અાદિપુરૂષ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અાદિપુરૂષ

આદિપુરુષ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આદિપુરુષ

સોનાલીનો એ ક્રમ. બરાબર પાંચને ટકોરે ઑફિસ છોડે. ત્યાં સુધી મન દઈને ચોંટી રહે કામમાં. સખારામ બીજા દિવસની જનજાગરણ અખબારની પૂર્તિ ટેબલ પર મૂકે, જરા હસે મૅડમ સામે. ક્યારેક બે શબ્દોની આપ-લેય થાય. તે અખબારની પૂર્તિને બ્રીફમાં મૂકે ને ઊભી થાય ખુરશી પરથી.

લિફ્ટની ક્યૂમાં ભીડ હોય તો સડસડાટ બે સીડી ઊતરી પણ જાય.

મહાનગરની સડક તો ભરચક જ હોય, કોઈ પણ સમયે. તે તરત જ ભીડનો હિસ્સો બની જાય ને ચાલવા લાગે. ચર્ચગેટ સ્ટેશન ભણી. એ સમયે તપન યાદ આવી જાય. ક્યાં હશે અત્યારે - એવું. અલબત્ત મળવાનું તો શનિવારે સાંજે. બેય મળે, ફરે - સાવ ધીમી ચાલે. કેટલી વાતો થાય સાંજે ને રાત વચ્ચે ? મોડી ટ્રેનમાં કાંદિવલી આવે.

અને ચારકૉપ લઈ આવતી બસમાં ખાસ ભીડ પણ ન હોય. બારણું પણ અધખુલ્લું જ હોય. નિકી ઘસઘસાટ નીંદરમાં હોય પરંતુ હેમા જાગતી હોય, વાંચતી હોય કશુંક. તે હસીને કહે પણ ખરી - ‘આવી ગઈ અભિસારિકા, તપનને મળીને ?’

આમ નામ તપન પણ સોનાલી એને તપ કહે. ગમી ગયો ત્રીસ વરસનો તપન. લખી નાખ્યું ઘરે. વતનમાં. મમ્મી, મારી ચિંતા ન કરતી. દોડધામેય ન કરતી. એનું નામ તપન છે. મને ગમી ગયો છે. તમને બન્નેનેય ગમી જશે.

બીજી પાર વિનાની વાતો લખેલી પણ... આ વિષયમાં તો બસ આટલું જ. મંજરીબહેન ગુસ્સે ભરાય જ ને ? કેવી છે આ છોકરી ? લખ્યું - ગમી ગયો તપન. પણ બીજું તો કશું જણાવ. પરિવાર, જ્ઞાતિ, અભ્યા, નોકરી, ગોત્ર !

પછી પતિ પ્રતિ જોઈને રોષમાં ઉમેર્યું હતું - ‘જોજો, એ આમ જ પરણી જવાની એ તપનને. આવો જ પત્ર આવવાનો. આ પરિવારમાં જિદ્દીપણું તો છેક પાંચ પેઢીથી ચાલ્યું આવે છે. મુંબઈ ભણવા જવું હતું તો અનશન પર ઊતરી ગઈ. એ ગાંધી તો તમારા સહુમાં પળે પળે અવતર્યા કરે છે. શું તમે કે શું સોનાલી !’ અને અમૂલખ ગાંધી તો મંદ મંદ હસતા જ હતા.

હા, સોનાલીએ એમ જ કર્યું હતું. નક્કી કર્યું - બસ, મુંબઈમાં કરીશ જર્નાલિઝમ. નહીં તો વડોદરામાં કૉલેજ હતી જ.

બેસી ગઈ અનશન પર.

અમૂલખભાઈએ કહ્યું હતું - ‘મંજરી, ભલે જતી.’

‘મારો માર્ગ હું જાતે જ કરી લઈશ.’ સોનાલી બોલી હતી.

‘બસ... લોહી જ એ મહાત્માનું’ મંજરી બડબડી હતી.

ને એ ગઈ. થોડાં સરનામાં પર્સમાં હતાં. એક ગાંધી પરિવાર ત્યાં રહેતો હતો. ફોન પણ થઈ ગયો.

પણ તે ત્યાં ક્યાં ગઈ હતી ? તેણે તેનો માર્ગ જાતે જ શોધ્યો હતો - શબ્દશઃ.

જાતે જ ગોઠવાઈ ગઈ હતી એ અજાણ્યા મહાનગરમાં. નવી ઓળખાણો કરી હતી. કૉલેજ, મહિલા છાત્રાલય - બધી જ વ્યવસ્થા તેણે જ કરી હતી. પછી પત્ર લખ્યો હતો પપ્પાને.

બીજો પત્ર વિગતવાર આવ્યો હતો. સરસ વાતો લખી હતી કૉલેજ વિશે, છાત્રાલય વિશે, મહાનગર વિશે, દરિયા વિશે.

‘પપ્પા... આજે ગ્રૂપ ડિસ્કશન થયું કૉલેજમાં. વિષય કયો હતો ખબર છે - મહાત્માજીનો ? આપણા એ આદિપુરુષ. આ યુગમાં કેટલા પ્રસ્તુત છે - એ વિશે. ને હું ઊછળી પડી હતી, પપ્પા. કેટલા જુસ્સાથી દલીલો કરી હતી !

મૅડમ રાનડેએ પૂછ્યું પણ ખરું - ‘તારી સરનેમ ગાંધી છે ને ? તું એ મહાત્માની સગી તો નથી ને ?’

ને પપ્પા, મેં તરત જ જવાબ વાળ્યો હતો - ‘હા, હું એ ગાંધીની જ પુત્રી છું - સો વરસની !’

સહુ ચકિત થઈ ગયાં હતાં - મારા ઉત્તર પર.

‘વૉટ એ વીટ !’ મૅડમે પ્રતિભાવ આપ્યો હતો. તાળીઓનો ગડગડાટ થયો હતો - અને હું મનોમન મલકી હતી.

પપ્પા... આ સરનેમ ગાંધી... ઢાંકવી, ક્યારેક મુશ્કેલ બની જશે, શું કહો છો ?

હા, એ પરિવારનો વણલખ્યો નિયમ હતો. એ આદિ પુરુષના નામને ક્યાંય વટાવવું નહીં. અરે, એ ઓળખ જ છાની રાખવી.

લગભગ એકસો પાંત્રીસની સંખ્યા હતી - પરિવારજનોની. પાંચમી પેઢી ચાલતી હતી એ મહાન પુરુષની. પણ એ બાબતને માત્ર અંગત ગણી લેવી. દુનિયાભરમાં પથરાયેલો હતો એ પરિવાર; પણ નિયમ તો અચૂક પાળવાનો.

સોનાલી પણ એ જ કેડી પર હતી.

પછીના પત્રોય એવા જ સભર. અભ્યાસની વાતો, અનુભવોની વાતો. રજામાં વડોદરા આવે પણ જીવ તો મુંબઈમાં જ.

મા ચકિત થઈ જાય - પુત્રની પ્રગતિથી. ક્યાં આવી હતી ગયે વરસે ? સમૂળગી બદલાઈ જ ગઈ, અંદર બહારથી. કેવા કેવા વિષયો ચર્ચતી હતી પિતા સાથે ?

‘મમ્મી... બે વાર વાંચી ગઈ, સત્યના પ્રયોગો. પહેલાં પણ વાંચી જ હતી ને અત્યારે પણ આ અનુભૂતિઓ તો સાવ અલગ જ. મમ્મી, અદ્‌ભુત હતા દાદાજી. કેટલો રોમાંચ અનુભવાય - એ પૃષ્ઠોમાંથી પસાર થતાં એમ જ લાગે કે જાણે મને એ જ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ફેંકી દીધી છે સામાન સાથે ! અને જાણે હું જ એ જંગ જીતી જાઉં છું !’

અમૂલખભાઈની પ્રસન્નતા આભને આંબી જતી.

‘સાચે જ પપ્પા, આ હિંસા તો નરી કાયરતા જ ગણાય. જ્યાં શાણપણાની હદ પૂરી થાય છે ત્યાં જ... પાશવતા શરૂ થાય છે ! અને મમ્મી, આ જર્નાલિઝમને પણ બે બાજુઓ છે. એક શુદ્ધ અને બીજું ડર્ટી જર્નાલિઝમ. બિલકુલ... આપણી જિંદગી જેવું જ.’

સમય વહેતો હતો - અવિરત, વણથંભ્યો.

સોનાલીના પત્રો નિયમિત મળતા હતાં. માંડ ટેવ પડતી હતી, એના વિના જીવવાની.

‘એક રીતે સારું જ થયું આ. આપણે તો સોનાલી વિના જ જીવવાનું છે ને ! એનેય પરણાવવી તો પડતે જ ને ?’ મંજરીએ વાસ્તવિકતા સ્વીકારી હતી.

નવા સરનામાની વિગત જણાવતો પત્ર આવ્યો.

‘મમ્મી... ભણી લીધું. જોતજોતામાં બે વરસ વીતી ગયાં. મમ્મી, હવે તારી દીકરી નોકરી શોધે છે. મળી જ જશે. આ સોમવારે ઇન્ટરવ્યૂ છે. વચ્ચે આવી જઈશ તમને મળવા.’

‘જોયું મંજરી. આ ગાંધીનું લોહી. બધું જ જાતે...!’ પિતાએ વંશનું ગૌરવ યાદ કર્યું.

‘આપણી સોનાલીએ જાતે જ માર્ગ કંડાર્યો.’

અને એને નોકરી પણ મળી ગઈ - જનજાગરણ અખબારમાં. અલગ કક્ષ મળી ગયો.

ઇન્ટરવ્યૂમાં પણ ગાંધી નામ ચર્ચાયું.

‘ગાંધી સરનેમ છે ? આજકાલ આ નામને સહારે ઘણું બધું મળી જાય છે !’ શર્માજીએ પૃચ્છા કરી હતી - હળવાશથી.

‘આપ મારા મૅરિટ જ જોજો. બાકી સાહેબ, હજી ભાગ્ય છે આ દેશનું કે ગાંધી સંપૂર્ણ રીતે ભુલાયા નથી. હજી એ વ્યક્તિ... અને લોકોના હૃદયમાં જીવે છે.’

‘તમારો સ્પિરિટ ગમ્યો.’ શર્માએ ગંભીર થઈને કહ્યું હતું.

સોનાલીને નવા કામમાં ખૂબ જ રસ પડ્યો. જે શીખી એ તો પુસ્તકો હતાં જ્યારે આ તો ઘડતર. રચનાત્મકતાને કેટલો બધો અવકાશ હતો ? કામમાં ભૂખૃતરસેય ભુલાઈ જતાં ક્યારેક.

સુહાસિની કાયમ ટોકે. એની ઉંમર પણ એટલી હતી કે એને ટોકી શકે, શિખામણ આપી શકે.

બે જ સ્ત્રીઓ હતી કાર્યાલયમાં. કામ સિવાયની ઘણી વાતો થાય લંચ અવરમાં. બેય ટિફિનો સાથે જ ખૂલે અને હૃદયો પણ. સોનાલી વડોદરાની વાતો માંડે અને સુહાસિની પૂણેની શંકરપેઠની. અતીત, વર્તમાન અને ક્યારેક ભવિષ્યકાળ પણ ખળખળવા લાગે. નરી આત્મીયતા.

સુહાસિની વાર્તા લખતી હતી. ક્યારેક કવિતા પણ. સોનાલી એના માળામાં જઈ આવી હતી.

‘જો સોનાલી, આ મારું સ્વર્ગ. આ નાનકડી જગ્યા મારું સર્વસ્વ.’

‘ગમ્યું તમારું સ્વર્ગ.’ સોનાલીએ પ્રતિભાવ આપ્યો હતો.

‘તું ક્યારે તારું સ્વર્ગ વસાવશે ?’ સુહાસિની સહજ બોલી હતી.

હા, સુહાસિનીએ જ ત્રીસ વરસના તપનનો પરિચય કરાવ્યો હતો. ‘તમારો ગુજરાતી જ છે. પાસે જ રહે છે. સ્માર્ટ છે.’

છેક ત્રીજી મુલાકાતમાં તપનને જાણ થઈ હતી એની ગાંધી સરનેમની.

‘અરે, તું ગાંધી છે ? માય ગોડ ! મને પેલા ઇતિહાસ પ્રસિદ્ધ ગાંધી સાથે તો જરાં પણ બનતું નથી. એ ઉત્તર તો હું દક્ષિણ.’ તપને ઉતાવળે પ્રતિભાવ આપ્યો હતો.

‘અધૂરા પરિચયે આમ જ થાય. તપન, તમે એ ગાંધીને પૂરા ઓળખ્યા જ નથી. માનવજાત માટે હજી પણ એ ગાંધી પ્રસ્તુત છે, આ યુગમાં પણ.’ સોનાલી કહ્યા સિવાય ના રહી.

‘અલબત્ત, મને આ ગાંધીમા ંતો રસ પડ્યો જ છે !’ તપન હસી પડ્યો હતો - નિખાલસ શિશુ જેવું.

સોનાલીને એ નિખાલસ છોકરો ગમી ગયો.

આ એક નવી દિશા હતી. સહજ રીતે જ ડગ મુકાઈ ગયું હતું. બન્ને નિયમિત મળતાં થયાં હતાં. દરિયાની સંગાથે કેટલીયે વાતો થતી હતી, ક્યારેક દુનિયાની ને ક્યારેક અંગત. મહાત્મા વિશેય ચર્ચાઓ થતી.

સોનાલીએ તપનને ‘સત્યના પ્રયોગો’ પુસ્તક ભેટ આપ્યું હતું.

‘તપન, એક વાર સમય કાઢીને વાંચી જજે - મારા ખાતર.’ એવો આગ્રહ પણ કર્યો હતો.

વિચારોમાં ભિન્નતા હોવા છતાં પણ તપનને સોનાલી ગમી હતી. અલબત્ત, આ વાત તેણે ક્યારેય વ્યક્ત કરી નહોતી. સુહાસિની ક્યારેક પૂછી લેતી - ‘સોનાલી, ક્યાં પહોંચ્યું તમારું પ્રેમપ્રકરણ ? ક્યારે નોતરો છો અમને ?’

જવાબમાં તે હસી પડતી હતી.

ઑફિસમાં સુહાસિની હતી તો ઘરે હેમા અને સંગીતા હતાં. સોનાલીનો સમય સરસ રીતે પસાર થતો હતો.

રાતે સહુ યાદ આવી જતાં - મમ્મી, પપ્પા, તપન ! ઑફિસ, ટ્રેન, ભીડ, શહેરની મોસમ, દરિયો, સુહાસિની, એવું કેટલું બધું ? અને પેલા આદિ પુરુષ તો ખરા જ.

થતું, તપનને કેમ શ્રદ્ધા નહીં હોય ગાંધીમાં ? જાણતો હશે ઇતિહાસ, દેશની આઝાદીનો ઇતિહાસ ? દેશ સ્વતંત્ર થયો એમાં એમનું કશું પ્રદાન જ નથી શું ?

હમણાં હમણાં નવો પવન ફૂંકાવા લાગ્યો હતો, એ તે જાણતી જ હતી. આવો વિરોધ તો તેઓ હયાત હતા ત્યારે પણ ક્યાં નહોતો થતો ? કમળ કાદવ વચ્ચે જ ખીલે છે ને ?

કેટલી મોટી રાજકીય અને સામાજિક ક્રાન્તિ થઈ, એ ગાંધીના વડાપણ નીચે ? નવું શસ્ત્ર મળ્યું - સત્યાગ્રહ ! શું મેળવ્યું એમણે અંગત રીતે ? જોકે એમનું અંગત હતું પણ શું ?

અને એ પણ હકીકત હતી કે આવા ગાંધીને કેટલા લોકોજાણતાં હતાં ? બીજી ઑક્ટોબરે યાદ કરાતા હતા, એક પરંપરા તરીકે. એમના પર પુસ્તકો તો હજી પણ લખાતાં હતાં, અનેક ભાષામાં; અને વંચાતાં પણ હશે જ ને ?

એ સાંજે મહાનગરનું આકાશ સ્વચ્છ હતું, નીલ રંગનું. વરસાદે વિદાય લીધી હતી. દિવસ અને રાત લગભગ સરખાં હતાં. સોનાલીના ઘર નજીક જ બસસ્ટોપ હતું, ચારકૉપ વિસ્તારના બીજા રસ્તા પર. બસ, પાછળ જ દરિયો હતો. પટ તો હતો પણ સાંકડો ને ગંદો. થોડાં માછીમારોની અવરજવર રહેતી.

જોકે આ તો નજીકની વાત થઈ. અટારીમાંથી તો સરસ દૃશ્યો દેખાતાં હતાં, દરિયાનાં અને દૂરના એસેલ વર્લ્ડના.

સોનાલી આવીને સીધી બાથરૂમમાં જ ઘૂસી જતી. રોજનો ક્રમ હતો. આવતી કાલનો દિવસ બરાબર યાદ હતો. ઑક્ટોબરની બીજી તારીખ હતી. અખબારમાં રજા તો નહોતી જ, પણ તેણે લીધી હતી.

આવતી કાલે દિલ્હીના રાજઘાટ પર એનાં એ જ દૃશ્યો ભજવાવાનાં હતાં, ને ટીવીને પરદે દેખાવાનાં હતાં.

ક્યાં કશું રચનાત્મક, ભાવાત્મક બનતું હતું ?

સોનાલી બે પુસ્તકોનું વાંચન કરવાની હતી, ગાંધી વિચારોનાં. આજુબાજુ ફ્લૅટોના બાળકો સાથે વાતો કરવાની હતી. પાસેના ફ્લૅટવાળી, બાર વરસની પાયલ તેને મદદ કરવાની હતી.

બપોરે મમ્મી, પપ્પાને પત્ર લખવાની હતી અને સાંજે તપનને મળવાની હતી. બધું જ ગોઠવીને બેઠી હતી. ‘તું તો ભારે ઘેલી, એ મહાત્માની !’ સંગીતા વ્યંગમાં બોલી હતી. ‘નક્કી ગયા જનમનાં સોનાલી... એ વંશમાં હશે !’ હેમાએ તંતુ લંબાવ્યો હતો.

‘તને ખોટું તો નથી લાગ્યું ને ? અમને આદત છે. આવું કશુંક બોલવાનું અને પાછા તારાં લક્ષણો પણ એવાં જ છે !’ સંગીતાએ ઉમેર્યું હતું.

વળી હેમા ઉદાર બની હતી, ‘જો સોનાલી, કાલે રસોઈ અમારે બનાવવી છે. તું મુક્ત બનીને તારી પ્રવૃત્તિઓ કર્યા કરજે. એટલું પુણ્ય તો અમે પ્રાપ્ત કરી લઈએ જ ને !’

‘અને કહેતી હો તો સાંજે તપનને તારા વતી મળી પણ લઈએ.’ સંગીતા રમતિયાળ હતી.

સોનાલી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે આખો માહોલ બદલાઈ ગયો હતો.

પેલી બન્ને રસપૂર્વક જનજાગરણની બીજા દિવસની પૂર્તિ વાંચી રહી હતી. બેય ચહેરા પર નર્યું વિસ્મય હતું.

સોનાલીએ પૂર્તિના મધ્ય પાન પર જોયું ને ચકિત થઈ ગઈ. આખી પૂર્તિ ગાંધીના ઉપલક્ષમાં હતી.

વચ્ચેગાંધીનાં વંશનો આંબો હતો - શાખા, પ્રશાખાઓ સહિત. અનેક નામો હતાં, દરેક શાખાઓમાં અને એમાંની એકના સાવ છેડે હતી - સોનાલી ગાંધી.

નીચે નોંધ હતી. ગાંધીનો પરિવાર દેશ-વિદેશમાં વિસ્તર્યો છે. પાંચ સભ્યો આ મહાનગરમાં જ વસે છે. એમાંના એક, ગાંધીની પાંચમી પેઢી - સોનાલી ગાંધી તો જનજાગરણમાં જ કાર્યરત છે. એ તો કહે જ શાના ? પણ અમને જાણ થઈ. બે દિવસ પહેલાં જ.

‘હા... હેમા... આ સત્ય છે.’ તે અંતે બોલી હતી.

‘અમારો નિયમ જ હતો કે આવી અંગત બાબત અંગત જ રાખવી. ગાંધી ક્યાં અમારાં જ હતાં; એ તો આખા દેશના, આખી દુનિયાના... જે શ્રદ્ધા રાખે એના.’

સોનાલીની આંખો ભીની થઈ હતી.

બીજી સવારે તો આ વાત ઠેરઠેર પ્રસરી ચૂકી હતી. પાયલ જ સહુ પ્રથમ દોડી આવી હતી - ‘દીદી, તમારું નામ છાપામાં આવ્યું છે. શું તમે મહાત્મા ગાંધીજીનાં...!’

સહુની સોનાલીને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. હવે અહોભાવ અને વિસ્મય હતો. નવું નવું લાગ્યું સોનાલીને. અમને ખબર જ નહીં ને તમે બોલ્યાં પણ નહીં. એ વાક્ય રમતું હતું સહુના હોઠો પર. એને ગમ્યું પણ ખરું.

સોનાલી માંડ માંડ આટોપી શકી, એના નિયત કામો. પત્ર પણ ના લખી શકી, મમ્મી-પપ્પાને.

આખી બિલ્ડિગના નિવાસીઓ ગૌરવની લાગણી અનુભવતા હતા, એ લોકો સાથએ મહાત્મા ગાંધી પરિવારની એક છોકરી વસતી હતી.

એક લાગણી - પૂરી પ્રસન્નતાની તગતગતી હતી એ લોકોના ચહેરાઓ પર.

પાયલની ખુશીનો તો પાર નહોતો કારણ કે તે જ સોનાલીની નિકટ હતી, એ સહુમાં. અચૂક મળતી હતી. લગભગ બધી જ વાતો કહી નાખતી હતી - દિવસભરની. બંગાળી અક્ષરો શીખવતી હતી સોનાલીને -

આશ્ચર્યથી કહેતી હતી - ‘આપકો બેંગાલી ભી નહીં આતી ?’

ભોંયતળિયાની દુકાનવાળો લચ્છીરામ પણ આવી ગયો, કહી ગયો - ‘બહેનજી, અખબારમેં આપકા નામ આયા હૈ. ક્યા આપ મહાત્માજી કી પાંચવી...!’

શું કહેશે સુહાસિની ? આ વાત ન કહી એ માટે જરૂર ખોટું લગાડશે. એ વિચારતી હતી.

અને તપન... સાંજે મળશે ત્યારે ?

અલબત્ત... તે કેટલાંય પુસ્તકો વાંચી ગયો હતો એ ગાંધી વિશે.

હેમા તો ક્યારનીય ચાલી ગઈ હતી રસોઈ બનાવીને. સોનાલી એકાંત મળતાં જરા ખળભળી હતી. પપ્પા-મમ્મી યાદ આવ્યાં હતાં. આજ કશુંક બન્યું હતું જે તેને ચંચળ બનાવતું હતું. આ હાડ-ચામડી-રક્તમાં એ ગાંધીનો અંશ હતો. જનજાગરણની પૂર્તિએ તેને વિશિષ્ટ કરી મૂકી હતી. કદાચ એની કિંમત પણ ચૂકવવી પડે.

આ વિશ્વમાં કોઈ સર્વસ્વીકૃત તો ના જ બની શકે. ખુદ એમના સમયગાળામાં પણ કેટલો વિરોધ થતો હતો ગાંધીનો, ગાંધીમૂલ્યોનો !

તપન શું વિચારશે ? તે અવઢવમાં પડી ગઈ. હા, તે કદાચ નવેસરથી વિચારે આ સંબંધ વિશે. જરા થરથરી સોનાલી.

અને બીજી જ પળે જાગી ગઈ, દુઃસ્વપ્નમાંથી. હું એ મહાન હસ્તીની પ્રપૌત્રી છું. આવી નિર્બળતા ના ખપે મને. ભલેને તપન માર્ગ ચાતરીને ચાલ્યો જાય.

બારણે ટકોરા પડ્યા. થયું - પાયલ જ હશે.

બારણું ખોલ્યું તો તપન. હાથમાં ગજરો, ચહેરા પર સ્મિત અને પ્રસ્વેદ. બોલ્યો નાટકીય અદામાં.

‘હે ગાંધી પ્રપૌત્રી ! છેક અખબારના પતાકડાની સહાય લેવી પડી, અહીં સુધી પહોંચવામાં.’

સોનાલી પ્રસન્ન થઈ ગઈ એના રમતિયાળપણાથી. ‘પણ સોનાલી સુધીની વાટ તો ક્યારનોય કાપી ચૂક્યો છું. ના હવે, વિલંબ અસહ્ય છે. ક્યારેક એ ગાંધીમાં ઓગળી પણ શકીશ. ભલે અત્યારે સામે છેડે રહ્યો.’ તે બોલ્યો હતો.

‘તપન, ગાંધીની આ જ વાત હતી - સહુને સ્વીકારવાની.’ તે બોલી ને ઓગળી ગઈ એ પુરુષમાં.

*