એક હતી શુભા Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

 • મમતા - ભાગ 47 - 48

  મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું...

 • અગ્નિસંસ્કાર - 97

  વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો. " અગર બતાના હિ...

 • ગોવા જવાનું આયોજન

  ત્રણ મિત્રો હતા તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી ગોવા જવા...

શ્રેણી
શેયર કરો

એક હતી શુભા

એક હતી શુભા

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


એક હતી શુભા

શુભાના એક હાથમાં પુસ્તકો હતાં અને બીજા હાથમાં કરિયાણાની થેલી. ચોકમાં જ વિજય કિરાના ભંડાર. રજનીબાઈએ શુભાને જોઈને તરત જ ચીજોની થેલી પકડાવી દીધી. હસીને કહ્યુંય ખરું, ‘સરિતાબેનની બેબીને ? લેતી જા. દશેદશ વસ્તુઓ છે.’

આ બેબીનું સંબોધન સાંભળીને ઓગણીસ વર્ષની શુભા જરા મલકી હતી.

હવે તેનાં બેય હાથો રોકાયેલાં હતાં અને પાછો બપોરનો સાડા બારનો સમય ! પ્રસ્વેદથી લથબથ ગાલ, ગરદન ને ક્યાં લૂછી શકતી હતી ? અને વસ્ત્રોય... ભીનાં જેવાં થઈ ગયાં હતાં.

ભૂખેય લાગી હતી ને કડકડતી. તેણે વિચારી લીધું કે તે પ્રથમ બાથરૂમમાં જઈને વસ્ત્રો બદલશે. પછી ઠંડા પાણીની છોળ ઉરાડશે ચહેરા પર.

અને તરત જ શુભાને બાથરૃમની બારીનો એક કાચ તૂટી ગયો હતો એ જ યાદ આવી ગયો. રસ્તા તરફનો જ કાચ. આખો નહીં, અરધો તૂટી ગયો હતો.

અને એમાંથી... સામેની મેડીની આખી બારી દેખાતી હતી. એ સામેની બારી પણ ઉઘાડી તો ના જ હોય ને બધો સમય ? પણ એનોય એક આખો કાચ... તૂટેલો હતો.

ઓહ ! કેવી ઘટના બની ગઈ હતી - એ તૂટેલો કાચ સોંસરી ? એક લખલખું ફરી વળ્યું, તેના લથબથ શરીરમાં.

શેરીના માણસો બહુ જ સારા. પાડોશીના દુઃખે દુઃખી થાય તેવા.

આજથી પાંચ વર્ષ પહેલાંની એક સાંજે સરિતાબેને પતિને કહેલું, ‘રસેશ, સુખ જ છે બધી વાતનું. શુભા, સરખી પછી તત્સત પણ આપી દીધો ઉપરવાળાએ. ને ઘરેય મેડીવાળું - પાડોશ પણ કેવો ? ને તમેય ભોળા બ્રહ્મા જેવાં.’

એ - ચાલીનો પુરુષ હસતો હતો, ભોળી પત્નીની સંતૃપ્તિ પર. જો ઇચ્છાઓ જ ના હોય તો કયા આધારે જીવવાનું ? શા માટે જીવવાનું ? આવું તો કોઈ અસ્તાચલે પહોંચેલી વ્યક્તિ જ વિચારે. ના, તેણે આમાંનું કશું જ ના કહ્યું પત્નીને.

વિચાર્યું - તે એક બે વર્ષમાં જ પત્નીને એટલા સુખથી આંજી દેશે કે તે તરબોળ થઈ જાય !

પણ બીજે દિવસે રોડ અકસ્માતમાં તે ખુદ જ દૂર ચાલ્યો ગયો જ્યાંથી પાછું ફરી ન શકાય.

ઑફિસના માણસો ભલાં હતાં. બીજે મહિને આવી પેન્શનપેપરમાં સહી લઈ ગયા સરિતાની. ત્યારે શુભા ચૌદની, સુરખી બારની અને તત્સત્‌ માંડ નવનો.

હા, શેરીના પાડોશીઓ એટલા સહાયરૂપ બન્યા કે સરિતાની આંખો ભીની થઈ જતી હતી.

પાંત્રીસની વય કેટલી નાની ગણાય વૈધવ્ય માટે ? એક વાર તો તેને થયેલું પણ ખરું. આ ત્રણ છે ને નહીં તો...!

શુભા મોટી ખરીને, એટલે સરિતાની નજીક. પેલી સમજે કે ના સમજે, ક્યારેક બળાપો નીકળી જાય તેની સામે.

‘શુભા... તને ખબર છે ને, આ ઉંમરે તો કેટલાય પરણે - પહેલી વાર હોં ! એય રૂપાળાં બનીઠનીને નીકળે પુરુષ ભેગાં !’

પંદર વર્ષની શુભા ચકિત થઈને સાંભળી લેતી. સોળની શુભા ઊંડું મનન કરતી, મમ્મીની એ વાત પર, પણ ઓગણીસની શુભાને સમજ પડતી હતી કે સરિતાના મનમાં શું હતું.

શુભાએ થેલી જરા નીચે મૂકી, પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને પ્રસ્વેદ લૂછ્યો.

તેને યાદ આવ્યું કે એ રાતે શું બન્યું હતું. રસેશના મૃત્યુ પછી એકલી ક્યાં સૂતી હતી ? એકલતાની કેટલી મોટી ભીંસ અનુભવાતી હતી ?

જેમ સમજ વિકસતી ગઈ, શુભાની સરિતા પ્રત્યેની સહાનુભૂતિ પણ વધતી ગઈ, થતું હતું કે એક સ્ત્રી તરીકે બધું વેઠી રહી હતી.

એક રાતે જરા સંચાર થયો હતો શેરીમાં, ઘર સામે જ. સુરખી તો ભરનીંદરમાં. તત્સત્‌ કોઈ મિત્રને ત્યાં ગયેલો. પરીક્ષાની તૈયારી ગંભીરતાથી ચાલતી હતી.

એક રિક્ષા ઊભી રહી. શુભાએ કુતૂહલથી જોયું તો રિક્ષામાંથી કુંજબિહારી ઊતર્યો હતો એક સ્ત્રી સાથે. સ્ટ્રીટલાઈટના પ્રકાશમાં સ્ત્રી સરસ લાગી. રૂપરૂપના અંબાર સરખી.

શુભા જોઈ જ રહી એ સ્ત્રીને. શણગારેય સરસ હતો. ઝાંઝર પણ રણકતાં હતાં.

એ ખડતલ પુરુષે ઘરનું તાળું ખોલ્યું હતું. પેલી મંદ મંદ હસતી હતી.

સમજ પડી ગઈ કે આ કુંજબિહારીની દુલ્હન. સવારે તેણે જ માને કહ્યું, ‘મમ્મીઈ... રાતે સામેના ઘરમાં એક દુલ્હન આવી. ગોરી અને નમણી.’

‘એમ !’ સરિતા બોલી ખટતાથી. અને પછી ઉમેર્યું, ‘સારું થયું. એકલો પુરુષ હોય એ કાંઈ સારો પાડોશ ના કહેવાય.’

બીજે દિવસે સુરખી એ સ્ત્રીનું નામ પણ જાણી આવી. ‘બેન... એનું નામ તો સરસ છે, મિતવા !’

પણ પ્રશ્ન પછી શરૂ થયો હતો. સોળ વરસની સુરખીએ શુભાને, એક બપોરે ઢંઢોળી હતી, ‘બેન... આવને...’

તેના ચહેરા પર કુતૂહલથી કશુંક વિશેષ હતું. તેણે આસપાસ જોઈ લીધું હતું કે મમ્મી કે તત્સત્‌ હાજર નથી ને !

તે ધીમે પગલે શુભાને બાથરૂમના તૂટેલા કાચ ભણી દોરી ગઈ હતી. પછી હળવેથી, લગભગ કાનમાં કહ્યું હતું, ‘બેન, જો સામે, બારીના તૂટેલા કાચ સોંસરવું.’

બીજા પ્રયાસે શુભા એમ કરી શકી હતી. તેનો શ્વાસ થંભી ગયો હતો. પૂરું ક્યાં દેખાતું હતું પરંતુ જે દેખાતું હતું એનાથી છળી ઊઠી શુભા.

ત્યાં સુરખી બોલતી સંભળાઈ ! ‘બેન, જોયાને એ બેય ? પાછાં સાવ...’

સુરખીના ચહેરા પર સ્મિત હતું પરંતુ શુભા તો પરસેવાથી...!

શુભાને સમજ પડી, એ દૃશ્યોની. સુરખી પૂછી રહી હતી - ‘મિતવાને શરમ નહીં લાગતી હોય ?’ શુભાએ કડક અવાજમાં કહ્યું હતું - ‘બેન, આવું ન જોવાય. ખબરદાર જો જોયું તો !’

તે અને તેનો અવાજ બન્ને કંપતા હતા. એ રાતે તે બન્નેને નિદ્રા નસીબમાં નોહતી.

સુરખી વિચારતી હતી - ‘લગ્ન થાય એટલે આમ જ કરે એ બેય ? શું અત્યારેય...?’

શુભાને થતું હતું - ‘સ્ત્રી-પુરુષના સંબંધો કોણે રચ્યા હશે ? આમ જ ચાલ્યા કરતું હશે, વરસોથી... યુગોથી ? શું મારેય..?’

શુભા વળાંક વળી ને આખી શેરી દૃષ્ટિમર્યાદામાં આવી ગઈ. જમણી બાજુના મકાનોમાં પાંચમા મકાનની મેડી - એ જ તેનું ઘર. ને સામે કુંજબિહારીની મેડી. રવેશમાં બારી પણ એક કાચ તૂટેલો ! તેને બધું જ યાદ આવી ગયું. તેણે તો માંડ વીસ-પચીસ સેકન્ડ જોયેલું એ દૃશ્ય. તરત જ સભાનતાથી બહાર આવી ગઈ હતી. થયું કે સુરખી તો ક્યારનીય જોતી જ હશે ને ? અરે, એ પછી જ તે તેને બોલાવવા આવી હતી.

કેવું કેવું જોયું હશે સુરખીએ, સોળ વરસની સુરખીએ ? જોવું તો ગમેય ખરું પણ આમ જોવાય ખરું ?

કુંજબિહારીને નાઇટશિફ્ટ હતી, નોકરીની. નવ વાગ્યે તે મોપેડ લઈને નીકળી પડતો. મિતવા બારણે આવતી વળાવતા તે ‘બાય-બાય’ કરતી તો ક્યારેક હાથથી કશો સંકેત પણ કરતી. ને પેલો છેક સવારે જ પાછો ફરતો. ત્યારેય મિતવા બહાર દોડી આવતી, ગાઉનમાં.

અને શેરીની કેટલીય સ્ત્રીઓ આ ક્રિયાઓ ટગરટગર જોયા કરતી. એ દૃષ્ટિમાં ઈર્ષ્યાભાવ પ્રબળ રહેતો, એ શુભાએ અનુભવ્યું હતું. જો એ સ્ત્રીઓ તેના મેડી પરના બાથરૂમમાં આવીને પોતે જે જોયું હતું એ જુએ તો ?

શુભાથી સિસકારો થઈ ગયો. તેણે જોયું કે મેડી પરના એ બાથરૂમના તૂટેલા કાચમાંથી કોઈ નીચે ઝાંકી રહ્યું હતું. અને એ દૃષ્ટિ ક્યાં પહોંચતી હશે એ વિશે તેને રજમાત્ર શંકા ના રહી. અને તે સુરખી જ હોય - એ પણ નિશ્ચિત થઈ ગયું.

તેને રોષ જન્મ્યો. કેવી કે’વાય સુરખી ? ના પાડી તો પણ પાછી ત્યાં જ...!

પાછો વિચાર આવ્યો. મન તો માંકડા જેવું જ હોય. ના પાડો એ દિશામાં ફરીફરીને પહોંચી જાય ! એટલી પીઢતાય ક્યાં હતી સુરખીમાં ? રાતે સૂતી હોય ત્યારે કપડાંનુંય ક્યાં ભાન હોય છે ?

આ લાગ મળી ગયો. પાછી તે ઘરે નહીં ને ? માને એમ થાય કે છે બાથરૂમમાં. બેચાર કપડાં ધોતી હશે ! કદાચ મોંય ધોતી હોય ! બેનને ટાપટીપ કરવી તો કેટલી ગમે !

ને તે શ્વાસ અધ્ધર કરીને જોતી હશે - તૂટેલા કાચ સોંસરી. શુભાનેય તેણે જે જોયું હતું તે યાદ આવી ગયું. ના, તે કશુંય ભૂલી નહોતી.

બીજી પળે સાવધ થઈ જવાયું. આવું જોવાય ? ના, રોકવી જ પડે સુરખીને. વઢવાથી નહીં સમજે. સોગન દેવા પડશે, મારા, અરે મમ્મીના જ ! કેવું કેવું દેખાતું હતું એ જગ્યાએથી ? મન તો થઈ જાય પણ રોકવું પડે ને, એને.

તેને ક્યાંક વાંચેલું યાદ આવી ગયું. મનને માલિક ન બનાવાય, એને તો દાસ...

પાછો શુભાને તેનો ગુરુભાવ યાદ આવી ગયો. પણ સુરખીને એવી ગતાગમ પડે તો ને ? સાવ બાળક સ્વભાવ. કોણ જાણે ક્યારે મોટી થશે ?

ને એમ જ પહોંચી ગઈ ઘરના ઉંબરે. છેલ્લો દૃષ્ટિપાત કર્યો ત્યારેય એ ઓળો ચોખ્ખો દેખાતો હતો - બાથરૂમના અર્ધપારદર્શક કાચમાં.

એક નજર સાવ સહજ રીતે જ કુંજબિહારીની મેડી પર પડી. એ લોકો અત્યારેય...!

જરા દૃષ્ટિ લથડી. મિતવાનેય નહીં થતું હોય કે બારીનો એક કાચ નવો નખાવી લઈએ ?

તે હળવેથી સીડી ચડી. રંગે હાથ પકડવી હતી ને, સુરખીને ? અને તેને જરા ઠપકા સાથે બોધ પણ આપવો હતો કે બેન... આણ કરાય ?

બારણું કંઈ બંધ નહોતું. તેણે ઊંચકેલો સામાન નીચે મૂક્યો, એક ઊંડો શ્વાસ લીધો. પછી બાથરૂમ ભણી એક મક્કમ ડગલું ભર્યું. માસનિક નોંધ લીધી કે મમ્મી ઘરમાં નહોતી. બસ, એટલે જ સુરખીને મોકળું મેદાન મળી ગયું - એવું વિચાર્યું, હોઠ ભીંસતા.

ને ત્યાં જ બાથરૂમનું બારણું ખૂલ્યું હતું અને સરિતા બહાર આવી હતી.

શુભા થીજી ગઈ - પથ્થરવત્‌. કશુંક અસ્પષ્ટ બોલાયું. ‘સુરખી નથી ?’

અને સરિતાય ક્યાં કશું બોલી શકી હતી ?

હાલકડોલક થયેલાં જળ, માંડ મધરાતે સ્થિર થયાં હતાં. શુભા વિચારતી હતી - ‘એનેય બધુંય યાદ આવતું હોય ને ? કેટલાં વર્ષ થયાં પપ્પાને ગયા ? છોને જોતી ?’

આખરે તે ઓગણીસ વર્ષની હતી ને ? સુરખી કરતાં ત્રણ વર્ષ મોટી !