતર. તેણે ઝાંપા પાસે ઊભા રહીને કહ્યું હતું - ‘વિનુ...’

આવા સાદની ક્યાં નવાઈ હતી ? ચૌદની, પંદરની, અઢારની દરેક સોનલે આમ સાદ કરીને વિનિયાને બોલાવ્યો હતો. પ્રેમથી, ચતુરાઈથી, સહજતાથી વિવિધ કામો સોંપ્યાં હતાં.

આ છેલ્લાં છ-સાત વરસોનો આ ઇતિહાસ હતો. તે કામની સોંપણી કરતી અને એ પતી જ જતું - અપેક્ષા મુજબ.

સામેનું વિજાતીય પાત્ર પણ સમાન વયનું હતું એટલે વિકાસના તબક્કાઓ પણ સાથે જ અનુભવાયા હોય ને ?

કેટલું વૈવિધ્ય હતું સંબંધનોમાં ? વિનુ, વિનિયા, વિનોદ તો ક્યારેક, અત્યંત રીઝમાં વિનુડા ય આવી જતું હોઠે.

તો સામે પક્ષે સોન, સોનુ, સોનલી અને ક્યારેક સહજભાવથી સોનલ !

કઈ વયની સોનલ ક્યાં કામો સોંપતી - એ ખરેખર રસપ્રદ હતું. ‘લઈ લે ને સાઇકલ ! ચાલ, આપણે સવજીની ચક્કીએથી લોટનો ડબો લઈ આવીએ.’

‘ચાલ... અંગ્રેજી ગ્રામરની ચોપડી લઈ આવીએ !’

‘વિનિયા, જોયું છે ને હેમાંગિનીનું ઘર ? હવેલી શેરીમાં ચોથું, લીલી ખડકીવાળું ત્યાંથી લઈ આવીશ મારી નોટ ?’

‘વળતાં લેતો આવજેને, કરિયાણાની થેલી ખલમીચંદને ત્યાંથી ! કાલે વરસાદ આવ્યો હતો ને સાંજે ? પછી ન લાવી.’

‘ઈરફાનની દુકાનેથી મારો ડ્રેસ લેતો આવજે ને ? કેટલાં આંટા થયાં, ઇસ્ત્રી કરાવવાના ? ઓલો... મોર પિચ્છ રંગનો, તને ગમે છે ને... બસ એ જ !’

‘વિનુ, લેતો આવને, પાળિયાદવાળાને ત્યાંથી પેંડા-વેફર. ભૈ સોમવાર છે ને સત્તરમો ! એકવીસ કરવાના છે. છે તારે આવું કંઈ ?’

* * *

એ પછીના સોમવારે તે વગર કહ્યે આવી જ ગયો હતો - સોનલ પાસે. તે લોટની કણક મસળતી હતી એ સમયે. તે હસી હતી, વિનોદને ભાળીને. તેણે કશું કહેવું ના પડ્યું. તે જ બોલ્યો - ‘સોનલી, આ વખતે બરફી અને ફરાળી ચેવડો લાવું ને ?’

તે કેટલી રાજી થઈ હતી - એ સાંભળીને ?

બરાબર એ સમયે જ અલકામાસીએ કહ્યું હતું, અંદરના ખંડમાંથી. ‘કંઈ ખોટું હોય શાસ્ત્રીનું વચન ? દાખલાં છે ! પેલી પ્રેમલતાને વીસમે ઉપવાસે જ સારું ઠેકાણું મળી ગયું ! ગણીબેનની જશવંતીને ય એમ જ થયું ને ? ભલેને ખોડવાળો પણ મળી ગયો ને ? અને જેન્તીભૈની પારુલ...!’

સમજ પડી ગઈ વિનોદને, કે આ શાની પીડા હતી ? તેણે લાગણીસભર નજર તોળી, નતમસ્તક સોનલ પ્રતિ. ઓહ ! કેટલું બધું નહોતો જાણતો - આ છોકરી વિશે ? તેની પીડા વિશે ?

સાંજે વિચારતો હતો કે કેવી કરમાઈ ગઈ હતી સોનલી ! શરીરને અન્ન તો જોઈએ જ ને ? માસી કેમ આવું કરતાં હશે ? આનાથી કાંઈ... સોનલીને વર મળી જશે, પરણવા માટે ? બધી માન્યતા, અંધશ્રદ્ધા, બધું હંબગ ! બિચારીએ છતે અન્ને ભૂખ સહેવાનીને ? કેમ નહીં કહેતી હોય માસીને ? અનંતમાસા જાણતા હશે ? ના રે, તેમને તો કશી જાણ નહીં જ હોય ? સોનલી જે રસોઈ કરે એને ચૂપચાપ ન્યાય આપીને તે તો તરત જ રસ્તે પડી જાય ! નિત્યક્રમ જ ? સાંજે નોકરી પરથી આવીને ગોઠવી દે જાતને આરામખુરશીમાં. ક્યાં વ્યક્ત જ થાય છે - શબ્દોથી ? ને આમાં પિસાવાનું તો એકલી સોનલીએ જ ને ?

રાતે વિચાર ઝબક્યો - ‘સોનલીને પણ આ ગમતું હશે ? કેમ માન્યું કે નહીં ગમતું હોય ? તેને ય પરણવું હશે ને કોઈ સાથે, કોઈ છોકરા સાથે ?

આમ તો તેને પણ પરણવું જ હતું ને ? સમય થાય ત્યારે બધાંને... પરણવું જ પડે ! શું મા કહેતી હતી, એ દિવસે ? વિનિયાને પરણાવી જ દેવો છે ? બસ, એક નોકરી મળી જાય ને ! હવે એકલે હાથે કામ ખેંચાતું નથી. છે કોઈ તમારા ધ્યાનમાં ?

કદાચ અલકામાસીને જ કહેતી હતી.

તે અરજીઓ તો કરતો જ હતો ને ? અરજીનો મુસદ્દો હરિકાકાએ લખી આપ્યો હતો ! સોનલ ખુશ થઈ ગઈ હતી.

અરે, આખો ડ્રાફ્ટ મોઢે થઈ ગયો હતો. એક વેળા સોનલ સામે કડકડાટ બોલી ગયો હતો, માતાજીની આરતીની માફક ! સોનલ ખુશ થઈ હતી.

કહ્યું - ‘વિનિયા, કેવાં સરસ હેન્ડરાઇંટિંગ છે તારા ? એમ થાય છે કે... ! ‘એ વાક્ય ક્યાં પૂરું કરી શકી હતી ? બસ, જોઈ જ રહી હતી, વિનિયાના ચહેરાને !

એ રાતે તેને બધું જ સાંભરી ગયું. અચાનક મનને ગડથોલું આવી ગયું હતું. આની જેમ જ કોઈ. એકવીસ સોમવાર કરતી હશે તેને પામવા માટે ?

* * *

એકવીસમાં સોમવારે ગયો ત્યારે સોનલ સૂનમૂન થઈને બેઠી હતી, ભીંતને અઢેલીને. ઉમળકાથી હસી ને ફરી ઉદાસ થઈ ગઈ।

તેને ફાળ પડી. આ માંદી તો નહીં પડી હોય ને ? શરીરને માંદગી આવે. ક્યારેક મનને ય આવે ! શું હશે ? લાગલું પૂછી જ નાખત તેને, ધડ દઈને. પણ ત્યાં તો અલકામાસી જ પ્રગટ થયાં હતાં. કહે - ‘વિનુ, નથી લાવવાનું ફરાળ. આજે તો નકોરડો જ કરવાનો. છેલ્લો સોમવાર તો નકોરડો જ હોય. મૂઈના ગ્રહો જ ભારે છે. ક્યાં પતે છે ? આ આવ્યો એકવીસમો ! ભદ્રાનું ય થઈ ગયું - એકવીસ પહેલાં !’

ને તે ખળભળી ઊઠ્યો હતો. હવે તે - આ પતી જવું એટલે શું એ જાણતો હતો. જોયું તો સોનલ નતમસ્તકે બેઠી હતી, તેણે હાથથી સંકેત કર્યો, સ્વસ્થ રહેવાનો.

પછી મોટેથી બોલ્યો - ‘માસી, ઘરે જ છું. કામ હોય તો... !’ સોનલે પણ હાથ હલાવ્યો હતો - પ્રત્યુત્તરમાં. તે ગયો. પગલાં સંભળાયાં બહારનો ઝાંપો ખૂલ્યો ને ફરી વસાયો.

એક ધબકારો ચૂકી ગઈ સોનલ. થયું - ‘કેમ નહીં સમજતી હોય મા ? આ સામે છે એનો તો વિચારે ય નથી આવતો ? વળી હસી પડી. અરે, તેને ય થાય છે ? જાહેરમાં ના કે’વાય પણ ખાનગીમાં તો વ્યક્ત કરાય ને કે સોનલી, હું તને... ?’

ને પાછું પકડાયું મર્મસ્થળ. હા... એટલે જ અચકાતો હશે ! ક્યાંય ઠેકાણું નથી પડતું ને નોકરીનું ? પણ તેને તો કે’વાયને ? ક્યાં પારકી હતી ? સાંજે સામેથી ગઈ એ ઘરે.

વિનુની મમ્મી - સુભદ્રાબેને કહ્યું, ‘આવ... આજે છેલ્લો સોમવાર છે ને ? બધાં સારા વાનાં થઈ જશે. સ્ત્રીઓનું આ જ સુખ. જેવો મળે એવો પુરુષ, પુરુષ તો ખરો ને ? બસ, સંસાર માંડી દેવો. અલકાબેનને શાંતિ થાય ને ? કન્યાદાનનું પુણ્ય મળેને ? અને મારે ય ક્યાં ઝાઝી વાટ જોવી છે ? જેવી નોકરી મળીને તરત જ... બેસાડી દેવો છે પાટલે !’

અરે, આ સ્ત્રી પણ તેને નથી ગણતી, તેની પુત્રવધૂ ? અને તે શેનાં સપનાં જુએ છે, નાહકની ?

તે નારાજ થઈ ગઈ હતી, ખુદ પોતાની જાત પર.

રાતે અલકાબેને પૂછ્યું હતું, ‘બેટા... ભાવથી કર્યા છે ને આ એકવીસેય ?’

ને તે પડખું ફરી ગઈ, માથી. શું સમજતી હશે, મમ્મી ? અરે, કુભાવથી પણ હવે ના કરું એકેય !

* * *

રાતની ઉદાસી સવારે સંકેલાઈ ગઈ. બારીમાં જોયું, લટુરિયાં સરખાં કરતાં કરતાં જોયું તો સામે વિનુ ઊભો હતો. સ્મિત હતું ચહેરા પર. સંકેતથી પૃચ્છા કરતો હતો - તું ઠીક છે ને - એવી !

રાતભર ડખોળાયેલાં નીર તરત જ આછરી ગયાં. તેણે પણ હસીને ઉત્તર વાળ્યો - સંકેતથી.

નિયત સમયે તે ઘરે આવ્યો પણ ખરો. ગયો અલકાબેનના ખાટલા પાસે. બી.પી. ક્યાં સ્થિર રહેતું હતું ? ચડઊતર થયા કરતું હતું. ડૉક્ટરે કહ્યું હતું - ચિંતા ના કરો. આ રોગ જ... ચિંતાનો છે.’

‘કાંઈ કામ છે, માસી ?’ એ કાયમી પ્રશ્ન પુછાયો, એવી રીતે પુછાયો કે જાણે તે રસોડામાં લોટની કણક બાંધતી સોનલને પુછાતો હોય ! નિરસન થઈ ગયું એ છોકરીના રઘવાટ, રોષ અને હતાશાનું તે હસી પડી. લોટવાળા હાથે જ બંગડીઓનો ખનકાટ કર્યો. આ આમંત્રણ જ હતું, ખુલ્લું આમંત્રણ.

તે આવ્યો પણ ખરો. તેણે હસીને, મોં ફેરવીને તેના ભણી જોયું પણ ખરું. બસ ત્યારે તેને એક ગમ્મત સૂઝી હતી. ગંભીર થઈને બોલી - ‘વિનુ, એક કામ છે.’

‘બોલ...’ તે બોલ્યો, તત્પરતાથી.

‘તે નૉવેલ્ટી તો જોયું છે ને ? શાક મારકેટ સામેની, બે બારણાંવાળી દુકાન ?’ તે બે પળ થોભી, મુખભાવો નીરખવા.

‘બૉલ... આગળ !’ તેણે તરત જ તંતુ જોડી દીધો - તેનાં આગલા વાક્ય સાથે. સોનલ જરા ખચકાઈ પણ પછી મક્કમ થઈ ગઈ. તેણે ગમ્મત લંબાવી. જો, આ કાગળમાં બધું જ લખ્યું છે - નંબર, સાઈઝ, કલર વગેરે. બે લાવજે. મારી હો ! સમજ પડીને, શું લાવવાનું ? એમાં શરમાવાનું નહીં. પૂછે તો કહી દે જે કે મારી વાઈફ માટે ! જો કે એવું કોઈ પૂછવાનું જ નથી. બરાબરને ?’

સોનલ એકશ્વાસે ત્વરાથી બોલી ગઈ. કેટલી લજ્જા અનુભવતી હતી, આટલું બોલતાં બોલતાં ? તેણે ત્રાંસી આંખે જોઈ લીધું - એ પુરુષ ભણી કે કશા ભાવ દેખાય છે તેના ચહેરા પર ? પેલો જરા વિચારે ચડ્યો હતો. સંકોચના એક-બે સળ ઊપસ્યા હતા એ ય ઓળખાયા હતા, તેની ઝીણી નજરે. ખુશ થઈ હતી - પાર વિનાની. કશું ગોપિત રહેલું જાગે પણ ખરું, આ ઘટનાથી. ખરેખર તો તેને કેટલા વિચારો આવી શકે ? તે તેને એક સ્ત્રીની ભૂમિકામાં જ જુએ ને ? બસ, તે એ જ ઇચ્છતી હતી, એક છેડે આગ લાગી હતી ને બીજો છેડો પ્રજ્વલિત કરવાનો હતો.

ભલે ને, આ વિશે કોઈ વિચારતું નહોતું, પરંતુ તે તો વિચારતી હતી ને ? અને વિશ્વાસ હતો કે વિનિયો ય ભીતરથી તરબોળ હશે જ, તેનામાં !

પરિણામો વિશે જરા પણ ગફલતમાં નહોતી. વિપરીત બનાવાની શક્યતાઓ પણ એટલી જ હતી. સાંજે, લે, સોનલી... તે મગાવી’તી એ વસ્તુ - કહેતો તે મૂકી ગયો હતો એક નાનકડું બૉક્ષ. તેની છાતી ધડકી હતી. ને મન પ્રસન્નતાથી તરબોળ !

* * *

એ પછીના રવિવારે એ ઘરે ગયો તે દંગ થઈ ગયો હતો. બારી પર નવા પરદા લાગી ગયા હતા. અલકામાસીનો ખાટલો ઊઠી ગયો હતો અને એ ખૂણામાં ટિપૉય, બે ખુરશી, ફ્લાવર વાઝ ગોઠવાઈ ગયાં હતાં.

ખંડની સફાઈ થતી હતી. અનંતમાસા ઘડિયાળના ડાયલમાં નજર ખોડીને બેઠા હતા.

સોનલ બાથરૃમમાં હોય તેમ લાગ્યું વિનુને. પાણી રેડવાનો, અટકવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

અલકામાસીએ હસીને કહ્યું - ‘વિનુ... સમયસર જ આવી ગયો. કેવો સંયોગ બને છે ? તને યાદ કરું ને તું હાજર ! જો, ચાર મહેમાનો આવવાનાં છે. કદાચ પાંચે ય આવે. આપણી તૈયારી હોવી જોઈએ. શું લાવવું - નાસ્તામાં ? પેંડા, ચેવડો વેફર તો ખરાં જ. લઈ આવ ને મારતી સાઈકલે. આ જોને, જોવા આવવાના છે ને, સોનલીને ! બરાબર એ જ સમયે નાહીને બહાર આવતી સોનલીની ભીની દૃષ્ટિ વિનુ પર જ પડી હતી.

ના, વિનુ ખુશ નહોતો જણાયો. તેને આ ગમ્યું નહોતું. એવા ભાવ હતા કે જાણે તેની જાગીર લૂંટાઈ જતી હોય. કેટલી ખુશ થઈ સોનલ ? તે આમ જ ઇચ્છતી હતી ને ?

સાંજે તે ખુદ વિનુ પાસે ગઈ. થોડી પારાયણ સુભદ્રાબેન સાથે કરી ને પછી વિનુને કહેતી હોય તેમ બોલી - ‘માસી, મેં તો ના જ પાડી દીધી આ વાતની. મન માનવું જોઈએ ને ! તેણે, એ પુરુષના ચહેરાને અવલોકી લીધો. તે રાહતની લાગણી - અનુભવી રહ્યો હતો.

સોનલને પણ સુખની અનુભૂતિ થઈ.

બીજી સવારે તેણે પૃચ્છા કરી હતી - ‘વિનુ, પછી શું થયું તારી નોકરીનું ? આવ્યો કશો જવાબ...?’

* * *

આ પછી, એ ઘરે કોઈ મહેમાન આવ્યા નહોતા. પુનઃ પથરાઈ ગયો હતો અલકામાસીનો ખાટલો.

પોસ્ટમેન વિનુની અરજીનો પણ જવાબ નહોતો લાવ્યો.

ચાર નયણાં ટીકી ટીકીને જોયાં કરતાં, એકમેકને.

એક દિવસે સોનલે વિનુને હળવેથી સિસકારીને બોલાવ્યો હતો. સાવધ રહીને કોમળ સ્વરે કહ્યુ ંહતું - ‘વિનિયા, મેં ફરીથી એકવીસ સોમવાર શરૂ કર્યા છે. સાવ નકરોડા જ ! માત્ર તારા માટે જ !’

તે હસી. ભીની આંખોમાંથી બે આંસુ ઢળ્યાં - ૪ બરાબર, વિનુએ લંબાવેલી હથેળીમાં.

* ગિરીશ ભટ્ટ *