Sugandh books and stories free download online pdf in Gujarati

સુગંધ

સુગંધ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•સુગંધ

•આદિ, મધ્ય અને અંત

•એ ચીસ

•મૂર્છા

•કસ્તર

•તૃપ્તા

•મુલાકાત

•કન્યા વિદાયનાં દૃશ્યો

•કબૂલાત

•કેતકીનું સુખ

•સુખાનુભૂતિ

•હવે એ ટોળામાં નહોતો

•વેદનાનો ફોટોગ્રાફ

•કુળ

•સંકેત

•વિદાયનું ચિત્ર

૧ - સુગંધ

એ બપોરે, સાવ અચાનક જ એક સુખી શુચિતાની ઝોળીમાં ઠલવાયું હતું. તે ચકિત થઈ ગઈ હતી. આંખો ચમકી હતી. મન ખળખળ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં આવું ક્યારેય બન્યું હતું ? સરે ફાઈલો તપાસતાં તપાસતાં કહ્યું : ‘તું પાર્લામાં રહે છે ને ? ઈસ્ટમાં ? વાહ, સરસ. તો આવી જા મારી ગાડીમાં. મારે ત્યાં એક મેરેજ-રિસેપ્શન અટેન્ડ કરવાનું છે. તારી કંપની રહેશે. બસ, તો બી રેડી. દસ મિનિટમાં જ નીકળીએ.’

મહાનગર નિવાસી માટે આ પણ એક સુખજ ગણાય. છેલ્લાં બે વર્ષોથી લોકલ ટ્રેનોમાં અપ-ડાઉન કરતી હતી, ભીડમાં અફળાતી, ભીંસાતી, પિતાસી હતી. એક ચીજ બની જતી હતી અક્ષરશઃ, પણ ક્યારેય આવી વાત આવી હતી ?

આ હાડમારીઓ તેની જિંદગીનો હિસ્સો બની ગઈ હતી. અપશબ્દો, ગાળાગાળી, અપમાનો અર્થહીન બની ગયાં હતાં.

પરમેશ્વરીએ તેને આ ભીડ વચ્ચેથી લોકલ ટ્રેનમાં આરોહણ કરવાનું શીખવ્યું હતું. અને એ જ રીતે અવતરણ. એ પછી પણ બે મુક્ત શ્વાસો લઈને દોડવાનું જ હતું - લક્ષ્ય ભણી; કાં ઑફિસ ભણી કે પછી ઘર ભણી.

ઘરે પહોંચીને તરત સ્નાન કરી લેતી. દિનભરનાં થાક, પ્રસ્વેદ, મથામણોથી હળવા થવાનો આ એક જ રસ્તો હતો.

એ તો સાથે પરમેશ્વરી હોય ને, એટલે હસી પણ લેતી-આ બધાં વચ્ચે. કરતી.

પરમેશ્વરી અનુભવી હતી. પાંચ વર્ષથી આમ જ હતી-અપ ડાઉન તે ક્યારેક કહેતી : ‘શુચિ... પછી તું જ ટેવાઈ જઈશ. અરે, પછી તો તું ય ભળી જઈશ એ ટોળામાં. તું માનીશ, મને ય ક્યારેક એ લોકો સાથે ગાળો બોલવાનું મન થઈ જાય છે.’

બી-એચ-કેથી ઓળખાતી વ્યવસ્થામાં પાસેનો ફ્લેટ પરમેશ્વરીનો હતો. એકાકી સ્ત્રી હોવાના સુખ દુઃખ તે હસીને સહી લેતી હતી. હા, તેણે જ શુચિતાને જોબ અપાવી હતી. ‘કરને જોબ. તારા પુરુષને તારી કમાણી સાકર જેવી લાગશે. એનો થોડો સ્વાદ તનેય મળશે.’

એમ જ થયું હતું. વિશ્વાસે કહ્યું : ‘તે જોબ મેળવી ? કોણે, પરમેશ્વરીએ ? ગુડ. જો, સાચવાનું. કેવો છે તારો બોસ ? અને શું આપવાનો છે મંથલી-પેમાં ?’

એ રાતે તેણે શુચિને કેટલી ખુશ કરી હતી ? ટીપ પણ આપી હતીઃ ‘જો કોઈથી ડરવાનું નહીં. સાવધ રહેવાનું.’

(૨)

શુચિતના લંબગોળ ચહેરા પર પ્રસન્નતાની સાથે હળવાશ અનુભવાઈ. એક વાર માટે પણ આવી મુક્તિ ક્યાંથી. તે જોઈ રહી એ દૃશ્યો જે રોજ ભજવાતાં હતાં-બે વખત. આજે તે એમાં નહીં હોય. એ લોકલ ટ્રેન તેના વિના જ દોડશે ! અને પોતે હશે આરામદાયક બેઠકમાં જતી હશે સડસડાટ-લીસી સડકો પરથી. સર ડ્રાઈવિંગ કરતા હશે ને તે કાચમાંથી આખી દુનિયા નિહાળતી હશે !

ભીડનો તો પ્રશ્ન જ નહીં હોય. બે જ વ્યક્તિઓ-તે અને સર. અને પાછું, ખાસ્સી વહેલી પહોંચી શકશે તેના ઉપનગરમાં. શોપિંગ કરી શકશે, મહાલક્ષ્મી મંદિરે દર્શન થશે, નિરાંતવી પ્રદક્ષિણા ફરી શકશે.

પછી ફ્લેટ પર આવીને મસ્તીથી સ્નાન કરશે. આખો ઉપક્રમ કલ્પાઈ ગયો. આને સુખ જ કહેવાય ને ! સો ટચનું ટનાટન સુખ. જેને યાદ કરવું ગમે તે સુખ.

પરમેશ્વરી શું કહેતી હતી : ‘નથી યાદ કરવો એ મરદને. હા, તેની લાતો શરીર પર ચચરે છે ક્યારેક. અને ક્યારેક મન પર. શું ખોટી છું, આમ એકલી ? એકાદ ચીજના બદલામાં સ્ત્રીએ આખી જિંદગી હોમી દેવી ?’

શુચિને પતિ યાદ આવી જતો હતો. અરે, તેની સાથે જ પહેલીવાર

મોટરગાડીમાં બેઠી હતી ? લગ્ન પછી ! ગાડીમાં ભીડ હતી. તે બન્ને હતાં, ડ્રાઈવર અને બીજી બે સ્ત્રીઓ હતી. અને એક પુરુષ ગોઠવાવા મથામમ કરતો હતો.

ગાડી ચાલી પછી પવન આવતાં રાહત લાગી હતી. ત્યારે તેણે ધારીને એ પુરુષને જોયો હતો. દાંત સારા નહોતા પણ અવાજ સારો

લાગ્યો. આછી મૂછ પણ ગમી. એ પછી એ ઓળખવા મથી રહી તેના

પુરુષને. ક્યાં પૂરો ઓળખાયો હતો હજી પણ ?

ક્યારેક રાતે પ્રશ્નાવલિ થતી : ‘બોસ કશું કરતો તો નથી ને, અડપલાં બડપલાં ? અને બીજાઓ ? દરેકને ઓળખું છું, શુચિ. - દક્ષિણ્યનો દેખાવ કરે અને લાભ લેતો જાય.’

તે કાયમ શંકાશીલ રહેતો, શુચિ માટે. અવાર નવાર પર્સ, વસ્ત્રો બધું જ તપાસી લેતો.

શુચિને મન થતું કે તે પણ આવા જ પ્રશ્નો પૂછે પતિને. નવી દિનચર્યામાં, જે થોડો સમય મળતો હતો એ પણ આમ વેડફાતો હતો.

બધી જ વાતો થોડી કહેવાય પરમેશ્વરીને ? પણ તે સમજી જ જતી હતી, દેખાવ જોઈને.

તે કહેતી હતી શુચિને : ‘એમ થાય છે ને કે આખી જિંદગી લોકલ ટ્રેનમાં જ પૂરી થઈ જાય ? ક્યાંય ઊતરવાનું જ ના આવે. એ ય લહેરથી દબાતાં, પિસાતાં હાલક-ડોલક ચાલ્યા જવાનું ?’

શુચિને લાગ્યું કે પરમેશ્વરી પાસે સાચું સુખ હતું.

(૩)

અચાનક એક સુખ લાધ્યું હતું શુચિતાને. સરે કહ્યું : ‘બેસી જા. આગલી બેઠક પર.’

તે બેસી ગઈ. પછી થયું-‘આ તો સરની પાસે જ !’ પાછળની બેઠક તો ભરચક હતી. સરની બ્રિફકેસ, સરનો કોટ અને મસમોટો પુષ્પ ગુચ્છ. વધારાનો વોટર જગ. તે યોગ્ય જ હતી- આ બેઠક પર, એવી લાગણી થઈ.

થયું-‘આ બેઠક પર સરના પત્ની જ કાયમ બેસતા હશે ને ?

સરની પાસે તો તે જ હોય ને ? પણ આજે તે હતી. વિચિત્ર લાગતું હશે સરને.

અને સરે પણ હસીને એ જ કહ્યું, “શુચિતા, આ જગ્યા નિરુપમાની. તે જ બેસે, હૃદયપૂર્વક. નિરુપમાની કઝિના સનના મેરેજ છે.

સારું થયું, તું આવી. એકલા એકલા તો કંટાળી જવાય.’ ‘હા સર’ તે ટહુકી, સહાસ્ય.

બોસ અને કર્મચારી વચ્ચે અંતર તો ખરું ને ? તે ના પૂછી શકી કે કેમ નહોતાં, નિરુપમા મેડમ !

થયું કે સર તેમની નિરુપમા વિના વિહવળ હશે. તેમની પાસે બેસતી, ગપસપ કરતી એ રસિકા આજે નહોતી. અને એ સ્થાને તે હતી. વિચિત્ર અનુભૂતિ થવા લાગી શુચિતાને.

કોઈ જુએ તો શું માની લે-પતિ પત્ની જ ને ? ખાસ્સી રમૂજ થઈ, ગુદગુદી થઈ.

પછી નિઃશ્વાસ નખાયો. આ બધું લખ્યું જ હોય છે, દરેક ચોકરીની ડાબી હથેળીમાં, એ મુજબ જ કોઈની પત્ની બનાય. બીજી પળે થયું,

ખરેખર, એવું જ હશે ?

ત્યાં સર બોલ્યા : ‘પાણી પીવું છે ? પાછળ વોટર-જગ છે. આ નિરુપમાની ટેવ. બધું જ પરફેક્ટ જોઈએ. કશું જ ના ભૂલે.’

શુચિતા આશ્ચર્યમાં પડી. કેવા પત્નીઘેલા હતા સર ? આ પ્રવાસ દરમિયાન આખી નિરુ-ગાથા કહી દેશે આ પુરુષ. કદાચ, પોકેટમાંથી કાઢીને તેનો ફોટો પણ બતાવશે ! તેને વિવેક ખાતર હોંકારા દેવા પડ્યા; અને દીધા પણ. સમય નિરુપમાને સહારે પસાર થતો હતો.

સરે આગ્રહ કરીને શીતળ જળનો ગ્લાસ આપ્યો. તે જોઈ રહી કે દરેક ઘૂંટે સર સુખ અનુભવતા હતા.

આવું ક્યારેક થયું હતું વિશ્વાસ સાથે - એકેય વિષયમાં ? નિરુપમા ખરેખર નસીબવાળી જ હતી. સર શૈયામાં પણ તેને ખુશ ખુશ કરી દેતા હશે !

તેને તેની રાતો યાદ આવી. અગિયાર વાગે શરુ થતી શયન રાત્રીઓનો એક જ અર્થ રહેતો. વિશ્વાસ સંકેત કરે ને તેણે જાતને ધરી દેવાની, આવતીકાલની ચિંતા કરતાં કરતાં. એમાં પ્રેમનો ધાગો પણ ના મળે. પછી તેની ઊંઘ હરામ થઈ જાય, પ્રભાતે વાગતાં એલાર્મ સુધી. અને પાછો, નવો દિવસ તો ઉગાડવાનો હોય તેને.

દિવસની દિનચર્યા પણ નક્કી જ હતી. શુચિતા અલગ અલગ ટિફિનો ભરતી અને સમય થતાં બન્ને પોત પોતાની દિશાઓની ટ્રેનો પકડી લેતાં.

કોઈ વાર પ્રશ્ન ઝબકી જતો : ‘કશું કરતો તો નથી ને, તારો બોસ?’

(૪)

તે ગબડીપડી, મનોમન. ગાડી સર્યે જતી હતી. દૃશ્યો બદલાતાં હતાં. એક તરફ દરિયો હતો ને બીજી તરફ મોટી મોટી ઈમારતો.

કોઈ સ્થાને, લોકલ ટ્રેન પણ પસાર થતી દેખાતી હતી. થયું :

પરમેશ્વરીને કહી શકી હોત તો કેટલું સારું થાત ! તે બિચારી આંખો ફાડીને તેને ખોળ્યા કરશે, રેલવે પ્લેટફોર્મની ભીડમાં.

તેણે એક વેળા કહ્યું હતું : ‘શુચિ, જાળવી રાખજે તારા પુરુષને. એ જ કામ આવશે, ઘડપણમાં. શુચિ... લોકો કહે છે કે એ સમયે જ સાચો પ્રેમ હોય છે. પતિ-પત્નીને.’

તેનો વિષાદભર્યો ચહેરો ઘણું બધું કહી આપતો હતો. તે પરિતાપ અનુભવતી હતી, તેના આ અભાવ માટે. ‘શું ખોટો હતો ? તેણે પ્રતિકાર કર્યો અને તે ચાલી ગયો, છોડીને. શુચિ, એ હોત તો તે આટલી દુઃખી ના હોત. તે ગુસ્સો કરતો હતો તો ક્યારેક પ્રેમ પણ કરતો હતો. ના, આ તેની ભૂલ જ હતી.’ જલદ તેજાબ જેવી પરમેશ્વરી આ કહી રહી હતી. તેને વિશ્વાસ યાદ આવી ગયો. જાળવી લેવો એટલે શું ? એક જ અર્થ એનો- જેવો હતો એવો સ્વાકારી લેવો. તે જે કરી રહી હતી એ શું તું ?

ત્યાં જ સરે પ્રશ્ન કર્યો : ‘વોટ ઈઝ યોર હોબી, શુચિતા ?’ તે ઝબકી ગઈ હતી. ક્યાં હતી તે ?’

જોયું તો સર હસી રહ્યા હતા. ગાડી મધ્યમ ગતિથી જઈ રહી હતી. દરિયાઈ પવન...વિશિષ્ઠ ગંધ ઠાલવી રહ્યો હતો. ભીજ હતી પણ માફકસરની.

જવાબ તો થોડો ગળી જવાય ? તેણે, થોડો વિચાર કરીને ઉત્તર વાળ્યો : ‘સર, નૃત્યનો શોખ હતો, ગાંડો શોખ હતો એક સમયે.’

શુચિતા અતીતનાં દૃશ્યોમાં ઊતરી ગઈ. આઠ વર્ષની, દશ વર્ષની, પંદરની, અઢારની શુચિતાઓ સજીવન થઈ ગઈ. બન્ને હાથો આપોઆપ મુદ્રાઓ ધારમ કરવા લાગ્યા. આંખોયે નર્તન કરવા લાગી.

શું પરિણામ આવ્યું ? તાળીઓના ગડગડાટોમાંથી માંડ છૂટી થઈ ત્યાં જ તેની સામે બે વિકલ્પો ધરવામાં આવ્યા : ‘શુચિ, સારું એ તારું.

ભાગી જા નાચવાવાળીઓ સાથે અથવા અમે કહીએ ત્યાં ચૂપચાપ પરણી જા.’

સર ઉત્સાહથી કહી રહ્યા હતા. ‘ગુડ ગોબી, શુચિ. નિરુપમાને પણ નૃત્યનો શોખ. ફ્લેટનો એક કમરો, નૃત્ય માટે. સુવર્ણા દલાલ આવતી હતી-તેને શીખવવા. શુચિ, આખો દિવસ થા થા થૈ થૈ ચાલે.

અરે, સ્ટેજ પરફોર્મન્સ પણ આપેલું. શું કહે છે એને ? યેસ... આરંગટ્રેલ ! અહીંના ભાઈદાસ હોલમાં. સુવર્ણા દલાલ પણ હતી.

શુચિ... ટાઈમ્સમાં નિરુનો પોઝ પણ આવેલો. સાથે બ્રીફ... ડિટેઈલ્સ !’ અને શુચિ પરણી ગઈ હતી, વિશ્વાસને.

સર હજીય... નિરુપમાના નૃત્ય વિશે કશું કહી રહ્યા હતા.

(૫)

તે હજી વિષાદમાંથી બહાર આવી શકી નહોતી. તાળીઓના ગડગડાટોએ સર્જેલો માહોલ છિન્નભિન્ન થઈ ગયો હતો.

પરમેશ્વરી સુખી નહોતી. તે પણ સુખી નહોતી. એક નિરુપમા જ સુખમાં આળોટતી હતી.

માંડ એક સુખ મળ્યું હતું, સર સાથે સહગમનનું, એ ય પળે પળે ખોવાતું જતું હતું. ત્યાં સરનું વાક્ય કાને પડ્યું : ‘ઓહ, યુ સિમ ટાયર્ડ. ચાલ, નટરાજની કોફી પીએ.’

ગાડી ધીમી પડી, વળાંક લેતી એક રેસ્ટોરા પાસે ઊભી રહી. સરે પગથિયા પાસે જ કોટ પહેર્યો, વાળ સરખા કર્યા અને હસ્યા. શુચિએ જોયા કર્યું એ દૃશ્ય. ‘શુચિતા, આ લોકો સરસ કોફી બનાવે છે, નિરુપમાને તો પ્રિય. ખાસ કોફી પીવા જ અહીં સુધી આવતા.’ સરે આમાં પણ પત્નીને સાંકળી હતી.

શુચિતાએ હસીને હોંકારો ભણ્યો. અહીં તેને એક સરસ કોમેન્ટ યાદ આવી ગઈ, પતિ પત્નીની, પણ ના કહી. સર સાથે આવી વાત ના કરાય. તેણે લોકલ ટ્રેનના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં સાંભળી હતી. ખૂબ જ હસવું આવ્યું હતું.

સાચે જ કોફી સરસ હતી, અફલાતૂન સ્વાદ હતો. ના, તેણ ક્યારેય આવી કોફી આસ્વાદી જ નહોતી. નિરુપમાનો ટેસ્ટ, ખરેખર ઊંચો. અને સરનો ટેસ્ટ પણ ઊંચો જ ગણાય. તેમણે આખા ટોળામાંથી નિરુપમા જ શોધી કાઢી. કે નિરુપમાએ જ સર પર કળશ ઢોળ્યો હશે ?

‘શુચિતા... તું છે ને એટલે જામ્યું. નહીં તો મને કેટલો કંટાળો આવત ? થર્મોસમાં કોફી લઈ લેવી છે ? હજી વીસ મિનિટનો રસ્તો બાકી છે. નિરુપમા આમ કરતી. ધીમે ધીમે ઘૂંટપીતી રહે, વાતો કરતી રહે. તે સવારે જ પહોંચી ગઈ છે. મહાલતી હશે લગ્ન.’ સરે નિરુ પુરાણ ચાલુ જ રાખ્યું હતું. જો કે તેને ગમ્યું. સંસારની એક સ્ત્રીની સુખ-કથા હતી. એની છાલક તેને પણ મળી હતી, તેય ભીંજાઈ હતી-વખતોવખત-યાદગાર અનુભવ હતો. કેટલી વહેલી પહોંચવાની હતી પાર્લામાં ? હજી પરમેશ્વરી તો પ્લેટફોર્મ પર પહોંચી હશે. શોધતી હશે તેને.

તેને પણ ખાસ્સો સમય મળી જશે-શોપિંગ કરવાનો, મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવાનો.

અરે, નિરાંતવી સ્નાન કરશે તે. ઘણાં સમયે તે આમ કરવાની હતી.. સુખની અંતિમ છોળ ઝીલવાની હતી.

સરે શું કર્યું અચાનક ? બ્રિફમાંથી સેન્ટ-સ્પ્રે કાઢ્યો. અહોભાવપૂર્વક શુચિને બતાવ્યો. ‘અસલી ચીજ છે કનોજવાળાની. નિરુ લઈ આવી હતી.

પ્રવાસે ગઈ હતી ને ? જોઈ લે આ સુગંધ. ક્યાંય નહીં મળે, શુચિ..

‘કહેતાં કહેતાં સરે પોતાના વસ્ત્રોને સ્પ્રેથી ભીંજવ્યા અને શુચિનેય ભીંજવી.’ સ્તબ્ધ થઈ ગઈ શુચિ. સાવ અણધારી જ ઘટના. શુચિએ તો ક્યાંથી કલ્પી હોય ? અરે, એ પુરુષની કલ્પનામાં પણ નહીં જ હોય. એ પળનો જ જાદુ. શુચિ નીતરી રહી સુગંધથી. લજ્જા તો અનુભવી પણ સાથે પાર વિનાની પ્રસન્નતા. આવું ક્યારેય નહોતું બન્યું તેની જિંદગમાં. કદાચ, બનવાનું પણ નહોતું. તે લજ્જાતી રહી, હાથ આડા ધરતી રહી પણ એ પુરુષે હસતાં હસતાં સ્પ્રે શરુ કર્યો.

સાથે સાથે નિરુનું પ્રશસ્તિ ગાન, સુગંધનું આવડી એવી ભાષામાં મહિમા-ગાન. સાવ કોરી શુચિ ભીતર લગી ભીંજાઈ ગઈ હતી. સુખની ચરમ સીમા હતી, ટોચ હતી. તે ધન્યા બની હતી.

સર કહેતા હતા : ‘શુચિ... સારું થયું, તું હતી સાથે. હું આ બધી વાતો નિરુપમાને કહીશ. કેમ છે સુગંધ ? પસંદ પડી ને ?’

(૬)

બાય-કર્યું તેણે, સરે. તે ગદ્‌ગદ્‌ બની ગઈ હતી. પાછા બીજે દિવસે સર મળવાના હતા, એ જ કેબિનમાં.

રોજ રોજ કાંઈ આવી અનુભૂતિઓ થાય ? સર પરપુરુષ હતા પણ પરિચિત હતા. તે રોજ અનેક વ્યક્તિઓ સાથે અથડાતી હતી. પુરુષો અને સ્ત્રીઓ. પરસેવાની અદલાબદલી થતી હતી એ સ્પર્શોથી.

સર ક્યાં એકેય વાર સ્પર્શ્યા હતાં તેને, સાવ નજીક હોવા છતાં પણ. અને તો પણ કેવી અનુભૂતિ હતી ? જાણે વળગી પડી ના હોય સરને?

કેવું કહ્યું, તે આ વાત નિરુપમાને કહેશે ?

વિશ્વાસ આ વાત જાણે તો ? તે જરા થરથરી ઉઠી, આ વિચારથી. અરે, એ પુરુષ તો આ સુગંધ માત્રથી જ સળગી ઉઠે ? પ્રશ્નો પૂછે!

‘કોણ હતો એ ? તારો બોસ ? તેણે તારી આ દશા કરી ? શો અધિકાર હતો તેનો ? શું તું તેની બૈરી હતી ? તે કેમ ના ન પાડી ? તારી પણ ઇચ્છા જ હશે. ઓળખું છું ને તને પગથી માથા સુધી. જબ, શું આ માટે...? તું તો... વેશ્યા છો વેશ્યા.’

તે કંપી, ભીતર ને બહાર. હજીયે લથબથ હતી સુગંધથી. તેણે તરત નિર્ણય લઈ લીધો. તે તરત ઘરે જશે. ઘસી ઘસીને સ્નાન કરશે.

સુગંધનો આખો વશ નિર્મૂળ કરવાનો હોય એ રીતે. એ રીતે વસ્ત્રોય ધોશે. રોજ પ્રસ્વેદ ધોવા સ્નાન કરતી હતી, આજે સુગંધ ધોવા.

૨ - આદિ, મધ્ય ને અંત

આદિ

બે લંબચોરસ ઓરડીઓ ને વચ્ચે એક બારણું. દિવસ દરમિયાન ખાસ્સી પગતાશ રહે અને રાતે જ્યારે જાનકી, એ બંધ કરે ત્યારે બે અલાયદા ખંડો. એક તો જાનકી-પરાશરનો, વરવહુનો શયનખંડ બને ને બીજામાં ઘરના બાકીના ત્રણ જીવો.

રાતે દસ વાગે મધ્ય દ્વાર બંધ થાય ને ચોપન વર્ષની સાવિત્રી કંઈક અણગમાથી એ ક્રિયા જુએ, પછી બબડે, કશુંક અસ્પષ્ટ રીતે. પણ ત્યારે તો પ્રભાકર, જમણી તરફની પાટ પર લગભઘ જંપી ગયા હોય ને ડાબી તરફ એકવીસની જાગુ, ટેબલલેમ્પને અજવાળે વાંચી રહી હોય. પરીક્ષા માટે હોય પછી વાંચવું જ પડે ને ?

એ બારી તરફનો ભાગ એકલી જાગૃતિનો. તે ખૂબ સાચવતી હતી એ ભાગને. બારીનો પરદો સતત સળવળ્યા કરે, એ તરફના પવનથી. બારી બહાર થોડી નાળિયેરીઓ ખરી ને ! એ પછી ઊંચા મકાનની હાર.

ખાસ કશું ન દેખાય, એ સિવાય. હા, થોડું આકાશ જરૂર લટક્યા કરે બીરીમાંથી.

જાગૃતિ આ દૃશ્ય જોયા કરે, વાળમાં કાંસકો ફેરવ્યા કરે. કેટલું સુખ મળે ? પછી પાછી એનીયે સીમા. ક્યાં સુધી ઊભી રહી શકે બારીમાં ? કૉલેજનો સમય થતો હોય ને ? એક આંખ ઘડિયાળના ડાયલમાં હોય.

એક ભીંતે નાનકડી છાજલી. ભલે, નાની પમ તેની કેટલી ચીજો ગોઠવી શકે ! પર્સ, પુસ્તકો-નોટબુકો, બકલ, બોરિયા, બહાર જતી વખતે પહેરવાની ચપ્પલની જોડ. ટેબલલેમ્બ-એ બધુંયને, એક નાનો અરીસો પણ આવી જાય એ સામગ્રીમાં.

મૂળ આ સ્થાન મોટી નિરંજનાનું. ભારે શોખીન વાંચવાની.

લાયબ્રેરીમાં જાય ત્યારે સમય જોવાનું યાદ ના આવે. હાંફતી હાંફતી આવે, બેત્રમ પુસ્તકો લેતીક. પાછું વિવરણ ચાલુ. માંડ મળ્યા આ બે. કેટલાક સમયથી શોધતી હતી ? પ્રસ્વેદની સાથે પ્રસન્નતા તગતગતી હોય ચહેરા પર.

સાવિત્રી ચીડથી કહેતી, ‘આને કોઈ ચોપડી લખનારા સાથે પરણાવવી છે.’

ને પરાશર ટાપસી પૂરે, ‘મમ્મી, રદ્દીવાળો ચાલે ?’

એ પમ સમય ગયો-ચપટી વગાડતાં જ જાણે !તે ર. વ. દેસાઈ, મુનશી, ધૂમકેતુને રટતી હતી ને તેને મળી ગયો હતો રવીન્દ્ર.

તે પહોંચી ગઈ હતી નંદરબાર. સરસ પત્રો લખતી હતી, ઘર- શેરી-ગામ વિશેના, પતિ વિશેના, દિનચર્યાના. પણ ધીમે ધીમે પત્રો ટૂંકા થવા લાગ્યા હતા.

સાવિત્રી સહાનુભૂતિપૂર્વક કહે, ‘બિચારી ! શું વાંચતી હશે ત્યાં ?

ખાલી ધખારા આ તો ! પરણે ને લાઈનસર થઈ જાય છોકરીઓ !’ પછી ઉમેરે, ‘જાગુડીને તો દૂર દેવી જ નથી ને. બસ, આ ગામમાં જ! એક ફોન કરો ને દોડતીક આવી જાય ! મોં જોવાઈ જાય, બે વાતો થઈ જાય, સુખદુઃખની.’

અને એકવીસ વર્ષની જાગુ, અણધારી જ ફંટાઈ જતી. થોથું હાથમાં હોય ને વિચારે ચડી જતી. ગામમાં એટલે ક્યાં ? કઈ શેરી ને કઈ પોળ?

તે લગભગ, જાણકાર હતી, બધા વિસ્તારોની, ને પછી પાત્રની વાત આવતી. કેવો હશે એ છોકરો ? જોયો હશે મમ્મીએ ક્યાંય?

પછી તે તેનાં વરસ ગણતી. કેવડી થઈ? આઠમી માર્ચ તેનો બર્થડે. ક્યાં કોઈ ઊજવતાં હતાં ? અરે, તેના સિવાય કોઈને યાદેય ક્યાં આવતો હતો? જરા સરખી તૈયાર થાય તોય પૂછે, ‘શું છે આજે ?’

બસ, આવે એ આઠમીએ તેને બાવીસમું...! ને તેનેય લાગે કે માની વાત ખોટી તો ન જ ગણાય. ગમેય ખરું ને અણગમોય આવે. નિરંજના પરણી જ ને? પોનની વાત પરથી તો લાગતું’તું કે...

ને થોથું એમ જ રહી જતું, છાતી પર. જાનકીભાભીયે પરણ્યાં જ ને ? કેવા ખિખિયાટા સંભળાતા હતા, અરધી રાતે ? જાગતાં હશે, ત્યારેય ? આવોય ખંડ મળશે ને તેને ? તે અને તેનો... એમ જ થાય બધાંયને. ટીવીની સિરિયલ તો કેટલી ઘડી હોય ? બેચાર દૃશ્યોને એટલા જ બ્રેક. પણ વાત તો આગળ વધે જ. ઉત્તેજના પણ જાગે કે શું થશે શ્રુતિનું ? પ્રેગનન્ટ છે ને પેલો તો એ વાત જાણતો ય નથી!

પછી તરત જ જાનકીના પગ ધરતીને સ્પર્શી જતા. આખી સિકલ બદલાઈ જતી. અરે, એ શ્રુતિ તો સુખી હતી. પ્રેગનન્ટ તો થઈ શકી હતી ને ? દસપંદર હપ્તા પછી આ પ્રકરણનો સુખી અંત આવી જવાનો.

પણ અહીં તો તળાવકાંઠે તરસ્યા એવો જ ઘાટ થયો હતો. ત્રણ વર્ષ થયા પરણ્યાને. મન તો થાય જ ને કે એક બાળક હોય ! અરે તેની ઈચ્છાઓ કેટલી તીવ્ર બની ગઈ હતી ? પરાશરનેય થતું જ હોય ને ? વ્યક્ત ના થાય પુરુષ, પરંતુ સ્ત્રીઓ પાસે તો હજાર રસ્તાઓ હોય વ્યક્ત થવાના. કશો છોછ જ ના મળે. બસ પૂછી જ નાખે.

પેલીને પાણીથી પાતળી કરી નાખે વાતવાતમાં. જાનકી સુપેરે જાણતી હતી આ માનસને. પણ તે મનથી મક્કમ હતી. ના લવાય નવા જીવને આવી સ્થિતિમાં. એક પગારની આવક પર કેટુલં નભવાનું હતું ? શાં લાલનપાલન થયા નવા જન્મ આપીને... બધું થઈ ગયાનો હરખ કરવો?

નો ઍન્ડ નેવર. જાનકી દૃઢ હતી તેના ઈરાદામાં, પતિનેય સમજાવ્યો હતો.

‘છો ને મન કોચવાય મમ્મીનું. પછી કેટલું ખેંચાવું પડે પરાશર ? જાણુ રંગેચંગે પરણી જાય ને આપણે કરી નાખીએ શ્રીગણેશ.’ તે હસી પડતી પતિ પાસે.

ત્યાં સુધીમાં પાર વિનાનાં સુખો યાદ આવી જાય તે બન્નેને. પછી તો હાથવગું સુખ જ આવે ને?

જાનકી કહેતી એ પુરુષને, ‘પરાશર...!’

પછી પર્સ ખોલતી, અંદરના ચોરખાનામાંથી મુઠી ભરતી પરિચિતતા સ્પર્શી લેતી, તેની આંગળીઓને.

‘હમણાં આમ જ. પરાશર. જાગુના લગ્ન પછી આને દેશવટો જ આપવાનો.’

તે હસીને વળગી પડતી એ પુરુષને.

મધ્ય

એકસઠ વર્ષના પ્રભાકર સાવ સરળ હતા. તે ક્યારેક તેમના જીવનમાં સોનેરી પૃષ્ઠો ખોલે, કોઈ પાસે, ને ત્યારે તેમનો ચહેરો કેવો ખીલી ઊઠતો! સંતૃપ્તિ હતી સ્વભાવગત.

આમ તો પ્રાઈવેટ ફર્મની નોકરી. મળી મળીને શું મળે ? ને એમાં જ કેટલી પ્રાપ્તિ કરી ? નિરંજનનાં ઘડિયાં લગ્ન ને આ જીર્ણ જણાતું મકાન પણ ક્યાં ઓછી મુસીબતે આવ્યું હતું ?

‘આ પરાશર નોકરીએ લાગ્યો પછી લીલાલે’ર થઈ ગઈ.’ તે હરખથી કહેતા.

‘ને જાનકી પણ સારી. અભાવોની ક્યારેય ફરિયાદ નહીં. બસ... હસતી ને હસતી. ઘરેય કરકસરથી ચલાવે.’ પ્રભાકર જાનકીના ગુણ ગાવામાં કચાશ ન રાખે. સાવ સાચુકલો માણસ.

‘ને જાગુનીય આછીપાતળી વ્યવસ્થા રાખી જ છે.’ એમ કહીને સાચુકલું હસી પડતા પ્રભાકર.

‘ને વિજયભાઈ માલિક પણ સારા. ઘરનો જ માણસ ગણે. પ્રસંગ આવતો હોય ને આગોતરી જ સહાય આવી જાય. અને મૂંઝાતા નહીં પ્રભાકર, એ તો છોગનું.’

પ્રભાકરે જ ફોન કર્યો હતો, એ માલિકની ચેમ્બરમાંથી. બધું ઝડપથી બની ગયું હતું એ સવારે. તેમણે જ પોન કર્યો હતો, ‘જાનકી...’

અને ધમધમાટ મચી ગયો હતો એ નાનકડા ઘરમાં.

એકાએક જાગુ કેન્દ્રમાં આવી ગઈ હતી. તેના ઘઉંવર્ણા ચહેરા પર લજ્જાની સાથોસાથ પ્રસન્નતા ભળી ગઈ હતી. જાનકીના પગમાં થનથનાટ હતો. કેટલાં કામો આટોપવાનાં હતાં. જાગુને જોવા એક છોકરો આવી રહ્યો હતો.

ટીવી આગલા ખંડમાં આવ્યું, પાટ પરની ચાદર બદલાઈ, બારીના પરદા વ્યવસ્થિત થયા.

ગમ્યું સાવિત્રીને. આ ટીવી જ ખલનાયક હતું, પૌત્ર કે પૌત્રીપ્રાપ્તિના અભિયાનમાં. તેને થતું કે જાનકીવહુ સિરિયલોમાં ખોડાઈ રહે પછી કશું બનવું અસંભવ હતું. થાક્યોપાક્યો પરાશર તો ઊંઘી જ જાય ને પછી ! ને સવારે તો વહેલા જ ઊઠવાનું હતું જાનકીને. તે ઊઠી પણ જતી આળસ મરડતી.

સાવિત્રીને થતું કે આ તો નર્યાં બહાના જ હતાં. ખરેખર તો જાનકીને ઈચ્છા જ નહોતી મા બનવાની. ભલું પૂછવું, કશા ઉપાયો પણ કરતા હોય રોકવાના.

ને કેટલાં લોકને જવાબો આપવાના ? તે થાકી જતી. કહે પણ શું? ત્રણ વર્ષનો ગાળો કોરો જાય તો લોકો તો પૃચ્છા કરે જ ને !

અરે એમ પણ કહે કે દવા કેમ કરતા નથી; પેલી બીજી કે ત્રીજીએ દવા કરી ડૉક્ટરની ને ત્રીજે જ મહિને પરચો !

વાત છેક ત્યાં સુધી પહોંચી હતી ને આ મહારાણીને ગગનમાં ગાજતું હતું.

થયું, હવે ટીવી આ ખંડમાં રાખવો. સમાચારો ના જોવા હોય પ્રભાકરને ?

‘સાવ મોળો છે એ પુરુષ’ અંતે ક્રોધ ત્યાં ઠલવાતો. ‘નહીં તો શા ભાર જાનકીવહુના કે...’

પણ આજે પરિસ્થિતિ બીજી દિશામાં જઈ રહી હતી. જે રીતે તૈયારીઓ થતી હતી, જાગુને તૈયાર કરાતી હતી, જાનકીને વખાણવી પડે એમ હતી.

તેની પણ આટલી દૃષ્ટિ નહોતી પહોંચતી. કેમ વાત કરવી, શો જવાબ આપવો, એ બધું જ જાનકી શીખવી રહી હતી, તેના વાળને ગૂંથતાં ગૂંથતાં.

સાવિત્રી સાંભળે તો ખરીને ? ઘડીભર તે ભૂલી ગઈ, પૂર્વગ્રહને. વિચાર્યું કે તેને શાંતિથી સમજાવવી. કઈ સ્ત્રીને મા બનવું ના ગમે ?

એમ તો નિરંજનાના પણ ક્યાં કશા વાવડ હતા ? શું કહી શકાય તેને ? પુત્રી ખરી પણ તેની સત્તા ક્યાં ચાલવાની હતી તેના ઘરમાં ?

ને વળી, લાગમીની છાલક વાગી.

અરે, એવુંય બને કે જો ભાગ્ય હય તો જાગુડી જ કૂદી પડે ! તે જ પહેલી થઈ જાય ! તેને તેના બધા જ અવસરો યાદ આવી ગયા. શું થયું હતું દરેક વખતે ? પીડા જ વળી ! પીડા અને પાર વિનાનો આનંદ.

સાવ સીધો હતો વિસ્મય. મોજ પડી ગઈ જાગૃતિને, અજાણ્યા પુરુષ સામે બેસીને વાત કરવાન આ પહેલો અવસર હતો. તે ફફડતી હતી, પરીક્ષા આપતી હોય તેમ જ, પણ પછી ખ્યાલ આવી ગયો કે તેય ફફડતો હતો ! ને પછી ચીલાચાલુ સવાલજવાબ થયા. થોડી હાંસિયા બહારની વાતો પણ થઈ. કોઈએ શીખવી જ નહોતી એવી વાતો.

ફડફડાટ ચાલ્યો ગયો હતો બેય પક્ષે. ને વિસ્મયે તો કહી પણ દીધું

ઊઠતાં ઊઠતાં, ‘પછી લખશે ને લવલેટર ? લેડીઝ ફર્સ્ટ. પછી હુંય લખીશ.’

જાહુએ હા પાડી, ને તરત ખ્યાલ આવી ગયો કે ભૈ આ તો સ્વીકૃતિ. કાં અમસ્તો લવલેટર લખાય ? એ સાંજે જ સંબંધનાં ગોળધાણાં ખવાઈ ગયાં. પાર વિનાની ખુશી વ્યાપી ગઈ હતી જાગુને.

ફોન થઈ ગયો નિરંજનાને. ‘નિરુ, આપણી નાનકી તો ભૈ, ભારે નસીબવાળી. તારી વખતે તો પાંચ-છ ઠેકાણાં જોવા પડ્યાં હતાં ત્યારે થયું’તું.

ને જાગુડીને તો પહેલે જ...’ સ્વપ્નો જોવાનું શરૂ થયું, દિવસે અને રાતે.

જાનકી વિચારતી હતી, ‘લો આવી ગઈ સપરમી પળ. હવે તોદેશવટો જ દઈ દેશે, એ અવરોધને, આવવાદેશે નવા મે’માનને. જાગુની જગ્યા હવે એ મેમાનની. ત્યાં ઘોડિયું રહી જશે ને છાજલી પર બધાં વૈતરણાં, નવા મે’માનના. પણ... ઉપસેલા પેટે કાંઈ અવસર માણી શકાય? લગ્ન જલદીથી જ આટોપવાના.

દરમિયાન સખીની મદદથી જાગુએ લવલેટર પણ લખી નાખ્યો. બે વાર વાંચી ગઈ. એક વાર જાનકી પણ. મલકી લે. યાદ આવી ગયું કે તે તો આ અવસ્થામાંથી ગુજરી શકી જ નહોતી. સાવ સરળતા પ્રભાકરની. તેણે લખ્યોય ખરો, હોઠે ને છાતીએ એડાડ્યો પણ ખરો પણ ક્યાં મોકલી શકી હતી પતિને ?

એક વાર મળી હતી, બસસ્ટોપ પર; પરાશરે તેની ઑફિસ વિશે વાતો કરી હતી ને તેણે ચૂપચાપ સાંભળી હતી. થયું હતું કે તે શું પામી શકશે, આ સરળ પુરુષ પાસેથી, પણ તે કેટલું પામી હતી, સાવ સીધી લીટી જેવું સુખ. નરી નિખાલસતા, સરળ વ્યવહાર અને પાર વિનાનો પ્રમ. કશો ભાર જ નહીં. આ ત્રણ વર્ષ થયાં.

વિસ્મયે જ નક્કી કર્યું કે તે આવશે સાંજે. મોપેડ પર લઈ જશે જાગુને. ગમતી ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાશે ને ત્યાં જ જાગુનો લવલેટર વાંચશે. ને પોતાનોય વાંચી જશે. સહજીવનનો પહેલો એધ્યાય ભજવાશે એ સાંજે. છોકરી સરસ મજાની તૈયાર. જાનકી જોયા કરે, મલકાયા કરે. લો, હજી નજીક આવી ગયો મુક્તિનો અવસર. દેશવટો આપી દેશે ચોરખાનાના સાધનને.

અંત

પ્રભાકર લટાર મારવા ગયા હતા ને સાવિત્રી કોઈકનાં બેસણામાં. જાગુ વિસ્મયની પ્રતીક્ષામાં; ઘડીક બારીમાં ડોકાય ને બીજી ઘડીએ એઅરીસામાં. જાનકી પીછો પકડે આ અણઘડ છોકરીનો, મરક મરક સાથે. તેય પ્રતીક્ષામાં હતી પરાશરની.

મોબાઈલ રણક્યો વિસ્મયનો. છોકરી દોડી ગઈ ફોન ભણી. તે પસાર થતો જ હતો ચોકમાંથી. કેટલો ભરચક હતો એ ચોક ? પ્રભાકરને મન આ પણ એક સુખ હતું. બે ડગલાં ચાલો ને ચોક. બધી જ વસ્તુઓ મળે. દૂર જાવું જ ન પડે. દવા, દૂધ, શાકભાજીથી માંડીને...

ફોન મુકાયો ને એક જબર ધડાકો થયો. પ્રચંડ આઘાત, અવાજ અને પડઘા. છજાનાં કબૂતરોની પાંખો એકસામટી ફફડી ઊઠી. મણસો કેટલાં બધાં હલબલ્યાં ? વાસણો કંપ્યાં છાજલી પરનાં ? એક કાચની તાસક ઢળી પડી જાનકીની સામે. ચીસો પડી ગઈ આસપાસ શેરીમાં. ભ્રમણા થઈ ભૂકંપની. કાન પર હાથ મુકાઈ ગયા. જાગુ લાગવી વળગી પડી હતી જાનકીને. કંપ તો જાનકીનેય થતો હતો.

શેરીમાં શોરબકોર. હવા સાથે ધૂળ અને ગંધ પ્રવેશ્યાં. માણસોના આડેધડ ધસી આવતા પગલાંઓ અને પછી ગભરાટભર્યા શબ્દો, ‘બોંબબ્લાસ્ટ ! બોંબબ્લાસ્ટ થયો ચોકમાં. ચીસો, ધુમાડો અને...’

સમજ પડી ગઈ ઘટનાની. ક્યાં નવાઈ હતી પમ છેક ચોક લગી પહોંચી ગયા એ લોકો ?

કશુંક થીજી ગયું, મન અને તનમાં.

બે દિશામાંથી પ્રભાકર, સાવિત્રી અને પરાશર આવી ગયા. સાવ સલામત. આઘાતમાંથી થોડો બહાર આવી ગયો પરાશર; કહે, ‘ચાલો આપણો પરિવાર સલામત છે. કૃપા ભગવાનની. નહીં તો આ સમયે જ...’

‘હા પરાશર... આ સમયે ચોકમાં જ હોય, પ્રભાકર પણ હોય જ. ભૈયાની કેબીનમાંથી દૂધ લેવા જવાનો જ સમય.’

પણ ત્યાં તો જાગુની ચીસ સંભળાઈ, ‘ભાભી... વિસ્મય !’ સૌને ભાન થયું વિસ્મયનું. હા, તે સમયે ચોકમાંથી પસાર થતો હતો. હવે તો તે પણ પરિવારના દાયરામાં જ ગણાય. ચિંતા ફરી વળી, ચહેરાઓ પર.

નીચે શેરીમાં માનવકોલાહલ હતો. આતંકની અસર હતી. તીવ્ર વાસ જાણે હવામાં ભળી ગઈ હતી.

‘હું તપાસ કરું.’ પરાશર ગયો.

જાગુનો ચહેરો કરમાઈ ગયો. જાનકી તેને સંભાળતી હતી. તેણે જ ફોન લીધો હતો વિસ્મયનો.

બસ એ છેલ્લી વાત હતી. માંડ એક હૉસ્પિટલમાં તેનું શબ મળ્યું હતું. પરાશરની સાથે એ લોકો પણ હતાં, શોધમાં અને ચિંતામાં. રુદન સિવાયની ભાષા ગૌણ હતી, અપ્રસ્તુત હતી. વિસ્મય નહોતો હવે, કોઈની દુનિયામાં.

કોઈને આ વાત જાગૃતિ સુધી પહોંચાડવાની જરૂર ના લાગી. વિસ્મયના મૃત્યુની વાત આડકતરી રીતે જ મળી.

સાવિત્રીએ કહ્યું હતું સહજતાથી, ‘હજી કોણ જાણે છે આ સંબંધ વિશે ?

ગોળધાણા અહીં જ ખવાયાં હતાં ને ઘરમાં જ ? બસ, વાત દાટી જ દેવાની. નાહક વગોવાઈ જાય જાગુડી !’

ને જાગુએ રડવા માંડ્યું હતું, ડૂસકાં સાથે. જાનકીએ તેને સમજાવી હતી, શાન્ત રહેવા.

પ્રભાકરના ચહેરા પર ખામોશી હતી પણ સાવિત્રી ચાલાક પુરવાર થઈ.

‘શો સંબંધ હતો હજી ? ક્યાં જાગુ તેની સાથે બહાર ગઈ હતી એકેય વાર ? ક્યાં જાણે છે કોઈ ? બસ, ભૂલી જવી આ વાતને.’ તેણે પુનઃ કહ્યું હતું, ભાર દઈને. અલબત્ત ડર હતો છોકરી નાહક વગોવાઈ જાય એનો.

પણ એ જ થઈને રહ્યું હતું. એ લોક શાંત નહોતા રહ્યા. ભરખી ગૈ વિસ્મયને, અમંગળ પગલાંની, એ વાક્ય વહેતું થયું હતું.

જાગુ થીજી ગઈ હતી. સાવ આમ બને ? આમ જ મૃત્યુ આંબી જાય ? ક્યાં સ્પર્શ કર્યો હતો તેને, અપાર ઇચ્છા હોવા છતાં પણ ? તેણે લખેલો પત્ર હજીય પર્સમાં હતો. આવડ્યાં એવાં સ્વપ્નો ગૂંથીને બેઠી હતી. હજીય એ ચહેરો નજર સામે તગતગતો હતો. થોડાં વાક્યો પણ સાચવીને બેઠી હતી, તન્વી સાથે હળવાશથી બે વાતો પણ કરી હતી એ છોકરા વિશે.

સરસ તૈયાર થઈને મન સમજાવીને બેઠી હતી બારીમાં, ને બે પળમાં બધું ખલ્લાસ, સ્વપ્નોનો ભંગાર વેરાઈ ગયો.

નિરંજનાનો ફોન આવ્યો, સમાચાર સાંભળીને. ‘બધાં સલામત છે ને ? કેવો ધ્રાસકો પડ્યો, ભાભી ? શું એ છોકરો જ ? શું નામ વિસ્મય ? ભારે થઈ જાનકીભાભી. જાગુ તો ઉદાસ થઈ હશે. આ કંઈ નાનીસૂની વાત ના ગણાય. કોઈ લેખક સરસ વાર્તા... લખી નાખે. સાંત્વના આપજો જાગુને. અને ભાભી, એક નવો વળાંક. આઈ એમ પ્રેગ્નન્ટ. ના કહેતા મમ્મીને. આવા વાતાવરણમાં મમ્મી હરખઘેલી થાય જ પણ એ જાગુને ના ગમે. બરાબર ને ? તમારું શું છે, ભાભીસાહેબ ?’

જાનકી કશું બોલી ના શકી. હસીને વાત વાળી લીધી, પણ ભીતર ચચર્યું તો ખરું જ.

‘ક્યાંથી થવાનું હતું હવે ? જાગુની વાતનું ફિંડલું વળી ગયું. તરત ક્યાંથી મળે ? અને નામ વગોવાય તો... અંજળ લટકી પડ્યાં તેનાં અને જાગુનાં !’ સાચેસાચ નામ વગોવાયું જાગુનું.

‘એ છોકરી જ અશુભ. ભરખી ગઈ વિસ્મયને.’ ઉદાસ થઈ ગઈ છોકરી.

‘મળી જશે જાગુને. એક પર થોડું ભૂંગળું ભાંગ્યું હતું ? બોંબ બ્લાસ્ટ થાય એમાં છોકરી શું કરે ? નરી અભદ્રતા.’

સાવિત્રી કોમળ બની ગઈ હતી જાગુ પ્રતિ.

પમ ઘેરી ઉદાસી, રોકી રોકાય તેમ નહોતી. સૂનમૂન જાગુ બેસી ગઈ બારીમાં.

અસહ્ય બની ગયું જાનકી માટે. તેણે પરાશરને કહ્યું, ‘પરાશર, ફૂટપાથ પર જન્મ આપે છે સ્ત્રીઓ. હું જન્મ આપીશ મારા બાળકને આ જ ઘરમાં. આ જ સંકડાશમાં. હવે જાતને રોકી શકું એમ નથી. પેલું ચોરખાનાવાળું પર્સ ક્યારનુંય ફેંકાઈ ગયું. પરાશર, મારે કશો ખપ નથી હવે.

આ ટીવીને આગલાં ખંડમાં લઈ લો ત્યાં રહી જશે ઘોડિયું. ત્યાં જ લઈશ એને છાતીએ. મમ્મી હારલડાં ગાશે અને પરાશર... એકબે ટ્યુશનોની વ્યવસ્થા પણ થઈ જશે. નો પ્રોબ્લેમ.

અને કાલે નોંધાવી દો જાગુનું નામ મેરેજ-બ્યૂરોમાં, ના જોઈએ ઉદાસી આ ઘરમાં.’

પરાશરે અનુભવ્યું કે કેટલી અધીરી થઈ ગઈ હતી જાનકી ? ક્યાં સાચવીને બેઠી હતી આ તરસ ? આટલી નિકટ તો પણ આટલી અજાણી?

અંધારામાં તેણે પરવશતાથી પૂછી નાખ્યું, ‘ક્યાં છે તું જાનકી ?’

૩ - એ ચીસ...

તમારે નૃત્યાંગના માધવી દેસાઈના ઘરની મુલાકાત લેવી છે ને ? ચાલો મારી સાથે. આ ચોક વળોટો પછી જમણી તરફના વળાંકે વળી જવાનું. ત્યાં એક ઘટાદાર ગુલમહોર અર્ધો માર્ગ રોકી ઊભો હશે. સામે એક ઝાંપો હશે.

ત્યાં જૈફ રામરતન ઉદાસીના ભાવ સંતાડતો ઊભો હશે. તેને પૂછશો એટલે તે ભીતર જવાનો સંકેત કરશે.

દરવાજો ખૂલશે અને વાતાવરણમાં કિચુડાટની કર્કશતા વ્યાપી જશે.

પછી સૂકા વેરાન જેવો પટ આવશે. એક વખત ત્યાં લીલુંછમ ઘાસ હતું, ફુવારો હતો, ફુવારામાંથી શીતળ જળધારાનો છંટકાવ થતો હતો. આજે સમય મળે ત્યારે માધવી એપુવારાની ભીની પાળ પર નચિંત બનીને બેસી જતી, તેના ખળભળતાં બિંબને જોયા કરતી.

લો, તમે માધવી દેસાઈના ઘર પાસે તો પહોંચી ગયા. પાંચ છ પગથિયા ચડો એટલે ખુલ્લી પરસાળ આવશે. એક ખૂણામાં કલાત્મક હીંચકો છે-યથાવત. હવે તેને દક્ષિણ દિશાનો પવન હિલોળે છે. નિકુંજ કે માધવી- કોઈ બેસતું નથી, એના પર. બપોરે થાક્યો પાક્યો બનેસિંગ એના પર લંબાવે છે. અને ક્યારેક તો કોઈ શ્વાન પણ લેટી જાય છે.

પહેલાં તો આ પરસાળ મુલાકાતીઓથી ભરીભરી હોય. સાંજના પડછાયાઓ ડૂબવા માંડે અને મહેફિલો જામવા લાગે. કેટલાં મિત્રો, કેટલાં મુલાકાતીઓ ! નિકુંજ અને માધવી એ સહુને સંભાળતાં હોય. બનેસિંગ તો સરભરા કરીને થાકી જ જાય.

જરા ભીતર જઈએ એટલે જમણી તરફ માધવીનો નૃત્યસાધના ખંડ આવે. એની વિશાળતા, પવિત્રતા ઊડીને આંખે વગે. તેણે જાતે જ દેખરેખ રાખીને સજાવેલો. એકે એક ઈંટ પર તેનો સ્પર્શ અનુભવાય. સ્વચ્છતા પણ કેટલી ? તે ખુદ ખ્યાલ રાખે. પ્રકાશ વ્યવસ્થા, રંગ, બધાં પર માધવીની દૃષ્ટિ. મંદિર જ લાગે છે ને ? સામે નટરાજની મૂર્તિ પાસે ધૂપસળી જલે છે.

એક તરફ શારદાપ્રસાદ બેસે-તબલાની સંગત આપવા. તે વૃદ્ધ હતા પરંતુ તેમની આંગળીઓ જવાન હતી. થાપી પડતી અને વાતાવરણમાં કંપન ફળી વળતું. માધવી પગના પાયલ રણઝણાવતી અને કણકણમાં દિવ્યતા લીંપાઈ જતી.

અહીં તે વહેલી સવારથી જ... નૃત્ય સાધના કરતી... થા થા થા થૈ - થી વાતાવરણ સભર બની જતું.

‘બસ, કરો બેટી, થક જાઓગી !’ શારદાપ્રસાદ કહેતા. પણ ના, તે ક્યાં થાકતી હતી ? વચ્ચે વચ્ચે... પરસેવો લૂછી નાખતી, શારદાપ્રસાદજી સામે સિમત વેરી લેતી. અને પછી પુનઃ...

નૃત્યનો શોખ તો તેને છેક પારણામાંથી હતો.

પેલી છબી જોઈ-પૂર્વ તરફની દીવાલ પર ? એક ઢીંગલી જેવી છોકરી નૃત્ય કરી રહી છે-ચણિયાચોળીમાં ! બસ, એ જ માધવી, બાળ-માધવી. માંડ સાત-આઠની.

ત્યાં સુધીમાં તો શાળામાંથી પાંચ-છ ઈનામો જીતી આવી હતી, નૃત્યો માટે. કેવો, અંગમરોડ ! કેવી સૂઝ-સમઝ ! સહુ મુગ્ધ હતાં. એ ઢીંગલી પર. ‘આ તો જનમ પહેલાં શીખીને આવી છે.’ વિધવા માતા આશ્ચર્યથી કહેતી. ‘આને આગળ વધારજો, સ્મિતાબેન’ કોઈ સલાહ પણ આપતું.

એક કળી ખીલી, જોતજોતામાં મહેકવા લાગી. શાળામાં પ્રોત્સાહન મળ્યું. નશીબ ખરાને. તેને અનુકૂળતા મળવા લાગી.

એ સમયે તે માધવી ગોસ્વામી હતી, સોળ સત્તરની, નૃત્ય તેનો પ્રાણ હતો.

સ્મિતાબેનને ચિંતા થયા કરતી. આવાં શોખનો શો અર્થ હતો ? તેણે પારકે ઘરે તો જાવાનું જ હતું, કોઈ પરિવારનું અજવાળું થાવાનું હતું. ક્યાંથી પોષાશે આવો શોખ ?

વળી એ ચિંતા સમેટાતી. અરે ! એ તો સમય આવશે ત્યારે ભૂલી પણ જશે. છોકરીઓ તો કેટલી સમજદાર હોય !

આ તો મોટી તસ્વીર છે. આવી તો અનેક તસ્વીરો તેના અંગત આલ્બમમાં સચવાઈને પડી છે. તમને લગભગ દરેક અવસ્થાની માધવી મળે એમાંથી. સૈશવની માધવી, કિશોર માધવી, મુગ્ધવયની માધવી અને છેલ્લે યૌવનમાં પ્રવેશી રહેલી માધવી. બધી જ લગભગ બ્લેક એન્ડ વ્હાઈટમાં છે, કેટલીક રંગીન પણ છે.

હા... એક તસવીર એમાંથી કાઢી લીધી હતી, ખુદ માધવીએ. એની ઝીણી ઝીણી કરચો કરીને તેણે એ અગ્નિને હવાલે કરી હતી. અને તેમ છતાં પણ રોષથી સળગતી હતી.

એ તસ્વીરમાં મુગ્ધવયની માધવી પાસે એક કફનીધારી પુરુષ ઊભો હતો, તેના ખભા પર હાથ મૂકીને.

એ આલ્બમમાં કેટલીક અંગત વ્યક્તિઓના ફોટોગ્રાફ પણ છે. તેની માતા, મૃત પિતા, મૃત ભાઈ, તેની એક શિક્ષિકા, એ ભલી સ્ત્રીએ આગ્રહ કરીને તેને દક્ષિણના પ્રવાસમાં સામેલ કરી હતી. સ્મિતાબેન તો ક્યાં સંમત હતા-તેના પ્રવાસ માટે ?

‘સ્મિતાબેન, ખૂબ જાણવા મળશે તેને નૃત્યો વિશે. દક્ષિણ ભારત તો નૃત્યની ભૂમિ છે.’ અમીબેને ઉત્સાહથી કહ્યું હતું.

માધવી સાવ છેલ્લી ઘડીએ સામેલ થઈ હતી.

નિકુંજ દેસાઈ ક્યારેક નૃત્યખંડમાં ડોકીયું કરી લે. આમ તો તે એક સફળ બિઝનેસમેન છે. નગરમાં તેની પોતાની ખ્યાતિ છે. ફેક્ટરી સરસ ચાલે છે.

નિકુંજને નવાઈ લાગતી-માધવીનું નવતર રૂપ જોઈને.

અરે, શું આ એજ સ્ત્રી હતી-જે રાતે તેના પડખામાં પારેવાની જેમ ભરાઈ જતી ?

આમ તો તેને નૃત્ય સાથે કશોય સંબંધ નહોતો. એકવાર તેમણે એક કાર્યક્રમમાં સ્ટેજ પર માધવીને નૃત્ય કરતા જોઈ. તે મુખ્ય મહેમાન હતો એ અવસરનો.

તેણે માધવી ગોસ્વામીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. દૂરથી દેખાતી માધવી નિકટ ગયા પછી પણ એટલી જ સુંદર લાગતી હતી. ના, નિકુંજ દેસાઈ એ સ્ત્રીને ભૂલી ના શક્યો. તેને થયું કે આ સ્ત્રી તો તેની પાસે હોવી જોઈએ. એકદમ નિકટ... પત્ની જ !

અને તેણે ધાર્યું કર્યું જ.

સ્મિતાબેન તૈયાર થઈ ગયા. અલગ જ્ઞાતિ હતી, પરંતુ... એની ચિંતા કરવાનો સમય જ નહોતો. આ તો અચાનક આવી પડેલું સુખ હતું. આ તો ચમત્કાર ગણાય.

‘મારી માધવીને આવો સરસ પતિ ? ભેને જ્ઞાતિ... અલગ, સમાજ તો ટીકા કર્યા કરે. મુશ્કેલી આવે ત્યારે... શું એ લોકો મદદ કરવાના હતા ? અરે, પીંખી નાખત...’

સ્મિતાબેને નિર્ણય કરી નાખ્યો હતો. માધવી તો ખુશ હતી.

‘તું તારો નૃત્ય શોખ... આગળ વધાર જ...’ નિકુંજે તેને ભાવવિભોર કરી મૂકી હતી. આની તો કલ્પના પણ ક્યાંથી હોય ?

પરસાળની ડાબી બાજુ એ લોકોનો ડ્રોઈંગરૂમ. સૌમ્યતાના દર્શન થાય. ખપ જોગું ફર્નચિર. આછા રંગો.

નિકુંજ લગભગ અહીં જ હોય. ફાઈલો તૈયાર થતી હતી. ફોનની ઘંટડી રણઝણતી હોય. ક્યારેક કોઈ અગત્યના મુલાકાતીઓ સાથે વાતચીતો ચાલતી હોય.

સવારે અને સાંજે, ડ્રોઈંગરૂમ વ્યસ્ત હોય. નૃત્યના શ્રમથી પરવારેલી માધવી ક્યારેક નિકુંજ એકલો હોય ત્યારે સ્નાન કરીને નીતરતી કેશલતા સાથે આ ડ્રોઈંગરૂમમાં પ્રવેશે, ધીમેથી આવીને નિકુંજ પાસે સોફાની ધાર પર બેસી જાય. વાળની લટો ઝંટકારે ત્યારે પતિ પર વરસે પણ ખરી.

‘ખૂબ આનંદ છે આજે ?’ નિકુંજ હસી પડતો. ‘તમને ભીંજવવા છે મારે.’ તે ટહૂકતી.

પરંતુ એક વેળા તે ચૂપચાપ ડ્રોઈંગરૂમમાં આવી હતી. ચહેરા પર તણાવ હતો. સ્નાન કરીને જ આવી હતી, પણ શાંત હતી.

સામા સોફા પર બેસી ગઈ હતી.

‘નિકુંજ... હવે આ સહ્યું જતું નથી.’ તે રડમસ સ્વરમાં બોલી હતી.

‘શું છે ? નિકુંજ સામે કોઈ ફરિયાદ હોય તો...’ નિકુંજ આટલું તો બોલી ગયા પણ પછી લાગ્યું કે વાત ગંભીર હતી.

‘નિકુંજ... આ વખતે પણ... એમ જ...’ તે બોલી અને રડી પડી. નિકુંજને સમજ પડી હતી. ચાર વર્ષના લગ્નજીવન પછી પણ માધવી ક્યાં માતૃત્વ પામી હતી ?

વાતો થતી આ વિષયની, ક્યારેક હળવાશથી તો ક્યારેક ગંભીરતાથી. પ્રારંભમાં તો નિકુંજની વાત તેણે માની હતી.

‘માધવી હમણાં તો મુક્ત જ રહીએ એ બંધનથી. પછી યોગ્ય સમયે એ સ્વીકારી લેશું-પૂરાં પ્રેમથી.’

માધવીને પતિની વાત યોગ્ય લાગી હતી. પણ સમય તો સમયનું કામ કરે જ. એ ક્યાં કોઈ માટે રોકાવાનો હતો ?

‘નિકુંજ, છેલ્લાં એક વર્ષથી હું સાવધ પણ રહેતી નહોતી, જાણી બુઝીને.’ તે બોલી હતી.

નિકુંજે સાંત્વના આપી હતી. બંનેએ તજજ્ઞોનું શરણું લીધું હતું. ડૉક્ટર પાઠકે નિકુંજને કહ્યું હતું કે...

એ ડ્રોઈંગરૂમની બાજુમાં જ આરસનો દાદર છે... વક્રાકાર. પંદર પગથિયાં ચડીએ ને માધવીનો શયનખંડ આવે. માધવી અને નિકુંજનો શયનખંડ.

મોટો ઢોલિયો-સીસમનો. કલાત્મક... કોતરણી વાળો. આ એક એન્ટિક પીસ... માંડ મળ્યો હતો. કોઈ રજવાડાનું ફર્નિચર લીલામથી વેચાતું હતું. માધવીએ જીદ પકડી હતી : ‘નિકુંજ... આ ચીજ તો આપણેલેવી જ જોઈએ. કેટલી સરસ છે ?’

એક સવારે ડ્રોઈંગરૂમમાં થયેલ ઉદાસી વિસ્તરી હતી. નૃત્યખંડની પ્રવૃત્તિ સંકેલાઈ ગઈ હતી. માધવી શયનખંડમાં જઈને રડી પડતી હતી. ‘શું આ મને મળેલી સજા હશે ?’ તેને વિચાર આવી જતો...

ઝબકારાની જેમ. ને નખશીખ કંપી જતી.

નિકુંજ કેહતા : ‘માધવી... ઈશ્વરે તારી સામે તો જોવું જ જોઈએ. અને મને વિશ્વાસ છે કે ઈશ્વર જરૂર તારી ઝોળીમાં...’

‘તમે તો પુરુષ છો... નિકુંજ... તમને સ્ત્રીની વાત નહીં સમજાય.’ તે કહેતી.

પણ નિકુંજ ખ્યાલ હતો કે તે ક્યારેય મા બનવાની નહોતી. ડૉક્ટર પાઠકે તેમની તપાસનું તારણ કાઢ્યું હતું.

‘મિ. દેસઈ... તમે યોગ્ય સમયે તેમને સમજાવજો. અલબત્ત એ કાંઈ સરળ વાત તો નહીં જ હોય. કોઈ પણ સ્ત્રી માટે આ બાબત આઘાતજનક હોય છે. અને માધવીબેન પાછાલ કલાકાર છે.’

અલબત્ત અમુક વાત તો ખુદ ડૉક્ટર પાઠકે છુપાવી હતી. તેમની સમજમાં આવી વાત તો આવી જ જાય.

‘અને મિ. દેસાઈ, આ મારી તપાસને ફાઈનલ ગણજો. ખોટી દોડધામમાં પડતા નહીં.’

તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

‘માધવી... પુરુષ છું તો પણ માણસ ખરો જ ને. મને તારી લાગણીનો ખ્યાલ છે. બસ, પ્રાથના કરી શકીએ ઈશ્વરની. મને તો વિશ્વાસ છે કે આપણને નિરાશ નહીં કરે. અને માધવી... કશું જ ના મળે તો એ પણ ઈશ્વરની ઇચ્છા ગણી નાખવાની. મને તો લાગે છે કે માધવી, તું ફરી નૃત્યનો રિયાઝ શરૂ કરી દે.’

નિકુંજે પત્નીને સમજાવી હતી, સાંત્વના આપી હતી અને સાથે

સાથે ગર્ભિત સંકેત પણ કર્યો હતો.

એ દિશામાં ગયા સિવાય છુટકો જ નહોતો. અલબત્ત માધવીએ નૃત્યશાળાની વાટ તો ના જ પકડી. પરંતુ તે થોડી હળવી થઈ ગઈ.

પૂજાપાઠમાં મન પરોવાવા લાગ્યું.

આ ઘરમાં તેનો એક અંગત ઓરડો પણ છે. સાવ સાદો. એક જૂની પેટી છે, જેમાં જૂનાં વસ્ત્રોની સાથે થોડી ચોપડીઓ પણ છે. મિત્રોના પત્રો છે, ફોટોગ્રાફો છે. અને પેલું અંગત આલ્બમ પણ છે-જેમાં એક સમયે જ્વાલાપ્રસાદનો ફોટો હતો, મુગ્ધ માધવી સાથેનો. એ બન્નેનો જ...!

માધવી હોંશે હોંશે સહુને એ ફોટો દેખાડતી, આદરપૂર્વક નમન કરતી. ‘જુઓ, આ મારા ગુરુજી...’

એ ભાવચિત્ર ભાંગીને ભૂક્કો થઈ ગયું. એક રાતે દક્ષિણના પ્રવાસ દરમ્યાન ગભરું માધવીને ખ્યાલ પણ ના હોય ને કે... ગુરુજી... તેની સાથે... આવું કરે ?

તેણે પ્રતિકાર પણ કર્યો હતો પણ તે બેવડા આઘાતથી અધમૂઈ થઈ ગઈ હતી. એ પુરુષ સામે તેનું શું ગજું ? ચીસ પાડી એ પણ બવાન પંજા વચ્ચે દબાઈ ગઈ હતી.

તેને માતા યાદ આવી હતી જે તેને પ્રવાસમાં મોકલવા રાજી નહોતી.

અને પછી ધમકી. તે ડરી ગઈ હતી.

જેમ-તેમ પ્રવાસ પતાવીને ઘરે પાછી ફરી હતી. પેલો પુરુષ તો અધવચ્ચેથી... સરકી ગયો હતો.

કિલ્લોલતાં ટોળામાં તે એકલી જ ઉદાસ હતી.

‘ઘર સાંભરી આવ્યું ને, માધવી ?’ એક સખીએ સાંત્વના આપી હતી. અને તે તેને વળગીને રડી પડી હતી.

કેટલાં સ્થાનો જોયાં હતાં ? મંદિરો-ઊંચા અને વિશાળ, વિશાળ સાગર તટો, નાળિયેરના ઊંચા વૃક્ષોનો ઝૂંડ, ડાંગરના ખેતરો. પણ તેનું મન લાગ્યું નહોતું.

ઘરે આવીને પહેલું કામ માતાને વગીને રડી લેવાનું કર્યું હતું. પછી બીજું કામ, આલ્બમમાંથી જ્વાલાપ્રસાદના ફોટાને ફાડીને એનાં કટકેકટકા કરવાનું. આ આલ્બમ અત્યારે માધવીની અંગત પેટીમાં છે.

એ દિવસે માધવીના કહેવાથી જ રામરતન એક ખ્યાતનામ જ્યોતિષીને આ ખંડમાં લાવ્યો હતો. માધવીને ખ્યાલ હતો જ કે પતિ આવી બધી બાબતોમાં વિશ્વાસ નથી કરતા.

આ તે બન્નેની જ ગોઠવણ હતી.

એ મધ્યાને, પેલાં જ્યોતિષીએ તેની ડાબી હથેળીનો અભ્યાસ કરીને સહર્ષ કહ્યું હતું : ‘બેટા, તારા નસીબમાં એક સંતાનનો યોગ તો છે જ. મારું વચન ક્યારેય મિથ્યાં નથી થતું. યોગ છે જ એક સંતાનનો. તારે નિરાશ થવાની જરૂર નથી. પણ એક જ સંતાન... યોગ...’

તેને ય જાણ તો હોય જ ને, માલિકના સુખદુઃખની.

પણ... માધવી થીજી ગઈ હતી. જાણે ચેતન વિનાનો ઢગલો ! તેને જબરો આઘાત લાગ્યો હતો. જ્વાલાપ્રસાદ વાળો કિસ્સો યાદ આવ્યો હતો.

ઓહ ! એ યોગ તો... ચાલ્યો ગયો હતો, તેના સત્તરમા વરસે. સ્મિતાબેને ભારે સ્વસ્થતા જાળવી હતી... એ સમયે. એક ઓળખીતાના ક્લિનિકમાં... રસ્તો થઈ ગયો હતો. રક્ત વહી ગયું હતું અને સાથે પેલો... એક સંતાનનો યોગ પણ !

માધવીએ એક હરફ ઉચ્ચાર્યો નહોતો કે નહોતી પાડી નાની સરખી ચીસ...

એ ચીસ તેણે છેક અત્યારે પાડી હતી. તમને પણ સંભળાયછે ને એ ચીસ ?

૪ - મૂર્છા

દરેક અમાસે વીશી બંધ રહે એટલે એ દિવસે કેટલી નિરાંત હોય! રોજની માફક સવારે પાંચને ટકોરે સફાળા જાગી જવાનું નહીં, પાસે પડેલો અસ્તવ્યસ્ત સાડલો જેમ તેમ વીંટાળીને શ્રીનાથજીના ફોટા પાસે માથું નમાવીને, આંખો મીંચીને પ્રાર્થના કરવાની પણ નહીં અને ડેલીએ સાદ પાડતાં અરજમને-શાંત રે, અલ્યા-એમ ટપારવાનો પણ નહીં.

સોનલ પડખાં ઘસતી પથારીમાં પડી રહે છેક સાત વાગ્યા લગી.

પણ આજે તે ટેવવશ વહેલી જાગી ગઈ. આંખો ચોળતી ઘડિયાળમાં નજર માંડે તો પાંચમાં પાંચ !

‘ટેવ પડી એ જાય ?’ એમ બોતાં તે હસી પડી હતી. જાગી ખરી, પણ ઊઠવાની ઈચ્છા તો ના થઈ.

આજે તો અરજણેય ઉરની મેડીમાં ઘોરી રહ્યો હતો. વીશી માટે શાકભાજી લાવવાનું કામ અરજણ સંભાળતો હતો. છ વાગે એ પહેલાં તો તે ડેલી ખખડાવે.

સોનલ એની લાયમાં ઝટપટ પરવારે. ચા-પાણીયે ઝટપટ, સ્નાનેય ઝટપટ... ઝડપથી સાડલો વીંટતી હોય ને એનો સાદ સંભળાય. સોનલ, એ સાદ પછી જ ખરા અર્થમાં કામ પર લાગી જાય.

‘શું બોલ્યો ? યાદી પ્રમાણે લાવ્યો કે પછી કશું ભૂલી ગયો ? આ મરચાં તો અડધાં જ લાવ્યો ? શું જમાડીશ-હમણાં પોઠ ખડકાશે એને ? અને કોબી પણ કેટલી લાવ્યો ? આદુ કેમ ન લાવ્યો ? જા... લઈ આવ દોડતોક...’

અરજણનું ભુલકણાપણું તો લગભગ રોજનું હતું. અને આ સંવાદેય રોજનો હતો. તે આવાં ટાપાટૈયાં મારવાનું કામ કરતો. છેક સોનલની મા-ગજરા હતી ત્યારથી. સોનલને નિશાળે મૂકવા પણ જતો. એ સમયે સોનલ ખૂબ ડરપોક હતી. એને ટાંકી ચોક પાસેની આંબલીનો બહુ ડર લાગતો.

લોકવાયકા હતી કે ત્યાં રાતે ભૂત થાય છે ! આમ તો અરજણ તેનાથી એક-બે વર્ષ જ મોટો હશે, પણ તેને આવો કોઈ ડર લાગતો નહોતો.

સમજણી થઈ પછી સોનલ હસી પડતી : ‘એ ખુદ જ ભૂત જેવો છે, પછી તેને શાનો ડર ?’ ઘડિયાળ પરથી ફરતી ફરતી એની દૃષ્ટિ ફફડતાં તારીખિયાં પર

પડી. અમાસ... ખરી, પણ કયા મહિનાની ? આ કયો દિવસ? અરે, આજે તો એની વરસગાંઠ !

તે પથારીમાંથી બેઠી થઈ ગઈ. હા... એ જ...! આમ તો કોણ જાણે કેટલીય વરસગાંઠો દાળ-શાકના વઘારો કરવામાં, વીશીના હિસાબો કરવામાં ગુજરી ગઈ હશે. કોને કબર ? ક્યાં ખબર પડી હતી ? તારીખિયાંનાં ફફડતાં પાનાં એક પછી એક ફડાતાં હતાં, દર વરસે નવાં તારીખિયાં આવતાં હતાં. ટાઢ, તડકાં અને ચોમાસાં વારાફરતી ક્રમસર આંટો મારી જતાં હતાં. પણ ક્યારેય તેને આ વરસગાંઠ યાદી આવી હતી?

આયખામાં એક પછી એક વરસ ઉમેરાતાં હતાં, દેહ પર એનાં નિશાનો પણ અંકાતાં હતાં અને એના પ્રતિ તે સાવ અભાન હતી ! આ તે કેવી નઘરોળતા ?

સોનલ આભી બની ગઈ.

દશ વર્ષની વયે તે સર્વ પ્રથમ સભાન બની હતી-આ દિવસ માટે. બે દિવસ અગાઉ જ એની જાણમાં આવ્યું હતું કે... અને એ થનગની ઊઠી હતી. ગજરાએ તેને સરસ તૈયાર કરી હતી. ઢીંગલી જેવી. ઘાઘરી, પોલકુંને ઓઢણી, માથામાં નાનકડી વેણી... તેણે જીદ કરીને સ્ટુડિયોમાં ફોટો પડાવ્યો હતો.

એ પછી તો આ ક્રમ શાળામાં ચાલ્યો હતો. દરેક છોકરીઓ રાહ જોયા કરતી હતી કે ક્યારે એ દિવસ આવેને અંજનાબહેન... સમૂહમાં ગવરાવે- હેપી બર્થ-ડે યુ... સોનલ કે પછી નિશા કે... સંધ્યા !

એ પણ એજ મજા હતી. તે ખુશ ખુશ થઈ જતી. આખો દિવસ આનંદમાં પસાર થતો ને રાતે થાકીપાકી માતાની પાસે, તેને વળગીને જંપી જતી. સમજણી થયા પછી તેણે ક્યારેય ગજરા પાસે-મૃત પપ્પાની વાત છેડી નહોતી. તેને સમજ પડી હતી કે આ આવી વાતો સાંભળીને ઉદાસ થઈ જતી હતી.

ગજરાની વીશી સારી ચાલતી હતી. રજ આઠ-દશ પાટલા પડે. એમાં એ મા-દીકરીનું નભી જતું હતું. અનાથ સરખો અરજણ પોષાતો એ તો લટકાનું.

બાપીકું મકાન પણ નાનું તો નહોતું જ. પાછળ એક ઓરડો, પરસાળ પછી ફળિયાનો ભાગ. ખૂણામાં તુલસી-ક્યારો. એક કરેણ પણ ખરી. આગળનો બેઠક ખંડ વિશાળ હતો, જ્યાં સવારના દશ પછી પાટલાઓ ઢળાતા.

સોનલશાળાએ જાય કે શાળાએથી આવે-ગજરાનું કામતો ચાલુ જ હોય. સનલ આવીને શાળાની વાતો માંડે એ તે સાંભળે તો ખરી. વચમાં હોંકારોય આપે, પણ જીવ તો કામમાં જ હોય. સોનલ ઉત્સાહથી વાતો કરે ને ગજરા બેધ્યાન બનીને સાંભળ્યા કરે. ‘હં... તું શું કે’તી’તી, સોનલ ?’ એમ કહે ને સોનલ હસી પડે અન કહે : ‘મમ્મી... ક્યાં ધ્યાન હતું તમારું ?’

ના, પણ પછી તેને સમજ પડી હતી કે સતત હસતાં હસતાં કામ કરતી તેની મમ્મીને પણ થાક લાગતો હતો. હાંફ ચડતો હતો પછી તે વગર કહ્યે... તેને મદદ કરવા લાગી હતી.

‘ના... મમ્મી, હજી ક્યાં સમય થયો છે ? હમણાં શાળાએ પહોંચી જઈશ. આ આટલું પતાવી દઉં.’ તે હસીને ઉત્તર વાતી. વાંચવા-લખવાનું તો લગભગ રાતે જ રાખતી.

સોનલનો કંઠ સારો હતો. વિજયાબહેન તેની પાસે જ પ્રાર્થના, સ્તવન, ગીતો ગવરાવવાનો આગ્રહ રાખતાં. તેનું લખાણ પણ સરસ હતું, ભાવવાહી હતું.

‘કેમ... હમણાં અનિયમિત આવે છે ? તબિયત તો...’ સહજ રીતે તેની નોંધ લેવાય જ.

સોનલને પણ શાળાની પ્રવૃત્તિઓનું આકર્ષણ તો હતું જ અને બીજી તરફ માતાને મદદ કરવા પણ ઇચ્છતી હતી.

રસોઈકામમાં મન પણ લાગતું હતું. દાળ-શાકનો વઘાર કરવાની રીત શીખી ગઈ હતી. કેટલાં માણસો, કેટલી રસોઈ, કેટલાં શાક-દાળ-ભાત-એ વિશેનો અડસટ્ટો પણ માંડી શકતી હતી. તે જોઈ શકી કે મા તેનાથી ખુશ હતી.

તેને હવે બહુ થાક પણ નહોતો લાગતો. ‘હવે તો સોનલ મારા હાથ-પગ થઈ ગઈ છે.’ ગજરા પોરસાઈને હરખ વ્યક્ત કરતી ત્યારે તેને કેટલું સુખ મળતું હતું !

પછી તો સત્તરમે વર્ષે જ શાળા સાથેનો તંતુ સાવ તૂટી ગયો. એક આંખમાં શાળા હોય ને બીજીમાં ઘર હોય એવી અવઢવવાી મનોદશાનો અંત આવી ગયો. એક ખૂણાના ટેબલ પર પડી રહેતાં નોટો, પુસ્તકો, કંપાસ-બૉક્સ ક્યારે પરસાળના માળિયા પર પહોંચી ગયાં એ ખ્યાલ પણ ના રહ્યો.

મનની સપાટી પર જરા ચચર્યું. મુગ્ધ આંખો જરા ભીની પણ થઈ, પણ પછી તો એ છૂટી જ ગયું.

તેને પણ મા જેવો જ થાક લાગતો હતો-ક્યારેક ક્યારેક. હિસાબો પછી તે જ લખતી અને ખબર પણ પડવા લાગી કે આમાં સાચું મળે શું ? એ વર્ષે જ ગજરાએ સોન માટે ચાર બંગડીઓ ઘડાવી-જેરામ સોની પાસે. પીળી ધરખમ જેવી. તે બંગડીોનો ખનખનાટ કરતી આખી શેરીમાં ફરી વળી.

‘આ... સોનલની જ મહેનત. કેવી ઊગી નીકળી ?’ ગજરાએ પોરસાઈને જાહેર કર્યું હતું. ગજરાની વાતોમાં હવે સોનલ આવી જતી હતી. ‘કેવી તૈયાર થઈ ગઈ ? અરે, મારાં કરતાંય તેની નજર વધુ પહોંચે છે ! ફૂદડીની જેમ ફરી વલે છે !’

‘અરે જોજોને, મારે સોનાલીને ધામધૂમથી પરણાવવી છે. આ સોનું તો છે જ. બૅન્ડવાજાંય વગડાવવાં છે.’ ગજરા દિલની વાત કહી દેતી.

સોનલ આ બધું સાંભળતી હતી, સમજતી હતી. તેનેય વિચારો તો આવે જ ને ! તેને એક સખી પણ મળી હતી. એ રેખા સાથેય જામતું. સરખેસરખાં

ખરાંને ! વળી તેની તો સગાઈ પણ થઈ હતી.

સોનલને પરણવાના વિચારો પજવતા. પાનેતરમાં વીંટળાઈને માંડવામાં એ અજાણ્યા વર પાસે બેસી જવાનું, અગ્નિની આસપાસ ફેરા ફરવાનું, એ વરના હાથમાં પોતાનો હાથ મૂકવાનો, ચપ ચપ ફોટા પડાવવાના-આ બધું જ તેના મનમાં ખાસ્સો રોમાંચ મચાવતું.

રેખાએ કહ્યું હતું : ‘ભૈ, આપણે ઉંમર થાય એટલે પરણવું જ પડે.

દરેક છોકરીએ. ઘરડાઓએ નક્કી કર્યું હોય એ શું ખોટું હોય ?’

રેખા ખોટું તો ના બોલે. અને મમ્મીએ પણ કીધું જ હતુંને, કે મને ધામધૂમથી...

તેના ગૌર ચહેરા પર સંકોચ, ભય, આનંદ એકસામટાં ફરી વળતાં. રેખા તો બીજી વાતેય કહેતી હતી. ખરી છે રેખા ? કેટલું બધું જાણે છે ? અને રિવાજ હોય તો પરણવુંય પડે, પણ એ છોકરો કોણ હશે ? રેખાએ તો તેના વરનો ફોટો પણ દેખાડ્યો હતો. તે પર્સમાં સંતાડીને રાખતી હતી. અને પર્સ...!

તે તરત જ અરીસા સામે પહોંચી જતી, અલબત્ત, ગજરા ના હોય ત્યારે જ.

બાકી તો સમય મળે જ ક્યાંથી ?

સોનલ, લખી નાખજે પંડ્યાસાહેબની ચોકડી. ખૂબ રાહ જોઈ પણ ઢૂંક્યા જ નૈ. અને મૈતાભાઈના એક ગેસ્ટ પણ લખી નાખજે. કાલે કઠોળમાં શું રાખવું છે ? રવિવારની ફિસ્ટનું પણ વિચારી લેજે ! આમાં પેલો વર તો ક્યાંથી યાદ આવે ? માત્ર રેખા મળે ત્યારે જ નવી દુનિયામાં લીન થઈ જાય, એ સમય પૂરતી.

ગજરાએ તેને દૂરથી એક છોકરો પણ બતાવ્યો હતો. જો, તને આ ગમે ? પેલો તો સાઈખલ પર જતો હતો-સામેના પર્સાત પર. માની વાતની સમજ પડી. જરા અલપઝપલ જોવાયું ને પેલો ચાલી ગયો. આટલી વાતમાં સોનલને ભાગે તો શરમાવાનું જ આવ્યું હતું. તે શો જવાબ વાળે ?

એ રાતે જ ગજરાને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેણે બામ ચોળવાનું કામ, શરમ મૂકીને શરૂ કર્યું હતું.

આવું તો ક્યારેક થતું હતું અને થોડી વારમાં મટી પણ જતું. તેણે અરજણને સાદ પાડ્યો હતો. એ ઊઠે એ પહેલાં તો એક-બે પાડોશીઓ જાગી ગયા હતા.

ના, આ થતું હતું એ કાંઈ કાયમ જેવું તો નહોતું જ. ગજરા ઊછળતી હતી. સોનલ રડી પડી હતી.

અને ડૉક્ટર આવે એ પહેલાં જ ગજરા શાંત થઈ ગઈ હતી.

સોનલ તો હજીયે છાતી પર બામ ઘસતી હતી.

સોનલે પ્રથમ વાર એક મૃત્યુને નિકટથી જોયું હતું. એક ચીસ પડાઈ ગઈ હતી તેનાથી.

ડૉક્ટરે તેને ઘેનનું ઈન્જેક્શન આપ્યું હતું. ભાનમાં આવી ત્યારે તે આખી દનિયામાં એકલી હતી. એક ખૂણામાં સૂનમૂન થઈને અરજણ બેઠો હતો. અનેક આંખો તેને તાકી રહી હતી. આશ્વાસનોની આળપંપાળ થતી હતી. એક ખૂણામાં વીશીમાં વાસણો પડ્યાં હતાં. પાટલાઓની થપ્પી હતી. એ વચ્ચે ગજરા નહોતી.

જિંદગીની ઓગણીસમી વસંતે તે એકલી હતી. થોડી રાખ અને થોડી સ્મૃતિઓ તેની સાથે હતી. તેની આસપાસની ભીડ પણ ધીમે ધીમે વિખરાતી જતી હતી. એ પણ તેની જાણમાં હતું. એ વિષાદના દિવસોએ તેને ખાસ્સી પુખ્ત બનાવી દીધી.

અંજનાબહેન મળવા આવ્યાં. તેને એ લોકોનો સહવાસ યાદ આવી ગયો. કેટલી સાંત્ત્વના મળી તેને ? તેણે આંખો લૂછી નાખી હતી. ‘ઓહ ! આ કેવી યાત્રા હતી કે જેના સમય સમય પર તે કશુંક છોડતી હતી !’ તે વિચારતી હતી.

અંતે તેણે નિર્ણય લઈ લીધો કે તે પુનઃ બેઠી થઈ જશે. તે ખુદ જ વીશી ચલાવશે, મૃત માતાની માફક.

પોતાની જ રાખમાંથી તે બેઠી થઈ-દેહવૂમા પક્ષીની માફક. અને રંગપુર ગામમાં એક નવો ઈતીહાસ રચાઈ ગયો.

વીશી ફરી શરૂ થઈ. દાળ-શાકના વઘારના છમકારા બોલાવા લાગ્યા. શરૂ થઈ ગઈ જૂની આવ-જા.

ઓગણીસ, વીસ, એકવીસ ! કાળ તો એનું કામ કરે જ. વીશી સરસ ચાલવા લાગી. સંખ્યા બધી. સહકાર વધ્યો. સોનલે જૂના પાટલાઓના સ્થાને નવાં ટેબલ-ખુરશીઓ વસાવ્યાં. ખંડનાં રંગરોગાન થયાં. કોલાહલ પણ વધ્યો. મદદમાં રમા અને ગોપલો આવી ગયાં.

બાવીશ... પચ્ચીસ... સત્યાવીશ !

સોન પાક્કી થઈ ગઈ. તેની બાજનજરમાથી કશું જ છટકતું નહોતું. સરસ રીતે હસી શકતી હતી. કોઈને એમ ના લાગે કે એ સ્મિત કુદરતી નથી.

ત્રીસ... એકત્રીસ... બત્રીસ !

ડેલી નવેસરથી ચણી વીશીનો ખંડ મોટો કર્યો હતો. ડેલી પર નાનકડી મેડી પણ ચણી. છોને પડી રહે, અરજણ ! બારોબાર સવારે શાક-

પાંદડું લઈ આવે-શાકપીઠમાંથી !

એક નશો ચડ્યો-સફળતાનો, એવો કે એમાં ડૂબી ગઈ ! આખી દિનચર્યા વણાઈ ગઈ તેની નસેનસમાં. તેનું સમગ્ર અસ્તિત્વ ઓગળી ગયું. તે ખુદ વીશીનો પર્યાય ની ગઈ. સોનલની વીશી સમય જતાં-સોનલબહેન... સોનલમાસી... અને છેવટે એકલાં માસીની વીશીથી ઓળખાવા લાગી.

કોઈનાં લગ્ન આવે. કંકોત્રી આવે, તે વધુ વિચાર કરવા પણ ના રોકાય. સીધા-એકસો એક, એકસો એકાવન... ગિફ્ટ... બસ-ઘા જ કરે. કોઈ સ્ત્રીના સીમંતનો અવસર ને ઉદારતાથી વરસી પડે.

અને વીશીમાંય... સોનલનો બારીક સ્પર્શ બધે જ હોય. કશું ખયાલબહાર નહીં.

‘મહેતા સાહેબ, હવે ક્યારે ઘરવાી લાવો છો ? પછી તો આ માસીને શેના યાદ કરો ? ઘરવાલીના હાથની રોટલી જ જમો ને ! અને રામભાઈ, છોકરાના ઢોલ ક્યારે વગડાવો છો ? જો જો, મને ભૂલી જતા ! કેવીક વહુ શોધી છે ? જો કે તમારા કામમાં કે’વું ન પડે ! રૂપાળી ને ઠાવકી જ ગોતી હશે!’

આમ જીભ ચાલતી જ હોય.

‘ગોપાલા... જીવ પીરસવામાં નથી કે શું ? આમ ન ચાલે. કામમાં ચપળતા જોવે. કે પછી પિયર ગયેલી બૈરીમાં જીવ છે ?’

તે આવી બધી રસિક, ગળચટ્ટી વાતો કરે, પણ તેને તો જાણે કશું સ્પર્શે જ નહીં. સાવ જળકમળવત !

આજે સવારે તેને અચાનક યાદ આવી ગયું કે તે તો છેક સાડત્રીસમી વરસગાંઠે પહોંચી ! કશો ખયાલ જ ન રહ્યો ને છેક સાડત્રીસમે પગથિયે ? કોણે તેને અહીં પહોંચાડી ? આખેઆખો કાળ પડખું ફરી ગયો ! આ સમય કોણ ચોરી ગયું ? તે તો હજી હમણાં સુધી ઓગણીસની હતી. દિવસ-રાસ, દિવસ-રાત કરતાં કરતાં... છેક...

તે તો નખશિખ સોનલ હતી, પરંતુ શું તેનામાં સોનલ હતી ? આ હાથ-પગ, આંખો, નાક બધું જ સોનલનું હતું. બોલતી હતી એ પણ સોનલ જ. તો પેલી યૌવનમાં પગ મૂકતી... સપનાં જોતી સોનલ ક્યાં ગઈ ? તે હચમચી ગઈ.

અરે ! તેનાં લગ્ન માટે માએ એક છોકરો જોયો હતો. તેણે પણ અલપઝલપ જોયો હતો. તેનું મન એવું તે કેવું એ વાત જ સમૂળગી ભૂલી ગઈ ? તે પરણી હોત તો..., એ સમયે પરણી હોત તો, તે અત્યારે...

ગઈ કાલે જ પત્ર આવ્યો હતો રેખાનો, તેની છોકરીની સગાઈનો.

સરસ છોકરો મળી ગયો મારી શ્વેતાને. તે હોંશથી લખતી હતી. તેણે શું કર્યું પ્રતિભાવમાં ? શુભેચ્છા રૂપે એક ભેટ મોકલાવી હતી-એક સંગાથ સાથે.

પણ એવો વિચાર કેમ ના આવ્યો કે... રેખાની માફક તે પણ પરણી હોત તો ?

સોનલ અરીસા સામે ઊભી રહી, બાઘી બનીને. અરે, તેના કાળા વાળમાં શ્વેત ઝાંય હતી. કેટલીક ચરબી ચડી ગઈ હતી શરીર પર ! અને છતાં પણ તે ગૌરવથી દાળ-શાકના વઘાર કરતી હતી. હસતી હતી. આટલી ખોવાયેલી હતી, ખુદ તેની જાતથી ?

તેની કાયા પર પીઠીય ક્યાં ચડી હતી-અન્ય છોકરાઓની માફક ? કોઈ પુરુષને પૂરો સ્પર્શ પણ ક્યાં કર્યો હતો ? એવી સાંજ પણ તેને બારણે ડોકાઈ નહોતી કે જ્યારે તે બારણે ઊભી ઊભી તેના પુરુષની પ્રતીક્ષા કરતી હોય !

ક્યાં ગયો એ સમય. એ સાંજ, રાત ને સવાર ? અફાટ જળરાશિ અકાળે રણમાં લય પામી ગઈ.

આજે તેને પોતાના જ ઘરમાં ન ગમ્યું, સાત ખોટની વીશીના સજાવેલા ખંડમાં પણ ચેન ન પડ્યું. ચારેય ભીંત, ફર્નિચર... એ બધું જ આજે તેને ભીંસતું હતું.

અંતે જીવ બચાવવા તે ફળીમાં આવી. તુલસી-ક્યારા પાસેની ઓટલી પર બેસી ગઈ. તન અને મનને જરા સારું લાગ્યું.

પૂર્વ દિશામાંથી પીતવરણું અજવાળું પ્રવેશી રહ્યું હતું, એ તરફ તે આભી બનીને જોઈ રહી !

સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન, વૃક્ષોની મર્મર, વસંત-પાનખર-કોઈ સાથે કશો સંબંધ જ ક્યાં રહ્યો હતો-આટલાં વર્ષોમાં ?

અચાનક ડેલી ખખડી. ધીમે પગલે અરજણ ચંદર આવ્યો. તેની નજર સોનલના દેહ પર જ ઝળૂંબી હતી.

એકાએક મૂર્છામાંથી જાગી હોય તેમ, સોનલ આજીજીભર્યા સ્વરમાં બોલી : ‘ચાલને અરજણ, આપમે બેય પરણી જઈએ !’

૫ - કસ્તર

(૧)

કેવું થયું ? તે ઓમ ટાવર્સના ઝાંપામાં પ્રવેશી એવી જ વીજળી ગુલ ! સાંજ આથમી રહી હતી એટલે ઉજાસ તો ઓજપાતો જ હતો, પણ ખાસ અસર ના લાગી ભોંયતળિયે; પરંતુ બધાંજ ટાવર્સના ફ્લૅટોની બારીઓ તેજહીણી બની ગઈ.

અને લિફ્ટ તો તરત જ બંધ થાય ને ?

મનોરમાય બે પળ થંભી ગઈ. હાથમાં વાદળી રંગની ફાઈલ હતી અને બીજા હાથમાં નાજુક પર્સ. ચહેરા પર પ્રશ્ન લટકતો હતો-હવે શું ?

રોકડી દશ-બાર મિનિટો બચી હતી, સાત થવામાં. તે પાછી ઝડપથી આવી હતી-અહીં સુધી. રોજ તો સાવ હળવેથી જતી હતી, ઘર ભણી. પગને જરાય ઉતાવળ જ ના હોય. બસ, ટહેલતી ઘરે પહોંચે.

મીનાક્ષી વાંચતી હોય-ખુલ્લી પરસાળમાં. પ્રકાશ પણ આવતો હોય, પછીતની બારીમાંથી. મા રસોઈઘરમાં હોય-પરસેવાથી રેબઝેબ. તે ગરદન લૂછતી બોલે-‘લો, આવી ગઈ મોટી !’

અને એક ખૂણામાં ખાંસતાં બાપુ તાકીને જોઈ રહે દીકરીને. થતુંય હશે, ચિંતા જેવું. બાવીસની છોકરીને નોકરી કરવી પડતી હતી ! ખરેખર તો... પરણાવી દેવી જ પડે-મનુને. તો પચી કમાય કોણ ? પ્રશ્ન હતો- જેનો કોઈ ઉત્તર જ નહોતો-મૈન સિવાય !

મનોરમા પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એ નમણી ઘઉંવર્ણી, જરા થાકેલી છોકરીએ આરોહણ આદર્યું હતું. કામ સરળ તો નહોતું જ અને તો પણ કરવાનું જ હતું એથી એ છોકરીએ દાદરના કઠેડાની કલાત્મક નકશી, ભાત અને કાષ્ઠની ગુમવત્તા પર દ્યાન કેન્દ્રિત કર્યું હતું. આરસના ગુલાબી ઝાયવાળા પગથિયાંનું સૌંદર્ય અવલોકવાનું, પ્રમાણવાનું શુભ કાર્ય માંડ્યું હતું. પાસેની ભીંતેય બચી નહોતી, એ પ્રક્રિયામાંથી.

સાથે સાથે ગણતરી પણ મંડાઈ ગઈ. પાંચમા ફ્લોર પર મહેતાસાહેબનો ફ્ટ ને ? એટલે દશ અવળાં-સવળાં દાદરો, અને એંશી પગથિયાઓનું આરોહણ !

પહેલાં ફ્લોર પર તો પહોંચી જવાયું-વાતવાતમાં ! બસ, આમ જ રમતવાતમાં...! આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ થઈ હતી.

પહેલાં ફ્લોર પર હજી ઉજાસ હતો. ચારેય ફ્લૅટોની કલાત્મક જાળીઓ સુપેરે જોઈ શકાતી હતી. ચારમાંથી જે નજીક હતી નેમ-પ્લેટ વાંચી પણ શકાતી હતી. લખ્યું હતું-કુમારી નેત્રા મજમુદાર, મરોડદાર અક્ષરોમાં.

તરત વિચાર ઝબક્યો હતો. આ નેત્રાય સાવ એકલી જ રહેતી હશે. મહેતાસાહેબની જેમ. આખા ફ્લેટમાં એકલી ? આ વૈભવી ફ્લોટોની વિશાળતા, ભવ્યતાની વાતો તેણે સવિસ્તાર સાંભળી હતી, સુષ્માબહેને જ કહી હતી.

‘મનોરમા, ત્રણ તો બેડરૂમ. નરમ નરમ, સસલાની પીઠ જેવી પોચી પથારીઓ, રેશમી ઓછાડો, ઓશીકાંઓ ! એમ જ થાય કે સૂઈ જ રહીએ, આળોટ્યાં જ કરીએ તડકો આવી જાય ત્યાં સુધી !

અને બાથરૂમોય કેવાં ? બાથ ટબ, ચકચકિત ટાઈલ્સ ! તે દંગ થઈ ગઈ હતી-વર્ણન સાંભળીને.

હેં...અરીસા ? આખેઆખો દેખાઈએ એવો ?

બત્રીસ વરસની સુષ્માએ લજ્જાઈ ગઈ હતી ! અને તે તો હજી વિસ્મયમાંથી બહાર આવી જ નહોતી.

સુષ્માએ ભાવવિભોર થઈને ઉમેર્યું હતું - ‘મનોરમા, પૂનમે મને ફરીફરીને આખો ફ્લેટ બતાવ્યો. તેની પાસે ફ્લેટની બીજી ચાવી હતી.

મહેતા સાહેબ તો...’

(૨)

આમ તો સાવ નિરર્થક જ ગણાય, તો પણ જે સાંભળ્યું હતું એની સાથે-જે હતું એની સરખામણી તો થાય જ ને ? એક જ ખંડમાં, બેડરૂમ- લિવિંગરૂમ અને ડ્રોઈંગરૂમ. રાતે ત્રણ પાથરણાં નખાઈ જાય પછી જે જગ્યા બચે-એના પર પગલાં પાડતાં પાડતાં કેટલાંય કામો કરવાનાં.

એક ખૂણે દમથી પીડાતા, સમય પહેલાં જ વૃદ્ધ થયેલા બાપુ, વચ્ચે દયામણી જ લાગતી મા અને બીજી છેડે સત્તર વરસની મીનાક્ષી અને તે. ચૌદ-પંદરનો જય તો બહારની ખુલ્લી પરસાળમાં જમાવે.

અને સ્નાન માટેની ઓરડી પણ વિશિષ્ટ હતી. બારણાની સાંકળ વસાય પણ વચ્ચે કેટલી મોટી ખાંચ રહી જાય-સાવ ખુલ્લી ! મનોરમા તો ગમે તેમ પરવાર ેપણ નાની તો કકળાટ કરી મૂકે. મા કરગરે, ક્યારેક સમજાવે-પટાવે તો ક્યારેક રોષે પણ ભરાય-‘જલમ લેવો’તો ને કોઈ પૈસાવાળાને ઘેર ?’

મનોરમા તો ઊઠે ત્યારથી ઑફિસને જ યાદ કરતી હોય. ઝટપટ તૈયાર થઈ જાય ને થઈ જાય વહેતી-પોળને રસ્તે !

થોડા દિવસ તો મહેતાસાહેબનો ફ્લેટ જ રમ્યા કર્યો. ‘આખા ફ્લેટમાં એકલા મહેતાસાહેબ ? ઓહ ! કેવડો અરીસો ? આપણે આખેઆખા...!’

પૂનમને તો મજા જ ને ? તેની પાસે જ ચાવી ! જ્યારે ઈચ્છે ત્યારે... ત્યાં જઈ શકે. સૂઈ જતી હશે-નરમ નરમ બેડમાં ?

એ લોકો કેવી ગંદી વાતો કરતા હતા-એ પૂનમની સ્તો ! સાહેબની પી.એ. ખરી ને; એથી તેણે તો નિકટતા રાખવી જ પડેને, સાહેબની ? એમાં આવી વાતો કરાય ?

મનોરમાયને ચીતરી ચડતી. અને પેલીઓ-શુભા, હેમલત્તા અને તન્વી કેવી મજાથી નિંદારસની છોળ ઉડાડ્યા કરતી ? બત્રીસના સ્ટાફમાં બાર-તેર તો સ્ત્રીઓ. એટલે એકંદરે ઑફિસનો દેખાવ એક બાગ જેવો જ લાગતો. જ્યારે જુઓ ત્યારે રંગબેરંગી પતંગિયાઓ અને ફૂલો જ ભાસે ! વિજાતીય સદસ્યોની હાજરી પુરુષોને પણ શિસ્તના દાયરામાં લાવી દે, નવી શક્તિ અને ચાંચલ્ય બક્ષે. પરિણામે બાગ રમણીય જ બને.

બસ, એવું જ હતું ઑફિસમાં.

મહેતાસાહેબનો પ્રવેશ પણ મોભાદાર. તે પ્રવેશને આખો બાગ શિસ્ત અને લયમાં આવી જાય. ચપરાસી સળગતી બીડી ત્વરાથી બૂઝાવી સલામ ઝીકે, આદરથી ઝૂકીને ચેમ્બરનું દ્વાર ખોલે. ગુડ-મોર્નિંગ, ગુડ-ડે સર કોરસમાં ગવાય.

પછી દુપટ્ટો સમો કરતી પૂનમ અભિચંદાની છટાથી ચેમ્બર ભણી પગલાં ભરે. બધી જ નજરો, પૂનમને જોતી જ રહે, ઠેઠ સુધી. પછી પાછાં સહુ માથાં નમાવી દે ટેબલ પર ફાઈલોમાં. ખાસ્સો પ્રભાવ મહેતાસાહેબનો. અને લગભગ એવું બને. આ ઘટનાક્રમ ચાલતો હોય ને આ કન્યા તો એક ચિત્તે કામોમાં રમખાણ હોય, કેલ્ક્યુલેશનમાં પડી હોય, નમણા હાથોથી ચાર્ટ બનાવતી હોય. જાણે કાંઈ બન્યું જ ના હોય એ રીતે, નરી નિર્લેપતાથી.

આવી ઘટના બને એના પડઘા તો થાય જ ને ? બત્રીસ વરસની સુષ્મા, બાવીસ વરસની મનોરમાને શિખામણ તો આપી જ શકેને ? અને સંબંધની ઘનિષ્ઠતાને કારમે ઠપકો પણ આપી શકે.

એમ જ કર્યું તેણે, ‘કેવી કહેવાય તું ? આવો અવિનય ? ઊભા થઈને, ગુડ-મોર્નિંગ બોલતા વળી શું જોર પડે ? કેટલું ખરાબ લાગે મહેતાસાહેબને ?’

કોઈ પુરુષસ્વર પણ સંભળાયો હતો - ‘બીજી પૂનમ આ તો !’ હા, મહેતાસાહેબે હેડ ક્લાર્ક શિશિરદાને પૂછ્યું હતું - ‘કોણ છે એ છોકરી ? મનોરમા...!, હા, મને તેની પર્સન ફાઈલ આપો. આઈ લાઈક હર વર્ક-મેથડ, ઈલ્વોલ્વમેન્ટ ઍન્ડ...! ખાસ્સી બેત્રણ લાઈનો.

સોપો પડી ગયો હતો આખા બાગમાં.

(૩)

બીજા ફ્લોર પર ઘેરી નિસ્તબ્ધતા હતી. ઉજાસ ઓજપાતો જતો હતો. ક્યારેક ક્યારેક પવનની લેરખી આવી જતી હતી. પાસે લીમડાનાં વૃક્ષો હતાં ને ? સુષ્માબહેને જ કહ્યું હતું-‘મનોરમા, ઝુંડ લીમડાના ! બારીમાંથી હાથ લંબાવીએ ને એકાદ ભીની ડાળખી હાથને વળગી પડે.

પર્ણોની મર્મર સંભળાયા કરે.’

તેને પહેલેથી સુષ્માબહેને ગમવા લાગ્યાં હતાં. પાછો ઘરનો રસ્તો એક જ દિશામાં. જતાં-આવતાં ભેગાં થઈ જ જવાય. તે જ જતી હોય ત્વરાથી. ભીડમાંથી રસ્તો કરતી, પાવ સરખો કરતી. ને પાછળથી પરિચિત સાદ પડે- ‘મનો-રમા !’

આનંદ-મંગળ રચાઈ જાય-રસ્તા વચ્ચે. સરસ સરસ વાતો થાય. ઑફિસની અને ઑફિસ બહારની.

એક વેળા મનોરમાએ પૃચ્છા કરી હતી-‘હેં સુષ્માબેન... આ થાય છે, એ વાતો સાચી-પૂનમ વિશેની ?’

બે પણ ખચકાઈ ગઈ હતી એ સ્ત્રી.

એક વરસથી હતી મનોરમા પરંતુ પૂનમની વાતો તો તેણે બાવન વખત સાંભળી હતી. ને પાછી કેવી ગંદી ?

ઑફિસમાં એક મહિલા-કક્ષ હતો જેને બારણું હતું. ને એ તો વાસી પણ શકાય. બસ...એ વસાતું અને બીજાં દ્વારો ખુલી જતાં- આપોઆપ. રિસેસનો અરધો કલાક રસ ભરપૂર બની જતો. મનોરમા ક્યારેક જતી. મોટેભાગે તો કામમાં ઓતપ્રોત હોય. કક્ષમાં આઠ-દશ સ્ત્રીઓની હાજરી તો હોય જ.

ને પછી શું જામે ?

હેમલત્તા કેહતી-‘અરે, હજી ગયા વરસ સુધી તો મને સ્પેલિંગો પૂછતી’તી ન્યુમોનિયા અને ક્યૂ-ના ?’

શુભા કહેતી-‘હું જ ડ્રાફ્ટ લખી આપતી હતી, અઘરા અઘરા.

મારું ઇંગ્લિશ તો પહેલેથી જ...!’

‘આ તો આ જ આવડત. બસ, બની ગઈ પી.એ. !’

‘અરે, જબરી આવડત. ને પુરુષ તો પલલી જ જાય ને ? અરે, રાહ જ જોતા હોય-પૂનમોની.’

પછી સાવ જુગુપ્સાજનક વાતો થાય, ઈશારા થાય. મનોરમા તો...!

મનોરમાને થતું કે આવી વાત થાય ? આ તો નરી ઇર્ષા ! અને શું મહેતા સાહેબ આવા હોય ? પ્રમોશન આમ જ મળે ? શિશિરદાને કેવી રીતે મળ્યું હશે ?

સુષ્માએ જ સમજ પાડી હતી. મનોરમા, જે હાજર ના હોય તેની આવી જ વાતો થાય પીઠ પાછળ.

તે ત્રીજા ફ્લોર પર પહોંચી ત્યારે ઉદાસ ઉદાસ હતી.

(૪)

હમણાં હમણાં મનોરમાને એક ઇચ્છા જાગતી હતી. આ લોકોની વાતો ય કેવી હતી ? મન ઉત્તેજિત થઈ જાય. તેને થતું કે તે પરણે, તેને એક સરસ પુરુષ હોય જે તેને પંપાળે, પ્રેમ કરે. તેની સાથે તે લગોગ ચાલતી શહેરના માર્ગો પર ફરવા નીકળે. તે અન્ય સાથે તેના પુરુષની કશીક વાત માંડે.

પણ આ શક્ય હતું ખરું ? બીજે છેડે બા-બાપુ, મીનાક્ષી અને જય હતાં. તેને પ્રયાગ ગમતો પણ હતો. બસ-સ્ટોપ પર ક્યૂમાં પાસે જ હતો, તેની સામે જોઈને હસ્યો પણ હતો. બીજી વેલા મનોરમાએ તેને જોઈને હાથ ઊંચો કર્યો હતો. અને પછી જાણ થઈ કે તે સાવ નજીક પાંચમાં ઘરમાં જ રહેતો હતો, અને કુંવારોય હતો.

સામેવાળી સૌમ્યા કહેતી હતી-‘મનોરમા, કર શ્રીગણેશ. કાચો કુંવારો છે. નોકરીયે કરે સરકારી. હા.. ઘર નાનકડું છે. એ તો મા કિચનમાંય પથારી કરીને પડી રહે. તારે આપદા ના પડે કાંઈ !

મનોરમાએ ગોઠવ્યું હતું. બસ, મહેતાસાહેબને કહીને મીનાકષીને નોકરીમાં ગોઠવી દેવી-એક વરસ પછી. અઢાર તો થવા જોઈએ ને, ઑફિસની નોકરી માટે ? કહેવું સાહેબને-મને સાચવી એમ આનેય...

મીનાક્ષીએ એક રાતે કહ્યું હતું-‘મોટીબેન... તમારે બા-બાપુને સમજાવવા પડશે. એક વરસ તો જોતજોતામાં વીતી જાય. પ્રયાગ તો તૈયાર જ છે. બસ, અત્યારે ગોળ-ધાણા ખાઈ લેવાના. લગ્ન એક વરસ પછી. બેન, અઢાર તો થવા જોઈએને મને ?’

મનોરમા સ્તબ્થ થઈ ગઈ. શું કહેતી’તી નાની ? પ્રયાનગે નાની ગમી હશે ?

મીનાક્ષી તો પછી પણ કહેતી હતી-‘મોટીબેન, તમારો બોજો હટશે જ ને ? બે ટંકનું જમવાનું, પાશેર દૂધ અને સાબુની ગોટી ! અને પગતાશેય વધશે ને ? જાય પછી પરસાળમાં શા માટે... ?’

બધું જ કડડભૂસ થઈ ગયું-મૂળસોતું. અરે મૂળ જ ક્યાં હતું ?

ખાલી અમસ્તી ઇચ્છા જ. હેમલત્તા, શુભા અને તન્વીની વાતો એ પોષેલી.

તેને રહી રહીને એ જ થતું હતું કે નાનીને જરાયે વિચાર ન આવ્યો-તેનો ? બાવીસની નહોતી શું ? વયસહજ ઇચ્છા તો જાગે જ ને ?

મનોરમાએ જાતને ખૂંપાડી દીધી કામમાં.

શિશિરદા કહેતા-‘મનોરમા, ઘર નહીં જાના હૈ ? દેખો... સાત બજ રહા હૈ.’

પણ તેણે તો નક્કી જ કર્યું હતું-‘બસ... આમ જ આખું આયખું...’

લો, ચોથો ફ્લોર તો આવી પણ ગયો !

મનોરમા... ટેવવશ પગથિયાં ચડી ગઈ હતી-સોળેસોળ ! અરે, આખી લોબી તો ઝળાંહળાં હતી ! તો વીજપ્રવાહ શરૂ થઈ ગયો ? તે વિસ્મિત બની ગઈ-એક બાળકી જેવી જ !

(૫)

એક ફ્લેટમાંથી એક બાકી બહાર આવી; ખાતરી કરવા કે બત્તી અંદર તો થઈ પણ બહાર થઈ કે નહીં.

તે હરખાઈને બોલી પણ ખરી-‘મમ્મીઈ... બહાર પણ લાઈટ થઈ!’

તેણે... હેલો આન્ટિ, કર્યું પણ ખરું, મનોરમાને. પછી હસતી હસતી ભીતરક પણ ચાલી ગઈ.

મનોરમાને થયું કે તે પુનઃ આવી બાળકી બની જાય ! ઈશ્વર કહે કે માગ, માગ, માગ તો તે આ જ વરદાન માગે, અને માગે કે એ જ અવસ્થા કાયમ રહે !-આ બધી ઉપાધિ, સમજ આવ્યા પછીની હતી.

સમજ આવી કે ડાબી હથેળીની આડીઅવળી ભૂખરી રેખાઓમાં સુખ હોય, દુઃખ હોય ! પછી જ સુખની સમજ પડીને ?

હવે તેને જોઈતું હતું-સુખ, પુરુષનું સુખ, લગ્નજીવનનું સુખ ! આ ક્ષણે-તેને થયું કે તે સુખ ગણે કે દુઃખ, એક જ ચીજ લખી હતી તે નિયતિમાં. તેને કાંઈ ડાબી હથેળીમાં જોવાની જરૂર નહોતી. એ રેખા હતી- થાકી જવાની, હાંફી જવાની, કશાકમાં ડૂબી જવાની.

આજે શિશિરદાએ કામ સોંપ્યું ત્યારે તે ગળાડૂબ હતીને ?

ફાઈલોના ઢગ વચ્ચે લીન થઈ ગઈ હતી.

શિશિરદાએ પ્રેમથી કહ્યું હતું-‘મનોરમા... મૂક હવે. જો, તારે આ અગત્યની ફાઈલ અત્યારે મહેતાસાહેબને... પહોંચાડવી પડશે. પ્રતીક્ષા જ કરતા હશે. સાત પહેલાં જ. અને તારે તો રસ્તો જ છે ને ?’ મનોરમા નખશિખ થથરી ગઈ હતી.

હવે તે શું કરશે ? પાંચમાં ફ્લોર પર પહોંચીને ફ્લેટની ડોરબેલ બજાવશે, મહેતાસાહેબ બારણું ઉઘાડશે ને તેમને ફાઈલ સોંપી દેશે, કહેશે કે- શિશિરદાએ આપી હતી !

પછી કામનું બતાવીને ત્યાંથી સરકી જશે લિફ્ટમાં. ને પછી સડસડાટ ભોંતળિયે ઊતરી જશે. કાંઈ ઝેરનાં પારખાં હોય ?

પછી ઘર... પાછી રાત... મીનાક્ષી કશી વાત કરશે-પ્રયાગની, એ સાંભલી લેશે ! પાછી સવાર. ચકરાવો લેતી જ રહેશે. લખચોરાસી ચકરાવાની વાતો લખી હતી ને, પુરાણોમાં. આટલાં તો તે ગણ્યાં વગર જ પૂરાં કરી નાખશે !

સોળેસોળ પગથિયાં ચડાઈ ગયાં-અભાનપણે. ઘેઘૂર. ઘેઘૂર લીમડો સોંસરવો પવન આવીને વળ્યો-તેની ઓઢણીને.

એને ઊંચકતાં ઊંચકતાં શું જોયું મનોરમાએ ?

સામે ફ્લેટનાં બારણાં વચ્ચે, એક પ્રૌઢા સ્ત્રી ઊભી હતી. જાણે યુગોથી કોઈની પ્રતીક્ષા ના કરી હોય-એ મુદ્રામાં.

પાછળ સૌમ્ય મુદ્રમાં મહેતાસાહેબ.

‘આવી ગઈ... મનોરમા’ કહેતી એ સ્ત્રી બે ડગ આગળ વધી.

સાવ મૂઢ મનોરમા જાગી ગઈ-પોતાની જાતમાંથી. શું બની રહ્યું એની સમજ પૂરી ના પડી પણ પ્રેમ તો પરખાય જ ને ?

તે પણ આગળ વધી-બેચાર ડગ. બે પ્રેમાળ હાથ ખભા પર મુકાયા. આંખો મળી આરપાર. કશી આડશ જ ના મળે. આ તો પ્રેમતત્ત્વ હતું-જે તે ઝંખતી હતી-રોમેરોમથી, વરસોથી.

મનોરમા વધુ નિકટ આવી, પાર્વતીની લગોબગ. ત્યાં જ શબ્દો ફૂટ્યાં મૌનને.

‘મનોરમા, તને અમારી પુત્રવધૂ બનવાનું ગમશે ? અમારા ઉત્સવે તો તને ક્યારનીય પસંદ કરી લીધી છે. અને એ પહેલાં તારા સાહેબે અને દીકરી પૂનમે. પાર્વતીના શબ્દોમાં નર્યું વહાલ હતું.

‘પૂનમને તો તું ઓળખે છે ને ? તારા મહેતાસાહેબ બહુ જ ભલા છે. તેમણે મને ગઈ સાલ દીકરી આપી અને આ તું.’ શબ્દપ્રવાહ અને આંસુ બંને સમરસ બનીને વહેતાં રહ્યાં.

ઓહ ! તે શું વિચારતી હતી-એક નબલી પળે ? અરે, શિશિરદાએ કામ સોંપ્યું ત્યારે જ સ્તો ! થયું-આ વાતો સાચી તો નહીં હોયને-જે હેમલત્તા, શુભા, તન્વી... ?

તેનાં આંસુમાં સ્વીકૃતિ, પ્રસન્નતા અને પરિતાપ ત્રણેય હતાં. આ આંસુ સાથે કસ્તરેય નીકળી ગયું !

૬ - તૃપ્તા

પલ્લવી રોજની જેમ જ ચર્ચગેટ સ્ટેશને ઊતરી હતી. હાથમાં પર્સ, ટિફિન પણ ખરાં જ. સમય પણ કાયમનો જ. સવારના તડકામાં હજી કુમાશ હતી એવું તેને થયું. વાતાવરણ ખુશનુમા હતું એમ પણ લાગ્યું. રોજ રોજ આવું ક્યાં અનુભવાતું હતું ? તેના ચહેરા પર જરા રઘવાટ હતો, પરંતુ ચરણોમાં રોજની ઉતાવળ ક્યાં હતી ?

જમણા હાથમાં લગભગ ચોળાઈ ગયેલું, મેલું થયેલું વિઝિટિંગ-કાર્ડ હતું. જોકે હવે એ કાર્ડની પણ જરૂર ક્યાં રહી હતી ? આખું સરનામું જ

ગોખાઈ ગયું હતું. તુષાર ભાવસારનો ચહેરોય ઝાંખોપાંખો યાદ હતો. મળ્યાં હતાં જ સાવ અલપઝલપ જેવું; એમાં તે પૂરો યાદ રહે જ ક્યાંથી ? યાદ રહેવા માટે પણ કશી ઘટના તો બનવી જોઈએ ને ?

પલ્લવીનો રોજનો ક્રમ. બરાબર આઠને ટકોરે... ઘરના ત્રણ દાદર સપાટાબંદ ઊતરી જાય. બે ગલીઓ ઓળંગીને રેલવેસ્ટેશન પહોંચે ત્યારે આઠ ને અગિયાર હોય. શ્વાસભેર પ્લેટફોર્મ પર પહોંચે ત્યારે આઠ ને બંદર હોય. બેચાર શ્વાસ શાંતિથી લે, ત્યાં જ આઠ ને વીસની લોકલ ટ્રેન સડસડાટ પ્રવેશ કરે.

પછી તો ભીડ, ધક્કા-મુક્કી અને ગાલિ-પ્રદાનો વચ્ચે... ચડી જાય. આઠમાં નંબરની બોગીમાં માત્ર મહિલાઓ જ હોય.

છેલ્લાં છ વર્ષોથી તે આમ જ સફર કરતી હતી. રવિવારે ખુશખુસ થઈ જતી. ચાલો... આજે... એ ભીડ વચ્ચે ભીંસાવાનું તો નથી ! કેટલી રાહત અનુભવાતી હતી ?

ઑફિસ જવા માટે ચર્ચગેટ સ્ટેશને ઊતરી જવું પડે. ખાસ્સું ચાલવું પડે, અને લિફ્ટની લાઈનમાં ગોઠવાવું પડે. નજર તો કાંડે બાંધેલી ઘિયાળના ડાયલમાં જ ચોંટી હોય !

એ દિવસે, મીનાએ તેને બરાબર આઠ ને અઢારે ઢંઢોળી હતી. તે તો તૈયાર ૂભી હતી-આવતી ટ્રેનમાં ધસી જવા માટે. મીનાએ કહ્યું હતું. ‘પલ્લુ, આ તુષાર ભાવસાર. મોટા ચિત્રકાર છે મુંબઈના. તેમને તારું ચિત્ર દોરવું છે. તને કેન્વાસ પર મઢવી છે. મને કહે-પેલી ડાર્ક બ્યુટીને ઇન્ટ્રો કરાવ. લે, વાત કરી લે. અને પૈસાય મળશે લટકાના.’

તે એક શ્વાસે આટલાં વાક્યો બોલી ગઈ. છેલ્લું વાક્ય તો તેના કાનમાં જ કહ્યું, માત્ર પલ્લવી જ સાંભળે એ રીતે. તેની આંખોમાં-પલ્લવી આ વાત સ્વીકારી લે-એવો આગ્રહ હતો.

બીજી પળે તુષાર ભાવસાર ખડો થયો. કૉફી કલરની ભરતવાળી કફની, ભૂખરા રંગનું પેન્ટ, હોઠો પર સ્મિત, આખોમાં તેજ, કપાળ પર ઊડતી બેત્રણ લટો...! બસ, આ તુષાર.

‘તમે ખરેખર સરસ છો. મારે આવી ભાવવાહી છોકરીની જ તલાશ હતી. તમે આવશો ને, આ સોમવારે સવારે ?’ કહેતા તેણે એક કાર્ડ થમાવી દીધું-પલ્લવીના હાથમાં.

અને લોકલ ટ્રેન... પ્લેટફોર્મ પર પ્રવેશી. ઔપચારિક... બાય કરતી તે ભીડમાં ભળી ગઈ. એ કાર્ડ તો તેણે એક હાથની મૂઠીમાં જ... દબાવી દીધું હતું. અને પછી... ભીતર પ્રવેશ્યા પછી બ્લાઉઝમાં સરકાવી દીધું હતું.

ભીડ... ચીસ... પ્રસ્વેદની બદબૂ... ચડ-ઊતર વચ્ચે એક પછી એક સ્ટોપેજો સરતાં ગયાં. પેલું કાર્ડ પણ યાદ ના આવ્યું. કયું ગયું, કયું આવ્યું એ જ રટણા.

કાર્ડ વંચાયું છેક ઑફિસમાં.

તુષાર ભાવસાર, ચોથે માળે, રાજાવીર-મેન્શન. ઓહ ! આ તો સાવ પાસે જ ! દશ મિનિટને રસ્તે જ.

ખુશ થઈ ગઈ પલ્લવી. કાર્ડ સાચવીને પર્સમાં મૂકી પણ દીધું.

મીનાએ કહ્યું હતું કે પૈસાય મળશે !

અરે, પણ તે શું ભાળી ગયો હશે આ તોબડામાં ? બરાબર જોઈ તો હશે ને ? તે ખુદ જોઈ આવી ટોઈલેટના અરીસમાં.

પેલાંની ભૂલ તો નહીં થતી હોય ને ? વાનને ઘઉંવરણો પણ ના કહેવાય ! કાળી... કાળી સાડી સત્તરવાર કાળી ! બહુ સારા શબ્દોમાં ભીનેવાન કહેવાય, શ્યામા કહેવાય ! તેણે જ કહ્યું હતું ને-ડાર્ક બ્યુટી ! તે સભાન તો હતો જ. તે અવઢવમાં પડી ગઈ.

એમ તો... તે ભલે શ્યામ... પણ નમણી તો હતી જ ! પલ્લવીે પોતાનો એક સારો મુદ્દો શોધી કાઢ્યો. પણ બીજી જ પળે છંછેડાઈ ગઈ. ‘અરે, કોને પડી છે-આ નમણાશની ? સહુને ગોરી ચામડી ખપે છે !’

બાપરે... વિચારની દિશા બદલાઈ હતી. મીનાએ કહ્યું હતું ને કે એક પૈસા પણ આપશે ? ચીતરશે અને ઉપરથી પૈસા !

કેટલા આપશે ? પ્રશ્ન ટીંગાઈ ગયો-એના મસ્તિષ્કમાં. આ વિષયમાં તે સાવ અજાણી જ હતી.

અચાનક... થયું, પંદરસો રૂપિયા આપશે ? રૂપ-બહારના શોરૂમાં તેને ગમેલી રેશણી સાડીનું મૂલ્ય પણ પંદરસો હતું.

પૂરા પંદરસો-ફિક્સ ! પેલાએ ભાર દઈને કહ્યું હતું, ગયે મહિને. તેણે હિસાબ ગણ્યો હતો. ના, એટલા પૈસાનો જોગ તો નહતો જ. પગાર તો હતો પાંચ હજાર પણ માતાની દવા પાછળ પણ ખર્ચ થતો હતો ને ?

ગયે મહિને જ ડૉક્ટરે દવા બદલી હતી જેના પૈસા પણ વધુ ચૂકવવા પડતા હતા. લોકલ ટ્રેનનો પાસ કઢાવવાનો હતો.

જો પંદરસો મળી જાય-આ ચિતરવાના... તો મેળ પડી જાય !

ભેલે ને ચીતરતો... જેવી ચીતરવી હોય એવી, પણ પંદરસો તો લઈશ જ! તેણે મનોમન નક્કી કરી નાખ્યું.

એ રેશમી સાડી તો આવી જ સમજો. એકેય સારી સાડી ક્યાં હતી તેની પાસે ? બહાર જવું હોય તો, કોઈ સારા પ્રસંગે તો શું, આ કાબર- ચિતરી પહેરીને જાય ? કાળી ને ઉપરથી કાબરચિતરી સાડી ! અને ઉપરથી તેનાં એકત્રીસ વર્ષ ! ઘરડી જ લાગે કદાચ !

‘અરે, કાળાંય મઢું મચકોડીને ચાલ્યા જાય છે ! નોકરી કરતી છોકરીને તો ચાટીને લઈ લે ! પણ નનૈયો જ થાય છે, બધેયથી. પલ્લવીના ગ્રહો જ બરોબર નથી. પછી ક્યાંથી સરાણે ચડે ?

તે અકળાઈને ચીડમાં કહેતી-‘જા, મારે પરણવું જ નથી, રાજકુમાર આવે તોય ? મારે શું દુઃખ છે ? નોકરી કરું ને મજા કરું છું. છે કોઈની સાડીબાર ?’

આમ તો ઑફિસમાં શાંતિ હતી. તેના અક્ષર સારા, મરોડદાર હતા. માલિક ખુશ હતા, તેના પર. અન્ય પુરુષોય તેની હાજરીમાં સરસ સરસ વાતો કરતા. પૂંઠ પાછળ તો બધાંયનું બોલાય. છો બોલે. છો રાજી થાય. લોકોએ કોને છોડ્યા હતા ?

પલ્લવી મન વાળી લેતી.

એ રેશમી સાડી આવે પછી તે એ પહેરીને સર્વપ્રથમ... મંદિરે જશે, પછી નીલાકાકીને ત્યાં જશે. શું સમજતાં હતાં કાકી ? શું ભિખારી ગણતા હશે ? જુઓ લો... આ પૂરાં પંદરસોની સાડી ! મહેનતના પૈસામાંથી...

તેને એક રાત ઊંઘ જ ના આવી.

મન લોલકની જેમ તુષાર ભાવસારથી રૂપ-બહાર શોરૂમ સુધી ભમતું રહ્યું. આમ તો તુષારે તેને બોલાવી એ તેની ઉપલબ્ધિ જ ગણાય. જોયું હશેને કાંઈક એનામાં ? એમ ને એમ તો કોઈ પંદરસો રૂપિયા ના જ આપે ને ? એમ કરશે તે; પહેલાં બે હજાર જ કહેશે. અને પછી પંદરસો માટે રાજી થઈ જશે !

પલ્લવી હસી પડી-તેની યુક્તિ પર. આવું જ કરતી હતી તે, ચીજ- વસ્તુના શોપિંગમાં. શો-રૂમોમાં, શાકભાજીની દુકાનો પર, ફૂટપાથ પરના ફેરિયાઓ સાથે. જયા તેને કહેતી-‘પલ્લવી, તું તો ભારે પાકી !’ ‘ભઈ...

પાકી જ છું. બસ... એક વાત સિવાય. ત્યાં જ...!’

તે રોજનો રસ્તો ચાતરીને નવા માર્ગ પર ચાલવા લાગી. રસ્તો નવો હતો પણ ભીડ તો એ જ હતી, વાહનોની અને માનવોની. ગોવા સ્ટ્રીટ આવી, ચબૂતરો આવ્યો, શિવાજી ટર્મિનલની ભીડ ભળી.

તે ઊભી રહી ગઈ. રાજાવીર-મેન્શન શોધવા. અને મળી પણ ગયું. સામેની સ્ટ્રીટમાં બે ઊંચા મકાનોની વચ્ચે દબાઈને ઊભું હતું. એ પલ્લવીને છેક ત્યાંથી એ પાટિયા પરના અક્ષરો વંચાતા હતા.

સાવ કખડધજ મકાન. ઠેરઠેરથી રંગ ઊખડી ગયો હતો. ઉપર નળિયાંવાળું ઢળતું છાપરું હતું-દેશી ઘાટનું. છેક ચોથા માળ સુધીની બારીઓ ખુલ્લી હતી. પલ્લવી નિરાશ થઈ ગઈ.

શું એ ત્યાં રહેતો હશે ? ખખડદજ મકાનમાં ? સ્ટુડિયો પણ હશે ત્યાં જ ? તરત જ થયું કે મહાનગરમાં તો આમ જ હોય. કેટલી ભીડ હતી આ શહેરમાં ? જાણે કીડિયારું ઉભરાણું ! તે અને મા પણ એક ઓરડીમાં જ રહેતાં હતાં ને ? અને પાસેવાળી જયા તો આડી આડશ કરીને, પતિ સાથે સૂતી પણ હતી. એક બાજુ... સાસુ, સસરા, દિયર અને બીજી તરફ...!

પલ્લવીને બળ મળ્યું. અજાણ્યાં અંદારામાં દાદર શોધીને સડસડાટ પગથિયાં ચડી ગઈ. કઠોડો પણ મળી ગયો. પહેલો માળ, બીજો માળ...

ત્રીજો...! ના, થાક ના લાગ્યો. જેમ જેમ ઉપર જતી ગઈ તેમ તેમ અંધારું ઓગળતું જતું હતું. ચોથો દાદર ચડી ત્યાં તો આકાશ પણ દેખાયું. દરેક માળે... તેના પર નિર્લેપ દૃષ્ટિપાતો થતાં હતાં અને સંકેલાતાં હતાં. આકાશ, અજવાસ અને તુષાર ત્રણેયનાં દર્શન થયાં. ચોથે માળે.

એક કૉફી કલરની કફની, એ જ...

‘મને હતું કે તમે આવશો જ. સરસ રૂપ આપ્યું છે તમને ઈશ્વરે. અસ કાષ્ઠ-શિલ્પ શાં લાગો છો. તમને જોયાં ને મને થયું કે બસ... આ જ...!’ પ્રશંસાની છોળ ઊઠી. પલ્લવી ખુશખુશાલ થઈ ગઈ. તેની રહીસહી શંકા પણ ઓગળી ગઈ હતી.

તેણે ખંડનું દ્વાર ખોલ્યું હતું. વાગ્ધારા તો ચાલુ જ... મારો નાનકડો સ્ટુડિયો છે, છેલ્લાં દશેક વર્ષથી. અનેક ચિત્રો દોરાયાં. પ્રદર્શનો પણ થયાં-બેંગ્લોરમાં, અમદાવાદમાં, મુંબઈમાં પણ. બસ...હવે એક સરસ પોટ્રેટ બનાવવાનું છે તમારું. લોકો જરૂર પૂછવાના-તમારા વિશે. કોણ છે આ ચિત્ર-સુંદરી ? પૃચ્છા તો થાય જ ને પછી ? મારી કળા... પણ એ માટેય તમે તો હોવાં જરૂરી કે નહીં ?

ઓહ ! તરબોળ થઈ ગઈ પલ્લવી. ઝવેરી જોઈએ ને પારખનારો ? સહુએ... કાળી કાળી... કહીને તરચોડી નાખી. એ લોકોય ચાલ્યાં ગયાં- કાળી સ્ત્રી કહીને ! કેટલું વીત્યું હતું મારા પર ? પળે પળે હથોડા પછડાતાં હતાં-મારા મર્મસ્થાન પર. બસ, આ તુષારે જ...

પલ્લવી ભાવવિભોર બની ગઈ.

અવલોકન થયું એ ખંડનું. ચિત્રો દોરવા માટે એક લાકડાની ઘોડી, એક શરીર સમાય એટલા પનાનો એક કોટ, બે ફોલ્ડિંગ ખુરશીઓ, થોડાં સૂકાતાં, થોડાં થપ્પીવાળાં વસ્ત્રો. એક ટિપોય-એ ખંડમાં અવ્યવસ્તિત રીતે પડ્યાં હતાં. કોઈ સ્ત્રી તો અહીં નહીં જ હોય-તેણે અનુમાન બાંધ્યું હતું. વાતાવરણ... રંગોની ચમક અને ગંધ-બન્ને હતાં. ભીંતો પર રંગોના ધાબાં હતાં. એક ખૂણામાં લંબચોરસ અરીસો હતો. ત્યાં આડશ જેવો એક પરદો પણ હતો.

કલાકાર કામે લાગી ગયો. લાકડાની ઘોડી એક સ્થાને ગોઠવાઈ. એકબે બત્તીઓ પ્રગટી. ોલવાઈ. એકબે વાર પલ્લવી પર નજર સ્થિર થઈ. ‘બરાબર...’ એમ બોલાયું પણ ખરું-પ્રસન્નતાથી. તે એ દરમિયાન... આસપાસ તાકતી જ રહી. એક કંપન પણ ફરી ગયું-તેના દેહમાંથી.

‘હં... આ વસ્ત્રો.’ તેણે પેટીમાંથી કશુંક કાઢ્યું. નવાં વસ્ત્રોમાંથી પ્રગટે એવી જ વિશિષ્ટ ગંધ પલ્લવીની નાસિકામાં આવી.

તેણે સંકેત કર્યો-અરીસા તરફ જવાનો. સમજી ગઈ પલ્લવી. થયું કે આમ વસ્ત્રો બદલવાનાં ? પણ ક્ષણિક જ. તરત જ પ્રશસ્તિ યાદ આવી ગઈ. એ તો કરવું પડે-આમ પણ. ઘરે પણ તે ક્યારેક આ રીતે જ... કરતી હોય છે ને ? જયાનો દિયર, ખાસ્સો પંદર વરસનો હાજર હોય ત્યારે !

જરા પરદો ખસેડ્યો. જરા જોઈ લીધું તુષાર ભણી. અરે, એ તો કૅન્વાસ ગોઠવતો હતો સ્ટેન્ડ પર. આ તરફ તો તેની પીઠ હતી. તે સરસ તૈયાર થઈ અરીસામાં જોઈને. ચોળી-ચણિયામાં જાતને જોવા ગમી પલ્લવીને.

મમ્મી હોય તો કેવી ગુસ્સે થાય ? આમ ઊભું રહેવાય-પરપુરુષની હાજરીમાં ? આ તો કલાકોનો સવાલ હતો.

પણ મમ્મીને કહ્યું હતું જ કોણે ? તે તો ઑફિસે ગઈ હતી ને ?

તે હસી પડી.

‘વાહ... સરસ, પલ્લું. મારે જોઈએ છે એવી જ !’ તે સામે આવીને ઊભો. બારીકીથી જોઈ લીધી પલ્લવીને. પલ્લવીને પલ્લુનું સંબોધન ગમ્યું. એમ લાગતું હતું કે જાણે વર્ષોથી ઊતરી રહ્યાં હતાં-તેની ઉંમરમાંથી!

તેને પૂછવું હતું-‘કેવી લાગું છું-તુષાર ?’

શબ્દો હોઠો પર ગોઠવી પણ ચૂકી હતી. પણ એ પહેલાં તો મનગમતો જવાબ પણ મળી ગયો. થયું હતું ક્યારેક આવું ?

પછી તો... શિષ્યાની માફક બેસી ગઈ-તુષારની સૂચના મુજબ.

જો પલ્લુ. .. આમ જરા ઢળવાનું. માથું જરા આ તરફ..., કેશલતા ખભાઓ પર પથરાયેલી. આંખોમા તૃપ્તિના ભાવ. જાણે દુનિયા આખીની ઇચ્છાઓ તૃપ્ત થઈ હોય ! તું બધું જ પામી ચૂકી હોય !

પરિતોષા..., કશોય અભાવ જ ના હોય. જાણે સમસ્ત સૃષ્ટિની...

તુષારે તેનાં ગાલ, હડપટી, ખભા, કટિ... સ્પર્શ્યાં હતાં, સજ્યાં હતાં, અનુકૂળતા મુજબ ગોઠવી હતી પલ્લવીને.

સાથસાથ... કવિતા સરખું ભાષ્ય પણ ખરું જ. ખળખળ વહેતા શબ્દો... સ્પર્શો... ! તે એ ભાવમાં તણાતી જતી હતી.

તુષાર...ના શબ્દોય તેને સ્પર્શ જેવા મુલાયમ લાગતા હતા. ‘વાહ... પલ્લુ, તું તો અદ્‌ભુત છે. આ કાંઈ ખાલી પ્રશંસા નથી. સત્ય છે પલ્લવી. સૂર્ય ઊગે છે એવું સત્ય.’

એ સમય અલૌકિક બની ગયો. બધાં જ ભુલાઈ ગયાં. મમ્મી, જયા, જયાનો પંદર વર્ષનો દિયર, તેની નોકરી, આઠ ને વીસની લોકલ ટ્રેન, મીના..., રૂપબહારના કાઉન્ટરના હૅંગર પર લટકતી રેશમી સાડી.

તે એકાકાર થઈ ગઈ, નવી દુનિયામાં. માત્ર ને માત્ર તે જ હતી. આખો દિવસ એ ઉપચારો ચાલુ રહ્યા. સાંજે ચિત્ર પૂરું થયું. તુષારની સાથે પલ્લવી પણ મુગ્ધ બની ગઈ. ‘પલ્લુ... હજી થોડા લસરકા આવશે, પણ ચિત્ર તો પૂરું જ તયું.’ તે ધીમેથી બોલ્યો.

પલ્લવી કશું જ બોલી ના શકી. તે હવે તે ક્યાં હતી ?

જતી વખતે, તુષારે લીલી વીસ નોટોથી ભરેલું બરબીડિયું તેના હાથમાં મૂક્યું. લખ્યું હતું-પ્રિય પલ્લુને-જેણે મારી તૃપ્તાને સજીવન કરી.

‘ના તુષાર... આની જરૂર નથી’ કહેતાં પલ્લવીએ પરબીડિયું પરત કર્યું, છેલ્લી મીટ માંડી લખાણ પર, ચિત્ર પર, તુષાર પર અને ચાલતી થઈ દરવાજા ભણી.

૭ - મુલાકાત

(૧)

અલીબક્ષનું પગલું દબાવતો દબાવતો, તે સરી રહ્યો હતો-સાવ અજાણ્યા વિસ્તારમાં. તેના પોતાના જ નગનરો હિસ્સો હતો પણ તે સાવ અજાણ્યો જ હતો. એક તરસ દોરી લાવી હતી તેને છેક અહીં સુધી.

આમ તો તે અને અલીબક્ષ રોજ સાંજે મળી જતા, એ બગીચામાં. અનેક વાતો થતી, વર્તમાનની, ચન્દ્રવદનને આ નાની વયનો મિત્ર ગમી ગયો હતો. એક ઇન્સાન હતો અલીબક્ષ. વાતોમાં ગહનતાનો સ્પર્શ થતો તો ક્યારેક સૂફીવાદની ઝલક દેખાતી.

સાઠ વર્ષના ચનદ્રવદને દિલ ખોલીને વાતો કરી હતી તેની સાથે. ઢળવા માટે ઢાળ તો જોઈએને ? મળી ગયો અલીબક્ષ. અતીત પાથરી દીધો હતો તેની સામે, નકશાની માફક. ચાર વર્ષો ગાળ્યાં હતાં લાહોરમાં એ વાત વિગતે જણાવી હતી. એ સત્તરતથી એકવીસનો કાળ, વિકસતી સમજનો કાળ, અને અઢારની શારદા મળી હતી એ રોમાંચ-બધું જ ક હ્યું હતું ચન્દ્રવદને. એને છેલ્લે હતાશા પણ ગાઈ હતી : ‘અલીબક્ષ... બધું જ ગયું આ મુઠ્ઠીમાંથી લાહોર, દલસુખભાઈનો ફિલ્મી સ્ટુડિયો અને શારદી ! એક ઝાટકે ગયું.

મુલ્કના બટવારા થયા અને એક સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું.’

એક સાંજે અલીબક્ષે સમાચાર આપ્યા હતા, તેના ચાચા-ચાચીના, કહ્યું-‘મેળવું છે તમારે ? લાહોરના રઈસ છે સલીમ ચાચા.’

ને તે ઊછળી પડ્યો હતો : ‘અલીબક્ષ, લઈ જા મને. મારે મળવું છે.’

અલીબક્ષે તેની આંખમાં તરસ જોઈ. એક પળ તો થયું કે કયું ખેંચાણ હશે ચન્દ્રવદનને-ઈંટ, પથ્થર, સિમૅન્ટના બનેલા એ શહેર માટે ? કદાચ તેને પેલી છોકરી વિશે જાણવું હશે, પણ, આ તો નરી મૂર્ખતા જ ગણાય. નિરાશા જ મળવાની. ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત હતી.

ને આવી ગયો હતો મુકામ. બેઠા ઘાટનું છતવાળું મકાન. ઓટલો, જાળીવાળું બારણું અને એક સમચોરસ ખંડ. એક તરફ ગાદી-તકિયાની બેઠક, બીજી તરફ એક ખૂણામાં રેડિયો, ભીંત પર કાબાનો ફોટો, લોબાનની આછી સુગંધ અને ઓરડાની વચ્ચે વાંસની ભૂંગળીઓવાળો એક પરદો. લગભગ અર્ધપારદર્શક. પવન આવે ઘંટડીઓ રણકે. તેનાથી ઓરડો બે ભાગમાં વહેંચાઈ જાય.

ખ્યાલ આવી ગયો, પરદા પાછળના જનાના વિસ્તારનો. સાંભળ્યું તો હતું પણ આ નજરે જોયું. થયું-કોણ હશે પેલી બાજુ ? અલીબક્ષના પરિવારની સ્ત્રીઓ જ ને ? કોઈ મરદ આવે ને એ પરદા વસાઈ જાય. હા, ચહલ પહલ હતી એ તરફ.

અને તે અજાણ્યો પુરુષ તો ખરો જ ને ?

‘આઈએ જનાબ... તમે ક્યારે હતા લાહોરમાં ?’ પ્રશ્ન પુછાયો ને ચન્દ્રવદનથી પાછા આવી જવાયું અતીતમાં. ચહેરા પર એ શહેર પથરાઈ ગયું, એક સ્મિત ભેળું.

‘ત્યારે હું અઢાર-ઓગણીસનો.’ વાતનો પ્રારંભ થયો.

‘મૂળ ફિલમના સ્ટુડિયોવાળા દલસુખભાઈએ બોલાવ્યો હતો. ત્યારે આ શહેર માત્ર ભૂગોળની ચોપડીમાં જ હતું. રાવી ની પણ એમ જ.’

પછી ખિસ્સામાંથી લાહોર શહેરનો એ સમયનો જીર્ણ નકશો નીકળ્યો. આંગળી ફરવા લાગી સાઈકલની માફક. તે એ શહેરમાં હરક્યૂલિસ સાઈકલ પર જ ઘૂમ્યો હતો ને ? માલિકે અપાવેલી, સ્ટુડિયોથી ઘર અને ઘરથી સ્ટુડિયો.

કેટલી વાતો એ સ્ટુડિયો વિશે થઈ ?

સલીમે ટાપશી પૂરી : ‘જનાબ, અત્યારે લાહોરમાં આવા ચાર ફિલ્મી સ્ટુડિયો છે, આની આસપાસ !’

વચ્ચે વાત વંકાઈ : ‘જનાબ, હું જાણું છું ગુજરાતી, એક છાપુંય નીકળે છે ગુજરાતી.’

ચન્દ્રવદનને સરળતા થઈ ગઈ-વ્યક્ત થવામાં.

‘જુઓ... સલીમભાઈ.. આ રામગઢ વિસ્તાર. અહીં એક ત્રણ મજલા ઈમારત હતી. છેક ત્રીજે મજલે મારી ઓરડી. બારીમાંથી નીચેનો આખો વિસ્તાર દેખાય, બેઠા ઘાટનાં છાપરાંવાળાં મકાનો, દૂરની કાચી સડક દેખાય. એની પાછળનો સદર વિસ્તાર, અંગ્રેજ અફસરોનાં મકાનો, કોઠી, ફૉર્ડ ગાડીઓ, જીપો ને એક તોપ. સાંજે ત્યાં ટોળું એકઠું થઈ જાય-દર રવિવારે. સવારે ચર્ચમાં ડંકા વાગે, પાસેની કચ્છી જનાના સ્કૂલમાં રોજ સવારે પ્રાર્થના થાય-‘લૉંગ લીવ ધ ક્વીન...’ એક શ્વાસે કેટલું બધું કહેવાઈ ગયું ?

અલીબક્ષ માટે આ વાતો ક્યાં નવી હતી ? તે હળવેથી વાંસનો પરદો પાર કરીને ભીતર ગયો. કદાચ કશીક સૂચના આપવા, સરભરા કરવાની. ચન્દ્રવદન પ્રથમ વાર જ આવ્યો હતો ને ઘરે ?

વળી સ્ટુડિયોની વાતો. શી જાહોજલાલી હતી ? સલીમમિયાં, અશોકકુમાર, લીલા ચીટનીશ, નૂરજહાં, ચાકુબમિયાં... બધાં જ ઓળખે મને. મારે જ તેમને પગાર ચૂકવવાના.’

ચન્દ્રવદનના અવાજમાં નવો જ રણકો સંભળાયો.

વાંસના પરદા. પાછળ ચહલપહલ હતી. દબાતા અવાજે સ્ત્રીઓ કશી ધૂસપૂસ કરી રહી હતી.

અંતે પરદામાંથી અલીબક્‌, સરબતનાં બે પાત્રો સાથે પ્રગટ થયો ને વાતાવરણમાં ગુલાબની ભીની મહેંક પ્રસરવા લાગી.

તેણે આ બધી વાતો શારદાને કહી હતી.

સામે જ ઘર હતું એ લોકોનું. તે આવે ત્યારે તે ઊભી હોય, બારણામાં. કેટલી ઉત્કંઠા ભરી હોય, ફિલ્મો વિશે જાણવાની ? ચન્દ્રવદને તેને વચન આપ્યું હતું કે તેને સ્ટુડિયોમાં લઈ જશે. બધુંય બતાવશે-શૂટિંગથી માંડી મેક’પની રૂમો, નટીઓ ને નટો, કૅમેરાઓ ને સેટો. ‘અજાયબનગરી જ ગણાય, શારદા. મારી પણ ઑફિસ, કબાટમાં દશ દશની નોટોનાં બંડલ. રાણી છાપ સિક્કાઓની કોથળીઓ.’ તે સરસ વર્ણ કરતો તેના પ્રભાવનું.

‘શારદી, બધાંયને મારે પગાર પહોંચાડવાના, પત્રકમાં સહીઓ પણ લેવાની. શું કહે અશોકકુમાર, ખબર છે તને ? સિગારેટ હાથમાં હોય ને કહે - ચન્દ્રવદન, તું બડા કામ કા લડકા હૈ !’

ખુશખુશાલ થઈ જાય એ છોકરી. વિસ્મય થાય, લજ્જાયે આવે, ને પાર વિનાનો આનંદ લીંપાઈ જાય તેના રૂપાળા ચહેરા પર.

પરિવારમાં ત્રણ જીવ, ભદ્રા પતિ પરાયણ સાદી ગૃહિણી અને નરહરિબાબુ અંગ્રેજ પરસ્ત, નીચી પાયરીના તહસીલદાર. પદવી નાની પણ દમામ મોટો. ક્યારેક સરકારી વાહન મૂકી જાય, ઘર સુધી. ત્યારે પૂરી છટાથી નીચે પગ મૂકે, બે માણસો સાંભળે એ રીતે ડ્રાઈવરને સૂચનાઓ આપે.

નરહરિબાબુ મક્કમતાથી ચન્દ્રવદનને કહેતા : ‘યંગમેન ! અંગ્રેજો આ દેશ છોડીને ક્યારેય જશે નહીં, ને એમાં જ આપણી ભલાઈ છે. આપણને ક્યાં આવડે છે, શાસન કરતાં ?’

(૨)

ખૂબ ઘૂમ્યો હતો તે, લાહોરના ભીડવાળા માર્ગો પર. જૂની બજાર, બડા મારકેટ, બિલાવલ મસ્જિદ, સદર બજાર, સદર વિસ્તાર, માતાનો મઠ- બધે જ ફર્યો હતો તેની રૂપકડી સાઈકલ પલ...

શારદાને કહ્યું હતું : ‘એક વાર તને સાઈકલ પર લઈ જવી છે સ્ટુડિયોમાં. ફાવશે ને બેસતાં ?’

ને તે લજ્જાથી લાલ લાલ થઈ જતી હતી. ક્યાં કોઈ છોકરી આમ નીકળતી હતી લાહોરમાં ? હા, અંગ્રેજ મૅમો નીકળતી હતી, સાઈકલ પર.

લોકો ચકિત થઈને જોયા કરતા એ મૅમોને, તેઓના ગોરા રંગને, ટૂંકા વસ્ત્રોને.

ભદ્રા કહેતી પુત્રીને કે એ લોકોમાં મર્યાદા જેવું ના હોય. બસ, રવિવારે પ્રેયર કરે ચર્ચમાં.

શારદાને મન થતું કે તે જાય ચન્દ્રવદન સાથે, ક્યારેક કલ્પનાએ ચડી જતી કે તે બેઠી હોય સાઈકલની પાછળની બેઠક પર, રસ્તાઓ પસાર થતા હોય ને ચન્દ્રવદન પૅડલ મારતો હોય.

પછી ખુસ ચન્દ્રવદનને જ થયું હતું કે આ શક્ય નહોતું. તે માંડ ઘરની બહાર નીકળતી હતી, સખીઓ સાથે સ્કૂલે જતી હતી. માતાના મઠે જતી હતી, ભદ્રા સાથે. ક્યાંથી આવવાની ? તેને નિરાશા ઉપજતી.

સ્ટુડિયોમાં નટીઓ કેવી છૂટછાટો લેતી હતી ? તેણે જોયું, અનુભવ્યું હતું.

એક વેળા તો નૂરે તેના ગાલ પર ટપલી મારી હતી. તે શરમથી પાણી પાણી થઈ ગયો હતો. પેલીએ હસીને કહ્યું હતું : ‘તૂ તો લડકી જૈસા હૈ.’

સાંજે તો પેલી ઉત્સુકા ઊભી જ હતી, તેનો હિસાબ માગવા. ને તેણે આખી ઘટના કહી દીધી હતી શારદાને.

પછી તે પણ હસી હતી, અસલ નૂર જેવું જ.

‘જુઓ, પુરુષ જ સ્ત્રીના ગાલ પર ટપલી મારે. તમારે જ એ નૂરના ગાલ પર ટપલી મારવી જોઈએ. ‘કંગન’માં પણ એમ જ આવતું હતું. બાપુ લઈ ગયા હતા ને મિનરવામાં !’ શારદા તરત બોલી ગઈ હતી.

ને તે ડઘાઈ ગયો હતો. ‘અરે, દલસુખ શેઠ કાઢી જ મૂકેને નોકરીમાંથી ? ના, કરાય એવું.’

પછી પેલી ખડખડ હસતી ચાલી ગઈ હતી. તેને બહુ મોડેથી વિચાર આવ્યો : ‘શારદા રાહ જોઈને ઊભી તો નહીં હોય ને કે તે તેના ગાલ પર ટપલી મારે ?’ એ રાત આખી વિચારમાં જ ગઈ હતી.

ભદ્રા અવારનવાર પૃચ્છા કરતી જ હતી, એકલવાયા યુવાનની, વીશીની થાળી વિશે, એ લોકો બરાબર ઘી ચોપડે છે કે નહીં એ વિશે.

છેલ્લે ઉમેરે : ‘જરા પણ મૂંઝાવું નહીં. અમે છીએ ને સામે બારણે.’

સારું લાગતું તેને. કેટલું સુખ હતું અહીં ? ઘર યાદ આવી જતું,

સ્વજનો યાદ આવી જતા પણ એ વિચારો તરત ખંખેરાઈ જતા. શારદા હતી ને ? તેનું મોં જોઈને મન હળવું ફૂલ બની જતું. ક્યારેક એમ જ થતું કે માત્ર શારદા માટે જ ઘરે આવતો હતો સ્ટુડિયોમાથી.

ચલચિત્રોના શુટિંગ દરમિયાન પણ તે ક્યારેક ઊભો રહી જતો હતો, પ્રેક્ષક બનીને. નવાઈની વાત નહોતી. કૅમેરો આમ તેમ ફર્યા કરતો.

નટ નટીઓ દલસુખ શેઠની સૂચનાઓની પ્રતીક્ષા કરતાં.

ને એવી ક્ષણે તે, ક્યારેક ગોઠવાઈ જતો નાયકના સ્થાને અને શારદા આવી જતી નટીના સ્થાને.

સવારે નરહરિ બાબુએ તને કોમળતાથી કહ્યું હતું : ‘જુઓ, બહાર જતાં આવતાં સાવધ રહેવું. આજકાલ તોફાનનું વાતાવરણ છે. કેટલાક ચળવળિયાં ધમાલ કર્યા કરે છે ને ? જો કે ફાવવાના નથી અંગ્રેજ સામે.’

ભદ્રાએ ચન્દ્રવદન પાસેથી માહિતી મેળવી હતી-તેમના ગોત્ર વિશે, સ્વજનો વિશે.

શારદાએ કહ્યું હતું : ‘જુઓ, વાત ચાલે છે આપણી. સમજ પડીને ?

તેને. એ સવારે બડા બજાર પાસે એક સૈનિક બબડતો સંભળાયો હતો જાએગા.’

‘દેખના, અંગ્રેજ જાયેગા. અપની ગોરી મૅમો કો લેકર... ચલા લાહોરના રસ્તાઓ પર રક્ષકોની જીપો ફરી રહી હતી. વિચિત્ર માહોલ હતો એ શહેરનો. તેણે આ શહેરની આવી અવસ્થા ક્યારેય જોઈ નહોતી- આ ચાર વર્ષોમાં.

ને એ સાંજે, ચંદ્રવદન અમદાવાદ જતી ટ્રેનમાં બેઠો હતો.

ખીચોખીચ ભીડ વચ્ચે દલસુખ શેઠ કેટલીક કીમતી ચીજો મોકલી રહ્યા હતા, તેની સાથે.

તે ખુદ આવ્યા હતા, સ્ટેશન પર.

તેને શારદા યાદ આવી હતી. આંખો ભીની થઈ હતી. થયું હતું કે આવી જશે પરત, વળતી સફરમાં.

(૩)

અલીબક્ષે ધ્યાન દોર્યું હતું, ‘જનાબ, સરબત, ગર્મ હો રહા હૈ.’

સલીમે પણ હસીને કહ્યું, ‘ક્યાાં, લાહોરમાં ફરી રહ્યા હતા, જનાબ ?’

હા, તે ત્યાં જ હતો. લાહોરમાં-શારદામાં. ટ્રેન શારદાથી જૂર જતી હતી. મનમાં નક્કી કરીને બેઠો હતો કે તે આ ચીજો સોંપીને પાછો લાહોર જતી ટ્રેનમાં બેસી જશે, ઘોડાગાડીના બે આના ચૂકવીને તેની ઓરડીના નિવાસસ્થાને પહોંચી જઈને સર્વપ્રથમ શારદાને મળશે. અરે, તે ઊભી જ હશે, ઓરડીના બારણા પાસે. વચ્ચે વીશીવાળાને પણ જામ કરી દેશે કે તે ભોજન લેશે, એ દિવસથી.

પણ ટ્રેન હજી અમદાવાદ પહોંચી નહોતી ને આગની ઝડપે સમાચાર મળ્યા કે મુલ્કના ભાગલા પડી ગયા હતા-બે અલગ દેશોમાં. અંગ્રોજ ચાલ્યા જવાના હતા, તેમની ગોરી મૅમોને લઈને. વજ્રઘાત લાગ્યો હતો તેને. થયું- શું શારદા બીજા મુલ્કમાં ? એ લાહોર... પણ ગયું ? ક્યારેય મળાશે નહિ ? શું કહ્યું હતું તેણે કાલે સવારે ? મનમાં છૂટેલા એ સંબંધનું શું ?

કેટલા પ્રયત્નો કર્યા તાર કરવા ? પોસ્ટ માસ્તરનો એક જ જવાબ હતો કે તેમન પાસે સૂચનાઓ નહોતી, એ દેશમાં તાર તરવાની.

મા કહેતી હતી સહુને. કેવો દયાળુ છે ભગવાન; તોફાન થાય એ પહેલાં જ પુગાડી દીધો ચન્દ્રવદનને.

અને ન માની શકાય એવા બનાવો બન્યા હતા એ દિવસોમાં. ક્યાં કહેવાઈ હતી શારદાની વાત, કોઈને પણ ? ને આ વાત

સાંભળીને જીવ રહ્યો હતો છેલ્લાં ચાલીસ વર્ષોથી. હા, અલીબક્ષ પાસે હૈયાની ગઠરી ખોલી હતી. શહેરની સાથે શારદાને પણ ગાઈ હતી. અલીબક્ષે ફિલસૂફી ડહોળી હતી : ‘યાર, ભૂલી જા એ બધું.

યાદદાસ્ત જ પીડા આપે છે. એ સ્ત્રી શું તને યાદ કરતી હશે ? શો અર્થ છે આ રટણનો ? ભૂંસી નાખ બધું.’

અને એ જ અલીબક્ષ તેને લઈ આવ્યો હતો, એક લાહોરના વતનનીને મળવા. તે ચન્દ્રવદનની તરસને જાણતો હતો. એકવાર મળશે ને મનની તસલ્લી થઈ જશે. કદાચ, ભૂલી પણ જાય એ દિશાને.

શું હોય શહેરના ઇતિહાસમાં ? ઈંટ, પથ્થર, સિમેન્ટની ઇમારતો જ ને ? આખરે માણસની કથા છે ને ?

ચન્દ્રવદનને ગમતો હતો અલીબક્ષ.

તેણે બે-ત્રણ ઘૂંટમાં સરબતની પ્યાલી પૂરી કરી. ત્યાં સલીમે બોલવાનું શરૂ કર્યું, કદાચ વિવેક ખાતર. તેણે પણ મહેમાનને કશું કહેવું જોઈએ ને ?

ને પાછી, એક પરિચિતતા પણ પકડાઈ હતી. ‘જનાબ... ચન્દ્રવદન, મૈં આપકો જાનતા થા.’ તે બોલ્યો ને તે ચોંક્યો હતો.

‘તમે ચાંદ મંજિલમાં, તો હું સામેની અનાર મંજિલમાં હતો. જનાબ... હમઉમ્ર છીએ આપણે બેય.’ ચન્દ્રવદનને પળે પળે વિસ્મયની ભેટ મળતી હતી.

‘તમે હરક્સૂયિલસ સાઈખલપર નીકળતા હતા રોજ સવારે. મને યાદ છે.’

‘વાહ કેવો સંજોગ ?’ તે બોલી ઊઠ્યો હતો.

‘જનાબ... એ વિસ્તારની કાયાપલટ થઈઔ ગઈ છે. તમે તો ભૂલા જ પડી જાવ. એ રસ્તો ફોરલેન થઈ ગયો છે. નવી ઈમારતો બની ગઈ છે. સદર વિસ્તરામાં ખૂબ જ પલટો આવી ગયો છે. કલાકારોની કોઠીઓ બંધાઈ છે. દલસુખ શેઠનો સ્ટુડિયો હતો ત્યાં બીજા ચાર સ્ટુડિયો છે.’ તેની આંખો વિસ્મયમાં ડૂબી ગઈ હતી. થયું કે ક્યાં હશે શારદા ? હશે જાણકારી આ સલીમને ? આમ તો એ જ વિસ્તારમાં વસતો હતો, અનાર-મંજિલમાં. વળી થયું કે પૂછું આ જનાબને ? કદાચ... જાણતો પણ હોય.

અલીબક્ષને થયું કે હવે વાત પૂરી થઈ હતી. આ મહેફિલ વિખેરવી જ રહી. નમાજ અદા કરવાનો સમય આવી રહ્યો હતો. ચાચા- ચાચી પાકાં નમાજી હતાં.

(૪)

પણ ત્યાં જ ચાચાએ વાત આરંભી હતી, કશુંક યાદ આવી ગયું હોય એ રીતે.

‘યાદ છે બિરાદર... તમારી ઈમારતમાં એક સરકારી બાબુ રહેતા હતા, નરહરિબાબુ ? કદાચ તમે ઓળખતા પણ હો.’

ને તે ચમક્યો હતો. આ તો... શારદાની જ વાત ! કેવું કહેવાય ? તેમણે સામેથી જ એ વાત શરૂ કરી !

‘હા... સલીમભાઈ...’ તે બોલ્યો હતો ઉત્સુકતાથી. અલીબક્ષ પણ ચમક્યો હતો. તે પણ જાણતો જ હતો ને ? ચન્દ્રવદને અનેકવાર એ વાત માંડી હતી.

‘એ પછી એ લોકો... સદર વિસ્તારમાં રહેવા ગયા હતા. એ ઈમારત તો તોડી પડાઈ હતી.’ સલીમ એક પછી એક માહિતી આપતો જતો હતો.

ચન્દ્રવદનને થયું કે હવે સાવ નજીક જ હતી શારદા. સલીમની વાતમાં એ આવશે જ. તરસ છિપાવવાની જ હતી તેની. ક્યાં હશે તે ?

તે શ્વાસ રોકીને એક ધ્યાન થઈ ગયો હતો. ‘પછી એ પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. ચર્ચમાં જ રહેવાનું. સરકારી નોકરી છૂટી ગઈ.’

તે સાંભળતો રહ્યો, ધીરજ રાખીને. પમ આમાં શારદા ક્યાં? નન થઈ ગઈ હશે ? નજર સામે શ્વેત વસ્ત્રધારી શારદા દેસાઈ, ચર્ચનો ઘંટારવ સંભળાયો. મન ક્ષુબ્ધ થઈ ગયું.

‘ને એ પછી થોડા સમયમાં, પાદરી સહિત સહુએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. નવા કસ્બામાં મસ્જિદ પાસે ઘર રાખ્યું હતું.’ સલીમ કહી રહ્યો ને તે સાંભળી રહ્યો હતો. આટલાં બધાં પરિવર્તનો ? શા કારમે થયાં હસે ? ચન્દ્રવનદ ઊંડા વિચારમાં પડી ગયો. પાછી શારદા સળવળી અને બોલાઈ ગયું તેનાથી, ‘તો પછી શાર-દા ?’

સલીમનું ધ્યાન લાહોરના જૂના નકશામાં જ હતું. તે એમાં નજર ખૂંપાવીને નવી નવી માહિતીઓ આપી રહ્યો હતો-એ શહેરની. ‘જનાબ, સદર વિસ્તારમાં હવે ફિલ્મી-સિતારાઓની કોઠીઓ છે.

કાયાપલટ થઈ ગઈ છે એ વિસ્તારની. ને એની પાછળ નવું ઍરપોર્ટ છે.’

તેણે ક્યાં સાંબળ્યો હતો ચન્દ્રવદનને ?

પણ તરત વચ્ચેના વાંસનો પરદો ખળભળ્યો હતો, કંગન ખનક્યાં હતાં ને પાછળ એક ડૂસકું સંભળાયું હતું.

ેક ઓળો ભીતર સરી ગયો ને બોલાઈ ગયું. ચન્દ્રવદનથી-‘શારદા!’

સલીમ કહી રહ્યો હતો, ‘જનાબ, રાવીને પેલે પાર સાવ કશું જ નહોતું ને ? ત્યાં હવે !’

આર્દ બનીને ચન્દ્રવદન, વાંસના પરદાની પેલે પાર જોઈ રહ્યો હતો.

પરત ફરતી વખતે, અલીબક્ષે ફિલસૂફની ભાષામાં કહ્યું, ‘ચન્દ્રવદન, ચાલો... મુલાકાત તો થઈ. ભલે આ રીતે.’ બે ક્ષણ પછી ઉમેર્યું, બાકી... ક્યાં કોઈને મળી શકે છે, છેલ્લા શ્વાસ સુધી ?’

હજીયે તેની નજરમાં વાંસનો પરદો ખળભળતો હતો.

૮ - કન્યાવિદાયનાં દૃશ્યો

(૧)

માત્ર જેન્તીભઈ કહો તો ખાસ ના વળે; સાંભળનાર ગૂંચવણમાં પડીને પૂછે-‘ભૈ... કયો જેન્તી ?’

એક જ શબ્દ ઉમેરાય ને પેલો ઉત્સાહથી કહે-‘ઓહો ! લગનના વિડિયા ઉતારે છે એ જેન્તીને ? કે’વું પડે તની કારીગરીનું ! શું સરસ ફિલમું ઉતારે-કન્યાવિદાયની ? માસ્ટરી છે જેન્તીની. ખુદ કન્યા જ આગ્રહ રાખ ેજેન્તીનો.’

જવાહર પ્લોટ હોય કે કંસારા ગલી-બદે એકસરખું જ સાંભળવા મળે; શબ્દો ભલે જુદા હોય, પણ હાર્દ તો એક જ. કોઈ કહે-‘ભારે કસબી’ તો કોઈ કહે-‘અરે, મુંબઈનો ફલી મિસ્ત્રીયે પાણી ભરે, જેન્તી સામે.’

કાર્યપદ્ધતિ સાવ અલગ. તે પ્રશ્ન કરે-‘કયું સ્થળ લગ્નનું ? કન્યાવિદાયનો સમય ?’

અને એ પરથી ક્યાસ કાઢે. કન્યાવાદના વાતાવરણ વિશે. ને પછી ઠાવકાઈથી કહે-‘બહેનબાને બોલાવો બે મિનિટ. દર્શન કરી લઉં જરા.’

ખાસ, ઘરે જાય આ માટે. પેલી આવેય ખરી, હસતી હસતી, લજ્જાતી લજ્જાતી, ડ્રેસ પરની ઓઢણી સરખી કરતી. તે અવલોકો ચહેરાને. હસતો ચહેરો જુએ, રડવાની કલ્પના કરે. કન્યા તો ત્યારે રડતી જ હોયને, વિદાય વખતે. કયા એન્ગલથી ફોટા લેવા, કયો ભાવ મુખર કરવો, કઈ રીતે ઝડપીને કલાત્મકતા મેળવી શકાય. આ બધી નોંધો મનોમન રાખે ને પછી તેની ડાયરીમાં લખી લે. પછી આગલી રાતે ચિંતન કરે એ વિશે. ત્યારે તો છોકરી પાનેતરમાં હોય, હોય એના કરતાં વધુ સુંદર લાગતી હોય,

સહજ લાગતી હોય. એ બધુંય આવી જાય. વાડીએ જઈને વિડિયો લેવાનાં સ્થાનો નક્કી થઈ જાય. અરે, કન્યાને અનુરૂપ ગીત પણ નક્કી થઈ જાય- વિડિયોમાં મૂકવાનું.

પછી, પિસ્તાળીસ વરસના જેન્તીભાઈનું કામ બોલે જ ને ? આટલી ખેવના કોણ રાખે ?

એક ડાયરીમાં બધાં લગ્નગીતો જ-પ્રાચીન, અર્વાચીન; શ્રમ કરીને મેળવેલાં. કોઈ સસ્તી ચીજ ન હોય, એમના કલેક્શનમાં, ગીત-ગઝલ હોય, કવિકર્મ હોય, ક્યારેક સ્વસર્જન પણ હોય.

વિડિયોગ્રાફી પ્રથમ વખત સંભલાવી પડી ત્યારે વય માંડ અઢાર- ઓગણીસની. જેન્તીભાઈ ક્યારેક સ્મરણગઠરી ખોલે. સરસ શ્રોતા મળી જાય

ને એ ખીલે, ખૂલે; આખો સમય પડખું ફરી જાય. કેટલાં અનુભવો, અવસરો, માહિતીઓ, સંઘર્ષો શબ્દદેહ પામે ? નવા પ્રેમસંબંધોની વાતો આવે. કન્યા અને વરની ભીતરની રસિક વાતો આવે ને સાથોસથ, જેન્તીભાઈના વિકાસનાં તમામ પગથિયાંઓ પણ લાવી જાય. પણ એ બધાનું રહસ્ય કંઈ બધાંને ન કહેવાય. એક વાતથી તો પત્ની પણ અજાણ હતી. માત્ર તે એકલા જ લીન થઈ જાય ક્યારેક. એ કન્યા હજીયે આબેહૂબ તરવરે સ્મરણમાં. ત્યારે ક્યાં પરણ્યા હતા, પલ્લવીને ? બસ, વિડિયો ઉતારતા હતા-એ સજેલી કન્યાઓના. એમાંની એકે તેમને ઊંઘમાંથી ઉઠાડીને હળવેથી પૂછ્યું હતું-‘જેન્તીલાલ, તૈયારી છે મને ભગાડી જવાની ? અત્યારે જ, હમણાં જાગી જશે-એ પહેલાં !’

જેન્તીભાઈ એ કન્યા, એ નામ ક્યાં ભૂલ્યા હતા હજીયે ?

(૨)

સવારે, બરાબર નવને ટકોરે એકવીસની પાવની ચાની કીટલી લઈને ઘરની મેડીનાં પગથિયાં ચડતી હોય. રોજનો નિયમ. છેક બારની હતી ત્યારથી. સાચવી સાચવીને પગથિયાંઓ ચડતી.

ને હવે તો સાવ પરિચિત થઈ ગયાં હતાં પગથિયાંઓ. ટપોટપ ચડી જતી, ચાની કીટલી સાથે.

જેન્તીભાઈ તો કામમાં પરોવાયેલા હોય. તે ખલેલ પાડ્યા વિના, ટિપોય પર કીટલી મુકે, અવલોકે આખા ખંડને. જરા મન ચચરે, અસ્તવ્યસ્તતા નિહાળીને. પલ્લવી કહેતી-‘એમ રામ તો એમ જ રહેવાના.

પનુ એ તરફ ધ્યાન જ નહિ આપવાનું. મેડી એમની અખિયાતી.’ આમ તો પત્ની જ એના પુરુષને સવિશેષ જાણે ને ? પલ્લવી બારની, તેરની કે ચૌદની પાવનીને એકલી મેલીને, બારણું અડકાડીને મેડી પર જાય ને પેલો પુરુષ શું કરે ? તેને કામે વળગાડી દે. લે, લખી નાખ ગણપતિનું નવું ગીત, સારા અક્ષરે ડાયરીમાં. પછી શું કરે, એ સ્ત્રી ? તરત સંકેત કરે-‘કોને, આને પરણ્યા છો ?’

પણ જેન્તીબાઈ તો સાંભળ્યું, ન સાંભળ્યું કરીને અનુસંધાનમાં આગળ વધે-‘ને પછી આ કન્યાવિદાયનું ગીતેય લખી નાખજે, બીજી ડાયરીમાં !’

કેટલાક મુકામો મુકાઈ ગયાં હતાં, માર્ગના. બસ, એક જ ધૂન લાગી હતી-કામને કલાનો દરજ્જો આપવાની. ખાલી, દૃશ્યો પર કેમેરા માંડવાથી તો સપાટી જ આવવાની હતી, પરંતુ એની ઊંડાઈનું શું ? ત્રીજું પરિણામ એમ જ રહી જાય નોંધારું ? ભાવો ઊપસવા જોઈએને, કચકડાની પટ્ટી પર ? એમ જ લાગવું જોઈએ કે કન્યાનું હૃદય નીતરે છે, ઝૂરે છે- વિદાય વેળાએ. આથી મોટી વિદાય ભાળી હતી, આખી દુનિયામાં ? તે ગદ્‌ગદ બની જતા-ચિંતનની વેળાએ. ને પછી તો જેન્તીભાઈએ પ્રાણ રેડી દીધા હતા-આ કચકડાના માધ્યમને કળાત્મક બનાવાવમાં.

અને પરિણામ નજર સામે જ હતું, નેત્રદીપક હતું. આખું ગામ એકઅવાજે કહેતું હતું, ભૈ... કન્યાવિદાયનાં દૃશ્યો તો જેન્તીભાઈનાં. આંખો ભીની થઈ જાય, એ જોતાવેંત. ને એ કન્યાઓ ભાવવિભોર બની જતી-વિડિયો જોતાં જોતાં. આવી સિચ્યુએશનમાં મિલનનું કામ નહિ. એ તો સાદી વિડિયોગ્રાફી કરી જાણે. મિલન તેમનો સહાયક હતો.

(૩)

બીજી વાર મહેમાન આવવાના હતા ત્યારે પલ્લવીએ કહ્યું હતું- ‘જુઓ, તમારે હાજર રહેવું જ જોઈએ.’

પણ ક્યાં આવી શક્યા હતા જેન્તીભાઈ ? મિલન આવી ગયો, સમયસર, બોલ પનુ, શું લાવવાનું છે નાસ્તામાં, કહે તો. આ વખતે તો તેણે ડ્રેસ બાબત પણ પાવનીને સલાહ આપી હતી.

‘પાવની... તને આ ખૂલતા કલરનો જામશે. ને આંટાફેરા કરવા પડે એમાંય... કમ્ફર્ટેબલ. પપ્પા-ને ? આવી જશે-એમ કહેતા’તા. ઈન્સ્ટ્રુમેન્ટ બગડી ગયું છે, એની પંચાત છે ને ? બોસ તો પૂર્ણતાના આગ્રહી. બદું જ ટનાટન જોઈએ.’

કિશોરભાઈ સાથે ફોન પર વાત કરી એ પણ લગભગ એ જ વિષયની. પલ્લવીનો જીવ અધ્ધર ચડી ગયો હતો. રસોડામાં પાવની થીજી ગઈ હતી. મિલન મૂક બની ગયો હતો.

કિશોરભાઈએ હસીને કહ્યું હતું-‘તો પછી, જેન્તીભાઈ, કામ અમારા કરતાંય આગળ નીકળી ગયું ! તમે કહ્યું હોત તો અમે એવો સમય પસંદ કરત કે...!’

એ લોકો ગયા પછી મિલને રૂમાલ વતી પાવનીની આંખો લૂંઠી હતી, પીઠેય પસવારી હતી-સાવ સહજ રીતે.

ને આવા ત્રીજા અવસરે તો પાવનીને ખુદને થયું હતું કે તે સાંત્વના આપતા મિલનને ખભે માથું મૂકીને મોકળી બનીને રડી પડે. જોકે જેન્તીભાઈ મોડા મોડાયે આવી પહોંચ્યા હતા, માત્ર એટલું જ બોલ્યા હતા-‘ભારે થઈ, આ વખતે પણ.’

પાછું ઉમેર્યું-‘એ તો થઈ જશે. પાવની માટે તો એક કરતાં અઢાર ઠેકાણાં છે. શું કહેવાપણું છે પાવનીમાં ? કેવી જામે વિડિયોગ્રાફીમાં ? વિઝન જોઈએ વિઝન. તપ છે આટલાં વર્ષોનું. કન્યાને જઉંને આખી ગણતરી મંડાઈ જાય; એંગલની, સાઈટની, લાઈટની, ભાવ-અભિવ્યક્તિની. એની તો નામના છે. ના, મિલનનું કામ નહિ.’

બીજી સવારે, નવ વાગ્યે પાવનીએ કહ્યું હતું-‘મમ્મી, તું જ દઈ આવને, ચાની કીટલી.’

તેણે પુત્રીને કશું કહ્યું નહોતું, ચૂપચાપ કીટલી લઈને દાદર ચડી હતી, અને એમ જ ઊતરી હતી.

પાવનીનું ધ્યાન ગયું હતું કે રૂમાલ તો ભૂલી ગયો એ, ગઈ કાલે! તેણે જેન્તીભાઈના ગયા પછી મેડી પર જઈને ડાયરી ફંફોસી હતી, મિલનના ફોન નંબર માટે.

સમાચાર મળ્યા ત્યારે જેન્તીભાઈ ઊંડા ચિંતનમાં હતા. પાર્ટી પ્લોટની હવામાં પસીનાવાળાં વસ્ત્રો પરની સેન્ટમિશ્રિત ગંધ હતી, પણ તેમને કશું જ વળગતું નહોતું જાણે ! મનોમન ગણતરીઓ ચાલુ હતી. ગૌર કન્યા અને ભીનેવાન મુરતિયાનાં દૃશ્યોના મેળ છેવટના ક્રમના કન્યાવિદાયના અવસરમાં બેસાડવાનો હતો, રંગના કોન્ટ્રાક્ટને કલાત્મકતાથી કંડારવાનો હતો.

બસ, ત્યારે જ સુમંતે આઘાતજનક સમાચાર આપ્યા હતા- ‘જેન્તીકાકા, આપણી પાવનીને પેલો, તમારો સહાયક મિલનિયો ભગાડી

ગયો. ને કાકા...’

તે શ્વાસ લેવા અટક્યો, પણ મૂળ વાત કહેવાઈ ગઈ. ચહેરો બદલાઈ ગયો જેન્તીભાઈનો.

‘હેં... મિલન...?’ ચીસ જેવો શબ્દ નીકળ્યો હતો, કંઠમાંથી. ‘ને કાકા... ે લોકોનાં લગ્ન પણ આટોપાઈ જ ગયાં હશે કદાચ.’

સુમંતે વાત કહી જ નાખી.

હવે વધું શું જાણવાનું રહ્યું હતું ? ક્રોધ જ જન્મેને ? હા, જેન્તીભાઈને ક્રોધ જ જન્મ્યો હતો, અમાપ ક્રોધ.

પણ એ વચ્ચેના પોલાણાં શું થયું હતું ? કેટલાંક દૃશ્યો ઝડપથી

ભજવાઈ ગયાં હતાં. સાવ સહજ રીતે. ટેવવશ કૂદી પડ્યા હતા જેન્તીભાઈ, એ દૃશ્યોમાં.

ને પછી તો તે દૃશ્યોની અંદર પણ હતા, બહાર પણ હતા.

પાવની પલ્લવીને ભેટી જ પડેને ? અરે, વળગી જાય જેમ વેલ...! પાવનીનો ડાબા ગાલ પરનો તલ તો આવવો જ જોઈએ અને લાલ પાનેતરની ભાતવાળી પાતળી કિનાર તો ખાસ દેખાવી જોઈએ. તે પલ્લવી તરફ આવે, વાળની વેણી સરી પડે, ને એ જ પાછી કચડાય, તેના પગની ગતિથી. કેવું જામે ? આનું નામ કલા.

મિલન, તારે એનો સ્નેપ લઈ લેવાનો-જાળીની ડિઝાઈન બેકગ્રાઉન્ડમાં હોય એ રીતે. સમજ પડીને ? પણ મિલન તો સાફો પહેરીને બેઠો હશેને, એ સમયે ! હા, તેણેય ગંભીર બની જવાનું. ન ચાલે. જેન્તીભાઈ કશું જ ન ચલાવી લે. પરફેક્શન એટલે પરફેક્શન !

પલ્લવી, આપ આશીર્વાદ દીકરીને. જરા ત્રુટ શબ્દોમાં, ગદ્‌ગદ થઈને. હં બરાબર.

ઓતપ્રોત થઈ ગયા, જેનતીભાઈ.

એક સાથે કેટલી પાવની-બારની, પંદરની, પાંચની, અઢારની, એકવીસની દેખાઈ હતી ? નૃત્ય કરતી, પાટીપેન લઈને શાળાએ જતી, ચાની કીટલી લઈને મેડીનાં પગથિયાં ચડતી-ઊતરતી, રીસ ચડાવતી, મનામાણાં કરતી, ગદ્‌ગદ થઈ ગયા જેન્તીભાઈ. પાવનીના ટોળામાંથી માંડ એક પાવનીને અલગ તારવીને તે બોલ્યા હતા-‘સુખી થા, દીકરી.’

૯ - કબૂલાત

(૧)

ધર્મનગરી પર અંધકારના ઓળા ઊતરી રહ્યા હતા એ સમયે રિક્ષા ઊભી રહી શાંતિ-આશ્રમના સાવ સાદા દ્વાર પાસે. ભીતર સાંધ્ય આરતી થઈ રહી હતી એનો ઘંટાવર સનાતન દેવયાનીએ સાંભળ્યો ને ઘડીભર થયું કે બસ, એ સાંભળ્યા કરે. સ્થળ ગમ્યું પણ ચિંતાય વધી. અહીં નનૈયો સાંભળવા મળશે તો ? આ જ રિક્ષામાં રેલવે સ્ટેશન પર ગયા સિવાય છૂટકો જ નહોતો.

પણ ત્યાં ખડા, એક આશ્રમવાસીએ કહ્યું, ‘હા, જગદહ હૈ.’ ને દેવયાનીના જીવમાં જીવ આવ્યો. બાવન વર્ષના સનાતનના ચહેરા પર સાચુકલું સ્મિત ફૂટ્યું - હાશકારા જેવું.

બપોર પછી કેટલી રઝળપાટ કરી હતી ? હોટેલો, ગેસ્ટ હાઉસો, આશ્રમો - બધે જ ફરી વળ્યાં હતાં - જગા માટે; ત્રણચાર દિવસોનો મુકામ ગણીને આવ્યા હતા અહીં.

બધે એક જ જવાબ - ‘સા’બ, રિઝર્વેશન કરવાયા હૈ ?’ ઓહ ! કેટલાં બધાં લોકો આ સમયે જ આવ્યા હતા આ નગરીમાં ?

પચાસની દેવયાનીએ બળાપો ઠાલવ્યો હતો, પતિ પર. ‘કેવાં કહેવાઈએ આપણે ? પાર્થ-અનુષ્કા હનીમૂન પર ઊપડ્યાં ને બીજે દિવસે આપણેય... સામાન બાંધ્યો - કશી વ્યવસ્થા કર્યા વિના ! કોઈ સાંભળે તો કેવાં ગણે આપણને ?’ અને સનાતને હસીને ઉત્તર વાળ્યો હતો - ‘દેવી, આ ઉંમરનાં હનીમૂન તો આવાં જ હોય ને ?’

આ જ ખૂબી હતી એ પુરુષની. કોઈ પણ સ્થિતિમાં પત્નીને હસાવી દેતો હતો. સુપેરે જાણતી હતી દેવયાની. તેણે પરણીને સનાતનના ખોલી જેવા ઘરમાં પગ મૂક્યો ત્યારે પણ આ પુરુષે કહ્યું હતું : ‘દેવી, મને જાણ છે કે તમે કેટલું બધું ત્યાગીને મારા ઘરમાં પ્રવેશ્યા છો; પણ હવે જે કાંઈ ત્યાગ કરવાનો હશે એ હું કરીશ, તમારા સુખ માટે.’

ને તે હસી પડી હતી.

અંતે એક રિક્ષાવાળો વહારે ધાયો : ચલિયે સા’બ શાંતિ આશ્રમે.

ભગવાવસ્ત્રધારી સાધુએ કહ્યું : ‘હા, જગહ મિલ જાયેગી મગર એક નિયમ હૈ...’

અત્યારે તો એ લોકો ગમે તેવા નિયમનું પાલન કરવા તૈયાર હતાં જ; ને આ તો સાવ હળવો લાગ્યો, મુસીબતો સહી હતી એની તુલનામાં.

તરત દેવયાનીએ બન્નેના સામાન અલગ કર્યા. રજિસ્ટરમાં નામો લખાયાં અને દેવયાની પહોંચી ગાર્ગી કક્ષની સ્ત્રીઓ માટેની અલગ રૂમમાં. હસતાં હસતાં સનાતન પહોંચ્યા અગત્સ્ય કક્ષની બાર નંબરની રૂમમાં. થાક એટલો હતો કે અન્ય કશું વિચારવાની ત્રેવડ જ નહોતી.

દેવયાનીએ દશ નંબરના ખાલી પલંગ પર સામાન મૂક્યો અને પછી સામાનની જેમ જ, તે પણ ફંગોળાઈ, આડી પડી - આંખો મીંચીને.

પેલો રિક્ષાવાળો છોકરો, સનાતન અને ભગવા વસ્ત્રધારી સાધુ - યાદ આવી ગયાં. પુત્ર-પુત્રવધૂ વિશે પણ થયું કે ક્યાં પહોંચ્યા હશે અને ઘેરી ઊંઘે ઘેરાઈ ગઈ હતી દેવયાની. ક્યાં નાઈટ ડ્રેસ પહેર્યો હતો ? ક્યાં સામાન ગોઠવ્યો હતો ? અરે, રૂમનું પૂરું અવલોકન પણ ક્યાં કર્યું હતું ? થાક, થાક અને ઊંઘ !

(૨)

મધરાતે ઝબકીને જાગી ત્યારે થયું કે ક્યાં હતી તે ? સાવ અજાણી પથારી, સાવ અજાણી રૂમને ખળખળ થતું સંગીત ને બધું યાદ આવી ગયું. ઠંડી હતી જ. આવી ઠંડી ક્યાં અમદાવાદમાં હતી ? પછી ઊભા થવાયું.

નાઈટ લૅમ્પના આછા પ્રકાશમાં દૃશ્યો દેખાયાં. બીજા પલંગમાં પડખું ફેરવીને સૂતેલી એક છોકરી હતી, પાસે તેનો સામાન. પાણીનું માટલું, ભીંતો, બારી, અરીસો, બારીનાં બારણાં પર અથડાતો પવન.

હા, આ તો ગાર્ગીકક્ષની દશ નંબરની રૂમ ! સનાતન પણ હશે જ ને અગત્સ્ય કક્ષની કોઈ આવી જ રૂમમાં ?

ને આ જળનાદ ? અરે, આ તો પતિત પાવની ગંગા ! પાસે જ હશે ? એમ લાગતું હતું કે આ ભીંતની પાછળ જ વહી રહી હશે. રઝળપાટ દરમિયાન કેટલી બધી વખત ગંગા મળી હતી ? સાવ અધૂકડા મને જોઈ હતી. મન તો રાતવાસો શોધવામાં પ્રવૃત્ત હતું.

અપૂર્વ અનુભૂતિમાં તે ઝબકોળાઈ ગઈ. ઠંડી હતી નહીં તો બારી ખોલીને એ દિશામાં જરૂર દૃષ્ટિપાત કરત.

ને ત્યાં બીજો ઝબકારો થયો. વિસ્મય હોય તો ? અરે, તરત નોટ લઈને કવિતા લખવા બેસી જાય ! આ જળવહનગાન તેને જરૂર સંમોહિત કરી મૂકે. લખે ને પછી તેને બોલાવીને ભાવથી કહે - ‘જો દેવલ... આ જળગાનની કવિતા. જળ સાથે જળ અફળાય, ને શું બને ? ઝીણી ઝીણી શીકરો. જો આ એની વાત આ શબ્દસમૂહમાં - શાં નમણાં દૃશ્યો રચે જળશીકરો !’

ને મન ઊડી ગયું બીજા પ્રદેશમાં. અઢારની તે અને વિસ્મય કવિતાઓ લખે. ક્યારેક તો તેની ! શાળાએ જવાનો રસ્તો પછી કૉલેજમાં જવાનો બની ગયો. તેણે વિસ્મયની નોટબુકનો ઉતારો કર્યો હતો, રાત જાગીને. ને ક્યારેક મથતી હતી એ લીટીઓને રાગમાં બેસાડવા.

નોટબુક પાછી આપવા પણ તે જ ગઈ હતી. વચ્ચે જ ઊંડી શેરીમાં વિસ્મયનું ઘર. બેઠા ઘાટનું મકાન, ઢળતું છાપરું, જીર્ણ ભીંતો, રંગ ઊખડી ગયેલી ખખડધજ ડેલી.

એક મધ્યમ વયની સીધીસાદી સ્ત્રીને તેને પૂછ્યું હતું : ‘તું જ દેવલ ? મારો વિસ્મય તો તારી કેટલી બધી વાતો કહે છે ? બસ, એક નોકરી મળી જાય ને પછી... તેને પરણાવી જ દેવો છે, તારી સરખી છોકરી સાથે.’ અને દેવયાનીને અનેક વિચારો આવ્યા હતા, વિસ્મય અને આ સ્ત્રી વિશે.

વિસ્મયે તો તેને કહ્યું જ હતું : ‘દેવલ, ક્યાંય ન જાતી - મને છોડીને. તું છે તો મારી કવિતા છે, મારી... જિંદગી છે !’

એક સખીએ પૂછ્યું હતું : ‘અલી, પ્રેમમાં તો નથી પડી ગઈ ને એ છોકરાના ? ઘરમાં કશું જ નથી. શું ભાળી ગઈ ?’

પછીના દૃશ્યો કલ્પનાતીત અને બિહામણાં હતાં.

ભાભીએ કટુતાથી કહ્યું હતું : ‘આ માટે ભણાવતા હતા તને ?

નાક કાપ્યું ભાઈનું. પડી રહે ઘરમાં. ખબરદાર, ક્યાંય ગઈ તો ? કાંઈ કર્યું’તું નથી ને છોકરા સાથે ?’

ને પછીનો સંવાદ પણ ભાભીનો જ હતો. રાતે ઊંઘમાંથી જગાડીને કહ્યું હતું : ‘ચૂપચાપ પરણી જા, અમે જે દેખાડીએ તેની સાથે. ને પેલાનું નામ હોઠ પર ક્યારેય ના લાવતી.’

ને તે પરણી ગઈ હતી સનાતનને - ખઓલીમાં રહેતા સનાતનને.

તે લગ્નના ફેરા ફરતી હતી ત્યારેય વિસ્મય યાદ આવતો હતો. તે રડતી હતી, તેને યાદ કરીને.

પછીના દૃશ્યમાં એ અજાણ્યો પુરુષ તેને સંબોધતો હતો, ‘દેવી... હવે રડવાનું નથી. આપણે બન્ને સાથે મળીને સુખનું સરનામું શોધશું.’

(૩)

પેલી સ્ત્રીએ તેને જાગતી જાણીને કહ્યું : ‘દીદી, આમિ શકુંતલા.

પાયલાગન !’

પ્રભાત વહેલું ફૂટેને આ પ્રદેશમાં. આખો ખંડ તેજથી છલકાતો હતો. બારી ખુલ્લી હતી. જળગાનની સાથોસાથ માનવ કોલાહલ પણ પ્રવેશ કરતો હતો.

અવલોકી એ છોકરીને. હશે ત્રીસની. ગૌરવાન, કાળી આંખો, જરા સ્થૂળ ને છતાં ઊંચી. માયાળુ લાગે ચહેરા પરથી. દેવયાનીએ પોતાની ઓળખ આપીને તે શરૂ થઈ ગઈ.

‘દીદી, મુઝે અચ્છા લગા. અકેલી થી દો દિનસે. ચલો, તૈયાર હોર જાઈએ, ગંગાસ્નાન કે લિયે. રાતભર સૂની મૈયા કો, અબ સ્નાન કર લે.’ ને દેવયાની જોડાઈ આ અભિયાનમાં. થયું - સનાતન જાગ્યા હશે? કદાચ મળાશે ઘાટ પર. કેવો નિયમ ? પતિ અને પત્ની પણ સાથે ના રહી શકે ?

પેલી તો બોલતી હતી, અસ્ખલિત. ‘દીદી... ગંગા કા યહ રૂપ કહી ભી દેખને નહીં મિલેગાં. હમારા પાપ ધોકર વો મલિન હોતી જાતી હૈ. ઔર કલકત્તા મેં તો ગંદી નાલી બન જાતી હૈ. મુઝે ઘોષબાબુને કહા. વો બડે બડે ઉપન્યાસ લિખતે હૈ. ટાગોરને ભી લિખા હૈ ન...!’

ને ઘાટ પર જ મળી ગયા સનાતન. લથબથ ભીનો દેહ, પ્રભાતની સુરખી જેવું જ સ્મિત. તે ખુશ થઈ ગઈ. ઓળખ કરાવી શકુંતલાની.

સનાતન કહે - ‘દેવી... તમારા જેટલો ભાગ્યશાળી તો હું નથી જ. તમને શકુંતલા મળી પણ મને દુષ્યંત ના મળ્યો ! ને આ કેવું હનીમૂન, દેવી ? દિવસે યોગ ને રાતે વિયોગ. શકુંતલાએ ટાપસી પૂરી હતી : ‘અંકલ ઈસી કા નામ જિંદગી.’ દેવયાનીએ શકુંતલાને ઘણી વાતો કહી, સનાતન વિશે, થોડી પોતાના વિશે. પાર્થ-અનુષ્કાને વણી લીધાં.

ને સર્ટિફિકેટ પણ આપ્યું : ‘અચ્છી હૈ બહુ, તેરે જૈસી !’

પેલીએ હસી લીધું, ઉદાસીની છાંટ જેવું.

પછી ઉમેર્યું : ‘મૈ તો પ્રવાસ મેં જીતી હૂં. આજ યહીં તો કલ કહીં.’

દેવયાનીને લાગ્યું કે આ છોકરી દેખાતી હતી એવી સુખી તો નહોતી જ. કશુંકદુઃખ હતું ભીતરમાં. તે એને સ્મિતથી ઢાંકી દેતી હતી. આ પ્રવાસ પણ એક જાતનું ઢાંકણ હોઈ શકે.

(૪)

ને દેવયાનીને તેનો પ્રવાસ યાદ આવી ગયો હતો. તે થથરી ગઈ હતી. હવામાં ઠંડક તો હતી જ પરંતુ આ થરથરાટ અલગ જ હતો.

ખોલીનો સનાતન ફ્લેટમાં ગયો હતો. એ પછીની વાત હતી.

પાર્થનો જન્મ આ ફ્લેટમાં. જોકે તે ગર્ભવતી બની હતી, જૂની ખોલીમાં. ત્યારે વિચાર આવેલો કે આવું જ બનત ને તે વિસ્મયને પરણી હોત તો ?

ને પછી તરત જ ખંખેરી નાખ્યો હતો એ વિચાર. ના, હવે આવું ના વિચારાય. અપરાધી થવાય સનાતનની. કેવો લાગણીશીલ હતો એ પુરુષ ? ક્યારેય દુઃખી કરી હતી તેને ? સુખો નહોતા ત્યારે પણ એ પુરુષે પારાવાર સુખ આપ્યા હતા. બસ... ભૂલી જવો એ અતીતને ?

પણ એવું કાંઈ હંમેશા બને ? દક્ષિણનો પ્રવાસ નક્કી થયો. એક મંડળી સાથે. સનાતનને છેલ્લે દિવસે કામ આવી પડ્યું. દેવયાની કહે - ‘નથી જાવું, સનાતન. તમારા વિના. બસ... કેન્સલ !’

પણ અતિ આગ્રહ હતો સનાતનનો. ‘દેવી, આવી તક પછી નહીં મળે. સહુ જાણીતા જ છે ને ?’

અંતે તે ગઈ, એક વર્ષના પાર્થ સાથે. થયું - ‘સનાતનની આટલી ઇચ્છા છે તો જઈ આવું.’

ને એ પ્રવાસમાં જ મળી ગયો વિસ્મય. ચેન્નાઈના બિચ પર આવેલી સુખસાગર હોટેલ પર.

થાય, બીજું શું ? તે રડી પડી હતી, ધોધમાર. વચ્ચે વચ્ચે શબ્દો ફૂટ્યા હતા અપરાધ ભાવના.

‘વિસ્મય... શું કરું, છોકરીની જાત ? ભાઈ-ભાભીએ...

પરણાવી દીધી અરધી રાતે. ના, સુખી છું. ને તું...?’

જાણવા મળ્યું કે તે સેલ્સમૅન હતો કોઈ દવાની કંપનીનો. પરણ્યો જ નહોતો. કારણ ના કહ્યું પણ દેવયાની સમજી જ જાય ને ? હા, તે જ કારણભૂત હતી આ વિષાદયોગની. સાચો પ્રેમ વિસ્મયનો. ને પોતે તો ફટકિયું મોતી ! છટકી ગઈ, છોકરીની જાત કહીને ! જાત પર ધિક્કાર જન્મ્યો, સત્તાવીસ વર્ષની દેવયાનીને.

અપરાધભાવ પ્રબળ બન્યો. ભીતરથી હાલકડોલક થઈ ગઈ. શું કરવું વિસ્મય માટે ? શું આપી શકે, વિસ્મયને ? આપી શકે નાનકડું સુખ, ભલે આયખું ઉજાળી ના શકે, સંસાર વસાવી ના શકે ?

ને દેવયાનીએ હોટેલની એ રૂમમાં, ચાહીને જ લક્ષ્મણરેખા ઓળંગાવા દીધી. પેલો પુરુષ ક્યાં તૈયાર હતો પણ સ્ત્રી જ ભાવાવેશમાં આવી ગઈ હતી. શું કરું એ જ મથામણ પાર્થ એક બેડમાં ઘસઘસાટ સૂતો હતો ને પાસેની બેડમાં દેવયાનીએ જાતને અર્પણ કરી હતી સ્વેચ્છાએ.

કેટલી બળકટ બની ગઈ હતી એ લાગણી, વિસ્મયને સુખ આપવાની ?

સવારે એ ખંડની બારીમાંથી સૂર્યોદય જોયો હતો તેણે એકલીએ. વિસ્મય ચાલ્યો ગયો હતો ને રૂમ-પાર્ટનર ક્રિશ્ના આવવાની હતી - કોઈ સંબંધીને મળીને.

તેને ક્યારેય અપરાધભાવ નહોતો જાગ્યો આ કૃત્યનો. યાદ આવી જતી આ વાતને સુખ મળતું હતું તેને. સુખ આપવાનું સુખ. યાદ આવતીને આસપાસ જોઈ લેતી કોઈ નથીને ? સનાતન હોય ત્યારે એક કંપન ફરી જતું હતું - શરીર સોંસરું.

એ દેહ હવે એકાવનનો થયો હતો પણ મન ? મન તો એવું ને એવું જ હતું. કાળાતીત.

એ પછી ક્યાં મળ્યો હતો એ પુરુષ ? ને દેવયાની પણ હળવીફૂલ થઈ ગઈ હતી.

(૫)

રાતે શકુંતલા આવી હરખભરી. લક્ષ્મણ-ઝૂલાની મુલાકાત લઈને આવી હતી. કેટલી પ્રસન્ન હતી ? કહેતી હતી - ‘દીદી ક્યા અનુભૂતિ થી! ઉપર નીલા આકાશ, નીચે બહતી ગંગા. બિચમેં ઝૂલતા પુલ. ઔર ઈસ પર સવાર તી આપકી શકુંતલા. ઉતર કી ઓર ઘાટિયાં થી, ઘની ઘની ઘાટિયાં.’

ખૂબ વાતો કરી તેણે. દેવયાનીએ એ ગંગાને પ્રેમપૂર્વક ઝીલી. આટલી પ્રસન્ન તો નહોતી ભાળી તેને આટલા સમયમાં. દેવયાની પણ ખુશ.

અચાનક પલટો ખાધો. વાત લક્ષ્મણઝૂલા પરથી લક્ષ્મણરેખા પર આવી ગઈ હતી.

‘દીદી... લક્ષ્મણરેખા, લક્ષ્મણઝૂલા જૈસી હી હૈ. સંતુલન રખના કિતના મુશ્કિલ બન જાતા હૈ, સ્ત્રીયોં કે લિયે ?’ તે ગદ્‌ગદિત થઈ ગઈ હતી.

‘દીદી... ઈશ્વર ભી પુરુષ હૈ ન. કૈસે સમજમેં આયેગી સ્ત્રી કી બાત ?’ તેણે આંસુ લૂછી નાખ્યા હતા. સ્વરમાં દૃઢતા આણી હતી.

દેવયાનીને થયું કે કશુંક હતું આના ભીતરમાં; કશો ડંખ, કશો રંજ, કશો અપરાધ ભાવ, જે આને પીંખી નાખતો હતો.

માંડ સમજાવી-પટાવીને સુવડાવી તેને. પંપાળી ક્યાંય સુધી - અનુકંપા જાગી આ છોકરી પર. એકલી એકલી રખડતી હતી, તેનો અતીત લઈને.

‘દીદી આપ સો જાઈએ. મૈં સ્વસ્થ હૂં.’ તેણે હસી લીધું હતું - રુદન જેટલી સાહજિકતાથી.

પણ દેવયાનીને ઊંઘ ક્યાં આવી હતી ? શેષ રાત્રિ જળગાન ચાલતું હતું પણ જીવ એમાં ક્યાં ખૂંપતો હતો ? તેનેય યાદ આવ્યો હતો તેનાં સ્ખલનનો પ્રસંગ. સુખસાગર હોટેલનો એ કમરો અને તેનું અર્પણ.

તેને આંચકો લાગ્યો. શું કરી બેઠી, એ સત્તાવીસ વર્ષની દેવયાની? પેલો ક્યાં માનતો હતો ? પણ તે જ કરગરી હતી. પછી તેનું પૌરુષ જાગ્યું હતું.

નહોતા જાણતા સનાતન, પણ એ કૃત્ય આચરાયેલું તો હતું ને ? તે તો જાણતી જ હતીને ? જાણીને કરેલું કૃત્ય એટલે પાપ ! તેને પીડા વળગતી રહી તેનાં કૃત્યની. આખી રાત છિન્ન થતી રહી અનેક ટુકડાઓમાં.

અને અખંડ રૂપે ગંગા તો વહેતી જ હતી તેના ઓશીકા પાસે. ને પેલી પણ ભરનીંદરમાં હતી જાણે.

માંડ આંખો મળી તો સ્વપ્ન કેવું આવ્યું ? તે ગંગાસ્નાન માટે જળ ભણી જતી હતી ને શકુંતલા તેને રોકી રહી હતી : ‘મત જાઈએ દીદી, ગંગા કિતના પાપ સહેગી ? વો ખુદ મૈલી હો જાયેગી. ફિર હરિદ્વાર ઔર કલકત્તા મેં કુછ ફર્ક નહીં રહેગા.’

ને ઝબકી ગઈ હતી, અને પેલી પથારીમાં બેઠી થઈને આળસ મરડતી હતી.

(૬)

તૈયાર થતાં થતાં ખૂબ વલોવાઈ. મનનાં વમળો ઘૂમરાતાં રહ્યાં.

પાપ તો ખરું જ. વિસ્મય તો પરપુરુષ જ ને ? અને જાણી જોઈને... અર્પણ થવા નીકળી હતી.

ત્યાં શકુંતલા આવી હતી. ચહેરો ચાડી ખાતો હતો કે તે પણ આખી રાત જાગી હતી, રડી હતી. તેની માફક જ ! સ્ત્રીને વળી કયું પાપ આટલું ડંખે - ગંગાની સંનિધિમાં ? એને પણ આવું કશું જ..!

ત્યાં તે બોલી - ‘દીદી... નિષ્કર્ષ પર આવી ગઈ છું. પાપ પરિતાપથી જ નાશ પામે.’ ‘આજ શામ કોલકત્તા જા રહી હું. બસ, કબૂલ કરી લૂંગી - અપના પાપ.’

તે વિશેષ ના બોલી. ખાસ રસ નહોતો તો પણ તે ગંગાસ્નાન માટે ચાલી, દીદીનો હાથ પકડીને. ખાનગી વાત કહેતી હોય તેમ હળવીફૂલ થઈને બોલી - ‘દીદી, આપ મિલ ગયે. અચ્છા હુઆ.’

દેવયાની ચકિત થઈ કે આમાં તેણે શું કર્યું હતું. આ તો એ છોકરીના મંથનનો પરિપાક હતો. તે વમળમાંથી નીકળીને બહાર આવી હતી. અરે, ખરેખર તો તે તેની ઋણી હતી - કબૂલાતનો પાઠ શીખવવા માટે.

તે પણ - હા, તે પણ પાપની કબૂલાત કરી લેશે સનાતન પાસે. બસ એ જ અર્થ હશે આ પ્રવાસનો, આ નિવાસનો, શાંતિ આશ્રમના નિવાસનો અને આ છોકરીના અંગનો.

જરા છૂટી પડી શકુંતલા. ગંગા-દર્શન કરી રહી હતી નવી દૃષ્ટિથી. એમ જ લાગ્યું દેવયાનીને.

સામે જ આવી રહ્યા હતા સનાતન. ખાસ ભીડ નહોતી રહેતી આ ઘાટ પર. આશ્રમમાં મંગળા આરતીની ઝાલર બાજી રહી હતી. સૂર્ય પ્રગટ થવાની પળ હતી.

તે સામેથી ધસી ગઈ સનાતન ભણી. થયું સૂર્ય અને ગંગાની સાક્ષીએ કબૂલાત કરી લઉં. જે પળે જાગી જવાય એ જ પ્રભાત. ‘સનાતન...’ તે નજીક સરી. સનાતનેય થાકેલા જણાયા. શબ્દો ગોઠવ્યા, કહેવાના. આસપાસ દૃષ્ટિ ફેરવી. કદાચ શખુંતલા જ યાદ આવી હતી. એમ જ થયું હતું કે તે દૂર હોય તો સારું. ના, તે પાસે નહોતી જ.

સનાતને સંબોધન કર્યું - ‘દેવી...’

‘હા... સનાતન...’ તેણે ફરી ગોઠવ્યા. કબૂલાતના. પણ ત્યાં જ એ પુરુષ બોલી ઊઠ્યો હતો, વિષાદભાવમાં - ‘દેવી, તમે ઉદાર દિલે રજા આપો તો મારે મારા એક સ્ખલનની કબૂલાત કરવી છે...’

૧૦ - કેતકીનું સુખ

યોગ-શિબિરમાં આવ્યે ત્રીજો દિવસ થયો હતો કેતકીને. કેટલી હળવાશ અનુભવતી હતી ? આવી અનુભૂતિ તો ક્યારેય થઈ જ નહોતી - બેતાલીસ વરસની આયુમાં !

ભલું થજો નીનાનું કે તેણે અહીં મોકલી આગ્રહ કરીને. પહેલે દિવસે જરા કઠણ લાગ્યું - સવારથી જ. ચાર વાગે ઘંટ વાગે ને આખો પરિસર જાગી જાય. તેણે પણ જાગવું પડ્યું. ક્યાં આવી આદત હતી ?

લજ્જાએ કહ્યું - ‘આન્ટી... સરસ લાગે છેને, આમ પ્રથમ પ્રહરે ઊઠી જવાનું ? બસ... હવે ઝટપટ પરવારો. બરાબર પાંચ વાગે યોગ કરાવશે સ્વામીજી.’

એ બાવીસ વરસની છોકરી સ્ફૂર્તિથી, હસતી હસતી પ્રાતઃકાર્યોમાં લાગી ગઈ. કેતકી પણ લાગી ગઈ. એ છોકરીની પાછળ પાછળ. પ્રથમ અણગમાથી પણ પછી તો રસ પડવા લાગ્યો. અજાણ્યા શિબિરાર્થીઓ એકમેકનું અભિવાદન ઝીલતા હતા. હળવું સંગીત ગુંજતું હતું. અજવાસ ફેલાતો જતો હતો.

‘આન્ટી... હું તો એક વાર અહીં આવી ચૂકી છું. તમે પ્રથમ વાર જને ? ગભરાશો નહીં. હું તમારી ગાઈડ છુંને ? આશ્રમના ખૂણેખૂણાથી પરિચિત. કાર્યાલયમાં હતા ને એ ગોપાલ સ્વામી, ચેન્નાઈના છે. ગુજરાતી બોલે છે - મદ્રાસી જેવું.’ લજ્જા આટલું કહીને અટકી.

ભારે ચંચળ છોકરી. કેતકી વિચારતી હતી. રૂમપાર્ટનર સારી મળી. રમતિયાળ, વાચાળ અને... ચંચળ. સાત દિવસો સારી રીતે પસાર થશે.

ગમ્યું વાતાવરણ. યોગમાં પણ રસ પડ્યો. સ્વામીજીની વાણીમાં ધીરતા હતી, મીઠાશ હતી અને સંમોહન હતું. પ્રાણાયામની રીત શીખવી-લોમ, અનુલોમ, કપાલભાતી...! ઓહ ! આ બધી શ્વાસોની માયા હતી. તેને રસ પડ્યો. આ જ્ઞાન તો મળ્યું જ નહોતું. ટીવીમાં આવાં દૃશ્યો દેખાતાં ને તે તરત જ ચેનલ બદલી નાખતી. શ્વાસ જ ખરો આધાર હતો - જિંદગીનો. એના નિયમન થકી જ બધું ચાલે. વળી પાસે જ હતી - હોંશથી તરબોળ લજ્જા. જોતી જતી હતી કેતકી ભણી. પોરસાતી જતી હતી.

સરસ ગઈ એ પહેલી બેઠક.

‘ચાલો... આન્ટી, આશ્રમ દેખાડું તમને.’ એમ કહીને લજ્જા તાણી ગઈ તેને.

કેટલી ઓળખાણો કરાવી ? આ પટવર્ધન અંકલ, કિચન એમણે સંભાળવાનું. આ ગુણવંતભાઈ. બધા જ હિસાબો એમને આંગળીને ટેરવે. આપણા સુરતના જ છે. ગાય છે પણ અચ્છુ. અસલ સાયગલનો જ અવાજ ! આ લીનાદીદી... દશ વરસથી આશ્રમ સંભાળે છે. એ જ ગોઠવી આપશે સ્વામીજી સાથેની મુલાકાત. મળવું છેને, આન્ટી ? અરે, એ તો લહાવો છે, જીવનનો.

આમ એ છોકરીએ કેતકીને આખા પરિસરમાં ફેરવી, ખુશ ખુશ કરી મૂકી. એક અલગ જ દુનિયા હતી - ગમી જાય એવી.

કેતકીને કેટલી શાંતિ મળી; થયું કે અહીં આવી જ જવું. વરસમાં એક વાર. સાવ નવા જ બની જવાય. બ્યુટી-પાર્લરમાંથી આવ્યા પછી કેવું અનુભવાતું હતું ? બસ, આ એવું જ મનનું.

ખોરાક પણ બીજા દિવસથી ફાવી ગયો. શા માટે તમસની અસર નીચે આવી જવું ? જેવો આહાર એવો ઓડકાર.

રાતે તરત નિદ્રા થોડી આવે ? પતિ-જયંતને યાદ કરે, પુત્ર યાદ આવી જાય. નીના તો અવારનવાર સ્મરણે ને હોઠે ચડી જાય.

હા, તેનો જ ફોન આવ્યો હતો. કેતકી... તારે જોડાવું છે યોગ- શિબિરમાં ? સાત દિવસ ત્યાં આશ્રમમાં જ ! અરે, સરસ જગ્યા છે. અહીંથી બસમાં જ લોણી જવાનું. હવાફેર કે સ્થળ બદલો - જે ગણે તે - મજા પડશે. મારે તો ગેસ્ટ આવવાના છે એટલે... ! ને હવે તને જયંતભાઈએ મુક્ત કરી દીધી છેને - સ્વૈરવિહાર કરવા ? ના, મારે ક્યાં એ સુખ છે ? તો... લખાવી દઉં છું તારું નામ... !’

જયંત તો પ્રવાસમાં હતા. એ તો આવશે ત્યારે જાણશે કે એમની કેતકી... ક્યાં પહોંચી હતી, છેક લોણીની શિબિરમાં.

ધંધામાં તો એવું જ હોય ? ક્યાં ક્યાં પહોંચવું પડે ? અને આ લાલ, પીળી થઈને ફરતી હતી - એ ધંધામાંથી જ ને ?

હજી પાંચ-છ વરસ પહેલાં તો એ રૂમ-કિચનવાળી ચાલીમાં રહેતાં હતાં. કેટલાં અભાવો હતા ? અને જોતજોતામાં... મોટા ફ્લેટમાં આવી

ગયાં ! જયંતની આવડત તો ખરી જ ને ? ખાસ તો એમની જીદ. બસ, આમ કરવું એટલે કરવું. સફળતા મળી ગઈ.

આલીશાન ફ્લેટ, રાચરચીલું, સુવિધાઓ... કેટલું સુખ આપતાં હતાં ? સંકેત જેવો હોશિયાર પુત્ર પણ જમા પાસુ હતો. બસ... એક... આના જેવી વહુ ઘરમાં આવી જાય એટલે ભયો ભયો.

કેતકીના મનમાં લજ્જા વસી ગઈ હતી. સરસ હતી એ. અરે, જોડી થઈ જાય સંકેતની અને એની !

બીજી સવારે... કેતકી જ જાગી ગઈ હતી. તેણે જ લજ્જાને જગાડી હતી.

‘સોરી... આન્ટી... મારી આંખો કેમ ના ખૂલી ?’ તે બોલી હતી.

તૈયાર થતાં થતાં લજ્જાએ વાત માંડી.

‘આન્ટી... આજે નક્કી થઈ જશે - સ્વામીજીની મુલાકાતનું.

લીનાદીદીને કહી જ દીધું છે. દૂરથી કેવાં ભવ્ય લાગે છે સ્વામીજી ! પણ નજીકથી તો એમ જ લાગે કે માત્ર આપણાં જ છે. તમને તો ક્યાંથી ખ્યાલ હોય ? મુલાકાત સમયે જ ઓગસ્ટનાં કાળાં વાદળાં ચડી આવ્યાં. સ્વામીજીના કક્ષમાં પગ મૂક્યો ને એ બધાંય વરસી પડ્યાં. બારીમાંથી વાછટો આવે - લોબી સોંસરવી.

થોડી વાતો થઈ. મારું મન અરધું વરસાદમાં ને અરધું... તેઓ તરત જ સમજી ગયા. મને કહે, લજ્જા, ભીંજાવું છે ને વરસાદમાં ? ઈશ્વરની કૃપાનું તો સ્નાન કરવું જ જોઈએ. વાતો તો થશે, નિરાંતે... ગમે ત્યારે.’

ને આન્ટી... હું આંગણામાં પહોંચી ગઈ. સ્વામીજી... લોબીની કોર પર ઊભા રહ્યા - હસતા હસતા.

અને પછી કેટલા લોકો ભળ્યા ?

સ્વામીજી કહે - ‘લો... ઈશ્વર સાથેની મુલાકાત થઈ ગઈ.’ કેતકીને રસ પડ્યો, લજ્જાની વાતોમાં. તેણે તંતુ લંબાવ્યો.

‘લજ્જા... અત્યારે તો આવી મુલાકાત શક્ય નથી. આ તો હજી મે છે.’

‘અરે... વરસાદ તો જૂનમાં જ આવે - લોણીમાં. અને આન્ટી - તેઓ ઇચ્છે તો મેમાં પણ વરસાદ લાવે.’

તેને અપાર શ્રદ્ધા હતી સ્વામીમાં - એ દેખાઈ આવતું હતું. ‘અરે, સાવ ભોળી છોકરી છે.’ કેતકી વિચારતી હતી.

ભોજન પછી... લજ્જાએ નવી વાત કાઢી. તેને કેતકીનું સાંનિધ્ય ગમતું હતું. તેને ખાલી થવું હતું, ઠલવાઈ જવું હતું.

કેતકી ક્યાં કશું જાણતી હતી, એના વિશે ? હા, કેટલાક ગુણો વિશે જાણતી હતી. કમળપુષ્પની પાંખડીઓ ખૂલે એ રીતે ધીમે ધીમે પ્રગટ થતી હતી. એમ તો કેતકી પણ એટલી જ અજાણી હતી ને લજ્જાને ? આ તો સાત દિવસોનો સહવાસ હતો, જે આઠમે દિવસે છૂટી જવાનો હતો.

પછી શું મળવાના હતા એ લોકો ? આવું જ બનતું હોય છે પ્રવાસમાં, જીવનમાં.

‘આન્ટી, જોયો આ ડ્રેસ...’ લજ્જાએ બૅગ ખોલી.

મૂલ્યવાન ચીજ તરત જ પરખાઈ જાય. નીલ રંગનો ડ્રેસ જચતો પણ હતો લજ્જાને. ભરતકામ હતું ભરચક. આભલાંય હતાં.

અને સહુથી વિશેષ, એ છોકરીનો ચહેરો પ્રસન્ન હતો, ઝળહળતો હતો. ગાલ પર લરજ્જાથી લાલી તગતગતી હતી.

‘વાહ, સરસ છે !’ કેતકીના શબ્દોની છાલક એ છોકરીને ભીંજવી ગઈ.

‘કયા પ્રિયજને ભેટ આપ્યો ?’ કેતકી પણ રંગમાં આવી ગઈ. તેણે કશીક કલ્પના પણ કરી લીધી. કોણ આપે આવી ભેટ ?

‘આન્ટી... પ્રિયજને જ ભેટ આપી છે. તમારી વાત સાચી.’ ચકિત થતાં તે બોલી.

‘આન્ટી... હું એ પુરુષના પ્રેમમાં પડી છું, તરબોળ પ્રેમમાં.’

લજ્જાએ કહી નાખ્યું. અલબત્ત તે આ વાત કેતકીને કહેવા જ ઇચ્છતી હતી. આ ડ્રેસનું પ્રદર્શન તો નિમિત્તમાત્ર જ હતું.

‘તું છું જ એવી. તને કોણ પ્રેમ ના કરે ?’ કેતકીએ પ્રત્યાઘાત વાળ્યો. જાર મન ચચર્યું. આ મારા સંકેતની વહુ હોય તો ? પણ હવે તો એ વાત જ ખતમ.

‘આન્ટી... કેટલીયે ભેટ આપે છે...’ તે બોલી હતી.

‘તું પણ આપતી જ હશેને ?’ કેતકીએ તરત જ સંધાન પકડી લીધું. જેવા ભાગ્ય. બાકી આ હોય તો... મજા આવે જીવવાની. કેટલો ખ્યાલ રાખતી હતી તેનો ? આન્ટી આન્ટી કહેતાં થાકતી નહોતી. આ લાગણી જ જિવાડે છે સહુને.

આખરે તો નસીબ મુજબ ઘટનાઓ બને છે. નીનાએ ના મોકલી હોત તો, આ છોકરી ક્યાંથી મળવાની હતી ?

કેતકીએ મન સમેટી લીધું. જોયું તો પેલી વિચારતી પડી હતી.

પેલા પુરુષમાં જ લીન હશે ને ? આ અવસ્થા જ એવી હતી કે પ્રેમમાં પડેલી છોકરી રઘવાઈ થઈને ફરે.

ક્યાં અનુભવ હતો કેતકીને ? બસ, પરણી ગઈ જયંતને. મા કહે એટલે કરવું જ પડે. પોતે કેટલી સુંદર હતી ? કોલેજમાં બ્યુટી-ક્વીન, બ્યુટી-ક્વીન થતું હતું. જયંત ગોઠવાઈ ગયો એ નામની પાછળ.

‘સેવા કરજે વરની, સાસુ-સસરાની...’ એવી શિખામણો મળી જે તેણે ધ્યાનથી સાંભળી લીધી હતી.

એ દિવસોમાં જયંત કેતકી પાછળ ઘેલો હતો.

‘કેવી સુંદર વહુ મળી, જયંતભૈને.’ સહુના મોંએ એ જ રટણ હતું. તે અનુકૂળ થઈ જતી ને જોયા કરતી કે એ પુરુષ કેટલો ખુશ હતો ? બસ... એ જ તેનું સુખ હતું.

ગર્ભવતી થઈ એ ના ગમ્યું જયંતને.

‘તું કેવી થઈ જઈશ બેડોળ, બેમાપ. ફિગર જ બગડી જશે.’ તેણે કહ્યું ને તે માની ગઈ. પતિની ખુશીમાં સુખ મળી ગયું, માની લીધું.

માતાએ શી શિખામણ આપી હતી ?

પછી સંકેત આવ્યો. તેણે પતિને પ્રસન્ન કરી દીધો. વારસ આપ્યોને - જેની પાછળ જયંતનું નામ આવે !

કેતકી બ્યુટી-પાર્લરમાં જતી થઈ ગઈ. જયંતને તે ગમવી તો જોઈએ જને ? તેની હયાતીનો આ એક અર્થ હતો.

રાત-દિવસ અરીસામાં જોયા કરતી - પરીક્ષા હોય એ રીતે. ને ક્યારેક ખુશ કરી દેતી જયંતને.

‘વાહ... મારી બ્યુટી-ક્વીન, રાણી, જાન...’ એવું કશુંક બોલી નાખતો જયંત. તે ત્રાંસી નજરે જોઈ લેતી, કિશોર સંકેત સામે કે તે જાગતો તો નથી ને !

સુખને ક્યાં શોધવા જવું પડે તેમ હતું ?

ફ્લેટ આલીશાન થયો. સુવિધા વધી. અલગ બેડરૂમ મળ્યો - એક સંકેતનો, એક તેનો અને જયંતનો અને મહેમાનો માટે અલગ. અરીસા પણ આદમકદના બન્યાં. સેજ મળી કોમળ કોમળ. પછી તો સુખની પરિભાષા પણ બદલાય જ ને ?

પણ તે રઘવાઈ થવા લાગી. કેમ ના પ્રસન્ન કરી શકીએ પુરુષને ? શાની ચૂક આવી ? કેવો તરંગી બની ગયો હતો એ ? બાપ રે, થાકી જતી કેતકી. ગુસ્સે થઈ જતો જયંત. સાવ બેદરકાર.... બની ગઈ તું - કેતકી.

તો ક્યારેક પ્રસન્નતાની વાછટે પલથી પણ જતી નખશિખ.

પણ છેલ્લી માંદગી પછી તો અણધાર્યું જ બની ગયું. ક્યાં સ્વપ્નમાં પણ ધાર્યું હતું. તે ડરતી હતી. આ અશક્ત તન, શું આપી શકવાનું હતું? બે માસનો સમય પથારીમાં જ પસાર થયો હતો પણ હવે તો બેડરૂમની શૈયામાં જવાનું હતું.

જયંતે લાગલું કહી જ દીધું - ‘કેતકી... બસ, આરામ કર. જોને, કેવી થઈ ગઈ છું ? હવાફેર માટે જવું હોય તો જઈ આવ ક્યાંક - ભાઈને ત્યાં !’

આનું નામ પરિવર્તન. સાચેસાચો પ્રેમ. અદૈહિક...પ્રેમ ! સુખ કેટલું વિસ્તર્યું હશે - અંદરબહાર ?

ના, આ પુરુષને તેણે ઓળખ્યો જ નહોતો. મા જીવતી હોત તો લખી નાખત કાગળ. મા... તમારા જમાઈનું શું લખવું ? સંતોષ છે - અઢળક.

જઈ આવી ભાઈ પાસે. છેલ્લે ક્યારે આવી હતી એ યાદ પણ નહોતું - એકેયને.

અને નીના કેટલી રાજી થઈ ? નીનાએ કહ્યું - ‘કેતકી... તને ભગવાન ફળ્યા. મારે તો હજીયે રંભા બની જવું પડે છે.’

પછી આવી ગઈ યોગ-શિબિરમાં.

મુલાકાતમાં તે શું કહેશે સ્વામીજીને ? સુખી જ હતી. કશો પ્રશ્ન જ નહોતો. કશું માગવું નહોતું ઝોળી લંબાવીને. એ તો સાથે હશેને, લજ્જા. એ કર્યા કરશે વાતો. બોલકી છેને ? ને એને પ્રેમ તો ખરો જને, એના મનમાં માનેલાને પામવાનો ? એ કરશે... વાત.

ને આવી વાતમાં સ્વામીજીને શો રસ પડે ? એ વળી શું માર્ગદર્શન કરે ?

આમ ને આમ બીજો દિવસ પૂરો થયો.

સવારે લજ્જાએ જ તેને જગાડી.

‘આન્ટી, મને પાપ તો લાગવાનું જ પણ તમને જગાડ્યા સિવાય ચાલે તેમ નથી.’

તેની આંખો ખૂલી ગઈ. આખો પરિસર જાગી ગયો હતો. તે ખાસ્સી પરિચિત થઈ ગઈ હતી. સંગીત, કોલાહર, પવનની મર્મર અને લજ્જાનું સ્મિતથી છલકતું મુખ.

‘લજ્જા, હું નસીબદાર છું કે તું મળી.’ કેતકી સહજ બોલી. ‘આન્ટી, બહુ ચડાવતાં નહીં મને ચણાના ઝાડ પર.’ તે હસી પડી. ‘મારો ફાયદો તો તમે જોતાં જ નથી, આન્ટી ? કેટલી સુખી છું,

કેટલી નચિંત છું તમારી સાથે ?’

ને આંખો ભીની થઈ કેતકીની. ભાવવશ બની ગઈ. ‘મળજે શિબિર પછી પણ. હું તને સરનામું આપીશ.’

વળી પાંચ વાગે સહુ ગોઠવાઈ ગયા - સામેની જગ્યામાં. યોગ, વ્યાયામ અને સૂરજના કોમળ કિરણ સમું સ્વામીજીનું સંબોધન. કેતકી પુનઃ ધન્ય બની ગઈ.

વિચારી રહી - ‘મળવું જ છે સ્વામીજીને. આવો અવસર કાંઈ ચુકાય ?’ પાસે જ પ્રાણાયામ કરતી લજ્જા વિચારતી હતી - ‘કેમ ના આવ્યો ફોન ? ટેબલ પર નંબર મૂકીને આવી છું. લખ્યું પણ હતું -

ગોપાલસ્વામી ફોન ઉપાડશે. લગભગ એ જ. કહેજોને કે લજ્જા બેબીને બોલાવી આપે. સરસ અંકલ છે. મને દીકરી જ ગણે છે. આવતી શિબિરમાં એકલી આવવાની નથી, નથી ને નથી.’

તેનું મન, અરધું પ્રાણાયામમાં હતું અને અરધું પ્રિયજનમાં. કેતકી જાણતી હતી, એનો રઘવાટ અને એનું કારણ પણ. આ અવસ્થા જ એવી હતી કે જ્યાં લાગણી દેખાય ત્યાં ઢળી જ જવાય. તેનું પણ અરધું ધ્યાન આ છોકરીમાં જ હતું.

અંતે હાસ્યાસન થયું. સહુ મુક્ત હાસ્યમાં સરી ગયા. જબરો કોલાહલ વ્યાપી ગયો. લજ્જા ત્વરાથી કાર્યાલયમાં સરકી ગઈ. ‘અંકલ...

મેરા ફોન આયે તો... તુરંત બુલા લેના. રૂમ પર હી હૂં.’ તે બોલી - વિહ્‌વળતાપૂર્વક.

ગોપાલસ્વામીએ કહ્યું - ‘બિટિયા, મુઝે યાદ હૈ. મૈં ખુદ... આઉંગા.’ પછી ઉમેર્યું - ‘કોઈ પ્રોબ્લેમ તો નહીં હૈ ના ?’

‘નો અંકલ’ લજ્જાએ કહી દીધું, પરંતુ એનું બોદાપણું છુપાવી ના શકી. ગોપાલ સ્વામીએ આંખો મીંચી દીધી; જાણે પ્રાર્થના ના કરતો હોય, આ છોકરી માટે !

પછી ઉતાવળે આવી ને બેસી ગઈ પંખાની નીચે. કેતકી વસ્ત્રો સંકેલી રહી હતી.

‘થાકી ગઈ, લજ્જા ?’ પૂછ્યું કેતકીએ. તેણે આ છોકરીનો રઘવાટ જોયો હતો. દયા આવી હતી - અબૂઝ છોકરી પ્રતિ. કેટલી અટવાતી હતી

- સવારથી ? આટલું પ્રબળ આકર્ષણ હશે - પેલા પ્રતિ ? ને પેલાને હશે ?

‘અકળાતી નહીં... બેટા’ કહ્યું કેતકીએ ને તરત ઊભી થઈને વળગી પડી. કેતકી થપથપાવતી રહી.

‘આન્ટી... મારે તમને બધી વાત જણાવવી છે.’ તે બોલી રાંક બનીને. અલબત્તા તે કશું કહી શકે એ સ્થિતિમાં તો નહોતી, પણ કેતકીને ફાળ પડી હતી. કશું અજુગતું... થયું હશે ?

પ્રેમની બાબતમાં સ્ત્રીઓ યુગોથી છેતરાતી આવી હતી. કેતકીને શકુંતલા યાદ આવી ગઈ. આ ભોળી છોકરી ફસાઈ તો નહીં હોયને ?

મોંઘી ભેટોની આડશમાં આ છેતરાતી તો નથીને ?

ક્યાં કશું - પ્રેમમાં પડી છે - એથી વિશેષ કહી શકી હતી ? તે ક્યાંય સુધી લજ્જાને થપથપાવતી રહી.

માંડ હીબકાં શાંત થયાં.

‘કહીશ આ છોકરીની વાત નીનાને’ કેતકી વિચારતી હતી. ‘અરે, જયંતને પણ કહીશ. મળીશ ત્યારે એક આખી રાત - આ બધી વાતો જ કહ્યા કરીશ. જેટલી શિબિરની વાતો એટલી જ આ છોકરીની વાતો !’

હું કહીશ - જયંત, એક છોકરી હતી શિબિરમાં. લજ્જા નામ પણ કેટલી ચંચળ ? જો મેં એબોર્શન ના કરાવ્યું હોત તો એ પણ આવડી જ હોત, લજ્જા જેવડી.

મને તો બહુ જ યાદ આવી ગઈ.

પણ હું સુખી જ છું ને ! તમે મને શું નથી આપ્યું ?

અચાનક ગોપાલ સ્વામી ધસી આવ્યા - ખુલ્લા દ્વારમાંથી. ચહેરા પર પ્રસન્નતા હતી. હાથમાં કાગળની કાપલી હતી.

‘લજ્જા બેબી... તેરા ફોન આયા હૈ. તૂ પ્રતીક્ષા કરતી થી ન ?’ આ શબ્દો સાંભળ્યા તેવી જ તે ભાગી. ઓઢણીયે રહી ગઈ પલંગ પર. ઝડપથી દૃષ્ટિ ફેરવી કાપલી પર. વાંચી પણ હશે કદાચ.

ગોપાલ સ્વામી હસ્યા, કેતકી સાથે નજર મેળવી, કાપલી પલંગ પર મૂકી ને... પાછા ફર્યા.

‘બચ્ચી હૈ અભી’ એ શબ્દોય ઝીલ્યા કેતકીએ.

ચાલો, એક વાતનો તો અંત આવ્યો. અરે, હસતી-કૂદતી પાછી ફરશે હમણાં. પેલાનો ફોન સમયસર જ આવ્યો.

અચાનક કાપલી પર દૃષ્ટિ પડી. કુતૂહલ તો જાગે જને ? શું લખ્યું હશે એવું ?

કેતકીએ કાપલી ઊંચકી, આંખો સામે આણી ને વાંચી પણ ખરી. જયંતનો અંગત મોબાઈલ નંબર લખ્યો હતો. નીચે લખ્યું હતું - લજ્જાનો ફોન, જયંત...!

૧૧ - સુખાનુભૂતિ

એકતાલીસ વર્ષની સુકેશીને છેલ્લાં કેટલાય સમયથી એક જ પ્રશ્ન મૂંઝવતો હતો કે આમ કેમ, કેમ બની રહ્યું હતું તેની સાથે જ આવું ?

નાની ત્રણેય પરણીને ઠરીઠામ થઈ ચૂકી હતી, તેમની ઘરગૃહસ્થીમાં. કેવા વિસ્તૃત પત્રો આવતા હતા, તેમનાં સુખોના, આનંદોના અને મુશ્કેલીઓના પણ.

સુનંદા લખતી હતી - ‘મોટી બહેન, દૂર છું છેક મુંબઈ. ઝટ આવી શકતી નથી. ખરું પૂછો તો, મોટી બહેન, સમય જ ક્યાં મળે છે ? સંજ્ઞા અને મલયમાં જ દિવસ વીતી જાય છે. બહેન, એનોય આનંદ છ, પાર વિનાનો આનંદ !

માલતી લખતી - ‘મોટી બહેન, કિરણ ભણે છેને ? ઓહ ! કેટલી સંભાળ લેવી પડે ? છેય તેજસ્વી. એ કહે છે - ડૉક્ટર જ બનાવવો છે !’ રેખા મૂંઝવણ રજૂ કરતી - ‘બહેન, કેવું થયું ? પ્રેગનન્સી આવી ? આ ઉંમરે કેવી મૂંઝવણ થાય ? શું કરું ? શૈલેશ કહે આમાં શાની શરમ ? જોડ થઈ જાયને ? અભીને ! ને મોટીબહેન, આમ તો આ સુખ જને ?’

તે ઓફિસેથી સાંજે આવે ને મા, તેને ખબર આપે, આ ટપાલના જ સ્તો ! આવી છે ટપાલ, મૂકી છે ટિપોય પર. અને રોજ રોજ ટપાલોય ક્યાંથી હોય ? તે માત્ર એટલું જ બોલે - ‘આવી ગઈ, સુકેશી ?’ તે મોં મલકાવીને કહે - ‘હા, માડી.’

બસ, સાંજ પૂરી. તે અંદરના ખંડમાં જઈ વસ્ત્રો બદલે, સાથે મનને પણ બદલે, બદલવા કોશિશ કરે.

એમ કોઈ ઓફિસ ચિત્તમાંથી ઝટ ખસે નહીં જ ને ? રસ્તામાં જોયેલાં દૃશ્યો પણ આંખોમાં પડ્યાં હોય, તાજેતાજાં ! કેટલી વાતો હોય, ગઠરીમાં ? પણ હોઠ ખૂલે જ નહીં. ક્યારેક, કેટલી બધી ઇચ્છા હોય, ઠલવાઈ જવાની, પણ મા તો તેનામાં પડી હોય, સ્તવનની ચોપડી ખોલીને બેઠી હોય કે વિષ્ણુસહસ્ર નામ પાઠ કરતી હોય.

રાતે એક જ ઢોલિયામાં પોઢ્યાં હોય બન્ને, સાવ નિકટ ! તો પણ બહુ ઓછા સંવાદો થાય. મનોરમા પૂછે - ‘આ સાડી કાલે પે’રતી નહીં. મેલી થઈ ગઈ છે.’ અથવા ‘સત્યામાસીને મળી લેજેને ! તને યાદ કરતાં હતાં.’

વાત આગળ ચાલે એવી શક્યતા તો હોય પણ એ આગળ વધે જ નહીં. મા તરફ ફંટાઈ જતી, બીજી દિશામાં. અને ક્યારેક તે આંખો મીંચીને પડી હોય ને મા તેને પંપાળી લેતી, વહાલ કરતી.

જાણે એ બેય વચ્ચે અદૃશ્ય દીવાલ હતી ! બન્ને પર ઉંમરના થર પથરાતા જતા હતા, તેની કેશલતાને શ્વેત ઝાંય વળગતી જતી હતી તો પણ પેલી અભેદ્ય દીવાલ યથાવત્‌ હતી.

સુકેશી તપાસતી, તેના અતીતને, એ જોવા કે એવું શું બન્યું હતું જેનાથી આ સ્થિતિ સર્જાઈ હોત ! તિરાડ હતી તો ક્યારેક ત્યાં નાનો શો ઘાવ થયો હશેને ? કોઈ આઘાત તો લાગ્યો હશેને ?

*

એ દીકરીઓવાળું ઘર હતું પણ બીજા નંબરની સુનંદા એને અણગમતી દીકરીઓવાળું ઘર ગણતી.

તેનાથી બે વરસ નાની, એ પછી માલતી ને છેલ્લે રેખા. આ છેલ્લી રેખાનું નામકરણ સુકેશીએ કરેલું. તેને હજીય યાદ હતી એ ઘટના.

તાજી જન્મેલી રેખાને લઈને મનોરમા હોસ્પિટલથી આવેલી. બેય રડી રહ્યાં હતાં, બા-દીકરી. કારણ ભલેને અલગ, પણ રુદન તો એકસરખું જ હોય ને ?

અને તેણે-આઠ વરસની તેણે એમાં વિક્ષેપ પાડ્યો હતો. કહ્યું - ‘મા, કેવી સરસ બહેન છે મારી ? રૂની ઢગલી જેવી. તેના શબ્દો વિફલ ગયા હતા.

અનંતભાઈ પાસે જ બેઠા હતા, ઉદાસ બનીને. આ ચોથી છોકરી હતી, મનોરમાને કૂખે જન્મેલી. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું હતું - ‘જુઓ, આ વાત બંધ થવી જોઈએ. બે વાર પેટ ચિરાયું છે. ગફલત થશે તો જીવહાનિ થશે.’

કેટલો સંતાપ હતો - એ બેયને ? વંશવારસ આવ્યો જ નહોતો ને હવે શક્યતા પણ નહોતી. ને આ ચારેયને ઠેકાણે તો પાડવીને ?

પણ સુકેશીને શી સમજ પડે ? તેણે એ જ વાત ફરીથી કહી, જરા મોટા અવાજમાં. એક ઉમેરોય કર્યો. ‘મા... આનું નામ રેખા રાખશું ?

મને બહુ જ ગમે રેખા. મારા ક્લાસમાં પણ એક રેખા છે, અસલ ઢીંગલી જેવી !’ ને એક લપડાક પડી હતી, તેના કૂમળા ગાલ પર !

એ હજીય ચમચમતી હતી, સુકેશીના ગાલ પર. પછી બાર વર્ષની સુકેશીને તો બધી ખબર પડી ગઈ હતી. તેને બા-બાપુની રાતે થતી રકઝક પણ સંભળાતી હતી. ભલેને, બીજા ખંડમાં પણ કાને તો પડેને ?

એક બીજી વાત પણ એની આઠ વર્ષની વયે જ બનેલી. ઢોલિયો બની હતી, કુતૂહલની ચીજ. તેની સખીઓ આવે ને સુકેશી અચૂક ઢોલિયો બતાવે.

‘છેને સરસ ? બેય બાજુ કોતરણી. ચારે છેડે મોરલા. ને એટલો મોટો કે અમે ચારેય સૂઈ રહીએ એમાં.’

પેલી આગળ તંતુ લંબાવે, ‘રાતે...?’

ને તે તડાક દઈને ઉત્તર દે - ‘ના, દિવસે. રાતે તો બાપુ જ સૂએ, એકલા !’

પછી બાર વર્ષની સુકેશીને જ્ઞાન લાધેલું કે રાતે કાંઈ બાપુ એકલાજ નહોતા સૂતા ઢોલિયામાં. તેણે ખુદે જ માને અરધી રાતે ત્યાં જતી જોયેલી, પાછી ફરતીયે જોયેલી.

બીજી સવારે સહજતાથી પૂછી બેઠી હતી - ‘મા, સરસ નીંદર આવે છેને, ઢોલિયામાં ?’

ને બીજી લપડાક પડી હતી, તેના ગાલ પર. તે રડી શકી નહોતી પણ પછી મા જ રોઈ પડેલી, તેને વળગીને.

તેણે તેને પંપાળી હતી, ગાલ પંપાળ્યા હતા. ના, કશું જ બોલી નહોતી.

હતો ?

સોળ વરસની સુકેશીને બધી સમજણ પડી હતી.

પણ એક સમજણ નહોતી પડી કે નાદાન સુકેશીનો આમાં શો દોષ સુનંદા કહેતી - ‘મોટી બહેન, આપણો દોષ તો ખરો જને ? ચારેચાર એક જ ઘરમાં દીકરી થઈને જન્મ્યાં ?’ સુકેશી અંતર્મુખ હતી જ્યારે સુનંદા રમતિયાળ. સુકેશી વાંચ્યા કરે, વિચાર્યા કરે. તે ભલી ને તેનાં પુસ્તકો. ખૂણો શોધીને વાંચતી જ હોય. પેલી લપડાકો કણસતી હોય ને તે વાંચતી હોય.

સુનંદા હળવાશથી કહેતી - ‘બેન, તમને પંડિત વર મળશે. પછી વાંચ્યા લખ્યા કરજો બેય. જમજો વાંચતા વાંચતા. પણ રસોઈ કરશે કોણ ?’

ક્યારેક કહેતી - ‘દીકરીવાળાં ઘરનાં સુખો કેટલાં ? મોટી બહેન, ભલેને, ભીડ હોય પણ આંતર વરસે એક પછી એક ચાલી જવાની પગતાશ કરતી.’

*

હા, પછી કેટલી બધી પગતાશ થઈ હતી ! અચાનક અનંતભાઈ ગયા. નખમાંય રોગ નહીં ને ચાલ્યા ગયા ! રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ ને સવારે તો... છેલ્લો શ્વાસ મેલાઈ ગયો !

રોકકળ કરી મૂકી દીકરીઓએ. સત્યામાસી આવી ગયાં. મૂઢતા આવી ગઈ સહુને ચહેરાઓ પર. એ ચારેયે તો પ્રથમ વાર જોયું હતું - મૃત્યુ, આટલી નજીક !

મનોરમા લવતી હતી - ‘ગયા, આ ચારેયની ચિંતામાં.’ છળી ઊઠી સુકેશી. આમાં પણ તેઓ જ હતી, જવાબદાર ? આખરે શો દોષ હતો ?

દીકરીવાળું ઘર હાલકડોલક થઈ ગયું.

‘ઝીણી ઝીણી ચિંતા કોરી ખાતી હોયને, એ પુરુષને ?’ કોઈએ મનોરમાના કથનનું વિસ્તરણ કર્યું હતું.

‘શું થાય ? ચારેચાર...’ વધુ સ્પષ્ટ ઉચ્ચારણ.

ચારેય કેટલો સંકોચ અનુભવતી હતી ? હત્યા કરી હતી બાપુની, જાણે ! સુકેશી અકળાતી હતી, મા પર. અરે, તે પણ ભળી ગઈ હતી ટોળામાં ? કઈ આશામાં તંતુ લંબાવ્યો હતો - ચારના અંક સુધી ? અરે, બાપુ તો... એય લંબાવવા ઇચ્છતા હતા; રકઝક થતી જ હતીને ? તેઓ જન્મી એ જ દોષ ? રોષ જન્મતો હતો, એ શાંત છોકરીને. ભીતર લાવા હતો ને તે દોડાદોડી કરતી હતી, બેન્ક-ઓફિસ-પોસ્ટઓફિસ-સત્યામાસી-પંડિતજી... એમ સ્થળે સ્થળે.

સુનંદાય તેની સાથે જ હતી. માલતી અને રેખા, મનોરમા પાસે રહેતી હતી.

બસ, એ સમયે જ સુકેશીને વિચાર આવ્યો હતો કે મા તેને જ અપરાધી ગણતી હતી, માત્ર તેને જ, બીજી ત્રણેય તો એ પછી આવી હતી ને ?

નહીં જ.

ના, આ વાત કોઈનેય ક્યાં જણાવી હતી ? અરે, સુનંદાને પણ ઓફિસ તરફથી રહેમરાહે નોકરી આપવાની વાત આવી ત્યારે તેણે ચૂપચાપ સહી કરી આપી હતી. નહીં તો અભ્યાસમાં કેટલી તેજસ્વી હતી ? અને છેલ્લું જ વર્ષ હતું અભ્યાસનું.

ક્લાસરૂમ, પ્રોફેસરો, સખીઓ, પુસ્તકો, ઘરથી કોલેજ સુધીનો રસ્તો, લાઈબ્રેરી - બધું જ તગતગવા લાગ્યું હતું આંખોના પરદા પર.

તેણે આંખો લૂછી નાખી હતી.

‘હા, હું કરીશ મારા બાપુની ઓફિસમાં નોકરી’ તે બોલી હતી, થડકારા વિના.

જરા !’

ને પછી ઉમેર્યું હતું : ‘દીકરી હોવાના અભિશાપને ઓછો કરુંને

*

સારી લાગી ઓફિસ. ભલા લાગ્યા સૌ. આવકાર મળ્યો, અનંતભાઈની દીકરીને.

‘જુઓ બેન, જરાય મૂંઝાવું નહીં. તમને પાઠક કામની સમજ પાડશે.’

ઓફિસમાં બે સ્ત્રીઓ હતી એમાં તે ભળી હતી. નવી જ દુનિયા મળી. અલગ વાતાવરણ હતું, કાગળો અને ફાઈલોનું. સાડી પહેરીને આવી હતી પણ ક્યાં ફાવતી હતી ? ટેબલ-ખુરશી મળ્યાં. પંખો ફરતો હતો છત પર અને બારીઓ પર પરદા હતા.

ઘર યાદ આવી ગયું પણ તરત જ ભુલાઈ ગયું. કેટલાક લોકો અનંતભાઈને યાદ કરતા હતા. મજાનો માણસ. કેવું સરસ કામ ? હિસાબોમાં કોઈ ભૂલ તો શોધે ? પરફેક્ટ ! એસેટ હતા ઓફિસના.

તે સાંભળી રહી, ચકિત થઈને. શું આવા હતા, તેના બાપુ ?

ખરેખર ? ઘરે જે બાપુ હતા એ તો અલગ હતા, આ વર્ણનથી.

ઘરે આવીને અક્ષરશ- વર્ણવ્યું - ત્રણેય પાસે. પેલી ત્રણેયની આંખોમાં કુતૂહલ તો હતું જ પરંતુ અહોભાવ પણ વધ્યો મોટી બહેન પ્રતિ.

પહેલા પગારનું કવર મનોરમાના હાથમાં મૂકીને તે ખુદ રડી હતી.

માએ તેને પંપાળી હતી, ને તેને ગમ્યું હતું એ વહાલ.

પણ એ પછી જે ઘટના બની, એનાથી સુકેશી ખળભળી ઊઠી હતી.

વીસ વરસની સુકેશીએ પિતાના સ્થાને મળેલી નોકરી સ્વીકારી હતી અને છવ્વીસની સુકેશીએ, સ્વહસ્તે રેખાને પરણાવી હતી. જીદ કરીને, એ વચ્ચેય કશુંક બન્યું હતું.

બે વરસ પછી લગ્નનું કહેણ આવ્યું હતું, સુકેશી માટે. લગ્ન ? તે જરા થડકી હતી. પુરુષ સાથેનું સાયુજ્ય, દાંપત્ય, જીવનમાં એક નવી વસંતનું આવવું. આવે જને, કહેણ, તે મલકાઈ હતી. આ તો વયની લીલા! કોઈના પણ જીવનમાં આવે.

તેને વિચાર આવ્યો કે તે સમજાવશે સાહેબને, લઈ શકાય સુનંદાને તેની જગ્યાએ ? તો જ તે હા પાડશે, આ લગ્નની. નહીં તો કહી દેશે - ‘માડી, કરી નાખો આપણી સુનંદાનું. તે પણ હોશિયાર છે, શાણી છે, મારા કરતાંય... એક વેંત વધુ !’

ને માનો ફોન આવ્યો હતો ઓફિસમાં - ‘બેન, શું કરવું ? તારા ને એના ગ્રહો મળતા નથી ? કરી નાખવું સુનંદાનું ? મેં તો ગોળધાણા ખાઈ

લીધા, સુનંદાના !!

આંચકો તો લાગ્યો પણ મનને પટાવી લીધું તેણે. જોગાનુજોગ જ થયોને ? તે પણ એમ જ ઇચ્છતી હતીને ? સારું થયું કે પૂછ્યું નહોતું સાહેબને.

બે વરસ પછી તાલીમ આવી નોકરીની. કદાચ એ પછી પ્રમોશન પણ આવે. સરસ કામ કરતી હતીને તે ! દિલ દઈને ! તેના સાહેબે જ કહ્યું હતું.

માલતીએ કહ્યું - ‘મોટીબહેન, જઈ આવો વડોદરા. સરસ શહેર છે. ક્યાંય જતાં જ નથીને ?’

અને એક માસ પછી ફોન આવ્યો હતો સુકેશી પર. મનોરમા કહેતી હતી - ‘બેન, તું આવી શકીશ ? છેવટે એક દિવસ માટે પણ ! જાણે એવું થયું, આપણું પશુપતિનાથનું મંદિર છેને ? ત્યાં પ્રદક્ષિણા ફરતાં ફરતાં એ લોકોએ આપણી માલતીને જોઈ...!

ફાળ પડી સુકેશીને. શું તેનાંય લગ્ન આટોપવાનાં હશે ?

ને એવું જ થયું. માલતીના ઘડિયાં લગ્ન લેવાઈ ગયાં. ‘સુકેશી,

સમય જ નથી એમને. અને કહે છે, કશું જ નથી જોઈતું. બસ, તમારી

માલતી ! હોટલમાં ઊતર્યા છે. બોલ, શું કરવું છે ? આવીશ...?’

તે નખશિક હચમચી ગઈ હતી. ના, આ કાંઈ જોગાનુજોગ ન ગણાય. કેમ અવગણવામાં આવતી હતી સુકેશીને ? નાની દીકરીઓના અવસરો ઉકેલી નાખવા છે અને મોટીને લટકતી રાખવી છે, ત્રિશંકુની જેમ ? સ્પષ્ટ થઈગયું દીવા જેવું કે મા નહોતી ઇચ્છતી કે તે પરણે ! તે ક્યાં દીકરી હતી, મનોરમાબહેનની ?

તેણે કહ્યું હતું - ‘ના માડી, મારાથી નહીં અવાય, આ મૂકીને !’ બે માસની તાલીમ પરથી પાછા ફરવું પણ ક્યાં ગમતું હતું સુકેશીને ? તો પણ આવવું પડ્યું, એ જ ઘરમાં. માલતી નહોતી પણ તેની વાતો હતી.

રેખાએ કહ્યું - ‘મોટીબહેન, તમારી તબિયત તો....!’

‘કશુંય નથી. રાતી રાયણ જેવી છું.’ તે હસી હતી. માએ તેને પંપાળી હતી પણ સુકેશી દાઝતી હતી.

તે બોલી હતી વ્યંગમાં - ‘માડી, આ રેખલીનાં લગ્ન તો હું ઓફિસે જઈને આવું એ દરમિયાન જ આટોપી નાખજો.’

વચ્ચે.

મનોરમાએ આંખો મીંચી દીધી હતી. ભીનાશેય હતી બે પાંપણો

*

પ્રત્યાઘાતરૂપે છવ્વીસ વરસની સુકેશીએ રેખાને સ્વહસ્તે પરણાવી દીધી. કહેણ તો સુકેશી માટે જ હતું. સુનંદા અને માલતી બેય કેટલું કરગર્યાં હતાં ? ખુદ રેખા રડી હતી, પણ તે માની નહોતી.

તે રટતી હતી - ‘માડી, તેં બેયને પરણાવી. હવે મને એકને પરણાવવા દે.’

સોપો પડી ગયો હતો, એ ઘરમાં.

‘સુનંદા, માલતી... તમે માની ચિંતા ન રાખશો. હું છું ને થાનકના પાળિયા જેવી. એય અમે બેય.. હિલોળા લેશું. કેટલી પગતાશ છે ઘરમાં ?’

આમ જ ગયાં, પંદર વરસ; બેય સ્ત્રીઓના પડછાયા ફર્યા કરે ભીંતો અને ફરશ પર.

મનોરમા ક્યારેક કહે, ઋજુતાથી - ‘દીકરી, મારે તને એક વાત કહેવી છે !’ને તે હસીને કહે - ‘માડી ક્યાં સમયનો તોટો છે ? ને હું તો તારી

પાસે જ છું. ક્યારેક કહેજે.’

સુકેશીને થતું કે વળી શું કહેવું હશે માને; કદાચ જેવું તેવું સ્પષ્ટીકરણ તેના વર્તનનું અથવા ક્ષમા માગવી હોય ! શો અર્થ હતો એ વાતનો ! ના, તેને તેની લાગણી નહોતી. દર વખતનું તેનું મૌન તો એ જ વાત છતી કરતું હતું.

માંદી પડી ત્યારે દિલ દઈને સેવા-ચાકરી કરી. ન બોલાવી એકેયને? સત્યામાસી તો ચકિત થઈ ગયાં હતાં. મનોરમાને, છોકરો હોત તો પણ આટલું ન કર્યું હોત !

તે હસી હતી, શ્વેત ઝાંયવાળી કેશલતા પર હાથ ફેરવ્યો હતો.

મનોરમાએ છેલ્લો શ્વાસ મૂક્યો ત્યારે તે પથારી પાસે જ હતી. તે અને સત્યામાસી. રડી પડી હતી, માસીને વળગીને.

સુનંદા, માલતી ને રેખા આવી પહોંચ્યા ત્યારે તો તેનાં આંસુ ખૂટી પડ્યાં હતાં, સ્વસ્થ બની ગઈ હતી.

બેસણા માટેનો ફોટોય ક્યાં હતો, મનોરમાનો ? સત્યામાસીએ શોધ્યો, ખુદ તેમનાં લગ્નના આલબમમાંથી. બોલ્યાં - ‘સુકેશી, ખૂબ જ દુઃખી હતી તારી મા. અને તારા પર તો અપાર લાગણી હતી.’

હેં ! થઈ ગયું સુકેશીથી. ચહેરો વિસ્ફારિત થઈ ગયો વિસ્મયથી. શું સાંભળી રહી હતી તે ?

સત્યામાસી આગળ બોલ્યાં - ‘તને ક્યાં જાણ છે એ ઘટનાની ? તું ત્યારે પાંચની લગભગ. એ, તું અને હું ગયાં’તાં પશુપતિનાથને મંદિરે કશો અવસર હતો. ત્યારે સુનંદા ઘરે હતી ને માલતી એના પેટમાં. માંડ આવી હતી મંદિરે, તને બતાવવા જ સ્તો ! અચાનક, એક ભગવા વસ્ત્રધારી સ્વામી આવ્યા, મેદની વીંધતા. ગૌર વાન, તેજસ્વી લલાટ અને...’ તે રોકાયા શ્વાસ લેવા કે પછી કશું યાદ કરવા.

‘હં... સીધા મનોરમા પાસે જ આવ્યા. જોઈ રહ્યા અનિમેષ મા- દીકરી સામે. આખી મેદની દંગ થઈને જોઈ રી હતી એ દૃશ્યને.

પછી સ્વામીજી ધીમા સ્વરે બોલ્યા, ‘માઈ, ઈસ બચ્ચી કા વ્યાહ મત કરના. સંસાર મેં મત ડૂબૌના. ઉસકે ભાગ્ય મેં દુઃખ કે પહાડ લીખે હૈ. તુઝસે ભી જ્યાદા. નહીં ઝેલ સકેગી બચ્ચી. યાદ રખના...!

અને શ્વાસ થંભી ગયો સુકેશીનો. હેં આમ...હતું ? એ માટે જ માએ...!

આખો અતીત, ખળભળવા લાગ્યો, ફરીથી - નવા સંદર્ભમાં. આંખો ચૂવા લાગી ટપ ટપ !

સત્યામાસી તો ઘણું બોલતાં જતાં હતાં, પણ તે ક્યાં સાંભળતી હતી ? હતી.

સુકેશી માટે તો એટલું જ્ઞાન જ પર્યાપ્ત હતું કે મા તેને ચાહતી

૧૨ - હવે એ ટોળામાં નહોતો

એ બપોરે અસહ્ય તાપ હતો. ચાચાની દુકાન ઊંડી અને સાંકડી હતી. એથી તાપ અને બફારો વિશેષ લાગે. આ સમયે ઘરાકી પણ ખાસ

ન હોય. માલતીને આ સમય જ ફાવે; ખલેલ વિના... તે પુસ્તકો ફેંકી શકે, વાંચી શકે, તારવી શકે. વળી સુલેમાનચાચા સાથે ઓળખાણ પણ

ખરી, ગ્રાહક તરીકેની. માલતીને આ જૂનાં પુસ્તકોનો ખજાનો હાથ આવે પછી તે બધું જ વીસરી જાય.

રસના વિષયો પણ કેટલા. બસ... આ જ તેની દુનિયા. તેની મમ્મી અકળાયા કરે. ‘શું કરશે આ છોકરી - આટલાં થોથાં વાંચીને ? અજબની છોકરી છે. બીજો એક પણ શોખ નહીં !’

વાત સાચી હતી. વીસ વર્ષની છોકરીને કેટલા શોખ હોય ? વસ્ત્રોના, પરફ્યૂમ્સના, પ્રવાસના, મૂવીના, એક્ટર્સના, બોયફ્રેન્ડના ?

માલતી પાસે એવી ફાલતુ વાતો માટે સમય નહોતો. એ ભલી અને એનાં પુસ્તકો ભલાં.

સુલેમાનચાચાને પણ સવાલ તો થતો કે શું કરતી હશે આ છોકરી આટલાં પુસ્તકોનું ?

માલતી જ્યારે આવે ત્યારે બેચાર થોથાંનો ભાર હળવો કરે, પૈસા ચૂકવતી વેળાએ અવશ્ય કહે : ‘ચાચા... બીજી વાર સમય કાઢીને આવીશ.’

ચાચા વિસ્મયથી જોઈ રહેતા.

‘એ બપોરે માલતી ચાચાનો ખજાનો તપાસી રહી હતી. પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. અને કામ તો હજુ પત્યું પણ નહોતું. એક પુસ્તક મળ્યું હતું, માંડ મળ્યું હતું પણ એ પહેલો ભાગ હતો. એક મળ્યા પછી બીજો ભાગ તો મેળવવો જ પડે. નહીં તો બધી મહેનત માથે પડે.

માલતી કામમાં લાગી ગઈ હતી. સુલેમાનચાચા પૃચ્છા કરી જતા : ‘બેટી... મળ્યું... તને તારું મનપસંદ પુસ્તક ?’

‘ચાચા... લઈને જ જવાની છું. ભલે સાંજ પડે.’ માલતી પ્રસ્વેદ લૂંછતા જવાબ વાળતી.

‘મળી જશે... બેટી’, ચાચા એટલું કહીને બીજી દિશામાં વળતા. આવો ક્રમ ચાલતો હતો.

સાંજની શરૂઆત થતાં ઘરાકી પણ વધી હતી. ગરમી પણ જરા ઘટી હતી. માલતીને થોડી નિરાશા પણ થતી હતી. આખરે તેને ગમતું

પુસ્તક ગયું ક્યાં ?

બરાબર એ સમયે ‘મારો કાપો... મારો...’ એવો અવાજ સંભળાયો.

માલતીએ સાંભળ્યું. જરા ચમકી પણ ખરી તોપણ તેને ખરેખર શું બની રહ્યું હતું એનો ખ્યાલ મોડો આવ્યો. માલતીના હાથણાં તે જે શોધી રહી હતી એ પુસ્તક આવી ગયું. તેણે હરખથી જોયું, તપાસ્યું. હા... એ જ હતું. તેની મહેનત ફળી હતી. પણ પેલા અવાજો ? તે ખરેખર ચમકી.

કોમી રમખાણ તો નહીં હોય ને ? તેણએ રિસ્ટવૉચમાં જોયું પણ સમયનું ભાન થાય એ પહેલાં સુલેમાનચાચા દોડતા આવ્યા. ‘બેટી, દંગા... શરૂ થઈ ગયા... ચાલ... મારી સાથે પાછલાં બારણેથી.’

ચાચાના સ્વરમાં ગભરાટ હતો. આગલું શટર વસાઈ ગયું. પાછલી ગરકબારી ખૂલી. વિચાર કરવાનો સમય જ નહોતો. માલતી ચાચાની સાથે પાછળની ગલીમાં આવી. આગળના રસ્તા પર ટોળાંઓ હતાં. ‘મારો... કાપો’ના અવાજો આવતા હતા. તે બન્ને ગલી વીંધતા થોડે દૂર ચાચાના ઘરે પહોંચ્યા. માલતીને ખ્યાલ આવી ગયો હતો કે એ કયો વિસ્તાર હતો. કેટલીય નજરોએ તેને જોઈ હતી, કાંઈકકુતૂહલથી, કાંઈક નફરતથી.

ચાચાની મંઝીલનો દરવાજો વસાઈ ગયો. ભીતર બે ઔરત હતી, એક પુખ્ત અને બીજી સમવયસ્ક. બન્ને આશ્ચર્યથી માલતીને જોઈ રહી.

માલતી કાંઈક સ્વસ્થ થઈ. તેને થતું હતું : ચાચા તો છે ને. ‘સળગ્યું ?’ પુખ્ત ઔરતે પૂછ્યું.

‘હા... મોટા પાયે થયું છે.’ ચાચા બોલ્યા હતા. ચિત્રવિચિત્ર અવાજો આવતા હતા. હવામાં કશીક ગંધ હતી. ‘અમીના, માલતી આપણી સાથે રહેશે. તેને અંદરના ઓરડામાં લઈ જા. અને કોઈને કશી ગંધ ન આવે. તોફાન, શાંત થાય એટલે હું જ ખુદ સોંપી આવીશ તેના વાલિદને !’ ચાચાએ સ્પષ્ટતા કરી.

અંદર એક નાનકડો ખંડ હતો, જે લગભગ કાતરિયું જ હતું. ઘરનો ભંગાર અવ્યવસ્થિત રીતે પડ્યો હતો. અમીના માતીને ત્યાં લાવી. ‘અબ્બા છે એટલે ચિંતા ન કરતાં.’ અમીનાએ સાંત્વના આપી અને બહાર દોડી ગઈ.

માલતીને એક ક્ષણ તો થઈ આવ્યું કે તે બહાર જતી રહે. જગ્યા બરાબર હતી જ નહીં. થોડું અજવાળું હતું પણ જૂની ચીજોની જુદી જ વાસ અસહ્ય હતી. તેણે મનને સમજ પાડી કે આ સિવાય બીજો વિકલ્પ હતો જ ક્યાં ? ચાચા કાંઈ અમસ્તા તેને આવી જગ્યાએ સંતાડે ? તે ચૂપચાપ ફરસ પર બેસી ગઈ. માંડ બાંધી રાખેલાં આંસુ પાંપણો પર આવી ગયાં અને ગાલ ખરડાયાં.

તેને મમ્મી, પપ્પા, રાહુલ બધાં યાદ આવી ગયાં. શું કરતાં હશે એ ? તેની ચિંતાસ્તો. તે ક્યાં કશું કહીને આવી હતી ?

ક્યાં શોધશે સૌ તેને આ આખા નગરમાં ? મમ્મી તો રડતી હશે. તે વિચારી રહી.

ત્યાં ચાચા ભીતર આવ્યા. ‘બેટી... તારો ફોન નંબર આપ.’ તેણે ઝટપટ નંબર કહ્યો. કાંઈક હળવી થઈ. સમય ગુજરતો હતો. રહ્યું સહ્યું અજવાળું પણ હવે બચ્યું નહોતું. સાંજ ઢળી રહી હશે. માલતીએ અનુમાન કર્યું.

અમીના આવી. ‘બીજો નંબર છે ? આ તો ડેડ...’ હા... તેમનો ફોન તો ડેડ જ હતો. તેને યાદ આવ્યું.

માલતી યાદદાસ્ત ફંફોસતી હતી ત્યાં જ કોઈનો ઘાંટો સંભળાયો. ‘ચાચા, તમે આ બરાબર નથી કરતા.’ અમીના તરત જ ત્યાં દોડી ગઈ. તે તો યૂસુફને ઓળખતી જ હતી.

‘શું છે, યૂસુફ ?’ ચાચાનો અવાજ છવાઈ ગયો. તે યૂસુફને જાણતા હતા, પહેચાનતા હતા. તેમની ગોદમાં તો એ મોટો થયો હતો. તેનાથી ડરવાનું હોય ?

‘ચાચા, એ છોકરી અમને સોંપી દો.’ યૂસુફને સ્વર તરડાયો.

માલતી કાન માંડીને બેઠી હતી, ડઘાઈ ગઈ.

ચાચાએ આઘાત અનુભવ્યો. અમીના ચમકી. તેની અમ્મી ન માનતી હોય તે સાંભળી રહી.

‘યૂસુફ, તારું દિમાગ ભમી ગયું છે કે શું ? શું બકે છે ?’ ચાચા ઉત્તેજિત થઈ ગયા.

‘ચાચા, સો વાતની એક વાત. એ હિંદુ છોકરી અમને...’ યૂસુફનો સ્વર છેક કાતરિયા સુધી પહોંચી ગયો.

‘ચાલ્યો જા અહીંથી. તને વાત કરવાની તમીજ નથી. તને કોઈએ ભરમાવ્યો છે.’

ચાચાએ યૂસુફને દરવાજો દેખાડી દીધો. તે ગયો પણ ખરો. ‘શું જમાનો આવ્યો છે ? યા ખુદા...’ ચાચા બંદગી કરાત હોય એ સૂરમાં બોલ્યા.

અમીના તરત જ માલતી પાસે ગઈ. ફરસ પર બેસી ગઈ. ‘માલતી, ગભરાતી નહીં. એ યૂસુફ હતો. પાસે જ રહે છે. ખૂબ જ સારો છોકરો હતો. સરસ મજાની વાતો કરતો હતો મારી સાથે. એવી વાતો કે હસી પડાય, ખુશ ખુશ થઈ જવાય. તે અબ્બાની વાત ટાળી નહીં શકે !’

અમીનાએ માલતીના ભીના ખભાને સ્પર્શ કર્યો. તે હસી. અને પછી અમીના પણ હસી.

એ છોકરીને યૂસુફ પ્રતિ સહાનુભૂતિ હતી એની માલતીને સમજ પડી. જોકે તેને તો ડર લાગતો હતો. અરે, તિરસ્કાર જન્મ્યો હતો. તે શા માટે તેને ઇચ્છતો હતો ? અમીના તો તેના કરતાં પણ ગૌર હતી, સુંદર હતી.

ના પણ કારણ બીજું જ... કારણ કે... કારણ કે, તે... માલતી ફફડી ઊઠી. ઓહ ! કેટલું ભયંકર ? તેને ચીસ પાડવાની ઇચ્છા થઈ પણ તેણે એ દબાવી દીધી.

તે તો હવે ગયો હતો. તેણે અમીના પાસે પાણી માંગ્યું. હવે સાંજ પણ ઢળી ચૂકી હોય તેમ લાગ્યું.

દોડતાં ટોળાંના અવાજો સંભળાતાં હતાં. ક્યાં જતાં હશે આ લોકો? કોઈને પકડવા, બાળી દેવા કે... ચાચા ન હોત તો ? તે ક્યાં હોત ? કોઈ ટોળાની વચ્ચે કે પછી ?

તેને યૂસુફ યાદ આવ્યો. તેનો ચહેરો માલતીએ જોયો નહોતો, માત્ર અવાજ જ સાંભળ્યો હતો. પણ એમાં પણ કેટલું ખુન્નસ હતું ? શું માણસ આમ કરે ખરો ? એમ પમ હોય કે ટોળામાં માણસ, માણસ રહી શકતો નહીં હોય. અમીના તો તેના વખાણ કરતી હતી. તે સરસ વાતો કરતો હતો. અમીનાને ખુશ ખુશ કરતો હતો.

ત્યાં ફરી ડેલી ખખડી. માલતી ભીંત સાથે સંકોરાઈ ગઈ. ફરી એ નહીં હોય ને ?

યૂસુફ જ હતો પણ એકલો નહોતો. તેની સાથે તેના જેવા જ લબરમૂછિયા ચારપાંચ યુવાનો હતા. ‘ચાચા... શો વિચાર કર્યો ?’ યૂસુફ સાથેની અન્ય વ્યક્તિએ શરૂઆત કરી.

‘શેનો વિચાર ? યૂસુફ, તું પાછો આવ્યો ?’ ચાચાના અવાજમાં સહેજ થડકો હતો. સામે કાંઈ એકલો યૂસુફ નહોતો.

‘ચાચા... એ છોકરી અમને સોંપી દો. અમારે કાંઈ સાંભળવું નથી.’ બીજો અવાત તીક્ષ્ણ હતો.

‘નહીં બને...’ ચાચાએ પૂરી તાકાતથી ઇન્કાર કર્યો.

‘ચાચા, અમે ‘ના’ સાંભળવા નથી આવ્યા.’ હવે યૂસુફ પણ કૂદી પડ્યો હતો. સમૂહમાં તેની હિંમત વધી ગઈ હતી.

માલતી તો સાવ જડ બની ગઈ. તેને લાગતું હતું કે કોઈ પળે... ચાચા તેને... સોંપી જ દેશે. આખરે એ જઈફ વ્યક્તિનું કેટલું ચાલવાનું હતું?

તે ફરસ પર જડવત્‌ પડી રહી.

મમ્મી, પપ્પા અને રાહુલ નજર સમક્ષ તરવરવા લાગ્યા. તે શા માટે અહીં પુસ્તકો ખરીદવા આવી ?

‘ક્યા સમઝતે હો તુમ લોક ? બડે કી યહી તમીજ કરતે હો ?’ ચાચાનો અવાજ હવામાં ઊછળ્યો.

બરાબર એ સમયે યૂસુફની અમ્મી નૂરબાનુ આવી. તે રડતી હતી. તેણે એક હાથે સુલેમાનચાચાનું અભિવાદન કર્યું. સહેજ ઝૂકી. ‘ચાચા, મારી શબનમ પાછી ફરી નથી. છેક બપોરની તેનો ડ્રેસ ખરીદવા ગઈ છે... શું થયું હશે ?’

નૂરબીબીના અવાજમાં કંપન હતું. ‘ક્યાં ગઈ છે ?’ ચાચાએ પૂછ્યું.

‘ચાચા, નદીની પેલી બાજુના બજારમાં. કાયમ જાય છે. પણ ચિંતા ન થાય. આ તો ત્યાંય તોફાન છે. આખું શહેર સળગ્યું લાગે છે.’ એક માએ તેની લાગણીનો ચિતાર આપ્યો. ‘યૂસુફ’, તેણે તેના પુત્ર સામે જોયું.

‘નૂરબાનુ, હું પણ યૂસુફ સાથે જઈશ, શબનમની તપાસમાં. તું ચિંતા કરતી નહીં.’ ચાચાએ પત્ની સામે જોયું. યૂસુફના સાથીઓ સમય વર્તીને રવાના થઈ ગયા. યૂસુફની સ્થિતિ સમજી શકાય તેવી હતી. ત્યાં જ ફોન રણક્યો. ચાચાએ રીસીવર કાન પર મૂક્યું, ‘હલો, બુકસ્ટોલવાળા સુલેમાનચાચા, બરાબર ? હું સી.જી. રોડ પરથી નરેન્દ્ર રાવલ બોલું છું. તમારી પડોશમાં કોઈ નૂરબીબી રહે છે. તેની દીકરી શબનમ... હા. એમને કહેજો કે ચિંતા ન કરે. તેમની શબનમ અહીં મારા ઘરે છે. મજા કરે છે અમારી સાથે. હા... વાત કરો શબનમ સાથે...’

આખો માહોલ બદલાઈ ગયો.

શબનમે યૂસુફને કહ્યું, ‘યૂસુફભૈયા, તોફાનમાં ફસાઈ ગઈ હતી.

નરેન્દ્ર અંકલે બચાવી મને. મારી ચિંતા ન કરશો. શાંતિ થાય એટલે અંકલ મને મૂકી જશે.’

નૂરબીબીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. યૂસુફ નતમસ્તકે ચાચા પાસે ઊભો હતો. માલતી આંસુ લૂછતી હતી. હવે યૂસુફ એ ટોળામાં સામેલ નહોતો.

૧૩ - વેદનાનો ફોટોગ્રાફ

મંગળવારે પાવર-કટ એટલે જિન્નતને મન નવ મણની નિરાંત. દર મંગળવાર એને મન તહેવાર બની જાય. આખો દિવસ હળવી ને હળવી.

સંજવારી, રસોઈ, ઠામ-વાસણ અને વસ્ત્રોની ધોલાઈ એને મન કાંઈ જ નહીં.

ઈરફાનને કામ ચોકીદારીનું. એ જ બંગલાની એક ખૂણાની બે ઓરડીઓ એનું નિવાસસ્થાન. તે, ત્રીસની જિન્નત અને સાતની નૂર - એ પરિવાર. ઠેઠ સુધી માનતી હતી કે નૂરને એક ભાઈ હોય તો કેટલું સારું ?

ખુદાતાલા એટલી રહેમ કરે એટલે ભયોભયો ! પણ એમ ક્યાં થતું હતું ? જિન્નતે મન વાળી લીધું હતું. ‘નસીબમાં જ ના હોય પછી....’

એની અમ્માએ જ શીખવ્યું હતું - ‘બેટી... નસીબમાં હોય એટલું જ મળે. એ જ સુખ હોય આપણું. પછી એક તણખલું પણ ન મળે.’

જિન્નત આવા પ્રસંગે અમ્માની વાત યાદ કરી લેતી. મન તો ગમે તેમ કરે, ગમે ત્યાં ઢળી જાય પરંતુ અમ્માની વાત તેને ઉગારી લેતી.

ઈરફાન ક્યાં ચાર ચોપડી પણ ભણ્યો હતો ? જ્યારે તે તો સાત ચોપડી પાસ હતી. અરે, અંગ્રેજીમાં નામ લખતાં પણ આવડતું હતું. ચારેચાર એ બી સી ડી આવડે. એક બે કવિતા પણ ખરી - મોઢે રહી ગયેલી. સડસડાટ બોલી જાય.

પણ ઈરફાનને એવી કશી ગતાગમ નહીં. બસ, તેને જિન્નત ગમી ગઈ હતી. તે હસી પડે ને પેલો આફરીન થઈ જાય, તેના ખંજન પર.

મૂળ ઈરફાનના અબ્બા બંગલાની ચોકીદારી કરતા હતા, મા વિનાના બાળકને ઉછેરતા હતા. પહેલાં બે-ત્રણ બંગલા હતા આ વિસ્તારમાં પણ અત્યારે તો ભીડ થઈ ગઈ હતી ઈમારતોની. માલેતુજાર વસતા હતા અહીં.

અને મૂળ બંગલાની ચોકીદારી નિભાવતો હતો ઈરફાન. એ બંગલા સામેની સડક પર ઠીકઠીક અવરજવર રહેતી હતી. વૈભવી ગાડીઓ અને મૂલ્યવાન વસ્ત્રોમાં સજ્જ માનુનીઓ ફર્યા કરતી એ સડક પર.

રાતે બંગલાને ઝાંપે બેસીને ઈરફાન ખોંખારાં ખાધા કરતો. જિન્નતની આંખો ચાર વાગે ખૂલી જતી - આપોઆપ. તેની પથારીમાં સાત વરસની નૂર હોય અને ખાવિંદની ખાટલી ખાલી હોય. તે અંદર-બહાર હલબલી જતી. બસ, આમ જ... રાતો પસાર કરવાની ? પાંચ વાગ્યે ઈરફાન આવી જાય. બૅટરી અને લાઠી નિયત જગ્યાએ મૂકે ને લંબાવે ખાટલી પર. કેટલો થાક હોય ?

તે જાગતી હોય પણ આંખો મીંચીને પડી રહે.

પણ મંગળવારે આમ ન બને, ને બનવા પણ ના દે; ઊભી થઈને ખાટલીની કોર પર બેસી જાય.

‘સોના... બારા બજને તક.’ એમ કહીને લંબાવી દે ખાટલીમાં. ‘આજ તો મંગલ હૈ. ઈસ્ત્રી કા કામ બંધ ઔર...!’

પછી એ પુરુષ રાતના ઉજાગરાને ભૂલી જતો. એક અનોખા મંગળવારની શરૂઆત થઈ જતી. આ ઈસ્ત્રી-કામ જિન્નતની દેન હતી. તેના પિયર પક્ષમાં આ જ ધંધો થતો હતો. જિન્નતનેય મહાવરો હતો ઈસ્ત્રીકામનો. બાકી ઈરફાન આમાં ન જ પડે. તેણે નન્નો જ ભણ્યો હશે - ‘આવો એરિયો છે એમાં કોણ આવશે આપણી પાસે ? એ લોકો તો બડે લોગ. બડી બડી લોન્ડ્રીમાં જાય !’

પણ જિન્નત આ બડેલોગની સ્ત્રીઓના સ્વભાવને જાણતી હતી. તેણે એક ઈસ્ત્રી ખરીદી બજારમાંથી. ગુજરીમાંથી એક જૂનો કબાટ આવી ગયો અને બાપીકું ટેબલ જ હતું ઘરમાં. ઘરે ઘરે ફરી આવી, આળસુ બેનજીઓને મળી આવી.

આગલી ઓરડીમાં ઈસ્ત્રીકામ શરૂ થઈ ગયું. બધી જ સૂઝ જિન્નતની. પેલો પુરુષ તો વિસ્મયથી જોયા જ કરે. ડર પણ હતો - નિષ્ફળતાનો. એમ તો જિન્નતનેય ડર તો હતો જ. આ બેનજીઓ પર કેટલો એતબાર મૂકવો ? એ લોકોને કામ પસંદ પડશે ?

પણ ચાલ્યું, સરસ ચાલ્યું. જિન્નત પોતે જ ઈસ્ત્રી કરતી. ઈરફાન તો પછી જોતરાયો.

સરસ ગોઠવાઈ ગયું. જિન્નત સવારે છ વાગે કામનો પ્રારંભ કરી દે. સવારનાં દૃશ્યો જોતી જાય, ફરવા નીકળતી બેનજીઓ પ્રતિ મલકતી જાય ને બન્ને હાથ સફાઈથી ચાલ્યા કરે. એક પછી એક વસ્ત્રો ટેબલ પર ગોઠવાતાં જાય, ઘડીઓ વળતી જાય અને ગરમ-ગરમ થપ્પી થતી જાય વસ્ત્રોની. બે કલાકમાં તો રેબઝેબ હોય.

બસ, પછી ઈરફાન આવે ને તે છૂટી. સીધી પહોંચે ચોકડીમાં. ઝટપટ સ્નાન આટોપે. ઈજાર-કૂરતાની બીજી જોડ સૂકવી દે, આવતી કાલ માટે. આ તેની માલમત્તા હતી.

હા, એક ત્રીજી જોડ પણ હતી જે તેણે સાચીવને પેટીને તળિયે મૂકી હતી. જેમાંથી ડામરની ગોળીની ગંધ આવતી. હતી ત્યારે એય નવી નકોર હતી. ઈદ, શાદી જેવા અવસર પર એ જોડથી તે શણગારાતી.

પણ પછી એય જૂની તો થાયને ? રંગો, ચમક ઝાંખાં થાય ને ? હવે તેને આ જોડ ગમતી નહોતી. શાદી જેવા અવસરોમાં તો કેટલી શરમ લાગતી હતી આ જોડમાં ? બીજી સ્ત્રીઓ તો ઠાઠથી આવી હોય નવાં વસ્ત્રોમાં. એમાંથી સેન્ટની સુગંધ આવતી હોય ને એય રૂપાળી મલકાતી મલકાતી કહેતી હોય - ‘હુસેનના અબ્બા લઈ આવ્યા અમદાવાદથી, પૂરા ત્રણસોમાં.’

વળી કોઈ બટકબોલી પૂછેય ખરી - ‘જિન્નત, તને તો આ જ ગમતું લાગે છે, બુટાવાળું ?’

ત્યારે જિન્નતને મરવા જેવું થતું.

અને એય હકીકત હતી કે તે નવી જોડ માટે બચત કરતી હતી પણ એ અન્ય કામોમાં વપરાઈ જતી હતી.

એક વાર નૂરની માંદગી આવી હતી. બીજી વેળા નવી ઈસ્ત્રી તાબડતોબ ખરીદવી પડી હતી. જૂની બરાબર ચાલતી નહોતી. શું કરે જિન્નત ? વતનમાં પણ દર પાંચમીએ પૈસા મોકલવા પડતા હતા. ત્યાં વૃદ્ધ ફોઈ રહેતાં હતાં, સાવ એકાકી.

આવા પ્રસંગે ખૂબ જ લાગી આવતું. માંડ માંડ મનને સંભાળી લેતી, એની અમ્મીનાં વચનો સંભારતી.

આખો મંગળવાર મસ્તીમાં પસાર કરે. સરસ વાળ ગૂંથે. ફૂલેય ખોસે. નખ રંગે, ઈરફાનના વાળમાં તેલ પણ સીંચે. નૂરની સાથે રમત રમે.

ગીત ગાય ફિલ્મનાં.

પાછી બુધવારની સવાર આવે ને કામથી લદાઈ જાય. દિવસભર કામ, કામ ને કામ. સાંજે વસ્ત્રોનાં પોટલાંઓ પહોંચાડે બેનજીઓના બંગલાઓમાં અને ફ્લેટોમાં.

સરસ વાતો કરે એ સ્ત્રીઓ સાથે. બુધ, ગુરુ, શુક્ર... એમ ચાલે અને સોમવારે પાછી મંગળવારની પ્રતીક્ષા, પરિકલ્પના અને આગોતરા રાચવું એ સુખમાં.

એક મંગળવાર આવ્યો પણ શાદીના અવસર સાથે. ચાચાના બેટાની શાદી હતી. મોટી ધામધૂમ હતી એ પ્રસંગે. દૂરના ગામે જવાનું હતું - ઈરફાન તો તૈયાર થઈ ગયો. અને સાત વરસની નૂર પણ ખુશ થઈ ગઈ, શાદીના નામ પર. તેને ભાન હતું કે શાદીમાં સરસ જમણ હોય, નાચગાન હોય. એક જિન્નતને ખુશી ના થઈ. કયો પોશાક પહેરવો, શાદીમાં ? એ જૂનોપુરાણો તો જોવો પણ ગમે તેવો નહોતો. તે ઉદાસ થઈ ગઈ. બેસી ગઈ ભીંતને અઢેલીને. રીસ કરે તો પણ કોના પર ? પિતરાઈ બહેનો તેના પોશાકની મજાક કરે એ વાત પણ અસહ્ય હતી.

હા, એક રસ્તો હતો. ગઈ કાલે જ તેણે હરજીતકોરનો એક ડ્રેસ પોટલામાં જોયો હતો. અરે, તેણે પોતે જ સાચવીને ઈસ્ત્રી કરી હતી, કબાટમાં મૂક્યો હતો. કેવી સરસ ઝાંય વળતી હતી ? જાણે મેઘ-ધનુષના રંગો ! હરજીતને કેટલો જચતો હતો ? બસ, અસલ એવો જ જચે તેને પણ. તે પણ ગોરી હતી, હરજીત જેવી જ. એના જેવા જ ભરાવદાર વાળ હતા.

માપ કદમાંય સરખી.

તે એ સલવાર-કમીજ-ઓઢણી પહેરે તો વટ પડી જાય. અરે, ઝુબેદા, અફસાના તો ભોંઠી પણ પડી જાય. એ લોકોને તો એમ જ છે કે જિન્નત પાસે કશું જ નથી. ખેરાત પર જીવે છે ! બધી ચાટ પડી જાય. કહી દેવાનું કે નૂરના અબ્બા લઈ આવ્યા. પૂરી તિનસોમેં. અચ્છી લગી ન ?

જિન્નત એ કાલ્પનિક સ્થિતિ પર હસી પડી. પણ બીજી પળે સાવ રાંક બની ગઈ. આવું ક્યાં બનવાનું હતું ? લાખ ઉપાયે તેનો ખાવિંદ માને જ નહીં. નન્નો જ ભણે.

અને, તેની ના એટલે ના. કશું કહેવાય જ નહીં. તેનો ગુસ્સો પણ પ્રેમ જેવો જ આકરો. જિન્નતને અનુભવ હતો. એ સરળ પુરુષને આમ છંછેડાય નહીં.

અચાનક ઈરફાને જ તેને પૂછ્યું - ‘શું થાય છે તને ? માંદી તો નથી પડી ને ?’

અવાજમાં થડકો હતો,જે તે સ્ત્રી પારખી ગઈ. તેને ઉપાય મળી ગયો. પડી ગઈ માંદી. પેટ પર હાથ દબાવવા લાગી.

અને સદનસીબે ઈરફાન માની ગયો. દુઃખેય થયું, સરળ પુરુષને છેતરવાનું. પણ એ વાત પેલા દુઃખ પાસે તો સાવ નજીવી જ હતી. પેલીઓ નિર્લજ્જ બનીને મલક્યા કરે ને તેણે મનોમન બળ્યા કરવું ?

મંગળવારની સવારે તેણે નૂરને તૈયાર કરી. ચા બનાવી આપી ને બેસી ગઈ ચૂપચાપ ભીંતને અઢેલીને.

માંદગીનો અભિનય તો બરાબર થવો જોઈએ ને ? ભીતરથી યે ઉદાસ હતી ને બહારથી ઉદાસ દેખાવા મથતી હતી.

ઈરફાનને લાગવું તો જોઈએ ને તે ખરેખર... માંદી જ હતી. જોકે પતિને છેતરવો એ કાંઈ સારી વાત તો નહોતી જ પરંતુ એ વાત, પેલી- શાદીમાં અપમાનિત થવા કરતાં બહેતર હતી.

‘અબ્બાકો કવરાવના મત’ તેણે જતી વખતે નૂરને કહ્યું હતું. એ લોકો ગયા ને તે મુક્ત થઈ ગઈ.

હવે એકલી જિન્નત હતી ને તેની સામે મસમોટો મંગળવાર હતો. શું કરવું આખો દિવસ ? ઈરફાન હોય તો લાખ વાતો યાદ આવે. હવે કોની સામે નખરાં કરે ?

તપેલીમાં ચા પડી હતી, ઠંડી ઠંડી. તેણે ઢોળી નાખી ચોકડીમાં. ફરી ચૂલો સળગાવવાનું મન ના થયું. ચીડ ચડી ગઈ, આજના દિવસ પર. ક્યાંથી આવ્યો મંગળવાર ?

અને અચાનક જ ઝબકારો થયો. ઈરફાનની ગેરહાજરીમાં તે, પેલો - હરજીતકોરવાળો ડ્રેસ તો પહેરી શકે ને ! ભલે ઘરમાં તો ઘરમાં, શોખ તો પૂરો થશે ને ! આવી તક ક્યારે મળવાની ?

તેનું મુખ ખીલી ઊઠ્યૂું. વાહ, મંગળવાર યાદગાર બની જશે. તે તરત જ સ્નાન કરવા બેસી ગઈ.

તડકો બારી સુધી પહોંચી ચૂક્યો હતો. બહારનો કોલાહર ભીતર પહોંચી જતો હતો. રસ્તા પર અવરજવર થતી હતી. હૉર્નના મંજૂર સ્વરો કાને પડતા હતા. કોઈ કોઈ જાણીતી સ્ત્રીઓ પણ પસાર થતી હતી જેઓના અવાજ તે પારખી શકતી હતી.

જિન્નતે ભીના ચહેરાને બરાબર લૂછ્યો. સરસ ડ્રેસ સાથે સરસ ચહેરો પણ હોવો જોઈએ ને ? દોડતીકલઈ આવી એ ડ્રેસને.

બહાર પડતી બારી બંધ કરીને અંદરની બાજુનું જાળિયું ખોલી નાખ્યું. આખો વિસ્તાર ખાલી હતો. એક બે કાગડા... દીવાલ પર બેઠા હતા. કોણ જોવાનું હતું તેને ?

તેણે જાળિયાના અવજાળામાં પેલો ડ્રેસ પહેરી લીધો. સાવ નવતર સ્પર્શ અનુભવાતો હતો. કાયા અને મન - બેય ભર્યાંભર્યાં થઈ ગયા. ઇચ્છા-પ્રાપ્તિનો આનંદ ચહેરા પર તગતગી ઊઠ્યો. તેને હરજીતકોરની યાદ આવી ગઈ. શું કરતાં હશે બેનજી ? સુખી સ્ત્રીઓનું તો ભલું પૂછવું.

તે હસી પડી - તેના આગવા તરંગ પર.

પછી તરત જ અરીસા સામે ઊભી રહી ગઈ. અમસ્તી તો કાયમ ઊભી રહેતી હતી, અરીસા સામે - સાવ અન્યમનસ્ક ભાવે. પૂરું નીરખતી પણ ના હોય અરીસામાં. ભરાવદાર વાળને આગળ લાવીને તે એમાં કાંસકો ફેરવતી હોય.

પણ આજે તો ખાસ ઘટના હતી. અહોભાવપૂર્વક જોઈ રહી તેના બિંબને. વાહ, કેવી સરસ લાગતી હતી ! અસલ બીજી બેનજી ! તેને તો એ જ ઉપમા સૂઝી. ક્યાંય સુધી ટીકી ટીકીને જાતને જોયા કરી. શાદીમાં ગઈ હોય તો કેવું જામે ? પેલીઓની તો બોબડી જ બંધ થઈ જાય ! સંતોષ લોપાઈ ગયો ચહેરા પર.

તેણે નક્કી કરી નાખ્યું કે તે છેક રાત સુધી આ ડ્રેસ પહેરી રાખશે. રસોઈ પણ નહીં કરે. નાસ્તાના ડબ્બામાં જે હશે એ ખાઈ લેશે. આ પહેરીને કાંઈ ચૂલો ફૂંકાય ? તિખારો અડી જાય તો...? જિન્નત ડરી ગઈ એ વિચારથી.

તો પછી ઠામ-વાસણ પણ કેમ થાય ? ના, આજે તે એકેય કામ નહીં કરે. બસ, સૂઈ રહેશે રાજરાણીની જેમ !

તે સાચેસાચ સૂઈ ગઈ ખાટલીમાં. પથારીમાં બૂ આવી ઈરફાનની. થયું - ક્યાં પુગ્યાં હશે એ બે; કદાચ પુગી ગયા હશે, ચાચાના ઘરે. ચાચીએ પૂછ્યું પણ હશે - ‘કેમ એકલો આવ્યો ?’ બધાંય આનંદમાં હશે.

નાચ-ગાન પણ ચાલતાં હશે કદાચ. રૂખસાના તો પૂછશે જ નૂરને. કેમ ન આવી, જિન્નત ? ઠીક નથી ? શું થયું છે વળી ? અને તે કાંઈક જુદું જ વિચારશે. તે વિચારશે કે...

આવું કહો એટલે સ્ત્રીઓ એ જ વિચારે. ના રે ના, તેને તો એવું કશું જ નથી. સાવ સપાટ છે પેટ.

ને તેણે તેના પેટ પર હાથ ફેરવી લીધો. રેશમી રેશમી લાગ્યું. ‘ના આના ત્રણસો તો ના હોય. અરે, એનાથી પણ વધારે હશે !’ તે વિચારી રહી. ત્રસો રૂપિયાથી મોટા આંકડા માટે તે બહુ વિચારી ના શકી. તે બચત કરતી એ આટલે સુધી જ માંડ માંડ પહોંચતી.

અરે... નસીબ જેવું તો હતું જ. તેની અમ્મી કહેતી હતી ને ?

નહીં તો તે આ ક્યાંથી પહેરી શકે ? બસ, જોઈ શકે. ખુદા કેટલા દયાળુ હતા કે જિન્નતને આવો લાગ મળી ગયો.

અચાનક જ આગલા ખંડમાં સાંકળ ખખડતી હોય એવું લાગ્યું. હા, સાંકળ જ ખખડતી હતી. મન પર અંકાઈ ગયું હતું કે સાંકળ ખખડે એટલે દોડીને બારણું ઉઘાડવું.

એ પળે માત્ર એટલું જ યાદ રહ્યું. સાવ ભુલાઈ ગયો તેણે પહેરેલો પોશાક. અરે, બારી-બારણા શાથી વાસીને બેઠી હતી એય... યાદ ન રહ્યું. બસ, બારણું ખખડ્યું ને... પગ દોડ્યા સફાળા. બારણું ખોલી નાખ્યું તો સામે અજવાળું અજવાળું ! નર્યાં અંધારામાં હતી સવારથી. અને અજવાળામાં એક આકાર ઉપસ્યો, ઓળખાયો. આ તો હરજીતકોર ! ખુદ એ જ !

બે પળ નજર મળી ને જિન્નત તંદ્રામાંથી જાગી. શરમી મારી બીજું તો શું કરે ? બેય હથેળી ચહેરા પર ઢંકાઈ ગઈ.

હરજીતકોરની આંખો પર અતીત તગતગવા લાગ્યો. પંદર વરસની હરજીત સજીવન થઈ. સ્થિતિ એવી હતી કે કોઈ મેમસાહેબને ત્યાં કામ કરવું પડે. મા બીજી જગ્યાએ કામ કરતી હતી. પિતા અપંગ હતા. એ બીજું શું કરે ? ઘરે બેઠાં બીડી વાળતા હતા.

પણ ઇચ્છા થાય ને ? હરજીતને પણ થઈ હતી, માલકિનની બેટીનું ગુલાબી ફરાક પહેરવાની. કોઈ હાજર નહોતું ને હરજીતે એ પહેર્યું, ખુશ ખુશ થઈ ગઈ. અને માલિકન આવી ગઈ. હજીયે વાંસામાં પડેલા સોળ ચચરતા હતા, દર શિયાળે. મનનાં તો ગમે ત્યારે સોળ ચચરવા લાગતા.

તે હલબલી ગઈ, જિન્નતની પાસે આવી - સાવ પાસે. બેય હથેળી ઊંચકતા બોલી - ‘જિન્નત તુમ ઇસ ડ્રેસ મેં તો પરી જૈસી લગતી હો. ચલ આ, તેરા એક ફોટો ખીંચ લૂં !’

૧૪ - કુળ

દરેકને સ્વમાન હોય, કુળ ગૌરવ પણ હોય, પરંતુ વિજયભાઈને તો કુળાભિમાન હતું. તેમની વાતોમાં, રીતભાતોમાં એ કોઈ પણ સ્વરૂપે વ્યક્ત થાય.

પૂર્વજોની વાતો કહેતા ક્યારેય ના થાકે. ઘરની બેઠકરૂમની ઓતરાદી ભીંત પર ગોવિંદજીનો ફોટો ટીંગાય, બ્લેક-વ્હાઈટમાં. પાછો ઝાંખોય ખરો. જૂનો ખરો ને ? એ તેમના ચોથી પેઢીના પૂર્વજ. ફોટોગ્રાફી નવી નવી આવી હતી ત્યારે પડાવેલો.

વિજયભાઈને એનો ઇતિહાસ કંઠસ્થ, હૃદયસ્થ. કોઈ પૂછે, ન પૂછે પણ તે પ્રારંભ કરી દે - ‘જોયો આ પરદાદાનો ફોટો ? ગોવિંદજી ત્રિભોવનનો ફોટો. છે ને રૂઆબદાર ? હોય જ ને ? અંગરેજ શિકારી જેક્શનના ખાસ માણસ. ઈંગ્લીસેય આવડે. ઘોડેસવારીમાંય...!’

ને પછી કેટલીયે આનુષંગિક વાતો જોડે. નવો નવો સ્ટુડિયો શરૂ કરેલો છોટુભાઈએ - એ વાતેય આવી જાય. ગૌરવ ગાથાઓ ગવાય, જય જયકાર થાય.

આવું તો અનેક વાર થાય, એ ખંડમાં. સુલોચનાને દરેક વખતે એ સાંભળવું જ પડે, કારણ કે આવેલ વ્યક્તિની સરભરા તો તેણે જ કરવાની હોય; ઠંડું પાણી, ચા-શરબત કે પછી ભોજન પણ. જેવો સામેવાળો. અને ક્યારેક જેનો ફોટો નહોતો ને માત્ર નામ જ હતું એ નિત્યાનંદજીની વાત પણ નીકળે.

વિજયભાઈ કહે - ‘જગજીવન સાતમી પેઢીએ અમારી નાતના મોભી. ને નાતેય નાની નહિ - ચૌદ તાલુકાની. એમનો પડ્યો બોલ ઝીલાય. કોઈ આમન્યા ના તોડે. વહુવારુઓ તો આડી ના ઊતરે - એટલો પ્રભાવ. છેલ્લે મૃત્યુને આગલે દિવસે સંન્યાસ ધારણ કર્યો. શું પ્રતાપે કપાળ ? બસ, એ નિત્યાનંદને પ્રતાપે તો આ લાલ-લીલા થઈને ફરીએ છીએ.’

સુલોચના, પુત્ર, પુત્રવધૂ, પુત્રી સહુ આ ઉપક્રમના જાણકાર. ક્યારેક કંટાળો પણ આવે તો ક્યારેક ગમ્મત થાય; ને ક્યારેક તો વંશભિમાન પણ જાગે. તેમની વાણીનો પ્રભાવ જ એવો. પોતે વ્યવસાયે શિક્ષક ને કર્મની રીતે લેખીએ તો આદર્શ શિક્ષક. એટલે સારા વક્તા તો ખરા જ.

સમાપનમાં પોતાની બે વાતેય કહી દે - જરા ઉગ્રતાથી - ‘સદાશિવભાઈ... અમારો વંશ જ ખાનદાન. ત્યાગની ભૂમિકાને વરેલા.

પંડિતાઈ પણ કેટલી ? જ્ઞાનદાતા... ! અને આ એથી જ શિક્ષક થયો ને ? નહિ તો બેંકની જૉબ તો મળતી જ હતી ને ? ને ખોટી ખોટી ફાઈલો ચીતરાતી હોત તો આદર્શ શિક્ષક તો ક્યારનોય...! ના ખપે મને. હું કોનો વંશજ ?’

વિચાર આવ્યો વિજયભાઈને, વંશનો ઇતિહાસ લખવાનો.

ભણાવતા’તા ને મુગલવંશ, મરાઠાવંશ ? બસ એ જ રીતે જગજીવનજીના વંશનો ઇતિહાસ.

સાતેસાત પેઢીની ગૌરવગાથા આલેખવી. છેક જગજીવનદાસ

કાળથી વિજયભાઈ સુધીનો કાળ. પોતે જ આલેખશે - સ્વહસ્તે. વાત પ્રથમ સુલોચનાને કહેવાઈ.

પત્ની બીજું શું કરે - અનુમોદન સિવાય ? છેલ્લે કહ્યું - ‘એટલો સમય મળશે ખરો ?’

ને તે હસી પડ્યા. જાણે સમય તેમની મુઠ્ઠીમાં હોય એ ભાવથી. તરત પત્રો લખાયા, જગજીવનદાસ ઉર્ફે સ્વામી નિત્યાનંદના પરિવારોને. થોકબંધ સરનામા હતા ડાયરીઓમાં. અને બધી ડાયરીઓ જૂના ઈસ્કોતરામાં, જે માળિયું શોભાવતો હતો.

શુભસ્ય શીઘ્રમ્‌ - એ ન્યાયે પોતે જ ચડ્યા માળિયા પર. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ સૂત્ર તો તે છાત્રોને શીખવતા જ હતા ને? હવે અમલમાં મૂકવાનો સમય આવ્યો હતો.

ઈસ્કોતરો તપાસાયો, પાસેનો બંધ મજૂસ પણ ખોલાયો. કેટલાય સમયની ગંધ બહાર આવી ગઈ !

ડાયરીઓ તો મળી જ પણ સાથોસાથ, વંશવેલાનો આંબો પણ મળી આવ્યો. ધૂળ ખંખેરીને તરત નામો વંચાવા લાગ્યાં. સાતમી પેઢીએ જગજીવનદાસ સાવ નીચે, વૃક્ષના થડમાં; ને પછી ઉપર જતાં ડાળીઓ, પેટા ડાળીઓ અને પાંદડાંઓનો વિસ્તાર. દરેક ડાળે પાને એક એક નામ અને પાંદડાઓના ઝૂમખાઓ. ત્યાં પણ નામો, નામો અને નામો. વિજયભાઈને થયું કે ભલે પેલો આંગ્લ કવિ, નાટ્યકાર કહી ગયો પણ નામમાં બધું હતું. અરે, આખું જગત નાશવંત તો ખરું પણ નામમય પણ હતું જ.

આખરે તેમના નામનો પ્રભાવ પડતો જ હતો ને, શાળામાં ?

વંશવેલાનું નામ રસપ્રદ રહ્યું. જાણતા હતા, એ તો હતું જ પણ ન જાણતા હોય એવું પણ કેટલું હતું ? અને વિશિષ્ટતા એ હતી કે એમાં પુરુષ સાથે સ્ત્રીની હાજરી પણ નોંધાઈ હતી. જગજીવનદાસ સાથે ગજરાબાને તેમની બે પુત્રીઓના નામો શારદા ને મોંઘી પણ ખરા જ.

આંખો અને મન વિસ્ફારિત કરીને જોઈ રહ્યા વિજયભાઈ. ક્યાંક ક્યાં સુલોચનાને સામેલ કરી - જો... આપણી ચોથી પેઢીએ પણ સુલોચના હતું ! આ નામ તો ત્યારે પણ પદ્મનાભની પત્ની સુલોચના ! પણ સાવ નિઃસંતાન. ત્યાં ડાળ પૂરી.

બીજી આઘાતજનક વાત એ બની કે એ વંશવેલો સરસ રીતે લખાયેલો પણ એ કાગળ અરધેથી કપાયેલો જણાયો; અને એ રીતે કે ગોવિંદજી પછીના દેવદત્ત પછી કશું જ નહીં. બસ... આછો છેદ.

આ દેવદત્ત, વિજયભાઈની ત્રીજી પેઢી. તેમના પછી સનાતન બીજી પેઢી ને પછી વિજયભાઈ.

બસ... એટલો ભાગ જ છેદાયો. હતાશ થઈ ગયા વિજયભાઈ. કેવું કહેવાય ?

પછી તો કપાયેલો કાગળ શોધનો વિષય બની ગયો હતો. આમ કેમ બને ? એટલો ભાગ જ... ? અખંડ નક્શો કોણે ખંડિત કર્યો હશે ? ચિંતા થવા લાગી વિજયભાઈને. પછી સુલોચનાને પણ થયું કે આ ખંડિત કાગળ મળ્યો હોત તો ? ઘરના સભ્યો નિરાંતે સૂઈ તો શકત ને ?

*

એક ડાયરીમાં ઉલ્લેખ હતો - ભાનુમતીની આત્મકથાનો. ચિ. ભાનુને શી લત લાગી - આપવીતી લખવાની ? રોજ... પૂજા કર્યા પછી લખવા બેસી જતી, એક ઢાળિયામાં. એકધારી લખ્યા કરતી. શારદાનું વરદાન. ભણી તો માંડ સાત ચોપડી પણ અક્ષરો મોતીના દાણા જ જોઈ લો!

ને પ્રશ્ન થયો આ ભાનુમતી કોણ ? મન ભ્રમણ કરવા લાગ્યું, ડાયરીના પાને પાને, સંશોધકોની ભૂમિકામાં.

હવે તેમની રસવૃત્તિ ખરેખર તો જીવનવૃત્તિ બદલાઈ ગઈ હતી. જાણે વર્તમાનના માણસ જ રહ્યા નહોતા. આંખો મીંચીને બેઠા હોય તો પણ સુલોચનાએ એને નિદ્રાવસ્થા ગણવાની ભૂલ ના જ કરવી, કારણ કે એ અંતે વિચાર સમાધિ જ સાબિત થઈને રહેતી.

છેક બીજી ડાયરીમાં એ ભાનુમતીનું સ્થાન પકડાયું હતું. સ્પષ્ટ ઉલ્લેખ હતો, ભાનુમતીની આત્મકથાની સમાપ્તિનું. લખનાર પણ ઓળખની પરિધિમાં આવી ગયો.

લખનાર દેવદત્તદાદા અને આત્મકથા લખનાર તેમની જ્યેષ્ઠ પુત્રી ભાનુમતી, અર્થાત્‌ વિજયભાઈના ફોઈ. ભાનુમતી પછીની ફોઈઓ-સુમતિ, કલાવતી અને સુંદરમતીનો પણ ઉલ્લેખ હતો - જરા કંટાળાનો ભાવ હતો.

‘વાજ આવી ગયો છું. ચારેયથી. ભાનુમતી તો પાછી આવી સાસરેથી. આવો સ્વભાવ ક્યાં ટકે ? બાપને પૂરેપૂરી ભારરૂપ.’

રંજ થયો વિજયભાઈને. ના, આવી વાત તો કોઈને ના કહેવાય. ડાયરીઓમાંથી સારી વાતો પણ જરૂર મળવાની - દેવદત્તદાદાની, જે પોતે પુસ્તકમાં આલેખી શકે. પણ આ ભાનુફોઈની આત્મકથા ક્યાં હશે ? ક્યાંક તો હશે જ ને ? બસ, ેએ જ મહત્ત્વનો દસ્તાવેજ.

ભાનુમતી ફોઈ જરૂર સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતાં હશે. દાદાની ડાયરીમાંથી આટલું તો સ્પષ્ટ થતું હતું.

વિજયભાઈના કુળાભિમાનમાં એક છોગું ઉમેરાયું હતું. તે હવે ભાનુમતી ફોઈના ગુણગાન ગાવા લાગ્યા હતા. ‘જુઓ... મારા દેવદત્તદાદાના મોટા દીકરા - ભાનુફોઈ. હા, તેમણે તો પોતાની આત્મકથા પણ લખી. જેમ ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ લખી એવી જ.’

પણ મનમાં વિસ્મય રમ્યા કરે કે શું હશે એમાં ? એક વાર મળી જાય તો દુનિયાને બતાવી શકાય અને વાંચી પણ શકાય. આત્મકથામાં બધી સાચી વાતો જ આવે. પણ એ મેળવવી ક્યાં ?

વળી પત્રો લખાયાં, ફોન જોડાયાં - મેળવી આપો - એ ભાનુમતીની આત્મકથા.

તો જ કુળનો ઇતિહાસ લખી શકે ને ? ભાનુમતી ફોઈ એટલે...

સ્વર્ગીય પિતાશ્રીની બહેન. કેટલું નિકટનું સગપણ !

તેમણે પોતે જ તપાસ માંડી માળિયામાં ને મળી પણ ખરી. વિજયભાઈનો ધૂળભર્યો ચહેરો ખીલી ઉઠ્યો હતો. છત પરના એક જાળિયામાં આવતાં પ્રકાશણાં પણ ચોખ્ખું વંચાતું હતું. ગંગાસ્વરૂપ ભાનુમતીની આત્મકથા.

*

સરસ મરોડદાર અક્ષરોમાં પ્રથમ પાને લખાયેલું હતું - ‘જે ઈશ્વરે મને આ ઉત્તમ મનુષ્યદેહ આપ્યો, એણે જે અને જેવું લખાવ્યું તેવું લખ્યું છે.

ભાનુમતી તો મંદમતિ છે, નિમિત્તમાત્ર છે.’

મંગળાચરણ વાંચીને વિજયભાઈ ખુશ થઈ ગયા હતા. તરત સુલોચનાને સંબોધી હતી - ‘આનું નામ સંસ્કાર, નમ્રતા અને અગાધ ભક્તિભાવ. કેવી સરસ ભાષા છે ફોઈની ! જગજીવનદાસ બાપાના પરિવારની આ જ વિશિષ્ટતા. મારામાં જે વિરાટ ચેતના ભરી છે એ આ લોકોનો જ પ્રતાપ.’

ટુકડે ટુકડે વાચન ચાલ્યું. કરવાપાત્ર નોંધો પણ અલગ કાગળમાં લખાતી જાય. અહોભાવ પણ વ્યક્ત થતો જાય. પૂર્વજોની ભવ્ય ગાથાનાં ગાન પણ થતાં રહે. વિજયભાઈ લીન થઈ ગયા, પૂર્વજોના અતીતમાં. વચ્ચે વચ્ચે સાવ કોમળભાવે માગણી થાય - ‘સુલોચના, એક ચા મળશે, મસાલાવાળી ?’ રંગ લાગ્યો છે બરાબર. દેવદત્તદાદાની વાત ચાલે છે. ખબર છે તેમને પહેલી ચારેય દીકરીઓ ! બધીયે રૂપરૂપના અંબાર, પણ... એકેય... !’

કેટલો સમય વીતી ગયો હતો, આ લખ્યાને ? પછી પાનાં પીળાં, જીર્ણ થઈ ગયાં જ હોય ને ?

‘ના, હવે આની જાળવણી કરવી જ પડશે. આ તો દસ્તાવેજ છે જગજીવનદાસ પરિવારનો. ફોઈએ યાદદાસ્તાને આધારે લખ્યું છે પણ સચોટ. તેમનેય કોઈએ આ વાત કહી હશે. આમ પેઢી દર પેઢી... ઇતિહાસ આગળ વધતો જાય. ભાનુફોઈ પછી આ વિજય, અશ્વ દોડાવશે.’

ક્યાંક સ્વોક્તિ, ક્યાંક ભાનુફોઈનું અવતરણ તો ક્યાંક પોતાનો તરંગ. આમ આત્મકથા-વાંચન ચાલ્યું. અર્ધવિરામ, પૂર્ણવિરામ પણ ચાલે. ક્યાંક વળી અપેક્ષા મુજબ વર્ણન ના પણ આવે. ત્યાં મૌન બની જાય વિજયભાઈ. મનોમન નોંધ રાખે કે આ પ્રસંગ ક્યારેય ના ઉખેળવો. કદાચ સત્ય બોલાઈ પણ જાય. સમજી લેવાનું - આવું તો હોય. પણ વિપુલ પ્રમાણમાં પરાક્રમોની સામગ્રી હતી. કોણ આવાં ઉત્તમ કૃત્યો કરી શકે - આ પૂર્વજો સિવાય ? આ ભાવ તો લગભગ જળવાઈ રહ્યો હતો.

*

થયું - આમાં કેમ નહોતું આવતું સનાતનનું - તેમના પિતાશ્રીનું ?

ભાનુફોઈ ભાઈનું તો લખે જ ને ? વંશવેલાનો એ ભાગ કપાઈ ગયો હતો તેમ આમાં પણ... ! જરા ભય પણ લાગ્યો, પણ પછી તરત જ એ ખંખેરી નાખ્યો. ‘હશે જ... આ આત્મકથામાં.’

ને હતો એ ઉલ્લેખ સવિસ્તાર. ભાનુમતીએ લખ્યું હતું - હવે એક અમારી નાલેશીની વાત ભારે હૃદયે લખું છું.

વિજયભાઈ ચિંતામાં સરી ગયા. વળી શું થયું હશે આ ગૌરવવંતા પરિવારનું ? તડકા-છાયા તો આવે. જેમ મનુષ્યને એમ પરિવારને. આત્મકથામાં કરુણરસ પણ આવે જ ને ? ‘અમે ચાર દીકરીઓ.

છેલ્લી સુંદરમતી વખતે જ મા મૃત્યુ પામી. સાવ કૈનાઈ ગઈ હતી, તનથી અને મનથી.’

‘તો શું પિતાજી....’ રવઘોળ થઈ ગયું મન. ક્યાં જાણતા હતા આ વાત ? ‘બાપુને કેટલી ઇચ્છા હતી વંશને આગળ ધપાવનાર વારસની ? અમે શું સમજીએ ? હું માંડ આઠની, ને સુંદરમતી ઘોડિયામાં.

બાપુને શું ચાનક ચડી કે એક સાંજે એક અજાણી સ્ત્રીને લેતા આવ્યા સાથે. આગળ મરક મરક ને પાછળ પેલી હસતી હસતી; આંગળીએ એક મારા જેવડો જ છોકરો !

બાપુ કહે - ‘ભાનુ... આ તમારી મા ને આ તમારો ભાઈ. શું નામ છે આનું કોકિલા ?’

આ પરજ્ઞાતિની હલકી સ્ત્રીએ તો પછી હાહાકાર મચાવી દીધો હતો. માને હજી માસ પણ ક્યાં થયો હતો ? માસની સરવણી પણ ક્યાં થઈ હતી ?

અમે ચારેય કોકડું વળીને બેસી ગઈ, એક ખૂણામાં. એ છોકરાનું નામ સનાતન.’

વિજયભાઈએ વજ્રાઘાત અનુભવ્યો. ચિત્ત ચકરાવે ચડી ગયું. પેલી આત્મકથા શિથિલ કરમાંથી પડી ગઈ. તો શું... પોતે એ આંગળિયાતના વંશજ ? પરનાતની કોકિલા, એ સનાતન અને પોતે...?

કશો જ સંબંધ નહીં; જગજીવનદાસના વંશવેલા સાથે ? પેલો કાગળ કપાયો હતો એમ જ ?

તેમનો વળી કોઈ નવો જ વંશ હશે ! નવાં પૂર્વજ હશે ! મુઠ્ઠી વળાઈ ગઈ, ચીસ પડાઈ ગઈ. તન પરસેવે રેબઝેબ.

બે દિવસ દવાખાનામાં રહેવું પડ્યું. ડૉક્ટર કહે - ‘કોઈ આઘાત લાગ્યો છે, જબરો આઘાત.’

આ પછી તેમણે ક્યારેય કુળની વાતો કાઢી જ નહોતી. ભીંત પર ગોવિંદજીનો ફોટોય ક્યાં હતો ?

સુલોચના જોઈ જ રહી, પતિનાં પરિવર્તનને.

થોડા સમય પછી, વિજયભાઈ... શાકપીઠમાં એક વૃદ્ધ કાછિયણને પૂછી રહ્યા હતા - ‘માડી... તમારી ઉંમરની કોઈ કોકિલાને ઓળખો છો ? અહીં જ બેસતી. વર્ષો પહેલાં ?’

૧૫ - સંકેત

એ દિવસે બધું યોગાનુયોગ જ બની ગયું. રવિવાર હતો. તે એકલી જ હોય એ ફ્લેટમાં એ પણ નક્કી જ. પેલી આઠેયને શનિવારની સવારથી પાંખો ફૂટી જતી. ટપોટપ થેલા, બગલથેલા, બેગડાં તૈયાર થાય, બાકીની ચીજો એમ જ ડૂચો વાળીને પલંગોમાં ફેંકાય, બાય આન્ટી... બાય દીદી... બાય રન્ના દીદી થાય અને બધીય વહેતી થઈ જાય પોતપોતાની દિશાઓમાં.

તે એકલી જ રહી જતી, બે બેડરૂમ અને એક ડ્રૉઇંગરૂમ-કિચન- સ્ટોરવાળા વિશાળ ફ્લેટમાં. ફ્લેટની વિશાળતા તો શનિ-રવિ દરમ્યાન અનુભવાતી. બાકી તો કેટલી ભીડ રહેતી - આઠેઆઠ છોકરીઓની ? બધી ભણતી હતી આ શહેરમાં, પોતપોતાનાં સ્વપ્નો લઈને.

આ સ્થાન હતું - સહિયારા શ્વાસો લેવાનું. દરેકના ભાગે પલંગ, થોડી ભીંત, થોડી ફરસ અને થોડી હવા. સીતાબાઈ રસોઈ કરતી હતી, સવાર-સાંજ. રેહાના હિસાબ-કિતાબ રાખતી હતી, રૂપિયા-પૈસામાં. સ્મિતા- સ્વાતિ ખરીદી કરતાં હતાં માલસામાનની. અંજના, નીલી, ભગવતી વૉચ રાખતાં હતાં સીતાબાઈ પર કે તે કશુંક - તજ, લવિંગ એવું ચોરી તો નથી જતી ને ?

દશ વર્ષ પહેલાં જયદેવભાઈએ તેને પૂછ્યું હતું - ‘રન્નાદે, તને અહીં રહેવું ફાવશે ? આ ભણતી છોકરીઓ સાથે ? નજીક છે આપણી શાળા. સાવ વોકેબલ...’

ત્યારે આઠેઆઠ છોકરીઓ નર્યા કુતૂહલથી ટીકીટીકીને જોઈ રહી હતી.

તેણે તરત હા પાડી હતી. તેણે વિચાર્યું કે આ સ્થળ જ ઠીક રહેશે.

આ ભીડ વચ્ચે એકલતા ક્યાં ટકવાની હતી ? અને અતીત ક્યાંથી સાંભરવાનો હતો ?

તેણે ભાગે આવેલા પલંગ પર બૅગ મૂકી હતી. પછી પરિચય માગ્યો હતો - એ આઠેઆઠનો.

સૌથી નાની આશાએ પૂછ્યું હતું - ‘તમે અમારી સાથે રહેવાના છો - કાયમ ?’

તે દશ વર્ષથી તો ખોડાઈ હતી - આ સ્થળે. વરસે, બે વરસે - જૂની છોકરીઓ વિદાય લેતી હતી, નવી આવતી હતી. દરેક નવી છોકરી એ જ પ્રશ્ન કરતી હતી - ‘આ મોટાંબહેનેય આપણી સાથે...?’

રન્નાએ મીનાબહેનને પત્ર લખી નાખ્યો હતો - નોકરી અને રહેઠાણ વિશે, જયદેવભાઈ વિશે.

કેટલા ઉપકાર હતા મીનાબહેનના ? સંકેતથી ડાયવોર્સ પણ તેમણે જ અપાવ્યાં હતાં, જયદેવભાઈને પત્ર પણ તેમણે જ લખ્યો હતો - ‘સંભાળજો, આ રન્નાદેને. બાળોતિયાની બળેલી છે !’

શરૂઆતમાં પાબંદી લાગી ગઈ છોકરીઓને. કશું જ કરાય નહીં - જોક્સ, છોકરાંઓની વાતો, મજાકો !

છતાં એકબીજા સાથે ગુસપુસ થાય, સ્મિતો રેલાય પણ એક આંખ રહે રન્ના પર.

એક કહે પણ ખરી - ‘અરે, એમનેય ગમતું હોય. પુરુષની વાત કાંઈ સ્ત્રીને ના ગમે ? ભલેને, ડાયવોર્સી રહ્યાં !’

બીજીએ કહ્યું - ‘અરે... એય પરણી જાશે કો’કને. આ રીતે ક્યાં સુધી રહી શકશે ? સ્વાદ ચાખ્યો છે ને, પુરુષનો ? આપણે તો કોરી પાટી, વેરાન ધરતી, ઉજ્જડ....’

કેટલુંક કાને પડતું. તે હસી પડતી. સહાનુભૂતિ થતી એ છોકરીઓ પર. વ્હાલેય વરસાવતી, શબ્દોથી-વર્તનથી.

સોળ-સત્તર-વીસની છોકરીઓ બદલાતી જતી પણ તે તો વરસોવરસ મોટી થતી જતી હતી.

ના, હવે સંકેતની વાતો પીડતી નહોતી. એક તોફાન શમી ગયું જાણે. પાંચ વરસનું સહજીવન તો રાબેતા મુજબનું જ રહ્યું હતું. તેણે ભાગીને લગ્ન કર્યા હતાં, સંકેત સાથે. એનો નશો રહ્યો હતો તેની નસનસમાં. દિવસ અને રાત - સરસ જતાં હતાં, પ્રતીક્ષામાં - પ્રેમમાં - નવાં સ્વપ્નો જોવામાં. અભાવો હતા પરંતુ એમાંથીયે સુખ શોધી લેતી હતી તે.

પૂરાં પાંચ વરસનાં લગ્નજીવનને અંતે એ પુરુષે કબૂલ કર્યું હતું - ‘હા, એ મને ગમે છે. વિભા નામ છે એનું.’

એક વરસ રોવાધોવામાં, આજીજી કરવામાં ગયું. બીજું વર્ષ કાયદેસર છૂટા પડવામાં. ભાંગી પડી એ સ્ત્રી.

પ્રારંભમાં થતું - ‘મૂરખી છે આ આઠેઆઠ. ખૂણા શોધીને પુરુષોની વાત કર્યા કરે છે !’

પણ પછી મન સમથળ થયું હતું. ડખોળાયેલા નીર આછર્યાં હતાં.

છોને, દોડ્યા કરતી પુરુષ પાછળ ! એક વાર તો સહુએ બળતાંમાં હાથ નાખવો જ પડે ને ?

રવિવારે તે ખોટું હસીને કહેતી - ‘લો, હવે બધી જ એકલતા મારી સુવાંગ. હું જ રણીધણી આ સમયની.’

પછી તો ઉપાય મળી ગયો હતો એ શૂન્યતાનો. બસ, કામોના ખડકલાં શોધવાના, આટોપવાના. છાત્રાઓની નોટો તપાસવાની, હાજરીપત્રકો બનાવવાનાં, પત્રો લખવાના, જગજીત-ચિત્રાની કેસેટો સાંભળવાની.

આવા દિવસે તો સીતાબાઈ પણ ક્યાં આવતી ? બુન... ખીચડી ઓરી દેજો ને, બે મૂઠી. વરને લઈ જવાનો છે દવાખાને. વહુને આજકાલ છે. ગમે ત્યારે લઈ જવી પડે ! દીકરીને જોવા આવવાના છે, રાજકોટથી.

તે ઉદાસ થઈ જતી. સીતાબાઈનાં સુખો તો તેના ભાગ્યમાં નહોતાં જ ને, વળી ? લઈ ગઈ પેલી બીજી સ્ત્રી - શું નામ હતું તેનું ? શું હશે વિશેષ એમાં ? તેના જેવી જ ને !

એ રવિવારે કશું કામ જ નહોતું રન્નાદેને; ન શાળાનું કે ન ફ્લેટનું હા... એક પત્ર લેટરબોક્ષમાં પધરાવવાનો હતો, જે રાત ભાંગીને લખ્યો હતો મીનાબહેનને. લખ્યું હતું - ‘પોપટ ભૂખ્યોય નથી, તરસ્યોય નથી.

લીલાલેર કરે છે ફ્લેટની અટારીએ.’

અધૂરામાં પૂરું સીતાબાઈ પણ હાજર. એટલે સાણસી-વેલણથી પણ મુક્તિ.

ને પાછું સીતાબાઈએ પણ લપસીંદર ચલાવ્યું હતું -

‘રન્નાબુન...પરણી લોને. આમ ક્યાં સુધી આકળ-વિકળ જીવ્યા કરશો ? આદમી તો જોઈએ. ગમે તેવો તોય આદમી ? અસ્તરી જાત એકલી રહી જ શકે નૈ. આ છોકરીઓ નથી ને, એટલે બે વાત કાને નાખું છું તમારે. બુન, ગોતી કાઢો મરદ.’

રન્ના અકળાઈ ગઈ હતી. થયું - હવે રવિવાર જાશે શી રીતે ? અંતે ઉપાય સૂઝ્‌યો. સંતોષ કૌરનો બગલથેલો પડ્યો હતો - એ આપી આવવો. થોડી ગપસપ કરવી તેની સાથે. તે એકલી જ હોવાની આ સમયે; અને માણસભૂખી પણ. બપોર પસાર થઈ જશે. પછી સાંજે ફરી લેવું - ભરચક સડક પર. મહાલક્ષ્મીના મંદિરેય માથું ટેકવી લેવું. ફ્લેટમાં પગ મૂકે એ બીજા ! પછી થાકીને લોથ થઈને ફ્લેટ ખોલીને લથડતા પગે પલંગમાં પડતું મૂકવું. એય વહેલી પડે સવાર. ને સવારે તો પેલીઓ ટપોટપ આવવાની જ હતી ને ?

સહુથી પ્રથમ શ્વેતા જ આવવાની, ધસમસતી આવીને વળગી જ પડવાની રન્નાને; અને કહેવાની - ‘આ વખતે ઘરે ગઈ પછી શું થયું, ખબર છે ?’

તેણે બેધ્યાનપણે વસ્ત્રો બદલ્યાં. એ જ રીતે, જોઈ લીધું અરીસામાં. વાળ સરખા કર્યા, બે હાથ ફેરવીને. ખભા પર ગોઠવ્યો સંતોષ કૌરનો બગલથેલો. સરસ હતો, ભરત ભરેલો, આભલાં પણ ખરાં. ખાસ વજન ક્યાં હતું ? વસ્ત્રો જ હશે સંતોષના ! સાવ સાદી સ્ત્રી હતી. ટાપટીપનું નામ જ નહીં. પણ રૂપ કેવું હતું ? સતલજનું પાણી !

રન્ના એક સાથે આટલું બધું વિચારી ગઈ એ સ્ત્રી વિશે ! બસ, તેને મળીને કલાક ભાંગવો હતો, આ રવિવારનો. શું કહેતી હતી સીતાબાઈ? સ્ત્રીએ સુખ શોધી લેવું પડે. એ કાંઈ ભર્યે ભાણે ના મળે. પુરુષ હોય તો સ્ત્રીને છૈયું-છોકરુંય થાય. ભૈ, સુખ જ છે - આ બધુંય.

તે ત્રાસી ગઈ હતી. આ બધું સુખ ? શું આપ્યું હતું સંકેતે ?

ખરેખર તો તે આપતી હતી સુખ. ને એમાં જ સુખ માનતી હતી. પોતાનું આગવું સુખ તો હતું જ ક્યાં ? એ તો શોધતી જ રહી - આ વરસો દરમિયાન.

રન્નાએ ટપાલ લીધી, બગલથેલો ઠીક કર્યો અને કાંઈક ચીડથી ફ્લેટને લોક કર્યો હતો.

સંતોષ કૌરના વિચારોમાં ત્રણેય દાદર ઊતરી ગઈ તે. ખબર પણ ના પડી. હળવાશ આવી ગઈ ચહેરા પર, મન પર. પણ નસીબ બે ડગલાં પાછળ. પેલીના ફ્લેટ પર મસમોટું તાળું. માંડ માંડ ટપાલ પોસ્ટ કરી.

શું ફરી પાછાં દાદર ચડીને એ જ ફ્લેટમાં જવાનું ? રન્ના થીજી જ ગઈ.

અને એક નવી ઘટના બની ગઈ, એ પળે જ.

*

એ પળે, રન્નાની સહશિક્ષિકા પ્રભા પ્રગટ થઈ. ચહેરો ગંભીર હતો. તરત શબ્દો પ્રગટ્યા.

‘તને નથી ખબર, રન્ના ? જયદેવભાઈને ઍટેક આવ્યો ? કાલે રાતે જ ! વેંત વેંત છાતી ઊછળે ! શુશ્રૂષામાં દાખલ કર્યા છે - તાબડતોબ. સ્ટાફ હાજર હોય જ. તને જાણ ના થઈ. ને વંદનાબેનેય સુરત છે ! જયદેવભાઈનાં પત્ની - વંદનાબેન !’

ને થીજી ગઈ રન્નાદે. જયદેવભાઈને હાર્ટઍટેક ? આ ઉંમરે ?

હજી તો માંડ ચાલીશ, બેતાલીશના !

*

પૂછપરછની બારી પર ખાસ ભીડ નહોતી. આ લંચનો સમય હતો. ટાપટીપવાળી છોકરીએ એક બગાસું ખાઈને માહિતી આપી હતી.

‘હં - હાર્ટ પેશન્ટને ? ત્રીજે માળે રાખ્યા છે. એ પેશન્ટોને શાંતિ તો મળવી જોઈએ ને ? જયદેવભાઈ... ખરું ને ?’

પછી તેણે રૂમ નંબર કહ્યો હતો.

લિફ્ટમાં ભીડ હતી પણ પહેલા ફ્લોર પછી તો તે એકલી જ હતી. જરા હાશકારો થયો. પછી ધ્યાન ગયું કે લિફ્ટ કેટલી ગંદી હતી.

પાનની પિચાકરીઓના લાલ ડાઘા. કાગળના કટકા, વપરાયેલી પ્લાસ્ટિક બૅગો... ! તેને ચીતરી ચડતી હતી.

વળી દૃષ્ટિ પડી અરીસા પર. કેટલો ગંદો હતો ? કોઈએ આંગળી વતી આડાઅવળા લીટા દોર્યા હતા, અરીસાની મેલી સપાટી પર.

માંડ તે દેખાઈ. અરે, કેવી ઓઘરી લાગતી હતી ? કરમાઈ ગેયલો ચહેરો, અસ્તવ્યસ્ત વસ્ત્રો, ખભા પર સંતોષનો બગલથેલો.

તે વિચારતી હતી કે કોઈ જુએ તો શું કહે ? એમ જ તે લાંબી ખેપ કરીને આવી હતી !

વળી જયદેવભાઈ સાંભર્યા હતા : કેમ હશે અત્યારે ? રાતે તો વેંત વેંત ઊછળતી’તી છાતી. પ્રભા કહેતી હતી. તેણે આખડી પણ રાખી, જયદેવભાઈના સ્વાસ્થ્ય માટે. કેવા ભલા હતા; તેમણે જ કશું પૂછ્યા વિના - તેને નોકરીમાં રાખી હતી. પ્રમાણપત્રો તો છેક પાંચ દિવસો પછી જ માગ્યાં હતાં !

લિફ્ટ થંભી ને તે બહાર આવી. માથે ખાખી ટોપે પહેરેલો એક વોર્ડબૉય એમાં પેઠો, ને એ વસાઈ ગઈ. ખટકા કરતી. સામે આખી સૂમસામ લૉબી અને રન્ના એકલી.

સ્વચ્છ પરસાળની બન્ને તરફ રૂમ, છેક છેડા સુધી. બસ... આમાં જ હશે જયદેવભાઈ.

ને બન્યું એવું કે રન્ના રૂમ નંબર ભૂલી ગઈ. ચાર, બાર કે પછી ગમે તે ! લિફ્ટની રામાયણમાં એ નંબર જ છટકી ગયો. કોઈ હાજર હોય તો પુછાય ને ?

એક આંટો મારી લીધો પરસાળનો. બધાં જ બારણાં કાંઈ ખખડાવી ના શકાય. નીચે જઈને પેલી છોકરીને ફરી પૂછવું પણ યોગ્ય ના લાગ્યું.

પેલી શું સમજે તેને ? અરે, હસી પડે તેના ગમારપણા પર. અને અચાનક જ, તે જ્યાં ઊભી હતી, એ બારણું ખૂલ્યું. એક કાળી, એકવડા બાંધાની નર્સ બહાર આવી. નર્સ તો ઓળખાય જ ને ? તે પૂછવા જતી હતી ત્યાં જ નર્સ બોલી - ‘લો, આવી ગયાં ! તમારી જ પ્રતીક્ષા થાય છે સવારની. સારું છે સાહેબને. રાતે તો... વેંત વેંત છાતી... ઉછળતી હતી !’ ‘ચાલો... રૂમ તો મળી ગઈ.’ એ આનંદ નાનોસૂનો નહોતો.

બીજી પ્રસન્નતા કે સાહેબને સારું હતું. પણ આ તેની પ્રતીક્ષા થથી હતી એ ના સમજાયું.

રૂમ મોટી નહોતી પણ ભરચક હતી, સુવિધાઓથી. આછા લીલા રંગની ભીંતો, શ્વેત છત, આરસની ફરસ, બારીક ભાતવાળાં પરદાઓ, એક ભીંતને અઢેલીને સોફા, બધું તરત જ દૃષ્ટિમાં આવી ગયું.

મધ્યમાં પલંગ, બે ખુરશીઓ અને એક દવા, ફળો મૂકવાનો કપ બોર્ડ.

નર્સે કહ્યું - ‘સૂતા છે. મોર્ફિયા આપ્યું છે ને ? હજી એક કલાક લાગશે ભાનમાં આવતાં. પછી વાતો કરી શકશો. જોકે બહુ વાતો પણ નહીં કરવાની. સમજ્યાને ?’

રન્નાદેને પ્રશ્ન થયો હતો કે કેમ કોઈ નહોતાં, અહીં જયદેવભાઈ પાસે ? કેટલી વ્યક્તિઓ હતી સ્ટાફની ? કદાચ રજા નહીં આપી હોય ડૉક્ટરે ? તો પછી તેને કેમ આવકારી હતી ?

કશું ના સૂઝતાં, તે ધબ દઈને ખુરશીમાં બેસી ગઈ. થાકેય હતો ને ? તન-મનનો !

વળી પેલી નર્સ ગણગણી, સાવ ધીમેથી. માંડ રન્નાને સંભળાય એ રીતે :

‘જુઓ... થાક્યાં હશો, કૉફી લઈ આવું. ઘરેથી જ લાવું છું, થર્મોસમાં. ઠીક રહેશે ત્યાં સુધી.’

અને તે ચાલી ગઈ, જવાબની અપેક્ષા રાખ્યા વગર. એ પછી જ રન્નાદેને સમજ પડી હતી, રહસ્યની.

અરે, આ તો તેને જયદેવભાઈની પત્ની તો નહીં સમજતી હોય ને ? આવકાર, કૉફી એના માનમાં તો નહીં હોય ને ?

તે હસી પડી - ભોંઠપ અનુભવતી.

સમજ ન પડી કે આ હાસ્યની ઘટના હતી કે કરુણતાની. તે આટલું દોડી હતી પણ ક્યાં કશેય પહોંચી હતી ? ખરી હતી આ કાળી છોકરી; બધું જ ગોઠવી લેતી હતી. કોઈના સંબંધોય ! જોકે સંતોષ કૌરના બગલથેલાની ભૂમિકા ઓછી નહોતી. તે જ ગમે તેની પત્ની બનાવી દેતો હતો.

સ્પષ્ટતા કરી લેવાની. તે આવે ને તરત જ કે બે’ન, કોઈની પત્ની નથી હું ! આ સૂતેલા પુરુષ તો... ? હા, કોઈ વંદના ત્યાં સ્થાપિત થઈ હતી. સાચવી રાખજે આ કૉફી એ સ્ત્રી માટે.

અચાનક સળવળાટ થયો પલંગમાં. પડખું ફેરવ્યું દર્દીએ - અરે, જયદેવ... !

ક્યાં જયદેવભાઈ હતા ? આ તો સંકેત ! હા... એ જ ! એ ક્યાંથી ? તેનો એક સમયનો... પુરુષ. દશ વરસો પછી પણ ઓળખી તોલે જ ને તે ! તો શું આ રૂમ સંકેતની ? એનેય ઍટેક ? વેંત વેંત ઊછળતી’તી એ છાતી આની ? જયદેવભાઈની રૂમ બીજી જ ?

તેની નસો ફાટફાટ થવા લાગી.

તો પેલી જ આવવાની હશે, જેની સાથે સંકેત ખુલ્લેઆમ ફરતો હતો, જેને કારણે જ વિચ્છેદ... ! શું નામ તેનું - વિભા કે એવું કાંઈક !

રન્નાડી, શા માટે અહીં ખોડાઈ રહી છે, ચાલવા માંડ. તેણે જાતને ઠપકો આપ્યો. ઊભીયે થઈ.

પણ ત્યાં જ સંકેતે કશું લવવાનું શરૂ કર્યું. ‘રન્ના, મારી રન્ના, ક્યાં છું તું ?’

હેં ! તેનું નામ ! અમસ્તું લાખો વાર સાંભળ્યું હતું, એ પુરુષના બોઠે. અનેક મૂડમાં, મુદ્રામાં, લયમાં.

આ તો દશ વર્ષ પછીની, વિચ્છેદ પછીની ઘટના હતી. અને સાવ મૂર્છિત અવસ્થામાં.

પુનઃરટણ થયું, તેનું જ; રન્નાડી... આવને... ક્યાં છે તું ?

ભાવવિભોર થઈ ગઈ રન્ના. બીજી તો ક્યાંય નહોતી, ચિત્રમાં.

તે હજીય સંકેતના હોઠો પર હતી, હૈયામાં હતી. હૈયામાં હોય તો જ હોઠો પર આવે ને ? ભલેને, મૂર્છિત દશામાં, પણ હજીય...

કેટલી ખુશ થઈ હતી તે !

૧૬ - વિદાયનું ચિત્ર

(૧)

આજે રાતે પણ નૈષધભાઈ પુત્રીના શયનખંડના બારણા પાસે આવ્યા, બે પળ અટક્યા, પુત્રીને નીંદરમાં સૂતેલી જોઈ અને હળવેથી એ દૃશ્યમાંથી નીકળીને પરસાળના ઘેરાં અંધકારમાં સરી ગયા.

રોજનો ક્રમ પહેલાં તો નજીક જઈને સ્મૃતિને જરા પંપાળી લેતા, ચાદર સરખી કરતા કે પરદો બંધ કરતા. પણ પછી, છેલ્લા એક વર્ષથી આમ દૂરથી નીરખીને સરી જતા. વીસ વર્ષની સ્મૃતિને સમજ પડી હતી કે પપ્પા તેની નીંદરમાં ખલેલ પાડવા નહોતા ઇચ્છતા. સ્પર્શ થાય પછી નીંદર બટકે જ ને? અને પ્રેમાળ પિતાને એ ગમે ખરું?

નૈષધભાઈના ગયા પછી તે ભાવવિભોર બની જતી.

આ ઉગમણી બારીવાળો ખંડ તેનો હતો. ભીંતસરસો પલંગ, પાસે ટેબલ, ટેબલ પર તેની અભ્યાસની સામગ્રી. સામે બારી જ્યાંથી સૂર્યપ્રકાશ ડોકાય, તેના ખંડમાં. અને બારી પાસે જ મમ્મીનો ફોટો. નીચે મૃત્યુતારીખ, જન્મતારીખ અને નામ - અ.સૌ. નમિતા ગૌરી.

બે તારીખઓની બાદબાકી એ તેમની હયાતી.

મીરાંફોઈએ કહ્યું હતું તેર વર્ષની સ્મૃતિને - ‘સ્મૃતિ, ત્યારે તો તું માંડ બે વર્ષની. ઢીંગલીથી રમતી’તી આગલા ખંડમાં. શું દોથો દોથો વાળ નમિતાના ? નહાઈને નીકળી. ખુલ્લા વાળમાંથી પાણી નીતેર. જરા ચક્કર જેવું લાગ્યું. છાતીમાં દુઃખાવા જેવું થયું. સૂઈ ગઈ પલંગમાં. નૈષધ બામની શીશી શોધતો હતો ને તેણે ચીસ પાડી હતી. બસ, એ છેલ્લી ચીસ. વચ્ચે થોડા લથડાતા શબ્દો - ‘મારી સ્મૃતિને સોંપી તમને. તે દુઃખી ન થાય.’

એક મૃત્યુની વાત કહેવાઈ ગઈ ને તેણે સાંભળી લીધી, થયું - બસ, આમ જ થાય ? આનું નામ મૃત્યુ ? હરતીફરતી મમ્મી સીધી ફોટામાં આવી જાય ?

મીરાંફોઈ વળી બીજી વાત પણ કહેતાં - ‘સ્મૃતિ... એ વખતે નૈષધને કેટલાં કહેણો આવેલાં - લગ્નનાં ? ને ઉંમર પણ લગ્નની. તું માંડ બે વર્ષની. આખું ઘર સાવ નધણિયાતું. પણ તે ન માન્યો. કહે - નવી સ્ત્રી કેવી નીવડે ? મારે જોખમ નથી લેવું. સ્મૃતિને દુઃખ નથી કરવી.’

એટલી સમજ તો હતી સ્મૃતિમાં. નવી એટલે બીજી સ્ત્રી, મમ્મી જેવી જ પણ મમ્મી તો નહીં જ. એ તો ક્યારેય પાછી ન આવે. પેલી નવી સ્ત્રી જ... ઘરમાં રહે.

ખ્યાલ આવ્યો કે પપ્પા ધારત તો નવી સ્ત્રી આવી શકત ઘરમાં.

પોતાના સુખ ખાતર જ... પપ્પા એને નહોતા લાવ્યા.

હા, ઘર મીરાંફોઈએ સંભાળી લીધું હતુંને ? ફોઈ શું કહેતાં હતાં - ‘સ્મૃતિ, જે આવે તે જાય. જેનો જન્મ તેનું મૃત્યુ. સહુએ નમિતાને મારગે જ જવાનું હતું.’

તેર વર્ષની સ્મૃતિને આ અભાવ કેટલો ડંખતો હતો ? તે અંતર્મુખી બની ગઈ હતી.

જોયા કરતી આકાશ, વૃક્ષો, સામેના ફ્લેટોની બારીઓ. થતું, આકાશ કે વૃક્ષોને મૃત્યુ નહોતું; તો માણસને કેમ ? મમ્મી આમ જ ચાલી જાય, તેને અધવચ્ચે મૂકીને ? તે હોત તો કેટલું ગમત, તેને-પપ્પાને ?

સોનાલી કેટલી વાતો કહે છે, તેની મમ્મીની ?

હા, તેને મીરાંફોઈની વાતોમાંથી મમ્મી મળતી હતી. તે રસપૂર્વક સાંભળતી હતી, ને આત્મસાત્‌ કરતી હતી. સ્મૃતિ, નમિતા તો ચંચળ પતંગિયા જેવી. ઠાવકી ને પાછી રમતિયાળ... ! કોઈ પણ વાતનો ઉકેલ રમતવાતમાં લાવી દે. પાછી હસતી ને હસતી. એ આવે ને બધું હળવુંફૂલ બની જાય. સ્મૃતિમાં, સાવ નોખો જીવ. સુખ આપવા આવી આ ઘરમાં.

સ્મૃતિ ગદ્‌ગદ થઈ જતી.

ફોઈ ક્યારેક અકળાઈ જતાં.

‘અહે, હું ક્યાં આવી ગઈ ? આ તો મૌનાલય છે. બાપે મૌન ધારણ કર્યું છે ને દીકરી અંતર્મુખી. નમિતા હોત તો...?’

(૨)

સંજોગ એવો થયો કે મીરાંફોઈએ મૌનાલય છોડીને જવું પડ્યું, વતનના ગામમાં. સ્મૃતિ ત્યારે સોળની. બેમાંથી કોઈને ન ગમ્યું. સ્મૃતિ માટે તો એક અણદારી દુર્ઘટના હતી, બીજા વર્ષે મમ્મી ખોઈત્યારે તો અબૂજ બાળકી હતી ને અત્યારે - મીરાંફોઈથી છૂટવાની વેળાએ, એક સમજણી કિશોરી. આટલાં સમયમાં મીરાંફોઈએ ઘણા સંસ્કારો આપ્યા હતા, કામકાજમાં પળોટી હતી, છેલ્લા વર્ષથી તો રસોઈકામમાં સાથે રાખી હતી.

‘જો સ્મૃતિ, સ્ત્રીઓએ આમાં પારંગત થવું જ પડે. ભલે રાજાની રાણી હોય કે ગવંડરની મેડમ - આ તો...?

સવારની કોલેજ હોય એટલે સમય ન મળે. પણ સાંજે તો ખેંચી જ જાય રસોઈકક્ષમાં.

‘સાંભળ, પુરુષના મન સુખી જવું હોય તો પ્રથમ સ્વાદિષ્ટ ભોજનથી જીભ સુધી જવું પડે. અને તારે પણ પારકે ઘરે તો... જવાનું જ છે ને, એક દિવસ ?’

મીરાંફોઈની વાતો પણ ચાલુ જ હોય, પોતાની - નમિતાની.

ને સ્મૃતિએ ઉત્તર વાળ્યો હોય, ‘ના ફોઈ... મારે નથી પરણવું. હું તો અહીં જ રહીશ, પપ્પાની સાથે.’

પછી ફોઈ હસી પડે, થાબડે સ્મૃતિને.

‘એ તો બધી, એમ જ કહે. ને પછી ટપ દઈને માંડવામાં બાજોઠ પર બેસી જવાની. દીકરી, સંસારનો નિયમ છે એ કાંઈ અમસ્તો !’

બધું જ સાંભરતું હતું તેને, પણ તેણે સરસ વાતો કરી વિદાય વેળાએ.

‘ફોઈ, જાવ તમે નચિંત બનીને. તમે મને ઘણું શીખવ્યું છે. ત્યાંય બીજી સ્મૃતિ તમારી રાહ જોતી હશે. પત્ર લખીશ તમને. જવાબ આપશો ને ?’

ઠેઠ સુધી મક્કમ રહી સ્મૃતિ પણ પછી રડી પડી હતી. તે કેટલું પામી હતી, ફોઈ થકી ?

ફોટામાંની મમ્મી તો ક્યાં કશું બોલવાની હતી ? એ રેખાઓની મર્યાદા હતી, પરંતુ ખોઈએ મમ્મીની જીવંત છબી રચી હતી - શબ્દોથી. ‘સ્મૃતિ, ખબર છે, નમિતા એટલે નમિતા. નાની વયમાં તેણે કેટલું આપ્યું ? હું તો માત્ર મળવા આવી હતી, તારા જન્મ વખતે પણ એવું બન્યું કે પડાવ, મુકામ બની ગયો.’

જતાં જતાં કહેતાં ગયાં - ‘સ્મૃતિ હવે તારાં લગ્નમાં આવીશ.’

સોળ વર્ષની સ્મૃતિ હસી પડી હતી.

લગ્ન કરવાં છે જ કોને ?

એ રાતે તેને આ જ વાત યાદ આવી. ફોઈ પણ પરણ્યા જ ને ?

મમ્મીએ પરણી ? અને સામેવાળાં ગોરાં ગોરાં નીરજા આન્ટીએ પરણ્યાં જ હશે ને ?

આ લોકો તેને પરાણે પરણાવશે તો નહીં ને ? તેના શરીરમાંથી એક કંપન વહી ગયું.

નૈષધભાઈએ નવી વ્યવસ્થા ગોઠવી દીધી. સવારે નીરજા આન્ટીને ત્યાંથી ટિફિન અને સાંજે સ્મૃતિ સંભાળે રસોડું. નીરજા આન્ટી તો આમેય સાત-આઠ ટિફિનો સંભાળતાં જ હતાં. એક વધારે. ફ્લેટનું બારણું ખુલે ત્યારે અવનવા પસીના અને મસાલાથી લથબથ, લોટની કણકવાળા હાથથી સાડીનો છેડો ગોઠવતાં નીરજા આન્ટીનાં દર્શન થતાં.

હસીને કહે - ‘શું આવી ? નવો ડ્રેસ દેખાડવા ? વાહ, ભાઈ...

સરસ છે મોરપિચ્છ રંગનો. આઘી રહેજે, મારો હાથ અડકી ન જાય. કોણ પપ્પા લાવ્યા ?’

બીજે દિવસે સમય કાઢીને પત્ર લખી નાખ્યો ફોઈને. નવી વ્યવસ્થા વિશે લખ્યું. ફોઈ... સાંજની રસોઈ તો હું જ કરીશ.

(૩)

સત્તર વર્ષની સ્મૃતિએ ફોઈને લખ્યું હતું - ‘ફોઈ, તમે ગયા પછી, શું થાય છે, ખબર છે ? પપ્પા, રોજ રાતે આવીને તેમની દીકરીને પંપાળી જાય છે, સંભાળ લઈ જાય છે. કહો, કેટલું ગમે મને ? ક્યારેક એમ જ લાગે કે જાણે મમ્મી સ્પર્શી રહી હતી !’

અઢાર વર્ષની સ્મૃતિએ મીરાંફોઈને, તેની રસોઈની પારંગતતા વિશે લખ્યું હતું - ફોઈ, મેં પોતાની રેસિપિઓ શરૂ કરી છે - તરલા દલાલની માફક.

મીરાંફોઈ તેમના દુઃખતા પગ વિશે લખતાં. વળી ઉમેરતાં - ‘સ્મૃતિ, સમય આવે છોકરીઓને સમજણની પાંખ ઉગી જ જાય. આવડી ગઈ ને રસોઈ ? બસ, હવે એ રીતે એક દિવસે પાનેતર પહેરીને બાજોઠ પર બેસી પણ જઈશ. કેવડી થઈ ? અઢારની ? મને તારી જન્મતારીખ યાદ છે. સ્મૃતિ, પગ એટલો પીડે છેને કે એમ થાય છે કે તારાં લગ્નમાં નહીં અવાય તો ?’

હસી પડતી સ્મૃતિ. બસ, આ એક વાતમાં તમે ખોટાં પડવાનાં ફોઈ ! હું તો જૉબ કરીશ. પપ્પાને સંભાળીશ. લગ્ન કરે મારી બલ્લા !

લગ્ન એટલે બંધન, શરણાગતિ.

શું મળ્યું લગ્નથી, નીરજા આન્ટીને ?

બદનામી મળી આન્ટીને. પેલો પુરુષ તો નાસી જ ગયો - તેમના સ્ત્રીત્વને નષ્ટ કરીને.

ને હવે ટિફિનો બનાવવાનો સમય આવ્યો હતો ! મીરાંફોઈનાં અનુભવો પણ હશે જને ? ક્યારેક કડવાશ આવી જતી’તીને કોઠે.

ઓગણીસની સ્મૃતિનો પણ એ જ રવૈયો. નૈષધભાઈ કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા - ‘સ્મૃતિ પારંગત થઈ ગઈ છે રસોઈમાં, નમિતાની માફક. જોઈએ છીએ. જોતાં જોતાં વરસ, બે વરસ થઈ જાય. સ્માર્ટ છોકરો જોઈએ. પોતાના પગ પર જીવી શકે તેવો. મોકલીશ તમને તેનો બાયોડેટા.’

સ્મૃતિ સાંભળતી રહી. પછી હળવેથી બોલી - ‘પપ્પા, તમને એકલા મૂકીને હું ક્યાંય જવાની નથી.’ નૈષધભાઈ હસી પડ્યા.

અને વીસ વર્ષની સ્મૃતિ વલયના પ્રેમમાં પડી ગઈ. શબ્દકોશ ખોલીને વલયનો અર્થ શોધ્યો હતો. પછી હસી પડી હતી - ‘ના, આ તો સાવ સરળ હતો, શ્રાવણના ઝરમર વરસાદ જેવો.’

મૂંઝવણમાં પડી ગઈ કે શું લખવું મીરાંફોઈને ? પેલી સોળની, સત્તરની સ્મૃતિઓ ભોંઠીચાટ પડી હતી, અને અઢાર ઓગણીસની ચકિત થઈ ગઈ હતી. વીસની સ્મૃતિ અહોભાવથી તરબોળ હતી. અપરાધભાવથી મુક્ત થવા મથતી હતી.

‘ક્યાં જાણ હતી વલયની ? અમીનો જ પિતરાઈ ! કુતૂહલવશ જ ગઈ’તી, અમીની બર્થડે પાર્ટીમાં. આવી લાગણીઓ ક્યાંથી જન્મી હશે, એ જ ન સમજાયું મને. થયું - મીરાંફોઈ સાચાં હતાં અને પેલી બધી સ્મૃતિઓ જૂઠાડી !’

અમીએ તો છેક ત્રીજા દિવસે ફોનમાં કહ્યું હતું - ‘અલી, શું કર્યું તે વલય પર ? એ સાંજથી તારી જ વાતો કરે છે. તે તો તારા પ્રેમમાં પડી ગયો પણ તારું શું છે ? મારે એ જાણવું છે કે આગ બેય તરફથી તો નથી લાગીને ?’

આગ બન્ને તરફથી જ લાગી હતી.

નવી જ દિનચર્યા શરૂ થઈ. રાતે વલયના વિચારોમાં જાગરણ કરવું ને દિવસે મળવાની મથામણો. નવી નવી જૉબ હતી વલયને. તેને કોલેજનો અભ્યાસ પણ ખરો જ. પરીક્ષા આવી રહી હતી. આમાં તૈયારી પણ કેવી થાય ?

ક્યારેક તો સાંજની રસોઈનો ભાર પણ નીરજા આન્ટી પર છોડવો પડતો. નર્યા ઉન્માદમાં જીવતી હતી તે. પસ્તાવો પણ થતો - ‘કેવી હતી તે ? ખાખરાની ખિસકોલી જાણે. ખોટી દલીલો કરતી હતી, ફોઈ અને નીરજા આન્ટી સાથે, અમી અને સોનલ સાથે પણ. બસ, અચાનક અક્કલ આવી ગઈ. સ્ત્રી અને પુરુષ મળે એટલે જ પૂર્ણતા. કેવાં વસમાં જીવન હતાં, ફોઈના ને પપ્પાનાં ? એક અપૂર્ણતાએ કોરી કાઢ્યું હતું આખું અસ્તિત્વ, આખી હયાતી.’

સ્મૃતિને નવા અર્થો મળ્યા હતા, સ્ત્રી-પુરુષના સાયુજ્યના, સમજાવા લાગ્યો હતો પુરુષ, અને જિંદગી વિશેની નવીનકોર પરિભાષા. કેવી મૂર્ખી હતી તે, આટલી વાત પણ સમજાતી નહોતી ? લખવો જ પડશે, એક પત્ર ફોઈને. તેણે નક્કી કરી નાખ્યું.

એક દિવસે તે જઈ આવી વલયના નિવાસસ્થાને. નાનું મકાન પણ સ્વચ્છ ને સુઘડ, થોડું રાચરચીલું, ઉષ્માભર્યો આવકાર. મુલાકાત અણધારી જ ગોઠવાઈ હતી.

ઘરમાં માતા-પિતા, વલય અને પંદર વર્ષની માધવી એમ ચાર વ્યક્તિ અને પાંચમી તે, ભળવાની હતી. ગમ્યું સ્મૃતિને. થોડાં સુશોભનો વિશે વિચારી લીધું. વલયનો પલંગ જોયો. કદાચ તેનો પણ ગણી શકાય.

‘આવજે દીકરી’ વલયની માએ કહ્યું ને સ્મૃતિની આંખ ભીની થઈ હતી.

એ લોકો સમજી ગયા હતા કે આ... આપણા વલયની... વહુ ! વલયે કહ્યું હતું ને માધવીને, ભાભી બતાવવાનું !

રાતે પ્રશ્ન જાગ્યો. નૈષધભાઈનો. તેમને એકલા છોડીને ચાલ્યા જવું? કેટલી લાગણી હતી પપ્પાને ? રોજ રાતે... આવીને નીરખી જતા હતા કે પુત્રી સુખચેનમાં તો છેને ? બીજી રાતે કોની પાસે જશે ? એ ખંડ તો ખાલી જ હશે.

રસોઈનો પ્રશ્ન તો ઉકેલાઈ જવાનો હતો. નીરજા આન્ટી હતાં ને ? બેય વખત... ગરમાગરમ રસોઈ આપી જશે. તેમને પપ્પાના ટેસ્ટનો ખ્યાલ હતો જ. દાળ, શાકમાં લીલું મરચું ખરું પણ લાલ મરચું તો નહીં જેટલું જ. ખટાશ ખરી પણ એય પ્રમાણસર. ભાત... પાણીપોચાં. અને રોટલી બધો જ ખ્યાલ હતો. નિરાંત હતી એ બાબતની.

અને પપ્પા આવ્યા બારણા પાસે, બે-ચાર પળ રોકાયા. તેણે ઢોંગ રચ્યો ભરનીંદરનો અને તે દબાતા પગલે ચાલ્યા ગયા.

સ્મૃતિ ભાવાવેશમાં આવી ગઈ. કેમ છોડીને જવું પપ્પાને ? અને હવે વલયને પણ છોડી શકે તેમ નહોતી. કેવો શાલીન હતો વલય ?

બન્ને મળતાં એકાંતમાં ત્યારે પણ એ જ વલય. સહજ સ્પર્શ થાય એટલો જ વહેવાર; કહે - ‘સ્મૃતિ... સમય આવે ત્યારે જ ફળ ચાખવા જોઈએ.’

કેટલીક વાર તો ખુદ ઇચ્છતી હોય કે વલય લક્ષ્મણરેખાને ઓળંગે.

નખશિખ સરળ અને શાલીન. અને એમ જ થાય કે તેને સાંભળ્યા કરે, લીન થઈ જાય તેનામાં.

તેણે અમીનો આભાર માન્યો હતો, વલયને મેળવી આપવા માટે.

ને ટપેલી ટહૂકતી, ‘શું આમ ને આમ ફર્યા કરવું છે ? કેમ કહેતી નથી તારા પપ્પાને ? મેળવ વલયને ?’

‘હા, આ એક જ વિધિ બાકી રહી જતી હતી. પણ વિદાય વેળાનું ચિત્ર કેવું વસમું લાગતું હતું ? તે અને વલય વિદાય લેતાં હોય ને પપ્પા.... એકાકી બનીને હાથ ફરકાવતા હોય !’ સ્મૃતિ છળી ઊઠી - કલ્પનામાત્રથી.

(૬)

ત્યાં કશો ભાસ થયો સ્મૃતિને; આગળના ખંડમાં કશો ધીમો અવાજ થયો હતો, સાવ ધીમો.

ના, પપ્પા તો ન હોય. તેમને ગયે દશેક મિનિટ થઈ. એ તો હશે તેમના શયનકક્ષમાં.

પણ એ જ હતા. ભલે દવાતો સ્વર હોય પણ તે તો ઓળખે જ ને ? નૈષધભાઈનો સાવ દબાતો અવાજ હતો. પણ બીજો સ્વર તો સ્ત્રીનો હતો. અરે, એય ઓળખાયો. નીરજા આન્ટીનો !

સ્મૃતિ થીજી ગઈ. પપ્પા અને નીરજા આન્ટી અત્યારે ? દબાતા અવાજમાં વાત ?

પછીના અવાજો પણ સ્પષ્ટ થયા. કેવળ વાતો જ નહોતી. તો શું પપ્પાને નીરજા આન્ટી સાથે...? અનૈતિક ન ગણાય ? પછી આખું ચિત્ર સ્પષ્ટ થયું. કેટલા સમયથી પપ્પાએ તેને પંપાળવાને બદલે દૂરથી જોઈને ચાલી જવાનું શરૂ કર્યું હતું ? બસ, તો ત્યારથી જ. લોકો જાણે તો બદનામી જ થાય. તે વિષાદમાં સરી ગઈ.

પેલા અવાજો વધુ સ્પષ્ટ થતા હતા. કેટલો સમય થયો મમ્મીને ગયે ? તે બધું સમજતી હતી કે નીરજા આન્ટીના પતિ પણ ચાલ્યા ગયા હતા, તેમને છોડીને. એક મોટો અભાવ હતો, તેમને.

સ્મૃતિને અચાનક તેના પ્રશ્નનો જવાબ મળી ગયો. તે, આ સ્થિતિમાંય હસી પડી. તે સુખની વિદાય લઈ શકશે.

હવે વિદાય વેળાનું ચિત્ર પૂર્ણ થતું હતું.

તે અને વલય, બન્ને વિદાય લેતાં હોય. તેની એક આંખ રડતી હોય ને બીજી હસતી હોય. બારણામાં ઊભા ઊભા પપ્પા હાથ હલાવતા હોય. ભીંત પર મમ્મીનો ફોટો હોય અને નીરજા આન્ટી બારણાના પરદાની આડશમાં ઊભાં હોય!

* ગિરીશ ભટ્ટ *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED