Vahu books and stories free download online pdf in Gujarati

વહુ

વહુ

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


વહુ

જોતજોતામાં પાંચ વરસ પસાર થઈ ગયાં. પહેલું વરસ તો નર્યા ઉન્માદમાં વીતી ગયું. સાહસનો રોમાંચ તો હોય જ. બસ, નીકળી પડ્યાં - એ બન્ને પોતપોતાના ઘરોમંથી. પ્રેમમાં પડવું ક્યાં સરળ હતું ? મૂળ તો બન્ને એક જ શેરીમાં જ. પરિચય તો થાય જ. શેરીનું વાતાવરણ તો એવું જ હોય.

એકબે વાર નેહા, સંદીપની સાઇકલ પાછળ બેઠી પણ હતી. આવું તો બને. મોડું થતું હોય તો - ‘એય સંદીપ, લઈ જા મને ટાવર સુધી.’ એમ કહેવામાં વળી છોછ શાનો !

પણ એમાંથી જ મુવી જોવાં ગયાં - વિજય ટૉકિઝમાં, સંદીપને અચાનક ગમી ગઈ એ છોકરી. તેને હવે ઇન્ટરવ્યૂ-લેટર પણ આવતા હતા.

દો અનજાને, ચોથી વાર સાથે જોતાં એ બન્ને પકડાઈ ગયાં હતાં. નેહાને ચોખ્ખો વ્હેમ હતો કે રેખલીએ જ ચાડી ખાધી હતી. ખલાસ, પાબંદીઓ લાગી ગઈ નેહાને. ઘરનો ઉંબરો છોડ્યો છે તો... ટાંટિયા જ ભાંગી નાખીશ - એવી ધમકીઓ અપાઈ હતી.

અને એ રેખા જ મદદગાર બની, એ લોકોને ભગાડવામાં. હાહાકાર મચી ગયો - શેરીમાં.

‘સંદિપડાને જલમ જ નો આપ્યો હોત તો સારું હતું. સાવ નપાવટ નીકળ્યો. બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ ! બે ચોપડાં ભણ્યાં ને...’

‘છોડીએ નાક કાપી નાયખું. સાત પેઢીની આબરુ પર પાણી ફેરવી નાખ્યું. ખબરદાર... એને ઘરમાં ઘાલી છે તો ? હવે સંબંધ પૂરો !’

આમ અંતિમ રેખાઓ અંકાઈ ગઈ.

ચાર દિવસો પછી છાપામાં બેયના ફોટા સાથે આવ્યું - અમે બન્ને, નીચે સહી કરનારાં... રાજીખુશીથી, હિન્દુ વિધિથી... નીચે ગામનં નામ, વકીલનું નામ અને તારીખ.

મૂકો એમની વાત. માનશું કે... એ હતો જ નહીં, હતી જ નહીં ! આડી તોતિંગ ભીંતો ચણાઈ ગઈ.

એક વરસ ગયું ઉન્માદમાં. નાનકડી નોકરી મળી ગઈ હતી. સુંદરમતીબહેનના પતરાની છતવાળા એક ઓરડાના મકાનમાં સંસાર શરૂ થયો. જે કર્યું હતું એનો રોમાંચ એવો જબરો હતો કે હાડમારી હતી તોપણ લાગી નહીં.

વરસાદવાળી રાતે છત પર ટપ ટપ અને તડ તડ અવાજ, સતત થયા જ કરતો અને એ લોકો એને જાગરણ માનીને ઉજવતાં. જાળીવાળી ભીંતમાંથી તડકો પેલાતો પથારીમાં આળોટવા લાગે ને એમની સવાર પડી.

કેવું કર્યું આપણે ? અને રેખલી પણ ખરી નીકળી. ઠેઠ સુધી મદદમાં રહી ! અને મિત્રો પણ કામે લાગી ગયા !

આમ સંસ્મરણો ખૂટતાં નહોતાં.

વરસને અંતે મોપેડ પણ આવી ગયું. નેહા પણ નીકળી પડતી, કામ લઈને, પરંતુ જ્યારે જ્યારે સંદીપ પાછળ, નાનકડી સીટમાં લગોલગ ગોઠવાતી ત્યારે એને અઢળક સુખ મળતું.

યાદ તો આવી જતી સ્વજનોની. એ લોકો માની ગયા હતો તો ?

નેહાની આંખો ભીની થઈ જતી. પણ પછી તરત જ થતું કે સંદીપ આ આંસુ જોઈ જશે તો ? ના, એને તો દુઃખી નથી જ કરવો - એ વિચાર પ્રબળ બની જતો. બસ... આ જ પ્રેમ.

બીજા વરસની શરૂઆતમાં જ મોટું ઘર મળી ગયું. એક ઓરડો ને રસોડું અલગ. બાથરૂમ અને રવેશ પણ ખરાં જ. વળી છત પણ પાકી, ધાબાવાળી. બંધ ફળિયામાં, એક ખૂણામાં મોપેડ પડ્યું રહે. એની સહેજેય ચિંતા નહીં.

મકાનમાલિક પણ ભલા. પાડોશ પણ ખરો જ. સુખ વિસ્તર્યું. નેહાએ એની ઝંખના વ્યક્ત કરી - ‘સંદિપ, મારે મા બનવું છે !’ સંદીપે માંડ સમજાવી હતી. હજી આવક ક્યાં પર્યાપ્ત હતી ? આવનાર બાળકની જરૂરિયાત કેટલી હોય ?

ત્રીજે વરસે નવી ઇચ્છા સપાટી પર આવી. ‘સંદીપ, મને વહુ કહીને બોલાવવાળું તો કોઈ નહીં જ ને ?’

પાડોશના પરિવારમાં આખો દિવસ... વહુ...વહુ થયા કરતું ને તે લીન થઈ જતી. કેટલું મીઠું લાગતું હતું એ સંબોધન ?

સંદીપે તો ઘણાં પત્રો પણ લખ્યા હતા, ખુશીખબરના. સહુના નામો સાથએ સ્મરણો લખ્યાં હતાં. દિવાળી કાર્ડ પણ લખ્યું હતું, પણ ક્યાં સહેજેય સળવળાટ થયો હતો ?

મિત્રો તરફથી સંદેશ મળ્યો હતો કે એ લોકો હજી એવાં ને એવાં અક્કડ હતાં. શું કહેવું નેહાને ? માંડ માંડ સમજાવી હતી.

ચોથે વરસે નોકરીમાં ઢતી મળી હતી. ખાસ્સો પગારવધારો મળ્યો હતો. તે ફળિયામાંથી સાદ પાડતો દાદર ચડ્યો હતો - ‘નેહા, નેહલી... ક્યાં છે તું ? જો તને સારા સમાચાર આપું !’

થોડા સમયમાં એક નાનો ફ્લૅટ મળી ગયો. ડ્રૉઇંગરૂમ, બેડરૂમ, કિચન, બાથ... સરસ વિસ્તાર, લિફ્ટ, કોમન પ્લોટમાં ઘાસની લીલી જાજમ. પાસે જ બજાર...

નેહા ટપટપ બોલવા લાગી જતી, કોઈ ઓળખીતા મળે ત્યારે. થોડું ફર્નિચર આવી ગયું. બારી પર પરદાઓ આવી ગયા.

પાંચમે દિવસે સંદીપે ઇચ્છા વ્યક્ત કરી હતી - સ્કૂટર લેવાની. જૂનાં મોપેડના બે હજાર મળી પણ જાય અને લોન તો એ લોકો જ આપતા હતા, પણ નેહાએ કહી જ દીધું - ‘ના, સંદીપ... હવે એકલતા નથી સહી જાતી. એક બાળક તો...!’

સંદીપ માની ગયો હતો. એ પછીના દિવસો દરમ્યાન, નેહા આંગળીના વેઢાં ગણ્યા કરતી, કેલેન્ડરની તારીખો યાદ કર્યા કરતી.

એને અવનવા વિચારો આવતા. આ ઘરમાં ઘોડિયું ક્યાં ગોઠવવું ? પલંગને સહેજ ફેરવવો જ પડે. ના... આ વખતે તો ભગવાન સામું જોશે જ.

ક્યારેક તો કલ્પનામાં બાળકને રમાડવા માંડતી. અરે, એથી પણ આગળ નીકળી જતી.

એ પરણશએ જ પછી. ઉંમરલાયક થાય પછી પરણાવવો જ પડે પુત્રને.

હું તો પૂછી લઈશ એને - ‘બેટા, છે તને કોઈ ગમતી છોકરી ? પરણાવશું તને હોંશથી. જે તને ગમે એ મારી...’

અને તે વહુ શબ્દ આગળ આવીને અટકી જતી. ભૂત અને ભવિષ્ય - એક સાથે ડહોળાઈ જતા.

નેહા નિશ્વાસ નાખતી - ‘મને તો કઈ - વહુનું સંબોધન નહીં જ કરે ને ? આ જનમમાં ?’

સંદીપ અવગત હતો - પત્નીની આ લાગણીઓથી. એ લાચાર હતો. તેને લાગતું હતું કે એ અભાવની પૂર્તિ લગભગ અશક્ય જ હતી. એ લોકો આટલાં હૃદયહીન બની ગયાં હતાં ? ખોટી આબરુના ખ્યાલો એટલા બળવાન હતા કે એમાં જીવંત વ્યક્તિઓનું કશું સ્થાન જ નહોતું !

તે નિરાશ હતો. અલબત્ત ક્યારેક ચમત્કાર પણ બને એટલી આશા એનામાં પડી હતી ખરી.

અને એવું જ થયું - એક રવિવારની સવારે. બે કામો આટોપીને ઘરે આવ્યો તો અજબ દૃશ્યો જોવા મળ્યાં.

ડોરબેલ પર આંગળી મૂકીને તરત જ બારણું ખૂલ્યું હતું. સાડી પરિધાન કરેલી નેહાએ ઝટપટ દ્વાર ખોલ્યું. ચહેરા પર ખુશી તગતગતી હતી. હોઠો હસી રહ્યાં હતાં. કપાળણાં લાલચટક ચાંદલો, પૂરી મર્યાદામાં.

સંદીપ કશું પૂછે એ પહેલાં જ તે હરખાઈને બોલી હતી : ‘નીલાફોઈ અને ફૂવા આવ્યા છે. તમે ગયા ને તરત જ. વોચમેન બારણા સુધી મૂકી ગયો.’

અને ત્યાં જ અંદરથી સ્ત્રીસ્વર સંભળાયો - ‘વહુ બેટા, આવ તો જરા !’

તે તરત જ ‘આવી... ફોઈ’ કરતી દોડી હતી. પ્રસન્નતાનું રહસ્ય પકડાયું. સંદીપ ખુશખુશાલ થઈ ગયો. ક્યાં સ્વપ્નમાંય ધાર્યું હતું કે આવું કશું બનશે, શું કહ્યું - નીલાફોઈ... હા... એ આવશે ?

તે અંદર આવ્યો. ડ્રૉઇંગરૂમની એક ભીંતને અઢેલીને એક સુટકેસ, બગલથેલો, એક નાની પોટલી, બટવો વ્યવસ્થિત પડ્યાં હતાં. પાસેની ખુરશી પર ગોરખપુર પ્રેસમાં છપાયેલાં બેચાર પુસ્તકો, એક પર એક એમ થપ્પીમાં પડ્યાં હતાં. ખીંટી પર અજાણ્યાં વસ્ત્રો ટિંગાતાં હતાં. ઘરમાં અસ્તવ્યસ્તતા હતી.

પણ નેહા તો ખુશીથી તરબોળ હતી. આ જ એની ઝંખના હતી, તરસ હતી.

‘વહુ... બેસને મારી પાસે. લે, આ મંત્ર લખી લે. રોજ એક માળા કરવાની. જોજેને, એક વરસમાં તો તારી ગોદમાં કનૈયો કૂદતો હશે.’ અંદરના ખંડમાંથી નીલાફોઈનો અવાજ સંભળાતો હતો. ‘મને લખાવો ફોઈ...’ નેહાનો લીલોછમ હોંકારો પણ.

ડ્રૉઇંગરૂમમાં આસન પર એક વૃદ્ધ પુરુષ બેઠા હતા, કશું રટણ કરતા હતા. એમનું મુખ ભીંત સામે હતું.

‘આવી ગયો... ભાઈ’ તેમણે સંદીપને સંબોધીને કહ્યું. ‘હા... ફૂવા’ તેણે ઉત્તર વાળઅયો. પછી ઉમેર્યું : ‘સારું થયું, તમે આવ્યા એ. મુશ્કેલી નથી પડી ને ?’

‘આવવું તો જોઈએ ને. આ શહેરમાં આવીએ ને તને નોં મળીએ તો કેવું ગણાય ? પરમ દિવસે જ ઘરે જઈને સરનામું લીધું. રિક્ષાવાળો સારો મળ્યો. કાગળિયું દેખાડ્યું ને ઠેઠ ઝાંપા સુધી મૂકી ગયો. ચોકીદારને નંબર કહ્યો ને એ મૂકી ગયો.

અને પછી વહુએ એવો આવકાર આપ્યો કે થાક જ ભૂલાઈ ગયો. બેટા, વહુ તો સાક્ષાત્‌ લક્ષ્મી છે.’

સંદીપના બત્રીસે કોઠે દીવા પ્રગટ્યા. આ નેહાની સ્વીકૃતિ હતી, પ્રશંસા હતી. અને નેહાને થયેલી આનંદની અનુભૂતિનો તો પાર નહોતો.

પછી તેણે એ વૃદ્ધની તબિયતની પૃચ્છા કરી.

‘ચાલ... વહુ... હવે સ્નાનથી પરવારું.’ કહેતાં નીલાફોઈ... બાથરૂમમાં ગયાં, અને થોડી વારમાં ગંગા, યમુના, સરસ્વતી... એમ નદીઓના નામ સંભળાવા લાગ્યા.

હવે સંદીપ વિચારામં પડ્યો. આ નીલાફોઈ વળી કોણ ? વડોદરાવાળાં રંજનફોઈ, કરાંચી હતાં એ લક્ષ્મીફોઈ... પછી તો ભાગલા વખતે કલકત્તા ગયેલાં... અને એ સિવાય... વિમળાફોઈ ! પણ આ નીલાફોઈ તો...

તે અવઢવમાં પડી ગયો. કદાચ કલકત્તાવાળાં લક્ષ્મીફોઈનું બીજું નામ નીલા પણ હોય !

અરે, ગમે તે હોય - આવ્યાં જ હતાં એ જ મુખ્ય વાત હતી. કોઈએ એક ચબરખી લખી હતી, પાંચ વરસમાં ? તેની આંખો સામે સ્વજનોના ચહેરાઓ તગતગવા લાગ્યા હતા. મન જરા ચચરવા લાગ્યું. એમ તો નહીં હોયને, એ લોકોએ આમને મોકલ્યાં હોય ? સરનામું તો એમની પાસે જ હતું.

અહંમ ઓગળવાની શરૂઆત આમ જ થાય. સંદીપ વિચારતો હતો. એય વાતો નીકળશે જ ને. કાંઈ તરત જ આવી ગંભીર વાતો થોડી નીકળે ?

વૃદ્ધ પુરુષ તો વાચાળ અને નિખાલસ લાગ્યા. પેલાં નીલાફોઈ સાથે મળવાનું બાકી હતું. પરંતુ કેવાં ભળી ગયાં હતાં, નેહલી સાથે ? અને એય કેવી ઠસ્સાથી દોડાદોડી કરે છે ?

અને ત્યાં જ બારણું ખૂલ્યું - બાથરૂમનું. એક સામાન્ય દેખાવની આધેડ સ્ત્રી... સાડી ખભા પર નાખતી બહાર આવી. ‘ઓહ ! આવી ગયો, દીકરા ? બસ, તારી જ રાહ જોવાતી હતી. ઘર તો સરસ છે. અને વહુ પણ સરસ છે, બેટા !’

પ્રશંસામાં છોગું ઉમેરાયું ને તરત જ નેહા હાજર થઈ ગઈ. ‘લાવો ફોઈ, તમારો ટુવાલ. વળગણી પર સૂકવી દઉં. અને તમને પૂજા કરવી, ક્યાં ફાવશે ? આમ તો રસોડામાં માતાજીનો ફોટો છે...’ તે હોંશથી બોલી.

નીલાફોઈએ એમની વહુનો હોંશનો પડઘો પાડ્યો - ‘વહુ તું કહે છે તો રસોડામાં જ. તારી સાથે વાતેય થશે...!’

‘ભાઈ... મળીયે પછી. આત જો રવિવાર છે ને ? નિરાંત... પછી તો ઢસરડો છે જ ને ?’

તેમણે સંદીપને પણ વાતમાં લપેટી લીધો.

અને ફરી એનું મન, મંકોડાની માફક એ જ દિશામાં પહોંચી ગયું - ‘કલકત્તાવાળાં જ ફોઈ લાગે છે. ભાષામાં શિષ્ટતા છે. ક્યારે મળ્યાં હતાં ? નાનાકાકાના લગ્નમાં આવ્યાં હતાં પણ રહ્યાં’તાં તો બે દિવસ જ. અને લગ્નની ધમાલમાં મળવાનુંય કેવું ? અને પોતેય પાછો ક્યાં ભડભાદર હતો એ સમયે ?’

મન તાળો મેળવતું હતું. બે વાતો નીકળવાની જ. બધી ખબર પડી જશે.

‘વહુ... આવી ખટખટ નકામી કરી. અમે ક્યાં પારકાં છીએ ? બહુ ગળપણ નહીં સારું, હવે આ ઉંમરે. તારા ફૂવાને તો આંખે ઝાંખપ છે. અને મનેય... દાક્તરે...’

રસોડામાં તૈયાર થઈ રહેલા શીરાની મઘમઘતી સોડમ આવતી હતી.

‘ફોઈ... વહુની વાતેય માનવી જોઈએ. આજે તો હું મારું ધાર્યું જ કરવાની.’ નેહાનો સ્નેહભર્યો સ્વર રણક્યો હતો.

‘વહુ, તેં તો અમારા મન જીતી લીધાં.’ ફોઈએ લાગણી વ્યક્ત કરી.

સંદીપ વિચારમાં હતો એમ વૃદ્ધ પણ ઊંડા વિચારમાં હતાં. સંદીપે માન્યું કે તે પરિતાપ અનુભવતા હશે. તે જરૂર અહીંથી જઈને પિતાને સમજાવશે.

રસોડામાંથી ફોઈનો ઉમળકાભર્યો અવાજ આવ્યો - ‘વહુ... જો આ આખા, તમારા પરિવારનો ગ્રૂપફોટો. એ સમયે ચાલ હતો. જો આ ખુરશી પર વડદાદા, વડદાદી... બધાંય છે. હું તો ત્યારે માંડ સોળ-સત્તરની. સગપણની વાતો ચાલતી’તી પણ તારા ફૂવાના નામ સિવાય કશું જાણતી નહોતી. જો... આ સાવ નીચલી હારમાં વચલી. અને કહે જોઉં, મારા ખોળામાં સાવ દિગંબર અવસ્થામાં સૂતું છે - એ કોણ હશે ?’

સંદીપને આખી વાત સમજાઈ. મન પાછું કામે લાગી ગયું. ગ્રૂપફોટો ? તેણે ક્યારેય જોયો નહોતો. ઘરની એકેય ભીંત પર. આટલાં વર્ષ ઘરમાં જ હતો ને ? આ છેલ્લાં પાંચ વરસથી જ...

ત્યાં ફોઈ ખડખડાટ હસી પડ્યાં, ‘અરે કોણ હોય બીજું, તારો વર !’

‘ફોઈ... હાય હાય !’ નેહાથી સહજ રીતે બોલાઈ ગયું.

તે તરત જ બારણા પાસે આવી, સંકેત કર્યો - પાછળ પાછળ આવવાનો. અને સંદીપ ગયો પણ ખરો. તેને એ ગ્રૂપફોટો ધારીને નીરખવો હતો. કદાચ હોય પણ ખરો. કબાટ કે પટારામાં પડ્યો હોય.

‘જુઓ... સંદીપ, આ તમે !’ નેહા મરક મરક હસતાં બોલી. એની આંગળી પેલા દિગંબર પર હતી.

સંદીપેય હસી લીધું.

હવે એ આછો... ઝાંખો, જિર્ણ ફોટો એના હાથમાં હતો. તેણે બારીકાઈથી અવલોકન કર્યું. સાવ અજાણ્યા ચહેરાઓ. પાછળનું મકાનેય અલગ. દાદા-દાદી, કાકા, નાના કાકા, જોશનાકાકી... રંજનફોઈ, પિતા-માતા કોઈ તો ઉકેલાયને ? આ તો સાવ નવી જ દુનિયા હતી. તો પછી આ નીલાફોઈ, આ વૃદ્ધ પુરુષ ?

રસોડામાંથી નીલાફોઈનો અવાજ આવતો હતો, ‘વહુ... જો આ સાડી તારા માટે. ખાસ... ખરીદી છે. તને નજરમાં રાખીને. મને ખબર પડે જ ને કે તમને શું ગમે. છે ને સરસ ? અને પાછી ગુલાબી રંગની ? તને ખૂબ શોભશે.’

‘ફોઈ, તમે તો મને લાગણીથી ધરવી દીધી.’ નેહા ગદ્‌ગદ્‌ થઈને લાગણી વ્યક્ત કરતી હતી.

‘તે આપું જ ને. તું તો ગુણીયલ છે. વાલી લાગે એવી છે.’ ફોઈના સ્વરમાં પણ ભીનાશ હતી.

સંદીપ આગળ કશું વિચારે એ પહેલાં તો થાળીઓ પીરસાવા લાગી. લસપસતો શીરો આવી ગયો.

જમતાં જમતાં સંદીપ નિર્ણય પર આવી ગયો. નક્કી કશી સમજફેર થતી હતી. આ લોકો... તો...!

નેહાએ આગ્રહ કરીને એ બેયને જમાડ્યાં. ‘વહુ, તેં તો અમને ખુશ કરી દીધાં.’

પેલા વૃદ્ધ ઊંડા વિચારમાં જ હતા, એ સંદીપે પુનઃ જોયું.

જમ્યાં પછી એ વૃદ્ધે સંકેત કરી સંદીપને રવેશના એકાંતમાં બોલાવ્યો, બે હાથ જોડીને દીનભાવે કહ્યું : ‘ભાઈ માફ કરજો, કશી ગરબડ થઈ છે. અમારે મનન ટાવરમાં જવાનું હતું ને રિક્ષાવાળો ભૂલથી અહીં... લઈ આવ્યો. તમને કેટલાં હેરાન કર્યાં, ખરચના ખાડામાં...

મને થતું તો હતું જ... પણ પૂરું સમજાતું નહોતું. હવે અમે નીકળી જ જઈએ.’

સંદીપની વાત સાચી નીકળી.

‘જુઓ... વડીલ... આ ભ્રમ જાળવી જ રાખજો. સાંજે હું જ તમને સાચે ઠેકાણે મૂકી જઈશ. બસ, નેહાને કશી ખબર ના પડવી જોઈએ. તમે નથી જાણતા, આજે તેને કેટલું સુખ મળ્યું છે.’

સંદીપ એ વૃદ્ધને, બે હાથ જોડી વીનવતો હતો.

(સમણું)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED