કન્યારત્ન Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કન્યારત્ન

કન્યારત્ન

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કન્યારત્ન

આવી દુનિયાદારીની બાબતમાં સાવ બિનઅનુભવી તન્વીને એવી તો કલ્પના પણ ક્યાંથી હોય કે તેણે લડાવેલા તુક્કાનું આટલું ત્વરિત પરિણામ આવી શકે ?

તે તો ક્યારનીય બનીઠનીને બેઠી હતી, સખીને પ્રતીક્ષતી હતી. થોડી ચિડાતી પણ હતી પન્નાડી પર. કેવી કે’વાય ? આટલું મોડું કરાય ? લતાડી માંડવામાં બાજોઠે બેઠી બેઠીયે જોખી જોખીને... દેતી હશે ! અરે, પૂરો જીવ નહીં હોય પરણવામાં !

બસ, ત્યારે જ એક ચકચકિત, લાલ રંગની ગાડી ઝાંપા પાસે ઊભી રહી ગઈ હતી.

પન્નાડી વળી ગાડીમાં ક્યાંથી આવે ? એ વિચાર એક પળે ય ના ટક્યો. કુતૂહલવશ દોડી ગઈ બારણાં સુધી.

ત્યાં સુધીમાં આધેડ વયના ખાદીધારી પુરુષનું અવતરણ થઈ ચૂક્યું હતું અને પાછળની બારીનો કાચ નીચે ઊતરી રહ્યો હતો. એક મધ્યમ વયની ભારે ઠાઠવાળી જણાતી સ્ત્રી એમાંથી ઝાંકતી હતી.

‘આ જ અનંતભાઈનું ઘર ?’ પુરુષે પૃચ્છા કરી હતી.

દરમિયાન જયા આવી પહોંચી હતી.

પેલી સ્ત્રી તો અવલોકતી રહી, આસપાસના વિસ્તારને.

‘હા, આવો ને... આ જ અનંતભાઈ આચાર્યનું ઘર...’

જયાએ પ્રત્યુત્તર વાળ્યો હતો. તે હજી ગડમથલમાં પડી હતી. કોણ આવે આમ... સવાર સવારમાં ?

પણ તન્વીને તરત બત્તી થઈ. આ તો તેનું જ પરાક્રમ ! તેણે લખ્યો હતો એ કાગળ, પેલા પુરુષના હાથમાં ફરફરી રહ્યો હતો - એ જોયું તેણે. હેં - થઈ ગયું. હૃદય ધબકારો ચૂકી ગયું. ચહેરા પર લજ્જા પથરાઈ ગઈ આપોઆપ.

તો એ લોકો આ !

ને પછી તો જયા પણ સમજી ગઈ. માન થયું પુત્રી પર. કેવી હોશિયાર ! પોતે જ ઠેકાણાં ગોત્યાં ચોપડીમાંથી ને પોતે જ કાગળ લખ્યા ! ને આવ્યું ને પરિણામ ! કોઈ ડોકાયું હતું હજી સુધી ?

ત્રણ સખીઓ. સાથે મળે ત્યારે ઘર માથે લે. આખું વાતાવરણ ગાજી ઊઠે. પન્નાડી, લતાડી, તનુડી ગૂંજ્યા કરે. મૂળ નામો હશે એ લોકોની નોટબુકોમાં કે જન્મકુંડળીઓમાં.

અચાનક ઘટનાઓ ઘટી. લતાના ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. પન્નાનું નક્કી થઈ ગયું હતું અને ચોવીસની તન્વીએ, એ દિશામાં બે પગલાં ભર્યાં પણ હતાં. મુરતિયાઓની ચોપડી વાંચીને એમાંથી ચાર જગ્યાએ ટીક માર્ક કર્યા હતાં, રાત ભાંગીને એ ચારે ય ઠેકાણે સરસ મજાના પત્રો લખી નાંખ્યાં હતાં - અનંતરાય આચાર્યને નામે.

કેટલી લાચારી અનુભવી હતી ! પિતા પેરિલિસિસના ખાટલે, માતાની અક્ષમતા ને ચેતન માંડ અઢારનો.

કોણ લખે આવાં પત્રો ? અંતે તેણે જ વિચારી વિચારીને, ગોઠવી ગોઠવીને, ચારે ય પત્રો મરોડદાર અક્ષરમાં લખી નાખ્યાં હતાં. કેટલું બધું લખવાનું હતું ? નામ, સરનામું, વય, જન્મતારીખ, ગોત્ર, નાડી, મંગળ - શનિ નિર્દોષ, વાન - ગોરો, ઊંચાઈ - અમુક, વજન - તમુક, ચશ્મા વગેરે વગેરે.

કેટલાંય કાગળો લખ્યાં, રદ થયા, પુનઃ લખાયા ! અંતે કામ સંપન્ન થયું.

લખ્યું - અમારા પરિવારનું કન્યારત્ન, નામ - તન્વી...થી પ્રારંભ કર્યો અને અંતે લખ્યું, દર્શનાભિલાષી - અનંતરાય. કામ પૂરું થયું ત્યારે પરસેવે રેબઝેબ હતી.

એ જ દશામાં જોયું અરીસામાં. હસી પડાયું - ‘વાહ રે, કન્યારત્ન !’

શેષ રાતમાં વિચારતી રહી કે આ શબ્દ, કન્યારત્ન કયા પુસ્તકમાં વાંચ્યો હતો ? મુનશીના કે ધૂમકેતુના ?

* * *

પન્નાની પ્રતીક્ષા થતી હતી ને આવી ગયાં પ્રસન્નભાઈ તથા શણગારાયેલી ઢીંગલી જેવા મનોરમાબેન.

ત્નવીએ કહ્યું - ‘આવો અંકલ, આવો આન્ટી !’

મનોરમાબેનની આંખો હવે ઘરની ભીંતો, બારીબારણાનાં ઝાંખા પડી ગયેલાં રંગો, કીચુડાટા ઝાંપા પર ફરતી હતી.

પ્રસન્નભાઈએ તો પૂછી જ નાખ્યું તન્વીને - ‘તું જ તન્વીને ? મને થયું કે તું જ તન્વી હોઈ શકે ! પત્રમાં સુરેખ વર્ણન કર્યું હતું ને ?’

તન્વી હસી પડી, લજ્જાભર્યું ને બોલી પણ ખરી, ‘હા, અંકલ.’ પ્રસન્નભાઈ જાણે કોઈ ઉખાણાનો સાચો ઉત્તર મળી ગયો હોય એવું હસી પડ્યા. જોયું પત્ની ભણી, પરંતુ તે તો હજી બાહ્ય નિરીક્ષણમાંથી પરવારી નહોતી. દૃષ્ટિ હવે છજા પર હતી, જે તૂટી જવાની અણી પર હતું.

મનોરમાબેનને આ કશુંય ગમ્યું નહોતું. આ પોશ વિસ્તારમાં આવું જીર્ણ મકાન જોવાની આશા નહોતી જ. બધું જ ખખડધજ હાલતમાં હતું. પછી એમાં નિવાસ કરી રહેલાંઓ પણ એવાં જ હોય ને ? દરિદ્રો, અભાવવાળાં ! સરસ પત્રો લખે તેથી શું વળ્યું ? સંબંધ કેમ જોડાય - એ લોક સાથે ? ચીડ ચડી પતિ પર કે નાહક આવી પહોંચ્યા આ સ્થળે. કશી તપાસ તો કરવી જોઈએ ને ? બસ, મોહી પડ્યા લખાણ પર, કન્યારત્ન શબ્દ પર.

ત્યાં જ પ્રસન્નભાઈએ ઉત્સાહભેર કહી નાખ્યું ‘બેન, તમારાં કન્યારત્નને જોવાની, મળવાની લાલચ રોકી ન શક્યા એટલે એક અવિવેક કરી બેઠાં છીએ. આમ તો અમારે તમને અગાઉથી જણાવવું પડેને કે અમે...’ તન્વી તો શરમથી પાણી પાણી થઈ ગઈ હતી.

પ્રસન્નભાઈ પ્રસન્નભાવે, મનોરમાબેન કચવાતા ભાવે અંદર પ્રવેશ્યાં. એ પહેલાં, તન્વીએ આવીને ઝડપથી ખંડ ઠીકઠાક કરી નાખ્યો હતો સોફા પર પડેલી ચીજો બીજા ખંડમાં સગેવગે થઈ ગઈ હતી, કબાટનાં બારણા વસાઈ ગયાં હતાં, ટ્યૂબલાઇટની ચાંપ પર હાથ મુકાઈ ગયો હતો.

સમય હોય તો ટેબલફેન પણ ત્યાંથી અહીં આવી ગયો હોત. જોકે તન્વી બે ખુરશીઓ તાણી લાવી જ હતી એટલા સમયમાં.

અંદરની હાલત, કાંઈ બહારના ચિત્રથી અલગ નહોતી. આગલા ખંડમાં ભીંત સરસો એક સોફો, પાસે એક ટિપોય. એક ખૂણામાં એક લંબચોરસ નાનું ટેબલ જેના અડધા ભાગમાં થાળીવાજું, ચેતનના ભણવાના પુસ્તકો અને એક ટેબલલૅમ્પ. બીજો અર્ધો ભાગ રાઇટિંગ-ટેબલની ગરજ સારે. સામેની છાજલી પર રદી છાપાં, જૂનાં પુસ્તકો, પંચાંગ, ચેતનનું બેડમિન્ટન રમવાનું રૅકેટ, તન્વીને નિબંધ સ્પર્ધામાં મળેલી બે ટ્રોફીઓ.

બીજા ખંડમાં અનંતભાઈનો પલંગ, દવા - બામ, મૂવ વગેરેથી ભરેલી એક ટિપોય, પાણીનું માટલું અને બીજી ભીંતને વળગીને પડેલ એક બ્લેક-વાઇટ ટીવી.

અંદરની ભીંતો પ્રમાણમાં સારી, પરંતુ પોપડાં તો અહીં પણ ખરેલાં હતાં, કેટલાંક ન ઢાંકી શકાય તેવાં.

બસ, આટલી ઘરવખરી ને આટલો વૈભવ.

અનંતભાઈનું અંશતઃ બંધાયેલું પેન્શન, પાછળનો એક ખંડ ભાડે આપ્યો હતો એની આવક અને તન્વી, જે બે - ત્રણ ટ્યૂશન કરતી હતી એનાં ત્રણસો ચારસો; બસ, એમાં નિર્વાહ થતો હતો પરિવારનો. સુખ એટલે હતું કે કોઈ એકમેકને પોતાના અભાવોની વાત કહેતું જ નહોતું.

પણ મનોરમાની દૃષ્ટિ ત્યાં જ ચકરાવા લેતી હતી.

જયાએ પૂછી નાખ્યું - ‘મુશ્કેલી તો નથી પડીને ઘર શોધવામાં ?’ દરમિયાન મોડી મોડી ય પન્ના આવી પહોંચી હતી.

* * *

એ લોકો સોફામાં ગોઠવાયાં ને જયા બેસી ગઈ સામેની ખુરશીમાં. તન્વી પહોંચી ગઈ, પન્ના પાસે રસોડામાં. પન્નાએ કહ્યું - ‘ફાવી ગઈ, તનુડી. નસીબ હશે તો બહાર ઊભી છે ને, એ ગાડીમાં ફરતી થઈ જઈશ ! શું નામ છે... તારા થનાર... વરજીનું ?!’

ને બત્તી થઈ તન્વીને. તેણે તો તપાસી તપાસીને મધ્યમ વર્ગની ખાતરી કરીને ટીકમાર્ક કર્યાં હતાં, પત્રો લખ્યાં હતાં, ને આ લોકો તો કાંઈ મધ્યમ વર્ગના જણાતાં નહોતાં. આ ગાડી, પેલી સ્ત્રીનો ઠાઠ, બોલચાલની ઢબ-કશું અલગ જ કહેતાં હતાં. કેમ આમ થયું ? તે અવઢવમાં પડી ગઈ.

‘સંબંધ તો સરખે સરખામાં જ હોય ! તો જ સુખદુઃખની વ્યાખ્યાઓ સરખી રહે.’ જયા વારંવાર કહેતી હતી - એ વાત યાદ આવી ગઈ.

નાસ્તાની તાસકો ગોઠવીને પન્ના બેસ્ટ લક, તનુ - કહેતી રસ્તે પડી; જતાં જતાં ઉમેર્યું - ‘લતાડી કેટલી રાજી થશે ?’

બહાર જયાબેને વાતનો આરંભ કર્યો હતો.

‘જુઓ પ્રસન્નભૈ, તન્વી મારે મોટી, એનાથી નાનો ચેતન. જાહોજલાલી તો ઘણી, પણ માંદગીમાં ઘસાઈ ગયાં. અમારાં વડવા તો...’

‘એમને કાંઈ નહોતું, નખમાં ય રોગ નૈ. એક દિવસે જમણે પગે પીડા શરૂ થઈ. બીજે દિવસે... છાતી બાજુ ને ત્રીજે દિવસે... !’

‘તન્વી તો અમારી ભારે હોશિયાર. કેટલાં ઇનામો લાવી ? અરે, નોકરી યે મળી જાય, અક્ષરો ય મોતીના દાણાં જેવાં - લખાણ પણ સરસ !’

પ્રસન્નભાઈએ ગૌરવથી કહ્યું - ‘બેન, તમને ખબર છે ? જવાહર ચોક પાસે જે ગાંધી સ્મૃતિ છે - એ સંસ્થાનો હું પ્રમુખ છું - છેક દિલ્હી સુધી બધાં ય ઓળખે. પ્રસન્નભાઈ કહો ને એટલે કામ પતી ગયું જ સમજો. કેટલાં વરસોની સેવા !’

‘તમે એક કામ કરો, જયાબેન. તમે તો જાણો છો ને કે બાપુને કેટલી શ્રદ્ધા નિસર્ગોપચારમાં હતી ? હું તમને એક ચોપડી આપીશ. એમાં બધાં જ રોગોની વિગત છે. ચિત્રો સહિત બતાવ્યું છે કે શું કરવું. સામાન્ય માટી પણ રામબાણ છે - એ વાત સમજાઈ જશે. તમે અનંતભાઈ માટે એ જ ઇલાજ કરો.’

દરમિયાન ચા ગાળતા ગાળતા તન્વીએ પેલી પોથી ફરીથી તપાસી લીધી. શંકાનું શમન તરત જ થયું જોઈએ અને ભૂલ જ નીકળી. ટીક-માર્ક અઢાર નંબર પર કર્યું હતું ને પત્ર લખાઈ ગયો હતો સત્તર નંબરના સરનામે !

ત્યાં સનાતન હતો ને અહીં પલ્લવ. પલ્લવ નામ ખાસ ખોટું તો નહોતું, કલાત્મક અર્થસભર અને... અને પ્રસન્નભાઈ કહેતા હતા એવું નૈસર્ગિક !

સહજ રીતે વિગતો પણ વંચાઈ ગઈ, વાન - વય - ઊંચાઈ શોખ આદી ને આવક ? અધધ થવાય એટલી !

પ્રસ્વેદ વળી ગયો ગાલ પર. સપના, જેવો વિચાર પણ આવી ગયો. કદાચ થઈ જાય તો ?

તેણે ચાની ટ્રે તૈયાર કરી, નાસ્તાની તાસકો ગોઠવી. કપાળ પરની લટો ઠીક કરી. ઓઢણી યે બરાબર ગોઠવીને પ્રયાણ આદર્યું.

પ્રસન્નભાઈ પ્રશ્ન પૂછતા હતા - ‘જયાબેન, તમે તો પત્ર નથી જ લખ્યો અને અનંતભાઈ લખવા માટે અશક્ત છે. તો પછી આ પત્ર લખ્યો કોણે ?’

મનોરમાબેન કેટલાં ખુશ થયાં - આ સાંભળીને !

જોયું ને, પકડી પાડીને રમત ?

તેમણે અહોભાવપૂર્વક પતિ તરફ જોયું.

* * *

મનોરમાબેનની ઇચ્છા જ ક્યાં હતી, અહીં આવવાની ? પત્રલેખનથી આકર્ષિત પ્રસન્નભાઈ તેને ઢસડી લાવ્યા હતા, કહેતા હતા પણ કેવું ? મનોરમા, કન્યારત્નને તો ઉકરડેથી પણ આણી શકાય એવું શાસ્ત્રમાં લખ્યું છે. બાપુની જિંદગીમાં પણ એવું જ બન્યું’તું ! કસ્તૂરબા તો... !

સરનામું વાંચ્યું - પોશ વિસ્તારનું ને તેને ય ઇચ્છા જાગી - ‘કદાચ મળી પણ જાય કન્યારત્ન આ જગાએથી !’ પણ અહીં તેની દૃષ્ટિ ભીંતોના પોપડાઓ પરથી ખસતી જ નહોતી.

વળાંક ગમ્યો. પતિએ સરસ મુદ્દો શોધી કાઢ્યો હતો. બરાબર ત્યારે જ અંદરના ખંડમાંથી ઉહકારો સંભળાયો હતો ને જયા ઊઠી હતી.

‘જોયું, તેમને ખ્યાલ આવી ગયો, તમારી હાજરીનો. બધું જ સમજી જાય. સંકેતથી સમજાવે પણ ખરા. મનોરમાબેન... તમને એક વાર મળે પછી ક્યારેય ના ભૂલે. આ વાત સાંભળીને ખુશ થશે. ખૂબ જ લાગણી તનુડી પર. આવું હોં !’ કહેતા એ ગઈ.

અને સંકેત કર્યો તન્વીને - ત્યાં આવી જવાનો. તન્વી આવી, ધીમેથી ટ્રે મૂકી ટિપાઈ પર અને સહજતાથી ગોઠવાઈ ગઈ સામેની ખુરશીમાં.

પ્રસન્નભાઈ હસી પડ્યા - સાવ અકારણ. તેમનો પ્રશ્ન સાવ લટકતો રહી ગયો હતો, એની ભોંઠપ ટાળવા માટે જ કદાચ. મનોરમાની આંખમાં એનો રોષ ય હતો.

પ્રસન્નભાઈના હાથમાં ચાનો કપ થમાવતા, તન્વી બોલી : ‘જુઓ અંકલ, એ પત્ર મેં જ લખ્યો હતો - પપ્પાના નામથી અને કોણ લખી શકે તેમ હતું ?’

બે પળ આરોહ - અવરોહ સમા પ્રતિભાવોની હતી. સ્ત્રી ખુશ થઈ હતી. એક કારણસર, પરંતુ પુરુષ ખુશ થયો હતો - બીજા કારણસર.

તન્વીએ એ બેય અવલોક્યાં હતાં, હસતાં હસતાં. પછીનું અનુસંધાન પણ તેણે જ જોડ્યું હતું.

‘અંકલ, હવે મને થાય છે કે એ મારી ભૂલ હતી. ખરેખર તો મારે એ પત્ર મારા નામે જ લખવો જોઈતો હતો. સત્યને આમ ઢાંકવાની કે મરડવાની શી જરૂર હતી ? સમાજની કહેવાતી પરંપરાને ખોટી રીતે જાળવવાનો શો અર્થ હતો ? કેમ હું ના લખી શકું - મારા નામે ?

મનોરમાબેનનો ચહેરો અણગમાથી સંકોરાઈ ગયો. પ્રસન્નભાઈ બોલી ઊઠ્યા : ‘હા, દીકરી ! તું સાચી !’

‘અંકલ, પછી એ પત્રમાં હું કન્યારત્ન શબ્દપ્રયોગ ના જ કરું. એ વાત સામા પાત્ર પર જ છોડું.’

આભી બનેલી મનોરમાએ સંકેત કર્યો - પતિને, અણગમાનો - જાણે કહેતી ના હોય - જોઈને તમારી કન્યારત્નને ?’

* * *

જયાએ કેટલીક બાબતો વિચારી લીધી હતી. એ લોકોની તુલનાએ પોતે તો કાંઈ જ ના કહેવાય. અરે, દરિદ્રી જ લેખાય.

અહીં સુધી આવ્યા એ જ મોટી વાત ગણાય. એ પણ એટલું જ સત્ય કે પ્રસન્નભાઈને તનુડી ગમી ગઈ હતી. નસીબ હશે તો થઈ પણ જાય તનુડીનું એવું - ચમત્કાર જેવું બનતું જ હોય છે ને ક્યાંક ને ક્યાંક.

તનુ છે જ એવી - ગમે તેને ગમી જાય તેવી !

ને આ ખોરડું ય ખાનદાન જ હતું ને ? ત્રીજી પેઢીએ વિજયરામ, બીજી પેઢીએ કેશવજી, સાતમી પેઢીએ શિવરામ તો સંતે ગણાતા. એય અભરાઈઓ હિંચી જાતી’તી તાંબા - પિત્તળનાં વાસણોથી !

આ તો માંદગી, દુકાળિયા વરસો ને ભમરાળા ભાગ્ય. હા, એ પુરુષ તો સમજદાર લાગે છે. માતમાજીનું નામ તો હોઠો પર વસે છે, ભગવાનની જેમ !

કદાચ... થઈ પણ જાય ! છોકરીના જન્માક્ષરમાં લખ્યું ય છે કે પચીસમે વરસે ભાગ્યોદય. મેળ પડી યે જાય.

અનંતરાય સાથે સંકેતથી સંવાદ પણ રચાયો. પેલું કરમાઈ ગયેલું મુખ જરા ખીલ્યું પણ ખરું, હાથ સહેજ હલ્યો પણ ખરો.

તે ફરી આવી ગઈ આગળના ઓરડામાં.

* * *

આ વાતને હવે બંધ જ કરવાની હતી. બીજો વિકલ્પ જ ક્યાં હતો ? તેમણે મનોરમાના સંકેતો સ્પષ્ટ ઝીલ્યાં હતાં અને પરંપરાગત રીતે, વાત આટોપવાની ઇચ્છા નહોતી. અંતે તેમણે હળવો ખોંખારો ખાઈને વાતનો આરંભ કર્યો - ‘જયાબેન... મને લાગે છે કે તન્વીની અગાધ શક્તિઓને શીદને આમાં વેડફવી ? નવો વળાંક કેમ ન આપવો ?’ બે-ચાર પળના વિરામ પછી તેમણે યોજનાને વિસ્તારી. ‘જયાબેન... કેટલું સરસ લખાણ છે તન્વીનું ? મરોડદાર અક્ષરો, શબ્દોની સુંદર પસંદગી ! તમને ખબર છે ને કે હું... ગાંધી સ્મૃતિ સંસ્થાનો...’

જયા અવઢવમાં પડી ગઈ, પણ વળાંકનો અર્થ સમજાઈ ગયો તન્વીને. તે હસી પડી.

મનોરમાબેન પણ સમાંતરે હસી પડ્યાં. મનોમન દાદ અપાઈ પતિને. ખરાં છે બાકી !

પછી વાત નોકરીની આવી હતી, પગારની પણ આવી હતી. પેલી સ્ત્રી બોલી હતી - કદાચ પ્રથમ વખત - ‘પગાર’ મળશે, પૂરા પાંચ હજાર !’

જયા ગણતરીએ ચડી ગઈ હતી. કેટલાં અભાવોમાં જીવતાં હતાં, એ લોકો ? બહાર જતી વખતે પહેરવાની - બીજી નવી સાડી પણ ક્યાં હતી ? એકના એક ઘરચોળાની કેટલી શરમ આવતી હતી ?

અનંતભાઈની સારવાર, તનુના બે-ત્રણ નવા ડ્રેસ, ચેતનના શૂઝ - એવું કેટલું ય આવી શકે, પાંચ હજારમાં ! ને પાછા દર મહિને ? ઘરની મરામત પણ કરાવી લેવાય ! શું શું ના થઈ શકે ?

અધધ થઈ જવાયું જયાથી. કેવું કે’વાય ? પ્રસન્નભૈએ સામેથી નોકરી આપી તનુને ! અક્ષરો અને લખાણ જોઈને. થઈ પડશે મુરતિયાનું. એ તો નોકરી હશે ને પછી ચાટીને લઈ જાશે !

તે હા કહેવા તત્પર હતી, ભાવ વ્યક્ત કરવા જતી જ હતી, પણ ત્યાં જ સંકેત કર્યો તન્વીએ, મૂંગા રહેવાનો.

પેલા બેય પણ હા સાંભળવા ઉત્સુક હતા.

કેવો સુયોગ થયો હતો ? અમૃતકાકા નિવૃત્ત થવાના હતા - આ શનિવારે. બસ, ત્યાં જ ગોઠવી દેવાની આ છોકરીને. જાણે આ માટે જ આવ્યા હોઈએ એમ જ.

અરે, રાજી રાજી થઈ જાશે મા - દીકરી !

પણ ત્યાં જ તન્વી બોલી - ‘અંકલ, આન્ટી, આપણે આ વાત માટે તો મળ્યા જ નથી ને ? આમાં વળાંક લાવવાની ક્યાં જરૂર હતી ? તમે તો ગાંધીજીને વાંચ્યા છે, પચાવ્યા પણ હશે. સત્યના પ્રયોગો તો હૃદયસ્થ હશે. સત્ય બેધારું તો ના જ હોય ને ?

‘તમે આ વાત - ભલે ઇનકારની, સરળ રીતે કહી શક્યા હોત. આમાં આડશ કે વળાંક આવે નહીં.

‘હવે અંકલ, હું જ આ વાતનો વિનયપૂર્વક અંત લાવું છું. વધુ બોલાઈ ગયું હોય તો ક્ષમા-યાચના કરું છું અને હા, તમારે મારી શક્તિની જરૂર હોય તો બેધડક બોલાવજો. મને પણ સેવાનું કાર્ય ગમે છે !’

ગાડી સ્ટાર્ટ કર્યા પછી પ્રસન્નભાઈથી બોલાઈ જ ગયું - ‘તું તો સાચે જ કન્યારત્ન છે, તન્વી.’

*