Ichchhapurti books and stories free download online pdf in Gujarati

ઈચ્છાપૂર્તિ

ઇચ્છાપૂર્તિ

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ઇચ્છાપૂર્તિ

રિક્ષા શેરીમાં પ્રવેશી ત્યારે પોષની મધરાતનો સોપો હતો. એક-બે શ્વાન ભસ્યાં હતાં. ઠંડી તો કહે મારું કામ !

સંકેત કર્યો ને એ ડેલી સામે થંભી. બરાબર એ જ સમયે પાસેની બારી ખૂલી. બત્તીનું અજવાળું શાંત શેરીમાં ફેલાઈ ગયું. એ બેય ઊતર્યાં, સામાન લેવાયો, પૈસા ચૂકવાયા અને એ ફરી વળાંક વળતી રસ્તે પડી.

‘આવી ગયાં ?’ સરિતા જ બહાર આવી હતી.

‘હા, બેન.’ રૂપકુંવરનો સ્વર જરા થથર્યો.

‘થાય તો ખરું જ ? જુવાનજોધ કેતન પાછો થયો હતો !’ સરિતા વિચારતી રહી.

ડેલી ખૂલી, ઘરેય ખૂલ્યું. બત્તી થઈ ને ઘર ઝળાંહળાં થઈ ગયું. સામે જ, ભીંત પર કેતનનો ફોટોગ્રાફ હતો, સુખડના હારથી વીંટળાયેલો.

સરિતા ક્ષુબ્ધ થઈ ગઈ. તે સાખપડોશી હતી આ વૃદ્ધ દંપતીની. અવગત હતી એ લોકોની કોમળ પ્રકૃતિથી. આ એકલતા વચ્ચે એ લોકો રહી શકશે ખરાં ? તેને પ્રશ્ન થતો હતો.

પુત્રી વિરાજ તો કેટલું રહી શકે ? એનેય એનો સંસાર હોયને ? વિરાજે આ બેયને યાત્રાસ્થાનોમાં ફરવા મોકલ્યાં હતાં.

‘જઈ આવો પપ્પા, મનને સારું લાગશે. પંદર દિવસ, વીસ દિવસ...’ તેણે એટલું જ ધાર્યું હતું. પણ આ લોકો તો પૂરો મહિનો ફરી આવ્યાં.

દરેક સ્થળેથી વિરાજને ફોન થાય જ. ‘બેન, કાશી પહોંચ્યાં. હા, તબિયત સારી છે. ચિંતા ના રાખતી. તારી મમ્મીને ? અરે, ગંગાના પ્રવાહને ભાવુક બનીને જોઈ રહી છે અત્યારે !’

‘બેટા, ગયાજી આવી ગયાં. સરસ સગવડ છે. ભાર ના રાખતી અમારો. શું કરે છે, વિવેક ? શહેરની ભાગદોડથી તો તોબા, અને શું કરે રાજ-અમી ? બરાબર ભણે છે ને ? તારી તબિયત તો...’

‘વિરાજ, હવે અલ્હાબાદ, અને પછી મથુરા થઈને હરિદ્વાર.’ બસ આ મુજબ જ.

લાંબી, ટૂંકી અનુકૂળતા મુજબની વાતો થતી. સ્થાન, એની વિશિષ્ટતાઓ, વખણાતી ચીજો, મંદિરો, દર્શનનો આનંદ, મુસીબતો બધું જ આવી જતું, પણ ક્યારેય કેતનની વાત તો હોઠે આવતી જ નહોતી. બીજે છેડે વિરાજ થથરી જતી :

‘શું નહીં થતું હોય એ બેયને ? પુત્રના મૃત્યુનો શોક કેટલો તીવ્ર હોય ? છતાં દુઃખ દબાવીને બેઠાં હતાં !’

તે રડી પડી. ફોન પૂરો કરીને કામગરો પતિ તો કહેતો, ‘વિરાજ, એ તો સમય જતાં બધું ઓગળતું જાય. એ સમયે કેવા મૂઢ બની ગયા હતા પપ્પા ? અને મમ્મી તો રડતી જ હતી અસ્ખલિત ! અને અત્યારે ગંગાના અસ્ખલિત પ્રવાહની વાતો કરે છે, બનારસની ગંદકીની વાતો કરે છે. બસ, સમય જ...!’

ઘડીભર તો વિરાજને પણ થયું હતું કે શું સાચે જ, એ લોકો તીર્થની હવામાં કેતનને ભૂલી ગયાં હશે ? મૃત પુત્રને શું આમ જ વીસરી જવાય ?

બીજી રાતે જ રૂપકુંવરનો ફોન આવ્યો ને શંકા ટળી ગઈ હતી. રૂપકુંવર રડતી હતી ફોનમાં :

‘બેટા... માંડ મનને જાળવી રાખું છું. પળેપળે એ યાદ આવે છે. તને તો ખબર છે ને, એ પુરુષ કેટલો ઢીલો છે ? તારા પપ્પા તો ભાંગી જ પડ્યા છે. આ તો ઉપર ઉપરથી સ્વસ્થતાનો દેખાવ કરે છે. અને ક્યારેક તો સાચે જ લીન થઈ જાય છે આ તીર્થસ્થાનોમાં. મંદિરોનું શિલ્પકામ, તોરણો, અશ્વો, પ્રતિહારીઓ, એવું બધું રસપૂર્વક જોયા કરે છે. જે થયું એ સારા માટે જ. એ હળવાશ અનુભવે એ સારી જ વાત છે ને ! આપણે સ્ત્રીઓ તો રડી પણ લઈએ, પણ એ પુરુષ તો એમ પણ ના કરી શકે અને ભીતરથી...’

વિરાજને પૂરો ખ્યાલ આવી ગયો હતો. મા મન કઠોર કરીને પણ સાચવતી હતી એ કોમળ પુરુષને, જેને કેતનના આઘાતે ભાંગી પાડ્યો હતો.

માન થયું મમ્મી પર, તે એક સરસ કાર્ય કરી રહી હતી. બાકી સ્વજનોને તો પીડા થાય જ ને ?

કેતનનું આગમન મોડું થયું, પણ વિદાય વહેલી, અણધારી રહી. વિરાજ તો ત્યારે પૂરા પંદરની. ખૂબ વિચિત્ર લાગ્યું હતું એ સમયે. રૂપકુંવરની શરમનો પાર નહોતો.

‘અમૃત... શું કરવું છે ?’ એ સ્ત્રી અવઢવમાં સરી ગઈ હતી.

‘તું નથી ઇચ્છતી કે વિરાજને કોઈ ભાઈ કે બહેન હોય ?’ એ પુરુષે સાવ સરળતાથી ઉત્તર વાળ્યો હતો.

‘પણ શરમ કેટલી લાગે ? જોકે મનેય હોંશ છે કે વિરાજને એક ભાઈ હોય.’ તે પછી સંમત થઈ હતી.

અને એની ઇચ્છા ફળી હતી કેતનના આગમનથી.

‘અમૃત, હવે બધાંય સુખો મળી ગયાં. હવે ઈશ્વર પાસે કશુંય નહીં ચાહું.’ એ સ્ત્રી પરિતોષા બની ગઈ હતી.

‘રૂપ, ઇચ્છાઓ તો જાગશે જ. તું જ કહીશ કે કેતનને એક સરસ ઢીંગલી જેવી વહુ મળે !’ અમૃતભાઈએ હસીને કહ્યું હતું.

એ સમય આવું આવું થઈ રહ્યો હતો ને કેતન એક અકસ્માતમાં જિંદગી હારી બેઠો હતો !

વિરાજ ત્યાં રાહ જોતી હતી... હમણાં આવશે ! રાજ અને અમી તો બારણા પાસે જ બેઠાં હતાં, પ્રતીક્ષા કરતાં.

‘બેન... કાલે ઇન્ટરવ્યૂ છે. તૈયારી તો એવી કરી છે કે એ લોકોને મને પસંદ કર્યા વિના છૂટકો જ નથી. નો વે, સમજ્યાં ! મમ્મી તો કેટલી ચિંતાઓ કરે છે ? એનો સ્વભાવ જ છે ને ? તબલાં બરાબર છે ને ? રાતે નાનકડી મહેફિલ થઈ જાય. બે-ચાર ચીજ ગાઈ લેવી છે. શું કરે છે જિજાજી, રાજ-અમી ?’

પણ એ ના આવ્યો. એના સમાચાર મળ્યા અકસ્માતના.

ડાયરીમાં સરનામું અને ફોન નંબર વિરાજનાં જ હતાં. એટલે એ લોકો ફોન પણ એને જ કરે ને ? જરા કોમળતાથી બોલાયું હતું. ‘નામ છે કેતન. ઊંચો, રૂપાળો એકવીસ-બાવીસનો જુવાન. શું સગો થાય તમારો ? અહીં હૉસ્પિટલમાં આવી જાવ. સરકારી હૉસ્પિટલ વૉર્ડ નંબર ... ? ગયામાં પુત્રશ્રાદ્ધ સમયે અમૃતભાઈ ભાંગી પડ્યા હતા. મુંડન તો કરાવેલું જ હતું તો પણ પુરોહિતે કહ્યું એટલે પુનઃ બેસી ગયા હતા ઘાટના એક ખૂણે.

ગંગાના ઘાટ પરના પહેલે પગથિયે બેસીને સ્નાન કર્યું ત્યાં સુધી તો સ્વસ્થ જ હતા બહારથી. ભીતર તો કેટલું બધું ખળભળતા હશે કે પુરોહિતને વળગીને રડી પડ્યા હતા.

ભલો હતો પુરોહિત, વૃદ્ધ અને અનુભવી પણ. તેમણે જ સંભાળી લીધા આ બંનેને.

રૂપકુંવર પણ રડતી હતી.

‘જુઓ, તમારી પુત્ર સાથે લેણદેણ પૂરી થઈ. પછી એ શાથી રહે અહીં ? આ સંબંધો કશું જ નથી, માત્ર ઇચ્છાઓની તૃપ્તિ-અતૃપ્તિ જ છે. એની બધી જ ઇચ્છાઓની પૂર્તિ થઈ ગઈ અને એ સંબંધ કપાઈ ગયો.

‘તમે બંનેએ પણ એની ઇચ્છાઓની તૃપ્તિ કરી જ હશે, ખરું ને ?’ તે અટક્યો હતો, વિચારવા... શ્વાસ લેવા.

‘હા મહારાજ’ રૂપકુંવર જ બોલી હતી. તેની દૃષ્ટિ સમક્ષ આખો અતીત થરથર્યો હતો.

તેણે પુત્રની બધી જ ઇચ્છાઓ સંતોષી હતી. તે જીદ્દી તો નહોતો જ. ખૂબ જ શાંત સ્વભાવનો હતો. તે કશુંક કહે ને મા સમજી જાય એના પુત્રના મનને.

‘તને ગમે છે ને આ હાથી ?’ તે જ પૂછી લેતી.

પાંચમે વરસે કફની, અચકન સિવડાવી આપ્યાં હતાં. છઠ્ઠે વરસે ટ્રાઇસિકલ, સાતમે વરસે ઘડિયાળ ઇલેક્ટ્રોનિકથી ચાલતી.

દસમે વરસે ટેબલટેનિક રમવાનું રૅકેટ. પંદરમે વરસે ક્રિકેટનાં સાધનો, બાઇસિકલ અને... ! બધું મળી જતું કેતનને.

પરણી નહોતી ત્યારે વિરાજ ઘરમાં હોય ને ? તેને આ વાત ક્યાં પસંદ હતી ?

‘મમ્મી... બગાડો છો કેતનિયાને શક્તિય ક્યાં છે આપણી આ લાડ માટે ?’

પણ રૂપકુંવર એને પણ પટાવવા લાગતી : ‘ઘરમાં એક જ છે માંગવાવાળો ! તું તો કેટલી સમજુ છે ? અને જોયું તેં એ ક્યાં બગડ્યો ?’

અમૃતભાઈ તો ક્યાંય વચ્ચે આવે જ નહીં.

રૂપકુંવર બોલી, ‘હા મહારાજ, અમે એની બધી જ ઇચ્છાઓ સંતોષી છે, જેટલી શક્ય બની એટલી.’

‘બસ મૈયા, તો એનો મોક્ષ થઈ ગયો. હવે પુનઃ જન્મ લેવો નહીં પડે. આ જે શ્રાદ્ધ કરીએ છીએ તે તો આપણી સંતુષ્ટિ માટે. મારું જ્ઞાન તો આ જ કહે છે. મને પણ મારા એકસો પાંચ વરસના ગુરુએ કહ્યું હતું હરિદ્વારમાં.’

રૂપકુંવર ખાસ્સી પ્રભાવિત થઈ ગઈ. પછી તો એ ગંગાઘાટ મોક્ષનું પ્રવેશદ્વાર બની ગયો હતો.

‘પુરોહિત ખૂબ જ જ્ઞાની નીકળ્યા. અમૃત, આપણા નસીબ કે આ મળી ગયા. આપણા કેતનનો મોક્ષ જ થઈ ગયો. પૂરી થઈ ગઈ લેણદેણ.’

મનનું સમાધાન થઈ ગયું એ બંનેનાં.

પછી હરિદ્વાર, પુષ્કર ફર્યા. ખાસ્સી હળવાશથી. કેટલો સંતોષ થયો હતો ! ઇચ્છાઓ પૂરી થાય પછી મોક્ષ જ થાય ને ? ખરાં મળી ગયા, પુરોહિતજી.

એ મનોદશા સાથે ડેલી ખોલીને ઘરમાં પ્રવેશ્યાં હતાં. કેતનનો ફોટોગ્રાફ જોતાં મન થથર્યું રૂપકુંવરનું, પણ તરત જ પુરોહિતનો બોધ યાદ આવી ગયો.

‘ના... હવે નથી રડવું. નાહક આ પુરુષ વલોવાય. મોક્ષ પછી તો ક્યાં કશું બચ્યું હતું મેળવવાનું ?’ આ વાત વિગતથી વિરાજને કહેવાની હતી નિરાંતે, અમૃત હાજર ના હોય ત્યારે.

પછી તો એય વિચાર આવ્યો કે તે અને અમૃત હયાત હતાં. એકસાથે હતાં. એમાં કઈ ઇચ્છાઓ કારણભૂત હશે ?

પેલા પુરોહિતે તો તુક્કો જ માર્યો હતો. એ સ્થાને તો એને આવી અનેક વ્યક્તિઓ સાથએ કામ પાડવાનું હોય. જેવાં સંજોગો એવી વાતો અને પછી તો ફાવટ આવી જ જાયને ? રૂપકુંવરના મનનું સમાધાન થયું હતું. અમૃતભાઈને ઠીક લાગ્યું હતું. એમ જ હશે આ આખી વ્યવસ્થા. જન્મ, જીવન, મરણ એ ઋણાનુબંધ જ હોયને !

દક્ષિણા પણ વધુ ઉદારતાથી અપાઈ હતી એમનાથી. એક મોટું સત્ય લાધ્યું હતું.

ઇચ્છાઓ પૂરી થાય પછી એ રહે જ શાનો ? કશું નિમિત્ત તો થવું જ જોઈએ ને ?

તે આરામખુરશીમાં બેસી ગયા અને રૂપકુંવર સામે ખાટ પર. ઠંડી તો હતી પણ હરિદ્વાર, ગયા, પુષ્કરવાળી ઠંડી આ ક્યાં હતી ? ઊંઘ તો આવે તેમ નહોતી. પછી તો વિચારો જ આવે ને ? ‘શું કરતી હશે વિરાજ ? એય પાંચ વાગે તો ઊઠી જ જાય છે. બસ, એ પછી જ એને ફોન કરવો...’ રૂપકુંવર વિચારતી હતી.

અને અમૃતભાઈ પત્ની વિશે વિચારી રહ્યા હતા, ‘રૂપ ખરેખર સામાન્ય બની ગઈ હશે ? અહીં આવ્યા પછી જૂની યાદો તો આવશે જ ને ! પુત્ર સાથેનો બાવીસ વરસનો સહવાસ કાંઈ સ્વપ્ન તો નહોતું જ !’

પછી તરત જ પૂછી નાખ્યું પત્નીને, ‘દૂધ ક્યારે આવશે ? થાય છે કે બ્રશ કરી લઉં.’

સાવ સપાટ વાત જ કરી નાખી.

પત્નીને પણ શાંતિ થઈ હતી એનો પતિ આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો.

અચાનક પત્રોની થપ્પી દેખાઈ. ટ્રિપૉઇ પર વ્યવસ્થિત પડી હતી. સરિતાએ મૂક્યા હશે, થપ્પી કરીને. ખરેખર સારાં પાડોશી મળ્યાં હતાં આત્મીય સરખાં. અમૃતભાઈની દિશા ફંટાઈ હતી એ મળસ્કે. આવ્યાં એ પહેલાં ઘર પણ કેવું સાફસૂથરું કરી રાખ્યું હતું ?

અને એક પછી એક પત્રો જોવાતાં ગયાં, વંચાતાં ગયાં. મુખ્યત્વે સાંત્વનાના પત્રો હતાં.

પરિચિત-અર્ધપરિચિત કેટલીય વ્યક્તિઓએ સંદેશા મોકલ્યા હતા.

રૂપકુંવર નીરખતી હતી. મૌન જ વ્યાપેલું હતું. બહાર ફળીમાં, શેરીમાં અંધકાર ઓગળી રહ્યો હતો.

અચાનક રૂપકુંવરના ખ્યાલમાં આવ્યું હતું :

‘આ શેનું છે કવર ગુલાબી રંગનું ?’ તેણે ધ્યાન દોર્યું પતિનું.

‘હા, આ વળી શાનું ?’ અમૃતથી પણ બોલાઈ ગયું.

નામ, સરનામું વંચાયું. કેતન પરનો પત્ર ? પરબીડિયામાંથી સેન્ટની બચેલી સુગંધ આવતી હતી. કોણ લખતું હશે ?

અમૃતનો હાથ કંપ્યો, કારણ કે અક્ષરોના મરોડ કોઈ સ્ત્રીના હતા. કોઈ સ્ત્રીએ - છોકરીએ કાળજીથી અક્ષરો જાણે કે કંડાર્યા હતા. વિસ્મયને કેટલું ટિંગાતું રાખવું ?

તેમણે પત્ર ખોલી જ નાખ્યો. નમૂનો હતો એવાં જ મરોડદાર અક્ષરો. લખ્યું હતું ‘પ્રિયતમ કેતન’.

અમૃતના બંને હાથ થરથર્યા હતા, ‘આ તો પ્રેમપત્ર ? કોઈ છોકરીનો ! કેતન ઉપર.

હૃદય પર સંયમ રાખીને વાંચી ગયા અમૃતભાઈ.

‘શું છે, કહો તો ખરા ?’ રૂપકુંવર વચ્ચે બોલી પણ ખરી. પૂરેપૂરો વંચાઈ ગયો ‘તારી જાનકી’ સુધી.

બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું પરોઢના અજવાસ જેવું. આ જાનકી અને કેતન ગાઢ પ્રેમમાં હતા. ટૂંક સમયમાં જ કેતન એને ઘરે લાવવાનો હતો, પરિચય માટે.

આ સંબંધ ખાસ્સો જૂનો હતો. બેયના હૃદ મળી ગયાં હતાં. જે ભાષા વપરાયેલી હતી, જે વિગતો લખાયેલી હતી એ તો નિર્દેશ કરતી હતી કે કેતન તેને મનોમન વરી ચૂક્યો હતો. ‘જાનકી’ મારી મ્મી ના પાડે જ નહીં ને. મારી એકેય ઇચ્છા અપૂર્ણ નથી રાખી મમ્મીએ...’ એ વિશ્વાસ પણ એ જાનકીએ યાદ કર્યો હતો.

પત્રમાં છોકરીનું સરનામું પણ હતું. પત્ર લખ્યાની તારીખ પણ હતી.

‘શું આ જાનકીને કેતનની કશી જાણ નહીં થઈ હોય ?’ પત્ર હવે રૂપકુંવરના હાથમાં હતો.

પત્ર વંચાયો, ધીમાં ડૂસકાં વચ્ચે. અમૃતભાઈએ પાસે બેસીને સાંત્વના પણ આપી. બધું અશબ્દ જ.

અચાનક રૂપકુંવરે પાલવથી આંખો લૂછી નાખી. કશા નિર્ણય પર આવી હોય એમ બોલી હતી, ‘અમૃત, આ પણ અતૃપ્ત ઇચ્છા જ ગણાયને !’

અમૃતભાઈએ હકારમાં મુખ હલાવ્યું.

‘કેતન હોત તો જાનકી આ ઘરમાં જ આવી હોત ને ?’ તે બોલી.

‘બસ અમૃત, બૅન્ક ખૂલે એટલે લૉકરમાંથી એની વહુ માટે કલ્પેલાં ઘરેણાં લઈ આવો. આજે જ જવું પડશે જાનકી પાસે. મારા કેતનની એ ઇચ્છાય...’

તે ભાંગી પડી એટલું કહીને.

(કુમાર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED