વાડ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

વાડ

વાડ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


વાડ

સદાશિવ કાયમની જેમ જ સાંજે પાછલા પૉર્ચમાંતી હોટ અભિલાષામાં પ્રવેશ્યો હતો. કામ શરૂ કરવા માટે તે ખાસ્સો વહેલો હતો પણ એ દરમિયાન, તેણે ગણવેશ પહેરીને તૈયાર થઈ જવાનું હતું. એમાં જરા પણ કચાશ ના ચાલે. વર્માજી જરા પણ ગફલત ના ચલાવે.

ફરજ એટલે ફરજ.

ગજાનન મળી ગયો પૉર્ચમાં. તેની છૂટીનો સમય હતો અને સદાશિવને ફરજ પર જવાનો.

વાત તેણે જ કરી - હરખાઈને, સાવ સહજ રીતે - ‘અબે સદાશિવ, ઉસ દિન તેરે સાથ થી ન, જો મૂલગી - ઉસકો વર્માજીને નોકરી પર રખ લી, નાચને કે લિયે !’

‘કૌન ?...જા...નકી ?’ સદાશિવ ચોંકી ગયો હતો.

હા, પોતે જાનકીને તેની હોટલ દેખાડવા લઈ આવ્યો હતો. અલબત્ત વર્માજીની પરવાનગી લઈને.

પરોક્ષ રીતે તે તેનો પ્રભાવ પાડવા માગતો હતો - એ સોળ વરસની છોકરી પર. આમેય તે ગમતી હતી - છેક શૈશવથી. પાસે પાસે જ બેયનાં કાચાં મકાનો. વચ્ચે માંડ ચાર ફૂટની જગ્યા. જાનકી સવારે બારી ખોલે તો સામે બારણામાં સદાશિવ ઊભો હોય, બ્રશ કરતો હોય અથવા દાઢી પર સાબુ લગાડતો હોય. ‘રાતે ક્યારે આવ્યો હતો ?’ જાનકી એ જ સવાલ પૂછે એને. ‘હું ત્યારે જાગતી હતી, સદાશિવ.’ તે જવાબ વાળતી.

એ પછી રસભરી વાતો થાય; હોટલની, બનેલા રસભર્યા બનાવની, માર્ગમાં જોયેલાં કોઈ દૃશ્યની, કોઈ વ્યક્તિની.

સદાશિવને તેની ભાભી બોલાવે કે જાનકીની મા સાદ પાડે ત્યારે જ એ મુલાકાતનો અંત આવતો.

આ વિસ્તાર ઝૂંપડપટ્ટીનો તો નહોતો, પરંતુ નિમ્ન મધ્યમ વર્ગના લોકોનો નિવાસ. કાચાં-પાકાં મકાનોની બે-ત્રણ હાર. બે હાર વચ્ચે માંડ એક રિક્ષા ચાલી શકે એટલો પહોળો ઊબડખાબડ રસ્તો. એમાંય પાછી ગંદા પાણીની નીક.

એક તરફ શહેરના ભદ્રલોકનાં ઊંચાં મકાનો, બીજી તરફ ગંદી ગીચ ઝૂંપડપટ્ટી અને વચ્ચે આ વિસ્તાર.

સદાશિવ બે ગલી વળોટે ને મોટા વિશાળ માર્ગ પર પહોંચી જાય. ત્યાંથી દસ મિનિટને અંતરે હોટલ - અભિલાષા.

તેનો પરગજુ સ્વભાવ. એક અજાણ્યા પ્રવાસીને તેણે કેટલી મદદ કરી હતી - એ સાંજે છેક રાતે, તેણે ખુશ થઈને કહ્યું હતું - ‘તુમ નોકરી કરેગા ?’

અને તેને હોટલમાં નોકરી મળી ગઈ - વેઇટરની. પગાર, રુઆબ, અને પાછો ઇસ્ત્રી કરેલો, રાજાના કુંવર જેવો ગણવેશ. સદાશિવની ભાભી, અપંગ ભાઈ, વૃદ્ધ મા ખુશ થઈ ગયાં હતાં.

અને જાનકી તો ખુશખુશાલ. તે મા પાસે દોડીને વળગી પડી હતી. ‘માડી... જો... સદાશિવને કેવી સરસ નોકરી મળી ગઈ ?’

માએ મનોમન ગણતરી માંડી હતી - ‘હવે કરી જ નાખવું આનું - એ સદાશિવ સાથે. પહેલાંની વાત અલગ હતી.’

જાનકીને તે જ આગ્રહ કરીને લઈ ગયો હતો - એ સાંજે. એ પહેલાં વર્માજીને ખાસ્સા સમજાવવા પડ્યા હતા. માંડ માન્યા હતા. કહ્યું હતું - ‘ઐસી વૈસી લડકી મત લાના. તેરી ફ્રેન્ડ હૈ ક્યા ? પહેચાનવાલી ? કલ તેરા ઑફ હૈ ન, બસ... લે આના.’

જાનકીએ ગુલાબી ફ્રોક પહેર્યું હતું - ગોઠણને અડતું. સદાશિવે જ ભેટ આપ્યું હતું - તેના પહેલા પગારમાંથી. ખૂબ ગમતી હતી જાનકી.

જાનકી તો આભી બની ગઈ હતી, આ નવી દુનિયામાં આવીને. ડર પણ લાગતો હતો, નવા વાતાવરણનો, નવી નવી વ્યક્તિઓનો. તેણે હાથ પકડી લીધો હતો - સદાશિવનો. ‘ડર નહીં, જાનકી ! હું તો અહીં રોજ આવું છું. નોકરી કરવાની વટથી. કડકડાટ અંગ્રેજી બોલવાનું. પેલા... સૂટ પહેરેલા ફરે છે ને, બસ એમ જ ફરવાનું ટેબલો વચ્ચે.’

જાનકી ફાટી આંખે વૈભવી દૃશ્યો જોઈ રહી. પગ ખૂંચી જાય એવી જાજમો, આલીશાન હોલ, કાચનાં ઝુમ્મરો, પ્રકાશ પણ કેટલો ? આંખો અંજાઈ જાય ! નક્શીકામવાળાં બારી-બારણાં, ફર્નિચર, આછાં રેશમી પડદાઓ, કાચ અને કાષ્ઠનાં પાર્ટિશનો અને ભદ્ર લોકોની આવનજાવન.

સ્વર્ગ જ લાગ્યું જાનકીને. તેને બે ઓરડીવાળું ઘર યાદ આવી ગયું, મા અને નાનો ભાઈ નવલ યાદ આવી ગયાં. શું કરતી હશે મા ? ચોકમાં જતી હશે - સમોસાનો ટોપ લઈને વેચવા. છેલ્લાં દસ-બાર વરસથી તે સમોસા બનાવીને વેચતી હતી. બીજો ઉપાય પણ શો હતો - જીવનનિર્વાહ માટે ? તેનો બાપ ઘર મૂકીને ગયો હતો - એટલી નિરાંત હતી. તે ક્યાં એ વ્યક્તિને ખાસ ઓળખતી હતી ? લગભગ રાતેજ આવે, મા સાથે વાતો કરે ને સવાર થતાં તો ચાલી જાય. કરડો ચહેરો, લાંબી મૂછો, વિકરાળ શરીર. અવાજ પણ કેવો ? ડર જ લાગે જાનકીને. એક-બે વાર તેને પંપાળી પણ હતી - વિશાળ હથેળી વતી.

‘આને ભણાવજે. મોટી મૅમ બનાવજે.’ એમણે કહ્યું હતું. એ વાક્ય તેને બરાબર યાદ હતું.

નવલ પેટમાં હતો ત્યારે એ પુરુષના મૃત્યુના સમાચાર મળ્યા હતા. જાનકીને યાદ હતું કે ત્યારે મા કેટલું રડી હતી ?

સદાશિવે બધું જ દેખાડ્યું હતું - ડરતી મૃગલી જેવી જાનકીને. એક ખૂણામાંથી માદક સંગીત ફૂટતું હતું અને પાસે શું હતું ? ઓહ ! જાનકી જેવડી જ ચાર પાંચ છોકરીઓ નાચતી હોય એવી અંગભંગીઓ કરી રહી હતી. કેવાં કપડાં હતાં - એ બધીયનાં ? જાનકી અચંબામાં પીડ ગઈ હતી. સાવ આમ જ ? શરમ નહીં આવતી હોય ? તેને તો આવી.

સદાશિવ હસી પડ્યો - ‘શું જોવે છે ? એ બધી પઠ્ઠીઓ આમ હાથપગ હલાવવામાં કેટલું કમાય છે, ખબર છે ? રોજના બસો રૂપિયા ! ને ટિપ આવે તે અલગ.’

અધધધ થઈ જવાયું જાનકીને. માના સમોસાના વેપારની આવકનો તે જ હિસાબ કરતી હતી. મોદીનું બિલ ચૂકવતાં, કેટલી બચત રહેતી હતી - એ તે જાણતી હતી.

નવલના અભ્યાસનો ખર્ચ બાદ કરતાં ખાસ કાંઈ બચતું નહોતું જેમાંથી તે - મા, દીકરી નવાં વસ્ત્રો ખરીદી શકે.

એ લોકો નીકળવાની તૈયારીમાં જ હતાં ત્યાં વર્માજી મળી ગયાં.

‘સદાશિવ... કુછ ખિલાયા લડકી કો ? ચલ, આ મેરી ઑફિસ મેં.’

વર્મા આનંદમાં હતા. પણ સદાશિવના સંકોચનો પાર નહોતો. એમની કૅબિનમાં તે ભાગ્યે જ જતો હતો.

તે અને જાનકી નાનકડી ઑફિસમાં પ્રવેશ્યાં, બેઠાં. જાનકી અવલોકન કરતી હતી એ સ્થળનું અને વર્મા જાનકીનું.

‘સદાશિવ... જા આઇસક્રીમ લે આ લડકી કે ટેસ્ટ કા. ક્યા નામ હૈ તેરા ? જાનકી ! અચ્છા નામ હે. ક્યા સદાશિવ સે શાદી કરેગી ? ઓહ ! શરમા ગઈ.’

સદાશિવની ગેરહાજરીમાં વર્માજીએ જાનકીને પૂછ્યું, ‘તુજે કામ કરના હૈ ? બહોત પૈસા મિલેગા. લે યે મેરા કાર્ડ. સોચ કર... ગ્યારહ સે બારા કે બિચ મેં મુઝે મિલના. કામ મિલ જાયેગા. તુમ તો અચ્છી લગતી હોત.’

વર્માની મીઠી વાણી ગમી ગઈ. કાર્ડ મુકાઈ ગયું, યોગ્ય સ્થાને. ના રે ના, સાવ આવું કરાય ? ને આટલાં કપડામાં ? તેને આખે રસ્તે, એ જ વિચાર આવતો હતો.

તે માને હોટલના વૈભવની બધી જ વાતો કહેશે, બસ... આ વાત સિવાય. આ નોકરીની વાત તો સદાશિવને પણ નૈ કે’વાની !

મનોમન નક્કી કરી નાખ્યું.

તો પણ માને, નવલને કહેવાની વાતોનો પાર નહોતો. ‘કેમ લાગ્યું બેબી ?’ સદાશિવને જાનકીનો નશો હતો. તે ક્યારેય, જાનકી સાથે આમ ક્યાં ગયો હતો ? આ વખતની તો મજા જ અલગ હતી. તે જાનકીને પ્રભાવિત અને ખુશ - બન્ને કરી શક્યો હતો. ‘આવી કલ્પના તો ક્યાંથી હોય ? તું ગમે તેટલું કહે, તો પણ જોયા વિના ખ્યાલ ના આવે.’ જાનકીએ અહોભાવ વ્યક્ત કર્યો.

પણ આવું કશું માને ના કહી શકી.

એક તરફ મા ફરસ પર ચટાઈ પાથરીને સૂતી હતી. તેની તબિયત કાંઈ સારી નહોતી. સમોસાનો ટોપ એમ જ પડ્યો હતો. નવલ... બામની શીશી શોધતો હતો.

‘મા... શું થયું ?’ તે બધું જ ભૂલીને પાસે બેસી ગઈ. બાપ રે, શરીર તાવથી ધખધખતું હતું !

જાનકીએ તરત જ ઠંડા પાણીના પોતાં મૂકવાનું શરૂ કર્યું. માંડ મધરાતે તાવ ઊતર્યો. તે માની પાસે જ સૂઈ ગઈ.

ઘરમાં કેટલા પૈસા હતા તે,જાનકી જાણતી હતી. માંડ વેપારીનું બિલ ચૂકવાય તેમ હતું.

અને હમણાં સમોસાની વાત ભૂલી જ જવી પડે કારણ કે મા બીમાર હતી. સમોસા બનાવી તો શકાય પણ ચોકમાં વેચવા કોણ જાય ?

માને ત્યાંના માણસોનો અનુભવ સારો નહોતો. કેવી ગંદી મજાકો થતી હોય ! એમાં જાનકીને ના જ મોકલાય. માને એ જ ચિંતા હતી. શરીર ખાસ ચાલતું નહોતું. ડૉક્ટરે કહ્યું હતું કે આમ ને આમ ચાલશે તો ટી.બી. પણ થઈ જાય. કેવું ધોળું ફટ શરીર હતું ?

એ રાતે તાવની અસર નીચે મા કેટલું બોલી ગઈ હતી ? આખો અતીત સરી ગયો શબ્દોમાં.

આમાંનું કેટલું બધું જાણતી નહોતી, સાવ નિકટ હોવા છતાં પણ ? જાનકીની વ્યથા છલકાઈ ગઈ.

તે બોલી ગઈ : ‘મા... નથી કરવો સમોસાનો વેપાર. તારે કશુંય નથી કરવાનું. હું નોકરી કરીશ. ખૂબ પૈસા કમાઈશ. મા, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.’

તે સાવ સહજ ભાવે બોલી ગઈ. તેના મનમાં વર્માજીની વાત જ હતી. ‘કરીશ વળી. એમાં ક્યાં કશુંય લૂંટાઈ જવાનું હતું ? બીજી છોકરીઓ કરતી જ હતી ને ?’

બીજી પળે સદાશિવ યાદ આવી ગયો હતો. એને કદાચ ન પણ ગમે, પણ હું કરીશ જ. માને કેટલી રાહત થશે, એ એની દવા થશે, નવલ ભણી શકશે.

બસ, નવલ મોટો થાય, કામે ચડે પછી આવું ક્યાં કરવું છે ? પછી પરણી જઈશ એને, ને સાસરુંય ઢૂંકડું એ... બે પગલાં ભર્યાં એનું બારણું !’

જાનકીએ બધું જ વિચારી લીધું - પૂરી દૃઢતાથી.

રાતે મોડો આવેલો સદાશિવ થાક હોવા છતાં ક્યાં સૂઈ શકેલો ? એક જ વાત મનમાં ઘૂમરાતી હતી કે જાનકી આ શું કરી બેઠી ? તેને જણાવ્યા વિના જ પહોંચી ગઈ વર્માજી પાસે ? અને પાછી નાચવાવાળીની નોકરી લેવા ? જાનકી છેક આમ કરશે એની તો તેને કલ્પના પણ ક્યાં હતી ? તે આવાં કપડાં પહેરીને નાચ-નખરાં કરશે ને એ તેને જોવાનાં ?

આટલી નીચી ઊતરી ગઈ જાનકી ? આ જાનકીને તો તેણે ઓળખી જ નહોતી. આટલાં વરસોમાં !

એક મિનિટના સમયમાં જ તેની આખી દુનિયા બદલાઈ ગઈ હતી.

ગજાનને કહ્યું, ‘વર્માજીની ઑફિસમાંથી ગુલ સાથે જ તારી છોકરી નીકળી. ખુદ ગુલે કહ્યું - ગજાનન, યહ લડકી ડાન્સ કરેગી, ઝુબેદા કી જગહ. અભી દો દિનકી ટ્રેનિંગ હૈ. નહીં, મેરી કુછ ગલતી નહીં હૈ, તેરેવાલી હી થી.’

‘મને વાત પણ ન કરી ? એટલી બધી ભૂખ લાગી હતી પૈસાની ?’ તે ધૂંધવાતો રહ્યો રાતભર.

આ સદાશિવ યાદ ના આવ્યો. પહોંચી ગઈ વર્માજીની પાસે ?

તેને એક પ્રસંગ યાદ આવ્યો - જાનકીનો હતો ! બે વરસ પહેલાં, તે સાઇકલ ચલાવતી પડી ગઈ હતી. રસ્તા ઊબડખાબડ ખરાં ને ? ગોઠણથી જરા ઉપર છોલાયું હતું. સદાશિવે જ સ્કર્ટ ઊંચકીને એનું ડ્રેસિંગ કરી આપ્યું હતું. જરા નિશાન રહી ગયું - એ જખમનું.

એ બનાવ યાદ આવી જતો ત્યારે જાનકી કાયમ, એ નિશાન સદાશિવને બતાવતી, જરા પણ છોછ વિના.

‘જો... સદાશિવ, આ હજીયે છે. જતું જ નથી. હશે કોઈક મલમ કે દવા ?’

સદાશિવને બરાબર યાદ હતું. છેલ્લી વેળા, લગભગ બે માસ પહેલાં, તેણે એ જખમની વાત કરી હતી પરંતુ સ્કર્ટ ઊંચું કરીને એ બતાવેલો નહીં. જરા હાથ એ તરફ વળ્યો હતો ખરો પણ પછી ચહેરા પર લજ્જા પથરાઈ ગઈ હતી, સદાશિવની લજ્જા !

તેણે વિચાર્યું હતું, ‘છોકરી મોટી થાય એટલે લજ્જા અનુભવે જ ને ? લો,જાનકી પણ...’

અને હવે તે ભદ્ર પુરુષોની સામે અર્ધી ઉઘાડી થઈને નાચશે ! તેની રીસ પછી રોષમાં પરિવર્તિત થતી હતી.

શો અર્થ રહ્યો આટલા ગાઢ સંબંધનો ? તે તો કેવાં કેવાં સ્વપ્નો ગૂંથતો હતો - જાનકીનાં ? પ્રિય છોકરીને ચકિત કરવા, એને ખુશ કરવા જતે હોટલમાં લઈ ગયો હતો હોટલનાં પરિસરમાં ? એ સમયે, તેની દૃષ્ટિએ આખી દુનિયાનો સૌથી સુખી પુરુષ હતો ! ચોવીસ કલાકમાં તે સૌથી કમનસીબ હતો.

એ સમય દરમિયાન, તે ક્યાં મળી હતી એકેય વાર. સવારે તે બ્રશ કરતો હતો ને સામેની બારી બંધ હતી. એ પછી તેને અનેક કામો યાદ આવ્યાં હતાં ને નીકળી પડ્યો હતો, સાઇકલ લઈને, જમ્યો પણ હતો મિત્રને ત્યાં. કેટલા સમય પછી મળ્યો હતો રઘુને ?

રઘુ તો પાકા ઘરમાં રહેતો હતો. સરસ પત્ની હતી. એને પણ બાળક આવવાનું હતું.

‘લગન કર્યાં કે નહીં ?’ સહજ રીતે જ પૂછ્યું હતું રઘુએ. સદાશિવને જાનકી યાદ આવી હતી. તે પરણીને ઘરે આવશે, ત્યારે તે કેટલો સુખી બની જશે !

અમુક સમય પછી તેનું પેટ પણ ઊપસશે, તેને ય...! ભાભીને બહારથી જ સૂચના આપીને તે હોટલ પર પહોંચ્યો હતો ને સામે જ ગજાનન મળ્યો હતો.

એ પછી બધું જ બદલાઈ ગયું હતું. તેને વિચાર આવી ગયો કે બધું આ રીતે જ બનતું હશે !

એ પળે જ તેને બે ઘર વચ્ચે વાડ કરવાનો તર્ક આવ્યો. આસપાસ પાંચ-છ ઘરોમાં હતી જ ને ? જ્યાં સંબંધ જ ના રહે ત્યાં વાડ જ હોય ને ? તેને અંદરથી ધક્કો વાગ્યો. બસ, આ સવારે... કરી નાખું વાડ. એ તરફ જાનકી, આ તરફ એ અને વચ્ચે વાડ ! જાણે કશી ઓળખાણ જ ના હોય એવાં જ બની જવું ! અને હોટલમાંય એમ જ !

ખૂબ જ થાક લાગ્યો આટલું વિચારતાં. લગભગ હાંફી જવાયું. અંદરથી અને બહારથી.

પછી કામની વાત આવી. લગભગ પાંચ ખાડા ખોદવા પડશે. એને લાયક ચાર લાકડાં તો હતાં જ. પાંચમી જગ્યાએ લીમડાનું થડ પણ ચાલે અને લાકડાનાં ખપાટિયાં તો માળિયામાં હતાં જ, ખાસ આ માટેનાં. થોડી ખીલીઓ લાવવી પડે. હથોડી પણ પાસેવાળા મિસ્ત્રી પાસેથી મળી રહે.

સવાર થયું હતું. તડકો પથારીમાં આળોટતો હતો. તનમાં થાક હતો પરંતુ મનની દિશા નિશ્ચિત થઈ ગઈ હતી. એક વાડ રચાઈ ગઈ હતી મનમાં.

કશોક સળવળાટ થયો આગલા ઓરડામાં. તેની પથારી પરનો તડકોય સળવળ્યો.

‘ભાભી..., ક્યાં છે સદાશિવ ?’ જાનકીના ઉચાટભર્યા શબ્દો સંભળાયા. તેજરા હલબલ્યો ને સ્થિર થયો.

ક્રોધ જન્મ્યો પણ કશું ન સૂઝતાં આંખો મીંચી દીધી.

‘આ તું ત્રીજી વાર આવી, એને શોધતી, શી વાત છે ?’ ભાભી બોલી, હળવાશથી. તેને પણ જાણ હતી કે આ છોકરી જ એ ઘરમાં આવવાની હતી વહુ બનીને. કેટલી લાગણી હતી એકબીજાને.

‘નથી ઘરમાં ? કેટલી અગત્યની વાત કહેવાની છે ?’ તે રડમસ થઈ આટલું બોલતામાં.

અને એ પ્રૌઢ સ્ત્રીને ફાળ પડી કે શું હશે એવું ? જાનકીએ આંસુ લૂછ્યાં, જરા શ્વાસ બેસી જવાની પ્રતીક્ષા કરી. અલબત્ત, વાત કેવી રીતે માંડવી એનીયે ખાસ્સી મૂંઝવણ હતી.

પણ પછી કહેવા લાગી, નિખાલસતાથી. તેણે માની દશાની વાત કરી.

‘ભાભી... તે તો સાવ ભાંગી જ પડી. આટલાં વરસો કેવી રીતે પસાર કર્યાં. એ બધું જ યાદ કર્યું. ડૉક્ટરના રિપોર્ટ પણ વંચાવ્યા. હવે તે કશું કરી શકે તેવું મનોબળ જ નહોતું રહ્યું. અને મારે તેને બચાવી લેવાની હતી. કોઈપણ ભોગે. આખરે તેણે જ મને પાળી-પોષીને મોટી કરી હતી. કેટલું મોટું ઋણ હતું એનું, મારા પર ? મને એ જ યાદ આવ્યું. મારી પાસે પણ શું હતું ? સદાશિવે તેની હોટલ દેખાડી હતી ને ? ને નાચવાવાળીઓ યાદ આવી ગઈ. થયું હું એ કામ કરીશ - મા ખાતર. અણગમતું કામ કરીશ - ગમતી મા ખાતર. તેને તૂટવા નહીં જ દઉં. અત્યારે તે કેટલી ખુશ છે ! તે નથી જાણતી કે મારે શું કરવાનું હતું એ હોટલનાં કામમાં.

કહ્યું, સદાશિવ કામ કરે છે એ જ હોટલમાં, ને તે રાજી થઈ ગઈ. મારે તેનાં રાજીપાની એકેય રેખા ભાંગવી નથી. મારે મારા સદાશિવના આશીર્વાદ જોઈએ. તેનો સાથ હશે તો આ કપરું તપ હું જરૂર કરી શકીશ. નવલ મોટો થશે ને પછી એક પળ માટે ત્યાં નહીં રોકાઉં. દોડી આવીશ આ ઘરને ઉંબરે, ભાભી, તમારે હાથે પોંખાવા માટે.’

સદાશિવ સાંભળતો રહ્યો, સાંભળતો રહ્યો. ભીતર કશું પ્રગટ્યું. ઉમળકા સરખું. અને એક પળમાં જ મનમાં બંધાયેલી વાડ ઓગળી ગઈ.

*