સનાન Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનાન

સનાન

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સનાન

કન્યા વિદાય પછી તો ગમગીની જ હોય ને ? એક તરફ સોંપી દેવાની ચીજો ગણાતી હોય, ચંદરવા અને પરદાઓ ઊતરતાં હોય, બીજી તરફ ડૂસકાં ભરતાં હોય ને ત્રીજી તરફ મહેમાનો સામાન બાંધતાં બાંધતાં કાંડા ઘડિયાળમાં જોતાં હોય; કહેતાં ય હોય : ‘સાત વાળી બસ તો મળી જાશે !’

પંચાવનના રમાબેન પણ બેઠાં હતાં - એક ખૂણામાં. હજી હમણાં વિદાય લેતી ઉષા તેમને બાથમાં લઈને ભેટી હતી. તેનાં સેન્ટમિશ્રિત વસ્ત્રોની સુગંધે ય વળગી ગઈ હતી, તેમની લાલ કોરવાળી શ્વેત સાડીમાં.

ખુદ ઉષાએ જ આપી હતી એ સાડી; કહ્યું હતું ભાવથી - માસીબા, પૅરવી જ પડશે તમારે. ખબર છે ને, કોનાં લગ્ન છે ? તમારી લાડલી દીકરીના !’

ગાડી લઈને આવી હતી. તેણે જ સ્વહસ્તે, બધો જ સામાન થેલીમાં ભર્યો હતો. સામાન એટલે બે જોડ કપડાં, દવા, બામની શીશી, આંખના ટીપાં, દંતમંજન. બસ, આવી ગઈ ઘરવખરી.

હા, હૈયે ચિંતા હતી ઘરની કારણ કે ઘરના એક ખૂણામાં કુળદેવીનું થાનક હતું જ્યાં અખંડ દીવો હતો. એનું ધ્યાન કોણ રાખે, સમયે સમયે ઘી કોણ પૂરે ? ફોટાને ઝીણાં કપડાંથી સ્વચ્છ કોણ કરે ? આ બધું જ રમાબેનનું કામ.છેલ્લાં પચાસ વરસોથી, જીવથી પણ વહાલું ગણીને આ કામ કરે. સવાર-સાંજ ખોળો પાથરીને પાયલાગણ કરે - ‘હે મા.... અમારાં કુળનું....’ લાંબી લાંબી પ્રાર્થના કરે, સહુ માટે યાચે - એક જાતની બાદબાકી કરીને. હજી હમણાં સુધી કહેતાં - ‘હે મા, મારી ઉષાને એક સરસ વર આપજો. તે સુખી ઝાય એ જોજો. એ આપણાં કુળની તો નથી પણ તમે ધારો તો આ કામે ય પાર પાડી શકો. ને માગું છું તો હું જ ને ?’

આ - માનાં થાનકને કારમે તો દૂર દૂર વસવાટ કરતાં પરિવારજનો અહીં આવી ચડતાં. નવાં પરણેલાં વહુ-દીકરાની છેડાછેડી બીજે ક્યાં છૂટે ? એટલે આવવું પડે અહીં.

ડેલી પાસે વખત-કવખત ગાડી આવીને ઊભી રહે, ને એ હરખાય. લો, આટલો સમય તો વસ્તી વસ્તી થઈ જાશે ! નવા કડકડતાં, ભાતીગળ વસ્ત્રો અને કોડભર્યા ચહેરાઓ તો જોવા મળશે ! શોરથી છલકાઈ જાશે - આ હવડ એકાંત ! સ્વાતિવહુ.... આ રમાભાભુ. પગે લાગ. અરે પગ દાબ, વહુ....! કેટલાં વરસે મળ્યાં ? પ્રેમલ ઓળખે છે ને, ભાભુને ? અરે...... તારો તો જલમે ય ક્યાં થ્યો’તો ? સુવાણ છે ને, શરીરે ?’

આવાં આવાં સંવાદો થાય - એ નાનકડી મુલાકાતમાં. થોડાં સમયમાં મન તરબતર થઈ જાય, ને પછી - આવજો.... આવજોથાય. બસ, એ અનુભવ ઉમેરય સ્મૃતિમાં.

અને સ્મૃતિ પણ કેટલી તેજ ? બધું જ યાદ. તેમનાં લગ્નની કંકોતરીનું લખાણ પણ. ખૂબ વખણાયું હતું એ લખામ - એ જમાનામાં. લખ્યું હતું, ‘કુળદેવી કૃપાથી અમારાં પરિવારની તનયા રમાગવરી....!’

તેને ત્યારે સમજ પડી હતી કે તનયા એટલે....!

પણ ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાં પણ મૃત પતિ વિપુલનો ચહેરો યાદ કરી શકતી નહોતી. દર વખતે... કોઈને કોઈ રેખા ખૂટી જતી અને આકૃતિ પૂર્ણ થતીજ નહોતી. અને ક્યાંથી પૂરી થાય ? પરણ્યા. પછી બે દિવસો જ સાથે રહી હતી. ભર્યાભાદર્યા કુટુંબમાં વિપુલને મળવાના પ્રસંગો પણ કેટલાં બન્યા હોય ? ને એમાંય સંકોચનો પાર ન હોય. નવીનતાના અભેદ્ય કિલ્લાને ભેદવાનો થતો પ્રયાસ હતો - બેય તરફથી પરંતુ ત્રીજે જ દિવસેવિપુલને કલકત્તે જવા નીકળી જવું પડ્યું હતું.

વાતવાતમાં કમળા ફોઈએ કહ્યું : ‘મોકલો છો વિપુલને ? સરસ ગોઠવાઈ જાશે ત્યાં. કેટલી ઓળખાણો છે, બંગાળી બાબુઓની ?’

તરત સામાન બંધાવા લાગ્યો હતો.

ફોઈએ કહ્યું હતું - વિપુલનું ગોઠવાઈ જાય પછી વહુને બોલાવી લેશું. શું ભણી છે ? બે ચોપડી વાંચતા શીખવજો. પહેલું તો હું ને બદલે આમિ બોલતા આવડવું જોશે !’

* * *

અઢાર વરસની રમાને તો કોઈએ કશું કહ્યું પણ નહોતું. જતાં પહેલાં આડશમાં મળી હતી - થોડી ક્ષણો માટે. તેણે પૂછ્યું હતું - ‘કલકત્તા જાઓ છો ?’

એ છોકરાએ કહ્યું હતું - ‘તને પણ બોલાવી લેશે - કમળાફોઈ !’

‘સાચવીને.... રે’જો’ એ બોલી હતી, ગદ્‌ગદ સ્વરમાં.

ત્યાં જ કોઈએ સાદ પાડ્યો હતો - ‘ક્યાં ગયો, વિપુલ ? જરા, મળી લેને, જેન્તીદાદાને. હવેલી શેરીવાળાં જેશંકર માસ્તરને ય મળ આવજે ભેગાભેગો.’

અને સાંજે ટ્રેન ઊપડી ત્યારે ઘુમટાની આડશમાંથી દૃષ્ટિ મેળવી હતી - વિપુલ સાથે. બસ, એ છેલ્લું દર્શન.

કમળાફોઈનો પત્ર આવ્યો હતો કે તે ગોઠવાઈ ગયો હતો. કાપડના મોટા સ્ટૉરનું કામ ફાવી ગયું હતું. અરે, બંગાળીમાં આઠ-દસ વાક્યો પણ બોલતો હતો.

ઘરમાં મોટા દીવાનખંડમાં જીકાકા પત્રો વાંચે - મોટેથી અને સહુ શ્રોતા બનીને સાંભળે. એ પણ શ્રોતાગણમાં હોય. તેને થાય કે હવે તેડાવી જ લેશે કલકત્તે. મજા પડશે પછી. એ તો શીખી લેશે બંગાળી ઢબે સાડી પેરવાનું. કમળા ફોઈ શીખવશે. ને કદાચ વિપુલને ય આવડી ગયું હશે ! નોકરી રે છે ને કાપડના સ્ટૉરમાં ?

નવાં સ્વપ્નો જાગતાં હતાં, જૂનાં સ્પર્શો તન પરસળવળતાં હતાં, જે કાંઈ મૂડી હતી સ્મરણોની, એ પણ ખૂલી જતી હતી એકાંતમાં, પરંતુ એ પુરુષનો ચહેરો ભૂંસાવા લાગ્યો હતો.

એક પળે બરાબર પકડાય ને બીજી પળે છટકી જાય. તેને થતું કે એ પણ ભૂલી જ ગયો હશેને તેનો ચહેરો ? વળી સંતોષ મળી જતો કે તે જવાની જ હતી ને, કલકત્તે; ધરાઈને જોશે એ ચહેરો, ગ્રહી લેશે આંખોમાં - હૈયામાં. પછી ક્યારેય નહીં ભૂલે.

શું કરતા હશે કાપડની પેઢીમાં ? અનેક સ્ત્રીઓ આવતી હશે - કાકા કાકા કરતી ? અને તે એમાંથી શોધતા હશે - રમાને !

અહીં કેવું.... વહુ, વહુ થાતું હતું ? વહુ શબ્દ સાંભળતી ને તરત ભીતરથી જાગી જતી હતી. સાંભળ, વહુ એટલે તું !

કોઈ કોઈ સ્ત્રી તો કહેતી હતી - ‘સારાં પગલાંની. જોયું, આવીને તરત જ વિપુલિયાનું થઈ ગયું !’

ને તે કેટલી પોરસાતી ? મનોમન કહેતી પણ ખરી - ‘ભૈ તમારો વિપુલ તો બરાબર યાદ છે પણ તેનો ચહેરો ? મારું કાંઈક ખોવાય છે, દરિયામાં ડોળાય છે, કોઈને જડે તો.....!’

* * *

પહેલા તાર આવ્યો હતો ને પછી ખુદ કમળાફોઈ, દાસફુવા-મૃતદેહ સાથે. હાહાકાર થાય જ ને ?

તે તો પરસાળમાં ઊભા હતી સામેના લીમડાના વૃક્ષની શાખાઓમાં દોડતી ખિસકોલીની ક્રીડા જોતી હતી. ઘણાં સમયે ફાજલ સમય મળ્યો હતો. સાંજની રસોઈ બંધ હતી. કશાક ઉપવાસનો દિવસ હતો. સાંજે શણગારાઈને મંદિરે જવાનું હતું - વૃંદમાં. વિચારતી હતી કે કઈ સાડી....!

અચાનક અંદરના ખંડોમાં રોકકળ શરૂ થઈ હતી. તે સફાળી જાગી હતી - ક્રીડામાંથી.

એક સ્ત્રી દોડતી આવી હતી, તેની પાસે. તેને ધક્કો મારતી બોલી હતી ‘શું કરે છે, અહીં ? રડવા લાગ, રાં....! ભાન નથી કે વિપુલ....?’

‘હેં !’ થઈ ગયું તેનાથી. શું વિપુલને કશું થયું ? રડવા લાગ, રાં.... એ શું.... મૃત્યુ ? પણ મૃત્યુ શા માટે થાય ? તે તો મને કલકત્તે લઈ જવાનો હતો ?

પછી સત્ય સામે આવ્યું હતું. હા, મૃત્યુ જ થયું હતું એ પુરુષનું, તેનાં પુરુષનું. તે રડી પડી હતી - ચોધાર.

કમળાફોઈ સહુને કહેતાં હતાં : ‘આ તો નરી નાદાની જ ગણાયને ? કલકત્તામાં તો ગંગા જ હોય ને, ઠેર ટેર ? ક્યાંય ને ક્યાંય મળી જાય. અને સાથેના બંગાળી છોકરાઓ સાથે વિપુલ પણ.... પડ્યો એ વ્હેણમાં ગંગાના જળ અજાણ્યાં તો ખરાં ને ? કેટલી સૂચના આપી’તી એમણે ? આ તો એમ થાય કે લઈ ગયા પણ ધ્યાન ના રાખ્યું ? સાચું જ કે’જો, ભાભી.... આમાં શું થાય ?’

ફૂવાએ ઉમેર્યું - ‘છેક રાતે શબ મળ્યું, છેક ડેલહાઉસીથી !’

પછી કોઈએ કશું બોલવા જેવું રહ્યું નહીં, બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું - દીવા જેવું. દોષ વિપુલનો જ હતો. કદાચ તેના ભાગ્યનો. એટલી જ લેણાદેણી લખી હશે.

પણ કોઈને વિચાર સુદ્ધાં ના આવ્યો કે આખા અધ્યાયમાં આ છોકરીનો શો દોષ ? પૂરો પરિચય પણ થયો નહોતો, ચહેરો ય ભૂલી ગઈ હતી - એ પુરુષની તે વિધવા ?

ખુદ તેની માએ પણ કહ્યું હતું - ‘રમાબેટા, આવું હોય. વિધિના લેખ પર મેખ થોડી મારી શકાય ? જોયા’તાને જન્માક્ષર.’

કોઈ આરો જ ના દેખાયો. છેવટે તે રડી પડી, તેની અવસ્થા પર. લોકોએ તેને સાંત્વના પણ આપી હતી, બિરદાવી પણ હતી - ‘કેવી ખાનદાન ઘરની ? રોકકળ, પછડાટ બધું જ કર્યું બાપડીએ ! નહીં તો શું ભોગવ્યો’તો સંસાર ?’

કેવાં સરસ કેશ હતાં - લાંબા, રેશમી અને કાળાં ભમ્મર જેવાં ? ના, કોઈને દયા નહોતી આવી. પુરોહિત મંત્રો ભણીને શાસ્ત્રનો આધાર બવાવતા હતા.

હા, એક વ્યક્તિ હલી ગઈ હતી - નરસી નાઈ !

* * *

એ સમયે રમાને લાગતું હતું કે તે એક જડ ચીજ હતી - આતમા વિનાની. તેને કોઈ ધકેલતું હતું - એક સ્પષ્ટ દિશામાં. તે જાણતી નહોતી કે ક્યાં....

તેને તો હજી પણ કલકત્તા અને ગંગા નદીના વિચાર આવતાં હતાં. કેવી હશે એ નદી ? વિશાળ, ઊંડી, ધસમસતાં વહેણવાળી ? તે ભૂગોળમાં શીખી જ હતી ને, એ નદી વિશે.

ક્યારેક વિપુલની યાદ આવી જતી. ઓહ ! કેવું થઈ ગયું શરીર ? પાણીમાં રહી રહીને ? ફુગાઈ ગયું હતું. એમાંથી ખુસ તેને જ તારવવો, પામવો અશક્ય હતો. ત્યાં ચહેરો તો....?

અને તે પણ ચહેરો તો ગુમાવી ચૂકી હતી. ક્યાં હિંમત ચાલતી હતી, અરીસામાં જોવાની ?

સમય સરતો જતો હતો, પાણીના રેલાની જેમ જ સ્તો ! શ્રાદ્ધ વિધિઓ આટોપાઈ ગઈ. વિપુલના આત્માની સદ્‌ગતિ માટે, સમય સમયના અંતરે. કેશ - લોચનો થયા કર્યા - સમય સમયે. કેટલી ભારે થઈ જતી હતી - એ ભાર ઉતાર્યા પછી ?

અને ના કરવા જેવાં વિચારો પણ આવી જતાં હતાં પુરુષના.

એક, બે વેળા મા-બાપ પાસે પણ જઈ આવી, પણ મન ક્યાં ઠર્યું હતું ? સહુ... કોઈ પ્રવૃત્તિઓમાં પડી ગયા હતા. અને સમય મળતો ત્યારે એની એ જ વાતો મંડાતી, તેનાં કમભાગ્યની, ભૂતપૂર્વ અને સમકાલીન વિધવાઓની. કેમ કોઈ થિયેટરમાં આવેલી નવી ફિલ્મની વાતો નહોતાં કરતાં ? કેમ કોઈ ભેળપૂરીનો કાર્યક્રમ નહોતાં કરતાં ? કેમ કોઈ તેનાં જૂનાં ફોટા વિશે વાત નહોતા કરતાં ?

પેલી તારી સખી કલ્પના પરણી ગઈ, શેરીની જાનકીને બેબી આવી - અદલ એના જેવી જ ! કાજલનો વર... આવ્યો’તો તેને મળવા - કેમ નહોતી થતી આવી વાતો ?

તે ઉબાઈ ગઈ - ખુદ તેનાં જ સ્વજનોથી. થયું - આ કરતા તો પેલાઓ સારાં હતાં. ઢગલો લોકો વચ્ચે તે વહેંચાઈ જતી હતી - કટકો કટકો.

પીડા અને સુખ - બેય વહેંચાઈ જતાં હતાં. વળી નિર્મળાફોઈ જેવી સ્ત્રીઓની સહાનુભૂતિ પણ મળી જતી હતી, અવારનવાર અને એમ પણ બન્યું કે તે જ ધીરે ધીરે એ ઘરેડમાં ચાલવા લાગી.

‘સાંભળ, કાલે સવારે નરસી નાઈ આવવાનો છે.’ એમ કહેવાય ત્યારે તે જરાયે પ્રતિકાર નહોતી કરતી.

ઘરમાં કોઈ અવસર હોય તો તે વગર કહ્યે જ છેલ્લા ઓરડામાં ચાલી જતી હતી, અવાવરુ અંધકારમાં ઓગળી જતી હતી. પૂજાના કક્ષમાં કે કુળદેવીના થાનકવાળી જગ્યાએ તો ભૂલેચૂકે ય પગ ના મૂકતી. તેને ભાગે જે કામો આવે એ શાંતિથી આટોપ્યા કરતી.

અને તો પણ કહેવાતું - ‘વહુનાં પગલાં ભારે. વિપુલિયો ભરખાઈ ગયો. આ જીકાકા માંદા પડ્યા. ક્યાં કોઈ દાક્તરની દવા લાગુ પડે છે ? એ શું અમસ્તું ?

‘ના, વહુને કાઢી મેલાય તો નૈ જ. ખોરડાની આબરૂ શું ?’

પછી તો એવું થયું કે એક પછી એક, પરિવારો ઘર છોડીને જવા લાગ્યાં. પ્રથમ જીકાકાનો પરિવાર ગયો - દૂરના શહેરમાં. પછી લંગાર લાગી.

છેલ્લે રહી અઠ્યાવીસની રમા અને બીજા નિર્મળાફોઈ. ઘરનો મોટો હિસ્સો ભાડે અપાઈ ગયો. આ લોકોને ભાગે ઓરડો રહ્યો, જેનાં એક ખૂણામાં કુળદેવીનું થાનક. આગળ પરસાળ ને પાછળ નવેળી. થોડી ફળી અને તુલસીનું કૂંડું. ખખડધજ ડેલી અને પરસાળમાં હિંચકો.

પણ રમાને આનંદ હતો - મુક્તિનો અને નિર્મળા ફોઈ પણ હતાં ને ? બીજાં પાંચ વરસ, સરસ રીતે વહી ગયાં.

ફોઈએ કહ્યું : ‘જો, હવે નરસી નાઈ ક્યારેય નહીં આવે અહીં. હવે કાળજી રાખજે વાળની. પાછાં કેડ સુધી વધવા જોઈએ, શું સમજી ?’

રમા ભેટી પડી હતી ફોઈને.

* * *

પછી તે એકલાં રહેતાં શીખી ગઈ. નિર્મળા ફોઈને કોઈ - દૂરની ભત્રીજીએ યાદ કર્યા. કેટલું રડી હતી - પ્રથમ રાતે ? એ પણ રડ્યાં જ હશે ને ?

બસ, પછી રહી બે જ સ્ત્રીઓ; એક મૂર્તિસ્વરૂપા કુળદેવી અને બીજી જીવતી જાગતી, હરતી-ફરતી, શ્લાસ લેતી ને છોડતી રમા ! તેણે જાતને ટપારી - ‘અલી સ્ત્રી, તારે આમ જ જીવવાનું છે, જડની જેમ, જેનો ચહેરોય યાદ નથી ને પરિચયે નથી એ પુરુષની વિધવા બનીને.’

ને એ મનોદશામાં યે... સમય તો સરકતો જ હતો. કેવાં કેવાં વિચારો આવે એને ખાળવાના-હરિ, હરિ કરતાં કરતાં. પરિવારનો આવે એ લોકોની આગતા-સ્વાગતા કરવાની. છેડાછેડી છોડવા જે નવીન કુળવધૂ આવે તેને જોઈને કેવો ભાવ જાગી જતો ? એય આ તો લે’ર કરતી હશે ! ભાગ્યશાળી ! સ્ત્રી જન્મીને તે સ્ત્રી બની શકી પણ હતી. કેવું હસે છે - પ્રસન્નતાભર્યું !

વળી તેને એક બીજી પ્રવૃત્તિ પણ હતી. મોતીરામ ટપાલી અશુભ લખેલું પોસ્ટકાર્ડ લઈ આવે ક્યારેક. એ તો મૃત્યુની ઘટના પછી જ આવે ને ?

અશુભ - પોસ્ટકાર્ડ આવે પછીનો ઘટનાક્રમ આ મુજબનો રહેતો. રમા સાદ પાડે સાત વરસની ઉષાને. આ સમયે તો શાળાએથી અવશ્ય ઘરે આવી હોય. કદાચ વસ્ત્રો બદલાવતી હોય. તે તરત કહી દે - ‘આવી માસીબા !’

ને તે આવે ય ખરી. મકાનો અલગ હતાં પણ ફળી તો એક. ખાસ્સી સગવડ હતી દોડી આવવાની. તે આવે ત્યારે સાડી ઉતારીને પાણીની બાલદી પાસે ઊભી હોય.

‘ઉષા.... લે વાંચ, કોણ પાછું થયું છે ?’ તે કહે ને ઠંડા પાણીના બે-ચાર લોટા ઢોળી દે શરીર પર.

પછી..... સાત વરસની, નવની અગિયારની, પંદરની ઉષા પોસ્ટકાર્ડ વાંચી જાય.

હં..... તો પછી પરસોત્તમભૈની..... નરબદા કે તરબોવનદાદા કે..... કોઈ..... નામ, સગપણ નીકળે.

થોડી પ્રશસ્તિ થાય એ વ્યક્તિની, હરિ હરિ થાય, બધાં યે એ જ મારગે જવાનું છે, એ બોધવાક્ય યાદ કરાય અને ક્યારેક વિપુલે ય યાદ આવી જાય !

જે તે વયની ઉષા, વય સહજ બે વાક્યો બોલે. અઢારની ઉષા જરા કડવાશથી કહે - ‘લો, સનાનના સમચાર આવ્યાં ! કોની છે મુક્તિ ? માસીબા,તમારે જ આ બધું કરવાનું ?’

રમા બહુ ના વિચારે. એવી ટેવ જ ક્યાં રહી હતી, ચીલાચાલુ જિંદગીમાં ?

એકવીસની ઉષાના દેહ પર પિતવરણી પીઠ ચડી. ને તે આગ્રહ કરીને રમાને લઈ ગઈ લગ્ન માણવા. આવું તો ક્યાં, ક્યારેય બન્યું હતું તેની સમથળ જિંદગીમાં ?

‘હેં !’ થઈ ગયું રમાથી. કોણ.... હું ? બીજો પ્રશ્ન થયો હતો. પણ કેટલો આગ્રહ એ છોકરીનો ? નહીં આવે તો લગ્ન જ નહીં કરું, માસીબા. તમે પ્રથમ, પીયૂષ પછી ! તેના વરનું નામ પીયૂષ.

રમા ચાર દિવસ મહાલી, એ છોકરીના લગ્નમાં. કેટલો ભાવ ? અધધધ થઈ ગઈ રમા. વિદાય વખતે રમાને વળગીને ભેટી પડી ઉષા. રમાને તેનાં લગ્ન યાદ આવી ગયાં, સરસ લખાણવાળી કંકોતરી અને એક તેનાં જેવો જ અબૂઝ છોકરો ! ને કેવું થયું ?

તે ઘરે આવી - તરબોળ થઈને, ભાવવિભોર થઈને, મધમધ થઈને.

સવારે પૂજા ના કરી. બસ, બેસી ગઈ હિંચકામાં. પગની ઠેસ તો વાગતી જ હતી, પરંતુ મનની ઠેસે ય વાગતી હતી.

કેમ કોઈ પરિવારજનોને ના સાંભરી, એકેય અવસરે ? પ્રસંગો તો આવતાંજ હતાં દર વરસે. નહીં તો ટોળે વળીને છેડાછેડી છોડવા ક્યાંથી આવે ? નવી નવી કોડભરી વહુઓ ક્યાંથી આવે ?

રમા રોષે ભરાઈ - કદાચ પહેલી જ વાર.

‘એમણે તો મને જડ મૂર્તિ માની લીધી - કુળદેવી સરખી ? કે પછી ચાવી દીધેલ રમકડું ? જે દરેક વખતે સ્નાન કર્યા કરે - પોસ્ટકાર્ડ વંચાવીને ! મારા અપશકન લાગે છે ને તમને, નર્યા સવારથીઓ ? આ ઉષાને તો ક્યાં કશુંય નડ્યું !’

તે ભાવવિભોર બની ગઈ.

સામેની ડેલી ખખડી અને જોયું તો મોતીરામ ! અને હાથમાં પોસ્ટકાર્ડ !

તે નખશિખ થથરી. કશો નિર્ણય લેવાઈ યો એ પળે. તેણે ત્વરાથી સાડલો ઉતાર્યો, તરત નાવણિયામાં ગઈ. મોતીરામ પરસાળની કોર પર આવ્યો ત્યારે તો રમા તરબોળ હતી પાણીથી.

રુક્ષ અવાજમાં કહી દીધું - ‘મોતીરામ.... ના આપતો પોસ્ટકાર્ડ. જો આ સ્નાન કરું છું ને બધાંયના નામનું - મૂવા અને જીવતાનું ય !’

*