Arangetral Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Arangetral

આરંગેત્રલ

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


આરંગેત્રલ

કમલીની મા નીચેના ભોંયતળિયે ઘરકામ પતાવતી હોય ને એ મેડીના ખંડની સફાઈ કરી નાખે. એ સમયે પુરુષો કાંઈ ઘરે ના હોય, જમી પરવારીને ક્યારનાય કારોબાર ચલાવતા ચાલ્યા ગયા હોય. સ્ત્રીઓ રસોડાના કામથી પરવારતી હોય, વામકુક્ષી માટે ખૂણા-ખાંચા શોધતી હોય.

અને મોટીમા છેલ્લા ખંડમાં રહ્યાં રહ્યાં બબડતાં હોય કશું. તે ક્યાં સાંભળી શકતાં હતાં, માત્ર... બોલતાં રહેતાં હતાં, મનમાં આવે એ.

દશ વરસની કમલી ઉપરનો ખંડ સાફ કરે, હાથ ભીનાં થયાં હોય એ ફરાકથી લૂછે ્‌ને પછી ડૉલીબેનની માફક જ ખૂણામાં રાખેલી નટરાજની મૂર્તિને ભાવપૂર્વક પ્રણામ કરે.

પછી બારણું આડું કરીને... નૃત્યની મુદ્રા કરે. હા ડૉલીબેન એને મુદ્રા જ કહેતી. વંદન કરવાની મુદ્રા, ખુશી થયાની મુદ્રા, રીસ ચડ્યાની...!

ડૉલીબેન એમની શિષ્યાઓને શીખવતા હોય ત્યારે તે ખૂણામાં બેસીને એકીટસે અવલોકન કર્યા કરે.

બે હાથ, બે પગ, દશેય આંગળીઓ, આંખો... એ દરેક કશુંક વ્યક્ત કરે.

‘એય... તમે લોકો જુઓ બરોબર. સ્વાતિ ક્યાં છે તારું ધ્યાન ? એમાં એકાગ્ર થઈ જવું પડે તો જ...’ ડૉલી સૂચનાઓ આપે. મુદ્રાઓ કરી દેખાડે, દશ ભેગી કમલી પણ... તાકી રહે. ‘જુઓ જમણો હાથ આમ, બેય આંગળીઓ ટેરવાથી જોડાયેલી - બરાબર આમ... અને બીજો હાથ જરા વાળીને કેડ પર...’

કમલી કરી શકતી તો નહોતી પણ બરાબર નોંધી રાખે મનમાં. ને બીજે દિવસે... એકાંતમાં તે એ બધું કરે - મુદ્રાઓ, અંગિકાઓ, અભિવ્યક્તિઓ.

આમ કરીએ એટલે જળ ને આમ કરીએ એટલે આકાશ, આંખો જરા ચડાવીએ એટલે અગ્નિ. સાથે હાથો હલવા જોઈએ. આમ કમલી - જેટલું આવડે એટલું શીખ્યા કરે. ને માને એમ થાય કે ભલે બેઠી ! એટલી હેરાન કરતી તો મટે. એનેય મજા પડતી, કામ લાંબો સમય ચાલે એમાં. વળી શું બળ્યું હતું - એના ઘરમાં ? અહીં જેટલું રહેવાય એટલું સુખ. બેકાર, ઝગડાળુ પુરુષ અને નાની સાંકડી બંધિયાર જગ્યા. અભાવોની યાદી લાંબીલચ જેવી.

એ કરતાં અહીં શું ખોટું - આ બંગલાની ઝળાહળમાં ? જમનાને આ રીતે જીવતા આવડી ગયું હતું અને આ સ્થિતિથી વાજ આવીને જ એણે નક્કી કર્યું હતું કે તે કમલીને ભણાવશે, એના જેવી હાલત તો નહીં જ થવા દે.

ઊતરેલા કપડા તો મળી જતા હતા - ડૉલીના. ઢગલો એક પડ્યાં હતાં - વરસોવરસનાં. કેયાબેન ઉદાર ખરાં. એમને કમલીની દયા આવી જતી.

ડૉલી શીખવે ને કમલી બીજે દિવસે આત્મસાત્‌ કરવા મથે. અવલોકન એટલું કે ઘણુંખરું આવડી પણ જાય.

ને ડૉલી પણ કાંઈ મોટી ભડભાદર નહોતી થઈ ગઈ, અઢાર પૂરું થઈને ઓગણીશમું ચાલતું હતું. સવારે કૉલેજ, બપોર પછી નૃત્યના ક્લાસ અને સાંજે મુક્ત પંખી જેવી.

ખુદ એણે જ નૃત્ય પરીક્ષા, પાંચ વરસ પહેલાં પસાર કરી હતી. બરાબર ચૌદમું બેઠું ને બીજે જ દિવસે ટાઉનહૉલમાં એનું આરંગેત્રલ. ફડ ફડ થતું હતું આગલી રાતે પણ સ્ટેજ પર આવી ત્યારે ડર ચાલ્યો ગયો હતો. બધું જ આવડે છે - એ ભાવ રહ્યો ઠેઠ સુધી, ને મેદાન મારી ગઈ.

પણ શીખવવું કાંઈ સરળ નહોતું. બસ, એક ધૂન ચડી, ને પાટિયું લખાવીને ચોડી પણ દીધું - ‘નેપુર નૃત્ય ક્લાસ’.

ઉપરની મેડી પર થાથા થૈયા થવા લાગ્યું. કૅસેટના ગીતની સાથે આઠદશ શિષ્યાઓ તાલ મિલાવવા લાગી - નૃત્યમુદ્રાનો.

એમની મમ્મીઓય આવતી-જતી થઈ.

‘મનેય શોખ હતો... પણ... પછી સંજોગો જ... એવાં કે...’ ગરમ ગરમ વસવસાંઓ ઝબકી જાતા.

‘બસ... એટલે જ પલ્લુને... દાખલ કરી દીધી !’ એવી સાંત્વનાઓ.

ડૉલીને મજા પડી. ડૉલીબેન... ડૉલીબેન... ડૉલીબેન થવા લાગ્યું. એનો અધિકાર એની શિષ્યાઓ પર, એની મમ્મીઓ પર.

કેટલું સારું લાગતું હતું ? પાછી લીલી લીલી નોટો પણ હાથમાં આવતી હતી એનો મીઠો સળવળાટ પણ હાથમાં થરથરતો હતો !

ને કામેય ફાવી ગયું હતું.

‘જુઓ... આન્ટી, આવતે વરસે તો બધું આવડી જશે ને પછી પ્રાર્થનાનું આરંગેત્રલ યોજીશું. જોજો તો ખરાં, તમારી દીકરી ક્યાં પહોંચી જાય છે !’

કેયાબેન તો ચકિત થઈ જતાં - પુત્રીને કામ કરતી જોઈને. ‘વાહ, કેવી ઢળી ગઈ છે - કામમાં ?’

બીજે વરસે પ્રાર્થના અને પલ્લવી - બંનેના આરંગેત્રલ યોજાયાં. ના, ટાઉનહૉલમાં નહીં, અદ્યતન સંસ્કાર હૉલમાં. શી દોડધામ રહી ડૉલીને. એક પગ અમદાવાદમાં ને બીજો પગ ઘરે. ‘વાહ... શિષ્યાઓ તો સરસ તૈયાર કરી.’ કલાગુરુએ સંતોષ વ્યક્ત કર્યો ને તે ધન્ય બની ગઈ.

ડૉલી કાંઈ એકલી ના જાય, સાથે જમનાને રાખે, અને પછી તો કમલી તો હોય જ.

એ સાંજે સંસ્કાર હૉલના મંચ પર થાથાથૈયાં થઈ ગયું. પૂરા બે કલાક - એ બે બાળકીઓનું ભરતનાટ્યમ્‌ ચાલ્યું. એક પછી એક આઇટમો રજૂ થતી ગઈ - ગણેશવંદના, નાગ-દમણ, દશાવતારમ, કૃષ્ણલીલા...!

કમલી આંખો ફાડી ફાડીને જોઈ રહી. થાય - આ બધું તો તેને આવડે છે ! તેણે રોજ રોજ જોયું હતું - એ જ હતું ! ને તે બીજી સવારે છાની છાની કરતી હતી.

તેના હાથપગમાં કંપન આવી ગયું. થયું કે તે અહીં જ આ ભીંત પાસેની ખાલી જગ્યામાં કરવા લાગે !

હૈયું આવેશમાં આવી જતું હતું. લાવ, કરું, એ બેયની સાથોસાથ. એ કરે એમ જ કરું. ભૂલ ના જ પડે. એમ જ જલ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી ભજવી દેખાડું.

કમલીય હવે બારની થઈ હતી.

બાપ કહેતો હતો કે એણે હવે કામ પર જવું જોઈએ. બાર વરસની છોકરી તો કેટલું કમાય ?

ના, એ કશું કરતો નહોતો, સિવાય કે પત્ની સાથે કજીયાં. જમની કાંઈ એને ગણકારતી નહોતી. એય બરાબર ચોડતી હતી. પણ અંતે થાકી જતી હતી. શું આમ જ જીવવાનું હતું. અલબત્ત... આસપાસના દશબાર ઘરોમાં આ જ સ્થિતિ હતી. સ્ત્રી કમાતી ને પુરુષ ઝગડા કરતો, દાદાગીરી કરતો, ખુલ્લેઆમ નશો કરતો.

પણ જમની કંટાળી જતી. ખુલ્લંખુલ્લા રસ્તા વચ્ચે કહેતી - ‘શું કરવા છે આ ભાયડાઓને ? એ બધુંય વિતાડે ને આપડે રળીને એનું ભોથું ભરવાનું ? ને એના છોકરાં જણવાના ? હું તો પાસે આવવા જ દેતી નથી. બસ, આ એકને મોટી કરીશ બાકી...’

અન્ય સ્ત્રીઓ એને ચકિત થઈને સાંભળી લેતી. આવું તે કાંઈ આમ મોંફાટ બોલવાનું હોય ? શું એનો એકનો જ...!

જમની પહેલું કામ - કમલીને શાળાએ ધકેલવાનું કરતી હતી. ચાનું પાણી પણ પછી જ મૂકે ચુલા પર.

બારની કમલીની દૃષ્ટિ મંચ પર ચોંટી ગઈ હતી.

રાત-દિવસ, સવાર-સાંજ એ બધુંય હાથના આંગળાઓ અને આંખો, હાવભાવથી ખડું કરે, ડૉલીબેન માઇક પરથી એની સમજ પાડે. તાળીઓનાં ગગડાટ થાય. સંગીત વાગે, ગીત ગવાય.

અને એના હાથપગ તરફડવા લાગે. મને કહે તો હમણાં જ કરી દેખાડું - એ જ રટાય, શ્વાસોમાં.

પણ કમલીને કોણ કહે, મંચ પર આવવાનું ? નૃત્યની વાત દૂરની થઈ. અરે, તે આ બધું જાણતી હતી, કરી શકતી હતી - એય કોણ જાણતું હતું ?

છેલ્લે - કૃષ્ણ-સુદામાનું નૃત્ય આવ્યું - તને સાંભરે છે - વાળું. આ તો તેને અદ્દલ આવડતું હતું. ભણવામાં આ કવિતા આવતી હતી, જે તે રસપૂર્વક ગાતી હતી. કેવી સરસ હતી એ કવિતા ? બધું જ સમજમાં આવી જાય.

કાર્યક્રમ પૂરો થયો ને તેણેય તાળીઓ પાડી - સહુ સાથે ડૉલીબેનની ગાડી તેને ઘર સુધી મૂકી ગઈ. ઝળાંહળાંથી પરિચિત અંધકારમાં ફરી આવી ગઈ.

એ દુર્ગંધની પણ ક્યાં નવાઈ હતી ?

માએ પૂછ્યું - ‘શું હતું નાસ્તામાં ? બરાબર... ખાધુંને ?’

કમલીએ હા પાડી, વાનીઓ ગણાવી - અન્યમનસ્ક ભાવે.

જમની પછી નિરાંતે ઘોંટાઈ ગઈ. થાક તો હોય ને આખા દિવસનો - પણ કમલીને તો ઊંઘેય ના આવી, ક્યાંય સુધી. મંચ પરના દૃશ્યો આડેધડ અથડાવા લાગ્યા મનમાં. ક્યારેક તો એવી અનુભૂતિ થઈ કે જાણે તે જ મંચ પર નાચી રહી હોય અને તેની મા સામે ઊભી ઊભી જોતી હોય !

સવારે કમલીએ માને કહ્યું - ‘મને એ બધુંય આવડે છે, કાલે થયુંને...!’

‘ઠીક... પણ ભણવામાં ધ્યાન રાખ. કેટલી વીસે સો થાય છે, તને ભણવા મોકલવામાં ?’ જમની કટુતાથી બોલી.

સાવ અનાપેક્ષિત બન્યું એ ન સમજાયું કમલીને. તે તો વખાણની અપેક્ષા રાખતી હતી. તે મૂંગી થઈ ગઈ.

જમનીએ ઘૂંટતો ચા પીધી, ઘૂંટડો દીકરીને આપી, બાકીની ઢાંકીને રાખી, ખૂણામાં પડખાં ફેરવતાં-અણગમતાં ધણી માટે. કામ પર જવાનું હતું. બે ઘર સવારે લેવાના હતા અને એક કેયાબેનનું બંગલાવાળું બપોરે. એ ગઈ પણ ખરી.

ને તરત જ એનો ધણી સળવળ્યો.

‘ક-મલી’ તે સાવ હળવેથી બોલ્યો - દીકરીને લાડ લડાવતો હોય એ રીતે જ.

‘શું બાપા ?’ કમલી, અવાજનો રણકો પારખીને એ દિશામાં ગઈ. એનો બાપ ક્યારેક જ આ રીતે બોલાવતો.

‘શું આવડે છે તને ? તું કે’તી’તી ને હમણાં !’ તે બોલ્યો અને બેઠોય થયો. દુર્ગંધ તો હજીયે હતી પણ શબ્દો કેટલાં કોમળ હતાં ? કમલી તો હરખાઈ જ ગઈ. માએ દરકાર કરી નહોતી જ્યારે બાપ તો એ વિશે પૂછી રહ્યો હતો !

કમલીએ તો હોંશથી બધી જ વાત કરી દીધી. સાથેસાથે ઓરડીની વચ્ચેની જગ્યામાં નૃત્ય પણ કરવા લાગી.

‘જુવો.... બાપા, આવડે છે ને ? કાલે થયું એ બધું જ... !’ તે તરબોળ બનતી જતી હતી.

‘વાહ કમલી વાહ ! તું તો મને વા’લી લાગે છે !’ તે પુરુષ બોલ્યે જતો હતો. એની આંખોમાં ચમક હતી.

તે ઝડપથી ઊભો થયો. તૈયાર થવા લાગ્યો.

‘લે હાલ, કમલી... તારો પોગરામ કરીએ !’

‘બાપા... મારો આરંગેલ કરવો છે ?’ છોકરી ચમકી અને થનગની ઊઠી.

‘હા-હા ઈ જ....’ એ બોલ્યો હતો.

ને કમલી ઝપાટામાં તૈયાર થઈ ગઈ. પેટીમાંથી કાઢીને નવું ફરાક પહેર્યું. વાળના ઝીંથરકાં સમા કર્યાં. ચહેરોય ધોઈ નાખ્યો - પાણીની છાલકથી.

‘બરાબર આમ જ કરીશને ? લોકોને ગમી જાય એવું !’ એણે છેલ્લ ચોકસાઈ કરી નાખી.

એક કામ પતાવીને પાછી ફરતી જમની ચોકમાં આવી ત્યારે કમલી સડકની એક કોર પર નાચી રહી હતી. આસપાસ ખાસ્સું ટોળું હતું લોકોનું. રવિવાર ખરોને ?

અને એનો ધણી ખમીસની ખોઈ કરીને... આઠ આના, પાવલી - રૂપિયો ઉઘરાવી રહ્યો હતો.

સાવ અજાણ કમલી એવી રીતે નૃત્ય કરી રહી હતી જાણે મંચ પર ના નાચતી હોય!

એને મન તો આરંગેત્રલ જ હતું એનું.

(ઉદ્દેશ)