નવી ઈચ્છા Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી ઈચ્છા

નવી ઇચ્છા

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નવી ઇચ્છા

શહેરનો જ હિસ્સો પણ બહારનો. છૂટાંછવાયાં મકાનો બંધાય. રસ્તાઓ ખરાં પણ કાચાં. પાસેથી સડક પસાર થાય એટલી વસ્તી. વાહનોની દોડધામ પણ ઓછી. એકલદોકલ રિક્ષાઓ આવી ચડે, ત્યારે તીણી ઘરઘરાટીથી આ વિસ્તારની શાંતિ જરા ડહોળાય. પણ પાછી એની એ જ નીરવતા.

એંશી વરસનાં હેમલતાબહેન પલંગમાં બેઠાં બેઠાં જ બારીનો પરદો ખસેડે અને એના એ જ દૃશ્યો જઈને ઉદાસ થઈ જાય, ક્યારેક ચીડ ચડે; તો ક્યારેક મન વાળી લે - ‘બીજું હોય પણ શું આ વગડામાં’ - એમ બોલીને.

તેમને આમ તો આ શાંતિ ગમતી હતી. કાન પરક્યાં જરા યે બોજ હતો ? ક્યારેક પંખીનો કલરવ સંભળાય કે પસાર થતાં માણસોનો બોલાટ સંભળાય.

અને એ કારણે જ કદાચ, એમનાં કાન હજી સાબૂત હતાં. આંખો નબળી ખરી. બેય આંખે નેત્રમણિ મુકાવ્યાં હતાં - ડૉક્ટર સંજયભાઈ પાસે. હમણાં હમણાં વાંચવા-લખવામાં થાક લાગતો હતો.

ને પગ ? એની તો મોટી પીડા હતી - વૉકર લઈને ઘરમાં જરૂર પૂરતું ચાલી લેતા હતાં.

પણ યાદશક્તિ તો કોમ્પ્યૂટર જેવી. અવારનવાર અતીતનાં પૃથ્ઠો ઉખેળે.

‘ભદ્રા, શું અમારો જમાનો હતો ? રૂપિયાનું બશેર ચોખ્ખું ઘી - ચોટીલાનું, ચૌદ આનાનો સાડલો. બે આને વાર અસલ ડબલ ઘોડા છાપ બોસકી કાપડ. એક પાઈનું એટલું ખાવાનું આવે કે બેય ગુજાં ભરાઈ જાય ! ત્યારે નાનાજી કહેવાતા - સો રૂપિયા પગારના અમલદાર. પચાસમાં ઘર ચાલે બાદશાહીથી. ને પચાસ પોસ્ટ ઑફિસનાં બચતખાતામાં.

ને એમાંથી જ આઠ પ્રસંગો પાર પાડ્યાને ? મેડીબંધ મકાન ચણાવ્યું, નિશાળ સામે, ને જાતરાયે કરી ચાર ધામની. મોટીબા જાજરમાન. કપાળમાં પૈસા જેવડો ચાંદલો કરે. કોઈ માંદું પડ્યું નથી ને, સારવારમાં લાગ્યાં નથી.

અને યજ્ઞા, નિશાળમાં પ્રાંતસાહેબ ને એમની ગોરી મૅડમ આવે. અમે છોકરીઓ પ્રાર્થના કરીએ - ‘ગોડ, સેવ ધ કિંગ’ ને કાંઈ ઈનામો મળે ! આખી અભેરાઈ હીંચી જાય - વાસણોની.

વળી ક્યારેક નિઃસ્વાસ નાખે - ‘એમણે મને આમ કેમ નાખી હશે - જાણી જોઈને ? ખબરે ય હતી કે.....!’

મોટો કેશવ નિવૃત્ત થયો, સરકારી નોકરીમાંથી, ત્યારે તો લોકો આ શહેરમાં ક્યાં રહેતાં હતાં ? નોકરી એટલે બદલી તો થાય જ.

બસ, પછી કેશવ અહીં ઠરીઠામ થયો - શહેરના આ વિકસતા હિસ્સામાં. ને ધંધોય સરસ મળી ગયો, ભરતીજ થવા લાગી. યજ્ઞાને કેવી ધામધૂમથી પરણાવી હતી !

બેય દીકરાના પ્રસંગો તો તાણીતૂંસીને કર્યા હતા. ના વગાડ્યાં બૅન્ડવાજાં. રિસેપ્શને ય નહીં. ખોટાં વરણાગીપણાં ય નહીં. અશેષ અને અક્ષય એમ જ પરણ્યાં. નાની યજ્ઞાના અવસરમાં કેશવે ખંગ વાળી નાખ્યો.

અને આ માળવાળું મકાન પણ ચણાવ્યું.

ભદ્રા કહે, ‘આ વગડામાં ?’

‘અરે જોજેને..... જોતજોતામાં રોનક ફરી જશે. શહેર અહીં સુધી આવી જશે. બજાર થાશે. એક ટુકડો જમીન ખાલી નહીં રહે.’ કેશવે પત્ની પાસે સરસ ચિત્ર રજૂ કર્યું.

હેમલતાબેન કશું જ બોલ્યાં નહોતાં.

કેશળે એમને અલાયદો ખંડ આપ્યો હતો. એ બારીમાંથી જોયાં કરતાં. બહુ થાય તો ભદ્રાને બોલાવે. બે વાત કરે. અરે કામ કરવા વતી છોકરી પણ ચાલે.

‘પછી તારું સાસરું ક્યાં ગવરી ? ગોઠશે નતે ગામડામાં ? હજી ભણે છે તારો વર ? સારું.... સારું.... ભણ્યા વિના કોઈનો ભલીવાર ના થાય, શું સમજી ? તેને ખબર છે, હું કેટલું ભણી છું ? આઠ ચોપડી ! અંગ્રેજી યે આવડે.’

આમ અવનવી વાતો ચાલે.

શરીરની પીડા તો સતત ચાલુ જ. કેટલાંયે ડૉક્ટરો પાસે તપાસ કરાવી ! પણ સહુ અવસ્થા કહીને છૂટી ગયાં. બસ, સહ્યે જ છૂટકો હતો.

કેશવને કેટલાં કામો હોય ? અરે,જમવા પણ ક્યાં આવતો હતો ? છેક સાંજે જ આવે. ક્યારેક તો રાતે.

ફોન આવે યજ્ઞાના. રોજ સાંજે મળવા મનોજ પણ આવે. કેશવથી નાનો મનોજ.

છેક બીજા છેડે એનું ઘર, કોઈ પોળમાં. સુકેશી રોજ તો ક્યાંથી આવી શકે ? એ ક્યારેકઆવે.

સાંજે જરા એકલતા ઓછી થાય. પીડા ય ઓછી યાદ આવે.

‘સુકેશીને નવરાશ ક્યાંથી મળે ? કૃતિ કૉલેજમાં અને સૌમ્યાને બરાબર બારમાની પરીક્ષા.’ હેમલતાબહેન બોલ્યા કરે. વળી ક્યારેક કહે, ‘ના, હવે એકેય ઇચ્છા બચી નથી. જીવવાની પણ નહીં. મૃત્યુ આવે તો આ પળે જ.... ચાલી નીકળું !’

ભદ્રા કહેતી - ‘અરે, હજી તો તમારે સૌમ્યાને ય પરણાવવાની છે ! દવા તો બરાબર લો છો ને ?’

તે હસી પડતાં. ભીતર શૂળ ઊપડતી પીડાની. ખરેખર તો ધારદાર યાદદાસ્ત જ એમની મોટી પીડા હતી. તે અતીતમાંથી ક્યાં બહાર આવતાં હતાં ?

કેશળ કહેતો : ‘એ દિવસો ભૂલી જાવ. ભોગવેલાં દુઃખો યાદ કરીને શું મળવાનું છે ?’

એમના ત્રીસમા વરસે રાજરોગ વળગ્યો. ડૉક્ટરો ભલાં હતાં. હેમલતા ત્રણેય સંતાનોને ઘરે મૂકીને ચાલીને દૂરની સરકારી હૉસ્પિટલે પહોંચે - ડાબા ફેફસામાં હવા પુરાવવા. પંચક કરે ત્યારે ચીસ પડી જાય.

ડૉક્ટર પૂછે - ‘કોઈ નથી તમારી સાથે ?’

કદાચ ઈશ્વર હશે એ સમયે એની સાથે ! પાછું ચાલીને ઘેર પરત થવાનું.

કોઈ જ્યોતિષીએ ડાબા હાથની રેખાઓ જોઈ કહ્યું - ‘બહુ આયુષ્ય નથી. માંડ પચાસ....’

અને ફફડતાં જીવે એ વરસો કાઢ્યાં.

જિજીવિષાએ નહીં, સંઘર્ષોએ એમને જીવતાં રાખ્યાં - છેક એંસી સુધી પહોંચી જવાયું.

હવે નામ આગળ ગંગા સ્વરૂપ હેમલતાબહેન એમ લખી શકાતું પણ યાતનાનાં નિશાન તો કાંઈ થોડાં ભૂંસાવાનાં હતાં ? અને એ પાછાં પીડી રહ્યાં હતાં. એ તો દેહ સાથે જ જાય !

શારીરિક રોગની પીડા તો અલગ.

સ્મૃતિનો શ્રાવ કેવો પીડાતો હતો ?

એક રવિવારે બધાંય હાજર. કેશળ, ભદ્રા, સુકેશી, મનોજ અને યજ્ઞા. કૃતિ અને સૌમ્યા પણ ખરાં જ.

સરસ વાતો થતી હતી.

ને અચાનક સૌમ્યાને જ સૂઝી આવ્યું, ‘બાનો એંસીમો જન્મદિન ઊજવીએ તો ? ગમશે !’

બધાંજ રંગમાં આવી ગયાં.

હેમલતાબહેન ના ના કરતાં રહ્યાં ને આખો કાર્યક્રમ ઘડાઈ ગયો. આખો કુટુંબમેળો ભેગો કરવાનું નક્કી થઈ ગયું. એ એકલિયું મકાન હર્ષનાદોથી ગાજી ઊઠ્યું હતું.

શું ચાલે એકલી બાનું ?

‘જુઓ માડી.... અતીતને યાદ કરતાં જ નહીં. બસ.... વર્તમાન જ !’ મનોજે તાકીદ કરી હતી.

છતાં એ રાતે ફરી આખો અતીત ઉખાળ્યો હતો. મનને રોકી શકાય ખરું ? મૃત મા-બાપ, બેનબાળા, વંતભાભી, રેવાફૈબા. કેટલાં યાદ આવી ગયાં !

અને હયાત પણ તગતગવા લાગ્યાં - ભાઈઓ, ભાભીઓ, ઈંદિરા, ઉષા, હંસા, સંધ્યા....!

વિદાય આપવી ના ગમે, તો ય પ્રસાગ ગયો, ઇન્દુમતી ય....!તો હું કેમ રહી ? આ એંસી વરસે ય ?

આ લોકો શું કહેતા હતા - ‘તમારે તો સૌમ્યાને ય.... પરણાવવાની છે, બા.’

આ પીડા વચ્ચે જીવી શકાશે ખરું ? એ કરતાં તો શું ખોટું.... મૃત્યુ ? પણ કેમ નથી આવતું એ ?

* * *

અને એ દિવસ આવી પહોંચ્યો હતો. અશેષ, અક્ષય.....યજ્ઞા.... કેટલા પરિવારો આવી ગયા - છેક આગલા દિવસથી ? ઘર શણગારી મૂક્યું હતું - કૃતિ અને સૌમ્યાએ.

‘ના, દાદી.... કશું જ બોલવાનું નથી. આ દિવસ તો સરસ ઊજવવો છે.’ સૌમ્યા કહેતી હતી.

આ મકાન સાવ અલગ જ લાગતું હતું - એ પાંખી વસ્તીવાળા વેરાનમાં. ઘરના ઝાંપા પાસે કેટલાં વાહનોની ભીડ હતી ?

હવામાં નવાં વસ્ત્રોની ગંધ હતી. ચહેરાઓ પર ખુશી તગતગતી હતી.

પણ હજુ કેમ ન આવ્યાં, મનોજ-સુકેશી ? હેમલતાબહેને સ્વભાવ પ્રમાણે ચિંતા વ્યક્ત કરી હતી.

પૂજા-આરતી શરૃ થઈ. હમણાં આવશે એમ માનીને, ને અચાનક ફોન આવ્યો સુકેશીનો - ‘પાસેના ઘરમાં જ મૃત્યુ થયું છે - એક માજીનું - તબિયત નરમગરમ તો હતી જ, છેક પરોઢિયાની. હવે તો પરવારીને જ આવી શકાય. હા, સ્મશાને ય જવું જ પડશે...’

સહુનો ઉમંગ ઓસરી ગયો.

મનોજ અને સુકેશી છેક સાંજે આવ્યાં હતાં.

સુકેશીએ વિગતવાર કહ્યું - ‘અમારે તો આવું બને ને તરત જ આખી પોળનાં પુરુષો ખભે ધોતિયાં નાંખતાં ભેગા થઈ જાય ! સ્ત્રીઓથી આખું ઘર ભરાઈ જાય. પોળ એટલે પોળ !’

હેમતલાબહેન સાંભળી રહ્યાં.

એ રાતે મોડે સુધી ઘરમાં કોલાહલ રહ્યો. અંતકડી ચાલી. ગીતોય ગાયાં સહુએ.

હેમલત્તા બહેને ય એક ગીત ગાયું - એમના જમાનાનું. જીવનનાં કેટલાંક સ્મરણો યાદ કર્યાં. ખાસ કરીને કેશવ, મનોજ અને યજ્ઞાના બાળપણના; કાળજી રાખી કે કશું કરુણ ન આવી જાય. બસ, હસાવ્યા સહુને.

રાતે યજ્ઞા એમની સાથે સૂતી. છેક મોડી રાતે બત્તીઓ ઓલવાઈ. થાકીપાકી યજ્ઞા પણ જંપી ગઈ.

હેમલતાબહેન વિચારતાં હતાં - આંખો મીંચીને. ક્યાં એકેય ઇચ્છા રાખી હતી ? અરે, જિજીવિષા ય નહોતી. આ પળે ય આની કશી માયા નહોતી.

ના, એકેય ઇચ્છા નહોતી. સાવ એષણાહીન જ ? પણ હવે ઊંડે ઊંડે એક ઇચ્છા જાગી હતી. જરા ઝબકી હતી પરંતુ અત્યારે તો એણે સ્પષ્ટ આકાર પકડ્યો હતો. મૃત્યુ તો ખરું જ, પણ મનોજને ત્યાં.

હા, એનું ઘર નાનું ખરું. સંકડાશ પણ પડશે જ. પણ એ તો સહી લેવાશે. એ લોકોની પોળ કેવી જાગતી; કોઈનું મૃત્યુ થાય ને..... ઢગલોએક માણસો ભેગાં થઈ જાય !

અહીં વેરાનમાં તો... પાંચ માણસો ય માંડ.....!

બીજી સવારે જ તેમણે કહ્યું કેશવને - ‘કેશળ.... ભદ્રા.....!’

*