પ્રેમકથા Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકથા

પ્રેમકથા

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રેમકથા

મૉર્નિંગ વૉક પર નીકળેલા સનાતનને એકાએક ઝબકારો થયો - ‘આ સામેથી આવીને પસાર થઈ ગઈ એ નીલા તો નહીં ?’

લંબગોળ ઘઉંવર્ણો ચહેરો, કપાળ પર નમી જતી કેશલટોને હાથ વતી સંકોરવાની ટેવ, હમણાં જ હસી પડશે એવી અનુભૂતિ કરાવતી મોં ફાડ, આંખો અને હડપચી. સમય જતાં ફેરફારો તો થાય જ ને ? તે ખુદ કેટલો બદલાયો હતો ? એ રીતે, તે પણ બદલાઈ જ હોય ને ? કૃશ દેહમાં સ્થૂળતા ઉમેરાઈ હતી. કપાળ પર નમી જતી કેશલટોમાં શ્વેત ઝાંય પ્રવેશી હતી. પળ, બે પળમાં આ થોડાં અણસારોએ મળી ને તેમના ચિત્તપ્રદેશમાં એક ઝબકારો કર્યો હતો - ‘આ નીલા તો... નહીં ?’

જરા સ્થિર થઈને કુતૂહલવશ પાછળ જોવાયું - ‘હા, લાગી તો એ જ !’

પેલીએ પણ પાછળ જોયું જ હતું, પરંતુ સનાતનની એ ક્રિયા આટોપાઈ ગઈ એ પછી જ !

તરત જ એક દૃશ્ય આકારાઈ ગયું, દૃષ્ટિપટ પર. એક અજાણી મેડી, સામસામી બે ખુરશીઓ, બારી ખુલ્લી પણ બારણું અધખુલ્લું ને એમાંથી પ્રવેશેલી એક ટાપટીપ કરેલી અઢાર-વીસ વરસની છોકરી. બારણે હતી ત્યારે કોઈ સૂચના આપી રહ્યું હતું. ‘બરોબર જોઈ લેજે વાત કરતાં કરતાં. શરમની પૂછડી ના થાતી.’

બસ, ત્યારે જ તે હસી પડત પણ તે હસી છેક ખુરસી પર બેસીને.

એ વાત તો સનાતને ય સાંભળી હતી. તેને ખાસ નવાઈ નહોતી લાગી. આવી સૂચનાઓ તો સહજ ગણાય. પણ પેલી તો મુક્ત રીતે હસી પડી હતી. પછી બોલી પણ હતી - ‘ચાલો, વાતો શરૃ કરો એટલે હું તમને જોવાનું શરૂ કરું !’

અને પાછું હસીને ઉમેર્યું - ‘તમેય સાંભળ્યું ને ?’

પછી કેટલી વાતો થઈ ? ગંભીર વાતો થઈ, રમતિયાળ ઢંગથી.

સનાતનને નીલા ગમી હતી. તેણે પરોક્ષ રીતે આ વાત વ્યક્ત પણ કરી હતી, ‘આખી જિંદગી પડી છે, એકમેકને જોવા માટે, ખરુંને, નીલા ?’

સંકેત સમજી ગઈ હોય તેમ નીલા હસી પડી હતી.

‘પછી તો વિસ્મયો ઓગળી જવાના અને એકાકાર થઈ જવાશે, ખરું ને નીલા ?’ સનાતને કહ્યું હતું.

અને તે સાતમા આસમાનમાં વિહરવા લાગી હતી. આ તો સ્વીકૃતિ હતી તેની, તેના સ્ત્રીત્વની. તેણે ઊઠતાં ઊઠતાં તેને મન ભરીને નીરખ્યો હતો.

‘હા, સનાતન...’ એવું બોલી પણ હતી.

રાતભર કેવી મઘમઘી હતી - ફળીની રાતરાણીની જેમ જ ! સખીને કહ્યું હતું - ‘વિશાખા, મારી શોધ તો હવે પૂરી થઈ - આ સનાતન પર જ પૂર્ણવિરામ.’

પછીની ક્ષણે બન્નેની નજર એક થઈ હતી. બન્નેએ એક સાથે જ અનુભવ્યું હતું - ‘અરે આ તો એ જ...!’

શક્યતા તો એ જ હતી કે નીલા, આ અણધારી પરિચિતતા આઘી હડસેલીને ચાલી જાય તેના રસ્તે, કારણ કે કશો અર્થ જ નહોતો આ મિલનનો. પ્રથમ મુલાકાતે જન્મેલી પ્રેમની લાગણીઓ કેટલી અલ્પજીવી હતી ?

સંદેશ આવી ગયો હતો કે એ સંબંધ શક્ય નહોતો. કોઈ આકાશી ગ્રહો નડતાં હતાં આ સંબંધને. લગ્ન સુખ માટે જ થતાં હોય ને ? બન્ને જાતકોની જન્મકુંડળીઓ મળતી નહોતી. કોઈ દેખી પેખીને આ અસુખ થોડું વહોરી લે ! મળી રહેશે આપણી નીલાને ! લગભગ સર્વસ્વીકૃત થઈ ગઈ આ બાબત. હા, એક બાબત ખૂંચી. પહેલેથી જ કહ્યું હોત તો ? તો નીલાને દેખાડવાનો તાયફો જ ના કરત ને ? કંઈ સસ્તી નથી આપણી છોકરી ? બસ... આટલો ડંખ રહી ગયો. પણ નીલા તો જુદું જ વિચારતી હતી. સુખ કંઈ કાગળમાં લખ્યું હોય ? એ તો ભીતરમાં જ હોય ને ? લાગણી અને સમજ હોય તો બધું સુખ જ બની જાય. આ તો નર્યાં બહાનાં ! આને સત્ય ગણવું કે પેલી અલપઝલપ માણેલી પળોને, એ વાતોને ? કેવી સરસ વાતો કરી હતી, તેણે ? સ્વીકૃતિ જ હતી - કોઈ પણ અર્થમાં. એ સ્વપ્ના આમ જ તૂટી પડે - વૃક્ષ પરથી પીળું પાન ખરી પડે એમ જ ? શા કારણે તેણે આમ આશા બંધાવી ?

તે આમાં સંમત નહીં જ હોય એમ તે દૃઢપણે માનતી રહી. મળી લેવાના પ્રયાસો ય આદર્યા પણ તે ક્યાં હતો એ સ્થળે ? માએ કહ્યું - ‘બેટા, શા માટે આટલો ઝંઝવાટ કરે છે ? પ્રિયવદન તૈયાર જ છે. ગ્રહો ય મળી ગયા છે. જે થાય છે - તે તારા - અમારા સારા માટે, એમ જ માન.’

પણ તે માને ખરી ? માંહ્યલો માને નહીં એવી વાત ક્યાંથી સ્વીકારે ? એ પુરુષ જ કાપુરુષ. તેનાં વચનો ખાલીખમ પોલાણ. તે વેર બાંધી બેઠી - અલપઝલપ મળેલા સનાતન સાથે. પછી ક્યાં મળ્યો હતો એકેય વાર ? આછીપાતળી રેખાઓ સાચવીને તે બેઠી હતી, આટલો બધો સમય. લગભગ પચીસ વર્ષ.

વિશાખા વખતોવખથ સગડ પૂરા પાડતી. એ છે વડોદરામાં, કદાચ નર્મદાકાંઠે કોઈ ભગવા વસ્ત્રધારી સાથે, કદાચ... ! ને આ, અચાનક જ ભેટો થઈ ગયો.

પછીનો ઘટનાક્રમ સાવ સહજ બને એમ જ બન્યો હતો. ‘ઓહ ! અરે... નીલા તું ?’ પુરુષે હસીને કહ્યું હતું. સ્ત્રી સ્થિતપ્રજ્ઞસમી બની ગઈ હતી. ખરેખર તો તેણે ત્યાંથી ચાલ્યા જવું જોઈએ અથવા રોષ પ્રદર્શિત કરવો જોઈએ પરંતુ તે એમ કરી શકી નહોતી.

સનાતને આગળ આવીને કહ્યું હતું - ‘ચાલ, બેસીએ આ બૅચ પર. છે ને થોડો સમય, પચ્ચીસ વર્ષ પછીના આ મિલન માટે.’ અને તે બેસી ગઈ હતી સનાતનથી ખાસ્સું અંતર રાખીને. ગોઠવતી હતી - સનાતનને સંભળાવવાના શબ્દોને.

ના, કહી જ નાખવું, ઠાલવી નાખવો બળબળતો લાવારસ.

ભલે ને, પ્રિયવદન સાથે સંસાર માંડીને સુખી થઈ હોય પણ છેતરી તો ખરીને, આ પુરુષે ? એક સ્વપ્ન આપ્યું ને તેણે જ દોરી તોડી નાખી ! ને પછી સમજૂતી પણ નહીં આપવાની એ કૃત્યની ? ગ્રહોની વાતો તો નર્યું તરકટ ! કેવી રાચતી હતી ગગનમાં - એ અલ્પ સમયખંડમાં ? વિશ્વાસઘાત જ ને ? પાપ જ કહેવાય આ તો.

સનાતનને વિચાર તો આવે જ ને કે નીલાના મનમાં શી ગડમથલ હોઈ શકે ?

તેણે જ વાતનો પ્રારંભ કર્યો હતો.

‘કેટલાં વર્ષ પછી મળ્યાં ? અને સાવ આકસ્મિક જ !’

‘જિંદગીમાં કેટલાંક બનાવો સાવ અણધાર્યા જ બની જાય છે. જો કે આપણી પહેલી મુલાકાત અણધારી નહોતી જ.’ તે બોલી હતી - આગળના સંવાદની પૂર્વભૂમિકા જેવું.

‘ક્યાં છો અત્યારે ?’ સનાતને વિષય બદલ્યો હતો.

અત્યારથી જ આવી વાતો શા માટે કરવી ? બસ, એટલી જ ગણતરી. બાકી બૅચ પર બેસવાનું આમંત્રણ પણ સનાતન તરફથી જ હતું ને ! તેને જ ઇચ્છા હતી કે તે નીલાને મળે, તેના સંજોગોની વાત કહે, રંજ રહી જતો હતો - તેને ના મળ્યાનો. એમે ય થતું હતું કે તે સુખી તો હશેને, નીલાને સુખ મળ્યું હોય તો સારું. તે પ્રાર્થના કરતો હતો ઈશ્વરને, તેના સુખ માટે. પણ ગામ છોડ્યા પછી બધું જ તૂટી ગયું હતું...

‘અહીં, તમારી પાસે.’ તે હસી હતી - કડવાશભર્યું. શિકાર તો પાસે જ હતો. બસ, તે ડંખ મારે એટલી વાર હતી. સનાતનના શબ્દો દઝાડતાં હતાં. સારું થયું, આમ મળી જવાયું ! હિસાબ ચૂકતે થઈ જશે.

‘મળ્યાં એનો રંજ તો નથી ને, નીલા !’ તે હળવાશથી બોલ્યો હતો - પૂરી શાલિનતાથી.

‘રંજ તો છે જ પણ આ મળ્યાં એનો તો નહીં જ. તમે તમારું વાક્ચાતુર્ય તો જાળવી રાખ્યું છે, સનાતન !’ તે બોલી હતી. ખરેખર તો આ હુમલાનો પ્રારંભ હતો.

જતાંઆવતાં લોકોની નજર તો પડે જ ને, આ બન્ને પર ? હા, એમ પડતી હતી, વિસ્મય સાથે અને ફરી ઓસરી જતી હતી - બે પળ પછી. નીલા તો નવી વ્યક્તિ હતી, આ પથ માટે. દશેક દિવસથી સખીને ત્યાં કોઈ અવસરે આવી હતી. સખીનો આગ્રહ હતો - ‘રોકાઈ જા ને, નીલા. એ લોકો હનીમૂન પરથી આવી જાય પછી ચાલી જાજે તારા પ્રિયવદન પાસે. નહીં રોકું તને.’ અને તે રોકાઈ ગઈ હતી. આ નવા સ્થાને. જો કે તેણે મૉર્નિંગ વૉક માટેનું સ્થાન તો ખોળી જ લીધું હતું. પાંચ વાગ્યે સહજ રીતે આંખ ખૂલી જતી હતી. ત્યારે જાનકી તો મળસ્કાની નીંદર માણતી હોય. તે નીકળી પડે. એ એકાંત સડક પર. ખુલ્લી હવા, ભીનો પ્રહર અને થોડી અવરજવરવાળું એકાંત. વચ્ચે પથ્થરની બેઠકો પણ ખરી, વિસામા માટે. ત્યાં બેસીને ઊગતી સવારના સાક્ષી પણ બની શકાય, જળહળ થતી દિશાઓને અવલોકી શકાય.

અને ત્યાં જ સનાતન મળી ગયો હતો. પચીસ વર્ષ પહેલાંનો અતીત સળવળી ઊઠ્યો હતો, ફેણ ચડાવીને !

સનાનતને વિચારી લીધું કે હવે ગતિ કઈ દિશા ભણી હતી. તેણે પણ એ જ દિશામાં ગતિ આરંભી હતી.

પૂછી નાખ્યું - ‘તું સુખી તો છે ને, નીલા ? જો કે આવું પૂછવાનો મારો કશો અધિકાર નથી એ જાણું છું અને તો પણ પૂછું છું. કયા સંબંધે પૂછું છું એ પ્રશ્નની સમજ મને પણ નથી.’

નીલા ખુશ થઈ ગઈ. તે જે સ્થિતિ ઇચ્છતી હતી એ તો આપોઆપ આવી રહી હતી અથવા સનાતન જ સામેથી સાનુકૂળતા કરી આપતો હતો. બિચારો સનાતન ! એ તરત બોલી - ‘કોઈ એક વ્યક્તિ સુખી કરી શકે તેવું થોડું છે, સનાતન ? પ્રિયવદને મને અપાર સુખ આપ્યું છે. તમે કલ્પી પણ ના શકો તેટલું. તમે મારા માટે ઉચાટ ન રાખશો. હું સુખી છું !’

‘મને ય સુખ થયું, આ સાંભળીને.’ સનાતન અહોભાવપૂર્વક બોલ્યો ને પેલી હસી પડી હતી.

ચાલો, એક તીર તો નિશાના પર લાગી જ ગયું ! હજી બીજા તીર તો ભાથામાં હતાં.

‘કોઈને સુખનાં વચનો આપવા તો સાવ સરળ છે, પરંતુ કેટલાંકને એવી ક્રૂર રમત રમવી પ્રિય હોય છે, સનાતન ! આ તો નરી છલના જ ગણાય, પાપ ગણાય. પણ એ તો સામાન્ય વ્યક્તિ માટે. કેટલીક અસાધારણ વ્યક્તિ માટે તો આ જ કર્મ હોય છે, ધર્મ હોય છે !’

નીલા ની જબાન ચાલવા લાગી હતી - કરવતની માફક. તે કેટલુંય બોલી ગઈ - અસ્ખલિત. સનાતન મંદ સ્મિત રાખીને એ વાક્પ્રવાહ ઝીલતો રહ્યો. ના કશો ઉત્તર, પ્રતિકાર કે અશાંતિ.

નીલા ઊભી થઈ ત્યારે સનાતનની આંખો ભીની હતી. નીલાએ માન્યું - ‘એ તો એમ જ થાય ને ? કેટલી મોટી રમત રમી હતી - મારી સાથે ? અણગમતા પુરુષને પ્રેમ કરી શકી હતી તે !’

ક્યાં પસંદ હતો પ્રિયવદન ? સંસાર ચાલતો જ હતો ને ? ચલાવતી જ હતી ને ? ધિક્કારના બળ પર જ ને ?

દૂરથી સખી જાનકી દેખાઈ. તે ઊભી થઈ અને તેને ફાળ પડી કે સખી શા માટે આમ દોડી આવી હશે ? મોડું થયું એથી ? કે પછી ફોન આવ્યો હશે પ્રિયવદનનો ? તે ક્યાં રહી શકતો હતો તેના વિના ? ખરેખર તો સ્ત્રી વિના ! આટલા વરસોનો અનુભવ હતો. ઉચાટ વચ્ચે ઊભી થઈ. જો કે કહેવાનું બધું જ કહેવાઈ ગયું હતું. શ્વાસની ત્વરા હજીય એવી જ હતી. મનને થોડી ટાઢક વળી હતી.

કેવો ચૂપચાપ સાંભળી રહ્યો ! બીજો વિકલ્પ જ ક્યાં હતો ? સામી ખુરશી પર બેસીને જે સુખો સજીવન કર્યાં હતાં એ અપરાધ જ ગણાય. અને તે પણ મૂરખી જ હતી ને ? બધું સાચુકલું માનીને એ દિવસ-રાત નખશિખ સુખમાં આળોટી હતી અને આવી ગઈ ચોખ્ખી ના. છોકરો ના પાડે છે ! જાવ, નથી ગમતાં એવી જ વાત થઈને ? કુંવારી છોકરીના દિલને ભાંગવાનો અપરાધ કાંઈ નાનોસૂનો ગણાય ?

તેણે પાછળ ફરીને જોયું પણ નહીં - એકે ય વખત. બસ... નથી, જોવો એ ચહેરો, કહી દીધું - જે સાચવીને બેઠી હતી એ. હવે શો સંબંધ તેની સાથે ? અરે, હતો જ ક્યાં ? આટલું કહેવાની ઇચ્છા તલસતી હતી. અને કેવું બન્યું ? એ પુરુષે જ તેને બોલાવી - આ અજાણ્યા રસ્તા પર !

જાનકીની પ્રસ્તાવના પણ એ દશામાં જ સાંભળી લીધી. ‘નીલા... પછી મને ય થયું કે જોઈ તો આવું કે શી મજા માણે છે મારી સખી, આ શીતળ પ્રહરમાં ! તને કહું, મને ય મજા તો આવી જ. બસ... આળસ મરડીને નીકળી જવું પડે - હિંમતપૂર્વક !’

નીલાને નિરાંત થઈ હતી. ચાલો, ફોન નહોતો આવ્યો પ્રિયવદનનો. જો કે એ પણ શુભ સંકેત ક્યાં હતો ? તે ખુદ જ વિચારશે કે કેમ ના આવ્યો ફોન ?

ત્યાં જ જાનકીએ વિક્ષેપ પાડ્યો હતો - ‘તું ઓળખે છે, એમને, સનાતનભાઈને ? ખૂબ જ મોટા ગજાની વ્યક્તિ છે આ ગામની. ફૅક્ટરીઓ ચાલે છે, જાહોજલાલી છે પણ સાવ નિસ્પૃહી. કેટલી મદદ કરે છે જરૂરતમંદોને ? પણ ક્યાંય નામ જ ન લાવે વચ્ચે. જમણો આપે એ ડાબો ના જાણે ! સાવ સાદગી. તે જોયોને એ જ તેમનો વૈભવ.’

નીલાને કશો રસ ના પાડ્યો એ સનાતનપુરાણમાં. માંડ જાતને સંયમમાં રાખીને ચાલતી રહી જાનકી સાથે. જે કશું જ નથી જાણતી તેના અતીતનું, એને શા માટે આ વાતમાં શામેલ કરવી ? ભલેને, સનાતન લાખેણો હોય તેને મન.

‘શી વાતો કરી તેં ?’ અચાનક જાનકી પહોંચી ગઈ છેક મર્મસ્થળ સુધી.

‘બસ... આ ખુશનુમા સવારની વાત. તેમણે મને એ સ્થાન પર દેખાતાં અદ્‌ભુત સનસૅટની વાત કહી. કહ્યું કે કોઈ પર્વત પર ક્યાં જવાની જરૂર છે ? બસ, ત્યાંથી જ રમ્ય દૃશ્યના દર્શન થાય છે, રોજ સૂર્યાસ્ત સમયે. નીલાએ પણ કલ્પના વડે એક નવું દૃશ્ય ઊભું કર્યું. એક જ નિશ્ચય. જાનકીને આ વાતમાં નાહક ડખોળવી ? તેને પક્ષપાત તો હતો જ સનાતનનો. ભલે એ અખંડ રહે. એક-બે દિવસમાં તો તે અહીંથી ચાલી જવાની હતી. મહેમાનની ભૂમિકા મર્યાદિત જ હોય.

‘હા... સાચી વાત છે સનાતનભાઈની. સૌંદર્યની આગવી દૃષ્ટિ છે તેમને. અને નીલા, જીવનદૃષ્ટિ પણ સૌંદર્યમય છે. લે, તને વાત કરું - એની જ. મને તો તેમના અંગત મિત્ર દ્વારા જ જાણ થઈ એ વાતની. બાકી એ રામ કોઈને ના કહે. નીલા, સનાતનભાઈ પરણ્યા જ નથી, આજદિન સુધી. કહે છે કે તેમનાથી અન્યાય થઈ ગયો એક સ્ત્રીને. વચન આપી દીધું પરણવાનું, સુખી કરવાનું. લગભગ પચીસ વરસ થયાં એ વાતને !

જાનકી શ્વાસ લેવા અટકી હતી. એ નીલાના કાન, મન સરવા થયાં હતાં. આ તો તેની જ... !

‘પછી શું થયું નીલા, ખબર છે ? રાતે કશી અકળ વેદના શરૂ થઈ તેમને. ડૉક્ટર કહે - જલદી પહોંચો, મોટા શહેરમાં.’

‘નીલા, હરખની જગ્યાએ ચિંતા ફરી વળી. રાતોરાત મુંબઈની વાટ પકડી. નિદાન શરૂ થયાં. જાતજાતના ટેસ્ટ અને કેટલી રઝળપાટ ?’ જાનકી વિસ્તરતી હતી.

નીલાને અચરજ થયું હતું - ‘હેં ! આમ ?’

‘પણ નીલા, ડૉક્ટરોમાં ય બે મત પડ્યા. એક કહે કૅન્સર ને બીજો કહે...’ અને થીજી ગઈ નીલા.

‘પણ એ સ્થિતિમાં ય સનાતનભાઈને પેલી છોકરી યાદ આવી ગઈ. થયું - આ વાત જાણશે તો તે કેટલો આઘાત અનુભવશે, કેટલી દુઃખી થશે ! બસ, સીધી ના જ કહી દો. ભલે ધિક્કાર્યા કરે તેમને. તેમણે નિર્ણય જણાવી દીધો.’

અને નીલાની આંખો ભીની થઈ ગઈ. અરે, તે શું કરી બેઠી સનાતન સાથે ? જાનકી સમાપન કરતી હતી આ કથાને.

‘પણ નીલું... જે કાંઈ રોગ હતો એ પ્રારંભનો હતો. ચાર વર્ષ ઝઝૂમ્યા રોગ સામે.’

પછી પરણ્યા જ નહીં ને વતનમાં પગ મૂક્યો જ નહીં. એક જ રટણ ‘પરણત તો એને જ. એને જ સુખ આપવું હતું. એ હતી ય એવી જ. એક ઇચ્છા બચી છે, તેને મળળાની, સુખના ખબર પૂછવાની.’

સનાતનભાઈ ક્યારેક કહેતા પણ ખરા, પણ નીલુ... એમ કોઈ થોડું મળી જાય રસ્તામાં ?’

નીલા ડોક ફેરવીને પાછળ જોઈ રહી હતી, પરંતુ જાનકી તો એની વાતમાં જ લીન હતી.