દેવદુત Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવદુત

દેવદૂત

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


દેવદૂત

પિસ્તાલીસ વરસની જશોદા થોડી સ્થૂળ હતી, વાન ગૌર હતો, અને નમણાશેય ખરી પરંતુ દેખાવ પ્રતિ સભાનતા ના મળએ. એમ જ ફરતી હોય પડોશમાં. જરા તૈયાર થવું, વ્યવસ્થિત રહેવું એના સ્વભાવમાં નહીં. અને જબરી વાતોડિયણ. એ એની ડેલીને ઓટલે બેઠી હોય ને એની આસપાસ મધમાખોની માફક સ્ત્રીઓ ઝળુંબી હોય. લગભગ સાંજે આવું જ દૃશ્ય જોવા મળે, એ ગલીમાં.

તાળી પડાતી હોય, રસભરી વાતો થતી હોય, ખી ખી ખી પણ થતું હોય ને એમાં પ્રધાન સ્વર હોય જશોદાનો.

‘તમે તો ખરાં છો, જશોદાબેન ! કેટલું હસાવો છો ? થાકી જવાય છે હસીહસીને !’ જશોદાને એ સ્ત્રીઓ બિરદાવતી.

એની વાત કરવાની રીત જ એવી કે સાંભળનાર હસી જ પડે. અરે, ત્યાંથી પસાર થનાર પણ મરકમરક મલકી લે.

જશોદાના વખાણ જ થતાં - ‘ખરાં છો તમે, કેટલું હસાવો છો !’ પણ ખાનગીમાં બીજું જ કહેવાતું.

‘સાવ નઘરોળ છે જશોદા. કયા સખે આમ તાયફા કરતી હશે ! ખી ખી ખીમાંથી ઊંચી જ આવતી નથી. ઘરે બે પીડાના પોટલાં પડ્યાં છે એનું છે લવલેશ ? બીજી હોય તો..!’

‘બેય મૂંગીઓ ઘર પડી છે - અઢાર-અઢારની. ને છે ચિંતા ? એને પાર પાડવાની નૈ ?’

‘જાણે કોનીયે છોકરીઓ ? બસ, જણીજણીને... !’

લગભગ આવું જ કહેવાતું હતું, એની ગેરહાજરીમાં.

કોઈ વળી સહાનુભૂતિ પણ વ્યક્ત કરતું - ‘શું કરે, બિચારી ? આમ ના કરો, તેમ કરો - બોલવું સહેલું છે. ક્યાંક મન હળવું તો કરેને ? બાકી તો એનેય ચિંતા તો થતી જ હોય ને ?’

ખુદ જશોદાય ક્યારેક વ્યક્ત કરતી, એની વેદનાને. ‘કોઈ જોવે તો મોહી જ પડે એવી રૂપાળી મૂઈ છે બેય, પણ એકલાં રૂપથી શું વળે ? જીભેલ હાલવી જોવેને ?’

લોક વાતો કરતાં - ‘બેય મૂંગીઓના સાટાનું એ એકલી જ બોલે છે ને !’

‘અરે, કેશવલાલના સાટાનુંય...’

કેશવલાલ મિતભાષી. ખપ પૂરતી જ વાત કરે. જશોદા કહેતી - ‘તમને થતું હશે કે આણે કેટલાં દેવલાં પૂજ્યાં હશે કે સીધી લૈનનો વર મળ્યો ? અરે, હું તો આળસુની પીર હતી. મા કહ્યા કરે - આ વરત કર, પેલું કર. મારી કરે બલ્લા ! એકેય નથી કર્યું - મન દઈને. ને તોય નસીબ સારા કે આ ભગવાનના માણસ મળી ગ્યાં !’

સાચે જ, કેશવલાલ સરળ હતા. એ ભલા ને એમની સાઇકલ ભલી. સવારે તૈયાર થઈને નીકળી પડે. એક પેઢીથી બીજી પેઢી. સહુના હિસાબી ચોપડા લખ્યા કરે. ફાવટ સારી અને એથી પણ વિશેષ સ્વભાવ સારો. પરિશ્રમી અને ચોખ્ખા. એમની સાખ સારી, એટલે કામ મળી રહે. બપોરે કોઈ ભોજનાલયમાં જમી લે. છેક સાંજે આવે ઘેર. એ આવે ત્યારેય ઓટલા-પરિષદ તો જામી હોય. અને એમાં પ્રધાન સ્વર હોય જશોદાનો જ.

ને પછી એ સ્ત્રીઓ ખાનગીમાં નવી વાતો માંડતી.

‘સાવ દબાવી દીધો છે ધણીને. ભારે પોંચેલી છે જશોદા.’

શરૂઆતમાં જ્યારે તે નરવી હતી ત્યારે એ વિષયની ખણખોદ થતી.

‘જીવ નથી એને કેશવલાલમાં. ભલી હશે તો સાધનોય...’

‘રૂપ સાચવી રાખવું હશે એને. ફણ કોઈના ટક્યાં છે તે ટકશે ! ક્યારેક તો.... પેટનો આકાર બદલાશે જ ને ?’

પણ વલોવાતી કેવી જશોદા. કેમ આમ ? બધીયુંના સમાચાર અવારનવાર મળે. પાલવ ઢાંકે તોય પેટ તો ચાડી ખાય અને થોડાં સમયમાં સમાચાર મળે કે એ થઈ છૂટી. રૂપાળો દેવના ચક્કર જેવો રમે એના ખોળામાં.

કેવું નીચાજોણું થતું જશોદાને ?

વરસ પર વરસ ચાલ્યાં જતાં હતાં પણ કોરીકટાક.

‘એક આપી દેને, મારી કુખમાં. તારે ક્યાં તૂટો છે મારા વા’લા ?’ જશોદા આર્દ્ર બની જતી.

અંતે એક દિવસ હરખની ચીસ પડાઈ ગઈ જશોદાથી. જાણે રણમાં બારે મેઘ ખાંગાં થયા ! પતિ તો છેક રાતે આવે. એ ખુશીની વાત કહેવી હતી પણ કોને કહેવી ? કેવી રીતે કહેવી ? એ બોલકી સ્ત્રી જાણે મૂંગી થઈ ગઈ ! ને લજ્જાય થતી હતી. છેક આ ઉંમરે...!

પણ અંતે વાત પ્રસરી જ ગઈ - રૂના પૂમડામાં તેલ પ્રસરે એમ. પાડોશ હરખાઈ ગયો - ‘ચાલો... આ મોડું ના કે’વાય. આથી મોટી ઉંમરેય ખોળા ભરાયાના દાખલા છે.’

કેશવલાલને ખુશી થઈ. એય અપરાધભાવ અનુભવતા હતા. મનમાં કંઈનું કંઈ થતું હતું.

‘ભલે.... આ બોલતી નથી પણ એમ તો નૈ થતું હોયને કે...’ અને ડૉક્ટર પાસે પોતાની તપાસ કરાવવા જવાની હિંમત નહોતી. અરે, ડર હતો કે રખે...!

જાણે કેશવલાલનો જ છૂટકારો થયો ! અને પત્ની પણ કેટલી વહાલી લાગતી હતી ? સાંજે વહેલા ઘરે આવી જતા હતા. ડેલીની મિજલસો તો થતી હતી પણ જશોદાનો અવાજ, ખાસ સંભળાતો નહોતો.

કહ્યું હતુંને કાશીકાકીએ કે બહુ બકબક ના કરતી, નહીં તો આવનારેય તારી જેમ જ... બોલબોલ કર્યા કરશે.

‘જશોદા, અત્યારે તો ધાર્મિક પુસ્તકો જ વાંચવાના. ગર્ભમાંથી જ સારા સંસ્કાર પડે. શું સમજી !’

અને એ વાત જશોદાને ગળે ઊતરી ગઈ હતી.

એ તો હવે બધાંની સૂચનાઓ ધ્યાન દઈને સાંભળતી હતી.

‘જો જશોદા... આમ ન કરતી, તેમ ન કરતી. એ તો અમે છીએને ? સુવાવડ વખતેય...’

એમાં પાછું બેલડું હોવાનું નિદાન થયું અને લોકોનો રસ બેવડો થઈ ગયો.

‘વાહ... તું તો આટલાં સમયનું સાટું વાળી નાખીશ. ઈશ્વર આપે ત્યારે.... વરસી પડે છે. અને જરાય મૂંઝાતી નહીં. અમે બધાં છીએને !’

કેશવલાલે સ્થિતિની ગંભીરતા સમજીને દૂરના આધેડ વયના અનુભવી ફોઈને બોલાવી લીધાં. બરાબર સંભાળ રહે ને પત્નીની. અને એકબે નવાં કામો પમ સામેથી માગી લીધાં, કારણ કે પૈસા હોવા પણ જરૂરી હતાં. બેલડું એટલે ગંભીર મામલો ગણાય. લગભગ ચીરવું જ પડે પેટ - એટલી સમજ તો પડી જ ગઈ હતી એ પુરુષને. અને પછી ઢગલો પૈસાય જરૂરી.

ફોઈએ તો હામ આપી હતી - ‘કેશવલાલ, ગભરાશો નૈ. નબુમાસીની રમલીનેય બેલડું હતું. બધું પાધરું થઈ ગયું, વગર ચીરફાડે. હું છુંને પાછી !’

પણ કેશવલાલ જરા પણ બેકાળજી રાખવા તૈયાર ન હતા. બસ, લેડી ડૉક્ટર કહે એમ જ કાળજી લેવાની. જરા પણ ચૂક નહીં. દવા, જાળવણી, ખોરાક, બીપી ક્યાંય ગફલત નહીં રાખવાની. રોજ સાંજે પૂછપરછ કરે.

ફઈ મનોમન મલકાય - ‘આ તો ભારે વહુઘેલો !’

ફોઈની હાજરી પમ અનેક રીતે ઉપકારક હતી કારણ કે જશોદા એમની વાતો સહજતાથી સ્વીકારી લેતી.

‘જોજોને, રમતાં રમતાં આવી જશે બેય - દેવના ચક્કર જેવાં.’ ફોઈ અવારનવાર આમ બોલ્યાં કરતાં એ પણ જશોદાને સારું લાગતું.

અને પાડોશની સ્ત્રીઓ આ રટણનું પુનરાવર્તન કર્યા કરે. જોકે કેશવલાલને આ આખી પ્રક્રિયાામં માત્ર એક જ રસ હતો - પત્નીની સલામતીનો. ડૉક્ટરને પણ કહી દીધું હતું. મૂળ માણસને કાંઈ નો થવું જોઈએ. બાકી તો જે આવવું હોય... એ આવે !

પણ આમાં તો ફોઈનું કે કોઈનું ધાર્યું થોડું જ બને ! આવી ગયાં - જયા અને પારવતી.

ના, બહુ ન કષ્ટાઈ જશોદા, ચીરફાડેય ના થઈ, પણ નાખુશ થઈ ગયાં ફોઈ. કેશવ તો સાવ...!

ને વિદાય પણ લઈ લીધી - એમનું દાપું દઈને.

‘ભૈ... પાધરું પાર પડી ગ્યું એ જ યાદ કરો. જશોદાના નસીબમાં હતી તે આવી ગઈ બેય.’ પાડોશીઓએ સાંત્વનાના સૂરમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

પણ કેશવલાલ તો હળવા થઈ ગયા. પછી નવી રમત શરૂ થઈ. બેય રૂપાળી, નમણી. એકસરખી જ લાગે. બેય એક સાથે હસે !

નામ તો પાડી દીધાં - જયા અને પારવતી પણ કાયમ પ્રશ્ન થાય - આમાં જયા કઈ ને કઈ પારવતી !

બેય માટે અલગ અલગ રંગના દોરા આવ્યાં. જયાને લાલ અને બીજીને...!

અલગ રંગના ઝભલાંય નક્કી કર્યા પણ એમાંય કાયમ નિયમ જળવાય ખરો ?

કઈ રડે ને કઈ ભૂખી થઈ - એ ભાગ્યે જ નક્કી થતું. ‘આ તો રહેવાનું - એ બેય મોટી થાય ત્યાં સુધી.’ જશોદા એના સ્વભાવ મુજબ હસી પડતી.

એના ચહેરા પર સંતોષની આભા લીંપાતી ગઈ હતી. નવી જ દિશા મળી હતી - એની વેરવિખેર જિંદગીને.

સરસ લાગતું હતું - બેય દીકરીઓ સાથે. ક્યારેક મીઠી મૂંઝવણોય થતી. બેયને મા જોઈતી હોય - અલગ અલગ કારણસર.

આવું જ બન્યું, બરાબર સાતમે મહિને. ફાળ પડ પડી એને. આ બે કેમ કશું - મા...બા...પા... એવું કશું બોલતી નથી ? બસ, હસ્યા કે રડ્યા જ કરે છે ! હોઠો પર કેમ કશા શબ્દો... ?

આવી જ જાય... આટલાં સમયમાં.

એ ચિંતામાં પાડોશીઓય ભળ્યાં.

પછી ડૉક્ટરો ચિત્રમાં આવ્યા. પહેલાં નજીકનાં ડૉક્ટર, પછી દૂરના, પછી નિષ્ણાત. અભિપ્રાય આવ્યો - ‘આ તો જન્મજાત ખાતરી.’ બેય મૂંગી - જનમથી જ ? વાચા આવી પણ જાય નસીબ હોય તો. આવે ને ન પણ આવે - જીવનભર !

આકાશ તૂટી પડ્યું એ પતિ-પત્ની માથે. આમ જ ? બે આપી ને બેય... !

સોપો પડી ગયો એ ડેલીએ; અરે ! શેરીમાંય... !

ડૉક્ટરો પછી વૈદો, હકીમો, બાધા-આખડીઓનો ક્રમ આવ્યો. જેટલા મોઢા એટલા સૂચનો. ક્યાંક સહાનુભૂતિ, ક્યાંક મજાક. થાકી ગયાં એ બંનેય.

‘માતાજીને ચાંદીની જીભ ચડાવો. કેટલાંય દાખલા છે. મા તો હાજરાહજૂર છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ને પાછા બે જીભ ચડાવજો બેયની અલગ....!’

કોઈના સૂચનો અને બેયના પગ !

થયું - ભલેને મૂંગી. પાલવશું બેયને. જેવી આપી ઉપરવાળાએ. નથી કશુંય કરવું હવે તો.

સાવ અંતિમે પહોંચી જવાયું.

ને બેય પાંચ વરસની થઈ ગઈ એટલામાં.

ઊં...હું...હેં એવા સંકેતો કરવા લાગી - એકમેક પ્રતિ. સંકેતની ભાષા વિકસી.

ઓળખવા લાગી - પાડોશની આન્ટીઓને. સંતોષ એટલે હસવું ને અસંતોષ એટલે રુદન.

જશોદા શીખવવા લાગી - ઇશારાની ભાષા, અને સમજવા પણ લાગી એમના મનોભાવોને, મા ખરીને ?

જોકે આસપાસના લોકોને તો જોણું જ રહ્યું.

‘જોને, જશોદા... આ તારી જયા શું કહે છે ? ક્યારનીય ઇશારા કર્યા કરે છે હાથના !’

અને બેય થઈ આઠની. જ્યાં બોલાવે ત્યાં દોડી જાય - પડોશમાં. જશોદા મૂકી આવી નિશાળે.

‘જુઓ... બેન... મૂંગી છે બેય - જનમથી. આમ બધુંય સાંભળે, સમજે. ઘરેય શીખવાડ્યું છે. લખેય છે. જોજોને, કોઈ ખીજવે નૈ.’ જશોદાએ કેટલીય ભલામણ કરી હતી.

ઘરે કેશવલાલ શીખવે. વ્હાલ કરે એ સમજે, ગુસ્સોય સમજે. અને કામેય કરાવે જશોદાને.

અનેક સમાનતાઓ વચ્ચે, એ બંનેની ભિન્નતાઓ પણ ઓળખાવા લાગી. જયાનો જીવ વાંચવા-લખવામાં ને પારવતી રમતિયાળ. મનફાવે એ કર્યા કરે.

બેય રમે, ઝઘડે, રિસાય, મનાય, રડે - એમની રીતે. એક અલગ જ દુનિયા. વળી પૂછેય ખરી કે એ કેમ બોલી શકતી નહોતી, બીજાની માફક.

જશોદા જેમતેમ સમજાવે - ‘બધુંય ભગવાનના હાથમાં.’ ને ચીંધે ભીંત પર લટકતું ભગવાનની છબીવાળું કૅલેન્ડર. પેલી બંનેય પગે લાગવા માંડી એ છબીને.

જશોદાય વિચારમાં પડી જતી - ‘સાંભળેય ખરાં - આવા કૂમળા છોડની પ્રાર્થના.’

એક સવારે આવું જ થયું.

તે અન્યમનસ્ક બેઠી હતી ઓટલા પર. બેમાંથી કઈ પાસે હતી એનોય પૂરો ખ્યાલ નહીં. બસ, એક હતી બેઠી - પાલવ પકડીને. અચાનક એક મહાત્મા પ્રગટ થયા. સમજાયું જ નહીં કે ક્યાંથી પ્રગટ થયા ! શેરી તો લગભગ સૂની હતી.

ભગવા વસ્ત્રો, ગળામાં મોટા મણકાવાળી માળા, દાઢી, જટા અને શું તેજ કપાળમાં! જશોદા તો ભાવવિભોર બની ગઈ.

સાવ નવીન આકૃતિ. જાણે બીજા જ લોકના મા’ત્મા ! તે વિચારી રહી હતી. નમી પડી - મસ્તક ઝુકાવીને.

એનું અનુકરણ બાળકીએ પણ કર્યું.

એ એકીટસે જોયા કરે બાળકીને. મંદ મંદ સ્મિત કેવું પ્રભાવી લાગતું હતું ? જશોદા સંમોહિત થઈ ગઈ.

‘બડી નસીબવાલી હૈ યે બચ્ચી.’ અંતે એ બોલ્યા. અને એ તંદ્રામાંથી જાગી સફાળી. નસીબવાલી ? અરે, નસીબ જેવું જ ક્યાં હતું ? રૂપાળી ખરી પણ... મૂંગી !

‘બાબા, જનમસે મૂંગી હૈ. કુછ બોલ નૈ શકતી.’ જશોદાએ કહી જ નાખ્યું ઝટપટ. અને આશા પણ ખરી - બાબા પાસેથી. એ તો ચમત્કાર પણ કરે !

જશોદાએ ફરી હાથ જોડ્યા - આજીજી કરતી હોય એ રીતે. આંખોય ભીની થઈ.

‘એક દેવદૂત આયેગા. લડકીકા ઉદ્ધાર કરેગા. બડી નસીબવાલી હૈ તેરી લડકી.’ મા’ત્માએ તંતુને લંબાવ્યો.

‘બોલને લગેગી, બાબા ?’ જશોદા સ્પષ્ટ બની ગઈ.

પેલાએ હાથ મૂક્યો - માથા પર - ને આંખો મીંચી દીધી. પછી બોલ્યા - ‘ઐસા હી હોગા.’

અને ખુશીથી તરબોળ થઈ ગઈ જશોદા.

‘ઊભા રો, બાબા... એક બીજીયે છે, જનમથી મૂંગી.’ તેને તો બીજી યાદ આવે જ ને ? એકને તો વરદાન મળી ચૂક્યું હતું

તે ઝટપટ ભીતર દોડી, બીજીને ખેંચીને બહાર આવે ત્યાં તો બાબા જ ન મળે.

શેરીમાં જ ન મળે. પાસેના એકબે ઘરો પણ જોઈ વળી. હમણાં જ હતા ને ? ક્યાં ગયા - બે મિનિટમાં ?

જશોદા બાવરી બની ગઈ.

તરત સ્ત્રીઓ એકઠી થઈ ગઈ. એ તો રડતી હતી.

‘તારી ભ્રમણા હશે, જશોદા. બાબા આવ્યા હોય તો જાય ક્યાં ? શું ઓગળી જાય હવામાં ? થાય ક્યારેક આવું. મનને શાંતિ રાખવી. ભગવાન કાંઈ બધુંય આપે ?’ સ્ત્રીઓએ વાત ન જ સ્વીકારી.

ખુદ કેશવલાલનેય પત્નીની ભ્રમણા જ લાગી - ‘એકના એક વિચારો કર્યા કરે ને - એટલે વિચારવાયુ થઈ જાય ક્યારેક.’

જશોદા પ્રતિકાર કરતી - ‘ના હોં... સાક્ષાત્‌ બાબા જ હતા. આશીરવાદ આપ્યા આને. બડી નસીબવાલી હૈ તેરી બચ્ચી. બોલને ભી લગેગી. એક દેવદૂત આયેગા...!’

‘એ આવ્યો હોય ઈ લીયા વિના જાય ખરો ?’ સીધું ગણિત મંડાઈ ગયું.

‘જશોદા... ભૂલી જા એ બાબાને. આમેય તું ભાવવાળી છે. ભોળી છે. ભગવાન તારી સામે જોશે જ.’ એક વૃદ્ધ સ્ત્રીએ તોડ કાઢ્યો હતો.

‘ચિત્તભ્રમ ખાલી. રેઢા પડ્યા હશે બાબા ? અને પાછો દેવદૂત છોગાનો.’ સહુ હસી પડતાં - ખાનગીમાં. જશોદા મજાકનું પાત્ર બની જતી.

જયા અને પારવતી મોટી તો થાય ને ? નવની થઈ, બારની થઈ અને પંદરની થઈ.

હવે કેશવલાલ સાઇકલ ચલાવીને થાકી જતા હતા, ઘરે આવતાં મોડું પણ થતું હતું. મંદિર પાસે દર્શનને બહાને થાકોડોય ખાઈ લેતા હતા. જશોદાના કાળા ભમ્મર વાળમાં શ્વેત ઝાંય દેખાતી હતી.

તે ક્યારેક એકાંતમા એ બેયને પૂછી લેતી - ‘હેં અલીઓ, તમને એકેયને યાદ છે, ડેલીએ એક બાબા આવેલા ? ભગવા વસ્ત્રો, લાંબી કાઢી, માથે જટા, હાથમાં કમંડળ ! તમારામાંથી એક પર હાથ મૂક્યો હતો...’

તે અક્ષરશઃ વર્ણન કરી જતી, અભિનય સાથે, પણ પેલી બેય તો બાઘી બની જતી જાણે કશું જ બન્યું ના હોય તેમજ.

જશોદા મન મનાવતી - ‘ભૂલી ગઈ હશે ! ત્યારે હતી જ આવડી !’ ‘માત્મા ખોટા તો ન હોય.’ તે શ્રદ્ધાથી બોલતી, મનને મજબૂત કરતી.

ને ક્યારેક થઈ આવતું - ‘ખરેખર બન્યું જ હશેને આવું ? મારી ભ્રમણા તો નહીં હોયને ? સપનું તો...’

તે હાલકડોલક થઈ જતી, ઘડીભર. વળી આ વાતમાં કોઈને સામેલ પણ કરી શકતી નહોતી. મનમાં જ સમસમતી હતી.

બેય ભણી - નસીબમાં હતું એટલું. જયા વાચનની શોખીન હતી. છાપું, પુસ્તકો, પંચાંગ - જે હાથમાં આવે એ વાંચ્યા કરતી. ને એને એવી ચોપડીઓ પણ મળી જતી - આસપાસમાંથી. તે લખ્યાય કરતી - નોટબુકમાં, ઈશ્વર વિશે, પારવતી અને જશોદા વિશે, એને મળેલા મૂંગાપણાના શ્રાપ વિશે.

અલબત્ત... એ કોઈએ વાંચ્યું નહોતું.

અને પારવતીને ટાપટીપ ગમે, અરીસાનો કેડો જ ન મૂકે. સરસ તૈયાર થઈને બારી પાસે ઊભી રહે. જોયા કરે જતાં-આવતાં લોકોને.

જશોદા સ્વભાવ મુજબ બોલ્યા કરે - ‘ખબર છે, રૂપાળી છું એ ? હવે શું કરવું એનું ? હારે હારે વાચા મળી હોત તો ?’

એનું મન વલોવા લાગતું.

‘શું રૂપ જ થોડું જોવાય છે ? જીભેય ચાલવી જોવોને ? શું કરે મૂંગીઓનું ?’ તે મનોમન કંતાવા લાગતી.

બેયના ધબધબ પગલાંઓથી ઘર ગાજતું હતું. તે એકલી બકબક કરતી હતી. કેશવલાલને થાક લાગતો હતો - સાઇકલ ચલાવવામાં. આની ચિંતાય થતી જ હોયને ?

બેય - સાંજ પડે ને ડાહીડમરી થઈને કેશવલાલની પ્રતીક્ષા કર્યા કરતી. બાકી આખો દિવસ એમના મૂંગા તોફાન ચાલુ જ હોય. બેય - ઇશારાની ભાષામાં વાતો કરી લેતી હતી, ઝઘડી પણ લેતી હતી. વયસહજ ક્રીડા તો ચાલે જ ને ?

જશોદાય જાણે-અજાણે એમાં સામેલ થઈ જતી.

એમ ને એમ, બેય અઢારની થઈ. અઢાર એટલે યૌવનનું આંગણું અને કેટલીબધી સમજો આવી ગઈ, એ બંનેને ?

હવે તો બેય - છાનીછાની વાતોય કરવા લાગી, આંખોથી. પારવતી તો બારીમાં જ ઊભી હોય. વાળના પટિયા પણ ત્યાં જ પાડે. આંખો હસતી હોય ને ચકરવકર ફરતી હોય. કોઈ યુવાન નીકળે તો એકીટસે જોયા કરે. પગ પછાડે ને જયા પણ સમજી જાય કે કશું જોવાલાયક... છે બારીમાં.

તરત એ પણ હાજર થઈ જાય - બારીમાં. તરસ તો સરખી જ હોયને - બંનેને ? વાચાનો અભાવ કાંઈ વૃત્તિઓની બાદબાકી કરી શકે ? એનુંય સુખ ભોગવતી હતી એ બેય.

જશોદા બધુંય સમજતી હતી. એનેય એનો સમય યાદ આવી જતો હતો. એમને રોકવી, ટોકવી પણ કેમ ?

આ વેગ કાંઈ એમ રોકાય ખરો ?

ને પાડોશની સ્ત્રીઓને ટીકા કરવાનો સામાન મળી ગયો.

‘જશોદા તડાકા મારવામાંથી ક્યાં ઊંચી આવે છે ? ખસતી જ નથી બારીમાંથી. કોઈ જુવાન જોયો ને ડોળો... ડળક્યો. મૂઈઓ પાછી કેટલી રૂપાળી છે ! એકાદી ભાગી ન જાય તો કે’જો મને ?’

‘ઓલીના તો લખણ જ એવા છે. ને જયા પણ એના વાદે...’

જશોદા તડાકા મારતી હતી એ કબૂલ પરંતુ એ તો એના દુઃખ ભૂલવા. એટલો સમય મન રોકાયેલું રહે એ માટે. બાકી એને બધું ભાન હતું. લોકોક્તિઓથી પણ અજાણ નહોતી જ.

‘દૂબળાં ઢોરને બધાંય ઢમઢોરે. બારી કોની છોકરિયું આમ નથી કરતી ? ટે’મ થાય ને આ ખંજવાળ ઊપડે. ઇ તો દેવ જેવા દેવનેય...’ તે મનોમન વિચાર્યા કરતી, અટવાયા કરતી.

અને તરત ભવિષ્યવાણી યાદ આવી જતી. કોઈ દેવદૂત આયેગા... હવે તેને એટલો આનંદ નહોતો થતો, શ્રદ્ધાય હાલકડોલક થઈ જતી.

‘અરે, આ તો ઠાલાં આશ્વાસનો. ક્યાંથી આવવાનો હતો દેવદૂત ? આકાશમાંથી, શેરીમાંથી પણ અંતે આવવાનું તો ડેલીમાંથી જ ને ? કોની વાટ જોવે છે... ? ડેલી તો ખૂલી જ છે - આઠેય પોર ! હશે કોઈ બાવો-જતિ. ખાલી થૂંક ઊડાડતો ગયો. એને શું ખબર - શું થતું હતું, બે મૂંગીઓની જનેતાને ? એય પુરુષજ ને - આમના બાપા જેવો ?’

ઉકળી ઊઠતી જશોદા, એવી રીસ ચડતી કે કેલેન્ડરની છબી સામે આંખોય નહોતી મેળવતી !

આવી સ્થિતિમાં બધો રોષ કેશવલાલ પર જ વરસે એ સહજ વાત હતી.

કેશવલાલે પત્રો લખી નાખ્યા - સગાં, ઓળખીતાઓને. ‘ભૈ, ગોતજોને જયા અને પારવતી માટે. હા... બેય ઓગણીસની. રૂપાળી છે વાને. કામકાજેય પાવરધી. હા મૂંગી છે જનમની. એય મૂંગા ય ચાલે ને... બીજાય..!

જશોદા... રીતસર ચિંતામાં પડી ગઈ. બે ભેગી ત્રીજી પણ મૂંગી થઈ ગઈ. અને કેશવલાલ તો મિતભાષી જ હતા - પહેલેથી. ડેલી સૂની, નિસ્તેજ થઈ ગઈ.

રોજ ટપાલની રાહ જોવાતી હતી. કેટલાયને કાનોકાન વાત નાખી હતી. ભૈ... જોજોને, બેય મૂંગીઓ માટે. ચાલશે - જેવા હશે તેવા. બસ, છોકરી રોટલે દુઃખી ના થાય નૈ...!

પણ જયા તો આ સ્થિતિમાંય દુઃખી થતી હતી. બધી જ ગતિવિધિઓ તે અજાણ તો નહોતી. ખબર હતી કે પરણવું એટલે શું.

‘પપ્પા... કેવું કેવું લખી રહ્યા હતા સગા-સંબંધીઓને ? ચાલશે ગમે તેવો...!’ તેને કમકમા આવી જતાં.

જ્યારે પારવતીને કશું જ નહોતું. તે તો સંકેતની ભાષામાં કહી દેતી - ‘પરણ તું જેવાતેવાને. હું તો રાજકુમારને જ પરણીશ...!’

પત્રોનું પરિણામ ન આવતાં, બીજી વાર પત્રો લખાયાં. એમાં આર્દ્રતાની માત્રા વધુ પ્રમાણમાં રાખી.

‘ભૈ... ગોતજો, ગમે તેમ કરીને. હવે તો બેય એકવીસની... થઈ !’

જયામાં પણ સમજ આવી ગઈ - ઠીક મળે તો પરણી જવું. ઠીક એટલે કેવો પુરુષ એની કલ્પનામાં લાગી જતી.

એક સાંજે ડેલી ખખડી. અજાણ્યો જ હાથ લાગ્યો - સાંકળ ખખડાવતો.

જયા તાવમાં પટકાઈ હતી. જશોદા ભીનાં પોતાં મૂકતી હતી કપાળ પર.

અને પારવતી ચોકની દુકાને કશું ખરીદવા ગઈ હતી.

જશોદાએ જોયું તો ભલીમાસી, પાછાં એકલાં નહીં - સાથે એક બત્રીસ-તેત્રીસનો કાળો પુરુષ. કુરૂપોય ખરો.

ભલીએ ડેલીએથી બોલવાનું શરૂ કર્યું - ‘લે, તું લખ લખ કરતી’તી ને - મુરતિયો બતાવો. જો આ જેન્તીને લાવી છું સાથે. તારી એકનું તો જાણે પતી ગ્યું સમજ. બહેરો-મૂંગો છે પણ સારું કમાઈ લે છે. ઓરડીયે છે ભાડાની. આ ભલીનું કામ કાચું ન હોય. એમ તો એને બોલતીયે મળે છે. સમજાવીને તેડતી આવી. ક્યાં છે કેશવલાલ ? ન હોય તો બોલા એમને. સગપણ સાંધામાં પુરુષની હાજરી જોવે જ. ભલે પછી આપણું ધાર્યું કરીએ. શું કૈશ જશોદા ?’

તે એકીશ્વાસે બોલી ગઈ, ને પછી જેન્તીને ઢંઢોળ્યો, ‘હાલ... અંદર. ઘર જ છે આ તો. ને તારું તો સાસરુંય...’

જશોદા જરા ડઘાઈ ગઈ. આ જેન્તી. એની કલ્પના બહારનો પુરુષ હતો. વિચારમાં પડી ગઈ - ગમશે જયાને ? પારવતીને તો ક્યાંથી ગમે ? એ કેટલી નખરાળી હતી ?

આમ તો ખુદ જશોદાને જેન્તી ક્યા નજરમાં આવ્યો હતો ? આની સાથે... મારી... જયલીનું કરવાનું ? બેક લખલખું પસાર થઈ ગયું - દેહ સોંસરવું.

એ દરમિયાન, તાવલી જયાનેય ખ્યાલ આવી ગયો કે શી ઘટના ઘટી રહી હતી. થોડું દેખાતું હતું - અધખુલ્લા બારણામાંથી. એ થનથની ઊઠી. આખરે એનેય પરણવું જ હતું ને ? કેટલા વિચારો કર્યા હતા - આ બાબતમાં ?

ક્યારેક સુખ મળતું તો ક્યારેક હતાશા.

અત્યારે તો તે રોમાંચિત થઈ ગઈ હતી - નખશિખ.

ખ્યાલ આવ્યો કે કોઈ વૃદ્ધા હતી. ને સાથે એક પુરુષ !

વાહ... આખરે રણનું ભાગ્ય જાગ્યું હતું. બેઠી થઈ ગઈ પથારીમાં. વસ્ત્રો ઠીક કર્યા, વેરવિખેર વાળને હાથ ફેરવીને સરખા કર્યા.

ને પછી તાકી રહી બારણામાં.

પ્રથમ ભલી આવી ભીતર. પાછળ ગભરાયેલી જશોદા અને એની પાછળ પેલો કાળો બેડોળ જેન્તી !

જયાની કલ્પનાઓ એક પળમાં જ જમીનદોસ્ત થઈ ગઈ. આ...? શું આની સાથે...? હચમચી ગઈ.

અને ચીસ પડી ગઈ જયાથી. શબ્દોય નીકળ્યાં સાથે, ‘ના... મમ્મી ઈ... આ તો નહીં જ...’

અરે ! આ તો ચમત્કાર ? મૂંગી બોલી ! જનમથી મૂંગી... જયલી બોલી !

જશોદાના હર્ષનાદથી આખું ફળિયું ગાજી ઊઠ્યું.

હજીેય જયા તો બકબક કરતી જ હતી - નર્યા આવેશમાં.

જશોદાને બાબા યાદ આવ્યા. તેમણે જ કહ્યું હતું ને - દેવદૂત આયેગા. લડકી કો વાચા..!

તો શું જેન્તી દેવદૂત ? હા... એ જ... મનના પરદા ખૂલી ગયા. ક્યાં છે જેન્તી - દેવદૂત ?

જશોદા તપાસ કરતી કરતી ડેલીએ આવી ત્યારે ભલી અને જેન્તી શેરીના વળાંક પાસે પહોંચી ગયા હતા. ભાવવિભોર જશોદાના હાથ આપોઆપ જોડાઈ ગયા - એ દિશામાં.

(શબ્દસૃષ્ટિ)