મોક્ષ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોક્ષ

મોક્ષ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


મોક્ષ

નવલનું સરનામું થોડું સ્મૃતિમાં હતું અને તેણે લખેલું છેલ્લું પોસ્ટકાર્ડ મારા સફેદ ઝભ્ભાના ખિસ્સામાં હતું. જોકે સ્ટેશનની બહાર આવ્યો પછી મારે એકેયની જરૂર ના રહી. રિક્ષાવાળા કહે, ‘યુનિયનવાળાં નવલભૈ ને ? તેમને કોણ ન ઓળખે ? બેસી જાવ તમતમારે. બેનના ખરખરે આવ્યાં છો ને ? અબઘડી પુગાડી દઉં.’

છેક અહીંથી જ નવલનો પ્રભાવ જણાયો. આ ભોળાં લોકો તો તેનાં પ્રભાવમાં આવી જ જાય. કેવી વાચાળતા ! પણ એ અમૃત પાછળનું વિષ હું જ જાણતો હતો.

રિક્ષાવાળો સતત નવલના ગુણગાન ગાતો હતો, રસ્તા અને ગલી ત્વરાથી પસાર કરતો જતો હતો.

મેં હોંકારો ના ભણ્યો પણ તે તો... બોલતો જ રહ્યો, છેક રિક્ષા અટકી ત્યાં સુધી.

‘બસ... આ પગદંડી પર જાવ ને સામે જ બેઠા ઘાટનું મકાન. બસ... ત્યાં જ નવલભૈ... હશે.’ તેણે સમાપન કર્યું. મને આશ્ચર્ય તો ત્યારે લાગ્યું કે તેણે પૈસા લેવાની ના પાડી. નવલના ભક્તો તો ખરાં - આ ગામમાં.

પહોંચ્યો તો સામે જ ઊભો હતો નવલ. ઝભ્ભો, પાયજામો, માથે મુંડન, જરા કૃશ થઈ ગયેલી કાયા. ઓળખવામાં થાપ ખાઈ ગયો - એક બે પળ. પછી ઓળખી જ લીધો.

એ વ્યક્તિને ઓળખવામાં વાર જ લાગે. કેટલી ગાઢ દોસ્તી ! ગામમાં દાખલા દેવાય અમારી મૈત્રીના. તેનું બીજું રૂપ કેટલાં સમયે જાણ્યું ? બા તો ઓળઘોળ હતાં નવલ પર; કાયમ કહેતાં - આ મારો બીજો દીકરો ! તન્વી પાસે રાખડી પણ પહેલાં બંધાવી લે - હકપૂર્વક. નેહાનેય કહે - ‘નેહલી, સાચવજે આ ભોળા પુરુષને. લગ્ન પછી હું હિસાબ માંગીશ.’

આખો દેખાવ આદર્શ માણસનો, પણ ભીતર તો... લુચ્ચું શિયાળ !

બાને તો કશી વાત કહેવાય જ ક્યાંથી ? તન્વીએ કહી હશે, કહી જ હશે ! કેટલો વલોપાત થતો હશે એ તો એમની આંખો જ કહી દેતી હતી. થયું હશે ને કે નેહા પણ આવી ?

કેવું કરતી બા પાસે ? ઘરે આવે ને તરત બેસી જાય પાસે, પથારીમાં. કહે - ‘જુઓ, જલદી સાજા થઈ જવાનું છે ને તમારે ! તમારે જ મને પોંખવાની છે - આ બારણે.’

પછી તરત જ ઘરકામમાં લાગી જતી, તન્વીની સાથે - જાણે તેનું ઘર જ ના હોય એ રીતે...

ઘર પણ ક્યાં મોટું હતું ? ઓરડો, રસોડું અને બાંધેલી પરસાળ. એક વર્ષ થયું હતું - મારી નોકરીને. આંગણામાં સાઇકલ અને તુલસીનો છોડ.

નેહાએ કહ્યું હતું - ‘ચિંતન, હું આવું પછી આ જગ્યાએ મોગરાનો છોડ રોપીશ. ફૂલો હોય ત્યાં બધું જ ફોરમ-ફોરમ થઈ જાય !’

પાછી કહેતી - ‘આ પરીક્ષા આપી દઉં ને પછી એક પળેય નહીં રોકાઉં, દોડી આવીશ પાધરી અહીં. કોઈ નહીં મળે તો નવલભાઈ લગ્ન કરાવી દેશે ગોર બનીને. એટલાં મંત્રો તો આવડતા જ હશેને, બ્રાહ્મણનું ખોળિયું ધારણ કર્યું છે તો ?’

તે સાચે જ રમતિયાળ હતી - પતંગિયાં જેવી. તેનું દુઃખ ગાતાં ગાતાં પણ હસી લે એવી !

પીડા તો હતી જ ને વળી ? અનાથ, કાકા-કાકીને આશરે, પાછાં એય દૂરના. ઘરની લાલચે નેહાને રાખતાં હતાં. ઘરકામ કરાવી લેવાની ગણતરી પણ મદદમાં આવતી કાકીને. કાકા ભલા પણ એમાં છોકરીનું કશું વળે નહીં. એમાંથી સમય સેરવીને તે કૉલેજમાં ભણે. એમાં મળી તન્વી અને તે મારા સુધી પહોંચી.

કેટલું સારું લાગ્યું - તેને અને અમને સહુને ? નવલ તો વડીલ જ બની ગયો - નેહલીનો. ના હું ગોર તો નહીં બનું પણ કન્યાદાન તો હું જ...! મંગળ અવસર આકારાઈ ગયો - સહુના મનના કાગળ પર.

નેહા એકાંતમાં કહેતી - ‘ચિંતન, બહુ વિચારતા નહીં. હુંયે થોડાં છોકરાંઓને ભેગાં કરીને - એકડાં, બેકડાં - ભેંકડાં કરીશ. મારે જોઈએ પણ શું ? બે કોળિયાં ધાન અને તમારો... આટલો બધો પ્રેમ !’

નવલ મને એકાંતમાં કહેતો - ‘ચિંતન, એ છોકરી લાગણીની તરસી છે. તને એટલું સુખ આપશે કે તરબોળ કરી દેશે જીવનભર.’

‘તારે નથી પરણવું નવલ ? તારી વાત તો કરતો જ નથી ક્યારેય !’ હું કહેતો. જોકે બા તો અચૂક આ વાત માંડે પણ તે વાતને બીજી જ દિશામાં દોરી જાય.

થાય પણ ખરું આમ કેમ ?

હા, એ ખરું કે તે તેના અમીર પરિવારથી લગભગ અળગો જ ચાલતો હતો, ગરીબ વસ્તીમાં ફર્યા કરતો હતો. ત્યાં પરિચય હતો સૌ કોઈનો. અરે, ત્યાંનો બાદશાહ હતો એમ કહો તો ચાલે. તેના ભાગે જે પૈસા આવે એ ત્યાં જ કામ આવતાં હતાં.

એક નાનું નિવાસસ્થાન રાખ્યું હતું - એ વસ્તીમાં. તેણે હસીને ઉત્તર વાળ્યો હતો - ‘ચિંતન... કઈ છોકરી મારી સાથે પરણે ?’

નવલ એક મુફલિસની જેમ રહેતો હતો. જે લોકો તેના પરિચયમાં આવતાં હતાં, એ તેના થઈ જતાં હતાં, એટલો પ્રભાવ હતો નવલનો. તેના વિશે જેવું તેવું વિચારવું શક્ય જ નહોતું, એમ જ લાગે કે નવલ વિશે આવું વિચારાય ?

આપણે જાણે અપરાધ કરતાં હોઈએ એવી જ લાગણી થાય. એથી જ જ્યારે મારે તાલીમ માટે છેક મનીપાલ જેટલે દૂર જવાનું થયું, મેં નવલને ભલામણ કરી હતી - ‘ખ્યાલ રાખજે બા, તન્વી અને નેહાનો. મારે ત્રણ-ચાર માસ પણ થઈ જાય !’

એ સમયે ક્યાં ખ્યાલ હતો કે જેને નેહાની સોંપણી કરું છું એ જ દોસ્તીના નામ પર કાળો ધબ્બો લગાવશે ?

જતી વખતે નેહા અને નવલ બેય આવ્યાં હતાં, મને રેલવે સ્ટેશને વળાવવા. તન્વી ઘરે રહી હતી, બાને સંભાળવા.

નેહાનું મુખ પડી ગયું હતું. જાણે ડરી ગયેલી મૃગલી ! નવલ અમને બેયને સંભાળવા ફાંફાં મારતો જણાતો હતો. વિદાય વસમી જ હોય પણ નેહાનો વિષાદભર્યો ચહેરો અને વધુ વસમી બનાવતો હતો.

નવલ કહી રહ્યો હતો - ‘આ સારું થયું, ચિંતન. તું નથી ને એટલે નેહા પરીક્ષાની તૈયારી કરી શકશે. તું આવીશ ત્યાં તો પરણી જવાનો સમય આવી ગયો હશે. સરસ ગોઠવાઈ ગયું આ તો ! ને હમણાં મોટાં પત્રો ના લખતો નેહાને. બસ - સત્તર અક્ષરનાં હાઈકુ જેવડાં જ !’

નવલ વાતાવરણને હળવું બનાવવા મથતો હતો, એ અમારાથી અજાણ્યું નહોતું જ.

નેહા જરા હસી ખરી પણ પછી તરત જ તેનું સ્મિત વિલાઈ ગયું હતું. કેટલું દુઃખ થયું મને ? થયું કે જવું જ નહીં મનીપાલ, નેહલીને આમ છોડીને !

મેં તેને કહ્યું હતું કે ખ્યાલ રાખજે, તારી જાતનો. અને તે કોમળ પાંદડાંની જેમ થરથરી ગઈ હતી.

ટ્રેન ઊપડશે પછી તે રડી પડવાની હતી, ભાંગી પડવાની હતી - એ નક્કી હતું. મારી આંખોય ભીની થવાની હતી.

મેં તેને ખભે થરથરતો હાથ મૂક્યો, કહ્યું : ‘નેહલી, બહાદુર બનવાનું છે. આટલો સમય તો આમ ચપટી વગાડતાં જ ગુજરી જશે. આ તારી પરીક્ષાનો સમય છે. સમય તો ક્યાં કોઈની રાહ જુએ છે ? આ જ રીતે - તમે બન્ને મને આવકારવા પણ આવશો, આ જ સ્ટેશન પર. ખરું ને નવલ ?’

બસ, આ છેલ્લો જ સ્પર્શ નેહલીનો ! ક્યાં ખબર હતી - એ સમયે ?

છેક ત્રીજે દિવસે મનીપાલ પહોંચ્યો ત્યાં સુધી નેહાની યાદો રમતી રહી. તન્વી સાથે ઘરે આવી ત્યારે કેવી અજાણી હતી ? તેણે મને, સુરતા શબ્દ અર્થ પૂછ્યો હતો ને મેં શબ્દકોશ ફંફોળીને કહ્યું હતું - લગની, ધ્યાન, ઓતપ્રોતતા.

હું શબ્દકોશનું છસો એકવીસમું પાન જોતો હતો અને તે મારા ભણી સુરતાથી જોઈ રહી હતી !

આ તો મને તન્વીએ કહ્યું હતું - તેનાં ગયા પછી. બધી સમજ પડી ગઈ હતી - પથારીમાં સૂતેલી બાને, તન્વીએ કહ્યું જ હોય ને ? તેમણે જ મને કહ્યું હતું એક સાંજે : ‘ચિંતન... નેહા મને ગમે છે, તન્વી જેટલી જ !’

પછી તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી જવાયું જોતજોતામાં ?

મનીપાલ અજાણ્યું શહેર હતું, લોકો પણ અજાણ્યાં ને ભાષા પણ. તાલીમમાંથી પરવારતો ને ઘર વળગતું - બા, તન્વી, નવલ ને નેહલી સહિતનું.

તન્વીનાં પત્રો વિગતવાર હોય. બધું જ વર્ણન હોય - ઘર, શેરી ને ગામનું. નેહાની વાતો અક્ષરશઃ લખાઈ હોય. બે પત્રો એવાં જ રસભર્યા આવ્યાં હતાં.

અને ત્રીજો પત્ર સાવ ટૂંકો, ખાસ્સી ઉતાવળમાં લખેલો નેહા વિશે માત્ર એટલું જ - ‘ભાઈ, હમણાં એ આવી નથી. વાંચવામાં પીડ હશે ! નવલનો તો ઉલ્લેખ જ ના મળે.’

થયું, આમ કેમ ? એ ક્યાંય ભટકતો હશે - ગામડાઓમાં. મન મનાવ્યું. નવલને કાંઈ ઓછો પથારો હતો ? સાવ અલગારી માણસ.

હું પત્રો લખતો હતો - પાર વિનાના, ઠલવાઈ જતો હતો કાગળમાં પણ ઉત્તરો કેમ બીબાંઢાળ, ઠંડાગાર રહેતાં હતાં ? કશુંક બન્યું હશે, બાની તબિયત બાબત કે નેહા વિશે ?

ઉચાટ વચ્ચે સમય પણ જાણે થંભી ગયો હોય એમ ગોકળગાયની જેમ મંથર ગતિએ વહેતો હતો. દિવસો તો કામોની દોડધામોમાં વ્યતીત થતાં હતાં પણ રાતો...? કેટલી બધી વિસ્તરતી જતી હતી ?

અને એક દિવસ એક મિત્રનો પત્ર આવ્યો. મિત્ર ખરો પણ નવલ જેટલો ગાઢ નહીં જ.

લખ્યું હતું - ‘તમને ખબર મળ્યા જ હશે, ચિંતનભાઈ. તમારા અલગારી મિત્ર નવલે તો લગ્ન પણ કરી લીધા, કોઈ નેહા સાથે. કદાચ તમે એ છોકરીને ઓળખતા પણ હશો જ. તમારી બેનની સખી ! ગામ પણ છોડી દીધું એ લોકોએ. થોડી ચકચાર મચી ગઈ ગામમાં. નવલભાઈ ગમે તેમ તોય તવંગર પરિવારના ફરજંદ તો ખરા ને ? ક્યારે આવો છો તમે ?’

થીજી જવાયું બે પળ. હેં ! થઈ ગયું. કળ વળ્યાં પછી, એક પછી એક ભેદ ઉકેલાતાં ગયાં.

આમાં તન્વી શું લખે પત્રોમાં ? પહેલેથી સંતલસ હશે તે બન્નેની ? દોસ્તીના નામે પીઠ પર ખંજર ભોંકી દીધું નવલે ! આવો હીન ? અને નેહા ? આવી રમત કરી શકી ? મારી સાથે ?

આખો અતીત ખળભળવા લાગ્યો. ચલચિત્રની જેમ. મન શૂન્ય થઈ ગયું, એમાં ધિક્કાર ભરાવા લાગ્યો. કેવળ ધિક્કાર !

એક કરુણાંતિકા પૂરી થઈ. શબ્દોનાં પોલાણો છતા થયાં. બાએ મૌન ધારી લીધું હતું. તે રડી પણ નહોતી, કશું બોલી પણ નહોતી. તન્વીએ કપરી સ્થિતિમાં તેને સંભાળી હતી. મને પણ સંભાળ્યો હતો.

એક વરસ, બે વરસ, ત્રણ વરસ.

તન્વીને પરઘરે વળાવવાનો અવસર આવ્યો. તન્વીએ વિદાય વેળાએ કહ્યું : ‘ભાઈ, લગ્ન કરી લો - બધી જ નેહા ના હોય. મને કેટલી ચિંતા રહેશે - ત્યાં રહ્યાં રહ્યાં ?’

ચોથું વરસ વહી ગયું - એમ જ.

સમાચાર મળ્યા કે એ લોકો દૂરના શહેરમાં હતાં. નવલ મળ્યો હતો - કોઈને. ઉદાસ જણાતો હતો.

ઉદાસ જ હોય ને ? કર્મનો બદલો મળવો જ જોઈએ. એમ ના બને એ જ નવાઈ !

તન્વી લખતી હતી - ‘ભાઈ... હું જોઉં છું તમારા માટે. એક-બે ઠેકાણાં જોયાં પણ છે. એક ગમી પણ છે. જુઓ, ના પાડશો નહીં. છેવટે બા ખાતર, મારા ખાતર, અરે, મારી ઢબુડી ખાતર.’

અચાનક નવલનો પત્ર આવ્યો : ‘ચિંતન, મારા દોસ્ત, આવી જા, નેહા તને ઝંખે છે. લગભગ અંત સમય છે નેહાનો.’

એક આંચકો લાગ્યો, આળાં થયેલાં મનને. હેં ! અંત સમય ? નેહાનો ? શું કર્યું એ નવલે ? એ સમયે તો તેને નખમાંય રોગ નહોતો. કેવી નમણી, સુરેખ હતી નેહા ? જાણે કાષ્ઠમાંથી સુપેરે કંડારેલી ! હાલતાં ચાલતાં શિલ્પ જેવી.

શું કર્મનો બદલો ? મન ફરી વિષાદમાં સરી ગયું.

ના, નથી જવું ! ગાંઠ વળાઈ ગઈ - અતીતના તંતુઓથી. મારે હવે કશો સંબંધ જ ક્યાં હતો ?

પત્ર પડ્યો રહ્યો - ટેબલ પર. મન અસ્થિર થઈને ભટકતું રહ્યું. એ દિવસોમાં તન્વી ત્યાં હતી.

તેણે કહ્યું : ‘ભાઈ, જઈ આવોને ! ગમે તેમ તોય...’

પણ મન સ્થિર ના થયું. પીઠમાં ખંજર ભોંકતી વખતે કશું યાદ ન આવ્યું - એ લોકોને ? કદાચ નાટક પણ હોય - આ અંતકાળનું.

બીજો તાર આવ્યો : ‘ચિંતન, હવે નેહા આ દુનિયામાં નથી. આવી શકે તો આવી જા.’

મને એ સંદેશ આઠમે દિવસે મળ્યો. બહારગામ હતો ને ? ઑફિસના કામસર જવાનું બન્યું હતું.

આંખો ભીની થઈ. અરે, આ તો મૃત્યુ ! સાચુકલો અંત. હવે નેહા નહીં હોય, ક્યાંય નહીં હોય આ પૃથ્વી પર. બસ, એ રાખ બની ગઈ ! ચપટી બે-ચપટી રાખ.

બીજે દિવસે જ નીકળી ગયો. મૃત્યુ પામેલી વ્યક્તિ સામે પછી શાં વેરઝેર ? તે મને ઝંખતી હતી ત્યારે પહોંચ્યો હોત તો ? પણ ત્યારે કેટલાં બધાં ઉંબરાઓ વચ્ચે હતાં ?

જોકે હવે એ નવલને મળવાનો શો અર્થ હતો ? તેણે જ નેહાની અધોગતિ સરજી હતી. એ અધમનો પડછાયો પણ વર્જ્ય ગણાય. તો પણ ચરણ ચાલ્યાં. એ જ દિશામાં. જડવત્‌, કદાચ નેહા પ્રતિ જ મોહવશ !

રિક્ષા છોડી, પગદંડી પાર કરી તો સામે નવલ. બેઠાં ઘાટનું મકાન, ખુલ્લી પરસાળ જેમાં આઠ દશ સ્ત્રીપુરુષો શ્વેત વસ્ત્રોવાળાં અવરજવર કરે.

આંગણામાં એક ઘેઘૂર વૃક્ષ - લીમડાનું, તુલસીક્યારો અને પાણી ભરેલી ઠીબ. પક્ષીઓનાં કલશોર અને માણસોની વાતચીત. માહોલ મૃત્યુનો હતો.

નવલે મારા ખભા પર હાથ મૂક્યો ને કહ્યું, ‘દોસ્ત, નેહા ગઈ સદાને માટે. તે હવે ક્યારેય પાછી ફરવાની નથી !’

મને તેનો સ્પર્શ દઝાડતો હતો, શબ્દો શૂળ સમાન લાગતાં હતાં. અરે, આ તો માણસની ભાષા બોલતો હતો ! અને કર્મ તો રાક્ષસને છાજે તેવાં હતાં. વિશ્વાસઘાતીના મુખમાં આવી વાત શોભે ખરી ?

હું પાછળ પાછળ પરસાળમાં આવ્યો. તેણે એક ફોટો તરફ અંગુલિનિર્દેશ કર્યો. ‘ચિંતન, આ ફોટો નેહાનો. બેસણામાં એ જ મૂક્યો. તે તો ના જ પાડતી હતી. પણ દુલારીએ પાડી લીધો હતો અજાણતાં જ.’

‘ચિંતન, હું કાયમ અહીં આ પરસાળમાં જ સૂતો. અર્ધું આકાશ દેખાય ને અર્ધી પૃથ્વી. નેહા અંદર દુલારી પાસે. સાજી હતી ત્યારે તો આ વસાહતમાં રોજ ઘૂમતી, ઘરે ઘરે ટહુકો કરતી પણ માંદી પડી પછી તો તે ભલી ને તેનો ઓરડો ભલો !’

‘ચિંતન... છેલ્લા દિવસોમાં તે તને ખૂબ ઝંખતી હતી, પારાવાર ઝંખતી હતી. રોજ સવારે કહે - આજે આવશે ને, ચિંતન ?’

મારી આંખો ભીની થઈ ગઈ. મને પૂછવાનું મન થયું. શબ્દો હોઠ પરઆવી પણ ગયાં કે તો પછી આ અધમ રમત શા માટે ખેલી ? શા માટે મારી નેહાને...?

ત્યાં જ ચાની પ્યાલીઓ આવી - એક થાળીમાં. અહીં આ રીત હતી. દુલારીએ કહ્યું : ‘છેક સુધી તમારું નામ જ રટણમાં હતું. અમને હતું જ કે તમે આવશો જ...’

પુરોહિત આવ્યા ને નવલે કહ્યું, ‘મા’રાજ... કાલે શ્રાદ્ધ વિધિમાં ચિંતન બેસશે. તમે તૈયારી કરી નાખો !’

ને હું બોલ્યો, ‘નવલ... કયા સંબંધે... તું આ કહી રહ્યો છે ? જે હતું એ તો ક્યારનુંય કપાઈ ચૂક્યું છે- મૂળસોતું !’

પણ નવલે તો મારું વાક્ય સાંભળ્યું-નાસાંભળ્યું કર્યું, ફરીથી કહ્યું, ‘મા’રાજ... સવારે સાત વાગે, નેહાનું તર્પણ...’

મને નવલ પર ઘૃણા જન્મી. નેહાના મૃત્યુપર તે એક નવી રમત રમતો હતો કે શું ? થયું કે હું અહીં આવ્યો જ ના હોત તો સારું હતું.

રાતે અમારાં ખાટલાં નખાયાં પરસાળમાં. થયું, ચાલ્યો જ જઈશ અહીંથી સવાર પડતાંમાં. કશો જ અર્થ બચ્યો નહોતો મારા આગમનનો.

આખા વિસ્તારમાં શાંતિ પ્રવર્તતા ખાસ સમય ન લાગ્યો. આ શ્રમજીવીની વસ્તી હતી. થાક, કોલાહલ ને પછી નિદ્રા. એકાએક નીરવતા ભેદતો નવલ બોલ્યો, ‘ચિંતન... હું જાણું છું કે તારે મને કેટલુંય કહેવાનું છે, કઠોર શબ્દોમાં. મારી એક જ વિનંતી છે તને, મારા દોસ્ત, પહેલાં તું મને સાંભળી લે. પછી જે સજા કરવી હોય એ કર.’

તે અટક્યો, મારી રજા માટે. તેનો સ્વર આર્દ્ર જરૂર હતો પરંતુ શિથિલ નહોતો, થરથરતો નહોતો.

‘બોલ...’ મેં કહ્યું સાવ સપાટ ભાવથી. મને જરા પણ ભરોસો નહોતો આ બહુરૂપીનો.

તે બોલ્યો, ‘ચિંતન, તને વિદાય આપવા આવેલી નેહા કેટલી અસ્વસ્થ હતી, કેટલી પીડા સહન કરતી હતી એ તું ક્યાં જાણતો હતો ? તને કશું કહ્યું’તું જ ક્યાં નેહાએ ?’

હેં ! મને આઘાત લાગ્યો. એ સમય ચક્ષુ સામે સજીવન થયો. હા, તે વિષાદમાં તો હતી જ !

‘હા... ચિંતન, તેના પર આગલી સાંજે અત્યાચાર થયો હતો. તેના કાકાનો જ મિત્ર. એમની જ વયનો. રોજ સાંજે ચેસ રમવા આવતો હતો, નેહાના કાકાની સાથે. નેહા તેને અંકલ, અંકલ કહેતી હતી, ક્યારેક હાથી, ઘોડાની રમત જોવા પણ બેસી જતી હતી. તે ચાલ સમજી શકતી હતી. ક્યારેક અંકલને સલાહ આપતી - ‘અંકલ, આ પ્યાદું આગળ કરો. એ વજીરનો રસ્તો ખુલ્લો કરશે. પછી પાંચમી ચાલ હાથીની કરજો. એ નરાધમે જ... પીંખી નાખી, પારેવડીને !’

નવલના હોઠ ઝનૂનથી ભીંસાયા, ને હું પથારીમાંથી બેઠો થઈ ગયો.

‘ચિંતન... તું એવી નેહાને મળ્યો હતો - એ વેળાએ. મેં માંડ સમજાવી હતી. તે તો આત્મહત્યાનો ઇરાદો રાખતી હતી. તે મારે આશરે આવી, કારણ કે કાકીને તો આમાં નેહાનો જ દોષ દેખાયો હતો.’

તે બે પળ થંભ્યો. હું હવે તેની પથારીમાં બેઠો હતો. તે બોલ્યો : ‘તે કહે, નવલભાઈ. હું ચિંતનને લાયક ક્યાં રહી છું ? દેવને કાંઈ ખંડિત ફૂલ ચડાવાય ? મને ક્યાંક લઈ જા, દૂર દૂર. એવું કરો કે ચિંતન, મારી ઘૃણા કરે, મને ભૂલી જાય !’

‘ચિંતન... પછી બધી રમત કરવી પડી - નેહાના સંતોષ માટે, તેને જીવતી રાખવા માટે. પણ એ પણ ક્યાં શક્ય બન્યું હતું ? પેલા નરાધમે વેનરલ રોગ આપ્યાં હતાં - એ છોકરીને. બસ... મરી ટુકડે ટુકડે, મને આશીર્વાદ આપતી, તને ઝંખતી. ચિંતન... એ તારી જ હતી, માત્ર તારી.’

શબ્દોએ વિરામ લીધો. બેચાર પળ પ્રગાઢ શાંતિ વ્યાપી એ વદ આઠમની રાતે. પછી અમે બન્ને રડતાં હતાં.

બીજી સવારે પુરોહિત શ્રાદ્ધવિધિ કરાવી રહ્યા હતા અને હું એ કરી રહ્યો હતો. બોલો યજમાન... મમ ભાર્યાયાઃ મોક્ષાર્થે મમ્‌ અત્ર... તર્પણમ્‌... કરોમિ.

ઊગતાં સૂર્યના તેજની સાક્ષીએ અંતરના આવરણો ઉકેલાતાં હતાં. મને અનુભૂતિ થતી હતી કે જાણે મારો જ મોક્ષ થઈ રહ્યો હતો.

*