Ek Chapti Gulal Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Chapti Gulal

એક ચપટી ગુલાલ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ડૉક્ટર દવે સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે સુજાતાને સવાર સાંજ હૉસ્પિટલની પરસાળમાં ફેરવવી. નર્સ એ સૂચનાનો અમલ કરવામાં ક્યારેક ગફલતમાં રહી જતી. એ સમયે સુજાતા જ સિસ્ટરને યાદ અપાવતી. તેને મળેલી ઓરડી સાવ નાની અને સગવડ વિનાની હતી. એક પલંગ હતો. પાસે સફેદ કબાટ હતું, જેમાં દવાઓ તથા દર્દીની અંગત વસ્તુઓ પડી રહેતી હતી. સુજાતાને વળી અંગત વસ્તુઓ પણ શી હોય ? જેલના કેદીઓને અપાતાં બે જોડી વસ્ત્રો હતાં, એક કાંસકો હતો જે ભલીએ આગ્રહ કરીને આપ્યો હતો.

‘લઈ જાને અલી, ત્યાં આ લાંબા ઝટુરિયાં કેવી રીતે સંભાળીશ ? સુજાતાના વાળ લાંબા અને રેશમી હતા. બેઠી હોય ત્યારે છેક જમીનને અડે. જેલ અનેક સ્ત્રી કેદીઓથી ખદબદતી હતી.

જેલના એક સંત્રીએ નોંધ્યું હતું કે, સુજાતા જેવી યુવાન અને સારી સ્ત્રી એમ પણ નહોતી એ ટોળામાં !

ખરેખર તો તેની ત્વચા ઘઉંવર્ણી હતી પણ નમણાશ તો પાર વિનાની ! તેના તરફ જોતી વ્યક્તિ - બસ તેને જોયા જ કરે - એવી હતી સુજાતા.

આ ઓરડીની પસંદગીમાં પણ સલામતીનો વિચાર કરવામાં આવ્યો હતો. કેદી નાસી ન જાય એની ખાસ કાળજી રાખી હતી. આ અવસ્થામાં તો વળી સુજાતા ક્યાંથી નાસી જવાની હતી ? પણ નિયમ એટલે નિયમ. એક જનમટીપની સજા ભોગવાત કેદી માટે જે જે નિયમો હતા એ જડ રીતે પણ પાળવાના હતા.

હા, સુજાતા જનમટીપની કેદી હતી. તેના પર હત્યાનો આરોપ હતો, પતિની હત્યાનો ! આરોપ પુરવાર થવાનો પ્રશ્ન જ ક્યાં હતો ? તેણે એ ગુનો કબૂલ્યો હતો, ભરી કોર્ટમાં વિસ્મય પામતા ન્યાયાધીશ સમક્ષ તેણે મક્કમતાથી કહ્યું હતું !

‘હા, સાહેબ... મેં હત્યા કરી છે વત્સલની, મારા પતિની.’

સામે ભીંતમાં એક નાની બારી હતી. એ ખુલ્લી જ રહેતી હતી. એ બારીમાંથી આકાશનો એક ટુકડો દેખાતો હતો, પાછલના એક વૃક્ષની લીલીછમ ડાળખી દેખાતી હતી. ક્યારેક કોઈ પક્ષી પણ દર્શન દેતું હતું. સુજાતા એ દૃશ્યો જોઈને આનંદવિભોર થઈ જતી. મન ભીંજાવા લાગતું.

જેલમાં પણ આવી સુવિધા હતી. તેર નંબરની ખોલીમાં માત્ર બે જ કેદીઓ હતા. ભલી અને તે પોતે જ. પાછલી ભીંતમાં ઊંચે એક જાળિયું હતું. એમાંથી પણ આકાશનો અંશ જોઈ શકાતો હતો, પીળો તડકો ખરબચડી ફરસ પર, મહેમાનની માફક ઘસી આવતો હતો.

‘બસ નવ થવા આવ્યા...’ ભલીને તો આ તડકા પરથી સમયનો અડસટ્ટો કાઢતાં પણ ફાવી ગયું હતું. તે સજાનું છેલ્લું વર્ષ કાપી રહી હતી.

અહીં જ આ ખોલીમાં તેની યુવાની ખતમ થઈ ચૂકી હતી. કૃશ શરીર પર પ્રૌઢત્વની અસર થવા લાગી હતી. આ એવું સ્થાન હતું જ્યાં સમય ધીમે પસાર થતો હોય તેમ લાગતું હતું પરંતુ વયનાં નિશાનો, તન અને મન પર ત્વરાથી લાગી જતાં હતાં. ‘અલી... ગભરાતી નહિ, રફતે રફતે તું ટેવાઈ જઈશ...! ભલીએ બહુ મોટું આશ્વાસન આપ્યું હતું, ‘બહાર મનેખ છે, એમ અહીં પણ મનેખ છે. ચાવડા સાબ બહુ સારા છે...!’

સુજાતા જેલમાં આવી. સંત્રી તેને તેર નબંરની ખોલીમાં દોરી ગયો. આ તદ્દન નવી દુનિયા હતી.

ચોવીસ-પચીસ વર્ષની સુજાતા નતમસ્તકે જતી હતી. તેને નવાં વસ્ત્રો સાવ અડવાં અડવાં લાગતાં હતાં.

અનેક દૃષ્ટિ તેને વીંધી રહી હતી. કેટલાક અવાજો પણ તેને સંભળાતા હતા.

‘લો-એક વધી. જેવું તેવું પરાક્રમ કરીને નથી આવી-પોતાના ધણીને જ પૂરો કરીને આવી છે !’

આગળની રેલીંગ... પાછી જાળી... એની પાછળ... થોડી ખાલી જગ્યા... થોડાં વૃક્ષો... ફૂલછોડ... તોતિંગ દીવાલો... અને એની પાછળ કેદીઓ ને બેરેક... આ તેર નંબરની ખોલી તો બધાંથી અલગ... માત્ર બે જ કેદી...! ભલી અને સુજાતા...!

ુસુજાતા નતમસ્તકે ખોલીમાં પ્રવેશી. હવે આ જ તેની દુનિયા હતી, આ જ સ્થળે-તેમે પૂરાં બાર વર્ષ ગાળવાનાં હતા.

તેણે બાર બાય બારની એક જગ્યાનું અવલોકન કરી લીધું. વાઈટ વૉશ વગરની ગંદી દીવાલ સાવ ખાલી હતી. માથે મજબૂત છત હતી. જ્યાં ગંદકીનાં નિશાનો મૌજૂદ હતાં. ફરસ પર બે કંતાનના બિસ્તર... એક પાણીનું માટલું - બે પવાલાં - પડ્યાં હતાં. એટલી ચીજોની વચ્ચે સામાન્ય દેખાવની ભલી આંખ ફાડીને એક ચીજની માફક જ પડી હતી. સુજાતાને જોઈને ભલી બેઠી થઈ. તેની ઊંડી ઊતરી ગયેલી આંખમાં ચમક આવી હતી.

‘આવ... બેટા...’ ભલીના મુખમાંથી સહજ રીતે જ એ શબ્દો નીકળી ગયા હતા.

સુજાતા ભલી પ્રતિ જોઈ રહી હતી. પછી હસી પડી હતી. ‘ભલી છે - એટલે તેને ઠીક રહેશે.’ એમ બોલીને સંત્રીએ ચાલતી પકડી હતી.

એ ખોલીનાં બારણાં વસાઈ ગયાં હતાં.

‘અલી, શું નામ તારું ?’ ભલીની વાચા ખૂલી ગઈ હતી. તે એકલતાથી કંટાળી હતી. ખૂબ વાતો કરી બંનેએ.

જાનકી મહિલા સંત્રી હતી, પણ તે તેના અન્ય સાથીઓ જેવી નહોતી, તે કેદીઓ પ્રતિ સારું વર્તન દાખવતી હતી. તોછડાઈ તો હતી જ નહિ.

બીજા સંત્રીઓ તો જાનકીની મશ્કરી કરતા.

‘તું આ ખાતામાં આવી જ શા માટે ? અહીં તો ગાળો બોલવી પડે અને સોટીઓ પણ ફટકારવી પડે. એમાં ખોટી દયા ન ચાલે. તારે તો મહેતી થવાની જરૂર હતી.’

તેના સાથીઓની મજાકોથી તે ટેવાઈ ગઈ હતી. અહીં હૉસ્પિટલમાં તેને દિવસની ડ્યૂટી હતી.

સુજાતાને કેટલી રાહત લાગતી હતી દિવસભર ?

‘કેમ છે તારી તબિયત ? કોઈ તકલીફ હોય તો મને જણાવજે. નર્સ બરાબર ધ્યાન તો આપે છે ને ?’

જાનકીનાં આવાં બેચાર વાક્યો સુજાતાને શાંતિ પમાડતાં હતાં.

‘જાનકીબહેન... સવારે સવારે તમારું મોઢું જોઉં છું તો મારો દિવસ સારો જાય છે...’ સુજાતા હસીને જાનકીનું અભિવાદન કરતી. એ સમયે નાઈટ ડ્યૂટીવાળી સંત્રી તો મોં ચડાવીને જતી હોય.

નર્સોમાં પણ આવું જ હતું. સુજાતા વિશે ચિત્રવિચિત્ર વાતો થયા કરતી હતી.

‘દવેસાહેબ ખૂબ માથે ચડાવી છે. પતિને મારીને હવે છોકરું જણવા આવી છે. મોટું પરાક્રમ કરી આવી ન હોય જાણે !’ ભારે પહોંચેલી માયા છે. સૌ તેને જ દેખે છે. રાતની ડ્યૂટીના પંડ્યા પણ તેના પલંગથી ખસતાં નથી.’

બીજીએ પૃષ્ટિ કરી હોય.

દવેસાહેબની ધાક જ બરી હતી. હૉસ્પિટલનો સ્ટાફ ફરજપાલનમાં ચીવટવાળો હતો. અણગમતાં મને પણ સુજાતાની સેવાચાકરી બરાબર થતી હતી.

નર્સ સવાર-સાંજ તેને પરસાળમાં ફેરવતી હતી. જાનકી પણ સાથેસાથે ફરતી હતી.

એ સમયે પણ લોકોની નજરો તેને કુતૂહલથી જોયા કરતી.

‘એ પેલી સુજાતા હત્યારી. છાપામાં આ કિસ્સો કેટલો ચગ્યો હતો ? બસ આ એ જ ! લાગે છે તો સાવ નાની અને આ પેટ ! ડીલીવરી આવવાની છે તેને. કાં ન આવે ? એય સ્ત્રી તો ખરી જ ને, તો પછી તેણે ધણીને શા માટે મારી નાખ્યો હશે ? સારા ઘરની જ છે. હવે તો સારા ઘરની જ આવાં કામો કરે છે.’

આ તો દરરોજ બનતી ઘટના હતી. જાનકીને ખ્યાલ આવે. તો તે અવશ્ય ટોળાને વિખેરી નાખતી.

‘જાવ... તમારે કશો કામધંધો નથી ? શું જોવાનું છે ?’

તે સોટી પણ ઉગામતી પરંતુ લોકોની ઉત્તેજના એવી ને એવી જ રહેતી.

સુજાતા... તું ખૂબ સહનશક્તિવાળી છે. છેલ્લા દસ દિવસથી હું તને આમ યાતના વેઠતી જાઉં છું. તું યાતનાઓ વચ્ચે પણ હસી શકે છે ! જાનકીએ તેની હિંમતને બિરદાવી હતી. જવાબમાં સુજાતા ફિક્કું હસી હતી.

જાનકીને વિચાર આવી જતો હતો કે આ નાજુક છોકરી ખૂન કરે ખરી ? જોકે આ પ્રશ્ન તો અનેક લોકોને થયો હતો. ચુકાદા આપતાં જજસાહેબને પણ એમ જ થયું હતું. તેમણે અપરાધીના પીંજરામાં ઊભેલી સુજાતાને અનેક પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછ્યા હતા. તેમને માત્ર શંકા જ નહોતી પરંતુ વિશ્વાસ હતો કે આ છોકીર અપરાધ કબૂલ કરીને કોઈ સાચા ખૂનીને બચાવી રહી હતી.

સુજાતાએ તો એક જ રટણ રાખ્યું હતું કે એ ખૂન તેણે કર્યું હતું. કારણ વિશે પૂછવામાં આવે ત્યારે તે તેના હોઠને બીડી દેતી હતી.

જેલર ચાવડા કાંઈક જુદું જ કહેતા હતા, ‘આમાં એ સમયના સંજોગો જ મહત્ત્વના ગણાય. તમે એક બિલાડીને ખંડમાં પૂરી દો અને તેના પર હલ્લો કરો તો તે તેનો બચાવ પૂરી શક્તિથી કરવાની જ. તેના નહોર તમને વાગવાના જ !

જોકે તેમને પણ આ છોકરી નિર્દોષ જ લાગેલી.

જેલમાં આવી ત્યારે તેમણે તેની સારી કાળજી રાખેલી. તે ખુદ તેર નંબરની ખોલીમાં નિરીક્ષણ કરવા આવેલા. સંત્રીને પણ ધ્યાન રાખવાની સૂચના આપેલી.

‘તને એક સજા તો મળેલી જ છે. અમારો ઇરાદો તને બીજી સજા આપવાનો નથી.’ ચાવડાસાહેબે સુજાતાને સાંત્વના પણ આપી હતી.

સંત્રીઓને એવી છાપ પડેલી કે આ કેદીને અગવડ પડશે એ સાહેબ પસંદ નહિ કરે.

અહીં જેલમાં આવ્યા પછી પણ તે ચર્ચાના કેન્દ્રમાં હતી.

હાહાકાર મચી ગયો હતો એ સમયે આખા નગરમાં, અરે આખા ગુજરાતમાં વત્સલ ખૂન કેસે ગજબની ચકચાર ફેલાવ હતી. અખબારો તો ભૂખ્યા ડાંસની માફક આ કિસ્સા પર તૂટી પડ્યાં હતાં.

સુજાતાની ધરપકડ કરવામાં આવી ત્યારે એ બિલ્ડિંગની એકએક અટારી માનવાથી ભીંસાતી હતી.

બહાર રસ્તા પર વિસ્મિત લોકોનાં ટોળાં હતાં. પોલીસ પહેરા નીચે તે લીફ્ટમાંથી બહાર આવી. તે ખાખી ગણવેશોથી ઘેરાયેલી હતી.

‘એ રહી પેલી... પેલી ગુલાબી સાડીવાળી... લાંબા વાળવાળી ! કેટલા લાંબા વાળ...!’

એ સ્થિતિમાં પણ તેના લાંબા કાળા ભમ્મર કેશની પ્રશંસા થતી હતી.

‘આ બાઈ આવી હશે એની ખબર નહોતી. આમ તો બન્ને સુખી જણાતાં હતાં. ક્યારેક ક્યારેક હાથમાં હાથ ઝાલીને સાંજે ફરવા પણ જતાં હતાં.’ ફ્લેટના પડોશીઓનું વિસ્મય યથાવત્‌ હતું.

‘પ્રેમ લગ્ન કર્યાં હતાં ને ? જોયું ને એનું પરિણામ !’ એક પ્રૌઢા બોલી હતી.

‘આપણા બિલ્ડિંગમાં આવું બને-એમાં આપણને ય ત્રાસ તો ખરો જ !’

‘હા પત્રકારોનાં ટોળેટોળાં આવી પહોંચશે આપણાં બારણાં ખખડાવવા ! આપણે તો કહી જ દેવાના કે કશું જાણતાં જ નથી. ક્યાં કોઈને સમય છે, એ જોવાનો કે પાસેના ફ્લેટમાં કોણ રહે છે ?’ એક પુરુષે વિગતવાર વાત કહી.

‘ભાઈ આ તો મહાનગર છે. આવા બનાવો તો બન્યા જ કરવાના’ બીજા ભાઈએ વ્યાપક દૃષ્ટિનો પરિચય આપ્યો.

સુજાતા આવડા મોટા સમૂહને જોઈને ડરી ગઈ હતી. તેના ચહેરા પર થાક, ભય અને કંટાળો - ત્રણેય વ્યાપી ગયાં હતાં. તે જડ જેવી બની ગઈ હતી.

કેમેરાની અનેક ચાંપો, ચપોચપ દબાતી હતી. તેને જુદા જુદા એન્ગલથી ઝડપવા કેમેરામૅનો દોડાદોડી કરતાં હતાં.

જર્નાલીસ્ટો-અખબારી વૃત્તાંત-લેખકો ડાયરીમાં કશું ઝડપથી ટપકાવી રહ્યા હતા.

અનેક નજરોનાં કુતૂહલો તિરસ્કારો સુજાતા જોઈ શકતી નહોતી. કારણ કે, તેણે પાંપણ ઢાળી દીધી હતી. તેને જોઈને લોકો ચીચીયારી કરતા હતા.

‘વો રહી, ખૂની ઔરત અચ્છી દીખતી હૈ. કુછ લફડા હોગા.’ સુજાતાએ આ વાક્ય સાવ નજીકથી સાંભળ્યું હતું.

‘બાઈ ચૂપચાપ અંદર બૈઠ જા.’ એક કર્કશ અવાજ સંભળાયો હતો. અને ત્વરાથી પોલીસવૅનમાં ઘૂસી ગઈ હતી. વસ્ત્રો સરખાં કરીને પાટલી પર એક ખૂણામાં બેસી ગઈ હતી. વસ્ત્રો સરખાં કરીને પાટલી પર એક ખૂણામાં બેસી ગઈહતી. તેની બાજુમાં મહિલા સંત્રી ગોઠવાઈ હતી.

અન્ય પુરુષ સંત્રીઓ પણ ખડકાયા હતા. એક વિચિત્ર પ્રકારની વાસ તેની ધ્રાણેન્દ્રિમાં પ્રવેશી હતી. તેણે વૅનની જાળીમાંથી તેના ફ્લેટ પર એક અછડતી દૃષ્ટિ નાખી હતી. કદાચ, આ છેલ્લું દર્શન કરી રહી હતી, આ ફ્લેટનું, બિલ્ડિંગનું. આ વાતાવરણનું. તેનું મન જડ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું. એ વિશે તે ઝાઝું વિચારી શકતી નહોતી.

એ દિવોસ પુષ્કળ યાતનામય હતાં. કસ્ટડી, કોર્ટ, પૂછપરછ... દાકતરી તપાસ... આટલી પ્રવૃત્તિઓ વચ્ચે સમય થીજી ગયો હતો. વારંવાર... એકના એક પ્રશ્નો પૂછપરછ... ક્યારેક મજાક ઉપહાસ... તેને ગુસ્સો આવી જતો હતો.

‘બાઈ-ભારે પહોંચેલી છે. કશું કહેતી નથી. વળી પેટ ભરીને આવી છે. મારી નાખ્યો - એ ધણીનું જ હશે ને ?...’ તેની સામે જ આવી ગંદી ભાષાનો પ્રયોગ કરવામાં આવતો. આખો માહોલ જ વિચિત્ર અને યાતનાભર્યો હતો. તેને ત્રાસ થતો હતો, ઊબકા આવતા હતા.

બેહૂદા સવાલોના જવાબો આપીને તે થાકી હતી. અપરિચિતો વચ્ચે તે અસહાય બની જતી હતી, આંખ આંસુથી છલકાઈ જતી હતી. આખરે તેણે હિંમત કરી હતી.

તેણે તપાસ અધિકારીને રૂઆબથી અંગ્રેજીમાં પૂછ્યું હતું.

‘મી. ઇન્સ્પેક્ટર... તમારે મારી કબૂલાતથી વિશેષ શું જોઈએ છે ? આ બધું... તમે જે કરી રહ્યા છો. એ તો એક જાતની યાતના જ છે.’

સૌ સ્તબ્ધ બની ગયા હતા. ઓહ ! આ તો અંગ્રેજી પણ જાણે છે ! અને કાયદા પણ !

તરત જ તેનું કામ સરળ બની ગયું હતું. આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ આ ભાષાનો પ્રભાવ એવો જ ચમકદાર રહ્યો હતો. સુજાતાએ સ્ટેટમેન્ટ આપ્યું. હસ્તાક્ષર કર્યા. તેના પ્રતિ વર્તાવ સમૂળગો જ બદલાઈ ગયો હતો.

અખબારોનાં પાનાં પર આ પ્રકરણ ચકચાર ફેલાવતું હતું એ દિવસોમાં. સુજાતાના આટલા ફોટોગ્રાફ્સ ક્યારેય પડ્યા નહિ હોય ! નવી નવી માહિતીઓ મેળવાતી હતી, ચળાતી હતી છપાતી હતી. અખબારોની પ્રત ઝડપથી વેચાતી હતી. એક અખબારને તે ચાલાક લાગી હતી તો બીજાને અસ્થિર મગજની.

તેની પ્રેગનન્સીના સમાચારે નવી ઉત્તેજના જગાડી હતી. આ મામલામાં જરૂર કશું છે, જ્યાં સુધી પહોંચી શકવામાં પોલીસ તપાસ નિષ્ફળ ગઈ છે.

આ હત્યારી મનાતી સુજાતાને કોઈ સ્વજનો નથી ? એક અખબારે માહિતી આપી હતી. માલિની-સુજાતાની અપરમાનું નિવેદન પણ આપ્યું હતું કે એક સ્વચ્છંદી છોકરી હતી. તેણે તેની ઇચ્છા મુજબ જાતે જ લગ્ન કર્યા હતાં. તેની સાથે ખાસ સંબંધો હતા જ નહિ, માત્ર ઔપચારિક જ.

એ અખબારે ઉમેર્યું હતું કે, સુજાતાને કોની સાથે સંબંધો હતા માતા સાથે નહોતાં. પિતા તો હયાત જ નહોતા. અને પતિ સાથે તો આ ઘટના બની હતી. જેની જવાબદારી સુજાતાએ સ્વીકારી હતી. લાગે છે કે તેને એકલતા પ્રિય હશે ! અને તેને એ મળશે પણ ખરી.

‘જો જો આ ચાલાક છોકરી કોર્ટમાં ફરી જશે.’ એક વકીલે છાતી ઠોકીને કહ્યું હતું. આ છોકરીને કેટલાક વકીલો પણ મળવા ગયા હતા.

‘અમે તમારો કેસ લડીશું. તમે છૂટી શકો છો.’

પણ સુજાતાએ સૌને નિરાશ કર્યા હતા. અંતે આ કેસ કોર્ટમાં આવ્યો હતો. સાવ સરળ વાત હતી. સુજાતા તેની કબૂલાતને વળગી રહી હતી. ‘હા... નામદાર મેં જ વત્સલને... મારા પતિને...!, લોકોનાં ટોળાં ફરી કોર્ટમાં ઉભરાયાં હતાં. અખબારોને મસાલો મળતો હતો.

સુજાતાએ એક નજર અદાલતમાં હાજર રહેલી મેદની પર નાખી હતી. તેને કોઈ પરિચિત ચહેરો જોવો હતો. તે નિરાશ થઈ હતી. હા... પલ્લવી હતી. એ અપરિચિતો વચ્ચે. તે ઉદાસ થઈને બેઠી હતી એક ખૂણામાં. સુજાતાને સારું લાગ્યું હતું.

આ અજાણ્યા ટોળા વચ્ચે તેનું કોઈ તો હતું જ.

આ લાગણી ખૂબ સાંત્વના આપતી હતી. બન્નેની દૃષ્ટિ મળી શકી નહોતી. પલ્લવી ખાસ્સી દૂર હતી.

થોડા દિવસ પછી ચુકાદો આવ્યો હતો. સુજાતાએ જનમટીપની સજા શાંતિથી સાંભળી હતી. પલ્લવી ત્યારે પણ હાજર હતી. ઘટનાનું વિગતવાર વર્ણન થયું હતું.

સુજાતાએ આંખ મીંચી દીધી હતી. આખા ખંડમાં અસીમ શાંતિ હતી. બાર વર્ષની કેદની સજાની સુનાવણી થઈ. ન્યાયાધીશસાહેબે સુજાતાની સગર્ભાવસ્થાની પણ નોંધ લીધી હતી, સ્પષ્ટ સૂચના પણ આપી હતી કે, તેથી તબિયતની બરાબર કાળજી રાખવામાં આવે.

બસ-એક ઉત્તેજનાનો અંત આવ્યો હતો. આખા ખડમાં ઘેરી શાંતિ વ્યાપી હતી. એમ લાગતું હતું કે, કોઈ આ સમાચારથી ખુશ નહોતું.

એક લેખિકા તેને કોર્ટની પરસાળમાં મળી હતી.

‘જો... છોકરી... મને તારી મા ગણજે. મને તારા પર દીકરી જેટલું વહાલ જન્મે છે. આ આખી ઘટના મેં રસપૂર્વક જાણી છે, પણ મારે તો દીકરી, તારી વાતો તારા મુખે જ જાણવી છે. તારી વ્યથા, તારી કથા, મારી સહાનુભૂતિ તારા પક્ષે રહી છે. હમણાં તો તું ખાસ્સી અસ્વસ્થ હશે. તને થોડા સમયે મળીશ... અવશ્ય મળીશ... હિંમત રાખજે. આખી જિંદગી એક પરીક્ષા જ છે. તને મદદ કરતાં મને આનંદ થશે.

એ જેફ લેખિકાએ તેની સાથે થોડી વાતો કરી હતી. સુજાતાએ હકારમાં મસ્તક હલાવ્યું હતું.

એ ઠસ્સાદાર સ્ત્રી... તેના મસ્તક પર હાથ મૂકી ને... ચાલી ગઈ હતી. સુજાતાનું મન અસ્તવ્યસ્ત હતું. તેને માલિની યાદ આવી હતી. અને સાથોસાથ તેને તેની જનેતા વાસન્તીની તીવ્ર યાદે રડાવી દીધી હતી.

તેની જિંદગીમાં કેટલાં વળાંકો આવ્યાં હતાં ? અને હજી કેટલાં આવવાનાં હતાં - એ તે ક્યાં જાણતી હતી ? થોડાં સમયમાં તેનું આખું વિશ્વ બદલાઈ ગયું હતું. તે શિખર પર હતી અને ખીણમાં ગબડી પડી હતી ! અચાનક જ બની ગયું હતું. જે બન્યું હતું એ કેટલું બિહામણું હતું ?

તે તેર નંબરની ખોલીમાં પહોંચી ગઈ હતી. અને આ જ સ્થળે તેણે સંભવતઃ બાર વર્ષ પસાર કરવાનાં હતાં. તેના મનમાં એક બીજી ચિંતા પણ પેઠી હતી. તે સગર્ભા હતી. તે એ ખબર આપવા જ બનતી ત્વરાથી પતિ પાસે દોડી આવી હતી ને, એ સાંજે ? નહિ તો તેને તો ત્રણ દિવસ પછી જ આવવાનું હતું.

*

ચાવડાસાહેબે વ્યવસ્થા કરી હતી કે, સુજાતાને હળવું કામ જ આપવામાં આવે, અને તેની નિયમિત મેડિકલ તપાસ થાય. તેને ભાગે વૃક્ષોને પાણી સિંચવાનું કામ આવ્યું હતું.

જેલના નિયમોથી માહિતગાર થવામાં ખાસ સમય ન લાગ્યો. તેની આખી દિનચર્યા ગોઠવાઈ ગઈ હતી. અહીં કશું જ મરજિયાત નહોતું. કેટલીક રાતો સુધી તે બરાબર ઊંઘી ન શકી. ભલી તો કંતાનની પથારીમાં પડે-તેવી જ જંપી જતી. બહાર તમરાં બોલતા હોય, અને ભીતર ભલીની ધ્રાણેન્દ્રિય.

બારણે તાળા ભીડવ્યા હોય. અંધકાર પળે પળે ઘેરો થતો હોય. સંત્રીઓનો બોલાટ પણ ક્યાંય સુધી સંભળાયા કરે. પછી તો બળતી બીડીના અંગારા જેવાં ટોપકાં જ દેખાતાં હોય ! સુજાતાને ત્યારે ભલીના નસકોરાંનો અવાજ પણ ગમતો. તેને સાંનિધ્ય લાગતું. તેેેને લાગતું કે તે એકાકી નથી.

રાતમાં અવશ્ય-આગલી બેરેકમાં ગડબડ થતી. કોઈ ને કોઈ અવશ્ય ઝઘડવા લાગતાં. દેકારો મચી જતો. સંત્રીઓ તરત જ સાબદાં થઈ જતાં. ગાળોનો વરસાદ વરસવા લાગતો. થોડી વારમાં જાણે કશું જ બન્યું ન હોય - તેવું શાંત વાતાવરણ થઈ જતું.

સુજાતા ટેવાતી જતી હતી. ભલી તો ઘસઘસાટ ઘોર્યા કરતી. તેને આવી નાની વાતથી ખલેલ પહોંચતી નહોતી.

સુજાતાનો તો આ પ્રારંભ હતો. તે અનેક વિચાર કર્યા કરતી, ક્યારેક આકાશ જોયા કરતી, દર કલાકે વાગતા ડંકા પરથી રાતના પહોરનો અડસટ્ટો માંડ્યા કરતી.

વળી તેની તબિયત પણ તેને નિરાંતે જપવા દેતી નહોતી. ડૉક્ટરે તપાસીને કહ્યું હતું કે ચિંતા ન રાખવી. બીપી વધવું ન જોઈએ. થોડી દવાઓ પણ આપી હતી.

જેલમાં વ્યવસ્થા હતી કે, આવી સ્ત્રીઓને આહારમાં દૂધ પણ અપાય. થોડી સગર્ભા સ્ત્રીઓ અહીં હતી પણ ખરી. એ બધી તો ડીલીવરી માટે પેરોલ પર છૂટવાની હતી.

એક સુજાતા જ અપવાદરૂપ હતી. તેણે પેરોલ પર છૂટવાની ના પાડી હતી. તેને કોઈ સ્વજન જ નહોતું. તેણે ડૉક્ટરને આવો જવાબ આપીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

‘એમ કાંઈ બને ખરું ?’ ડૉક્ટરે સ્ટેથોસ્કોપ કાન પર મૂકતા કહ્યું હતું. ‘કોઈ તો હશે જ. ભલે દૂરના હોય - આવા સમયે તો કામમાં આવે જ. તને કોઈ યાદ આવે તો મને જણાવજે. હું તને લાંબા સમયના પેરોલ મળે તેવી ભલામણ કરીશ.’

સુજાતા મૌન રહી હતી.

‘કદાચ... આ સાચી પણ હોય’ તે વિચારવા લાગ્યા. આને જો સાચાં સ્વજનો હોત તો તે અહીં આવી જ ન હોત કદાચ.’

સાહેબે સહાનુભૂતિપૂર્વક કહ્યું હતું ! કોઈ એવું ન હોય તોપણ ચિંતા ન રાખતી. અમે તારી સંભાળ રાખીશું. ડોન્ટ વરી એટ ઓલ.’

સુજાતા મલકી હતી. ‘સાહેબ આપ જ મારાં સ્વજન.’

‘હા એ પણ સાચું’ ડૉક્ટર પણ હસી પડ્યા હતા. આ જેલ સંકુલમાં આવું મુક્ત હાસ્ય ભાગ્યે જ જોવા મળતું.

ડૉક્ટરે આ વાત ચાવડાને કહી ત્યારે એ જૈફ વ્યક્તિના ભવાં તંગ બની ગયાં. આ સમય દરમિયાન તેમણે આ કિસ્સાનો અભ્યાસ કર્યો હતો. સુજાતાના સ્વજનો વિશે પણ ઠીક ઠીક માહિતી એકઠી કરી હતી. તે બોલ્યા.

‘હા ડૉક્ટર... એ છોકરીની વાત સાવ સાચી છે. સગાં છે પણ ન ગણી શકાય તેવાં. બધાં આવા સમયે તો મોં ફેરવી જ જાય. એવું જ બન્યું છે. નહિ તો આ છોકરીને તેની અપરમાએ ઉછેરી છે. લગ્ન ભલે સ્વપસંદગીનાં કર્યાં પણ સંબંધો તો હતા જ. પણ કહે છે ને કે, મુશ્કેલી હોય ત્યારે પડછાયો પણ પોતાનો ન થાય. ચાલો... કાંઈ વાંધો નહિ. આપણે બે તેનાં સ્વજન...!’ ‘હા એમ જ થશે. મેં તેને ધરપત તો આપી જ છે.’ ડૉક્ટરે સંમતિ દર્શાવી હતી.

‘હું પણ તેને મળી લઈશ...’ ચાવડાના ચહેરા પર સંતોષની લાગણી હતી. કારણ કે, તેમના પત્ની હંસાબહેનની અનુપસ્થિતિમાં તે એક ઉમદા કાર્ય કરી રહ્યાં હતાં. વિચારને વાચા આપતા હોય તેમ ચાવડાએ ઉમેર્યું પણ ખરું.

‘ડૉક્ટર... હંસા તેના પિયર ગઈ છે નહિ તો તે આપણાં બંનેની જવાબદારી માથે લઈ લે.’ તે ખુદ મસ્તક નમાવીને બોલ્યા હતા.

ડૉક્ટરે વિદાય લીધી પછી ચાવડા સાવ સહજ રીતે પૂજા-કક્ષમાં આવ્યા હતા, પ્રભુની મૂર્તિ સામે મસ્તક નમાવીને બોલ્યા હતા.

‘હા... તેણે જ મને માણસ બનાવ્યો, તેણે જ બાકી... હું તો પશુ જ હતો ને મારા નાથ.’

ચાવડા જેવા પડછંદ માણસની આંખ ભીની થઈ.

આ ચાવડાનો નવો જન્મ હતો, જેમાં તે માણસાઈની રીતે જીવતા હતાં એ પહેલાં તો તે જેલના કાળમીંઢ પથ્થર જેવા હતા. દયા જેવો શબ્દ તેમના શબ્દકોષમાં નહોતો. તેમના નામ માત્રથી કેદીઓ, અપરાધીઓ થરથરતા.

તેમની એક જ ભાષા હતી ચૌદમા રતનની. આ તેમનું બ્રહ્માસ્ત્ર હતું. શા માટે દયા દેખાડવી ? આ લોકો તો સમાજના શત્રુઓ છે, ગુનેગારો છે, છિન્નભિન્ન કરનારાં તત્ત્વો છે. એમને સજા થવી જ જોઈએ. એવી સજા કે ફરી એ ગુનો ન આચરે, એવી હિંમત પણ ન થાય. ચાવડાની હાક હતી.

ઉપરી અધિકારીઓ પણ ક્યારેક તેમને વારતા હતા.

ચાવડા... ડોન્ટ ગો એક્સેસીવ... ક્યારેક તમને જ નડશે. આ તો ડિપાર્ટમેન્ટ છે ! એ નહિ જૂએ કે તમે કેટલા નિષ્ઠાવાન છો.’

ચાવડા મગરૂર હતા, એટલા હતા, તેમની માન્યતામાં ‘ના-ના એમ કરીએ તો પછી અપરાધો અટકે જ કેવી રીતે.’

તે અત્યંત ક્રૂર બન ીજતાં અપરાધીઓ પ્રત્યે. જે જે જગ્યાએ તેમને પોસ્ટિંગ મળતું એ જગ્યાએ તે પહોંચે એ પહેલાં તેમની કુખ્યાતિ પહોંચી જતી.

એ સમયે તો ચાવડા તેમની યુવાનીમાં હતા. કાંઈક કરી દેખાડવાની તમન્ના હતી. આ પદે પહોંચ્યા પણ નહોતા. કોઈ અપરાધી તેમની સમક્ષ ઉપસ્થિત થતો અને તે રોષથી સળગી જતા.

તેમની પત્ની હંસા સ્વરૂપવાન હતી, ધાર્મિક હતી. પતિના વર્તનથી એ સ્ત્રીની લાગણી ક્ષણે ક્ષણે દુભાતી હતી. પતિ તો તેની ધૂનમાં રત રહેતા, પોરસાતા હતા.

પત્નીના દુઃખનો કોઈ પાર નહોતો. તે શોષાતી હતી.

‘બધા જ કાંઈ અપરાધી હોય ? અને માણસ માત્રને લાચારી હોય કોઈ વખાના માર્યા અવળા માર્ગે ચડ્યો હોય. બધાને કાંઈ એક લાકડીએ દંડાય ?’

હંસા ડરતાં ડરતાં પતિને કાને મનની વાત નાખતી હતી, તે નહિ જ માને એની ખાતરી હોવા છતાં પણ.

‘આમાં તમે ન સમજો. સ્વભાવે ભીરુ ખરાં ને !’ ચાવડા હસી પડતા.

સમય સરકતો જતો હતો. હંસાની લાગણીઓ એવી ને એવી જ હતી. અને ચાવડા તેમના ખ્યાલોમાં મુસ્તાક હતા. સ્થળો બદલાતાં જતાં, ક્વાટર બદલાતાં જતાં, પણ ગુનેગારોની ચીસો તો એવી ને એવી દર્દમય બનીને હંસાના કાન પર અથડાતી હતી.

ચાવડાના હર્ષનાદો પણ એવાં જ તીવ્ર રહ્યાં હતાં.

‘જ્યાં ચાવડા ત્યાં સપાટો. કોઈ ગુનેગાર માથું જ ન ઊંચકે ? ડર લાગે ને ? એ તો ડર વિના પ્રીતિ ન હોય એ ખુદ તુલસીદાસે લખ્યું છે કાંઈ અમસ્તું !’

આ છેલ્લું વાક્ય પત્નીને ઉદ્દેશીને બોલાયું હોય. તે ખડખડાટ હસી પડતા. નીચેના માણસો ઠાલી પ્રશંસા કર્યા કરતા.

‘ચાવાડાસાહેબ... આપણું નામ કાફી છે ભલભલાના...! જ્વાળામાં ઇંધન હોમાતું હતું. હંસાના કાન પર ચીસો સંભળાતી હતી.

અચાનક હંસાને નવીન દિશા મળી ગઈ. તે સગર્ભા બની હતી. તે ખુશીથી છલકાઈ ગઈ હતી. ગાઢ અમાસમાં એક તેજનું કિરણ પ્રગટ્યું હતું. ચાવડાની ખુશીનો પાર નહોતો. તે પહાડ જેવો માણસ મીણની માફક પીગળી ગયો હતો.

‘વાહ !... તમે ખુશ છો ને ?’ ચાવડાએ હંસાને પૂછ્યું હતું.

‘હું તો ખુશ છું પણ તમારું કહો ને ?’ હંસાએ લજ્જા સાથે કહ્યું હતું. તેના ચહેરા પર જે ભાવો લીંપાયા હતા એ ચાવડા એ ક્યારેય જોયા નહોતા. એ રુક્ષ માનવ કોમળ બની ગયો. ‘જુઓ... લેડી ડૉક્ટરને તબિયત બતાવવામાં આળસ ન રાખશો. દવા... વિટામીન્સ... જે જે જરૂર હોય એ...’

ચાવડાએ સૂચના આપી અને ફરી કામકાજમાં ખૂંપી ગયા હતા. નવું નવું પ્રમોશન મળ્યું હતું એટલે જવાબદારી પણ વિશેષ હતી.

‘તમે અમને બીજું પ્રમોશન પણ અપાવશો !’

તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. હંસા માટે આ પળો યાદગાર હતી.

સુખની ભરતીનો સમય હતો. હંસા જરા મોટી વયે. એ સૌભાગ્યનો સ્પર્શ કરી સકી હતી. અનેક વેળાએ તે અધીરી બની જતી હતી. કેમ આમ ? મારે જ આમ ? પ્રભુ, મને શું એ સુખથી વંચિત જ રાખવી છે ? તારી આમ જ ઇચ્છા હતી તો મને આ સંસારમાં પાડી જ શા માટે ? આ અપૂર્ણતા સાથે જીવવું કેટલું દોહ્યલું છે, ભગવાન... તમને શું નથી ખબર ?

હંસાની રોજરોજની પ્રાર્થનાઓનો જાણે જવાબ મળ્યો ! ચાવડા તો પાછા બમણાં જોરથી કામમાં લાગી ગયા. આ આનંદે તેમને વિચલિત ન કર્યા. હા-પત્નીની કાળજી રાખવામાં પણ સમય આપવા લાગ્યા એ હકીકત હતી.

કામની વ્યવસ્થામાં એક કિસ્સો બન્યો. ચાવડા થાક્યા હતા. એક ગુનો કબૂલાવવાનો હતો. વીસ એકવીસનો સામંત તરવરિયો જુવાન હતો. સોહામણો હતો. સહાયકો થાક્યા હતા પણ તે તો એક જ રટણ લઈને બેઠો હતો.

‘કુત્તાઓ... મેં કશું નથી કર્યું. તમારે નાહક મને સંડોવવો છે. તમે ખિસ્સું ગરમ કરીને બેઠા છો એ હું જાણું છું... !’

સામંતના અવાજમાં ખમીર હતું. કદાચ સચ્ચાઈ પણ હતી, પણ ચાવડા એ વાંચી ન શક્યા.

આવું બોલનાર તેમને ગમે ખરો ! આવી હિંમત ! ચાવડાએ મામલો પોતાના હાથમાં લીધો હતો.

‘જાવ... તમારું કામ નહિ... હું જ સંભાળી લઈશ એ છોકરાને, તે કરડાકીથી બોલ્યા હતા. તેમના શબ્દોમાં જાત વિશેનું ગુમાન તો હતું જ, પણ સાથોસાથ સહાયકો પતિનો ઉપાલંભ પણ હતો.

સામંતની દર્દનાક ચીસો અને ચાવડાના પ્રહારોથી વાતાવરણ ભીષણ બની ગયું. હંસા તો થીજી જ ગઈ. તેને આખા શરીરે કશું દર્દ થવા લાગ્યું. તેના ઉદરમાં એક જીવ પાંગરી રહ્યો હતો. હંસા વલોવાવા લાગી. ખેંચાવા લાગી. હાથ-પગ ઠંડા થઈ ગયા.

‘બંધ કરો... બંધ કરો... આ હવે સહન થતું નથી... આ ચીસો...’ તેણે હતી તેટલી શક્તિ એકઠી કરીને ચીસ પાડી હતી. નોકરચાકર પડોશી સ્ત્રીઓ આવી પહોંચી હતી.

કોઈએ ક્રૂર બની ગયેલા ચાવડાને આ ખબર આપ્યા હતા. ‘આવું છું... એવું શું છે ! કાં આ છે ને કાં આ ચાવડા છે’ ચાવડાએ હુંકાર કર્યો હતો.

‘સાહેબ હું નિર્દોષ છું. તમને કોઈએ ખોટા માર્ગે... દોર્યા છે... !’ સામંત લોહીલુહાણ હતો છતાં પણ તે આ વાત છોડતો નહોતો.

સહાયકો વચ્ચે પડ્યા હતા. માંડ માંડ તેમને સમજાવ્યા હતા. ચાવડા ક્યારેક આટલાં આવેશમય બન્યા નહોતા. સામંતને માર મારીને પણ અંતે નિષ્ફળતા મળી હતી. એ તેમને ડંખતું હતું. આટલી કારકિર્દીમાં આવું ક્યારેય બન્યું નહોતું. સામંત બેહોશ થઈ ગયો હતો.

ચાવડાને આ નિષ્ફળતા પાલવી અઘરી હતી.

આ તરફ સગર્ભા પત્નીની હાલત બગડી હતી. તરત ક્લિનિકમાં દોડી ગયા.

‘ભગવાન... એમને ક્ષમા કરજો.’ હંસા રટ્યા કરતી હતી. ‘આ કેટલી ભયંકર ઘટના બની રહી છે. હું સહી શકતી નથી...’

હંસા પણ બેહોશ થઈ ગઈ હતી અને ચાવડા દિગ્મૂઢ. તેમનું માથું ભમતું હતું. એમાં સામંતનો સ્વર વલોવાતો હતો. પત્નીના શબ્દો હથોડાની માફક અથડાતા હતા.

‘સોરી ચાવડા બધું પ્રિમેચ્યોર થઈ ગયું. બે દિવસ પહેલાં મેં ચેક કર્યા ત્યારે તો ઑલરાઇટ હતા. શું થઇ ગયું એકાએક ? કોઈ આઘાત... કેસ... કશું થયું ? બી.પી. ખૂબ જ ઊંચું... હતું !’

ડૉક્ટરે પરિસ્થિતિનું પોસ્ટમોટર્મ કર્યું. ચાવડા નતમસ્તકે સાંભળી રહ્યા. હંસા નોર્મલ થતી જતી હતી.

‘પણ ચાવડા... આ સમાચાર જાણશે પછી નોર્મલ થઈ શકશે ખરા ?’ ડૉક્ટરે મૂળ વાત તરફ ધ્યાન દોર્યું હતું.

‘ડૉક્ટર... યુ આર રાઇટ. આ દિવસ કેવો ઊગ્યો ? હું... અમે લૂંટાઈ ગયા... માંડ માંડ સાંપડેલી કૃપા છીનવાઈ ગઈ. ડૉક્ટરે હવે હંસાને સાજી કરી દો, નહિ તો હું ક્યાંયનો નહિ રહું.’

ચાવડાની આંખ ભીની હતી. તેના બે હાથ જોડ.ાયેલા હતા. આવા નમ્ર, આવા લાચાર તે ક્યારેય નહોતા. એક બાળકી તેમના સંસારમાં સામેલ થવાં પ્રતિક્ષત હતી. એ હવે મૃત હતી. તેનો અવિકસિત દેહ... ટેબલ પર હતો. કેવો યોગ હતો ? તેઓનું જીવન સુગંધથી મહેકવાનુ ંહતું. આ શાંત જડ દેહ અનેક લીલા કરવાનો હતો, આનંદ આપવાનો હતો. અકાળે એનો અંત આવ્યો હતો.

ચાવડા સાવ પામર બની ગયા. તેમણે પત્નીનાં વચનો યાદ આવતાં હતાં. પત્ની કાયમ તેમને માણસ બનવાનું કહેતી હતી. સ્પષ્ટ કહેવાની તો હિંમત નહોતી, સંકેતથી સૂચવતી હતી. કેવી મોટી ભૂલ કરી હતી ? જાણવા છતાં માત્ર પોતાની જીદને કારણે ચાવડાએ દિશા સામે જોયું નહોતું.

સમાચાર આવ્યા. ઉતાવળા આવેલા માણસે ધીમેથી ચાવડાના કાનમાં કશું કહ્યું. તે હેબત ખાઈ ગયા. સામંતનો દેહ ઠંડો થઈ ગયો હતો. પત્નીને પડતી મૂકીને ચાવડા મારતી ગાડીએ પાછા ફર્યા.

ફરશ પર સામંતનો નિર્જીવ દેહ ચત્તોપાટ પડ્ય હતો. ચાવડાએ હાથ-નાડી-હૃદય-આંખ તપાસ્યા. એમ લાગતું હતું કે, એ જાણે હમણાં જ બોલી ઊઠશે કે તે નિર્દોષ હતો. તેને ખોટી રીતે સંડોવ્યો હતો કુત્તાઓએ !

ચાવડાનો જુસ્સો ઓસરી ગયો હતો. સૌને જે બની ગયું હતું એની ગંભીરતા સમજાઈ હતી. તે ભાંગી ગયા હતા.

‘સાહેબ, ચિંતા ન રાખશો. હું સંભાળી લઉં છું. આપ બેફિકર...’ તેમના સહાયકે મામલો સંભાળી લીધો હતો.

આરોપી કસ્ટડીમાં નાસી જતાં ઘવાયો હતો અને તપાસને અંતે આ અવસ્થામાં મળી આવ્યો હતો.

બધાં જ સાધનો કામે લગાડ્યાં હતાં. અંતે એ પ્રકરણ પર સિફતપૂર્વક પૂર્ણવિરામ મુકાયું હતું.

ચાવડાએ નિરાંતનો શ્વાસ તો લીધો હતો પણ સાચી શાંતિ તો અપ્રાપ્ય જ હતી.

ઓહ ! મેં આ શું કર્યું ? મારા પર રાક્ષસ સવાર થયો હતો. તે જે કહેતો હતો એની ચકાસણી પણ ના કરી ? આટલી જડતા ક્યાંથી આવી ? પત્નીની આજીજીને પણ હું ક્યાં ગણકારતો હતો ? કેવો બદલો મળ્યો ? કુદરતે મારું સુખ છીનવી લીધું. મારાં પાપ હંસા જેવી પત્નીને પણ નડ્યા. તેને કશું આપી શક્યો તો નહોતો પણ... સાંપડ્યું હતું એ પણ...

ચાવડા પશ્ચાત્તાપમાં ડૂબી ગયા હતા. ત્રણ દિવસ પછી કાંઈક સ્વસ્થ થતાં પત્ની ક્લિનિકથી ઘરે આવી હતી. તે અશક્ત હતી, મૌન હતી. તેની નિર્મળ આંખ ચાવડાને ડારતી હતી.

બન્ને વચ્ચે માત્ર ઔપચારિકતા જ બચી હતી. એ દિવસો પરીક્ષાના હતા. અગ્નિપરીક્ષા જ હતી. પતિ અપરાધી હતો. તેની ભાવનાને સતત ઠેસ પહોંચી હતી. છેલ્લે આવેલું પરિણામ નજર સમક્ષ હતું. હંસાએ પહેલ કરી હતી.

‘જુઓ... મારાં સોગન... તમે જીવ ન બાળશો. કેવાં બની ગયા છો ?’ હંસા બોલી હતી. તે પથારીમાંથી ઊઠીને પતિ પાસે આવી હતી. ચાવડાએ બે પળ પત્ની સામે નજર મેળવી હતી. પછી રડી પડ્યા હતા. કાળમીંઢ પહાડ ઓગળતો હોય એવું લાગતું હતું.

‘મેં તમારું માન્યું હોત તો આ દિવસ ન આવત. મારા પૌરુષે મને ભાન ભુલાવ્યું હતું. કા મારો અહમ અંતે બધું ગયું. સાવ નિર્ધન થઈ ગયો હંસા... અરે, તને પણ લૂંટી લીધી મેં ! મારાં પાપ તને પણ નડ્યાં...!’

પરિતાપ શબ્દો અને આંસુથી ઓગળવા લાગ્યો.

‘ભુલી જાવ બધું આખો ભૂતકાળ દફનાવી દો. એમાં ક્યાં કશું હતું યાદ કરવા લાયક ? માણસ છીએ એટલે ભૂલો તો થાય !’ હંસાએ ભાંગી પડતા પતિને સંભાળ્યો.

પરિણામે એક નવો જન્મ થયો ચાવડાનો. કર્તવ્યની કેડી પર તો ચાલવાનું પણ માણસ બનીને.

ચાવડા માણસાઈને ગૌરવાન્વિત કરવાના યજ્ઞમાં લાગી ગયા. આ વ્યવસાયમાં પણ માણસને કેમ ભૂલી જવો ? ચાવડાનો આ નવો જન્મ જ જોઈ લો. કોક રુક્ષ માણસની રુક્ષતા નાશ પામી.

ચાવડાએ આ રીતથી પણ પ્રતિષ્ઠા મેળવી. એક માનવતાવાદી જેલર કેવો હોય એ પણ સૌએ જોયું. વર્ષો વીત્યાં. હવે તો તે નિવૃત્તિના આરે પહોંચ્યા હતા. સંભવતઃ આ છેલ્લું પોસ્ટિંગ હતું. મહિલા જેલમાં પોતાનાં દુષ્કૃત્યો યાદ કરીને ચાવડા ક્યારેક ગળગળા બની જતા.

ઓહ ! સાવ જાનવર હતો જાનવર ! તેમની ભીતર એક અવાજ ઊઠતો હતો.

હંસાની કૂખ ખાલી જ રહી હતી. એનો વસવસો તેને કેટલાંય વર્ષો સુધી કોરતો રહ્યો. પછી મન વાળી લીધું હતું.

‘જેવી તારી મરજી... આમાં તારો ક્યાં દોષ હતો ? તેં તો કૃપા ઢોળી હતી પણ અમારી પાત્રતા જ ઓછી !’

તે ઈશ્વર પાસે મનની વ્યથા વ્યક્ત કરતી, સાંત્વના મેળવતી. સમય જતાં વ્યગર્તા ખંખેરાઈ ગઈ.

સુજાતા વિશે અખબારમાં લખાતું હતું ત્યારે હંસાએ પતિને કહ્યું હતું, ‘ચાવડા... મને આ છોકરી ખૂની નથી લાગતી. કોણ જાણે કેમ પણ મને તેના માટે લાગણી થાય છે. આપણે હોત તો તે પણ આવડી જ હોત ને !’

પતિ શો જવાબ આપે ? તેણે છેક અતીતને તાજો કર્યો હતો. ‘હા... છોકરી સારા ઘરની છે પણ અત્યારે તો કોઈ તેની પડખે નથી. સાવ એકલી છે એ. જોઈએ શું થાય છે કોર્ટમાં ?’

હંસા તો એની છબી જોવામાં લીન થઈ ગઈ હતી. ‘આને સજા તો નહિ થાય ને ? તેણે શા માટે આમ કર્યું હશે ?’ હંસાના મનમાં અનેક સવાલો જાગ્યા હતા.

‘જો... સજા થશે તો તે લગભગ અહીં જ આવશે.’ ચાવડાએ અનુમાનનો દોર લંબાવ્યો.

‘મારે આ છોકરીને એક વાર મળવું છે.’ હંસાનું મન સુજાતામાં સ્થિર થયું હતું.

એ પછી હંસાએ અનેક વેળા સુજાતાની ચર્ચા કરી હતી. તેને સજા થઈ તો આજે જેલમાં આવી, ત્યારે હંસા તો તેના પિયર હતી. તેના પિતાની તબિયત સારી રહેતી નહોતી. ફોન પર લગભગ દરરોજ વાતો થતી હતી. ખાસ કરીને પિતાની તબિયત વિશે વાતો થતી હતી.

‘તમે સંભાળીને રહેજો. મહારાજ જમવાનું તો બરાબર બનાવે છે ને ? અને રાતે નિયમિત દૂધનો ગ્લાસ પી લેજો. હું અહી છું પણ મારો જીવ તો તમારી પાસે જ છે.’

આવી સાંસારિક વાતોમાં સુજાતા તો ક્યાંથી યાદ આવે ? પિતાનું અવસાન થયું. એક કરુણ ઘટનાએ આખો માહોલ બદલી નાખ્યો.

*

હંસા ઘણા સમય પછી પતિગૃહે આવી. તેનું ધીંગું શરીર સાવ કૃશ થઈ ગયું હતું. પતિને મળ્યાને આનંદ તેના ચહેરા પર અંકાઈ ગયો હતો. પિતાનું દુઃખ હજી તાજું હતું. બે ભિન્ન ભિન્ન દિશાઓની લાગણીઓ વચ્ચે તેણે ક્વાટરમાં પગ મૂક્યો.

તેના આશ્ચર્ય વચ્ચે ઘરમાં ક્યાંય અવ્યવસ્થા ન જણાઈ. દરેક સરસામાન ચીજવસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલી હતી. કપડાં બરાબર સંકેલાઈને પડ્યાં હતાં. ખંડો બરાબર સ્વચ્છ હતા. રસોડું એવું જ હતું જેવું તે ગઈ ત્યારે હતું અને ડ્રોઈંગરૂમ તો સાવ નવીન બની ગયો હતો. દીવાલો, છબીઓ, જુમ્મર કશા પર ધૂળના થપ્પા લાગ્યા નહોતા. એમ લાગતું હતું કે, એ જાણે સ્ત્રી વિનાનું ઘર ન હોય !

હંસા ચકિત થઈ ગઈ હતી. ચાવડા મંદ મંદ હસતા હતા.

‘કોણે કર્યું આ બધું ?’

ચાવડાએ પત્નીને સુજાતાનો પરિચય આપ્યો હતો.

‘એ છોકરી ? હત્યારી ?’ હંસાનો આ પ્રથમ પ્રત્યાઘાત હતો.

‘હંસા... તમે જ તેને નિર્દોષ માનતા હતા એ છોકરી. આ જેલમાં આવી છે, જનમટીપ ભોગવવા.’

ચાવડાએ જૂની વાત તાજી કરી હતી.

‘હા... એ છોકરી... ખરી, પણ એ અહીં સુધી પણ પહોંચી ગઈ ? હું અહીં આવવાની તો હતી જ. કાયમ બહારથી આવું છું ત્યારે ઘર અસ્તવ્યસ્ત હોય જ છે ને ?’

હંસાનું મન અસ્તવ્યસ્ત થયું હતું. ગમે તેમ તોય એ કેદી હતી. વળી સ્ત્રી હતી, છોકરી હતી !

વ્યવસ્થિત ઘર તેને ખૂંચવા લાગ્યું હતું. કારણ કે, અહીં દરેક સ્થળે નવી અજાણી સ્ત્રીના સ્પર્શો હતા અને ડ્રોઈંગરૂમ તો તેણે સમૂળગો બદલી નાખ્યો હતો.

સરસ લાગતો હતો, પણ તેનું મન કોચવાયું હતું. ચાવડા પત્નીનું મન સમજી શક્યા. આમાં મૂળભૂત રીતે સ્ત્રીની અન્ય સ્ત્રીની પ્રતિ ઈર્ષા હતી.

થોડા સમય પહેલાં જ પત્ની... સુજાતા નિર્દોષ હોવાની વકીલાત કરતી હતી. પત્નીની માનસિક સ્થિતિને લક્ષમાં રાખીને ચાવડા ત્યારે કશું બોલ્યા નહોતા.

બાકી તે તેમના વિચારોમાં સાવ સ્પષ્ટ હતા. સુજાતાને પોલીસવૅનમાં અહીં લાવવામાં આવી ત્યારે તે કામમાં ગળાડૂબ હતા, કેદીની સોંપણીની વિધિ ચાલી રહી હતી.

એ સમયે સ્ટાફ રૂમમાં થોડી હલચલ મચી ગઈ હતી. પરસાળમાં થતા અવાજો તેમના કાને પડ્યા હતા.

‘અરે, પેલી આવી છે... પતિની હત્યારી...’

‘કોણ ? સુજાતા... ખૂબ ચકચાર જમાવી હતી, એ સુજાતાએ...’

‘કોર્ટમાં કેવી સ્વસ્થ ઊભી રહેતી હતી ? જાણે કોઈ મોટું પરાક્રમ કરીને આવી ન હોય ?’

‘અરે, યાર પરાક્રમ કરીને જ આવી છે... તું એનું પેટ જોઈશ... એટલે ખ્યાલ આવી જશે.’

ફાઈલો તપાસતાં ચાવડાના કાન ચમક્યા હતા. શી વાતો થતી હતી બહારની પરસાળમાં ? અરે, આ તો પેલી સુજાતા... !

ચાવડાએ એ સમયે આ કેસનો બરાબર સ્ટડી કર્યો હતો. તેમને લાગતું હતું કે, કશુંક ખોટું હતું. સુજાતાના મૌન પાછળ પણ કશું હોવું જોઈએ, એમ તે માનતા હતા. કદાચ કોઈએ ડરાવી હોય અને ગુનો કબૂલ કરવા લાચાર કરી હોય અથવા તે ખુદ પણ કોઈને બચાવી રહી હોય. બાકી બીજા અનેક લોકોની માફક સુજાતાને ખૂની માનવા તે અચકાતા હતા.

જોકે આ તો તર્કો હતા બાકી ન માની શકાય એવા બનાવો પણ ક્યાં નહોતા બનતા ?

બસ એ જ છોકરી... તેમના કાર્યપ્રદેશની જેલમાં આવી પહોંચી હતી. તે કાંઈક ઉત્સુકતાથઈ પરસાળમાં આવ્યા હતા.

‘સાહેબ... પેલા ખૂનકેસવાળી છોકરી આવી છે, ફાઈલ આપના ટેબલ પર આવી જશે.’

આસિસ્ટન્ટે સલામ કરીને અમલદારને માહિતી આપી હતી. ચાવડાની હાજરીમાં, ગમે તેટલી કુતૂહલતા હોય તોપણ સ્ટાફ જગ્યા ન છોડે એ સહજ હતું.

બસ... એ સમયે ચાવડાએ સુજાતાને પ્રથમવાર નિહાળી હતી. ચાવડા ખુરશી પર બેઠા હતા... ત્યારે તે પાસેથી પસાર થઈ હતી. તે નતમસ્તકે જતી હતી. ઊંચી અને કૃશ હતી, નમણી હતી, ઘઉંવર્ણી ગણી શકાય તેવો વાન હતો. ધીમી ચાલમાં ડર નહોતો, પણ ગૌરવ હતું. માંડ પચીસની લાગતી હતી. શ્યામ આંખમાં અપાર શાંતિ હતી. વિકસી રહેલા પેટને કારણે તેણે સાડીના છેડા વતી બરાબર ઢાંક્યું હતું.

ચાવડાએ મનોમન નક્કી કરી નાખ્યું કે, આ કાંઈ ખૂની નહોતી. ગુનેગારોને ઓળખી લેવાની આવડત, ચાવડાએ આત્મસાત્‌ કરી હતી. આ ધોળા વાળ કાંઈ અકારણ નહોતા, તેમના અનુભવોનો પરિપાક હતો.

વધુ વિચારવાનો અવકાશ નહોતો, કારણ કે તરત જ ફોનની રીંગ રણઝણતી હતી, પણ રાતે ફરી સુજાતાની યાદ ઝબકી હતી.

એકાકી હતા, પત્નીના ફોનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અચાનક જ ઝબકારો થયો હતો.

‘હા... તે જો જીવતી રહી હોત તો... આવડી જ હોત !’

ચાવડાએ નિઃશ્વાસ નાખ્યો હતો. તેમના આંગણામાં સુજાતા જેવડી જ છોકરી રૂમઝૂમતી હોત ! આટલી એકલતા અને નીરસતા ન હોત એ બન્નેની જિંદગીમાં ! લાગી ગયેલું એકલતાનું ગ્રહણ હજુ પણ ક્યાં છૂટ્યું હતું ? અને ક્યારેય છૂટવાનું પણ નહોતું. ચાવડા પ્રસ્વેદથી રેબઝેબ બની ગયા હતા.

સૂની રાત વધુ સૂની બનતી હતી. પત્નીની યાદ તીવ્ર બની હતી. એક સૌભાગ્ય જોતજોતામાં રોળાઈ ગયું હતું.

‘આ... એ... તો નહિ હોય ને ?’ એક બીજો ઝબકાર થયો હતો.

‘આ તેનો નવો જન્મ પણ હોય !’

‘એ કારણે જ તે મારી પાસે આવી હોય... તેમ પણ બને...’

ચાવડાના મનમાં ગડ બેસવા માંડી હતી.

‘હા... એમ જ હશે... ઈશ્વરની વ્યવસ્થા થોડી સમજી શકાય છે ?’

પુનર્જન્મના અનેક કિસ્સાઓ વિશે ચાવડા જાણતા હતા. અલબત્ત, માનતા નહોતા. આ પહેલી વાર તેમનામાં શ્રદ્ધઆ જન્મી હતી. ‘તે મારી પાસેથી પસાર થઈ ત્યારે મને કેવી લાગણી થતી હતી, એ સુજાતા પર ? જાણે પંડની દીકરી ન હોય !’

સવારે તે ખુદ તેર નંબરની ખોલી પર આવ્યા હતા. સુજાતા નિર્લેપ ભાવે ભીંતને અઢેલીને બેઠી હતી. નવા વાતાવરણમાં પ્રવેશી હતી, કારાવાસમાં આવી હતી.

અહીં સુખ સગવડોની અપેક્ષા તો હોઈ શકે જ ક્યાંથી ? લાગતું હતું કે તે આખી રાત જાગી હશે.

તેના ચહેરા પર થાક જરૂર હતો પણ વિષાદ નહોતો. સાહેબને આમ અચાનક આવેલા જોઈને સૌ વિસ્મયમાં પડી ગયા હતા, આવ્યા અને એય પાછા તેર નંબરની ખોલીમાં ?

આ ખોલીમાં કાયમ જનમટીપની સજા ભોગવતી સ્ત્રીઓને રાખવામાં આવતી હતી. આ ખોલીમાં ગીરદી નહોતી, જ્યારે બાકીની બેરેકો ખીચોખીચ હતી.

આ મહિલા જેલમાં દિનપ્રતિદિન કેદીઓની સંખ્યા વધતી જતી હતી, આ કાંઈ સારી નિશાની નહોતી. ચાવડા વિચારતા અને અકળાતા પણ હતા. સાથીઓ સાથે ક્યારેક આ બાબત ચર્ચાતી પણ ખરી.

‘સાહેબ... એટલી તક પણ વધે છે ને, મહિલા સ્ત્રીઓનો કાફલો પણ વધતો જ જાય છે ને.’ એક સાથીએ સારું પાસું આગળ કર્યું હતું. વળી, બીજાએ હસતાં હસતાં ઉમેર્યું હતું :

‘સાહેબ... આ તો સમાનતાની જ વાત છે. પુરુષો જે જે ક્ષેત્રોમાં છે, એ એ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પણ છે જ...’

અલબત્ત, ચાવડાના મનનું સમાધઆન થયું નહોતું.

તેર નંબરની ખોલીમાં બે જ કેદીઓ હતા, પ્રૌઢા બની ચૂકેલી ભલી અને આ નવી નવી છોકરી સુજાતા. આ ખોલી કાંઈક એકાંતમાં હતી. એક નાની બારી પણ હતી, હવાની આવજા થઈ શકે કેટલી નાની, અને ઊંચી પણ ખરી. જીર્ણ, ઠંડી દીવાલો... સવારે જરા હૂંફાળી બનતી. ઉજાસ પણ આવતો હતો.

ચાવડાના આગમનનો ઉદ્દેશ તો કોઈ જાણતા નહોતા. સંત્રીઓ સાવધાન થઈ ગયા.

ચાવડાએ સુજાતા સાથે પ્રેમથી વાતો કરી, તેની સગવડો વિશે પૃચ્છા કરી.

‘જો... બેટા... આને જેલ ન ગણતી, તારું ઘર જ ગણજે. થોડા નિયમો અહીં પાળવા પડશે. બાકી કોઈ બાબતમાં મુંઝાતી નહિ. તારી તબિયત પણ સારી નથી. તને હળવા કામ આપવામાં આવશે. ડૉક્ટરસાહેબને પણ સૂચના આપી દઈશ કે તેઓ તારી કાળજી રાખે.’

ચાવડાની આત્મીયતાની અસર સુજાતા પર થઈ. તેના મુખ પર પ્રસન્નતા અંકાઈ ગઈ. તેણે આદરથી ચાવડા સામે જોયું અને પછી પાસે ઊભેલી ભલી સામે જોયું. ખ્યાલ આવી ગયો કે જે તેની સન્મુખ ઊભા તા, એ મોટા અમલદાર હતા. ભલીએ આ અમલદાર ભલા હોવાની વાત તેને કહી જ હતી.

ચાવડાના મનમાં જુદો પ્રવાહ ચાલી રહ્યો હતો. તેના મનમાં વાત્સલ્યનું ઝરણું વહેતું હતું. તેનું ચાલે તો સુજાતાને જેલની ખોલીને બદલે તેના ઘરમાં લઈ જાય ! લાગણી તો એમ જ કહેતી કહી પણ નિયમો જુદી વાત કરતા હતા.

સુજાતા એક કેદી હતી અને તેને જેલના નિયમો મુજબ જ રાખવાની હતી. નિયમ બહાર જવાનું તેમને રાચતું નહોતું. મહિલા જેલના અમલદારે કેટલીક વાતોમાં સાવચેત રહેવાનું હતું. રજનું ગજ થતાં વાર ન લાગે અને નામ ખરડાઈ જાય.

તે અટકી ગયા હતા.

સુજાતાનો કેસ લોકનજરે ચડી ગયો હતો. જેલમાં પણ તેના આગમન સાથે ચકચાર ફેલાઈ ગઈ હતી. સ્ત્રી કેદીઓ પણ સુજાતાને નીરખવા ટોળે વળતી હતી.

‘આ પેલી... સુજાતા... હમણાં જ આવી... તેર નંબરમાં છે ભલીની સાથે.’

‘ધણીને મારીને આવી છે... બાકી છે નાની છોકરી...’

‘અને પેટ... મોટું કરીને આવી છે... છે ને વિચિત્ર પાછી.’

મહિલા જેલમાં સગર્ભા કેદીઓની નવાઈ નહોતી. દર વરસે ચારપાંચ કેસ તો ડીલીવરીના બનતા જ. છૈયાં છોકરાંય હતાં કેટલીક સ્ત્રીઓને.

આગમન પછીના ચોથે દિવસે જ રંજન નામની કેદીએ સુજાતાને બોલાવી હતી. ત્યાં સુધી તો તે કેવળ કુતૂહલની ચીજ હતી. રોજ કેટલીય આંખ તેને તાકી રહી હતી.

તેને આંગણાનાં વૃક્ષોને પાણી સિંચવાનું કામ સોંપ્યું હતું. ત્રણે તરફ જેલના કેદીઓ માટેની બેરેકો હતી. મધ્યમાં વિશાળ ખાલી જગ્યા હતી. વિશાળ આકાશનું દર્શન થઈ શકતું હતું. આંગણામાં થોડાં વૃક્ષો હતાં. ફૂલોના રોપા હતા. સુજાતા પાણીના એક ઝરા વતી વૃક્ષે વૃક્ષે પાણી સિંચતી હતી, સવારે અને સાંજે. તેને આ કામ ગમી ગયું હતું. તે ચીવટથી એ કરતી હતી. આજુબાજુ થતો કોલાહલ શરૂઆતમાં ખૂંચતો હતો પણ પછી તો તે ટેવાઈ ગઈ હતી.

સવારે કોઈ નહોતું એ સ્થળે. સુજાતા સ્નાનની તૈયારી કરતી હતી ત્યાં જ પાછળથી રંજનનો સાદ આવ્યો હતો.

‘એય... જનમટીપવાળી...’ તે અક્ષરશઃ ચોંકી ગઈ હતી. આવું વિચિત્ર સંબોધન ! તેને જ કોઈએ બોલાવી હતી કારણ કે ત્યાં બીજું કોઈ તો હતું નહિ. ભલીએ તેને સલાહ આપી હતી : અલી, આટલી વહેલી ન જતી. આપણે અસ્તરી જાતને કાંઈ એક વાતની જ ચિંતા થોડી હોય છે ? જાત સાચવવી, અંદર કે બા’ર બધી જગ્યાએ એટલી જ મુશ્કેલ છે ! આ તો સા’બ ભલા છે એટલે બધા મઝામાં છે નહિ તો...!

તથ્ય હતું ભલીના શબ્દોમાં. સુજાતા પણ જાણતી જ હતી. એટલું જ નહિ પણ ઘણું ઘણું તે આટલી ટૂંકી જિંદગીમાં અનુભવી ચૂકી હતી.

વત્સલ કેવું સરસ ભાવવાહી, નામ હતું. અને તે હતો પણ એવો જ સોહામણો ! પણ તેય કાચી માટીનો માણસ પુરવાર થયો. તેની બધી જ ધારણા જમીનદોસ્ત બની ગઈ હતી એ થોડીક પળોમાં. પતિ હતો તેનો, કોઈ મિત્ર નહોતો. આ સંબંધને સુજાતા સર્વોચ્ચ માનતી હતી, પવિત્ર માનતી હતી, પણ તે શિખર પરથી ગબડીને છેક ખીણમાં ધકેલાઈ ગઈ હતી. આ પતિ, આવો પતિ !... અને એ પછી જે કાંઈ બન્યું હતું એ ન માની શકાય તેવું હતું. સુજાતા જેવી સરળ છોકરી... ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી ? તેને અનેક ચહેરાઓ યાદ આવતા હતા. એક સમયે તેની જિંદગી સાથે ગાઢ વણાયેલા હતા અને અત્યારે એ ક્યા ંહતાં ?

તેણે ભલીને તેને સંતોષ થાય એ રીતે જવાબ વાળ્યો હતો કે તે બરાબર ખ્યાલ રાખશે. ભલીએ આપેલી સલાહ ખૂબ જ મહત્ત્વની હતી.

ન જાણે સુજાતામાં કશું હતું કે સૌ તેને ચાહતા હતા, લાગણીનો પ્રવાહ વહેવા લાગતો હતો. સાવ સહજ રીતે તેના પર વહાલ વરસાવવાનું મન થાય તેવી છોકરી હતી. કોણે કહ્યું હતું આવું ? વત્સલે જ, હા તેણે જ કહ્યું હતું.

એ યૌવન પ્રવેશના આરે હતી, સ્વજનોની અવહેલનાથી વ્યથિત હતી. એ દશામાં જે થવું જોઈએ એ જ થયું હતું.

‘સુજાતા... તારામાં કશું તત્ત્વ છે જે તને ભૂલવા ઇચ્છું તો પણ ભૂલવા દેતું નથી ! વત્સલે પહેલીવાર મળી ત્યારે જ કહ્યું હતું. બીજી મુલાકાત વખેત પણ કહ્યું હતું...

સુજાતાનું મન ઝૂમી ઊઠ્યું હતું. વેરાનમાં અનરાધાર અષાઢ વરસ્યો હોય તેમ લાગ્યું હતું. અને તે તરત જ ઢળી ગઈ હતી. વત્સલ પર.

રંજનની રીત તેને ખૂંચી હતી, પણ પછી ખ્યાલ આવી ગયો હતો કે આ તેની આગવી રીત હતી. બાકી દિલની સાવ સાફ હતી.

‘તારે ગભરાવું નહિ... જનમટીપવાળી. અહીં મારો ડંકો વાગે છે. બધા સંત્રીઓ સાથે ઓળખાણ. આ પાંચમી વાર અહીં આવી છું. અને સાંભળ... હવે પછી પણ આવવાની છું.’ તે હસી પડી હતી. સુજાતાની હથેળી પર તાળી પાડી હતી.

સુજાતાને નવાઈ લાગતી હતી. પછીના સમયમાં રંજન સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી.

‘ુસુજાતા... તું મુંઝાતી નહિ. આપણે સ્ત્રીઓને જાતજાતનાં જોખમ... ડીલીવરીનાં જોખમ, પુરુષો સાથે લપસી જવાનાં જોખમ, પતિ છોડીને ભાગી જાય એનાં જોખમ... વર મળે એનાં જોખમ, ન મળે એનાં જોખમ. એક વધારાનું જોખમ મેં હાથમાં લીધું છે. હું હેરાફેરીનું કામ કરું છું. ફાવી ગયું છે. ક્યારેક ક્યારેક આપણા નસીબ પાધરા હોય ત્યારે પકડાઈ જાઉં છું !

રંજન આખાબોલી હતી. તે વાતવાતમાં ગાળ પણ બોલતી હતી. આ પણ એક જિંદગી હતી. જેલવાસની તેને નવાઈ નહોતી. તેને એક છોકરો પણ હતો. તેર ચૌદ વર્ષનો થયો હશે. તે પણ માને મદદ કરતો હતો.

‘વર પણ હતો જ. ફાવ્યું ત્યાં સુધી સાથે રહી.’ તે સાવ સહજ રીતે ઉલ્લેખ કરતી હતી.

‘રોયો... બીજીમાં લપટાયો હતો. બસ... છોડી દીધો. છોકરાને લઈને હાલી નીકળી.’

રંજન ખડખડ હસી હતી. સુજાતા વાત સાંભળીને કંપી ગઈ હતી. આ કાંઈ હસવા જેવી વાત હતી ?

ચાવડાએ ડૉક્ટરને ખાસ સૂચના આપી હતી કે, તેમણે સુજાતાનો ખાસ ખ્યાલ રાખવો.

સુજાતાને તકલીફો શરૂ થી હતી. પગે સોજા થયા હતા. બીપી પણ વધારે હતું. સાવ લેવાઈ ગઈ હતી. ભલી ચિંતામાં પડી ગઈ હતી.

ડૉક્ટરે જ રસ્તો શોધી કાઢ્યો. સુજાતા તેર નંબરની ખોલીમાંથી જેલની ઑફિસના એક ન વપરાતા ખંડમાં આવી. આ ખંડ .ડૉક્ટર આરામ માટે વાપરતા હતા. સરસ પલંગ આવી ગયો. ચાવડાસાહેબે જ વ્યવસ્થા કરી. તે સતત ડૉક્ટરની દેખરેખ નીચે આવી ગઈ. ભલીને પણ તેની સારવાર અને સથવારા માટે સાથે રાખી. ભલી ખુશ થઈ ગઈ.

વાહ ! કેવો સરસ ઓરડો ! આથી મોટા સુખની કલ્પના કરી શકે તેમ નહોતી.

‘છોડી... તું ભાગશાળી છું. તારી સાથે મનેય...’ તેનું મોં હરખાઈને પાલી જેવડું થતું હતું.

‘ચાવડા... પેશંટ પર વાતાવરણની અસર થાય છે જ.’ ડૉક્ટર દવેએ એક સવારે ચાવડાને કહ્યું હતું. સુજાતાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો હતો.

‘બેટા... તું સાવ નચિંત બનીને અહીં રહે. એમ માનજે કે તું જેલમાં નથી પણ... તારા બાપના ઘરમાં છું !’ ચાવડાએ સુજાતાને પ્રેમથી કહ્યું હતું.

સુજાતાને સંપતરાય યાદ આવી ગયા. તેના પિતા હયાત હોત તો તે આ સ્થળે હોત ખરી ?

‘શા વિચારમાં પડી, સુજાતા ? મને તારો બાપ જ ગણજે. હંસા હમણાં નથી, નહિ તો તને સ્હેજે આપદા ન પડવા દે. આ દાદર ચડી જા... એટલે ઉપર મારું ક્વાટર છે. ખુલ્લું જ છે. તારે ત્યાં જવું... બેસવું... ટીવી પણ છે... તારા મનને શાંતિ રહેશે. શું સમજી ? તરા પણ સંકોચ ન રાખવો !’

ચાવડાના અવાજમાં કોમળતા હતી. તેની નજર સામે તેમનો અતીત તરવરતો હતો. પેલી મૃત બાળકી... સજીવન થઈને સુજાતાનું રૂપ લેતી હતી.

‘હા... બાપુ...’ સુજાતાના મુખ પર જૂનું સંબોધન આવી ગયું. તે કાયમ સંપતરાયને બાપુ કહીને જ બોલાવતી હતી. કેવું મીઠું લાગતું હતું એ સંબોધન !

ચાવડાની આંખ ભીની થઈ હતી. તે તરત જ ચાલ્યા ગયા હતા.

નક્કી એ જ લાગે છે નહિ તો આટલી લાગણી ક્યાંથી જન્મે ? તેમના મનમાં ઠસી ગયું. રુક્ષ ચહેરા પર કોમળતા પથરાઈ ગઈ.

એક સાંજે ક્વાટર પર ગયા. થાક્યા હતા. પત્ની યાદ આવી હતી. ઓહ ! કેટલા દિવસો થયા તેમને ગયા ? હવે તો બોલાવી જ લઉં... આ ઘર બાવાના વાસ જેવું...

પણ એ શબ્દો તેમના હોઠ પર જ રહી ગયા. આખા ઘરની સિકલ જ બદલાઈ ગઈ હતી. સવારે જોયું હતું એ ઘર આ નહોતું. કોણે કર્યા આ અજવાળા ? શું હંસા આવી ગઈ ?

એ તો સુજાતાની કોઠાસૂઝનું પરિણામ હતું. તેણે તથા ભલીએ આખા દિદાર બદલી નાખ્યા હતા.

બરાબર બીજે દિવસે જ હંસા આવી. તેને કુતૂહલ થયું કે કોણ છે એ સુજાતા જેણે તેના ઘરને આટલો આત્મીય સ્પર્શ આપ્યો ? કુતૂહલ હતું, થોડી ઈર્ષા પણ હતી.

ચાવડા તો કામમાં પડી ગયા અને તે પતિએ જણાવેલી દિશામાં એ ખંડમાં આવી. જોઈએ કોણ છે સુજાતા, પતિની હત્યારી અને જનમટીપની કેદી ? અને પોતાના ગૃહ સામ્રાજ્યમાં હસ્તક્ષેપ કરનારી ?

*

હંસાના મનમાં એક ઉચાટ પણ હતો. એક કેદી સ્ત્રીના પગલા તેના ઘરમાં થાય; અને એ પણ તેની ગેરહાજરીમાં ? તે ખંડમાં પ્રવેશી ત્યારે તે પૂર્વગ્રહોથી પીડાતી હતી.

બન્નેની દૃષ્ટિ મળી. સુજાતા બિછાનામાં ઓશિકું અઢેલીને બેઠી હતી. ભલી પાંગત પર બેઠી બેઠી કશી વાત કહી રહી હતી. સુજાતાએ આગંતુકને ઓળખી લીધઈ. આવી જાજરમાન આધેડવયની સ્ત્રી - બીજી કોણ હોઈ શકે ?

‘મા... આવી ગયા ?’ તેનો ભાવ ભરેલો અવાજ સંભળાયો, હંસા સ્તબ્ધ થઈ ગઈ બે પળ.

આ સુજાતા ? આ તો વાત્સલ્યનો દરિયો ! આંખમાંથી જાણે અમી ઝરે છે ! બીજી પળે તેના બધા જ પૂર્વગ્રહો ખાખ થઈ ગયા. તેને પતિ જેવી જ અનુભૂતિ થઈ.

‘આ એ તો નહિ હોય ને ? ભલે વર્ષો થઈ ગયા એ વાતને. એ ક્યાં ભૂલાય છે ? નહિ તો મને મા કહીને શા માટે સંબોધે ? લેણદેણ પૂરી કરવા ઈશ્વરે અહીં મોકલી છે. બસ... આ તેનો બીજો જન્મ !’

હંસા ગદ્‌ગદ્‌ થઈ ગઈ.

‘હા, બેટા, આવી ગઈ. પણ હું આવી એ કરતાં તું આવી ગઈ, એ હરખની વાત છે.’ તે સુજાતાને વળગી પડી. સુજાતાને આ વર્તન સમજાયું નહિ પણ તેને આ હેત ગમ્યું. કેટલા સમય પછી તેને કોઈ વ્હાલથી વરસતું હતું ! કઠોર વાતાવરણે તેને આડાબીડ વેરાન જેવી બનાવી દીધી હતી.

‘ક્યાં હતી અત્યાર સુધી ?’ હંસાએ રુદન વચ્ચે સાવ વિચિત્ર સવાલ પણ પૂછ્યો.

બારણા પાછળ ઊભેલા ચાવડા આ દૃશ્યને નિહાળતા હતા. તેમની આંખો પણ ભીની હતી. હવે તો કશા પ્રમાણની જરૂર જ ક્યાં હતી ? પોતે જે અનુભવ્યું હતું, એ પત્ની પણ અનુભવી રહી હતી. ચકિત થઈ જવાય એવી ઘટના હતી.

બન્ને મળ્યાં ત્યારે હોઠને કશું વ્યક્ત કરવું ન પડ્યું, આંખ મળી અને મન વંચાઈ ગયાં.

‘તમે સુજાતાને અહીં લાવ્યા એ સારું જ કર્યું. હું તો તેને આ ઘરમાં લાવવા માગું છું. નજર હેઠળ રહે ને મનને શાંતિ થાય. તેને પણ... ઘર જેવું જ લાગે !’

હંસાની વાત ચાવડા સાંભળી રહ્યા, તે અવઢવમાં હતા. નિયમો બાબતમાં ચુસ્ત જીવ હતા, એ હંસા જાણતી હતી.

‘ભલે... એ ત્યાં રહે. હું તો ત્યાં જઈ શકીશ ને. બસ... મારે બીજું વળી શું કામ છે ?’

હંસા સુજાતાની ચાકરીમાં લાગી ગઈ.

‘જો બેટા, આ દિવસોમાં ઘણી કાળજી રાખવી પડે, અને આ તો પાછી પહેલી સુવાવડ...’

સુજાતાને મન તો આ એક ચમત્કાર જ હતો, તેને મા મળી ગઈ હતી.

અને હંસાને માતૃત્વ. આખા છપ્પનિયા કાળ જેવડી વેદના લઈને તે જીવતી હતી. યાદ તીવ્ર બનીને તેની રાતોની રાતો વરણ કરતી હતી. બંને પતિ-પત્ની એકબીજાને સારું લગાડવા જીવતાં હતાં. ચાવડા માટે તો તેમની પ્રવૃત્તિઓ આશ્વાસનરૂપ હતી પણ માતૃત્વને લગોલગ અનુભવીને લૂંટાઈ ચૂકેલી હંસાનું શું ? તેને માટે તો આવરદા શાપરૂપ હતી. પતિને જોઈને તેના મનમાં શુંનું શું થઈ જતું હતું !

ભલા, ઈશ્વર... તું તો દયાનો સાગર છે, શું એક ગુનો પણ માફ ન કરી શક્યો ? હવે તો બિચારા જીવ... સાવ ભદ્ર બની ગયા છે. તે ઈશ્વર સાથે વાતો કરતી.

હંસાએ માની લીધું કે ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ વાળી દીધો હતો. સુજાતા તેમની પાસે આવી હતી, એ તેની જ ઇચ્છા હતી, તેનો જ પ્રસાદ હતો.

અચાનક તે બંનેની જિંદગી લીલીછમ્મ બની ગઈ, સુજાતા નવી દુનિયામાં પહોંચી ગઈ.

‘મા... મારા ભાગ્યમાં લખ્યું હશે કે તમે અને બાપુ મળ્યા.’ તે હંસા સાથે મુક્ત મને વાતો કરતી.

ચાવડાએ ખાસ સૂચના આપી હતી કે, સુજાતાને તેની જિંદગી વિશે ક્યારેય કશું પૂછવું નહિ. તેમણે સુજાતાની ફાઈલ વાંચી હતી. ગૂંચ જેવું લાગતું હતું. તેણે આ અપરાધ કબૂલ શા માટે કર્યો એ વાત તેમને મૂંઝવતી હતી. તેણે સહેલાઈથી અપરાધ સ્વીકારી લીધો હતો બાકી આવી બાબતો પુરવાર થવી એટલી સહેલી હોતી નથી.

છેલ્લા દિવસોમાં ડૉક્ટરની સલાહ મુજબ સુજાતાને હૉસ્પિટલમાં લાવવામાં આવી.

‘તારા સારા માટે જ અહીં લાવી છું શું સમજી ? વળી નિયમો મુજબ સંત્રી પણ રાખવા પડે. બાકી... ઘર જ સમજી લે.’ હંસાએ તેને સમજાવી હતી.

હંસા મોટે ભાગે બપોરે આવતી, છેક સાંજે જતી હતી. અહીં પણ એક નવી દુનિયા હતી. હૉસ્પિટલનું સંકુલ વિશાળ હતું, વળી હૉસ્પિટલના પણ કેટલાક નિયમો હતા.

તેની સારવાર તો સરસ થતી હતી. જાનકી જેવી સહૃદયી સંત્રી હતી. કેટલીક નર્સો પણ સારી હતી, બાકી બધું જ ચીલાચાલુ હતું.

તે સવાર-સાંજ લોબીમાં ફરવા નીકળતી, એ પણ એક કુતૂહલ બની ગયું હતું. લોકોની દૃષ્ટિ કાંઈ થોડી ફેરવી શકાય ? એ લોકો પણ સામાન્ય જન હતા. આ હત્યારી સ્ત્રીને જોવા લોકો ટોળે વળતા હતા.

કેટલીક નર્સો-સ્ટાફ પણ ગમે તેવી મજાક કરતા હતા. સુજાતા માટે આ કાંઈ નવી વાત નહોતી.

તે બિછાનામાં પડતી પણ શાંતિ મળતી નહોતી. તેને સતત વિચારો આવતા હતા. કોઈ તેનો પીછો કરી રહ્યું હોય તેમ લાગતું. અનેક પાત્રો અને પ્રસંગો મનમાં વલોવાતા હતા. કશું પણ ભૂલવું ક્યાં સહેલું હતું ?

તેને વિશ્વા ખાસ યાદ આવતી હતી. તે મને મળવા શા માટે નહિ આવતી હોય ? ખરેખર તો તેણે આવવું જ જોઈએ. તે આવે એ મને કેટલું ગમે ? અરે, મારો તો તેના પર અધિકાર છે.

તે તેની નાની બહેન વિશ્વા વિશે વિચારતી ત્યારે કાયમ લીન થઈ જતી હતી. તો ઓરમાન બહેન સુજાતાએ પણ એવું ક્યાં લાગવા દીધું હતું ?

વઢી વઢીને ગણિત શીખવ્યું હતું. અંગ્રેજી વ્યાકરણ ગોખાવ્યું હતું. ગુજરાતી નિબંધ લખતાં શીખવ્યું હતું. દુનિયાદારીનું જ્ઞાન આપ્યું હતું. અને વિશ્વા પણ કેવી ? મોટી બહેનનો પડછાયો જ જાણે ! તેના વિના ચેન ન પડે. બન્ને સૂતાં પણ એક પલંગમાં, જમતાં એક થાળીમાં.

સુજાતા પરણી ત્યારેવિશ્વાએ જીદ પકડી હતી, તેની સાથે જવાની. એ સમયે પણ તે કાંઈ નાની તો નહોતી, ખાસ્સી કિશોરી હતી. ઊંચાઈ - રૂપ - નમણાશમાં જોઈએ તો કોઈ યુવીત જ લાગે.

કેવી હઠ પકડી હતી, પોતે અને વત્સલ પરણ્યા પછી પ્રથમ વાર લોનાવાલા-માથેરાન ફરવા જતાં હતાં ત્યારે ? બસ, મારે સાથે આવવું જ છે, તમે નહિ લઈ જાવ તો, હું જીજાજી સાથે આવી...શ.

માલિનીએ દીકરીને રોકવા પ્રયાસ કર્યો હતો પણ તે તો અડગ જ હતી. કેવી રીતે સમજાવવી ? માલિની અને સુજાતાને મન તો તે હજી નાની કીકલી જ હતી.

તેણે વત્સલને કશું કાનમાં કહ્યું હતું. એ વાત તો સુજાતાએ પાછળથી જાણી, વત્સલે કહ્યું ત્યારે.

‘જીજાજી... એમ હોય તો હું અલગ કમરામાં સૂઈશ.’ તેણે વત્સલને આમ કહીને ચોંકાવી દીધો હતો. તે હસી પડ્યો હતો પણ માની ગયો હતો.

‘તું આવજે... બસ’ તેણે વિશ્વાના ખભા થપથપાવ્યા હતા. માલિનીની સમજાવટ કે ધમકી નિષ્ફળ ગયા હતા.

ઓહ ! વિશ્વા તો મોટી થઈ ગઈ હતી, ખાસ્સી મોટી. બધું સમજવા જેવડી મોટી ! પણ એ ભૂલ જ હતી.

સુજાતા હૉસ્પિટલના બિછાના પર બેઠી બેઠી વિશ્વાને સ્મરી રહી હતી.

અને તોપણ વિશ્વા સાવ ભોળી હતી, પારેવાં જેવી, જ્ઞાન તો હશે કદાચ, એ તો વય વધતાં આવી જ જાય, પણ ભાન ક્યાં હતું ? બસ એ જ... કારણ હતું...

અચાનક બારણું ખૂલ્યું અને તેની વિચારમાળા તૂટી. હંસાબા હશે એમ માનીને નજર બારણા તરફ દોરી. આ સમય હતો તેમના આગમનનો. છેક સાંજ સુધી બેસતાં.

તેમનો સાથ સુજાતાને પ્રિય હતો, પણ તેમને બદલે જાનકી હતી. ખાખી યુનિફોર્મ, ઘઉંવર્ણો વાન, ઊંચી સપ્રમાણ દેહયષ્ટિ અને છોગાનું રમતિયાળ સ્મિત.

‘આવો બહેન...’ સુજાતાએ તેને આવકારી હતી. પછી તેણે ઉમેર્યું પણ ખરું ‘જાનકી... મને તમને જોઈને વિશ્વા યાદ આવી ગઈ.’

‘વિશ્વા...?’ જાનકીના સ્મિત પર કુતૂહલ લીંપાઈ ગયું.

‘હા, મારી નાની બહેન... તમારા જેવી જ રમતિયાળ..., અત્યારે તમે લાગો છો એવી જ !’

‘ક્યાં છે અત્યારે ?’ પ્રશ્ન સહજ હતો.

‘ગૉડ નોઝ...’ સુજાતાએ અચકાઈને જવાબ વાળ્યો. પછી તરત જ વાતને સમેટી લીધી. ‘જાનકી’... હું જેલમાં આવી પછી મારી આખી સૃષ્ટિ વીંખાઈ જ જાય ને ?’

‘બેસો ને... તમારે મારી ચોકી કરવાની છે, આમ સામે જ બેસવું જોઈએ. કદાચ હું ઊડીને પણ નાસી જાઉં.’

સુજાતા ટિખળ કરતી હતી કે ગમને ખંખેરતી હતી, એ જાનકીને ન સમજાયું.

‘સુજાતા... તને સાચવવાનું કામ કોઈ પણ માટે સરળ ગણાય. તું ક્યાં નાસી જવાની હતી ? સાચું પૂછ તો તારે નાસી જવાનું શું કારણ ? તારું કોઈ સ્વજન હોત તો તને આટલા સમયમાં મળવા આવ્યું હોત. એથી વિપરીત અહીં તારા પર ચાવડાસાહેબ તથા બેનના ચાર હાથ છે. મારા જેવી તો તારી સખી બની ગઈ છે. ડૉક્ટરો પ્રેમથી સારવાર કરે છે. બાકી હતું તે ગુણવંતકાકા પણ તારા પર લાગણી ઢોળે છે. તારે અહીં શાનું દુઃખ છે, બોલ ?’

જાનકી આટલું બોલીને હસી પડી. ‘છે ને મારી વાત સાચી ?’ સુજાતા તો અવાક્‌ થઈ ગઈ. જાનકીની વાત ક્યાં ખોટી હતી ? તે વિશ્વા વિશે જ વિચારતી હતી. તે શા માટે નહિ આવી હોય ? તેને વળી શી લાચારી હશે, મારા સુધી આવવામાં ? તેણે તરત જ વાતને વળાંક આપી દીધો.

‘જાનકી... બાકી કાકા, એટલે કાકા જ, આ ઉંમરે પણ આટલી સેવા કરે છે, આટલો શ્રમ કરે છે. દરદીઓમાં આશાનું સિંચન કરે છે. મને પણ કાકાએ પ્રેરણા આપી, પુસ્તકો આપ્યાં. ખરેખર કાકા ફિરશ્તા જેવા છે.’

‘મને પહેલા તો તેમના પર ચીડ ચડતી હતી, તેમની ચીપી ચીપીને બોલવાની ઢબ મને ગમતી નહોતી, પણ પછી તો સમજ પડી, આટલો શ્રમ કોણ ઉઠાવે ?’

પછી તરત જ યાદ આવ્યું હોય તેમ બોલી ઊઠી, ‘અરે, હા, એ વાત તો ભૂલાઈ જ ગઈ, હંસાબા આજે નહિ આવી શકે. તબિયત કાંઈક...’

જાનકીએ મૂળ વાત સાવ છેલ્લે કરી.

હંસાબા સતત ત્રણ દિવસ ન આવી શક્યાં. દેહમાં તીવ્ર જ્વર હતો. દવા સારવાર તો શરૂ થઈ ગયા પણ જ્વર કાબૂમાં આવતો નહોતો.

‘જુઓ, ત્યાં સુજાતા એકલી થઈ ગઈ હશે, મરાો જીવ તેનામાં જ છે.’ તે લવતા હતા, તાવના ઘેન સાથે સુજાતાની માયા પણ ભળી હતી.

‘હું ચાલી તો નહિ જાઉં ને ? આ તાવ કેમ ઉતરતો નથી ?’ તેને વિચાર આવતો હતો.

માંડ માંડ એક પુત્રી સાંપડી, અને હવે હું જ ચાલી જવા તૈયાર થઈ છું. મારી ભાગ્યરેખા જ નબળી છે. ચાવડા, તમે ક્યાં છો ? ઓહ ! એમનું પણ કોણ ?’ તેનો લવારો તીવ્ર બન્યો હતો.

ચાવડા ચિંતિત થઈ ગયા હતા. આ શું થઈ રહ્યું હતું ? આ આમ ચાલી તો... નહિ જાય ને... હાથતાળી દઈને !’

પાંચમે દિવસે તાવ કાબૂમાં આવ્યો હતો. સતત જાગતા ચાવડા એ દિવસે જંપ્યા હતા.

આટલા સમય દરમિયાન સુજાતા ચિંતાથી ઘેરાઈ ગઈ હતી. તેને સહજ રીતે હંસાની ચિંતા થઈ હતી.

આટલા સમયમાં હંસા સાથે પ્રેમની લાગણી જન્મી હતી. તે તેમના વિચારોમાં જ રહેતી હતી. જન્મદાતા વાસન્તી પણ યાદ આવી જતી હતી. તેની પાસે તેની જનેતાનાં કોઈ ખાસ સ્મરણો ન હતાં. હા, શાન્તાએ તેને વાસન્તીની અનેક વાતો કહી હતી, ત્યારે તે બાળકી હતી. રાતે શાન્તા પાસે પહોંચી જતી. ‘આન્ટી... મને મારી માની વાત કહો ને !’

શાન્તા વૃદ્ધ નોકરડી હતી. કેટલાંય વરસોથી આ પરિવારને આશરે પડી હતી. કોઈને તેનો ભાર લાગતો નહોતો. ત્યારે તો કામકાજ પણ ઠીક ઠીક કરતી હતી. વાસન્તી પરણીને આવી ત્યારે આખા ઘરનો ભાર તેના પર જ હતો. તેને કોઈ નોકરડી ગણતું નહોતું.

તે નાની સુજાતાનું કુતૂહલ સંતોષવાનું કામ કરતી :

‘બેસ... વાસન્તીબહેનની તો વાત જ ન થાય. રૂમઝૂમ રૂમઝૂમ કરતી પગલીઓ પાડે, બોલે ત્યાં ફૂલ ઝરે, જાજરમાન...’ એ સમયે સુજાતાને જાજરમાન શબ્દનો અર્થ સમજાતો નહોતો. હંસા જાજરમાન હતી. સુજાતાને બધા જ અર્થો જિંદગીના સમજાઈ ચૂક્યા હતા.

ગુણવંતકાકાને પણ લાગ્યું હતું કે, સુજાતાની માનસિક હાલત કાંઈ સારી નહોતી. કોઈ તેનું અંગત પાસે હોય તો સારું ! તે મૂંઝાતા હતા, સ્વજનો તો હશે પણ મુખ ફેરવી બેઠેલાં હોય એને સ્વજન કેવી રીતે ગણી શકાય ? તેમને લાગતું હતું કે તે કોઈ વાતે મનોમન ગૂંચવાતી હતી.

જાનકી મદદમાં આવી કાકાને. તેણે એક નામ આપ્યું, એ નામ હતું વિશ્વા.

હા, કાકા... સુજાતા એ વિશ્વા વિશે મને ત્રુટક ત્રુટક ઘણી વાતો કહેતી હતી, કદાચ... એ વ્યક્તિ સાચેસાચ સ્વજન પણ હોય !

અને સેવાભાવી ગુણવંતકાકા કામે લાગી ગયા. ઓળખાણો પણ ઘણી હતી. પત્રકારો તો ખાસ ઓળખતા હતા કાકાને. એક પત્રકારે કાકાને કેન્દ્રમાં રાખીને તેમની સેવાપ્રવૃત્તિઓ વિશે લખવા વિચાર્યું હતું, પણ કાકાએ ના પાડી હતી.

‘ભાઈ... મારે એ માર્ગે જવું નથી, પ્રસિદ્ધિનો મોહ મને ખોટી માથામાં ઢસડી જશે પછી આ બધું ટકશે નહિ.’

સુજાતા કેસ તો ખૂબ ચકચાર જગાવી ગયો હતો, એટલે વિશ્વા સુધી પહોંચવામાં કાકાને મુશ્કેલી ન પડી. આ બધા પત્રકારો એ ઘર સુધી પહોંચી ચૂક્યા હતા, હત્યાનો બનાવ બન્યો ત્યારે.

‘હા, એ વિશ્વા ખરી. અમે મળવા મથ્યા હતા, માંડ માંડ મળી હતી. રમતિયાળ બિન્ધાસ્ત છોકરી છે. અમને ફટાફટ જવાબો આપતી હતી કે, તેને આ હત્યા સાથે લાગતું વળગતું નહોતું કારણ કે તે એ સમયે આ શહેરમાં જ ન હતી.’ પત્રકાર મિત્રે વારંવાર કહ્યું કે એ છોકરી બિન્ધાસ્ત હતી...

કાકાને નિરાશ થવું પાલવે તેમ નહોતું કારણ કે જાનકીના કહેવા મુજબ સુજાતા તેને સારી રીતે યાદ કરતી હતી. એક તેના સિવાય કોઈ પણ નામ તેને હોઠે આવ્યું નહોતું.

એ ફ્લેટ મળવામાં કશી ખાસ મુશ્કેલી ન પડી. ફર્સ્ટ ફ્લોરના એ ફ્લેટની ડૉરબેલ પર આંગળી મૂકી ત્યારે કાકા પરિણામ બાબતમાં આશાવાદી હતા. તેમને ખ્યાલ હતો કે સમય જતાં રોષ અને પૂર્વગ્રહો બન્ને ઓગળી જતા હોય છે.

બારણું અર્ધુ ખૂલ્યું. એક ચહેરો બહાર આવ્યો. તે વિશ્વા જ હશે, એવું કાકાના મનમાં વસી ગયું કારણ કે વિશ્વા વિશે જે આછીપાતળી વાતો મળી હતી, એ સાથે આ ચહેરો બંધબેસતો આવતો હતો.

‘તમે જ, વિશ્વા ?’

‘હા, હું જ... આવો કાકા...’ બારણું તરત જ ખૂલી ગયું.

કાકાએ આગળના ખંડમાં સોફા પર જગ્યા લીધી. આખો ખંડ જૂની જાહોજલાલીનાં પ્રમાણો પૂરા પાડતો હતો. પેલી છોકરી વિશ્વા સામે બેઠી. પાસે એક બીજી યુવતી પણ હતી, તે પ્રમાણમાં સાદી હતી.

દરમિયાન ભીતરથી એક સ્વરૂપવાન આઘેડ સ્ત્રી ધસી આવી, તેના ગૌર ચહેરા પર ચીડ વાંચી શકાતી હતી.

‘વિશ્વા, હજાર વાર કહ્યું છે કે, કોઈ અજાણ્યાને આમ ઘરમાં...’ તેનો અવાજ તૂટી ગયો.

‘શું છે તમારે ? અમારે ગૌશાળા... કે એવી કોઈ પ્રવૃત્તિ માટે ફંડ આપવાનું નથી, શું સમજ્યા ? આમ કોઈના ઘરમાં ઘૂસી જાવ, એ શું બરાબર છે ?’

એ માલિની હતી, સુજાતાની અપર માત. કાકાને સમજ પડી, તે તો ઊભા થઈ ગયા, પણ પેલી વિશ્વાએ માતાને રોકી.

‘મમ્મી... આ કાંઈ સારી વાત ન કહેવાય, કાકા મળવા આવ્યા છે, કાંઈ લૂંટ ચલાવવા નથી આવ્યા. બોલો... કાકા... હું જ વિશ્વા... શું કહેવું છે આપને ?’

વિશ્વાએ રમતિયાળ સ્વરમાં કહ્યું. માલિની પણ સામે ઊભી. તેના ચહેરાની બધી જ રેખાઓ તંગ હતી, પુત્રી પ્રતિ પણ રોષ હતો.

કાકા તરત જ મુખ્ય વાત પર આવી ગયા. મનમાંથી ઉઠ્યા એ શબ્દોમાં તેમણે સુજાતાની સ્થિતિ સમજાવી.

‘મને ખબર છે કે તમારા મનમાં તેના પ્રતિ કશો રોષ છે પણ આખરે... તે તમારી પુત્રી છે. વિશ્વાને યાદ કર્યા કરે છે, અને તેની સ્થિતિ પણ એવી છે કે કોઈ અંગત વ્યક્તિ તેની પાસે હોય તો તેને સાંત્વના મળે.’

‘જુઓ ભાઈ... તે ભલે અમારી પુત્રી રહી, પણ અમારા કહ્યામાં જ નહોતી. અમારે તો એ છોકરીને કારણે ઘણું સહન કરવું પડ્યું છે. તેની કલંક કથાથી આ મારી વિશ્વાનો કોઈ હાથ ઝાલતું નથી. માટે ભાઈ... એ હવે અમારા માટે કોઈ જ નથી. પલ્લવી, કાકા માટે પાણી લાવ...’

માલિનીએ નિષ્ઠુરતાથી વાત પર પડદો પાડી દીધો. કાકાએ આટલું ધાર્યું નહોતું. આ તલમાંથી તેલ નીકળે તેમ નહોતું. પેલી પલ્લવી નામની છોકરી તેમને વિદાય આપવા આવી. છેક બારણાં બહાર આવીને તે બોલી : ‘કાકા, હું કાલે આવીશ... સુજાતા પાસે.’

પછી તરત જ અંદર સરકી ગઈ.

કાકાની આશા જીવંત રહી શકી. બાકી માલિનીના વર્તનથી તેમને ભારોભાર દુઃખ થયું. તે ભલે અપરમા હતી પણ સ્ત્રી તો હતી જ ને ? હા, સ્ત્રી... જેને ઈશ્વરે વાત્સલ્યનું વરદાન આપ્યું હતું. તે આ વાતો વાગોળતાં વાગોળતાં હૉસ્પિટલની સુજાતાની બાર નંબરની ઓરડીમાં આવ્યા. થાક અનુભવતા હતા. ચાલો... એક સમાચાર તો લાવ્યા હતા, એ પલ્લવીના કોણ હશે એ ? ભલી છોકરી લાગી.

અંદર નજર કરી. હંસાબા આવી ગયા હતાં. તેમનો લાગણીસભર સ્વર સંભળાયો.

‘સુજાતા... તને કશું થવાનું જ નથી, પણ તું નચિંત રહેશે. જો તને કશું થશે તો તારું સંતાન, ભલે એ ભગીરથ હોય તો ગાર્ગી અનાથ નહિ રહે. હું તેને મારા જણ્યાની માફક જ ઉછેરીશ. તને વચન આપું છું, પણ આમ થવાની વાતો કેમ વિચારે છે ? ઈશ્વર તારું રક્ષણ કરશે’, અને હંસાબાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા.

‘ના, મા... તમને નાહક રડાવ્યાં. તમે મળ્યાં પછી મારે આવું ન વિચારાય.... હું ય મૂરખી, બીજુ શું ? માડી શાંત થઈ જાવ...’

ગુણવંતભાઈએ સુજાતાનો સંતુષ્ટ સ્વર સાંભળ્યો. ચાલો આની મૂંઝવણ પણ ટળી, તે હસી પડ્યા.

શું આમ થશે ? સુજાતા કેમ આમ વિચારતી હતી.

એક કંપ તેમના દેહ સોંસરવો ફરી વળ્યો

*

‘રામ, ગોપાલ... તમે આજે કામ સંભાળી લેજો... મને જરા ઠીક લાગતું નથી. કાલે રાતે ઊંઘ જ ન આવી. કોણ જાણે કેમ...’ ગુણવંતભાઈ બોલ્યા.

‘કાકા... હવે ઉંમર થઈ. કામ તો થશે જ. તમારે થોડો આરામ પણ કરવો. આખી ટીમ તૈયાર થઈ ગઈ છે.’

ગોપાલે જવાબ વાળ્યો.

જે બીજ વાવ્યું હુતં - એનું વટવૃક્ષ થયું હતું. એનાં મૂળમાં તેમની શ્રદ્ધા હતી, શ્રમ હતો.

ગોપાલને ખબર હતી જ કે કાકા આજે અસ્વસ્થ રહેવાના હતા. સુજાતાની તબિયત કાંઈ સારી તો નહોતી. અનેક જાતની ચિંતાઓએ ઘર કર્યું હતું. જોકે તેને ગઈ કાલથી શાંતિ થઈ હતી. કાકાએ વચન આપ્યું હતું કે જો તેનું કશું થઈ જશે તો કાકા-તેના સંતાનને પાળશે.

સુજાતા ગઈ કાલથી નચિંત બની ગઈ હતી, પણ એ પળથી જ કાકા અસ્વસ્થ થઈ ગયા હતા. તેમનું મન એક પણ પ્રવૃત્તિમાં લાગતું નહોતું. ગઈ કાલે કહેલાં માલિનીના કઠોર વચને તેમની નિદ્રા ડખોળી હતી. ઓહ ! ભારે ભયંકર હતી એ સ્ત્રી ! કાકા પ્રાર્થના કરતા હતા ઈશ્વરને, આ છોકરીને આંચ પણ ન આવવી જોઈએ, ભગવાન. નહિ તો... આપણો સંબંધ જ જોખમાઈ જશે.

હંસાબહેન આવી ગયા હતા. ચાવડાસાહેબનો ફોન પણ આવી ગયો હતો. તે પોતે સુજાતાને મળી આવ્યા હતા. ‘બેટા - મુંઝાતી નહિ....’

પણ તે ખુદ જ મુંઝાઈ ગયા હતા. પરસાળમાં શૂન્યમનસ્ક ભાવે ઊભા હતા.

‘કાકા...’ એક સાદે તેમને તંદ્રામાંથી જગાડ્યા. જોયું તો કાલવાળી યુવતી હતી શું નામ હતું ? હા પલ્લવી ! માલિની ત્યાં હતી. તેમને લાગણીથી પાણી આપી ગઈ હતી એ જ છોકરી હતી.

‘આવી ગઈ ?’ કાકા હરખાઈ ગયા. તેમણે આસપાસ દૃષ્ટિ ફેરવી, એ જોવા કે અન્ય કોઈ તેની સાથે હતું કે તે એકલી જ...

‘કાકા... હું આવી છું. ક્યાં છે સુજાતા ?’ પલ્લવીએ સ્પષ્ટતા કરી.

‘હા બેન ચાલ... મને ગમ્યું... ખૂબ ગમ્યું. સુજાતા ખુશ થશે - તને જોઈને. ડૉક્ટર કહે છે કે, લગભગ સિઝેરીયન જ કરવું પડશે. આમ તો સારું છે. તું આવી તેથી તેના મનને કેટલી શાંતિ થશે ?’

કાકા હરખાતાં તેને બાર નંબરની રૂમમાં દોરી ગયા. તેમની ઉદાસ આંખમાં જરા ચમક આવી. તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા નહોતા. કશુંક પરિણામ તો આવ્યું હતું. આ સંતોષ કાંઈ મામૂલી તો નહોતો.

‘સુજાતા... જો કોણ આવ્યું ? તારી સખી પલ્લવી...! તેમના અવાજમાં મનનો સંતોષ પડઘાતો હતો.

‘કોણ પલ્લવી ?’ સુજાતા બે પળ તેની યાતના પણ ભૂલી ગઈ.

‘હા સુજાતા ખબર પડી ને દોડી આવી.’

પલ્લવી બાજુમાં જ બેસી ગઈ.

‘મારી બચપનની સખી પલ્લવી’ તેણે હંસાબહેનને ઓળખાણ કરાવી. પછી પાછી પલ્લવી તરફ ફરી.

‘પલ્લવી આપણે કેટલા સમયે મળ્યાં ? મેં તને કોર્ટમાં જોઈ હતી.’ તે બોલી. તેને બોલતાં શ્રમ પડતો હતો. તેના ચહેરા પર તેની વેદનાનો આલેખ હતો.

‘હા સુજાતા... સમય સમયનું કામ કરે છે. એક સમયે દરરોજ મળતાં હતા આપણે. તને કેમ છે ?’ પલ્લવીએ લાગણીભર્યા સંબંધોનો બે ચાર શબ્દોમાં ઉલ્લેખ કર્યો.

‘જોને આન્ટી સવારના બેઠા છે. ડૉક્ટરસાહેબ હમણાં બોલાવે છે. પલ્લવી મારી તો આખી દુનિયા બદલાઈ ગઈ.’ સુજાતા ધીમેથી બોલી.

‘સુજાતા... મન આનંદમાં રાખ. આ તો આનંદની ઘડી છે. માતા બનવું એ સ્ત્રી માટે લ્હાવો છે. ખરું ને પલ્લવી ?’

હંસાબહેને વાતને સંભાળી લીધી.

‘હું તો પેંડા વહેંચવા જ આવી છું સુજાતા. આંટી સાચું કહે છે. જન્મ એક અવસર છે. તું કેટલી ભાગ્યશાળી છે ?’

પલ્લવીએ સખીને ખુશ ખુશ કરી દીધી.

‘ખરેખર... આન્ટી ! પણ મને તો ખરાબ વિચાર આવે છે.’ તે બોલી. જોકે તેનો ડર ઓછો થઈ ગયો હતો.

‘શાના ખરાબ વિચાર ? સુજાતા... એ તો એવું લાગે. તારે હિંમત રાખવાની. નર્સ છે, ડૉક્ટર છે, હું છું, પલ્લવી પણ છે. અને સાથે વિશેષ કાકા પણ છે. તું થોડી એકલી છે ? અને તને ખબર છે, સાહેબે અત્યાર સુધીમાં કેટલા ફોન કર્યા તારા વિશે જાણવા ? તું તો નસીબદાર છે...’ હંસાબહેને તેને હળવી બનાવી દીધી.

‘શું કરે છે વિશ્વા, અક્ષય, મમ્મી ?’ સુજાતાએ પ્રશ્ન કર્યો. પલ્લવીએ કલ્પ્યું હતું કે કદાચ તે આવું પૂછશે જ. તે ઉત્તર તૈયાર રાખીને બેઠી હતી.

‘માલિની આન્ટી બિમાર છે. પછી તે ન આવી શકી. તેની ઇચ્છા તો હતી પણ શું કરે ? મને કહે કે તું જઈ આવ’, પલ્લવીએ સહજ લાગે તેવો ઉત્તર વાળી દીધો.

‘સચું કહે છે પલ્લવી ?’ સુજાતા બોલી.

‘હા સુજાતા...’

આગળ વાત ચાલે એ પહેલાં જ નર્સ આવી.

‘ચાલો સુજાતાબહેન આવી જાવ... ચાલી શકશો કે પછી સ્ટ્રેચર મંગાવું ?’

વાત અટકી. પલ્લવીએ હાશ અનુભવી. હંસાબહેનને પલ્લવી પર માન થયું. હાડી છોકરી છે; વાત કેવી સંભાળી લીધી ?

બાકી તેમને ખ્યાલ આવી ગયો હતો કે પલ્લવી જૂઠું બોલી રહી હતી. એ જરૂરી પણ હતું.

જાનકીએ હસીને તેને બાય બાય કર્યું. સુજાતા પણ હસી. ‘બેટા... સુખી થા. અમે સારા સમાચારની પ્રતીક્ષા કરીએ છીએ.’ ગુણવંતકાકાએ તેના મસ્તક પર હાથ મૂક્યો.

અલી સુજાતા તું ક્યાં એકલી હતી ? આટલાં લાગણી રાખનારાં તો હાજર છે. વિશ્વા કે મમ્મી... ન આવ્યા તો શું થયું ? બિચારી પલ્લવી... મને આઘાત ન લાગે એ માટે કેવું અસત્ય બોલતી હતી !’

સુજાતા મનોમન ઘોડા દોડાવતી હતી. પલ્લવી આવી એ તેને ખૂબ ગમ્યું. શૈશવમાં હતાં ત્યારની મૈત્રી હતી. ઘરમાં જે જાતનું વાતાવરણ હતું એમાં આ સખી જ રાહતરૂપ બની હતી. એક વાર સુજાતાએ તેને કહ્યું હતું : ‘પલ્લવી... તું તો મારા વેરાન રણની શીતળ છાંય છું. તાપ લાગે, સંતાપ લાગે કે તરત જ તારી પાસે પહોંચી જાઉં છું. તારા ભાઈ-ભાભી મને બરાબર સમજે છે, અને સમજાવે પણ છે.’

‘ના ના મારે શાની ખોટ છે ? બસ... ભગીરથ કે ગાર્ગી અવતરે, હું ધરાઈને એક વાર જોઈ લઉં... મારે હૈયે લગાડી લઉં... અને પછી ભલે આ પ્રાણ પણ ચાલ્યા જાય. કાકાએ મારી ચિંતા કરી લીધી છે.’

તે વિચારતી હતી. સ્ટ્રેચર પરસાળમાં ચાલી જતી હતી. અનેક જાણ્યાં અજાણ્યા ચહેરાઓ પાસેથી પસાર થતા હતા. પલ્લવી પાસે જ હતી.

ઑપરેશન રૂમમાં જવાની ઘડી આવી.

‘બેસ્ટ લક સુજાતા...’ પલ્લવીએ તેના ગાલ પર સ્પર્શ કર્યો. હસી પણ ખરી.

સ્ટ્રેચર ભીતર ચાલી ગઈ. કાકાએ બ્લડ ગૃપના બોડીની વ્યવસ્થા કરી હતી. બે યુવાન હાજર જ હતા. કોઈ પણ કામ માટે.

‘તેં સારું કર્યું દીકરી. સુજાતાના દિલને આઘાત ન લાગે. એવું જ કહ્યું...’ હંસાબહેને પલ્લવીને બિરદાવી. ‘ગમે તેમ તોય તું તેની નિકટની. અમારો પરિચય પણ કેટલો ?’

‘આન્ટી... તમે જ તેનો ખ્યાલ રાખ્યો. આટલા સમય સુધી સાચવી. સુજાતાના નસીબ સારાં કે તેને તમે સૌ મળી ગયાં. મેં તો માત્ર ટચલી આંગળી જ અડાડી આન્ટી !’

‘તેં તો ટચલી આંગળિયે ગોવર્ધન ઉપાડ્યો દીકરા. અને આ કાકાએ રંગ રાખ્યો. અનેકની સેવા કરે છએ. રાત દિવસ જોયા વિના. પલ્લવી... હું તો હમણાં જ આવી. મારે પિયર હતી. આ બનાવ બન્યો ત્યારથી જીવ હતો આ છોકરીમાં. વાતો વાંચતી હતી. ચર્ચા કરતી હતી સાહેબ સાથે. તે આવી પણ અમારી પાસે જ. તું કદાચ ઘણું જાણતી હોઈશ... મને આ છોકરી પર પહેલી નજરે જ વ્હાલ થયું હતું. તેણે જે કર્યું હોય તે મારે નિસ્બત નથી એની !

હંસાબહેન પલ્લવી પર ઓળઘોળ બની ગયા. સુજાતાએ સખી તો બરાબર પસંદ કરી હતી.

‘ચાલો... મહેનત લેખે લાગી. પેલાં તો આવે તેમ જ નહોતાં. ન આવ્યા એ જ બહેતર. આ છોકરી લાખેણી છે. માત્ર બહેનપણી જ ને, તો પણ દોડી આવી. ધન્ય છે એની જનેતાને’ ગુણવંતભાઈનું ચિત્ત પણ ગતિવંત હતું. ત્યાં એકાએક પલ્લવી બોલી. આન્ટી... આ છોકરીના સદ્‌નસીબ છે કે તમે સૌ તેના પર લાગણી ઢોળી રહ્યા છો. તેની આ નાજુક પળે કાળજી લો છો, પણ આવું ક્યારેક બન્યું નથી. આ પહેલાં, જિંદગીના દરેક ડગલે તે એકાકી રહી છે. તેની વેદના ઘૂંટાતી રહી છે. સંઘર્ષનો પાર આવતો જ નહોતો. હું જાણું છું એથી વિશેષ નથી જાણતી. તેની ટેવ પણ એવી જ. તે ક્યારેક કોઈને કશું ન કહે. બસ સહ્યા કરે સહનશક્તિ તેનો સ્વભાવ જ બની ગયો.’

પલ્લવી અટકી. તે વધુ બોલી ન શકી. સન્નાટો વ્યાપી ગયો. ‘મને લાગતું જ હતું બેટા... અનુમાન કર્યું જ હતું. આ તે પૂર્તિ કરી.’ હંસાબહેને ત્વરીત અભિવ્યક્તિ કરી મનોભાવોથી તેમનો ચહેરો થોડો વિલાયો પણ ખરો.

ગુણવંતભાઈ તો કશું બોલી ન શક્યા.

‘જેણે જેણે તેને છાંયડો આપ્યો એ વૃક્ષો બળી ગયાં. તેનાં આધારો અલ્પજીવી રહ્યાં. તે તો દુઃખી જ રહી. હું નથી જાણતી કે તે હત્યારી છે કે નિર્દોષ; એટલું સત્ય છે કે તે કમનસીબ લઈને જન્મી છે.’

પલ્લવીએ તેની વાત પૂરી કરી. તે મૌન ગ્રહીને બેસી ગઈ. એવું લાગ્યું કે તે હવે એક શબ્દ પણ નહિ ઉચ્ચારે. તે ગમગીનીથી ઘેરાઈ ગઈ હતી.

હંસાબહેને તેને વ્હાલથી પંપાળી, ખેંચીને પાસે બેસાડી. સાંજ ઢળી રહી હતી. પડછાયાઓ લંબાતા જતા હતા. હૉસ્પિટલની ઇમારત બહુમાળી હતી. વિશાળ પ્રાંગણ હતું. જાનકીની ડ્યૂટી પૂરી થતી હતી તોપણ તે બેઠી હતી. તે પણ પ્રતીક્ષા કરી રહી હતી, ચિંતામાં સહભાગી બનતી હતી. તે તેના સ્વભાવ મુજબ જરૂર કાંઈક બોલી હોત. તે આખાબોલી હતી. તેની નોકરી પણ એવી હતી કે તેણે અમુક વર્તન કરવું જ પડે. પલ્લવીની વાતે તેને મૂંગી કરી દીધી. ‘નક્કી આને ફસાવી હશે. ખૂન કરનાર તો મજા કરી રહ્યો હશે. અને આ બાપડી આ સજા...’ તે વિચારી રહી હતી.

‘ચાવડાસાહેબ ધારે તો કશું કરી શકે, ઘણું કરી શકે !’ તેને થયું. હંસાબહેનને જોઈને તે મૌન રહી.

‘તેમણે પણ આ વાત તો સાંભળી જ છે ને !’

તેણે મન મનાવ્યું.

તેને પણ સુજાતાની વાત સ્પર્શી ગઈ હતી.

‘સાચા અપરાધઈને સજા થવી જ જોઈએ. સુજાતા શા માટે મૂંગી રહેતી હશે ? કશી લાચારી હશે ?’

જેલમાં આવે પછી પોતે તેનું મન જાણવા પ્રયત્ન કરશે. તેણે નિર્ણય કરી લીધો.

ત્યાં જ નર્સે બહાર આવીને સમાચાર આપ્યા. સુજાતાને સિઝેરીયનથી બેબી આવી હતી. બંનેની તબિયત સારી હતી. સુજાતા તો બેહોશીમાં હતી.

આ સમાચારે પ્રતીક્ષા કરી રહેલા સૌની ઉદાસી ઓગાળી નાખી હતી. ગુણવંતભાઈએ ઊંચે આકાશમાં જોયું હતું. હંસાબહેને શાંતિનો શ્વાસ લેતાં હોય એ રીતે આંખ મીંચી હતી. પલ્લવીનો ચહેરો ખીલી ઊઠ્યો હતો. જાનકી બોલી ઊઠી હતી, ચાલો પતી ગયું બરાબર.

હંસાબહેન તરત જ પતિને ફોન કરવા ઊઠ્યા હતા.

એ સમયે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો.

‘સંધ્યા સમયે સંધ્યા આવી.’ એક નર્સ બોલી.

‘કદાચ આ સંધ્યા જ તેને જીવનનું પ્રભાત દેખાડશે.’ પલ્લવીએ આશા વ્યક્ત કરી.

‘હા હવે તે એકલી નહિ રહે. બંનેને સાથ મળી રહેશે એકબીજાનો’ કાકા... બોલ્યા.

હંસાબહેન, પલ્લવી, જાનકી નર્સ સાથે ભીતર ગયાં. નાઈટ ડ્યૂટીવાળી સંત્રી પણ સામેલ થી.

‘વાહ ! બેબી તો સરસ છે, પણ સુજાતા જેવી તો નથી. તેના પિતા પર ગઈ લાગે છે.’ હંસાબહેને પલ્લવી સામે જોઈને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું. જન્મ સાથે જ એ શિશુ દુન્યવી માપદંડોથી મપાવા માંડ્યું હતું.

‘આન્ટી... હું વત્લસને એક વાર મળી છું, પણ આમાં મને ગતાગમ ન પડે. બસ મને તો તેના નાના નાના હાથ-પગ, નાની આંખ, નાક... મોં... હાડ એ બધું જ ગમે છે. કેવી વહાલી લાગે છે ? સુજાતાનું નાનું સ્વરૂપ છે. નાનકડી સુજાતા !’

પલ્લવીની ખુશીનો પાર નહોતો. આટલા નાના શિશુને તે પ્રથમ વાર જ નિહાળતી હતી.

હંસાબહેન પણ મંત્રમુગ્ધ હતા. એકીટશે તે બાળકીને જોઈ રહ્યા હતા. તેમને તેમનો અતીત યાદ આવી ગયો હતો. તેમના નસીબમાં માતૃત્વના યોગ નહિ હોય. એક વેળા મનને મનાવ્યું હતું. આજે ફરી એ લાગણીઓનો હિલ્લોળ જાગ્યો હતો. તે થીજી ગયા હતા.

છેલ્લે ગુણવંતકાકા પણ આવી ગયા.

‘ઓહ ! આ તો હસે છે. ગાર્ગી !’ તેમણે નામકરણ પણ કરી નાખ્યું. જોકે આ સુજાતાની ઇચ્છા મુજબ જ હતું.

‘કેમ છે સુજાતાને ?’ તરત બીજો પ્રશ્ન થયો.

‘કાંઈ ચિંતા જેવું નથી... તેની બેહોશી હજી બે કલાક રહેશે. સ્વસ્થ થતાં તો દશેક દિવસ...’ ડૉક્ટરે માહિતી આપી.

‘અહીં કોઈની જરૂર નથી.’ ડૉક્ટરે હંસાબહેનને કહ્યું.

‘ચાલ છોકરી... તને ઘરે ઉતાર દઉં...’

હંસાબહેને પલ્લવીને કહ્યું. તેમને સુખ-દુઃખની મિશ્ર લાગણી થતી હતી. પતિ તો કામમાં રચ્યાપચ્યા રહેત ાહતા. તેમને સતત આવા વિચારો ન આવે. તેમની સ્થિતિ અલગ હતી. હંસાબહેનને આખું ઘર વેરાન ભાસતું હતું. જનમટીપની સજા ભોગવતી સુજાતાને પણ સૌભાગ્ય સાંપડ્યું હતું. અને પોતે એ અભાવથી પીડાતી હતી.

આના કરતાં તો મોત સારું. તેમને ક્યારેક આવા અંતિમ વિચાર પણ આવી જતાં.

જીપમાં બેઠાં બેઠાં પણ આ વાત જ ચકરાવા લેતી હતી.

‘આન્ટી... કેમ ગંભીર બની ગયાં ? થાક લાગ્યો હશે. તમે તો છેક સવારથી અહીં હતાં.’

પલ્લવીએ કાંઈક કહેવા માટે વાત શરૂ કરી.

‘બેટા... સૌને કશું ને કશું તો કોરતું જ હોય છે. સુજાતાને એક, મને બીજું !’ તે વાતમાં સામેલ થયા. દુઃખ કે સુખની લાગણી ઢાળ મળતાં જ વહેવા લાગે છે.

‘આન્ટી... સાચી વાત છે. જો કાકાએ ખબર ન આપ્યા હોત તો હું અહીં આવી શકત જ નહિ. સુજાતાને મળી શકત નહિ કે આ મીઠડીને જોઈ શકત જ નહિ. માસી કાલે જ અમે મુંબઈ જઈએ છીએ. આવેત અઠવાડિયે મારાં લગ્ન છે. સુજાતાને મેં આ વાત કહી નથી. મેં પત્ર જાનકીને આપ્યો છે. તમે પણ આ સમાચાર તેને આપશો.’ પલ્લવીએ ધીમે ધીમે વાત કહી.

‘અરે, એમ વાત છે ! બહુ સરસ સમાચાર આપ્યા. સુખી થા. તું મને ખૂબ ગમી. સુજાતાને કેટલી શાંતિ આપી તેં ? ક્યાં છે તારું સાસરું ?’ હંસાબહેન ખરેખર ખુશ થયાં.

‘આન્ટી... મારે તો પરદેશ જવાનો યોગ સાંપડ્યો છે. આ આપણે કદાચ છેલ્લી વાર મળ્યાં. બાકી અંજળ... પલ્લવી આ વખતે જરા શરમાણી પણ ખરી. પછી તેણે તેના ભાવિ ભરથારની વાત કરી. પરદેશ જવાની પોતાની પ્રતિબદ્ધતાની વાત કહી. તે એ વખતે થોડીક ભાવુક બની ગઈ. ‘પલ્લવી... તું મને યાદ રહી ગઈ. પત્ર લખજે ત્યાંથી જો સમય મળે તો. સુજાતાનો ખ્યાલ તો અમે રાખીશું. તું હોત તો વાત અલગ હતી. જોકે છોકરીની જાત કાયમ કાંઈ ઘરમાં થોડી રહે ! આ સુજાતા પણ પરણી હશે ત્યારે આવું થોડું ધાર્યું હશે ? જિંદગી ખૂબ અટપટી રમત છે, જ્યાં સુખેય ટકતું નથી, દુખેય ટકતું નથી. તારી વાત સુજાતાને કહીશ... બસ સમય મળે તો પત્ર લખજે.’

સરનામાંની આપલે થઈ. હંસાબહેને તેના પર વ્હાલથી હાથ મૂક્યો, અને છૂટા પડ્યાં. પલ્લવીનું સ્થળ આવી ગયું.

તે ગેટમાં પ્રવેશી ત્યારે રાતનો ચોકીદાર તેની જગ્યા સરખી કરતો હતો. આ સ્હેજ અંતરિયાળ જગ્યા હતી. રસ્તા પર નિર્જનતા હતી. ગેટની અંદર નાનકડું આંગણું હતું. બે દળદાર વૃક્ષો હતાં.

પલ્લવીને ઘેર જઈને ભાભીને સુજાતાના સમાચાર આપવાની ઉતાવળ હતી. તે સુજાતાના સુંદર મૃદુ નવજાત શિશુને નીરખીને, સ્પર્શ કરીને આવી હતી. તેને મન આ એક અદ્‌ભુત અનુભૂતિ હતી. તેને સુજાતાની વાત પણ વિગતથી કહેવી હતી. તે ઝડપથી ચાલવા લાગી.

ત્યાં એક વૃક્ષ પાછળથી વિશ્વા આવી. તેના હાવભાવ પરથી લાગતું હતું કે તે પલ્લવીની પ્રતીક્ષા કરી રહી હતી.

‘કોણ ? વિ...શ્વા...!’ પલ્લવીએ તે આમ આવશે તેમ માન્યું નહોતું. તે વિશ્વાનું સુજાતા પ્રત્યેનું વલણ જાણતી હતી. આથી તે સાવધ બની ગઈ.

‘કેમ છે સુજાતાને ?’ વિશ્વાએ પૂછી નાખ્યું. તે આમ પૂછે એ માનવું કઠણ હતું. તેના પ્રત્યે વિશ્વા કેટલી કઠોર હતી. એ તે સારી રીતે જાણતી હતી. તે કદાચ મજાક પણ કરી બેસે. ભલું પૂછવું તેનું.

‘પલ્લવી હું ગંભીર થઈને પૂછું છું. પેલા કાકાની વાતે હું વિહ્‌વળ થઈ છું. મને મારી ભૂલ સમજાય છે.’ તે બોલી. ન માની શકાય તેવી ઘટના હતી. વિશ્વા ખુદ સ્વમુખે આ વાત કહેતી હતી. આમુલ પરિવર્તનની વાત હતી. પલ્લવી અવાક બની ગઈ બે ક્ષણ ! વિશ્વાનો ચહેરો કહી આપતો હતો કે તે સત્ય કહી રહી હતી. આ અભિનય તો નહોતો જ.

‘વિશ્વા... સુજાતાને બેબી આવી છે. ઓહ ! હાઉ સ્વીટ ! તારા અને મારા જેવી જ. તેની આંખ... ગાલ... ખંજન, તેનું સ્મિત... નાના હોઠ... નાક... વિશ્વા મારી આંખ સામેથી તે ખસતી જ નથી. વિશ્વા... નવજાત... બેબી !’

પલ્લવી હર્ષથી બોલી ઊઠી. તેને બેવડો હર્ષ હતો કારણ કે તે વિશ્વાના પરિવર્તનથી ખુશ હતી.

‘કેમ છે. મોટી બેનને...?’ બીજો પ્રશ્ન તો અણધાર્યો નહોતો.

‘સારી છે. સિઝેરીયન કરવું પડ્યું. મેં આ બધું પહેલી વાર જોયું... તેની તબિયત સારી છે. વિશ્વા તું હૉસ્પિટલમાં જઈશ ખરી ? હું તો કાલે જ...’ પલ્લવીએ ડરતાં ડરતાં કહ્યું.

‘હા પલ્લવી... હું જઈશ... જરૂર જઈશ... મારે સુજાતાની ક્ષમા માગવી છે.’

વિશ્વાના સ્વરમાં ન માની શકાય તેવી ભીનાશ હતી.

‘ઓહ ! વિશ્વા’ કહેતી પલ્લવી તેને ભેટી પડી.

*

જે ઘડીએ ગુણવંતભાઈએ માલિનીબહેનનો ફ્લેટ છોડ્યો, વિશ્વાના મનમાં ગડમથલ શરૂ થઈ હતી. તેણે પલ્લવીને રોકી પણ તે તો ચાલી ગઈ.

માલિની તો સતત બોલ્યે જતી હતી. તેની વાણી એક તેજ કટાર બની ગઈ હતી. તેમણે પલ્લવીને પણ ન છોડી.

‘તેનું તો નક્કી થઈ ગયું. તેનો શો વાંધો છે ? એ તો ઊડી જશે તેના વર સાથે. ઉપાધિ મારે જ છે. પેલી કલંકિનીએ નામ બોળ્યું... અને ભોગવવું પડે છે, મારે-મારી છોકરીએ. કાંઈ જેવી તેવી વાત થોડી છે. રતન જેવા વત્સલને પતાવી નાખ્યો છે એ કાળમુખીએ. કરતી હશે કાંઈક અવળા ધંધા ?’

માલિની શ્વાસ લેવા અટકી હતી.

બસ એ પળે વિશ્વાની ભીતર કશું વલોવાતું હતું. માલિનીના શબ્દોથી તે વિંધાતી હતી.

‘મમ્મી... હવે બસ થયું... ગુસ્સાની પણ કાંઈ હદ હોય ને ?’ તે ઉતાવળથી બોલી ગઈ.

‘શા માટે ન બોલું ? એ સુજાતાને પાપે તો એટલી અપકીર્તિ થઈ છે કે મારી કાચની પૂતળી જેવી દીકરીને કોઈ પસંદ નથી કરતું ! સૌ એક જ વાત કરે છે કે એ તમને શું થાય ? કહી કહીને થાકી કે કશું જ નહિ. તેનું કંઈ થઈ જાય તો ય...’

‘મમ્મી... હવે બસ કરો. તે મારી બહેન છે. ભલે ઓરમાન, અને તારી ઓરમાન પુત્રી. અહીં જ મોટી થઈ.’ વિશ્વાના અવાજમાં ભારોભાર નારાજગી હતી.

‘શું કહે છે તને ભાન છે ? તારું માંડ માંડ ગોઠવું છું ત્યાં તું... આવી વાહિયાત વાત કરે છે. શરમાતી નથી ? પેલા માસ્તરની વાતે તારું મગજ બહેર મારી ગયું છે. એ છોકરી તો આપણી દુશ્મન છે. દુશ્મન એક નંબરની. તેને મોટી કરી એ જ મોટી ભૂલ હતી. હૉસ્ટેલમાં ધકેલી દીધી હોય તો પણ નિરાંત હતી. અરે તેનો નાઈરોબીવાળો મામો કહેતો હતો ત્યારે વળાવી હોત તો...’

‘મમ્મી... તું શાંત થા. ધાર કે આ ખૂન સુજાતાએ ન કર્યું હોય તો !’ વિશ્વાએ અણધાર્યું કથન ઉચ્ચાર્યું.

‘અરે ! તેણે છાપામાં, કોર્ટમાં કબૂલ કર્યું છે ને ? એ જ છે હત્યારી.’ માલિની તાડૂકી ઊઠી. તેના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. શું કહેતી હતી વિશ્વા ? તેના માનવામાં આવતું જ નહોતું. એ માસ્તરને ઘરમાં ખોટો આવવા દીધો. તે વિચારવા લાગી. તેના આવ્યા પછી જ વિશ્વા સાવ વિચિત્ર વાતો કરી રહી હતી. ના ના તે આવી તો હરગીઝ નહોતી. એ માસ્તર કાંઈક... માલિનીનું મન શંકામાં અટવાઈ ગયું.

માલિનીનું મન હાલકડોલક હતું ત્યાં જ વિશ્વાએ વિચિત્ર પ્રશ્ન પૂછી નાખ્યો : ‘મમ્મી... ધાર કે એ ખૂન મેં કર્યું હોત તો... તારા શા પ્રત્યાઘાત હોત... ? હું પણ આ જ સ્થિતિમાં હોત તો... તો શું અહીં બેઠી રહેત... ?’

માલિની સડક થઈ ગઈ. તેને હવે શંકા જ ન રહી, નક્કી એ માસ્તર કશું કરી ગયો... તે ભયથી ધ્રૂજી ગઈ. ઓહ ! હવે આનો શો ઉપાય ? અક્ષય તો બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. તેને લવલેશ કશું સ્પર્શતું જ નહોતું જાણે !’ વિશ્વા... તને શું થયું છે ? પેલા માસ્તરે... કશું...’ માલિનીનો અવાજ ફાટી ગયો.

હા એ માસ્તરે જ વિશ્વાને જગાડી હતી.

‘સાવ અતરાપી માણસ ? તોપણ બે હાથ જોડીને વિનંતી કરતા હતા. સમજાવતા હતા. શા માટે ? અમારા સૌમાં મૃત થઈ ગયેલી લાગણીઓને જગાડવા માટે જ ને !’ વિશ્વામાં કશી અજાણી રણઝણાટી થતી હતી. પલ્લવીની રાહ જોતી તે વૃક્ષ નીચે ઊભી રહી. તેને ખ્યાલ આવી ગયો હતો કે ત્યાં ક્યાં ગઈ હોવી જોઈએ. એક ક્ષણે થઈ આવ્યું કે તે પણ પલ્લવીની પાછળ અનુસરે. કોઈ અગમ્ય કારણસર રોકાઈ ગઈ.

પલ્લવીની વાતો સાંભળીને એક થીજીને ગયેલો પ્રવાહ પુનઃ વહેવા લાગ્યો. તેની આંખ ભીની થઈ ગઈ. તે ઘણું ઘણું કહેવા ઇચ્છતી હતી પલ્લવીને, પણ બોલી ન શકી.

એ રાત અજંપાભરી રહી. એટલા સમયમાં માલિનીએ અનેક વિકલ્પો વિચારી લીધાં. વિશ્વાને સાઇકિયાટ્રીટ પાસે લઈ જવી કે ભૂવા પાસે ? પેલો માસ્તર ફરી હાથમાં આવે તો શું કરવું ? એ છોકરીએ તો કરવામાં બાકી રાખી નથી. જેલમાં ગઈ મેટર્નીટી વૉર્ડમાં ગઈ તોપણ લોહી પીવાનું બંધ ના કર્યું.

માલિની રાતભર પડખાં ફેરવતી રહી. તેનો અજંપો શમ્યો નહિ. વિશ્વાની સ્થિતિ વિપરીત હતી. તે પરિતાપ અનુભવી રહી હતી. જાણ્યે-અજાણ્યે તેણે સુજાતા પ્રત્યે અનેક અન્યાયો-નજર સમક્ષ ઉપસી રહ્યા હતા. તેને થયું કે તે યોગ્ય રીતે વર્તી નહોતી. શું થયું હતું તેની બુદ્ધિને ? સુજાતાએ તેનું કશું બગાડ્યું નહોતું. તેને કશી ક્ષતિ પહોંચાડી નહોતી. અરે... તેણે તો એવું કાર્ય કર્યું હતું કે...

વિશ્વા વિચારમાં પડી ગઈ, ઊંડા વિચારમાં પડી ગઈ. તેને તેના રૂપનું ગુમાન હતું. તે બેહદ સુંદર હતી. માલિનીનું રૂપ તેનામાં સાંગોપાંગ ઊતર્યું હતું. એ સૌંદર્યે તેને ભાન ભુલાવ્યું હતું. તે ગર્વિષ્ઠા બની ગઈ હતી. આ અસર નીચે જ તેણે સુજાતાને કાયમ રોળી હતી. ઘમરોળી હતી. તેની સજ્જનતાને તેની નબળાઈ ગઈ હતી, તેની ઉદારતાને તેની મૂર્ખાઈ પછી તો તેની સાથે નિશીથ પણ ભળ્યો હતો.

નિશીથની વિચારસરણી સ્પષ્ટ હતી. અરે, તેને કોઈ આવી વિચારસરણી જ નહોતી ! તેણે વિશ્વાને અનેક વેળા કહ્યું હતું, ‘બેબી... આ જિંદગી ભરપેટ જીવવા માટે છે. એ માટે જે કરવું જોઈએ એ કરવાનું. કશો છોછ નહિ રાખવાનો. તારા જેવી સુંદર બેબી માટે તો આ જ બરાબર છે. બસ એન્જોય... ઍન્ડ એન્જોય... આ સુંદર દિવસો શેના માટે છે ?’

નિશીથ તેનો સર્વસ્વ બની ગયો હતો. તેના વિચારોમાં તે તાણેવાણે વણાઈ ગયો હતો.

એ ખ્યાલોથી અંજાઈને વિશ્વા પણ કહેતી ‘ઓહ ! પુઅર સુજાતા... તું જ્યાં છે ત્યાં યોગ્ય છે. ખરેખર તો મને વત્સલની દયા આવે છે. કેવો ફૂટડો છે અને તેને આવી મણિબેન જેવી પત્ની મળી ? જો હું હોત તેની સંગિની તો...’ પછી તે કલ્પનાની સીડી પર સડસડાટ ચડી જતી. એક વેળાએ તો તેણે ખુદ વત્સલને ચકિત કરી નાખ્યો હતો.

‘હલ્લો... ડાર્લિંગ... જીજાજી’ બોલીને તે વત્સલને વળગી પડી હતી.

‘આ કેવી છોકરમત ? વિશ્વા... તું કાંઈ હવે નાની નથી.’ સુજાતાએ તેને ઠપકો આપ્યો હતો. તે અળગી તો થઈ હતી. પણ ભોંઠપ અનુભવ્યા વિના બોલી હતી : જીજાજી... તમારા એકલના થોડા છે ? મારા પણ છે.’

‘વિશ્વા... તું તો કેટલી ભોળી છે ? તારે હવે આમ ન કરાય.’ સુજાતા તેને ધીરજથી સમજાવતી. તેને ખરેખર વિશ્વા ભોળી લાગતી હતી, તે જે કરી રહી હતી એને પણ તે તો ભોળપણ જ લેખતી હતી. ખરેખર તો સુજાતા ભોળી હતી.

ઇતિહાસનું પુનરાવર્તન થયું હોય છે. માલિનીને પણ તે જ્યારે આ વિશ્વાથી પણ નાની હતી. ત્યારે એક પુરુષ મળ્યો હતો. તે પણ એના નશામાં રાતદિવસ રહ્યા કરતી. કેદારને ચિત્ર દોરવનો શોખ હતો. એક-બે પરીક્ષાઓ પણ આપી હતી. એક વાર તેણે પસાર થતી માલિનીની છબી પણ દોરી હતી. એ સમયે માલિનીની અવરજવરનો એ જ રસ્તો હતો. માલિની અચંબામાં પડી ગઈ હતી તેના ચિત્રને જોઈને. બરાબર બારણા પાસે જ ટાંગ્યું હતું. તેનો આશય પણ માલિની જ હતો. બંને પક્ષે દરિદ્રતા હતી. એ જ વસ્તીમાં રહેતા હતા. મૈત્રી થઈ ગઈ. કેદારને દૂરના કાકાએ ઉછેર્યો હતો. ત્યારે તો એ કાકા પણ નહોતા. મિત્રની સાથે રહેતો હતો. દુકાનનાં પાટિયાં રંગવાનું કામ મળી રહેતું હતું. ક્યારેક કોઈ ચિત્ર પણ બે પૈસા રળી આપતું. બસ... જિંદગી નભી રહેતી. તેને સ્વપ્ન તો ઘણાં હતાં, પણ માલિનીને જોયા પછી એક સ્વપ્ન ઉમેરાયું હતું.

માલિની ચંચળ સ્વભાવની હતી. આમ તો વસ્તીમાંથી અનેક આંખ તેને અજીબ દૃષ્ટિથી નિહાળતી હતી. માલિની જાણતી પણ હતી. દરિદ્રતાને કારણેખૂબ જ વહેલી ઉંમરે પુખ્ત બની જવાતું હતું. એ તેનો અનુભવ હતો.

તેને કેદાર ગમી ગયો.

દર રવિવારે માલિની ટાપટીપ કરીને કેદાર પાસે આવતી. એ સાંજે તેઓ બંને ફરવા નીકળી પડતાં. ક્યારેક હાથમાં હાથ પણ પરોવાઈ જતાં. મુગ્ધ વયનો પ્રેમ હતો. રાત દિવસ કરકસર કરીને બચાવેલા પૈસા કેદાર ઉદાર બનીને એ સાંજે વાપરી નાખતો. બંને પાણીપુરીની જ્યાફત ઉડાવતા. ક્યારેક આઇસક્રીમ પણ આવી જતો. કેદાર ક્યારેક તેની પ્રિય છોકરી માટે ઇમીટેશનવાળા ઇયરીંગ, વિંટી કે બંગડી પણ ખરીદતો.

માલિની ખુશ ખુશ થઈ જતી અને તેને જોઈને કેદારને સુખ મળતું. તેણે વચન આપ્યું હતું માલિનીને.

‘માલુ... તારા જન્મદિવસે તને એક ડ્રેસ અપાવીશ... જો જે ને, તું ખુશ ખુશ થઈ જઈશ...’

કેદારને ખબર હતી કે માલિની પાસે કુલ કેટલાં વસ્ત્રો હતાં. તે દર રવિવારે એકને એક જોડી પહેરીને આવતી હતી. તેને શરમ આવતી હતી તે બધી વાત નિખાલસ થઈને કેદારને જણાવતી હતી.

‘કેદાર... શનિવારે રાતે આ વસ્ત્રો ધોઈ નાખું છું. વૉશિંગવાળા ઇરફાનનું માખણ બગાડીને પટાવીને તેને ઈસ્ત્રી પણ કરાવી લઉં છું. તેનો બાપ જમવા જાય ત્યારે ઇરફાન તેની દુકાનનો રાજા બની જાય. થોડી મીઠી મીઠી વાતો કરું... અને ઇરફાન ગરમ ગરમ ઈસ્ત્રી ફેરવી દે, આના પર. જો ને હજું પણ ગરમ ગરમ લાગે છે !’

માલિની કેદારનો હાથ પકડીને વસ્ત્ર પર મૂકી દેતી. કેદાર માલિનીના નવા પોશાક માટે બચત કરી રહ્યો હતો.

‘માલુ... લોકો ભારે કંજૂસ થઈ ગયા છે. નક્કી કરેલા દામ આપવામાં પણ આનાકાની કરે છે. આવું સરસ કામ વળી તેમના ભાગ્યમાં ક્યાંથી હોય ? પણ દુનિયા બહુ ઝડપથી બદલાઈ ગઈ છે.’

માલિનીને તેની વાત સમજાતી હતી, સારી રીતે સમજાતી હતી.

‘કેદાર... એવું કાંઈ નથી કે તારે મને નવો પોશાક ભેટ આપવો. આપણે મળીએ છીએ, ફરીએ છીએ, ક્યારેક આઇસક્રીમ ખાઈએ છીએ એ જ મને મળેલી ભેટ છે. આ જ સુખ છે. તું ખોટી મથામણમાં પડતો નહિ’ માલિની તેને લાગણીથી સમજાવતી

હા, એક વાત વિશિષ્ટ હતી એ બંનેના સંબંધોમાં, જે સામાન્ય રીતે ન જ હોય. કેદાર ખૂબ જ સંયમમાં રહેતો હતો. બહુ આવેગ જન્મે ત્યારે તે માલિનીના ખભા પર હાથ વિંટાળી દેતો. બસ આ તેની અભિવ્યક્તિ હતી અને આ જ તેની મર્યાદા હતી. ક્યારેક માલિની ખુદ ઇચ્છતી કે કેદાર કશું કરે, પણ તે તો અડગ જ રહેતો.

‘માલુ... આ કાંઈ સારી વાત ન ગણાય.’

માલિનીને કેદારની સમજદારી પર માન થતું. તે જ્યારે તેની ગરીબાઈ જોતી ત્યારે નિરાશ બની જતાી. આની સાથે જીવન જોડીને આ દરિદ્રતા જ મેળવવાની હતી. ખરેખર તો તે આનાથી કંટાળી હતી. તે ઉચ્ચ મનાતી જ્ઞાતિની કન્યા હતી. આથી પણ વિશેષ તેની દૃષ્ટિ પણ ઊંચી હતી. તેણે એ સમયે ખૂબ વિચાર્યું. તેને લાગ્યું કે ખાલી ખાલી લાગણીઓના અભરખાંથી જિંદગી જીવી ન શકાય. આસપાસ વિચરતી સ્ત્રીઓનાં વસ્ત્રો અને અલંકારો તે નિહાળ્યાં કરતી ત્યારે તેને એ ઇચ્ચા અવશ્ય જાગતી, તીવ્રપણે તેના દિલોદિમાગ પર ઝળૂંબતી જાણે ! આ બધા જ કીમતી આભૂષણો મારા કેમ ન હોય ? ખરેખર તો મારા રૂપાળા દેહ પર શોભે. મારે આ જન્મ આમ દુર્બળ મનોદશામાં નિશ્વાસ નાખીને વિતાવવો ? ના હરગીઝ નહિ. મારી પાસે પણ એક અસ્ત્ર તો છે જ... !

તે કેદાર સાથે ફરતી તો રહી પણ મન ઊઠી ગયું.

‘કેદાર આપણે પરણીએ તો શું થાય ? આપણી દુર્બળતાનો સરવાળો જ થાય.’ તે ક્યારેક આવું કહેતી પણ ખરી, એ સમયે કેદાર નિરાશ થઈ જતો.

‘હમણાં હમણાં તું ચંચળ બનતી જાય છે, માલુ !’ તે વિહ્‌વળ બનીને માલિનીના સોહામણા મુખને શંકાશીલ દૃષ્ટિએ જોવા લાગતો. તે માલિનીના સૌંદર્યનો ચાહક હતો. આ સુંદર છોકરીના સ્વામી બનવાનું સ્વપ્ન-તે કોણ જાણે કેટલાય સમયથી સેવી રહ્યો હતો.

‘કેદાર... તું એક સરસ પુરુષ છે, મને એક માત્ર તારા પર જ અપાર લાગણી છે, પણ... આ પ્રેમથી કાંઈ ઘરનો ચૂલો સળગવાનો નથી. સંસાર માટે શું શું ન જોઈએ ? મારે પણ એક સ્ત્રી તરીકે અરમાન હોય, એ તને ખબર ન પડે. કેદાર તું ભોળો છે.’

‘તું તો એવી વાત કરે છે જાણે કે તું ક્યાંય ચાલી જવાની હોય !’ કેદારે તેના ખભા પકડીને તેને હચમચાવી મૂકી. તેણે જોયું કે હસતી કૂદતી માલુ સાવ જડ બની ગઈ હતી. ‘કેદાર... મને વિચિત્ર વિચારો આવ્યા કરે છે. મને લાગે છે કે, હું આ દારિદ્રતા નહિ સહી શકું. એ કરતાં તો હું મરી જવાનું પસંદ કરીશ... કેદાર, મારા મનની સ્થિતિ કાંઈ સારી નથી. મેં શો અપરાધ કર્યો ? આ કદરૂપી ફૂવડો સુંદર અલંકારો પહેરીને અભિમાનથી ફરે છે, અને હું આ એકનો એક ડ્રેસ ઇરફાનને પટાવીને ઈસ્ત્રી કરાવીને...’

માલિનીની આંખ આંસુથી છલકાઈ જતી.

કેદાર પણ સમજદાર હતો, તેને આ સુંદર છોકરીનું હૃદય સમજાઈ ગયું હતું. તેને કેદારની દીનતા સાલતી હતી.

રાતોરાત પૈસા પેદા કરવાની યુક્તિ તે નહોતો જાણતો. તેને પહેલો પાઠ શીખવા મળ્યો હતો. તેની લાચારી તેની સામે ખડી થઈ.

‘મારા પ્રેમનું આ મૂલ્ય ?’ તેને બીજો પ્રશ્ન સતાવવા લાગ્યો.

‘પ્રેમને પૈસાથી જ તોળવાનો ?’

તે સમસમી ગયો. આ રૂપાળી છોકરીની માયા વળગેલી હતી, એ પણ છૂટી શકતી નહોતી.

આખરે તે સ્વસ્થતાથી વિચારી શક્યો, ના આ તેનું ભાવિ નહોતું. તે તેને પામી શકે તેમ નહોતો અને ખોવાની પણ તૈયારી નહોતી. સામે પક્ષે માલિનીની પણ આવી જ હાલત હતી. તે મળતી ત્યારે તે તેનાં સુખ અને સમૃદ્ધિનાં સ્વપ્નોની જ વાતો કર્યા કરતી.

અચાનક જ માલિનીએ પહેલ કરી, કેદારને આઘાત તો લાગ્યો પણ આશ્ચર્ય ન થયું.

‘કેદાર... તારી સંમતિ વગર મારે કશું નથી કરવું. તને જ મેં સાચા દિલથી મારો માન્યો છે. એ લાગણી મારી ભીતર રહેશે. એ ડાળખી ક્યારેય કરમાશે નહિ. મને સંપત્તિની ભૂખ વળગી છે. મારે પામવું છે જેની તરસ મારા હોઠમાં તડપે છે. હા એ બીજવર છે. વય પણ ઠીક ઠીક છે. એક છોકરી પણ છે. દેખાવ તો... સામાન્ય જ... પણ અઢળક સંપત્તિ-’ કેદાર કશો ઉત્તર વાળી ન શક્યો. માલિની અધીરી બની હતી, એ તે જાણતો હતો.

‘ભલે... માલુ... તું તારી રીતે સુખી થા...’ તે અંતે બોલ્યો.

‘કેદાર મને માફ કરજે, મને આ વાતનો વસવસો જીવનભર ડંખવાનો છે.’ માલિની અક્ષરસઃ રડી પડી.

કેદાર ઊભો થયો, તે હસ્યો પણ ખરો.

‘ચાલ... તને આઇસક્રીમ ખવડાવું, તારાં ઘરડાં વરના માનમાં...’ તે બોલ્યો સાવ સરળપણે પણ એમાં ડંખ તો આવી જ ગયો. માલિની ઘણું ઘણું બોલી પણ તે કશું ખાસ બોલી ન શક્યો.

‘કેદાર... મોટી ફેકટરી છે, પોળમાં માળવાળું વિશાળ હવેલી જેવું મકાન છે, હું જોઈ આવી. આભા બની જવાય એવું કલાત્મક ફર્નિચર છે, અને પલંગ તો...’

‘બસ, તું સુખી થા... એ મારો આનંદ.’ તે હસવાની મથામણ કરતો હોય તેમ બોલ્યો. ‘ના કેદાર... હું તો તારી પણ વ્યવસ્થા ગોઠવવાની છું. મેં તારા સુખનો વિચાર પણ કર્યો છે. મને પરણવા દે, જરા ગોઠવાવા દે, પછી તને જ...’

માલિની બોલ્યે જતી હતી પણ કેદારને રજમાત્ર ઉત્સાહ નહોતો. હોય પણ ક્યાંથી ?

તેનાં સ્વપ્નોનું પૂર્ણવિરામ હતું.

માલિની ઐશ્વર્યવાન સંપતરાયની પત્ની બની. ગરીબ વિધવા માનું ઘડપણ સુધરી ગયું. દીકરી સુખમાં પડે એ કઈ મા ન ઇચ્છે ? માલિનીએ એકાકી માતાને સુખી કરવા અનેક પ્રયત્નો કર્યા. માએ ચોખ્ખી ના પાડી.

‘ના મારે એકલીને વળી શું જોઈએ ? અને દીકરીનું કશું લેવાય પણ ખરું ? આપી નથી શકતી પણ લઈને પાપમાં તો નહિ જ પડું.’ તેણે સંસ્કારના દર્શન કરાવ્યા.

‘ઓહ ! આવી રૂપસુંદરી સ્ત્રી મારી પત્ની ? હું તેનો સ્વામી ?’ શણગારાયેલી પત્નીને જોઈને સંપતરાય આભા બની ગયા. સ્પર્શશે તો રખે કોઈ પાંખડી ખરી જશે... એવી અનુભૂતિ પણ થઈ આવી. તેમના અનેક ઐશ્વર્યોમાં એક નવું ઉમેરાયું. એ પુરુષ સંમોહનમાં ડૂબી ગયો. માલિનીએ તેને જીતી લેવામાં કશી કસર ન છોડી.

‘નાથ... હું તમને કેવી લાગું છું ? તમારું મન ભરાયું કે નહિ ? કશી ભૂલ તો નથી થતી ને મારી ?’

તેણે સંપતરાયને મોહિત કરી લીધા, એટલી હદ સુધી કે તે થોડા સમય પર્યન્ત ધંધાથી પણ અળગા બની ગયા. ચાર વર્ષની સુજાતા માટે સૂવાની અલગ વ્યવસ્થા કરી. શાન્તા જૂની વિશ્વાસુ નોકરડી હતી, તેની ફરજ લગભગ રાતદિવસની બની ગઈ.

માલિની ક્યારેક પતિને કહેતી પણ ખરી, ‘નાથ... તમે તો અનુભવી છો... અને હું તો આ પહેલી વાર જ...’

માલિનીની આ રસિકતા પર સંપતરાય લટ્ટુ બની ગયા.

‘નાથ તમને તો પહેલી પત્ની પણ યાદ આવતી જ હશે. કહોને કોણ ચઢિયાતું ?’

માલિનીના આ પ્રશ્નનો એ ઘેલો પુરુષ શો ઉત્તર આપે ? માલિની જે ઇચ્છતી એમ જ તે વળતો હતો, ઢળતો હતો. માલિનીના મનમાંથી કેદાર ભૂંસાયો નહોતો જ. તેણે એક વાર તપાસ કરાવી હતી. બીજી વાર તે ખુદ જ ગઈ હતી એ ઓરડીમાં.

‘એ તો તરત જ તમને મળ્યા એ પછી જ કલકત્તા ચાલ્યો ગયો હતો. કોઈ નોકરી મળે તેમ હતું. હા થોડો સામાન અહીં પડ્યો છે.’

કેદારના મિત્રે માહિતી આપી હતી. માલિની બે પળ થીજી ગઈ હતી. તેના દેહ સોંસરવું એક લખલખું પસાર થઈ ગયું હતું. ઓહ ! તેણે કેદારને સરાસર અન્યાય કર્યો હતો ! તે અપરાધિની હતી, પાપીણી હતી. હવેલીમાં આવીને છાને ખૂણે રડી લીધું હતું. ખૂબ વિચારને અંતે થયું હુતં કે, કેદારે આમ જતા રહેવાની જરૂર જ નહોતી. તે તેના માટે ગોઠવણ કરવાની જ હતી.

*

ગોપાલ દ્વારા કેદારના સમાચાર પણ મળ્યા. તે એક ગુજરાતી ટ્રસ્ટની શાળામાં ચિત્રશિક્ષક બની ગયો હતો. સુખી હતો. ગોપાલ પર તેના પત્રો આવતા હતા. પ્રારભના કેટલાક પત્રોમાં માલિનીનો ઉલ્લેખ હતો. એ પછીના પત્રોમાં માલિની નહોતી. કલકત્તાનાં વર્ણનો હતાં, બંગાળી પુરુષો અને સ્ત્રીઓની લાક્ષણિકતાઓની વાતો હતી. તેને લાગ્યું કે તે બરાબર ગોઠવાઈ ગયો હતો. તેનો સંતાપ થોડો ઓછો થયો હતો. અપરાધભાવના ઓસરી હતી. તેમ છતાં પણ કેદાર સદંતર ભૂલાતો નહોતો. સુજાતાની સંપૂર્ણ સંભાળ શાન્તા રાખતી હતી. એ પછી માલિનીના ભાગે પતિ અને સંપત્તિ બે જ હતા. તેણે તેની લાલસાઓની પૂર્તિ કરી હતી.

સંપતરાય ક્યારેક ક્યારેક સુજાતાને બોલાવતા, રમાડતા. ‘અરે... સુજાતા તારા હાથ તો ગંદા છે. એવાં હાથથી તો પપ્પાના કપડાં બગડી જાય. શાન્તા...’

માલિની ક્યારેક આવી ચડતી ત્યારે વિક્ષેપ પડતો. તેને પણ સુજાતા ગમતી હતી. ભલે ને પોતાની પુત્રી નહોતી તો શું થયું ? તે પણ તેની સાથે પ્રેમાળ રીતે વર્તતી. તેનામાં રહેલી જન્મજાત માતા જાગી જતી. આ કાર્યમાં તેને આનંદ પણ મળતો હતો. હા એક લાગણી પ્રબળ બની હતી તેનામાં. સંપતરાય પર તેને માલિકીભાવ જન્મ્યો હતો. એ પુરુષ માત્ર તેનો જ હતો. કોઈ તેના પર અધિકાર જમાવે એ તે સહી શકતી નહોતી. પૌરુષનો સ્વાદ તેણે ચાખ્યો હતો.

સંપતરાય સહજ ભાવે પહેલી પત્ની વાસન્તીને યાદ કરતા એ પણ તે સહી શકતી નહોતી. પ્રત્યાઘાત પણ અવળા આવતા. શું સારી હતી એ ? તેની છોકરીમાં ક્યાં સંસ્કાર હતા ? ક્યાં રીતભાત હતી ? એ પરથી જ ખ્યાલ આવી જાય કે કેવી ફૂવડ હશે એ ? તે વ્યક્ત પણ કરતી.

‘જુઓ... મેં તેને વિશે પાકી ધારણાઓ બાંધી છે અને હું ખોટી નહિ જ પડું. તે એક ગમાર સ્ત્રી હોવી જોઈએ. તે તમને ક્યાંતી સાંપડી એ જ નવાઈની વાત છે. ક્યાં તમે અને ક્યાં એ...?’ માલિની જે સ્ત્રી હયાત જ નહોતી તેની સાથે વેર બાંધી બેઠી. પ્રારંભનો એ છોડ જોતજોતાંમાં એક વટવૃક્ષ બની ગયો.’ નવી મમ્મી... કેમ ગુસ્સે થાય છે ?’ સુજાતા શાન્તા પાસે હૃદય ખોલતી. શાન્તા શું કહે ? તે ખૂબ નારાજ હતી. તે વાસન્તીને ઓળખતી હતી. તેના હૃદયની વિશાળતા પાસે તો આ નવી વહુ તો સાવ તુચ્છ હતી. તે આના જેટલી સુંદર પણ નહોતી, એ સત્ય હતું પણ આખરે મનની સુંદરતા પણ અમૂલ્ય બાબત હતી. શાન્તા ગમગીન બની જતી હતી. સુજાતાના બાળમાનસ પર અવનવાં ચિત્રાંકનો થતાં હતાં. તે વિકસતી જતી હતી. તેની સમજ વિસ્તરતી હતી. તેને પ્રેમ મળતો હતો માત્ર શાન્તા તરફથી. માલિની સાથેનું અંતર વધતું જતું હતું. જે માલિની સગર્ભા બની પછી વિશેષ બની ગયું. સુજાતાની અવગણના થવા લાગી.

સંપતરાય પત્નીની આળપંપાળમાં પડી ગયા. ઘરમાં નર્સ તથા રસોયણ આવી ગયા. ડૉક્ટરોની વીઝીટ પણ નિયમિત બની ગઈ. પ્રથમ પ્રસૂતિ હતી આ સુંદર પત્નીની. માલિની પતિ પાસે લાડ કરવાની કોઈ તક છોડતી નહોતી. પુત્રી માટે તેમને સમય નહોતો.

વિશ્વાનો જન્મ થયો.

‘જો આ તારી નાની બહેને...’ સંપતરાયે સુજાતાને સમજ પાડી હતી, છે ને તારા જેવી...?’

‘ઓહ ! કેટલી રૂપાળી છે મારી... દીકરી !’ માલિની બોલી હતી. ખરેખર... એમ જ હતું. માલિનીની રૂપવર્ષા તેની દીકરી પર થઈ હતી. માલિનીનો ગર્વ શિખર પર પહોંચ્યો હતો. પાંચ વર્ષની માસૂમ સુજાતા પણ સમજી શકે એ જાતનાં વિધાનો બોલાતાં હતાં. સુજાતાએ શાન્તાને પૂછ્યું હતું :

‘આન્ટી... હું કેમ આવી કાળી છું અને નાની વિશ્વા આટલી...?’

‘બેટા... એ તો ભગવાનના હાથમાં હોય. ભગવાન મરજી મુજબ આપણને બનાવે. બેટા... કાળાં કે ગોરાં બધાં જ ભગવાનનાં બાળકો. કોઈ વધારે નહિ, કોઈ ઓછાં નહિ !’

શાન્તાએ વિગતવાર સમજ આપી હતી. તેણે પ્રેમથી તેને પંપાળી હતી.

‘આન્ટી. તમે કેટલાં સારાં છો ? તમે જે શીખવો છો એ મને સમજાઈ જાય છે. તમે વાર્તા કહો છો એ મને ખૂબ ગમે છે. મમ્મી... કેમ મારી સાથે વાત નહિ કરતા હોય ?’ શાન્તા એની પણ સમજ પાડતી હતી.

‘કેટલાં કામ હોય... મમ્મીને ? વિશ્વાને પણ રાખવાની હોય અને તારી પાસે તો હું છું ને ?’

સમાધાન કદાચ થઈ જતું હશે. ખોટા પૂર્વગ્રહો જન્માવવાથી શું વળવાનું હતું ? મોટી થશે ત્યારે જાતે જ સમજશે. એવું થોડું બને કે આ સ્થિતિ યથાવત્‌ જ ચાલ્યા કરે.

શાન્તા ઈશ્વરને પ્રાર્થના પણ કરતી કે સુજાતાની સ્થિતિ સુધરે. માલિની તેને પ્રેમથી બોલાવે, લાગણીથી વર્તે તેની સાથે. જો એમ નહિ થાય તો આ છોકરી કદાચ ભાંગી પણ જશે. મોટી થતી હતી એટલે સમજ તો આવવાની. શાન્તા ભલે ચાકર હતી પણ સુજાતા સાથે તેને લાગણીનો નાતો બંધાઈ ગયો હતો. માલિની પણ સ્ત્રી હતી. તેને કેમ કશું નહિ થતું હોય ?

સુજાતાના ભાગ્ય સારા હતા કે શાન્તા સારી અને અનુભવી સ્ત્રી હતી. સુજાતાને સાથ અને હૂંફ બંને મળી રહ્યાં. તેના શૈશવી વિસ્મયો સંતોષાતા રહ્યા. આ પણ સુખદ અનુભૂતિ હતી.

વિશ્વા માલિની પાસે ઉછરતી હતી. તેની અલગ દુનિયા હતી. ‘મારી પુત્રી રૂપ રૂપના અંબાર જેવી...! ઘરમાં અજવાળાં કર્યાં મારી વિશ્વાએ.’ માલિની આવી અભિવ્યક્તિ વખતોવખત કર્યા કરતી, સુજાતાની હાજરીમાં પણ.

‘કેમ છે સુજાતાને ? બરાબર ભણે છે કે નહિ ? શાન્તા ધ્યાન આપજે.’ માલિનીની પૂછપરછમાં પણ સુજાતાને નીચી દેખાડવાની વૃત્તિ દેખાઈ આવતી.

સુજાતાને શાળામાં વિશેષ આનંદ આવતો હતો. અભ્યાસમાં તેજસ્વી હતી. પરિણામો સારાં આવતાં હતાં પણ શાન્તા સિવાય તેને બિરદાવવાળું નહોતું.

‘શેઠસાહેબ, બેન સરસ પરિણામ લાવ્યાં છે.’ એક વાર શાન્તાએ વાત કહેવાની તક ઝડપી હતી. માલિની વિશ્વાને લઈને બહાર ગઈ હતી.

‘એમ ? સુજાતાને બરાબર ફાવે છે ?’ સંપતરાય માટે આ નવીન વાત હતી. તેમણે નિરાંતે પત્રકો જોયાં. ખુશ ખુશ થઈ ગયા.

‘વાહ દીકરી, તેં તો મને ખુશ કરી દીધો.’

તેમણે સુજાતાને હૈયાસરસી લીધી.

‘અસલ વાસન્તી જેવી જ છું. તે પણ હોંશિયાર હતી, ગુણિયલ હતી. બેટા તને તારી મા યાદ છે ?’

તેમણે ભીના અવાજમાં પ્રથમ પત્નીને યાદ કરી. સમય પારખીને શાન્તા આઘીપાછી થઈ ગઈ. પિતા અને પુત્રીના મિલનમાં તે અંતરાય બનવા ઇચ્છતી નહોતી. કેટલા સમય પછી આ ક્ષણો આવી હતી !

‘હા... પપ્પા... મને યાદ છે. આન્ટીએ મને માનો ફોટો પણ આપ્યો છે. હું દરરોજ રાતે યાદ કરું છું માને.’ સુજાતાએ હૈયું ખોલ્યું. આ તો એક અવસર હતો જ્યારે પિતા તેની સાથે નખાલસતાથી વાત કરી રહ્યા હતા; અને તે તેમની ગોદમાં હતી.

બંનેએ ખૂબ વાતો કરી.

‘પપ્પા, શાન્તા આન્ટી મારું ખૂબ ધ્યાન રાખે છે. તેમની સાથે મને ખૂબ ગમે છે.’ સુજાતાએ લાગણી વ્યક્ત કરી. સંપતરાયને સંતોષ થયો. પોતે જ્યાં ચૂકી ગયા હતા ત્યાં જૂની શાન્તાએ ઊણપ પૂરી કરી હતી.

સૌંદર્યના તાપણાથી દાઝ્‌યો છું. આમાં ન જ પડ્યો હોત તો ! તે આવું પણ બોલી ગયા. સુજાતાને કશી સમજ ન પડી. તેને મન તો પિતાનું સાંનિધ્ય સાંપડ્યું હતું. એ જ એક ઉત્સવ હતો. શાન્તાની પ્રશંસા કરી સંપતરાયે.

‘શાન્તા તેં તારી જૂની શેઠાણીની અમાનતને જાણવી.’

એ પછી અક્ષયનું આગમન થયું. સંપતરાય પરંપરાગત ખ્યાલોમાં વિશ્વાસ ધરાવતા નહોતા, તો પણ ખુશ થયા. માલિનીની ખુશીનો પાર નહોતો, ગર્વની સીમા નહોતી.

‘નાથ, મેં તમને વારસ આપ્યો...’ તે ગર્વથી બોલી હતી.

‘સુજાતા અને વિશ્વા પણ વારસ જ છે ને.’ તે બોલ્યા હતા.

‘વિશ્વા બેટા જો તારો ભાઈ...’ માલિનીએ આવું બોલવામાં કશો સંકોચ નહોતો.

બરોબર એ જ સમયે કેદારનું કલકત્તાથી આગમન થયું. આ એક અસાધારણ ઘટના હતી.

કેદારે કલકત્તામાં ત્રણ વર્ષ ગાળ્યાં. નોકરી સારી હતી. આબરૂ પણ મળી. કેદાર મોશાયનું નામ માનથી લેવાતું હતું. બે ત્રણ ગૃહસ્થોએ તેને સંસારી બનાવવા માટે પ્રયત્નો પણ કર્યા. ઉંમરલાયક પુત્રીઓ તેમના ઘરમાં હતી, પણ આ મુનિ ચળ્યાં નહિ. લાલચ પણ આપી, પરંતુ ત્યાંના કોઈ ગૃહસ્થને ચિંતામુક્ત કરવાનું કેદારના નસીબમાં નહોતું. ચારિત્ર્યવાન હતા, બે પૈસા એકઠા કરી શક્યા હતા. તોપણ તેમનું મન ત્યાંની કન્યાઓ પર વારી ગયું નહિ. કારણ તો એક જ હતું. તેમના મનમાંથી માલિની દૂર થઈ શકી નહોતી. લાખ યત્નો છતાં કેદારથી તેમ થઈ શક્યું નહોતું.

તેનો પરિતાપ સપાટી પર આવી ગયો હતો. તેણે ભૂલ કરી હતી. તેની ઉદારતાનો કશો અર્થ જ નહોતો. તેણે શા માટે માલિનીને જવા દીધી ? એ સમયે તે મક્કમ રહ્યો હોત તો, માલિની તેની સાથે જ રહેત. અને પછી તો આ સુખ તો હતું જ. બંગાળી સ્ત્રીઓ માલિનીની સુંદરતા, કમનીયતા જોઈને અવાક બની જાત ! પણ હવે શું થાય ? માલિની તો પરણી પણ ચૂકી હતી. પરાયી સ્ત્રી બની ગઈ હતી ! આ અજંપાએ તેને અસ્વસ્થ બનાવ્યો હતો.

તેણે માલિનીને સાચો પ્રેમ કર્યો હતો. તેનો પ્રેમ સસ્તો કે બજારૂ નહોતો. સોનેરી દિવસો હતા તેઓના સાંનિધ્યના ! કેદારને એ બધી જ ક્ષણો તાજી થતી હતી. શા માટે તેણે આમ કર્યું ? પોતાના હાથે જ. સ્વહસ્તે પોતાની ઇચ્છાઓનું અકારણ બલિદાન આપી દીધું. માલિનીએ સ્પષ્ટપણે પૂછ્યું હતું ! કેદાર જો તારી સંમતિ હોય તો જ...’

તે અવઢવમાં હતી અને એ સમયે ઇચ્છતી પણ હતી કે પોતે સંમત ન થાય. પણ પોતે શું કર્યું ?

કેદાર પશ્ચાત્તાપ અનુભવતો હતો, જાતને કોસતો હતો. હવે શું થાય ? થાય... કેમ ન થાય. એમ કેમ ન બને કે માલુ હજુ પણ તેને ઝંખતી હોય, તે સુખી ન પણ હોય. તેને તેની ભૂલ સમજાણી પણ હોય. શો વાંધો હતો એ જાણવામાં, તેને ચકાસવામાં ? એમ કાંઈ કશું કર્યા વિના જિંદગી હારી જવાનો શો અર્થ હતો ? તેનું મન એ જ દિશામાં ભમવા લાગ્યું.

માલિનીના આકર્ષણમાં ટિંગાયેલું તેનું મન કલકત્તામાં ઠરીઠામ ન થઈ શક્યું. અમદાવાદની એક સંસ્થામાં કલાશિક્ષકની જરૂર હતી. તેણે અરજી પણ કરી નાખી.

‘કેદારબાબુ... શા માટે જાવ છો ? તમને અમારા આતિથ્યમાં કાંઈ કમી લાગી ?’ ખૂબ આગ્રહ થયો, પણ તે તો મન મક્કમ કરીને બેઠો હતો. સુકોમળ, રમતિયાળ માલિની તેની નજરમાંથી ખસતી નહોતી.

અમદાવાદની સંસ્થા સ્થાનિક રાજકારણથી કંટાળી હતી. તેથી કેદારનો માર્ગ આસાન થઈ ગયો. વળી કલકત્તાનો જાદુ પણ કામ કરી ગયો. ઢગલો એક પ્રશસ્તિપત્રો તેની પાસે હતા.

‘કલકત્તા સારું હતું પણ વતનની ધૂળ યાદ આવી ગઈ.’ તેણે રજૂઆત પણ અસરકારક કરી હતી. તે વાચાળ તો હતો જ. કલકત્તાના અનુભવે તેને સુપેરે ઘડ્યો હતો. તેણે બરાબર ગોઠવાયા પછી માલિનીની શોધ આરંભી. પોળવાળી હવેલી તો મળી પણ એ તો વેચાઈ ગઈ હતી. ભાળ મળી નવા સરનામાની. નદી પારના વિસ્તારની એક આલીશાન મહેલાતની તેણે તપાસ કરી. મળી ગયેલું ઠેકાણું. તવંગરોની વસ્તી હતી.

ઊંચાં ઊંચાં ટાવરો હતાં. સંપતરાયનો ફ્લેટ મળી ગયો. શા માટે માલિની અહીં ન રહે ? તે ઐશ્વર્ય માટે તો આ માર્ગે આવી હતી. કેદારે એ સ્થળની નોંધ રાખવા માંડી. એક મિત્ર પણ મળી ગયો. માલિનીને પણ અવરજવર કરતી જોઈ. પાંચ વર્ષ પછીનું આ દર્શન હતું. માલિની હતી એવી જ લાગી. ખાસ કાંઈ તફાવત નહોતો. સૌંદર્ય જળવાઈ રહ્યું હતું. સુડોળ પણ એવી જ હતી. હા, તેનો દેખાવ ફરી ગયો હતો. વસ્ત્રો અલંકારોની શોભા વધી ગઈ હતી. સુખી પણ જણાતી હતી. તેની ઇચ્છા મુજબ જ તેણે પ્રાપ્ત કર્યું હતું. તેને બે પોતાનાં સંતાનો હોવાની ખબર મળી. તે ખિન્ન થઈ ગયો.

‘હવે કશી આશા રાખવી એ સરાસર મૂર્ખતા જ હતી.’ તેણે પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. માલિની ન જ મળે. આ ફેરો શું નિષ્ફલ જવા સર્જાયેલો હતો ? આટલા પ્રયાસોનો સરવાળો અંતે શૂન્ય જ !

પણ હજી તેણે માલિનીના મનનો તાગ ક્યાં મેળવ્યો હતો ? આમ હતાશ થયે કેમ ચાલે ?

તે અચાનક જ માલિનીના ફ્લેટને દ્વારે પહોંચી ગયો. તેણે નોંધ રાખી હતી. એ સમયે તેના પતિ ઘર પર રહેતા નહોતા.

અચંબામાં પડી ગઈ માલિની ? ઓહ ! કોણ કેદાર ? તેના અવાજનો આરોહ-અવરોહ અને ચહેરાના ભાવ જોવાલાયક હતા. તેને આ આગમન ગમ્યું તો નહોતું જ. તે લગભગ કેદારને વીસરી ચૂકી હતી.

‘માલિની... સાવ વીસરી ગઈ તો નથી ને ?’ કેદારે એવો જ પ્રશ્ન કર્યો.

‘માં... કેમ ભુલાય ? માલિનીએ માંડ માંડ જાતને જાળવી લીધી. તે તેના સંસારમાં સ્થિર હતી. કોઈ અસુખ પણ નહોતું. પતિ પડ્યો બોલ ઝીલતા હતા.

વિશ્વા હતી, અક્ષય હતો. કોઈ વ્યક્તિને સુખી થવા માટે આથી વિશેષ શું જોઈએ ?

સુજાતા એ સમયે શાળાએ હતી. શાન્તા કામમાં વ્યસ્ત હતી. વિશ્વાને તૈયાર કરતી હતી. પહેલી દૃષ્ટિએ જ કેદારે માલિનીની દુનિયાનું અવલોકન કરી લીધું. માલિની ભૌતિક સુખોથી પૂરી રીતે લથબથ હતી.

કેદારે પ્રથમ મુલાકાતમાં ખૂબ સંયમ રાખ્યો.

‘માલિની... કલકત્તામાં સુખ ન મળ્યું. સરસ નોકરી હતી, માનપાન હતાં. સરસ લોકો હતા, પણ મનને ચેન ન મળ્યું. મને દરેક પળે લાગતું હતું કે જાણે હું કશું ખોઈને આવ્યો હતો. મારી વ્યથા ઘેરી બનતી ગઈ. માલુ તું જ કહે, કોઈ અમૂલ્ય ચીજ થોડી ભૂલી શકાય છે ? લાખ પ્રયત્નો કર્યા, પ્રમાણિકતાથી કર્યા પણ માલુ મને વિફળતા મળી.’

કેદારે તેના મનની વાત સરળતાથી વ્યક્ત તો કરી જ.

માલિની શો પ્રતિભાવ આપે ? તે તો સાવ મૂઢ જેવી બની ગઈ.

‘તને ન ગમ્યું. હું આવ્યો એ ?’ તેણે કહી નાખ્યું.

‘ના, એમ તો નથી, પણ... એ અધિકારે ય ક્યાં રહ્યો છે મારો ?’ તે માંડ માંડ બોલી. તેને જૂના પ્રસંગો યાદ આવ્યા. તે અસ્વસ્થ થઈ ગઈ.

માલિનીએ શાન્તાને કામસર બહાર મોકલી આપી.

‘કેદાર... અતીતને યાદ જરૂર કરી શકાય પણ એથી શો ફાયદો ? માત્ર દુઃખી જ થવાય.’ તે મુક્ત મને બોલી. મનને થોડી મોકળાશ મળી.

‘માલુ... તું ભુલી શકતી હોઈશ. મારાથી ભુલી શકાતો નથી અતીત. કલકત્તાથી પાછો ફર્યો છું એ કેવળ તારા માટે જ.’

‘કેદાર... તું પરણી શા માટે નથી જતો ?’

‘પરણી જવું એ કાંઈ બોલવા જેટલું સહેલુ નથી જ. તું મનને મક્કમ કરી શકી, મને છોડી શકી પણ મારા માટે... એ શક્ય નથી.’

‘તો પછી તે સંમતિ શા માટે આપી ?’ માલિનીએ અસ્ત્ર ઉગામ્યું. હા, તેણે જ સંમતિ આપી હતી.

‘માલુ... મારી એ ઉદારતાએ મને તારાજ કરી નાખ્યો.’ તે આર્દ્ર બની ગયો. માલિનીને સાચે જ દયા આવી ગઈ. ખરેખર તેણે જ અપરાધ કર્યો હતો. કેદારના વિશુદ્ધ પ્રેમને અવગણ્યો હતો. સંપત્તિનાં સ્વપ્નોએ તેને વિચલિત કરી હતી. એમાં આ ભલાભોળા કેદારનો શો દોષ ?

‘કેદાર, અત્યારે તું જા. હું તને મળીશ. ક્યાં ઊતર્યો છું ?’ તેણે કશું તાત્કાલિક નક્કી કરી નાખ્યું. બસ આ કેદારની જીત હતી.

તે માલિનીના અંતરને ઝણઝણાવી શક્યો હતો. તેના અંદરના એક ખૂણામાં તે હજુ પણ જીવંત હતો. એ સ્મૃતિઓ પરથી રજકણો ઉસેટવાનું કામ તેણે કર્યું હતું. પ્રથમ મુલાકાતે લક્ષ્ય પાર પાડ્યું હતું.

શાન્તા વિશ્વાને શાળાની બસમાં બેસાડી આવી ત્યારે કેદાર તો ચાલ્યો ગયો હતો. માલિનીના મુખ પર ઉચાટની રેખાઓ અંકાઈ ગઈ હતી. એ શાન્તાના ખ્યાલ બહાર નહોતું. એક સ્ત્રી આ કુતૂહલ પર ન વિચારે એ ન બને.

તે સુજાતાના ખંડમાં ચાલી ગઈ. હવે વિશ્વા પણ એ ખંડમાં રહેતી હતી. માલકણની વિહ્‌વળતા છાની ન રહી શકી. તે ગમગીન બની ગઈ હતી.

‘શાન્તા, સમય થાય ત્યારે વિશ્વાને લઈ આવજે. અને મારા ખંડમાં કોઈ મને ખલેલ પણ ન કરશો.’

સૂચના આપી ને તે તેના ખંડમાં ચાલી ગઈ. બારણાં વસાઈ ગયાં.

કશું અસાધારણ હતું જ. શાન્તાની અનુભવી નજરે નોંધાઈ પણ ગયું કે શું હોઈ શકે. જે રીતે વાત થતી હતી એ તો એવો સંકેત આપતી હતી કે એ પુરુષ માલિનીનો પૂર્વ પરિચિત હતો, અને એ પરિચય પણ ગાઢ હોઈ શકે.

‘હશે... મારે શું ? મારી મર્યાદા મારે વિચારવી જોઈએ. હું આ પરિવારની ચાકરડી માત્ર છું.’ શાન્તાએ મન સાથે સમાધાન કરી લીધું.

‘આન્ટી... કેમ વિચારમાં પડી ગયાં ?’ સુજાતા જેવી બાળકીને પણ કશું બન્યાની લાગણી થતી હતી.

‘ના રે બેટા કશું નથી.’ શાન્તાએ તેને પાસે ખેંચી.

‘આજે મને મેથ્સમાં કેટલા માર્ક્સ મળ્યા હશે, કહો આન્ટી ?’ તે ઉમળકાભેર બોલી. તે આ સમાચાર આપવા ઉત્સુક હતી પણ શાન્તા મુડમાં નહોતી.

‘સુજાતા... બેટી... મને લાગે છે કે તું સોએ સો માર્ક્સ લાવી હશે.’ તેણે બાળકીનો ઉત્સાહ જોઈને કહ્યું.

‘યસ... પૂરા હન્ડ્રેડ આઉટ ઑફ હન્ડ્રેડ !’ તે આનંદથી કૂદવા લાગી. આખો ખંડ આનંદથી તરબોળ થઈ ગયો.

માલિની તેના પલંગમાં દુઃખી થતી બેઠી હતી. કેદાર તેના ચિત્તમાં વ્યાપી ગયો હતો. તેને લજ્જા આવતી હતી પોતાની અધમતા પર. કેવો સ્વાર્થ કહેવાય ? આને પ્રેમ કહેવાય ખરો ? સારા નરસા દિવસો તો આવે, પણ આવા સ્વાર્થી બનાય ખરું ? તે કેદારની તુલનામાં સાવ છીછરી પુરવાર થઈ હતી. તે કેટલો ઉદાત્ત હતો, કેટલો મહાન હતો ? કલકત્તામાં તો સારી સ્થિતિ હતી. એ છોડીને મારા ખાતર... અહીં દોડી આવ્યો ? માલિની તું આટલી નીચ ? આ તારો પ્રેમ કે નાટક ?

માલિની ખિન્ન થઈ ગઈ.

શાન્તાના ખંડમાંથી હસવાનો અવાજ સંભળાતો હતો. તેને તેનો ઉપહાસ લાગ્યો.

*

અંતે કેદારની જીત થઈ. માલિનીને થયું કે તેણે પાંચ વર્ષ પૂર્વે જે નિર્ણય કર્યો હતો એ લાગણીનો આવેશ હતો. તેણે જે કીંમતી અલંકારો પહેર્યા હતા. એના પર અણગમાની લાગણી થવા લાગી. તે ઊણી ઊતરી હતી. એ એક હકીકત હતી. અનેક પ્રલોભનો સામે હોવા છતાં પણ કેદારે લગ્ન કર્યાં નહોતાં. પાંચ પાંચ વર્ષની કારકિર્દીને રોળીને તે પુનઃ આવ્યો હતો શા માટે ? એક તેની ઝલક પામવા ! વિરહની લાગણી એટલી તીવ્ર બની કે તે કશો જ વિચાર કરવા પણ ના રોકાયો. માલિનીની પીડાનો પાર ન રહ્યો.

તે કેદારને મળવા ગઈ. સરનામું તો હતું જ. તે કેદારનાં ચરણો પાસે બેસીને ખૂબ રડી.

‘કેદાર હું પાપિણી છું. સંપત્તિની લ્હાયમાં મેં તને તરછોડ્યો.’ કેદારનો આશાવાદ જીવંત થયો.

‘માલુ શોક શા માટે કરે છે ? દારૂણ ગરીબીમાં સબડતા લોકોને તારા જેવા જ વિચારો આવે. સહજ છે. ક્ષમ્ય છે. એથી કાંઈ તું મારી થોડી મટી ગઈ હતી. આપણી અગ્નિપરીક્ષા પૂરી થઈ. આપણો પ્રેમ વિશુદ્ધ બનીને બહાર આવ્યો. માલિની સંમોહિત થઈને કેદારને સાંભળી રહી. એ ક્ષણે તે તેનો તારણહાર હતો.

‘જો માલુ આપણી પાસે આ સ્થળ તો છે જ. આપણે અહીં મળી શકીશું. એકબીજાને સાંત્વના આપ્યા કરીશું. મનને અવશ્ય શાંતિ મળશે. જિંદગીની ન્યૂનતા પણ પૂરી થશે !’ કેદારના શબ્દોમાં સંમોહન હતું. માલિની માની ગઈ. ‘માલુ એમ તો હું તારી પાસે પણ આવીશ. તું મારી ઓળખ તારા ધર્મના માનેલા ભાઈ તરીકે આપજે એથી કામ ચાલ્યું જશે. તારા પતિ વ્યસ્ત માણસ છે. વળી ઉદાર પણ હશે જ. મોટી વયના પતિ, સુંદર અને યુવાન પત્ની પ્રતિ ઘેલા અને ઉદાર હોય છે.’

માલિનીને કેદારની વાત સમજાઈ. તેણે એક પળ વિચારી લીધઉં તે કશું ખોટું તો કરી રહી નહોતી ને ! તેનું મન વાંચી ગયો હોય તેમ કેદાર જ બોલ્યો :

‘માલુ આ સિવાય તું કશું વિચારી શકતી હોય તોપણ મને મંજૂર છે. અરે, આ તારા દર્શનનું સુખ પામ્યો એ જ મારે મન મોટી વાત છે. તારી ઇચ્છા હોય તો જ આ યોજના મુજબ ચાલીએ. બાકી... મને લેશમાત્ર ખોટી એષણા નથી. તારું સ્મરણ જ પૂરતું છે. હું તો ફરી કલકત્તા ચાલ્યો જઈશ.’

‘ના ના કેદાર એવું ન બોલ. મારી બુદ્ધિ તો નથી ચાલતી. આ સંપત્તિની માયાજાળમાં અટવાઈ ગઈ છું. બસ તું કહે એ જ... ! માલિનીની શરણાગતિ એ તેની જીત હતી.

અપરાધભાવનાવશ માલિની તેને મળવા લાગી. સ્થળ તો નક્કી જ હતું. માલિનીનાં સ્વરૂપો બદલાવા લાગ્યાં. કેદારને તે કલકત્તા હતો ત્યારે એક વાત ખટકતી હતી. આવી અદ્‌ભુત સૌંદર્યરાશિ તેનાં સાંનિધ્યમાં હતી, એ છતાં પણ તે કશું પામ્યો જ નહોતો. તેની ઉદારતા એ તેની ભીષણ ભૂલ હતી. તે ખરે મૂર્ખ શિરોમણી હતો.

બસ આ હવે તક ઊભી થઈ હતી. એ ભૂલ નિવારવા કેદાર ઝડપટ સોપાનો ચડતો ગયો. વશીભૂત થયેલા પ્રિય પાત્ર પાસેથી કશું પ્રાપ્ત કરવાનું સરળ હતું. તેમ છતાં પણ તેણે ખોટી ઉતાવળ તો ન જ કરી.

‘આ મારો માનેલો ભાઈ કેદાર કલકત્તાથી આવ્યો છે. ત્યાં શરીરનું અસુખ હતું. તેણે પતિ સાથે ઓળખાણ પણ કરાવી કેદારની.’

‘ભલે ભલે ક્યારેક આવતા રહેજો કેદારબાબુ.’ પતિએ થોડી દિલચશ્પી લીધી એ કેદારમાં.

બસ ચક્રો ચાલવા લાગ્યાં. પતિની વ્યવસ્તતાએ માલિનીને મોકળું મેદાન પૂરું પાડ્યું. પાપ પુણ્યના પરંપરાગત ખ્યાલો પણ ઝાકળની ભીનાશની માફક અલ્પજીવી રહ્યા. ‘કોને ખબર ? આ પાપ કરું છું કે છેલ્લાં પાંચ વર્ષથી કરું છું એ પાપ છે ?’

આ તેની મનોદશા હતી. તેનું ચિત્ત હવે તેના સંસારમાં નહોતું. સંપતરાય છેક રાત્રે કે સાંજે આવતા તે તેને અધિક પ્રેમથી સત્કારતી હતી. અધિક લાડ અને નખરા કરતી હતી.

શાન્તાની નજરમાં આ પરિવર્તન નોંધાયું જ હતું. તે દુઃખ અનુભવી રહી હતી. કેદારની મોહકતા અને માલિનીની ચંચળતા છૂપી રહી શકે તેમ નહોતી. શાન્તાને વાસંતીની યાદ આવી ગઈ હતી. આ રૂપાળી સ્ત્રી તેની તુલનામાં સાવ નગણ્ય હતી. તેનું મન ધૃણાથી ભરાઈ ગયું. કેવી છલના આચરી રહી હતી આ સ્ત્રી ! પણ તેની મર્યાદા હતી. તે એક ચાકર સ્ત્રી હતી. વાસંતી તો તેને વડીલ ગણીને માન આપતી હતી. તેની સલાહ માનતી હતી, પણ હવે એ કાળ તો રહ્યો નહોતો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તેણે મન વાળ્યું હતું.

તેને એક રાતે સુજાતાએ જ કહ્યું : ‘માસી આજે પેલો પુરુષ મમ્મીના ખંડમાં ગયો અને બારણાં અંદરથી વીસી દીધા.’ તેના પ્રશ્નમાં કુતૂહલના અંશો હતા. તેને પણ કશી અસહજતાની ગંધ આવી હતી. તે મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહી હતી. શાંતા હચમચી ગઈ, શું કહેવું આ કિશોરીને ? ‘બેટા કશું કામ હશે.’ તેણે ઉત્તર વાળ્યો.

‘એવું વળી શું કામ હશે ?’ સુજાતાએ ફરી પૂછ્યું. આ કિશાોરી આ કુતૂહલનો ઉત્તર મેળવીને જ જંપવાની હતી. શાન્તાને ખાતરી થઈ હતી.

શાંતાને અનર્થ દેખાતો હતો. આખા પરિવારનો અનર્થ ! તે વર્ષોથી આ પરિવાર સાથે સંકળાયેલી હતી, સહજ રીતે માયા પણ હતી. વાસંતીના જાજરમાન વ્યક્તિત્વની યાદો હજુ એવી ને એવી ધબકતી હતી.

‘બેટા... મોટાની વાતોમાં આપણને ખબર ન પડે.’ તેણે સુજાતાને ખાળવા, વાળવા યત્ન કર્યા હતા.

કેદારની નજર પર શાંતા આવી ગઈ હતી. આ જૂની અને અનુભવી સ્ત્રી તેની નાવને ઊંધી વાળી દેશે એ ડર પણ તેને સ્પર્શ્યો હતો. કશું બનવા જ શા માટે દેવું ? પાણી પહેલાં જ પાળ બાંધી દેવી એ તેનો સ્વભાવ બની ગયો હતો.

‘માલુ... એને હાંકી ન કઢાય ?’ તેણે પ્રશ્ન ઊભો કર્યો.

‘શા માટે ? શાંતા તો ત્રણેયને સાચવે છે, એથી તો મને બધી જાતની અનુકૂલથા મળી રહે છે.’ માલિનીને આશ્ચર્ય થયું હતું.

‘માલુ... મને ખબર નહિ કે તું આટલી ભોળી હશે,’ કેદારે તેને સમજ પાડી હતી.

‘જો સાંભળ... આવા જૂના નોકરો માલિકને વફાદાર હોય સમજી... તે જરૂર આપણને મુશ્કેલીમાં મૂકી શકે.’ માલિની સમજી.

‘પણ... એ ન થઈ શકે. તે ન માને.’ તેણે મુશ્કેલી રજૂ કરી. શાંતાનું સ્થાન આ પરિવારમાં કેટલું મજબૂત હતું એ તે બરાબર જાણતી હતી.

‘માલિની... મને એવો કશો રસ નથી. આ તો તારા આપણા ભલા માટે કહું છું. પછી માર્ગ સાવ ક્લિઅર થઈ જશે.’

માલિનીને તેની વાત બરાબર લાગી, તે પણ કેદારના મોહમાં ખૂંપી ગઈ હતી. કેદાર આવતો ત્યારે તે ઘેલી બની જતી. તેનો ચહેરો આનંદથી છલકાઈ જતો.

‘શાંતા... અક્ષયને રાખજે, હું આવું છું...’ કહેતી તે કેદાર પાસે જવા નીકળતી ત્યારે તે સાચે જ અભિસારિકા બની જતી. કેદારે ધ્યાન દોર્યા પછી તેણે શાંતાનો ચહેરો વાંચવા પ્રયત્ન કર્યો હતો. શાંતાના ચહેરા પર ઉદાસી હતી. કોઈ પણ પળે તે કશું કહે એવું લાગતું હતું. સંકેતથી તે તેનો અણગમો વ્યક્ત કરતી જ હતી.

તેણે ટેક્ષીનું બારણું બંધ કર્યું હતું પણ મન સતત આ ચિંતનમાં હતું. કેદાર સાચો હતો. આ સ્ત્રી કશું કર્યા વગર રહેશે નહીં, એવી તેને ફડક પેસી ગઈ અને જો એમ થાય તો ? સંપતરાય ઉદાર હતા પણ આ વિષયમાં તે એવા ન જ રહે. કોઈ સ્ત્રી કે પુરુષ ન રહે, પછી... કેવું પરિણામ આવે ? તેને બે સંતાનો વિશ્વા-અક્ષય યાદ આવ્યા. આટલા ઐશ્વર્યની તે માલિક હતી ! સામે છેડે કેદારનો નવો નોવ પ્રણય યાદ આવ્યો. તે અવઢવમાં પડી ગઈ, શું કરવું ?

કેદારે સમાધાન કર્યું. માલિની પાસે જવાનું બંધ કર્યું. અનુકૂળતા મુજબ માલિની કેદારના બે ખંડના ક્વાટર પર પહોંચી જતી હતી. અલબત્ત, ચોકીદારે તેને એક વાર ટપારી પણ હતી. તે ક્ષુબ્ધ બની ગઈ. તેના એક નિર્ણયે તેને આ સ્થિતએ પહોંચાડી હતી. કેદારનું આકર્ષણ પણ એટલું તીવ્ર હતું કે તે એ મૂકી શકે તેમ નહોતી.

‘માલુ... એક નજીવી વાતમાં અકળાવાની જરૂર નથી, માર્ગ મળી જશે.’ તેણે માર્ગ શોધ્યો પણ ખરો.

શાંતાને જવું જ પડ્યું. કેદેરો સંજોગો જ એવા ઊભા કર્યા કે તેણે જુવં પડ્યું. સુજાતા તેને વળગીને કેટલું રડી !

‘માસી... પછી હું એકલી શું કરીશ ?’ શાંતા ખુદ ઢીલી થઈ ગઈ. તેમે સુજાતાને શિખામણ આપી. ‘બેટા... મમ્મીને નાખુશ ન કરતી. થોડું સહન કરી લેજે. ઈશ્વર તારું રક્ષણ કરશે. મારા તો અંજળ ખૂટ્યાં છે.’

તે વહેલી સવારે સુજાતા ઊઠે એ પહેલા જ ચાલી નીકળી. માલિની તો એ સમયે ક્યાંથી ઊઠી હોય ?

કેદારે ઝડપ કરી હતી. તેણે શાંતાની જગ્યાએ પોતાની જાણીતી કુસુમને ગોઠવી હતી.

વિશ્વાને કુસુમ સાથે ફાવી ગયું. તેને પણ ક્યાં શાંતા ગમતી હતી ? સુજાતા એ દિવસથી અંતર્મુખ બની ગઈ. હોઠ પર તાળાં વસાઈ ગયાં. એક ખીલતી કળીને જાણે ગ્રહણ લાગી ગયું !

એક વાર સંપતરાયે શાંતાની પૃચ્છા કરી.

‘એ બહુ જ કરગરતી હતી. તેને વતનમાં પુત્રી પાસે જવું હતું. નાથ.. તમે તો રજા ન આપો. મેં તેને વિદાય કરી. કેમ મેં સારું કામ કર્યું ને ?’ તે પતિ પાસે લાડ કરતા બોલી હતી.

‘ઓહ ! એમ વાત હતી ? ખૂબ જ જૂની હતી શાંતા. ઘરની સભ્ય જ હતી જાણે !’

સંપતરાયે જૂનો ઇતિહાસ તાજો કર્યો હોત.

‘સારું કર્યું. તેના ગુણોનો દુરુપયોગ ન કરાય. તેને સરખા પૈસા તો આપ્યા ને ? તેના જેવી વફાદાર બાઈ ન મળે.’

‘નાથ... બીજી કુસુમ આવી છે, ઠીક છે એ પણ. માલિનીએ પતિને સમજાવી દીધો. કેદારના સંગમાં રહી રહીને તે ચાલાત થથી હતી પરિવર્તનો શરૂ થયાં. સુજાતા પર નિયંત્રણો આવતાં ગયાં. કુસુમ પણ સહાયમાં હતી.

‘તને અક્ષયને સાચવતા પણ નથી આવડતું ?’ વિશઅવાનાં કપડાં પણ તારે જ ગોઠવવાનાં. તું હવે મોટી થઈ. તારું વર્તન સાવ ખરાબ થતું જાય છે. તને પેલી ડોકરીએ બગાડી મૂકી છે. કુસુમ, તું આ છોકરીનું બરાબર ધ્યાન રાખતી જા. તેનું ગેરવર્તન ચલાવી ન લેવાય...’

સુજાતા સાવ એકાકી બની ગઈ. અસહાય બની ગઈ. પિતાની વ્યસ્તતાએ પણ તેને નિરાશ કરી. વિશ્વાને કુસુમનો છંદ લાગ્યો હતો. કુસુમ યુવાન હતી. છીછરી હતી. વળી કેદારના દોરીસંચાર મુજબ તેણે કામ કરવાનું હતું.

કેદારના આગમન શરૂ થયાં હતાં. શાન્તા નહોતી. કુસુમ તો તેની માનીતી હતી.

કેદાર ક્યારેક કુસુમ પાસે પણ આવીને બેસતો. તે સંકોચ વગર તેને અડીને બેસી જતો. તેના ખભા ઉપરહાથ મૂકતો. તેની હિંમત વધી ગઈ હતી.

સુજાતા ત્યારે હોમવર્ક કરતી હોય તેની નજર એ દિશામાં જાય તો તે બળજબરીથી ફેરવી લેતી. તેને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ સારી નહોતી. તે માલિની સાથે ખંડના દ્વારો વાસીને આવું જ કશું કરતો હશે તેની સાથે. તેણે અટકળ કરી નાખી. તેને રોષ જન્મતો હતો. આ કાંઈ યોગ્ય ન કહેવાય. શું પિતા નહિ જાણતા હોય ? જાણે તો તેઓ આ ન જ ચલાવે, સુજાતાને લાગતું હતું.

‘સુજાતા... કેદાર અંકલ... કુસુમ સાથે કેવું કરે છે ? મને તો હસવું આવી જાય. કુસુમને આ ગમતું હશે ?... તને કોઈ આવું કરે તો તને ગમે ?’

રાત્રે વિશ્વા આવા ચિત્રવિચિત્ર સવાલો કર્યા કરતી. તેણે તો કુસુમને કહ્યું હતું, ‘કેદાર અંકલ...તને કેવા પજવે છે ? તને એ ગમે છે ?’

કુસુમને રજમાત્ર સંકોચ થતો નહોતો. તે તો હસીને એ નિર્લજ્જતામાં ઉમેરો કરતી.

‘વિશ્વાબહેન... મઝા પડે. એ તો મોટા થઈએ ને પછી જ ખબર પડે.’

સુજાતા મૂંગી મૂંગી સાંભળ્યા કરતી. તેના મનમાં પણ કુતૂહલો તો હતી જ. પરંતુ કુસુમ જે રીતે વિશ્વા સાથે વાતો કરતી હતી એ તેને પસંદ ન પડી. નાની વિશ્વા સાથે આવી રીતે વાત થાય ? તેણે કુસુમને ટોકી હતી.

‘આવી હલકી વાતો અહીં નહિ કરવાની. નહિ તો પપ્પાને કહી દઈશ...’ તે હિંમતથી બોલી.

વાતો અટકી ગઈ, પણ એ ખૂબ મોટા પડઘા પડ્યા. કેદાર અને માલિનીએ પણ એની ચર્ચા કરી.

‘એ છોકરી મોટી થઈ ગઈ એ પણ પીડા ઊભી કરશે માલુ. કળથી કામ કરવું પડશે...’

કેદારે માલિનીને સમજાવી હતી.

પરિણામે... માલિનીએ કુસુમને ઠપકો આપ્યો હતો સુજાતાની હાજરીમાં. સુજાતાને પ્રેમથી બોલાવી હતી.

‘વિશ્વા... મોટી બહેન પાસે શીખજે. સુજાતા સરસ ચિત્રો દોરે છે. અભ્યાસમાં પણ તેજસ્વી છે.’

સુજાતાને સારું લાગ્યું. ખૂબ ખૂબ સારું લાગ્યું. એ રાતે તે નિરાંતથી સૂતી. નવી મમ્મીને મારી લાગણી તો છે ! પણ એ સુખ અલ્પજીવી હતું.

એ પછીની એક રાતે અચાનક તેની આંખ ખુલી ગઈ. પાસેના ખંડમાં થતી ધીમી વાતચીત, રાતની શાંતિ હોવાથી તેના કર્ણપટ પર અથડાઈ.

એક પુરુષ અને એક સ્ત્રી વાત કરતા હતા. ગાઢ ઊંઘમાંથી જાગૃતિમાં આવતા થોડો સમય પણ લાગ્યો.

શબ્દો કેદારના હતા. બીજા પાત્રની ઓળખ પણ મળી જ ગઈ, આપોઆપ. પણ શું પિતા નહિ હોય ? સુજાતાએ વિચાર્યું. નહિ જ હોય, નહિ તો આ માણસ તો હોય જ નહિ. કેટલી હિંમત હતી એ પરપુરુષની ?

સુજાતાને યોગ્ય શબ્દ મળ્યો કેદાર માટે ! અને જે વાત થતી હતી તે પણ એના વિશે જ હતી, એ પણ સમજાયું. આબુની સ્કૂલ તથા હૉસ્ટેલમાં તેને પહોંચાડવાની વાત હતી, કાવતરું હતું ! તે હબકી ગઈ. ઓહ ! મને...? પણ શા માટે ? થોડા સમયથી તો નવી મમ્મી વ્હાલ કરતી હતી તેને ! તો એ શું દેખાવ માત્ર જ ?

સુજાતાએ આસપાસ નજર ફેરવી લીધી. તેને ડર લાગતો હતો. તેને શાન્તા યાદ આવી ગઈ. તેને કાઢી અને હવે તેનો વારો આવ્યો હતો. તેના પપ્પા ક્યાં હતા ?

‘કેદાર... તું માને છે એટલું સહેલું નથી. એ છોકરી પર તેમને લાગણી છે. તે ન માને !’ માલિનીનો દબાતો સ્વર સંભળાયો. સુજાતાએ ધ્યાન કેન્દ્રિત કર્યું એ દિશામાં.

‘માલિની... ડાર્લિંગ... મને આ નથી ગમતું. તારા જેવી સુંદરી માટે આ બાબત તો સાવ નજીવી ગણાય.’

કેદારે વાતને વળ ચડાવ્યો. માલિનીએ કશો ઉત્તર ન વાળ્યો. એ પછી કશું ન સંભળાયું. સુજાતા છેક તેના ખંડની બારી પાસે ઊભી રહી. તેને એક શબ્દ ન સંભળાયો. અજાણ્યા અવાજો સંભળાયા. વચ્ચે માલિનીનું આછું હાસ્ય સંભળાયું.

સુજાતાની ઊંઘ રોળાઈ ગઈ. ઓહ ! આ નીચ પુરુષ તો હજુ કાર્યરત હતો ! મેં તેનું કે કોઈનું શું બગાડ્યું હતું કે એ લોકો મને તગેડી મૂકવાની વ્યવસ્થા વિચારી રહ્યા હતા ? હું શું નડતી હતી તેઓને ? હા, નડતી તો હતી જ. તેને ભાન થતું હતું... તેને સમજ પડતી હતી. તેની વધતી વય જ એ લોકોને નડતરરૂપ હતી. પાસેના ખંડમાં થતા અવાજો તીવ્ર બન્યા હતા.

સુજાતા અકળામણ અનુભવવા લાગી. ક્યાં હશે તેના પિતા ? નક્કી એ ફ્લેટ પર તો નહિ જ હોય !

તે મુગ્ધાવસ્થામાંથી ગુજરી રહી હતી. શારીરિક પરિવર્તનનો તબક્કો ચાલતો હતો. શાંતાના પ્રેમ અને હૂંફ તેને એ સમયે મળ્યા હતા.

તેને આ નવી મમ્મી સમજાતી નહોતી. તે એક પરપુરુષ સાથે સંબંધ રાખતી હતી. સુજાતાને ભાન હતું કે આવા સંબંધો કાંઈ સારા ન કહેવાય. કેદાર પર તો તેને નરદમ તિરસ્કાર આવતો હતો. તે વળી ધર્મનો ભાઈ બનીને આવ્યો હતો ! પાપ જ કહેવાય. શાન્તાને આ કારણસર જ. હા... એમ જ થયું હશે. શાંતા તો મોટી વયની હતી, અનુભવી હતી. તે તો તરત જ સમજી શકે. આવી વાતો ! અને હવે કદાચ આવાં કારણસર જ તેની હકાલપટ્ટી વિચારાઈ રહી હતી ! શું વિશ્વાને પણ એક દિવસે ખબર નહિ પડે ? નવી મમ્મી આમ શા માટે કરતી હશે ? સુજાતા અક્ષરશઃ રડી પડી. તેને તેના પિતા સંપતરાય પર ગુસ્સો આવ્યો. તે આવી વાત કેમ સમજી શકતા નહિ હોય ?

સુજાતાએ સવારે ઊઠીને સૌ પ્રથમ સંપતરાય માટે તપાસ કરી. તે બિઝનેસ-પ્રવાસમાં બહારગામ ગયા હતા. કેટલું રોકાણ હતું, એ માલિની જ જાણતી હતી. આખા ફ્લેટમાં ક્યાંય કેદારનું અસ્તિત્વ નહોતું.

એક પળ તો સુજાતાને ભ્રમ થયો કે રાતે જે બન્યું એ સત્ય હશે કે ખાલી ભ્રમ ! ના સત્ય જ હતું. સુજાતાને પુરાવા મળતા હતા.

માલિનીએ તેને પ્રેમથી બોલાવી. તેના અભ્યાસ બાબત પૂછપરછ કરી.

‘સુજાતા... મને આ સ્કૂલ પર વિશ્વાસ નથી પડતો. તું કેટલી તેજસ્વી છે ! તને સરસ સંસ્થા મળી જાય તો તે કેટલી આગળ નીકળી જાય. મને તો હમણાં આવા જ વિચારો આવે છે. તારી શક્તિ ખીલી ઊઠે. તું ખૂબ ખૂબ પ્રગતિ કરે એ મને ગમે. તને ગમે ને બેટા ? હું તેમની સાથે વાત કરવાની છું.’

માલિની જ ખુદ પુરાવા આપવા લાગી. સુજાતા ચેતી ગઈ. તેણે સરળતાથી કામ લીધું. રખે માલિનીને જાણ થઈ જાય કે તે કશુંક જાણતી હતી !

માલિની પ્રસ્તાવના બાંધથી હતી. બે-ત્રણ દિવસો પછી સંપતરાયે તેને બોલાવીને રોષથી કહ્યું હતું : ‘સુજાતા... મને ખ્યાલ નહોતો કે તું આટલી બગડી જઈશ ? નાની વિશ્વા તારી પાસેથી શું શીખે ? મને કુસુમે વાત કહી કે તું... રાતે અમારા ખંડમાં ડોકિયાં કરતી હતી. મારે તને કોઈ હૉસ્ટેલમાં જ દાખલ કરવી પડશે. તેં તો મારું નામ બોળ્યું. આવાં અપલક્ષણો શીખી ?’

પિતાએ તેનો એક પણ અક્ષર ન સાંભળ્યો.

*

એ રાતે સુજાતાને સૌ પ્રથમ વાર આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. સંપતરાય તેનો એક માત્ર આધાર હતા, તેની શ્રદ્ધાનું કેન્દ્ર હતા. તે રડી પડી.

વિશ્વા તો ભરઊંઘમાં હતી, મીઠાં સ્વપ્નોમાં હતી. તે જમી પણ નહોતી. તેના પિતા પર રીસ ચડી હતી. તેમણે તેની વાત સાંભળી પણ નહીં.

માલિનીનું કારસ્તાન સમજાઈ ગયું. એ ખરાબ સ્ત્રીએ પિતાના કાન ભંભેર્યા હતા. તેણે કોઈ કોઈ વાર્તામાં આવું વાંચ્યું હતું. ક્યાંક સાંભળ્યું પણ હતું. હવે તે તાદૃશ અનુભવી રહી હતી. પુષ્કળ વેદના થતી હતી.

પાપ એ કરતી હતી અને સજા તેને મળતી હતી ? મન પરિપક્વ તો નહોતું. વિચાર મંથન કરતી હતી પણ અંતે કશા નિષ્કર્ષ પર પહોંચી શકતી નહોતી. શું તેના બાહોશ પિતા આટલી વાત સમજી ન શકે ? તે પણ સ્ત્રીના મોહમાં કેદ હતા ?

તેને દુઃખ એ વાતનું હતું કે સંપતરાયે તેની એક પણ વાત સાંભળી નહીં. તેના પિતા શું આટલા લાગણીહીન હતા ? તેને આ સ્થળ અકારું થઈ ગયું. અરે ! જિંદગીમાંથી પણ રસ ઊડી ગયો. આ તો સાક્ષાત્‌ નર્ક હતું. માલિનીને તો તે પૂર્ણ રીતે ઓળખી ચૂકી હતી. તેણે સુજાતા માટે બધાં જ દ્વારો બંધ કર્યાં હતાં. સંપતરાય તો તેની મુઠ્ઠીમાં હતા !

‘ભલે હૉસ્ટેલમાં જવું પડે. અહીં કરતાં તો એ સ્થળ જરૂર બહેતર હશે.’ તેનું મન ઊઠી ગયું.

માંડ પરોઢે તે જંપી. તેના પોપચાં બિડાયાં. ગાલો પર આંસુ ખરડાયા હતાં.

અચાનક કોઈ સ્પર્શે તે જાગી ગઈ. આંખ ખોલી તો સામે સંપતરાય ઊભા હતા, કરુણાથી તેને નિહાળતા હતા, ‘બેટા, મેં તને નાહક ઠપકો આપ્યો હતો. ધંધાની હતાશાની અસર મારા સ્વભાવ પર પણ પડી. મને ખૂબ દુઃખ થયું. તું જમી પણ નથી ને ?’

સંપતરાયની આંખ ભીની હતી.

‘બાપુ, મેં કશું જ કર્યું નથી.’ તે માત્ર આટલા શબ્દો ઉચ્ચારી શકી.

સંપતરાયે તેના મસ્તક પર હાથ મૂક્યો. એ હાથ કંપતો હતો. ઊંડા પરિતાપનો આ સંકેત હતો.

‘બાપુ, મારે હૉસ્ટેલમાં જવું છે...’ સુજાતા બોલી.

‘બેટા, મારે તને ક્યાંય નથી મોકલવી. મારી પાસે જ રાખવી છે મારે... મારે તેને જવાબ આપવો પડશે તારી માને. હું શો જવાબ આપીશ ?’

સંપતરાય ગળગળા થઈ ગયા.

‘મને કહે, શું છે તારા મનમાં ?’ તે બોલ્યા પિતાની હેસિયતથી.

સુજાતા અવાક્‌ બની ગઈ. તેને લાગ્યું કે તેના પિતા પણ તેની માફક ઊંઘી શક્યા નહીં હોય.

‘ના બાપુ... મને કશી મુશ્કેલી નથી. મને તો તમારી ચિંતા થાય છે. કોણ જાણે કેમ પણ મન પર ભાર ભાર લાગ્યા કરે છે.’ સુજાતા આટલું જ બોલી. તેણે પેલી વાત કહેવી તો હતી, પણ મન ન માન્યું. આવી વાત કહેવી પણ કઈ રીતે ? તે વિચિત્ર ભાવ અનુભવી રહી.

તેણે નક્કીકરી નાખ્યું કે તે આવી વાતોથી અળગી જ રહે. એ ખરાબ સ્ત્રી તેનાં કુકર્મોમાં રચીપચી હતી. પેલો પરપુરુષ એમાં સામેલ હતો. શું ઈશ્વર આનો બદલો નહીં વાળે ? આ વાત કહીને પિતાને શા માટે ઉશ્કરવા ? શાં પરિણામો આવી શકે એનો તેને આછોપાતળો ખ્યાલ હતો જ. પિતા અવશ્ય ઉશ્કેરાય, પેલા પુરુષને પિતા કાઢી ન મૂકે. કદાચ નવી મમ્મીને ઠપકો અને ક્ષમા બન્ને આપે કારણ કે પિતા એ સ્ત્રીના મોહમાંથી છૂટી શકે તેમ હતું જ નહીં. તેમના પ્રબળ આકર્ષણથી તે વાકેફ હતી. સત્ય જાણ્યા પછી જિંદગી વધુ કપરી બની જાય. તેમણે સમજી વિચારીને એ વિષયમાં મૌન ગ્રહી લીધું.

એ પછી સંપતરાયે વાસંતીનાં સંસ્મરણો તાજાં કર્યાં, ‘બેટા, તારી મા તો સાક્ષાત્‌ જગદંબા હતી. તેના તેજથી આખા ઘરમાં અજવાળું હતું.’

સુજાતાની સવાર સુધરી ગઈ. તેણે સંપતરાય સાથે ઘણી વાતો કરી, માતા વિશે, અભ્યાસ વિશે, વિશ્વા અને અક્ષય વિશે. તે હળવીફૂલ થઈ ગઈ।

નવી મમ્મી તો હજુ પથારીમાં હતી. કુસુમ કુતૂહલવશ નજરે સુજાતાને જોઈ રહી હતી. તેને આ પરોઢની મુલાકાતનો ખ્યાલ આવી ગયો હતો. મનમાં ફાળ પણ પડી હતી. આ છોકરીએ કશું બાફ્યું તો નહિ હોય ને, કેદાર અને માલિનીના બારામાં ?

સંપતરાય તો દિનચર્યામાં લાગી ગયા હતા. તેમના ચહેરા પર હળવાશ સિવાય કશું નહોતું એ તો ચકાસી રહી હતી.

‘સુજાતાબેન, વહેલા ઊઠ્યા ? લાવો તારો ખંડ સાફસૂફ કરી નાખું.’ તે શક્ય મીઠાશથી બોલી પણ સુજાતાએ ખાસ કાંઈ પ્રતિભાવ કે ઉમળકો ન બતાવ્યો.

તે વહેલી તકે માલિનીને મળવા ઇચ્છતી હતી, પણ તે તો ભરનિંદરમાં હતી. તેણે એક વાર તેને જગાડવા મથામણ પણ કરી, પણ માલિનીએ તો દાદ ન આપી.

‘કુસુમ, મને ખલેલ ન પહોંચાડ.’ તેણે ઊંઘરેટા સ્વરમાં તેને સૂચના આપી. કુસુમ નિરુત્તર અને લાચાર બની ગઈ.

સંપતરાય અને સુજાતાની વિદાય પછી જ તેના જીવમાં જીવ આવ્યો. બાપ-દીકરી મળ્યાં. ખાસ્સી વાર વાતો કરી. એ વાત કાંઈ નાનીસૂની નહોતી જ.

એ પછી પણ કુસુમ એ વાત માલિનીને ન કહી શકી. આવું ક્યારેક બનતું હોય. માલિની ફોન પર વાતો કરી રહી હતી. આવી રસપૂર્વક વાતો તો કેદાર સાથે જ હોય, તેણે ધારી લીધું. કેદાર વાણીના સાધનનો સરસ ઉપયોગ કરતો હતો. તે જે કાંઈ બોલતો, એ અસર ઉપજાવતું. શબ્દોની પસંદગી બાબત તે ખૂબ જ સાવધ રહેતો. આ કળા તો તેણે કલકત્તાના વસવાટ દરમિયાન આત્મસાત્‌ કરી હતી.

કુસુમ તો તેની સાવ નજીક હતી. તેમની વચ્ચે ગાઢ સંબંધો હતા. એ વાત માલિની કદાચ જાણતી હતી. તેમ છતાં પણ તેણે ક્યારેય કુસુમ વિશે પ્રશ્ન કર્યો નહોતો. એથી વિપરીત કેદારે જ તેને એક વાર કહ્યું હતું :

‘માલુ, એ મને વફાદાર છે અને તેથી તને પણ વફાદાર છે. મને આવી વ્યક્તિઓ પસંદ છે.’

કેદાર સાથે ફોન પર વાતચીત કર્યા પછી માલિની તરત જ સ્નાન માટે દોડી હતી. તેના ચહેરા અને પગમાં થનગનાટ હતો.

કુસુમ કામમાં પડી ગઈ. આ સમય માલિનીને ખલેલ પહોંચાડવાનો નહોતો. અજબ હતો કેદાર ! કોઈ પણ સ્ત્રીને ખેંચવાનું લોહચુંબક તેની પાસે હતું. કુસુમ પણ સાવ સહજપણે તેની પાશમાં ાવી હતી.

અમદાવાદ આવ્યા પછી તેની ચિત્રકાર તરીકેની નામનામાં વધારો થયો હતો. કલકત્તાથી આવેલા કલાશિક્ષકનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તેણે તેનો અતીત ભોંમાં ભંડારી દીધો હતો. તે એક સાઇનબૉર્ડ ચિતરતો તુચ્છ ચિતારો હતો એ વાત તે ખુદ જ ભૂલી જવા ઇચ્છતો હતો. ઓછામાં ઓછું એ અતીત અન્યની જાણમાં ન આવે એની કાળજી રાખતો હતો.

એના પ્રયાસમાં આ કુસુમ જ અંતરાય બનીને આવી હતી. તે આ વસતિમાં રહેતી હતી જ્યારે કેદાર તુચ્છ ચિતારો હતો, માલિની સાથે ગાઢ નિકટતા હતી. કુસુમ પણ એ બન્નેની ગાઢતાને જાણતી હતી, તે હજુ પણ નિર્ધનતામાં સબડતી હતી, જ્યારેકેદાર તો જિંદગીમાં સરસ રીતે ગોઠવાઈ ગયો હતો. ક્વાર્ટર હતું, નામ હતું. થોડા પરિચય પછી કેદારને લાગ્યું કે કુસુમ કામની સ્ત્રી હતી. તેનાં કેટલાંક ચિત્રો દોર્યાં. વસ્ત્રો અપાવ્યાં, થોડી હેરવી-ફેરવી, તે જિતાઈ ગઈ.

‘કેદારબાબુ, આમ એકાએક ક્યાં સુધી રહેશો ? પેલી તો મોટા માણસને પરણી ગઈ.’ કુસુમે વાત માંડી. તેને આશા જાગી હતી કે કેદાર કદાચ તેને પસંદ કરે.

એ સમયે કેદારના મન પર માલિનીનો મોહિની સવાર હતી. કેદાર આ સ્ત્રીને પણ ગુમાવવા માગતો નહોતો. તેણે તેને માલિનીના ઘરમાં જ ગોઠવી દીધી.

કેદારની એ આવડત હતી કે તે બંને સ્ત્રીઓની લાગણીઓની દરકાર કરતો હતો. બંનેને જાળવતો હતો. કુસુમનો આર્થિક પ્રશ્ન પતી ગયો હતો. તે તથા મલિની બંને મુગ્ધ હતાં કેદારના સંમોહનમાં. એક મ્યાનમાં બે તલવાર જેવું હતું. કુસુમ ક્યારેક અકળાતી.

‘તમે એ સ્ત્રી પાસેથી શું પામવાના છો ? એને પતિ છે, સંતાનો છે. આવા સંબંધોનું ભવિષ્ય સારું ન હોય.’ કેદાર તેને મનાવી લેતો.

‘કુસુમ, એક વાત પર તારું ધ્યાન ન ગયું. કેટલી સંપત્તિ છે એ પરિવારમાં ?’

કુસુમની આંખ ચમકી. તે કેદાર પર ખુશ થઈ ગઈ. તેને વળગી પડી.

‘આટલી દીર્ઘદૃષ્ટિ ધરાવો છો એ તો આજે જ જાણ્યું.’ તે આનંદવિભોર થઈ ગઈ. નિર્ધન વ્યક્તિની સાથે લાલચની ભાષામાં જ વાત થાય.

એ પછી તેણે સવાલો પૂછવાનું સદંતર બંધ કર્યું હતું. માત્ર કેદાર પર વિશ્વાસ મૂકીને તેને અનુસરવાનું શરૂ કર્યું હતું. તેણે અનુમાન કરી લીધું કે કેદાર માલિની સાથે જે કરી રહ્યો હતો એ પ્રેમ નહોતો પણ નાટક હતું. સાચો પ્રેમ તો તે જ માત્ર તે જ પામતી હતી. તે તેની જાતને બડભાગી માનતી હતી કે તેણે કેદાર જેવો હોશિયાર માણસનો સાથ મળ્યો હતો.

તે માલિનીને ચેતવણી આપવા ઇચ્છતી હતી પણ એવી તક મળતી નહોતી.

માલિનીને બાથરૃમમાં ખાસ્સી વાર લાગી. તે તૈયાર થઈને આવી ત્યારે મોહિની બનીને આવી હતી. દેહ અને વસ્ત્રોમાં અજબનો નિખાર હતો. છૂટો કેશકલાપ પણ સરસ રીતે ગોઠવ્યો હતો. અભિસારિકા રૂપ ધારણ કર્યું હતું. તે દર્પણ સામે પ્રસન્ન મુદ્રામાં ઊભી હતી.

‘બેન, મારે તમને એક વાત કહેવાની છે.’ કુસુમ બોલી. તે શ્વાસભેર ત્યાં દોડી આવી, પણ માલિની તો તેની કલ્પનાની દુનિયામાં લીન હતી.

‘કુસુમ, મારે અત્યારે કશું સાંભળવું નથી. બસ મને મારામાં જ રમતી રહેવા દે. આજે મારી બર્થડે છે. હું કેટલાંક વર્ષો વિતાવી ચૂકી એ ન પૂછીશ. હું સત્તર-અઢારની જ લાગું છું ને. આ અરીસો પણ એમ જ કહેશે. કેદાર પણ એમ જ કહેશે. હું આજે કેટલી ખુશ છું એનો અંદાજ તને નહીં આવે !’

માલિની પોતાની જાતમાં સંપૂર્ણતઃ તલ્લીન હતી. કુસુમને એક ડર પણ લાગ્યો હતો.

કેદાર તો આજે આવવાનો નહિ હોય ને ? આ મૂર્ખ સ્ત્રી શા માટે આમ તૈયાર થઈ હશે ?

‘કુસુમ, તું વિશ્વા-અક્ષયને સંભાળજે, હું દર્શન કરી આવું.’ કહેતી માલિની નીકળી ગઈ.

કુસુમ હળવી થઈ ગઈ. મંદિરે દર્શન કરવા જવામાં કશું જોખમ નહોતું. તેણે કેદારને ફોન જોડ્યો પણ તે શાળામાં નહોતો એમ જાણવા મળ્યું. તે કામમાં પરોવાઈ.

‘મમ્મીનો આજે બર્થડે છે, વિશ્વા... તું મમ્મીને હેપી બર્થડે કરીશ ને ?’ તેણે વિશ્વા સાથે વાતો કરી. તેને તૈયાર કરીને શાળામાં મૂકવા ચાલી. તે વિચારતી હતી. તે પણ માલિની જેટલી જ સુંદર હતી. તેની પાસે સંપત્તિ ક્યાં હતી ? અનુકૂળતા મળે તો તે પણ આટલી સરસ તૈયાર થાય અને કેદારને પ્રસન્ન કરી દે.

માલિનીને પણ એવું જ થયું. તે મંદિરે તો ગઈ. દેવની મૂર્તિ સામે પ્રણામ કર્યા. પવિત્ર વાતાવરણમાં આત્મસાત્‌ બની. તેને અચાનક કેદાર યાદ આવી ગયો. આવી સરસ ઘડીએ તે પાસે હોય તો ? કેવો અસર હતો ? એક જન્મદિવસે કેદાર તેને ડ્રેસની ભેટ આપવાનો હતો. તે કેટલાય સમયથી પ્રતીક્ષા કરી રહી હતી અને કેદાર પણ. તે એ ડ્રેસ ખરીદવા માટેની ચિંતામાં પડ્યો હતો. મહેનત કરતો હતો પણ વળતર ક્યાં મળતું હતું ? માંડ માંડ નિર્વાહ ચાલતો હતો. ભાવના તો હતી પણ એટલી ક્ષમતા ક્યાં હતી ? તે હારી ગયો હતો, શરમિંદો બની ગયો હતો. માલિનીએ તેને આશ્વાસન આપ્યું હતું કે તેને આવી કોઈ ભેટની ક્યાં જરૂર હતી, તે તો માત્ર કેદારને જ... એ ભાવનાઓ પણ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. કેદારની લાચારીઓથી માલિની હતપ્રભ થઈ ગઈ. સંપતરાયની વાત આવી અને તે અવઢવમાં પડી ગઈ. અંતે ઐશ્વર્યની જીત થઈ. માલિનીને તેણે મુક્તકરી.

એ અતીતની યાદો કેદારને ડંખતી હતી, ચચરતી હતી. તેણે પણ અહીં આવ્યા પછી લક્ષ્મી પાછળ દોટ મૂકી હતી. તેના થોડાં ચિત્રો વખણાયાં હતાં, વેચાયાં પણ હતાં. માલિનીને મોહપાશમાં જકડી હતી. સાથોસાથ તેણે તેના શોખને પુનઃ જીવંત કર્યો હતો. સંબંધોનો વિસ્તાર કર્યો હતો. અનેક જાણીતા પરિવારોમાં પગપેસારો કર્યો હતો. તે અનેકનાં નિવાસસ્થાનો જાણતો હતો પણ માલિની સિવાય કોઈ ભાગ્યે જ તેના સ્થાન વિશે જાણતું હતું.

માલિની કેદારના બે ખંડના નિવાસસ્થાન પર પહોંચી ત્યારે કેદાર તેની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો.

‘મને હતું જ તું આવીશ. હું કાંઈ ભૂલું તારો જન્મદિવસ ! જો આ તારી ભેટ, અગાઉથી પસંદ કરી રાખી હતી.’ તેણે માલિનીને વિસ્મયમાં નાખી દીધી. બંને એકબીજાથી ખેંચાયાં. અવસર હતો, એકાંત હતું. ‘કેદાર, બસ એમ જ નીકળી પડી છું. મંદિરે જઈ આવી અને પછી મારા પગ આ દિશામાં જ દોરાયા.’ ‘કુસુમ બધું સંભાળી લેશે. તું ચિંતા ન રાખતી. આવા અવસર કાંઈ વારંવાર નથી આવતા. તું લાગે છે પણ સરસ ! કોઈ કવિને કાવ્ય લખવાનું મન થાય તેવી. મને પણ તને રંગ અને રેખામાં કંડારવાનું મન થાય છે. હૃદયસાત્‌ કરી લઉં પછી, પછી તને રંગોમાં આકારી લઉં. આ રૂપ તો વિરલ ભાસે છે. મારી આ ધન્યતા છે કે તું મારી સાવ સમીપ છે. કશું કરી બેસું એ પહેલાં લાવ તને પીંછીથી આકારું...’

કેદારનું મન તોફાની બન્યું હતું. માલિની પણ એ જ પ્રવાહમાં વહેતી હતી.

‘કેદા, તારી હર કોઈ ઇચ્છાની પૂર્તિ એ મારો આનંદ છે. આજે હું તારી માત્ર તારી જ છું. સંપતરાયને તો જાણ પણ નહીં હોય કે આજે તેમની પત્નીનો બર્થડે છે.’ માલિની આવેગમાં હતી. અતીત અને વર્તમાન સાથસાથ ડખોળાતા હતા. તે તીવ્ર ઉન્માદની અસર નીચે હતી. કેદારને આ સ્થિતિનો ખ્યાલ હતો જ.

તેણે માલિનીને વિવિધ અંગભંગી મુદ્રાઓમાં ગોઠળી. કૅન્વાસ પર રેખાઓ ઉપસતી લાગી.

‘માલિની, બરાબર રહેજે. વાળને એમ જ ખભા પર ઢળતા રહેવા દે.’

કેદાર સૂચના આપ્યા કરતો હતો. તેનો હાથ સહજતાથી ચાલતો હતો. કલાકાર તન્મય બની ગયો હતો. સમયની ગતિથી પણ તે અજાણ હતો.

‘માલિની, થાકી નથી ને ડીયર. તને ખબર છે કેટલું પરફેક્શન આવે છે !’ તે ક્યારેક કશું ઉચ્ચારતો પણ હતો. માલિની થાકી હતી. એક ને એક સ્થિતિમાં સ્થિર ઊભા રહેવાનો કંટાળો પણ આવતો હતો. વિશ્વા-અક્ષયની ચિંતા પણ થતી હતી. બીજા અનેક વિચારો પણ આવતા હતા.

‘કેદાર, હું શા માટે આવી હતી ?’ તેને હસવું આવી જતું હતું પણ તે નક્કી કરીને આવી હતી કે આજે કેદારને ખુશ કરી દેવો. તે કેવી મુદ્રામાં ઊભી હતી ? કોઈ પણ સ્ત્રીને સંકોચ થાય, પરંતુ કેદારથી વળી શો સંકોચ હોય ? તે તો તેનો પ્રિય હતો. પ્રિયપાત્ર હતો, પ્રિયતમ હતો !

તે વચ્ચે વચ્ચે મર્માળુ હસતી પણ હતી. તે બોલી પણ ખરી, ‘કેદાર, તેં મારી ક્ષુધાનો વિચાર કર્યો લાગતો નથી ?’

‘એ વ્યવસ્થા પણ વિચારી જ છે, માલુ...’ કેદાર તેની ધૂનમાં જ બોલ્યો હતો.

થોડી વાર પછી તે બોલ્યો, ‘માલુ... આજનું કામ પૂરું, શેષકાર્ય બીજી સીટિંગમાં. મારે મારી ભૂખનો પણ વિચાર કરવો જોઈએ.’ મસ્તીનો દોર આગળ ચાલ્યો.

‘કેદાર, મને અક્ષયની ચિંતા થાય છે.’ માલિનીએ ફરી ચિંતા વ્યક્ત કરી.

‘ઓહ ! માલુ, બધી ચિંતાછોડી દે. કુસુમને શા માટે રાખી છે ? એમ થાય છે કે તને અહીંથી ક્યારેય ન જાવા દઉં.’ કેદારને માલિનીનો નશો ચડ્યો હતો જાણે ! માલિની પણ ક્યાં આ મજા છોડવા ઇચ્છતી હતી ? ચિંતા વ્યક્ત કરતી હતી અને ફરી મસ્તીમાં લીન થઈ જતી હતી.

‘કેદાર, તારી બની ગઈ હોત તો સારું હતું. હવે તો મારી પોતાની અલગ દુનિયા છે.’ તેને રહી રહીને વસવસો જાગતો હતો.

‘માલિની, ભૂલી જા બધું જ. વિશ્વા અને અક્ષયને લઈને આવી જા, મારી સાથે.’ કેદારે તેના મર્મસ્થાનને પંપાળ્યું, ‘તને અમારીલાચારીની ખબર નથી, કેદાર,’ તે ધીમા સ્વરે બોલી, ‘આ એવું બિન્દુ છે કે જ્યાંથી હું કોઈ દિશામાં હઠી શકતી નથી. આ સ્થિતિ અસહાય છે કેદાર.’

માલિનીના ચહેરા પર વિષાદના ભાવ અંકાયા.

‘માલુ... છોડ એ વાતો. આ ખુશીનો અવસર છે. બસ મોજ અને મસ્તીથી તરબોળ બની જઈએ.’ કેદારે વાતની દિશા બદલી.

‘કેદાર, આ સુખ કાંઈ ઓછું છે ? તને હું પ્રાપ્ત કરી જ શકી ને ? બસ આ પર્યાપ્ત છે. આથી વધુ સુખની હું કલ્પના કરી નથી શકતી.’

કેદારે ખુશ થઈને તેને બાહુપાશમાં જકડી. તે લવતો હતો, ‘માલુ... તું અદ્‌ભુત સ્ત્રી છે.’

બરાબર એ સમયે જ આગળનું દ્વાર ખૂલ્યું. કેદાર માલિની કશું સમજે એ પહેલાં સંપતરાય અને સુજાતા ભીતર પ્રવેશ્યાં. સંપતરાયના હાથમાં પુષ્પગુચ્છ હતો. સુજાતના હાથમાં પુષ્પો હતાં.

સંપતરાય દ્વારમાં થીજી ગયા. કેદાર અને માલિની તો જાણે હેબતાઈ ગયાં. ન માની શકાય એવી ઘટના બની હતી. માલિની તરત જ કેદારની પકડમાંથી છુટીને પલંગમાંથી બહાર આવી. તેના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. સુજાતા સંકોચ પામીને નતમસ્તકે ઊભી રહી.

સ્પષ્ટ હતું કે સંપતરાય માલિનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. સુજાતાને સાથે લીધી હતી.

આ દૃશ્ય જોવાની આશા તો તેમણે નહીં જ રાખી હોય. તેમને જબરજસ્ત આઘાત લાગ્યો હતો. પુષ્પગુચ્છ હાથમાંથી સરી ગયો હતો. કેદારને એક જ વિચાર આવતો હતો - તેણે દ્વાર બંધ કરવામાં કાળજી કેમ ન રાખી.

એકાએક સંપતરાય પુષ્પગુચ્છની પાસે જ ફર્શ પર લથડી પડ્યા.

*

૧૦

આ બનાવ બન્યો ત્યારે વિશ્વાસ દસ વર્ષની બાળકી હતી. તે માત્ર એટલું સમજતી હતી કે પરિવાર પર કાંઈક મોટી આફત આવી હતી. સૌના ચહેરા ફિક્કા પડી ગયા હતા. પિતા તો હૉસ્પિટલમાં હતા. તેમની પાસે સુજાતા હતી, ડૉક્ટરો અને નર્સ હતાં અને તેની મમ્મી તેના ખંડમાં ભરાઈ ગઈ હતી.

કુસુમને અનેક સવાલો કરવા છતાં પણ કશો જવાબપ મળતો નહોતો. તે મમ્મી પાસે જતી ખરી પરંતુ તેની શૂન્ય છબી જોઈને ગભરાઈ જતી હતી. અક્ષય લગભગ કુસુમ પાસે જ રહેતો.

‘કુસુમ... મમ્મીને શું થયું છે ?’ તે વારંવાર પૂછ્યા કરતી. આમ તો કુસુમ ખુદ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. તે પોતાની વાત માલિનીને કહી શકી હોત તો ? જોકે તેણે એ માટે પ્રયત્નો કર્યા હતા, પણ માલિની નિજાનંદમાં પડી હતી. આ અનર્થ રોકી શકાયો હોત ને ?

આમ તો કુસુમને પણ કોણ પૂરી વાત કહે ? તેણે ત્રુટક ત્રુટક અનુસંધાનો મેળવી લીધાં હતાં. એકાંતમાં કેદાર સાથે વાત કરતાં બધી વાત મળી હતી. કેદાર માટે તો આ ઘરનાં દ્વાર કાયમ માટે બંધ થઈ ગયાં હતાં.

સંપતરાયે તો એટલે સુધી પણ કહ્યું હતું : માલિની તું પણ જઈ શકે છે. આ તારા કહેવાતાં ધર્મના ભાઈ સાથે. આ ક્ષણે જ તું મુક્ત છે. પસંદગી કરી લે. મારી ઉદારતાને તું મારી અશક્તિ ન માની લેતી.

એ રાત્રે જ તેમને છાતીમાં દુખાવો શરૂ થયો. માલિની પાસે આવવા જતી હતી પણ સંપતરાયે તેને ઇશારાથી રોકી. સુજાતાને પાસે બોલાવી.

‘બેટા... શશિકાન્તને ફોન કર.’

માલિની ઊભી ને ઊભી સળગી ગઈ. તેને સુજાતા પર પાર વિનાનો રોષ ચ.ડ્યો હતો. આખરે... એ છોકરીએ જ... મારું સુખ છીનવી લીધું.

બે સંતાનની માતા પાસે આ ઘરમાં જ પાછા ફરવા સિવાય બીજો વિકલ્પ જ ક્યાં હતો ? તે બેઆબરૂ થવા નહોતી ઇચ્છતી.

સંપતરાય કેદારના ખંડમાં પ્રવેશ્યા એ ક્ષણે જે બની ગયું એની ફડક હજુ મનમાંથી ખસી નહોતી. આ પુરુષનો પ્રેમ તેણે જોયો હતો, રાજરાણી જેવું સુખ માણ્યું હતું અને હવે એ આંખનો ધિક્કાર જોવાનો સમય આવ્યો હતો. શિખર પરથી ઊંડી ખીણમાં ધકેલાઈ ગઈ હતી. એ માટે પૂરી રીતે જવાબદાર આ લુચ્ચી છોકરી જ હતી. તેના રોષનું કેન્દ્ર સુજાતા હતી. હાથમાં આવે તો મસળી નાખવાનું મન થતું હતું.

સંપતરાય થોડા દિવસ પછી હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા હતા. શરીર અશક્ત થઈ ગયું હતું. સુજાતા પડછાયાની માફક તેમની સાથે હતી.

‘બેટા... મારી પથારી તારા ખંડમાં રાખજે. મને ત્યાં જ ફાવશે હવે.’ સંપતરાયે તેમની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે એ પરિવારમાં સોપો પડી ગયો હતો.

માલિની એક ખૂણામાં ઊભી હતી. તેના ચહેરા પર અણગમો હતો. આટલી તીવ્ર પ્રત્યાઘાતો પડશે એવો ખ્યાલ તેને નહોતો.

‘ભાભી... તમે ગભરાશો નહિ. તેમની તબિયત સ્વસ્થ થશે પછી તે પહેલાંની માફક જ વર્તવા લાગશે.’

શશિકાન્તે માલિનીને સમજાવી.

‘હા એ જ ઠીક રહેશે...’ તે માંડ માંડ બોલી. તે ભીતરથી સળગતી હતી. એક વાર તો વિચાર આવી પણ ગયો કે અહીં આવી અવહેલના સહેવા કરતાં કેદાર પાસે ચાલી જાય.

વિશ્વાની મૂંઝવણનો પાર નહોતો. તેણે છેલ્લે સુજાતાને જ પૂછી નાખ્યું : ‘બેન... મમ્મીને શું થયું છે ? પેલા કેદાર અંકલ નથી આવતા, એથી મમ્મી આમ કરે છે ?’

‘વિશ્વા... હમણાં કશું ન પૂછતી. હું તને પછી કહીશ...’

સુજાતાએ તાત્કાલિક જવાબ આપવાનું ટાળ્યું હતું. સુજાતા તો બધું લગભગ સમજતી હતી. તે પિતાને આ વિશે કહેવા માગતી હતી પણ સંકોચવશ કહી શકતી નહોતી.

તે સાચી પડી હતી. સાવ અકસ્માતે જ. આ રહસ્ય ખુલી ગયું હતું. તેને આનંદ થયો હતો. જોકે સંપતરાયની તબિયતે તેને ચિંતા કરાવી હતી.

આવું કશું ન બન્યું હોત તો સારું હતું. ભલેને નવી મમ્મી મન ફાવે તેમ કરે. સૌનાં પાપ-સૌને નડે. તે એવું પણ વિચારતીહતી.

સંપતરાયનો પલંગ સુજાતાના ખંડમાં આવ્યો. એ ખંડ ખાસ મોટો નહોતો. એક તરફ સુજાતા અને વિશ્વાનો પલંગ હતો. એક કબાટ હતું. રાઇટિંગ ટેબલ હતું. માલિની એ ખંડમાં ન આવી.

બીજા દિવસે વિશ્વાનાં વસ્ત્રો, પુસ્તકો વગેરે આ ખંડમાંથી માલિનીના ખંડમાં ખસેડાઈ ગયાં. માલિનીનો એ પ્રથમ પ્રત્યાઘાત હતો. સંપતરાયે કશી પરવા ન કરી. ‘પપ્પા... હું તમારી પાસે જ રહેવાની છું. રાતે મમ્મી પાસે સૂવા જઈશ...’ વિશ્વાને પિતાની માયા હતી. તે એમ જ કરી રહી હતી. પણ માલિનીએ તેને સમજાવી, ધમકાવીને રોકી હતી. સુજાતાને આ ગમ્યું નહોતું, પણ આ તિરાડને રોકી શકાય તેમ નહોતી, એ રોકવાની શક્તિ કે આવડત એ સમયે તેનામાં નહોતી.

તે ભાવિ વિશે પણ વિચારી શકતી હતી. તે પિતાની ચાકરી કરતી હતી. આ માંદગી દરમિયાન તેને ચાકરી કરવાનો મહાવરો થયો હતો. શશિકાન્તને પણ ઘરની તિરાડનો ખ્યાલ આવી ગયો હતો. તેણે આ બાળગોઠિયાને સલાહ આપી હતી : ‘સંપત... તારી તબિયત ઠીક નથી. હમણાં મનને શાંત રાખજે. ખોટા વિચારો ન કરતો. ઘર છે, વાસણ ખખડે પણ ખરાં. માલિનીભાભીને તેં જ લાડ લડાવ્યા છે. હવે તેનું હૃદય ભાંગતો નહીં.’

સંપતરાય શૂન્યતાથી મિત્રને તાકી રહ્યા. પેલું દૃશ્ય તેમને ફરી પરેશાન કરવા લાગ્યું. ઓહ ! કેવાં એ બંને... ધર્મનો ભાઈ...? કેવી મોટી છલના ? તેમના જેવો કાબેલ બિઝનેસમૅન ઘરમાં જ છેતરાતો હતો ! આ સ્ત્રી કે જેને તેમણે ઉદારતાથી ચાહી હતી, તેની દરેક ઇચ્છાની પૂર્તિ કરી હતી.

મિટિંગ પડતી મૂકીને પણ તે માલિનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દોડી આવ્યા હતા. આવી રમત તો કેટલાય સમયથી ચાલતી હશે કોને ખબર ? આ સ્ત્રીચરિત્ર ! તેમને કારમો આઘાત લાગ્યો હતો.

હજુ પણ ક્યાં પૂરા સ્વસ્થ હતા ? આ ખરાબ યાદ તેમના મનને છિન્નભિન્ન કરી નાખતી હતી. ડૉક્ટરની વિઝિટ નિયમિત હતી.

‘સંપતરાય.. હજુ પણ બીપી હોય છે. તમારે ક્યાંય હવાફેર કરવાની જરૂર છે. તમે જરા ફરી આવો.’ ડૉક્ટર સલાહ આપતા હતા. એક નર્સ પણ હતી, જે તેમને સમય સમય પર દવાની ટીકડીઓ ગળાવતી હતી.

સંપતરાય મનને શાંત ન કરી શક્યા, પત્નીને ક્ષણા પણ ન આપી શક્યા. એક પૂર્વગ્રહ આકારાઈ ગયો તેમની ભીતર. તેમણે તેમના વકીલને બોલાવ્યા. એ પહેલાં શશિકાન્ત સાથે વાત કરી લીધી.

‘સંપત... આ ઉતાવળ કહેવાય. તું પૂરો સ્વસ્થ પણ નથી. ખોટા વિવાદો જન્મશે અકારણ !’ શશિકાન્તે સલાહ આપી પણ સંપતરાય તો મક્કમ હતા. નવું વીલ તૈયાર થઈ ગુયં. સંપત્તિના ત્રણ હિસ્સેદાર હતા, સુજાતા, વિશ્વા અને અક્ષય. સુજાતાના હિસ્સાનો ખ્યાલ શશિકાન્તે રાખવાનો હતો જ્યારે વિશ્વા અને અક્ષયના હિસ્સાઓનો ખ્યાલ માલિનીએ રાખવાનો હતો. માલિનીને કશું મળ્યું નહોતું.

માલિની અવઢવમાં પડી ગઈ હતી. તે એકલી પડી ગઈ હતી. તેને પસ્તાવો પણ થતો હતો. તેની જિંદગીની વિચિત્રતા તેને સાલતી હતી. શું તેનો દોષ હતો ? તે એ પ્રશ્ન વારંવાર પોતાની જાતને પૂછતી હતી.

કેદારનો સંપર્ક થાય તેમ નહોતું. કુસુમ સાથે સંદેશો મોકલ્યો હતો પણ તેનો જવાબ આવ્યો નહોતો. કુસુમ પાસે ને પાસે પડછાયો બનીને રહેતી હતી. એ રાહતરૂપ હતી. તે પતિના ખંડમાં જતી ખરી પરંતુ તેમની શૂન્ય આંખ તેને ડારતી હતી. તે પાસે બેસતી તો સંપતરાય આંખ મીંચી દેતા, પડખું ફરી જતા. નર્સની હાજરીમાં આવી અવહેલના થાય એ કેમ સહ્યું જાય. માલિનીને ગમ નહોતી પડતી કે તે શું કરે અને શું ન કરે.

સંપતરાય અક્કડ થઈને બેઠા હતા. આમ તો આ ભૂલ સંપૂર્ણ રીતે તેની જ હતી. બેય કિનારાની ખેંચાખેંચમાં અંતે ડૂબવાનો વારો આવ્યો હતો. જોકે તેના મનમાં કેદાર હતો; હજુ પણ એ આકર્ષણ અકબંધ હતું. તેને લાગતું હતું કે તેણે વધારે સાવધ રહેવાની જરૂર હતી.

સાવ અણધાર્યું જ બન્યું હતું. વળી દ્વાર પણ વાસ્યાં ન હતાં. પતિને આઘાત લાગે એ સ્વાભાવિક હતું. તે તો બર્થડેની શુભેચ્છા પાઠવવા આવ્યા હતા.

આઘાત તીવ્ર હોય પછી પ્રત્યાઘાતો તીવ્ર જ હોય ને. આટલા દિવસોમાં તો માલિનીના ચહેરાનું નૂર ઊડી ગયું. સાવ જડ જેવી બની ગઈ.

‘મમ્મી... શું થયું ? બધા આમ કેમ કરે છે ?’ વિશ્વા પૂછતી. દસ વર્ષની છોકરી કેટલું સમજે ? કુસુમે તેનો કબજો લઈ લીધો. તેના કુમળા મન પર નવાં નિશાનો અંકાવા લાગ્યાં.

‘જુઓ બેન... આ બધું પેલી સુજાતાએ કર્યું છે.’

‘કોણ... મોટીબેન ?’

‘હા બેન... તેમણે જ પપ્પાજીના કાન ભંભેર્યા. તે જ પપ્પાજીને ચડાવે છે. મમ્મી કેટલાં દુઃખી થઈ ગયાં ? એ તેમને પાપે જ... મમ્મી પર આળ નાખ્યું...’

‘મમ્મી પર આળ...?’ વિશ્વા માટે આ શબ્દ નવીન હતો.

‘હા... બેન, એ સુજાતાએ કશું બાકી રાખ્યું નથી. મમ્મી તો અપરમા છે ને ?’ કુસુમ પાસે વિવેકની આશા રાખવી વૃથા હતી.

વારંવાર આવી વાતો સાંભળીને વિશ્વાના મનમાં એક વાત ચોક્કસ થઈ ગઈ તે જે કાંઈ થયું હતું એ માટે સુજાતા જવાબદાર હતી. તે ખરાબ છોકરી હતી. તે કાંઈ તેની સગી બહેન નહોતી. માલિની કાંઈ તેની મમ્મી નહોતી. તેની મમ્મી કોઈ બીજી સ્ત્રી હતી, જેના મૃત્યુ પછી માલિની આ ઘરમાં આવી હતી.

કુમળા મનને વિકૃત કરવા માટે આટલી બાબતો પર્યાપ્ત હતી. વિશ્વાી સુજાતા પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ ગઈ. તે માલિની પાસે જ રહેવા લાગી. પિતા પાસે જવાનું પણ ટાળવા લાગી.

વિશ્વાને અત્યારે પણ યાદ હતું કે તેનામાં સુજાતા વિશેના લગભગ બધા જ પૂર્વગ્રહો એ અરસામાં જન્મ્યા હતા. તે તેનો અણગમો ખુલ્લી રીતે વ્યક્ત કરતી હતી. સુજાતા સમજણી અને સહનશીલ હતી.

‘સુજાતા... તને આનંદ આવ્યો ને, આ તોફાન કરવામાં ?’ તેણે સુજાતાને મોઢામોઢ કહ્યું હતું. સુજાતાને સમજ પડી હતી કે આ શબ્દો ભલે વિશ્વા બોલતી હતી પણ એ અન્ય વ્યક્તિની ભેટ હતી.

‘વિશ્વા... મેં તો કશું કર્યું નથી.’ તેણે સહજતાથી ઉત્તર આપ્યો હતો. પણ વિશ્વા એ સાંભળવા તૈયાર નહોતી.

‘કેદાર અંકલ અને મમ્મી પર આળ પણ... તેં જ...’

સુજાતા આખેઆખી સળગી ગઈ. આવી નાની કિશોરીને આવી વાતો કોણે કહી હશે ?

‘વિશ્વા... એ વ્યક્તિ કાંઈ સારી નથી. તું શું સમજે, વિશ્વા ? તારી ઉંમર... નાની છે.’

સુજાતાને સમજાઈ ગયું કે તેની સમજાવટનો કશો અર્થ નહોતો. તેને દુઃખ થયું. પિતાની સ્થિતિ કાંઈ સારી નહોતી. તે વારંવાર મૃત પત્ની વાસંતીને યાદ કરતા હતા.

‘મારી જ મતિ ફરી ઘઈ. હું એ ઊજળી ચામડીને મોહ્યો, ભરમાયો. કોને દોષ આપવો ? વાસંતી હોત તો આ દશા ન આવત. મેં કેટલી ભૂલો કરી ? કેદાર જેવા સાપને આશરો આપ્યો, જૂઠા સંબંધોને સાચા માની લીધા... બેટા, મને મોહે ભાન ભુલાવ્યું.’

‘બાપુ... શાંત થાવ... તબિયત કેવી થઈ ગઈ છે ?’ સુજાતા પિતા પાસે બેસી રહેતી. તેને પણ માલિની, વિશ્વા તથા કેદારના વિચારો તો આવતા હતા, અમંગળ વિચારો પણ આવતા હતા. તે છાને ખૂણે રડી પણ લેતી. શાળાએ જવાનું સાવ અનિયમતિ થઈ ગયું હતું.

શશિકાન્ત અંકલ નિયમિત આવતા હતા. તે આવતા ત્યારે સુજાતાનો ચ્હેરો ખીલી ઊઠતો. તેમની હાજરી રાહતરૂપ હતી. સંપતરાય પપણ એ સમયે તેમની કડવાશ ભૂલી જતા. શશિકાન્ત અંકલ તો માલિનીને પણ સમજાવતા.

‘આ બરાબર ન કહેવાય.’

માલિની તેમની પાસે રડી પડતી.

મોડો મોડો પણ કેદારનો મૌખિક સંદેશો પણ આવ્યો હતો. તેણે માલિનીને સાંત્વના પણ આપી હતી. જે થયું તે ભૂલી જવાની સલાહ આપી હતી. તે થોડા દિવસ છુટ્ટી લઈને હરદ્વાર જવા વિચારતો હતો, એમ પણ જણાવ્યું હતું.

માલિનીના બાહે વ્હાણ ડૂબી ગયાં હતાં. ના...ના.... એ જાય તો તે સાવ એકલી બની જાય.

તે આ શહેરમાં હતો... એ બાબત માલિનીને આશ્વાસન આપતી હતી. તેણે કુસુમ સાથે તેનો સંદેશો મોકલ્યો પણ ખરો. વિશ્વાને એક વાતની નવાઈ લાગતી હતી કેતેની મમ્મી તથા કુસુમ ધીમા અવાજમાં કાયમ કેદાર અંકલની વાત કર્યા કરતા. તે એક વાર બીમાર પિતાના બિછાના પાસે પહોંચી હતી. સુજાતા ત્યારે ઘણા સમયે બહાર નીકળી હતી. તે પલ્લવી સાથે નીકળી હતી. નર્સ પણ એ દિવસે રજા પર હતી.

સંપતરાયની તબિયતમાં ખાસ્સો સુધારો જણાતો હતો. તેમણે શશિકાન્તને કહ્યું પણ હતું કે તેમના પરથી એક ઘાત ગઈ હતી.

‘શશિકાન્ત... મારે મનને મારવું પડે છે. જે મેં અનુભવ્યું છે, એ આ સંસારની સૌથી મોટી કડવી વાત છે. એ યાદને ભૂલી શકતો નથી, સહી શકતો નથી.’

શશિકાન્તે મિત્રને સમજાવ્યો હતો. અલબત્ત કેદારની વાતથી તે અજાણ જ હતા.

‘બસ... હવે કામમાં લાગી જવું છે, શશિકાન્ત. અને કરેલી ભૂલ, બીજી વાર કરવી નથી.’

સંપતરાયની અસ્પષ્ટ વાતો પરથી શશિકાન્તને માત્ર એટલું સમજાયું હતું કે પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો હતો. જોકે આ ક્યાં નવી વાત હતી ? આવા કેટલાય પ્રશ્નોનો ઉકેલ સમયના હાથણાં હોય. માનવી ત્યાં ઓછો ઊતરે.

વિશ્વા પર સંપતરાયને અતિશય લાગણી હતી, ‘આવી... બેટા. નાનો ભાઈ શું કરે છે ?’ સંપતરાય ખુશ થયા. તેમના તનની સ્વસ્થતા તેમના અવાજ અને દેખાવમાં વ્યક્ત થતી હતી.

‘આવ... બેસ... બેટા. કેમ આવતી નહોતી મારી પાસે ?’ તેમણે સહજ રીતે પૂછ્યું. વિશ્વા પર હાથ મૂક્યો.

‘પપ્પા... તમને હવે સારું છે ? મોટીબેને જ તમને બીમાર પાડ્યા ને ? કુસુમ કહેતી હતી. મમ્મી પણ... હેં પપ્પા, સુજાતા શું ખરાબ છોકરી છે ? તે આમ કરે ખરી ?’ વિશ્વાએ મનમાં સંઘરેલી બધી વાતો સંપતરાયને કહી દીધી. સંપતરાયનું શાંત થયેલું રક્ત ઊકળી ઊઠ્યું.

‘તને કોણે કહ્યું આ બધું ? તારી મમ્મીએ...?’ તેમનો અવાજ ઊંચો થયો અને લથડાયો.

‘આ છોકરીના મનમાં ઝેર રેડે છે ? માલિની... તારી પાસે હૃદય છે કે નહિ ? પાપનો પસ્તાવો તો નથી થતો પણ તારાં દુષ્કૃત્યોનો બોજ વધારી રહી છે.’ સંપતરાય કંપવા લાગ્યા. ‘પારેવાં જેવી સુજાતાને દુઃખી કરીને તું સુખી નહિ થા, માલિની. તારું અસલીરૂપ જોવાઈ ગયું. હવે કશું જોવાનું બાકી નથી રહ્યું.’

તેમનો અશક્ત અવાજ તીવ્ર બનીને ખંડની બહાર સુધી પહોંચી ગયો.

માલિની દોડી આવી ત્યારે સંપતરાય છાતી દબાવી રહ્યા હતા. તે ઉગ્રતાથી કશું લવી રહ્યા હતા.

માલિનીની પાછળ કુસુમ પણ આવી. વિશ્વા ગભરાઈ ગઈ.

‘ઓહ ! પાછું શું થયું તમને ?’

માલિની સાચેસાચ ગભરાટ અનુભવવા લાગી. બધી જ ક્ષુલ્લક વાતો ભુલાઈ ગઈ.

‘કુસુમ... ડૉક્ટરને ફોન કર. શશિકાન્તભાઈને બોલાવ. ક્યાં ગઈ પેલી નર્સ ?’ માલિની પલંગ પર બેસવા ગઈ પણ સંપતરાયે તેને સંકેતથી દૂર ખસેડી.

ક્રોધ અને દર્દ બંને એકસાથે જાગ્યા હતા. વિશ્વા ચીસ પાડતી હતી. સંપતરાય એકાએક ઢળી પડ્યા. મુખમાંથી રક્તસ્રાવ થવા લાગ્યો. વિશ્વા સાથે માલિની પણ ચીસ પાડી. બસ એ ક્રિયા માંડ એકબે મિનિટ ચાલી. મુસીબત આવે ત્યારે મન અને તન અસ્વસ્થ બની જાય. માલિનીની એવી દશા હતી. પતિની અવગણનાએ તેને નિર્માલ્ય બનાવી હતી. કેદાર તથા કુસુમ તેનાં નબળાં મનને મજબૂત બનાવતાં હતાં, મનમાં પૂર્વગ્રહો જગાડતાં હતાં.

તેમ છતાં પણ એ ક્ષણે તે ઢીલી બની ગઈ હતી. બસ થોડી ક્ષણોની રમત હતી. સંપતરાયની જિંદગી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. તરફડાટ શમી ગયો. ચહેરા પરના ભાવો પળમાં ભૂંસાઈ ગયા. એક ચેતન જડ બની ગયું. ડૉક્ટર આવ્યા. નાડી હાથમાં લીધી પણ કશું પ્રાણતત્ત્વ બચ્યું નહોતું. શું થયું એકાએક ? તેના મનમાં આ પ્રશ્ન ઘુમરાતો હતો. સવારે જ મળ્યા હતા, બીજી બીમારી સિવાયની વાતો પણ કરી હતી.

શશિકાન્તની પણ આ જ સ્થિતિ હતી. માન્યામાં ન આવે તેવું બન્યું હતું. તેને શંકા પણ જાગી હતી કે કાંઈક વિખવાદ તો નહિ જાગ્યો હોય ને પતિ-પત્ની વચ્ચે.

સુજાતા આવી. વળગી પડી પિતાના નિષ્પ્રાણ દેહને. ખૂબ રડી સુજાતા.

વિશ્વાને પિતાના મૃત્યનો બનાવ યાદ હતો. એ સમયે તે અબૂઝ હતી. તોપણ એટલો ખ્યાલ તો આવ્યો જ હતો કે તેના પિતા પુનઃ જીવંત થવાના નહોતા, તેની સાથે વાતો કરવાના નહોતા.

આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. અકલ્પનીય બનાવ હતો. સુજાતાના મનમાં પણ શશિકાન્ત જેવી જ આશંકા હતી. તે કશું બોલી નહોતી. શશિકાન્તભાઈએ સૌને સંભાળ્યા હતા. છૂટકો જ નહોતો.

વિશ્વાની સુજાતા માટેની ચીડ ક્રમશઃ તિરસ્કારમાં પલટાવા લાગી. તેને કુસુમની વાત સાચી લાગતી હતી. માલિનીએ પણ એવી જ વાતો કહી હતી.

એક નાનો તણખો ભવિષ્યમાં દાવાનળ બનવાનો હતો.

*

૧૧

સંપતરાયના મૃત્યુની આમ તો અનેક અસરો થઈ, પરંતુ સૌથી વિશેષ એ બન્યું કે સુજાતા સાવ એકાકી બની ગઈ. તેની તો જાણે પાંખો જ કપાઈ ગઈ હોય એમ લાગ્યું.

તબિયત સુધરતી જતી હતી ત્યારે જ અચાનક ચાલ્યા ગયા. વળી એ દિવસે જ સુજાતા તેમને છોડીને કામકાજ અર્થે બહાર ગઈ. એ સમયે તને થોડી કલ્પના હતી કે તેના સુખનો સૂર્ય થોડા કલાકોમાં અસ્ત થવાનો હતો.

જે આઘાત લાગ્યો એ અશક્ય હતો. આમ તો આઘાતોની ક્યાં નવાઈ હતી ? પરંપરા જ શરૂ થઈ હતી. તે વારંવાર વિચારતી હતી કે ગેરહાજરીમાં જરૂર એવું કશું બન્યું હશે જેથી બાપુએ પ્રાણ ખોયા હશે. આ વાત તે ક્યારેય જાણી શકવાની નહોતી કારણ કે એ સમયે ઘરમાં નવી મા અને કુસુમ બંને હતાં. કદાચ વિશ્વા પણ હશે પણ એ કોઈના મુખમાંથી સત્ય બહાર પડે એ અશક્ય હતું. નવી મા તો સૌને એમ જ કહેતાં હતાં :

‘કેટલી નિરાંતે તેમણે મારી સાથે વાતો કરી ! સાવ સ્વસ્થ હતા. વિશ્વાને વહાલ કરતા હતા. બસ અચાનક જ !’

સુજાતા આવી વાતને સ્વીકારી શકતી નહોતી.

‘ના... જરૂર કશું બન્યું હશે...!’

તેને માલિની પર રજમાત્ર વિશ્વાસ નહોતો. મૃત્યુનું કારણ પણ એ જ હતી ને ? ભલા ઉદાર બાપુએ પેલું દૃશ્ય જોયું અને ભાંગી પડ્યા ફરશ પર.

ઓહ ! કેવું હતું એ ? નવી મા તો... કેટલી નિર્લજ્જતા !

સુજાતા વિચારમાત્રથી પ્રસ્વેદથી રેબઝેબ થઈ જતી હતી. નવી માને આ ગમતું હશે ? અને પેલો નફ્ફટ પુરુષ કેવો ઝંખવાઈ ગયો હતો ?

સુજાતા મનોમન હિજરાતી હતી. આ કાંઈ પહેલી વાર તો નહિ જ હોય. તેને શંકા તો જન્મી હતી પણ પૂરી સમજ પણ ક્યાં હતી ? મધ્યરાત્રિએ માલિનીના શયનખંડ પાસે કોઈ પગરવ... તેણે અનેક વેળા સાંભળ્યો હતો. કેદારનો સ્વર પણ ઓળખાતો હતો. તેની ઊંઘ ઊડી જતી. કલ્પનાઓ અને મૂંઝવણો વચ્ચે પડખાં ફેરવ્યા કરતી.

પણ આ તો સાવ આંખ સામે જ...! તેને બેવડો આઘાત લાગ્યો હતો. પિતાની સ્થિતિથી મન તરત જ બીજી દિશામાં ધકેલાયું હતું. તેણે એક ચીસ પાડી હતી.

પરંતુ મૃત્યુ સમયે તે ચીસ પાડી શકી નહોતી. તેનો અવાજ કંઠમાં થીજી ગયો હતો.

‘પલ્લવી... હું કેમ જીવી શકીશ ?’ તે સખી પાસે હૃદય ખોલતી હતી. ‘સરસ વાતો કરી ? અરે, વસિયતનામું પણ લખાવ્યું.’

સુજાતા યાદ કરીને દુઃખ અનુભવતી હતી.

પલ્લવી સાંત્વના આપતી હતી. તે લાચાર હતી. લાચારીનાં વર્તુળો વિસ્તરી રહ્યાં હતાં.

માલિની પર ખાસ અસર થઈ નહોતી. તેણે તો માન્યું હશે કે તેનું એક બંધન દૂર થયું. રોકટોક કરવાવાળું કોઈ રહ્યું નહિ. તે સાવ સ્વસ્થ હતો. શ્વેત સાડી પરિધઆન કરી હતી પણ ચહેરા પર પતંગિયાં ઊડતાં હતાં.

‘શું કરું... માસી ? આ દુઃખનો પાર નથી. ત્રણે સંતાનો પાલવવાનાં છે. કેવા પ્રેમાળ છે ? મને તો ફૂલની જેમ સાચવી છે. બસ... અચાનક જ...’

તે ત્વરાથી આંસુ વહાવી શકતી, સહાનુભૂતિ મેળવી શકતી અને બીજી જ ક્ષણે એક બેશરમ સ્ત્રી બની જતી. કેદાર સામે નજર મેળવીને હસી પડતી, જાણે એમ ન પૂછતી હોય કે બંદીનો અભિનય કેવો રહ્યો !

સુજાતાના ખ્યાલ બહાર આ કશુંય નહોતું. શું કરે ? બસ, સમસમીને બેસી રહેતી. તેના ખંડમાં ભરાઈ જતી.

કેદાર પણ સાથ પુરાવતો.

‘માલુ... એ છોકરીએ ઠીક ન કર્યું. તેણે સંપતરાયને ત્યાં સુધી દોરી લાવવાની જરૂર નહોતી. શું ફાયદો થયો ? બાપુ ગુમાવી બેઠી. બિચારા, ઉમદા માણસ હતા.’

વેણની કઠોરતાની પૂર્તિ કરતી હોય તેમ માલિની મંદ મંદ હસ્યા કરતી.

‘દોષ તો તારો હતો કેદાર.’ તે ધીમેથી ટપકું મૂકતી.

‘હા, સૌને મારો દોષ જ લાગશે. પોતાનો તો દેખાશે જ નહિ. આટઆટલાં વર્ષોથી ખેંચી રાખ્યો છે, એ કોનો દોષ ?’

કેદારની વાત સાંભળીને માલિની લજ્જાનો અભિનય કરતી. જાણે કોઈ મુગ્ધા ન હોય ! પતિનું દુઃખ તો ઝાકળની માફક ઊડી ગયું હતું અથવા એમ કહો કે તેને દુઃખ લાગ્યું જ નહોતું.

સુજાતાનો પ્રશ્ન યોગ્ય હતો. આ વાતાવરણ તે કેવી રીતે સહી શકે ? તેને વારંવાર થયા કરતું હતું કે તે આ સ્થળ છોડીને ક્યાંય ચાલી જાય એવાં સ્થળે કે જ્યાં ક્યાંય આ લોકોના પડછાયા સુધ્ધાં ન હોય.

તેને શશિકાન્તભાઈ યાદ આવ્યા. શું તેઓ મને અહીંથી દૂર લઈ જઈ શકે ? અરે ક્યાંય હૉસ્ટેલમાં રહેવા પણ તે તૈયાર હતી.

કુસુમ તેના હાવભાવ પર દેખરેખ રાખતી હતી. વિશ્વા તો તેની પાસે ઢૂંકતી પણ નહોતી.

એક નબળી ક્ષણે તો તેને આત્મહત્યાનો વિચાર પણ સ્પર્શી ગયો.... પલ્લવી... બાપુ સાથે... હું કેમ ન મૃત્યુ પામી ?

પલ્લવી પણ તેની સમવયસ્કા હતી. તે ડહાપણવાળી હતી. આ છોકરીના દુઃખે તે દુઃખી હતી. તેણે તેના સીમિત અનુભવને કામે લગાડ્યો. કોઈ પણ ભોગે સુજાતાને ટકાવી રાખવાની હતી. તેણે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું :

‘સુજાતા, તું ખોટી ચિંતા કરે છે. ઈશ્વર દયાળુ છે. તે એક દ્વાર બંધ કરે છે, તો બીજું ખોલે છે. તારા જેવી સરસ છોકરીને એ શા માટે દુઃખી કરે ? મને તો આશાનું કિરણ દેખાય છે !’

સુજાતા આશ્ચર્યથી તેને જોઈ રહી.

આ અંધકારમાં વળી આશાનું કિરણ ક્યાંથી જન્મવાનું હતું ?

‘મારા પર વિશ્વાસ રાખ, બેન !’

પલ્લવી કરગરતી હોય એ રીતે સખીને સંભાળતી હતી. જોકે તેને ક્યાં શ્રદ્ધા હતી જે તે કહી રહી હતી એ વાત પર !

બસ આ સમય સચવાઈ જાય એટલો જ હેતુ હતો. આખરે તો દુઃખ તેણે જ સહેવાનું હતું. તેનો માર્ગ તેણે ખુદ જ શોધવાનો હતો.

એ રાતે તો તેને એવો વિચાર પણ આવ્યો હતો કે તે કેદારને ઘરે પિતાને ન લઈ ગઈ હોત તો કેટલું સારું હોય ! આ કશું જ ન બન્યું હોત !

બધું જ યથાવત્‌ ચાલતું હોત પણ કશું બનવું કે ન બનવું એ ક્યાં કોઈના હાથની વાત હતી ?

સુજાતા માટે એક નવીન સવાર કશી નવીનતા વગર જ ઊગી હતી. માલિની અને કેદાર એકાંત ખૂણામાં ધીમેથી વાતો કરી રહ્યા હતા. સુજાતા સુધી અવાજ પહોંચતો નહોતો. જોકે સુજાતા તો તરત જ તેના ખંડમાં સરકી ગઈ હતી.

‘ક્યાંથી આવવાનું હતું આશાનું કિરણ ?’ વાતાવરણ તો બગડતુંજતું હતું.

‘કેદાર... એ છોકરીને છેડવાની જરૂર નથી. કાંઈક કરી બેસશે તો બદનામી મળશે, માંડ માંડ સાચવી લઉં છું આ એક ઘટનાને. હવે બીજી માટે ગુંજાશ નથી.’

માલિનીએ કેદારને સ્પષ્ટ રીતે સમજાવી દીધો. કેદારે પણ કશો વિરોધ ન કર્યો. તેણે કુસુમને કાંઈક સૂચના આપી.

‘આવો ને, સુજાતાબેન... મમ્મી બોલાવે છે. તમે અહીં એકલા હો એ તેમને થોડું સારું લાગે ? તમને યાદ કરીને તેઓ રડ્યાં કરે છે. આવોને...!’

કુસુમના અવાજમાં ભીનાશ હતી. તે કશો વિચાર કરે ત્યાં જ શશીભાઈ આવી પહોંચ્યા. સાથે વકીલ હતા. તે બોલ્યા : ‘કેમ બેટા, સુજાતા. ઠીક છે ને તને ? તારું દુઃખ હું બરાબર સમજું છું. પણ બેટા... આપણે મનને ઘડવું પડશે, મને મનાવવું પડશે. ઈશ્વરની ઇચ્છાઓ આપણને ક્યારેય સમજાવાની નથી. તું સ્વસ્થ થવા પ્રયત્ન કરજે. હું વસિયતનામાની વિધિ માટે આવ્યો છું. દુઃખ વચ્ચે પણ અમુક કામો તો આટોપવાં જ પડે !’

‘હા, અંકલ હું કોશિશ કરું છું.’ તે બોલી.

‘શાબાશ, બેટા... સંપતની ડાહી દીકરી છું ને !’

તે ગયા. કહેતા ગયા કે પછી તેને મળશે. સુજાતાને સારું લાગ્યું. તેને વસિયતમાં રજમાત્ર રસ નહોતો. તેણે દ્વારમાંથી જોયું એ દિશામાં.

‘ભાઈ... અનાથ થઈ ગયા છીએ અમે તો. તમે અમારો ખ્યાલ રાખતાં રહેજો. કશી સૂઝ પણ નથી પડતી. વકીલસાહેબ પણ આવ્યા છે ?’

માલિનીના અવાજમાં આર્દ્રતા ટપકતી હતી. સુજાતા જાણતી હતી કે એ અભિનય જ હતો.

મિલકતમાં માલિનીને પુષ્કળ રસ હતો. તે એ માટે જ સંપતરાયને પરણી હતી. તેના ઇરાદા વિશે તે સ્પષ્ટ હતી. કેદાર બારણા પાછળ હતો. તેનો જીવ પણ વસિયતમાં હતો. તેની પાછળ જ અડીને કુસુમ ઊભી હતી.

સુજાતાને ચીતરી ચડતી હતી. સંપતરાયના હત્યારા તેમની સંપત્તિ માટે શ્વાનની માફક લાળ ટપકાવતા હતા.

‘સુજાતા... આવને બેટા...’ શશીભાઈનો સાદ સંભળાયો. કુસુમ તેડી જવા પણ આવી.

‘આવો ને બેન... વકીલસાહેબ આવ્યા છે. મમ્મી બોલાવે છે !’ પણ તે ન જ ગઈ.

એ ખંડમાં સન્નાટો વ્યાપી ગયો હતો. શશીભાઈ અને વકીલસાહેબ શું કહેતા હતા.

માલિની અધ્ધર જીવે સાંભળી રહી હતી. કેદાર કુસુમને કાનમાં કશું કહેતા હતા.

આ પ્રક્રિયા લગભગ એકાદ કલાક ચાલી. સુજાતાના કાને શબ્દો અથડાતા હતા. તેને થોડી સમય પડતી હતી. તેને બાપુ યાદ આવી જતા હતા.

સંપતરાયની બિનહયાતીનું આ સૌથી મોટું પ્રમાણ હતું. તેમનું વસિયતનામું વંચાતું હતું.

છેક છેલ્લે તેને માલિનીના શબ્દો સંભળાયા.

‘શશીભાઈ... તમારા ભાઈબંધે સારું કર્યું. મને આ જંજાળમાંથી મુક્ત રાખી.’

તે આટલું કહતાં રડી પડી હતી.

‘ભાભી... સંપતે તમને આ બધું સોંપ્યું હોત તો મને ગમત.’ શશીભાઈ વિવેક દર્શાવતા બોલ્યા. કેદારની મુખમુદ્રા બદલાઈ ગઈ હતી.

સંપતરાયે તેમની તમામ સંપત્તિ સુજાતાને નામે લખી હતી. શશીભાઈને એડમિનિસ્ટ્રેટર બનાવ્યા હતા. સુજાતાને વિશ્વા તથા અક્ષયની જવાબદારી સોંપી હતી.

તેનાં લગ્ન સમયે સુજાતા ઇચ્છે તો તેની સંપત્તિનો અમુક હિસ્સો વિશ્વા, અક્ષય અને માલિનીને આપી શકે એવી પાકી જોગવાઈ કરી હતી, પણ આ બધું જ સુજાતાની ઇચ્છા પર નિર્ભર કરતું હતું. આમ સંપતરાયે મરતાં મરતાં માલિનીને તેનાં દુષ્કૃત્યોનો બદલો વાળ્યો હતો.

માલિની ભીતરમાં ભાંગી પડી હતી. તેણે સાવ આવું બનશે એ નહોતું ધાર્યું. ઓહ ! એ છેલ્લે બનેલા ભીષણ બનાવે તેને રસ્તાની ભીખારણ બનાવી દીધી હતી.

માલિની હવે એક અણગમતી છોકરીની આશ્રિત હતી. કેવી વિચિત્રતા હતી ? તેને કારમો આઘાત લાગ્યો હતો. થોડી ક્ષણોમાં જ તેણે બાજી સંભાળી લીધી. કેદાર સ્તબ્ધ થઈ ગયો હતો પણ તે તરત સ્વસ્થ બની ગઈ.

‘ભાઈ... તેમણે વિચાર કરીને જ કર્યું હશે ને. અને એમાં જ સૌનું કલ્યાણ હશે. ખૂબ જ વિચક્ષણ હતા તમારા ભાઈ. હવે તો સુજાતાએ જ તેનાં નાનાં ભાઈ-બહેનને સંભાળવાનાં છે ને. સુજાતા પાસે એટલું ડહાપણ છે. હું તો ભૂતકાળ છું, એ જ ભવિષ્ય છે. શશીભાઈ બરાબર જ છે !’

માલિનીએ આ વાતનું રટણ ચાલુ જ રાખ્યું. શશીભાઈ તો માલિનીની સરળતા પર ખુશ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે આ સ્ત્રીને કદાચ સંપત પૂરેપૂરી સમજી પણ નહિ શક્યો હોય. રૂપ અને ગુણનો આવો સંગમ ભાગ્યે જ શક્ય હોય.

શશીભાઈએ જતાં જતાં સુજાતાને પણ મળી લીધું. વસિયત વિશે થોડી સમજ આપી પણ સુજાતાને ખાસ રસ ન પડ્યો.

‘અંકલ... તમે છો... એટલે મને શાંતિ. બાકી તો મને કશામાં રસ નથી પડતો.’

‘બેટા... દુઃખનું ઓસડ દહાડા... સંસારનો નિયમ છે.’

શશીભાઈએ તેના મસ્તક પર પ્રેમાળ હાથ મૂક્યો. સુજાતાને હળવાશનો અનુભવ થયો. તે ભાવવશ બની ગઈ.

‘સુજાતા... માલિનીભાભી ખૂબ જ માયાળુ સ્વભાવવાળા છે. તું આટલી ડાહી છે. મને લાગે છે કે બધું બરાબર ગોઠવાઈ જશે. વાસંતીભાભીની વિદાય વખતે તારા બાપુએ પણ મનોમંથન અનુભવ્યું હતું. ભારે હૈયે અમુક નિર્ણયો લેવા પડ્યા હતા. બેટા દરેકે જીવવું જ પડે છે !’

શશીભાઈ આશ્વાસન આપીને ગયા.

ત્યાં માલિની તેની પાસે આવી. તેનું મુખ પડી ગયું હતું. ‘બેટા... સુજાતા, તારું દુઃખ હું જાણું છું. તું ભાંગી પડીશ તો કોઈ નહિ બચે. મારામાં ઘણી ન્યૂનતાઓ છે. બેટા, તારા બાપુએ મને માફ કરી હતી. ઉદારદિલ હતા એ તો, દયાના અવતાર હતા. મારી ચંચળતા બદલ તેમણે મને માફ કરી હતી.’

તે રડી હતી હતી. સુજાતાને વળગી પડી હતી.

સુજાતા અવઢવમાં પડી હતી. શું હશે ? આ સત્ય હશે ?

‘બેટા... તને લાગતું હશે કે માલિની મગરના આંસુ સારી રહી છે. આમાં તારો દોષ નથી. મેં આવી કેટલીય ભૂલો કરી છે. મારી ચંચળતા, અલ્પમતિ, દુર્બુદ્ધિ, બીજું શું ? મને સાચા દિલથી પશ્ચાત્તાપ થાય છે બેટા !’

કાચી વય હતી સુજાતાની. તેને માલિનીના પરિવર્તનથી વિસ્મય થયું હતું. આટલું મોટુ ંપરિવર્તન ? હજુ થોડા સમય પહેલાં તો તે એક પ્રશ્નાર્થ બનીને તેના ચિત્તને અકળાવી રહી હતી.

પલ્લવી જે આશાના કિરણ વિશે કહી રહી હતી એ આ જ હોવું જોઈએ. તેની અશ્રદ્ધા ઓગળવા લાગી. બની શકે. ઈશ્વરની દયા હોય તો આ શક્ય બને. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી હતી એમ તેને લાગ્યું.

આ આંસું કાંઈ ખોટાં નહોતાં. મન તો ચંચળ જ હોય.

‘બેટા... મારે હવે તારો જ આધાર છે.’ તે દૃઢતાથી સુજાતાને વળગી પડી. સુજાતા કાંઈ કાળમીંઢ પથ્થર નહોતી જ. વળી સરળ અને નિષ્કપટ હતી.

‘મમ્મી... આપણે સાથે જ છીએ.’ બોલતી તે પણ માલિનીને ભેટી પડી.

કુસુમ માટે મોટું આશ્ચર્ય હતું. કેદારના મુખભાવો પરથી તેને એટલો તો ખ્યાલ આવ્યો હતો કે વસિયતની વાત ફાયદામાં તો નહોતી અને માલકણનું પરિવર્તન એ જાણ્યા પછીનું હતું.

‘મમ્મી... તમે મૂંઝાશો નહિ. તમારાથી ભૂલ થઈ ગઈ અને બાપુએ માફ પણ કરી દીધા. બસ... હવે બાપુના આદર્શો પર આપણે ચાલવાનું છે.’

સુજાતાની આ છેલ્લી વાત સાંભળીને માલિની કોચવાઈ ગઈ.

‘હા...બેટા... આપણે એમ જ ચાલીશું. કેટલા મહાન હતા... એ ?’ તેણે અભિનય દ્વારા મનોભાવને ઢાંકી રાખ્યા, પણ મન તો ખળભળી ઊઠ્યું.

‘ઓહ ! આ છોકરી એ નથી ભૂલી. ભારે ચાલાક છે. અને મારે તેની સાથે જ પનારો પડ્યો છે. ભાગ્ય પણ કેવાં છે ? આટલા સમય સુધી એ પુરુષને સંભાળી શકી પણ આ છેલ્લે... ભૂલ થઈ ગઈષ ગંભીર ભૂલ થઈ ગઈ. ઠીક છે, મારે સાવધ બનીને ચાલવું પડશે.’

તેણે મનોમન વિચારી લીધું. હવે કળથી કામ લેવાનું હતું.

‘સુજાતા... હવે તું જ મારી શક્તિ. મને માર્ગ બતાવજે.’ તે છટાથી બોલી. અભિનયપટુતાની એ પરાકાષ્ઠા હતી.

ખંડ બહાર ઊભેલા કેદાર માટે આ પરીક્ષાની ક્ષણો હતી. તે માલિની સાથે આ આખી વાત ચર્ચવા માગતો હતો. કશો માર્ગ શોધવા માગતો હતો. તેને માલિનીની રમત સમજાતી જતી હતી. સુજાતાએ કેદાર તથા માલિનીના પ્રસંગનો ઉલ્લેખ કર્યો ત્યારે તે ચમક્યો હતો.

તેને લાગ્યું કે હવે અહીં રહેવામાં કશો સાર નહોતો. કુસુમને સંકેત કરીને તે સરકી ગયો.

બીજો ઉપાય પણ શો હતો ? વસિયતની વિગતો જાણ્યા પછી તે નિરાશ થઈ ગયો હતો. સંપત્તિ જેનાં માલિની સ્વપ્નાં જોયા કરતી હતી, અરે એ માટે તો કેદારનો ભોગ લેતાં પણ તે અચકાતી નહોતી, એ વિના માલિની કેવી રીતે જિંદગી ગુજારવાની હતી ?

કેદારની લોલુપ દૃષ્ટિ તો માલિની અને સંપત્તિ બંને પર હતી. તેને એ બંનેને અધિકારક્ષેત્રમાં લેવા હતા. સુજાતાની ક્યાંય વ્યવસ્થા કરીને અથવા એમ જ તથા માલિની, વિશ્વા તથા અક્ષય લઈને ચાલી જવાના હતા.

કોઈ નબળી ક્ષણે માલિની તેની એ રમતમાં આવી ગઈ હતી, પણ બનાવો એવા બન્યા હતા કે આ હવે શક્ય નહોતું. ઐશ્વર્ય વિનાનું રૂપનું તેને કામ ન હતું.

માલિની સ્વીકાર્ય હતી પરંતુ સાથે સંપત્તિ પણ અધિક સ્વીકાર્ય હતી. તેનો પત્તાંનો મહેલ અચાનક જમીનદોસ્ત થઈ ગયો. હવે નવી યોજના માટે માલિની સાથે એકાંતમાં મળવું જરૂરી હતું. માલિની જે રીતે સુજાતાને વળગીને પશ્ચાત્તાપ કરી રહી હતી એથી તેને શંકા પણ જન્મી હતી.

આ પશ્ચાત્તાપ સાચો તો નહિ હોય ને ? ભલું પૂછવું સ્ત્રીનં. એક સમયે તે પોતાના પ્રેમમાં હતી, ગળાડૂબ પ્રેમમાં હતી, પરંતુ તેમ છતાં પણ તેને સમજાવી-પટાવીને પેલા પૈસાદાર બુઢ્ઢાનું ઘર સજાવવા ચાલી ગઈ હતી.

માલિની સાથે આટલો પરિચય હોવા છતાં કેદારને મન તો હજુ રહસ્યમય જ હતી.

‘ના, તેને સૌ પ્રથમ સંભાળવી પડશે. રસિક તો છે જ પણ સાથે ભાવુક પણ છે. અને પછી એ છોકરીને હાથમાં રાખવી પડશે. તેને નાખુશ તો નહિ જ કરાય. આ વર્તન હવે નહિ જ ચાલે. પેલા શશીભાઈ ભલે ભોળા દેખાય પણ એ વિચક્ષણ તો છે જ. આ વસિયત પાછળ એ મોશાય જ.’

કેદારના મનમાં શું શું કરવું એનો નક્શો દોરાવા લાગ્યો. અને શું શું ન કરવું એ પણ સ્પષ્ટ થઈ ગયું.

તેણે વિચારી લીધું કે એ ઘરમાં તેની અવરજવર શક્ય નહોતી. તેની હાજરીથી વાત બગડવાની હતી.

તેણે એમ જ કર્યું. કુસુમ સાથે સંદેશો પાઠવીને તેણે માલિનીને બોલાવી. માલિનીની વિહ્‌વળતા તેણે વાંચી લીધી. તેને શાંતી થઈ. ના, હજુ પ્રેયસી સલામત હતી, તેના પક્ષે હતી.

‘કેદાર... આ શોકનાં વસ્ત્રોમાં તારી પાસે આવવાની ઇચ્છા નહોતી પણ મન તને મળવા આતુર હતું. જોને શું ધાર્યું હતું ને શું થઈ ગયું ?’

માલિની રડી પડી. કેદારના બધા જ સંશયો ભસ્મ થઈ ગયા. તેને પારાવાર આનંદ થયો. ચાલો... માળખું તો સલામત છે, ઈમારત ચણી શકાશે.

*

૧૨

સુજાતાને કેદાર માટે ભારોભાર નફરત હતી. તેને બધું જ યાદ હતું. તે કશો પ્રતિકાર કરી શકતી નહોતી. એ ખરું, પણ તે એવી વ્યક્તિને માફ કરવા પણ નહોતી માગતી.

માલિનીના રુદનથી તે ક્ષણિક લાગણીભીની થઈ ગઈ. જો પિતાએ તેમને ક્ષમા આપી હોય તો પછી તેણે કશું કરવાનું રહેતું નહોતું એમ તેને લાગ્યું હતું, પણ કેદારનો પડછાયો પણ ઘરમાં ન જોઈએ, એ તેણે નક્કી કરી નાખ્યું. તે એ વિશે નવી માને કશું કહે એ પહેલાં તો માલિનીએ જ તેમને સૂચના આપી હશે તેમ લાગ્યું કારણ કે કેદારની રવાનગી થઈ ગઈ હતી. સુજાતા હળવાશ અનુભવી રહી. એ સાંજે તે ખુદ શશી અંકલને મળવા આવી. અંકલ ખુશ ખુશ થઈ ગયા. તેમને સુજાતાનું આગમન ગમ્યું.

અંકલ-આન્ટી બન્ને એકાકી હતાં, નિઃસતાન હતાં.

‘બેટી... તું અહીં જ રહી જાને.’ આન્ટીએ આગ્રહ કર્યો હતો. તેમના ચહેરા પર માણસની ભૂખ વંચાતી હતી.

‘આન્ટી... આવતી રહીશ.’ તેણે વચન આપ્યું હતું.

શશીભાઈએ તેને વસિયતની સમજ આપી હતી. ‘સુજાતા સંપતે માત્ર તને જ તેની અઢળક સંપત્તિની વારસદાર બનાવી છે. છેલ્લા દિવસોમાં તેનું મન ખૂબ દુભાયું હતું. જે થયું એ સારું જ થયું છે. ભાભીની ચંચળતાના કોણ જાણે કેવાયં પરિણામ આવત !’

‘હા..અંકલ... બાપુએ યોગ્ય કર્યું છે. મને કેદાર અંકલ દીઠાય ગમતા નથી. જોકે હવે સમજીને જ ચાલ્યા ગયા છે.’

સુજાતાની વાત સાંભળીને શશીભાઈ હરખાઈ ગયા. વાહ, સરસ વાત કરી સુજાતાએ. કુદરતી રીતે જ જવાબદારી વહન કરવાની શક્તિ આવી જતી હોય છે એમ તેને લાગ્યું.

‘સરસ... બેટા... આપણે સાથએ મળીને બધું સભાળીશું. તું હવે ક્યાં નાની છે ? કાલ સવારે...’

તેમણે સુજાતાને યોગ્ય રીતે બિરદાવી.

આન્ટીએ સાથે ફરીને આખો ફ્લૅટ દેખાડ્યો. વિશાળ ફ્લૅટ હતો. દરેક ખંડ અતીતના વૈભવની ચાડી ખાતો હતો. આ બે વ્યક્તિઓ માટે તો આવડો વિશાળ ફ્લૅટ પીડાસમાન બની રહે. આ ગાઢી એકલતા તો ભીંસી જ નાખે ! એમ જ હતું. એનું ભાન સુજાતાને થયું. દીવાલ પર એક મોટી તસવીર હતી. ચંદનનો હાર લગાડાયેલો હતો. નીચે લખ્યું હતું સ્વ. સુનીલ... મૃત્યુ તારીખ પણ લખી હતી.

બસ, આ જ હતું આ વેદનાનું કારણ.

પિતાના મૃત્યુનું દુઃખ તાજું હતું. તેને આ દંપતીની વેદના સમજાઈ. ‘આન્ટી, હું જરૂર આવીશ.’ તેણે ભાવવશ બનીને વિદાય લીધી. તેને મૃત માતા પણ યાદ હતી. તે એ માતા વિના પણ આવડી મોટી થઈ હતી. પિતા વિના પણ આગળ જીવવાની હતી, આ દંપતીની માફક કોઈ પણ સંજોગોમાં જીવન જીવવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ હતો, તેને બળ મળી ગયું.

તેણે એ બધી વાતો પલ્લવીને કહી.

‘વાહ સરસ થયું. તું તો અલી રાતોરાત માલદાર બની ગઈ. ચાલો... એ સારું થયું. હવે તને કોઈ સતાવશે નહિ. અંકલે સરસ કર્યું. હવે તું પેલા કેદારને પગ મૂકવા પણ ન દેતી. બસ, રુઆબથી રહેજે. તારા નામના સિક્કા પડશે. હું નહોતી કહેતી કે...’

પલ્લવી આનંદથી ઉછળી ઊઠી. સખીને ભેટી પડી.

‘હા... પલ્લુ... તારું વચન સાચું પડ્યું.’ તે ભાવવિભોર થઈ ગઈ.

‘જો સુજાતા.. હવે ખ્યાલ રાખજે. એક એક પગલું વિચાર કરીને ભરજે. ધિક્કાર તો જોઈ શકાય છે પણ પ્રેમના મહોરા નીચેનો ધિક્કાર ઓળખી શકાતો નથી.’

‘પલ્લવી... હું ક્યાં એકલી છું ? શશીકાકા છે, પ્રેમાળ આન્ટી છે, તારા જેવી વિચક્ષણ સખી છે.’

બંને હસી પડ્યાં. પિતાના મૃત્યુના આઘાત પછી કદાચ પ્રથમ વાર જ આમ હળવાશ અનુભવતી હતી.

માલિનીનું પરિવર્તન જોઈ શકાતું હતું. એ અભિનય તો નહોતો જ. સુજાતા સાથેનો વહેવાર આત્મીય બની ગયો હતો. કોઈ ગૂંચ આવે તો તરત જ કહેતી : ‘બેટા.. તને ઠીક પડે તેમ કર. નહિ તો શશીભાઈને પૂછી જો. હું જરા મંદિરે જઈ આવું. એ વાતાવરણમાં મનનો અજંપ જરા ઓગળે છે.’

તે ક્યારેક બહાર જતી પણ ખરી. સુજાતાને તેની દયા આવી જતી. નવી ભૂમિકામાં આ સ્ત્રી કેવી દુર્બળ બની ગઈ હતી ! જો તને પરિણામનો ખ્યાલ હોત તો આવી ભૂલ થાત ખરી ? જોકે નવી મા પશ્ચાત્તાપ અનુભવતા હતા. તેમને ક્યારેય શાંતિ મળશે પણ ખરી કારણ કે પિતાએ તેમને ક્ષમા આપી જ હતી, પરંતુ દુષ્કૃત્યની સજા તો ભીતરમાં જ ભોગવાતી હોય છે.

સુજાતા આમ માનતી હતી પણ વસ્તુસ્થિતિ તો જુદી જ હતી. માલિની માટે કેદાર જ ઈશ્વર હતો, તેનું નિવાસસ્થાન જ મંદિર હતું અને તેના સાન્નિધ્યમાં જ શાંતિ હતી.

‘કેદાર... મને તારું સામીપ્ય શાંતિ આપે છે. તારી તરસ જ્યારે અશક્ય બને છે ત્યારે દોડી આવું છું !’

તે એ પુરુષને સમર્પિત થઈ જતી. કેદાર હસી પડતો, ‘તારી દરેક રઝળપાટનો અંત અહીં જ છે, મારા સાન્નિધ્યમાં માલુ... તું મારા માટે જ નિર્માયેલી છે. કર્મવશાત્‌ તારે અહીં તહીં ભટકવું પડે છે પણ અંતે અહીં જ આવવું પડે છે. માલું, તું નિશ્ચિંત રહેજે. હું તને ક્યારેય તજીશ નહિ. એ વ્યક્તિએ જવું પડ્યું એ ઈશ્વરની ઇચ્છા હશે. માલુ... આ પાપ નથી, ઈશ્વરની ઇચ્છા છે.’

કેદારમાં અપરંપાર માત્રામાં ધીરજ હતી. એ તેનું પ્રભાવક બળ હતું. તેના એક એક શબ્દ માલિનીને નજીક ખેંચતા હતા.

‘માલુ... ભૂલી જા બધું. એ છોકરી... પેલો તારો પતિ...!’

‘હા... કેદાર... હું તારા વિના સાવ નિરાધાર છું.’ માલિનીની વિવશતા અંતિમ બિંદુએ પહોંચી જતી.

કેદાર તરત જ વાતની દિશા બદલી નાખતો.

‘અરે, માલુ... તું આ શ્વેત સાડીમાં પણ કેવી શોભે છે ! અશોકા છે. શોક ભૂલી જા, માલુ છે આનંદસ્વરૂપા છે. આવ તું...!’

મદારીની બીન પર સાપ નાચે એમ જ માલિનીનું થયું. પચી તો સાચે જ અભિસારિકા બની જતી.

‘માલુ... જિંદગીની દરેક ક્ષણ માણવા માટે છે. હા... તું એક વાતનો ખ્યાલ રાખજે. સુજાતા સાથે તારો અભિનય ચાલુ જ રાખજે, પેલા ભદ્ર પુરુષને તો છળવા સહેલા છે. સાચે જ સજ્જન છે એ શશીભાઈ. બસ... તારું કામ ચાલ્યું જશે, હમણાં તો સુજાતાનાં લગ્ન સુધી તો જાળવવું જ પડશે. તેનાં લગ્ન વિશે પણ મેં વિચારી રાખ્યું છે. તું એક કામ કરજે, માલુ... વિશ્વાને બરાબર તૈયાર કરજે. તે સુજાતાથી પ્રભાવિત ન થઈ જાય. એ જોજે.’

માલિની એક એક શબ્દ શાંતિથી સાંભળી રહી હતી. એક નવી દિશા ઊઘડી હતી. તેણે તો તરત જ અમલ શરૂ કર્યો. ‘સુજાતા... બેટા, મને કેટલી શાંતિ આપે છે તું. હું ધન્યતા અનુભવું છું. મને વિશ્વાની ચિંતા થાય છે. કેવો રમતિયાળ સ્વભાવ છે તેનો ! તું તેને શિખામણ આપજે. તે તારું વચન માનશે.’

માલિનીએ યુક્તિ વિચારી રાખી હતી.

‘મમ્મી... વિશ્વા તો હજુ નાની છએ અને આ વયે તો આવું હોય. તમે ખોટી ચિંતા કરો છો.’

સુજાતાએ યોગ્ય જવાબ આપ્યો. તેને વિશ્વામાં કશી ખામી ન લાગી. આ વયે ગંભીર બનીને વળી શું કરવાનું હતું ? તે નિયમિત તેની પાસે ગણિતના દાખલાઓ શીખતી હતી. ક્યારેક અટપટા સવાલ પણ પૂછી બેસતી હતી.

એક વાર વિશ્વાએ પૂછ્યું હતું : ‘બેન, તમને કેદાર અંકલ ગમે ?’

સુજાતા ચમકી હતી. ઓહ ! આ વાત વિશ્વાના કુમળા મનમાં પણ ઘુમરાતી હતી. સુજાતાને નવાઈ નહોતી લાગી.

આ વયે તેને પણ આવા પ્રશ્નો અકળાવતા હતા.

‘ના વિશ્વા.’ તેણે જવાપ વાળ્યો હતો.

‘બેન... મને પણ નથી ગમતાં.’ વિશ્વાએ ત્વરાથી જવાબ વાળ્યો હતો.

‘બેન... કુસુમ તથા કેદાર અંકલ... શું કરે છે, ખબર છે ?’ તેણે અચકાયા વગર જે જોયું હતું એ વર્ણવ્યું હતું. સુજાતાની નજર સમક્ષ નવી મા તથા કેદારનું દૃશ્ય તાદૃશ થયું હતું.

‘વિશ્વા... એ માણસ ખૂબ જ ખરાબ છે.’ તે હોઠ ભીંસીને બોલી હતી. ચહેરો લાલ લાલ થઈ ગયો હતો.

વિશ્વા સડક થઈ ગઈ હતી.

સુજાતાને યાદ આવ્યું. વિશ્વાએ કદાચ આવી વાત નવી મા સાથે પણ કરી હશે, અને એથી જ તે આમ કહેતા હશે... તેણે અનુમાન કર્યું. જો એમ જ હોય તો વિશ્વાનો કશો દોષ ન ગણાય. તેણે નવી મા સામે દૃષ્ટિ માંડી, તેમના મનોભાવો વાંચવા. ના એવું તો કશું લાગ્યું નહિ. માલિની સાવ સરળ ભાવે કહેતી હોય તેમ લાગ્યું :

‘મમ્મી... હું તેને સમજાવીશ.’ તેણે સહજ ભાવે ઉત્તર વાળ્યો.

‘સુજાતા... મેં એ છોકરી હવે તને સોંપી. જરૂર જણાય તો સજા કરતાં પણ અચકાતી નહિ.’

સુજાતાને ખાસ કશું સમજાયું નહિ. ક્ષણિક ઊભરો માનીને તેણે વાતને સમેટી લીધી.

પછીનું કાર્ય કુસુમે સંભાળ્યું.

‘વિશ્વાબેન... તમને મોટીબેનમાં ફેરફાર ન લાગ્યો ? જ્યારથી તે આખી સંપત્તિના માલિક બન્યા છે ત્યારથી સ્વભાવ બદલાઈ ગયો છે.’ કુસુમે વિશ્વા સાથે એકાંતમાં વાત માંડી. ‘ના રે ના, એવું તો કશું નથી. તું તો કેદાર અંકલમાં રચીપચી રહે છે. તને આવી વાતની શી ખબર પડે ?’

વિશ્વાની વાતથી કુસુમે આંચકો અનુભવ્યો પણ હાર સ્વીકારી નહિ.

‘વિશ્વાબેન, શું મમ્મી પણ ખોટાં હોય ? ભારે પાકાં છે સુજાતાબેન. ગમે તેમ કરીને માલિક થઈ બેઠાં આખી સંપત્તિના. મમ્મીજી શું મોટાં નથી ? આ તેમનું અપમાન ન ગણાય ?’

વિશ્વા વિચારમાં તો પડી ગઈ. કાંઈ તથ્ય તો હતું એની વાતમાં. ‘તારે શી પંચાત ? હું મમ્મી સાથે વાત કરી લઈશ...!’ વિશ્વાએ જવાબ તો વાળ્યો પણ વિષનું વાવેતર તો થઈ ગયું હતું. એ પછી તો માલિની ચિત્રમાં આવી હતી.

‘હા...બેટા... મને તો સમજ નહોતી પડતી પણ તારા કેદાર અંકલે સમજ પાડી. આપણે તો ખરેખર આશ્રિત થઈ ગયા તારી સુજાતાબેનના. તે ધારે તો આપણે સાવ નિરાધાર થઈ જઈએ. તેની ઇચ્છા મુજબ જ જીવવાનું છે હવે.’ અને તે આંસુ વહાવવા લાગી.

‘વિશ્વા... અક્ષય તો બાળક છે. દિલની વાતો તો તારી સાથે જ કરી શકું. હા, કેદાર કાયમ મદદમાં આવે છે, એ સુજાતાએ કાન ભંભેરીને તારા બાપુને આપણાથી વિમુખ કરી નાખ્યા. ઉપર ઉપરથી સારી રીતે વર્તે છે પણ બેટા એ ધીમું ઝેર છે. ધીમે ધીમે પ્રસરે છે. મને રસ્તાની ભિખારણ બનાવીને જ જંપશે !’

તીર નિશાન પર જ લાગ્યું હતું.

વિશ્વાની વય કાચી હતી. ઝેરના વાવેતરની અસર ખૂબ ઝડપથી થઈ ગઈ. સુજાતાના દરેક વર્તનમાં તેને પેલો પૂર્વગ્રહ જણાવા લાગ્યો. સુજાતા તો સાવ અસાવધ હતી, આ પરિસ્થિતિથી. તે શશીભાઈને મળવા બીજી વાર પણ જઈ આવી. શશીભાઈ તો નહોતા, આન્ટીને ખૂબ સારું લાગ્યું.

‘આન્ટી... અંકલ નથી ?’ તેણે પ્રશ્ન કર્યો.

‘કેમ.. બેટા... આન્ટી સાથે સગપણ નથી ?’ આન્ટી મીઠાશથી બોલ્યાં. સુજાતા જરા શરમાણી. તેણે વાત વાળી લીધી.

‘ના... આન્ટી... આ તો પૂછી લીધું. બાકી તમે તો છો જ ને !’

થોડી ઔપચારિક વાતો થઈ.

‘કેમ છે તને હવે ? હળવી થઈ કે નહિ ? અમનેય દુઃખ થયું હતું જ્યારે અમારો સુનીલ...’ આન્ટીનો કંઠ રુંધાયો હતો.

‘ભાંગી પડ્યા હતા અમે બંને, બસ જીવીએ છીએ એકબીજાને સંભાળીએ છીએ.’

સુજાતાની આંખ ભીની થઈ ગઈ. તેણે આગલી મુલાકાતમાં સુનીલનો મોટો ફોટોગ્રાફ જોયો હતો. એ ચહેરો બારીકાઈથી જોઈ શકી નહોતી. થોડી રેખાઓ યાદ હતી, પણ એનું દુઃખ તે સાવ નજીકથી જોઈ રહી હતી.

‘કેટલીય માનતા માનીને પામી હતી પણ ભાગ્યમાં એ સુખ હશે જ નહિ. એટલે જ આમ બને ને. એક હાથે આપ્યો બીજે હાથે...’ આન્ટી અટક્યાં. તેમને ખુદને લાગ્યું કે ખોટો વિષય છેડી બેઠા હતા. આ છોકરીને માંડ કળ વળી હતી એમાં આ અંગત વિષાદ ક્યાં ઉમેર્યો ? પરિતાપ પણ થયો.

‘અરે... હા સુજાતા... તારે મારું એક કામ કરવાનું છે. તારા કાકા તો નથી. સારું થયું તું મોકે આવી ગઈ...!’

આન્ટીની વાતોનું સુકાન બદલાયું એ સારું થયું. સુજાતાએ રાહત અનુભવી હતી.

‘બોલો.. આન્ટી... આઈ એમ રેડી...’ તે હળવી થઈને બોલી.

‘બેટા... સાંજે વત્સલ આવે છે...’

‘વત્સલ...!’ સુજાતાથી અકારણ બોલાઈ ગયું.

‘હા...બેટા... મારો દૂરનો ભાણેજ છે. સવારે જ કાગળ આવ્યો. ટ્રેનમાં આવે છે. સમય પણ ફોન પર પૂછી લીધો. બરાબર છ ને પાંચ મિનિટે, પ્લેટફોર્મ નંબર...’

આન્ટી ફટોફટ વિગત બોલી ગયા. પછી પૂછી બેઠા :

‘સુજાતા... તું એ છોકરાને રીસીવ કરવા જઈશ...?’

સુજાતા નખશિખ ચમકી હતી. તેના જીવનમાં આવું કામ ક્યારેય આવ્યું નહોતું. માલિની, વિશ્વા, બાપુ, શાંતા, કુસુમ એ તેનો સંસાર હતો. અક્ષય સાથે ક્યારેક રમત કરી લેતી હતી. એક ખલપુરુષને તે જાણતી હતી, એ હતો કેદાર. શશી અંકલ અને આન્ટી જેવી પ્રેમાળ વ્યક્તિઓ પણ પરિચયમાં આવી હતી, પણ આ...છોકરો ? શું નામ... તેનું ? વત્સલ, હા એ જ...! સુજાતા સ્પંદન અનુભવવા માંડી. કેવો હશે આ છોકરો ? તે અવઢવમાં પડી ગઈ હતી.

શું કરવું ? છટકી શકાય તેમ તો હતું જ નહિ.

‘અરે... હું તો ભૂલી ગઈ. તું એ વત્સલને ઓળખશે ક્યાંથી ?

એસ સેવનમાં છે, સોહામણો... કાંઈક ઊંચો... કાંઈક મધ્યમ બાંધાનો... અરે... તારા જેવો જ લગભગ...’

આન્ટીએ વત્સલનું યાદ હતું એવું વર્ણન કર્યું. એ વર્ણને તેનામાં એક કુતૂહલ જગાવ્યું હતું.

‘સુજાતા... એ છોકરો અહીં જ ભણવાનો છે. થોડું વસ્તી જેવું થશે, બોલવા ચાલવાનું. બાકી એ છોકરો ખાસ બોલકો નથી.’

આન્ટીએ તો તેનાં લક્ષણો પણ ગાઈ બતાવ્યાં.

સુજાતા હસી પડી.

‘હવે તો એ મહાશયને જોવા જ પડશે.’ તે કૂદી પડી હતી. તેને આ નામ વિચિત્ર લાગ્યું હતું. એક કુતૂહલ જાગ્યું હતું તેને મળવાનું. એક યુવાન છોકરાને આ રીતે મળવાનો પહેલો અવસર હતો. ભીતરમાં તે એક પારેવાની માફક ફફડતી હતી.

ઘરની ગાડીમાં જ જવાનું હતું એટલે થોડી નિરાંત હતી. પ્લેટફોર્મ પર પહોંચી ત્યાં સુધી મન રવધોળ થતું હતું. તેણે સતત મનને સાંત્વન આપ્યા કર્યું : અરે, આટલા ગભરાટનો શો અર્થ હતો ? એ છોકરો પણ માણસ જેવો માણસ જ હશે ને ! તે પણ તેને જોઈને ગભરાટ અનુભવશે. ટીકી ટીકીને રિસીવ કરવા આવેલી છોકરીને જોયા કરશે. આન્ટી કહે છે કે એ બહુ બોલકો નથી, પણ કોને ખબર એ મને જોઈને બોલકો પણ થઈ જશે. મુકં કરોતિ વાચાલમ્‌...

સુજાતા મનોમન હરખાઈ. બેફિકરાઈથી આસપાસનાં દૃશ્યોને નજરમાં ઝીલવા લાગી. પ્રચંડ ભીડ હતી. તે ખુશ થઈ કે તેને ક્યાંય જવાનું નહોતું. તેને આવનાર મહેમાનની પણ ચિંતા નહોતી. અરે, એ તો આવશે ત્યારે ઓળખી શકાશે. આન્ટીએ ઠીક ઠીક નિશાનીઓ આપી હતી. અજાણ્યા ચહેરા પરનો ગભરાટ તો તે વાંચી શકે તેમ હતી.

આન્ટીએ ઉમેર્યું હતું કે તે પહેલી વાર જ આ શહેરમાં આવી રહ્યો હતો. એટલે મહાશય પૂરેપૂરા ગભરાતા હશે. તેણે વિચારી રાખ્યું હતું કે તે અવશ્ય એ મહાશયને ઓળખી લેખે. થોડો સમય એ વત્સલને તરસતો રાખશે અને પછી જ પ્રગટ થશે. પ્લેટફોર્મ જીવંત થઈ ગયું. સુજાતા તંદ્રામાંથી જાગી હતી. એસ વન-ટુ-થ્રી-ફોર... બધા કમ્પાર્ટમેન્ટ્‌ એક પછી એક સરકી રહ્યા હતા.

સુજાતાને એક અજાણ્યો કંપ સ્પર્શી ગયો. જાણે કોઈ પરીક્ષાની ઘડી આવી પહોંચી ન હોય તેમ તે ક્ષુબ્ધ થઈ ગઈ. એસ સેવન કમ્પાર્ટમેન્ટ તેની નજર સમક્ષ સ્થિર થયો. બંને તરફનાં બારણાં પર માનવધસારો થતો હતો. જોકે આ રિઝર્વેશનવાળા કૉચ હતા, છતાં માનવ પ્રવૃત્તિઓમાં એવો જ ઝંઝવાટ હતો.

સુજાતા બન્ને બારણાં વચ્ચે દૃષ્ટિ ઝુલાવતી એક સ્થળે ઊભી હતી. તેના પગ અકારણ થીજી ગયા હતા. જાતને આપેલી બધી જ શિખામણો એ સમયે નિરર્થક બની ગઈ. તેની દૃષ્ટિ ઘડિયાળના લોલકની માફક ઘૂમતી હતી. આન્ટીએ કહેલા ગુણધર્મો ફરી એક વાર યાદ કરી ગઈ.

ક્યાંથી ઓળખવા અને ખોળવા એ મહાશયને ? તેને ઘણા ચહેરાઓમાં વત્સલ દેખાતો હતો.

અચાનક કોઈ અવાજે તેને જગાડી. કોઈ તેને પાછળથી પૂછી રહ્યું હતું : તમને આન્ટીએ જ મોકલ્યા છે ?

તેણે જોયું. ચોંકી અને હસી પડી.

‘ઓહ ! તમે તો અહીં જ છો. તમે જ વત્સલ...?’ સુજાતા શ્વાસભેર બોલી ગઈ. હા, આન્ટીએ કહ્યા મુજબ જ હતો એ છોકરો. સોહામણો... ઊંચો... મધ્યમ બાંધાનો... તેને જરા રમતિયાળ પણ લાગ્યો.

‘હા... હું જ વત્સલ... સારું થયું મેં તમને શોધી કાઢ્યા. નહિ તો તમે અનંતકાળ સુધી મારી રાહ જોયા કરત...!’

‘અનંતકાળ નહિ... બસ... પાંચ જ મિનિટ... તમે ન મળ્યા હોત તો... હું મારા રસ્તે પડત... તમે તમારા...’

સુજાતાએ આવડ્યો એવો ઉત્તર વાળી દીધો.

‘આપણે બંને આન્ટીના ઘરે તો ભેગા થઈ જ જાત.’

વત્સલનો અવાજ પહાડી હતો. તે જે પ્રદેશમાંથી આવી રહ્યો હતો... એનો રણકો હતો.

‘ચાલો... હજુ પુલ પણ ઓળંગવો પડશે.’ તે ચિંતાથી બોલી.

‘મારા જેવા અજાણ્યા માણસ માટે આટલી તકલીફ ઉઠાવનારી સન્નારીનું નામ જાણી શકું ?’

‘જુઓ... આ જવાબદારી આન્ટીએ સોંપી છે. હું તેમના વતી જ આ કષ્ટ ઉઠાવી રહી છું. એમાં અજાણ્યા માણસે ઉપકારવશ થવાની જરૂર નથી.’

સુજાતાને ખુદને નવાઈ લાગતી હતી કે તે આવું આવું કેવી રીતે બોલી શકતી હતી. તે હસી પડી અને વત્સલ પણ.

‘આખરે નામમાં શું છે ? હું તમને... સ્વીટી જ કહીશ...’

વાત કાપતાં તે બોલી, ‘ફોઈબા બનવાની જરૂર નથી. તમે મને સુજાતા કહી શકો છો.’

‘ભારે અઘરા છો, તમે તો. ચાલો, આન્ટીએ આ કામ સરસ કર્યું. તમારી સાથે જામશે.’ તે ઉત્સાહથી બોલ્યો.

સુજાતા ક્યાં જાણતી હતી કે આ વત્સલ સાથે જ તે પરણવાની હતી. અને તેની જ હત્યા...!

*

૧૩

એ સમયે સુજાતાની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. તેને હાલતાં, ચાલતાં, સૂતાં, બેસતાં વત્સલ જ યાદ આવતો હતો. યૌવનમાં પગ મૂકતાં જ તેને વત્સલ મળ્યો હતો. એ અંતર્મુખી છોકરો પણ બોલકો થઈ ગયો હતો. તેને પણ જાણે પાંખો ઊગી હતી. ઑટોમોબાઈલનો કોર્સ કરી રહ્યો હતો. અભ્યાસમાં ખૂબ ગંભીર હતો. તે તેની સ્થિતિથી પૂરો પરિચિત હતો. દૂરનાં સગાંને ત્યાં આશ્રય મેળવી શક્યો હતો એ જ મોટી વાત હતી, અને આન્ટી ખૂબ સારા સ્વભાવના હતા. શશીભાઈ તો પ્રવૃત્તિઓમાં જ ગળાડૂબ હોય. તેમને આ આગંતુક સાથે બહુ લેવાદેવા નહોતી. ‘ચાલો... તમને કંપની મળશે.’

તેમણે આમ કહીને તેમની લાગણી વ્યક્ત કરી હતી. તેમને ખાસ્સી રાહત થઈ હતી અને તેમણે આને આશીર્વાદ ગણીને બહારની પ્રવૃત્તિ પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

આન્ટીએ જોયું કે વત્સલના આગમન પછી પેલી છોકરીના આંટાફેરા વધી ગયા હતા. તે વિચારમાં પડી ગયા. આમાં કશું શુભ બનવાનું હશે કે અશુભ ? તેમનો આનંદ તો વધતો હતો, એકલતા તૂટતી હતી. પછી શા માટે અવળું વિચારવું ? હા... બન્ને કાચી વયનાં પાત્રો હતાં એટલે સાવધાન તો રહેવું જ. બાકી... આ સૌભાગ્ય કાંઈ રોળી તો ના જ નખાય. કેટલા વર્ષે આ મકાનમાંથી ભીષણ એકલતાને દૂર કરી શકાઈ હતી !

‘આવ... બેટા... તું અહીં આવે છે, એ મને કેટલું ગમે છે એનો ખ્યાલ કદાચ નહિ આવે. પેલો તો કૉલેજમાં ગયો છે. બેટી સાવ અનાથ છોકરો છે. બસ અહીં બોલાવી જ લીધો. એક વ્યક્તિનું જીવન સુધારવું એ પુણ્યનું કામ ગણાય કે નહિ, એ હું નથી જાણતી. પરંતુ મને આ કાર્યથી જ સંતોષ મળે છે એ અમૂલ્ય છે. તારા મુખ પર હાસ્ય જોઉં છું ત્યારે પણ મને અપાર આનંદ ઊપજે છે.’

આન્ટીએ આટલું કહેતાં કહેતાં મૃત પુત્રના ફોટોગ્રાફ પર એક નજર પાથરી હતી, એ સુજાતાની નજર બહાર નહોતું. તેને આન્ટી પર કરુણા જન્મતી. સાથેસાથ પેલા અનાથ છોકરા માટે પણ સમભાવ પેદા થતો.

અરે, વત્સલ અનાથ હતો તો તે ક્યાં અનાથ નહોતી ? બન્ને એક નાવના પ્રવાસી જ હતા. અનેક અભાવો વચ્ચે જીવતા સુજાતા ખરેખર તો લાગણીની ભૂખી હતી. સતત અવગણનાએ તેના હૃદયને આળું બનાવી દીધું હતું. બસ, એક પલ્લવી હતી તેને સંભાળનાર, સાંત્વના આપનાર. પણ હવે એ ખોટ પૂરી થતી હતી. તેને શશીઅંકલ અને પ્રેમાળ આન્ટી મળ્યાં હતાં અને એમાં કશું અપૂર્ણ લાગતું હોય તો આ અજાણ્યો વત્સલ આવ્યો હતો. આનંદનું, ચેતનાનું વર્તુળ વિસ્તરતું હતું.

આમ તો સુજાતા કૉલેજમાં પગ મૂકી ચૂકી હતી. એક નવા વાતાવરણે તેનામાં તાજગી પ્રેરી હતી. વત્સલે પણ તેના પગમાં થનગનાટ ભર્યો હતો. તેમ છતાં પણ જન્મજાત નિર્બળતા એમ કાંઈ અસર મૂકે ?

તેનો મૂળભૂત સ્વભાવ લગભગ યતાવત્‌ જ રહ્યો. તે તેની આસપાસ એક કિલ્લો રચીને બેઠી હતી, એ અકબંધ જ હતો. તેને એકલતા સદી ગઈ હતી, એ પણ તેનો આનંદ હતો. એક પલ્લવી પાસે જ તે મીણની માફક ઓગળી જતી હતી. બાકી અન્ય કોઈ સાથે તે મળતી, ભળતી પરંતુ અધખુલ્લા હૈયાથી જ.

માલિની સાથેનો વહેવાર માત્ર ઔપચારિક હતો. માલિની તેને ખૂબ સારી રીતે બોલાવતી હતી. બે ક્ષણ એ સારું લાગતું હતું, પણ તરત જ સાવધ બની જતી હતી.

માલિની આના અનેક અર્થો કરતી હતી, ‘ભારે અભિમાની થઈ ગઈ છે. ચરણો પાસે હતી અને અચાનક સિંહાસન ઉપર આવી ગઈ છે. આટલી નમ્રતાથી બોલાવું છું પણ તેને મન આ કશું જ નથી. શું થાય ? આ તો નસીબના ખેલ છે. એ હયાત હતા ત્યારે કઈ સ્થિતિ હતી ? બસ... એક જ ભૂલે.. આ અવદશા કરી !’

તે કાંઈ આંસુ સારીને સદાકાળ બેસી રહે તેવી સ્ત્રી તો નહોતી જ. તેનું ચિત્ત સતત કાર્યશીલ હતું. ફળદ્રુપ હતું. તે આમ હિંમત હારે તેવી નહોતી.

કેટલીક વાર તો કલ્પનાશક્તિમાં કેદાર જેવા કેદારને પણ ચિત્ત કરી લેતી હતી. એ વાતનું તેને આત્મગૌરવ હતું. તે એ વાતની ખાસ કાળજી રાખતી હતી કે કેદાર અમુક હદમાં જ રહે અને તેની પક્કડ તેના પર રહે.

માલિની કેદારને પણ ક્યાં છોડતી હતી !

‘કેદાર... આખરે આ તારી ભૂલનું પરિણામ ભોગવીએ છીએ. દ્વાર આમ ખુલ્લું રાખીને પ્રિયા સાથે રમત ન કરાય.’

‘હા માલુ... તારા રૂપે જ મને અધીરો બનાવ્યો ન હોત તો આ દુર્ઘટના ન બનત !’

તે નતમસ્તકે કબૂલાત કરી લેતો, છોભીલો પણ પડી જતો. એ અણગમતું દૃશ્ય નજર સમક્ષ ખડું થઈ જતું.

‘શું વળ્યું તારી આવી કબૂલાતથી ? સંપત્તિ પરથી હાથ ધોઈ નાખવા પડ્યા ને ?’

પડેલાને વધુ નીચે પાડવામાં પણ તેનો છૂપો આનંદ આવતો હતો.

‘માલુ... કાંઈક માર્ગ તો અવશ્ય મળશે જ, મને શ્રદ્ધા છે.’

‘હા... મળવો જ જોઈએ,’ પછી સહેજ હસીને તે ઉમેરતી.

‘એ માર્ગ મને મળે કે તને એ પ્રશ્ન છે. જોકે તને મળશે એ બાબતમાં મને શંકા છે કારણ કે...’

તે હસી જ પડતી કેદારને આઘાત લાગે તેવું.

‘કારણ...’ કેદારનું ચિત્ત અકળાવા લાગતું. અજબ હતી આ સ્ત્રી !

‘કારણ કે તારું ચિત્ત મારામાં છે, માત્ર મારામાં. તને તો તારું લક્ષ્ય મળી ગયું છે વગર બોલાવે, પણ હું મંદિરે જવાનું કારણ બતાવીને અહીં આવી જાઉં છું તારી સેવામાં. તારી તૃપ્તિ થાય છે પણ મારી ઇચ્છાઓનું શું ?’

માલિનીની વાતો સાંભળીને કેદાર સંકોચ અનુભવવા લાગતો. હા ખરી છે આ સ્ત્રી. પોતે ખરેખર તેની માયામાં... લપટાયો હતો, અને તેનું લક્ષ્ય તો દૂર હડસેલાઈ ગયું હતું !

‘ના, માલુ.. કશું વિસ્મૃત નથી થયું. જો એમ હોય તો હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી...’

માલુએ તેને રોક્યો, મોહક રીતે હસી પડી.

‘ના, ના... એવો ત્યાગ કરવાની જરૂર નથી. કેદાર... મારાથી જ તારો વિરહ સહી ન શખાય અને તારી તરસ જોઈ ન શકાય. ચાલ, બધું ભૂલીને મારામાં ખોવાઈ જા. કદાચ આ તૃપ્તિ જ આપણને મારગ બતાવશે.’

માલિનીના પરિવર્તનથી કેદાર મૂઢ જેવો થઈ ગયો. એ પ્રવાહમાં તણાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

કેદારને લાગ્યું કે તે કાંઈક કરે.

પણ આમાં તો કશો માર્ગ બચ્યો નહોતો.

‘માલુ... એ છોકરી સાથે તો બરાબર...’

‘હા, કેદાર... તેની સાથે તો સગી દીકરી વિશ્વા કરતાં પણ સારું વર્તન દાખવું છું. આ બાબતમાં તો...’

‘મને તારી હોશિયારી પર અભિમાન છે... માલુ... તેને હાથ પરથી જવા દેવાય તેમ નથી, પેલા શશીમોશાય શું કરે છે ?’

‘એ પણ મારા પર આફરીન છે,’ માલિનીએ ઉત્સાહથી જવાબ વાળ્યો હતો, કેદાર હસ્યો હતો.

‘અરે, તારા પર આફરીન ન થાય એ માણસ જ ન ગણાય.’ કેદારે હળવાશથી કહ્યું હતું. ‘તું મોહિની છે મોહિની, બે સંતાનની માતા છતાં પણ તું કેવી...’

‘બસ બસ રહેવા દે, તું આટલી પ્રશંસા નહિ કરે તોપણ... હું તને પ્રસન્ન કરીશ જ.’

કેદારના બે ખંડના ક્વાટરની દીવાલો પર મોહિનીનું હાસ્ય ક્યાંય સુધી ઉછળ્યું હતું.

‘કયું ચિત્ર હાથ પર છે ?’ મોહિનીએ વાતોને સમેટી હતી.

‘એક પણ નહિ, એ દિવસે અપૂર્ણ રહેલું તારું ચિત્ર યથાવત્‌ છે, અને એ પછી કોઈ ચિત્ર હાથ પર લઈ શકતો નથી.’

કેદારે તેની લાચારીને શબ્દોમાં ઢાળી હતી.

‘એ પણ થશે જ. મારે હજુ અનેક મંદિરોની મુલાકાત લેવાની છે. તું તારી તૈયારીમાં રહેજે, મને કોઈ કાર્ય અપૂર્ણ મૂકવાની આદત નથી.’ મોહિનીની મક્કમતાએ કેદારને વિચલિત કરી નાખ્યો હતો.

‘ઓહ ! અજબ સ્ત્રી !’ તેનાથી પુનઃ ઉચ્ચારાઈ ગયું હતું.

બે દિવસ પછી તો તે ચિત્ર માટે સીટિંગ આપવા લાગી હતી. ‘કેદાર... હમણાં નિયમિત સમય આપી શકાશે ? કુસુમને ઘર સોંપીને આવી છું. ત્રણેય સ્કૂલ-કૉલેજમાં રોકાયા છે. આ સમયનો આપણે યથેચ્છ ઉપયોગ કરી શકીશું.’

માલિનીના ચહેરા પર આનંદની છોળ નીતરી રહી હતી. કોણ કહે કે આ સ્ત્રી તાજેતરમાં પતિ ગુમાવી બેઠી હતી, વિધવા હતી ? હજુ યૌવના જેવી જ તાજગી તેની કાયામાં અનુભવાતી હતી. તે ક્યારેક અભિસારિકા બની જતી હતી, તો ક્યારેક રિસાળુ મુગ્ધા ! કેદારને લાગ્યું કે આ સ્ત્રીના સંગાથમાં સુખ હતું. તેના પર જોહુકમી ચલાવવાનો વિચાર સુધ્ધાં પણ કરી શકાતો નહોતો. કુસુમ તેના વશમાં હતી. સંપૂર્ણ વશમાં હતી જ્યારે તે આ સ્ત્રી પાસે સાવ રાંક બની જતો હતો. તે સ્વાર્પણ કરતી હતી પણ એમ નહોતું કળાવા દેતી કે તે એમ કરી રહી હોય ! તે ડરી રહી હોય તોપણ એ મીઠું લાગતું. કયું બળ હતું માલિનીમાં ?

કેદારે અણગમતાં મને પીંછીઓની આળસ ખંખેરી હતી, રંગોની તાસક પુનઃ હાથમાં લીધી હતી.

‘માલુ... યાદ છે તને એ પોઝ...’

કેદારે એટલું કહ્યું ને તે એક મિનિટ સ્થિર ઊભી રહી, કશું દૂર દૂરનું જોતી ન હોય એ રીતે. કેદારે માન્યું કે તેને પેલો કમનસીબ પ્રસંગ યાદ આવી ગયો હશે અને તે સાવ ક્ષુબ્ધ બની જશે, પણ એમ ન બન્યું. તે તરત જ રજેરજ યાદ કરીને એ પોઝમાં ગોઠવાઈ જ ગઈ.

કેદાર હેરત પામી ગયો. આ ચંચળ નારીની આટલી સ્થિરતા ? ‘બરાબર ને, કેદાર...? હવે જે ઠીક પડે તેમ મને સૂચન કર, હું લગભગ બરાબર જ છું, મને એ પોઝ યાદ જ છે.’

માલિની આબેહૂબ એ જ રીતે ગોઠવાઈ ગઈ. કેદારને પૂર્વવત્‌ થતાં સમય લાગ્યો હતો, હાથ જરા કંપ્યો હતો.

બસ... એ પછી તેનામાં પણ કલાકાર પ્રવેશ્યો હતો. ઠીક ઠીક પ્રગતિ થઈ એ દિવસે.

લગભગ આઠેક દિવસ થયા એ ચિત્ર પૂર્ણ થતાં. માલિની તો ઓતપ્રોત થઈ ગઈ હતી. સહેજ પણ વિચલિત થતી નહોતી. કેદાર પણ લીન થઈ ગયો. કૅન્વાસ પર એક અદ્‌ભુત ચિત્ર આકારાઈ ગયું.

‘વાહ... કેદાર.. ફેન્ટાસ્ટીક...’ માલિની પ્રસન્ન બની ગઈ હતી. તે બીજી જ પળે કેદારને ભેટી પડી.

‘અરે, માલુ... રંગ લાગી જશે તને. કેવો ભર્યો છું હું ?’ પરંતુ માલિનીએ કશી પરવા જ નહોતી કરી. તેને કદાચ એ રીતે રગદોળાવું ગમ્યું હતું. તે બાહુપાશમાં ક્યાંય સુધી રહી. કેદાર પણ ભાવવિભોર હતો.

‘કેદાર... એમ થાય છે કે તને લઈને ક્યાંક દૂર ચાલી જાઉં... મુગ્ધ વયની કિશોરી બની જાઉં. બસ.. એ દિવસો પાછા મળે -’ તે જાણે કે જાત સાથે વાત કરતી હતી.

‘કેદાર... એમ જ થયું હોત જો મને સંપત્તિની ભૂખ પણ વળગી ન હોત !’ તે તરત જ અળગી થઈ ગઈ હતી.

‘હું હમણાં તો નહિ આવું..’ તે વિદાય વેળાએ બોલી હતી. કેદારને આ સ્ત્રી પર કરુણા ઉપજતી હતી. તે સુખને પામવા હવાતિયાં મારતી હતી પણ એ દૂર દૂર સરકતું જતું હતું. તે માલિનીના ચિત્રને મુગ્ધ બનીને જોઈ રહ્યો. તૂટક તૂટક બન્યું હોવા છતાં પણ એ સંપૂર્ણ બન્યું હતું. જીવંત બન્યું હતું. તેને એકાએક લાગ્યું હતું કે આ તેના હાથની કરામત તો હતી જ, પણ માલિનીની પોતાની ઇચ્છાશક્તિનું પણ પરિણામ હતું.

હવે તેણે એક જ કાર્ય કરવાનું બાકી રહેતું હતું. બસ એક જ. માલિનીની ઇચ્છાની પૂર્તિ. તેના સ્વપ્નની સિદ્ધિ ! તે સંપત્તિની ભૂખી હતી. એ તો તે છેક કિશોરી હતી ત્યારથી હતી. તે એ સ્વપ્ન જાણતો હતો. તે એ ખાતર જ સંપતરાયને પરણી હતી.

કેદાર કામ પર લાગી ગયો. સાવ સ્પષ્ટ માર્ગ હતો. બસ... સુજાતાને તે પરણી જાય ત્યાં સુધી પ્રસન્ન રાખવી. એ તો માલિની કરી રહી હતી. તે પરણે પછી તે તેની ઇચ્છાથી અરધી સંપત્તિ રાજીખુશીથી માલિનીને આપે એ જરૂરી હતું. પૂર્ણ પર તો અધિકાર જમાવી શકાય તેમ નહોતું. એક અશક્ય વાત બની ગઈ હતી, અને એ માટે જાણે અજાણે તે ખુદ જવાબદાર હતો.

અચાનક તેને એક વિચાર સ્પર્શી ગયો. અરે, આટલી નાની વાત પણ તેના મગજમં કેમ ન આવી શકી ! આ છોકરીને એવા છોકરા સાથે પરણાવવી જે વાસ્તવમાં આપણો જ માણસ હોય, આપણા ઇશારે જ ચાલતો હોય. એ શરતે જ તેને આ રમતમાં સામેલ કરવો કે તે આપણી જ રમત રમે.

તે નાચી ઊઠ્યો. કુસુમ તેની પાસે જ હતી.

‘શું કરે છે, કેદાર ? તું હવે તરંગી બનતો જાય છે.’ કેદાર ખૂબ જ પ્રસન્ન હતો. તેણે ભળતો ઉત્તર આપ્યો : ‘હા... બન્ને સ્ત્રીઓએ મારી આ અવદશા કરી છે.’

‘એ માટે તું જવાબદાર છે, કેદાર. ખરેખર તો તારે એકની પસંદગી કરી લેવી જોઈએ. આ તો દુઃખનો રસ્તો છે. યાદ રાખ એ રૂપાળી સ્ત્રી તને સુખી નહિ કરે પણ તને નિચોવી લેશે.’ કુસુમ ચીડમાં બોલી હતી. આ તબક્કે તેને કુસુમની પણ જરૂર હતી.

‘ક્યારેક અભિનય પણ કરવો પડે છે, કુસુન. માત્ર તારી પાસે જ હું નિખાલસ હોઉં છું, બાકી તો, જિંદગીનું નામ જ લાચારી...’

તે દીનભાવે બોલ્યો હતો, કુસુમ ફરી છેતરાવાની જ હતી. સહસા તેની દૃષ્ટિ માલિનીના ચિત્ર પર પડી.

‘આ ક્યારે દોર્યું કેદાર ? આ તો અધૂરું પડ્યું હતું સાવ બિનવારસી ચીજની માફક.’

કેદારના સહવાસમાં કુસુમની ભાષા પણ સુધરી હતી. તે ખાસ ભણી નહોતી. કેદારના જૂના પાડોશમાં જ રહેતી હતી. તેની વિશ્વાસપાત્ર જ નહોતી, તેની ભક્ત હતી. તેણે જ તેને માલિનીની તહેનાતમાં મૂકી હતી.

ઝૂંપડપટ્ટચી જેવા ઘરમાંથી એકદમ જાહોજલાલીમાં પહોંચી ગઈ હતી. એ સમયે તો સાવ અણઘડ જેવી હતી પણ હવે તો એ હીરા પર પહેલ પડી ગયા હતા. પૂરી ચબરાક થઈ ગઈ હતી માલિની તથા કેદારની સોબતમાં.

કેદાર તથા માલકણના સુંવાળા સંબંધોથી પાકી માહિતગાર હતી. તેને એનો કશો છોછ પણ નહોતો કરાણ કે કેદાર તેને પણ ખુશ કરતો હતો.

ક્યારેક ક્યારેક તો આ વાત ઉખેળીને તેના પ્રિય પાત્રને ચીડવી લેતી હતી.

‘હા એ પણ થઈ ગયું. તારે કરાવવું છે એવું જ ચિત્ર ?’ કેદાર સાવ સહજભાવે બોલ્યો.

‘ના... કેદાર... મારે આ અભદ્ર છબી નથી ચિતરાવવી, દુનિયા સામે જાત ખુલ્લી કરવાનું કામ મારું નહિ.’

કેદારને લાગ્યું કે એનો રોષ સહજ રીતે શમે તેમ નહોતો, કશુંક હતું તેના ચિત્તમાં.

‘બોલને શું છે તારા મનમાં. આ ચિત્ર તો માત્ર આ ખંડની શોભા માટે જ છે. તારું ચિત્ર પણ મારી નયનતૃપ્તિ માટે જ હશે. આ કાંઈ જાહેર પ્રદર્શન માટે નથી. તું તૈયાર હો તો તારું ચિત્ર પણ આથી સુંદર બને.’

‘તારે શું જોઈએ ? બસ સ્ત્રી... માલિની હોય કે પછી કુસુમ. અરે... પેલી સુજાતા હોય તોપણ તું પાણી પાણી થઈ જાય. મારે આવું કશું ફિતૂર નથી કરવું. તું ચિતર્યા કર એ વિધવાનાં આવાં ચિત્રો.’

‘ના કુસુમ... તું ભૂલ કરે છે. અનેક લાલચો છતાં કલકત્તામાં મારા નિવાસ દરમિયાન હું ચલ્યો નહોતો. ત્યાં તો મારી કળા પર અનેક સુંદરીઓ ન્યોછાવર થવા તલપાપડ હતી. બહુ ભલા અને નમ્ર થઈએ પછી કાંઈ કિંમત ન રહે.’ કેદાર આટલું કહીને ચૂપ થઈ ગયો, ઉદાસ બની ગયો.

કુસુમે કેદારના શબ્દોમાં રહેલી સત્યતા પારખી લીધી. તે લાગણીવશ થઈ બોલી :

‘કેદાર... અત્યાર સુધી મેં તારી એક આજ્ઞા ઉથાપી નથી. મેં મારી બુદ્ધિનાં દ્વાર બંધ કરીને તેં તથા માલકણે કહ્યા મુજબ એ અનાથ છોકરીને સતાવી, તિરસ્કારી. મને હવે લાગે છે કે એ કાંઈ સારું કામ તો નહોતું જ. શો અપરાધ હતો સુજાતાનો ? તું તથા એ બેવફા સ્ત્રી ખોટાં કાર્ય કરો, અચાનક પકડાઓ - એમાં એ છોકરીનો શો દોષ ? કેદાર... તમારાં બન્નેનાં પાપોમાં હું ભાગીદાર બની, મને પશ્ચાત્તાપ થાય છે.’

કેદાર ભારે હૈયે કુસુમને સાંભળી રહ્યો.

ઓહ ! કેવી વિચિત્ર વાતો કરી રહી હતી કુસુમ ? આ તો તેઓના ધ્યેયથી વિપરીત વાત હતી. શું થયું હતું આજે આ સ્ત્રીને ?

તેનું મન ખળભળવા લાગ્યું. આ શું થઈ રહ્યું હતું ? આ કુસુમ અનેક રીતે ઉપયોગી હતી. હજુ પણ તેને કામમાં લેવાની હતી. આમ અધવચ્ચે લાગણીમાં આવી જવાની જરૂર નહોતી, અને આ બગડેલાં મનને એકદમ આઘાત આપવો પણ યોગ્ય નહોતો. વાત સાવ વણસી જ જાય.

‘કુસુમ... તું અત્યારે અસ્વસ્થ છે. તારે અહીં રહેવું હોય તો અહીં રહે. તું સ્વતંત્ર છે અને ત્યાં જવું હોય તો ત્યાં પણ તારું જ ઘર છે. માલિનીને તારા માટે કેટલો આદર છે એ તું ક્યાં નથી જાણતી. તારી ઇચ્છાની આડે હું નહિ આવું. તે પણ નહિ આવે. તું અમારી સાથમાં રહે તો અમને તારી ચિંતા ન રહે.’

તે સાવ શાંત સ્વરમાં બોલ્યો. કુસુમને અસર પણ થઈ, તે તેને તાકી રહી.

‘જો એમ જ હોય તો કેદાર, તું મારી એક વાત માનીશ ?’ કેદારને ધ્રાસકો પડ્યો. આ ઘેલી સ્ત્રીને કેમ સમજાવવી ? તે નિરુપાય બની ગયો હતો. માલિનીની અનેક રીસોને તેણે શાંત પાડી હતી. તેને ક્ષણિક વશ પણ કરી હતી.

પણ આ કુસુમ તો આમ ક્યારેય વર્તી નહોતી. તેની ભીતર કશું ખળભળતું હતું. બહાર આવવા મથામણ કરતું હતું. એ જાણ્યા વિના તે કરી શકે પણ શું ?

હશે કશુંક જરૂર પણ સાવ ક્ષુલ્લક હશે, તેણે અનુમાન કરી લીધું. કુસુમને તે નખશિખ ઓળખતો હતો.

‘હા બોલને કુસુમ...?’ તે બેફિકરાઈથી બોલ્યો.

‘કેદાર... એક મ્યાનમાં બે તલવાર ન હોય, તું એકની પસંદગી કરી લે. કાં એ અથવા હું ?’

કુસુમ મક્કમતાથી બોલી અને કેદાર છળી ઊઠ્યો.

*

૧૪

કેદારે છંછેડાયેલી કુસુમને માંડમાંડ પટાવી હતી. કહ્યું હતું કે માત્ર તેની સાથે જ સંબંધ રાખશે. ‘કેદાર... એ સ્વાર્થી સ્ત્રીને છોડી દે. આપણે બન્ને શાંતિથી જીવીએ. મને કાંઈ આવી સંપત્તિની પરવા નથી. અને આ તે કાંઈ સ્ત્રી છે ? નથી ધણીને વફાદાર રહી, નથી તેનાં સંતાનોની સાચી લાગણી. અત્યારે સુજાતા સાથે સારો વર્તાવકરે છે, પણ પહેલાં શું કરતી હતી ? એ તફાવત ન સમજવા જેટલી સુજાતા મૂર્ખ નથી. એ તો શશીભાઈને ત્યાં જાય છે, નિયમિત જાય છે. ખુશખુશાલ થઈને પાછી ફરે છે. તેને માલિનીની કશી પડી નથી.’

કુસુમે તેને વિગતથી સમજ પાડી હતી. કેદારે તેને વચન આપ્યું હતું કે એમ અચાનક જ સંબંધનો અંત લાવવો કાંઈ યોગ્ય ન ગણાય. તે ક્રમશઃ સંકેલી લેશે. અને પછી તે કહેતી હતી એ મુજબ જ...

કેદારનાં મીઠાં વચનો ફરી એક વાર કારગત નીવડ્યાં. તે લગભગ માની જ ગઈ. એના સંકેતરૂપે તે તેના આશ્લેષમાં કેદ થઈ ગઈ. કેદારને સ્વસ્થ થતાં ઘણો વિલંબ થયો. ઓહ ! તે કદી પણ ન અનુભવાતી લાગણી અનુભવવા લાગ્યો. કુસુમ શું ખોટી હતી ! માલિની તો એક ઝાંઝવું હતી, ન સમજાય એવું ઉખાણું હતી. તેણે શું કાયમ તેની ઇચ્છા મુજબ જ ચાલવાનું હતું ? માલિનીને સંપત્તિની ભૂખ હતી. કેદાર એ પછીના ક્રમ પર હતો. સંપત્તિ આવ્યા પછી તો કદાચ કેદારને સ્થાને અન્ય કોઈ પણ આવી શકે. અનેક શક્યતાઓ હતી. તેણે એક વાર આમ કર્યું પણ હતું.

કુસુમે તેના મનને ડામાડોળ બનાવી દીધું હતું. કુસુમને વિદાય કર્યા પછી તે આંખ મીંચીને પલંગમાં પડ્યો રહ્યો. શાળાનો સમય પણ સ્મૃતિમાં નહોતો રહ્યો. માલિની સાથનાં આટલાં વર્ષોનાં સંબંધમાંથી તે શું પામ્યો હતો ? તેની અસ્થિરતા કાયમની હતી.

ચિત્રશિક્ષક તરીકે અહીં તેની આગવી ઓળખ હતી. આ સંસ્થામાં તેને આદર મળતો હતો. શાળાની યાદ થતાં જ સમયનો ખ્યાલ આવી ગયો.

તેણે ઝટપટ તૈયાર થઈને શાળા પ્રતિ પગલાં માંડ્યાં. અત્યારે તે ડામાડોળ જ હતો.

‘કેદારબાબુ... તબિયત તો સારી છે ને ?’ એક શિક્ષકે સહજ ભાવે પ્રશ્ન કર્યો હતો.

‘અરે ! કેદારજી... પ્રેમમાં તો પડી ગયા નથી ને ? આ આંખ ઉજાગરાનો સંકેત છે.’ એક રસિક સહશિક્ષકે હસી લીધું. કેદારનું ચિત્ત સાચે જ ખળભળ્યું હતું.

રાતે તે ક્યાંય સુધી માલિનીના ચિત્ર સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. આ તો પોતાનું જ સર્જન હતું. કેવાં કમનીય અંગો અને વળાંકો હતાં ! આ સુંદરતા મૂળ તો એ માલિની જ હતી ને ! તેણે તો તેની આવડત મુજબ કંડારી હતી. સાક્ષાત્‌ મોહિની હતી એ.

એ શું છોડી દેવી ? શા માટે છોડી દેવી ? પતિ હયાત હતો, છતાં પણ તે તેની પાસે દોડી આવતી હતી. તેની ઉષ્મા ક્યારેય ઓસરી નહોતી. તે ક્યાંથી છેહ આપી શકે ? તે ક્યાંથી કૃતઘ્ની બની શકે ?

સવાર થતાં થતાં તો કુસુમે તેનામાં ધરબેલો વિચાર નેસ્તનાબૂદ થઈ ગયો. તે સાવ હળવો બની ગયો. અરે, એક ધુમ્મસનું આવરણ આવી ગયું ! તેણે સમાધાન સાધી લીધું, મન સાથે. મન પણ ક્યારેક ભટકી જતું હોય છે. તે પરિતાપ અનુભવવા લાગ્યો.

‘બસ... હવે તો તેને સંપત્તિ મળે એ જ મારું લક્ષ્ય હોવું જોઈએ. પછી તેની પાસે તેનું વચન પળાવવામાં બહુ મુશ્કેલ નહિ હોય. કોઈ અજાણી ભૂમિમાં ચાલ્યા જઈશું. કુસુમે જ કહ્યું છે ને કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. બસ, પછી એક જ રહેશે !’

કેદાર મંદ મંદ હસ્યો હતો.

અત્યારે વયથઈ હતી છતાં પણ મન તો એવું ઘેલું હતું. યૌવનનું સ્વપ્ન સાકાર થવાનો સમય હોય ત્યારે જ આ માટે હારી જવું. માલિનીને બંધન પણ ક્યાં હતું ? હા વિશ્વા અને અક્ષય હતાં. એ પણ સમય જતાં પાંખો પ્રસારીને ઊડી જવાના હતા. પછી તે અને માલિની જ. અમુક કોમોમાં તો આ વયે જ લગ્નો થતાં હતાં. એની તેને જાણ હતી જ. જિંદગી સફળ બનાવવા આડે તેના થોડા પ્રયત્નો જ હતા. તેની પ્રસન્નતાનો પાર ન રહ્યો.

‘કુસુમે એક રીતે જે કર્યું એ સારું જ કર્યું. મને મારા સુખનું ભાન તેણે પ્રેરેલા અભાવમાંથી થયું. આભાર કુસુમ...’ તે તેની આગવી બંગાળી લઢણથી બોલ્યો હતો. ‘ના તેના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરીશ જ. આ કેદારને ન્યાયનું ભાન છે. તેણે પણ અપાર મદદ કરી છે, અનેક વેળા. એ વગડાનું ફૂલ પણ મારા જીવનનો એક હિસ્સો છે. અને માલિની તો... એ તો આખો બાગ છે, ઉપવન છે.’

તે ઘેલછાની હદે વિચારોમાં ગરકાવ થઈ ગયો. ત્યાં તેને સુજાતા યાદ આવી ગઈ. તે કૉલેજમાં જવા લાગી હતી. એનો અર્થ એ થયો કે તે પરણવા યોગ્ય હતી. તે જેટલી વહેલી પરણે એટલું માલિની માટે સારું હતું. કુસુમ શું કહેતી હતી ? તે શશીભાઈના ઘરેથી ખુશખુશાલ થઈને પાછી ફરતી હતી. તે બન્ને પતિ-પત્નીતો સાવ એકાકી હતાં.

કેદારને લાગ્યું કે હવે એ દિશામાં વિચારવાનો સમય પાકી ગયો હતો. કુસુમની મદદ મળવાની નહોતી એ નિશ્ચિત હતું. તે કોઈ પાત્ર વિશે વિચારી રહ્યો હતો, જે વફાદાર હોય અને જેને એ સુજાતા સાથે લગ્નબંધનમાં બાંધી શકાય.

એ કાંઈ સરળ કામ નહોતું. હવે તો એ છોકરી પાકી થઈ ગઈ હતી, વળી શશીમોશાય પણ તેની સાથે હતા. એથી પણ વિશેષ - તેની પાસે સંપતરાયની સમગ્ર મિલકત હતી. પરિસ્થિતિ વિપરીત હતી અને એમાંથી માર્ગ કાઢવાનો હતો.

કેદાર પહેલાં જે વિસ્તારમાં રહેતો હતો, એ વિસ્તારનો સંપર્ક રહ્યો નહોતો. કુસુમ જાણતી હતી પણ તે મદદમાં આવી શકે તેમ નહોતી.

માલિની હમણાં આવવાની નહોતી. બસ, કુસુમ હાજર થઈ જતી હતી અજબ ઠસ્સા સાથે.

‘તને કોઈએ રોકી નહિ ?’ તેણે પ્રશ્ન કર્યો હતો.

‘ના મને કોઈ રોકી શકે તેમ નથી. કેદાર મને લાગે છે કે એ રૂપાળી સ્ત્રીના ગ્રહો બદલાઈ રહ્યા છે !’

કુસુમ મંદ મંદ હાસ્ય સાથે બોલી. કેદાર આ ફેરફારને ભારે દુઃખ સાથે નિહાળી રહ્યો.

‘તને કેમ ખબર પડી ?’ તેણે અસ્વસ્થતા ઢાંકી રાખીને પૂછી લીધું.

‘કેદાર... એક બીજી દુર્ઘટના બની ગઈ આજ સવારે. હા, આ દુર્ઘટના જ કહેવાય. વિશ્વા કાંઈ નાની થોડી છે ? ખાસ્સી યુવાન થઈ ગઈ છે. તે ક્યાંક બની ઠનીને જતી હશે. વસ્ત્રોમાં આછકલાઈ તો હતી જ અને પરફ્યુમથી તે ખૂબ તરબરતી હતી. જતી હશે કોઈ બૉયફ્રેન્ડને મળવા.

માલિનીને રંગઢંગ બરાબર ન લાગ્યા એટલે પૃચ્છા કરી. પેલી તો સાવ નફ્ફટ થઈને બોલી :

‘મારા ફ્રેન્ડને મળવા જાઉં છું, નિશીથને.’

‘નિશીથને ?’ માલકણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ લક્ષણ કાંઈ સારા તો ન જ ગણાય ને ? માલિની જેવી માલિની પણ ચમકી ગઈ હતી.

‘હા, મમ્મી... તું દેવદર્શનનું બહાનું કાઢીને જાય છે તેમ નથી જતી. મારામાં પૂરતી હિંમત છે.’

માલિની તો ડઘાઈ ગઈ હતી.

‘મમ્મી... હું જે કાંઈ કરીશ તે ચોરીછૂપીથી નહિ કરું. તને એ વ્યક્તિ ગમે છે એ તારી વ્યક્તિગત બાબત છે. બાકી મને તો ચીડ છે એ કેદાર અકંલની.’

તે સડસડાટ ચાલી ગઈ હતી. તે તેની સગી પુત્રીને પણ રોકી નથી શકતી, પછી મને શું રોકે.

કેદાર અવાક્‌ બની ગયો. સાવ અણધારી ઘટના ઘટી. આવું બની શકે એ માનવું અઘરું હતું, છતાં પણ બન્યું હતું. કુસુમ ખોટું ન બોલે. તેણે અક્ષરશઃ વર્ણન કર્યું હતું.

‘ખરેખર... આમ બન્યું ?’ કેદારને કળ વળી.

‘હા કેદાર, મને તો અપમાન જેવું લાગ્યું. એ વેંત જેવી છોકરી તારા વિશે કેવું બોલી ગઈ ? હવે તો આ સંબંધ જેવો હોય તેવો પણ છોડવા જેવો છે. નહિ તો બહુ મોટું લાંછન લાગી જશે. જોકે એમાં હવે કશું બાકી નથી જ. સુજાતાએ જાણ્યું હશે, જોયું હતું અને આ વિશ્વા પણ હવે જાણી ચૂકી છે. મને તો ખૂબ દુઃખ થયું. કેદાર... તમને કશું નથી થતું. હજુ પણ તમારાથી એ શ્વેત ચામડીનો મોહ નથી મુકાતો ? કેદાર કશું બોલો તો ખરા, મેં તો તમારી પાસેથી વચન મેળવ્યું છે. હું એ જ મુજબ ઇચ્છીશ.’ કુસુમ લાગણીવશ બની ગઈ. તેના કંપતા સ્વરમાં મક્કમતા હતી. કેદાર એ વાંચી શક્યો.

‘કુસુમ... હું કાંઈ મૂર્ખ તો નથી જ... મને આ સંબંધમાં એવો રસ નથી કે હું અકારણ વળગ્યો રહું. બસ... મને જે ઇચ્છા છે કે તેને સંપત્તિ મળે પછી મારો માર્ગ અલગ ચાતરી લઈશ. અરે, આ ભૂમિ પણ છોડી દઈશ. મારા માટે ત્યાગ કાંઈ નવી ચીજ નથી અને કુસુમ... આવેગ કાંઈ એકપક્ષીય નથી હોતા. પણ હું સાવધ રહીશ.’

કેદાર વાક્પટુ તો હતો જ. તે ક્યારેક જ ગુંચવાડામાં પડી જતો. બાકી તો... તે કોઈ પણ પરિસ્થિતિને સંભાળી શકતો. તેણે કુસુમની આંખમાં વાંચી લીધું કે તેના પર આ કથનની ધારી અસર થઈ હતી.

‘તારો ઇરાદો જો એટલો જ હોય તો ભલે એમ કર. એ સુજાતા પરણે ત્યારે જો તે ઇચ્છો તો જ અરધી મિલકત માલિનીને મળે. આ બધું જ માલિની અને સુજાતાના સારા સંબંધો પર અવલંબે છે. આમાં તું શું કરી શકે એ જ સમજાતું નથી. દેખીતી રીતે એ બન્ને સારી રીતે વર્તે છે. વળી સુજાતા ભલી અને ઉદાર છોકરી છે. એથી આમાં કોઈ સમસ્યા થવાની નથી.

કુસુમની વાત લગભગ સાચી હતી પણ તેને પૂરે ખબર ક્યાં હતી ? માલિનીની ભૂખને કોઈ મર્યાદા નડતી નહોતી. કેદાર તેના માનસને જાણતો હતો. એથી કેદાર એવી વ્યક્તિની શોધમાં હતો કે જે માલિનીને વફાદાર રહે, સુજાતા સાથે સંસાર માંડે અને પરિણામે બધું જ માલિનીના હાથમાં આવે.

આ વાત આ સ્વરૂપમાં કુસુમને કહેવામાં લાખ ટકાનું જોખમ હતું. કુસુમ હવે પહેલાંની કુસુમ ક્યાં રહી હતી ?

તે ખરેખર વ્યથિત થયો હતો. વિશ્વાએ માલિનીને જે કહ્યું એ આઘાતજનક હતું. તેને માલિનીનાં દુઃખોનો ખ્યાલ આવતો હતો. સંતાનો કે આત્મીયજનો પાસે શરમજનક અવસ્થામાં મુકાવું એ કાંઈ નાનીસૂની વાત નહોતી.

તે માલિનીને મળવા તલપાપડ હતો. તે પણ એટલી જ અકળાયેલી હશે એ વિશે તેને શંકા નહોતી. તેના દ્વાર પર ટકોરા પડે ને તે વ્યાકુળ બની જતો.

એ અવસ્થામાં થોડા દિવસો પસાર થયા. અચાનક વિચિત્ર સંજોગોમાં તેને વત્સલ મળી ગયો. એ સમયે તેને ખ્યાલ પણ નહોતો કે આ તો તે ખજાનાની ચાવી હતી જે તે શોધી રહ્યો હતો.

તે અને તેના મિત્રો થોડાં ચાર્ટો ચિતરાવવા માટે આવ્યા હતા. કૉલેજમાં કોઈ પ્રદર્શન ગોઠવી રહ્યા હતા. કોઈએ વળી તેમને આ કલાકારની દિશામાં ધકેલ્યા હતા.

આમ તો આ મોટા ગજાના કલાકાર માટે આ કામ તુચ્છ હતું. વળી તે સ્વસ્થ પણ નહોતો. તે અસ્વીકાર કરવાની તૈયારીમાં જ હતો ત્યાં તેણે એક સોહામણા, ઊંચા છોકરાને સુજાતાનું નામ ઉચ્ચારતા સાંભળ્યો.

બસ... કુતૂહલ લંબાયું. થોડી પૃચ્છા કરી. હા, એ જ સુજાતા નીકળી. શશીભાઈ પણ ઓળખાયા. વત્સલ અને સુજાતા વચ્ચેનો સ્નેહભાવ પણ છાનો ન રહ્યો. તેણે તેની ઓળખ ગુપ્ત જ રાખી.

‘દોસ્ત... વત્સલ... મને તારો ગુલાબી સ્વભાવ ગમી ગયો. હું આ કામ તો કરી આપીશ, પણ તારે મારી સામે બેસવું પડશે, વાતો કરવી પડશે...’

કેદારે ફેણ પ્રસારી હતી. તેણે આ કાર્ય કર્યું ત્યાં સુધીમાં એ છોકરાને જીતી લીધોહતો.

‘હું... કોણ છે એ છોકરી જે તારા હૃદયમાં વસી છે...? આમાં ક્ષોભ ન હોય. આવાં પરાક્રમ તો કરવાં જ પડે. શું કહ્યું ખૂબ પૈસાપાત્ર છે ? એમાં હિંમત નહિ કરવાની. તારા જેવા છોકરાને એ સુજાતા પણ ઝંખતી હોય છે. શું સમજ્યો, વત્સલ... અહે હું પણ તને મદદ કરીશ... શક્ય હશે તો કેદારની ખુશીનો પાર ન રહ્યો. તેને તેના સારા ભાગ્ય પર ભરોસો હતો. નહિ તો આમ બને ખરું ?

કુસુમને આમતેમ સમજાવીને તેણે માલિનીને જતી-આવતી કરી હતી.

‘માલુ... હવે જ હોશિયારીથી કામ કરવાનું છે. એ છોકરાને હું ધીમે ધીમે હાથ પર લઉં છું. તું સુજાતાની આત્મીય બની જજે. કુસુમને હમણાં છેડવાની જરૂર નથી. વિશ્વાને તો સમજાવી શકાશે. આખરે એ તારું લોહી છે, દિલ્હી હજુ દૂર છે. પણ એક વાત તો અત્યારથી કહી દઉં...’

તે સાવ સ્પષ્ટ બની ગયો હતો.

‘બોલને, કેદાર તારે વળી શી સ્પષ્ટતાની જરૂર છે.’

માલિનીએ અધિરાઈથી પૂછ્યું હતું. તેના ગૌર ચહેરા પર નવી ચમક હતી.

‘માલિની... હવે મારું મન એટલું મજબૂત નથી રહ્યું કે કોઈ નવા આઘાત સહી શકે. તને તારું વચન યાદ હશે જ એમ માનું છું ?’

કેદારના સ્વરમાં ન સમજાય એવું કંપન હતું. તે ખરેખર થાક અનુભવતો હતો. કુસુમની વાતો પણ તેના મનમાં પડઘાતી હતી.

‘કેદાર... મને શરમિંદી ન બનાવીશ. મેં ભૂતકાળમાં અનેક ભૂલો કરી છે અને એનો ભોગ તું એકલો જ બન્યો છું. તને મારામાં શ્રદ્ધા ન રહે એ માટે તારો દોષ નથી જ. દોષ મારી ચંચળતાનો છે, પણ હવે એમ નહિ બને. આપણે અહીથી અન્ય સ્થાને ચાલ્યા જઈશું. જે ભૂમિમાં આપણને કોઈ ઓળખતા ન હોય, જ્યાં અતીતના પડછાયા પહોંચી પણ ના શકે. યોગ્ય સમયે એ થશે જ. તું નચિંત રહેજે !’ માલિનીએ કેદારને ધરપત આપી હતી.

એ પછી અનેક વાતો થઈ.

‘કેદાર... મને એ છોકરી પર સાચે જ લાગણી થાય છે. અભિનય કરતાં રતાં સાચી લાગણી જન્મી છે. તેના હિસ્સાની સંપત્તિ ભલે તેની પાસે રહી. મારે તો અક્ષય, વિશ્વા અને મારા ભાગની સંપત્તિ જ જોઈએ છે. ભલે તે તથા વત્સલ સુખી થાય. તું એ રીતે એ છોકરાને સમજાવજે.’

‘માલિની... શરતો તો તેણે પાળવી પડશે જ. તેને સુજાતામાં રસ છે. ખાલી ઊભરો નથી. વળી એ છોકરાએ પૈસો જોયો જ નથી. સાવ ગરીબાઈમાં મોટો થયો છે, તારી અને મારી માફક. એથી તે માની ગયો છે, છતાં એક વાર અહીં બોલાવીને તારી હાજરીમાં જ પાકું કરી લેવું છે.’

કેદારે યોજનાની રૂપરેખા રજૂ કરી.

‘બરાબર... કેદાર... બાકી તેં સરસ ગોઠવણ કરી. તારું ભેજું પણ અદ્‌ભુત છે. અરે, તું જ અદ્‌ભુત છે.’

માલિનીની પ્રશંસા... તે શાંતિથી સાંભળી રહ્યો. કુસુમનો પ્રશ્ન પણ હતો જ, પણ તેણે ઉખેળ્યો નહિ. માત્ર એટલું જ કહ્યું : ‘માલુ... કુસુમ સાથે સંભાળપૂર્વક વ્યવહાર કરજે.’

માલિની સંમત થતી હોય તેમ હસી હતી.

‘બસ... હમણાં હું આવીશ જ નહિ. તું કુસુમને રાજી રાખજે. મળવું હશે તો દેવાલયમાં મળીશું.’

કેદારે તેને વહાલ કર્યું અને બન્ને છૂટા પડ્યા.

‘માલિની... મારે પણ સંતાન તો જોઈશે જ, તારા થકી. મને હવે નવી નવી ઝંખના જાગે છે.’

કેદારનો સ્વર ભીનો થયો.

‘કેદાર... એમ જ થશે.’ તેના ચહેરા પર લાલી પથરાઈ ગઈ.

એક દિવસે માલિનીએ સુજાતાને પાસે બોલાવીને પ્રેમથી પૂછ્યું હતું :

‘બેટા... તને વત્સલ ગમે છે ?’

સુજાતા તો ચકિત થઈ ગઈ હતી. શું કહેતાં હતાં નવી મા ? ‘બોલને, દરેક ઉંમરલાયક છોકરીને આ સવાલ મા પૂછતી જ હોય છે.’ માલિની ભાવવિભોર બની ગઈ હતી. ‘બેટા... અપરમા છું. સગી મા કેવી રીતે પૂછે એ તો મને ક્યાંથી ખબર હોય ? બોલ... બેટા... તને ગમે છે એ...’ કદાચ... એ સમયે તે સાચી માતા બની શકી હશે.

સુજાતા દ્રવી ગઈ. છેલ્લાં કેટલાંય સમયથી માલિનીમાં પરિવર્તન આવ્યું હતું એ તે અનુભવતી હતી. શંકા પણ જતી હતી કે આ ખરેખર પરિવર્તન હતું કે સંજોગ મુજબની તેમની આવશ્યકતા !

શંકાઓ લોપ થતી જતી હતી. નવી શ્રદ્ધા જાગતી હતી. કોઈ પળે સુખના ખ્યાલોથી તરબોળ બની જતી હતી, તો કોઈ પળે મૃત પિતાની યાદ રડાવી દેતી હતી, વાસંતી યાદ આવી જતી હતી, શાન્તાની માતૃતુલ્ય લાગણી રાત્રિનું જાગરણ કરાવી જતી હતી.

કેદારનાં પગલાં પણ થતાં નહોતાં. કુસુમ પણ હવે એવી ખરાબ સ્વભાવની રહી નહોતી. તે પણ સુજાતા સાથે આદરથી વાતો રતી હતી.

આખી દુનિયા જાણે બદલાઈ ગઈ હતી. શશી અંકલ અને આન્ટીએ વહાલની નવી દિશા ખોલી હતી. અને એ પણ અધૂરું હોય તમ વત્સલનું આગમન થયું હતું. તેની થીજી ગયેલી ચેતના જાગી હતી. પગમાં થનગનાટ વ્યાપ્યો હતો. પાનખરની વેરાન ડાળીઓ પુનઃ નવપલ્લવિત બની ગઈ હતી. એ અજાણ્યા સોહામણા યુવાને તેના મનનો કબજો લઈ લીધો હતો. તે મૂંઝવણમાં હતી, કે આ વાત કોને કહેવી, કેવી રીતે કહેવી, પલ્લવીને પણ પૂછ્યું હતું પણ ઉપાય મળ્યો નહોતો.

‘બોલને વત્સલ... આવી લાગણીને કેવી રીતે વ્યક્ત કરવી ? આન્ટીને કહ્યું કે અંકલને ? કે પછી નવી માને ?’

‘સુજાતા... મને લાગે છે કે આ વાત આપોઆપ તારી સામે આવશે...’ વત્સલે આગાહી કરી હતી. તે આગાહી કરવા સક્ષમ હતો કારણ કે ખાનગીમાં કેદાર સાથે આખી યોજના ગોઠવાઈ ચૂકી હતી.

‘વત્સલ... તું શું ભવિષ્યવેત્તા છું ?’ તે હસી હતી અને એમ જ થયું હતું. માલિનીએ તેને વત્સલ વિશે સામેથી પૂછ્યું હતું. વત્સલ વિચારતો હતો કે આ રીતે સુજાતાને છેતરવી શું યોગ્ય હતી ? કેવી વહાલી છોકરી હતી પતંગિયા જેવી !

*

૧૫

સુજાતાએ વિસ્મત થઈને માલિનીને પૂછ્યું હતું : ‘પછી મમ્મી મારા ગ્રેજ્યુએશનનું શું ? આટલું જલદી ?’ તે તું ભણજે ને. વત્સલ ક્યાં ના પાડવાનો હતો !’ માલિનીએ હસીને ઉત્તર આપ્યો હતો.

‘બેન... લગ્ન તો તાત્કાલિક કરવા પડે. શું સમજી ? વત્સલ જેવો સારો છોકરો હાથમાંથી છટકી ન જાય...’

‘મમ્મી... તે કાંઈ છટકી શકે તેમ નથી જ...’ સુજાતા શરમાતાં શરમાતાં બોલી હતી.

‘બેટા... સારા કામમાં સો વિઘ્નો આવે. તારું મન વત્સલ માટે માને છે ને ! બસ... પછી બેટા, શુભ કામ સત્વરે હાથ ધરવું જોઈએ. મને કોઈ કહે એવું નથી કરવું કે અપરમાએ ધ્યાન ન આપ્યું અને સુજાતાના ભાગ્યમાંથી સારો છોકરો છીનવાઈ ગયો !

સુજાતા માની ગઈ.

પલ્લવીએ પણ તેને સલાહ આપી કે વત્સલ જો સારો હોય તો ગુમાવી દેવનો અર્થ નહોતો. તેણે પરણવાનું તો હતું જ.’

શશીભાઈ તો રાજી જ હતા. એથી પણ વિશેષ આન્ટી રાજી હતાં.

‘પણ આ વત્સલ... કાંઈ કરતો તો નથી. પહેલાં તેને લાઈને લગાડવો પડશે...’ તેમણે પતિનું ધ્યાન દોર્યું હતું.

‘મને ખ્યાલ જ છે. ઑટોમોબાઈલનું ભણે છે એટલે તેને માટે એક ગૅરેજની વ્યવસ્થા કરવી છે. હું તજવીજમાં છું. એક બે જગ્યાઓ પણ જોઈ રાખી છે.’

શશીભાઈએ મનની વાત કહી.

‘અને બંને રહેશે તો અહીં જ ને...?’ આન્ટીને વાતનો આનંદ હતો, પણ શશીભાઈ એ વાતમાં અલગ પડ્યા.

‘તમને ખ્યાલ નથી. એ લોકો અલગ જ સારા. જિંદગી જીવતાં શીખે, અનુભવ મેળવે. બસ આવતાં જતાં રહે એ પૂરતું છે. અહીં રાખશો તો એ આનંદ તમને ક્યારેક પીડા આપશે. દુનિયાની આ રીત છે. બાકી માલિનીભાભી ખુશ થઈ ગયાં. સંપત હોત તો એ સંભળતા હોત એની રીતે.’

શશીભાઈ હોશિયાર હતા પણ આ એક સ્ત્રીને પારખવામાં થાપ ખાઈ ગયા હતા. તેની મીઠાશનો મર્મ તેમને સમજાતો નહોતો. પેલી મિલકતની વાત તો તેમના મગજમાંથી ચાલી જ ગઈ હતી. વહાલનો દરિયો ઉમટ્યો હતો એમાં પેલી દુનિયાદારી તણાઈ ગઈ હતી.

પલ્લવીને તે યાદ આવ્યું હતું, પણ સુજાતા તો તેના નવપ્રસ્થાનની અવનવીન વાતો કહ્યા કરતી હતી, નવાં નવાં સ્વપ્નો જોતી હતી, એનો રસ ભંગ કેમ કરવો ? ‘પલ્લુ, આજે તો ફરી આવ્યા, દૂર દૂર સુધી. માર્ગ પરિચિત હતા, પાત્ર પણ કાંઈ અપરિચિત તો ન જ ગણાય. તેમ છતાં પણ અપૂર્વ આનંદ આવ્યો. હું કેટલી આછાબોલી છું, પણ હું કેટલું બોલી હતી. સતત બોલી હતી શ્રાવણના ઝરમર ઝરમર વરસાદ જેવું. વત્સલ હસતાં હસતાં સાંભળતા હતા. ક્યારેક વળી ગંભીર પણ બની જતા હતા. પલ્લુ, કયું તત્ત્વ હશે આ સાયુજ્યમાં જે આટલું અસરકર્તા હશે ?’

‘મને શું પૂછે છે સુજાતા ? મારે વળી શો અનુભવ ? પણ એ કેમ કાંઈ બોલતી નથી; મૌન પાળે છે કે શું ?’

પલ્લવીએ, તેને લાગતી વિચિત્રતા પ્રતિ ધ્યાન તો દોર્યું જ હતું, પણ સુજાતા મોહ અવસ્થામાં ગુજરતી હતી. ‘પલ્લવી તું જ પૂછી લે જે ને... આજે સાંજે જ અહીં તેમનું આગમન છે. મમ્મી તો તૈયારીમાં લાગી ગયા છે. જમાઈબાબુ ખરા ને !’

એ સાંજે પહેલી વાર પલ્લવીએ વત્સલને નિહાળ્યો હતો. તેને દેખાવમાં તો સારો લાગ્યો. સુજાતા અને તેની જોડી બનતી હતી.

વત્સલ એક સૉફા પર બેઠો હતો. વસ્ત્રોમાં આડંબર નહોતો. ચહેરા પર નમણાશ હતી. તે કાંઈક મૂઝાંતો હોય એવા ભાવ તેના ચહેરા પર હતા.

સામેના સોફા પર માલિની અને વિશ્વા હતાં. વિશ્વાએ આ પ્રકરણમાં સહેજ પણ રસ દાખવ્યો નહોતો. સાવ નિર્લેપ રહી હતી, પણ આજ અચાનક જ તે તૈયાર થઈને સામે ગોઠવાઈ ગઈ હતી.

‘જીજાજી, તમે કાંઈ અમારા આતિથ્યથી ખુશ જણાતા નથી.’ વિશ્વા તેના રમતિયાળ અવાજમાં ટહુકી હતી. તેણે આઔંખ પણ મોહક રીતે નચાવી હતી.

‘ના... એવું કશું નથી... વિશ્વા. આતિથ્ય તો બમણું, કદાચ ત્રણ ગણું પણ થઈ રહ્યું છે.’ વત્સલે પ્રથમ વિશ્વા અને પછી પાસે ઊભેલી પલ્લવીને જોઈને કહ્યું. વિશ્વા હસી પડી. ચાલો, વત્સલ છે તો ચતુર ! તેણે સુજાતા સાથે વિશ્વા અને પલ્લવીને પણ જોડી દીધી. ‘જુઓ... તમને મળશે તો એક જ. ભલે તમારી નજર ત્રણ પર ઘૂમતી હોય. અને એય... મોટીબેન...! વિશ્વાના ઉત્તરથી સહુ હસી પડ્યા. માલિની ખસી ગઈ. તેને પરમ સંતોષની લાગણી થતી હતી. સરસ ગોઠવાયું હતું. વત્સલ પણ કેદારે ગોઠવેલી બાજી મુજબ જ ચાલતો હતો. તેને કેદાર પર લાગણી જન્મી હતી. તેણે તેને ક્યારેય છોડી નહોતી. તેના બળે જ તે ઝઝૂમી રહી હતી. નૌકા અહીં સુધી તો પહોંચી હતી હવે લક્ષ્યપ્રાપ્તિ હાથવેંતમાં જ હતી. અરધી સંપત્તિ તો હાથ આવવાની હતી પણ સુજાતાના ભાગનો હિસ્સો પણ વત્સલ દ્વારા મળવાનો હતો. આ વત્સલને પણ કેદારે સાધ્યો હતો.

માલિની વિચારતી હતી કે તે કેદાર વિના અપૂર્ણ હતી, તેની આ સુંદરતા નિરર્થક હતી. રૂપની પણ ક્યાંય તો મર્યાદા હતી પણ બુદ્ધિ તો નિઃસીમ હતી. હા, કેદારની બુદ્ધિ અનેક દિશાઓમાં ચાલતી અને અંતે એક સાચી દિશા પકડી લેતી. તે મુગ્ધ હતી એ પુરુષ પર, જ્યારથી તે પુરુષ જાતને ઓળખતાં શીખી હતી.

માલિનીને એ બંને વચ્ચે તિરાડ પડાવતાં ખાસ્સી મહેનત પડી હતી. અલબત્ત કુસુમે પણ દાદા તો કરી હતી.

આજે અહીં વિશ્વાને જોઈને તેને આશ્ચર્ય થયું. એ છોકરી તેની દુનિયામાં લીન હતી. તે ઘરમાં જ ઓછું રહેતી હતી. અભ્યાસ તો હાયર સેકન્ડરીનો હતો પણ નખરા કૉલેજમાં જતી હોય એવાં હતા. તે તેની પસંદગીનાં વસ્ત્રો પહેરતી હતી. માલિની પાસે પૈસાની છત હતી. શશીભાઈ ધીમે ધીમે ઉદાર બનતા જતા હતા.

‘ભાભી મૂંઝાવું નહિ. આ તો વ્યવસ્થા છે. સંપતે મને સામેલ કર્યો છે એટલે મારે ફરજ તો બજાવી જ રહી, પણ તમારે કાંઈ આપદા ભોગવવાની નથી.’

માલિની એવાં ભાવ પ્રદર્શનો કરતી કે શશીભાઈ જેવા બિઝનેસમૅન પણ પીગળી જતા. માલિની તેની પાસેના પૈસામાંથી વિશ્વાને ખુશ કરી શકતી હતી. કેદાર કાંઈ પૈસાથી થોડો સુખી થવાનો હતો. અક્ષય તો સૌથી અલિપ્ત હતો. તે ભલો ને તેની પ્રવૃત્તિઓ ભલી. તેને સુજાતા પ્રતિ માન હતું. માલિનીની અમુક રીતો, પ્રવૃત્તિઓ તેને પસંદ પણ નહોતા. તે ક્યારેય વિરોધ કરતો નહોતો. તેને કાયમ થયા કરતું કે તેની લાગણીઓ વ્યક્ત કરે. પરિવારમાં કશુંક ખૂટતું હતું કે કશુંક ખોટું હતું એ તેની સમજ હતી પરંતુ તે એ વ્યક્ત કરી શકતો નહોતો. વળી તે વિશ્વાથી ભિન્ન હતો, સાદો હતો. તેની જરૂરિયાતો પણ ખાસ નહોતી.

ક્યારેક તો માલિનીને ચિંતા પણ થતી કે તેનો પુત્ર આવો અરસિક કેમ ? પોતાનું તો રુંવાંડું પણ તેનામાં નહોતું. તે પેલી સુજાતા પર ગયો હતો.

તેણે વિશ્વાને પણ સંકેત કર્યો હતો : ‘વિશ્વા, તું પણ કેટલી બેદરકાર છે ? અક્ષયને પણ સાથે રાખતી જા. તે કેવો અરસિક બની ગયો છે ? તેને પણ રીતમાં લાવવો પડશે ને વસ્ત્રોય કેવાં સાદાં પહેરે છે. કોઈ શોખ પણ નથી. બસ - પુસ્તકોનો કીડો બની ગયો છે. વિશ્વા આ તારી જવાબદારી છે.’ ‘મમ્મી... એ પપ્પા પર ગયો છે. પપ્પા પણ કેટલા સરળ હતા ? મને ક્યારેય અક્ષય જેવા બની જવાનું મન થાય છે, પણ મમ્મી એ ખૂબ જ મુશ્કેલ છે. મને તો તું આપે છે એ પોકેટમની પણ ઓછા પડે છે. જોકે યુ ડોન્ટ વરી, મમ્મી આઈ એમ એબલ ટુ મૅનેજ, તારી દીકરી છું ને !’ વિશ્વા મર્માળુ હસી હતી. માલિનીને વાત જરા વિચિત્ર તો લાગી હતી પણ તેણે છેલ્લું વાક્ય જ પકડ્યું હતું.

‘વાહ ! મારી દીકરી તું જિંદગીમાં કશું કરી શકીશ, પણ આ અક્ષયનો પણ ખ્યાલ રાખજે. બને તો તારી સાથે જરા ફેરવજે. જોકે આ છોકરો અઘરો છે. તેને તારા જેવો ગુરુ મળવો જોઈએ...’

માલિની મૂળ મુદ્દાને ભૂલી જતી નહોતી. તેને ખરેખર અક્ષયની ચિંતા થતી હતી. સાવ મણિબેન જેવી સુજાતા પણ વત્સલ સાથે સંબંધ બંધાયા પછી થનગનવા લાગતી હતી, પતંગિયાની માફક ઉડાઉડ કરતી હતી, પણ આ છોકરો તો...

‘મમ્મી, અક્ષય બહુ સેન્ટીમેન્ટલ છે. એ માટે તો મારે બીજો ઉપાય વિચારવો પડશે.’ વિશ્વા ખરેખર વિચારમાં પડી ગઈ હતી. માલિનીની વાતમાં સચ્ચાઈ તો હતી જ. તેને પણ સુજાતા યાદ આવી હતી. એક પુરુષનો સાથ મળતાં તે કેવી રમતિયાળ બની ગઈ હતી ! જાણે એ સુજાતા જ ન હોય.

ત્યારે તેણે વત્સલને જોયો નહોતો, માત્ર નામ સાંભળ્યું હતું, પરંતુ એ વ્યક્તિનો પ્રભાવ અનુભવાતો હતો, પરોક્ષ રીતે.

વિશ્વાને તો આ અનુભવ હતો જ, કશું નવીન નહોતું. તેને નિશીથનો પરિચય થયો ત્યારે તે પણ આ અવસ્થામાંથી પસાર થઈ હતી.

સ્કૂટર પર બેફિકરાઈથી જતી હતી. વસ્ત્રો પણ તંગ પહેર્યાં હતાં. વાળની લટો એવી રીતે ઊડી રહી હતી કે તેના સુંદર દેખાવમાં પૂર્તિ થાય. તે સુંદર તો હતી જ પણ એ સમયે અનુપમ લાગતી હતી.

રશ-અવર્સ હતાં. ટ્રાફિકના કશાંક ગુનામાં આવી ગઈ. પોલીસની સીટી વાગી. તેને કાંઈકબની ગયાનો ખ્યાલ આવ્યો. તેણે એ જ સ્વસ્થતાથી દશની નોટ કાઢી, પણ વાત ન પતી. પેલો ગુસ્સે થઈ ગયો.

‘અચ્છા તો તમે લાંચ પણ આપો છો. બેવડો ગુનો તમાશાને તેડું ન હોય. રૂપાળી છોકરીની આસપાસ ટોળું જમા થઈ ગયું.

‘લખાવો નામ-એડ્રેસ. પેલો કડક બની ગયો. હવે શું થાય ? વિશ્વા મૂંઝવણમાં પડી ગઈ હતી. આવું તો ક્યારેક બન્યું નહોતું. તેણે માનેલું શસ્ત્ર પણ... કામમાં આવ્યું નહોતું. તેનું હાસ્ય વિલાઈ ગયું. તેણે આજુબાજુ જોયું. કોઈ જાણીતો ચહેરો પણ ન જણાયો.

‘જવા દો ને, જમાદાર... આ રૂપાળી છોકરીને... તેને વળી નિયમોની ક્યાંથી ખબર હોય...?’ એક અવાજ આવ્યો. ‘મેકઅપમાંથી ઊંચી આવે કે આ બધું ધ્યાન રાખે-?’ બીજો અવાજ બોલ્યો.

વિશ્વાનો ચહેરો શરમ અને રોષથી લાલ લાલ થઈ ગયો. આટલા અસભ્ય લોકો ? આમાં તો પુરુષો જ હતા. હા, તે પુરુષો આટલા અસભ્ય ? તે કશું બોલવા જતી હતી ત્યાં જ એક યુવાન આવ્યો. આશરે વીસ બાવીસ વર્ષનો હશે જ. ઊંચો ટટ્ટાર ઘઉંવર્ણો વાન શરીર કસાયેલું હતું. વસ્ત્રો સરસ પરિધાન કર્યા હતા. ખાસ્સો પ્રભાવ પડતો હતો. તે ટોળું વીંધીને આગળ આવ્યો. તે એ ભીરુ છોકરીને જોઈ રહ્યો. પછી કોન્સ્ટેબલ તરફ જોયું.

‘હં શું છે કોન્સ્ટેબલ ? કેમ આ બેબીને...’

તેણે તરત જ ટોળું વીંખી નાખ્યું. વિશ્વા જોઈ શકી કે એ છોકરાનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.

‘જવા દો. આ તેનો પહેલો ગુનો છે. બેબી હવે બરાબર ખ્યાલ રાખીને વાહન ચલાવજે. રોંગ સાઈડનો પરિચય તો છે ને તને ?’

તે હસતાં હસતાં બોલતો હતો.

પેલો કોન્સ્ટેબલ પણ તેના કહેવાથી કશું કર્યા વિના જ ચાલ્યો ગયો. દંગ થઈ ગઈ વિશ્વા. ઓહ ! કેટલો પ્રભાવ હતો એ છોકરાનો ? તે પણ હસીને ચાલ્યો ગયો હતો.

વિશ્વા પ્રતિ એક અછડતી નજર પણ નાખી નહોતી. વિશ્વા આ ઘટનાને તો ભૂલી શકી હતી પણ પેલો યુવાન તેની સ્મૃતિમાં જળવાઈ રહ્યો હતો.

સમય જતાં તે નિશીથ લગી પહોંચી પણ ગઈ હતી. હા, તેનું નામ નિશીથ હતું. તે નામનો અર્થ જાણતો નહોતો, તેને એની પરવા પણ નહોતી. તે એક જાણીતા વકીલનો પુત્ર હતો, નબીરો કહો તો ચાલે. એમ લાગતું હતું કે તેના જે કોઈ સ્વજનો હતાં એ તેનાથી વિમુખ હતાં.

તે એ વિસ્તારનો ખાસ માણસ બની ગયો હતો. કે જનાથી સૌ ડરતા હતા. દાદો જ કહેવાય સામાન્ય પરિભાષામાં. ટપોરી કે ભાઈ શબ્દો આ શહેરમાં ચાલતા નહોતા.

વિશ્વાને એ નિશીથ ગમી ગયો. કેવો ફાંકડો હતો એ ? તેનો પ્રભાવ આખા ટોળા પર અને પેલા પોલીસ રક્ષક પર પડતો હતો.

અને તેણે કેવું સંબોધન કર્યું હતું ? શું તે બેબી હતી ? જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ નિશીથનું આકર્ષણ વધતું ગયું હતું. યૌવનના પ્રારંભના દિવસો હતા. એમ તેને કેટલાક સાથે ભણતા યુવકો સાથે મૈત્રી પણ હતી, પણ આ તો એથી વિશેષ હતો. તેનામાં કશું હતું જે તેના વ્યક્તિત્વને સૌથી અલગ બનાવતું હતું.

વિશ્વા, એ કાંઈ સારો છોકરો નથી. તેની અનેક ખરાબ વાતો સાંભળવા મળે છે ! તેની ખાસ સખીએ તેને ચેતવી હતી. એક વાર પલ્લવીએ વિશ્વાને નિશીથ સાથે વાતો કરતાં જોઈ પણ હતી. અરે, આ છોકરી આવા કુખ્યાત માણસ સાથે ? તે ચોંકી હતી. તે શું કરે ? તેનો આવરો-જાવરો તો હતો એ ઘર સાથે. માલિની તેને પ્રેમથી બોલાવતી પણ હતી. તેની છાપ હતી કે તે માત્ર સુજાતા સાથે જ ભળતી હતી. અને વિશ્વા તો તેનાથી જોજન દૂર હતી.

તેણે એ વાત સુજાતાને પમ નહોતી કહી. દુઃખી છોકરીને વધુ દુઃખી શા માટે કરવી ? આપણી નજર સમક્ષ ડૂબતા માણસને બચાવી ન શકીએ એનાથી મોટી ાચારી કઈ હોઈ શકે ?

એ પછી તો એક વાર માલિનીની નજરમાં પમ એ બંનેનું મિલન પકડાઈ ગયું હતું. માલિની હેબતાી ગઈ હતી. અલબત્ત બંને એક સડકને કિનારે બિન્ધાસ્ત ઊભાં હતાં. કોઈક વાતો ચાલતી હતી.

વિશ્વાને ખુદને જ ખબર નહોતી પડતી કે તે નિશીથ પાસે કેવી રીતે પહોંચી ગઈ હતી. આટલી નિકટતા તેની ધારણા બહારની હતી. એક પગથિયાનો પ્રવાસ કદાચ વસમો હોય પછી સડસડાટ ચડી જવાયટ.

માલિનીને આંચકો લાગ્યો હતો. સમસમી ગઈ હતી, મનોમન અનેક વિચારો આવી ગયા હતા. તે પણ કેદારને મળી. ઓળખતી થઈ ત્યારે આ વિશ્વા જેવડી જ હતી.

માલિનીને તેના દિવસો યાદ આવતા હતા. તે કેદાર સાથે આવી જ રીતે મળતી હતી.

તુરત જ વિશ્વા પર આવી ગઈ હતી. આખરે તે તેની મા હતી ને. પેલો છોકરો ખાસ ધ્યાનથી જોયો પણ નહોતો. કોણ હશે એ ? ક્યારથી મળતા હશે ? માત્ર મળતાં જ હશે કે...? માલિનીને અનેક પ્રશ્નો કનડવા લાગ્યા હતા. તેણે પોતાના પ્રશ્ન વિશે પણ વિચાર્યું. તે તો સાવ ગરીબ વસ્તીમાં રહેતી હતી. લગભગ અનાથ જેવી જ હતી. પ્રેમની ભૂખ પેટની ભૂખ જેટલી જ તીવ્ર હતી. એ સંજોગોમાં તે કેદારને મળી હતી. અને એ સંબંધ તો છેક અતીતથી લંબાતો લંબાતો તેના વર્તમાનને સ્પર્શતો હતો. લીલીછમ્મ યાદો હતી એ તંતુની અને શું હશે એ ભાવિના ગર્ભમાં ?

માલિની અએસ્વસ્થ દશામાં ઘરે આવી હતી. આવી વાતો કાંઈ જાહેરમાં થાય નહિ. તેનું તેને ભાન હતું. કુસુમ, અક્ષય કે સુજાતા કોઈ પણ આ વાત જાણવા ન પામે એની તકેદારી રાખવાની હતી.

તેણે વિશ્વાને તેના ખંડમાં બોલાવીને પૂછ્યું હતું. જરા હળવાશથી પૂછ્યું. તેના ચહેરા પર તંગ રેખાઓ હતી. એમ લાગ્યું કે વિશ્વા આવી પૂછપરછ માટે તૈયાર જ હતી. ‘મમ્મી... તું નાહક ચિંતા કરે છે. હા. એ નિશીથ સારો માણસ છે. એક વાર તો તેણે મને બચાવી પણ હતી. ખાસ કંઈ મતા નથી. આ તો અચાનક બાકી આવી મૈત્રી તો હોય. તમારા જમાનામાં પણ હતા તો પછી અમારા જમાનામાં તો હોય જ ને. કોણે તને કહ્યું ?’

વિશ્વાએ સાવ હળવાશથી ઉત્તર આપ્યો. અરે, તેને તેની કેદાર સાથેના સંબંધો વિશે સંભળાવી પણ દીધું.

માલિની સમસમી ગઈ હતી. પોતાનું જ રક્ત પોતાને ડંખી રહ્યું હતું. હવે સંતાનો મોટાં થયાં હતાં. સુજાતાએ તો તેને કેવી ખરાબ સ્થિતિમાં નિહાળી હતી ? એ પળની યાદ હજી પણ તેને હચમચાવી દેતી હતી. કારમી દુર્ઘટનાનાં પરિણામ પણ ભયંકર હતાં. તે એ ધ્રાસકામાંથી માંડ માંડ બહાર આવી હતી. એ તો કેદારને કારમે જ શક્ય બન્યું હતું. બીજી તેની તરસ હતી સંપત્તિ માટેની.

તે બહાર આવી હતી.

આજે પુનઃ તેની પુત્રી જ તેને કેદાર સાથેના સંબંધો વિશે કહી રહી હતી. શું વિશ્વા બધું જાણતી હશે ? તે પૂરતો ખ્યાલ તો રાખતી હતી છતાં...

ના... એમ તો નહિ જ હોય. આવી વાતના પ્રત્યાઘાત આટલા સરળ ન હોય એ તે જાણતી હતી. એક ક્ષણે તો વિચાર પણ આવી ગયો કે તે કેદાર સાથેના સંબંધો શા માટે છોડી દેતી નહોતી. સંતાનો કોઈ આ સ્વીકારી ન શકે. તેને વિશ્વા કરતાં પણ અક્ષયનો વધુ ડર લાગતો હતો.

પણ કેદાર માને ખરો ? અને ખરેખર તો માલિની માટે પણ એ મુશ્કેલ માર્ગ હતો. તે પણ કેદારને છોડી શકે તેમ નહોતી. છેવટે એ પ્રશ્નને જ ત્યાં મૂકી દીધો.

‘એ તો કેદાર જ રસ્તો શોધી કાઢશે. તે ખૂબ જ વિચક્ષણ છે.’ તે આમ વિચારતા હસી પડી. આ બનાવ પછી તેણે ખુદે જ વિશ્વા પર ચોકી રાખવા માંડી હતી.

જોકે વિશ્વા પણ સાવધ બની ગઈ હતી. તે નિશીથને નિયમિત મળતી હતી. મિલનસ્થાન બદલાયું હતું.

‘નિશીથજી... મમ્મી જોઈ ગઈ આપણને બન્નેને-’ તેને બીજા દિવસે સમાચાર આપ્યા હતા.

નિશીથ હસ્યો હતો. તે ટી-શર્ટ અને બરમુડામાં હતો. સૂર્ય ઢળી રહ્યો હતો. આ વિસ્તાર કાંઈક શાંત હતો. ‘બેબી... ગભરાઈ ગઈ ?’ તે મોહક સ્મિત કરતાં બોલ્યો.

‘નો... નો... ધીસ ઈઝ જસ્ટ ઈન્ફોર્મેશન...’ તેની પાસે સૉફામાં બેસી ગઈ હતી. નિશીથનો હાથ તેના દેહને વિંટળાઈ વળ્યો હતો. ‘રીલેક્સ બેબી આપણે કાંઈ ખોટું કરીએ છીએ ?’ તે બોલ્યો. તેના અવજમાં સંમોહન હતું.

એવી વિશ્વા પ્રથમ વાર જ ઘરે આવેલા મહેમાનમાં રસલેતી હતી. તે હસી હસીને વત્સલ સાથે વાત કરી રહી હતી. માલિની એ યુવાનો વચ્ચેથી સિફતપૂર્વક ખસી ગઈ. વત્સલે બધાની વિદાય લીધી. સુજાતા સાથે પલ્લવી અને વિશ્વા પણ તેને વિદાય આપવા દ્વાર સુધી આવ્યાં. તેણે એક હાથ સુજાતાના ખભા પર મૂક્યો, બીજા હાથે વિશ્વાનો હાથ પકડ્યો, સાવ સહજ રીતે જ. જોકે સુજાતાને આ ન ગમ્યું.

વત્સલે ત્રણેયની વિદાય લીધી. તેની દૃષ્ટિ વિશ્વા પરથી ઉઠતી નહોતી એ પલ્લવીએ નોંધ્યું.

‘પલ્લવી, તને વત્સલ કેવા લાગ્યા ? ગમ્યા-?’ સુજાતાએ તરત જ મનમાં ઘુમરાતી વાતને વાચા આપી. વલ્લવી કશો જવાબ વાળે એ પહેલાં જ વિશ્વા રમતિયાળ અંદાજમાં કૂદી પડી.

‘મોટીબેન... મને તો ગમ્યા ખૂબ ખૂબ ગમ્યા. તમે બેફિકર રહેજો. હું તેમને હરી જવાની નથી.’

*

૧૬

‘જુઓ જમાઈબાબુ આવતી કાલે તો તમે સુજાતા સાથે લગ્નના પવિત્ર બંધને જોડાઈ પણ ગયા હશો. તમારી અભિલાષા પૂર્ણ થવામાં હવે થોડો સમય જ અવરોધરૂપ છે. અમારા આશીર્વાદ છે તમને.’ કેદાર એટલું બોલીને જરા અટક્યો હતો. તેણે તીક્ષ્ણતાથી વત્સલ સામે જોયું હતું. વત્સલ આ વ્યક્તિને અનેક વખત મળી ચૂક્યો હતો. તેને સુજાતા પસંદ હતી. છેક પહેલી વાર જોઈ ત્યારથી જ. તે પહેલી દૃષ્ટિએ સંમોહિત થઈ ગયો હતો. એ સીધી સાદી છોકરીથી.

કેદાર સાથેની આટલી મુલાકાતો પરથી તેને ખ્યાલ તો આવી ગયો હતો કે તે તથા માલિની કાંઈ સારાં માણસો તો નહોતાં જ. જોકે માલિની વિશે સુજાતા ભાગ્યે જ બોલતી. તે ઉદાર પણ હતી.

માલિનીના બદલાયેલા વર્તન પછી તેની નવી મા વિશેની ઘૃણા થોડી ઓગળી હતી પણ તે વાસ્તવિકતાથી સાવ અજાણ હતી. વત્સલ એ બંને વચ્ચેનું એકપ્યાદું હતો.

તે આખી રમત જાણતો હતો પણ તે સુજાતા કે શશી અંકલને કહી શકે તેમ નહોતો.

કેદારે તેના મનમાં ઠસાવ્યું હતું કે સુજાતા મેળવવી હોય તો તેણે માલિની અને કેદાર કહે તેમ જ કરવાનું હતું. ‘જુઓ જમાઈબાબુ... આમાં સુજાતાનો કોઈ દોષ નથી. તે તો ખૂબ સરળ સ્વભાવની છે. હકીકતમાં તેના બાપુએ જે છેલ્લું વીલ કર્યું એ કોઈ આવેશમાં કર્યું હતું. ખરેખર તો એમાં જે ખામી છે એ સુધારી રહ્યા છીએ અને જમાઈરાજા અમને આપ્યા પછી પણ સુજાતાના ભાગે અઢળક સંપત્તિ રહેવાની છે અને સાચું કહું તો તમારે તો લોટરી લાગ્યા જેવું જ થશે. સુજાતા જેવી ગમતી છોકરી મળશે અને તેનો દલ્લો વધારાનો. આમ તો તમે આશ્રિત જ છો ને અત્યારે...

તે અટક્યો હતો વત્સલના મનોભાવ જામવા. તેના હાસ્યમાં ભારોભાર ખંધાઈ હતી. વત્સલે હા ભણ્યા વિના છૂટકો જ નહોતો.

‘જુઓ.. માલિની પાસે બધો જ હિસાબ છે. એટલે કોઈ ચાલાકી કરી શકે તેમ પણ નથી. બરાબર ને જમાઈરાજા. અને તમે તો જાણતા જ હશો કે આવી વાત તો મૌખિક જ હોય, એના કોઈ દસ્તાવેજ ન લખાય, પણ એનો ભંગ તો ક્યારેય ન કરાય. એની સજા પાછી ખૂબ જ આકરી હોય. પણ તમે તો સમજદાર છો. સમજદારો કો એક ઈશારા કાફી હૈ.’ કેદારે આ બધી વાતો મીઠાશથી કહી, મુખ પર સ્મિત કરતાં કરતાં.

‘તમે નચિંત રહેજો કેદારબાબુ હું વચનને વળગી રહું છું !’ વત્સલે ઉત્તર વાળ્યો હતો. તેનેકેદારની શક્તિનો ખ્યાલ હતો. એ ભદ્ર દેખાતો માણસ ખૂબ જ ઊંડો હતો. તેને તો એમ પણ લાગતું હતું કે ખુદ માલિની પણ તેની રમતનું એક પ્યાદું જ હશે. એ બંને સાંઠગાંઠ પણ હોય, પણ ગમે તેમ તોય આ કેદાર જ મુખ્ય માણસ હતો આખી રમતનો.

જોકે તેખુદ પણ કયો ભદ્ર માણસ હતો ? તેને તો સુજાતા મળવાની હતી. જેને તે ઝંખતો હતો તેની કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલી પહેલી મુલાકાતથી એ ઉપરાંત સુજાતાના હિસ્સાની અઢળક સંપત્તિ પ્રાપ્ત થવાની હતી. આ કેદાર જેવા લાલચું ને તેની માગણી મુજબ આપવા છતાં પણ તેની પાસે ખાસ્સો હિસ્સો બચવાનો હતો. તેને સંતોષ હતો. એક ગૅરેજ ખરીદવાની તજવીજ તો તે અત્યારથી કરતો હતો. ઑટોમોબાઈલનું તેનું જ્ઞાન કાંઈ એળે જવા જેવાનું નહોતું. તે કાંઈ કપડાં કાળાં કરવા ઇચ્છતો નહોતો. તેને માલિકની ખુરશીમાં બેસવાની તમન્ના હતી. અલગ ફ્લેટની વ્યવસ્થા તો ખુદ શશીઅંકરે કરી હતી. એના હપતાઓ પમ તેને ચુકવવાના હતા.

આમ લગ્ન માટેનો તખ્તો ગોઠવાયો એમ કહેવા કરતાં સંપતરાયની સંપત્તિની વ્યવસ્થા ગોઠવાતી હતી એમ કહેવું બરાબર હતું.

શશીભાઈ આ ઉપાધિમાંથી જેમ બને તેમ જલદીથી મુક્ત થવા ઇચ્છતા હતા. તેમની દૃષ્ટિએ જે થયું હતું એ શુભ હતું. અને એમાં ઈશ્વરની ઇચ્છા હતી. તેમમે અનેક વાર સંપતરાયને ગદ્‌ગદ્‌ બનીને યાદ કર્યા હતા.

‘આ સુખની ઘડી આવી ત્યારે તે નથી.’

માલિની પણ શશીભાઈ પાસે રડી હતી.

‘ભાભી, મન મજબૂત રાખો. આજે શુભ પ્રસંગ છે. રડાય નહિ.’ શશીભાઈ તેમની મદદે આવ્યા હતા.

બિલ્ડિંગના પટાંગણમાં એક સાદો સમારંભ રાખ્યો હતો. શશીભાઈએ જ સૂચન કર્યું હતું. તેમના મન પર મૃત મિત્રનો વિષાદ હતો.

કેદાર હાજર નહોતો રહ્યો. માલિનીના આગ્રહ છતાં પણ વિશ્વના ચહેરા પર એક નવી ચમક હતી. તે સરસ તૈયાર થઈ હતી. પલ્લવી હતી. સુજાતા સાથે જ હતી. બિલ્ડિંગનો માનવસમૂહ પણ આનંદોત્સવમાં ભળ્યો હતો. સુજાતા પ્રત્યે સૌને અપાર લાગણી હતી. તે શુભ પાનેતર સજીને તૈયાર થઈ હતી. એક આંખના નવપ્રસ્થાનનો આનંદ નીતરતો હતો. બીજી આંખમાં પિતાની યાદો તગતગતી હતી.

ઓછાબોલા અક્ષયે હાજર રહીને તેનો ભ્રાતૃધર્મ બજાવ્યો હતો. માલિની સૌને સત્કારી રહી હતી.

પંડિત પણ જ્ઞાની હતા; સુજાતા પર લાગણી હતી. વેદગાન, દાંપત્ય પ્રવેશના સંસ્કારો એ બધી જ વિધિ ભાવપૂર્વક આટોપવામાં આવી.

છેલ્લે શાસ્ત્રીજી ભાવવશ બનીને રડી પડ્યા. માલિકી કરે એ પહેલાં તેમણે વત્સલને સુજાતાની સોંપણી કરી.

‘જો બેટા... વત્સલ... આ રાંકના રતન જેવી સુજાતાનું જતન કરજે. તેની મા-જનેતા તો ક્યારનીય વિદાય થઈ ચૂકી છે અને પિતા પણ. અને તે છેય રતન જેવી જ. ગુણોનો ભંડાર છે... બસ... સુખી થાઓ !

તે ભાંગી પડ્યા હતા. વયોવૃધ હતા. છેક સુજાતાની જનેતા વાસંતીને પણ જાણતા હતા. સુજાતાનો આખો ઇતિહાસ પણ.

આનંદ અને આંસુ વચ્ચે પ્રસંગ આટોપાઈ ગયો. બિલ્ડિંગના વૉચમૅન ગુરખાએ પણ તેને આવડી એવી ભાષામાં સુજાતા પ્રતિ લાગણી વ્યક્ત કરી.

‘સુજાતા બેટી ચલી જાયેગી તો ઈસ બિલ્ડિંગ મેં કુછ રહેગા નહિ, ખાલી હો જાયેગા.’

માલિનીને ખુદને નવાઈ લાગતી હતી. સુજાતા પ્રતિની સૌ જાણ્યા અજાણ્યાઓની લાગણી વરસતી જોઈને તે પણ એ પ્રવાહમાં ભળી ગઈ હતી.

વિશ્વાએ સજાવટ માટે ખાસ્સો શ્રમ લીધો હતો. તે સૌથી અલગ તરી આવતી હતી. તે તક મળતાં વત્સલ પાસે સરી. સુજાતા કશી વાત કરી રહી હતી પલ્લવી સાથે.

‘જીજાજી... તમને તો મોટીબેન જેવું રતન મળી ગયું. હવે તમે અમારાં જેવાં ફટકિયાં મોતીને તો ક્યાંથી યાદ કરો ?’

તે લાડ કરતી હોય એ રીતે બોલી.

વત્સલનો હાથ તેના હાથમાં લીધો. ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું.

‘એમ હોય... વિશ્વા... આપણે સૌ સાથે જ છીએ ને... અને કોણ કહે કે તું રતન નથી ? હાજર છે એ લોકોમાં તું જ સૌથી...’

શશીકાકાએ વિક્ષેપ પાડ્યો. વત્સલનું કાંઈક કામ હતું, પણ વિશ્વાનું કામ તો થઈ ગયું. તેણે એક નવા પ્રકરણના શ્રીગણેશ માંડી દીધા. તે પ્રસન્ન થઈ ગઈ. વત્સલે તેને પ્રશંસી હતી. તે સૌથી અલગ દેખાતી હતી. એ પણ કહ્યું હતું.

તેને બીજી તક પણ મળી ગઈ. સૌ લગ્ન પછી દેવસ્થાને દર્શન માટે ગયા હતા.

એ પવિત્ર વાતાવરણમાં પણ વિશ્વાએ એકાંતમાં મળવાની તક ઝડપી હતી. સુજાતા માલિનીની વાતો સાંભળતી હતી. પલ્લવી પાસે હતી. શશીકાંત મંદિરની મુખ્ય વ્યક્તિ સાથે આપવાના દાન સંબંધી ચર્ચા કરતા હતા. અક્ષય મંદિરના ગર્ભદ્વારને કાળજીપૂર્વક અવલોકી રહ્યો હતો. આન્ટી તો થાકીને પગથિયા પર જ બેસી ગયાં હતાં. વાતાવરણમાં તાજગી અને પ્રસન્નતા હતી. મનનો ભાર આપોઆપ ઓગળી જાય અને મૂર્તિના ઈશ્વર સૌના હૃદયમાં વસી જાય એવો માહોલ હતો.

પ્રસંગ પૂર્ણ થયાનો આનંદ સૌના મુખ પર તગતગતો હતો. બસ એ સમયે વત્સલે જ તેને બોલાવી.

‘હં... પછી વાત તો અધૂરી રહી... શું કહેવું હતું ?’ વત્સલે કહ્યું વિશ્વા બે પળ વત્સલને અહોભાવથી જોઈ રહી. પછી હસીને બોલી : ‘કશું જ નહિ. જીજાજી... અને કામ હોય તો પણ તમે ન કરો.’

વત્સલને સાળીની રમતિયાળ પદ્ધતિ ગમી ગઈ. સાળી તો એવી જ હોય નટખટ...

‘તો પણ... કહેવામાં શો વાંધો છે ?’

‘કહું... જીજાજી...’ તેટ એટલું કહીને જરા અટકી પછી કાન પાસે તેનું લઈ જઈને ટહુકી.

‘શું... કહું ? ...તમને કહીશ તો પણ કરવાના નથી. હનીમુનમાં તો મોટીબેનને લઈ જશો. મને કાંઈ થોડી લઈ જવાના છો.’ વત્સલ હસી પડે એ પહેલાં વિશ્વા જ હસી રણઝણી... ‘ખરી છે વિશ્વા ?’ વત્સલ વિચારી રહ્યો. ભારે મસ્તીખોર ! તેને પણ ચાનક ચડી. વિશ્વા થોડે દૂર ગઈ એટલે વત્સલે જ તેને મોટેથી પૂછ્યું ‘આવવું છે વિશ્વા ?...’

‘મમ્મીને પૂછી જોઉં.’ કહેતાં તે છટકી ગઈ. વત્સલના મનમાં એક વિચાર રોપાયો. વિશ્વા ખાસ્સી મોટી લાગતી હતી. આ સાડીના વેશમાં ઊંચાઈ રૂપ નમણાશ સુડોળ કાયા એ તો વારસાગત હતું. અને સમજણી પણ થઈ ગઈ હતી. હનીમુનની વાત કરતી હતી ! આ વાત તો સુજાતાએ પણ હજી સુધી છેડી નહોતી.

કેવી વિચિત્ર વાત ! હનીમુનમાં સાથે લઈ જવી છે ? નટખટ તો ખરી જ. તે તથા સુજાતા અંબાજીના દર્શન કરી આબુ જવાના હતા. વ્યવસ્થા થઈ ગઈ હતી. નવદંપતિ માટે શશીકાકાએ ફોન કરીને બુકિંગ કરાવ્યું હતું. એક ઓળખીતાની હોટેલની રૂમનું.

એ પ્રવાસ તો એ બંનેનો હતો. વિશિષ્ટ અવસર હતો. લ્હાવો હતો. શશીભાઈ ખુશ ખુશ હતા. આન્ટીને આવી વાતમાં કશી સમજ ન પડે.

‘હવે તો છોકરાઓ માટે આ જરૂરી છે. યુગ પ્રમાણે ચાલવું પડે.’

શશીકાકાએ તેમને સમજાવ્યા.

‘આપણા વખતમાં તો...’ એટલું કહેતાં આન્ટી આ ઉંમરે પણ સંકોચ અનુભવવા લાગ્યા.

‘ચાલો ભાણિયો થાળે પડ્યો.’ તેમણે તરત જ વિચારવલોણું બદલી નાખ્યું. નહિ તો કોણ કોનું હતું એનું ? અને સુજાતા જેવી છોકરી ? ધંધો પણ થઈ જશે... આટલા પૈસા... ટકા.. એને અહીં બોલાવ્યો એ સારું જ કર્યું. નસીબ આડેથી પાંદડું ખસી ગયું. જિંદગી બની ગઈ.’

આન્ટી હળવાશ અનુભવતાં હતાં. શશીભાઈ પર હજી મોટો બોજ હતો તે એ દૂર કરવાની વેતરણમાં જ હતા.

બસ આ છોકરાઓ હરીફરીને આવી જાય પછી બધી જવાબદારીઓ સોંપી દેવી. હવે તેમને એ વિચારો આવતા હતા.

અમસ્તું ય તે થાક અનુભવતા હતા. બે વ્યક્તિ અને આટલો મોટો પથારો પાથરવો ? વય વયનું કામ કરે જ. તેમને આ બધી જ માયા સંકેલીને કોઈ શાંત સ્થળે ચાલી જવાની ઈચ્છા થતી હતી. સંપતરાયના મૃત્યુ પછી આમેય તે મનથી વિક્રમ થતા જતા હતા.

સંપતરાય હતા ત્યારે બિઝનેસ કરવાની ચાનક ચડતી હતી. નવાં નવાં સાહસો કરવાનો ઉત્સાહ હતો. એકબીજાની હૂંફ રહેતી હતી. પુત્રના મૃત્યુથી જીવનમાં વ્યાપેલી એકલતા અમુક હદ સુધી ભુલાઈ જતી હતી.

આખરે દરેકે મૃત્યુ ન આવે ત્યાં સુધી જીવન જીવવાનું હોય છે. જીવવું પડે છે. અને લાચારીઓ વચ્ચેની વિઘ્નદોડ ચાલુ રાખવાની હોય છે.

એકલતા ભાંગવાના વિચારથી વત્સલને બોલાવ્યો હતો. હેતુ જરૂર સર્યો હતો. ને ધાર્યું હોય એવું સુખદ પરિણામ પણ આવ્યું હતું. સુજાતા અને વત્સલ બંને આત્મીય પાત્રો લગ્નનાં બંધનમાં જોડાયાં હતાં.

આ એક પરમ સંતોષ અને સુખની વાત હતી પણ પછી શું ? હવે પુનઃ એકલતાના સાગરમાં ડૂબી જવાની તેમની તૈયારી નહોતી. વત્સલ-સુજાતા આ મહાનગરમાં રહેવાનાં હતાં અને તે બંને અવારનવાર આવશે એની ખાતરી હોવા છતાં પણ શશીભાઈનું મન આ સ્થળ આ શહેરથી ઊઠી ગયું હતું.

તે જે કાંઈ હતું એ સમેટીને કોઈ આશ્રમમાં કોઈ નદી કાંઠે કોઈ અરણ્યમાં ચાલ્યા જવા ઈચ્છતા હતા.

આ નિર્ણય એ બંનેનો સહિયારો હતો.

શશીભાઈ એ ગડમથલમાં હતા. આ પથારો સંકેલવો એ કાંઈ સાવલ સરળ કાર્ય તો નહોતું જ. તેમણે આ વિચાર કોઈને પણ જણાવ્યા નહોતો. આમ તો આ વાત વત્સલ અને સુજાતાને કહેવાની હતી, પણ એ લોકો ફરી આવે પછી.

‘આ લોકોના આનંદના દિવસો છે એમાં ક્યાં ખલેલ પાડવી.’ તે વિચારતા હતા. આન્ટી તો અત્યારથી જ વિક્રમ બની ગયાં હતાં. તેમનું મન ક્યાંય ખૂંટતું નહોતું જે પહેલાં જીવ સમાન વહાલું હતું.

આન્ટી ખુદ તેમના મનના પરિવર્તન પર હસતાં હતાં. ‘એ તો ઈશ્વરની જ રમત છે. એક વાર મારું મારું કરતી હતી અને હવે એના પર અભાવ આવતો જાય છે. ક્રમે ક્રમે તો આ વત્સલ ને સુજાતામાં પણ મમત્વ નહિ રહે... અને એક ઈશ્વરમાં જ...’

તે આંખ મીંચી દેતાં. ખરેખર એમ થશે ખરું ? ખૂબ ગમતી હતી સુજાતા. વત્સલ પર પ્રથમ દયાભાવ જાગ્યો હતો અને પછી વત્સલ પણ...

શશીભાઈને હિમાલયનો ઢાળ અને ગંગાનો પવિત્ર તટ દેખાતો હતો. બસ એ જ હતી સ્વપ્નભૂમિ, એ જ હતું ભવિષ્ય.

સૌથી અલિપ્ત થઈને સુજાતા અને વત્સલ તો અંબાજીના પવિત્ર યાત્રાધામમાં પહોંચી ગયાં હતાં. સાંજના પડછાયાઓ ડુંગરાળ પ્રદેશ પર પથરાવા લાગ્યા હતા.

ઈડરની નાની નાની ચેકરીઓ જોવા ગમી હતી. સુજાતા તે નાની બાળકીની માફક બારીનો કાચ ચડાવીને જોતી હતી. વત્સલ કદાચ કોઈ વિચારમાં પડ્યો હતો.

‘એય...શા વિચારમાં છે ?’ તેણે પતિને ઢંઢોળ્યો હતો. હવે તો તેની મિત્ર નહોતી પત્ની હતી. લગ્ન પહેલાં એટલી ગમ્મતો કરી હતી કે વત્સલને છેડવો એ કાંઈ નવીન કાર્ય તો નહોતું જ સુજાતા માટે, પણ હવે તેના પર એ પત્નીપણું વ્યાપી ગયું હતું. અધિકાર સાથે વિવેક પણ આવી ગયો હતો.

‘શું છે સુજાતા ?’ ખેંચી લે ને ઊંઘ પછી જાગરણ જ છે. શું સમજી ?’ તેણે ડ્રાઈવર પણ સમજી શકે એ ભાષામાં વિનોદ કર્યો.

‘વત્સલ... આ ઈડર... અને આ ટેકરીઓ જેવી આરસપહાણની ઢગલીઓ કેવી સરસ લાગે છે ?’

સુજાતાની આંખમાં વિસ્મય અને આનંદ બંને હતા.

‘ચાલ આપણે રોકાઈએ અહીં તું પેટ ભરીને જોઈ લે જગ્યા અને જરા પેટપૂજા પણ કરીએ.’

બંને રોકાયાં હતાં. થોડો સમય ત્યાં એક ધાબા જેવી જગ્યાએ ચા-કૉફીના ઘૂંટો ભર્યા હતા.

‘વત્સલ જિંદગીનું પણ આવું જ છે. ઊંચા ઊંચા ખડકો વચ્ચે જીવવાનું છે. માર્ગ કાઢવાનો છે.’ તે બોલી હતી. કેમ સૂઝ્‌યું હશે આવું ? જીવનના પ્રારંભના પ્રથમ સોપાને ? ‘સુજાતા... આ તત્ત્વજ્ઞાનની વાતો હમણાં ડહોળતી નહિ. અહીં આપણે શા માટે આવ્યાં છીએ એ તો ભૂલી ગઈ નથી ને ? આ કાંઈ શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાહ નથી મેડમ.’

વત્સલ એવા અભિનયથી બોલ્યો કે સુજાતા હસી પડી.

સાંજે સાયં આરતી સમયે તેઓ અંબાજીના મંદિરનાં પગથિયાં ચડી રહ્યાં હતાં. સુજાતાએ આન્ટીની સૂચના મુજબ લાલ સાડી પહેરી હતી. ઢળતી સાંજની રંગબેરંગી રંગોની છાલક તેના ચહેરા પર તગતગતી હતી. દૈદીપ્યમાન લાગતી હતી. સુજાતાના ચિત્તમાં ભક્તિભાવ હતો, છતાં દૃષ્ટિ પાસે ચાલતા વત્સલ પર ઢોળાતી હતી.

વત્સલ મોડા પડ્યા. એ સુજાતા પર તે સહેજ નજીક સર્યો સ્પર્શવા સુજાતાને. સુજાતાનું રૂપ જ એવું હતું એ સમયે કે તે એમ વર્તે એ સહજ હતું.

સુજાતાના હાથમાં રહેલો થાળ સહેજ ઢળ્યો. એક ખૂણામાં રાખેલું ગુલાલ ઊડીને સુજાતાના ચહેરા પર છંટાયું તે શરમ અને ગુલાલથી લાલ લાલ થઈ ગઈ.

વત્સલને છોભીલો પડતો અટકાવતાં તે બોલી હતી મંદમંદ હસતાં હસતાં.

‘વત્સલ... આટલાં બધાં ગુલાલની ક્યાં જરૂર છે ? તમે મને એક ચપટી ગુલાલ આપો... હું આખું ાયખું ગુલાલ ગુલાલ કરી દઈશ...’

બસ એ જ સમયે મંદિરના ગર્ભાલયમાં ઘંટનાદ થયો હતો. ન્યાય થઈ ગયો હતો વત્સલ પત્નીના એ રૂપથી એ શબ્દોથી.

તે મંદિરમાં ગયો. ભીડ હતી. આછો ઉજાસ હતો. સુજાતા એ મૂર્તિને પૂર્ણ શ્રદ્ધાથી નમી એકાકાર બની ગઈ. જાણે વત્સલ એ બન્ને મૂર્તિઓને મનોમન નમી રહ્યો. આ સ્ત્રી સાથે જ તે સવારે દાંપત્યના મંગળ પથ પર જોડાયો હતો. હજુ આબુની પહાડી પર ચડવાનું હતું. કોઈ સ્થાને વસવાનું હતું. રસિકાતનો આખો રસથાળ તેના મનમાં હતો. કલ્પનામાં હતો. એ પહેલાં સુજાતાએ જ તેને એક અનેરી રસલ્હાણમાં ઓતપ્રોત જોડી દીધો હતો. તેને લાગતું હતું કે તે પૂર્ણતાના પડછાયામાં ઘૂમી રહ્યો હતો. કશું તત્ત્વ તેને મુગ્ધ બનાવતું હતું. તેના પર ઢોળાતું હતું.

ભીડને વીંધતા બહાર નીકળ્યાં. ગૅસ્ટહાઉસમાં આવ્યાં. ચાલો, વત્સલ હવે નીકળી જઈએ. પછી ત્યારે મોડું થશે. સુજાતા રમતિયાળ બની ગઈ. રસિક બની ગઈ. તેણે વસ્ત્ર બદલતાં બદલતાં નવીન વાત માંડી.

અલબત્ત વત્સલ દૂર હતો અને તે આડશમાં હતી.

બંને આબુ પહોંચ્યા ત્યારે આખું ગિરિનગર રાતની આગોશમાં હતું. રસ્તાઓ પર રોશની હતી. ઢાળવાળા વળાંકો પર અંધકાર હતો. ચહલપહલ હતી. પરંતુ એથી વિશેષ ચહલપહલ હોટલોના બંધ ખંડોમાં હતી.

ઍડવાન્સમાં બુક કરાવેલા ખાસ કમરામાં તેઓ પહોંચ્યાં ત્યારે આબુ પર સૂનકાર છાઈ ગયો હતો.

કમરો સરસ હતો. હોટલ પણ સારી કક્ષાની રૉયલ કહી શકાય તેવી હતી. સૂચનાઓ અનુરૂપ કમરો સજાવ્યો પણ હતો. બંનેને શશીઅંકલ યાદ આવી ગયા હતા. કેટલી કાળજી રાખી હતી ? કેવી સૂચનાઓ આપી હશે અંકલે ? સુજાતાને શરમ આવતી હતી.

‘સુજાતા હવે લજ્જા નહિ ચાલે શું સમજી ?’

‘ઓ...કે...વત્સલ...’ તે કોમળ સ્વરમાં બોલી હતી. ત્યાં જ બજર વાગી.

‘એ લોંગ ડીસ્ટંટ ફોન ફોર યુ મી. વત્સલ. અમોએ તો ના પાડી પણ એ હોટેલ રીસેપ્શનીસ્ટે સ્થિતિ સમજાવી.

‘આપો...’ કહીને વત્સલે રીસીવર કાન પર મૂક્યું. તેને અનેક વિચાર આવી ગયા અને સુજાતા તો જાણે થીજી જ ગઈ. કોણ હશે ? શું હશે ? ધુમ્મસની જેમ ઘેરાઈ ગઈ તે.

*

૧૭

‘જીજાજી... હું વિશ્વા બોલું છું. કેમ ચંકી ગયા ને ?’ કંઈખ ચિંતામાં પડી ગયેલાં વત્સલના કર્ણપટ પર વિશ્વાનો રમતિયાળ અવાજ રણઝણ્યો. રાહત થઈ. તે તો માનતો હતો કે કદાચ કેદાર હશે. ગઈ કાલે વિગતવાર ચર્ચા થઈ હતી છતાં પણ કશું કહેવા તે ફોન ડાયલ કરવા સુધી જાય તેવી હસ્તી હતી. તેનો અજંપો અને સ્વાર્થ તે સારી રીતે જાણતો હતો.

પણ આ તો વિશ્વા હતી. તેને થોડી રાહત થઈ. બીજા કોઈ હોત તો તેને ગમ્યું ન હોત. આ કાંઈ આવી ખલેલ કરવાનો સમય નહોતો.

‘બોલ...શી નવી મજાક કરવી છે ?’ તેણે હસીને ઉત્તર વાળ્યો. પાસે બેઠેલી સુજાતાને પણ ખ્યાલ આવી ગયો કે એ વિશ્વા હતી.

તેને આ છોકરમત પર અણગમો આવ્યો. તે કાંઈ નાની તો નહોતી જ. આ હોટેલનો ફોન નંબર તો મેળવી શકાય તેમ જ હતો. માલિની પણ જાણતી હતી. શો અર્થ હતો અવિચારી કાર્યનો ?

‘જીજાજી... તમને ડર તો લાગ્યો જ હશે કે આ તો હનીમુનમાં પણ આવે તેવી છે, પણ ના એમ થોડું કરાય. તમે મને ગમો છો તો પણ એમ થોડું કરાય ? એમ તો તમને પણ હું ગમતી જ હોઈશ ખરું ને. જીજાજી, વિચિત્ર છોકરી છું ને ? એ તો છું જ વયમાં થોડી મોટી હોત તો તમને મીસ ન જ કરત. તમને પહેલી વાર જોયા પછી આવી જ લાગણી થાય છે. બસ... ન રહેવાયું. તમને ફોન કરી જ નાખ્યો. શું કરે છે મોટીબેન ? આપો એમને. એ પછી વહેમાશે મારા પર. મારે કાંઈ તેના વરને મારો થોડો કરી લેવાશે. બાય ધ વે... તમને બન્નેને મારી શુભેચ્છાઓ સમજી ગયા ને ? દુનિયા આખી જાણતી હોય છે એમાં ખોટો દંભ શા માટે રાખવો ?’

‘ભલે...ભલે વિશ્વા... તારી ભલી લાગણી માટે આભાર. તારી બહેનને આપું છું.’

વત્સલે ફોનનું રીસીવર સુજાતાને સોંપ્યું અને હસતાં હસતાં ઉમેર્યું : ‘કેટલી ભોળી છે ? ત્યાં રહ્યાં રહ્યાં આપણી ચિંતા કરે છે. એટલું ભાન પણ નથી કે આમ અત્યારે ફોન ન કરાય...’

વત્સલે પત્નીનો અણગમો હળવો કરવાના આશયથી થોડાં વાક્યો કહ્યાં. હકીકતમાં વિશ્વાએ કહેલી વાતોને આની સાથે કશોય સંબંધ નહોતો. તે જરા વિચલિત થઈ ગયો. કેવી કેવી વાતો કરતી હતી વિશ્વા ? સાવ બેધડક વાતો ? તેની શારીરિક વય સાથે આ વાતોનો મેળ કદાચ નહોતો પડતો. કોઈ પુખ્ત વયની સ્ત્રી જેવું જ તે બોલતી હતી.

એક બે પળમાં તેને વિશ્વા સમજાઈ ગઈ. તે એક માર્ગ ભૂલેલી છોકરી હતી. તેને કદાચ સાચો પ્રેમ મળ્યો નહોતો. પિતા તો હતા નહિ. અને માતા ? માલિની તો સંપત્તિ પાછળ પડી હતી. તેને સંપત્તિની ભૂખ હતી. એ તો વત્સલથી અજાણ્યું નહોતું. કેદાર જેવા નરધામ તેના સાથીદાર હતાય

કેટલીક વાતો તેને આન્ટીએ કહી હતી. કેટલીક વાતો અચાનક સુજાતાના મુખમાંથી નીકળી ગઈ હતી. સુજાતાનો વ્યથા ભરેલો ચહેરો પણ ઘણું ઘણું વ્યક્ત કરતો હતો. તેણે મક્કમતાથી નિર્ણય કરી લીધો હતો કે તે એ અનાથ જેવી અઢળક સંપત્તિની માલિક સુજાતાને સુખી કરશે. શું બળ્યું હતું એ ઐશ્વર્યમાં જે સુખ ન આપી શકે.

‘મોટીબેન બરાબર પહોંચી ગયાં ને ?’ મને ચિંતા થતી હતી એટલે ફોન કરી બેઠી. એ પણ વિચાર્યું નહિ કે તમને ડીસ્ટર્બ કરાય કે નહિ...!’

વિશ્વાએ ડહાપણભરી વાતો કરી. સુજાતા હસી પડી. ‘વિશ્વા તું સાચે જ ભોળી છું. દુનિયાને લાગે કે તું મોટી ભડભાદર થઈ ગઈ ! પણ તું તો નાની ઢાંગલી જ છું. હવે શાંતિથી જંપી જા પલંગમાં અમે કુશળ છીએ અને તારા આ પરાક્રમની વાત કોઈને કહેતી નહિ. તને ઠપકો મળશે...’ સુજાતાએ રીસીવર ઑફ કરી નાખ્યું.

બંને હસી પડ્યાં એક સાથે.

‘સવા નાદાન જ છે.’ સુજાતા બોલી પણ વત્સલ તેમ બોલી ન શક્યો. એ ગુલાબી સેજમાં એ રાતે તે બંને જ નહોતાં પરંતુ વિશ્વા પણ હતી જ એવું વત્સલ અનુભવી રહ્યો. શાંત જલતરંગ પર હસ્તસ્પર્શ થાય તોપણ તેનો ખળભળાટ ક્યાંય સુધી ચાલ્યા કરે. પ્રથમ હવામાં પછી મનમાં પણ. વિશ્વા એવી જ રીતે વત્સલની ભીતર રણઝણતી રહી. તેના કહેલા શબ્દો વાતાવરણમાં હિલોળાતા રહ્યાં.

નવી અનુભૂતિ હતી. સુજાતા એ સંવદનને કેવી રીતે મૂલવે ?

સરસ દિવસો પસાર થયા. તેઓ બંને મથતા રહ્યાં યાદોથી પાત્રોથી, વિમુક્ત થવા માટે પણ એ કાંઈ શક્ય નહોતું. સુજાતા ખુશ હતી. નખી લેકમનાં બોટિંગ કરવા જેટલું પાણી નહોતું. તે બંને પરના એક ખૂણે બેઠાં હતાં. ગિરિનગરનાં દૃશ્યો નિહાળ્યાં હતાં. અન્ય સહેલાણીઓની ગમ્મતો નિહાળી હતી. આબુના પ્રસિદ્ધ દેવાલયની કોતરણીમાં મન પરોવ્યાં હતાં. ‘પેલી જોઈ ? અસલ વિશ્વા જ લાગે છે ને !’ ક્યાંક ક્યાંક સુજાતાને ટોળાઓમાં વિશ્વાના દર્શન થયા હતા.

એકમેકમાં ઓતપ્રોત પણ થવાયું. યાદગાર બની ગયો આ સમય, પણ પછી ઘર નગર અને સ્વજનો યાદ આવ્યાં. આ સ્થળ ક્યાં કાયમનું હતું ? વળતો પ્રવાસ રેલમાં કર્યો. નવીનતા ખાતર અને એ માણી પણ ખરી.

કાલુપુર રેલવે સ્ટેશને બંનેને પ્રથમમિલનની મધુર યાદ આવી ગઈ. કેટલાં અજાણ્યાં બંને ? અને અત્યારે પરિયરનું એક વર્તુળ પૂરું થયું હતું. ઉત્તેજના લાગતી હતી. હવે પુનઃ જૂની પરિચિતતામાં ઓગળવાનું હતું.

સૌને મળ્યાં, ભેટ્યાં, વાતો કરી. સુજાતાના ચહેરા પર તાજગી હતી જ્યારે વત્સલના ચહેરા પર થાકના નિશાન હતા. સુજાતા વિશ્વાને ભેટી પડી. આશ્લેષમાં ઉષ્મા હતી. સુજાતા તેની ભોળી વિશ્વા પર ખુશ હતી. વિશ્વાની એક આંખ વત્સલ પર હતી તે ભોળી થઈ ને બોલી :

‘જીજાજી... ખૂબ થાક્યા લાગો છો... તમે અને મોટીબેન આરામ કરો.

વત્સલ જોઈ રહ્યો કે આ છોકરી કશી નવી મજાક નથી કરી રહી ને. ના, તેની આંખ સાવ સપાટ તી. એક પળ તો તેને થયું કે તે એક ભોળી છોકરી હતી. સુજાતા કહી રહી હતી તેવી. તેણે જે ફોન કર્યો એ ક્ષણિક આવેગ હશે કે પછી સમજના અભાવે હશે.

માલિની ખુશ દેખાતી હતી કારણ કે શશીભાઈએ મિલકતની આકારણી કરી હતી. હિસાબો કરી રાખ્યા હતા. મનોમન ગોઠવણ પણ વિચારી રાખી હતી. સાવ સ્પષ્ટ વાત હતી. બે ભાગ કરવાના હતા. એક માલિનીનો અઇને એક સુજાતાનો. શશીભાઈ બધું કાયદેસર કરવાના હતા. વકીલની સલાહ મુજબ જ ચાલવાનું હતું. જે મનોકામના મનમાં ઘોળાતી હતી એ પ્રાપ્ત કરવાની ઘડી આવી પહોંચી હતી.

‘વત્સલ-સુજાતા તમે બંને ઉપરના ખંડમાં આરામ કરો. શશીભાઈને પણ કહી રાખ્યું છે. સૌએ અહીં જ જમવાનું છે. સુજાતા તું પલ્લુને પણ કહી દે તે પાછી કૉલેજમાં ચાલી ન જાય...’

માલિનીના ઉત્સાહનો પાર નહોતો. સુજાતાને તેની કૉલેજ યાદ આવી ગઈ. લગ્ન અને હનીમુનના ચક્કરમાં એ તો સાવ વિસારે પડી ગઈ હતી.

‘ના... મારે એ અધૂરું નથી મૂકવું. હું એકબે દિવસમાં જ હાથમાં પુસ્તકો લઈને તારી સાથે નીકળી પડીશ...’ તેણે પલ્લવીને કહ્યું.

‘અરે તું મને આ કહેવા માટે અહીં સુધી આવી ?’ પલ્લવી હસી પડી. ‘ગાંડી... મારે તને અનેક વાતો પૂછવી છે. રજેરજ વાત સાંભળવી છે.’

સુજાતા શરમાઈ.

‘પલ્લવી... તારે પણ એમાંથી ગુજરવાનું જ છે. મારે તારી ઉત્તેજના જાળવી રાખવી છે.’ તે બોલી બોલવા ખાતર. પલ્લવી કાંઈ માને તેમ નહોતી.

વત્સલ ઉપરના ડંખના પલંગ પર હતો ને સુજાતા પલ્લવીની કેદમાં કેદ હતી. ‘અલી...બોલને...’

તે માંડ માંડ છૂટીને આવી. ડુપ્લેક્ષની અંદરની સીડી ચડીને પતિ પાસે આવી. તેના પગમાં ત્વરા હતી. વત્સલ સૂતો હતો. પાસે જ પલંગ પર વિશ્વા બેઠી હતી. બંને વચ્ચે એમ તો અંતર હતું. વિશ્વા પૂછી રહી હતી.

‘હેં જીજાજી... તમે વાત તો કરો... ક્યાં ક્યાં ફર્યાં ? સનસેટ જોયો કે નહિ ?’ વિશ્વાની આંખમાં તોફાન હતું.

‘ઓહ ! વિશ્વા તું અહીં પણ આવી ગઈ ! વત્સલને આરામ કરવા દે.’ તે જરા સખ્તાઈથી બોલી પછી તેને જ એ બરાબર ન લાગ્યું. વિશ્વાએ લાગણીથી ફોન કર્યો હતો છેક આબુની હોટલ પર. લાગણી તો ખરી જ.

‘જો... બેન... તારા માટે મેં એક માળા પણ લીધી છે. તને શોભે એવી સરસ છે. વત્સલે એક ડ્રેસ પણ ખરીદ્યો છે તારા માટે. હમણાં આરામ કરવા દે !’

‘ભલે બેન, પણ તમારે મને બધી વાત કહેવી પડશે...’ તે એમ બોલતી સરકી ગઈ.

‘છોકરી આટલી ભોળી હોય એ પણ નહિ સારું. અને તેને મારું કેટલું વળગણ છે એ પણ તમે જોયું ને વત્સલ... વચમાં થોડો સમય દૂર દૂર રહેતી હતી પણ એ તો ઓલી કુસુમને કારણે, તે વિશ્વા વિશે ભાષણ આપવા લાગી. તેણે બારણા બંધ કર્યાં એન મુક્ત હરિણીની માફક દોડતી વત્સલ પાસે પહોંચી ગઈ.

‘બરાબર ને, વત્સલ...’

‘હા... બહુ ભોળું ન થવાય, વિશ્વા જેવું !’

વત્સલના શબ્દોમાં વ્યંગ હતો પણ સુજાતા આ સમજવાના મુડમાં નહોતી. તે તેને વળગીને શૈયામાં પડી.

વત્સલને વિશ્વાના વિચારો આવતા હતા. આ નાની છોકરીને કેટલા ચહેરા હતા ? અને સુજાતા તેને ભોળી માનતી હતી. એક વાત નિશ્ચિત હતી, તે આ રમત નહોતી કરતી. કોઈએ તેને આમ કરવા કહ્યું હશે ? કે તે જાતે જ આમ વર્તતી હશે ? કોણ કહે ? માલિની...? કે પછી કેદાર...?

તેની પત્ની પાસે હતી છતાં વિચારો તો વિશ્વાના આવતા હતા. તેણે મથામણ પણ કરી તેને વિસારે પાડવાની પણ ન બની શક્યું. કેદારની ભૂમિકાનું વિસ્મય તો હતું જ અએને હવે આ નાની છોકરી પણ મળી હતી.

તેણે નક્કી કરી નાખ્યું કે બસ અલિપ્ત જ થઈ જવું. આ લોકોથી હજુ મિલકતનો પ્રશ્ન પતવાનો બાકી હતો. કેદારની મુલાકાત પણ થવાની હતી. તેને સુજાતા પર લાગણી જન્મી. આ કાદવમાં આ એક જ બચી શકે એ તેની વિશિષ્ટતાથી. કદાચ તેના સંસ્કારોથી બાકી આમાં તો કશું પામવાનું નહોતું જેનું ગૌરવ થાય.

જમ્યાં... મળ્યાં... વાતો કરી હસ્યાં પણ બધું જ કરવા ખાતર... સીધાં પહોંચ્યાં શશીઅંકલ પાસે. આન્ટી ગાંડાઘેલાં થઈ ગયાં. તેને જોયું કે સુજાતા પણ એવી જ લાગણી અનુભવતી હતી.

સુજાતાને શશીઅંકર અને આન્ટી પ્રતિ આત્મીયતા હતી. તે અહીં જ પ્રેમ પામી હતી. સાચો પ્રેમ તેની વેરાન જિંદગીને અહીં જ નવી દિશા મળી હતી. તેને લાગ્યું હતું કે જિંદગી જીવવા જેવી હતી. અને છેલ્લે તેને વત્સલ પમ મળ્યો હતો.

‘થોડા દિવસો અહીં રહો અમારી સાથે, તમારો ફ્લેટ તો પછી છે જ કાયમ માટે.’ આન્ટીએ પ્રસ્તાવ મૂક્યો. જે કોઈથી ટાળી શકાય તેમ નહોતો.

આમ તો શશીભાઈ જ ઉતાવળમાં હતા. સંપતરાયની સંપત્તિ સાવ સરળતાથી મળી ગઈ. માલિનીએ શશીભાએ કરેલી વ્યથા સ્વીકારી લીધી. વકીલ મહાશયે બાકીનું કામ પૂરું કર્યું. શશીભાઈનો મહાભારત બીજો ઊતરી ગયો. હળવા ફૂલ થઈ ગયા. સુજાતાને અનેક દસ્તાવેજોમાં સહીઓ કરવાની હતી. તે અચૂક વત્સલ સામે જોઈ લેતી. વત્સલ કશો જ પ્રતિભાવ આપતો નહોતો. તેને કેદાર યાદ આવતો હતો. પાછો કલાકાર પણ હતો. આ કેટલો મોટો વિરોધાભાસ હતો. અધૂરો માણસ પૂર્ણ રીતે કલાકાર કેવી રીતે બની શકે ?

વત્સલના આશ્ચર્ય વચ્ચે કેદારે સંદેશો મોકલ્યો હતો. જમાઈબાબુ ઉતાવળ નથી. મોજમજાના દિવસો છે. તમે મને ક્યાં એક પૈસો પણ ઓછો આપવાના છે ?’

સંદેશો મૌખિક હતો પણ અક્ષરસઃ આ મુજબ જ હતો.

‘ચાલો... આવાં લોકોને પણ લાગણીઓ સ્પર્શે છે ખરી ! વત્સલ વિચારતો હતો.

તેનો તથા સુજાતાનો સમય સરળતાથી પસાર થતો હતો. વત્સલે તેનું સ્વતંત્ર ગૅરેજ પણ શરૂ કર્યું. સુજાતાના ચહેરા પર આનંદ લીંપાઈ ગયો.

ગેરેજ ખરીદવાની વાટાઘાટો કેદારે કરી હતી. તેની ઓળખાણથી જ આ કામ સરળ બન્યું હતું. વત્સલે મંગળ પ્રવેશના પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ તો આપ્યું હતું પણ તેણે હાજર રહેવાનું ટાળ્યું હતું.

વિશ્વા - માલિની - પલ્લવી - અક્ષય - હાજર હતા. શશીભાઈને પણ તેમનાં પોતાનાં કામ હતાં. હજુ તેમણે તેમનો આ બધું જ છોડીને હરદ્વાર કે ક્યાંક ચાલી જવાના મક્કમ નિર્ણય વિશે કોઈને જમાવ્યું નહોતું.

‘અત્યારથી છોકરાઓને કહેશો નહિ એ બંનેને નહિ ગમે.’ આન્ટીએ તાકીદ કરી હતી.

વિશ્વા વત્સલ પાસેથી હટતી નહોતી. તેનાં વસ્ત્રો પરના સ્પ્રેની મહેંક વત્સલ પર ઝળૂંબતી હતી.

‘જીજાજી... તમારે મને સ્પેશિયલ પાર્ટી આપવી પડશે. માત્ર મને જ ! તેના પર આ વાક્યોમાં કશું અનુચિત લાગે તેવું નહોતું. એક નટખટ સાળીની રૂપાળી જીદ હતી, પણ વત્સલને ડર લાગતો હતો.

‘મને લાગે છે કે આ કાયમ નાની જ રહેવાની.’ માલિની સુજાતાને કહી રહી હતી. તું તો પહેલેથી જ ઠાવકી...!

સુજાતા અને વત્સલ પોતાના ફ્લેટ પર હેલા આવી ગયા. નવું નવું લાગ્યું. નવીનતાનો આનંદ પણ આવ્યો. સુજાતાએ તેની રીતે ઘર સજાવ્યું. ગૃહ સજાવટ નવીન દિનચર્યાથી ટેવાઈ ગઈ. પલ્લવી સખીની ગૃહ સજાવટ નીરખી ગઈ, પ્રશંસી ગઈ, ‘અલી... તું તો સાચેસાચ ગૃહિણી બની ગઈ. મને અચંબો થાય છે. તને જોઈને !’ પલ્લવીએ મનની વાત કહી.

‘તને તો શું, મને પણ અચંબો થશે. હું આવતી કાલથી કૉલેજ જવાનું શરૂ કરું છું.’

‘સરસ... દરરોજ મને નવી નવી વાતો જાણવા મળશે. મારાં જ્ઞાનમાં વૃદ્ધિ થશે.’ પલ્લવીએ પ્રતિભાવ આપ્યો હતો.

એક નવું જીવનચક્ર શરૂ થયું હતું.

વત્સલ ખુશ હતો. કેદાર તથા માલિની સાથેનો હિસાબ પતી ગયો હતો. માત્ર એટલી સંપત્તિ સોંપવાની બાકી હતી. એ માટે સુજાતાની સંમતિ મેળવાની હતી.

સુજાતાને અંધારામાં રાખીને એ કાર્ય સંપન્ન કરવાનું હતું. કેદારને પણ લાગ્યું હતું કે કાર્ય ખરેખર મુશ્કેલ હતું. સંસારના પ્રથમ ચરણમાં જ પત્નીને છેતરવાની હતી.

વત્સલ નખશિખ કંપની ગયો.

‘જમાઈબાબુ... વધ આખરે વધ જ છે. એક ઝાટકો કરો કે કટકે કટકે... અને છલના ક્યાં નથી ? દરેક સંબંધના મૂળમાં સ્વાર્થ જ છે, ક્યાંક સ્થૂળ તો ક્યાંક સૂક્ષ્મ.’

કેદારે તત્ત્વજ્ઞાન ડહોળ્યું પણ વત્સલને એમાં લવલેશ રસ નહોતો. જેને આત્મીય માની એને જ છેતરવાની ? તેની ચિંતા તેના સમગ્ર અસ્તિત્વને પીડતી હતી.

‘તેમને ન ગમ્યું. આ મારું કૉલેજમાં જવાનું ?’ સુજાતા પણ તેને ઉદાસી વાંચી શકેલી. અલબત્ત તેને આ સિવાયનું કારણ મળે તેમ નહોતું.

‘ના...રે... મને શો વાંધો હોય ? તું મારા બધા જ સમયો સાચવી લે છે ! વત્સલે તેની ઉદાસી છુપાવવા રસિકતાનો આશ્રય લીધો. ‘તો શું ધંધાની ચિંતા છે ?’ તે એક ડગ આગળ વધી. ‘ના...રે... હજુ ચિંતા કરવા જેટલો પથારો પણ ક્યાં થયો છે ?’ તો શું છે તમને ? મરાં સોગન. ન કહો તો !’ સુજાતામાં એક લાગણી ભરેલી પરંપરાગત સ્ત્રી જન્મી ચૂકી હતી. તેને લાગતું હતું કે કશું હતું જરૂર. એ પુરુષના હૃદયમાં જે તે તાગી શકતી નહોતી.

અચાનક તેને સમજ પડી ગઈ. પલ્લવી સાથે વાતો કરતાં કરતાં જ. તે બંને કૉલેજના પ્રાંગણમાં ભીની ભીની-સુંવાળી લોન પર બેઠાં હતાં. ફ્રી પિરીયડ હતો. સંસારની, નવા નવા અનુભવોની વાતો થતી હતી. સુજાતા કહી રહી હતી.

‘પલ્લુ... મેં પણ ખૂબ વાંચ્યું હતું. સાંભળ્યું હતું પણ હવે તો સાક્ષાત્‌ અનુભવું છું. કાયા બે પણ પ્રાણ એક જ.’ પલ્લવી વિસ્મયથી સાંભળી રહી હતી.

એકાએક તેને સ્ફૂર્યું હતું. તે ડહાપણ ડહોળતી હતી પણ તેણે શું કર્યું હતું ? તેણે એક ગંભીર ભૂલ કરી હતી. તેને વત્સલની ઉદાસીનું કારણ મળી ગયું હતું.

પતિ અને પત્ની વચ્ચે જુદારો ન હોય. જે સંપત્તિ તેને મળી હતી એ તેણે તેના નામ પર રાખી હતી. ‘બૅન્કથી થાપણો, પ્રોમિસરી નોટ્‌સ, રોકડ એ બધું જ તેના નામ પર હતું. વત્સલને કેવી લાગણી થતી હશે ? તે બંને ક્યાં અલગ હતા ? એ સાંજે જ તેણે વત્સલ પાસે કબૂલાત કરી હતી.

‘વત્સલ એ મારી ભૂલ જ કહેવાય. આ આપણાં બંનેનું છે. ખરેખર તો આપણાં બે વચ્ચે એવાં ભેદ ન જ હોવાં જોઈએ. કાલે જ વકીલને બોલાવી લો. બધાં જ દસ્તાવેજો પર તમારું નામ પણ સામેલ કરાવી દો.’

સુજાતા વ્યથિત થઈ હતી. તેને થતું દુઃખ જોઈ શકાતું હતું.

‘નહિ-સુજાતા મારાં મનમાં એવું કશું છે જ નહિ.’ તેણે માત્ર એટલું જ કહ્યું. ખરેખર હૃદયથી તે એમ ઇચ્છતો નહોતો પણ પછી ગમી ગયું.

તેને પણ સુજાતાને થયો એવો જ ઝબકારો થયો હતો. ઓહ ! સુજાતાની આ વિચિત્ર જીદથી તો તેની સમસ્યા ટળતી હતી. કેદાર તથા માલિનીને પૈસા ચૂકવવાનો પ્રશ્ન અનાયાસ જ ઉકેલાઈ જતો હતો !

તેનો પ્રતિકાર મંદ અને ઔપચારિક બની ગયો. તે લાચાર હતો. માંડ માંડ ઉકેલ સાંપડ્યો હતો.

સંસારમાં પ્રવેશ કર્યા પછી તરત જ આ ભોળી પત્નીને છેતરવી ? બીજો વિકલ્પ પણ ક્યાં હતો ? ભલે, આ પાપ હોય, પણ એક વાર આચરી લેવું !’ આ ચુંગાલમાંથી મુક્ત થવું. આ જ શ્રેષ્ઠ માર્ગ હતો. આમાં કલ્યાણ હતું અને પછી માલિની... કેદાર... એ સૌથી અલિપ્ત બની જવું !

આવી સુંદર પત્ની મળી હતી. આ થોડા સંગાથ દરમિયાન તો તેને પાર વિનાનું સુખ સાંપડ્યું હતું તે પમ ક્યાં પૂર્ણ હતો એક માણસ તરીકે ? કાંઈક હોવાનો અનુભવ થતો હતો તેને આ સ્ત્રીના સહવાસમાં.

અંબામાના મંદિરમાં કેવી અનુભૂતિ થઈ હતી ? તેણે જાણે કે વરદાન આપ્યું હતું : ‘મને માત્ર ચપટી ગુલાલની જરૂર હતી. આખું આયખું સભર કરી દઈશ. રંગમય બનાવી દઈશ.’

તે આવું જ કશું બોલી હતી. વત્સલને યાદ હતું.

તેણે રૂપિયા-આના-પાઈમાં કેદારને, માલિનીને ખરેખર પૈસા ચૂકવી દીધાં.

‘જમાઈબાબુ... મેં નહોતું કહ્યું કે કશો માર્ગ મળી જશે ! કેદારે સ્વસ્થતાથી કહ્યું હતું.

‘જુઓ વત્સલ માઠું ન લગાડશો. મારે મારાં બંને સંતાનોને પણ મોટાં કરવાં છે. આ તો તેમણે કરેલી ભૂલને સુધારી છે. તમે પણ સમજદારી દાખવી છે.’ માલિનીએ સ્પષ્ટતા કરી હતી.

*

૧૮

વિશ્વાની વય જ એવી હતી કે તેને તરંગી વિચારો આવે. તેણે વત્સલને જોયો ત્યારથી તેનું મન ચંચળ બની ગયું. એ પહેલાં તો તેને સુજાતામાં જ રસ નહોતો. વત્સલ વિશે સાંભળ્યું જરૂર હતું પણ સુજાતા પ્રત્યેના પૂર્વગ્રહોની અસર તેને પણ લાગી ગઈ હતી.

‘શું હશે વળી એ છોકરામાં જેણે આ મણિબેનને પસંદ કરી હોય !’ તે ખડખડાટ હસી હતી. નિશીથ જેવો તરવરાટ તો એ વત્સલમાં નહિ જ હોય એમ તે દૃઢપણે માનતી હતી.

તેણે વત્સલને જોયો અને અવાક થઈ ગઈ, ભોંઠપ પણ અનુભવી. એ કાંઈ એવો તો નહોતો... જેવી તેની ધારણા હતી. તેને લાગ્યું : ‘આ તો સુજાતા ફાવી ગઈ હતી.’

તેનું મન વત્સલમાં ઢળ્યું હતું. તેને લાગવા માંડ્યું કે તે કશુંક ગુમાવી રહી હતી.

તેની ઇચ્છા તરત જ નિશીથને મળવાની હતી. એ માટે તેણે પ્રયાસો પણ કર્યા પણ તે ન મળ્યો. ચીડ પણ ચડી નિશીથ પર. એ જનૂનની અસર તેના વર્તન પર થઈ. લગ્ન વખતે તે વિચિત્ર રીતે વર્તી. આબુ વત્સલ પર ફોન કર્યો. અને એ લોકો આવી ગયા પછી પણ તેની વિચિત્રતા ચાલુ રહી.

વત્સલને આ રૂપાળી છોકરીનું માનસ સમજાતું હતું. કોઈ છોકરી આવી રીતે તો ન વર્તે. તેને બધું જ ભાન હોય. એકાદ વાર આમ બને તો એને અકસ્માત ગણી શકાય, તેનું ભોળપણ કે મૂર્ખાઈ લેખી શકાય પણ આ તો સમજપૂર્વકનું તોફાન હોય તેમ લાગતું હતું. એ રૂપાળી છોકરી એટલી મૂર્ખ તો નહોતી જ. વત્સલને શંકા તો પડી ગઈ હતી કે વિશ્વા કદાચ કોઈની રમતનું પ્યાદું પણ હોય ! તે કદાચ કેદાર કે માલિનીની ઇચ્છાની પૂર્તિ પણ કરતી હોય !

એ બે વ્યક્તિઓ તો તેના મનમાંથી ક્યારનીય ઊતરી ગઈ હતી. સુજાતા પર નવેસરથી માનની લાગણી જન્મી હતી. તે માની અધિકારીણી હતી.

પરિચય તો હતો જ, આ થોડા સમયમાં તે સુજાતાની પ્રેમભરી રીતભાતથી ખુશખુશાલ થઈ ગયો હતો, ન્યાલ થઈ ગયો હતો. તેણે લાગતું હતું કે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું હતું. આખરે જિંદગી જીવવા માટે પ્રેમ અને સરળતાથી વિશેષ શાની જરૂર પડે ? અંબાજીના મંદિરમાં પત્નીની દિવ્યતા પણ તેણે અનુભવી હતી. તેણે મનથી વિચારી લીધું હતું કે સુજાતા જ સર્વસ્વ હતી, અને માલિની તથા કેદાર તો ભૂલવા યોગ્ય હતા. હા, વિશ્વા માટે કરુણા જન્મી હતી. તે જે ભાષાનો ઉપયોગ કરતી હતી એ તેની તો નહોતી જ, એમ તે સતત અનુભવતો હતો.

જ્યારે કાંઈક વિચિત્ર બને ત્યારે સહજ રીતે જિજ્ઞાસા તો જાગે જ. વત્સલને પણ એવી જ જિજ્ઞાસા જાગતી હતી. જાણવું તો ખરું જ. આખરે કોણ આ રૂપાળા મહોરાને ચલાવી રહ્યું હતું.

તે માલિની તથા કેદારની એક ભૂખથી તો અવગત હતો. એ તેને સંતોષી પણ હતી, પણ હવે તેની તૈયારી નહોતી. ના, હવે તે પ્રતિકાર કરશે. સુજાતા અને તેની અમાનતનું રક્ષણ કરશે.

અને આમ ન હોય તોપણ તેને વિશ્વાને સાચા રસ્તા પર લાવવાની તક તો મળશે જ.

‘ના વત્સલ એ કાંઈ ખરાબ છોકરી નથી. અમારી નોકરાણી કુસુમની સોબતની અસર છે. તેણે છીછરી વાતો કહીને તેને બહેકાવી છે. તેણે આબુ ફોન કર્યો એ તો નરી લાગણીની વાત હતી.’ તેણે પતિ પાસે વિશ્વાની વકીલાત પણ કરી હ તી.

ત્યારે તો આ પણ નથી જાણતી કે વિશ્વા શું કરી રહી હતી. વત્સલે પ્રગટ કરી કશું કહ્યું નહોતું.

રોજની વાતોમાં મુખ્યત્વે કૉલેજની વાતો થતી. સુજાતા રસપૂર્વક વત્સલને તેની રોજનીશી જણાવી દેતી.

વત્સલ હજુ તો વય પણ એની એ જ છે. અભ્યાસ પણ સળંગ રહ્યો છે. આ લગ્ન કશા અંતરાય રૂપ પણ નથી બન્યું. તેમ છતાં પણ મને નવું નવું લાગે છે, એક નવીન અનુભૂતિ થાય છે. મારી સખીઓ મને ભિન્ન દૃષ્ટિથી જુએ છે, મારી મજાક પણ કરે છે. અનેક પૃચ્છા પણ કરે છે. કશું ખાસ નથી બન્યું છતાં ઘણું ઘણું બન્યું છે. એક પુરુષના સંસર્ગે મારી જૂની કાંચળી જાણે ઊતરી ગઈ. વત્સલ એક નવો સ્ત્રી જન્મ લઈ રહી છે. મારી ભીતરમાં કહોને, તમને પણ થાય છે આવી અનુભૂતિ ? હા. સુજાતા મને પણ ઘણી અનુભૂતિઓ થાય છે. સીધોસાદો મિકેનીક છું ને, એટલે તારી માફક વાત કરતાં નહિ ફાવે’ તે હસી પડતો.

ખરેખર નવો ધંધો હતો. તે મહેનત પણ કરતો હતો. બપોરનું ભોજન, વિશ્વામ વિસરાઈ જતા હતા, પણ સુજાતા ભૂલાતી નહોતી. ભરચક કામો વચ્ચે પણ તે સાંભરી જતી હતી. કોઈ નમણી નાજુક ગાડી જુએ ને મન તેની પરિભાષામાં સુજાતાની પ્રશંસા કરી બેસતું હતું : ‘અદ્દલ તેના જેવી જ છે સુજાતા-’

પરિણામ સારાં આવતાં ઉત્સાહમાં વધારો થયો હતો. ‘સુજાતા મારે હવે ટિફિન લઈ જવું પડશે. તારી લાલચ તો હોય જ છે પણ કામનો બોજ પણ-!’

‘ અચ્છા પણ સાંજે તો વહેલા આવી શકાય કે નહિ ? બસ એ સાંજ પર્યાપ્ત છે. રાતે તો પાછી મારી લાચારી હોય છે.’ સુજાતાએ પુસ્તકો હાથમાં લેતાં જવાબ વાળ્યો.

સુખની કોઈ તૈયાર રેસીપી નથી. એ તો મેળવવું પડે છે. શોધવું પડે છે, મનને સમજાવવું પડે છે. સુજાતા, હું ખુશ છું તારી વાતો સાંભળીને. તારા દુઃખના દિવસો પૂરા થયા છે. એક સમયે તો મને થતું હતું કે દુનિયામાં ન્યાય જેવું કશું હતું જ નહિ. તને આશ્વાસન આપતી હતી પણ ઈશ્વરને ઠપકો આપતી હતી. હું ખુદ નિરાશાવાદી બની ગઈ હતી. હવે મને સંતોષ છે.’

પલ્લવીએ તેનો સંતોષ વ્યક્ત કર્યો. અરે, હળવાશથી ઉમેર્યું પણ ખરું :

‘સુજાતા હવે તો હું મારો પણ વિચાર કરું છું. કોઈ વત્સલ સરખો મળી જાય તો ઘડિયા લગન લેવરાવું !’

શશીકાકા તથા આન્ટી કાયમ માટે આ સ્થળ છોડી ગયા ત્યારે સુજાતા વિહ્‌વળ થઈ ગઈ.

‘અંકલ જો આ બંધનમાં ન નાખી હોત તો તમારી સાથે જ ચાલી આવત.’

‘બેટા તું તથા વત્સલ સુખે રહેજો. વત્સલને પણ મેં શિખામણ આપી છે. જીવન છે ક્યારેક તોફાન આવે પણ ખરું. હારી ન જતા, માર્ગ મળી જશે.’

તે ગયા. થોડા દિવસો ઉદાસીમાં ગયા, અંકલ અને આન્ટીનાં સ્મરણો વાગોળતા રહ્યા.

પછી પૂર્વવત્‌ થઈ જવાયું.

‘ક્યાં ગયા હશે અંકલ-આન્ટી’ સુજાતાએ વત્સલને પૂછ્યું. કુતૂહલ અને ચિંતા બંને રહે તેવું હતું કારણ કે શશીભાઈએ કોઈને એ સ્થળ વિશે કશું કહ્યું જ નહોતું.

બસઅજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા જાણે !

સુજાતા ક્યારેક ગહન વિચારોમાં ડૂબી જતી.

‘આ કેવું ચક્ર હતું ? એ સતત ફરતુ ંહતું. દુઃખ કે સુખ કશું કાયમ રહેતું નહોતું.

વત્સલે માલિની સાથેના સંબંધો સાવ ઔપચારિક કરી નાખ્યા હતા. ક્યારેક તે બન્ને જતા પણ ખરા.

‘આવો જમાઈરાજ-’ માલિની મીઠશથી આવકારતી પણ વત્સલની લાગણીમાં કશો ફર્ક નહોતો પડતો. માલિની માટે આદરભાર રહી શકે તેમ નહોતું.

હા વિશ્વા ખુશ ખુશ થઈ જતી.

‘જીજાજી આવો મારા ખંડમાં નિરાંતે વાતો કરીએ. મને મતારી સાથે વાતો કરવી ગમે છે. અને તમે બેય તો આખો દિવસ અને આખી રાત વાતો કરી શકો. ક્યારેક મને તો પાંચ મિનિટ આપો.’

વિશ્વા ઘેલી બની જતી. વત્સલ ફરી અવઢવમાં મુકાઈ જતો. કે શું સમજવું આ છોકરીનું. તે પ્રેમભૂખી હશે કે પછી પ્રેમઘેલી !

તે સતત તેને ટાળતો રહેતો.

‘તમે મારાથી ડરતા તો નથી ને, જીજાજી ?’ તે આમ બોલે ત્યારે તો વત્સલ ખરેખર ડરી જતો.

‘ડર ? તારો ?’ વત્સલ હસી પડતો. તે તેના ખભા પર હાથ પણ મૂકતો એમ મનાવવા કે તે એ છોકરીથી ડરતો નહોતો.

એક બપોરે વિશ્વા કૉલેજ છોડીને સીધી નિશીથ પાસે પહોંચી. તે વિહ્‌વળ બની ગઈ હતી. કુસુમે તેને એક એવી વાત કરી હતી કે તે તંગ મનોદશામાં આવી ગઈ હતી.

વિશ્વા કુસુમ પાસે પહોંચી ત્યારે તે તેની બૅગ તૈયાર કરતી હતી. તેના ચહેરા પર દુઃખ હતું.

‘શું થયું તને વળી ?’ વિશ્વા બોલી. ‘શું તને કેદારે કશું કહ્યું ? તારી ઈચ્છાને તેણે ઇન્કારી ?’

વિશ્વા રમતિયાળ અંદાજમાં વાત કરતી હતી, પણ કુસુમ ગંભીર હતી.

‘બસ જાઉં છું બેન. મારાં અંજળ ખૂટી ગયાં.’

‘પણ ક્યાં જઈશ તું ? મમ્મીએ કશું કહ્યું ? ના જતી હું તેને સમજાવી દઈશ. તારી પાસેથી જ મને રસિક વાતો સાંભળવા મળે છે. જો તારે કેદાર સાથે જ કશું હોય તો આઈ એમ હેલ્પલે....’

અને એ બન્ને સાથે હોય તો તમે કોને કહેશો ?

કુસુમના મુખમાંથી વાક્ય નીકળી ગયું. લાગણી બહુ સમય સુધી ખાળી શકાતી નથી.

કુસુમનો ચહેરો ક્રોધથી લાલ લાલ હતો.

‘બેન હું ગમે ત્યાં ચાલી જઈશ, એ વસ્તીમાં જ્યાંથી હું આવી હતી. મને પસ્તાવો પણ થાય છે કે મેં કેદારને વશ થઈને અનેક બૂરાં કામ કર્યાં. ખોટી લાલચે મને પકડી રાખી. એક સ્ત્રીને વળી કઈ લાલચ હોય ? એક પુરુષ તેનો થઈને રહે, તેની સાથે ઘર માંડે. સુખદુઃખ તે ખુધ શોધી લે, પણ શરત આટલી કે એ પુરુષ ેતનો માત્ર તેનો જ રહે. એમાં કોઈ ભાગીદાર ન હોય.’

કુસુમનો રંગ જ બદલાી ગયો હતો. તેનું દર્દ વિશ્વાને સમજાયું. આ કશી વાતે દુઃખી હતી. કદાચ કેદારને કારણે... આમ તો તે તથા કેદાર મળતા હતા. તે તેમના મિલનની રસમય વાતો પણ વિશ્વાને કહેતી હતી. વિશ્વાને રસ પડતો હતો. ઓહ ! આમ હોય ? કોરી પાટી પર અક્ષરો લખાતા હતા. પછી તો તે સામેથી કુસુમને પૂછતી હતી.

‘બોલ કુસુમ હમણાં શાં શાં પરાક્રમો કર્યાં ?’

કુસુમને તો આ આનંદનો વિષય બની જતો.

અત્યારે કુસુમનો રોષ તીવ્ર હતો. તેને પરિણામોની ચિંતા નહોતી.

બસ આ ચક્રમાંથી બહાર નીકળી જ જવું. તેણે મક્કમતાપૂર્વક નિર્ણય કરી લીધો.

તેણે તેનો થોડો સામાન તૈયાર કર્યો. માલિની પણ ત્યારે નહોતી.

‘કુસુમ મમ્મી પમ નથી. તું તેમને મળ્યા સિવાય ન જા. તે તારા મનનું સમાધાન પણ કરે. તારી આટલી માયા લાગી ગઈ છે કે તને છોડતાં મન માનતું નથી. કુસુમ તને સમજાય છે....!’

વિશ્વાને ખરેએખર દુઃખ થતું હતું. તેને તેનો સાથ યાદ આવતો હતો. કેટલી વાતો કરી હતી કુસુમ સાથે ? તેની સાથે ગમે તેવી વાતો પણ છેડી શકાતી, બાધ વિના.

‘વિશ્વાબેન... મને દુઃખ થાય છે કે મેં તમારી સાથે નિર્લજ્જ વાતો કરી, તમારા કુમળા મનને નકામી વાતોથી ડહોળી નાખ્યું. એ અયોગ્ય હતું. એ મને સમજાય છે. મેં તમારા ઘરમાં એક ચાકરની જેમ કામ કર્યું. હકીકતમાં તો હું ભણેલી ગણેલી છું, પણ કેદારની લાલચે મને ક્યાંયની ના રહેવા દીધી. તે કાંઈ એ સ્ત્રીને છોડી શકે તેમ નથી જ. પછી મારી સાથે સંસાર માંડીને જીવન જીવાવની વાત નરી છલના જ છે. શું મળું મમ્મીને ? હકીકતમાં કેદાર અમને બન્નેને છેકરી રહ્યો છે.’

કુસુમનો આક્રોશ મર્યાદા ઓળંગી ગયો હતો.

વિશ્વાને કુસુમનાં વાક્યો સમજાતાં હતાં. તે પછી એ બીજી સ્ત્રી શું મમ્મી ? તે ચમકી ગઈ હતી. આ તો આઘાતજનક બાબત હતી. શું કહેતી હતી આ કુસુમ ?

‘શું બકે છે તું કુસુમ ? મમ્મી વિશે ગમે તેમ કહેતાં તને શરમ નથી આવતી ? તારું મગજ ભમી ગયું છે કે શું ?’

વિશ્વાનુંમ ગૌર મુખ લાલ લાલ થઈ ગયું.

‘વિશ્વાબેન માફ કરજો. મારે કશું નથી કહેવું. બસ મને જવા દો. તમારી વય પણ નથી કે તમે આ જણો. સુજાતાબેન બધું નજરે નિહાળ્યું છે અને મોટાસાહેબે પણ...!’

કુસુમે એક હાથમાં બૅગ અને બીજા હાથમાં બગલથેલો પકડ્યો અને સડસડાટ, ખંડ અને પરસાળ વિંધતી ચાલી ગઈ.

વિશ્વાએ તેને રોહી નહિ, તેને એવી ઈચ્છા પણ ન થઈ. મમ્મી વિશે ગમે તેમ કહેનાર સ્ત્રી ભલે ચાલી જાય. તેણે વિચાર્યું : ‘આખરે તે તેના સ્વભાવ પર જ ગઈ.’ તે બબડી પગથી માથા સુધી તે ધમધમતી હતી. ‘કેદારની દાઝ મમ્મી પર ઉતારી !’

વિશ્વાનું મનોતંત્ર ડહોળાઈ ગયું. મા વિશે જેવીતેવી વાતો સાંભળવી એ કેટલી આઘાતજનક પીડા હતી ? તેને લાગ્યું કે તેણે કુસુમને આમ જવા દેવાની જરૂર નહોતી. ખરેખર તો તેને પીંખી નાંખવાની જરૂર હતી.

શું કહ્યું તેણે ? સુજાતા બધું જાણે છે. જૂઠ્ઠી, લબાડ અધમ સ્ત્રી.

એ સમયે જ માલિની ફ્લેટમાં પ્રવેશી. તે ખુશખુશાલ લાગતી હતી. તેનો ચહેરો આનંદથી છલકાતો હતો. તેનાં વસ્ત્રોમાંથી સેન્ટનો મઘમઘાટ વછૂટતો હતો.

સૉફા પર સૂતેલી વિશ્વા આ સંકેતો જોઈ રહી. તેના ચહેરા પર વિચિત્ર ભાવ આવી ગયા.

શું પેલાને મળીને આવી હશે ? કુસુમ... સાચી હશે ? વિશ્વાની કાયા સોંસરવી એ ધ્રુજારી ફરી વળી.

અચાનક વિશ્વાની હાજરી માલિનીની દૃષ્ટિમાં આવી ગઈ. ‘શું થયું, બેટા ?’ તે તરત જ પુત્રી તરફ ફરી. આ હાવભાવમાં કશું અસાધારણ હતું એ તેને સમજાઈ ગયું.

‘મમ્મી... તેં સ્પ્રે છાંટ્યું ? પુત્રીએ પૂછ્યું. તેણે બે પળમાં વિશ્વાનું મન વાંચી લીધું. તે સાવધ તો રહેતી હતી છતાં પણ... કશું જરૂર બન્યું હતું. તેને અતીતનો પ્રસંગ યાદ આવી ગયો જ્યારે ખુદ સંપતરાય અને સુજાતા... તે સાવધ બની ગઈ.’

‘બેટા... મંદિરમાં તો કોણ સ્પ્રે લગાડે ? આજે ખૂબ મજા પડી, બેટા, તારા જેવડી જ એક ચોકરી પણ શી તેની છટા ? મંત્રમુગ્ધ બનાવી દે છે, સમય તો ક્યાંય પસાર થઈ જાય છે. આટલી નાની વયમાં આટલી તેજસ્વિતા ? એક વાર તું આવીશ મારી સાથે પ્રવચનમાં...?’

માલિની આટલું બોલતામાં તો ભાવવિભોર બની ગઈ. વિશ્વાના સંશયની ધાર જરા બુઠ્ઠી થઈ ગી.

‘મમ્મી... પેલી કુસુમ સામાન સાથે ચાલી ગઈ.’ તેના રોષને નવી દિશા મળી.

‘ગઈ ?’ માલિની કાંઈક આઘાત સાથે બોલી.

‘હા કાયમને માટે.’ વિશ્વા કટુતાથી બોલી.

‘મમ્મી... એવી અધમ વ્યક્તિ માટે આમ ચિંતામના ન પડી જવાય. બીજી મળી જશે... કેટલું બોલતી હતી. સાવ બેશરમ.’ માલિનીને બધું સમજાઈ ગયું. એ કુસુમ જ વિશ્વાને કશું તેના વિશે કહી ગઈ હશે.

‘શું કહેતી હતી તને ? આખરે હલકાં લોકો હલકાઈ બતાવે જ. ઘરના સભ્યની જેમ જ તેને રાખી, આશરો આપ્યો. એનું આ પરિણામ...’ તે વ્યગ્ર થઈને બોલી.

વિશ્વા માલિનીને જોઈ રહી, સત્યતા ચકાસી રહી હોય એ રીતે. તેના હોઠ પર અમુક વાત આવી પણ ખરી, પણ તે બોલી શકી નહિ.

તે સીધું જ પૂછવા માગતી હતી કે બોલ, મમ્મી એ કેદારને શો સંબંધ હતો તારી સાથે.

તેની હિંમત ન ચાલી. એ સમયે તે એટલી નિર્લજ તો નહોતી.

તે તરત જ તૈયાર થઈને સ્કૂટર પર નીકળી પડી. ગમે ત્યાં જવા. કશું નિશ્ચિત નહોતું. બસ, તે ઘરની બહાર જવા ઇચ્છતી હતી. માએ પુત્રીને રોકી નહિ પણ તે મનનો રોષ સમજી ગઈ.

શું આ વિચિત્ર સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું ? મન થતું હતું. પણ કેદાર ક્યાં માનતો હતો ? તેઓ એકબીજાની નબળાઈ હતી. એક ઘેરા વિષાદે માલિનીને ઘેરી લીધી. તે કુસુમના ખંડમાં ગઈ. થોડી જગ્યા ખાલી થઈ ગઈ હતી. આ આડી ચાલે તો ? તે બધું જ જાણતી હતી. વિશ્વા સામે તેની છબી ખરડાય એ કેટલી શરમની વાત બની શકે ? અને અક્ષય જાણે તો ? પછી તે જીવી શકે જ નહિ. શો અર્થ હતો, આ અર્થહીન તંતુ લંબાવવાનો ? સુજાતાએ તો આ વાસ્તવિકતા સ્વીકારી હતી. તે ઉદાર મનની હતી. તેની આંખ હવે એટલી ડારતી નહોતી. અને એ છેવટે ક્યાં તેનું રક્ત હતી ? પણ વિશ્વા અને અક્ષય...? પણ કેદારની હઠ પાસે તે પીગળી જતી, તેને પીગળવું પડતું હતું. તેના દરેક સંશયોના તેની પાસે જવાબ હતા.

વિશ્વા... ઘરથી છુટકારો પામવા બહાર નીકળી, પણ તેની અશાંતિ ઓસરી નહિ. તેને નિશીથ યાદ આવ્યો.

સ્કૂટર નિશીથની એક ઑફિસ વળ્યું. તે ઘણી વાર આ સ્થળે જઈ આવી હતી. ભરચક બજારમાં આ સ્થળ હતું. ત્રીજા માળની અગાશી હતી. એક નાનો ખંડ હતો. એક સૉફા એક પલંગ-કબાટ જેવી થોડી સગવડો હતી. એક હીંચકો હતો, જેના પર બેસવાથી આખો ગીચ વિસ્તાર અવલોકી શકાતો હતો.

તે સડસડાટ પગથિયાં ચડી ગઈ. હાંફી પણ ગઈ. બારણામાં પ્રવેશતાં સહેજ ખચકાઈ.

નિશીથ જ બેઠો હતો સામે સૉફા પર, પણ એકલો નહોતો. તેની જમણી બાજુ સાવ અડોઅડ એક શ્યામ છોકરી બેઠી હતી. નિશીથનો જમણો હાથ તેને વિંટળાયો હતો. ફરવા જતી હતી. તેણે નિશીથને આ રીતે પ્રથમ વાર જોયો. કમ ઈન, બેબી... પાછી કેમ ફરી ?

નિશીથે તેને સાવ સહજ રીતે બોલાવી.

‘ના. પછી આવીશ... તે સંકોચ સાથે બોલી. કોણ હશે આ ? તેને વિસ્મય થયું.

એમ ચાલી ન જવાય... વિશ્વા બેબી... આ કાળી છોકરી પણ તારા જેવી જ મિત્ર છે. ચાલ ઓળખાણ કરાવું !

નિશીથને કોઈ સંકોચ નડતો નહોતો.

પેલી જ અળગી થઈ ગઈ તેનાથી.

‘વિશ્વા... તને શરમ લાગી પણ આ તો એક જાતની રીલેશનશીપ છે. ખોટો દંભ શા કામનો ? લાગણીઓ વ્યક્ત ન કરો તો એ તમને જ પરેશાન કરશે. જોઈ લે આ છોકરી કેટલી સુખી છે આ ક્ષણે !’

વિશ્વા કશું ન બોલી. તે હસીને સૉફા પર બેસી ગઈ.

‘ડાર્લિંગ... આખા શહેરમાં આ વિશ્વા જેવી બ્યુટીફૂલ એક પણ છોકરી નથી.’ નિશીથે પેલી શ્યામાને કહ્યું. પેલી સંમત થતી હોય એમ હસી.

‘બેબી... હું મજબૂત સંબંધો બાંધું છું. મને મારા તરફથી એ તોડતો નથી. સામી વ્યક્તિ એ તોડે તો કોઈ જબરજસ્તી નથી કરતો.’ નિશીથ પર તેની માન્યતાઓની પૂરી અસર હતી. એ તેના માટે ગૌરવની વાત હતી. ‘બેબી... એની પ્રોબ્લેમ ? યુ સીમ કન્ફ્યુઝ્‌ડ... તું આવી ત્યારે તારા ચહેરા પર જુદી અકળામણ હતી... એનીથીંગ ફોર્મ ધેટ આર્ટીસ્ટ કેદાર...? વિશ્વા કેદારનું નામ નિશીથના મુખમાંથી સાંભળી આભી બની ગઈ. હું જાણું છું બેબી તારી મમ્મી સાથે તે સંબંધો રાખે છે. વોટ ઈઝ રોંગ ? બેબી એ લોકો શા માટે ચોરી ચોરી મળે છે ? આ સરાસર દંભ છે...’ નિશીથના શબ્દોએ ચાબૂકનું કામ કર્યું. વિશ્વા સડસડાટ ચાલી ગઈ.

બેબી...વેઈટ... નિશીથ બોલ્યો પણ વિશ્વા રોકાઈ નહિ.

*

૧૯

‘જીજાજી... પ્લીઝ મને મદદ કરો. આઈ એમ... અપસેટ...’ એમ વિશ્વાએ કહ્યું ત્યારે વત્સલ વિસ્મયમાં ડૂબી ગયો. અત્યાર સુધીમાં તેણે વિશ્વાનાં અનેક રૂપ જોયાં હતાં. તે નક્કી નહોતો કરી શક્યો કે તે સાચી હતી કે પછી નાટક કરી રહી હતી, તે સહાનુભૂતિને લાયક હતી કે ધિક્કારને લાયક.

આ વયે કોઈ છોકરી આટલી નાદાન ન હોી શકે. વત્સલ તેને જોઈ રહ્યો. તે હમણાં જ કામમાંથી નિવૃત્ત થઈને ઘેર આવ્યો હતો. સ્નાન કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ વિશ્વા સાવ મંઝાયેલી હાલતમાં આવી હતી. કપડા તો બરાબર હતા પણ ચહેરો ગૂંચવાયેલો હતો અને આંતરિક તોફાનની ચાડી ખાતો હતો.

સુજાતા કૉલેજની ટ્રીપમાં ગઈ હતી અને મોડી રાતે આવવાની હતી. વત્સલે જ તેને આગ્રહ કરીને મોકલી હતી. ‘ના...વત્સલ... એક પરણેલી છોકરી અભ્યાસ પૂરો કરવા કૉલજના લેક્ચર્સ ભરે એ પૂરતું છે. આવા કાર્યક્રમોમાં ન જવાય તો ચાલે.’ તે કહેતી હતી.

‘જઈ આવે ને. પછી આ દિવસો ક્યારેય નહિ આવે. મને તો મારા કૉલેજજીવનના દિવસો ખૂબ યાદ આવે છે, પણ હવે જિંદગી બદલાઈ ગઈ છે. જા... સુજાતા... આ કદાચ આવો છેલ્લો પ્રવાસ હશે...!’

તેણે પરાણે ધકેલી હતી, આનાકાની કરતી પત્નીને. અને અચાનક જ વિશ્વા આવી ચડી હતી. તેણે અનેક, ન કરવા જેવાં કાર્યો કર્યાં હતાં, ન કરવા જેવી વાતો કરી હતી. વત્સલને આ છોકરી એક ભુલભુલામણી જેવી લાગતી હતી.

‘ઓહ ! શું થયું તને ? આવ બેસ... વિશ્વા...’ વત્સલે કુતૂહલ ખંખેરીને તેને બોલાવી. તે સામેના સૉફા પર બેસી ગઈ. તેના હાથ અને ગળા પર પ્રસ્વેદ હતો. ચહેરો તંગ લાગતો હતો. વત્સલે તરત જ ઠંડું પાણી આપ્યું.

‘તને તાવ તો નથી ને ?’ ...કશું થયું ?’ તેની પૃચ્છા ચાલુ રહી. તે કશું ન બોલી. થોડી ક્ષણો મૌનમાં વીતી.

‘મોટીબેન નથી ?’ તે અંતે બોલી.

‘સુજાતા તો પિકનિક પર ગઈ છે પણ બોલને શો પ્રશ્ન છે ?’ વત્સલ હવે આ દોર લંબાવવા નહોતો ઇચ્છતો.

‘જીજાજી... મોટીબેન નથી એ સારું થયું. તે મને જ ઠપકો આપત, પણ આમાં મારો શો દોષ ? કોઈની સાથે મિત્રતા ન રાખી શકાય ? તે કાં ખરાબ માણસ નથી !

અંતે તે થોડાં તુટક વાક્યો બોલી, જેનો ખાસ કાંઈ અર્થ નીકળી ન શકે. માત્ર આ છોકરીની બાલિશતા જ સાબિત થાય, પણ એ પછી વિશ્વાએ જે વાત કહી એ સાંભળીને વત્સલે આંચકો અનુભવ્યો. શું કહેતી હતી એ છોકરી ? ‘જીજાજી... એ નિશીથે મને આમ કહ્યું. એ ક્યારેય આવી વાત નથી કહેતો. મને તો અનેકવાર મદદરૂપ બન્યો છે. હા... તેના વિચારો અલગ પ્રકારના જરૂર છે, પણ આ તો તેણે મારી મમ્મી માટે આવી વાત...!

વિશ્વા આટલી ડઘાી કેમ ગઈ એ તેને સમજાયું. આ વાત કેટલી ભયંકર હતી ? આ નાદાન છોકરીની સ્થિતિ સમજી શકાય તેમ હતી. તો શું માલિની અને પેલો લંપટ કેદાર...?

વત્સલ ખુદ દિગ્મૂઢ થઈ ગયો. એ લોકો માટે તેને રજ માત્ર આદર નહોતો. તેઓ બંને કાવતરું કરીને, વત્સલને વિવશ બનાવીને સારી એવી સંપત્તિ લૂંટી ગયાં હતાં. એ શબ્દ જ યોગ્ય હતો. એથી વધુ સારો શબ્દ તેને એ સમયે ન મળ્યો. અને હવે આ નાદાન છોકરી એક નવી વાત લઈને આવી હતી. પતનને કોઈ સીમા નથી હોતી. વિશ્વાને તેનો મિત્ર કહેતો હતો. અર્થ એ થયો કે આ વાત કાંઈ ચાર દીવાલો વચ્ચે રહી નહોતી.

વત્સલ હચમચી ગયો. શું કહેવું વિશ્વાને ? કેવી રીતે શાંત્વના આપવી ? કયા શબ્દોથી તેના ક્ષુબ્ધ મનને શાંત કરવું ? ‘વિશ્વા શાંત થા. લોકો જે વાતો કરે એ કાંઈ હંમેશા સાચી નથી હોતી.’ તેણે આશ્વાસન આપવા પ્રતય્ન કર્યો.

‘ના... જીજાજી... નિશથ કાંઈ એવો નથી.’ તે મક્કમતાથી તેના મિત્રના સમર્થનમાં ઊભી રહી.

‘એ મિત્ર કદાચ સારો હશે. વિશ્વા, પણ એમ બને કે તે કોઈ બીજી સ્ત્રીને મારી મમ્મી સમજી બેઠો હોય. એ પેલી કુસુમ પણ હોય.

‘હા... એ બને ખરું.’ વિશ્વાને કાંઈખ ઠીક લાગ્યું. વત્સલને પણ પતાની તર્કશક્તિ પર માન ઊપજ્યું. ચાલો, આ છોકરીના મનનું સમાધાન પણ થશે.

‘હું નિશીથને પૂછી જોઈશ.’ વિશ્વાને કશી રાહત થઈ હોય તેમ લાગ્યું. ‘કોણ એ નિશીથ ?’ વત્સલે પૂછ્યું પણ વિશ્વાએ ઉત્તર ન વાળ્યો. તે ઊંડા વિચારોમાં પડી ગઈ.

‘ચાલ... આપણે કૉફી પીએ.’ વત્સલે વિષયાન્તર કર્યું. હજુ તેના મનનું સમાધાન થયું નહોતું. બન્નેના સ્વભાવો જોતાં આવા સંબંધો કાંઈ અશક્ય તો નહોતા. સુજાતા કશું જાણતી હશે આ વિશે ? જાણતી હોય તો પણ તે મારી સાથે ચર્ચા ન જ કરે. વત્સલ એ વિચારોથી મુક્ત ન થઈ શક્યો.

‘અને આ કેદાર કેવા માણસ છે ?’

‘કેદાર... અંકલ ?’ વિશ્વા વિચારમાં પડી ગઈ. કુસુમે કહેલા રસિક અનુભવો યાદ આવ્યા. ઓહ ! એમ જ મમ્મી... સાથે ? તે નખશિખ કંપી ગઈ.

તેને નિશીથની સંગાથમાં લગોલગ બેઠેલી શ્યામ છોકરી યાદ આવી ગઈ. કેદાર અને માલિની પણ એમ જ બેઠા હોય એવી કલ્પના પણ આવી ગઈ.

‘જીજાજી... એ કાંઈ સારા તો નહોતા લાગતા, પણ બોલતા બહુ સરસ. કુસુમ તો ઘણી વાતો કહેતી હતી. કદાચ નિશીથની ઓળખવામાં ભૂલ પણ થતી હોય. હું તેને પૂછીશ !’

તે લગભગ હળવી થઈ ગઈ હતી.

કૉફી પીવાઈ ગઈ. વિશ્વાનું કરમાયેલું મુખ તાજગીનો સ્પર્શ અનુભવતું હતું. તે હળવી ફૂલ થઈને ગઈ.

‘ઘરે જ જજે સીધી. પેલા મિત્રને મળવાની જરૂર નથી. એમ જ હશે. શક્ય હોય તો આવાં મિત્રથી દૂર જ રહેજે !’ વત્સલે થોડી શીખ પણ આપી.. તેને આ ઊછળતી કળી પર લાગણી જન્મી.’

‘જો સમજણ હોય તો તે આવી વાત મને કરે ખરી ? ખરેખર તો તે દિશાવિહીન છે. પ્રેમભૂખી છે, વત્સલને વિશ્વા વિશે વિચારવાની નવી તક મળી. તેના વિશે જ થોડી અછડતી ધારણાઓ જન્મી હતી. એ આપોઆપ ખંખેરાઈ ગઈ.

કોણ હશે એ નિશીથ ? વર્ણન પરથી કાંઈ સારી છાપ ન પડી વત્સલને. વિશ્વાને બચાવી લેવાની જરૂર હતી. નહિ તો તે એક નહિ તો કોઈ બીજા ફંદામાં ફસાવાની હતી. લાગણીની આ તરસ તેને ગમે ત્યાં ઢસડી જાય તેમ હતી. તેને માલિની પર રોષ જન્મ્યો. કેવી અધમ સ્ત્રી કહેવાય ? વત્સનલે ચીતરી ચડવા લાગી.

ત્યાં જ વિશ્વાનો ઘરે પહોંચી ગયાનો ફોન આવ્યો.

‘બસ... હવે રીલેક્ષ થઈ જા. આ વાત આપણા બંને પૂરતી જ રાખજે. શું સમજી ?’ તેણે વહાલથી કહ્યું.

‘ઓ...કે..જીજાજી...’ વિશ્વાએ ટહુકો કર્યો હતો.

છેક મોડી રાતે સુજાતા આવી... તે થાકી હતી પણ ખુશમિજાજમાં હતી. પતિને વ્યગ્ર જોઈને તે ચિંતામાં પડી ગઈ. ‘વત્સલ... ભલે હું ત્યાં હતી પણ મારો જીવ તો અહીં જ હતો તમારી પાસે.’

‘પણ હું તો એક બીજી છોકરીની પાસે બેઠો હતો ! પતિએ મજાક આદરી. તેણે નક્કી કર્યું હતું કે સુજાતાને આ બાબતમાં અંધારામાં ન રાખવી.

વત્સલે સુજાતાને અવગ કરી, કાંઈક ડરતાં ડરતાં. તેને હતું કે તેને જબરો આઘાત લાગશે.

‘મને ડર હતો એ જ થયું.’ સુજાતા બોલી. તેની નજર સમક્ષ અતીતનું-માલિીની તથા કેદારનું-દૃશ્ય જીવંત થયું. તે ખળભળી ઊઠી. કામાતુરો માટે લજ્જા કે ભય હોતાં નથી. તે સમજતી હતી કે એ છેલ્લો અધ્યાય હતો. નવીમા પરિતાપ પામી હતી, એ ખરેખર નવીન સ્ત્રી બની ગઈ હતી પણ એ તો ભ્રમ જ હતો.

‘વત્સલ... એ સમયે મને થયું હતું કે આવી વેળા-વિશ્વાના જીવનમાં ન આવે, પણ એ આવીને જ રહી...’

સુજાતાએ પતિને આ શરમકથા કહી.

‘વત્સલ. મારે મન આ એક અંત આવી ગયેલો અધ્યાય હતો પણ ના, એ તો ન જાણે કેટલાકના ભોગ લેશે ! અક્ષય જાણશે તો તે આઘરમાં રહેશે જ નહિ. અને વત્સલ, પેલો વિશ્વાનો મિત્ર કોણ હશે ?’

મોડી રાત સુધી આ વાતો ચાલી. પ્રવાસની કહેવાની વાતો દૂર હડસેલાઈ ગઈ.

‘સુજાતા... આપણે તારી નવી માને રોકી ન શકીએ અને તે રોકાશે પણ નહિ, પણ એક થઈ શકે. આઔપણે વિશ્વાને બચાવી શકીએ આ શરમજનક સ્થિતિમાંથી. તેને સાચો માર્ગ બતાવી શકીએ. એક સમયે તું પણ હતી. તને શશીઅંકલ-આન્ટી મળી ગયાં, પણ વિશ્વા તો ભોળી છે. અતિ સુંદર છે અને વય પણ એવી છે કે તેને આ ભૂખ ગમે ત્યાં ઢસડી શખે !’

‘હા... વત્સલ... એ છોકરી ભોળી છે. તે મારી સાથે પણ સારી રીતે વર્તી નથી પણ એ તો નવી માની જ ચાલ. અત્યારે... તે કેવી તમારી પાસે આવી ! એટલું શાણપણ તો તેનામાં બચ્યું જ છે !’

પરોઢ થવા સુધી આ વાતો ચાલી. સુજાતાની આંખ મળી ગઈ પણ વત્સલની આંખ સામે વિશ્વા જ હતી. ‘આ છોકરી શું એટલી ભોળી હશે જેટલી દેખાતી હતી. તેના વર્તનના વિરોધાભાસો એ વાત છતી કરતા હતા કે તે કાંઈક અવઢવમાં હતી. તેનું મન વલોવાતું હતું. તે કાંઈક પામવા મથી રહી હતી. કાંઈ હતું જે તે ઈચ્છતી હતી પણ એ પામવાનો માર્ગ મળતો નહોતો.

વત્સલે પાસે સૂતેલી સુજાતા સામે જોયું. કેટલી સરળતા હસી એ ચહેરા પર ! નિષ્પાપ ભાવ હતા. પાદરની પગદંડી જેવી સમથળ અને સરળ હતી એ; જ્યારે વિશ્વા તો અરણ્યની રહસ્યમય પગદંડી જેવી હતી ક્યારેક જોઈ શકાતી હતી તો ક્યારે અદૃશ્ય !

સવારે જાગતા સાથે જ સુજાતાએ પતિને ઢંઢોળ્યો હતો. જોકે તે પણ ક્યાં જંપ્યો હતો ? રાત આખી વેરણ થઈ હતી, વિશ્વાએ સરજેલી સ્થિતિએ તેને વિશ્વામાં રસ જાગ્યો હતો. તેને લાગ્યું કે જો તે તેને આવી નાજુક હાલતમાં છોડી દેશે તો તે અંતે કોઈ ને કોઈ પાસે તો પહોંચવાની જ હતી. જેમ કે, પેલો નિશીથ.

જાણેઅજાણે મન સુજાતા અને વિશ્વાની તુલના કરવા લાગતું હતું. પત્ની શાંત નદી જેવી લાગતી હતી જ્યારે પેલી વિશ્વા તો જાણે તોફાની રમતિયાળ ઝરણું ! ભલે તે ક્યારે નાદાનની માફક વર્તતી હોય પણ તે કાંઈ નાની પણ નહોતી. જિંદગી વિશે ભલે તે ગંભીર ન હોય પણ અમુક બાબતમાં તે કાંઈક સ્થિર વિચારો ઘડીને બેઠી હતી.

‘વત્સલ... તમે આ છોકરીને સંભાળી લેજો. મને તો સ્વપ્નમાં પણ પેલો નિશીથ દેખાયો. વિશ્વા ચીસો પાડતી હોય અને પેલો પુરુષ તેની સાથે નિર્લજતાથી વર્તતો હોય. જોકે મેં ક્યાં એ નિશીથને જોયો પણ છે ? વત્સલ... તેને તમારા પર વિશ્વાસ છે. કોઈપણ વ્યક્તિને દિલ ખોલવા માટે જગ્યા હોવી જોઈએ.

તે એક શ્વાસે બોલી ગઈ. સ્વપ્નથી તે છળેલી હતી. ‘ઓ...કે...સુજાતા એક સ્વપ્ન તને ડરાવી જાય ? તું મન પર ભાર ન રાખીશ. કહે, કાલે પિકનિકમાં શું કર્યું ? મને યાદ કરતી હતી કે પછી...!’

પતિને ભલામણ કરી છતાં પમ તેને પૂરો સંતોષ ન થયો. વત્સલના ગયા પછી તેણે તરત જ રીંગ કરી.

‘કોણ ? મમ્મી... હું મઝામાં. હા ફરી આવ્યા. હવે એ બધું ભૂલીને અભ્યાસમાં લાગી જવાનું. ક્યાં છે વિશ્વા ?’

સુજાતાએ વિશ્વા સાથે વાત કરી પછી જ શાંતિ થઈ. ‘વિશ્વા... ખૂબ મઝા કરી અને હા તારા જીજાજી યાદ કરતા હતા. અગત્યનું કામ હતું તેમ કહેતા હતા. મળી લેજે, ભૂલ્યા વગર ! સાવ અજાણ બનીને જ વાત કરી. રખે વિશ્વા પૂર્વગ્રહવશ ભડકી જાય તો. ભલેને વત્સલ સંભાળ રાખે. એનું એદ છે ને ! તે ક્યાં પારકા હતા ?

સુજાતા ફરી ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ. ગઈ કાલની પિકનિકની સ્મૃતિઓ પણ રણઝણવા લાગી. તે એક અજીબ અવસ્થામાં ગુજરી હતી. કોઈ બંધન તો નહોતું જ. છતાં પણ એક મુક્ત છોકરીની માફક વર્તી શકતી નહોતી. તેણે પલ્લવીને પોતાની અનુભૂતિ કહી પણ ખરી.

‘વત્સલ ક્યાં સાથે છે ? પણ છતાં પણ પળે પળે અનુભવાય છે. પછી બધા જ આનંદો ઝાંખા થઈ જાય છે !ટ

વત્સલ ઘેલી સુજાતા આવા વિચારોમાંની હતી. કાંઈક અંશે મૂંઝાયેલી નાની બહેનને સંભાળી હવાલો પતિને સોંપી રહી હતી ત્યારે વત્સલ શું વિચારતો હતો ?

શો વાંધો હતો, એ છોકરી સાથે સંબંધ વધારવામાં. જ્યારે પત્ની જ એમ કહેતી હોય ? અને ખુદ વિશ્વા જ એમ ઈચ્છતી હોય. એમ પણ તેને, વિશ્વાના વર્તનનો તાગ મેળવતાં લાગ્યું હતું.

સાંજે તેને વિશ્વા મળી પમ ખરી, તેના ગૅરેજ પર.

વત્સલ ખરેખર તો તેની પ્રતીક્ષા જ કરી રહ્યો હતો. તેનું મન તેનામાં ડૂબ્યું હતું. એક નવો રોમાંચ જાગતો હતો. એક સ્ત્રીનો પરિચય થયો હતો. આ બીજીને પણ જાણી લઈએ એવો ભાવ જાગ્યો હતો.

આમ થાય કે ન થાય એ વાત સ્પર્શતી હતી ખરી પણ તરત જ સમાધાન થઈ જતું. ‘મેં ક્યાં તેને સામેથી બોલાવી હતી ? આ તો મારે તેને સંભાળવાની હતી, સુજાતાની આજ્ઞા અનુસાર.’ તેનામાં રહેલો પુરુષ હસી પડતો હતો.

‘વિશ્વા... ચાલ... ઘરે...’ તે કામ પડતું મૂકીને તૈયાર થઈ ગયો હતો. વિશ્વા પણ સજીધજીને આવી હતી.

‘ના જીજાજી, ક્યાંય દૂર જઈએ ! તે લાડથી બોલી. અંતે બંને એક રેસ્ટોરન્ટની એખ કૅબિનમાં ગોઠવાયાં. વત્સલ સુજાતાને લઈને અહીં અવારનવાર આવતો હતો. એ એક આનંદ હતો. એક અધ્યાય હતો. સુખી-પ્રસન્ન દામ્પત્યનો. કદાચ આ એના અંતની શરૂઆત હતી. ‘જીજાજી... અહીં આવાં સ્થળે પહેલી વાર જ આવું છું... વિશ્વા બિન્ધાસ્ત બોલી ગઈ. હકીકતમાં તેના માટે આવાં સ્થળો અજાણ્યાં નહોતાં. નિશીથ સાથે અને અન્ય સખીઓ સાથે આવી રેસ્ટોરન્ટની મુલાકાતો તે લેતી હતી. તે કાંઈક એવું કરવા માગતી હતી કે જેથી આ મનગમતા પુરુષની કૃપા તેના પર વરસતી રહે.

‘પેલો નિશીથ પણ નહોતો આવતો સાથે ?’ વત્સલથી બોલાઈ ગયું. તે કશું ન બોલી, માત્ર વત્સલ પ્રતિ ગંભીર થઈને જોઈ રહી.’ ઓ.કે... હવે મારી સાથે આવજે બસ... તું હસતી રહેવી જોઈએ. ફૂલ જેવી.’ વત્સલે આવડી એવી રસિક ભાષાનો પ્રયોગ કર્યો.

સુજાતા ભાષામાં પ્રવીણ હતી. ટૂંકું પણ રસભર્યું બોલતી હતી. પતિ એ સાંભળીને ખુશ ખુશ થઈ જતો હતો. એ તેનાથી અજાણ્યું નહોતું. તેણે ક્યારેય પતિની આ અપૂર્તિની વાત હોઠ પર આણી નહોતી. જવાબમાં વત્સલ તેને બે બાહુમાં જકડી લેતો હતો. બસ, એ તેનું ઈનામ હતું.

બંનેના મિલનો યોજાવા લાગ્યાં. છાનાંછપનાં અને ક્યારેક ક્યારેક સુજાતાની હાજરીમાં.

સુજાતાની હાજરીમાં વિશ્વા ડાહીડમરી થઈ જતી હતી. ‘મોટીબેન... અહીં મને શાંતિ મળે છે.’ તે અભિનય કરતાં બોલતી.

‘આવતી રહેજે. આ પણ તારું જ ઘર છે ને. આ પરીક્ષા પતે પછી હું ફ્રી જ છું. પછી તને સાંભળી શકીશ. આ માંડ્યું છે, પૂરું તો કરું. તું તારા અભ્યાસમાં બેદકરાર ન રહેતી. એ તારા જીજાજીને પણ નહિ ગમે. બરાબર ને... વત્સલ...? તે ભોળાભાવે વિશ્વાને કહેતી.

વિશ્વા પણ તેણે સંતોષ થાય તેવો હોંકારો ભણતી.

‘ના... હવે તેનું મન સ્વસ્થ થતું જાય છે. પ્રેમથી તો પથ્થર પણ પીગળી જાય.’ વત્સલ પત્નીને એકાંતમાં સમજાવતો. સુજાતા ખુશખુશાલ થઈ જતી.

કેવા સરસ પતિને તે પામી હતી. ભાગ્યવાન તો તે હતી જ, નહિ તો... તે પણ સુખસાગરમાં તરબોળ થઈ જતી.

એક મુલાકાત દરમિયાન વિશ્વાએ જ માલિની અને કેદારનો વિષય સામેથી છેડ્યો.

‘જીજાજી... આ આકર્ષણ આટલું તીવ્ર હશે કે મમ્મી જેવી મમ્મી પણ... એક અધમ પુરુષમાં લપેટાઈ...!’

સંવાદોની નવાઈ નહોતી. તેઓ બંને અનેક વિષયો પર વાતો કરતાં, પણ આ વાત નાજુક હતી.

‘હા... વિશ્વા... આ આકર્ષણ જલદ હોય છે. એની તીવ્રતા વ્યક્તિગત બાબત છે. કોઈ વ્યક્તિ ભાગ્યે જ તેનાથી મુક્ત હોય છે.’ વત્સલને સહેજ થડકો લાગ્યો શબ્દ ગોઠવતા. ‘તમને ય હશે ને, જીજાજી ? કોના માટે ? મોટીબેન માટે ?’ વિશ્વાએ પ્રશ્ન પૂછી નાખ્યા.

‘હા... અલબત્ત, તારી મોટી બહેન માટે !’ તે હસીને બોલ્યો.

‘જીજાજી... તમે જૂઠા છો. આકર્ષણ તો ગમે તે વ્યક્તિ માટે થાય. તમે એને કેવી રીતે રોકી શકો ? મેં આ વિશે ખૂબ વિચાર્યું છે. મમ્મી... આવું કરે. એ સાવ ખોટું તો નથી જ. પપ્પાના અવસાન પછી તે સાવ એકલી જ બની ગઈ છે. પેલો પુરુષ ભલે ન ગમતો હોય પણ મમ્મીને તે પસંદ પણ હોય.’

હવે ચોંકાવાનો વારો વત્સલનો આવ્યો. શું કહેતી હતી આ છોકરી ? કેવી નીતિ વિરુદ્ધની વાત કરતી હતી ? આ તેના વિચારોનો નિચોડ હશે કે કોઈએ તેને બહેકાવી હશે ? નિશીથને તો તે મળતી નહોતી.

તેની વાત શું ખોટી હતી ? શું તેને માત્ર એક સ્ત્રીનું જ આકર્ષણ હતું ? ના એક સ્ત્રી તેના માટે નિશ્ચિત થઈ હતી. બાકી તો... તે...!

વત્સલ ચકરાવામાં પડી ગયો હતો. શું રમતું હશે તના મનમાં ? નક્કી પેલો નિશીથ તેને ભરમાવતો હશે ! તે રૂબરૂ નહિ મળતી હોય તો ફોન પર વાતો કરતા હશે. આ વિચારો સ્ફોટક હતા. અરે, તે ખુદ જ એ વિચારોમાં ખૂંપી ગયો હતો, ગળાડૂબ ! ક્યારેક લાગતું હતું કે માત્ર વિશ્વા જ સાચી હતી; બાકી બધું મિથ્યા હતું. અને સૌ દંભ આચરી રહ્યા હતા.

‘તને નિશીથ નથી મળતો, સાવ જ ?’ વત્સલે એક વાર વિશ્વાને પૂછી લીધું.

‘ના... જીજાજી... બસ છેલ્લી વાર મળ્યા પચી મેં એ દિશામાં ડગ જ નથી ભર્યા. જોકે તે સાચો હતો. તેણે શું કહ્યું હતું ? કશું અસત્ય તો નહોતું. તે પેલી કાળી સ્ત્રીમાં લીન થઈને બેઠો હતો એટ લે મન પર સંયમ રાખી નહિ શક્યો હો. બાકી તે આવી વાત કદી ન કહે !

વિશ્વાએ નિશીથપુરાણ ચલાવ્યું. એથી તો વત્સલ ભડકી ગયો.

‘મેં નાહક આને આ દિશામાં વાળી.’ તે પસ્તાયો પણ ખરો.

અચાનક વિશ્વાએ જ વાત બદલી નાખી.

‘જીજાજી... ગઈ કાલે મમ્મીએ મારી પાસે દિલ ખોલ્યું. જોકે મેં જ તેને બળ આપ્યું. કહ્યું કે મમ્મી હું તારી પુત્રી છું. એથી પણ વિશેષ તારી મિત્ર છું. મને ખબર છે તારું મન કશા કારણસર હિજરાય છે.

તમે માનશો જીજાજી... મમ્મી મારી પાસે રડી પડી. તેણે બધી મર્યાદા મૂકીને મને એ કેદારની વાત કહી. તેણે નતમસ્તકે મને કહ્યા કર્યું. મેં સ્વસ્થ રહીને સાંભળ્યાં કર્યું. પછી મેં જ પ્રસ્તાવ મૂક્યો મમ્મી પાસે, તેને પરણી જવાનો. તે ડઘાઈ જ ગઈ.

મેં તેને સમજાવી કે તેણે આ ભાર રાખીને જીવન જીવવું ન જોઈએ. કશો અર્થ નહોતો આમ મનને મારવાનો. મેં તો એમ પણ કહ્યું કે તેણે ગમતા પુરુષ સાથે કાયદેસર લગ્ન કરી લેવાં જોઈએ. કશો અંતરાય પણ નહોતો એમ પણ મેં કહ્યું હતું. તે દિગ્મૂઢ બની ગઈ હતી.

‘મેં યોગ્ય જ કર્યું ને જીજાજી ?’

તે બોલી અને વત્સલ ઊંડા વિચારમાં પડી ગયો. તેને ડર લાગ્યો કે આ છોકરી પેલા નિશીથ સાથે કે ગમે તે સાથે કોઈ પણ ક્ષણે સંબંધ બાંધી બેસે એવી તેની માનસિકતા હતી. તેણે પૂછી જ નાખ્યું : ‘વિશ્વા... તને કોઈ પાત્ર માટે આવું તીવ્ર આકર્ષણ છે ?’

વિશ્વા એક પળ ખચકાઈ, એક ઊંડો શ્વાસ લીધો અને પછી બોલી : ‘હા જીજાજી, એક પુરુષ માટે મને આવી લાગણી ક્યારનીય જન્મી છે.’

વત્સનું આખું અસ્તિત્વ થીજી ગયું. તેને થયું કે હમણાં તે કહેશે ‘...નિશીથ...!’

*

૨૦

વત્સલ એક ન સમજી શકાય તેવી ઉઝનમાં પડી ગયો. તેની સામે વિશ્વા હતી. જે માંડ સોળમા વરસમાં પ્રવેશી હતી. જે તેની સાળી પણ હતી. બંને વચ્ચે આઠ નવ વર્ષનું અંતર હતું. આ પ્રશ્નથી એ અંતર જાણે કે ઓગળી ગયું હતું. સંબંધોની મર્યાદા પણ કાંઈક શિથિલ થઈ હતી.

વત્સલનું ઘર હતું. એકાંત હતું. સુજાતા પ્રવાસમાં ગઈ હતી. પલ્લવીએ ખાસ આગ્રહ કર્યો હતો : ‘આવ ને સુજાતા... આ કદાચ આ જાતનું છેલ્લું મિલન હશે. મારી તારી સાથે મન ભરીને વાતો કરવી છે !’

વત્સલે પણ સંમતિ આપી હતી. તે છેક મોડી રાતે આવવાની હતી. વત્સલ પણ બાઈક પર બેસીને લોંગ ડ્રાઈવ પર ઊપડી જવાનો હતો પણ વિશ્વા ટપકી પડી હતી.

એક વિચિત્ર સવાલ પૂછી બેઠો વિશ્વાને. પછી તો એમ પણ થયું કે ન પૂછ્યો હોત તો સારું હતું. પત્નીએ જ કામ સોંપ્યું હતું વિશ્વાને સંભાળવાનું. તેણે અણગમતાં વિચારો તરત જ ખંખેરી નાખ્યાં.

‘જીજાજી... મને તમે કહો છો તેવું આકર્ષણ જરૂર થયું છે. એક પુરુષ માટે. તમે નારાજ થશો કે ખુશ થશો એ નથી જાણતી પણ જીજાજી એ પુરુષ તમે છો.’

વત્સલને આઘાત જરૂર લાગ્યો પણ આંચકો લાગ્યો. તેને તો એક જાતની રાહત પણ થઈ કે વિશ્વાએ પેલા નિશીથનું નામ ન લીધું. સ્હેજસાજ ગમ્યું પણ ખરું. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આકર્ષણ થાય એ કાંઈ અચરજ થાય તેવી ઘટના નહોતી જ. સોળ વર્ષની છોકરી આવું કશું વિચાર એ સહજ ગણાય, પણ હવે શું ? વિશ્વાએ તો મની વાત નિખાલસતાથી કહી દીધી હતી. શો ઉત્તર આૌપવો તેને ? તે અધીરાઈપૂર્વક તેને નિહાળી રહી હતી. વત્સલને વિશ્વાનું કહેવું ખૂબ ખૂબ ગમ્યું. આમાં એક રીતે આનંદ ઊપજતો હતો. તેની સ્વીકૃતિ હતી. તેના અભિમાનને પોષે તેવી વાત હતી.

‘વિશ્વા... કોઈ પણ પુરુષને ગમી જાય તેવી વાત તેં કહી !’ અંતે તેણે મૌન તોડ્યું. ‘મને પમ એ ગમ્યું પણ વિશ્વા... આ વાત આપણે બંનેએ ભૂલી જવી જ યોગ્ય ગણાય. આ પતનનો માર્ગ બની રહે. હું કાંઈ સંત તો નથી જ; એવો મોટો જ્ઞાની પણ નથી. આવી વાત જરૂર લલચાવે પણ અંતે આમાં કોઈનું શ્રેય ન થાય.’

વત્સલે સાવ સરળતાથી પોતાની વાત કહી.

‘મારં મનમાંથી આ વાત જતી જ નથી. તમને પહેલી વાર જોયા ત્યારથી મન ઘેલું થઈ ગયું છે. આ લાગણી પ્રબળ બનતી જાય છે.’ તેને ક્યાંક પીડા થતી હોય તેમ બોલી.

‘વિશ્વા... તારા માટે જીવનસાથીની શોધ આરંભવી પડશે, એ નક્કી.’ વત્સલે હસીને કહ્યું.

‘મારી શોધ પૂરી થઈ. હવે એમાં મીનમેખ થશે નહિ. જો તમે નહિ માનો તો જીવ આપી દેતાં પણ અચકાઈશ નહિ. મારે ક્યાં મોટીબેનના ભાગ્ય આડે આવવું છે. તમે બંને સુખી રહો. મારે તો મારો હિસ્સો જોઈએ છે. આ સંબંધને કોઈ નામ નથી આપવું મારે.’

વિશ્વા કેવું કેવું બોલી ગઈ ? એક સોળ વર્ષની છોકરી કોઈ નવલકથાના સંવાદો બોલતી હોય તેમ બોલી ગઈ. વત્સલ હિંમતવાળો હતો. સાહસિક હતો. અને એથી પણ વિશેષ તેને પણ વિશ્વા ગમતી હતી. સુજાતામાં રહેલી સરળ સ્ત્રી તેને દંગ કરી દેતી હતી અને વિશ્વામાં રહેલી રમતિયાળ છોકરી તેને અસ્વસ્થ કરી દેતી હતી. અને તેણે તો કશું કર્યું નહોતું. ખુદ વિશ્વા જ આવી વાત કહેતી હતી.

માલિનીએ આમ જ કર્યું હતું ! તેને સ્મરણ થયું. જો ના પાડે તો ? તે કદાચ પેલા નિશીથ પાસે પહોંચી જાય એ પૂરી શક્યતા હતી.

‘વિશ્વા... મને વિચારવા દે.’ આખરે તે બોલ્યો.

‘ઓ...કે...’ તે હસતી હસતી ચાલી ગઈ. જાણે કે તે આખું યુદ્ધ ના જીતી ગઈ હોય !

વિશ્વાના ગયા પછી વત્સલનો અજંપો ઓછો થવાને બદલે વધી ગયો. સોળ વર્ષની ઊગીને ઊભી થતી છોકરીએ કેવી વાત કરી હતી ? તે ભલે સોળની હોય પણ દેહ તો એવો લાગતો હતો કે જાણે તે અઢાર વીસની હોય ! વત્સલનું વિશ્વા વિશેનું ચિંતન બીજી દિશામાં ફંટાવા લાગ્યું.

મોડી રાતે સુજાતા આવી ત્યારે પૂરેપૂરો વિશ્વામય હતો. ‘વત્સલ... ગઈ તો ખરી પણ તમે ભાગ્યે જ મનમાંથી હટ્યા છો. પલ્લુે કહ્યુ ંપણ ખરું કે...’

સુજાતાને પ્રાવસની અનેક વાતો કહેવાની હતી. તેના ચહેરા પર થાક અને ઉમળકો બન્ને હતા.

સુજાતાને જોઈને વસ્તલને શાંતિ થઈ.

‘વત્સલ... કેવા થાકેલા લાગો છો ? આ આટોલ વિરહ પણ તમને વ્યાકુળ બનાવી દે છે અને મારી સ્થિતિ તો એથી પણ ખરાબ બની જાય છે.’

એ રાતે બંને એકમેકમાંથી ભળી ગયાં. પરોઢ થયું. સવાર થયું. પરદા સોંસરવો તડકો છેક ખંડમાં આળોટતો હતો. દુનિયાના બધા જ ક્રમો અહીં થીજી ગયા. સુજાતા રાતે પરીક્ષાની તૈયારી કરતી હતી આ રીતે હમણાં મળાયું જ ક્યાં હતું ?

વત્સલે નિર્ણય લઈ જ લીધો. બસ વિશ્વાથી દૂર જ રહેવું. આગ સાથે રમત ન કરાય તે એવી એવી વાત કહેતી હતી કે મનને રોકી ન શકાય.

તે કસામમાં ખૂંપી ગયો. ગૅરેજ ધમધોકાર ચાલતું હતું. જમવાની પણ ફુરસદ નહોતી. એમાં આ વિશ્વાનો વિચાર કેમ કરવો ? રાતે થાકને કારણે ઊંઘ આવી જતી હતી. સુજાતાની પરીક્ષાઓ ચાલુ હતી. તે હવે એ ભારમાંથી મુક્ત થવા તલસતી હતી.

‘વત્સલ હવે બે જ પેપર્સ બાકી છે. બે દિવસ પછી હું મુક્ત બની જઈશ. પછી માત્ર તારી જ...’

પરીક્ષા પૂરી થઈ. સુજાતા ફરી સ્નેહાળ ગૃહિણી બની ગઈ. અભિસારિકા બની ગઈ. સૂકી ભોમ પર જીવનરસ પુનઃ વહેવા લાગ્યો.

‘સુજાતા... ચાલ ક્યાંય ફરી આવીએ દરિયાકિનારે... યાત્રાધામમાં.’ વસ્તલે પ્રસ્તાવ મૂક્યો. સુજાતા જાસૂદના ફૂલની માફક ખીલી ઊઠી. કેટલું સુખ આપ્યું હતું દાતાએ ? વેરાવળ...દીવ...તુલસીશ્યામ... પ્રવાસ ગોઠવાઈ ગયો. એક નવીન ધીંગી દરતી જોવાના ઓરતા જાગી ઊઠ્યા.

‘વત્સલ... આપણે વિશ્વાને સાથે લેવી પડશે. તે તો ખોટું લગાડીને બેઠી છે. મારું નહિ વત્સલ તમારું.’

વત્સલ ચમકી ગયો ઓહ ! ભારે ખેપાની છોકરી !

‘જવા દે... કેન્સલ જ કરી નાખીએ ! વત્સલનો મૂડ બગડી ગયો.

સુજાતાએ તેને સમજાવ્યો. ‘વત્સલ એ છોકરીનું કોણ ? ભોળી અને સરળ છે. એ પહેલાં ગમે તેવી હતી પણ હવે તો તે ખૂબ લાગણી રાખે છે મારી અને તમારા પર તો...’

પત્નીએ ઘણી વકીલાત કરી પણ વત્સલનું મન ન માન્યું.

‘સુજાતા... તું સાચી વાત ક્યાં જાણે છે.’ તે બબડ્યો.

‘વત્સલ પેલી તો છેલ્લે પાટલે બેઠી છે. ઉપવાસ પર ઊતરી જવાની વાત કરે છે. હું ય સમજું છું. પતિ-પત્નીના પ્રવાસમાં તેની હાજરી અંતરાયરૂપ જ બને. તે સમજતી થશે પછી થોડી આવી વાત કરવાની હતી ?

અંતે નાછૂટકે તેને સામેલ કરવી પડી. આખા પ્રવાસ દરમિયાન વિશ્વા સાવ સરળ અને શાંત રહી. બંનેથી દૂર જ રહી. ક્યાંય અંતરાય ન બની જાણે. પહેલાંની રમતિયાળ વિશ્વા જ ન રહી. વત્સલના આશ્ચર્યની અવધિ ન રહી.

‘કેવી ડાહી થઈ ગઈ એ ? એ તો સોળે સાન.’ સુજાતા બોલી હતી.

સોમનાથના વિશ્વ વિખ્યાત મંદિરના પ્રાંગણમાં પ્રવાસીઓનો મેળો મળ્યો હતો. એક તરફ માનવ રચિત શિલ્પોનું મહાલય હતું જ્યાં આપોઆપ મસ્તક ઝૂકી જાય અને બીજી તરફ સૃષ્ટિનું અફાટ સૌંદર્ય હતું. બંને સર્વોચ્ચો એકબીજાને પૂરક બની ગયા હતા. કોઈ સ્પર્ધા નહોતી. સંવાદિતા હતી. અફાટ જળાશય ઉછળતો હતો. તટ સાથે અફળાતો હતો અને પાછો વળી જતો હતો. એમ લાગતું હતું કે રત્નાકર જાણે કે આ પરમ તત્ત્વના ચરણોમાં આળોટીને ધન્ય બની ગયો હતો. જે ઘૂઘવાટો હતા એ તો તેને થયેલી અનુભૂતિના હર્ષનાદો હતા.

વિશ્વા એક એકાંત જગ્યાએ બેઠી હતી. જ્યાંથી સાગર પણ માણી શકાતો હતો. મહેરામણ માણી શકાતો હતો. થોડો કોલાહલ તો હતો જ પણ સાગરના રૌદ્ર સ્વરોમાં એ ઢંકાઈ જતો હતો.

સૌ ચહેરાઓ પર આ દિવ્ય વાતાવરણની અસર હતી. સુજાતા કોઈ સ્ત્રી સાથે જૂની ઓળખાણ તાજી કરી રહી હતી. વત્સલને વિશ્વા માટે કરુણા જાગી. તે શા માટે આમ દૂર દૂર રહેતી હતી ? ભલે તે ગમે તેમ બોલી ગઈ, પણ આખરે તેની ઉંમર શી ? શો અનુભવ દુનિયાદારીનો ? સાથે આવી હતી તો તેની જવાબદારી બની જતી હતી.

તે ધીમે પગલે વિશ્વા પાસે પહોંચી ગયો. તેને લાગ્યું કે તે થોડી ક્ષણો પહેલાં જરૂર રૂી હશે. બંને ગાલ આંસુથી ખરડાયેલાં હતાં.

ઓહ ! આ છોકરી તો ખરેખર એકલી જ છે ! વત્સલને દયા ઊપજી. ક્યાંયથી પ્રેમ ન સાંપડે, પછી આવી જ દશા થાય. પછી ન આવવા જેવા જ વિચારો આવે. આમાં આ છોકરીનો કશો દોષ ન લાગ્યો વત્સલને.

વિશ્વાએ વત્સલને સમીપ આવતો જોયો. તરત જ નજર ફેરવી નાખી.

‘વિશ્વા... દરિયો જુએ છે ? ધરાઈને જોઈ લેજે. આંખમાં ભરી લેજે. આપણાં શહેરમાં ક્યાં દરિયો છે ?’

વત્સલનો આશય તેની સાથે થોડી વાતો કરવાનો હતો. તેની એકલતા ઓગાળવાનો હતો.

‘એક દરિયાએ મને નિરાશ કરી છે આ કદાચ તેમ નહિ કરે.’ વિશ્વા શાંતિથી બોલી. જે વત્સલને આરપાર વીંધી ગયું.

આ છોકરી તો તેણે કહેલી વાતનું અનુસંધાન જોડી રહી હતી. તે કશું ભૂલી નહોતી. અને ભૂલવાની પણ નહોતી, એની તેણે પ્રતીતિ પણ કરાવી. વત્સલ ચોંકી ગયો. તે સામેના દરિયા જેવું જ મર્માળુ હસ્યો.

‘તમે હસશો એથી કાંઈ ન્યાયી બની જવાના નથી.’ વિશ્વાના શબ્દો ધારદાર હતા.

‘મારા હસવાનું કારણ અલગ છે. વિશ્વા તેં મને દરિયો કહ્યો પણ મારામાં એનો અંશ પણ નથી. ખરેખર તો તું ખૂબ ઉદાર છે.’ વત્સલને તો તેનું મૌન તોડવું હતું. ભલે રડે, એ બહાને તેની ભીતરના બંધ તોડવા હતા.

‘મેં પસંદ કરેલો દરિયો લોભી છે. શરમાળ છે અથવા ડરપોક છે. એ દરિયામાં તારવાની શક્તિ છે પણ એ તો ડૂબાડવા બેઠો છે.’

વિશ્વા વત્સલ તરફ જોયા વિના બોલી રહી હતી. તેની આંખ ઝૂકેલી હતી. તે તોળી તોળીને શબ્દો બોલી રહી હતી. એમ લાગતું હતું કે તેણે આ તીર્થસ્થાનમાં આ વિશે ખૂબ ચિંતન કર્યું હોવું જોઈએ. એ ચિંતનને હવે વાચા ફૂટી હતી. ભલે એ શબ્દોમાં દુનિયાદારીનો સ્પર્શ નહોતો પણ અસરકારકતા તો હતી જ.

વત્સલને તેના પ્રતિ કરણા ઊપજતી હતી. તે એક મૃગજળને સુખ માની રહી હતી.

‘વિશ્વા... તું દુઃખી ન થાય, જે ભાગ્યમાં હોય એ જ મોટે ભાગે બે છે. આ ઘેલછા હમણાં ભૂલી જા.’

વત્સલે તેના ઠંડા ખભા પર હાથ મૂક્યો. તેણે કશો પ્રતિભાવ ન આપ્યો. આનંદનો પણ નહિ. વત્સલને સાચેસાચ ડર લાગ્યો કે વિશ્વા આવી મનોદશામાં કશું કરી તો નહિ બેસે ને. કશું બને તો એ માટે તે ખુદ જ જવાબદાર ગણાય. વત્સલ પોતાના વિશે અપરાધભાવ સેવવા લાગ્યો.

ખરેખર તો વિશ્વાની આ સ્થિતિ માટે વિશ્વા સિવાય બીજા પણ દોષિત હતા. માલિની સાચો પ્રેમ ન આપી શકી. ઉછેરમાં ખોટા સંસ્કારોનું સિંચન થયું. પરિણામે તે નિશીથ જેવા અજાણ્યા પુરુષ પાસે પહોંચી એ પુરુષને અત્યારે ભલે ધિક્કારતી હતી, પણ તે જ્યારે તેની સાથે લાગણીથી ઢળી હશે ત્યારે તેની સાથે કેવી રીતે આખી જિંદગીને રોળી શકે.

‘વિશ્વા... મારે તને નિરાશ નથી કરવી. તું તારી ચિંતા છોડી દે. તેવી જ રમતિયાળ બની જા. આપણે આ વિશે વધું વિચારીશું...’

વત્સલ બોલ્યો. તેને આમ બોલવું જ પડ્યું. વિશ્વાનું દુઃખ નવીન રૂપ ધારણ કરે તો તે ખુદ જ એ દુઃખમાં ડૂબી જાય તેમ હતો.

પરિસ્થિતિ અશક્ય હતી. ન કાઠે રહેવાય ન કૂદી પડાય. ‘મને પટાવોછો ?’ વિશ્વા સાશંક બનીને વત્સલને તાકી રહી. હવે ચાર આંખ સામસામી હતી. એકબીજાને ચકાસતી, તાગ મેળવતી.

‘તું એવી નથી કે તને ચોકલેટ આપીને પટાવી શકાય.’ વત્સલ બોલ્યો અને તે હસી પડી.

‘વત્સલ... મારી યાત્રા ફળી.’ વિશ્વા માત્ર આટલું જ બોલી. દરિયાની એક છોળ સાવ નજીક આવીને બંનેને ભીંજવી ગઈ. ભરતીનો સમય હતો.

વિશ્વામાં એક નવી ભરતી જાગી હતી. સંબોધન બદલાઈ ગયું હતું. ‘જુઓ... વચનભંગ ન કરતા. તમને હવે નામથી જ બોલાવીશ. ખાનગીમાં અનેજાહેરમાં તો તમને બોલાવીશ જ નહિ. આ આપણા નિયમો, બરાબર ને !’

વત્સલે એક નવો દરિયો ઉછળતો જોયો. વિશ્વાના ગૌર ચહેરા પર પ્રસન્નતા લીંપાઈ ગઈ.

વાત આગળ ચાલે એ પહેલાં તો સુજાત આવી પહોંચી.

‘શું કરો છો... સાળી અને બનેવી ? કેવું સરસ વાતાવરણ છે ? એમ થાય કે અહીં ભૂખ્યાં તરસ્યાં બેસી જ રહીએ. સાક્ષાત્‌ મહાદેવનો વાસ છે. એ કાંઈ જૂઠી વાત થોડી ?’

‘હા મોટીબહેન ખૂબ શાંતિ લાગે છે. આ ક્ષણે’ વિશ્વાએ દિશા બદલી હતી. પ્રવાસ તો પૂરો પણ થયો.

વત્સલની વિશ્વાને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. સરસ લાગતી હતી વિશ્વા. હવે તેને આ છોકરીમાં એક સ્ત્રી દેખાતી હતી.

પત્ની પાસે હોય, બાહુપાશમાં હોય કે આસપાસ ફરતી હોય ત્યારે પણ વિશ્વા સુજાતામાં ઢળી જતી હતી. વિશ્વા જ દેખાવા લાગતી, અનુભવાતી.

એક દિવસે તે સાચેસાચ જ તેના બાહુપાશમાં આવી ગઈ હતી. એકાંત હતું. માલિની નહોતી. અક્ષય કોઈ આશ્રમમાં ગયો હતો. તેને આધ્યાત્મિકતા ગમતી હતી. સાદગી અને સરળગા ગમતા હતા. જિંજગી પ્રત્યે નવીન દૃષ્ટિ તેણે કેળવી હતી. અભ્યાસના ફોગટ વિષયોમાં ઓછી રુચિ હતી. ભૌતિક સુખો તેને બહુ સ્પર્શતા નહોતા. માલિનીની વાતોથી તે અસંતુષ્ઠ હતો. તેનો મોટા ભાગનો સમય તો સનાતન આશ્રમમાં વીતતો હતો.

અક્ષય પણ નહોતો. તે તથા સુજાતા મળવા નિમિત્તે એ સાંજે આવ્યા હતા. વિશ્વા આળસમાં પડી હતી. તે કદાચ વત્સલના વિચારોમાં પડી હશે.

વત્સલને જોઈને તેનો ચહેરો ખીલી ઊઠ્યો.

‘કોઈ નથી ? મમ્મી... અક્ષય ?’ સુજાતા નિરાશ થઈ હતી. માલિની અહીં ન હોય તો ક્યાં હોય એ સુજાતા અને વિશ્વા બંને જાણતા હતા. અરે, વત્સલ પણ કહી શકે. એટલી સ્પષ્ટ વાત હતી. સુજાતાના ચહેરા પર ચિંતાની છાયા પડી હતી.

‘મોટીબેન, હું તમને નથી દેખાતી ?’ વિશ્વા હસી.

‘તું તો હવે મારા ઘરની સભ્ય બની ગઈ છું. ખરું ને ?’ તેણે પતિ સામે જોયું.

સહજ ભાવે બોલાયેલા આ વાક્યથી વત્સલ ચોંકી ગયો હતો. વિશ્વાને આનંદ થયો હતો.

‘શું કરે છે પલ્લવી ? મળી આવું..’ કહેતી સુજાતા સરકી ગઈ હતી. વિશ્વાની લોલુપ દૃષ્ટિ વત્સલ પર ફરી રહી. તેણે સંભાળપૂર્વક દ્વાર બંધ કર્યું અને વત્સલ કશું વિચારે એ પહેલાં જ તેને વળગી પડી.

‘ઓહ ! વિશ્વા શું કરે છે ?’ તે બોલ્યો ખરો પણ પ્રતિકાર ન કરી શક્યો.

એક નવીન અનુભૂતિ તેના રોમરોમમાં ભળી ગઈ. પત્ની સિવાયની એક બીજી સ્ત્રી તેના સીના સાથે વળગેલી હતી. વિશ્વા મટે તો આ જાતનો પ્રથમ અનુભવ હતો. નિશીથે ક્યારેય તેને આ રીતે સ્પર્શી નહોતી. તેની ઇચ્છા હોવા છતાં પણ.

નિશીથ પ્રતિ ઘણીવાર તેને આવો ઉમળકો જાગ્યો હતો, પણ તે એ તબક્કે ક્યારેય પહોંચી શકી નહોતી. નિશીથની કેટલીક વિચિત્રતાઓ હતી.

આ વિશ્વાનો વિજય હતો. તેને બેવડો આનંદ થયો હતો. તેનું તન અને મન બંને ખુશ હતાં.

મારે ક્યાં કોઈનું છીનવી લેવું હતું ? નદીમાંથી કોઈ થોડું જળ ગ્રહણ કરે તો એમાં નદી ક્યાં ખૂટી જવાની હતી. ના ના પાડતા તપસ્વી અંતે મેનકાના મોહમાં જકડાઈ ગયા હતા. તે તરબોળ બની ગઈ હતી.

એક નવો અધ્યાય શરૂ થયો હતો. તેની નાનકડી જિંદગીમાં તેણે તેનું ધાર્યું કર્યું હતું. એથી તેનું મન સાતમા આકાશમાં ઉડ્ડયન કરતું હતું. એક ઇચ્છાની પૂર્તિ થઈ હતી.

આ એક ઘટના ખરેખર તો દુર્ઘટના, અનેક ન માની શકાય એવા તોફાનો સર્જવાની હતી એ તે ક્યાં જાણતી હતી. આ સત્ય તેની સમજની બહાર હતું. એક મહા અનર્થની દિશામાં બંને પાત્રો ઢસડાતાં હતાં. ડરતાં ડરતાં શરૂ થયેલી એક રમત આગ સાથેની રમત પુરવાર થવાની હતી.

વિશ્વાએ માન્યું હતું કે એક સુખનો સમય શરૂ થયો હતો. તે નવતર રોમાંચમાં ગળાડૂબ લીન હતી. વત્સલ કાંઈક અવઢવ સાથે કાંઈક અણગમા સાથે રમતમાં જોડાયો હતો પણ પછી તો તે ખૂંપી ગયો હતો. વિશ્વા તેનું વળગણ બની ગઈ હતી. સાવધાની રાખવાની વાત બંનેએ સ્વીકારી હતી, પણ એ સ્વાદ છોડવાની બંનેમાંથી કોઈની પણ તૈયારી નહોતી.

બંનેમાંથી કોઈને પણ નહોતું લાગતું કે તેઓ એક ભલીભોળી સ્ત્રીને અન્યાય કરી રહ્યાં હતાં. એક મર્યાદા મૂક્યા પછી અનેક પગથિયાં નીચે ઊતરી જવાય એ સત્ય સાર્થક થવા લાગ્યું.

‘વિશ્વા તેં મને જે સુખ આપ્યું એ મારી કલ્પનામાં જ નહોતું. મણિબેનનું આ કામ જ નહિ.’

તૃપ્ત પુરુષના ઉદ્‌ગારો ક્યારેક ભયજનક બની જતા, પણ વિશ્વા પ્રતિકાર કરતી નહોતી. તે એ પુરુષના અહમ્ને પંપાળ્યા કરતી.

‘વત્સલ, ભૂલી જા બધું. હું છું ને તારી પાસે...! તે હથિયારની ધાર તેજધાર બનાવતી હતી. મળવાનાં સ્થળો તો અનેક મળી રહ્યાં. ભોળી ગૃહિણી સુજાતા પળે પળે લૂંટાતી રહી. શ્રદ્ધા અને વિશ્વાસના પાયા પર ઊભેલી દામ્પત્યની ઈમારતને એક ન દેખાય તેવી તિરાડ ભરખવા લાગી.

વિશ્વાને ક્યારેક દુઃખ થતું. વત્સલને પણ થતું પણ આ આકર્ષણ પાસે બંને પાંગળાં પુરવાર થયાં. સુજાતા વિનંતી કરતી રહી.

‘વત્સલ મને હવે મા બનવાની ઝંખના જાગી છે તમને પણ થતું જ હશે ને...’

સુજાતા પતિ પાસે તેની લાગણી વ્યક્ત કરતી હતી. આટલાં વર્ષના સંગાથ પછી પણ તે લજ્જાથી નમી ગઈ હતી એક ભરી ભરી ડાળખીની માફક.

વત્સલનો બેવડો સંસાર ચાલતો હતો. સુપેરે ચાલતો હતો. બે વર્ષ જોતજોતામાં વીતી ગયાં. બંનેના હોઠની મીઠાશ વધી ગઈ.

‘મોટીબેન મોટીબેન, વિશ્વા કહેતી હતી.

‘ઓહ બેબી, માય ડાર્લિંગ’ વત્સલ પ્રેમનો દંભ આચરતો હતો. પલ્લવીએ ખબર આપ્યા કે વિશ્વાએ એક સરસ મઝાની બાળકીને જન્મ આપ્યો હતો. વિશ્વાની મનોદશા બદલાતી જતી હતી. તે પસ્તાતી હતી. ‘ઓહ ! હું શું કરી બેઠી ? સત્યાનાશ વળી ગયું. સુજાતા જેવી સગી બહેન માટે મેં કેવાં કેવાં અનર્થો કર્યાં ? વત્સલને એ માર્ગે લઈ ગઈ પણ હું, તે હચમચી ગઈ ભીતરથી.

હા આ પાપ હતું. પાપ આચરીને તે મહેલમાં હતી અને મોટીબહેન જેલમાં હતી.

‘ખરેખર તો... શું હોવું જોઈએ ?’ વિશ્વા ફફડી ઊઠી. તેણે પહેલાં આ કેમ ન વિચાર્યું ?

*

૨૧

વિશ્વા માટે એ રાત પશ્ચાત્તાપ અને સંતાપની હતી. તેને ખરેખર તો ગુણવંતભાઈએ મૂર્ચ્છામાંથી જગાડી હતી. પલ્લવીએ બાકીનું કામ કર્યું હતું.

તેણે વત્સલ સાથે સંબંધ બાંધીને જીવનની મસમોટી ભૂલ કરી હતી. તે અત્યારે પરિતાપથી બળતી હતી.

સુજાતાની સરળતાની તે મજાક ઉડાડતી હતી.

‘વત્સલ તેને મા બનવું છે ને ? તો કરો ને તેની ઇચ્છા પૂરી તે રાજી રહેશે ને આપણે આપણી ઇચ્છાઓની પૂર્તિ કર્યા કરીશું.’ તેણે વત્સલને સલાહ આપી હતી.

‘આખરે તેને પણ ઇચ્છા જેવું તો કશું હોય ને ?’ તેણે હસીને ઉમેર્યું હતું. વત્સલ પણ સંમતિસૂચક હસ્યો હતો. એ હવે પહેલાંનો વત્સલ રહ્યો જ નહોતો. એ સંવેદના મૂળમાંથી ઠપાઈ ગઈ હતી.

માલિનીને તો પુત્રીની દરકાર રાખવાની ખેવના જ નહોતી. અક્ષય પણ લગભગ અલિપ્ત હતો. આ વાતાવરણથી છલનાભરી જિંદગી વહી જતી હતી.

‘તું અહીં જ રહેવા આવી જા ને.’ ખુદ સુજાતાએ વિશ્વાને કહ્યું હતું. ઓહ ! કેટલી ભોળી સ્ત્રી હતી આ ? વિશ્વા મનોમન હસી પડી હતી.

‘વત્સલ શું પામી શકે આવી સ્ત્રી પાસેથી ? સાવ સરળ અરસિક અને સાવ મૂર્ખ ! સારું થયું મેં તેને બચાવી લીધો. તેની જિંદગીને રસમય બનાવી. તેને સુખનો સાચા સુખનો દરિયો દેખાડ્યો.

અને તેને તો શું જોઈએ છે ? એક બાળખ... જેને પેદા કરવાનું અને પછી શું શું ન કરવાનું ? સુખ તો અનેક રીતે સાધ્ય હતું અને મેળવાતું પણ હતું. પ્રસન્ન પ્રસન્ન થવાતું હતું ! જ્યારે એ સ્ત્રી નામે સુજાતા...!

વિશ્વાની આખી દૃષ્ટિ જ કલુષિત હતી. ધૂંધળી હતી. કોઈ સારી વાત જોઈ શકતી નહોતી. વિચારી શકતી નહોતી. વત્સલ પણ એ જ માર્ગે બમણા જોશથી વહી રહ્યો હતો.

‘મમ્મી... પણ સાચી જ હશે તે તેની વાત કોઈને કહે તો નહિ જ ને. વિધાતાની પણ ભૂલો તો થતી જ હશે ને ? વત્સલ માટે મોટીબહેન જરા પણ યોગ્ય ગણાય ? ચાલો એ ભૂલો તો મેં સુધારી નાખી.

વિશ્વા મનોમન ગર્વ અનુભવતી હતી. તેની હોશિયારી પર, તેના રૂપવૈભવ પર.

‘અને તે પણ તેની રીતે સુખી જ છે ને ? મારે ક્યાં તેનું કશું છીનવી લેવું હતું ? તે ભલે બાળક ઊછેરે...! વિશ્વાને બધું જ યાદ આવતું હતું. આખો અતીત ! ખરડાયલો અને કલંકિત અતીત !

તેણે શું નહોતું કર્યું ? સગી મોટીબહેનના સદ્‌ભાવનો તેણે મોટો દુરુપયોગ કર્યો હતો.

એક વાર સુજાતાએ તેને ટોકી પણ હતી.

‘વિશ્વા... તારે આમ છોકરમત ન કરાય. તું કાંઈ નાની તો નથી જ. વત્સલ તારા બનેવી છે. ગમે તેમ તોય તે પુરુષ છે. તારું વર્તન સંયમમાં રાખવાનું. જોકે એ બિચારા તો ખૂબ સારા છે. છતાં પણ આ લપસણી ભૂમિ ગણાય. શું સમજી ?’

‘હા, મોટીબેન.’ તેણે ગંભીર બનીને ઉત્તર આપ્યો હતો. મનમાં તો સમસમતી હતી.

‘ઓહ ! ક્યાં ભૂલ થઈ ગઈ ? મોટીબેનને આવો ખ્યાલ કેમ આવ્યો ?’

‘જો... બેન એ તો સજ્જન છે સરળ છે પણ દુનિયાને ના પહોંચાય. સુજાતાએ પછી ઉમેર્યું પણ હતું. વિશ્વા જો પાછી આવી વાત તારા બનેવીને ના કહેતી. તે તો મને જ વળગશે. સુજાતા તેના ભોળપણમાં બોલી હતી. તેણે એક ક્ષણ વિચાર પણ આવ્યો હતો કે આવી સહૃદયી સ્ત્રીને છેતરીને કશું પાપ તો નથી કરી રહી ને.

તેને તરત જ વત્સલ સાથે ગાળેલા સમય યાદ આવી ગયો હતો. એક રોમાંચ અંગેઅંગમાં વ્યાપી ગયો હતો. પેલો ખ્યાલ તરત જ અળગો થઈ ગયો હયો.

એમાં તો વત્સલ પણ અવઢવમાં રહેતો હતો. સતત ન સમજી શકાય તેવી તાણ અનુભવતો હતો. દરેક ક્ષણે તેની અકળામણ તેના વર્તનમાં પ્રતિબિંબિત થતી હતી.

‘શું થાય છે તમને વત્સલ ?’ સુજાતા છત તરફ તાકી રહેતા પતિને તંદ્રામાંથી જગાડતી. ક્યારેક બિઝનેસના ભારણ બાબત પ્રશ્નો પૂછતી પણ તાગ પામી શકતી નહોતી.

ક્યારેક તે રંગમાં આવીને પત્ની પાસે રસિક પણ બની જતો હતો. એવું ક્યારેક જ બનતું. સુજાતા એ સમયે અવશ્ય કહેતી તેના મનમાં ઘોળાતી એક વાતને.

‘વત્સલ હવે એકલું એકલું નથી લાગતું ?’

વત્સલ પણ એ ખ્યાલમાં લીન થઈ જતો. એ સમયે જાણે કે વિશ્વાની મોહિની સાવ ભૂલાઈ જ જતી !

‘હા... સુજાતા મને પણ એ અભાવ સ્પર્શે જ ને. શું નામ પાડીશું આવનાર મહેમાનનું ?’

વિશ્વા હસી પડતી વત્સલના ભોળપણ પર.

‘અરે, કશું બનવા દો’ તે છેડાઈ ગઈ હતી.

‘એ તો બનશે જ. આપણી ઇચ્છા ભળે પછી તો...’

‘વત્સલ આમાં ઈશ્વરની ઇચછા પણ જોઈએ શું સમજ્યા ?’

સુજાતાએ ખાનગીમાં નામો પણ વિચારી રાખ્યાં હતાં, પણ વત્સલને આ વાત જણાવી નહોતી. તેને આવા વિચારોમાં લીન થઈ જવું ગમતું હતું. આ સંભવિત સુખમાં તો તેના વર્તમાન અને ભવિષ્યને જોડતી હતી.

વત્સલ અવઢવમાં હતો જ્યારે તે તો એક નિશ્ચિત દશામાં ગરકાવ હતી. દિવસમાં અનેક વેળા ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી. પલ્લવી સાથે ફોન પર વાતો કરતી ત્યારે પણ આ વાત હોઠ પર આવી જ જતી.

પલ્લવી તેને માલિની અને કેદારના સંબંધો વિશે વાત માંડતી ત્યારે પણ તે અળગી થઈ જતી.

‘પલ્લવી... જવા દે ને એ વાત. સૌને પોતપોતાનાં કર્મો અહીં જ ભોગવવાના છે. અક્ષય કદાચ આ વાતાવરણથી કંટાળીને ઘરથી દૂર રહેતો હશે અને વિશ્વા તો લગભગ અમારી પાસે જ રહે છે.’

પલ્લવી હસી હતી.

‘કેમ હસી પલ્લુ’ તેણે પૂછ્યું હતું.

‘ના... રે ખાસ કશું નથી. સુજાતા તું ભોળી છે. જોકે સારી વ્યક્તિઓને ઈશ્વર સહાય કરે જ છે. બાકી વિશ્વાથી તું સંભાળજે.’

‘વિશ્વાથી ? પલ્લવી તારી ગેરસમજ થતી લાગે છે. તે ઘરના વાતાવરણથી કંટાળીને અહીં વધુ રહે છે. મને એવું ગમે છે. મને એકલતાનો અનુભવ છે. મારે તેને એ સ્થિતિમાં નથી મૂકવી. બાકી સાવ નિષ્પાપ છે એ છોકરી. થોડી અણસમજ, પણ મારી એકેએક વાત ધ્યાનથી સાંભળે છે અને પાળે પણ છે. સુજાતાએ વિશ્વાનો બચાવ કર્યો હતો.

વત્સલ સાવ અણગમતા મને વિશ્વાની રમતમાં જોડાયો હતો, પણ પછી એ જોખમી ખેલ ગમવા લાગ્યો હતો. તે તેની જાત સાથે વારંવાર સંવાદ કરતો હતો. આ યોગ્ય થતું નહોતું એમ પણ લાગતું હતું. અને આમાં શો વાંધો હોઈ શકે. એવા નિષ્કર્ષ પર પણ આવતો હતો.

તે ક્યારેક વિશ્વાના સાનિધ્યમાં જ તેને ધિક્કારવા લાગતો. ‘વિશ્વા બહુ ખરાબ સ્ત્રી છે. તને ધિક્કારું છું અને સાથોસાથ ઇચ્છું પણ છું. તારી કલ્પના માત્રથી કમકમાં આવી જાય છે. એમ થયા કરે કે તું ન જ આવે. ક્યારેય ન આવે, પણ તારી હાજરી મને વ્યથામાં ધેકલી દે છે. એક એવું બળ અચાનક જાગી ઊઠે છે મારામાં કે એ સાવ અસહાય બની જાઉં છું. બોલને ખરેખર તું કોણ છે ?’

તે અકળાઈ જતો હતો. બે હાથ મસ્તક પર મૂકીને આંખ મીંચી જતો.

‘વત્સલ હું કશું જ નથી. તારી બધી જ તરસનો હું એક માત્ર જવાબ છું.’ વિશ્વાને તેની આળપંપાળ કરવી પડતી, પણ અંતે તે સફળ થતી હતી.

વત્સલ અસહ્ય સ્થિતિમાંથી પસાર થતો હતો.

‘આ સ્થિતિનો અંત ક્યારે ?’ તે વિચારતો હતો. તેને કશો ઉત્તર સાંપડતો નહોતો.

તેમ કામમાં ખૂંપી જતો. વિશ્વાને ભૂલી જવા મથામણ કરતો, પણ તે ક્યાં ભૂલી શકાતી હતી ? ક્યારેય થઈ આવતું કે તે આ બધી જ વાત કશું જ છુપાવ્યા વિના સુજાતાને કહી દે. મુક્ત થઈ જાય. આ વાત પણ ક્યાં સરળ હતી ? એથી તો દુઃખ જ જન્મવાનું હતું. સુજાતા જેવી સરળ સ્ત્રીને કેવો મોટો આઘાત લાગે ? કદાચ ભાંગી જ પડે.

પછી તેની સાથે દૃષ્ટિ મેળવવાનું અશક્ય બની જાય. સહજીવનની વાત તો ચિત્રમાં આવે જ નહિ. સુજાતા તેને છોડીને ચાલી જ જાય, એ વાસ્તવિકતા સહેવા પણ તે તૈયાર નહોતો.

‘તો ભલે પછી આ’ તેણે મને સમેટ્યું હતું કારણ કે વિશ્વા તેની જિંદગીનો હિસ્સો બની ગઈ હતી. એક અનિવાર્ય અનિષ્ટ બની ગઈ હતી.

વિશ્વા એ સ્થિતિને બરાબર સમજતી હતી.

‘વિશ્વા તું ખરેખર વિષકન્યા જ છું. તું ભયંકર સ્ત્રી છું.’ વત્સલ પ્રકોપ ઠાલવતો હતો.

‘હા વત્સલ... આ વિષનું તમને બંધાણ છે. પછી એ તો અમૃત જ ગણાય, તમારા માટે તમે ખૂબ વિચારો છો. વત્સલ તમે કહેતા હો તો ચાલી જાઉં તમારી જિંદગીમાંથી. તમે આમ તરફડો એ યોગ્ય નથી. આનંદની વાતમાં શા માટે દુઃખી થવું ? વત્સલ તમે અપરાધભાવ કેળવો છો એય બરાબર નથી. તમે રહી શકશો મારા વગર ?’

વિશ્વા સાવ સરળતાથી આવી ગંભીર વાત કહેતી અને તેને ગળા સુધીની ખાતરી રહેતી કે વત્સલ માટે તેના સિવાય જીવવું જ શક્ય નહોતું. તે તેની ભલે ગમે તેવી પણ અનિવાર્યતા હતી.

‘ના વિશ્વા એ પણ શક્ય નથી. મને લાગે છે કે આનો અંત કદાચ મૃત્યુ જ હશે ! વત્સલ ક્યારેક બોલી નાખતો.

‘ઓહ, વત્સલ આવું અમંગળ ન બોલો. હું તૈયાર છું જે માર્ગ તમને સુખ આપે એ સ્વીકારવા.’

અંતે બધા જ વલોપાતોનો ઉકેલ વિશ્વામાં જ સમાઈ જતો. ‘વત્સલ હું પરણવાની પણ નથી. મમ્મી હવે એ માટે વાત પણ કરે છે. તે પાત્રો પણ શોધે છે. પણ મારે એ દિશામાં જવું જ નથી. મારો નિર્ણય સ્પષ્ટ છે. મારો માર્ગ સ્પષ્ટ છે કે અડગ છું પહાડની માફક. વત્સલ તમે જ મારા પુરુષ તમે જ મારા સર્વસ્વ. તમે મોટીબેન સાથે લગ્નમંડપમાં ચાર ફેરા ફરતા હતા ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે હું પણ ફરતી હતી તમારી સાથે ! વિશ્વાની ભાવુકતાથી વત્સલ છળી ઊઠતો હતો.

વિશ્વાએ માલિનીને ધરપત આપી હતી.

‘મમ્મી... પરણી જઈશ સરસ પાત્ર મળી જશે તો. બસ, ખોટા નખરા નહિ કરું. બાકી ગમે તેવા પાત્ર સાથે ખાલી ખાલી જિંદગી વેડફવાનો કશો અર્થ નથી. અને મમ્મી તું જ કહે, તારી દીકરીમાં છે કશી ખામી ?’

માલિનીને સંતોષ થયો હતો પુત્રના જવાબથી. વિશ્વાની વાત સાચી જ હતી. અણગમતા પાત્ર સાથે જિંદગી જોડવાની વાત કેટલી કષ્ટમય બની શકે એ તે સારી રીતે જાણતી હતી. પોતાનો અનુભવ હતો.

સંપતરાય સાથે જેટલું સહજીવન ગાળ્યું એ ભારથી મુક્ત નહોતું. તે એ પુરુષમાં સ્થિર થઈ શકી નહોતી. ‘તને પણ કોઈ વત્સલ મળી જશે ! માલિની અજાણતા જ બોલી ગઈ હતી. જરા થથરી હતી. વિશ્વાથી ખુશખુશાલ થઈ જવાયું હતું એ રાતે.

‘ઓહ, મમ્મી પણ આમ જ માને છે.’ વિચારોનું કેવું સામ્ય ? પણ હવે એ વાત ક્યાં શક્ય બનવાની હતી ? સિવાય કે મોટીબેન સ્વેચ્છાએ હટી જાય. એ તો ન જ બને. મૂર્ખતા જ કહેવાય. તે તો માતૃત્વનાં સ્વપ્નાં જુએ છે અને અમને બંનેને પ્રેમી પંખીઓને નિર્દોષ ગણે છે. કેવી વિચિત્રતા ?’

તે તથા વત્સલ મળતાં ત્યારે આવી વાતો પણ ચર્ચાતી હતી. તે આવા તુક્કા લડાવતી. વત્સલ સાંભળ્યા કરતો. કશો પ્રતિસાદ આપતો નહોતો.

વિશ્વાનુ સાન્નિધ્ય તેને ઉત્તેજિત કરતું હતું. તેને પણ વિચાર આવી જતો ક્યારેક ક્યારેક.

‘વિશ્વાની વાત ખોટી નથી. વિશ્વા પાસેનો તેનો થનગનાટ સુજાતા પાસે ઓગળી જતો હતો. સ્ત્રી અને ઉત્તેજના જ ન જન્મે એનો શો અર્થ ? આ વય કાંઈ સાધ્વી બની જવાની તો નહોતી જ.

વત્સલના મનની સ્થિતિ બદલાતી જતી હતી.

‘વત્સલ શું તમને નથી લાગતું કે આ સ્થિતિમાં પરિવર્તન થાય તો આપણે બંને ક્યારેક સાવ એકાકી બની જઈએ છીએ. કોઈ બાળક હોય તો ઘર અને મન કેવાં ભર્યાંભર્યાં લાગે. સુજાતાના શબ્દો તો એવા ને એવા લાગણીભર્યાં હુંફાળા હતા, પણ હવે સાંભળનારનું મન બદલાઈ ગયું હતું. તેને એ શબ્દો ન ગમ્યા. કોઈ ફૂવડ સ્ત્રી જેવી ? અત્યારે કોઈ અંતરાયની જરૂર જ ક્યાં હતી ? આ જિંદગી તો માણવાની છે. જામમાં ડૂબી જવાની છે.

પતિનું મૌન સુજાતાને અકળાવતું હતું. શું વિચારતા હશે વત્સલ ? કોઈ બિઝનેસની ચિંતા સતાવતી હશે ?

તે મનની વાત કહે કોને ?

પતિનું પરિવર્તન તેને સમજાતું નહોતું. વત્સલ કાંઈ આવા તો નહોતા જ. માતૃત્વની ઝંખના તેણે અનેક વાર વ્યક્ત કરી હતી પણ આવો કઠોર પ્રત્યાઘાત ક્યારેય પણ સાંપડ્યો નહોતો.

‘ચાલો ક્યારેક નિરાંતે, મન શાન્ત હોય ત્યારે વાત કરી લઈશ. વત્સલ કહેશે કે સુજાતા... મારો આવો આશય જ નહોતો. એ સમયે તો મારો મૂડ જ બરાબર નહોતો.’

સુજાતાને બીજી કલ્પના પણ ક્યાંથી આવે ? જો તેને કશો સંકેત મળ્યો હોત તો એ દુર્ઘટનાની જ સભવતઃ.

સુજાતાને એક પત્ર મળ્યો. તેની દૂરની માસીનો. તે તેને એકાદ વાર મળી હતી. એ સ્મરણમાં હતું. સંપતરાય મૃત્યુ પામ્યા હતા. ત્યારે આશ્વાસન આપવા આવ્યા હતા. બસ, ત્યારનો અછડતો પરિચય. સૌરાષ્ટ્રના એક શહેરમાં રહેતા હતા. તેમને એકાએક ભાણેજ સાંભરી હતી.

‘સુજાતા બેચાર દિવસ આવી જા. મને વાસંતી યાદ આવ્યા કરે છે. જમાઈને પણ લેતી આવજે. જોકે તમારા જેટલી સગવડ મારા ઘરમાં તો ક્યાંથી હોય ?’

પ્રેમભર્યા આમંત્રણથી સુજાતા ખુશ ખુશ થઈ ગઈ હતી. પોતાનું પણ કોઈ તો હતું જ, એ ખ્યાલે તે ભાવવિભોર થઈ ગઈ હતી.

‘પણ વત્સલને આ ગમશે ?’ તરત જ તેનામાં એક ગૃહિણી જીવતી થઈ.’ તેને ક્યાં ગમે છે મારા વિના ?’

પણ વત્સલે તો હા પાડી.

‘જઈ આવ થોડો ચેન્જ રહેશે.’ વત્સલે આગ્રહ કર્યો ત્યારે તેના મનમાં વિશ્વા રમતી હતી. પત્નીની ગેરહાજરી તે બંને માટે કેવો સરસ સમય બની જશે ! આમ છાનાં છાનાં સ્થાનોએ મળીને મન કાંઈ અધૂરપ અનુભવતું હતું.

‘ુજુઓ શું કરશો જમવાનું ? કહેતા હો તો વિશ્વાને કહી દઉં તે તમને જમાડી દેશે.’ સુજાતાએ જ પ્રસ્તાવ મૂક્યો હતો.

સુજાતાને બસસ્ટેશન પર વિદાય આપી ત્યાં સુધી તે ગંભીર જ રહ્યો હતો. એક પ્રેમાળ પતિને છાજે એ રીતે વિદાય આપી હતી અને પછી તરત જ વિશ્વાને ફોન જોડ્યો હતો. ‘વિશ્વા હવે તું અને હું મુક્ત પંખી પછી.’ તેણે હર્ષ વ્યક્ત કર્યો હતો. વિશ્વા સહેજ ધ્રૂજી હતી. આ મુક્તિનો અર્થ તે બરાબર જાણતી હતી. એક રીતે તેની ઇચ્છાની પૂર્તિ થવાની હતી. તેણે જ વત્સલને આ માર્ગે દોર્યો હતો. તેને પ્રાપ્તિની ક્ષણે કશુંક અવનવીન અનુભવાતું હતું.

‘હું શું આટલી ડરપોક ? આટલી નિર્બળ ? હવે તો મને ઘેરે તેમ જ...’ તે વિચારી રહી હતી.

‘વત્સલ... મને ડર લાગે છે...’ તેનાથી બોલાઈ ગયું હતું.

‘વિશ્વા... આવી લાગણીઓ ખંખેરી નાખવાની ચાલ... કાલે મળીએ છીએ.’ વત્સલે તેને હિંમત આપી હતી. જોકે તેને ગુસ્સો જન્મ્યો હતો. તેણે જ તેને ઉશ્કેર્યો હતો અને હવે આવી ડરની વાત કરે એ કેવી વાત ગણાય ? વત્સલ તો પૂરી રીતે ઉત્તેજિત થઈ ગયો હતો.

‘ના હવે કશું ન ચાલે. એ તો માની જશે !’ તે મનને પટાવતો હોય એ રીતે બબડ્યો હતો.

તેનું ચંચળ મન કામમાં પણ ચોંટતું નહોતું. સમય અધ્ધર ગતિએ સરકતો હતો. એ પણ તેને સહી શકતો નહોતો.

બીજી સાંજે તે ઘર પર રહીને વિશ્વાની પ્રતીક્ષામાં લીન હતો, પણ તે નહોતી આવી.

વત્સલ... તબિયત બગડી ગઈ. વિશ્વાએ ફોન પર દયામણા સ્વરમાં ઉત્તર વાળ્યો હતો.

‘તને કદાચ બહાનું લાગશે પણ સત્ય છે, વત્સલ... હવે કાલે...’ વિશ્વાના સ્વરમાં યાચના હતી.

‘વત્સલ... હવે તો મનેય ઇચ્છા પણ જાગી છે. બસ... કાલે...’ તેણે આમ કહ્યું પછી જ વત્સલે તેની વાતની સત્યતા સ્વીકારી હતી. બીજી સવારે તે વિશ્વાને મળવા પણ આવ્યો હતો. સાચે જ વિશ્વા તાવમાં ધગધગતી હતી. ચહેરા પર લાચારીના ભાવ ઢળ્યા હતા.

માલિની અને અક્ષય પલંગ પાસે જ હતા.

‘સુજાતા નથી ?’ તો પછી તારે અહીં જમવું જોઈએ ને, વત્સલ ?’ તારે જુદારો ન રાખવો જોઈએ.

માલિનીએ વિવેક કર્યો પણ તેનું મન તો ચિંતામાં પડ્યું હતું. આ મોકો ચાલ્યો જશે કે શું ?

‘મને તો આજે જ સારું થઈ જશે. મારું મન કહે છે. કાલે સાંજે તો મારે લાઈબ્રેરીમાં પણ જવાનું છે. જોજો ને મમ્મી, હું ઝડપથી રીકવર થઈ જઈશ...’

ખરેખર તો આ વાક્ય વત્સલ માટે જ બોલાયું હતું.

વત્સલ નિરાશ થઈ ગયો હતો. મળેલી તક પણ આમ છીનવાઈ જતી હતી. તેની ભીતર રોષનો જ્વાળામુખી જન્મી ચૂક્યો હતો. વિશ્વા સહાનુભૂતિપૂર્વક હસી હતી. માંદલું પણ કાંઈક મર્માળુ.

બીજી સવારે જ તે સાજી થઈ ગઈ. શરીરમાં શક્તિ તો નહોતી પણ મન મક્મક થઈ ગયું હતું.

તેણે વત્સલને ફોન કર્યો પણ તે ઘેર નહોતો. તે અસહાય બની ગઈ હતી. તેણે નક્કી કરી જ નાખ્યું કે તે જશે જ. તેણે સ્નાન કર્યું અને કાંઈક અંશ હળવી બની. શરીરમાં તેજ અને તાજગી પણ આવ્યા.

મનની ગતિ ધારદાર બની ગઈ.

‘મમ્મી... જો હું સાવ સાજી છું. મારી ચિંતા હવે ન રાખ.’

તેણે માલિનીને પણ વિશ્વાસ આપ્યો. એ સાંજે વિશ્વા તૈયાર થઈને પુસ્તક લઈને ઘરમાંથી સરકી ગઈ. વસ્ત્રો સાદા પણ સેન્ટનો છંટકાવ કર્યો હતો. તેના મનમાં અનેક તરંગો ઊઠતા હતા, શમતા હતા.

તે અભિસારિકા બનીને જઈ રહી હતી. વત્સલ તો તેને જોઈને આભો બની ગયો હતો. તે પથારીમાં પડ્યો હતો. તેના હાથમાં એક ચમકતી છરી હતી.

વિશ્વા ડરી ગઈ.

‘ઓહ ! ડાર્લિંગ... તું ડરી ગઈ આ રમકડાથી ? એ તો મારા એક કારીગરનું અસ્ત્ર છે. સાચવવા આપ્યું છે. કાલે સવારે લઈ જશે.’ વત્સલ ખુશખુશાલ થઈ ગયો.

‘વત્સલ એ અનામતને ક્યાંક દૂર મૂકી દો. મારે કે તારે એનું કશું કામ નથી.’ વિશ્વા હસી પડી. તેના સ્મિતમાં માંદગીની અસર હતી. વત્સલે તેની જાતના દર્શન કર્યા, તેને શરમ આવી. અરે, તે તો પૂરો તૈયાર પણ નહોતો થયો.

‘બેબી... હું બાથ લઈને આવું. તું બસ આરામ કર. આ ક્ષણો બહુ જ મૂલ્યવાન છે. કાંઈ જેવો તેવો પ્રસંગ નથી !’ તેણે લોલુપ નજરે વિશ્વા પર જોયું. વિશ્વા લજ્જા અનુભવવા લાગી. તે પણ આખરે તો સ્ત્રી જ હતી.

બસના માર્ગમાં સાંજનો ટ્રાફિક રુકાવટ કરતો હતો. સુજાતાની ખુશીનો પાર નહોતો. એ કારણસર જ તે રોકાણ ટૂંકાવીને અમદાવાદ દોડી આવી હતી.

પ્રેમથી માસીને મળી. ખબર અંતર પૂછ્યા. નવા ઘરમાં જરાતરા નજર મેળવી ત્યાં જ કશું અનુભવાવા લાગ્યું. ભીતર ઊબકા જેવી અનુભૂતિ થઈ. તે તરત જ બાવરી બની ગઈ. ‘શું થાય છે સુજાતા ? તને કાંઈ છે તો નહિ ને ?’ અનુભવી માસી તરત જ બોલી ઊઠ્યાં હતાં.

પછી તો સુજાતાને પણ એમ લાગ્યું હતું. આનંદનો એક કંપ ફરી વળ્યો હતો તેના તનમન પર.

માસી તરત જ લેડી ડૉક્ટર પાસે લઈ ગયા. ટેસ્ટ થયા. તેને અનેક વિચારો આવી ગયા.

‘એમ જ હશે ! ભગવાને મારી સામે જોયું. અરે હું કેવી કહેવાઉં ? આ ક્ષણે અહીં દૂર દૂર દોડી આવી ?’

લેડી ડૉક્ટરે પ્રેગનન્સીના સમાચાર આપ્યા. તેના આનંદનું પૂછવું જ શું ? એક સ્વપ્ન સાકાર થવાનું હતું.

બે દિવસો તો માંડ રહી માસી પાસે.

અને પછી પતિને આ ખુશખબર સ્વમુખે જ આપવા તે બસમાં બેસી ગઈ. માસી તો ના પાડતાં રહ્યાં.

‘કેવી કે’વાય, વરઘેલી !’ માસી બોલતાં રહ્યાં. બે દિવસ પછીના અખબારમાં માસી શું વાંચવાનાં હતાં ?

*

૨૨

સાંજના પડછાયા ઝડપથી સરી રહ્યા હતા. મહાનગર પર નવો ઉજાસ ફેલાઈ રહ્યો હતો. રાજમાર્ગો મેદનીથી લથબથ હતા.

સુજાતા ઉતાવળી બની હતી પણ રીક્ષાને તો મેદનીમાંથી રસ્તો કરવાનો હતો. ટ્રાફિક પોઈન્ટ્‌સ પાર કરવાના હતા. આમ પણ સુજાતાને એ સમયે કોઈ આંબી શકે તેમ નહોતું. તે પતિને મળવા હરખના સમાચાર સ્વમુખે સંભળાવવા તલપાપડ બની હતી.

નાનકડી એટેચીને સાચવતી સંભાળતી તે શક્ય તેટલી ત્વરાથી ફ્લેટના દ્વાર પર પહોંચી ત્યારે તે લગભગ હાંફી ગઈ હતી. દ્વાર અર્ધખુલ્લું હતું.

મનને શાંતિ થઈ. ચાલો, વત્સલ તો છે જ ઘરે. એકલતાથી થાકીને ક્યાંય વિહરવા નીકળી પડ્યા નથી.

સહેજ સ્વસ્થ થઈ ભીતર પ્રવેશી હતી. એટલે એટેચી મૂકીને તે ધીમે પગલે આગળ વધી હતી. તેને તો વત્સલને આશ્ચર્યચકિત કરી દેવો હતો. તે ઓચિંતી જ આવી હતી ને ! ‘શું કહેશે વત્સલ ?’ ખુશ ખુશ થઈ જશે. પુરુષો ભાવપ્રદર્શનમાં પણ ઓછા ઊતરે, સંયમમાં રહે પણ આ વાત જ એવી છે કે તે નાચી ઊઠશે. મને ઊંચકી લેશે...’ આવા અનેક વિચારો છેક સુધી મનમાં રમતા હતા.

અચાનક તેના પગ થંભી ગયા. તેણે શું સાંભળ્યું હતું ? વિશ્વાનો અવાજ...?

‘નો... નો પ્લીઝ...’ વિશ્વાનો જ સ્વર હતો. દબાયેલો સ્હેજ રુંધાયેલો.

‘બેબી ડોન્ટ સે નો. હું કહું તેમજ...’

વત્સલનો સ્વર હતો. એ સ્વરમાં ઉતાવળ હતી. લાલસા હતી. સુજાતાને કાંઈક સમજ પડી.

આખી પૃથ્વી પર અંધારા ઊતરી રહ્યા હતા. બિલ્ડિંગની એક તરફ મેદની અને કોલાહલથી ભરચક રાજમાર્ગ હતો. બીજી તરફ શાંત ગલી હતી.

ફાળ પડી હતી સુજાતાને. તે તરત અંદર ધસી હતી. શૈયામાં દૃષ્ટિ પડતાં જ... હેબત ખાઈ ગઈ તે બીજી જ ક્ષણે છલાંગ મારતી વિશ્વા એ જ દશામાં તેની પાસે દોડી આવી હતી. તેની આંખમાં ગભરાટ હતો. એ ગભરાટ તો સુજાતાની હાજરીથી જન્મ્યો હતો. તેની નજર જ પ્રથમ સુજાતા પર પડી હતી. તેણે ઝડપથી ગણતરી માંડી લીધી હતી. સચોટ અને તર્કબદ્ધ !

‘મોટીબેન..’ એમ બોલતાં તે લજ્જા અનુભવતી સુજાતા પાછળ ગોઠવાઈ ગઈ. સુજાતા તેની દશા નીરખી રહી. ને નખશિખ ધ્રૂજી ઊઠી હતી. તેણે તરત જ તેની સાડી ઊતારીને વિશ્વાને ઓઢાડી હતી. વિશ્વાનું નાટક સચોટ રહ્યું હતું.

સુજાતાએ માની લીધું હતું કે તેના પતિએ એકલતાનો લાભ લઈને વિશ્વા પર...! હા... એમ જ માની લે કોઈ પણ. ‘વત્સલ...’ સુજાતાની ચીસ આખા ફ્લેટમાં ફરી વળી હતી.

‘ઓહ આવો અધમ પતિ ! આવો પામર પુરુષ ! સગી સાળી ? આ મારો સ્વામી ? આ મારું સર્વસ્વ ?’ તેના દેહમાં એક પ્રત્યાઘાતી વંટોળ ફરી વળ્યો. આંખમાંથી તણખા ઝરવા લાગ્યા. એક ન સમજાય એવી શરમ તેને ઘેરી વળી.

ત્યાં જ બારણામાં વત્સલ દેખાયો. ‘કામાતુરાણાં ન ભયં ન લજ્જા’ એ ન્યાયે તે પહેલાંનો વત્સલ જ જાણે નહોતો. તેના ચહેરા પર ખુન્નસ હતું. અતૃપ્તિના ખુન્નસ ‘કેમ આવી ? ચાલી જા... તું કોણ છે અમને રોકવાવાળી ?’

વિશ્વા ખળભળી ગઈ. અણધારેલું બની ગયું હતું. જોકે તેણે જે તાત્કાલિક જે સૂઝ્‌યું એ કર્યું હતું પણ એમાં પણ મોટું ભયસ્થાન હતું વત્સલનું. વત્સલને એમ લાગે કે વિશ્વાએ વલણ બદલ્યું તો ? તેનો આ ગુસ્સો ગમે એ દિશામાં ફંટાય અલબત્ત તે સુજાતા પાસે ઇચ્છિત અસર ઉપજાવી શકી હતી. તે એક ખૂણામાં તરથર કાંપતી ઊભી હતી.

વત્સલ પર ખુન્નસ સવાર થયું હતું. ગમે તેવી વ્યક્તિ પણ ક્યારેક પશુવત બની જતી હોય એ સાંભળવામાં તો આવ્યું હતું પણ આ તો નજર સમક્ષ બની રહ્યું હતું. શો હશે અંજામ આનો ? આ જ્વાલામુખી શાંત થશે ખરો ? કેવું બની ગયું ? તે સુજાતાને પહેલેથી જ જોઈ શકી અને સચેત પણ બની શકી. જો એક બે ક્ષણ વિલંબ થયો હોત તો ? તે કઈ સ્થિતિમાં હોત અને શું બનત ?

કોઈ પણ નઠારા કામનો અંજામ સારો તો ન જ આવે. તે પરિતાપ અનુભવતી હતી પણ એથી શું વળવાનું હતું ? આ જે બન્યું અને બની રહ્યું હતું એ થોડું મિથ્યા થવાનું હતું ?

‘વત્સલ... તમને મેં આવા નહોતા ધાર્યા... શું થયું તમને ? હું ન જાત જો તમે મને તેમ કહ્યું હોત તો !’ તે કાંઈક શાંત પડી હતી. તેનો ચહેરો લજ્જાથી ઝંખવાઈ ગયો હતો. ‘કેમ આવી તું ? પાછી ચાલી જા.’ વત્સલનો અવાજ ગરજી ઊઠ્યો હતો. તે હાથ ઉઠાવતાં એક ડગ આગળ વધ્યો હતો.

‘જીજાજી...’ વિશ્વા બોલી હતી એક નાનકડી ચીસ જેવું વત્સલ સમે જોઈને તે કાંક સંકેત કરવા લાગી. સમજાવવા લાગી.

‘ઓહ ! તેણે ઘુરકાટ કર્યો હતો.’

રાત જામી હતી. આ બધો ખેલ એ પ્લેટ પૂરતો મર્યાદિત હતો. અન્ય સૌ નિવાસીઓ તો પોતપોતાના માળામાં લીન હતા. નિજી પ્રવૃત્તિઓમાં અને કશુંક સંભળાય તો પણ કોઈ પારકી પંચાતમાં પડે તેમ નહોતા.

ઈમારત એક જ હતી પણ એ નાના નાના ટાપુઓમાં વહેંચાયેલી હતી.

અંતે પરાકાષ્ટા આવી હતી. વત્સલના હાથમાં હથિયાર હતું.

‘વિશ્વા... તું અંદર આૌવી જા અને તું ફ્લેટ બહાર નીકળી જા. મને ખલેલ પસંદ નથી. વત્સલની કામવાસના ગરજી હતી. સુજાતા હિંમતપૂર્વક આગળ વધી હતી.

‘મારી નાંખ વત્સલ... તને ઓળખવામાં મેં ભૂલ કરી હતી. જોઉં છું તું અસ્ત્ર કેમ ચલાવે છે ?’

સુજાતામાં ગજબનું ખુન્નસ સવાર થયું હતું. અંતે વિશ્વા વચ્ચે પડી હતી.

વત્સલ અને સુજાતા વચ્ચે વિશ્વા હતી. તે હજુ પૂરી ઢંકાયેલી પણ નહોતી, પણ વિશ્વા હવે કૃતનિશ્ચયી બની હતી. આ મામલો તેણે જન્માવ્યો હતો તો એ શાંત પણ તે જ કરશે એ ખ્યાલ સાથે તે વચ્ચે આવી હતી.

બરાબર એ જ સમયે વિદ્યુત પ્રવાહ અટકી જતાં અંધકારનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.

થોડી ઝપાઝપી થતી હોય એવું જણાતું હતું. આછા અંધાકરમાં થોડા અવાજો સંભળાતા હતા.

‘એ મૂર્ખ સ્ત્રી મરવાની જ થઈ છે. તેને ક્યાંથી ખબર હોય કે પુરુષ ‘વત્સલના અવાજ સાથે વિશ્વનો સ્વર ભળી ગયો.’

‘વત્સલ... તમે શાંત થાવ... આ ઉન્માદનો શો અર્થ હતો ?’

‘વિશ્વા... આ પરિચય થયો એક નવા હેવાનનો. તને ભોળવી અને છેતરી.’ સુજાતા પણ આવેશમાં હતી. કોણ કોને રોકે ?

‘મોટીબેન... તમે પણ’ વિશ્વાની ચીસ પડી. કશું બની રહ્યું હતું પણ અંધકાર હતો.

સુજાતા આગળ વધી. તે પતિને ઓળખી શકી. તે આડો પડ્યો હતો. સુજાતાએ હાથ મૂક્યો તેના દેહ પર.

‘વત્સલ... શું થાય છે તમને ?’ તે માંડ આટલું બોલી શકી. તેનો હાથ કોઈ ગરમ પ્રવાહીથી ખરડાઈ ગયો. શું હતું ? શું રક્ત ?

‘વિશ્વા... ટોર્ચ લઈ આવ ટેબલના ખાનામાંથી. જો આ લોહી ઓ ગોડ !’

સુજાતા સ્તબ્ધ થઈ ગઈ હતી. વિશ્વા ટોર્ચ શોધે એ પહેલાં તો રોશની આવી ગઈ. બધું પૂર્વવત્‌ ઝળહળવા લાગ્યું પણ એ પ્રકાશ તો અંધકાર જ લાવવાનો હતો. સુજાતાની જિંદગીમાં અને વત્સલની જિંદગી જ અસ્ત થવાની હતી.

સુજાતોએ જોયું તો વત્સલ તરફડતો હતો. પાસે ઊભેલી વિશ્વાના હાથમાં પેલું ધારદાર અસ્ત્ર હતું. ફરશ પર રક્ત વહેતું હતું.

વિશ્વાની આંખમાં ડર હતો. તે જડની માફક થીજી ગઈ હતી.

‘વિ...શ્વા...!’ સુજાતાએ ચીસ પાડી હતી પમ એ તેના મુખમાથી બહાર નીકળી શકી જ નહોતી.

આ ભીષણ વાતાવરણ પળેપળે ચેતનાને જડ બનાવી દેતું હતું.

‘ઓહ ! મારા હાથે ?’ વિશ્વા બોલી. તેના હાથમાંથી પેલું અસ્ત્ર પડી ગયું. ફરશ પર પડવાનો સહેજ રણકાર થયો.

‘મોટીબેન... હું તો તેમને રોકતી હતી. તેઓ તમારા પર હુમલો કરી બેસે એવી દહેશત હતી.’

વિશ્વા સજાગ રહી શકી હતી.

તેણે જ વત્સલની નાડી તપાસી. હૃદયની ગતિ જાણવા પ્રયત્ન કર્યા પણ વત્સલનો તડફડાટ શાંત થઈ ગયો હતો. એનો અર્થ એ કે તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો.

‘વિશ્વા... તું અહીંથી ચાલી જા. તું અહીં હતી જ નહીં. કશું બન્યું જ નથી એ જાણજે. તારી સામે આખી જિંદગી પડી છે. તું અબઘડી ચાલી જા. હું ડૉક્ટરને ફોન કરું છું તું એ પહેલાં જ કોઈ ન જાણે એમ સરકી જા. દાદર પરથી જ ઊતરી જજે. ખાસ અવરજવર નહિ હોય.’ સુજાતાએ હોઠ ભીંસ્યાં હતા.

વિશ્વા સુજાતાના મનોભાવ સમજી હતી. તે તરત જ જેમતેમ વસ્ત્રો વિંટાળીને ચાલી ગઈ હતી.

તેના સદ્‌નસીબે કોઈએ તેની હિલચાલની નોંધ લીધી નહોતી. તેના પગ અને મગજ બંને તીવ્ર ગતિથી ચાલતા હતા. તેની દૃષ્ટિએ વત્સલના દેહમાં પ્રાણ રહ્યો નહોતો. કદાચ હોય પણ ખરો. તે કાંઈ એવી અનુભવી નહોતી. તેણે વત્સલને ખૂબ સમજાવ્યો હતો. આડી દીવાલ બનીને ઊભી રહી હતી, પણ તે ખૂબ જ ઝનૂનમાં હતો. એક અતૃપ્તિ તેને આટલો હિંસક બનાવી દેશે એવી તો તેને કલ્પના પણ નહોતી. સામાન્ય રીતે તે કેટલો સરળ અને સાલસ હતો. અને સભ્યતા પણ ખરી જ. આટલા દીર્ઘ સહવાસમાં ક્યારેય તે વિશ્વાની ઇચ્છા વિરુદ્ધ વર્ત્યો નહોતો.

તે રસિ હતો પણ સાથોસાથ ભદ્ર પણ હતો. સુજાતા સાથેના વર્તનમાં પણ ક્યારેક રુક્ષ બન્યાની વાત જાણતી નહોતી. તો પછી આજે તે કેમ આમ પશુ બની ગયો ? મનની આંટીઘૂટી સમજવી દુષ્કર હોય છે, પણ આ તો સૌથી મુશ્કેલ બાબત હતી. શું થયું તેને ?

‘વત્સલ બચી જશે તો પણ તેઓનો સંસાર ચાલી શકે તેમ નહોતો જ.’ વિશ્વા વિચારતી હતી.

‘અને મરણ પામે તો ?’ તરત જ બીજો પ્રશ્ન ઊઠ્યો.

તે એક પછી એક ગલી પાર કરીને આગળ ધપી રહી હતી.

સ્ટ્રીટલાઈટ પાસે એક વૃક્ષ નીચે તે શ્વાસ લેવા જરા ઊભી. તેનો દેહ તો થીજી ગયો હોય તેવું અનુભવતી હતી. હાથની હથેળી પ્રસ્વેદથી ભીની ભીની હતી.

અરે, તેનાં વસ્ત્રો ચૂંથાયેલાં તો હતાં જ, પણ એના પર ક્યાંક ક્યાંક લોહીના ધાબા પણ હતા. વત્સલના રક્તના નિશાનો ! તે છળી ઊઠી.

આ મનુષ્યવધ હતો. એક મોટો અપરાધ હતો. ઓહ ! તેણે એક હત્યા...! આમ ચાલી જવાથી તે થોડી બચી જવાની હતી ? આ પુરાવા હતા. છરા પર તેની આંગળીોના નિશાન હતા અને બીજા પુરાવા પણ હશે જ.

આ વેશે ઘરે જવાનો કશો અર્થ જ નહોતો. તો શું કરે તે ? તે વૃક્ષના થડ પાછળના અંધકારમાં છુપાઈ ગઈ પણ આ કાંઈ ઉપાય નહોતો. બેચાર મિનિટ વિચાર કરી શકે એવી જગ્યા હતી.

ને વિશ્વાને નિશીથ સાંભર્યો હતો. હમણાં તો મળી નહોતી. કશો સંપર્ક પણ નહોતો તેમ છતાં પણ તેને લાગ્યું કે આ અવદશામાં તેની પાસે જવામાં જ ભલાઈ હતી. તે ધુત્કારે તેવો તો નહોતો જ. અને એ સિવાય કશો વિકલ્પ પણ નહોતો. તેણે અજાણ્યા પીસીઓ પરથી તરત જ ફોન જોડ્યો હતો.

‘ઓહ ! બેબી...? યુ આર ઈન ટ્રબલ ? બસ આવી જા રિક્ષામાં આવજે ડોન્ટ વરી...’

નિશીથનો ઘેરો અવાજ પણ વિશ્વાને રાહતરૂપ લાગ્યો હતો. તેણે સ્વસ્થતાથી રિક્ષામાં બેઠક લીધી. મનની ગભરામણ ઢાંકવા એક ગીતની કડી પણ ગણગણી.

‘બેટી કોઈ બિમાર હૈ ?’ વૃક્ષ રિક્ષાવાળાએ તેના દેખાવ પરથી અનુમાન કરી લીધું હતું.

‘હા... ચાચા...’ તે ગંભીર થઈ ગઈ હતી. બસ ચાલ્યું તેના માટે જૂઠ કાંઈ નવી વાત નહોતી. આ તેના જ દુરાચરણનું પરિણામ હતું. એ વિચાર આવ્યો તો ખરો પણ વધુ સમય માટે ટક્યો નહોતો.

વિશ્વાને સ્વબચાવના વિચારો આવતા હતા. થોડા સમય પહેલાનાં દૃશ્યો નજર સમક્ષથી ખસતાં નહોતાં. તેને એમ પણ લાગતું હતું કે આ પ્રકરણમાં માત્ર તેનો જ દોષ નહોતો. સુજાતા અને વત્સલ બંને પણ એટલા જ દોષી હતા.

એ પુરુષને સાચવી શક્યા નહીં. સંતોષી શક્યાં નહિ તેથી જ તે બીજી દિશામાં વળે ને ? બાકી... તો જે બનવાપાત્ર હોય એ બને જ છે. લાખ ઉપાયે થનાર દુર્ઘટના રોકી શકાતી નથી.

વિશ્વા રિક્ષામાંથી ઊતરી ત્યારે કાંઈક અંશે સ્વસ્થ હતી. તે દાદર ચડીને ઉપર આવી ત્યારે નિશીથ તેની રાહ જોતો હતો.

‘આવ... બેબી... તું તો કેટલી ડરી ગઈ છે ?’ રીલેક્સ તું કાંઈ કોઈનું ખૂન કરીને તો નહિ જ આવી હો. પછી આમ ગભરાવાની ક્યાં જરૂર છે...’

નિશીથ તેને હળવી બનાવવાના આશયથી બોલ્યો પણ તે તો આ સાંભળીને હેબતાઈ ગઈ. તેનો ચહેરો સફેદ પૂણી જેવો બની ગયો. આંખમાંથી ડબડબ આંસુડાં વહેવા લાગ્યાં.

‘હા... નિશીથ કોઈનું ખૂન કરીને જ આવી છું.’ તે બોલી હતી. આ સાંભળીને નિશીથ ખુદ ચમકી ગયો હતો.

લગભગ દસેક મિનિટના સમયમાં નિશીથે આખી વાત જાણી લીધી. તે તેને વાંસા પર પંપાળતો હતો અને વાત કહેવા માટે પ્રેરણા આપતો હતો કારણ કે હકીકત જાણ્યા સિવાય તો કોઈ ઉપાય વિચારી શકાય તેમ નહોતું. વાત ખરેખર ગંભીર હતી. તેને લાગતું હતું કે વત્સનલું ખૂન તો નહિ થયું હોય પણ ઈજા તો જરૂર પહોંચી હશે. આ છોકરી, માની લો કે હથિયારથી પ્રહાર કરે તો વધુમાં વધુ કેટલી ઈજા પહોંચી શકે ?

તેણે થોડા વધુ પ્રશ્નો પૂછ્યા; પછી અનુમાન કર્યું કે જો વત્સલ મૃત્યુ પામ્યો હોય તો આ છોકરી અનેક પુરાવા મૂકીને આવી હશે. ખાસ કરીને ફિંગર પ્રિન્ટ્‌સ.

વિશ્વાને બચાવવાનું કાર્ય સરળ તો નહોતું જ. તે ત્યાં શા માટે ગઈ હતી. તે તેણે પૂછવાનું ટાળ્યું. આવા નાજૂક પ્રશ્નો છેડવા માટેનો આ યોગ્ય સમય નહોતો. બાકી તે વિશ્વા તથા વાત્સલના વિસ્તરેલા સંબંધો વિશે જાણતો હતો. એ કારણથી તો તેનાથી અળગી થઈ ગઈ હતી.

ગમે તેવો તો પણ તે ખાનદાન હતો. તેની કેટલીક નબળાઈઓ હતી પણ સાથોસાથ કેટલાક ઉમદા ગુણો પણ હતા. તે રામ પણ નહોતો અને રાવણ પણ નહોતો. હા, એટલું ખરું કે તે ક્યારેક ક્યારેક માણસ પણ બની શકતો હતો અથવા તો માણસ બનવા મથામણ કરતો હતો. તે તેનાં સુકૃત્યોનો ઢંઢેરો પીટતો નહોતો. આ છોકરી સાથે એક વાર સંબંધ ધરાવતો હતો બસ એટલું જ પર્યાપ્ત હતું. બીજી તડજોડમાં ક્યારેક ઉતરતો નહોતો.

તેને લાગ્યું કે વિશ્વાને બચાવવી જરૂરી હતી. કોઈ પણ ભોગે મર્મસ્થાન પર લાગેલો ઘા જીવલેણ બની પણ શકે. વળી આ દુર્ઘટના અંધારામાં બની હતી.

સુજાતાએ જ વિશ્વાને ચાલી જવા કહ્યું હતું. એ તેને સ્પર્શી ગયું. તે સુજાતાને જાણતો પણ નહોતો. તેને એ અજ્ઞાત સ્ત્રી પર માન ઉપજ્યું હતું. ભલે વિશ્વાએ પૂરી વાત કહી નહોતી. કેટલીક વાત છુપાવી હતી, પરંતુ નિશીથ એ વણકહી વાત પણ સમજ્યો હતો. એક પુરુષ આઔટલા ઝૂનન પર ક્યારેક આવી જાય ? અમુક પરિસ્થિતિમાં મનુષ્ય અને પશુ સમાન રીતે વર્તી શકે. બસ એ વિશે તેને શંકા ન રહી. જોકે વિશ્વા એટલી નિખાલસ ન પણ બની શકે. આખરે તે સ્ત્રી હતી અને કદાચ ચાલાક સ્ત્રી હતી. તેણે તુલના કરી લીધી બંને સ્ત્રીઓની પણ તેનું કાર્ય તો વિશ્વાને બચાવવાનું જ હતું.

‘બેબી... રીલેક્સ. દરેકના માર્ગ હોય જ છે.’ નિશીથ વિચારમાં પડી ગયો હતો. આવો કપરો પ્રશ્ન ક્યારેક તેની સમક્ષ આવ્યો જ નહોતો. જો આ છોકરી હત્યા કરીને જ આવી હશે તો મામલો ગંભીર બની જતો હતો. તેને ઓળખાણો તો હતી જ, પણ તે આ કિસ્સામાં તેનો આધાર લેવા નહોતો ઇચ્છતો.

તે આમતેમ ટહેલતો રહ્યો અને વિશ્વા નતમસ્તકે ઢીંચણ પર માથું ટેકવીને બેસી રહી.

‘વિશ્વા... તું પહેલા બાથરૂમમાં જઈને આ તારાં વસ્ત્રો બદલી નાખ એના પર લોહીના નિશાન છે. બને તો બાથ લઈ લે. અંદરના કબાટમાંથી તને યોગ્ય લાગે એ કપડાં પહેરી લે. મને લાગે છે કે તને જીન્સ ટી શર્ટ તો મળી જ રહેશે.’

વિશ્વા કશું જ બોલ્યા વિના બાથરૂમની દિશામાં ગઈ. ઘરનો નકશો પૂર્વપરિચિત હતો. કશું જ બદલાયું નહોતું. માત્ર તે ઘણા સમય પછી આવી હતી.

ગરમ પાણીથી સ્નાન કર્યા પછી વિશ્વાને ઠીક લાગ્યું. જીન્સ ટી શર્ટ પહેરીને તેણે એક અછડતી નજર અરીસામાં પણ નાખી. તેના ચહેરા પરથી તેજ શોષાઈ ગયું હોય તેમ લાગ્યું. તેનું ટી શર્ટ ખૂબ જ તંગ હતું. એ પણ તેના ધ્યાનમાં આપ્યું. અલબત્ત એ માટે કશું થઈ શકે તેમ નહોતું. નિશીથ ક્યાં પારકા હતા ? તેણે મન મનાવ્યું હતું. અત્યારે તો તે જ તેના તારણહાર હતા.

તેને સુજાતાનો પણ વિચાર આવી ગયો. શું કરતી હશે મોટીબેન ? કદાચ અત્યાર સુધીમાં તો સૌ જાણી ચૂક્યા હશે. પોલીસ આવી પણ ચૂકી હશે. છાતીમાં વળી થડ થડ થવા લાગ્યું. શું હવે ? એ ભયથી તો ફરી કંપવા લાગી પણ નિશીથે બધું જ વિચારી લીધું હતું. તે તરત જ કાર્યવંત થઈ ગયો.

તેણે પોતે જ પ્રૉફેસર વ્યાસના નામે વિશ્વાને ઘરે ફોન કરી નાખ્યો હતો. ‘જુઓ... વિશ્વાનો મેસેજ લઈ લો. તેને અચાનક જ કૉલેજની ટ્રીપમાં સામેલ કરી લીધી છે. તમને વાત કહી નથી એટલે જ... હા... કોઈ ચિંતા ન કરશો... એક બે દિવસમાં આવી જશે.’

‘બેબી... આપણે અત્યારે જ મારી ગાડીમાં નીકળી જવું પડશે. તારાં વસ્ત્રો, ખરડાયેલાં વસ્ત્રો સાથે લઈ લે. માર્ગમાં યોગ્ય જગ્યાએ એનાં અગ્નિ સંસ્કાર કરી નાખીશું. ગભરાવાની જરૂર નથી. મને માર્ગ મળી ગયો છે. જોકે તારી મમ્મી... જો બાફી ન નાખે તો, જોકે તે પૂરતી હોશિયાર તો છે જ.’ નિશીથ આટલું બોલીને અટકી ગયો. પરંતુ વિશ્વાને યાદ આવી ગયું કે તે મમ્મીને કેદાર સાથેના સંબંધોને અનુલક્ષીને છેલ્લું વાક્ય બોલ્યો હતો. તેની પાસે ગમ ખાવા સિવાયનો કોઈ રસ્તો નોહોતો.

નિશીથ તેને માટે જે કરી રહ્યો હતો એનો બદલો તે ચૂકવી શકે તેમ નહોતી.

ગાડી ઊપડી ત્યારે લગભગ બાર વાગતા હતા. તે આંખ મીંચીને જડવત્‌ પડી હતી. નિશીથ ડ્રાઈવ કરતો હતો. પોલીસ તેને શોધતી હશે કે શું ? મમ્મી પણ પહોંચી ગઈ હશે હવે તો. નિશીથે કહેલો સંદેશ તેને જરૂર વિચિત્ર તો લાગ્યો જ હશે અને વત્સલ ? ઓહ, એ તરવરાટવાળો રસિક પુરુષ વ્હાલો લાગે એવો પુરુષ જેની સાથે આટલાં વર્ષો સુધી છાનો સંબંધ માણ્યો હતો એ પુરુષ બસ હવે ખતમ થઈ ચૂક્યો હતો. જીવન અને મૃત્યુ વચ્ચે બસ આ આટલું જ અંતર હતું. શું કર્યું હશે મોટીબેને ?

આ બધા જ પ્રશ્ન પુનઃ ઘૂમરી ખાવા લાગ્યા હતા. ‘બેબી... ભૂલી જા બધું, ભૂલી જા કે તેં શું કર્યું છે, કશું જોયું છે. તું આ જ રીતે જીવી શકીશ. તેં મોજમજા કરી લીધી તેની સાથે બસ પત્યું. હવે ભૂલી જા. સુખી થવાનો આ પણ એક માર્ગ છે. તારે મણિબેન બનવું હોય તો અત્યારે જ પહોંચી જા પોલીસ સ્ટેશને અને કબૂલ કરી લે તારું પાપ...’

નિશીથના શબ્દો કઠોર હતા, પણ એમાં સચ્ચાઈ હતી. અપરાધ ભાવ માથે રાખીને જીવવાનો શો અર્થ હતો ? વિશ્વાને તેના શબ્દો સ્પર્શી ગયા. તેણે તરત જ શિથિલ ખ્યાલોને બળપૂર્વક ખંખેરી નાખ્યા હતા. તે હસી પડી હતી. નિશીથને પસંદ પડે તેવું જ. તેણે તરત જ તેનો વિપુલ કેશકલાપ ઉછાળીને સીના પર ગોઠવ્યો અને સ્ફૂર્તિથી નિશીથ તરફ સરી.

‘ઓ કે નિશીથ.’ તે છટાથી બોલી હતી.

‘ઓ કે બેબી’ નિશીથે તેના આ પરિવર્તન પર આનંદ વ્યક્ત કર્યો હતો.

રાત સરકતી હતી. એક એકાંત જગ્યાએ તેણે પેલાં વસ્ત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો. જંગલ જેવી જગ્યા હતી.

‘વત્સલનો પણ અગ્નિ સંસ્કાર થશે.’ એક પળ તેનો વિચાર આવ્યો પછી એ ખ્યાલોને ખસેડી રહી હોય એ રીતે તરત જ નિશીથ પાસે સરકી. લગોલગ ઊભી રહી.

ઈડર ગયું, ખેડબ્રહ્મા પણ ગયું. ઢાળના ચડાવ ઉતરાણ શરૂ થયા. છેક પરોઢે ગાડી આબુરોડ પહોંચી અને ઉજાસની આછી આછી રંગોળી પુરાતી હતી ત્યારે ઢાળ ચડતી ચડતી ગાડી મંથર ગતિએ ગિરિનગર આબુને આંગણે ઊભી રહી.

વિશ્વાના ચહેરા પર તાજગી હતી જ્યારે નિશીથ થાકીને લોથપોથ થઈ ગયો હતો.

વાતાવરણમાં અપરિચિત ઠંડક હતી.

*

૨૩

નિશીથ અહીં અવારનવાર આવતો હોય તેમ લાગ્યું કારણ કે બધા તેનાથી પરિચિત જણાતા હતા.

‘આઈએ...સા’બ...કહી સૌ તેને આવકારતા હતા. નિશીથે જે કહ્યો એ કમરો મળી ગયો. વિશ્વા અને તેના ફ્રેન્ડના નામ પર; અને એ પણ ગઈ કાલની બપોરથી. વિશ્વાને જરા વિસ્મય તો થયું એ સમય બાબતમાં પણ પછી તરત જ સમાધાન થઈ ગયું. આ એક સાબિતી હતી જે પુરવાર કરી શકે કે વત્સલના મૃત્યુ સમયે તે એ સ્થળેથી દૂર દૂર આબુ ગિરિનગરમાં હતી.

તેણે ચકિત થઈને નિશીથ સામે જોયું. તેની થાકેલી આંખમાં તાજગીનો સંસાર થયો હતો.

જ્યારે નિશીથ સાવ સહજ હતો. તેણે આ બાબતમાં વિચારી લીધું હતું સફર દરમ્યાન.

હજુ સવાર પડવાને ખાસ્સી વાર હતી.

‘બેબી...આરામ કર... આ સફરમાં થાક લાગે તેવું જ હતું.’ તેણે સૂચન કર્યું અને તરત જ પલંગમાં પડી હતી. સાચે જ તે થાકી હતી. વસ્ત્રો બદલવાની માથાફોડમાં તે ન પડી. તેને તરત ખ્યાલ આવ્યો હતો કે એ સીંગલબેડ તો. સભાન થઈ ગઈ હતી. વિશ્વા નિશીથને પણ આરામની જરૂર હતી જ વળી તે ઉપકારવશ હતી. બીજા વિચારો માટે કશો અવકાશ નહોતો. તે તરત જ પલંગની એક દિશામાં સંકોચાઈ ગઈ હતી. અર્ધમીંચી આંખે નિશીથની ગતિવિધિ જોઈ રહી.

તેના આશ્ચર્ય વચ્ચે નિશીથ સામેના સૉફા પર આડો પડ્યો હતો. તેને રાહત પણ લાગી હતી. અલબત્ત તે જાણતી નહોતી કે એ સ્થળે કેટલું રોકાવાનું હતું. દિવસ પછી રાત તો આવાવની જ હતી અને આ પ્રશ્ન પણ આવવાનો જ હતો. પ્રશ્ન ક્યાં હતો ? વિશ્વા પાસે વિકલ્પ જ નહોતો. તે સંપૂર્ણ રીતે નિશીથની ઇચ્છા મુજબ જ વર્તવાની હતી. જે વ્યક્તિએ તેના માટે આટલું કષ્ટ ઉઠાવ્યું, ખર્ચ પણ કર્યો. તેને જોખમમાંથી ઉગારવાનું કામ આરંભી જ દીધું. એ વ્યક્તિને વશ થવામા કશું અયોગ્ય નહોતું.

બે ચાર ક્ષણ એ વિચારો ટક્યા અને પછી તરત જ નિદ્રાએ તેનો કબજો લીધો. તે તરત જ જંપી ગઈ. બધું જ ભુલાઈ ગયું. નિશીથને પણ થાક તો લાગ્યો જ હતો, પણ આંખ મળી નહિ. સૉફામાં આડા પડવામાં ખાસ્સી અસુવિધા હતી.

તેણે ઘણા વિચારો કરી લીધા. જોકે તે સતત વિચારોમાં જ હતો. આ હોટેલ તેની ખૂબ ખૂબ પરિચિત હતી. તે અનેકવેળા અહીં આવ્યો હતો મોજમજા કરવા. દરેક મુલાકાતમાં તેની સાથે એક સ્ત્રી પાત્ર તો અવશ્ય હતું જ. આ સીંગલબેડનો રૂમ પણ નિશીથની સેવા માટે હતો, પણ આ સંજોગો તો સાવ વિશિષ્ટ હતા. તે એ વિશે વિચારતો હતો. તેણે એ પણ નોંધ્યું હતું કે વિશ્વા બેડના એક છેડે સૂતી હતી. એ કાંઈ અકસ્માત તો નહોતો જ.

‘બેબી બધું સમજે છે’ તે બબડ્યો પણ ખરો. ‘પણ ના આ સમય નહોતો એ માટેનો...’

ઝપાઝપી દરમ્યાન વિશ્વાના હાથ પર એક જખમ પણ થયો હતો. નિશીથે તાત્કાલિક ડ્રેસિંગ કર્યું હતું. અનુભવ તો નહોતો પણ કામ ચાલ્યું હતું. નગરમાં આ કાર્ય માટે ક્યાંય જવામાં જોખમ હતું. દિવસ ઊગ્યા પછી નિશીથે એ જ કાર્ય હાથ પર લીધું હતું. એક ઓળખીતા ડૉક્ટર પાસે પદ્ધતિસરનું ડ્રેસિંગ કરાવ્યું હતું. વિશ્વાએ એક નાનો સીસકારો પણ કર્યો હતો.

એક પુરુષની હત્યા કરનાર છોકરી એ નાનકડા ઝખમથી ડરતી હતી. નિશીથ હસ્યો હતો.

તે હવે જે વાત વિશ્વાએ નહોતી કહી એ વિશે પણ અનુમાન બાંધી શકતો હતો. આ છોકરી તેની કૂમળી વયમાં શું કરી બેઠી હતી ? સગા બનેવી સાથે ન બાંધવા જેવો સંબંધ બાંધી બેઠી હતી. અને અકસ્માતે એ જ બનેવીની હત્યા પણ કરી બેઠી હતી.

વિશ્વા તો તેની પણ નિકટ હતી. એક વેળા પણ તેણે ક્યારેય તેને એ અધમ દિશામાં વાળી નહોતી. અનેક કિસ્સામાં તે બેફામ રીતે વર્ત્યો હતો. મનમાની કરી હતી. આ હિલ સ્ટેશન પર અએનેક વેળા મોજ કરી હતી, પણ આ વિશ્વાની બાબતમાં જ તેનું દિલ તેને એમ કરતાં રોકતું હતું. તેને ક્યારેક થતું હતું કે તે વિશ્વા સાથે પરણે, જિંદગીના ઢાંચામાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય અને આખા અતીત પર પડદો પાડી દે. નવેસરથી જીવવા માટે તેના મનમાં વિશ્વા વસી ગઈ હતી.

પણ એ પણ બન્યું નહોતું. તેના જીવનની આ ઘોર નિરાશા હતી. મા-બાપની નજરમાંથી ક્યારનુંય ઊતરી જવાયું હતું. આ એક જ આશ્રય સ્થાન હતું પણ એય છીનવાઈ ગયું હતું.

ડૉક્ટરે નિશીથના કહેવા મુજબ કેસપેપર આગલા દિવસના તૈયાર કર્યા હતા.

‘બસ હવે બેબી... તું સલામત... બસ એન્જોય...’ તેણે વિશ્વાને ભયમુક્ત કરી હતી.

સવારના છાપા રસપ્રદ હતા. ટાવનરા એક ફ્લેટમાં બનેલા હત્યાના બનાવની ખાસ નોંધ લેવામાં આવી હતી. ‘પતિની હત્યારી ખુદ પત્ની ?’ એવાં મથાળાં લગભગ બધાં જ અખબારે બાંધ્યાં હતાં. વત્સલ અને સુજાતાના વિગતવાર ઉલ્લેખો હતા પણ એમાં વિશ્વા ક્યાંય નહોતી.

પોલીસ તપાસ ચાલતી હતી એનો પણ ઉલ્લેખ હતો. આ કિસ્સામાં અનેક રહસ્યો ખૂલાવાની શક્યતા હતી એમ પણ લખાયું હતું. ‘બેબી... પેપર્સ વાંચીને ગભરાતી નહિ. એ લોકો આ પ્રશ્નને ચગાવશે જ. તું અહીં હતી એના પુરાવા આપણે ઊભા કર્યા છે. એ બંને મારા વિશ્વાસપાત્ર છે તને કશું નહિ થાય.’

નિશીથે ડાઈનિંગ રૂમમાં બેઠાં બેઠાં વિશ્વાને કહ્યું હતું. વિશ્વાએ એક આભારવશ દૃષ્ટિ નિશીથ પર પાથરી હતી.

‘આપણે હજુ એકાદ દિવસ અહીં રહીશું. જોકે આ સમય ફરવાનો તો નથી જ છતાં તારે એમ કરવું પડશે. હોટેલના રૂમમાં ખાલી ખાલી સમય પસાર કરવો એ મોટી સજા ગણાય.’

વિશ્વાએ સંમતિદર્શક હા ભણી હતી. તેના મનની સ્થિતિ કાંઈ સારી નહોતી. કાચી વયમાં તેણ હત્યા કરી હતી. એ કાંઈ નાની સૂની વાત નહોતી અને એ હત્યા પણ કોની ? તેને ખૂબ જ ગમતા પુરઉષની-વત્સલની. તેણે સુજાતાના ભાગ્યને ઉજાડી નાખ્યું હતું. એ સાંજે શું બનવાનું હતું અને શું બની ગયું ! એ ઘટનાને યાદ કરીને તે હજુ પણ તરફડતી હતી.

સાંજે તે નિશીથ સાથે ફરી. તે હસ વા મથતી હતી પણ કેમેય તેમ કરી શકતી નહોતી. કેવું લાગશે નિશીથને ? તે આમ થીજી ગયેલા બરફની માફક તેની સાથે ટહેલતી હતી. ઉત્સાહથી થનગનતા સ્ત્રીપુરુષના ટોળાંથી સડક ઉભરાતી હતી, એક તે જ વિષાદમૂર્તિ બનીને બેઠી હતી.

નિશીથ તેની મનોદશા સમજતો હતો. બે દિવસ આમ જ પસાર થયા. તે થોડી બહાર આવી. કાંઈક હળવી થઈ.

ત્રીજે દિવસે એ ગિરિનગર છોડ્યું હતું.

‘વિશ્વા... આ જિંદગી જીવવા માટે છે. દરેકે એમ જ કરવું જોઈએ. ખોટી ફિલસૂફીની વાતો નહિ કરું. કે ખોટો ઉપદેશ પણ નહિ આપું. તું પોતે જ તારી જાતને અપરાધી માનીશ તો જીવાશે નહિ. જે થયું તે થયું. વત્સલે પણ મર્યાદા તોડી હતી. એ સમયે સુજાતા ન આવી હોત તો તમે બંને અત્યારે પણ એ જ માર્ગ પર હોત. જો અને તો વચ્ચે જ જીવવાનું હોય છે. બધું જ હળવાશથી લેવું જોઈએ. નિશીથ બહુ જ બોલકો બની ગયો હતો. વળતી મુસાફરી દિવસના ઉજાસમાં થતી હતી.

‘હું એમ જ વર્તીશ નિશીથ.’ વિશ્વા હસી હતી. તે તેની નિકટ પણ સરી હતી. સાવ અડીને બેસી ગઈ હતી. નિશીથે અનુભવ્યું હતું કે હવે વિશ્વાના દેહમાં ઉષ્મા હતી. ચંચળતા હતી. મન અને તન તણાવમાંથી મુક્ત થતા હતા. નિશીથે તેને એક હાથથી થપથપાવી હતી.

અને જો આખી બાબતમાં ક્યાંય એક પણ શબ્દની ભૂલ ન થવી જોઈએ. કદાચ પોલીસ સ્ટેટમેન્ટ લાવશે. તું તો સ્માર્ટ છે જ. સુજાતાએ અપરાધ કબૂલી લીધો છે પછી ખાસ કાંઈ વિધિ રહેશે નહિ. તારી એકાદ ભૂલ પણ તેને સંડોવી શકે છે એ મામલામાં. માટે બી કેરફુલ બેપી, તું તરત જ તારા ઘરે જજે. કોઈને પણ સત્ય નહિ કહેવાનું. મને લાગે છે કે તારી મમ્મીને પેલો કેદાર મદદ કરતો હશે...’

નિશીથે તેને બરાબર તૈયાર કરી હતી.

‘અને સુજાતાને પણ મળવાનું નહિ, કારણ કે તમે બંને એ ઘટના સ્થળ પર હાજર હતા. કસી વાત તો થાય જ એ વિશેની. ખોટાં કોમ્પ્લીકેશન્સ થાય.’

વિશ્વા એક સાંજે ઘેર આવી. આખું વાતાવરણ પલટાઈ ચૂક્યું હતું. કેદારની હાજરી હતી જ.

‘વિશ્વા... તું ફરવા ગઈ ને પાછળથી આખી દુનિયાની ઉથલપાથળ થઈ ગઈ.’ તને ખબર તો પડી ને ? નાક કાપી નાખ્યું એ છોકરીએ, એ હત્યારી નીચ છોકરીએ તો તેના વરને જ વેતરી નાખ્યો. શું કારણ હશે ? રામ જાણે... માલિનીના પ્રત્યાઘાત તીવ્ર હતા.

એક તરફ પોલીસ ખાતાની અવરજવર અખબારવાળાઓની મુલાકાત માટેની માગણીઓ, અનેક નજરો એ ફ્લેટ પર તકાયેલી હતી. ફોનનું રીસીવર જ એક તરફ મુકાઈ ગયું હતું.

અક્ષર પર આ બનાવની અસર થઈ હતી. તે હેબતાી ગયો હતો.

‘ના... વિશ્વાબેન... આ મોટીબેનનું કૃત્ય નથી લાગતું. તેઓ આમ ન કરે.’ તે ભાર દઈને માત્ર એટલું જ ઉચ્ચારતો હતો.

‘કાળી ટીલી લાગી ગઈ. મારે હવે આ વિશ્વાને વરાવવી કેવી રીતે ? વત્સલ તો સારો હતો પણ આ છોકરી જ મનની મેલી હતી... હશે કોઈ સાથે...!’

માલિની સુજાતા વિશે સાવ હલકી ભાષામાં બોલતી હતી.

‘અરે, તે ક્યાં મારા પંડની દીકરી હતી ? તેના પાપે જ આ હૈયાહોળી સળગી.’

પછી સંપતરાયને યાદ કરીને ઉમેરતી, ‘સારું થયું એ વહેલા વિદાય થયા નહિ તો તેઓ ક્યાંથી સહન કરત ? આવાં સંતાન હોય તોય શું ન હોય તોય શું ? મૂળ જનેતાના સંસ્કાર તો આવે જ. મારી આ વિશ્વાને જુઓ, છે કાંઈ કહેવાપણું ? સાવ સીધી છોકરી. માલિનીનો બેફામ વાણીવિલાસ વિશ્વાને અકળાવતો હતો.

પણ તે ધીમે ધીમે વાતાવરણને અનુકૂળ બનતી ગઈ. નિશીથનાં વાક્યો પણ કારગત નીવડતાં હતાં.

સમય જતાં તે પૂર્વવત્‌ બની ગઈ હતી.

પલ્લવીના દુઃખનો પાર નહોતો. શું બન્યું હશે એ બેય વચ્ચે ? અને એ પણ આવા અંત લગીનું ? માલિનીનાં વાક્યો તેને વીંધી નાખતા હતા જ્યારે વિશ્વાનું મૌન અકળાવતું હતું. તેણે એ ઘર સાથેનો સંબંધ ઓછી કરી નાખ્યો હતો.

‘પલ્લવી... તે તારી ખાસ સખી હતી. તનેય ખ્યાલ હતો કે એ છોકરી આમ કરે ? આ તો આપણે બચી ગયાં. વિશ્વા અને તે તો એક જ ખંડમાં સૂતાં હતાં. ભગવાને લાજ રાખી.’

પલ્લવી શું કહે એ મર્યાદા વગરની સ્ત્રી ને ? તે એકબે વાર કોર્ટના ખંડમાં પણ ગઈ હતી. હત્યાનો મુકદમો ચાલી રહ્યો હતો ત્યારે દૂરથી નિહાળી હતી સુજાતાને. હા, તેનું પેટ ઉપસેલું પણ હતું જે તેની સાડીના પાલવથી સતત ઢાંકતી રહેતી. બંનેની નજરો મળી પણ હતી.

પલ્લવીનું હૈયું ભરાઈ ગયું હતું.

‘આ છોકરીની આ અવદશા ! તે વેળા હત્યા કરે અને એ પણ વત્સલની ? કશું સમજાતું નહોતું. એક ઊંડો જખમ કંડારાઈ ગયો હતો ભીતરમાં.

તેણે અપરાધ કબૂલી લીધો હતો. તેના ઉદરમાં ગર્ભ હતો. ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી અને સમયની ગતિની સાથે સંકેલાઈ પણ હતી. ખળભળેલું વાતાવરણ શાંત થઈ ગયું હતું. જનમટીપની સજા પામેલી સુજાતા, ગર્ભવતી સુજાતા અતીતમાં સરકી પણ ગઈ હતી.

વિશ્વા પુનઃ સ્વસ્થ બની શકી હતી. ક્યારેક ક્યારેક એનો અતીત સપાટી પર આવીને કણસવા લાગતો હતો. એ ડરને ભૂલવા માટે તેણે થોડાં વ્યસનોનો પણ સાથ લીધો હતો. તે હસી શકતી હતી. બેધડક જીવી શકતી હતી.

‘સુજાતાના નસીબમાં આમ જ લખાયું હશે. તે વત્સલને ક્યાં સંતોષી શકતી હતી ? પુવર.. વુમન !’

તેના હોઠ પર ાવાં વાક્યો પણ આવી જતાં હતાં. એ પલ્લવીએ સાંભળ્યાં પણ હતાં. ભારે અવઢવમાં હતી. કદાચ હવે બધાં જ સુજાતાને અપરાધી માનતાં હતાં. તેની સગર્ભાવસ્થાની મજાક ઉડાવતા હતા.

એક સ્ત્રી બીજી સ્ત્રી માટે આવું વિચારી શકે ખરી ? પલ્લવી અકળામણ અનુભવતી હતી. તે ઇચ્છતી હતી કે તે સુજાતાને મળે. મન ભરીને તેને જુે : પણ તે એ મુજબ કરી શકી નહોતી. ખુદ તેનાં લગ્ન માટેનો તખતો તૈયાર થતો હતો. ભાઈ-ભાભી ભારે પ્રવૃત્તિમાં પડી ગયાં હતાં.

પલ્લવી મન હોવા છતાં પણ પ્રિય સખીને મળી શકી નહોતી. તેનાં ભાભીએ લગભગ આજ્ઞા જ કરી નાખી હતી.

‘પલ્લવી... તારે હવે સુજાતાને ભૂલી જવી જોઈએ. તારા ઈઇનલો જાણે કે તારે એ છોકરી સાથે ગાઢ સંબંધો હતા તો કદાચ તારા ટકા જ ઓછા થાય. શું સમજી ? અમને પણ તેના પ્રતિ સહાનુભૂતિ છે અને આ આપણી મર્યાદા છે. તારે હવે તારા હિતનો પણ વિચાર કરવો પડે.’

અને કામકાજ પણ એટલાં હતાં કે પલ્લવી ઇચ્છે તો પણ સુજાતાને મળવા ન જઈ શકે.

અલબત્ત જેલના એક કેદીની મુલાકાત લેવાનું કાર્ય કાંઈ સરળ તો નહોતું જ. એ તે બરાબર સમજતી હતી.

વિશ્વા તો મનને નવી રીતે ઢાળી શકી હતી. કેદારની અવરજવર અને હસ્તક્ષેપ પણ વધી ગયા હતા. સુજાતાનો ખટલો ચાલતો હતો તે દરમિયાન તેણે માલિનીને ખુદ મદદ કરીને પુનઃ અહેસાન નીચે આણી હતી.

અક્ષય તેના પ્રિય સ્થળે આશ્રમમાં વધુ સમય ગાળતો હતો. તેની સાદાઈ વધી હતી. તેણે તેની રીતે ઘરના વાતાવરણ પ્રતિ અણગમો વ્યક્ત કરી દીધો હતો. તેણે હવે વિશ્વા પ્રતિ પણ માન રહ્યું નહોતું.

‘શું કરે છે સંત મહોય ?’ કેદાર લગભગ મજાકમાં આમ કહેતાં માલિજીનો જીવ બળી જતો.

‘મારો એકનો એક પુત્ર પણ આવા રવાડે ? મારાં દુઃખો તો વિસ્તરતા જાય છે અને તું પણ મજાક કરે છે કેદાર ! તને મારી દયા નથી આવતી ?’

માલિની કાંઈક રોષભર્યા સ્વરમાં તેની વ્યથા યાદ કરતી.

‘માલુ તું નાહક અકળાય છે.’ કેદાર સ્વસ્થ બનીને ઉત્તર વાળતો ત્યારે માલિની કાં તો રોષથી સળગી જતી અથવા રડી પડતી.

‘માલિની... તું મારી વાત સ્વીકારતી નથી એ જ બધાં દુઃખોનું કારણ છે. બસ આટલી વાત સમજવાની જરૂર છે.’

કેદાર સાવ સહજ રીતે વાત કહેતો.

‘બોલને તારી કઈ વાત નથી માની ?’

‘જે વાત તે સ્વીકારી હતી એમાં તને ક્યાંય દુઃખ મળ્યું છે ખરું ?’

માલિનીના ચહેરા પર મૌન પથરાઈ જતું. વાત તો સાચી હતી, કેદારની. તે તેના આ ગુણ પર તો આફરીન હતી. ‘માલુ’ આ સ્થાનને હવે તજી દેવું જોઈએ. સુજાતાની ગતિવિધિ જોઈને કોઈ તારી વિશ્વાને નહિ સ્વીકારે. આ મહાનગરની પોળેપોળમાં એ ખ્યાતિ પહોંચી ચૂકી છે. અક્ષય પણ તેનો છંદ નહિ મૂકે. મારું માન, આપણે ચાલી જઈએ કલકત્તા. એ ધરતી આપણને નવી દિશા સુઝાડશે. સંપત્તિ તો છે જ અને અક્ષય માટે આશ્રય પણ મળી રહેશે.

‘કેદાર... તું શા માટે આ શહેર છોડવાની વાત કરે છે ? મને આ સ્થાનની માયા છે. મારે ક્યાંય જવું નથી. મને સરળ માર્ગ બતાવતો નથી અને બસ મૂંઝવ્યા કરે છે. તને શું નથી મળ્યું મારા તરફથી ? તારે મારા પર એકાધિકાર સ્થાપવો છે પણ એ ક્યાં શક્ય છે. વિશ્વાનું થઈ જાય પછી પણ હું મુક્ત થવાની નથી. કેદાર આ સ્થિતિ તારે સ્વીકારવી જ પડશે.

કેદાર નિરાશ થઈ ગયો હતો આ સાંભળીને માલિની સાથેના સહજીવનનાં તેનાં સ્વપ્નો હજુ અધૂરાં હતાં. વય સરકતી હતી પણ મન એ ખ્યાલને છોડવા તૈયાર નહોતું. તે થાક્યો હતો. માલિનીએ તો તેની મર્યાદા સ્પષ્ટ કરી હતી.

તે બંને એકાંતમાં હતાં. માલિની સવારથી અકળાયેલી તો હતી જ. ગુણવંતભાઈએ અચાનક જ આવીને તેમના મનને છંછેડ્યું હતું. સુજાતાની કોઈ પણ વાત તેમના મનને ડખોળી નાખતી હતી. તેમણે ગુણવંતભાઈ સાથે પણ સરખી વાત કરી નહોતી. સુજાતાના બનાવે તેને પાર વિનાની મુસીબતોમાં મૂકી હતી.

સામાજિક પ્રતિષ્ઠાને અસર પહોંચી હતી.

વિશ્વાનો લગ્નનો પ્રશ્ન સુજાતાને કારણે જ મુશ્કેલ બની ગયો હતો એમ તે માનતી હતી.

હકીકતમાં વિશ્વાની ચંચળ પ્રકૃતિ તેનું નુકસાન કરતી હતી. પૂર્વગ્રહો ક્યારેય સત્યની પાસે જવા દેતા નથી.

‘માલિની હવે મારી ધીરજ ખૂટી છે. મારે કાલે સવારે જ તારો અંતિમ જવાબ જોઈએ. જાણી લે મારે માત્ર તારો જ ખપ છે. માત્ર તારો જ. તારી સંપત્તિ તુચ્છ છે. મારે મન અને મને પાકો વિશ્વાસ બેસી ગયો છે કે તને માત્ર સંપત્તિની જરૂર છે. તું એની જ ભૂખ હતી અને તે માત્ર મારો ઉપયોગ જ કર્યો છે. તારું રૂપ તારી કાયા તારી ચંચળતા એ બધાં તારાં સાધનો જ હતાં. તારા સાચા સ્વરૂપની ઓળખાણ પણ થઈ ગઈ.’

કેદારના સળગતા અંગારા જેવા શબ્દોથી માલિની આવક બની ગઈ હતી. તે આમ ક્યારેય વર્ત્યો નહોતો.

કેદાર સડસડાટ ચાલ્યો હયો હતો. ‘કેદાર સાંભળ, સાંભળ’ એવા માલિનીના વાક્યોની પણ તેણે પરવા કરી નહોતી.

એ રાતે વિશ્વા પરિતાપ અનુભવતી હતી. સુજાતા વિશેની સાચી સમજ પામી હતી. તેને તેની નાદાનિયતો, તેની ભૂલો, તેના કુકર્મો યાદ આવ્યા હતા. તે કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ હતી ? જાણે કે તેને હૃદય જ નહોતું ?

વિશ્વાની નજર સમક્ષ તેનો આખો અતીત ચિત્રપટની માફક સર્યો હતો. તે અવાક બની ગઈ હતી. છળી ઊઠી હતી. ગુણવંતભાઈની એ નાનકડી મુલાકાતે તેને વિચાર કરતી કરી મૂકી હતી. પલ્લવી હૉસ્પિટલમાં પહોંચી હતી એ પણ તેણે જાણ્યું હતું. ભીતર થીજેલો કાળમીંઢ પથ્થર ઓગળતો હતો.

એ રાત પરિતાપની હતી વિશ્વા માટે’ અને વલોપાતની હતી માલિની માટે.

બંને ભિન ખંડોમાં હતાં. જાગતાં હતાં. વિચારતા હતાં. પણ એકમેકની સ્થિતિથી અજાણ હતા.

માલિનીને ઊંઘ લાવવા માટે નિયમિત ગોળીઓનું સેવન કરવું પડતું હતું. તે એની આદી બની ગઈ હતી. તે પથારીમાં પડી ત્યારે પણ એ ગોળીઓ ઉદરમાં પધરાવી હતી પણ કશી અસર જણાતી ન હતી.

‘કેદાર... તું આવી રીતે તો ક્યારેય વર્ત્યો નથી. શું થઈ ગયું તને ? શું ઓછું પડ્યું તને ? એક સ્ત્રીની સ્થિતિની તને અનુભૂતિ ક્યાંથી થાય ? મને તો મારા ખાતર મરી જનાર પતિ પણ ખૂબ યાદ આવે છે. સારા હતા, ભલા હતા, કેટલા સરળ હતા ? એ સ્થિતિમાં પણ તેમણે મને ક્ષમા આપી હતી. કેદાર તું મારું એ બલિદાન પણ ભૂલી ગયો ? વિશ્વા અને અક્ષયનો પણ મારે વિચાર કરવો પડે અને વિશ્વા તો બધું જ જાણે છે. તેને સમજાવવી સરળ નથી. કેદારને શો જવાબ આપવો કાલે સવારે ? મારે જે ઉત્તર આપવો પડશે એ તો તે સારી રીતે જાણે જ છે અને પછી તો ભૂકંપ જ સરજાશે... મારી પાસે છે કોણ ? જેણે જિંદગીભર સાથ આપ્યો એ જ મારાથી વિમુખ...’

સમય ગુજરતો હતો.

પલ્લવી તૈયાર થઈને બેઠી હતી તેના ફ્લેટમાં. તે વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ જઈ રહી હતી. તેને એક સંતોષ હતો કે તે સુજાતાને મળી હતી. તેણે વિશ્વાને તેને મળવા માટે પ્રેરી હતી.

રાત્રે જ વિશ્વાને વિગતથી મળી હતી.

એક નવું પરોઢ ઊગી રહ્યું હતું. વિશ્વાએ નક્કી કરી નાખ્યું હતું કે સુજાતાને મળશે જ. સવારે જ મળશે. તેનાં દુષ્કૃત્યો કબૂલી લેશે. તે સવાર થવાની પ્રતીતિમાં જંપી હતી. આટલી હળવાશ તેણે ક્યારેય અનુભવી નહોતી.

માલિનીએ ખૂબ યાતના અનુભવી હતી. તે આખી રાત તરફડી હતી. કશું ન સૂઝતાં તેણે બોટલમાંતી જેટલી હાથમાં આવી એટલી ગોળી મુખમાં પધરાવી હતી. ઠંડા જળનો એક ગ્લાસ ગટગટાવી ગઈ હતી.

‘બસ... મારે જંપી જવું છે... કોઈ પણ ભોગે એટલું બોલીને તે પુનઃ શૈયામાં પડી હતી.

દવા તો અસર કરે જ. સમય સરકતો ઉષાના સામ્રાજ્યમાં પહોંચ્યો હતો.

તડકો આવ્યો હતો. માનવ વહેવારો શરૂ થયા હતા. વિશ્વા પણ મોડી ઊઠી હતી. તે અચાનક માલિનીના ખંડમાં આવી હતી. માને ધારી ધારીને જોઈ કાંઈખ વિચિત્ર લાગ્યું. તેને મૃતદેહ જોવાનો અનુભવ હતો. તેનાથી એક ચીસ પડાઈ ગઈ.

*

૨૪

માલિનીનો અંત આવી ગયો, સાવ અચાનક. અક્ષય દિગ્મૂઢ બની ગયો હતો. સુજાતાનું દુઃખ પણ તેને સ્પર્શી ગયું હતું. મન માંડ માંડ સ્થિર થયું હતું. એમાં સુજાતાનો પણ દોષ હશે એમ તે માનતો હતો, પણ આ આઘાત તીવ્ર હતો. તેના ઉછરતા મન પર ઊંડી અસર થઈ હતી.

સ્વભાવે તે સાદો હતો, કંઈક અંશે વિરક્ત હતો, મા તથા વિશ્વાની અમુક હરકતો તેને પસંદ નહોતી, પરંતુ એથી કાંઈ લાગણીની બાદબાદી થોડી થાય.

તે રડી પડ્યો હતો, વિશ્વાને વળગીને. મૃત્યુ અચાનક જ આવ્યું હતું. દવાનો ઑવરડૉઝ દેખીતી રીતે જવાબદાર હતો, પરંતુ અસલી અપરાધી તો કેદાર હતો, જે વિશે કોઈ જાણતું નહોતું.

આખો પરિવાર લગભગ છિન્નભિન્‌ થઈ ગયો હતો. સુજાતા કારાવાસમાં હતી અને માલિની મૃત્યુ પામી હતી. પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું સાચું કારણ ક્યારેય આવવાનું નહોતું. સ્ટેટમેન્ટ્‌સ લેવાયાં. હા, માલિની કાયમ આ ગોળી ગળતી હતી. ભૂલમાં ઑવરડૉઝ લેવાઈ ગયો હશે. ના કશું જ કારણ નહોતું આત્મહત્યા માટેનું. મરનાર સ્ત્રી સુખી હતી, સ્વસ્થ હતી. જવાબો લખાઈ ગયા હતા.

વિશ્વાએ સ્વસ્થતા જાળવી રાખી હતી. તેણે અક્ષયને પણ સંભાળી લીધો. તેને ખુદને નવાઈ લાગતી હતી કે તેનામાં આટલી શક્તિ ક્યાંથી આવી કે તે મનોબળ જાળવી શકી ? રાતોરાત તેનામાં પુખ્તતા આવી ગઈ હતી.

‘તું શા માટે ગભરાય છે ? હું છું ને...’ તેણે આત્મવિશ્વાસથી અક્ષયને જાળવ્યો હતો. ચંચળ પતંગિયા જેવી વિશ્વાનો જાણે નવો જન્મ થયો હતો ! તેનામાં પરિવર્તન થયું હતું જેનો પ્રારંભ ગુણવંતકાકાના થોડા શબ્દોથી થયો હતો, પલ્લવીએ એ ખ્યાલમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું.

જે રાત માલિની માટે અંતિમ રાત હતી. એ કદાચ તેના માટે જાગરણની રાત હતી.

કોઈ પણ અંધકાર અનંતકાળ સુધી રહ શકતો નથી. કોઈ પણ પ્રકાશ તેને ઓગાળે છે. અંધકારને ઓગળવું જ પડે છે.

તેના મનમાં એક વાત વિશ્વાસ બનીને બેસી ગઈ હતી. કોઈ પણ ખરાબ કામનું પરિણામ સારું ન જ આવે. તમે કંટકો વાવીને ફળ મેળવી ન શકો.

માલિનીના મૃત્યુ પાછળ પણ તેને એ સત્ય કારણભૂત લાગતું હતું. તે હવે ન્યાય મૂલવવા જેટલી તટસ્થ બની શકી હતી. એટલી નિખાલસ ભૂમિકા પર આવવું કાંઈ સરળ તો નહોતું જ.

વિશ્વા પોતાની જાતનો પણ વિચાર કરતી હતી. તેણે પણ અનેક ભૂલો કરી હતી. તેનું કુતૂહલ હોય કે સાહસિક વૃત્તિ, તેની નિર્દોષતા હોય કે સુજાતા પ્રતિનો પૂર્વગ્રહ, તે ખૂબ જ અયોગ્ય રીતે વર્તી હતી.

તેનાં બધાં જ દુષ્કૃત્યો સ્મરી સ્મરીને પરિતાપ અનુભવતી હતી. તે તો સુજાતાને મળવા, અપરાધને કબૂલ કરવા માટે તૈયાર થઈને બેઠી હતી ત્યાં જ આ અણધારી ઘટના બની હતી. તે નખશિખ હચમચી ગઈ હતી.

બસ... આ તેનાં પાપ... ભૂલો..., આ એનું પરિણામ. કુદરતના નિયમોના ઉપરવટ જવાનું પરિણામ ! અને પોતે તો એક હત્યા પણ કરી હતી. અને હત્યા પહેલાંનાં દુષ્કૃત્યો ? વત્સલ સાથે કેવા ગંદા સંબંધો બાંધી બેઠી હતી ? સમાજની સ્વીકૃત મર્યાદા તેને તોડી હતી.

‘મમ્મીને તો મૃત્યુ પણ સાંપડ્યું પણ મને તો એવું નિવારણ પણ નહિ મળે.’ તે ઊંડા વિચારોમાં ડૂબી ગઈ હતી.

વિશ્વાએ કેદારની આંખમાં ઊંડો વિષાદ જોયો. તે ખૂબ દુઃખી થયો હતો. વિશ્વાને ક્ષણભર દયા પણ આવી ગઈ એ વ્યક્તિની. ગમે તેવો કઠોર કે ખલ પણ આખરે તો માણસ જ હતો. તે કેદારની માલિની માટેની લાગણીઓથી પરિચિત હતી. એ અભિનય નહોતો જ. તે રડતો હતો - અસ્ખલિત રડતો હતો. એક શબ્દ પણ હોઠની બહાર નીકળી શકતો નહોતો.

ના, પણ વિશ્વાએ તેની દયા ન ખાધી.

‘અંકલ... તમે તકલીફ ન લેશો અહીં આવવાની. હું બધું જ સંભાળી લઈશ. ઈશ્વર મને બળ આપશે.’ તેણે સ્પષ્ટ રીતે કહી દીધું.

‘હવે એ પડછાયા જ ન જોઈએ. અતીતના પડછાયા, પાપના પડછાયા..’

વિશ્વા કઠોર બની ગઈ. આ જે વેડફી નાખ્યું એ તો ગયું હતું. એ કાંઈ પાછું આવવાનું નહોતું. તો પછી બાકીની જિંદગી શા માટે એ માર્ગે વેડફવી ?

સંપતરાયના કેટલાક મિત્રો મદદમાં આવ્યા. તેર દિવસ શોકના પૂરા થયા. પ્રાર્થનાઓ થીૂ.

વિશ્વા અક્ષય સાથે તેના આશ્રમમાં પણ જઈ આવી. અક્ષયને સ્હેજ આશ્ચર્ય તો થયું આનંદ ફણ થયો. એક નવી દુનિયા હતી. નવું વાતાવરણ હતું. હવામાં પણ પવિત્રતાનો સ્પર્શ હતો. તેને ગમ્યું. લાગ્યું કે અહીંથી કશું મેળવી શકાય તેમ હતું. ભીતરમાં કશું પાખો ફફડાવતું હતું. ‘અક્ષય... અહીં શાંતિ મળી શકે...’ તેણે ભાઈને ખુશ કર્યો. ‘એમ થાય કે અહીં જ રહી જઈએ.’ તે બોલ્યો.

પણ વિશ્વાના મનમાં બીજી જ વાત રમતી હતી. તેને સુજાતાને મળવું હતું, ઝટપટ મળવું હતું. તેણે પલ્લવીને વચન આપ્યું હતું. પલ્લવી તો અત્યારે કદાચ પરદેશ પણ પહોંચી ગઈ હશે. તેના પતિ સાથે સહજીવનનો પ્રારંભ કરતી હશે.

તે વિચારતી હતી !

આ પલ્લવી જ સુજાતાનો આધાર બની રહી હતી જ્યારે તે તથા માલિની તેને સંતાપતા હતા, આઘાતો આપતા હતા. અને એ જ પલ્લવીએ તેને પણ માર્ગ બતાવ્યો હતો, પ્રેમનો, સચ્ચાઈનો, જીવન જીવવાનો.

કેટકેટલા લોકોએ તેને તારી હતી, ઉગારી હતી ? નિશીથે પણ તેને સત્ય શીખવ્યું હતું. જીવન પ્રતિ વિશિષ્ટ અભિગમ ધરાવતો નિશીથ તેના માટે તો મદદગાર સાબિત થયો હતો. તે બધું જ ધરી દેવા તત્પર હતી ત્યારે તેણે તેની લાચારીનો લાભ ઉછાવ્યો નહોતો.

તે કઠોર અને નઠોર વ્યક્તિ પણ ક્યારેક માણસ બની શકતી હતી. તે પણ પોતાના વિશે હિત-અહિત વિચારી શકતી હતી જ્યારે તે ખુદ અમર્યાદ બની ગઈ હતી બિન્ધાસ્ત બની ગઈ હતી.

જો મેં આ રમત કરી ન હોત તો ? વત્સલનું અસ્તિત્વ હોત... તેમનો સુખી સંસાર હોત.. ગાર્ગીને આમ કારાવાસમાં જન્મ લેવો ન પડત...

ગાર્ગી ? ...કેવી હશે ગાર્ગી ? છાપાંવાળાઓએ સુજાતાની પ્રેગનન્સી વિશે કેવી ગંદી મજાકો કરી હતી ? કેવાં કેવાં લખાણો લખ્યાં હતાં ? તે માતૃત્વ ઝંખતી હતી અને હું વત્સલ પાસે તેની મજાક ઉડાવતી હતી ? કેટલી નિમ્ન કક્ષાએ ઊતરી ગઈ હતી હું ? એ પુરુષનું પતન પણ મેં જ કર્યું હતું. મૂળમાં મારું અભિમાન જ હતું ને ? રૂપનું અભિમાન, દેહનું અભિમાન ?

વિશ્વાના શોકનો પાર નહોતો.

‘વિશ્વાબેન... શાંતિ મળે છે ને આશ્રમમાં ? આ કારણસર જ હું અહીંયાં ચાલ્યો આવતો હતો.’

અક્ષયનું સાવ સરળ વાક્ય પણ વિશ્વાને વીંધી ગયું. હા... ઘરમાં સાંતિ નહોતી જ. સમૃદ્ધિ હતી, સાથેસાથે છળ પણ હતા. પછી શાંતિ ક્યાંથી હોય એ ઘરમાં ?

‘અક્ષય... ખરેખર સરસ સ્થાન છે. આપણે બંને અહીંયાં દરરોજ આવીશું.

વિશ્વાએ અક્ષયને ખુશખુશાલ કરી દીધો. મુક્ત રીતે હસ્યો. ‘આ સ્થળ તો અદ્‌ભુત છે દીદી... મનને થાક લાગે ત્યારે હું અહીં જ ચાલ્યો આવતો. હજુ... તમે સંતોને ક્યાં મળ્યા છો ? અનેક સંતો છે. તેઓ ભાગ્યે જ બોલે છે પણ આપણે તેઓના સાંનિધ્યમાં શાંતિનો અનુભવ કરીએ છીએ.’

અક્ષય પુનઃ વાચાળ બની ગયો હતો. તે ઓગળતો જતો હતો. શોક ને અએશોકમાં ઓગળવું જ રહ્યું. એ જ સહજ વૃત્તિ ગણાય.

દીદી સ્વામીજીને મળવું છે ?’ અક્ષયનો ઉત્સાહ વધી ગયો. વિશ્વાએ થોડું વિચારી લીધું. જાત સાથે સંવાદ કર્યો. તે લજ્જા અનુભવવા લાગી.

‘ના, મારો પાપી પડછાયો પણ સ્વામીજી પર ન પડવો જોઈએ. મારો માર્ગ મને મળી જ જશે. મારે જ શોધવો રહ્યો. પશ્ચાત્તાપના માર્ગ પર મને કશું જરૂર મળશે જ. પાપ ધોવા માટે કર્મની દિશા બદલવી રહી.’

વિશ્વા આવું કેવી રીતે વિચારી શકતી હતી ? છેલ્લા કેટલાક સમયથી તેના મનમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું.

ગાર્ગીને તો પિતાની છાયા નહિ જ મળે ને ? અરે, તેને તો વગર અપરાધે કારાવાસમાં રહેવું પડશે ? મુક્ત દુનિયાથી તેનો સંબંધ કપાઈ જશે. તે સમજશે ત્યારે તેના મન પર શું વિતશે ?

આ બધા જવાબો તેણે જ શોધવાના હતા. તેનામાં એક સ્ત્રી જન્મી, એક નવી વ્યક્તિ જન્મી. જૂના ખ્યાલોથી સાવ અળગી થઈ ગઈ.

‘અરે, શા માટે વિલંબ કરવો હવે ?’ તેણે મનને જાગ્રત કર્યું.

વિશ્વા, એ સાંજે જ હૉસ્પિટલમાં પહોંચી જે સ્થાન પલ્લવીએ કહ્યું હતું. રૂમનંબર પણ સ્મરણમાં હતો. તે ઉતાવળી ઉતાવળી ત્યાં પહોંચી પણ એ રૂમ પર તો તાળું હતું.

અવરજવર હતી, ત્વરા હતી, સાંજના પડછાયાોનો હાંફ હતો. એક બે ચહેરા તેને તાકતા હતા. વિશ્વાના ચહેરા પર અપરિચિતતા વંચાતી હતી.

કશી વાતચીત થાય એ પહેલાં જ ગુણવંતભાઈ ત્યાં આવી પહોંચ્યા.

‘આવી... બેટા ?’ પ્રેમાળ શબ્દો પાછળ પાછળ આવ્યા. ઓળખી ગયા તે વિશ્વાને. એક નાનકડી મુલાકાતનો આછોપાતળો પરિચય હતો પણ તેમને વિશ્વા યાદ હતી. એ મુલાકાત દરમ્યાન માલિનીનું વર્તન અત્યંત ખરાબ હતું. વિશ્વા કાંઈક સારી રીતે વર્તી હતી. પલ્લવીએ સંદેશો પણ આપ્યો હતો કે તે બીજે દિવસે સુજાતાને મળવા આવવાની હતી.

સુજાતા ભાનમાં આવતાં જ નર્સે ખબર આપ્યા હતા. ‘સુજાતાબેન... તમારી સખી આવી હતી. પલ્લવી નામ હતું. ખૂબ લાગણીભરી વાતો કરતી હતી. બેબીને નીરખી પણ ખરી રમાડી પણ ખરી. બેન સ્વભાવના સારા લાગ્યાં.’

સુજાતા હરખાઈ ગઈ હતી, ક્ષણભર યાતના પણ ભૂલી ગઈ હતી.

‘પલ્લુ આવી ને ? મને થતું જ હતું કે તે આવશે જ’ તેના કરમાયેલા ચહેરા પર તેજ આવી ગયું.

‘તારી માસી આવી હતી, ગાર્ગી, તેણે નવજાત બાળકીને સંભાળપૂર્વક પંપાળી હતી. નવીન અનુભૂતિ હતી. એક નવીન દિશા ઊઘડી હતી.

આનંદની ભરતી અનુભવ્યા પછી તરત જ અભાવનો ખ્યાલ આવ્યો હતો. આનંદ તરત જ નંદવાઈ ગયો હતો. તો પછી વિશ્વા ? તે ન આવી ?

ગુણવંતભાઈએ તેને પલ્લવીની વાત વિગતથી કહી હતી. ‘ભારે લાગણીવાળી છોકરી. હંસાબા સાથે તેણે ખૂબ વાતો કરી. આપણી ગાર્ગીને જોઈને તો ખુશખુશાલ થઈ ગઈ. તેણે જ સમાચાર આપ્યા કે વિશ્વા પણ આવવાની જ હતી. ‘કાકા, મને આશા આપો છો પણ મારે હવે એ વૈશાખીની જરૂર નથી. તે ભલે ન આવે. મને મારો સાચો પરિવાર મળી ગયો છે.’

સુજાતા આવેગમાં આટલું બોલી ગઈ. પછી શાંત થઈ ગઈ હતી. શરીર હજુ અશક્તિથી પીડાતું હતું.

‘બેટા... શાંત થા. આપણે ધારીએ કાંઈક ને ઉપરવાળો કરે છે કાંઈક. હમણા તું તારી તબિયતની જ કાળજી રાખ અને આ ગાર્ગીની. કેટલા ખુશ કરી દીધા આપણને સૌને ? ન્યાલ કરી દીધા મારા નાથે.’

કાકાએ તેના અશાંત મનને તત્પૂરતું શાંત કર્યું. તેમના વચનમાં સચ્ચાઈના અંશ જરૂર હતા, જીવન જીવવાની એક આગવી રીત હતી. તે પણ અવઢવમાં તો હતા જ, પણ સુજાતા હવે પૂરી ભાનમાં આવી ચૂકી હતી.

તે વિશ્વાને છેલ્લી વેળા મળી ત્યારે તેની દશા કેવી હગતી. તે વત્સલના પંજામાં ફસાયેલી હતી, શરીર પર કહેવા પૂરતું વસ્ત્ર હતું, તે ભયથી આવૃત્ત હતી. હરિણીની જેમ દોડતી આવીને તે લપાઈ ગઈ હતી. સુજાતાએ તરત જ તેને પોતાની સાડી ઓઢાડી હતી.

સુજાતાને અત્યારે વિચારતાં સમજાતું હતું કે એ શું સત્ય હતું-સંપૂર્ણ સત્ય ? સંમતિ વિના કોઈ પણ પુરુષ આમ આગળ વધી શકે ખરો ? અને એમાં પણ વત્સલ ? પ્રતિકારના કોઈ ચિહ્નો નજરે પડ્યાં નહોતાં. એમ ન બને કે વિશ્વા અભિનય કરતી દોડી આવી હોય ? જ્યારે વત્સલે સુજાતા પર હુમલો કર્યો હતો ત્યારે વિશ્વા તો તેને સમજાવી રહી હતી, પટાવી રહી હતી. વત્સલ પર ઝનૂન ક્યાં ઉભરાતું હતું. જે આ સ્થિતિમાં મુકાયેલી કોઈ પણ સ્ત્રીમાં હોય ? વળી તેના દેહ પરનાં નહિવત્‌ વસ્ત્રો પણ સુચવતાં હતાં કે આ સંમતિ સાથેનું કૃત્ય હતું, નહિ કે હુમલો કે છેતરપિંડી !

સુજાતાના મનમાં દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું કે એ વિશ્વા અને વત્સલનું સહિયારું કૃત્ય હતું.

તેની કણસરી કાયામાં એક દર્દ ઉમેરાયું હતું. વિશ્વા શા માટે મોં છુપાવતી હતી ? ખરેખર તો સુજાતાએ તેને હત્યાની સજામાંથી બચાવી હતી. તેના પર મોટો ઉપકાર કર્યો હતો. તે હજુ નાની હતી, કૂમળી હતી, ઊગીને ઊભી થતી હતી. તેની સામે આખું જીવન હતું.

સુજાજાએ જિંદગી થોડી માણી હતી, જાણી હતી, સુખની થોડી અનુભૂતિ મેળવી હતી. અને એથી પણ વિશેષ સુજાતાએ એમ માન્યું હતું કે આખા બનાવમાં તેનો પતિ વત્સલ જ જવાબદાર હતો, તેણે વિશ્વાની અવદશા કરી હતી અથવા કરી રહ્યો હતો.

આ કારણસર તેણે વિશ્વાને તરત જ સ્થાન છોડી જવા સૂચવ્યું હતું અને હત્યાનો અપરાધ પોતાના શિરે લઈ લીધો હતો.

પણ વાસ્તવિકતા કેટલી કઠોર હતી ? વિશ્વાની આખી ઈમારત થોડી ક્ષણોં ધરાશાયી થઈ ગઈ હતી.

‘વિશ્વા... જો આમ જ બને, તો કોણ કોનો વિશ્વાસ કરશે ! સંબંધોનો કશો અર્થ રહેશે ખરો ?’

સુજાતા હચમચી ગઈ હતી. તેને આ વિચાર કેમ ન આવ્યો ? આટલી સરળ વાત પણ ન સમજાઈ ?

મન સતત આઘાત નીચે રહ્યું હતું. ખુદ તેની બહેને ધરાશાયી કરી હતી, નંદવી હતી.

આટલો મોટો પ્રપંચ થતો હતો અને તે સાવ અજાણ હતી. આને ભોળપણ ગણવું કે મૂર્ખતા ? વત્સલને પણ તે ક્યાં ઓળખી શકી હતી પત્ની હોવા છતાં પણ ? આમાં તેનો શો દોષ હતો ? માણસ તરીકે તે યોગ્ય રીતે જ વર્તી હતી પણ દુનિયાદારીમાં સરિયામ નિષ્ફળ ગઈ હતી.

કદાચ આ જ માર્ગ હશે જિંદગી જીવવાનો !

ગાર્ડી રડતી હતી. તેણે સાવ અશક્ત હાથથી તેને ગ્રહી હતી. એક નવી જિંદગી શરૂ થતી હતી, ગાર્ગી સાથેની. તેને પણ આ રમતથી અવગત કરવી જ પડશે, ને ?

તેણે ગાર્ગીને છાતી પાસે લીધી. મનને શાંત કર્યું. તેને આ સત્ય જાણવા મળ્યું હતું. ભોજન સમયે શાંતિ રાખવી, શિશુને પ્રેમપૂર્વક સંતૃપ્ત કરવું. એક જીવમાંથી બીજો જીવ પ્રગટ થયો હતો. તેનું જતન કરવાનું હતું. આ પણ એક આનંદદાયક ઘટના હતી. આ રીતે તો આખા બ્રહ્માંડની રચયિતા સ્ત્રી જ, હા સ્ત્રી જ ! વિશ્વની અદ્‌ભુત ઘટના હતી.

સુજાતા કાંઈ એકલી નહોતી, અનાથ નહોતી. તેનું પોતાનું પોતામાંથી જન્મેલું કશુંક હતું જ તેને લાગણીઓના સર્વોચ્ચ શિખર પર પહોંચાડતું હતું.

તેને તેની જનેતા વાસંતીની યાદ પણ આવી, માલિની પણ યાદ આવી. મૃત પુત્ર માટે ઝૂરતાં આન્ટી યાદ આવ્યાં.

ત્યાં જ હંસાબા આવી પહોંચ્યાં. સુજાતાને અસહ્ય એવું પથ્ય લઈને આવ્યાં હતાં.

કેમ છે બન્ને મા દિકરીને ? સુજાતા, મને આખી રાત તારા જ વિચારો આવ્યા અને સાહેબે પણ લગભગ જાગતા જ હતા. હંસાએ એક વાક્યમાં મનોભાવ ખાલી કરી નાખ્યા હતા. પછી તો એ બન્ને વચ્ચે પલ્લવી વિશે વાતો થઈ હશે.

‘તારી એ સખી લગ્ન કરીને પરદેશમાં પહોંચી જશે. આજ સવારે તો મુંબઈ જવા ઊપડી પણ ગઈ હશે.’

હંસાએ તેને આનંદથી તરબોળ કરી મૂકી હતી. પછી તો જાનકી પણ ભળી હતી.

ગાર્ગીની હાજરી એ સૌની પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દીધી હતી. સુજાતા પૂરેપૂરી એ નવજાત શિશુમાં લીન થઈ ગઈ હતી. એ દિવસે તેના અજ્ઞાત મનમાં વિશ્વા ખળભળતી હતી. તે કદાચ આવે પણ ખરી એ શક્યતા તેના મનમાં રમતી હતી. દિવસ આરામ, પીડા, મુલાકાતો અને વિશ્વાની પ્રતીક્ષામાં પસાર થયો હતો. તેણે એ વાત કોઈને જણાવી નહોતી કે હોઠ પર એ વનામ લાવી પણ નહોતી. તેમ છતાં પણ તે કશા કારણ વિના નિરાશ થઈ ગઈ.

તેના મનમાં ભારોભાર અણગમો હતો વિશ્વા માટે. તેમ છતાં પણ આશાનો એક તંતુ ભીતર જીવંત રહ્યો હતો તેને મળવા માટે.

‘હું તેને કશું જ નહિ કહું. મારું મૌન તેને મનની વાત સમજાવશે.’ એવી ધારણા પણ હતી, પણ તે આવી નહોતી.

બીજો દિવસ ઊગ્યો અને આથમ્યો. ચાવડાસાહેબ અને હંસાબા ગાર્ગી માટે ઝભલાં-રમકડાંની ભેટો લઈને આવ્યાં. નર્સ અને જાનકીએ પણ ભેટો આપી.

ખુશખુશાલ થઈ ગઈ સુજાતા. આંખ ભીની થઈ ગઈ. પીડા ધીમે ધીમે શમવા લાગી હતી.

બીજો દિવસ-ત્રીજો દિવસ-ચોથો દિવસ... વિશ્વા માટેની પ્રતીક્ષાનો તંતુ સુજાતાએ સ્વહસ્તે તોડી નાખ્યો હતો. મન તિરસ્કારથી ભરાઈ ગયું હતું.

‘શા માટે રાહ જોવી ? કોની જોવી ? જેણે મારી જિંદગી રોળી નાખી એ કુલટાની પ્રતીક્ષા કરવી ?’

સુજાતાનો રોષ સીમા ઓળંગી ગયો હતો. ‘તે મારી તો અપરાધી છે જ પણ તે આ નાની બાળકીની પણ અપરાધી છે.’

તે વિચારતી હતી. ના, હવે એ દિશામાં જવું જ નથી. તેણે મનને મક્કમ કરી નાખ્યું. તે કટોર બની ગઈ. પાંચમે દિવસે તો તેણે રીતસર વેન જ લીધું.

‘હંસાબા... મને હવે મારું કાયમી ઘર સાંભર્યું છે. મારી તેર નંબરની ખોલી... એ દીવાલો... એ જાળી...’

‘ઘેલી થઈ ગઈ છે તું સુજાતા ? હજુ તો ટાંકા પણ... કાચા છે. કાયા પણ કાચી છે. તને લઈ જઈશ તો પણ મારી પાસે મારા ઘરે. હજુ થોડા દિવસ અહીં રહેવું પડશે !’

હંસાબાએ તેને આગળનો કાર્યક્રમ પણ જણવી દીધો.

સુજાતા ગદ્‌ગદ્‌ થઈ ગઈ આ લાગણીની ધોધમાર વર્ષા પર.

એક સ્ત્રીએ તેને કારાવાસમાં ધકેલી હતી જ્યારે બીજી અજાણી સ્ત્રી તેનો આધાર બની રહી હતી.

પછીના સમયમાં તેણે વિશ્વાને હાંકી કાઢી તેની નવી દુનિયામાંથી.

ચાવડાસાહેબે સુજાતા માટે પેરોલ પર છૂટવાનના કાગળ તૈયાર કર્યા. તે હૉસ્પિટલમાંથી ઘરે આવી.

‘બાપુ... મને તમે બધું જ આપી દીધું. તમારી છત્રછાયા પણ મારા ભાગ્યમાં હશે જ.’

‘આવું ન બોલતી... દીકરી. આ ત્રણ અઠવાડિયાં શાંતિથી રહેજે. આ તારું ઘર છે એમ માનજે.’

ચાવડાના શબ્દોએ તેને ભીંજવી નાખી.

જેલની કેટલીક કેદીબહેનો તેને મળવા આવી. પરિવારના સદસ્યોને જ મળી રહી હોય તેવો ભાવ થયો સુજાતાને. જાનકી અને બીજી લેડી કોન્સ્ટેબલો પણ આવી.

‘બોન... તું અહીં જ રે’જે. તારે ત્યાં આવવાની જરૂર નથી. તેર નંબરની ખોલીમાં આ કૂમળું બાળ કેવી રીતે રહી શકે ? આવા ભલા ભગવાન જેવા સા’બ છે...’ સૌએ શુભેચ્છાઓ વ્યક્ત કરી.

‘ના... નિયમનો ભંગ તો ન કરાય. સાહેબને પણ ન ગમે. પેરોલ દરમ્યાન અહીં રહીશ. પછી તો તમારી સાથે જ... ગાર્ગીના રખોપાં કરશે ઉપરવાળો...’

સુજાતાએ મનની વાત જાહેર કરી. તે કેદી હતી એ વાત કેમ ભૂલી શકે ? કોઈની ભલી લાગણીનો દુરુપયોગ ન કરાય !

એ સાંજે ગુણવંતભાઈ મળવા આવ્યા. તેમના ચહેરા પર લાગણીનો આખો દરિયો ડહોળાતો હતો.

‘સુજાતા... તને મળવા વિશ્વા આવી છે. તે દાદરમાં ઊભી છે. મને કહે કે તમે...’

કાકાના શબ્દોમાં ઉત્સાહ હતો, તાલાવેલી હતી. તે કશું પ્રાપ્ત કરી શક્યા હતા સુજાતા માટે એવી ઉત્કટ લાગણી હતી.

સુજાતાને ઉત્તર દેતાં દુઃખ તો લાગ્યું પણ તેણે કહી જ નાખ્યું : ‘કાકા... મારે તેને મળવું નથી. મારે એ નામ સાથે કે વ્યક્તિ સાથે કશો સંબંધ બચ્યો નથી. તમે જણાવી દો.”

આવેગવાળા શબ્દો જરા ઉતાવળે બોલાયા. કાકા દૂગ્મૂઢ થઈ ગયા.

‘બેટા... તું આ શું બોલે છે ? વિચાર કર. મન શાંત કર... માણસ છે, ભૂલ થાય પણ ખરી. આમ કોઈનો તિરસ્કાર ન કરાય...’

સુજાતાએ કશો પ્રત્યુત્તર ન વાળ્યો. તે અડગ રહી.

ગુણવંતકાકા પરસાળ વળોટીને દાદર પર આવ્યા ત્યારે ત્યાં વિશ્વા નહોતી.

*

૨૫

હંસાએ રાતે બીજા ઢોલિયામાં પોઢેલા પતિને કહ્યું : ‘ચાવડા, આજે સુજાતાને મળવા તેની બહેન આવી હતી.’

‘હં.’ ચાવડાએ શાંત પ્રતિભાવ આપ્યો. તેમને જીવાતાં જીવનનો અનુભવ હતો. પ્રેમ અને ધિક્કાર બન્ને વચ્ચે ખાસ અંતર નહોતું એ તે સારી રીતે જાણતા હતા. ખાસ કાંઈ જાણ્યા વિના ખોટી લાગણી દેખાડવાનું તેમના સ્વભાવમાં નહોતું. આમ જુઓ તો તે વિશ્વા વિશે શું જાણતા હતા. ‘પણ સુજાતાએ તેને મળવાની ચોખ્ખી ના પાડી. કાકાએ તેને સમજાવી પણ ખરી.’ હંસાના શબ્દોમાં ઘેરો વિષાદ હતો, પતિ એ વિશે કહે તેવી અપેક્ષા પણ હતી.

મનના તારનો પાર પામવો એ મુશ્કેલ કાર્ય હતું. ચાવડાને જરા નવાઈ લાગી. સુજાતા તેની બહેનને મળવા ઇચ્છતી હતી. અરે, ઝંખનાની સરહદ, પણ વટાવી ગઈ હતી. આમ બનવું અણધાર્યું તો ખરું જ.

‘જુઓ... ક્યારેક આવું બને. રીસ ઓગળશે પછી તે ખુદ મળવા તૈયાર થઈ જશે. રીસ તો ચડે જ ને. કેમ છે ગાર્ગીને ? ચાવડાએ ગંભીર વાતને સાવ સહજ રીતે ઢાળી.

તે હંસાનો સ્વભાવ જાણથા હતા. એ સ્વભાવે જ તેમનો ભવ સુધર્યો હતો એ પણ જાણતા હતા.

‘ના પાડવામાં ખૂબ જ મક્કમ હતી. ગુણવંતભાઈ કહેતા હતા.’ હંસાએ વાતને લંબાવી.

‘સમય જતાં બધું ઠીક થઈ જશે. આખરે એક લોહી છે ને.’ ચાવડાએ હળવાશથી ઉત્તર વાળ્યો.

‘અને ચાવડા... સુજાતા તો પાછી તેની ખોલીમાં ચાલી જવાનું કહેતી હતી...’ હંસાના મસ્તિષ્કમાં સુજાતા જ હતી. એક અણકંપ ધ્રાસકો તેનામાં થીજીને બેઠો હતો. સુજાતા તેનાથી દૂર ન જાય, એ આશંકા પેઠી હતી.

શું કહે ચાવડા ? જેલના પણ નિયમો હતા અને એ બધા જ પાળવાના હતા. ચાવડા આ નિયમોના ચુસ્ત હિમાયતી હતા. કોઈ કશું કહેતું નહોતું, પણ પક્ષપાત કર્યાનું આળ આ નિવૃત્તિના સમયે આવે એ તે પસંદ ન જ કરે.

‘હજુ તો પેરોલ ચાલુ છે અને પછી પણ તમે ક્યાં દૂર છો ? તમે ત્યાં મળી શકો છો...’

ચાવડાના ઉત્તરથી હંસાની વ્યથા વધી પડી. એક વાસ્તવિકતા ખડી થઈ ગઈ. હા, તેણે ત્યાં જ રહેવાનું છે... એ જ તેનું સ્થાન છે સજાના શેષ સમય પર્યન્ત.

ચાવડના ઉત્તરથી હંસાની વ્યથા વધી પડી. એક વાસ્તવિકતા ખડી થઈ ગઈ. હા, તેણે ત્યાં જ રહેવાનું છે... એ જ તેનું સ્થાન છે સજાના શેષ સમય પર્યન્ત.

અરે, આ સજા તો ખરેખર તેને થવાની હતી. હંસાની વિચારધારા અટકી કારણ કે તે આથી વિશેષ વિચારી જ ન શકી. તે એક હરફ પણ બોલી ન શકી.

ત્યાં જ ગાર્ગીનો રુદન-સ્વર સંભળાયો અને તે જાણે કે બચી ગઈ. તે તરત જ બીજા ખંડમાં ચાલી ગઈ.

ચાવડા પછી જાગતા જ રહ્યા છેક પરોઢ સુધી, વિચારતા રહ્યા મનુષ્ય મની અનંત લીલા વિશે.

શું વિશ્વાને ધુત્કારી એ ખાલી રીસ જ હશે સુજાતાની ? કે કશું વિશેષ હશે ?

આ સ્થિતિમાં સુજાતા સાથે વાત કરવાનો અર્થ જ નહોતો. ખરેખર તો તે વિશ્વાના આગમનથી જ ખળભળી હશે. તે પણ તેની એ બહેન વિશે જ વિચારતી હશે. જો ખાલી રીસ જ કરે તો તે તરત જ તૂટી જશે. તે કદાચ સવારે જ તેની ભૂલ બદલ પશ્ચાત્તાપ અનુભવવા માંડશે, ફરી વિશ્વાને મળવા માટે આતુર બની જશે.

ચાવડાએ માન્યું કે લગભગ એમ જ બનશે. આ તેમના અનુભવનો નિચોડ હતો.

અને જો તેમ ન બને તો...?

પછી હું છોકરને જ મળી લઈશ. ચાવડાના મનમાં નકશો દોરાઈ ગયો.

બાકી તો નિવૃત્તિ નજીક હતી. પત્નીએ નવી સ્થિતિથી ટેવાવાનું જ હતું. એ કારણે જ તેમણે વતનમાં જવાનો મોહ પણ જતો કર્યો હતો. કારાગૃહની પાસેના વિસ્તારમાં એક મકાન શોધી રહ્યા હતા જેથી સુજાતાથી બહુ દૂર ન ચાલી જવાય. ગાર્ગીને રમાડી શકાય. સુજાતાને મળી શકાય. સમય જતાં ગાર્ગીને પોતાની સાથે રાખીને ઉછેરી પણ શકાય.

આ સ્વપ્ન કાંઈ કેવળ હંસાનું નહોતું. બંનેનું સહિયારું હતું. જીવનના એક અભાવની પૂર્તિ થવાની હતી. ગાર્ગીના આગમન પછી હંસાનું જીવનવહેણ સાવ બદલાઈ ગયું હતું. તે એ નમણાં ફૂલમાં તન્મય બની ગઈ હતી. એક સુષુપ્ત માતૃત્વ જાગી ઊઠ્યું હતું. ગાર્ગી તથા સુજાતા દૂર જાય એ તે ક્યાંથી સહી શકે ? તે ઈચ્છતી હતી કે આ પેરોલનો સમય સતત ચાલ્યા જ કરે, આ ક્ષણો યથાવત્‌ થીજી જાય.’

પતિના શબ્દોએ તેને વાસ્તવિકતામાં આણી હતી.

‘બસ... આ ગાર્ગી જરાક મોટી થાય પછી મારી પાસે જ રહેશે. હું જ તેને ઉછેરીશ... તેને કાં એ અંધારી કોટ.ડીમાં રખાય ?’ હંસાનો મનોવ્યાપાર સતત ગતિમાન હતો.

‘આ રીતે પણ ભગવાને સામું જોયું, મા ન બનાવી તો માતૃત્વનો આસ્વાદ પણ આપ્યો. ચાવડા પણ ખુશ છે. સજાનો સમય તો પૂરો થતાં શી વાર ? આ વર્ષો પણ કેટલાં ઝડપથી સરકી જાય છે ? હજુ પેલી મૃત બાળકીની પ્રસવવેદનાનો થરકાટ મારી કાયામાંથી ગયો નથી. આ ઈશ્વરે જ મોકલી ગાર્ગીના રૂપમાં. સંબંધો તો જન્મજન્માંતરોના હોય છે. લેણદેણ કાંઈ એક જન્મમાં પૂરાં ન થાય !

ચાવડાએ બે દિવસ પ્રતીક્ષા કરી, પણ સુજાતા ન પીગળી. તેના ચહેરા પર ઉદાસીની સાથોસાથ દૃઢતા પણ તગતગતી હતી. ‘તને શું થાય છે, દીકરી ?’ તેમણે એવો સવાલ પણ કર્યો, એ જાણવા કે ક્યાંકથી ભીતરની સરવાણી ફૂટે છે કે નહિ. એમ ન બન્યું.

‘બાપુ... હું તો મઝામાં છું. તમારા બંનેની છત્રછાયામાં મને દુઃખ તો શું હોય ?’ તેણે ઉદાસી ઢાંકીને જવાબ વાળ્યો. છતાં પમ એ ચહેરો ઉદાસીથી મુક્ત નહોતો જ.

‘દીકરી... મૂંઝાતી નહિ કોઈ રતે. અમે કાંઈ તારાથી દૂર નથી જવાના. નજીક કોઈ ફ્લેટ મળે તેવી તજવીજ ચાલે છે અને ગાર્ગી સહેજ મોટી થાય પછી તો, તું કહીશ તો અમે તેને અમારી સાથે જ રાખીશું.’

નિવૃત્તિ નજીક આવી રહી હતી એની અસર વાણીમાં આવી જતી હતી. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિની અવસ્થામાં સરકવું એટલું સરળ નહોતું.

સ્ટાફના મિત્રો ચાવડાની વિદાય ભવ્ય બને એની તૈયારી કરતા હતા. એમનો ઉત્સાહ આ મોટા મનના માણસને ક્યારેક ક્ષોભમાં મૂકી દેતો હતો.

‘ભાઈઓ... બહુ મોટું ન કરતા. તમે માનો છો એવો મોટો હું નથી. તમારા પ્રેમે મને જીવન જોવાનો, જીવવાનો અને વિચારવાનો મોકો આપ્યો છે. માણસ બનવુ એ તો ખૂબ અઘરી બાબત ગણાય, એમ હું પહેલાં માનતો હતો, પણ હવે લાગે છે કે એ કાંઈ એટલું મુશ્કેલ નથી. ઈશ્વરને સાથે રાખીએ પછી બધું સરળ બની જાય છે !’

સૌ તેમને મુગ્ધ બનીને સાંભળી લેતા. આવી વાતો આ વાતાવરણમાં દુર્લભ હતી.

તેમની ના છતાં પણ તૈયારી તો ચાલતી જ હતી.

‘જુઓ... આ સંસાર પણ આમ તો કામચલાઉ પડાવ જ છે. આપમે નવો મુકામ બદલીએ છીએ. અનેક સ્થળોએ ફર્યા છીએ, સગવડો અગવડો ભોગવી છે. માણસો સાથે વહેવારકો કર્યા છે. આ સ્થળ સાથે થોડી માયા પણ બંધાઈ છે.’

ચાવડા પત્ની સાથે આવી વાતોમાં પણ ઊતરી પડતા હતા.

વાતોમાં વૈરાગ્યભાવ આવી જતો હતો.

હંસા ખરેખર અવઢવમાં હતી. તેને સુજાતા-ગાર્ગીના અળગા થવું પસંદ નહોતું અને બીજો વિકલ્પ પણ નહોતો.

‘ચાવડા... તમે ઝટ ફ્લેટનું નક્કી કરી નાખો. બે સગવડતા ઓછી હશે તો ચલાવી લઈશ, પણ અહીંથી બહુ દૂર નથી જવું.’

‘એમ જ થશે... તમે ઇચ્છો છો એમ જ થાય છે ને.’

દાંપત્ય જીવનમાં રસિકતા પણ ટપકી પડતી.

આ બધા વચ્ચે સુજાતા અને ગાર્ગીની હાજરી લીલીછમ્મ લાગતી હતી.

રોષ કર્યાનો ભાર હતો છતાં પણ ચાવડાને વિશ્વાની વાતમાં રસ પડ્યો. આખા પરિવારમાંથી આ એક જ વ્યક્તિનું નામ સુજાતાના હોઠ પર આવ્યું હતું. હૉસ્પિટલમાં હતા ત્યાં સુધી તે વિશ્વાની પ્રતીક્ષા પણ કરતી હતી.

જે કાંઈ બન્યું હતું અને બનતું હતું એનો અર્થ એમ થતો હતો કે આ સ્થિતિતનું કારણ ગંભીર હતું.

વ્યસ્તતા વચ્ચે પણ તેમને થયું કે તે આ અજાણી છોકરીને મળી લે. કદાચ... આ આખા પ્રશ્નનો ઉકેલ સાંપડી પણ જાય. સુજાતાથી દૂર રહેતી વિશ્વા હવે તેને મળવા આવી હતી, મતલબ કે બરફ પીગળવો શરૂ થયો હતો.

મનુષ્યનો સ્વભાવ જ છે કે મનમાં જન્મેલો એક નાનકડો સંશય શાંત ન રહે, પળે પળે એ રૂપ બદલ્યા કરે. એ ઉકેલાય નહિ ત્યાં સુધી ખળભળ્યા કરે.

ગુણવંતભાઈ પાસેથી સરનામું મેળવીને ચાવડા એ સ્થાને પહોંચી ગયા. ત્યારે સવારનો સૂર્ય હજુ આકરો નહોતો બન્યો.

એ સમયે જ વિશ્વા આશ્રમમાંથી આવેલી. બરાબર બીજી ક્ષણે જ ચાવડો ડોરબેલ વગાડી હતી.

તે સિવિલ ડ્રેસમાં હતો. એ મહાવરો પણ જરૂરી હતો. તે વિચારતા હતા, હવે યુનિફોર્મ અને એવો જ કડક ચહેરો ભૂંસી નાખવાનો સમય આવી ગયો હતો.

વિશ્વા આશ્રમમાંથી સ્વસ્થ બનીને આવી હતી. સુજાતાએ તેને મળવાનો ઈન્કાર કર્યો ત્યારે તે ક્ષુબ્ધ બની ગઈ હતી. એક પ્રચંડ આઘાતે તેને ધક્કો માર્યો હતો. સ્વપ્નોી છાબ લઈને આવી હતી અને તેને ભોંઠપ મળી હતી. સુજાતાના શબ્દો તેના કર્ણપટ પર વિસ્મય અને આઘાત બનીને અથડાયા હતા. મૂઢમાર વાગ્યો હોય તેવું અનુભવ્યું હતું. ગુણવંતભાઈ નિરાશ થઈને તેન પાસે આવે, તેને કાંઈક સજાવવા મથામણ કરે એવી શરમભરી સ્થિતિથી બચવા માટે તે તરત જ ભાગી છૂટી હતી, લગભગ દોડતી જ. જેલના કાર્યાલયની પરસાળમાં થોડી હલચલ મચી ગઈ હતી, પણ પછી તરત જ એ ખળભળાટ શમી ગયો હતો. આવાં દૃશ્યોની અહીં કોઈને ખાસ નવાઈ નહોતી. એક રૂપાળી છોકરીને કોઈ દોડતી જુએ એટલે જોણું અવશ્ય બની જાય, એ મુજબ થોડું હાસ્ય, થોડી રસિકતા, થોડું કુતૂહલ ઊભાં થયાં હતાં.

ગુણવંતભાઈ દ્વાર પર આવે એ પહેલાં તો વિશ્વા એક રિક્ષામાં ગોઠવાઈ પણ ગઈ હતી.

ભારે નિરાશ થયા હતા ગુણવંતભાઈ. તેમના પગમાં શિથિલતા આવી ગઈ હતી. તેમણે તેમની વેદના હંસા પાસે વ્યક્ત પણ કરી અને પછી તેમના નિયત માર્ગ પર વહેતા થયા હતા. ‘જેવી ઉપરવાળાની મરજી.’ એવું ધ્રુવવાક્ય પણ ગણગણ્યા હતા.

બે દિવસના મનોમંથનને વિશ્વાને હચમચાવી દીધી હતી. આટલું કર્યા પછી તું તેની પાસેથી કંઈ શા રાખતી હતી ? તે તેને સત્કારે, ભેટે કે ગળે વળગાડે એવી અપેક્ષા તું રાખી શકે ખરી ? તેં જે કર્યું એ શું તે જાણતી નહિ હોય ? તત્કાળ ભલે સમજી ન શકાય, પણ સમય જતાં સમજ પડે. તારો અભિનય થોડા સમય માટે ભલે કારગત નીવડે, પણ છેવટે તો ભાંડો ફૂટે જ વિશ્વા... કોઈ પણ પાપ છેવટે છાપરે ચડીને પોકારે જ છે. ન્યાયના મંદિરમાં એ છોકરએ તેને બચાવી લીધી, અસત્ય બોલીને અપરાધ માથા પર લઈ લીધો. શા કારણે ? કારણ કે તે તેને બચાવવા માગતી હતી. તારી નાદાનિયત સામે ઢાલ બની ગઈ હતી. તે તારું જીવન વેરણછેરણ થાય એમ નહોતી ઇચ્છતી. વત્સલનું દુઃખ તેણે વિસારે પાડ્યું હતું અને નાની બહેનને બચાવી હતી. હકીકતમાં તો વત્સલને અધમતાનો માર્ગ બતાવનાર, તેનું પતન કરાવનારી તો તું જ હતી હા, તું જ. તારાં અપકૃત્યોનો પાર આવે તેમ નથી.

તેમ છતાં પણ તે તને મળવા ઇચ્છતી હતી. એ લાગણીનો પ્રત્યુત્તર આપવામાં તો તું નિષ્ફલગઈ. તું જાણીબૂજીને તેને ભૂલી ગઈ, તેના બલિદાનને ભૂલી ગઈ.

આ તો પલ્લવીએ જાગૃત ન કરી હોત તો, તું ક્યાં હોત ? વિશ્વા... તે તને શા માટે મળે ? તારો પડછાયો પણ શા માટે લે ? ખરે ખર તો તેણે તને ધક્કા મારીને હાંકી કાઢવી જોઈએ. ખરેખર તો તે હજુ પણ ઉદાર જ હતી...’

તેના મનોમંથનની આ નીપજ હતી. આજે સવારે જ તે અક્ષય સાથે આશ્રમના આંગણામાં જઈને બેઠી હતી. ગાઢ શાંતિ હતી. કૂંણા ઘાસ પર તડકો પથરાતો હતો. વૃક્ષોમાં ભીનાશ હતી. મનુષ્યો તો હતા જ પણ સૌ પર વાતાવરણની અશર હતી. કોઈ કોઈને ખલેલ પહોંચાડતા નહોતા. સ્મિત અને મૌનના ભાવ પ્રદર્શન થતા હતા.

આવા વાતાવરણમાં મન સાથે વાતચીત કરવાની અપાર સુવિધા મળી રહેતી.

વિશ્વા એક વૃક્ષ નીચે બેસી ગઈ. અપૂર્વ અનુભવ થયો. એક વેળા તે અહીં આવી પણ હતી, પણ આ અનુભવ કાંઈક અલગ હતો. કોઈ કશું કહેતું નહોતું. શાબ્દિક ઉપદેશ માટે રજ માત્ર અવકાશ નહોતો. છતાં પણ વિશ્વાને લાગ્યું કે તે કશું મેળવતી હતી, ખાલી થતી હતી અને ભરાતી હતી.

પેહલી મુલાકાતે તેને સુજાતાને મળવા પ્રેરી હતી અને આ મુલાકાતે તેને સમજ પાડી હતી કે તેનાં દુષ્કૃત્યોથી ઉગરવા માટે એક જ ઉપાય હતો, તપ. હવે તેણે એવાં કૃત્યો કરવાનાં હતાં જે તેના અતીતને બાળીને ભસ્મ કરી દે.

તે તેના મનને સ્વચ્છ અને સ્વસ્થ કરીને ઘરે આવી. બસ, એ સમયે જ ચાવડાએ તેની ડોરબેલ પર આંગલી મૂકી. દ્વાર ખૂલ્યાં. અજાણી વ્યક્તિ જોઈને જરા વિસ્મયમાં પડી ગઈ.

સામે પડછંદ વ્યક્તિ ઊભી હતી. ચહેરા પર સૌમ્યતા હતી, પરંતુ એની પાછળ રહેલું પ્રચંડ વ્યક્તિત્વ છૂપું રહી શકતું નહોતું. પલ્લવીે વિગતથી વાતો કહી હતી, તે તરત જ બોલી ઊઠી : ‘આપ... ચાવડાસાહેબ જ ને ?’

ચાવડાએ પણ એક અલગ વિશ્વાને નિહાળી. તેમણે કલ્પેલી વિશ્વા એ નહોતી. જિંદગીમાં કદાચ પહેલી વાર જ તેમની કલ્પનાને ઠેસ વાગી.

આ તો સુજાતાની લગોલગ ઊભી રહે તેવી સૌમ્ય છોકરી હતી. તેમણે વિશ્વા વિશે થોડી વાતો સાંભળી હતી. એનો આ સામે ઊભેલી છોકરી સાથે મેળ પડતો નહોતો.

પશ્ચાત્તાપ અને સમજણે વિશ્વાને એક નવું રૂપ બક્ષ્યું હતું. સુજાતાએ આને શા માટે ધુત્કારી હશે ? આ તો વ્હાલ જન્મે એવી છોકરી હતી.

‘તેં મને ઓળખી જ કાઢ્યો...’ ચાવડા ચકિત થઈ ગયા હતા. તેને વિચાર આવ્યો કે આ છોકરીનો પણ આ નવો અવતાર હોઈ શકે, જેવો પોતાનો હતો. ક્યારેક ક્યારેક વાલિયામાંથી વાલ્મીકિ જન્મતા હોય છે. અથવા તક તો દરેકને હોય છે પરંતુ કોઈક જ... એ ઝડપી શકે છે.’ ે માટે પણ કોઈ હંસાનો સંગાથ તો મળવો જ જોઈએ.’ તે ગણગણ્યા.

‘આવો...આવો... પલ્લવીએ મને સ્હેજસાજ વાત કહી હતી.’ વિશ્વાએ તેમને આવકાર્યા.

તે શ્વેત સાડીમાં સજ્જ હતી. હજુ માલિનીની વિદાયને વધુ સમય પણ ક્યા થયો હતો ? આ વ્યક્તિ, જેલની મોટી પદવી ધરાવતી હતી. એ વિશ્વાને ખ્યાલ હતો. આ બન્ને પતિ-પત્ની સુજાતાની દીકરી જેવી જ સંભાળ લેતાં હતાં એ પલ્લવીએ જણાવ્યું હતું અને સાથોસાથ ઉમેર્યું હતું કે તેમ છતાં પણ તે વિશ્વાને યાદ કરતી હતી, ઝંખતી હતી. પોતાના રક્ત અને પરાયા રક્ત વચ્ચે કશો ફરક તો હશે જ ને !

વિશ્વાને ચાવડાના આગમનનો હેતુ સમજાતો હતો. સૌમ્ય ચહેરો મનનું પણ નિદર્શન કરતો હતો.

આસપાસનું અવલોકન કરતાં ચાવડા સૉફા પર ગોઠવાયા અને તરત જ વાત પર આવી ગયા : ‘વિશ્વા... તું આવી ખરી પણ અમને મળ્યા વિના જ ચાલી ગઈ ?’

તેમના શબ્દોમાં સરળતા હતી, નિખાલસતા હતી. કોઈ શાબ્દિક રમત નહોતી.

વિશ્વએ એક પળ ઊંડા ઊતરીને વ્યક્તિને ચકાસી લીધી કે આ ખરેખર દેખાય છે એ જ હશે ને ! કેદાર પણ સરસ દેખાવ ધરાવતા હતા, વાચાળ હતા પણ ભીતરમાં રૂપ કેવું હતું. હા... બસ એમ જ ચાલી આવ. વળી એવો પરિચય પણ ક્યાં હતો ?’ તેણે સાવધ રહીને ઉત્તર વાળ્યો.

‘સુજાતાનું મન હજુ આળું છે. તેને તારી રીસ ચડાવાવનો અધિકાર પણ છે, પણ અમે તો તારા પરિચિત પણ નથી. મને થયું કે આજે તારો પરિચય કરી જ લઉં. ખરે જ હવે આનો ઉપાય કરવો જ પડે.

ચાવડાને આશા બંધાણી હતી કે વિશ્વા સુજાતાના મની ગૂંચો ઉકેલવામાં જરૂર મદદરૂપ બનશે. તેમને વિશ્વા સહેજ અવઢવમાં પડેલી લાગી અને એમ જ હોય. તેમને થયું આટલી મુલાકાતે કેટલી નિકટતા આણી હશે ?

‘બસ મનમાં એક વિચાર આવ્યો અને ચાલી આવ્યો. તારી ઇચ્છા કે અનુકૂળતા પણ મેં જાણી નથી. તને કેવું લાગશે એનો વિચાર કરવા પણ રોકાયો નથી.’

ચાવડાએ લાંબી પ્રસ્તાવના કરી. અજાણી છોકરીમાં વિશ્વાસ જગાવવો જરૂરી હતો.

‘આપ આવ્યા એ મને ગમ્યું. કાંઈ દીકરીના ઘરે આવવામાં ઔપચારિકતા નિભાવવાની હોય ?’

વિશ્વા પણ એક ડગ આગળ વધી.

‘ચાલો... સુજાતા તો મળી હતી. અને હવે તું મળી. મારો આંટો ફળ્યો. એમ બંને સાવ એકલા જ છીએ. આૌ ઢળતી ઉંમરે ભગવાને દયા કરી. સુજાતા અને તારા જેવી દીકરીઓ આપી.’ ચાવડા સાવ સહજભાવે બોલી ગયા. તે ખુશ થયા હોય એવું તેમનો ચહેરો કહેતો હતો.

વિશ્વાની આંખ ભની થઈ. તેને આ જૈફ વ્યક્તિ ગમી ગઈ. રુક્ષ લાગતી, પહેલી નજરે ડરાવતી, વ્યક્તિ ખરેખર તો સાસ હતી. સુજાતા ખરેખર ભાગ્યશાળી હતી કે તેને કારાવાસ જેવી કઠોર જગ્યામાં પણ આવી સરસ વ્યક્તિ સાંપડી હતી.

‘શું કરે છે સુજાતા ?’ અને નાનકડી ગાર્ગી...?’ વિશ્વા નાની બાળકીની માફક પૂછવા લાગી. સુજાતા પ્રતિ કશી કટુતા ક્યાંય દેખાતી નહોતી. ચાવડાની ખુશીનો પાર ન રહ્યો. બીજી મુલાકાતમાં નિકટતા ગાઢ બની. વિશ્વાએ કેટલાંક પૃષ્ઠો ખુલ્લાં કર્યાં તેના અતીતના.

ચાવડાએ પણ પોતાની વ્યથા ઊખેળી હતી.

‘વિશ્વા... તારી સ્થિતિ તો સારી ગણાય. હું તો ખૂબ મોડો જાગ્યો હતો. અએને એય... સંજોગોવશાત્‌... બાકી પત્ની તો થાકી ગઈ હતી તારા સ્વભાવથી, મારી જિંદગીથી, મારી કઠોરતાથી... પણ વિશ્વા... હું બચી ગયો. ઘણું ઘણું ગુમાવ્યું પછી થોડું પામી શક્યો. નહીં તો તું કે સુજાતા ન મળ્યાં હોત.’

હવે તે બન્ને વચ્ચે આત્મીયતા સ્થપાઈ હતી.

‘સુજાતા... તમને શું સંબોધન કરે છે ? હવે હું પણ તમને બાપુ જ કહીશ.’

વિશ્વાની અસ્તવ્યસ્ત જિંદગીમાં ઉજાસ ફેલાયો હતો. તે આશ્રમમાં નિયમિત જતી હતી. તે બધી વાતોથી અક્ષયને અવગત કરતી હતી. અક્ષયને સંતોષ હતો કે વિશ્વા પ્રસન્ન રહેતી હતી. માલિની વિના જિંદગી જીવવાનો આ પ્રયાસ હતો. માલિનીની યાદો પણ આવતી હતી.

‘આવવું છે સુજાતા પાસે. તે તારા મમ્મીના મૃત્યુના સમાચાર જાણશે તો તરત જ તેની રીસ ભૂલી જશે.’

ચાવડાએ પ્રસ્તાવ મૂક્યો હતો પણ તેણે ના પાડી હતી.

‘ના... બાપુ... મારે હજુ પરિતાપ કરવો પડશે..’

‘એવું શું છે, વિશ્વા ? બધું ભૂલી જા...’

‘ના...નહિ ભૂલી શકું. મેં તેનો મહાન અપરાધ કર્યો છે. વિશ્વા ઉદાસ થઈ ગઈ.

‘બેટા...મારે આવી વાત ઉખેળવાની જરૂર નહોતી.’

‘ના... બાપુ... મારે તમને આજે બધી જ વાતો કહી દેવી છે... મારે ખાલી થઈ જવું છે. તમે કહો એ સજા પણ ભોગવવી છે. સુજાતા... મને ધુત્કારે છે એ પૂરતું નથી. મારાં પાપ તો એથી પણ વિશેષ છે...’

તે એક શ્વાસે બોલી ગઈ.

એ સાંજે વિશ્વાએ પોતાની આખી કથા કશું જ ગોપિત રાખ્યા વિના ચાવડાને કહી સંભળાવી. ચાવડા અનુભવી હતા તો પણ એ આઘાતો અનુભવવા લાગ્યા. સત્ય કેટલું કટું હતું, કેવું ભયંકર હતું. તો પછી વત્સલની હત્યા આ સામે બેઠેલી કોમળ છોકરીએ કરી હતી ? તેણે જ વત્સલને અમુક માર્ગે જવા પ્રેર્યો હતો ? સુજાતાને પાયમાલ કરનાર... આ વિશ્વા ? ચાવડા સ્તબ્ધ બની ગયા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. સુજાતા આ બાબતે એક હરફ પણ બોલી નહોતી.

તેને દુઃખ થાય જ. કારણ કે જેને બચાવવા માટે તેણે આટલું સહ્યું હતું અને કારાવાસમાં નવજાત બાળકી સાથે, ન કરેલા અપરાધની સજા બોગવી રહી હતી.

સહનશીલતાનો એક છેડો હતો આ તો.

ચાવડા ઊંડા વિચારમાં પડી ગયા હતા અને વિશ્વા રડતી હતી. વાતાવરણમાં ગાઢી ઉદાસી ભાસતી હતી.

થોડી ક્ષણો એમ જડવત્‌ અવસ્થામાં વીતી. અંતે ચાવડાએ મૌન તોડ્યું, ‘વિશ્વા... તું જાગી એ મને ગમ્યું. તારી કાચી સમજ, કુતૂહલ અએને પ્રેમનો અભાવ. હવે જે બચ્યું છે એ પર ધ્યાન આપીએ. મને શ્રદ્ધા છે કે કશું સારું નીપજશે આ ખંડેરમાંથી. તને ખબર છે, આ ગાર્ગી ખૂબ ભાગ્યશાળી છે.’

વિશ્વા ચાવડા પ્રતિ તાકી રહી-શ્રદ્ધાપૂર્વક.

*

૨૬

પરોલની અવધિ પૂરી થતાં જ એક સવારે સુજાતા તેની પૂર્વ પરિચિત તેર નંબરની ખોલીમાં આવી ગઈ. આ વખતે તે એકલી નહોતી પણ એક નવી મહેમાન તેની સાથે હતી. હંસા તથા ચાવડાસાહેબ સાથે જ હતા. હંસાએ મક્કમ બનીને તેનાં આંસુ ખાળી રાખ્યાં હતાં.

‘અરે, આ ફૂલ અહીં ઉછરશે ?’ હંસાથ એક નિઃશ્વાસ નખાઈ ગયો. સુજાતા સાવ સ્વસ્થ હતી.

‘ચાલ બેટા, આપણું ઘર આવી ગયું.’ તેણે ગાર્ગી સામું જોઈને હસી લીધું. ગાર્ગી પણ આસપાસ નજર માંડીને જોઈ રહી.

હંસા ત્યાં વધુ સમય ન રહી શકી.

‘માડી, અમારી ચિંતા ન કરતા.’ તેણે હંસાને ધરપત પણ આપી. દુઃખ સહી લેવાની તાકાત ક્યારેક આપોઆપ આવી જતી હોય છે.

આગલી રાતે તે જાગતી હતી. પેરોલની છેલ્લી રાત હતી. હંસાની ગમગીની તે જાણતી હતી.

‘માડી... મને તો મારી ખોલીની પણ માયા લાગી ગઈ છે. બાકીની અવધિ માટે એ જ મારું ઘર છે. મન અને તન બન્ને મજબૂત થઈ ગયાં છે.’

તેણે હંસાને હિંમત આપી હતી.

‘હા... બીજો રસ્તો ય ક્યાં છે ?’ હંસા ગણગણી હતી.

‘ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધાં વર્ષોને પાખો આવે. અથવા કાંઈક એવું બને કે તારી સજાની પાંખો કપાઈ જાય.’

‘માડી, આ જનમટીપ મળી ત્યારે મને એટલું દુઃખ નહોતું થયું. અચાનક જ મને ભાન થયું મારી ભૂલનું. ક્યાં મેં થાપ ખાધી હતી એનું આ ગાર્ગી જન્મી ત્યારે જ મારું મન એ આંટીમાં પડ્યું હતું. પ્રસવવેદના કરતાંય મોટું દુઃખ થયું હતું, પણ પછી મન વાળી લીધું, આ સજા ભોગવી લઈશ. હસતાં હસતાં ભોગવી લઈશ; મારા પૂર્વજન્મના કોઈ પાપની સજા રૂપે તમ સરખાનું વાત્સલ્ય મને સહાય કરશે. જાનકી છે, ગુણવંતકાકા છે. અરે, અનેક લોકો છે. મારે ક્યાં કોઈ કમીના છે ? આ ગાર્ગી ખાતર પણ જિંદગી જીવી લઈશ. સજા ભોગવી લઈશ. યોગ્ય સમયે તમ સરખા કોઈને તે સોંપી દઈશ. જેથી તેના પર મારો, મારી જિંદગીનો પડછાયો પણ ન પડે.’

સુજાતા સાવ સરળ ભાવે બોલી હતી, જેમાં તેણે તેની આખી જિંદગીનો નકશો રજૂ કર્યો હતો. અલબત્ત હંસાની સમજમાં બધી વીતો નહોતી આવી.

બીજા ખંડમાં ચાવડા સૂતા હતા. તે આખી વાત સમજી ચૂક્યા હતા. પ્રેમ ધિક્કારમાં બદલાઈ ચૂક્યો હતો.

જ્યાં નિર્મળ સ્નેહની સરવાણી વહેતી હતી ત્યાં હવે લાવારસ ધગધગતો હતો.

સુજાતા પર શું વીતતું હશે એની જાણ ચાવડાને હતી. પ્રથમ વત્સલે અને પછી વિશ્વાએ તેને ભાંગી નાખી હતી. તેના હૃદયમાં આ બન્ને માટે ઘૃણા સિવાય બીજું શું હોઈ શકે ?

બીજી તરફ વિશ્વા પશ્ચાત્તાપ અનુભવતી હતી. તેનાં કુકર્મોની સજા ભોગવવા તૈયાર હતી. અરે, તેણે તો વિશ્વાને સ્થાને કારાવાસ ભોગવવાની તત્પરતા પણ બતાવી હતી. અનુભવી ચાવડાસાહેબે તેને શાંત રહેવાનું સૂચવ્યું હતું. રણ વિસ્તારવાથી કશું પ્રાપ્ત થવાનું નહોતું. શક્ય હોય તો કૂંપળ વાવવાની હતી.

નિવૃત્તિની ઘડીઓ ગણાતી હતી. કાર્યાલયમાં જેલના પટાંગણમાં અજબ થનગનાટ વ્યાપી ગયો હતો. ઉત્સવના શણગાર થઈ ગયા હતા.

જેલના કેદીઓ, રક્ષકો ચાવડાની વિદાયના સમાચારથી ઉદાસ હતા.

જૂના, રીઢા કેદીઓ કહેતા હતા કે આવા માનવતા ધરાવતા અમલદાર તેમણે જોયા જ નહોતા. આ સ્થળે તો કટોરતા જ હોય, જેલની કાળમીંઢ દીવાલો જેવી જ.

‘આ તો દેવ જેવા હતા. આ જગ્યાને મંદિર બનાવી નાખી.’ એક કેદી નિશ્વાસ નાખી રહી હતી.

ખોલીમાં સુજાતાની સાથે તેની જ ઉંમરની એક રૂપાળી છોકરી હતી. હમણાં જ આવી હતી. તેના દિયરની હત્યા કરીને. નામ તબ્બુ હતું. ખાવિંદ પણ કોઈ ગુના માટે જેલની સજા ભોગવી રહ્યો હતો. નાના પુત્રને ખુદાના ભરોસે મૂકીને જેલમાં આવી હતી.

તબ્બુને આ કથા તો પછી જાણવા મળી પરંતુ પહેલાં તો ઉષ્માભર્યો આવકાર મળ્યો.

‘આવ... બચ્ચી, આવ દીદી, ચાર દિવસથી રાહ જોઉં છું તમારી’ તે સરસ મઝાનું હસી હતી.

તેણે નાનકડી ગાર્ગીને તેડી લીધી હતી અને ગાર્ગી પણ આ નવી સ્ત્રી સામે હસી રહી હતી.

એ નાનકડી ખોલી સજીવ બની ગઈ હતી. સુજાતાએ આખી ખોલીનું અવલોનક કરી નાખ્યું. જૂનો સંબંધ તાજો કર્યો તેને ભલીનો ભણકારો થયો.

એ ભલીએ જ તેને સંભાળી હતી. સાચવી હતી. એ તેની પહેલી સંબંધી હતી આ નવી દુનિયામાં.

‘બેન... તું ચિંતા ન કરતી. તારી કાયા હજી આળી છે. તને અને તારી બેટીને બેયને સંભાળી લઈશ. એક સુવાવડ અને બજી કસુવાવડ બેય અનુભવી લીધી છે.’

તબ્બુ સરસ લાગતી હતી અને એવું જ સરસ બોલતી હતી. હા, તેની જબાન પર અપશબ્દો સાવ સહજ રીતે આવી જતા હતા. તેની એક આગવી રીત હતી અણગમો વ્યક્ત કરવાની. ખૂબ નવાઈ લાગી હતી. સુજાતા ને આટલી નફ્ફટ, અસંસ્કૃત સ્ત્રી ! તેની સાથે કેવી રીતે રહી શકાશે ? અને શું ગાર્ગી આ સ્ત્રીના સાંનિધ્યમાં ઉછરશે ? કેવા સંસ્કાર પડશે ? તે પણ આવા અપશબ્દો બોલતાં નહિ શીખી જાય ?

સુજાતા ફફડી ઊઠી અને હવે તો ચાવડાસાહેબ પણ નિવૃત્ત થઈ રહ્યા હતા. પહેલી રાત સુજાતાએ ફડફડાટમાં પસાર કરી. ગાર્ગી શાંત પડી રહી પણ સુજાતા જાગતી રહી. પાસે જ તબ્બુ નચિંત બનીને સૂતી હતી.

ગાર્ગી રાતમાં સહેજ હલબલી અને તબ્બુ તરત જ આંખ ચોળતી જાગી ગઈ.

‘શું થયું બેટીને ? તકલીફ તો નથીને ? તું જાગે છે હજુ ? જરા નવું લાગે ને, પછી નીંદર ન આવે. લે તું જંપી જા. હું જાગુ છું.’

તબ્બુ તરત જ મા બનવા તત્પર થઈ ગઈ.

‘ના તબ્બુ... હું જાગું છું. ઊંઘ આવે તેમ લાગતું નથી.’

સુજાતા એટલો વિશ્વાસ મૂકવા તૈયાર નહોતી.

‘તને મારો ભરોસો નથી પડતો કે શું ?’ તબ્બુ બોલી અને સુજાતાના સંકોચનો પાર ન રહ્યો.

‘ના... રે બહેન... એવું નથી. તુંય માણસ અને હુંય માણસ. તારો ભરોસો નહિ કરું તો કોનો કરીશ ? આ ખોલી સાથે તો મારી ઓળખાણ જૂની છે. લાગે છે કે આજે આંખ મળવી મુશ્કેલ.’

‘તું સા’બના ઘરમાં હતી ને ? પછી ક્યાંથી અહીં ફાવે ? એક વાર આદત પડી જાય પછી મુશ્કેલ પડે ! તબ્બુ આળસ મરડતાં બોલી સુજાતાએ તબ્બુ સામે આશંકાથી જોયું. ના, એ આંખમાં નરી સરળતા હતી. કટાક્ષ કે કટુતાનો છાંટો પણ નહોતા.

‘સુજાતા... મનેય મારું ઘર સાંભરે છે. મારો અમીર સાંભરે છે. તે મારા વિના રહેતોય નથી. પાંચ વર્ષનો છે પણ મને જોયા વિના ન ચાલે. પસ્તાવોય થયો પણ ખૂન કરી બેઠી. જોકે બીજો રસ્તોય નો’તો. રોયો મારા પર નજર બગાડી બેઠો. મારો ખાવંદ કાંઈ થોડો અવલ મંઝિલે ગયો હતો; બે વર્ષ, ત્રણ વર્ષે આવવાનો હતો જેલમાંથી છૂટીને અને મનેય કાળ ચડ્યો ને દાતરડાથી વાઢી નાખ્યો !

તબ્બુએ મધરાતના આછા અજવાસમાં તેના જીવનનું એક પૃષ્ઠ સાવ સરળતાથી ખુલ્લું કરી નાખ્યું. એક સ્ત્રીને બીજી સ્ત્રી સમક્ષ ખાલી થતાં વાર શી ?

‘મેં તેને બહુ સમજાવ્યો’તો, પણ તેની નજરમાં મારી કાયા વસી હતી. આમ તો કાંઈ ખરાબ નો’તો. સરસ વાતો કરતો હતો. રોજની કમાણી મારા હાથમાં મૂકતો હતો પણ એ ટેમ જ એવો પાક્યો કે તેય ભાન ભૂલ્યો અને હુંય...’

તબ્બુ આટલું બોલતાં બોલતાં જાણે હાંફી ગઈ.

‘બધો દોષ આ કાયાનો બીજું શું ? મને વિચાર આવે છે કે મને આટલી રૂપાળી ન બનાવી હોત તો ખુદાએ તો સારું હતું. મારો અમીર અનાથ ન બનત.’

એ છોકરીની આંખ ભીની હતી.

સુજાતાએ બીજી રીતે વિચાર્યું : ‘આ દુનિયામાં માત્ર બે જ પક્ષ છે. એક પીડા આપનાર અને બીજો એ ભોગવનાર. ઈશ્વર કે ખુદા જે હોય તે પણ આ પ્રક્રિયા રોકી શકતો નથી.’

‘બહેન... આ જગ્યા પણ ખરાબ નથી. કદાચ બહારની દુનિયા કરતાં સારી હશે. પછી કાંઈ તારા અમીરના સમાચાર મળ્યા ?’ તે પ્રગટપણે આટલું બોલી.

‘પાડોશી સારા છે. અમીરને સાચવે તેવા છે. જેલની સજા પૂરી કરીને બહાર જઈશ ત્યારે તો તે મોટો મરદ બની ગયો હશે. મને ઓળખી તો જશે જ.’

ઘણી લાગણીઓ વહેતી હતી, સપાટી પર, શબ્દોમાં વ્યક્ત થતી હતી. કેટલીક ચહેરા પર હતી. કેટલીક ભીની આંકમાં ડોકિયા કરી રહી હતી.

આ છોકરી તો વિશ્વા કરતાં સત્તર ગણી સારી છે. ભલે થોડી અસંસ્કારી હશે, અપશબ્દો બોલતી હશે, પણ તે સંવેદનાથી તો છલોછલ ભરી છે !

‘તબ્બુ... ટાઈમ જતાં વાર નહિ લાગે. વળી આપમે બંને સાથે જ છીએ. સિવાય કે કોઈક કારણસર છૂટા પડવું પડે. અહીં સાથોસાથ જીવી લઈશું. એમ તો કોઈ તારા અમીરને લાવે તો મળી પણ શકે. વળી જો આપણે સારી રીતે વર્તીએ તો માથાકૂટ થાય પણ નહિ. આ માત્ર સ્ત્રીઓની જેલ છે ! સુજાતા થોડી ખૂલી. તેને તબ્બુ સાથે વાતો કરવાનું ગમ્યું.

‘અરે... તું જામતી નથી આ ઔરતોને તે બધા મરદોથી પણ નપાવટ હોય છે. મેં આટલા દિ’માં નખરા જોયા છે.’ એમ કહીને તબ્બુ બેત્રમ ગાળ બોલી ગઈ સહજ રીતે.

સુજાતાને નવાઈ ન લાગી પણ સંકોચ તો તયો જ. તેણે કોઈક બહાનું કાઢ્યું ને ગાર્ગી સાથે એક ખૂણામાં બેસી ગઈ. ‘ધવાડી લે સાંતિથી. હમણાં નાસ્તાનો ઘંટ વાગશે. લે સા’બના ઘરવાળાય આવે છે !’

હંસાબા આવ્યાં અને મીઠું મલકતી તબ્બુ એક બાજુ સરકી ગઈ.

‘માડી... ગાર્ગી અને હું બેય રાહ જોતાં હતાં. તમારી ! સુજાતાનો ચહેરો ચમકી ગયો. હવે આ સંગાથ પણ પૂરો થવાનો હતો. બંનેની વાતચીતોમાં આ ભાવનો પ્રભાવ રહ્યો.

‘મકાનનું પાકુ થઈ ગયું સુજાતા !’ હંસાએ સમાચાર આપ્યા.

‘જોકે દશેક દિવસ તો અહીંયાં છીએ જ. શર્માજીનો સામાન આવતાં થોડો સમય લાગશે. બાકી જવાબદારી તો હવે પૂરી જ ! હંસાના શબ્દોમાં વ્યથા, પાઠ, પીડા, આનંદ પણ બધું જ હતું.

‘તને એક વાર તો મળી જ શખીશ અથવા તારા ખબર પૂછી શકાશે. શર્માજી પણ તારા બાપુને ઓળખે છે !

‘શું કરે છે ગાર્ગી ? રાતે જગાડે છે ? અને... આ મચ્છરના ડંખ...!’

હંસાનું વાક્ય અધૂરું રહ્યું. આ તો જેલ હતી.

મૌન છવાઈ ગયું થોડી ક્ષણ માટે.

‘માડી... હોય એ તો. ગાર્ગી પણ ટેવાઈ જશે.’ સુજાતા મન મક્કમ કરીને બોલી.

‘સહેજ મોટી થાય એટલે લઈ જ જવી છે સાથે.’ હંસાએ તેની ઇચ્છાને યાદ કરી. ‘હજુ તો તેને તારા વગર ન ચાલે.’

‘હા...માડી.. મારે હવે ઝઝો મોહ નથી રાખવો. આ તમને સોંપી. મને પછી બહુ વસમું નહિ લાગે. તે મને ભૂલી જશે તો પણ મને કશું નહિ થાય. મને તો એમ પણ થાય છે કે તે મને ન ઓળખે એ જ સારું. મારો પડછાયો તેના પર ન પડે એ જ સારું !

‘તું જે પળે કહીશ એ પળે હું ગાર્ગીને લઈ જઈશ. તેને આવડે એવાં દતન કરીને ઉછેરીશ. મારા જીવની જેમ જાળવીશ તારી થાપણને.’

હંસા લાગણીઓથી ભીંજાઈ ગઈ. તેની પ્રૌઢ કાયામાં આનંદનો સંચાર થયો.

ચાવડાનું મન બીજી દિશામાં ખૂંપી ગયું હતું. તેમને થતું હતું : ‘સુજાતા અને વિશ્વાને નજીક આણવા શું કરવું ? સુજાતા તો મુખ ફેરવીને બેઠી છે અને વિશ્વા પરિતાપ ભોગવી રહી છે. તેના અત્યંત અધમ કૃત્યો, અરે, તે તો વત્સલની હત્યા પણ કરી બેઠી હતી.

કાચી ઉંમરની બંને છોકરીઓ પ્રત્યે તેમને સહાનુભૂતિ થતી હતી. વિશ્વાનો દોષ તો હતો જ. મોટો દોષ હતો, પણ સૌથી મોટો દોષ તેના ઉછેરનો હતો. સુજાતા બચી શકી હતી પરંતુ વિશ્વા તો એ કળણમાં પૂરેપૂરી ફસાી હતી. તેણે વત્સલને પણ લપસાવ્યો હતો. કોઈ પણ સ્તરે, આ ખતરનાક રમત અટકી શકી હોત પણ એમ બન્યું નહોતું. કોઈ પણ વ્યક્તિ એ વહેણને ખાળવા સમર્થ બની શકી નહોતી.

ચાવડાને નિશીથ પર માન ઊપજતું હતું અને કેદાર પર ભારોભાર ઘૃણા જન્મતી હતી.

આવી સ્થિતિમાં પણ નિશીથે સંજોગોનો ગેરલાભ લીધો ન હતો. તે નિમ્ન કક્ષાએ ઊતરી ગયો હતો છતાં પણ અધમતા આચરવા સુધી પહોંચી ગયો નહોતો.

વિશ્વાને તે પતનના માર્ગે જરૂર દોરી શક્યો હોત; ખુદ વિશ્વા જ ઈનકાર ન કરી શકત, પણ તે અચળ રહ્યો હતો. તેણએ ખુદ વિવેક જાળવ્યો હતો. વિશ્વા પાસે પળાવ્યો હતો. ચાવડા આ નિવૃત્તિની ક્ષણે આ વ્યથામાં ઓતપ્રોત થઈ ગયા. હંસા તો માનતી હતી કે ચાવડાને આ બધું છોડવાનું હતું એની વેદના હતી.

પણ એ વેદના તો ગૌણ બની ગઈ હતી. જ્યારે વિશ્વા સાચા રસ્તા પર હતી ત્યારે ચાવડાને આશાવાદી બનવા માટેનું કારણ હતું કારમ કે તેમને ખ્યાલ હતો કે સુજાતા અને વિશ્વા સામે આખી જિંદગી પડી હતી અને દેખીતી રીતે તેઓને પરસ્પર સથવારાની જરૂર હતી. સુજાતા આ બધો જ સમય વિશ્વા પ્રતિના આકરા ધિક્કાર સાથે જીવી ન શકે કારણ કે તે કારાવાસમાં હતી, એકાકી હતી, અને હજુ લાંબી અવધિ આ અવસ્થામાં પસાર કરવાની હતી.

સુજાતા કદાચ જીવી ન શકે, અથવા જીવી શકે તો મરવાના વાંકે જ જીવી શકે.

ચાવડાએ ખૂબ મંથન કર્યું હતું, કરતા હતા. તેમનો અજંપો ચરમસીમા પર હતો.

તે બન્ને નવા મકાનની મુલાકાતે અનેક વાર જઈ આવ્યા હતા. દરરોજ જતા પણ હતા.

‘ચાવડા... આ મકાનમાં આપમે બંને એકલા હોવાના નથી. ગાર્ગી પણ આવવાની છે. સુજાતા તો તૈયાર થઈને બેઠી છે. થોડી મોટી થાય અને લઈ આવવી છે. સુજાતા નથી ઇચ્છતી કે તેનો આવા વાતાવરણમાં ઉછેરલ થાય. તે દરરોજ આ વાત રટ્યા કરે છે. પછી આપણી પ્રવૃત્તિઓ વધી જશે. મને તો આવડશે પણ નહિ તેને તેડતાં, ઉછેરતાં... એ તો શીખી લઈશ.. ગાર્ગી જ મને શીખવશે, એક મા બનતાં.’ હંસાના ઉત્સાહનો પાર નહોતો. તે પતિના મનોવ્યાપારો ક્યાં જાણતી હતી ?

ચાવડા તો ત્યારે વિશ્વા સાથે શાંતિ આશ્રમમાં પહોંચી ગયા હતા. તેમનું મન વિશ્વામાં હતું. કશું નક્કી કરીને બેઠા હતા. તેમને આશ્રમનું વાતાવરણ ગમી ગયું હતું.

સવારની અસ્ખલિત શાંતિમાં સમય પસાર થતો હતો, પણ બંનેમાંથી કોઈને મૌન તોડવાની ઇચ્છા થતી નહોતી. અક્ષય ધ્યાનકક્ષમાં ગયો હતો.

ચાવડા અને વિશ્વા-બન્ને એક વૃક્ષ નીચે રેશમી ઘાસ પર બેઠાં હતાં. માનવીય અવરજવર તો હતી જ પરંતુ શાંતિની છાયા ડખોળાતી નહોતી. કવચિત્‌ સંવાદો થતા તો સાવ મંદ સ્વરમાં. ચાવડા મંત્રમુગ્ધ બની ગયા. આ સ્થળનો તેમનો પરિચય કેમ ન થયો એનું આશ્ચર્ય થયું.

‘વિશ્વા... આ વૃક્ષો આપણી સંસ્કૃતિ છે. શૈશવ આ વૃક્ષો વચ્ચે જ ગયું છે, પણ પછી એ સાથે લગભગ મુકાઈ ગયો.’ અંતે તેમણે મૌન તોડ્યું.

તેમને તેમનું વતન યાદ આવતું હતું. તેમને આશ્ચર્ય થતું હતું કે તેમને આ વાત કેમ યાદ આવતી હતી, આ નિવૃત્તિની વેળાએ ? તેમની ભીતર કશુંક ખળભળતું હતું. વાલ્મીકિનો જન્મ પણ આ વન અરણ્યમાં જ થયો હતો. બુદ્ધનો જન્મ પણ એક વૃક્ષ નીચે થયો એક ગૌતમમાંથી.

શી શક્તિ હતી પ્રકૃતિની ? આ નાનકડી છોકરીને જોઈ કોઈ કહી શકે કે તે થોડા સમય પહેલાં એક હત્યા કરી ચૂકી હતી ? અને પોતે પણ હત્યાયારા જ હતા ને ? ખેંગારના ?

વિશ્વા અને પોતાની વચ્ચે ખરેખર કશો તફાવત નહોતો. પણ બંને મુક્ત હતાં. કેટલી મોટી વિચિત્રતા હતી ? તેમને લાગ્યું કે તે વિશ્વાને કશું કહેવાનો અધિકાર ખોઈ બેઠા હતા.

‘બાપુ... શું કરે છે સુજાતા ?’ તે કાયમ પૂછતી એમ પૂછી બેઠી.

‘બસ... હવે તો તે તેની તેર નંબરની ખોલીમાં જતી રહી સજા ભોગવવા. હવે તેની ચિંતા માત્ર ગાર્ગી જ છે. તે નથી ઈચ્છતી કે તેની સાથે ગાર્ગી પણ સજા ભોગવે. એ વાતાવરણમાં ઉછરે, મોટી થાય.’

‘બાપુ... આ બધાં મારાં પાપ છે. છેક ગાર્ગીને પણ નડ્યાં.’ વિશ્વાની આંખ ભીની થઈ.

‘પાપ નહિ વિશ્વા, ભૂલ. આવી ભૂલ કોણ નથી કરતું આ દુનિયામાં.’

ચાવડાના સ્વરમાં ધ્રુજારી હતી.

‘છતાં પણ મારાં જેવાં પાપ કોઈએ નહિ કર્યાં હોય, બાપુ મોટીબેન જેવી દેવી તો મૌન રહીને સજા ભોગવે છે પણ નાનકડી ફૂલ જેવી... ગાર્ગી પણ..’ વિશ્વા ગળગળી બની ગઈ.

‘બાપુ...ક્યારેક તો થાય છે કે મરે જીવન જીવવાનો જ અધિકાર નથી. મને મારાં રૂપની વેદના થાય છે. એ રૂપે જ મને દિશાહીન બનાવી, દૃષ્ટિહીન બનાવી. આ કાયાની વળગણ મટે શું શું કર્યું, શું શું ન કર્યું. વિવેક ચૂકી. સંસ્કાર ચૂકી. અલબત્ત સંસ્કારમાં તો શું મળ્યું હતું ? ઘૃણા કરવાનું શીખી હતી, ગર્વ કરવાનું શીખી હતી. બાપુ... આ જન્મ જ ખોટો થયો હતો. પિતા ભલા હતા પણ કશો પરિચય થાય એ પહેલાં જ મૃત્યુ પામ્યા. માતા પણ મર્યાદાથી પર નહોતી. તે પણ અનેક પૂર્વગ્રહોથી પીડાતી હતી. એક અક્ષય અણીશુદ્ધ રહ્યો. તે ખરેખર ખૂબ ઊંચો જીવ. કાદવ વચ્ચે પંકજ બનીને રહ્યો. અને મોટીબેન તો ખરેખર કમનસીબ. માએ શીખવ્યું તેની ઘૃણા કરતાં, તેને દુશ્મન ગણતાં, તેનું બૂરું કરતાં, કૂમળા મન પર આવા આકાર ચિતરાઈ ગયા. અએને આ એની ફલશ્રુતિ. આ કડવી વાસ્તવિકતા...’

ચાવડાએ તેને સાંભળ્યા કરી, ક્યારેય ન રોકી. આ પરિતાપ હતો. કશું ખાલી થતું હતું. તેમને ખુદને આવી અનુભૂતિ થતી હતી. એ ખેંગારનો ચહેરો હજુ પણ રાતોની રાતો વેરણ કરતો હતો. વત્સલ તો તેણે જોયો પણ નહોતો. એટલી ખબર હતી કે તે તથા સુજાતા સરસ જિંદગી જીવતાં હતાં. પલ્લુએ તેના પત્રમાં લખ્યું હતું. તે છેક પરદેશમાં રહ્યે રહ્યે ચિંતિત હતી આ અનાથ મા-દીરી માટે.

હંસાબા પર વિગતવાર પત્ર આવ્યો હતો. તેને જેટલી ખબર હતી એ વાત તેણે લખી હતી. એ પત્ર માત્ર ચાવડાએ જ વાંચ્યો હતો. અનેક વાર વાંચ્યો હતો.

પલ્લવીએ અનેક વાતો લખી હતી. વિશ્વાએ કહેલી વાતો ઉપરાંતની વાતો એમાં હતી. પલ્લવીને વિશ્વાના વર્તન વિશે શંકા જન્મી હતી. ક્યારેક તેણે સખીને સંકેતો પણ આપ્યા હતા, પણ સુજાતાને અટલ વિશ્વાસ હતો વત્સલ પર. વિશ્વા તો તેને મન નાની બાળકી જ હતી.

આટલું સરળ રહેવું શું યોગ્ય હતું ? પલ્લવી ફરિયાદ કરતી હતી. તેણે તેના આરંભ થયેલાં લગ્નજીવનની વાતોનો ઉલ્લેખ કર્યો હતો। પરદેશ વિશે પણ લખ્યું હતું. નાનકડી ગાર્ગી વિશે તો ખૂબ ખૂબ જાણવા ઇચ્છતી હતી. ‘સારું તયું કે આ પત્ર મારા સાથમાં આવ્યો.’ ચાવડા વિચારતા હતા. પૂર્વગ્રહો અને ધિક્કારના વિસ્તારથી કશું પ્રાપ્ત થવાનું નહોતું. પત્ની આ વાતોથી અજામ રહે એ જ શ્રેયસ્કર હતું.

વિદાય સમારંભની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. વાતાવરણમાં ઉત્સવનો માહોલ હતો. શર્માજી કાર્યરત થઈ ગયા હતા. આવતી કાલથી જ તેમણે કાર્યભાર સંભાળવાનો હતો. ચાવડાએ પ્રાપ્ત કરેલી કીર્તિથી તે અવગત હતા. નવી જવાબદારી ઉઠાવાવનો થનગનાટ હતો. આવતી કાલે મુખ્ય મહેમાનની ખુરશી પર એક પ્રધાનશ્રી બિરાજવાના હતા. એટલે તૈયારી પૂરજોશમાં હતી.

સાંજ ઢળતી હતી ત્યારે ચાવડા સુજાતા પાસે આવ્યા. આ છેલ્લી જ સાંજ હતી કદાચ, એક અમલદાર તરીકેની ણતરીના કલાકોમાં એક સંબંધ કાયમને માટે તૂટી જવાનો હતો. દુઃખ હતું અને સુખ પણ હતું. શાંતિ હતી અને થોડો થોડો અજંપો પણ હતો.

ચાવડા સુજાતા પાસે આવ્યા. ગાર્ગી જંપી હતી. તબ્બુ અને સુજાતા સૂનમૂન બેઠાં હતાં, ભીંતને અઢેલીને.

‘બાપુ...’ સુજાતા ઝબકી ગઈ. જાણે કે તે કદાચ તેમના વિશે જ વિચારી રહી હતી.

‘સુજાતા... બેટા... એક પ્રશ્નનો ઉત્તર આપ.’ તે બોલ્યા. સુજાતા વિસ્મયથી તેમને તાકી રહી.

‘બોલો... બાપુ...’

‘તને મારા પર કેટલો ભરોસો છે ?’

‘બાપુ... કેમ પૂછ્યું ? તમારા પર ઈશ્વર જેટલો ભરોસો છે.’ તે વિચાર કરીને બોલી. તેને સમજ પડતી નહોતી કે આ પ્રશ્ન શા માટે પુછાતો હતો.

‘બસ... બેટા, મારો ભાર હળવો થઈ ગયો. આ છેલ્લી રાહ હું શાંતિથી સૂઈ શકીશ.’

ચાવડા થોડી વાર બેસીને ચાલ્યા ગયા.

તબ્બુ આશ્ચર્યથી જોઈ રહી.

*

૨૭

સુજાતા જાગતી રહી. જોકે ગાર્ગીએ તેને ખાસ પજવી નહોતી, તે એ રાતે જંપી ન શકી.

વિદાય એ વિદાય જ હતી. ભલે થોડા દિવસો પછી તેઓ વિદાય લેવાના હતા, નવા સ્થાને પ્રયાણ કરવાના હતા, પરંતુ સાજાતા તો વિહ્‌વળ બની ગઈ હતી. તેને પોતાની જાતની ચિંતા નહોતી, તે તો આ સ્થાનથી ટેવાઈ ગઈ હતી. તેને જૂનાં નિવાસસ્થાનો પણ યાદ આવતાં નહોતાં, બધું ઝાંખું ઝાંખુ થતું જતું હતું.

શા માટે એ યાદ કરવું ? શું યાદ કરવા જેવું હતું ? પિતા સંપતરાયની તીવ્ર યાદ ક્યારેક ઝબકી જતી હતી, અને પછી તે જુદી જ દુનિયામાં ખોવાઈ જતી.

જો પિતા આમ અકાળે મૃત્યુ પામ્યા ન હોત તો ? તે વિચારવા લાગતી, તેને પેલું વરવું દૃશ્ય યાદ આવી જતું.

ખરેખર તો આ જ કારણ હતું તેમના મૃત્યુનું. આ કમનસીબ છેક ગાર્ગી સુધી પહોંચી ગયું, પોતાને કારાવાસમાં ઢસડી ગયું. કેટલું ભયાનક હતું આ બધું ? અને આ બધું જ તેણે મૌન ધરીને સહ્યું હતું. તે કહી શકત કે આ વિશ્વાએ કર્યું છે ? એ શેતાન છોકરીએ મારી બહેને ? તેણે જ વત્સલને આ લપસણા માર્ગે દોર્યો હતો ? તેણે જ... આબુ ફોન કર્યો હતો, ખુદ વત્સલ પર ? શા માટે ? શો આશય હતો એ નીચ છોકરીનો ? એ રૂપાળી છોકરીને નવી મા એ ખૂબ જ મોઢે ચડાવી હતી, રૂપનું ગુમાન તો છેક અધ્ધર પહોંચ્યું હતું. તેણે એ પુરઉષને લપટાવ્યો અને તે પણ સાનભાન ખોઈ બેઠો ? પ્રેમ કેટલો પોકળ હતો ?

મારી માન્યતા કેટલી ભ્રામક નીકળી ? હું તો માનતી હતી કે વિશ્વા સાવ નિર્દોષ છે, હજુ શૈશવમાં ભમે છે, જે કરતી હતી તેની લાગણીની ભૂખ હતી.

‘પરદો હડ્યો ત્યારે પણ હું તો અંધ જ હતી’ સુજાતા વિચારતી હતી. તેમ તેમ અનુભૂતિ થતી હતી કે એક અતિ સરળ સ્ત્રી હતી, જેને પતિ તથા વિશ્વા બંનેએ ભ્રમમાં રાખી હતી, તેની સરળતાનો દુરુપયોગ કર્યો હતો.

‘એ રાતે, જો વત્સલનું મૃત્યુ ન થયું હોત તો ? તો મારું મૃત્યું થયું હોથ. તે કેટલો ભયંકર લાગતો હતો ? સાક્ષાત્‌ કાળ બની ગયો હતો. તેને પત્નીની પણ પરવા નહોતી, અને આ ગાર્ગીના પગરણ થવાના હતા એ વાત તો તે જાણતો પણ નહોતો. એક મૃત્યુની ચીસે એ રાતને થીજવી નાખી, પણ હું બચી ક્યાંથી ?’

અતીતની એ ઘડી તેની સામે સજીવન થઈ, તે કંપવા લાગી. તે ખુશખબર આપવા આવી હતી, દોડતી આવી હતી અને શું જોવા મળ્યું ? કેવી હતી વિશ્વાસ ? અને વત્સલ ? તે લજ્જાથી લોથપોથ થઈ ગઈ હતી. તેણે તો માન્યું હતું કે એ વત્સલનું કૃત્ય હતું.. તેણે જ વિશ્વાને આમ...

હકીકત સમજાણી ત્યારે તો તે કારાવાસમાં હતી, તેર નંબરની ખોલીમાં હતી.

પણ તે બચી ક્યાંથી ? વત્સલના ઝૂનનથી અવગત હતી સુજાતા. તે તેને ઘાયલ તો કરી જ નાખત, કદાચ મોતને ઘાટ ઉતારી પણ દેત. કામાતુરોને ભય કે લજ્જા હોતાં નથી. તો બચી કેવી રીતે ? અંધારાના કારણે ? ના એ અંધકાર પણ બચાવી શકે તેમ નહોતો કારણ કે તે લગભગ સામે જ ઊભી હતી વત્સલની.

તો શું વિશ્વા ?... હા એ જ હશે વચ્ચે આવવાવાળી... કદાચ વત્સલને સમજાવતી હશે, વારતી હશે.. અને ઝપાઝપીમાં... વત્સલ... જ.

વિશ્વાએ ખરેખર આમ કર્યું હશે ? હા હા તેણે જ... એ સિવાય કોઈ હતું જ નહિ ત્યાં...

‘વિશ્વા... તેં મને બચાવી... શા માટે ? હું માનતી હતી કે મેં તને બચાવી કલંકમાંથી; પરંતુ તેં મને બચાવી મૃત્યુમાંથી. કોઈ લાગણીનો તંતુ બચ્યો હશે ને તેનામાં ?’

સુજાતા પરસેવે રેબઝેબ થઈ ગઈ, શરીર ખાલી ખાલી થઈ ગયું. પરસાળમાં સંત્રી પણ જંપી ગયા હતા. પરસાળની રોશની આ ખોલમાં પણ પહોંચતી હતી. તેણે જોયું કે ગાર્ગી પણ પાસે સૂતેલી તબ્બુની ગોદમાં લપાઈને પડી હતી. તબ્બુ ઊંઘમાં હતી તોપણ તેનો એક હાથ ગાર્ગીને પસવારતો હતો. માતૃત્વને કોઈ સીમા જ ક્યાં હતી ?

સુજાતાએ સાડલાના છેડાથી ચહેરો, ડોક અને હાથ લૂછ્યા, અને ખોલીની નિર્જીવ ભીંતો પર તાકવા લાગી. ત્યાં ગાર્ગી સળવળી અને તબ્બુ જાગી ગઈ.

‘જો તારી બેટી તો મારી બેટી થઈ ગઈ.’ તે હસી પડી, પછી આંખ ચોળીને મટકીમાંથી પાણી પીધું.

‘અરે... તું તો જાગતી પડી છે ? નથી આવતી નીંદર ? ભૂલી જા ને બધું. એક નીંદર ખેંચી લે... હમણાં અજવાળું થાશે.’

‘હા તબ્બુ...’ સુજાતાએ ગાર્ગીને તેના તરફ લીધી, પછી છાતીએ લીધી. ગાર્ગ જરા રડી પણ ખરી.

તબ્બુ... એક બે ગાળ બોલીને પુનઃ જંપી ગઈ. પછી તો માત્ર બે જ અવાજો સંભળાતા હતા, તબ્બુની નાસિકાનો અવાજ અને ગાર્ગીના બચકારા. સુજાતાએ આંખ મીંચી અને પરોઢને પ્રતિક્ષવા લાગી. વિશ્વા માટે પણ એ વાત વસમી હતી. ચાવડા પાસે તેણે હૈયું હળવું કર્યું હતું. શાંતિ થઈ હતી ત્યારે પણ ફરી રાતે બેચેનીનાં વાદળો પથરાઈ ગયાં હતાં. તે સાવ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. ‘અક્ષય...અક્ષય...’ તેણે જાણે કે ચીસ પાડી.

અક્ષય દોડી આવ્યો ત્યારે વિશ્વાનો દેખાવ ભયાવહ બની ગયો હતો. વાળ પીંખાયેલા હતા, ચહેરા પર તેના જ નખના નિશાન હતા, તેની આંખમાં અમાનુષી ભાવો હતા, તે નખશિખ કંપતી હતી.

‘ઓહ ! બેન શું થયું છે તને ?’ અક્ષય ખળભળી ઊઠ્યો.

‘અક્ષય... હું મારી જાતને જ સજા કરું છું. મારા આ રૂપે જ મને અંધ બનાવી હતી ને ?’

વિશ્વા બબડી. અક્ષય લાચાર બની ગયો, તેને સૂઝ્‌યું નહિ કે તે શું કરી શકે.

‘વિશ્વા... આ ઉપાય નથી દુષ્કૃત્યને સુધારવાનો. શું કહે છે ગુરુદેવ ? તને શું જાણ નથી ? ચાવડા અંકલને શું સારું લાગશે આ બધું ?’

અક્ષયને જે સૂઝ્‌યું એ તેણે બોલી નાખ્યું. તેને ડર હતો કે વિશ્વા મગજનું સંતુલન તો ગુમાવી નથી બેઠી. તેણે તરત જ ટેલિફોનનું ડાયલ ઘુમાવ્યું. બીજો વિકલ્પ પણ નહોતો, તે ખુદ ડરી ગયો હતો. પરિવારમાં બધું અમંગળ જ કેમ બનતું હતું ?

‘હેલો...’ ચાવડાએ તરત જ રિસિવર હાથમાં લીધું હતું. તે પણ આ રાતે જાગતા જ હતા અનેક કારણશર.

‘હેલો... ચાવડા અંકલ... હું અક્ષય... આમ અડધી રાતે તમને ખલેલ પહોંચાડવા બદલ ક્ષમા ચાહું છું...’ એમ કહીને તેણે ટૂંકમાં ઘટના વર્ણવી હતી.

‘તું... વિશ્વાને આપ...’ તે ધીમેથી બોલ્યા. આવું કશુંક બનશે એવી તેમને ધારણા હતી જ. વિશ્વા પરિતાપના અંતિમ બિંદુએ પહોંચી હતી.

‘બાપુ... મારે જેલમાં જવું છે. તમે સુજાતાને મુક્ત કરો અને સાચા અપરાધીને સજા ભોગવવા દો. બાપુ... મારે બધું જ કબૂલ કરી લેવું છે.’

ચાવડો વેદનાનો સ્પર્શ અનુભવ્યો, છેક બીજે છેડે.

‘બેટા... તને મારા પર ભરોસો છે ?’

‘હા બાપુ..’ તરત જ જવાબ મળ્યો.

‘બેટા... તો ડાહી બનીને જંપી જા. સવારે હું તને તથા અક્ષયને લેવા આવું છું. કદાચ ત્યારે તને તારા બધા જ અજંપાનો માર્ગ મળી જશે, મારી વાત સ્વીકારીશ ?’

ચાવડાનો અવાજ ધીમો હતો. સ્વરમાં આદ્રતા ભળી હતી.

‘હા બાપુ... તમારી બધી જ વાત મને માન્ય છે પણ મારે સજા તો ભોગવવી જ છે. એ સિવાય મને શાંતિ નહિ વળે ! બે પળ માટે ચાવડા હચમચી ગયા. ‘મને તારી વાત પણ માન્ય છે, વિશ્વા તું અત્યારે જંપી જઈશ તો મને મદદ કરી ગણાશે.’

‘ઓ.કે. બાપુ...’ વિશ્વાએ જંપી જવાનું સ્વીકાર્યું. અક્ષયને રાહત થઈ. ‘અક્ષય... તને તો પાંચ વાગે જાગી જવાનો મહાવરો છે ને ? મને જગાડજે...’

વિશ્વા, આટલું કહીને સાચે જ જંપી ગઈ. અક્ષયે મનોમન ગુરુદેવનો આભાર માન્યો કે તેને ચાવડા અંકલને ફોન કરવાનો વિચારો આવ્યો. એ કસોટીની ક્ષણો તો હવે ઓસરી ગઈ હતી.

‘બસ... આવી ક્ષણો જ સાચવી લેવાની હોય છે, આવું નથી બનતું ત્યાં અનર્થ થાય છે.’ અક્ષયે તારવણી કરી.

અક્ષયને ચાવડા અંકલ અત્યારે દેવદૂત સમાન લાગ્યા. તેને વિશ્વાની છળેલી આંખ જ દેખાતી હતી. હવે તેને બધી જ ઘટનાઓનું જ્ઞાન હતું. પરિવારના આથી મોટા અધઃપતનની કોઈ કલ્પના પણ ન કરી શકે. તે પણ આઘાત અનુભવી રહ્યો.

રહી રહીને તેને માલિનીનો વિચાર આવતો હતો. તે શું પામી આ ઘટનાચક્રમાંથી ? આ વૈભવ પણ ભોગવી શકી જે માટે તેણે સર્વસ્વ દાવમાં મૂક્યું ?

પરોઢે અક્ષયને તો જાગવાનો સવાલ જ નહોતો. તેણે જોયું કે વિશ્વા તો સાચેસાચ જ જંપી ગઈ હતી. આશ્વાસનમાં પણ કેટલી તાકાત હતી. સાચે જ તેો નસીબદાર હતા કે આવી એક પ્રભાવશાળી વ્યક્તિ તેઓની વચ્ચે હતી. ચાવડા અંકલ અનાયાસે જ તેઓની જિંદગીમાં આવ્યા હતા.

ખરેખર તો પલ્લવીએ આ કાર્ય કર્યું હતું. અને પલ્લવીને પ્રેરણા આપી હતી પેલા માસ્તર સાહેબે...

અક્ષયની દૃષ્ટિ અતીત પર ઘૂમતી હતી. તે અનેક બનાવોનો સાક્ષી હતો. પરિવારના સૌથી નાના સભ્ય પર સૌ વ્હાલ વર્ષાવતા હતા. પરંતુ ક્યાંય તેની સલા લેવાતી નહોતી. તે પણ સાવ અલિપ્ત જ રહેતો હતો સૌથી. તેની આ સહદેવવૃત્તિ ઉપકારક બની નહોતી. તે ગમોઅણગમો વ્યક્ત કરવાનું પણ ભૂલી ગયો હતો. અનેક ઘટનાઓએ તેને ક્ષુબ્ધ બનાવી મૂક્યો હતો અને અંતે તે શાંતિ આશ્રમમાં પહોંચ્યો હતો. નવા વાતાવરણે તેને ભીંજવી નાખ્યો. શાંતિની અનુભૂતિ કરાવી. તેની વૃત્તિઓ એ દિશામાં ઢળી. પણ હવે તેને લાગતું હતું કે આ માર્ગ પણ શ્રેષ્ઠ તો નહોતો જ. આ તો નર્યો પલાયનવાદ હતો.

ગુરુદેવ પણ તેને આવું ક્યાં શિખવતા હતા ? ખરેખર તો કશું જ શિખવતા નહોતા. તેને ભન થયું કે તેનો માર્ગ પણ તેણે જાતે જ શોધવાનો હતો. પલાયન થવાથી કોઈનું પણ કલ્યાણ થવાનું નહોતું.

બસ... તે એ રાતે જાગી ગયો હતો. તેણે પરોઢે મક્કમતાથી નિશ્ચય કરી નાખ્યો કે તે તેનું કર્તવ્ય નિભાવશે જ. મોટીબેન, વિશ્વા અને નાનકડી ગાર્ગી. તેની જિંજગીના વર્તુળમાં જ હતાં. તે સાચે જ જાગી ગયો એ પરોઢે.

ગઈ રાતે જો તેણે વિશ્વાને સંભાળી ન હોત તો કેવાં ભયાનક પરિણામોની શક્યતા હતી ? વિશ્વા એ પળે મનનું સંતુલન ખોઈ બેઠી હતી. તે એ ભાવોથી પ્રેરાઈને કોઈ પણ અવિચારી પગલું ભરી બેસે એમ હતું. તેના ગાલ પરના ઉઝરડા એ વાતનો નિર્દેશ કરતા હતા.

અક્ષયે વિશ્વાનું નિરીક્ષણ કર્યું. તે શાંત સૂતી હતી, તેના હેરા પર શાંતિ હતી, ગાઢ નિદ્રામાં હતી.

અક્ષય તૈયાર થઈ ગયો. તેના મુખમાંથી ધીર ગંભીર સ્વરમાં વેદગાનો ગુંજવા લાગ્યાં.

વાતાવરણ દિવ્ય બનવા લાગ્યું. તે કાંઈ સારો ગાયક તો નહોતો જ પણ તાલબદ્ધ મંત્રોચ્ચાર તો શીખ્યો હતો આશ્રમમાં.

આ વૈભવી વાતાવરણમાં કદાચ પ્રથમ વાર જ આ બની રહ્યું હતું. અજવાસ ધીમે ધીમે પ્રગટ થતો હતો.

વિશ્વા જાગી ગઈ. ભાઈનો સ્વર પારખાયો, ગમ્યો. આજે કશું નવું બની રહ્યું હતું. જે તેણે ક્યારેય અનુભવ્યું નહોતું.

સામે જમીન પર બેસીને અક્ષય મંત્રગાન કરી રહ્યો હતો. અદ્‌ભુત દૃશ્ય લાગ્યું વિશ્વાને.

‘ઓહ ! આ અક્ષય હતો ? તેનો અનુજ ? કેવો અદ્‌ભુત હતો. તે હળવેથી ઊઠીને તેની પાસે બેસી ગઈ. શબ્દેશબ્દને પીવા લાગી. આનંદનો સ્પર્શ થયો. હૃદયમાં કશું ભરાવા લાગ્યું. શું હતું એ ? તે તો સાવ ખાલી થઈ ગઈ હતી.

તેને થયું કે તેણે અક્ષયને તો ક્યારેય જાણ્યો જ નહોતો. એકાએક ફોન રણઝણ્યો. રસભંગ થયો, તે ઊઠી. અક્ષયનું ગાન તો ચાલું જ રહ્યું.

‘હા બાપુ... હું વિશ્વા. એ તો અક્ષયનો અવાજ છે. બાપુ... મંત્રમુગ્ધ બની જવાય છે. હા હું ઝટપટ તૈયાર થઈ જાઉં. સ્વસ્થ થઈ ગઈ... પાછી. એક દુઃસ્વપ્ન જ હતું...’

ચાવડા બંને ભાઈબહેનને તેડીને ક્વાટર પર આવ્યા, ત્યારે વિશ્વા પ્રસન્ન હતી.

‘અક્ષય... વિશ્વા મારે આજે વિદાય લેવાની છે. સૌની વિદાય.’ ચાવડા મર્માળુ બોલ્યા. અક્ષય સાંભળી રહ્યો.

પણ આમ તે કહે જ નહિ, તેમની નિવૃત્તિની સૌને ખબર હતી જ. અક્ષય વિચારી રહ્યો. આ જ વ્યક્તિએ વિશ્વાને સંભાળી હતી. બેચાર વાક્યોમાં કેટલું આશ્વાસન હશે, કેટલું સંમોહન હશે કે વિશ્વા માની ગઈ, ડાહીડમરી બનીને જંપી ગઈ.

‘સમય બહુ ટૂંકો છે, અક્ષય...’ ચાવડા ગંભીરતાથી બોલ્યા. આ વાક્યો સામાન્ય તો નહોતાં જ એ અક્ષય સમજી શક્યો. તેણે કશો ઉત્તર આપવાનું માંડી વાળ્યું.

પ્રાંગણમાં ઉત્સવનો માહોલ હતો. વ્યાસપીઠ શણગાર સજી રહી હતી. બે કલાક પછી જેલ વિભાગના મંત્રી પધારવાના હતા ચાવડાની વિદાયને શોભાવવા.

વાતાવરણમાં થનગનાટ હતો, સૌના ચહેરા પર આનંદ હતો. ચાવડા તટસ્થતાપૂર્વક એ વીંધીને ક્વાટર પર આવ્યા. વિશ્વા અને અક્ષય તેમને અનુસર્યો.

હંસાબહેનના ચહેરા પર ઉદાસી હતી. તે હસીને બોલ્યાં : ‘આવ...વિશ્વા, જાણું છું કે આ કશું કાયમી નહોતું તેમ છતાં પમ એ છોડવું ય કાંઈ સહેલું નથી. આટલાં વર્ષની માયા બંધાઈ ગઈ છે આ સ્થળ સાથે. આવ અક્ષય... તને તો પેહલી વાર જ જોયો.

અક્ષયે અહોભાવપૂર્વક એ જાજરમાન સ્ત્રી પ્રતિ જોયું. હા, તેમણે જ સુજાતાને સંભાળી હતી. મમતાનું વર્તુળ વિસ્તરતું હતું.

‘આન્ટી... તમારા દર્શન મારા નસીબમાં મોડા હતા,’ તે બોલ્યો અને હંસાબહેન ગદ્‌ગદ બની ગયા.

આ બધાં શા માટે આમ દુઃખી થતાં હતાં ? છોકરાઓ ગુણવાન અને વિવેકી હતા, એક વિશ્વા ભાન ભૂલી હતી. તેમને કોઈ દોરવાવાળું નહોતું, પ્રેમ કરવાવાળું નહોતું.

પણ પતિે સૌને અહીં શા માટે બોલાવ્યા હતા ? વિદાયના સમારંભમાં સામેલ કરવા ? ના એમ તો ન હોય, તે પતિને ઓળખતી હતી.

‘વિશ્વા... હવે નવા ઘરે આવજો તમે લોકો, નજીક જ છે અહીંથી. સુજાતાને પણ દેખાડવું છે, ગાર્ગીને રમાડવી છે એ ઘરમાં.’ હંસાએ સહજ વાત કરી.

તેના મનમાં નવા ઘરનો નકશો ગોઠવાયેલો હતો. ખંડ-બારી-બારણાં-રસોઈ ઘર-પૂજાઘર... નાનકડો ચોક. તેણે વિચાર્યું હતું કે તે ત્યાં ફૂલો વાવશે, વેલ ઉછેરશે, તુલસીનું વન ખડું કરશે. પતિ સાથે આવી બધી વાતો કરવી હતી પણ નિરાંત જ ક્યાં મળતી હતી.

‘હા, આન્ટી...’ વિશ્વાએ વિનયપૂર્વક જવાબ વાળ્યો, પણ તેનું મન ક્ષુબ્ધ હતું. સુજાતા આ જ ભવનમાં હતી એક બંધિયાર જગામાં. શું હશે ભાવિની ગર્તામાં ? મળી શકશે સુજાતાને, ગાર્ગીને ? સુજાતા માનશે ?

વિશ્વાને અનેક પ્રશ્નોએ ઘેરી લીધી. તેની મુખરેખાઓ પુનઃ તંગ થઈ ગઈ. તેણે અક્ષય પ્રતિ જોયું તો તાજુબ થઈ ગઈ. તેના મુખ પર પરોઢે જેવી જ પ્રસન્નતા હતી.

એકાએક ચાવડા આવી પહોંચ્યા.

‘જુઓ... તમે બંને પાસેના ખંડમાં બેસો. મેં સુજાતાને બોલાવી છે. જે વાતો થાય એ શાંતિથી સાંભળજો. આ સવાર મારે નિરર્થક જવા દેવી નથી.’

વિશ્વા અને અક્ષય વિસ્મયથી ચાવડા અંકલને જોઈ રહ્યા. થોડી સમજ પડી પણ ખરી. અંકલની દોડધામનું કારણ પણ સમજાયું. બંને શાંતિથી પાસેના ખંડમાં જઈ આવનાર ક્ષણોની પ્રતિક્ષા કરવા લાગ્યા.

ગઈ મુલાકાત વેળા તો દાદર પરથી ભાગી જવું પડ્યું હતું. વિશ્વા વિચારતી હતી કે તે શા માટે ભાગી ગઈ એ વેળા ? અરે, પ્રેમથી તો પથ્થર પણ પીગળી જાય છે. તો શું સુજાતા ન પીગળત ? તેનામાં રહેલું કરુણાનું ઝરણું શું ન વરસત ?

પણ એ સમયે એની મનોદશા કેવી હતી ? તે શું સુજાતાની કરુણાને લાયક હતી ?

તેના મનમાં અશાંતિનાં જાળાં હતાં, એ સમયે.

સુજાતા અને ગાર્ગી આવ્યાં એ ગાર્ગીના રુદનથી સમજાયું.

‘બાપુ... સવારથી શાંત જ રહેતી નથી. તબ્બુના હાથમાં જતાંવેંત જ બેનબા શાણા બની જાય છે.’ સુજાતાનો સ્વર સંભળાયો. કેટલા સમય પછી આ સ્વર સંભળાયો ?’ સુજાતાએ આંખ મીંચી દીધી.

‘બસ... બેટા...’ હંસાબહેનનો માયાળુ સ્પર્શ થયો સુજાતને.

‘કેમ છે...?’

‘બસ... મજામાં છું. થાય છે કે આ તબ્બુ કેવી સરસ માતા છે ! પ્રેમથી સંભાળે છે આ લાડલીને, પણ મને ડર લાગે છે. તેને ગાળો બોલવાની ટેવ છે. બાપુ, આને ગળથૂથીમાં જ... આવા સંસ્કાર... મારું મન કોચવાઈ જાય છે ક્યારેક. જોકે બાપુ... મને લાગે છે કે હું પણ ટેવાઈ જઈશ આ માહોલથી.’ સુજાતાએ હસી લીધું.

‘બાપુ... સમારંભ ક્યારે શરૂ થશે, ત્યારે તમને બોલતાં સાંભળવા છે...’ તેણે વાત બદલવા યત્ન પણ કર્યો.

સુજાતાની વાત વિશ્વા સાંભળી રહી હતી. તેનું દિલ પણ ડંખવા લાગ્યું. તેના પાપના પડછાયા છેક આ નાની બાળકી સુધી લંબાયા હતા. અક્ષયે તેના વાંસા પર હાથ પસવાર્યો.

‘સુજાતા... આજે મારે મારી જાતની પરીક્ષા લેવી છે, તને મારા પર કેટલી લાગણી છે એ જાણવું છે મારે.’

ચાવડાના અવાજમાં ગંભીરતા હતી, આંખમાં હેત હતું.

‘બાપુ... એવું કેમ પૂછો છો ? શંકા છે તમારી દીકરી પર ?’ સુજાતા પણ ગંભીર બની ગઈ.

હંસાબહેનને પતિના પ્રશ્નનું અનુસંધાન મળતું નહોતું. શું હતું એમના મનમાં ? ખરેખર તો સુજાતાથી અળગા પડવાનું દુઃખ તેમને સતાવતું હતું.

‘મારી એક ઈચ્છા તું પૂરી કરશે, દીકરી ? એમાં તારું પણ ભલું થશે, મારું પણ ભલું થશે, અમે સાચા અર્થમાં નિવૃત્ત થાશું.’

‘બોલો... બાપુ... આ અવસ્થામાં હું તમને શું આપી શકું તેમ છું. મારા કરતાં તમારી નજર વિશેષ પડે.’

સુજાતાના શબ્દો સરળ હતા, તેની લાચારીની પીડા પણ વ્યક્ત થતી હતી.

‘તું માનીશ ને મારી વાત ?’

‘હા, બાપુ... વચન આપું છું, આ જીવું છું એ તમારા બંનેની દેન છે.’

‘બેટા... મને લાગે છે કે આ ગાર્ગી અકારણ સજા ભોગવે છે. સાવ નિર્દોષ ફૂલને આવા આઘાતો શા માટે આપવા ? હું ઇચ્છું છું... બેટા... તું ધ્યાનથી સાંભળ...’

હંસાબહેન... વિશ્વા, અક્ષય સૌ સ્તબ્ધ બની ગયાં. ચાવડાનો હાથ સુજાતાના મસ્તક પર હતો.

‘બોલો... બાપુ...’ તે વાત્સલ્યના સંમોહન હેઠળ બોલી.

‘હંસા તમે પણ સાંભળો. આપણે હવે કાંઈ એકલી ગાર્ગીના વડીલો થોડા રહ્યા છીએ ? સુજાતા... આ મારી ઇચ્છા છે, આજ્ઞા નથી. હવે તો હું આ જેલનો પણ ઉપરી રહ્યો નથી. મને લાગે છે કે હવે વિશ્વા ગાર્ગીની સંભાળ રાખશે, તેની મા બનશે.’

ચાવડાના સ્વરમાં વિનંતી હતી.

સ્તબ્ધ થઈ ગયા સૌ. બારણા પાછળ ઊભેલી વિશ્વા ખળભળી ઊઠી. અક્ષયને લાગ્યું કે અંકલ સાચું કહી રહ્યા હતા.

‘બાપુ... વિશ્વા નહિ માને, મેં તેને આ જ બારણાંમાંથી તરછોડી હતી,’ સુજાતાએ મૌન તોડ્યું.

સુજાતાને તેનો અપરાધ જ હૈયે વસ્યો. વિશ્વાનો ઘોર અપરાધ જાણે વિસરાઈ ગયો. કેવી સરળતા ? ચાવડો વિચાર્યું.

‘હા એ માનશે. વિશ્વા તારી ગુનેગાર છે, આ ગાર્ગીની પણ ગુનેગાર છે. પરિતાપની ભાગીરથીએ તેને પાવન કરી છે. તેન આ સજા છે. ગાર્ગીને ઉછેરવાની. વિશ્વા, અક્ષય બહાર આવો. તમારી અમાનત સંભાળી લો, એ છોકરી પણ દિવ્ય બનશે, તેની મા જેવી જ.’

ચાવડા અવાજમાં આજે મક્કમતા હતી, લાગણી હતી. સુજાતા અને વિશ્વા ભેડી પડ્યાં.

‘મોટીબેન... આ પાપીણીને ક્ષમા કરજો.’ વિશ્વા વિશેષ કશું બોલી ન શકી, લાગણીની વર્ષામાં શબ્દોની કશી ગુંજાશ જ નહોતી.

સુજાતાનો બીજો હાથ અક્ષયના મસ્તક પર હતો.

હંસાને પણ લાગ્યું કે પતિએ કર્યું હતું એ શ્રેષ્ઠ હતું.

સાંજ સુધીમાં તો ગાર્ગી વિશ્વા સાથે હળી ગઈ.

‘મોટીબેન... હું તથા ગાર્ગી તમને મળવા આવીશું. અક્ષય પણ આવશે.’ વિશ્વા સ્વસ્થ બની. તેના મન પરથી હિમાલય જેવડો બોજો ઊઠી ગયો.

સુજાતાએ પલ્લવીના સમાચાર પૂછ્યા.

સાંજ ઢળતી હતી ત્યારે સુજાતાએ ગાર્ગીને વિશ્વાના હાથમાં મૂકી, ચારેય આંખ ભીની થઈ ગઈ.

આકાશમાં સંધ્યાની લાલિમા રંગોળી પૂરી રહી હતી. સુજાતા એ દિશાને જોઈ રહી.

‘બાપુ... હું તો એક ચપટી ગુલાલ ઝંખતી હતી, આયખું રંગવલા માટે, ઈશ્વરે મારી ઈચ્છા પૂરી કરી. બાપુ... હું નસીબદાર તો ખરી.’ સુજાતાએ વાક્ય પૂરું કર્યું, તેની આંખમાં આંસુ હતાં અને તે હસતી હતી.

***