A Loko, Aa Loko Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

  • ભાગવત રહસ્ય - 76

    ભાગવત રહસ્ય-૭૬   જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને...

  • જીવનનો દાવ હારવો

    રવિ, 22 વર્ષનો યુવાન, એક મધ્યમવર્ગીય Gujarati પરિવારમાં જન્મ...

શ્રેણી
શેયર કરો

A Loko, Aa Loko

એ લોકો, આ લોકો

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


એ લોકો, આ લોકો

મકાન જોતાં વેંત જ પસંદ પડી ગયું. નવું તો નહોતું પમ નવાં જેવું જ હતું. સુનંદાનો ચહેરો ખીલી ઊઠ્યો. તેણે પતિને ખુશ જોયાં.

‘સાહેબ... આવું મકાન આટલી કિંમતમાં મળે જ નહીં.’ મકાનના દલાલે વાતને મલાવવી શરૂ કરી. તેણે ગ્રાહકની પ્રસન્નતા જોઈ હતી. તેણે વાતને પળ ચડાવ્યો.

‘આ તો પરીખ સાહેબને પરદેશ જવું છે ને એટલે, બાકી આ લગડી ચીજ આમ ના મળે.’

અને પછી તરત વાતને અંકે કરવાની ઇચ્છાથી બોલ્યો - ‘જણાવી દઉં મોબાઈલ પર ?’

‘હા... ભાઈ. કહી જ દો. અમને મકાન ગમ્યું છે.’ સુનંદા ઉતાવળે બોલી ગઈ હતી.

આ વાત માંડ સરાણે ચડી હતી.

અને બે દિવસમાં તો બધી વિધિઓ પણ આટોપાઈ ગઈ. ‘આ મારે તાત્કાલિક જવાનું થયું ને !’ પરીખ સાહેબે પણ એ જ ગાણું ગાયા કર્યું.

ખુશખુશાલ થઈ ગયાં - એ બન્ને. છેલ્લાં એક માસ દરમ્યાન કેટલી રજળપાટો કરી હતી ? રોજ સાંજ પડે ને નીકળી પડે મકાનો જોવા. મિત્રો પણ મદદે લાવ્યાં હતાં પણ ક્યાંય ઠેકાણું પડતું નહોતું.

ક્યાંય મકાનનું પતતું નહોતું એથી સુનંદા અકળાતી હતી. દૂરની માસીને ત્યાં કેટલો સમય પડ્યાં રહેવું ? જોકે એ લોકો કશું કહેતાં નહોતાં પણ મીઠા ઝાડના મૂળ થોડાં ખવાય?

વતનનું મકાન વેચાયું હતું એના પૈસામાં જ. ખુશી તો થાય જ ને ? ખરેખર નસીબ જ ગણાય. દલાલ સાચું જ કહેતો હતો. નસીબદારને જ મળે આ લગડી ચીજ. અને સાવ સસ્તામાં જ.

મોટો વિશાળ ચોક, ને પાછી ગલી આવે. એમાં પાંચમું જ મકાન. સાવ શાંતિ. ચોકની ભીડ, અશાંતિ તો દૂર રહી જાય. મેડીબંધ મકાન. એક દાદર ગલીમાં બારોબાર પડે ને બીજો અંદર ફળીમાં. ફળી નાની પણ સગવડતા બધી.

નળ, ચોકડી, કપડાં સૂકવવાની દોરીઓ, તુલસીનું કૂંડું, જૂઈ-કરેણના ક્યારડા - બધું ય એમ જ હતું.

મકાન ગમી ગયાની ખુશીથી સુનંદા લથબથ હતી. અને રસેશે તો તરત જ મકાનની શોધ પર પૂર્ણવિરામ જ મૂકી દીધું હતું. કિંમત ધાર્યા કરતાં ઓછી ને દલાલના શબ્દોમાં, લગડી માલ ! મનમાં બેસી ગયું આ મકાન.

બધું ખૂબ જ ત્વરાથી પતી ગયું.

મકાનમાલિક પણ ઉતાવળમાં જ હતા. અરે ! નક્કી કરેલી કિંમતમાંથી પચીસ હજાર ઓછા કર્યાં.

સુનંદાએ પતિને સંકેત કર્યો - ‘ફાવી ગયા, આ તો !’

મકાન ખરીદવા માટે, આ નગરમાં કેટલી રજળપાટ કરી હતી - એ બન્નેએ ?

મકાન પસંદ પડતું તો કિંમતમાં મેળ નહોતો પડતો. અને પરવડતી રકમમાં મળતું મકાન, જોવું પણ ના ગમે એવું મળતું.

હતાશ થવાની ઘડી આવી રહી હતી.

રસેશે તો નિર્ણય કરી પણ નાખ્યો હતો - ‘નથી લેવું મકાન. ઠીક છે જ્યાં પડ્યાં છીએ ત્યાં !’

પણ સુનંદા ત્રાસી ગઈ હતી - એ વ્યવસ્થાથી.

અને ચમત્કાર જેવું જ થયું. રણછોડભાઈ એમને ખરેબપોરે આ મકાન જોવા લઈ આવ્યા.

મેડી દેખાડી. રવેશ જોઈને તો સુનંદા ઝૂમી ઊઠી.

‘અહીં સાંજે તો જામે.’ તેણે પતિને ધીમેથી કહ્યું હતું. ગલીમાં સામસામા રવેશો હતા.

‘કેટલી વસ્તી રહેશે ? એકલતા તો લાગશે જ નહીં.’ તરબોળ થઈ જવાયું. નસીબ તો ખરાં જ. નહીં તો આવું સરસ મકાન પ્રાપ્ત થાય ખરું ?

રાતે મકાનની વાતોએ ઊંઘ પણ ક્યાંથી આવે ? ન જ આવી - એ બેયને.

‘પાયલને કેટલું ગમશે ? આખો ખંડ એનો એકલીનો !’ સુનંદા પળભર પાયલ જ બની ગઈ !

બે દિવસમાં તો તેણે કલ્પના મુજબનું ઘર સજાવી પણ નાખ્યું. બધું મનમાં તો ગોઠવાઈને પડ્યું જ હતું. તેણે ઓપ આપી દીધો. એ કલ્પનાને.

પછી પૂજાઘરમાં ઝળઝળાં કરીને ઊભી રહી ઠાકોરજી સામે સ્નાન કરીને... અરીસા સામે ઊભી રહી. ત્યારે આટલી નિરાંત મળી હતી - અરીસામાં જોવાની પણ ?

ત્યાં તો કેટલી સંકડાળ હતી - જગ્યાની ? હવે તો સરસ તૈયાર થશે, સવાર-સાંજ. રૂપાળી બેસશે રવેશમાં !

સાંજનો સમય ખોબે ખોબે માણશે !

માંડ ચોથી સાંજે એવો સમય મળ્યો.

પાયલની નવી સ્કૂલનું નક્કી કર્યું. એ પછી યુનિફોર્મ, સ્કૂલબૅગ એવા વૈતરણાંમાં બે દિવસ ગયા. રિક્ષાવાળાની વ્યવસ્થાય કરી નાખી.

ચોકમાં જ એનું સ્ટોપ હતું. સમય પણ લગભગ નિશ્ચિત થઈ ગયાં - જવા, આવવાનાં. એક દિવસ તે ગઈ પણ ખરી. નવું ઘર, નવી સ્કૂલ - બધું નવું જ હતું એટલે ગોઠવવામાં સમય લાગે જ.

‘તારી મ્મી પમ આવું જ અનુભવી રહી છે - નવું નવું !’ તેણે હરખથી પાયલને કહી નાખ્યું.

‘ઘર સરસ છે. નસીબ આપણાં ભળ્યાં હશે ને ?’ તેણે કેટલી વાર આ વાક્ય ઉચ્ચાર્યું હતું - પતિ પાસે, પાયલ પાસે ?

છેક ચોથી સાંજે શણગાર સજીને ઊભી રવેશમાં. ક્યાં આવ્યો હતો પતિ - ઑફિસેથી?

રસેશને ઘણી જવાબદારીઓ હતી. ઑફિસમાં તે મૅનેજર પછી નેક્સ્ટ મેન હતો. કાલ સવારે બઢતી મળી પણ જાય.

પવન સરસ હતો. દૂરના ઘેઘૂર લીમડાઓમાંથી ચળાઈ ચળાઈને આવતો હતો. ખૂબ ગમ્યું સુનંદાને. ઓઢણી ખભા પર પણ ક્યાં રહેતી હતી ?

અજવાળું ઓગળી રહ્યું હતું. વૃક્ષોની ટોચે ફરફરતી છાયાઓ સરસ લાગતી હતી. દૂર, ભીડવાળા ચોકનો કોલાહલ વધ્યો હતો.

અને હવે તો આ શાંત ગલીમાં પણ અવરજવર વધી હતી. હમણાં આ લોકો સાથે પતિ પણ આવશે જ ને ? સુનંદા વિચારતી હતી.

અચાનક તેને ભાસ થયો કે રસ્તા પરથી કોઈ તેને જોઈ રહ્યું હતું, ટીકી ટીકીને.

તેણે ઝટપટ નીચે દૃષ્ટિપાત કર્યો. હા, એમ જ હતું. ત્રણચાર પુરુષો, મવાલી સરખા પુરુષો, એને જાણે આરપાર તાકી રહ્યાં હતાં. એ ચહેરાઓ પર વિચિત્ર હાસ્ય હતું. એ જાણે સુનંદામાં રહેલી સ્ત્રીને જઈ રહ્યાં હતાં, પી રહ્યાં હતાં.

તે છળી ઊઠી - અરે, શરીર પરની ઓઢણી તો એના હાથણાં હતી. તે તો મોજથી ઊભી હતી.

એ નજરો ઓળખાઈ.

સુનંદા તરત જ ભીતર ધસી ગઈ. અને પેલાંઓ ખડખડાટ હસ્યાં. સાવ નફ્ફટલાગ્યાં. આ વિસ્તારાં આવાં તત્ત્વો ? તેના મનમાં ફડક પેસી ગઈ.

ત્યાં જ એક અવાજ આવ્યો ‘ચીજ છે, ચીજ !’

તરત જ અનુસંધાન થયું, બીજા કામુક અવાજનું - ‘ક્યા લેતી હોગી ?’

અને પછી હસી પડ્યું એ ટોળું.

બારણા પાછળ ઊભી ઊભી સુનંદા જાણે સળગી જ ગઈ, બેચાર પળમાં બધું વિખરાયું હોય એમ લાગ્યું, તે બહાર આવી રવેશમાં. એ લોકો તો ગલીના વળાંકે હતાં. ‘સાવ છાટકાં જ !’ તે તણખાઈ. ઓઢણી બરાબર કસી શરીર પર.

‘કેવું અભદ્ર બોલતાં’તાં ? જાણે હું કોઈ - બજારું - ચીજ !’

ધ્યાનથી જોયું ગલીમાં. બધી અવરજવર એક જ દિશામાં થતી હતી. અને લગભગ પુરુષો ! એય મોટાભાગે આવાં જ. પેલા, ગલીના વળાંકથી વળી જતાં હતાં. શું હશે ત્યાં? એ લોકોનો કોઈ અવસર હશે ? આવાં લોકોનો કોઈ અવસર હોય જ ને ? અવરજવર એક જ દિશામાં અવિરત હતી. કોઈના પગ લથડતાં હતાં તો કોઈ શણગારાઈને જતાં હતાં.

આસપાસના રવેશમાં હજી શૂન્યતા જ હતી. હા, બારીઓ પ્રકાશથી ઝળહળતી હતી. અવાજોય આવતાં હતાં - સ્ત્રીઓનાં પુરુષોનાં. પણ કેમ કોઈ એની માફક...!

અને નીચે તો વણઝાર જતી હતી - અભદ્ર લોકોની. એક જ દિશાાં. એક બે ફૂલ ગજરાવાળાં છોકરાં પણ હારબંધ ગોઠવાઈ ગયા હતા, કાયમ આવતાં હોય એટલી સહજતાથી.

સુનંદાને શંકા ગઈ કે ક્યાંય આટલામાં તો... એવું કશું નહીં હોય ને... બદનામ સ્ત્રીઓના વસવાટ જેવું ? આ જતાં-આવતાં પુરુષો તો એવાં જ લાગ્યાં.

બધાં જ ગલીના વળાંક પાસે જતાં હતાં. બસ, એ તરફ જ હતું કશુંક. તે પરસેવે રેબઝેબ થઈ ગઈ, એટલી વારમાં. પવનની લેરખીઓ પણ વીસરાઈ ગઈ.

શું એટલે જ આ બારીઓ, બારણાંઓ ખોલાતાં નહીં હોય સાંજે ?

રસેશ મોડેથી આવ્યો ત્યારે પણ ગલીના રંગો આ જ હતા. તેને પણ શંકા તો ગઈ. અને ચિંતા પણ પેઠી.

ના, બેય પોતપોતાની ચિંતાઓ સાચવીને સૂતાં રહ્યાં - પથારીમાં. કોઈ સામા પાત્રને આઘાત પહોંચડવા ઇચ્છતું નહોતું.

પણ બીજી સવારે ભેદ ખૂલી જ ગયો. સવારે આખી ગલી બીડી-સીગારેટના ઠૂંઠાઓ, ફૂલોની કરમાયેલી, કચડાયેલી પાંખડીઓ, પાનની પિચકારીઓનાં લાલ ડાઘાઓથી ભરેલી હતી. બે નાની છોકરીઓ એ કચરાને ખંખોળતી હતી. કશું મેળવવા માટે. કદાચ મળતું પણ હતું - સિક્કાઓ જેવું.

સુનંદાને રાતે ઊંઘ નહોતી આવી. સવારે તો આ જોઈને રડી જ પડી. આ ક્યાં આવી ચડ્યાં ? આ તો સસ્તાં ભાવને નામે છેતરાયા હતા. રોજ સાંજ અને રાત આમ જ પસાર કરવાની ?

સામેવાળા અમીબેન પાસેથી સત્ય જાણવા મળ્યું ત્યારે તો થીજી જ ગઈ.

‘ના બેન... એ લોકો કાંઈ દૂર નથી. આ ગલીના વળાંક પછી એ લોકો જ છે - હારબંધ. રવેશમાં ક્યાં આવી શકાય છે. મારી રેશમને તો માંડ સમજાવી ને રાખું છું. ઘરના ઘર એટલે એ મૂકીને જઈએ પણ ક્યાં ? અમે દશ વરસ પહેલાં અહીં આવ્યાં ત્યારે તો આ પાપ હતું જ નહીં. આ તો ધીમે ધીમે પગપેસારો થયો. હવે તો આ - આટલાં ઘરો જ બાકી રહ્યાં છે. બાકી આખો વિસ્તા...!’

સુનંદા રડી પડી. રસેશ પણ ઉદાસ થઈ ગયો. સમજ પડી કે દલાલ શા માટે ભરબપોરે મકાન દેખાડવા લાવ્યો હતો, અને શા માટે આટલી ઉતાવળ થતી હતી - સોદો પાર પાડવામાં ? પચીસ હજાર ઓછાં પણ... એ જ કારણોસર કર્યા હશે !

માંડ મળ્યો હોઈશ હું - એ લોકોને ? અને પેલી પરદેશ જવાની વાત પણ તરકટ જ.

આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે શું ?

અમીબેન વયમાં સુનંદાથી મોટા હતા, અનુભવી પણ ખરાં. કહે - એમ ચિંતા ના કરાય. બસ, ના જવું રવેશમાં, ડેલીમાં - એ સમયે. તમે ક્યાં એકલાં છો ? આપણે પાંચેક પરિવારો છીએ !

આખરે બીજો વિકલ્પ પણ શો હતો ? પરીખની માફક કોઈને ફસાવી શકાય તો જ મુક્તિ હતી. અને એ કાંઈ સરળ નહોતું.

સવારે દશ વાગ્યા પછી એ સ્ત્રીઓ આ તરફ આવતી એક બેના જૂથમાં. નીચેની ચારપાંચ દુકાનો પર એ સ્ત્રીઓ ખરીદી કરતી.

સુનંદા જોઈ રહેતી - એમને પસાર થતી. કાં તો શૂન્યમનસ્ક હોય, થાકેલી, હારેલી અથવા કશી વાતો કરતી હોય. ક્યારેક હસતી પણ હોય.

ચોકની આ તરફ એક દુકાન પર કોઈ ડૉક્ટરનું પાટિયું હતું. ત્યાં પણ પાંચછ સ્ત્રીઓ બેઠી હોય.

આખરે આ બધી જિંદગી જીવવાની મથામણો જ હતી ને ! સુનંદા વિચારતી.

આ બધું કાંઈ ગમતું થોડું હોય, એ તો ગમતું કર્યું હોય. આ બધી સ્ત્રીઓ જ હતી - નખશિખ તેના જેવી જ ! પેલા નિર્લજ્જ પુરુષો આમની પાસે જતાં હશે ને ?

કેવી અલગ દુનિયા હતી ! અને પાસે, સાવ પાસે જ, એના ઘરથી સો ફૂટના અંતરે.

કમકમાં આવી ગયા સુનંદાને.

પણ પછી ટેવાવા લાગી. તે પાયલને રિક્ષામાં મૂકવા જાય ત્યારે એકબે તેની સામે જોતી હોય. આંખો મળે, બેચાર પળ પૂરતી.

રોજનું થયું. હવે તે દૃષ્ટિ ફેરવી લેતી નહોતી. ક્યારેક થતું - આ બધી શા માટે પડી હશે આમાં ? અરે, શું બીજો માર્ગ ન મળે ? મળે જ... જો ઇચ્છા હોય તો. આ તો એ લોકોને જ બહાર ના નીકળવું હોય તો શું થાય ?

ના... આ તો ખરેખર નીચ સ્ત્રીઓ જ હતી. અમીબેન છે ! બાકી... શું થાય એનું - આ સોનામાછીમાં ? તેને રોમામાસીએ કહ્યું હતું - ‘સુનંદા... એ લોકો ધારે તો આખા કલકત્તાને સોનામાછી બનાવી દે. અભદ્રતાની સીમા આવી જાય. શું કરીએ ? એ ગલીઓમાં જ પસાર થવું પડે ત્યારે જરા ખળભળી પણ હતી, બેચાર સારાં ખરાબ વિચારો પણ આવ્યાં હતાં. પણ પછી એ વાત સાવ છટકી ગયેલી.’

પણ હવે તો આ સોનામાછી જ લમણે લખાયું હતું.

તેણે વ્યંગમાં રસેશને કહ્યું પણ ખરું - ‘કોઈ સરનામું પૂછે તો શું કહેવું - સોનામાછી પાસે ?’

એમાં પાછું બળતામાં ઘી હોમાયું.

એક બપોરે... સમય થયો તોપણ પાયલ ના આવી. જીવ ઊંચો થઈ ગયો સુનંદાનો. ચોકમાં કોઈએ કહ્યું કે રિક્ષા તો આવી ને ગઈ એથી એની ચિંતાનો પાર ના રહ્યો. કેટલાંય વિચારો આવી ગયાં. ક્યાં ગઈ પાયલ ? કોઈ... લઈ ગયું હશે ? આજકાલ શહેરમાં કેવાં બનાવો બની રહ્યાં હતાં.

બસ... ત્યાં જ એ દેખાણી, કોઈ સ્ત્રીની આંગળીએ. કોઈ સ્ત્રી શું, એ લોકોમાંની જ હતી એક !

કહેતી હતી - બેબી રો રહી થી, બડાબાજાર મેં પહચાન લિયા, બસ... લે કે આ ગઈ, અપને સાથ.

તો આ લઈ આવી - આંગળી પકડીને ?

પાયલ હજુ તો સ્વસ્થ હતી. તે તો બોલી પણ ખરી - ‘આન્ટી, થેંક્યુ.’

પણ સુનંદા અસ્વસ્થ બની ગઈ. રિક્ષાવાળો કેવો બેદરકાર ગણાય. આગલા સ્ટોપે ઉતારી મૂકી પાયલને ? હવે આ બધઆં ઓળખાણવાળાં ?

સુનંગા ઘૂઘવાતી રહી - આખી બપોર અન સાંજ. શું પડોશ મળ્યો હતો ?

અને અમીબેને પૂરું કર્યું - ‘માની લો કે પાયલને બીજી દિશામાં લઈ જાય તો ! ભલું પૂછવું એ નિમ્ન સ્ત્રીઓનું.’

રસેશે ઘણું સમજાવી પત્નીને પણ એ તો કશું સમજવા તૈયાર જ ક્યાં હતી ?

એક બપોરે પાયલે રવેશમાંથી સાદ પાડ્યો - ઉમળકાથી ‘મમ્મી, પેલાં આન્ટી જાય.’

સાચે જ એ દિવસવાળી સ્ત્રી રવેશ પ્રતિ જોતી જોતી પસાર થતી હતી.

અને સુનંદા સમસમી ગઈ. એક થપાટ લાગી ગઈ, પાયલના કૂમળા ગાલ પર. સાવ અકારણ જ.

‘એ લોકોના આંસુ પણ બનાવટી, સ્મિતોય બનાવટી. એ જાત જ બનાવટી !’ તે રોષથી બોલી.

પણ આમાં કશું નવું બનવાનુ નહોતું. આમાં જ વસવાનું હતું. અમીબેન તો દશ વરસથી... રહેતા હતા. હવે તો બાર વરસની રેશમ એ વિશે પ્રશ્નો પણ પૂછતી હતી. સાલ બે સાલ પછી પાયલ પણ પૂછશે.

એ પછી એકબે વેળા તેણે પણ સ્ત્રીને પસાર થતી જોઈ હતી. હસે વીસ-બાવીસની. આમ તો પરણાવવા જોગ. ના, હવે એ રવેશ તરફ નજર માંડતી નહોતી. નીચી નજરે ચાલી જતી હતી. ખ્યાલ આવી ગયો હશે એને, સુનંદાની નફરતનો ?

એક બપોરે સુનંદા આડેપડખે થઈ હતી. ને ડેલી ખખડી. કોણ હશે - એ પ્રશ્ન, સુનંદા છેક ડેલીએ પહોંચી ત્યાં સુધી ટિંગાતો રહ્યો. રસેશ ના હોય. અમીબેન તો ડોલબેલ દબાવે જ્યારે આ તો... કોઈ ડરતાં ડરતાં ડેલી ખખડાવતું હતું.

જુએ તો... પેલી - ત્રણચાર સ્ત્રીઓ. ઉદાસ ચહેરાંઓ. એમાં એક તો, પાયલને આંગળી પકડીને લાવનાર સ્ત્રી હતી. એ તો લગભગ રડતી જ હતી. હમણાં હમણાં જ એણે એનાં આંસુઓ ગાલ પર લૂછ્યા હોય એમ લાગ્યું.

એના હાથમાં તાર હતો - એ સમજાયું સુનંદાને. અચ્છા તો તાર આવ્યો હતો એ વંચાવવો હતો. બપોરે કોઈ મળ્યં નહીં હોય - તાર વાંચવાવાળું એટલે આ ડેલી ખખડાવી હશે ! સમજ પડી સુનંદાને.

થવું હતું પણ સુનંદા કઠોર ના બની શકી. એ સ્ત્રી જ પાયલને લઈને આવી હતી - બડાબજારમાંથી.

ચારેય ચહેરાંઓ પર ઇંતેજારી હતી, પણ એ સ્ત્રી તો જાણે સમજી જ ગઈ હતી કે તારમાં શું હતું.

સુનંદાએ તાર વાંચ્યો. હા, મૃત્યુ જ હતું તારમા. તે ગંભીર બની ગઈ.

‘આમાં રેણુ કોણ છે ?’ તે વાંચીને બોલી. નામ રેણુ - એને ગમ્યું પણ ખરું. થયું - આવાં નાો પણ હોય, એ લોકોમાં !

પેલી પરિચિતા જ આગળ આવી.

‘સાંભળ...’ સુનંદા બોલી. એક પળ અટકી જવાયું.

‘કોણ છે સારંગી - બનારસમાં ?’ તે ફરી બોલી.

‘આની મા થાય એ - સારંગીબાઈ.’ બીજી બોલી હતી.

‘એનું મૃત્યુ થયું છે - પરમ દિવસે.’ સમાચાર પૂરેપૂરા અપાઈ ગયા.

પેલી રેણુ રડી પડી, ધોધમાર રડી પડી.

‘અસકી મા થી. વો હર મહિને મનીઑર્ડર ભેજતી થી.’

ત્રીજી બોલી.

વાતાવરણ ગમગીન બની ગયું.

અચાનક... એક સ્ત્રીએ રેણુને કહ્યું - ‘બેનજી સામે આમ રડાય ? ચાલ... ત્યાં રડજે.’

સુનંદા દ્રવી ગઈ. આ તો એકદમ સાચાં આંસુ હતાં.

આ પણ સાચુકલી સ્ત્રી હતી. લાગણી ક્યાં કોઈની જાગીર હતી ?

એકાએક સુનંદા આગળ આવી - રેણુ પાસે. એના બરછટ, અસ્તવ્યસ્ત મસ્તક પર હાથ મૂક્યો, વાંસા પર થપથપાવ્યું.

‘રેણુ... મૃત્યુ ક્યાં આપણાં હાથની વાત હતી ! જેવી ઉપરવાળાની મરજી. મનને શાંત રાખજે. દુઃખી ના થતી.’ તે જે યાદ આવ્યું તે બોલી.

પેલી ચારેય ચકિત થઈ ગઈ, રેણુ સહિત. ભદ્રલોકની એક સ્ત્રી આશ્વાસન આપતી હતી, વાંસો થપથપાવતી હતી એ સુખની અનુભૂતિ મુખ્ય બની ગઈ.

મૃત્યુનું દુઃખ તો ભૂલાઈ જ ગયું - એ પળે !

(પરબ)