આવો કેશવલાલ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આવો કેશવલાલ

‘આવો, કેશવલાલ !’

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


‘આવો, કેશવલાલ !’

જેન્તીએ ફોન પર કહેલું લગભગ બધું જ ગોખાઈ ગયું હતું. ‘જુઓ કેશવલાલ, ટાવરથી ઢાળ બાજુ વળી જવાનું. ચોકમાં માતાનું મંદિર, ખરું ને ? ત્યાંથી ડાબી બાજુ કૅબિન જેવી દુકાનો, સાંકડી ફૂટપાથ એમાં છેલ્લી કૅૅબિન સફેદ દાઢીવાળા માળીની. સરસ ગજરા, વેણી, માળા બનાવે છે. બસ, એની સામેની ગલી - ડાબી બાજુનું ત્રીજું મકાન. જરા ઊંચો ઓટલો. છજામાં તુલીસનું કૂંડું. રેશમા પાણી રેડે એમાં રોજ સવાર-સાંજ. નિયમ એટલે નિયમ ! નિયમની પાક્કી !

કેશવલાલ, કાલે છને ટકોરે પોગી જજો. ડોરબેલ પર આંગળી મૂકજો ને તે સમજી જ જશે કે કેશવલાલ....! આટલું કહ્યા પછી તે જરા શ્વાસ લેવા રોકાયો હતો. બે પળ પછી, સાવ ખાનગી વાત કહેતો હોય એમ ધીમેથી કહ્યું હતું - ‘કેશવલાલ, તબિયત ખુશ થઈ જશે. તમે જ કે’શો કે જેન્તીએ તો ન્યાલ કરી દીધો.’

ને કેશવલાલ તો એ જ પળે ન્યાલ થઈ ગયા. ‘ખરો છે, જેન્તી !કામ બાકી કે’વું પડે !’ પચાસના કેશવલાલ કલ્પનાના રવાડે ચડી ગયા.

‘શું નામ કીધું જેન્તીએ - હા, રેશમા !’

રાતે પથારીમાં પડ્યા - એ જ મનોદશા. પોતે ક્યાં ખોટા હતા - એમ કરવામાં ? વિજયાને દરકાર જ ના હોય પછી તે શું કરે ? હતી તો માંડ બેતાલીસનીન, પણ કેવી વાતો કરતી હતી ? જુઓ, માંડ માનવદેહ મળ્યો છે. એનું કલ્યાણ કરવું કે નહીં ? તમેય માળા તો ફેરવો જ. પછી ખોટાં વિચારો નહીં આવે. ને રવિવારે..... દર્શને ય જાવ, માતાનાં મંદિરે.

જાણે આડી ભીંત જ ચણાઈ ગઈ. એક ઘરમાં હોવા છતાંય ! ડબલ બેટ છતાં પણ સાવ કોર પર સૂવે. કોઈ સ્તવન રટતી હોય. કેશવલાલ ફફડતા હોઠોને જોઈ રહે. ક્યારેક એક-બે શબ્દો ય તેમના સુધી પહોંચે.

ખિન્ન થઈ જતા કેશવલાલ. આ વયે તો પારસીઓ પરણે, જ્યારે આ તો.....?

પ્રારંભના દિવસો તો ઔપચારિક જેવા હતા. વિજ્યા થાકી-પાકી જ આવતી. કેટલું કામ પહોંચતું હતું ? બા અને બાપુ બે ય હયાત હતાં. વિજયા નવી હતી, આજ્ઞાંકિત હતી.

કેશવલાલ અધીરા બની જતા પણ વિજયા કહેતી - ‘ક્યાં ભાગી જવાની છું ? તમારી પાસે જ છું. આખી જિંદગી પડી છે. એય કરજો ને હરખ પૂરાં !’

કેશવલાલ ખુશ થઈ ગયા હતા. વાત તો સાચી ! પણ પછી કશું જ મૂઠીમાં રહ્યું નહોતું. સમય એના નિશાન કરતો વહી ગયો હતો. માથાના વાળ પર સફેદ જાંય વળઘી હતી. વિજયા થાકની ફરિયાદ કરતી હતી. ગોરખપુર પ્રેસના ધાર્મિક પુસ્તકોની થપ્પી આવી ગઈ હતી, ટેબલ પર.

કેશવલાલ અચરજમાં પડી ગયા હતા કે કેમ ન આવ્યો એ સમય જે વિજયા કહેતી હતી ને પોતે ઝંખતા હતા ?

બા-બાપુની માંદગી, અંકિતનું આગમન, વિજયાના વ્રતો અને જાગરણો, અંકિત પછી કલ્યાણી.... આમ સમય વહેતો હતો - અવિરત.

‘શરમાવ જરા. આ છોકરાવ મોટાં અને સમજણાં થયા....!’ એવો છણકો સંભળાયો વિજયાનો.

‘કેશવા..... આવને, જરા’ એવો બાપુનો અડધી રાતનો સાદ.

‘વહુ, બેસને મારી પાસે. જો આ દોરો - અંકિતની વહુ મટે. ને આ પાટલા કલ્યાણીને..... સોંપતા જઈએ તને.’ બાની ધીમી વાતચીતો.

‘આજી ઓરડો છોકરાંઓનો, સમજ્યા ? વાંચવું - લખવું હોય ને ?’ વિજયાના છાના સંકેતો.

બધું જ કેટલું ઝડપથી બનતું જતું હતું ? જોતજોતામાં બાપુ ગયા. ‘કેશવો હવે મોભી.’ કોઈ વડીલે તેના ખભા ઉપર હાથ મૂક્યો હતો - સહાનુભૂતિનો.

અંકિત પરણ્યો ને વહુ ઘરમાં આવી. બા યે ગયા. બસ, જોતાં ગયાં - અંકિતની વહુને.

‘વાહ ! સરસ છોકરો મળી ગયો - કલ્યાણીને ! નસીબદાર છે બાકી. રાજ કરશે સાસરે ! આ બા-બાપુની પુનઈ. કેવાં ધાર્મિક હતાં બા-બાપુ ! બધું જ કંઠસ્થ. મહિમન, આનંદનો ગરબો, યમનુનાષ્ટક.’ વિજયા કહ્યા કરતી સહુને.

‘લો..... ખાલી થઈ ગયું ઘર ! સારો ચાનસ મલી જાય પછી અહીં રહીને શું કરે ? ને વહુને ય નોકરી મળી ગઈ કૉમ્પ્યૂટરની.’ એ પણ વિજયાનો જ અવાજ.

કેશવલાલને અરીસામાં જોવાનો સમય મળ્યો હતો. ભલે પચાસના પમ કલપ કરે તો માંડ ચાલીસના જ લાગે. તેમણે ગણતરી મૂકી પણ દીધી અને વિજયાને ટીકીટીકીને જોવાનું પણ મળ્યું. કેટલી બધી વાડ ઓગળી ગઈ એક સામટી ?

કેશવલાલની સુપ્ત ઇચ્છાઓ આળસ મરડીને જાગી. તે કહેતી હતી ને એ સમય આવ્યો ખરો !

પત્ની અંકિતને ફોનમાં કહેતી - ‘બેટા, તારા પપ્પા જેવાં નસીબ કોનાં હોય ? બે ય વખત ગરમ ગરમ રસોઈ મળે સમયસર. તે ઑફિસમાં રચ્યાપચ્યા રહે ને હું મારાં પૂજા - પાઠમાં. ચિંતા ન રાખતા. કલ્યાણી યે લહેરમાં છે. વહુના કશા સમાચાર હોય તો તરત જણાવજે.’

અને કેશવલાલ અધ્ધર જીવે સાંભળતા. આનો શો ઉપાય કરવો ? આખી દિશા જ ફંટાઈ ગઈ ! સુખની પરિભાષા જ બદલાઈ ગઈ. વિજયા કહે એ જ સુખ હોય તો પોતાના મનમાં હતું એ શું ?

અનેક પ્રયાસો કર્યા, સમજાવટના, લાલચના, રીસના, રોષના, પણ વિજયા ક્યાં પકડાઈ હતી ?

સમસમી જતા કેશવલાલ.

વિજયા બાપદાદાના સંસ્કારોની દુહાઈ દેતી. કોના દીકરા તમે ? ત્રિકાળસંધ્યા કરનાર રેવાશંકર શાસ્ત્રીના ! કેશવલાલ, માયામાંથી બહાર આવી જાવ. શું છે મારામાં ? મનખો સુધારી લો. કોણ સાથે આવવાનું છે ? ગમે તેટલી ગમતી હોઉં પણ હું યે નહીં !’

‘નહીં જ માને આ.’ એક નવી લક્ષ્મણરેખા અંકાઈ ગઈ આડી.

અને એમ થાય ત્યારે જ નવી રેખા ફૂટે જમણી હથેળીમાં. ઑફિસમાં શાહ રોજ કેવી કેવી વાતો માંડે. બધાં ય ટાંપીને બેઠાં હોય કે ક્યારે શાહ.... શરૂ કરે. બધાં ખી ખી કરવા લાગે, સિસકારા બોલાવવા લાગે.

કેશવલાલે ય કામનો ડોળ કરતા કાન માંડી દે એ દિશામાં. ખરો છે, શાહ. બાકી કરાવે છે મજા !

મન હલબલી જાય. પણ અંતે જવાનું તો ઘરે જ ને - વિજયા પાસે ? છળી ઉઠાતું - કલ્પનામાત્રથી.

ને પાછું થતું ય ખરું આમ તો લાગે છે ય સરસ, ગમે તેવી. શરીરે ય ખાસ્સું જાળવી રાખ્યું છે,પણ.... માનતી નથી ને ?

ઊછળતું પાણી ક્યાંક તો ઠલવાય ને ? જેન્તીને દિલની વાત કહેવાઈ ગઈ, અથથી ઈતિ સુધી.

ને જેન્તીએ ચપટી વગાડી.

‘આ જેન્તી પાસે બધા ય ઉપાય છે, કેશવલાલ ! તબિયત ખુશ થઈ જશે તમારી. તમને ઘરે ચા ન મળે તો તમે ક્યાં જાવ, કેશવલાલ ? એનું નામ છે રેશમા !

‘કેશવલાલ ભીતરથી જાગી ગયા. વાત તો સાચી. વિજયા ન જ માને તો રેશમા. એમાં.... ક્યાં કશુ અસાધારણ હતું ?

બીજે દિવસે ફોન પણ આવી ગયો - બધી જ સૂચના સાથે. પાકું સરનામું, નામ - ઠામ, ટેઠ ડોરબેલ પર હાથ મૂકવા સુધીની સૂચનાઓ. ને પાછું તકિયાકલમ જેવું - તબિયત હલી જશે તમારી, કેશવલાલ - એ તો છોગાનું.

પછી કલ્પનાનો દોર શરૂ થયો. કેવી હશે એ રેશમા ? ઘરમાં હરતીફરતી વિજયા તો જાણે ભુલાઈ જ ગઈ ! આવડી જિંદગીમાં વિજયા સિવાય કોઈ સ્ત્રીને લાગણીથી સ્પર્શે ય ક્યાં કર્યો હતો - તેમણે ? સાવ અતડો સ્વભાવ.

શાહ કહેતો - ‘આવો ને, કેશવલાલ. તમારી પાસે તો કેટલીય વાતો હશે - ગલગલિયાં થાય એવી. થવા દો. અહીં ક્યાં કોઈ..... જનાના હાજર છે ? ગેરહાજરીમાં એમની વાતો થાય ને ? હાજરીમાં તો લગામ રાખવી પડે, સાલી !

પણ તે ઇચ્છા હોવા છતાં પણ અળગા રહેતા. અને અત્યારે ? ડબલબેડને એક ખૂણે વિજયા હતી, બીજે ખૂણે પોતે હતા અને વચ્ચે ? વચ્ચે રેશમા ગોઠવાઈ જતી હતી અવારનવાર.

આમે ય તેમની અને રેશમાની વચ્ચે થોડો સમયખંડ હતો જે ઓગળતો જવાનો હતો - પળે પળે. પણ એમાં ય કેવું છળી જવાતું હતું ? વિજયા થોડી મનમાં ઊતરી શકવાની હતી, અને જાણી શકવાની હતી રેશમાની વાતો ? તો પણ વિજયા નિકટ આવતી ને તે સાવધાન બની જતા.

‘આજે ઑફિસે નવી જોડી પે’રી જજો..... મેં કાઢી રાખી છે.’ એમ વિજયાએ કહ્યું ને ચમકી ગયા હતા.

‘કેમ.....કેમ.....’ એમ પૂછી બેઠા હતાં.

‘તબિયત તો સારી છે ને ?’ એમ પૂછ્યું વિજયાએ ત્યારે તો રીતસરની શંકા જાગી હતી - ‘આવડી આને ખબર તો નહીં હોય ને રેશમાની ?’

સહેજ ફફડ્યા હતા - પારેવાની પાંખસરખા !

પણ તરત જ હિંમત આવી ગઈ હતી - ‘અરે, કોણ જાણે છે જેન્તી સિવાય ? રેશમા પણ ક્યાં ઓળખતી હતી કે કોણ કેશવલાલ ! એ તો ખરેખર પડશે બરોબર છને ટકોરે.’

નવી જોડી જ પહેરી - વસ્ત્રોની. વિજયાએ જ કહ્યું, એમાં પોતે જાતે ક્યાં કશું કર્યું હતું ? સેન્ટ પણ છાંટી લીધું જલદી જલદી. એ જુએ તો હસી જ પડે, કહે-જુવાની યાદ આવી ગઈ ? અથવા જાતજાતના વિચારો કરવા માંડે - કેમ આમ, કોઈ દિવસ નહીં ને ?

કેશવલાલ તો છટકી જ ગયા. ગણતરી થઈ ગઈ. આઠ કલાક બાકી.

વિચારી વિચારીને વળી કેટલુંક આગળ વધી શકે ? છથી આગળ જવાનું જ નહોતું. છને ટકોરે ઓટલાના પગથિયાં ચડીને ડોરબેલ પર આંગળી મૂકે, બારણું ખૂલે ને રેશમા નામની સ્ત્રી આવે અંદરથી, હસતી હસતી. માંડ પહોંચાતું આટલે. વિજયાની વાત હોય તો ઘણું બધું વિચારી શકે, સત્યની લગોલગ. પણ આમાં તો બુદ્ધિ અટકી જતી હતી એક બિન્દુએ. બસ, જેન્તીનો જ આશરો રહેતો.

શું કહ્યુ હતું જેન્તીએ ? કેશવલાલ, તબિયત ખુશ થઈ જશે !

ઑફિસનો છાલ તો વહેલો છોડી દીધો. શાહ અને મહેતા - બેય બદમાશ હતા. જરા સરખીયે ગંધ આવે ને તો ઠેઠ બારણા સુધી આવે તેવા હતા.

સીધા મંદિરે જ પહોંચ્યા. દર્શન કર્યા, પ્રદક્ષિણા પણ ફર્યા અધૂકડા જીવે. દૃષ્ટિ ખોડાઈ રહી હતી ઘડિયાળના ડાયલમાં. ટાઈમસર જ... પહોંચવાનું. નહોતી યાદ કરવી તો ય વિજયા યાદ આવી જ ગઈ. ગયા વરસે જ તેની સાથે અહીં આવેલા. વિજયા કેટલી ખુશ હતી ? ને પેલા માળી પાસે જ વેણી ખરીદી હતી. તે માળી કેટલી વાતો કરતો હતો તેના વતનની ? જબાનમાં ઉર્દૂની છાંટ હતી. પછી ખૂમચાવાળા પાસે મસાલેદાર ભેળની લિજ્જત માણી હતી. ને ત્યાં જ એ કૅબિનના ફૂલોની સુગંધ છેક વિજયા લગી પહોંચી હતી. કેશવલાલે એ ઇચ્છા યે પૂરી કરી હતી.

એ બધું જ સજીવન થઈ ગયું એકાએક.

અરે, આમાં રેશમા ભુલાઈ ના જાય - ફાળ પડી. સમય જોયો. ને ઝટપટ વેણી બંધાવી પેલા જૈફ માળી પાસે. તે ખાસ બોલતો જ નહોતો. થાક દેખાતો હતો તેની ઊંડી આંખોમાં. તે ઉતાવળ પારખી ગયો હતો આ ગ્રાહકનીન.

બસ, પછી સીધાં - સામેની ગલીમાં, ડાબી બાજુનું ત્રીજું - ઊંચા ઓટલાવાળું મકાન.... તુલકીનું કૂંડું....! મળી ગયું. પહેલી જ વાર.... વિજયા સિવાયની....!

જમણા હાથની આંગળી મુકાઈ ગઈ ડોરબેલ ર.

બારણું ખૂલ્યું ને તેમણે શું જોયું ?

જાણે વિજયા જ ઊભી હતી સામે, કહેતી હતી, ‘આવો, કેશવલાલ !’

*