પીડા Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીડા

પીડા

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પીડા

અનુષ્કાને બધાં જ કામો સમયસર આટોપવાની ટેવ. આળસનું તો નામ જ નહીં. મા કેટલી ખુશ હતી આ કામઢી દીકરી પર ! ખુશ થઈને કહે પણ ખરી - ‘સારી ટેવો જીવનભર કામ આવે.’

પણ તેની - ભારતીય કલા મહાવિદ્યાલયની હૉસ્ટેલની રૂમપાર્ટનર સલોની કાયમ મજાક કરે, અનુષ્કાના આ ગુણની. ‘સાવ યંત્રની જેમ જીવવામાં મજા શી ? ક્યારે પવન આવે અને ક્યારે ડોલી ઊઠવું - એ તો આપણી ઇચ્છા મુજબ જ હોવું જોઈએ ને ? આપણે આખરે મનુષ્ય છીએ. - સંવેદનાથી ભરપૂર ! અને સ્વતંત્ર !

પ્રવેશ મેળવ્યો ને તરત જ પકડાવી દીધાં હતાં બે-ત્રણ લાંબાલચક સૂચનાપત્રો. એમાં એકમાં નિયમાવલિ હતી. બીજીમાં અભ્યાસક્રમની વિગતો, કયા કલાગુરુ શું શીખવશે સહિતની સંપૂર્ણ માહિતીઓ હતી. સંદર્ભ ગ્રંથોની યાદી હતી.

અનુષ્કાને તો આ ગમે જ. આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું આગોતરું ! કયા વિષયો, કેટલી પરીક્ષાઓ, શું શું વિષયવસ્તુ, કેટલાં પ્રૅક્ટિકલ, કલાગુરુનો પરિચય.

કેટલાં નામો હતાં ! બર્વેદાદા, માલિની મૅડમ, કૃપા મૅડમ, નંદબાબુ, બંસલજી, અભ્યંકરજી... આ સહુના માર્ગદર્શન નીચે દીક્ષિત થવાનું ! કેટલી અલભ્ય અનુભૂતિઓ થવાની હતી - આ ત્રણેય વરસો દરમિયાન !

તેને બર્વેદાદાનો તો પરિચય થયો જ હતો - ઇન્ટરવ્યૂ સમયે. તે ખાસ તૈયાર પણ ક્યાં થઈ હતી ? અરે, તૈયાર થવાનો સમય જ ક્યાં મળ્યો હતો ? મુસાફરીના ચોળાયેલાં પેન્ટ, ટોપમાં જ હતી. હજી તો લૉબીમાં પગ મૂક્યો હતો ને તેનું નામ પોકારાયું હતું.

બે હાથોથી વાળ સરખા કરતી, સંકોચ સાથે, થોડાં ડર સાથે ખંડમાં પ્રવેશી હતી, ધબ કરતી સામેની ખુરસી પર બેસી ગઈ હતી.

સામેની ત્રણ વ્યક્તિઓમાં વચ્ચે બર્વેદાદા. ચહેરા પર ચાંદની જેવી જ શીતળતા.

‘કુશળ છે ને, અનુષ્કા ?’ પહેલો પ્રશ્ન. નરી આત્મીયતા વરસી. પછી પૂછ્યું, ‘આ બ્રહ્માંડનો સૌથી મોટો ચિત્રકાર કોણ ?’

અનુષ્કાને અનેક નામો હોઠે આવ્યાં. તૈયારી કરી હતી ને ? અચાનક ઝબકારો થયો.

તેણે હસીને કહ્યું - ‘દાદાજી... એ તો ઇશ્વર.’

ખુશીથી તરબોળ થઈ ગયા બર્વે. સંબોધન ગમ્યું અને ઉત્તર પણ.

‘આ જા બેટી, અબ યે કલાભવન તેરા.’ ભાવથી બોલી ઊઠ્યા. બાકીના બેય પણ મલક્યાં.

રસપ્રદ વાચન હતું ને સૂચનાપત્રોનું. તે એમાં લીન હતી ને સલોની કોઈ સિને-પત્રિકામાં નજર ખૂંપાડીને બેઠી હતી.

અચાનક અનુષ્કા ચમકી હતી. ઓગણીસ વરસની કાયામાંથી એક લખલખું પસાર થઈ ગયું હતું.

ચોથે પાને લખ્યું હતું એ ફરીથી વાંચી ગઈ, ચીવટથી. હા, એ જ લખ્યું હતું - બીજા સેમિસ્ટરના અભ્યાસક્રમમાં મથાળે લખ્યું હતું, ન્યૂડ પેઈન્ટિંગ નીચે બધી વિગતો. સામે બેઠેલી ન્યૂડને ચિતરવાની ? તે વિષાદમાં સરી પડી હતી.

પણ ત્યારે જ સલોનીએ તેને ઢંઢોળી હતી - ‘હે કન્યા, તારી ઇચ્છા છાત્રશ્રેષ્ઠ બનીને સુવર્ણચંદ્રક આંચકી લેવાની તો નથી ને ? કન્યા, એ મેળવજે. મારો કશો અવરોધ નથી પણ ક્ષુધા પીડે છે એનો ઉપાય પણ કરવો પડશે ને ?’

અને તેનાથી હસી પડાયું.

* * *

પછી તો પ્રવૃતિઓની શ્રૃંખલા શરૂ થઈ. એક નવું જ વિશ્વ ખૂલી ગયું. પેલી વાત - ન્યૂડ પેઈન્ટિંગની જાણે ભુલાઈ જ ગઈ. એ સૂચનાપાત્રો ફાઈલમાં ગોઠવાઈ ગયાં.

રજાઓમાં ઘરે આવી ત્યારે તે જૂની અનુષ્કા તો રહી જ નહોતી. કેટલી બધી વાતો હતી તેની પાસે ? બર્વેદાદા, માલિની મૅડમ, સલોની, દુર્ગા, મેસનો મરાઠીભાષી કોન્ટ્રાક્ટર, રાતે રોન મારતો ચોકીદાર - કેટલાં પાત્રો ? કૉલેજનું મકાન, વિશાળ મેદાન, હારબંધ વૃક્ષો અને લતામંડપો, હૉસ્ટેલની ઓરડીઓ, કૉલેજ પાસેથી પસાર થતી સડક - કેટલી રસમય, વર્ણનાત્મક અને ભાવાત્મક વાતો !

આખેઆખી દિનચર્યા, મમ્મી... રાતે તમે યાદ આવી જાવ ને પછી તો ઊંઘ જ ન આવે - એવી સંવેદનાઓ...! પાછી ડહાપણભરી ઉક્તિઓ. એ તો કશું જ પામવા માટે, કશુંક બનવા માટે કશું ગુમાવવું તો પડે ને, પપ્પા ! અને તમે તો પછી રજાઓમાં મળવાના જ છોને ?

મા વિચારતી - ‘આ તો કેટલી મોટી થઈ ગઈ, છ માસમાં જ ? અને કેવું કેવું ચીતરે છે ? અરે, મને ય ચીતરી !’

પતિએ કહ્યું - ‘જોયું ને પરિણામ ? કેટલો વિકાસ થયો અનુડીનો ? એ તો ઘર બહાર કાઢવી જ પડે. જો જો... એક વાર નામ કાઢશે, આપણું ! આપણે એક વાર અનુષ્કાના મમ્મી, પપ્પાથી... ઓળખાશું !’

પત્નીએ નિઃશ્વાસ નાખ્યો હતો - ‘હા... તે હવે ક્યાં - જેવી છે એવી મળવાની ? ભણવાથી પરવારશે પછી પરણાવવી પણ પડશેને ? જો જો, દરેક રજામાં નવી જ અનુષ્કા ગૃહપ્રવેશ કરવાની !’

આનંદની સાથે સાથે પીડા પણ હતી.

સખીઓ મજાક કરતી - ‘બધાં બર્વેદાદા જેવા જ છે કે પછી કોઈ જુવાને ય છે ? તમે વીસ છોકરીઓ છો તો બીજા વીસ - પચીસ... છોકરાઓ પણ હશે ને ? જો અનુ, ઠીક લાગે તો એકાદના પ્રેમમાં પડી જજે. જોયો છે કોઈ... ?’

પણ સરયુએ તો નવી જ વાત માંડી - ‘હેં અનુષ્કા, તમારે એવું હોય કે સામે એક ઉઘાડી બેઠી હોય ને તમારે સહુએ જેવી દેખાય એવી ચીતરવાની ?’

તે પુનઃ છળી ઊઠી હતી. હા... એ તો ઊભું જ હતું ને ? ભીતર સણકો ઊઠ્યો હતો.

તેણે સરયુને કહ્યું હતું - ‘ના કે’તી આવી વાત મમ્મીને...!’

મન મંકોડા જેવું ખરું ને, એટલે એ જ વિચારો આવતાં રહ્યાં. એવી સ્ત્રી મળી જતી હશે ને ? એવી સ્થિતિમાં કેટલી શરમ લાગે ? પાછું કેટલો વખત બેસવાનું ? બે કલાકેય થઈ જાય ! કેટલી બધી આંખો ઝળુંબી હોય એ એકલી પર ? ને પાછી અનાવૃત્તા !

જોઈ જોઈને જ ચીતરાયને ? જેમ ફૂલદાની કે બરણી ચીતરવાની એમ જ એને ! અંધારા-અજવાળાના શૅડ પણ પડે. બધું સજીવ જ.

તે ખાસ્સું જાણી ચૂકી હતી - બૉડી પેઇન્ટિંગ વિશે. કૃપા મૅડમે આ વિષય પર બે ભાષણો આપેલાં - સત્રને છેલ્લે દિવસે.

અને એ પછી જ સહુ છૂટા પડ્યાં હતાં. પોતપોતાની દિશામાં. આ વિષય પર કશી ચર્ચા થઈ શકી હતી ?

અનુષ્કાએ વિચારી લીધું હતું. સતત તણાવમાં જ હતી, રજાઓનાં છેલ્લાં દિવસોમાં. માને થયું હતું - ‘આને માયા હોયને ઘરની, મા-બાપની, વત્સલની ? આ જવાનું આવ્યું ને કેવી ઢીલી પડી ગઈ અનુડી ?’

માએ પણ એકાંતમાં રડી લીધું હતું.

અનુષ્કાએ નક્કી કરી લીધું હતું કે તે આ વિષય બર્વેદાદા સાથે જ છેડશે. રોજ સાંજે વૃક્ષ નીચે ખુરસી ઢાળીને બેઠા જ હોય છે દાદા.

* * *

રજા પૂરી થઈને પુનઃ સામાન લઈને અનુષ્કા નીકળી પડી. પ્રસન્નતાની જગ્યાએ તણાવ હતો, રોષ હતો. છેલ્લી રાતે માંડ આંખો મળી હતી. માને કેટલી ચિંતા થઈ હતી ? નથી ભણાવવી વડોદરે ! પણ પતિને આ વાત પણ ક્યાં કહી શકી હતી ?

‘મારી અનુષ્કા તો અમૃતા શેરગીલ જેવી ચિત્રકાર બનવાની. છેક નાનપણથી... એ જ લક્ષણ. થાય કે શાનાં લીટાં પાડે છે. કાગળમાં ! પણ નીકળે અર્થસભર ચિત્રો !’ પતિ તો એ જ રટણ કરતા હતા.

તે પહોંચી ત્યારે ખાસ્સી ઉત્તેજના હતી છાત્રાઓમાં. બધી ય ભેગી થયેલી લૉબીમાં - તેની ઓરડી પાસે. સલોની પણ ખરી. અને ચર્ચાનો વિષય તો તરત જ સમજાઈ ગયો અનુષ્કાને. તે એમાં જ રવઘોળ થાતી થાતી આવી હતી !

દુર્ગા બોલી હતી - કોર્સમાં છે એટલે ભણી લેવું. એમાં નીતિશાસ્ત્ર શીદ વચ્ચે લાવવું ? આપણને જરૂર થાય પેલી-સામે બેઠેલીનું પણ બીજો વિકલ્પ શો ?

સલોની બોલી ઊઠી - ‘એમ થોડું કહેવાય કે ચાલ ઊઠ બેસવા દે મને તારા સ્થાને !’

ને હસાહસ થઈ ગઈ.

સુલેખાએ ઝંપલાવ્યું - ‘આ તો વરસોથી ચાલે. આપણે નવા એટલે આમ થાય. પછી તો ટેવાઈ જવાશે. આ કાંઈ છેલ્લું થોડું છે ? આ તો ન્યૂડના શ્રી ગણેશ થશે !’

ભક્તિ હસી પડી - ‘આપણને સ્ત્રી છીએ એટલે લજ્જા જેવું થાય પરંતુ... કશ્યપ, નરેન એ લોકોને તો મીઠું મધ જેવું લાગતું હશે !’

સલોની કહે - ‘અરે, એ લોક પણ ચર્ચતા જ હશે આ ટૉપિક ?’ કુંતીએ મૌન તોડ્યું - ‘આ લોકો સ્ત્રીને જ કેમ ન્યૂડ બનાવતા હશે ? યુગોથી આમ ચાલે છે. જેમ કે દ્રૌપદી !’

સલોની ટપકી - ન્યૂડ પુરુષ કેટલો અસુંદર લાગે ! સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસે મેઘદૂતમાં કેવી વર્ણવી છે નાયિકાને ખબર છે ? અરે, અંગેઅંગના ગુણગાન ગાયા છે. ખબર છે, કેવી ઉપમાઓ આપી છે ?’

ભક્તિ બોલી, ‘એ ય પુરુષ ખરો ને ?’

અનુષ્કા સામાન સાથે, સામાનની જેમ પડી રહી, સાંભળતી રહી. થયું, કેમ કોઈને એ લાચાર સ્ત્રીની પીડા દેખાતી નહીં હોય ?

દુર્ગાએ ચર્ચા સમેટી - ‘તૈયારી કરો કાલની. સવારે નવને ટકોરે પહોંચવાનું કલાભવનના મુખ્ય ખંડમાં. ત્યાં કશુંક તો કરવું પડશે ને ? કાલિદાસનો શ્લોક તો નહીં લખી શકાય ને ?’

એ રાતે અનુષ્કાને કેવું સ્વપ્ન આવ્યું ! સામે માલિની મૅડમ બેઠાં હતાં ને તે ચીતરતી હતી તેમને ! પણ બે ય સાવ... અનાવૃતા જ.

સ્વપ્ન ચાલતું હતું ને સલોનીએ તેને ઢંઢોળી હતી : ‘હે કન્યા, તું કદાચ સ્વપ્ન જોતી હોઈશ પણ જાગૃત થા. જો, સવારનો મદમાતો તડકો તારી શૈયામાં આવીને તને આલિંગી રહ્યો છે !’

* * *

તે ઝડપથી તૈયાર થઈ. કેવું સ્વપ્ન આવ્યું - એ વિચારેય ઝડપથી ખંખેરાઈ ગયો હતો. સમયસર પહોંચવાનું હતું, મધ્યસ્થ ખંડમાં. સલોની તો સિધાવી ચૂકી હતી. અને બીજી છોકરીઓનાં સેંડલ્સ ખખડવાના, ખીખીખી હાસ્યના અવાજો પણ દૂર જતાં અનુભવાતાં હતાં. તે એકલી જ નીકળી છેલ્લે. તે વિષાદના ભારથી વલવલતી જાણે ! ના, અરીસામાં ય ના જોયું - એકે ય વાર. કોના પર રોષ ઉતારવો ? ને રીસે ય કોની કરવી ? તે અસહાય જ હતી. અને એકલી, સાવ એકલી.

મધ્યસ્થ ખંડમાં સાવ છેલ્લી પ્રવેશી. બેસી ગઈ. જે હાથે ચડી એ બેઠક પર. બેઠક સામે નાનું ટેબલ હતું ને થોડાં ડ્રોઇંગ પેપર્સ.

પણ સહુની દૃષ્ટિ તો સામે ઝળુંબી - લંબચોરસ ટેબલ પર જેના પર એ બેઠી હતી, પહેલેથી જ ગોઠવી હતી તેને. બે ય પગ વળેલાં હતાં - અમુક મુદ્રામાં મુખ જરા નમેલું હતું. પાંપણો ઢળેલી હતી. કાયાનો થોડો હિસ્સો આવૃત્ત હતો - કાયાથી જ. એ તો રાખવો જ પડે ને ?

દુર્ગાને થયું - ‘ના, એ સ્ત્રી હતી તો સારી, કદાચ સારાં ઘરની. પૈસાની જરૂર હશે ત્યારે જ ને... આમ આવી હશે ને ?’

છેલ્લી સૂચના કૃપા મૅડમે આપી. કહી દીધું માલિની મૅડમે - ‘સ્ટાર્ટ !’

વાન ઘઉંવર્ણો હતો પણ આમાં તો આકાર જ ઉપસાવવાનો હતો. વળાંકો, છાયાઓ - તેજ અને અંધકારની, ભાવ નિર્દેશન અને... વાસ્તવિક ચિત્રણ.

અનુષ્કાને થતું હતું કે બર્વેદાદાને મળી હોત તો... ? પણ આ ઘટના તો ઘઠી રહી હતી ! સૌ કામમાં લાગી ગયાં હતાં, લીન થઈ ગયાં હતાં.

એકમેક સામે જોવાનો, અવલોકનો કરવાનો અવકાશ જ ક્યાં હતો ? પાસેના ટેબલ પર કશ્યપ હતો. તે તો પૂરી ગંભીરતાથી રેખાઓ આલેખતો હતો, વળી દૃષ્ટિપાત કરતો હતો પેલી સ્ત્રી બણી. બારીકાઈથી જોતો હતો.

બધાં આમ જ કરતા હશે ને ? તે વિચારી રહી. પીંછી હાથમાં હતી ને પેપર પર સ્પર્શેય નહોતો થયો !

કૃપા મૅડમે પૂછ્યું હતું - ‘કેમ બેઠી છે આમ ? નૉટ વૅલ ?’

અનુષ્કાએ કમને શરૂ કર્યું હતું. પેલીને જોઈ હતી - ધ્યાનથી. એ સ્ત્રી પણ સાવ સહજ લાગી - એ સ્થિતિમાં પણ ! એવી રીતે બેઠી હતી કે જાણે વસ્ત્રોમાં હોય અને એનાં ઘરમાં જ હોય ! અનેક વેળા આવી હશે ને, આ રીતે - આ કામ માટે ? મહાવરો હશે આ કામનો.

કૃપા મૅડમ જાણે તેનાં મનોભાવો સમજી ગયા હોય એ રીતે બોલ્યા - ‘ટેક ઇટ ઇઝી, અનુષ્કા.’

ને તેણે લસરકાં મારવા શરૂ કર્યા, કામ પૂર્ણ કરવાના ઉદ્દેશથી. બસ... પાર પાડી દેવું.

ત્યારે જ એક વિચાર આવ્યો. મળું આ સ્ત્રીને ? તેને જરા સાંત્વના આપું, પીડા પર મલમપટ્ટા લગાવું.

વળી થયું - ‘આ વાત તેને ગમશે ખરી ?’

‘તે તો કાયમ આવતી હશે, પૈસા માટે આવતી હશે. સિને-નટીઓ પણ કેવાં કેવાં દૃશ્યો આપતી હોય છે ! પૈસા માટે જ ને, વળી ?’

તેણે ફરી તેને નીરખી. હા, એ જ મુદ્રામાં હતી. જરા આળસ મરડીને પાછી હતી એમ જ ગોઠવાઈ ગઈ હતી. ત્રાંસી આંખે આમતેમ જોઈ લીધું હતું ને પાછી યથાવત્‌. સહેજ મલકી પણ હતી. ચહેરા પર કંટાળાના ભાવો ચોખ્ખાં કળાયાં.

કૃપા મૅડમે જરા વાત કરી એ સ્ત્રી સાથે.

અને પાંચેક મિનિટમાં સમાપ્તિની ઘોષણા કરી મૅડમે.

સહુ ટપોટપ નીકળી ગયાં. એકાદ મિનિટમાં બધું સમેટાઈ ગયું. બહાર નીકળવામાં અનુષ્કા છેલ્લી હતી. તે ઇચ્છતી હતી કે સહુ ચાલ્યા જાય. કોઈ સાથે કશી વાત કરવાની ઇચ્છા ય નહોતી. સહુ વિખરાયાં ને તે બેસી ગઈ છેલ્લે પગથિયે.

થોડી ક્ષણોમાં આખો પરિસર ખાલી થઈ ગયો હતો. અનુષ્કા એ જ સ્થળે બેસી રહી. તે વિચારતી હતી - ‘એક વાર મળી લેવું એ સ્ત્રીને. તેને સાંત્વના આપવી !’

અંદરથી માલિની મૅડમનો અવાજ સંભળાતો હતો, જમની જમની થતું હતું. એ સ્ત્રીનું નામ મળી ગયું અનુષ્કાને. તે તેને એ નામથી બોલાવી શકશે.

દૂર સામે ઘેઘૂર લીમડાનું વૃક્ષ હતું જ્યાં બર્વેદાદા બેસતા રોજ સાંજે. ‘સાંજે દાદાને પણ મળીશ’ તેણે વિચાર્યું. ‘પણ અત્યારે તો જમનીને...!’

પાછું સંધાન થયું - ભીતરના ખંડ સાથે. સંવાદ ચાલતો હતો મૅડમ અને જમની વચ્ચે. મૅડમ કહેતાં હતાં.

‘જમની, કર્યો અંગૂઠો ડાબા હાથનો રજિસ્ટરમાં ?’

‘હોવે...’ જમનીએ જવાબ વાળ્યો હતો.

‘ને પૈસાનું કવર લીધું ?’

‘હોવે... બુન. ખોસી યે દીધું છાતીએ !’ તે હસીને બોલી.

‘જો... પાછા પરમ દિવસે આવવાનું છે, આ જ સમયે... !’ યાદ દેવડાવ્યું મૅડમે.

‘ક્યાં છોરાં છે - આ નવાં કે જૂનાં ? નવા જરા અણઘડ લાગે. જોયા કરે મને ને ચીતરવાનું ભૂલી જાય. જૂનાં તો ટેવાઈ ગયેલાં !’ તે બોલતી હતી, સાવ સહજ ! જાણે શાકભાજીની વાતો ના કરતી હોય એમ જ !

આઘાત લાગ્યો અનુષ્કાને. તે આટલાં સમયથી સોરાતી હતી, રવઘોળાતી હતી પણ આને તો કશુંય નથી ! ના શરમ, ના આઘાત, કે પીડા.

તે ઊભી થઈ ગઈ. વસ્ત્રો અને વાળ સરખાં કર્યાં. નાહક સમય બરબાદ કર્યો. સલોની, ભક્તિ બધાં સાચાં હતાં. નથી મળળું એ જમનીને.

પણ ત્યાં જ જમની નીકળી, વસ્ત્રોવાળી જમની. અનુષ્કા જોઈ રહી જમનીને, જમનનીના વસ્ત્રોને, આભલાં ટાંકેલો કમખો, ઘેરદાર ઝૂલવાળો ઘાઘરો અને ફૂલબુટાવાળી ઓઢણી ! અજબ ઠસ્સો હતો જમનીનો.

તેને કેટલાં ગમ્યાં એ વસ્ત્રો ! ખરેખર સરસ લાગતી હતી જમની, આ વસ્ત્રોમાં. શરીર સૌષ્ઠવ પણ સારું લાગ્યું - સુડોળ, સપ્રમાણ. અંદરની જમની અલગ જ હતી, બીધેલી મૃગલી જેવી, સમયને છળથી હોય એવી !

આ તો સાવ નવું રૂપ હતું. નવી જમની !

કદાચ આ જમનીને પીડા નહીં થતી હોય. બરછટ થઈ ગઈ હશે તેની ત્વચા, તેનું મન !

તેનાથી બોલાઈ ગયું - ‘જમનીબેન...!’

તેને થયું કે જમનીનાં વસ્ત્રોની પ્રશંસા કરી લઉં. પ્રશંસા કોને ના ગમે ? તે ખુશ થતી થતી ઘરે જશે ! અને અનુષ્કાનો વિષાદયોગ પૂરો થશે.

બીજા સેશનમાં તે સ્વસ્થતાથી, જમનીને - જેવી દેખાશે એવી આલેખશે, અપરાધભાવ ઢૂંકશે જ નહીં પાસે.

જમની અટકી ગઈ. જોયું તો એક છોકરી. ઓળખી પણ ગઈ હા... આજ હતી ડાબેથી ચોથી ! જોતીયે નો’તી પૂરું ને ચીતરતી પણ નોતી ! શું કેવું હશે...?

‘શું છે બુન...?’ તે ઉતાવળે બોલી. તેને કેટલાં ય કામો ખોટી થાતાં હતાં, એ યાદ આવ્યાં.

‘જમનીબેન, સરસ શોભો છો, આ કપડાંમાં. આભળાં, ભરત, વેલબુટ્ટા... ખૂબ જચે છે તમન. તમે ખૂબ ગમ્યાં - આ વેશમાં. થયું કે તમને કહી જ દઉં આ વાત !’

જમની ખુશ ખુશ થઈ ગઈ. ઘઉંવરણા મુખ પર જાણે સુખની છાલક વાગી. લજ્જાની સુરખી છંટાઈ ગઈ ગાલ પર. પછઈ તે બોલી - ‘બુન, તમે એક જ મળ્યાં - કપડાંનાં વખાણ કરવાવાળાં...’

સહેજ અટકી. ચહેરા પર વિષાદ છવાયો. આંખો ભીની થઈ ગઈ.

‘બુન... બાકી તો...’ તે આગળ બોલી. જરા રોકાવું પડ્યું. ‘બાકી તો સહુ કહે છે. જમની, કપડાં ઉતાર !’ સખત ભોંયમાંથી, અચાનક પીડા ફૂંટી નીકળી - સાવ નિરાવરણ થઈને.

*