મોટાભાઈ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોટાભાઈ

મોટાભાઈ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


મોટાભાઈ

આ તો જયને ઓળખાણ હતી એટલે જ, બાકી વકીલ મહેન્દ્રભાઈ કોઈ અસીલને ઘરે મળવા ન આવે. અને તાકીદ પણ કરી હતી જયને, ‘ભાઈ દશ જ મિનિટ બેસીશ. આમ તો પાંચ મિનિટનું જ કામ છે.’

જયે હા ભણી હતી.

એ ડ્રૉઇંગરૂમના સોફા પર ગોઠવાયા ને તરત જ દેવયાની, સ્મિતા અને તોષા ટોળે વળી ગયાં.

ં‘જય.... બોલાવ તારા પપ્પાને.’ દેવયાની કામે લાગી ગઈ હતી. જય અંદર ગયો, દર્શનભાઈને બોલાવવા. એની પત્ની તોષા પણ જોઈ રહી અંદરની દિશામાં.

સહુને એક જ ચિંતા હતી, દર્શનભાઈનાં વલણની. એ નોટિસ પર સહી કરી આપશે કે નહીં એ જ વાતની.

હજી બે મિનિટ પહેલાં જ દેવયાની બબડી હતી. ‘ભારે પોચા છે એ. જરા ય સમજે જ નહીં પછી કશું કરવું તો પડે ને ? નહીં નહીં તોય દશ વરસનો હિસાબ બાકી છે. લાખ રૂપિયા તો નીકળે જ. નાની રકમ હોય તો જતી કરીએ પણ આ તો.....!’

‘હા.... મમ્મી !’ તોષાવહુએ સાસુને સહિયારો આપ્યો હતો હળવા હોંકારથી.

તે નાવ અહીં સુધી તો લાવી હતી, પણ હવે કાંઠે આવીને ડૂબી જવી ન જોએ એની જ ચિંતા હતી. જયને માંડ સમજાવ્યો હતો. એ કહેતો હતો, ‘ના, મોટાકાકા સામે આમ ન કરાય.’

તોષા કેટલું રડી હતી ?

‘તો શું મારે આવી સરસ કૅરિયર રોળી નાખવી ? કમ્પ્યૂટરક્લાસ પછી થઈ રહ્યા ? માંડ માંડ પાર્ટનરશિપ મળે છે. લાખ રૂપિયા તો રોકવા જ પડે ને ? છેલ્લે મારે મારાં ઘરેણાં મૂકવા જ પડશે. મને ખાતરી જ હતી, તમારા નરમ સ્વભાવની. આપણા પૈસા આપણને જ કામ ના લાગે ?’

જય પત્નીના આંસુથી પીગળી ગયો - તોષાની ધારણા મુજબ જ. મનોમન કેટલી હરખાણી હતી તોષા ? આમ તો ગાલ પરથી આંસુ લૂછતી હતી, પરંતુ ભીતર તો.....!

દેવયાની તો રાજી જ હતી. તે અવારનવાર જયને અને આ દ્વારા પતિને કહે, ‘મોટાભાઈએ બાપીકા મકાનનો જે ભાગ ભાડે આપ્યો હતો એ તો એમનો જ હતો અને એનું ભાડું એ મેળવતા હતાં. કેટલું થાય દશ વરસમાં ?’

દર્શનભાઈ બધું જ સાંભળી લેતા, પરંતુ કશો જ જવાબ વાળતા નહોતાં. એમ માનો કે એમણે કશું જ સાંભળ્યું નથી.

મોટાભાઈને નિવૃત્ત થયે અગિયાર વરસ થયા. છેક જન્મથી જ એ જીર્ણ મકાનમાં રહેતા હતા. બાપુએ પ્રાણ મૂક્યા હતા એ જ મકાનમાં. અને બા તોજાત્રાએ ગયાં હતાં ત્યાં જ ગંગાકિનારે કોઈ તીર્થસ્થાનમાં મૃત્યુ પામ્યાં હતાં. મોટાભાઈ અને પત્ની રેણુકા પળભર મૂંઝાઈ ગયાં હતાં કે શું કરવું ! મરતી બાનું છેલ્લું વચન શું હતું ? તેમને નાનો દર્શન યાદ આવ્યો હતો. ગંગાઘાટ પર ભીની ભીની હવામાં બે હોઠો સહેજ ફરક્યા હતા. ‘મોટા.... નાનો તને સોંપું છું !’

એ પણ બોલ્યા હતાં. ‘બા, એને મારા જીવની જેમ જાળવીશ. જરા યે ભાર ન રાખશો.’

એ શબ્દો સંભળાયા જ હશે, કારણ કે બે ઊંડી આંખો હસી હતી. બસ, એ છેલ્લી ચેતના, છેલ્લી ઇચ્છા.

દર્શન ત્યારે માંડ સોળ-સત્તરનો હતો.

રેણુકાએ પતિને સધિયારો આપ્યો હતો - ‘મારે ક્યાં પેટ વસ્તાર છે ? બસ, આ જ...!’

હરિહર કૃતજ્ઞ બની ગયા - પત્નીના, સદ્‌ભાવથી.

કંઈ મોટી જાહોજલાલી તો નહોતી. ટૂંકા પગારની નોકરી અને બાપીકું ઘર. લાંબી બાંધેલી પરસાળ, બે ઓરડા - એક છેડે રસોઈઘર, નાનકડી ફળી, જીર્ણ અને રંગ વિનાની ખખડધજ ડેલી. માથે ઢળતું છાપરું અને દેશી નળિયાં.

દર ચોમાસે ચળાવવા પડે, નહિ તો છાપરું કેટલું ચૂવે ? રેણુકા વૈશાખ મહિને જ પાંચ રૂપિયા અલગ મૂકી દે એ કામના અને એક ચોમાસે તો એ અલગ રાખેલી મૂડી પણ દર્શનનાં કપડાંની સિલાઈમાં ખર્ચાઈ ગઈ હતી.

કેવું ગયું હતું એ ચોમાસું ? દર્શન માટે એક સલામત ખૂણો માંડ મળ્યો હતો !

‘શ્રાવણ માસમાં ચોમાસું ? દર્શન માટે એક સલામત ખૂણો માંડ મળ્યો હતો !’

‘આટલો સમય પણ ક્યારે મળવાનો હતો આપણને ?’ રેણુકા પતિને સાથ આપતી, હસીને.

‘કાલ સવારે દર્શન ભણીને તૈયાર થઈ જશે. સરસ નોકરી મળશે. બસ, પછી ઘરની મરામત કરાવવી છે. તારી દેરાણી તો નવા ઘરમાં જ આવશે ! એ આર્ષદ્રષ્ટા બની જતા એ પળે.

બધાં સ્વપ્નો કાંઈ થોડાં સાચાં પડે ?

દર્શન ખૂબ ભણ્યો એ બન્યું. ગામમાંય ભણ્યો ને દૂરના શહેરમાં, હૉસ્ટેલમાં રહીને ય ભણ્યો. સરસ પત્રો લખે મોટાભાઈ-ભાભી પર. એક વાતનો ઉલ્લેખ ચોક્કસ કરે. તે લખે, ‘મોટાભાઈ, તમે બન્ને કેટલુંસહન કરો છો મને શિખરે પહોંચાડવા માટે ? આ વાત ક્યારેય ના ભુલાય, એવી પ્રાર્થના છે ઈશ્વરને !’

અને આંસુ આવી જાય મોટાભાઈને.

જો રેણુ, કેવું લખે છે તારો લાડકો દિયર ? અરે ભાઈ ! તારે જ અમને સંભાળવાના છે. આ જાત ક્યાં સુધી ચાલવાની ? આ ઘરની હાલત પણ આપણા જેવી જ છે ને ? એનો ઉદ્ધાર પણ દર્શન જ કરવાનો, જોજે ને ?’

જૂનાં સ્વપ્નો ઘૂંટાતાં જતાં હતાં, નવાં ઉમેરાતા હતાં. મકાન વધુને વધુ જીર્ણ થતું જતું હતું, અરે બે ચોમાસાથી તો છાપરું ય ક્યા ચળવાતું હતું ?

એ.... ય અષાઢશ્રાવણ લહેરથી વરસ્યા કરે, સોંસરવા અંદર. થાય બસ, હવે એક-બે વરસો જ. અને પછી તો હરખઘેલી રેણુકાએ તો એક-બે છોકરીઓ પણ નજરામાં રાખી હતી. સરસ નોકરી મળી જાય પછી મોડું ના જ કરાય.

પણ પછી તો ઘણું બધું અણધાર્યું બની ગયું. નોકરી સામેથી આવી. અને સાથે સાથે દેવયાની. દર્શને બધી જ વાત મોટાભાઈને કરી. જે સાહેબે નોકરીની ગોઠવણ કરી હતી એમની પુત્રી જ આ દેવયાની. જરા શ્યામ, જરા સામાન્ય દેખાવની. બે ય એક સાથે જ મળવાની હતી. શરત સ્વીકારી મોટાભાઈએ નાનાની ઇચ્છા પારખીને ‘નાના’ તારી શું ઇચ્છા છે ?’ પહેલાં એમ પૂછ્યું પણ ખરું.

અને એ સાહેબે દર્શનને જમાઈ તરીકે સ્વીકારી લીધો. પૈસાપાત્ર હતી એ વ્યક્તિ.

અરે, એક ફ્લેટ પણ આપ્યો દીકરીને.

‘સારું થયું, રેણુ એ મોટા ઘરની છોકરી અહીં ક્યાંથી રહી શકે ?’ ફરસ પર પડતાં ચાંદરડાં જોતી રેણુકા હસી પડી હતી. બસ, તે એક વાર આવી હતી, આ ઘરે બા-બાપુનાં ફોટાઓને પગે લાગવા.

રાતે પતિને કહ્યું હતું ‘સાવ નિર્ધન છે એ લોકો.’

‘હા, એ લોકોએ જ મને મોટો કરી આ સ્થિતિએ પહોંચાડ્યો.’ દેવયાની હસી પડી, માનતી ન હોય એવું.

દર્શનને આશંકા થઈ એ સ્ત્રી બાબત, પોતાનાં પગલાં બાબત. કશું અનુચિત તો તે કરી રહ્યો નથી ને ?

બીજે દિવસે એકલી રેણુકાને મળ્યો. રડી પડ્યો.

‘ભાભી, આ સ્ત્રી આપણને વેરવિખેર તો નહીં કરી નાખેને ?’ ‘અરે, દેવયાની તો હજી નવી છે. ક્યાં કશુંય જાણે છે આપણા વિશે ? તું ધારે છે, એવું નહીં બને.’

રેણુકાએ સાંત્વના આપી. પણ એનું મન પણ વિચલિત હતું. સ્ત્રી સ્ત્રીને ઓળખી શકે ને ? પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં બારણામાંથી.

બહુ જ ઝડપથી એક ખાઈ રચાઈ ગઈ બે ઘરો વચ્ચે. બસ, દર્શન આવતો જતો હતો. મોટાભાઈ આંટો મારી જતા. ક્યારેક ાવકાર મળે કે ન મળે એની પરવા કર્યા વિના.

* * *

જયનો જન્મ થયો. રેણુકા મળી આવી દેવયાનીને. બે શિખામણ આપી. પાંચ રૂપિયાની નોટ મૂકી શિશુના હાથમાં ને દેવયાની હસી પડી હતી - એ સ્થિતિમાંય !

સ્મિતા આવી ત્યારે તો રેણુકા ખુદ માંદી હતી, પથારીવશ હતી. પણ દેવયાની ક્યાં જાણતી હતી ?

મોટાભાઈ દર્શનને મળવા આવ્યાં હતાં. દેવયાનીનો સ્વર સંભળાયો હતો, ‘કહી દેજો એ ન આવે પાંચ રૂપિયા આપવા.’

હરિહરને સમજ પડી હતી કે એ એટલે રેણુકા. દર્શનને માથે હાથ મૂકીને તેઓ નીકળી ગયા હતા નિઃશબ્દ.

દર્શન લાચાર અને મૂઢ બની ગયો હતો. પછી નિવૃત્તિ આવી. આછું-પાતળું પેન્શન ચાલું થયું.

‘જુઓ, અપેક્ષા છોડી દો. એ સુખી છે એ આપણું સુખ.’ રેણુકાએ સાર શોધી કાઢ્યો.

દર્શન આવતો ને ઔપચારિક વાતો થતી-સાવ અસંબદ્ધ હવામાનની, શહેરના ટ્રાફિકની. મોટાભાઈ પૂછી લેતા જય-સ્મિતા વિશે, તો ક્યારેક દેવયાની વિશે.

દર્શને ચૂપચાપ મરામત કરાવી આપી ઘરની અને છાપરાને રંગ રોગાને ય થયા પણ ભીંતોને ડેલીને ?

મોટાભાઈ ખુશખુશાલ થઈ ગયા. રેણુકા તો ભાવવિભોર. દર્શને ભાભીને કહ્યું, ‘જુઓ ભાભી, આ વાત આપણા વચ્ચે જ. પેલી જાણશે તો મહાભારત કરશે !’

મોંઘવારીમાં પેન્શન કેટલું પહોંચે ? વળી દવાનો ખર્ચ પણ વધતો જતો હતો અને એ બંનેને વળી કેટલી જગ્યા જોઈએ ? પાછી વસ્તીની વસ્તી.

મકાનનો અરધો ભાગ ભાડે અપાઈ ગયો.

બસ..... આ એની જ પંચાત હતી. દશ વરસોનું ભાડું મોટાભાઈ ગપચાવી ગયા હતાં. ખરેખર તો એ મકાનનો ભાગ બીજા ભાઈનો જ ગણાય. આ તો બાપીકું મકાન !

કાળા કોટવાળા વકીલની આસપાસ સહુ ટોળે વળી ગયા. જય દર્શનભાઈને લઈ આવ્યો. દેવયાનીની એક આંખ પતિ પર હતી ને બીજી વકીલ પર. તોષા પાસે જ ઊભી હતી આતુરતાથી.

જયના લગ્નમાં ધાર્યા કરતાં વધું ભભકો થઈ ગયો હતો. પૈસા આવવાની એક-બે ગણતરી અવળી પડી હતી અને તોષા ક્યાં માનતી હતી ? એને તો પાર્ટનર બનીને ધંધામાં ઝંપલાવવાના કોડ હતાં અને આ જગ્યાએ એક લાખ રૂપિયા ચોખ્ખા દેખાતા હતાં.

મહેન્દ્રભાઈએ સાવ સહજ બનીને કહ્યું, ‘દર્શનભાઈ, જીતી શકાય એવો મુકદમો છે. અરે, ચલાવવો પણ નહીં પડે. માત્ર આ નોટિસથી જ પતી જશે !’

દર્શનભાઈ થડકી ગયા. મુકદમો ? મોટાભાઈ સામે ? એ દરમિયાન મહેન્દ્રભાઈએ લખાણ વાંચવાનું શરૂ કર્યું હતું. હરિહરભાઈ, સરનામું, ગામ, મકાનનો સર્વે નંબર, ચતુર્દિશા, ક્ષેત્રફળ, જંત્રી મુજબની કિંમત વગેરે બોલાવા લાગ્યું.

અને દર્શનભાઈને મોટાભાઈ દેખાવા લાગ્યા, સાઈકલ શીખવતા મોટાભાઈ, સાઈખલ પર દશ માઈલની ખેપ કરતા મોટાભાઈ, શિયાળુ રાતે પોતાને રજાઈ ઓઢાડતા મોટાભાઈ, ચૂતી છતમાં જાગરણ કરતા મોટાભાઈ.

આ શું ચાલી રહ્યું હતું ? જેને ચામડીના જોડાં બનાવીને પહેરાવે તો પણ ઓછું હતું એમને નોટિસ ?

ભલે દેવયાની નાખુશ થાય, તોષા ય નારાજ થાય, અને જય પણ....!ટ

અરે, ઘર છોડીને ચાલ્યો જઈશ મોટાભાઈ પાસે ! અને રંગ બદલાઈ ગયો આખા ચિત્રનો.

તેમણે ત્રાડ નાખી : ‘જય, દેવયાની, બંધ કરો આ ખેલ ! તમે શું ઓળખો છો મોટાભાઈને ?’

કાયા ક્રોધથી કંપવા લાગી.

‘તમારે આ કરવું જ પડશે. તોષા ખાતર અને આપણા જ પૈસા છે. એમાં સેન્ટિમેન્ટલ ન બનાય.’ દેવયાની બોલી. ‘આમારી જ ભૂલ વરસો પહેલાંની’ દર્શનભાઈ પરિતાપ અનુભવતા બોલ્યા.

‘મેં એ લોકોને કેટલો અન્યાય કર્યો ? કેટલાં દુભવ્યાં ? પણ હવે નહીં ચાલે.’ સ્વરમાં મક્કમતા હતી.

‘મને ખબર છે’ દેવયાની કહે, ‘આ ફ્લેટ કોના નામ પર છે ?’

‘હું જ ચાલ્યો જઈશ અહીંથી.’

દેવયાની કશું જ ના બોલી. તે તો બેબાકળી બની ગઈ. દર્શનભાઈનો રોષ જોઈને વકીલ મહેન્દ્રભાઈ ઊભા થયા. જયને સૂઝ જ ના પડી કે તે શું કરે.

ત્યાં બારણું ખૂલ્યું ને સામે મોટાભાઈ. તેમણે દર્શનભાઈનું છેલ્લું વાક્ય અવશ્ય સાંભળ્યું હતું. ચહેરા પર એની અસર હતી.

‘શું થયું નાના તને ?’ એમ કહેતા દર્શનભાઈની પાસે બેસી ગયા. જમણો હાથ ખભા પર મૂક્યો. દૃષ્ટિ પરોવી બે આંખોમાં. વકીલ મહેન્દ્રભાઈ કાગળો પછાડતા રવાના થઈ ગયા. જય એમની પાછળ ગયો.

દેવયાની બારણા વચ્ચે ઊભી રહી ને તોષા એને લપાઈને. સ્મિતા મોટાભાઈ માટે પાણી લેવા દોડી. કદાચ તે એક જ ભાનમાં હતી.

‘ુશું છે, કોઈ બોલો !’ મોટાભાઈ બોલ્યા હતા, પણ કોણ આપે ઉત્તર ? પણ એમની જ નજર પડી કાગળ પર.... પછી હાથ લંબાવ્યો ને વાંચ્યો પણ ખરો.

દરમિયાન સ્મિતા પાણી લાવી. જય પણ આવ્યો. દેવયાનીએ નક્કી કરી નાખ્યું કે મોટાભાઈને કહી જ દેવું ચોખ્ખા શબ્દોમાં. ક્યાં ખોટી વાત હતી ? હિસાબની જ....!

મોટાભાઈએ પાણી પીધું. વહાલથી જોયું સ્મિતા ભણી. એક કરચલી વળી ગઈ કપાળમાં.

‘બસ, આટલી જ વાત છે ને ?’ તે બોલ્યા.

‘એટલા માટે નાનાને પરેશાન કરતાં’તાં ? જય, દેવયાની, મને જ કહેવું’તું ને સીધેસીધું ?’

કાગળના લીરેલીરાં કરીને મોટાભાઈ ઊભા થઈ ગયા, પગલાં સંભળાયાં, ઝાંપાનો અવાજ સંભળાયો અને પુનઃ શાંતિ પથરાઈ ગઈ.

આઠ-દિવસો પછી ઘરની ચાવી, દસ્તાવેજ, દર્શનને સોંપણીના કાગળો અને એક ચિઠ્ઠી ટપાલમાં મળ્યાં.

ટપાલમાં લખ્યું હતું, સંબોધન વિનાનું - ‘મારા નાનાને હેરાન-પરેશાન ના કરશો. એનો સ્વભાવ જાણું છું ને કે એ ક્યાં કશો યે આઘાત સહી શકે છે ? મોટાભાઈ !’

સ્મિતાની આખો ભીની હતી. શેષ સૌ મૌન.

*