Parivartan Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Parivartan

પરિવર્તન

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પરિવર્તન

પિસ્તાળીસ વરસની મોહિની એની એ.સી. ચૅમ્બરમાં પણ અકળાઈ ઊઠી. આમ તો તે હરદ્વારની યાત્રા કરીને આવી હતી. હજી પણ તે સ્થાન મનમાંથી ખસ્યું નહોતું. એ ગંગાનું ખળાખળ વહેતું જળ, ભાવિકોથી ઉભરાતું શહેર, હરકી પેડી... હજી ભીંજાવી રહ્યાં હતાં, ચિત્તને.

બસ... મન થઈ આવ્યું ક્યાંક - જાઉં, દૂર દૂર. તે બોજથી તો નહોતી થાકી. ભલા ગમતી પ્રવૃત્તિથી થાક લાગે ખરો ? પોતે જાતે જ પિતાનો કારોબાર સંભાળી લીધો હતો. વૈકુંઠરાયના મૃત્યુને ગણીને માંડ પંદર દિવસ થયા હતા ને તે શ્વેત વસ્ત્રોમાં ઑફિસમાં આવી હતી. ચકિત થઈ ગયા હતા સહુ.

ભારે હિંમતવાળી છોકરી ! આ તો કલ્પી જ ન શકાય એવું હતું. મૅનેજર દેસાઈએ કહ્યું : ‘બસ, બેટા... આ... આવી ગઈ. તારું મન સચવાઈ ગયું. હવે પછી નિરાંતે જ આવજે. હું તને મળી જઈશ સાંજે. વાત કરવા.’

પણ મોહિની તો બીજા દિવસે પણ આવી. બેસી ગઈ ચૅમ્બરમાં. દેસાઈએ ક્યાં ધાર્યું હતું ? આ તો ગજબની... છોકરી ? પાછું એમ પણ થયું કે... નવું નવું છે ને, એટલે થાય મન.

પણ એ તો રીતસર કામ પર લાગી ગઈ હતી. તેણે દેસાઈને કહ્યું, ‘સાંજે મીટિંગ બોલાવો સ્ટાફની. મારે વાત કહેવી છે અને જુઓ દેસાઈ... બેટી બેટી કહો એ ઑફિસમાં તો ના ચાલે. ઑફિસ એટલે ઑફિસ !’

શેહ ખાઈ ગયા દેસાઈ. અરે, આને તો રમાડી હતી ખોળામાં ! વૈકુંઠરાય સાથે મિત્રતાના સંબંધો હતા. અને આ અંકલ... અંકલ કહ્યા કરતી હતી ! સાવ આમ જ ? એક પળ થઈ આવ્યું કે નોકરી જ મૂકી દે. પણ સામે પક્ષે કેટલીક લાચારીઓ પણ હતી.

દેસાઈએ કહેવાનું શરૂ કરી દીધું, ‘યસ મૅડમ !’

‘દેસાઈ, મારે મારી રીતે કારોબાર ચલાવવો છે.’ મોહિનીએ હુંકારથી કહ્યું હતું.

તરત જ ચણભણ શરૂ થઈ ગઈ હતી.

‘ક્યાં વૈકુંઠરાય અને ક્યાં દીકરી ? જમીન-આસમાનનું છેટું !’

‘આ તો અભિમાનની પૂતળી છે. રૂપાળી છે એમાં શું વળ્યું ? ગુણો હોવા જોઈએ.’

‘સ્ત્રીને સિંહાસને બેસાડો એટલે આમ જ બનવાનું. આને વળી કોણ પરણે ?’

‘અરે, પરણી હોતતો સારું હતું. આ તો નરી વિકૃતિ છે. દુશ્મન છે પુરુષજાતની.’

હા, તથ્ય હતું - આ અભિપ્રાયોમાં.

એનાં વીસમે વરસે તો પ્રેમમાં પડી હતી - પ્રશાંતના. એની સાથે જ હોય.

પ્રશાંત કહે, ‘ચાલ ફરીએ પગપાળા, ટહેલતાં ટહેલતાં.’ ને ગાડીમાંથી નીચે ઊતરી જતી.

પ્રશાંત કેવી સરસ વાતો માંડતો - ધર્મ અને ઇતિહાસની, જીવન અને કર્મની, ગીતા અને ઉપનિષદોની.

મોહિની સાંભળ્યા કરતી. આ કાંઈ એને ગમતમાં વિષયો નહોતાં જ. પણ એનો આશય તો અલગ જ હતો. એ તો બધો સમય એને રૂપથી આકર્ષવા મથતી.

‘પ્રશાંત... કેવી લાગું છું, કહે.’

‘તને શું થાય છે... મને નીરખીને ? આવી સરસ... મારા સરખી સુંદરી... તારા ભાગ્યમાં હશે, એવી કલ્પના હતી તને ?’

મોહિની તો સખીઓને પણ કહેતી, ‘હું એને પરણીશ જ, પણ મારી રીતે રંગીને ! કેવું મોટું ભાગ્ય ગણાય કે હું તેને પ્રાપ્ત થાઉં ? કેટલાં ઝંખે છે મને ?’

પ્રશાંત કહેતો, ‘મોહિની... તને બીજા રૂપની જાણ નથી ? આ રૂપ તો કેવળ સપાટીનું છે, ત્વચાનું છે. પણ ભીતરનું સ્વરૂપ કેવું હોય - એથી તું અવગત જ નથી.’

‘તું તો સાધુ જેવું બોલે છે. સાચું કહેજે તને નથી ગમતું મારું આ રૂપ ? આ રૂપાળી કાયા..!’

વૈકુંઠરાય સલાહ આપતા, ‘બેટા, પરણી જા પ્રશાંતને. એ તારે યોગ્ય જ છે. તને સુખી કરશે.’

‘બાપુ... એણે મારે યોગ્ય બનવું પડશે. તો જ હું હા ભણીશ.’ તે ગર્વથી કહેતી.

પ્રશાંતમાં ધૃતિ હતી. તેણે વારંવાર સમજાવી હતી એને. ‘મોહિની, અહંકારની ભૂમિકા પરથી અલગ થઈ જશે તો તને સાચું સુખ મળશે. આ રીતે સહજીવન શક્ય ના બને.’

પણ એ અડગ જ રહી એની માન્યતામાં.

‘અભિમાન લેવા જેવું છે મારી પાસે. મારું રૂપ, આ વૈભવ... જે મને પરણશે એને મારાં બધાં ઐશ્વર્યો પ્રાપ્ત થશે જ.’

મનોમન થતું કે પ્રશાંત મૂર્ખ હતો. કોઈ આટલું ગુમાવે ? આદર્શોની વાતો કરતો હતો, આંતરિક વૈભવોને રટતો હતો. જો તેને આ પસંદ ના હોત તો... ક્યારનોય અળગો કર્યો હોત ! પણ આ તો ગમતો પુરુષ હતો.

માની જશે ? ક્યાં સુધી જીદ ઝાલી રાખશે ? આખરે એ પણ પુરુષ જ હતો ને - પેલાં રૂપતરસ્યા ટોળા જેવો જ ! પણ ના, આણે ક્યારેય અણછાજતું વર્તન કર્યું નહોતું અને તે તો એવું થવાની પ્રતીક્ષા કરતી હોય. એવું બન્યું હતું અનેક વેળાએ.

તે રૂપ અને વૈભવના નશામાં ચૂર હતી ને પેલો પુરુષ અળગો થઈ ગયો એનાથી. તપાસ કરી તો જવાબ મળ્યો કે પ્રશાંત તો એકાએક ક્યાંક ચાલ્યો ગયો હતો. બારણે તાળું લટકતું હતું.

તો પણ મોહિનીએ કાયમ માટે ચાલ્યા જવાની કલ્પના કરી જ નહોતી. પ્રશાંતે એ સ્થાન છોડી દીધું હતું. ‘આવશે જ; ક્યાં જવાનો હતો, એને છોડીને ? પણ કહ્યું કેમ નહીં કે તે ક્યાં જઈ રહ્યો હતો ?’

પછી જ એને સત્યનું ભાન થયું હતું, ‘કદાચ... ગયો પણ હોય ગામ છોડીને. તરંગી તો હતો જ ! ક્યાં મળવાની હતી મોહિની ? કેવી મોટી ભૂલ કરી ?’

અને આખરે જન્મ્યો ક્રોધ. ‘શું સમજે છે એની જાતને ? કેટલાં પુરુષો તૈયાર છે મારી નિકટ આવવા, મારી એક દૃષ્ટિથી ધન્ય થવા ? ને આ પુરુષ... મને ઠુકરાવીને ચાલ્યો ગયો ?’ રોષની પીડા બની ગઈ અને પીડા ધિક્કારમાં પરિણમી હતી.

સખીએ પૂછ્યું, ‘કેમ દેખાતો નથી પ્રશાંત ?’

તે છંછેડાઈ ગઈ, ‘કાદવનો કીડો એના મૂળ સ્થાને જ જાય ને ? એ શું સમજે રૂપમાં, સૌંદર્યમાં...?’

એ ધિક્કાર, અંતે આખી પુરુષજાતિ પ્રતિ પ્રસરી ગયો.

‘સાવ નકામી છે પુરુષજાત... ! પામર છે એ લોકો.’

અને અચાનક અવસાન થયું વૈકુંઠરાયનું. થોડાં દિવસો શૂન્યાવકાશ ખડો થઈ ગયો જાણે !

કશું નહોતું ને અચાનક જ..? પ્રશ્ન થયો સહુને. એક લલિતા જાણતી હતી કે ભદ્ર પુરુષ પુત્રીનાં વર્તનથી દુઃખી હતા. આવી ઉદ્ધત પુત્રી ! શું ખોટો હતો પ્રશાંત ? અરે, નિયમિત અમને પણ મળતો હતો, જ્ઞાનની બે વાતો પણ કરતો હતો. વૈકુંઠરાય ધંધામાં પણ ક્યારેક એની સલાહ લેતા. કહેતા, ‘લલિતા, છોકરો સરસ છે, પણ મોહિની માનતી કેમ નથી ? લાગે છે કે મારા લાડપ્યારે જ એને બગાડી મૂકી.’

એ ગયા ને પંદરમે દિવસે મોહિની ઑફિસમાં આવી ગઈ. બધાં જ પુરુષો. એને થયું કે રવાના જ કરી દઉં - એ ટોળાંને; પણ એ ક્યાં શક્ય હતું ?

પછી બીજો રવિવાર આવ્યો - તામસી વિચાર ! ચાલ, રમત રમું એ પુરુષોને પીડવાની. જોઉં એ લોકોનું પૌરુષ કેટલામાં છે ? અને પ્રારંભ કર્યો ઉંમરલાયક - ખરેખર તો, એના માટે પૂજ્ય એવા દેસાઈ અંકલથી.

‘યસ મૅડમ !’ એ શબ્દો લાચાર પુરુષના હોઠો ઉપર માંડ ગોઠવાયાં.

કેટલાય કંટાળીને ત્રાસીને ગયાં. તો એના સ્થાને બીજા પુરુષો જ આવ્યાં. પુરુષો વિના તો આ રમત ચાલે જ ક્યાંથી ? દેસાઈ ત્રાસી ગયા કે આ છોકરી શું આવી - સભ્યતા વિનાની, ગર્વિષ્ઠ ?

એક પત્ર આવ્યો - હરદ્વારથી.

‘મોહિની ગર્વનો અંચળો છોડી દે ને સહજ બનીને આવ. મેં તારી પ્રતીક્ષા છોડી નથી. - પ્રશાંત’

કોઈ આશ્રમનું સરનામું પણ હતું. તે હસી પડી. ‘છે ને પામર. મેં તો એને ક્યારનો અળગો કર્યો છે. સાધુ તો ત્યાં જ શોભે, કોઈ આશ્રમ કે અખાડામાં !’

વરસો ગુજરતાં જતાં હતાં. લલિતા વૃદ્ધ થતી હતી. તો મોહિની ક્યાં એવી રહી હતી ?

‘મોહિની પાંત્રીસમું. હજીય વિચાર કરને !’ લલિતા વ્યગ્ર બની જતી હતી.

‘આ ચાળીશમું બેટા !’ તે વય ગણાવીને બેસી જતી પરંતુ આગળ કશું કહેવા માટે જીભ ઊપડતી નહોતી.

‘શું છે માડી - આ ચાળીસમાં વરસનું ? લાગું છું જરા પણ ચાળીશ જેવી ?’ તે હસી પડતી.

ક્રમે ક્રમે આ હાસ્ય બોદું બનતું જતું હતું. ક્યારેક નિરાંતે અરીસામાં જોઈ લેવાની હિંમત કરતી હતી અને હતાશ થઈ જતી હતી.

‘આ જશે જ એક દિવસ. કેવી બની જઈશ સાવ ?’ પછી તો ઝડપ વધી હતી. બેતાળીશ... ચુમ્માળીસ અને...? પિસ્તાળીસમે વરસે પ્રતીતિ થઈ - એ જે ના મેળવી શકી એના અભાવો દેખાયા. મર્યાદાઓનું ભાન થયું. છળી ઊઠી બિંબ જોઈને અને મા સિવાય, કોઈ આત્મીયજ ના રહ્યું.

કોઈ ચાહતું જ નહોતું એને. ઑફિસમાં તો ડરતા હતા સહુ. દેસાઈએ નિવૃત્તિ માટે અરજી કરી હતી, સારા શબ્દોમાં.

મૅડમનું સંબોધન કરીને.

તે શું પામી હતી આ રમતમાં ? એને યાદ આવી ગયો પ્રશાંત. હરદ્વારમાં જ હશે કે...? પત્ર તો સાચવીને રાખ્યો હતો. સરનામું પણ હતું જ. અચાનક થયું ‘લાવ, મળું એને.’ આખો અતીત પાંપણ પર સજીવન થયો - ખડખડ ખડખડ કરતો. એ સાથે હોત તો આ દશામાં ન આવત, આટલી એકલી પણ ન હોત.

પણ એકલા જવાની હામ ક્યાં બચી હતી ?

‘માડી, આવવું છે યાત્રાએ...? ચાલને જઈએ... હરદ્વાર ?’ એણે લલિતાને તૈયાર કર્યાં.

ચકિત થઈ લલિતા. જોઈ રહી પુત્રી સામે. શું મોહિની બોલતી હતી ? એ બંને ગયાં - એ હિમાલયનાં પ્રવેશદ્વારના શહેરમાં.

ખળખળ વહેતી ગંગા, ગંગાઘાટો, શિવમાં લીન થયેલા ભાવિકો, ‘હરકી પેડી’ની સાયંઆરતી, ગંગાના પ્રવાહમાં તરતાં, ડૂબતાં દીવડાંઓ - શું નહોતું એ નગરમાં ?

‘ચાલ માડી, આશ્રમોનાં દર્શન કરી લઈએ.’ મોહિની વ્યાકુળ બનીને બોલી.

‘વાહ ! નક્કી શિવનો પ્રભાવ. નહીં તો ક્યાં તે આવી હતી ?’ લલિતા વિચારતી હતી.

ખૂબ ફર્યાં માઇલો સુધી.

રોજ ફોન આવે - દેસાઈના.

‘મૅડમ... આ પ્રશ્ન ઊભો થયો છે શું કરવું ?’

‘મેસર્સ શેઠને શો જવાબ આપવો છે ?’

‘એક છોકરો છે. હોનહાર લાગે છે. એને આપણએ આસિસ્ટંટ મૅનેજર લેવાનો જ છે...!’

મોહિની જવાબ વાળી દેતી. શરૂઆતમાં ચીવટપૂર્વક પરંતુ પછીથી તો એમાં સિથિલતા આવી જતી. એનો જીવ પ્રશાંતની શોધમાં જ હતો. આ યાત્રા તો એક બહાનું જ હતું. ક્યાં હશે એ આશ્રમ ? પ્રશાંતના પત્રના અક્ષરોય પૂરાં ક્યાં વંચાતા હતા ? કેટલો સમય થયો એને આવ્યાને ? છેક આટલાં વરસ પછી એની તરસ જાગી હતી.

હા, એની વાત સાચી જ હતી. માનવજીવનનો ખાસ અર્થ હતો. એ કાંઈ તરંગો પાછળ વેડફી નાખવાનું નહોતું. એ હવે સમજાતો હતો.

પણ એ આશ્રમ કેમ મળતો નથી ?

તેણે દેસાઈને સૂચના આપી દીધી, ‘દેસાઈ... તમે તમારી રીતે ચલાવો. મને હવે પૂછશો નહીં. હું આવીને સંભાળી લઈશ.’ નવાઈ લાગી દેસાઈને. ડર પણ લાગ્યો. આ છોકરી ફસાવી તો નહીં દે ને ? જોકે હવે તેણે નક્કી કરી નાખ્યું હતું - મુક્ત થઈ જવાનું બસ... એ આવે ને તરત જ...

તેમને મન આ છોકરી અકળ હતી. એ નહોતી એનો આનંદ પણ ક્યાં થતો હતો ? હા, ‘યસ મૅડમ‘ની રટણમાંથી મુક્તિ મળી હતી, પણ એનો ઓથાર તો ઝભુંબેલો જ હતો - સહુ પર.

દેસાઈએ નવો છોકરો - ગૌતમ, એ કારણસર જ પસંદ કરી લીધો કે એ કદાચ તેમને મુક્ત કરે.

ગૌતમે બે દિવસ નિરીક્ષણ કર્યું. આખા કારોબારનું બૅલેન્સ-સીટનું, ફાઇલનું. પછી કહ્યું, ‘અંકલ, ઘણું બધું ફેરવવું પડશે. ખૂબ જ ક્ષમતા છે આ બિઝનેસની. માત્ર સરફેસ પર જ કામ ચાલે છે.’

અને દેસાઈ ભડક્યો હતો, ‘ગૌતમ, મૅડમને આવવા દે.’

‘અરે, અંકલ... આપણે મૅડમને સરપ્રાઇઝ આપીશું. બાકી આ બધું તો સત્વરે કરવું જ પડશે. બધી જવાબદારી મારી. મૅડમને પણ ફાયદામાં રસ હશે જ ને ! કોને ન હોય ? અરે સ્ટાફને પણ ફાયદો થશે.’

ગૌતમ ઉત્સાહથી વાતો કરતો હતો.

અને દેસાઈને થયું કે ભલે કરતો. આખરે વિદાય થવાનું તો ઇચ્છતા હતાં જ ને ? છો ને એ ધક્કો મારી દેતી.

આખરે એ આશ્રમનો પત્તો લાગ્યો. ‘હરકી પેડી’ પર બેઠાં હતાં ને એક ગુજરાતી સાધુ મળી ગયો હતો. ‘હા... એક ગુજરાતી પુરુષ છે શાંતિ આશ્રમમાં. ખૂબ જ તેજસ્વી છે. હું મળ્યો છું બે-ત્રણ વાર. તમારે મળવું છે ? હા, મળો જરૂર મળો. મળવાલાયક વિભૂતિ છે. ઓછું બોલે છે પણ ખૂબ ખૂબ લખે છે. મંદ મંદ સ્મિત કર્યા કરે છે. મંદાકિનીના વહેણની માફક. અદ્‌ભુત વ્યક્તિ છે પ્રશાંતજી !’

શબ્દેશબ્દ આગળ થીજી ગઈ મોહિની. ઓહ ! કેટલી દૂર થઈ એનાથી, જે સાવ નિકટ હતો ?

‘મારી નાસમજી !’ તે બબડી હતી. જ્યારે સમજ આવી અરીસામાં ન જોવાની સમજ આવ્યા પછી જ.

એ પહેલાં તો સાવ સરળ હતી. ‘માડી, યાદ છે ને તને તારી એ દીકરી, જે તારી સાથે, હાથમાં જળની લોટી લઈને, તુલસીના વૃક્ષને પાણી પાતી હતી. એની પ્રદક્ષિણા ફરતી હતી...?’

‘હા... બેટા ! તું તો એ જ છે અત્યારે પણ.’ લલિતા ભાવવશ થઈને બોલી. તે જાણતી હતી કે પુત્રી પરિતાપ અનુભવી રહી હતી. તેને તો હર્ષ જ થયો. તેનો કંપતો હાથ પુત્રીના ખભાને સ્પર્શ્યો હતો.

બીજી સવારે એક સાઇકલ-રિક્ષા, શાંતિ-આશ્રમ તરફ દોડી રહી હતી. મોહિની વિહ્‌વળ હતી. લલિતા એને સંભાળતી હતી.

પણ એ ન મળ્યો. એ તો આગલી સાંજે જ વિદાય થઈ ચૂક્યો હતો - હિમાલયની ઊંચાઈ પર. યુવાન સાધુ.

અભયગિરિએ પ્રશ્ન કર્યો હતો : ‘મોહિની દેવી છો આપ ?’

અરે, આને તો નામ પણ... આવડતું હતું એનું ?

‘પ્રશાંતજીએ કહ્યું હતું કે મોહિની આવશે જ, અવશ્ય આવશે. એ પ્રતીક્ષા જ કરતા હતા જાણે. કાલે પણ કહ્યું હતું : અભય, આ પત્ર મોહિની આવે ત્યારે આપજે...!’

‘ઓહ ! કેટલો અટલ વિશ્વાસ ? કેવો મોટો અનુગ્રહ !’ તે રડી જ પડત પણ માંડ જાતને સંભાળી લીધી.

‘પ્રસાદ લેકે જાઈએ.’ એવો આગ્રહ થયો. એને કેમ ટાળવો ? થોડાં કલાકો ત્યાં ગાળ્યા.

તક મળી ને એક ઝાડની આડશમાં પત્ર વાંચી લીધો, મોહિનીએ. લખ્યું હતું : ‘મોહિની, કેમ મારી શ્રદ્ધા સાચી પડી ને ? મને હતું જ કે તું એક દિવસ અહીં જરૂર આવીશ. બોજ હલકો થઈ ગયો ને, મોહિની ? હવે શાંતિ અનુભવે છે ને ? હું સાથે હોઉં કે ન હોઉં, તારો શેષ સમય તેજોમય બની જશે. હું પ્રતીક્ષા કરતો હતો, આ સમયની અને એ સમય આવ્યો.

એમ નથી કહેતો કે તને મળીશ જ; પરંતુ મોહિની, મારા દરેક માર્ગ અદૃશ્ય રીતે પણ તારા પ્રતિ જ જતાં હશે. ના, મેં સંન્યાસ નથી ધારણ કર્યો. એ મારી સહજ ગતિ પણ નથી. હજી પણ આખી સમષ્ટિની જેમ તને ચાહું છું - ચાહતો રહીશ. - પ્રશાંત’

ને તે ધોદમાર રડી હતી એ વૃક્ષની છાયામાં.

તે પુનઃ એ શહેરમાં આવી, તેની ઑફિસમાં આવી. ઓહ કેટલાંય પરિવર્તનો થયાં હતાં - વ્યવસ્થામાં, ગોઠવણમાં ! જરા અકળાઈ ગઈ મોહિની.

દેસાઈ સહિત સ્ટાફ ફફડતો હતો.

ટેબલ પર. ઑફિસ નોટ પડી હતી - ગૌતમની. સુંદર હસ્તાક્ષર, સરળ ભાષા.

અચ્છા તો આ નવો છોકરો ? દેસાઈએ નીમ્યો હતો એ ? એણે કર્યું આ બધું ? શા માટે ? શું તે આવવાની નહોતી ? આવી હિંમત ?

મોહિનીનો હાથ બજર પર ગયો.

અચાનક પ્રશાંતનો ચહેરો તગતગી ઊઠ્યો. ગંગાનો ખળખળાટ કાને પડ્યો.

ના, હવે બીજી ભૂલ નથી કરવી. કોઈને ધિક્કારવા શા માટે ? બેલ વાગી, બહાર સહુ ભડકો થવાની રાહ જોતાં હતાં.

મોહિની ખુદ બહાર આવી. તે બોલી હળવાશથી -

‘દેસાઈ અંકલ, તમે અને ગૌતમ આવો. આપણે ચર્ચા કરી લઈએ આ પરિવર્તનની.’

હા, સહુએ નોંધી લીધું પરિવર્તન - ચકિત થઈને.

*