વેદનાની એક ડાળ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદનાની એક ડાળ


વેદનાની એક ડાળ

* ગિરીશ ભટ્ટ *

મુદ્રક :

ગુજરાતી પ્રાઈડ ઈ-બુક, અમદાવાદ.

ટાઈપ સેટીંગ : પાર્થવી ગ્રાફિક્સ, અમદાવાદ.

મો. 9687161021




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.પ્રકરણ - ૧

૨.પ્રકરણ - ૨

૩.પ્રકરણ - ૩

૪.પ્રકરણ - ૪

૫.પ્રકરણ - ૫

૬.પ્રકરણ - ૬

૭.પ્રકરણ - ૭

૮.પ્રકરણ - ૮

૯.પ્રકરણ - ૯

૧૦.પ્રકરણ - ૧૦

૧૧.પ્રકરણ - ૧૧

૧૨.પ્રકરણ - ૧૨

૧૩.પ્રકરણ - ૧૩

૧૪.પ્રકરણ - ૧૪

૧૫.પ્રકરણ - ૧૫

૧૬.પ્રકરણ - ૧૬

૧૭.પ્રકરણ - ૧૭

૧૮.પ્રકરણ - ૧૮

પ્રકરણ - ૧

એ ઢળું ઢળું થતી સાંજ, વૃદ્ધ મનોહર માટે ચિંતા જન્માવતી હતી. છેક બપોરથી સરનામાની ચબરખી લઈને રખડપટ્ટી આદરી હતી, પણ ગન્તવ્ય સુધી પહોંચી શક્યા નહોતા. રામભાઈએ સરનામું તો બરાબર આપ્યું હશે ને ? તેમને શંકા થતી હતી.

આમ તો વહેલી સવારથી જ તેમનું પ્રિય સ્થાન - બાદલપુર છોડ્યું હતું. રેવતી અને રામભાઈ તેમને વળાવવા આવ્યા હતા. હજુ બાદલપૂર પૂરેપૂરું મનમાંથી ખસ્યું નહોતું અને આ શહેર પૂરેપૂરું ગોઠવાયું પણ નહોતું.

તે થાકે તેમ તો નહોતા પરંતુ મન થોડુંક આળું હતું. છેક દશ વર્ષ પછી પુત્રને મળવા જઈ રહ્યા હતા અને એય પાછા સાવ અચાનક જ. એટલે મનને પણ થાક લાગ્યો હતો.

‘કેવો હશે જયંત ? કેવો લાગતો હશે ? આ લાંબા સમય પછી અને કોણ હશે તેની સાથે, તેના ઘરમાં ?’

આ બધાં જ પ્રશ્નો મનમાં ઘૂમરાતાં હતાં.

એકાએક થયું કે... ચાલ... હું જ જઈ આવું... એ તો નહિ આવે. કેટકેટલાં કાગળ લખ્યાં ? આવી રીસ ? નક્કી... પોતાની જ ખામી ? અથવા પોતાનો દોષ... કશું તો હતું જ.

તેમણે આખી ખેપ દરમ્યાન આવા વિચારો કર્યા હતા.

આકાશમાં ઍરોપ્લેનની ચિચિયારીઓ સંભળાતી હતી. લગભગ આખે રસ્તે... તેમણે લશ્કરના વાહનોની અવરજવર પણ જોઈ. ઘેરા લીલા રંગના યુનિફૉર્મ પહેરેલાં જવાનો સાવ નજીક જ જોયા. અને બસમાં પણ વાતોનો વિષય તો એક જ - બસ લડાઈ જ.

‘આ વખતે તો ફેંસલો કરી નાખવો જોઈએ. આ પાર કે...’ કોઈ જુસ્સાથી કહેતું હતું.

‘ કાયમ સરહદો પર છમકલાં કર્યા કરે અનો અર્થ શો ?’ બીજો યુવાન કહેતો હતો.

‘કાયરતા... બીજું શું ? સામી છાતીએ તો આપણી સામે ક્યાં ટકી શકે તેમ છે ? અરે, ત્રણ દિવસમાં જ...’

‘લશ્કર તો બહાદુર છે પણ... આપણે મુત્સદ્દીગીરીમાં માર ખાઈએ છીએ. લશ્કર જીતે છે... એ ટેબલ પર...’

આમ ચર્ચાઓ ચાલતી હતી. હવામાં ઉત્તેજના હતી. વાતાવરણ યુદ્ધના રંગે રેગાયું હતું. ‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા...’ એ ન્યાયે ચર્ચાઓ ઝમકદાર બનતી હતી.

મનોહર શાંતિથી એ વાતો સાંભળતો હતો. તેને તેના પોતાના પણ યુદ્ધો હતા - છતાં તે આ વાતાવરણથી અલિપ્ત રહી શકે તેમ નહોતો.

બાદલપુરમાં યુદ્ધ વિશે આટલી જાણકારી નહોતી. કોઈ વાતો લાવતું, થોડો રંગ જામતો અને પાછા સહુ પ્રવૃત્તિઓમાં પરોવાઈ જતા. ના, યુદ્ધ આટલું નિકટ નહોતું લાગતું, બાદલપુરમાં. અહીં તો બસ... દરેક મનુષ્યની આંખોમાં યુદ્ધ જ હતું.

શાંત અને સરળ પ્રકૃતિના વૃદ્ધ જરા હેબતાઈ ગયા હતા. ક્ષુબ્ધ તો હતા જ, વધુ ક્ષુબ્ધ થયા હતા. આ યુદ્ધ સારુ હતું કે ખરાબ - એ વિશે યોગ્ય પ્રતિભાવ આપી શકે તેવી સ્થિતિમાં તો નહોતા જ.

તેમને તો કાલ - પુત્ર પાસે પહોંચવાની ઉતાવળ હતી. ગામમાં કોઈની સલાહ લીધી નહોતી. માત્ર પોતાના દોરવ્યા જ નીકળી પડ્યા હતા અને સલાહ લે તો પણ કોની લે ?

અરે, તે ખુદ જ સહુને સલાહો આપતા હતા, સહુની ગૂંચો ઊકેલી આપતા હતા. તેમને સહુ મનોર માસ્તર કહેતા. મનોહર નામ ગામલોકો માટે અજાણ્યું પડતું હતું.

હા... સર્વિસ રેકોર્ડ પર તો તે મનોહર અમુલખરાય હતા. ક્યારેક... યુવાનીમાં હતા ત્યારે રમા તેમને લાડથી કહેતી : ‘મનોહર... તમે એવા જ છો...’

‘એવો એટલે... કેવો...’ તે પત્નીનો પ્રશ્ન સમજી શકતા નહોતા. તેમના અવઢવ ભરેલાં મુખભાવો... નિહાળીને અલકા ખડખડાટ હસી પડતી અને પછી... ગાલ પર ટપલી મારીને તે રહસ્ય ખોલતી. ‘એવા એટલે પૂરેપૂરા બુદ્ધુરામ... નિશાળમાં માસ્તર અને ઘરમાં સાવ ઠોઠ... નિશાળિયા...!’

એ ક્ષણે તેમને રમા અદ્‌ભુત લાગતી, સંધ્યાની રંગછટા જેવી જાજરમાન લાગતી, મોહક લાગતી, તેમને ક્યાંય અતિક્રમી જતી લાગતી.

એક સ્ત્રીમાં આટલાં રૂપ ? તે ચકિત બની જતા અને એ ચમકારની અસર કેટલી રાતો વેરણ કરતી હતી ?

તેમને એક મૂંઝવણ થતી હતી - રેવતીની. શું કહેવું રેવતીનું ? આ બધું તેને જ સોંપીને જવાના હતા. આખી રાત - ભીતર એક દ્વંદ્વ ચાલ્યું હતું. આખરે પરોઢે તે નિર્ણય પર આવ્યા હતા. બસ... ચાલ્યા જવું, બાદલપુર છોડીને... કાયમને માટે... જે કાંઈ હતું એ બધું રેવતીને સોંપીને... અને રેવતીની સોંપણી રામભાઈને કરવાના હતા અને કહેવાના પણ હતા કે... રેવતીને...

રામભાઈને તો કહી શકત પણ... રેવતીને... શું કહેવું ? છેક છેલ્લી ક્ષણ સુધી... મનોમન જાત સાથે લડતા રહ્યા. તેમના આશ્ચર્ય વચ્ચે... ખુદ રેવતીએ જ કહ્યું,

‘બાપુ... તમારા મનને અસુખ રહ્યા કરે છે. ઠીક લાગે તો થોડા દિવસ... ક્યાંક જઈ આવો ને...’

તેણે સામેથી કહ્યું, ક્યાંક જઈ આવવાનું. તે તો ક્યાંક જવાનું કહીને રહી ગઈ પણ તેના મનમાં એ જ સ્થાન હતું, જે વૃદ્ધના ચિત્તમાં હતું. તેણે અસ્પષ્ટ રીતે સ્પષ્ટ સૂચન કરી જ દીધું.

મનોહર આ છોકરીના ઔદાર્ય અને સરળતા પર ખુશ થઈ ગયા. ‘વાહ... કેટલી સંસ્કારી ? અને કેટલી ઉદાત્ત.... !’

અને એક ક્ષણ તો એમેય થયું કે ના જાય... આને આમ મૂકીને. નિર્વ્યાજ લાગણીનો બદલો તો વાળી શકાય તેમ ક્યાં હતો ? તે લાગણીથી તરબોળ થઈ ગયા હતા - એ સમયે. વળી પાછું પત્નીએ છેલ્લી વિદાય વખતે સોંપેલું કામ હતું. એ જ અગત્યનું હતું. એ કાંઈ રેવતીની જાણ બહાર પણ ન હોય. પત્નીએ રેવતીને એ વાત કહી જ હોય, નહિ તો તે આટલો આગ્રહ ન કરે.

આમ તો શરીરની કાઠી ખડતલ હતી પણ મન ભાંગી ગયું હતું અને એનો કોઈ ઉપાય નહોતો. પત્નીની વિદાય પછી મન ગમે તેમ ભમવા માંડ્યું હતું. ક્યારેક તો સાવ જડ જેવાં બની જતા હતા.

લોકો મનોમન દયા ખાતા વૃદ્ધની. અરેરે ! મનોર માસ્તર તો સાવ કપાસનો ઢગલો થઈ ગયા ! કેવા પાંચ હાથ પોંચતા જણ હતા ? માસ્તર પ્રતિ લાગણીઓ ખૂબ. ગામલોકો મરી પડે તેમના પર.

આખે રસ્તે માસ્તરને એ બધાં યાદ આવતા હતા. જીવનના પ્રસંગો યાદ આવતા હતા. તે સરળ હતા પરંતુ જિંદગીના રસ્તાઓ એટલા સરળ ક્યાં હતા ? મેડીબંધ મકાન ચણાવી શક્યા, એમાં ઝરખા મુકાવી શક્યાં પણ... એ મેડી પર રૂમઝૂમ કરતી વહુ લાવી ન શક્યા.

એ તો સારું હતું કે વચ્ચે વચ્ચે ઍરોપ્લેનની ઘરેરાટીઓ આવી જતી હતી, સૈનિકો...ની લશ્કરી ટ્રકો પસાર થતી હતી અને... બસના ઉતારુઓ વચ્ચે થતી લડાઈની વાતો પણ કાને પડી જતી હતી. એમ ના હોત તો તે વૃદ્ધ બસમાં જ રડી પડત.

વળી સાન પણ ખરું જ. નિવૃત્ત થયા પછી તો જ્ઞાનની દિશામાં વળી ગયા હતા. અનેક પુસ્તકો કબાટમાં હતાં અને મનોહર પુસ્કો મંગાવતા પણ ખરા.

એક નવી દિનચર્યા ઘડાઈ ગઈ હતી. ખેતર પણ ખેડવા આપી દીધું હતું, રામભાઈના કહેવાથી. પછી એ દિશામાં ક્યારેય ગયા નહોતા. જુાવનીમાં તે ખેતર ખૂંદી વળતા... માથે રહીને વસવાયા પાસે ખેડ કરાવતા. કપાસનો મબલખ પાક થતો. થોડા ઘઉં થતા. પણ પછી.... ધીમે ધીમે બધું તૂટતું ગયું. જિંદગીનો તાલ જાણે ચૂકી ગયા. પોતે એક નક્શો દોરીને બેઠા. હા, વખતોવખત એમાં રંગો પૂરતા હતા અને તેમની અપેક્ષાઓ કાંઈ ગજા બહારની નહોતી. એકના એક પુત્ર પર કોઈ પણ વ્યક્તિ આવો મદાર તો બાંધે જ ને ? પણ એમાંનું કશું ન થયું. પેલું સ્વપ્નું તો ભાંગીને ભુક્કો થઈ ગયું.

આઘાત લાગ્યો અને રોષ પણ જન્મ્યો હતો. એ તેમના શક્તિ અને પ્રભુત્વના દિવસો હતાં, માન અને પ્રતિષ્ઠાના દિવસો હતાં. બાદલપુર જ નહિ - આસપાસથી લોકો - તેમની સલાહ લેવા માટે આવતા અને માનતા પણ ખરા.

મનોર માસ્તર એટલે ડા’પણનો દરિયો - એવી ઉક્તિ પણ વહેતી થઈ હતી, એમના વિશે.

આ જ શહેરમાં તે અનેક વેળા આવ્યા હતા, સરકારી કામ સર કે ગામલોકોના પ્રશ્નો માટે. પરંતુ આજે એ જ શહેર તેમને અજાણ્યું લાગતું હતું. આખું શહેર જાણે સાવ બદલાઈ ગયું હોય એવી પ્રતીતિ થતી હતી. કદાચ સમયનો પ્રભાવ હશે. એ પ્રભાવ નગર પર પણ પડ્યો હતો અને મનોહર પર પણ.

કાળ કોને છોડે છે ?

સાંજ ઢળું ઢળું થતી હતી. મનોહરે ચોળાયેલી કાપલી કંટાળાથી કોઈના હાથમાં ધરી અને તેમના આશ્ચર્ય વચ્ચે એક આંગળી એ ગલીના ત્રીજા ઘર પ્રતિ તોળાણી.

તેમણે ત્યાં જઈને જરાતરા નિરીક્ષણ કર્યું.

બારણાં પર કંકુ વડે લાભ-શુભ શબ્દો અંકાયા હતા. ઝાંપા પાસે એક તુલસીનું કૂંડું હતું. ઝાંપા પાસે એક વેલ હતી, ભીંતને વળગેલી.

પછી પતરાની પેટી એક તરફ નીચે મૂકીને પરસેવો લૂંછ્યો અને બારણાં પર ટકોરા માર્યા.

હમણા જંયત આવશે, બારણું ખોલતોક.... ઓળખી શકશે આ બાપને ? બાદલપુર છોડીને તે ગયો, એ વાતને નહિ નહિ તોય દશકો... હા, દશકો પૂરો વીતી ગયો.

એ સમયે તો મનોહર ગામની શાળાના આચાર્ય હતા. મન પર એક ખુમારી હતી. તેમનું વેણ કોઈ પાછું ઠેલતું નહોતું અને સહુના આદરપાત્ર હતા. એ માન પણ કાંઈ જેવું તેવું નહોતું.

એ પછી તો સોન નદીમાં કેટલાય પાણી વહી ગયાં. આખી દુનિયા જ બદલાઈ ગઈ જાણે !

બાદલપુર જેવું - અંતરિયાળ ગામ પણ આ બદલાવથી અલિપ્ત નહોતું. મનોહરને તો જૂની આંખે નવા તમાશા જેવું થતું હતું, પણ... તે જયંતના ચાલ્યા ગયા પછી ઝંખવાઈ ગયા હતા.

ડગલે ને પગલે ભોંઠપ અનુભવતા હતા. વારંવાર ક્ષુબ્ધ થઈ જતા હતા. જ્યાં ખુદ મારો જયંત જ આમ કરે ત્યાં વળી ગામને સલાહો આપવાનો શો અર્થ ? મન પાછું પડતું હતું.

બસ, એ પછી જ મનોહર તૂટવા માંડ્યા હતા. નિવૃત્તિ આવી ત્યારે પણ તેમણે મનના દુઃખને સ્મિતથી બાંધી લીધુ ંહતું.

‘ચાલો, હવે શાંતિથી ઘરને ખૂણે બેસી જશું. કાંઈક ઈશ્વરમાં મન પરોવશું. સરકાર નિવૃત્ત શા માટે કરતી હશે ? અમુક વયે ઘર અને ઈશ્વર તરફ વળવું જ રહ્યું.’

તેમણે ગામલોકોને સાંત્વના પણ આપી હતી : ‘ભાઈ, બહાર પણ નીકળીશ ને. પગ અને મન છૂટાં કરવાં પડશે ને.’

અને મનોહર સાંજે બહાર નીકળતા પણ ખરા. થોડીવાર ચોરામાં બેસી, મંદિરમાં ઠાકર-આરતી કરીને ધીમે પગલે ઘરની ડેલીમાં પ્રવેશતા.

આમ તો કોઈ જયંત વિશે કશું ઉખેળતા નહિ પરંતુ કોઈ વળી અજાણતા પૂછી બેસે તોય તે સ્વસ્થતાથી ઉત્તર આપતા. તે રાત તેમની રગદોળાઈ જતી. બસ, જયંતના વિચારો જ આવી જતા. મન વિષાદમાં ઘેરાઈ જતું, નિઃશ્વાસો નખાઈ જતાં.

પરસાળમાં સૂતેલી પત્ની રમાથી આ વાત છાની રહે ખરી ? તે તરત જ પતિને ટકોર કરતી : ‘જંપી જાપ શાંતિથી. એ માટે જ મારો વા’લો જાગતો રહે છે, દિવસરાત. તમે તો જ્ઞાની છો. લાંબું જોઈ શકો છો. બસ, છોડી દો... એ ઉપરવાળા પર બધી જ ઉપાધિઓ. એની ઇચ્છા વગર તો પાંદડુંય...’

અને સાચેસાચ તે જંપી પણ જતા.

રેવતી એ બંનેને સંભાળતી અને ઊભડક મને આંખો મીંચીને રમા પાસે પડી રહેતી. તેનું જાગરણ છેક પરોઢ સુધી ચાલતું.

રેવતીની મથામણોનો કાંઈ પાર નહોતો. તેને સતત લાગ્યા કરતું કે આ પરિવારને તે અકારણ વળગી રહી હતી. કશું કારણ જ ક્યાં હતું, આ વૃદ્ધ પતિ-પત્નીની દુનિયામાં ખલેલ પહોંચાડવાનું ? તેની હાજરી જ તેઓની અસ્તવ્યસ્તતા માટે સીધેસીધી જવાબદાર હતી.

તો પછી કયું તત્ત્વ હતું જે તેને અહીં ખેંચી રાખતું હતું ? તેણે અનેકવાર અહીંથી ચૂપચાપ ચાલ્યા જવાની યોજનાઓ બનાવી હતી પરંતુ ક્યારેય તેમ કરી શકી નહોતી.

શું તેને જયંતની આશા ખેંચી રાખતી હતી ? એ આશાનો તંતુ તેની જીવાદોરી સમાન હતો કે શું ? કોઈ પણ સમજદાર વ્યક્તિ સહેલાઈથી કહી શકે કે એ વાત હવે અર્થહીન હતી.

મનોહરે પણ જયંતની આશા રાખી હતી કે તે જ આવશે, કમાડ ખોલશે, પિતાને અચાનક આવેલાં જોઈને આશ્ચર્ય અનુભવશે અને પછી... તેમને વળગી પડશે... બેયની આંખોમાંથી દડ દડ...

પણ દ્વાર એક સ્ત્રીએ ખોલ્યું. લગભગ ત્રીસ-બત્રીસની સ્ત્રીએ. ચહેરો લંબગોળ અને ગૌર હતો. સાડીનો પાલર બરાબર ઢાંક્યો હતો. મધ્યમ બાંધાની અને કાંઈક ઊંચી હતી, રેવતી કરતાં તો ખાસ્સી ઊંચી હતી.

બંનેના ચહેરાઓ પર વિસ્મયના ભાવો હતા, પણ બે પળ પૂરતા જ.

મનોહરે પૂછ્યું : ‘આ જ મારા જયંતનું ઘર ?’

અને પેલીએ તરત જ સાડીનો પલ્લુ માતા પર ઓઢી લીધો. જાણે કે તેને ઓળખાણ પડી ગઈ. તે આગળ વધી. મનોહરને ચરણસ્પર્શ કર્યા.

મનોહરે આશિષ પણ આપ્યા : ‘સુખી થાવ, બેટા.’

તેમનો અવાજ ગળગળો બની ગયો. મસ્તક પર કંપતો હાથ મૂક્યો ત્યારે ભાવવિભોર થઈ ગયા.

‘ઓહ ! મારા જયંતની વહુ ! મારી પુત્રવધૂ અને રમાની...’

આંખો ભીની થઈ ગઈ. એક સ્પર્શે લાગણીના દ્વાર ખોલી નાખ્યા. ‘આવો... બાપુ...’ તે સ્વહસ્તે દોરીને અંદર આવી. મનોહરે જોયું કે વહુની આંખો પણ ભીની હતી.

શું બોલવું એ સમજ, મનોહરને ન પડી.

‘બેટા... જયંત નથી ?’ તેમણે બસ એમ જ પૂછી નાખ્યું.

‘ના, બાપુ...’ પેલી બોલી. કાંઈક દબાતા સ્વરે. આટલું બોલતાં પણ તેને થાક લાગ્યો હોય તેવું થયું. જોકે મનોહરને એનો ખ્યાલ નહોતો.

આગળ પરસાળમાં જ એક લાકડાની સેટી હતી. વૃદ્ધ ત્યાં જ બેસી ગયા. પેલી તેમની પતરાની પેટી લઈ આવી.

‘આરામ કરો, બાપુ... થાક્યા હશો.’ વહુએ વિવેક કર્યો. શીતળ જળનો લોટો લઈ આવી. તેમની લાકડીને પાસેના ખૂણામાં ગોઠવી.

વૃદ્ધ તો પૂરેપૂરા પ્રભાવિત થઈ ગયા, આ વહુથી. વાહ, વહુ તો સારી છે, દેકાવે અને ગુણોથી પણ. કેવી મને ઓળખી ગઈ ? અને આવકાર પણ મીઠો આપ્યો. સંસ્કાર દેખાઈ જ આવે.

ઠંડું પાણી પીને જરા સંતૃપ્ત થયા. આખા દિવસની ખેપનો થાક જાણે કે ઊતરી ગયો અને તેમણે પૂછી લીધું : ‘વહુ... તારું નામ શું બેટા ?’

‘બાપુ... મારું નામ વેણુ...’ તે બોલી. તેના ચહેરા પર ઉચાટના ભાવો હતા, પણ... મનોહરને એ જોવાની, સમજવાની ગતાગમ જ ક્યાં હતી ?

‘વાહ... સરસ નામ છે તારું... ! વેણુ, મારા જયંતની વેણુ...!’ મનોહર ખુશ ખુશ થઈ ગયા. વેણુ સામે જ કમાડ ઝાલીને ઊભી હતી. વૃદ્ધ તો ભીતર અને બહારથી છલકાઈ ગયા હતા.

ઘડીભર તો બધું જ ભૂલી ગયાં; બાદલપુર, મૃત પત્ની, રેવતી... અને દશ વર્ષોનો આખો વિષાદભર્યો સમય.

વેણુ આંખો ખોલીને વૃદ્ધને જોઈ રહી હતી. લાગણી માણસને પાણીથી પણ પાતળો બનાવી દે છે અને સમૃદ્ધ પણ બનાવી દે છે. આમાં વયના બંધન પણ ક્યાં આવ્યા ?

વેણુ વિચારતી હતી કે વૃદ્ધે એક વેળા પૂછેલો પ્રશ્ન પુનઃ ગમે ત્યારે પૂછાવાનો હતો. તેની પાસે સમય થોડો હતો. સાવ થોડો જ. તેણે થોડું વિચારી રાખ્યું હતું. ખુશી થતાં વૃદ્ધ તો તેમનો થાક પણ ભૂલી ગયા હતા. કદાચ ભૂખ પણ... ભૂલી ગયા હશે... પરંતુ વેણુ તો સતત વિચારી રહી હતી. તેને લાગ્યું કે અચાનક જ શાંત જળસપાટી પર આઘાત લાગ્યો હતો, તરંગો ઉછળ્યા હતા... તેને બધું ધૂંધળું ધૂંધળું જણાતું હતું. કેવી મોટી અનિશ્ચિતતા ખડી થઈ ગઈ હતી વેણુ સામે ?

‘અરે... તમે વહેલા આવ્યા હોત તો ?’ તે મનોમન સંવાદ કરતી હતી.

‘હવે શું ?’ એ પ્રશ્ન ભયાનક જડબું ખોલીને સામે ખડો હતો.

એક પ્લેન... સાવ નિકટથી... ઓછી ઊંચાઈએ શહેર પર ઊડી રહ્યું હતું. યુદ્ધ... અંદર, બહાર, બધે જ લડાતું હતું.

‘બાપુ.. તમને શું ફાવશે ? ખીચડી કે...’ વેણુએ પૂછી લીધું. એ વૃદ્ધ તેનો પેલો અણીદાર પ્રશ્ન પૂછે એ પહેલા જ.

‘હા... વહુ, ખીચડી જ... જરા ઢીલી રાખજે.’ એમ કહીને તે ઊભા થયા. એક ખૂણામાં સ્નાનની ઓરડી હતી. એ તરફ ધસ્યા. હવે તેમના ચહેરા પર તાજગી હતી, થાકનું નામ પણ નહોતું. ચહેરા પરની ખુશી વંચાતી હતી.

પુત્રવધૂ... મળી હતી છેક દશ વર્ષ પછી, અને એ પણ ઠાવકી અન ગુણવાન હતી. રમા હોત તો કેટલી રાજી થાત ?

આ વેણુ - વ્હાલ ઢોળવાનું મન થાય તેવી જ છે. રોષ હોય તો પણ ઓગળી જાય. એક સમયે પાર વિનાનો રોષ હતો, જયંત પર અને આ વણદીઠેલી વહુ પર. જો વહેલાં મળ્યા હોત તો ? પાંચ વર્ષ પહેલાં ? તો કદાચ... આ સ્ત્રી એટલી સારી લાગી પણ ના હોત. આ તો સમયની લીલા છે. પાંચ વર્ષ પહેલા પોતે કેવાં હતા ? અને દશ વર્ષ પહેલાં...?

તેમણે ખૂબ ખૂબ વિચારી લીધું. તરત જયંત યાદ આવી ગયો. ઓહ ! વહુ તો નીરખી. આશીર્વાદ પણ આપ્યા. મસ્તક પર હાથ મુકતાં રોમાંચ થયો, પરિતાપ પણ વધ્યો અને કેટલી તૃપ્તિ થઈ ? આ જ સુખ હશે ને. જે અત્યાર સુધી હાથમાં આવતું નહોતું ?

મનોહરે... હાથ-પગ-મોં પર જળનો છંટકાવ કર્યો. તાજા થયા. વેણુ તરત જ રસોઈઘરમાં ઘૂસી.

હમણાં, થોડીવારમાં અંધારપાટ થવાનો હતો. સાઇરનો વાગવાની હતી. બહાર... ચહલપહલ પર નિયંત્રણ આવી ગયું હતું. એકાએક મનોહરે પ્રશ્ન કર્યો હતો : ‘વેણુ... મારો જયંત ક્યારે આવશે ? ક્યાં ગયો છે ?’

વેણુનું હૃદય.... એક પળ ધડકવાનું જ... ચૂકી ગયું.

*

પ્રકરણ - ૨

મનોહરે પ્રશ્ન કર્યો એ દરમ્યાન પ્લેનની ઘરઘરાટી સમી ગઈ. વેણુ બહાર આવી. વૃદ્ધના ચહેરા પર પ્રશ્ન લટકતો હતો. વધુ વિલંબ શ્રેયકર નહોતો. એથી તો તેમના મનમાં શંકાના વલય જાગે.

‘બાપુ... એ તો આર્મીમાં જોડાઈ ગયા છે... છ માસ પહેલાં.’ વેણુથી બોલાઈ ગયું. કેવી રીતે બોલાઈ ગયું એ તો તે ખુદ જાણતી નહોતી. બસ, વાતાવરણની અસર હશે કદાચ. તેને હોઠે આ જ આવી ગયું. આમ કહેતી વખતે તે નખશિખ કંપી હતી. અંતરમાં થડકો લાગ્યો હતો પણ એ સિવાય બીજો માર્ગ પણ શો હતો ? તે આ વૃદ્ધને દુઃખી કરવા ઇચ્છતી નહોતી. કેવાં ખુશખુશાલ થઈ ગયા હતા, તેને જોઈને ?

વણુએ ઘણી વાતો સાંભળી હતી, તેમના વિશે, તેમની પત્ની વિશે. જયંતે બધી વાતો કહી હતી. ત્રુટક ત્રુટક વાતો પરથી તેણે એક ચિત્ર બનાવ્યું હતું, જયંતના પિતાનું. એ ચિત્રમાં ક્રમે ક્રમે નવી રેખાઓ ઉમેરાતી હતી, જૂની રેખાઓ ભૂંસાતી જતી હતી અને એ પછી જે ચિત્ર બન્યું હતું એ તેમની સાથે મેળ ખાતું નહોતું.

આ તો સાવ ભદ્ર માણસ હતા. જયંતે ખોટું કહ્યું હશે ? તેનું મૂલ્યાંકન અપર્યાપ્ત હશે ? સાવ નિકટની વ્યક્તિને પૂરેપૂરી ક્યારેય ન ઓળખી શકાય, એવું પણ બને.

‘લશ્કરમાં ?’ વૃદ્ધ ચકિત થઈ ગયા. બે પર ગાઢું મૌન છવાઈ ગયું. વેણુ તો ભીતરથી ફસકાઈ પડી. તેની રમત પકડાઈ જશે કે શું ?

‘વહુ...’ તે જ બોલ્યા. પ્રકાશમાં તેમનું મુખ સ્પષ્ટ દેખાતું હતું. તે હસી પડ્યા હતા.

‘વહુ... જયંત નાનો હતો ને ત્યારે મેળામાંથી કાયમ પિસ્તોલ ખરીદવાના કજીયા કરતો હતો અને એ લેવરાવતો પણ ખરો અને પછી તો... નિશાન લઈ લઈને ધડાકા કર્યા કરતો. પણ ખબર નહિ કે મોટો થઈને લશ્કરમાં જોડાશે... ખરી કરી જયંતે. પણ તેં તેને જવા દીધો ?’

છેલ્લો પ્રશ્ન પાછો વેણુને જ પૂછાયો હતો. પણ એનો ઉત્તર તો હવે સરળ હતો. મુખ્ય વાત તેમણે સ્વીકારી હતી.

વેણુના જીવમાં જીવ આવ્યો. ઘડી પહેલાનો, વૃદ્ધને છેતરી રહી હતી એ અપરાધભાવ હળવો થયો. તેણે હસીને ઉત્તર વાળ્યો. કાંઈ વિશ્વાસથી, ‘એ ક્યાં કોઈનું માને તેમ હતા ?’

અને મનોહર ખડખડાટ હસી પડ્યા. પોતે ગણેલાં દાખલાનો જવાબ સાચો હોય એ રીતે. બત્રીસી હલી ગઈ. વેણુનું ધ્યાન ખેંચાયું કે તેમના દાંતો તો સાબૂત હતા અને શરીર પર ખાસ ખખડી ગયું નહોતું. નહિ નહિ તોય... સિત્તેરે તો પહોંચ્યા જ હોવા જોઈએ. તેણે અનુમાન કર્યું. પળે પળે તેના પૂર્વગ્રહો ઓગળતા જતા હતા.

‘સાચી વાત, વહુ... તે જીદ મૂકે તેવો નહોતો. મારું અને તારી સાસુનું પણ માનતો નહોતો. ક્યારેક તો એનું મન માને તો... તે આકાશના તારા પણ ઉતારી લાવે અને મન ન માને તો...’

તેમણે આ વાક્ય પૂરું ન કર્યું. તેમને રેવતી યાદ આવી ગઈ, મૃત રમા, તેમની પત્નીની યાદ આવી ગઈ. મનનું ચિત્ર સાવ ઓજપાઈ ગયું. વેણુ રસોડામાં સરકી ગઈ.

વેણુ બાપ-દીકરા વચ્ચેના અંટસનું કારણ જાણતી હતી. જોકે હવે આ બધી વાતો અપ્રસ્તુત અને અર્થહીન હતી, એ પણ તે જાણતી હતી.

‘એ રેવતી અત્યારે ક્યાં હશે ?’ તેને અછડતો વિચાર આવી ગયો.

તેણે અન્યમનસ્ક ચિત્તે, વૃદ્ધને ખીચડી પીરસી. શાક અને છાશ પણ લાવી અને પછી એમ જ ઊભી રહી ગઈ.

તેને વૃદ્ધની જરૂરિયાતોનો કશો ખ્યાલ નહોતો. આ પીરસ્યું હતું એ માફક આવશે કે નહિ એની પણ ચિંતા હતી.

થોડો સમય પહેલાં, કેવી રાજીપામાં મહાલતી હતી ? નીલ પણ સાથે હતો. છ માસ દરમ્યાન ઘરકૂકડી થઈને બેસી રહી. આજે નીલ સાથે શહેરની બજારોમાં નીકળી હતી. મન અને તનને કેટલી શાતા વળી હતી ? આખું શહેર નવું નવું લાગતું હતું. તડકામાં પણ નાવિન્ય લાગતું હતું. આ શહેરમાં આટલાં બધાં લોકો ક્યાંથી આવી ચડ્યા, એ વિસ્મયનો જવાબ મળ્યો નહતો. તેની ઉંમર અને અવસ્થા પણ વીસરી ચૂકી હતી. આમ તો શ્વેત સાડી જ પરિધાન કરી હતી પરંતુ... ભાંતીગણ... ફૂલ બુટીઓવાળી.

એ સાડીનો પાલવ... માંડ સંભાળી શકતી હતી. પવન હતો ને ? એ પાલવ, પાસે ચાલતા નીલ પર ઢંકાઈ જતો હતો. તે લજ્જા અનુભવતી હતી પણ પાછી હસી પડતી હતી. આજે જે કાંઈ બને એ લ્હાવો હતો.

એક વેળા તો તેણે નીલની આંગળી પકડી લીધી હતી અને નીલને જયંત કહીને સંબોધન પણ કર્યું હતું.

‘નીલ... આજે સાવ નવિન સ્ત્રી બની ગઈ હું. જાણે આજે જ અવતરી !’ એવું વાક્ય પણ ગંભીરતાથી બોલી હતી.

‘હા... વેણુ... મને પણ એમ જ લાગે છે.’ નીલે તેની પૂર્તિ કરી હતી. પછી મોટો વિચારક હોય એ રીતે બોલ્યો હતો.

‘વેણુ.... કોઈ પણ અવસ્થામાંથી બહાર આવવું જોઈએ. દરેક ક્ષણ જન્મ છે અને દરેક ક્ષણ અંત છે આગલી ક્ષણનો. આપણે જીવવું જોઈએ. આપણા માટે, અન્યો માટે. ક્ષણૈઃ ક્ષણૈઃ નવતામ્‌ ઉપેતિ...!’

‘બસ... બસ.. નીલ, તું તો જ્ઞાનમાર્ગે ચડી ગયો. મારે ક્યાં મોક્ષ જોઈએ છે, મારે તો આનંદ... આનંદ ! જયંત પણ એમ જ કહેતા હતા... અંતિમ શ્વાસ લગી તું પાસે જ હતો ને, નીલ ?’

તેણે નીલનો હાથ તેના હાથમાં લીધો હતો.

બન્નેએ રસ્તાની એક તરફ ઊભેલાં ખુમચાવાળા પાસેથી ‘ચના ચોર ગરમ’ની લહેજત પણ માણી હતી.

નીલે તેને આકાશી રંગનો એક ડ્રેસ પણ અપાવ્યો હતો. તે ખુશીથી તરબોળ થતી ઘરે આવી હતી. વાતાવરણમાં યુદ્ધની અસર હતી. એ ખરું પરંતુ તે તો તેની આગવી દુનિયામાં વિહરતી હતી.

તે બારણાં વાસીને સોફા પર બેઠી હતી. મનમાં નીલના વિચારો ચાલતા હતા. કેટલાં અંતરાલ પછી નીલ ફરી મળ્યો હતો ? કાંઈક યોગાનુયોગ જેવું તો હશે જ ને, કારણ કે તેણે તો માન્યું હતું કે તે ક્યારેય નહિ મળે, માત્ર સ્મરણમાં જ સાચવવો પડશે.

પણ તે આવ્યો હતો અને એ પણ સાવ અણધાર્યા સંજોગોમાં. વેણુ દિગ્મૂઢ બની ગઈ હતી.

એમ પણ થયું હતું કે તે આટલો મોડો કેમ આવ્યો... પણ નીલ તો નીલ જ હતો. બાહ્ય રીતે જરા બદલાયો હતો પરંતુ અંદરથી તો એ જ અનુભવેલો નીલ હતો.

વેણુની ઇચ્છા એ સાંજને પૂર્ણ રીતે નીલમય બનાવવાની હતી. તે ઇચ્છતી હતી કે નીલ પણ તેની સાથે ઘરે આવે. તે નીલે આપેલ ડ્રેસ પહેરીને તેની સામે ઊભી રહીને પૂછે કે તે કેવી લાગતી હતી.

એ પળ પછીનો આનંદ કેવો હોય, એ તે જાણતી હતી. જયંત સાથે તેણે આ આનંદની છોળ માણી હતી.

પણ નીલ ન આવ્યો. તેણે કહ્યું : ‘વેણુ... એ સુખ તો માણવાનું જ છે. સમય પહેલાં કશું પણ પ્રાપ્ત કરવામાં સહજતા નહિ રહે અને હવે એ દિવસ પણ ક્યાં દૂર છે ? બસ... ત્યારે અગ્નિની સાક્ષીએ... તને સ્વીકારીશ...’

અને એ વિચારોમાં લીન થઈને બેઠી હતી.

બસ, ત્યાં જ બારણે ટકોરાં વાગ્યા હતા.

‘વેણુ... બેટા... તું એકલી થઈ ગઈ, ખરું ને ? જયંત વિના... સમય નહિ જતો હોય તારો. કાગળપત્ર આવે છે ને ?’

વૃદ્ધે ચિંતા વ્યક્ત કરી. ખરેખર, તેમના ચહેરા પર ઉચાટ દેખાતા હતા. વેણુ ભીતરથી થરથરી ગઈ. અસત્યનો તંત ક્યાં સુધી લંબાશે, ક્યાં લગી લંબાવવો પડશે, એનો તેને ખ્યાલ આવી ગયો. આ ભોળા વૃદ્ધે તેની વાત માની લીધી હતી, વિશ્વાસપૂર્વક સ્વીકારી હતી. એ વિશ્વાસને તેણે જીવંત રાખવાનો હતો.

પળે પળે કામ કઠોર અને મુશ્કેલ બનતું જતું હતું.

એ તો સારું હતું કે તેણે હજી પણ કાલે જ સુખડના હારમાં વિંટળાયેલી, જયંતની છબી... ભીંત પરથી અંદરના કબાટમાં મૂકી હતી. નીલને કહેવા છતાં પણ તે આવ્યો નહોતો, નહિ તો મોટો અનર્થ સરજાત. કશું ન કહેવા છતાં પણ સત્ય ખુલ્લું થઈ જાત. વૃદ્ધ કાં તો દુઃખના માર્યા ઢગલો થઈ જાત અથવા રોષે ભરાઈને ચાલ્યા જાત.

જયંત ભલે... છ માસ પહેલાં રોડ અકસ્માતમાં મૃત્યુને ભેટ્યા, પણ... આ વૃદ્ધની દૃષ્ટિએ તો જીવંત છે, આર્મીમાં છે, સીમા પર કે ક્યાંક... યુદ્ધમાં પ્રવૃત્ત છે.

‘બાપુ... નિયમિત સંદેશા આવતા હતા પણ હમણાં તો...’ તેણે ધીમેથી વાબની માંડણી કરી હતી, નત મુખે. તેને વૃદ્ધના હાવભાવ જોવાની હામ નહોતી. ગમે તેમ તોય તેના શ્વશુર હતા, જયંતના પિતા હતા. જેની સાથે તેમણે જિંદગીનો એક મોટો હિસ્સો પસાર કર્યો. અરે ! તેના ખાતર જ જયંતે આ વૃદ્ધ અને તેમના પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

તેના મનમાં આ વ્યક્તિનું એક ચિત્ર દોરાઈ ચૂક્યું હતું, કલ્પનાને આધારે. જયંતે પિતા વિશે, માતા વિશે, અરે, પેલી રેવતી વિશે પણ અનેક વાતો કરી હતી.

વેણુ એ ત્રણેય વિશે કલ્પનાઓ કરતી હતી, ચહેરા અને રેખાઓ ગોઠવતી હતી. ક્યારેક થતું કે લાવને... જઈ આવું એ બાદલપુરમાં, મળી આવું એ ત્રણેયને. કદાચ રેવતી તો કોઈનું ઘર માંડીને બેસી ગઈ પણ હોય. જયંતે જીદ ન કરી હોત તો અત્યારે એ રેવતી જ અહીં હોતને ! ના... પણ એ જયંતના જીવનમાં ન આવી એ સારું જ થયું. જયંત વિના, જીવવાની શક્તિ તેનામાં ના પણ હોય અને નીલને સ્વીકારવા જેટલી સ્વસ્થતા, તેનાામાં ના પણ હોય !

પછી વાત સમટી રહી હોય એ રીતે બોલી : ‘બાપુ... હમણાં જ અંધારપટ થઈ જશે. એ પહેલા ઝટપટ પરવારી લઉં.’ વૃદ્ધને પણ અંધારપટનો ખ્યાલ હતો જ.

‘હા... વહુ... જયંત આવે પછી યુદ્ધની સાચુકલી વાતો પણ જાણજે... અત્યારે તો રાહ જોવાની રહી.’

વેણુએ બારી-બારણાં વાસ્યાં, પરદાઓ વાસ્યાં. ગોખમાં મીણબત્તી સળગાવીને મૂકી. ઝટપટ વૃદ્ધની પથારી ઝાપટી, સમી કરી. ત્યાં એ સમય આવી ગયો સાઈરન વાગી અને ટપોટપ વીજદીવાઓ ઓલવાઈ ગયા. આસપાસના મકાનોમાં થોડાં અવાજો થયા અને પછી શાંતિ છવાઈ ગઈ.

‘બાપુ... કશું કામ હોય તો મને સાદ પાડજો. હું અંદર છું અને સાદ પડતા જાગી જ જઈશ...’ તેણે અંતિમ સૂચના આપી અને અંદર ધસી ગઈ. ધીમેથી બારણું વસાયું.

તે એક અંધકાર ઓળંગીને બીજા અંધકારમાં આવી. પથારીમાં પડી અને આંખો ભીની થઈ.

એકાએક આ શું થઈ ગયું હતું ? કેવી પરીક્ષા થઈ રહી હતી ? નીલ સાથે સંસાર માંડવા સજ્જ થઈ ચૂકી હતી ત્યારે આ વૃદ્ધનું આગમન થયું હતું. કઈ આશાએ આવ્યા હશે ? છેક દશ વર્ષ પછી ? રોષ ઓગાળીને અને પૂર્વગ્રહો ગાળીને આવ્યા હતા. એ ચોક્કસ હતું પણ એ તો વેણુ સામે ? તેમને તો પુત્રને મળવું હતું. કાયમ માટે આવ્યા હતા કે અલ્પ રોકાણ હતું, એ પણ સ્પષ્ટ નહોતું. આમ તો ખડતલ હૃદયના લાગતા હતા પણ જયંતના મૃત્યુના સમાચાર જીરવી ના શકે. કેવડો મોટો આઘાત લાગે ?

તે પોતે પણ માંડ સ્વસ્થ થઈ હતી. માંડ વિષાદમાંથી બહાર આવી હતી. એ દિવસો ઘેરાં શોકનાં હતા. તેને થતું હતું કે જયંત વિના તે... જીવી જ નહિ શકે. જો મૃત્યુ મળતું હોય તો તે, એ દિવસોમાં.... સ્વીકારવા તૈયાર હતી.

કેટલાં લાગણીપ્રધાન હતા જયંત ? આટલો સમય સરળ રીતે ચાલ્યો ગયો. બસ, થોડું ફર્યા, થોડી વાતચીત કરી, થોડો પ્રેમ કર્યો, થોડું રીસાયાં, થોડી પ્રતીક્ષા કરી અને તે બધી જ પ્રતીક્ષાઓથી પર બનીને ચાલ્યો ગયો. માણસ જેવો માણસ આમ જ ચાલ્યો જાય ? તે નીલને પૂછતી હતી.

‘નીલ... કહેને, જયંત આમ કેમ ચાલ્યો જાય ?’ હજુ તો... શું શું કરવાનું હતું, એ યાદી હોઠ પર હતી. ફરવાનું, કપડા-લત્તા એ બધું તો ઠીક, તેને... માતૃત્વ પામવું હતું. એ પાછળ તે ઘેલી થઈ હતી. આ વાત તેણે જયંતને પણ કહી હતી.

‘જયંત... હવે એકલાં એકલાં કંટાળ્યા છીએ. મને એક ભૂખ જાગી છે. બસ... મને મા બનાવી દે... અને તું... પછી...’ તે નાની બાળકીની માફક હસી પડતી હતી.

જયંતના મૃત્યુ પછી પણ તે એક તંતુ પકડીને બેઠી હતી, થોડાં દિવસો સુધી. રખે એનો અવશેષ તેનામાં પાંગરતો હોય !

એક દિવસ... એ તંતુય તૂટી ગયો હતો. તે હતી એવી જ... અભાવની ડાળખી હતી. એ દિવસે તે ધોધમાર રડી હતી.

બસ... એ પચી તેને નીલે ઉગારી. એ વ્યથા જેવીતેવી નહોતી તો એ દૂર કરનાર નીલ... પણ અસાધારણ હતો. તે નીલ આકાશ જોતી અને નીલના ખ્યાલો તેને વળગતા. નીલ આકાશ જેવો જ લાગતો. વ્યાપક છતાં દૂર...

બન્ને મળતાં ત્યારે નીલ અઢળક વાતો માંડતો, રસ પડે તેવી. જીવન વિશે, તેની પોતાની આગવી માન્યતાઓ હતી.

એ કહેતો : ‘વેણુ... મને... તું ગમે. એ મારું સુખ છે. તને હું કે કોઈ ગમે એ તારું સુખ છે અને એ સુખનો કોઈ પર્યાય નથી... એ સુખમાં કોઈ અંતરાય પણ નથી. કોઈ ભૌગોલિક સીમાઓ વચ્ચે ન આવી શકે. તને તો તું છેક કિશોરી હતી ત્યારથી... ચાહું છું... તારા પર મુગ્ધ છું, પ્રસન્ન છું. પછી તું ક્યાં છે ? શું વિચારે છે ? મને સ્મરણમાં રાખે છે કે નહિ ? અરે, મારા પ્રતિ લાગણી રાખે છે કે અભાવ, એ બધી જ બાબતો ગૌણ બની જાય છે. મારું સુખ કોણ છીનવી લેવાનું હતું ? છે કોઈ તાકાત, એ છીનવી લેવાની મારે માટે માલિકી એ સુખ નથી, આ ભાવ એ સુખ છે. અને... વણુ... મેં તને એ સમયથી ચાહી છે, સમયની આરપાર ચાહી છે, સમયને અતિક્રમીને ચાહી છે.’

વેણુનું આખું ચેતાતંત્ર હલબલી ઊઠતું, તંતુવાદ્યના તારની માફક. ‘અને વેણુ... તું જયંતને પરણી ત્યારે પણ હું વિચલિત થયો નહોતો. મારો પ્રેમભાવ... સમયાતીત છે. એ વેણુને જ... ચાહે છે. કોઈ પણ રૂપની વેણુને.’ એમ તે પૂર્તિ કરતો ત્યારે તો તે બધી સૂઝબૂઝ ભૂલી જતી.

‘ઓહ ! નીલ... તું તો આકાશ જેટલો નિઃસીમ છે. તને પામી શકતી નહોતી એ મારી મર્યાદા હતી. પણ... હવે તું મારા સ્થૂળરૂપને... સ્વીકારી લે... અને તને જયંતે પણ... એમ કરવાની આજ્ઞા જ કરી હતી.’

એ વિકળતા અત્યારે તેને વિવશ બનાવતી હતી. અંધકારનો તેને ડર નહોતો. તેને તો ઉજાશ ડરાવતો હતો.

હવામાં વાતાવરણની અસર હતી. યુદ્ધ આખરે યુદ્ધ જ હોય. રાત પડતાં જ હવામાં ભય ધરબાઈ જતો. રખે આ રાતે દુશ્મન દેશના ઍરક્રાફ્ટો ધસી નહિ આવે ને - આ શહેરને ઘમરોળવા ? આતંક નીચે શાંતિ ક્યાંથી ?

શરીમાં ભારે બોજવાળા પગોના પગરવો સંભળાતા હતા. આપણાં રક્ષકો પણ... ગતિમાં હતાં. સતત... આખી રાત અજંપો અનુભવાતો. ક્યારેક કશું થયું તો નહોતુ.ં

કોઈ કહેતા કે આ તો બધી માણસોની તૈયાર કરવાની કવાયતો જ હતી. લોકોને ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ લડાતું હતું. સરહદ પર અને સરહદની અંદર.

જાતજાતની અફવાઓ... દિવસભર ભયનું તાપણું સળગાવ્યા કરતી, ઈંધણ પૂરે રાખતી. લોકોને ભયની વાતો કરવી જ ગમતી.

વેણુ તો એકલી હતી. નીલ આવતો જ. મોડે સુધી વાતો કરીને... પરોઢે નીકળી જતો. પણ આજે તેને કામ આવી પડ્યું હતું અને વેણુમાં પણ થોડી હિંમત આવી ગઈ હતી. કશું જ નથી થવાનું. આ બધાં તો... માત્ર માનસ તૈયાર કરવાના સાધનો જ માત્ર.

‘નીલ... હુ ંમાનીશ કે તું મારી પાસે જ છે....’ તેણે હિંમત દેખાડી હતી. પણ અચાનક... આ વૃદ્ધ આવી ચડ્યા.

એનું સુખ પણ હતું અને દુઃખ પણ હતું.

તે અંધકાર ઓઢીને પલંગમાં પડી. ખુલ્લી આંખે અંધકાર ભેદતી રહી. આદત હતીને નીલ સાથે વાતો કરવાની. પછી ઊંઘ ન આવે એ સ્વાભાવિક હતું.

સામેનો સોફો ખાલી હતી, જ્યાં તે બેસતો. ક્યારેક આડો પણ પડતો અને ક્યારેક ઊંઘમાં પણ સરી જતો.

વેણુને અંધકારમાં પણ નીલનો ઓળો દેખાતો. વાત ક્યારેક પૂરી થતી અને ક્યારે નીંદરનું રાજ શરૂ થતું એની સૂઝ ક્યારેય રહેતી નહિ.

રાત દરમ્યાન, વેણુ બે વાર એ વૃદ્ધ પાસે જઈ આવી. નિરાંતે ભરનીંદરમાં જંપી ગયા હતા. મીણબત્તીના આછા ઉજાસમાં એ કેવાં લાગતા હતા ? વેણુ હસી પડી હતી.

તે અદલ... જયંત જેવા જ લાગતા હતા. યુવાનીમાં વૃદ્ધ પણ જયંત જેવા જ... તે ફરી મલકી.

છેલ્લે ચાર વાગે પથારીમાં પડી. આંખો ઘેરાતી હતી.

શેરીમાં લોકલ પોલીસમેન પહેરો દઈ રહ્યા હતા. સહેજ સહેજ ઉજાશ ઉગી રહ્યો હતો. અંધકાર ઓગળવાનો પ્રારંભ હતો.

વેણુ જાગી ત્યારે આખો ખંડ અજવાળાથી ભરચક હતો. શેરીમાં કોલાહલ હતો. તેની નજર ટેવવશ સોફા પર ગઈ. એ ખાલી હતો.

‘શું નીલ ગયો ? મને કહ્યાં વિના જ ?’ તે તેના મનને પૂછી બેઠી. પણ તરત જ મન સાવધ થઈ ગયું. ઓહ ! નીલ ક્યાં...

‘અરે, તે તો ઊઠી ગયા હશે...’ તેને વૃદ્ધ શ્વશુર સાંભર્યા.

કેટલી મોટી ક્ષતિ થઈ ગઈ ? તેણે તો વહેલા ઉઠવાનું હતું. તે તેના વિશે કેવું ધારશે ? વહુ સાવ આળસુ... કેવી સરસ છાપ પડી હતી તેમના પર ?

તે ઝટપટ સાડી સરખી કરતી... આગલી પરસાળમાં આવી.

વૃદ્ધ તો સ્નાન કરીને જમીન પર બેઠા હતા. આંખો મીંચીને ધ્યાન કરતા હોય તેમ લાગ્યું. વેણુ લજ્જા અનુભવે, એ સહજ બાબત હતી.

તે તરત જ કામમાં લાગી ગઈ. પ્રથમ પ્રાતઃકાર્યોમાંથી પરવારી. નવી સાડી પરિધાન કરી.

ત્યાં સુધીમાં મનોહર પણ ધ્યાનમાંથી પરવાર્યા હતા. વેણુએ આવીને તેમને પ્રણામ કર્યા, અને પૂછ્યું : ‘બાપુ... નીંદર બરાબર આવી હતી...?’

વૃદ્ધ પ્રસન્ન થઈ ગયા.

‘બેટા... અમારે વૃદ્ધોને તો વળી કેટલી ઊંઘ હોય ? એમાં પણ... ઊંઘને મારા પ્રતિ વેરભાવ છે. જો... રોજ રાતે આ ગોળી લેવી જ પડે છે. લગભગ... બે માસથી લઉં છું. ડૉક્ટરે સલાહ આપી છે કે... રોજ એક તો લેવી જ... નહિ તો... મનને આરામ જ નહિ મળે. બસ... લઉં છું, ઘસઘસાટ... ઊંઘી જાઉં છું... માટે મારી ચિંતા ન રાખતી. છેક પાંચ, સાડા પાંચે જ આંખો ખૂલે છે. તું તારી રીતે જીવજે... મારો ભાર ન રાખતી.’

એમ કહીને તેમણે વાત્સલ્યભર્યો હાથ વેણુના મસ્તક પર મૂકયો. કોણ જાણે કેમ, પણ વેણુની આંખો ભીની થઈ.

‘ભગવાને જ મને મોકલ્યો, વેણુ... મારી વહુને એકલું ન લાગે એ માટે જ મને અહીં મોકલ્યો, મારા નાથે, નહિ તો ક્યાં કશું લવલેશ હતું, આ દિશામાં આવવાનું.’

એક નવો દિવસ શરૂ થઈ ગયો હતો, ઉજાસનો અને સંભાવનાનો. શું થવાનું હતું આજે ?

પ્રકરણ - ૩

પછી વૃદ્ધે પૂછ્યું : ‘વહુ... બેટા, તારે મોડું થતું હશે. તું તારું કામ કર. હું તો મારી પ્રવૃત્તિઓ શોધી લઈશ. બેટા, તારું ગોત્ર કયું ?’

આ પ્રશ્ન તેમન ખૂબ પજવતો હતો. જયંત પરણ્યો તો ખરો તેની ઇચ્છા મુજબ પરંતુ એ સ્ત્રીનું ગોત્ર કયું હશે ?

રેવતીનું ગોત્ર તેમને યાદ હતું. તેની ત્રણ પેઢી વિશે પણ જ્ઞાન હતું. રેવતીને પુત્રવધૂ બનાવી શકાય, ઘરમાં આણી શકાય. એ વિશે તેમને લેશ શંકા નહોતી.

લગ્નસંબંધોમાં પાત્રતા તો જોવી જ જોઈએને, એ તેમનો અતૂટ વિશ્વાસ હતો અને એથી જ ઉચાટ થતા હતા.

‘જે સંબંધ માત્ર બાહ્યાકર્ષણથી બંધાતો હોય એમાં આ બધી બાબતો ક્યાંથી આવે ?’ તેનો જીવ કપાઈ જતો.

પવિત્ર બ્રાહ્મણનું ખોળિયું અને આ બધી વાતો અવગણવી એ પાપ જ કહેવાય. તે અકળાઈ ઊઠતા.

‘હું સહુને સલાહો આપું અને મારા જ ઘરમાં આમ બને... હવે શું જીવવા જેવું બાકી રહ્યું...? કોઈ મોઢામોઢ તો ના કહે પણ છાનેખૂણે વાતો થાય.’

એ દિવસોમાં તેમના વલોપાતોનો પાર નહોતો. રમા... કેટલું સંભાળે ? આઘાત તો તેને પણ લાગ્યો હતો કારણ કે રેવતીને સ્વીકારવાનો, પુત્રવધૂ બનાવવાનો નિર્ણય તેમનો હતો.

‘જુઓ... મને પણ આ ગમ્યું નથી. આપણું લોહી જ આપણન આઘાત આપે, અવગણે... એ કાંઈ સારી વાત તો નથી જ. અને આ રેવતી તો તેને... પૂજતી હતી.. કેટલાં ઓરતાં લઈને બેઠી હશે ? એનુંય પાપ લાગે... પણ જે બન્યું તેને થોડું ફેરવી શકાય હવે.

આપણે ત્રણેય ભોગવીએ છીએ... એના પરિણામો... અને ક્યાં સુધી ભોગવીશું, એ પણ જાણતા નથી, કદાચ છેલ્લાં શ્વાસ સુધી આ વસવસો છોડાશે નહિ.

મને પણ તમારા જેટલું જ દુઃખ છે. પણ આમ ભાંગી જવાનો શો અર્થ ? નિતના વલોપાતોનો શો અર્થ ? દુઃખ આવે ત્યારે શાંત થઈ જવું. મૌન પકડી લેવું. મને તો આટલી સમજ છે. હું કાંઈ તમારા સરખી જ્ઞાની નથી.’

રમા પતિના દાઝેલાં મનને શાંત કરવા પ્રયાસ કરતી. તેણે તો કાયમ હોઠો બીડીને બેઠેલી રેવતીને પણ સંભાળવાની હતી.

અને મનોહર માની પણ જતા.

અરે, સંબંધનો છેદ ઊડી ગયો, સમૂળગું મૂળ જ ઊખડી ગયું ત્યાં ગોત્ર જેવી વાતો સંભારવાથી શું વળવાનું હતું ? ભલે, ગમે તેને પરણ્યો હોય, ગમે તેની સાથે રહેતો હોય, મારે શી લેવાંદેવાં ! બસ, હવે એ દિશા જ બંધ. પુત્ર હતો જ નહિ... જે હતી એ ભ્રમણા હતી. રમત હતી... હવે તો આ રેવતી વિશે જ વિચાર કરવાનો. કેટલાં સ્નેહથી અમને બેયને સંભાળે છે ? કયો સંબંધ વળી ? તેની તો આશા તૂટી પડી છે... જિંદગી જ વેરણછેરણ બની ગઈ છે છતાં પણ...’ અને એ વાત તેમણે પૂછી જ લીધી.

વેણુએ ઉત્તર વાળ્ય અને વૃદ્ધનું મુખ સંતોષથી છલકાઈ ગયું.

‘તો... બરાબર... વહુ, મને આ ગોત્રની ચિંતા રહેતી હતી.’ તેમણે નિખાલસતાપૂર્વક જાહેર કર્યું.

પછી તેમણે તેના માતા, પિતા, પરિવાર વિશે પૂછ્યું. પરિવારમાં કોઈ જ નથી. એ જાણીને દુઃખ થયું. તેમણે વેણુને સાંત્વના આપી.

‘વહુ... જયંત છે ને, પછી તારે શી ચિંતા ?’ એમ કહીને આંખો મીંચી દીધી. વેણુ એ ક્ષણે ઓજપાઈ ગઈ.

‘આમ માને છે બિચારાં... ? સત્ય જાણે તો શું થાય ?’

જયંત પ્રતિની લાગણી તેના પર ઢોળાઈ રહી હતી. એ વાત તો હતી જ, પણ હવે તો તેમને વહુ માટે પણ માન અને પ્રેમની લાગણી જન્મી હતી. પોતાના વહેવાર, વર્તન... અને સંસ્કારથી તે વૃદ્ધની નજરમાં ઉપર આવી હતી. તેમના પૂર્વગ્રહો ઓગળ્યા હતા.

હવે જે ગંગા વહી રહી હતી, તે સ્વયમ્‌ જન્મી હતી.

‘વેણુ... મને ફરવાની ટેવ છે... કોઈ મંદિર શોધી કાઢીશ... મારો સમય સરસ રીતે પસાર થશે. મને હવે ઈશ્વર સાથે રહેવું ગમે છે. તું ચિંતા ન રાખતી. હું સમયસર આવી જઈશ પણ ખરો. કાલની રઝળપાટો કરતા આજની યાત્રા સરળ હશે.’

એમ કહીને તે ગયા પણ ખરા. વેણુએ માર્ગ વિશે સૂચના પણ આપી. થોડે સુધી સાથે પણ ગઈ.

કેટલીય નજરો તે બન્નેને તાકી પણ રહી કુતૂહલથી.

વેણુના ઉચાટનો પાર નહોતો. જયંતના મૃત્યુ વિશે વૃદ્ધની જાણ ન થવી જોઈએ. તે પડોશમાં ફરી. સહુને સમજ પાડી કે કૃપા કરીને... આ વાત તેમના સુધી પહોંચવી ના જોઈએ. કદાચ મળવાનું બને તો... તેઓ આ વાત ગોપિત જ રાખે.

એ જ કહે : ‘મારો જયંત તો આર્મીમાં ગયો છે. કાં... હું તેનો બાપ. તેન મળવા આવ્યો છું.’

વૃદ્ધો થોડાં વાતુડાં હોય. તેમને અવનવી વાતો માંડવી ગમે. ઓળખાણ કરવી પણ ગમે અને પુત્રની વાતો તો નીકળે જ...

સહુએ વેણુને સહકાર આપવાની ખાત્રી આપી.

‘ના. પણ આ કેવી વિચિત્રતા કહેવાય ? પુત્રનું મૃત્યુ અને બાપ અજાણ. વેણુ... આમ ક્યાં સુધી ચાલશે ?’

એક મોટી ઉંમરની સ્ત્રીએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

‘વેણુ.... તું કરી શકીશ ?’

એ સ્ત્રી વેણુ વિશે બધું જાણતી હતી, રજેરજ જાણતી હતી. વેણુ માટે એ એક સાંત્વન પામવાનું ઠેકાણું હતું.

વેણુ તેમની પાસે રડી પડી હતી.

‘માસી... મારી પાસે આ સિવાય, કયો રસ્તો હતો ? મને લાગે છે કે આ સાચો રસ્તો છે. વૃદ્ધ તો ખૂબ માયાળુ છે. તેમનું દરેક વર્તન માન ઉપજાવે છે. તે એક સમયે કેટલાં રોષે ભરાયેલા હતા. એ મને જયંતે કહ્યું હતું. સંબંધનો સમૂળગો છેદ ઊડી ગયો હતો. આટલાં વર્ષો એ જ દશામાં વીત્યા હતા...’

‘અને અચાનક આવ્યા હતા, ઘર શોધતાં શોધતાં આવ્યા હતા. બસ... જયંતને મળવા. મને તો ઓળખતા પણ ક્યાં હતાં ? જયંત પર રોષ તો હશે જ, પરંતુ મારા પરનો રોષ તો તીવ્ર હશે.

અને એ બધું જ મૂકીને તે આવ્યા, મીણ જેમ ઓગળીને આવ્યા અને શીતળ ચાંદનીની જેમ વરસ્યા. હવે તેમને એ સમાચાર આપીને ભાંગી નાખવા ? માસી, મારું વલણ બરાબર છે ને...!’

વેણુએ તેના મનને ખાલી કર્યું. ભીતર જે કાંઈ થીજી ગયું હતું એ ઓગળી ગયું, તે હળવી થઈ.

‘બરાબર છે બેટા, તું ચિંતા ન કરીશ. તારી ભાવના સાચી છે. ઈશ્વર તને મદદ કરશે...’

પેલી સ્ત્રીએ વેણુને આશ્વાસન આપીને હળવી કરી.

વેણુએ પડોશના બે-પાંચ ઘરે આ વાત કહી. ખૂણા પરની બે દુકાન પર પણ કહી. એ સૌ જયંતથી પરિચિત હતા.

ત્યાં જ બપોર થઈ ગઈ. વૃદ્ધ ઘરે આવ્યા.

‘વેણુ... જરા મોડું થઈ ગયું પણ જગ્યા સરસ હતી. મંદિરની પાસે જ બગીચો હતો. મનને ખૂબ ટાઢક વળી. બસ... બેસી જ રહ્યો... અચાનક ઘડિયાળમાં જોયું તો... બાર ! તરત ચાલી આવ્યો. મને તારી ચિંતા થઈ...’

તેમણે તેમની વાત વિસ્તારથી કહી, કાંઈક ક્ષમાના ભાવ સાથે કહી. વેણુને મુસીબતમાં મૂકી એનું તેમને દુઃખ હતું.

‘બાપુ... થયું કે ખોટે રસ્તે તો નહિ ચડી ગયા હો ને.’ વેણુ તેમને ઘરમાં દોરી ગઈ.

‘તમે અજાણ્યા ખરાં ને, બાપુ ?’ તેણે ઉમેર્યું.

‘હા... અજાણ્યો તો ખરો જ. પણ... કહે છે ને કે પૂછાતં પૂછતાં પંડિત થવાય, એ ન્યાયે પૂછતાં પૂછતાં અહીં પહોંચી ગયો હતો, ગઈ સાંજે. આજે પણ એક ભલી વ્યક્તિ મળી ગઈ. રસ્તો બતાવી ગઈ...’

વેણુને ચિંતા પેઠી કે વાત છુપી નહિ રહી શકે. તે કેટલે પહોંચી શકવાની ? અંતે.... તેના બધાં પ્રયત્નો મિથ્યા સાબિત થવાના.

એક વાત સ્પષ્ટ થઈ કે... તે હાલ પૂરતી નચિંત રહી શકે તેમ હતી. એ વ્યક્તિએ માત્ર રસ્તો બતાવ્યો હતો. જયંત વિશે કશી વાત થઈ નહોતી. જયંતને ઓળખનારા કેટલાં ? મૃત્યુ વિશે જાણનારા પણ કેટલાં ? વૃદ્ધ જો ઘરમાં જ રહે તો હજી પણ વાત ઠીક હતી પણ આ તો હરવા-ફરવાવાળા જીવ હતા, વા સાથે વાતો કરે તેવા હતા.

‘વહુ... મારી સવાર સાંજની ચિંતા ટળી ગઈ. એ જગ્યા ગમી ગઈ મને તો. ખાસ ભીડ હોતી નથી એ પણ સારું છે.’ તેમણે હસીને કહ્યું.

વેણુ પણ હસી. બીજો શો ઉપાય હતો ? જે નિર્માણ થયું હશે એ બનીને રહેવાનું હતું. જેવી ઈશ્વરની મરજી. જયંતની ચિરવિદાય પણ કેટલી વસમી લાગી હતી ? નીલની સમજ કામે લાગી હતી. તે અંતે ઈશ્વરના શરણે જ આવી હતી.

અત્યારે પણ તેણે બધું ઈશ્વરને સોંપ્યું હતું.

‘પ્રયત્નો તો કરું છું બાકી એની મરજી.’

જમી-પરવારીને તે અંદરના ઓરડાાં આવી. નીલે અપાવેલો ડ્રેસ હજી પણ સોફા પર પડ્યો હતો. તે પરિધાન કરવા ઇચ્છતી હતી પરંતુ એ તક મળી નહોતી. હવે તો પહેરાય જ નહિને. અચાનક સાદ પડે તો, વેણુ થોડી એ પહેરીને દોડી જાય ?

એક, ન કરવા જેવો વિચાર પણ તેને આવી ગયો. વૃદ્ધ કાયમ માટે તો રહેવા નહિ આવ્યા હોય ને ? ખાસ સામાન તો લાવ્યા નહોતા પણ... તેમને જરૂરિયાતો પણ કેટલી હોય... અને આવી વાતો પૂછઈ શકાય પણ નહિ. આટલાં વર્ષે પુત્રને ત્યાં આવ્યા હતા...

થોડાં દિવસો પછી તો તે તથા નીલ, કોર્ટમેરેજ કરવાના હતા. નીલે એની કાર્યવાહી શરૂ કરી હતી. તે પણ એ દિવસની પ્રતીક્ષા કરી રહી હતી, મન સજાવીને બેઠી હતી. જયંત તો અતીતની પેટીમાં પૂરાઈ ચૂક્યો હતો. તે તથા નીલ... નવજીવન પ્રારંભ કરવાની દિશામાં જઈ રહ્યા હતા.

જયંત સાવ વીસરાઈ ગયો હતો તેવું નહોતું. તેઓ રોજ યાદ કરતા હતા. વાતચીતમાં કોઈ ને કોઈ સંદર્ભમાં પ્રવેશી જતો હતો. વેણુને ક્યારેક સ્વપ્નમાં પણ આવી જતો હતો.

કોઈ સંબંધ ક્યારેય પૂરો થાય ખરો ? એ પ્રેમભર્યા ભાંતીગળ દિવસો સજીવન થઈ જાય પણ ખરા, સંવાદો, ખાસ શબ્દો, સંબોધનો, અવસરો... એ કાંઈ ખાલીખમ રેતમાં પાડેલાં ચિત્રો નહોતાં કે ભૂંસી શકાય. મધુર સ્મૃતિઓ તો વારંવાર વાગોળવી ગમે અને જયંત સાથેનો સમય સળંગ... મધુર સ્મૃતિનો મહાસાગર હતો.

નીલે કહ્યું હતું : ‘વેણુ... ચાલ આપણે બન્ને મળીને તેને યાદ કરીએ. તારે ગાઢ સંબંધો છે તો મારે પણ જયંત જોડે સંબંધો તો હતા જ. અમે મિત્રો બન્યા પછી કેટલીય ઔપચારિકતાઓનો છેદ ઊડી ગયો હતો. તારી અને તેની અંગત બાબતો પણ મારાથી ખાનગી નહોતી. હા... મેં તારા પ્રતિનો મારો પ્રેમ તેનાથી છુપાવ્યો હતો. એ પ્રગટ કરવાની જરૂર પણ ક્યાં હતી ? તું ન જાણે તો પણ એ તો અપ્રગટ રીતે તો વહેવાનો જ હતો, વહેતો હતો. એ મારું આગવું વિશ્વ હતું. સારું થયું કે તને ખ્યાલ આવી ગયો...!’

જયંત પ્રતિ તો તે સમર્પિત હતી જ, પરંતુ નીલે પણ તેના મનને ઝંકૃત કર્યું હતું.

‘ઓહ ! વેણુ તું છેક હું કિશારો હતી ત્યારથી...’

તે ભાવવિભોર બની ગઈ હતી. અતીત આંખો સામે સરકવા માંડતું હતું.

‘નીલ... એ સમયે તને ખબર હતી કે પ્રેમ શું કહેવાય... તું સાવ... બોઘો લાગતો હતો મને, અને છતાં પણ ગમતો તો હતો જ. હું બનીઠનીને શાળાએ જતી ને તું મને ટીકીટીકીને જોયા કરતો... પહેલે દિવસે તો તારો ડર લાગેલો. કેટલો અજાણ્યો હતો તું ?

નીલ આ સાંભળીને ખડખડ હસી પડતો.

‘હા... વેણુ. એ જ સમયથી. એ જ સમયથી તું મને ગમતી હતી. તારા શાળાએ જવા-આવવાના સમયે શેરીના નાકે ચૂપચાપ ઊભો રહી જતો, તને... એટલી જ ઉત્કટતાથી જોયા કરતો, બસ જોયા જ કરતો. એ સારું કહેવાય કે નરસું એનું ભાન પણ નહોતું. કોઈ વડીલે ટોક્યો હતો. નીલ આમ ન કરાય. આ સારા છોકરાનું લક્ષણ ન કહેવાય. પેલી છોકરી તેના મા-બાપને કહે તો શું થાય ?’

એ દિવસ પણ નજીક આવી રહ્યો હતો. સમય ગતિમાન હતો. એ ઉચાટ પણ થતા હતા વેણુને. કેવી સરસ ગોઠવાઈ ગઈ હતી, જયંતના મૃત્યુ પછી. કદાચ પહેલી વાર જ સ્વસ્થ થઈ હતી. છ મહિનાઓ પછી પહેલી વાર જ બજારમાં લટાર મારવા નીકળી હતી, નીલ સાથે નીકળી હતી. એક સરસ ડ્રેસ પણ નીલે ખરીદ્યો હતો.

વેણુ હજુ નીલને ક્યાં મળી હતી ? આ સ્થિતિનો ઉપાય તેની પાસે જરૂર હશે એવી તેને શ્રદ્ધા હતી.

સાંજે વૃદ્ધ ન ગયા. માળા ફેરવતા બેસી રહ્યા. તેમણે વેણુને કહ્યું પણ ખરું કે આ જગ્યા સારી હતી. એમાં રહેનારા સુખી થાય.

‘વહુ... વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન તો નથી પણ.. અહીં મારું મન ઠરે છે. જે જગ્યાએ પગ મૂકીએ ને મન ઠરે એ સુખવાળી જગ્યા. તું અને જયંત અહીં સુખી થયાને. અને ભગવાનની ઇચ્છા હશે તો તારા કોડ પણ પૂરા થશે. પછી તને એકલતા નહિ સતાવે... જયંત ભલે... સરહદ પર...’

વેણુ... હચમચી ગઈ. તેના સંકોચનો પાર ન રહ્યો. શું પળે પળે તેની સ્થિતિ આવી જ થવાની હતી ? એ તો સહજ રીતે બોલી રહ્યા હતા. અને આ બાબત તો ઊડીને આંખે વળગે તેવી હતી. લગભગ દશ વર્ષનું લગ્નજીવન. કોઈપણ વ્યક્તિ આ પ્રશ્ન છેડે જ. આ તો પાછા જયંતના પિતા. તેમને તો દાદા બનવાની હોંશ જાગે એમાં શી નવાઈ ?

તે નતમસ્તકે સાંભળી રહી. એ કદાચ તેની લાચારી વાંચી ગયા હશે એટલે તેમણે તરત જ વિષય બદલ્યો હતો.

‘વહુ... સાંજે મારી રસોઈ ન બનાવતી. આમ બેઠાંબેઠાં સવારનું પણ પચતું નહીં. હા... થોડું દૂધ આપજે. એની સાથે ઊંઘ લાવવાની ગોળી ગળી લઈશ. પહેલા તો આવું કશું નહોતું. આ હમણાં જ વળગ્યું.’

‘ભલે બાપુ. તમને કશી અગવડતા તો નથી પડતી ને ? મને સમજ ન પણ પડતી હોય. તમારે મને જણાવી દેવું.’

વેણુએ વિવેક કર્યો.

‘ના... બેટા, તું ભાર ન રાખતી. મારી જરૂરિયાતો જ ઓછી છે. અભાવોથી ટેવાયેલો છું. મને તો અહીં કશું દુઃખ નથી. રસ્તામાં લડાઈની વાતો સાંભળવા મળી, જાતજાતની અને ભાતભાતની. પણ... એ બગીચામાં તો શાંતિ મળી. છાપું પણ કેટલું લખે છે... યુદ્ધ વિશે ? જાણે કે થઈ ગયું જ હોય ! બાકી વેણુ... યુદ્ધ કાંઈ સારી બાબત તો નથી જ. એમાંથી કશું સારું નીપજતું પણ નથી. પણ બેટા, મન એ વાતનો ક્યારેક પણ સ્વીકાર કરશે પણ બુદ્ધિ તો ક્યારેય નહિ કરે. ઇતિહાસ જો, એમાં કોઈ યુદ્ધે માનવનું કલ્યાણ કર્યું છે ખરું ?’

આટલું કહીને તે ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા. એક બીજી સાંજ ઢળી રહી હતી. કાલે આ સમયે જ બારણે ટકોરાં પડ્યાં હતાં. આ નાનકડા અંતરાલમાં પણ કેટલું બન્યું હતું ?

આ વૃદ્ધના મનમાં તેમનો અને જયંત વચ્ચેનો અંટસ ઘોળાતો હતો ? વેણુને લાગ્યું કે એમ જ થઈ રહ્યું હશે. તે એકદમ વિષાદમાં ડૂબી ગયા હતા. તેમને પુત્ર સાથેનો, એ સમયનો ઝઘડો અત્યારે નિરર્થક પણ લાગતો હશે ! આખરે શું નીપજ્યું. એ યુદ્ધમાંથી એનો સરવાળો પણ માંડતા હશે !

જયંત પણ હતા ત્યારે આવી જ લાગણી અનેકવાર અનુભવી ચૂક્યા હતા, એ તે જાણતી હતી. કેટલીક વાર... તે જયંતની સાથે હતી. તે ખુદ પ્રોત્સાહન આપતી હતી.

‘જયંત... આવું ન કરાય. પિતા તો રોષમાં ગમે તે કહે એને ગણીને ગાંઠે ના બંધાય. અને આ ઝગડાના મૂળમાં તો હું જ છું, એથી તમે જાવ. તેમના મનનું સમાધાન થઈ જશે. આખરે એક જ રક્ત છે ને - તમારા સૌનું.’ તે સમજાવટ કરતી, પણ જયંત કાયમ અવઢવમાં રહેતો. મનમાં રહેલી નફરત ક્યારેય પ્રેમમાં પરિવર્તિત ન થઈ શકી, લાગણી હોવા છતાં પણ. તે એક પણ ડગ આગળ વધી શક્યો નહીં.

સમાચાર તો મળતા રહેતા હતા. અવારનવાર ગામની કોઈ વ્યક્તિ મળવા આવી ચડતી. એ વ્યક્તિ... ગામના સમાચારો આપતી; સાથોસાથ મનોહર અને રમાની વાત પણ છેડાતી.

‘જયંત... એ બન્ને કાંઈ, તારા વગર સુખી ન હોય. રોષ પણ ઉપરછલ્લો જ હોય. એક વાર આવ. બધું જ સમી જશે. તારી વહુને લઈ જવાની વાત... હમણાં ના વિચારતો.’ પેલી વ્યક્તિ તેને માર્ગ બતાવતી.

અને વેણુ રસોડામાં રહ્યાં રહ્યાં આ પ્રસ્તાવ સાંભળતી. એ પ્રસ્તાવમાં તેની સરેઆમ અવગણના હતી, એનો તેને ખ્યાલ રહેતો.

તેમ છતાં પણ... તે જયંતને સમજાવતી.

‘જઈ આવો ને. ભાઈ કહે છે એ રીતે. મારી વળી ત્યાં શું જરૂર ?’ તે કહેતી. પણ જયંતને આ વાત મંજૂર નહોતી.

‘જુઓ... રામકાકા... મારી પત્ની પહેલા આવશે, પછી હું. આને હું પરણ્યો છું. અગ્નિની સાક્ષીએ. આ કોઈ બજારુ ઔરત નથી.’

જયંત ઉશ્કેરાઈ જતો પછી એને સમજાવવો મુશ્કેલ હતો. વેણુએ પતિને માતાપિતાની યાદમાં અરધી રાતે આંસુ સારતા પણ જોયો હતો.

લાગણી હતી પણ... કશો અર્થ સરતો નહોતો. રણમાં વરસતા વરસાદ જેવું થતું હતું.

ક્યારેય ખુદ વેણુને થતું હતું કે તે જ પહોંચી જાય... જયંતના માતાપિતા પાસે, અને કહે કે તે જ ગુનેગાર છે. આપો જે આપવી હોય એ સજા. એ આખોય કાળ કાંઈક અંશે અજંપામાં વીત્યો હતો. વચ્ચે વચ્ચે... જિંદગી જીવાતી હતી, પ્રેમ થતો હતો, વહેવારો ચાલતા હતા, કોઈ કોઈ સમય યાદગાર બની જતો હતો તો ક્યારેક યાતના ઉભરાતી હતી. પ્રેમ અને પીડા, સાથસાથ વસતા હતા.

વેણુ... પાણી હતી પણ એટલું જ. આખરે આ યુદ્ધ તેના ખાતર તો લડાયું હતું, લડાતું હતું...

વેણુએ માતૃત્વ માટે ઇચ્છા કરી હતી, વ્યક્ત કરી હતી. જયંત પણ એ ખ્યાલ સાથે સંમત થયો હતો.

‘વેણુ... આપણે હવે બાળક હોવું જોઈએ...’

એક સ્વપ્ન કોળાતું હતું અને અચાનક વિખરાઈ જતું હતું. કશુંક એવું બનતું કે તે બન્ને વિચલિત થતાં હતાં.

એ પણ યુદ્ધ જ હતું.

પ્રકરણ - ૪

આટલાં અલ્પ સમયમાં, મનોહરના જયંતીના વહુ વિશેના પૂર્વગ્રહો ઓગળવા લાગ્યા. કલ્પના અને સત્ય વચ્ચે ખાસ્સું અંતર જણાયું. વેણુ ખરેખર સારીહતી. અત્યાર સુધીના સદ્‌વર્તનથી તે જીતાઈ ગયા હતા.

‘નહિ તો... ઓળખાણ પણ શી ? બસ... જયંતની વહુ કહી અને તેણે કેટલો આદર આપ્યો ? બાપ દીકરા વચ્ચેના અંટસ વિશે તો તે જાણતી જ હશે ને ? એનું કારણ પણ... જયંતે બધી વાત કહી જ હોય ને ?’

વૃદ્ધ સતત વિચારતા હતા. તેમને વિચારવાની ટેવ હતી. શિક્ષકનો જીવ ખરોને ?

‘આ સ્ત્રી ખાતર... પંડનો દીકરો બાપની અવજ્ઞા કરવા સુધી પહોંચી ગયો હતો. અવજ્ઞા તો શું ? સાવ સંબંધો જ તોડીને... એ કાંઈ નાનીસૂની વાત તો નહોતી જ. તેમની સાત પેઢીમાં આવું ક્યારેય બન્યું નહોતું.’

વેણુને બધી જ વાતોની જાણ હોવા છતાં પણ... તેણે મનોહરને પ્રેમથી આવકાર્યો હતો, અને તેની કાળજી લઈ રહી હતી. તેનું મુખ ક્યારેય મરડાયું નહોતું. આ વાત અદ્‌ભુત ગણી શકાય. ખરેખર તો તેના ચહેરા પર ઘૃણાના ભાવો વંચાવા જોઈએ, વૃદ્ધ પ્રતિ રોષની લાગણીઓ પ્રગટ થવી જોઈએ પરંતુ વેણુ તો તેમના પ્રતિ પ્રેમ ઢોળી રહી હતી. તેમની નાની મોટી જરૂરિયાતોનો ખ્યાલ રાખી રહી હતી.

મનોહરને એક વિચાર આવી ગયો. પત્ની... વેણુને જોઈને ગઈ હોત તો ? તો તે જરૂર શાંતિ પામીને ગઈ હોત. એટલો સંતોષ તો જરૂર મેળવી શકી હોત કે જયંતે શોધેલી સ્ત્રી પણ આંખ અને મનને ઠારે તેવી હતી.

જોકે પત્નીના મનોચક્ષુઓએ તો તેને પામી હોવી જ જોઈએ, નહિ તો તે આવી ઇચ્છા વ્યક્ત ન કરે.

મનોહર વિચારતા હતા.

ખરેખર... પત્ની ઉદાર હતી, તેમના કરતાં તો ઉદાર હતી જ. પોતા વિશે વિચારતાં મનોહર... ક્ષુબ્ધ થઈ જતા.

હા... તે જડ હતા, પથ્થરદિલ હતા... સિદ્ધાંતના આવરણ નીચે... તેમની જીદ સાચવીને બેઠા હતા. બાદલપુર છોડ્યું ત્યારે પણ તેમના મનમાં પત્નીની અંતિમ ઇચ્છાની પૂર્તિનો એક માત્ર આશય રહ્યો હતો. જયંત પ્રત્યેનો રોષ યથાવત્‌ હતો અને આ વેણુ તો ક્યાંય ચિત્રમાં જ નહોતી. પરંતુ પત્નીની અંતિમ ઇચ્છામાં જયંતની વહુ સ્પષ્ટ હતી.

‘મારા જયંતની વહુ...’ એ શબ્દો બોલતાં બોલતાં રમાના તરડાતા અવાજમાં ભીનાશ ભળી હતી. એ તેમણે અનુભવી હતી. એ સમયે રમાના ચિત્તમાં રેવતી હશે કે નહિ એ પ્રશ્ન ઉદ્‌ભવતો જ નહોતો કારણ કે તે એ સમયે પાસે જ બેઠી હતી, તેને પંપાળતી હતી.

અને મૃત્યુ આટલું જ પાસે હશે એવી તેમને આશંકા પણ નહોતી. તે તો કશી દલીલ કરવા જતા હતા, રોષ વ્યક્ત કરવા જતા હતા પણ રમાની આંખોએ તેમને રોક્યા હતા. જાણે એમ ન કહેતી હોય કે તેની આ વાત અંતિમ હતી. આ પછી તે પતિને ક્યારેય કશું પણ કહેવાની નહોતી. તેની અંતિમ યાચના હતી.

સદ્‌ભાગ્યે... તેમણે રમાની વાત સ્વીકારી હતી. એ સમયનો પરિતોષ બન્નેની આંખોમાં હતો - રમાની આંખોમાં અને રેવતીની આંખોમાં પણ. મનોહર એ ક્ષણે તે બન્ને સ્ત્રીઓથી જીતાઈ ગયો હતો. રેવતીની આંખોમાં પણ પ્રસન્નતા હતી. બન્નેએ પરસ્પર મૌન સંવાદ પણ કર્યો હતો.

એ પછીની થોડી ક્ષણોમાં રમા મૃત્યુ પામી હતી. પતિ પાસે અંતિમ યાચના કરી અને વિદાય પણ લીધી. મનોહર મૂઢ બની ગયા. આમ બને જ કેવી રીતે ? એ પ્રશ્ને તેમને હચમચાવી નાખ્યા.

એવી ખાસ માંદગી પણ નહોતી. આમ જુઓ તો, રોગ જ ના ગણાય. થોડી થાકની ફરિયાદ તો પણ નિત્યક્રમો તો લગભગ ચાલુ જ. રાત્રે રેવતીના પગ પર ચંપી કરી હતી, વાળમાં તેલ સીંચ્યું હતું. તે નિરાંતે જંપી ગઈ હતી.

મનોહર તેમના ખાટલા સુધી આવ્યા હતા. રેવતી ઢાંકોઢૂંબો કરતી હતી. ‘હવે તમારે દોડાદોડી ન કરવી...’ મનોહર બોલ્યા હતા. તેમણે કામ કરતી રેવતીને બોલાવી હતી, પૃચ્છાયે કરી હતી.

‘બેટા... કેમ છે... તબિયત ?’

‘સારું છે... બાપુ. હવે હું જ તેમને કામ કરવા દેવાની નથી. કેટલો થાક લાગે છે ?’

રેવતીએ તેની લાગણી વ્યક્ત કરી હતી.

બસ... એટલો જ પ્રસંગ બન્યો હતો એ રાતે. પોતે ઢોલિયામાં પડ્યા હતા. પણ ઊંઘ તો ઢૂંકી જ નહોતી. એ રાતે... પાછો અતીત ઉખળ્યો હતો. જયંતનું શૈશવ... પોતાની યુવાવસ્થા... આળસ મરડીને ઊભા થયા હતા. જયંતની બાલક્રીડાઓ... આખા ઘરમાં ધમાલ મચાવતી હતી. રમા...ની રસિકતા સજીવ થતી હતી. આખી મોસમ બદલાઈ ગઈ હતી.

‘આ તો તમારા પર ગયો છે.’ રમા આનંદની ગઠરી છોડી રહી હતી.

‘કેમ... લાગ્યું ? એ તો તને જ દેખે છે....’

‘એ તો સ્વાર્થ પૂરતો જ... ભોજન મળે છે ને ? પણ એની આંખો તો તમને જ શોધતી હોય છે...’ રમા તેના ભાવને આકાર આપતી.

‘તમે જનક ખરાને ? પુત્ર પિતાનો જ. અમુક વય પછી એ તમારી ભાષામાં જ વાતો કરવા લાગશે... માને તો ક્યાંય ચિત્રમાં પણ નહિ આણે.’

એ સમયે આવી વાતો અધિક થતી હતી કારણ કે... એ તે બન્નેનો મુગ્ધાવસ્થાનો સમય હતો. પુત્રના આગમને તેમની રસિકતાને નવો વળાંક મળ્યો હતો.

‘જુઓ... આજે શું કર્યું લાડલાએ ? તમારા ચશ્માં હાથમાં આવી ગયા. ભાઈસાહેબ ચશ્માં આંખો પર ગોઠવવા મથામણ કરવા લાગ્યા, અદલ તમારી જેમ જ.’

‘આજે... ચાકનો ટુકડો જમણા હાથમાં પકડીને... જમીન પર લીટોડા કરવા લાગ્યો અને શું કરતો હતો, એ ખબર છે ? મોઢેથી... ધૂ..ધૂ..ધૂ... એમ બોલતો જાય. જાણે મોટો પંડિત !’

પછી તો સાચે જ ભણવા લાગ્યો જયંત. બાદલપુરની શાળામાં ડંકો વગાડી દીધો. લોકો કહેવા લાગ્યા : ‘માસ્તરના દીકરાને વિદ્યા ન ચડે તો કોને ચડે ? બ્રાહ્મણને સરસ્વતીમાતાનું વરદાન હોય. આપણાં છોકરાઓને તો ધક્કા મારીને ભણાવીએ તો પણ કશું ન વળે.’

રમાને બીજી ચિંતા હતી. આ છોકરાને કોઈની નજર ન લાગી જાય તો સારું. આખા બાદલપુરમાં જયંતના ગુણગાન ગવાતા હતા. એ માટેના જરૂરી ઉપાયો પણ તે કરતી હતી. પતિનો પરિહાસ પણ સહી લેતી હતી.

‘તમે આમ ભલે હસી કાઢો પરંતુ આ સાચું જ છે. કેવો અચાનક તાવમાં પટકાયો હતો ? સાવ સાજો જ હતો. લોકની નજર સારી જ હોય તેવુ ંનથી. મારી પાસે તો અનેક પ્રમાણ છે.’

અલબત્ત, તે પતિથી કોઈ વાત છુપાવતી નહોતી. રમાની એ ખાસિયત હતી, જે તેણે છેલ્લી ઘડી સુધી નિભાવી હતી.

મનોહરની આંખો પત્નીની યાદમાં દ્રવી જતી હતી. એ પહાડ જેવો પુરુષ અચાનક ભાંગી ગયો હતો.

તે તો જયંત વિશે જ વિચારતો હતો. કેવો હશે જયંત ? આવકારશે કે પછી અવગણશે જ ? તે મીણ જેવું હૈયું કરીને આવ્યા હતા. ભલેને, ગમે તેવું વર્તન કરે, તે તો પત્નીની અંતિમ ઇચ્છાની પૂર્તિ કરીને જ પરત નીકળી જવાના હતા. જયંતની મરજીની ઉપરવટ જવા ઇચ્છતા નહોતા.

જતી વખતે રામભાઈને પણ એટલું જ કહ્યું હતું : ‘રામભાઈ, તમે ન કહ્યું હોત તો પણ જવાનો જ હતો. એ છોકરમત કરે પણ મારાથી થાય ? રેવતીનો ખ્યાલ રાખજો. આમ તો તેમણે અનેકવાર આગ્રહ કર્યો જ હતો ને ? પણ ત્યારે આ અડિયલ મન માનતું નહોતું.

‘રેવતી... બેટા, જઈ આવું ત્યારે.’ તેમણે રેવતીના મસ્તક પર હાથ મૂક્યો હતો. રેવતીએ જ તેમની પતરાંની બૅગ તૈયાર કરી હતી. તેનેય દ્વિધા તો હતી કે મનોહરનો કેટલો સામાન ભરવો. તે કાયમ માટે જઈ રહ્યા હતા કે... થોડા સમય માટે એ પણ નિશ્ચિત થતું નહોતું અને આ વાત પૂછે પણ કેવી રીતે ?

સાચું પૂછો તો મનોહર પણ એ બાબતમાં સ્પષ્ટ નહોતા. બાદલપુર છોડ્યા પછી પણ... એ સ્પષ્ટ નહોતા જ. બસ... નીકળી પડ્યા હતા.

જયંત કેવો લાગતો હશે, એ કુતૂહલે તેમને સાવ શિશુવયના બનાવી મૂક્યા હતા. છેલ્લે તે ગયો ત્યારે રોષમાં હતો અને વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે સારી લાગતી નથી.

વૃદ્ધના હૃદયમાં તો પુત્રની અનેક છબીઓ પડી હતી. કંઈ સંભારે ને કંઈ ભૂલે ?

ગૌર... પડછંદ ને કસાયેલો દેહ, નમણો ચહેરો, જે ધીમે ધીમે પાકટ બન્યો હતો. મૂછો ફૂટી હતી. દાઢી પર પણ નરમ નરમ વાળ ઊગવા લાગ્યા હતા. ગોપાલદાસની સંગાથે તેણે શરીરને કસ્યું હતું. મરદ થઈ ગયો હતો, જયંત ! પોતે ખાસ્સા ઊંચા હતા. જયંત તેમના પર ગયો હતો. દૂરથી જ ઓળખાઈ જતો.

‘બાપ રે, આ છોકરો તો પાંચ હાથ પૂરો થયો ? હું તો સાવ તેને ખભે આવું...’ રમા ક્યારેક ચકિત થઈ જતી.

‘અરે, જયંત તો ખૂબ ઊંચાઈએ પહોંચવાનો છે. અને આ બાદલપુર તો ઠીક, આખી દુનિયાને ચકિત કરવાનો છે. કેટલું વાંચે છે, ખબર છે ? દર મહિને નવાં નવાં પુસ્તકો મંગાવ્યા કરે છે અને એય પાછા વિજ્ઞાનના.’ તેમણે એક સ્વપ્નું જોયું હતું, પુત્રનું. કોઈપણ બાપ.. જુએ એવું જ. તેમનું સ્વપ્ન કલ્પનાઓથી રંગાયેલું નહોતું. એ વાસ્તવવાદી હતું. પુત્રનો અભિગમ, પુત્રની ક્ષમતા, તેમની દૃષ્ટિની બહાર નહોતી.

‘આ એક છે એ જ સારું છે. કેટલું ધ્યાન આપી શકાય છે એનું ?’ તે મનોમન વિચારતા. રમાએ તો જીદ પકડી હતી.

‘જુઓ... ભવિષ્યમાં આ એકલો પડી જાય. કોઈ ભાઈ કે બહેન હોય તો પોતાનું લાગે અને આપણને પણ....

રમાએ ગંભીરતાપૂર્વક કહ્યું હતું પણ મનોહરનું મન માન્યું નહોતું. તમેય કાંઈ ઓછા જીદ્દી નથી ? બધી બાબતમાં ધાર્યું કરવાવાળા એવો સરપાવ પણ મળ્યો હતો.

ભલે જયંત યથેચ્છ આગળ વધે. તેના વિકાસમાં કોઈ અંતરાય ન આવવો જોઈએ. બીજું સંતાન હોય તો સહજ રીતે સાધનોના બે ભાગ થઈ જ જાય. તેમની માન્યતા હતી અને એમાં તથ્ય પણ હતું.

બસ, બધી જ કૃપા જયંત પર જ વરસવી જોઈએ. તેમની મથામણો એ દિશામાં હતી.

બાદલપુરનું શિક્ષણ પૂરું થયું પછી જયંતની સાઇકલયાત્રા શરૂ થઈ પરંતુ અભ્યાસ ન અટક્યો. રમાની ચિંતામાં ઉમેરો થયો હતો.

બાદલપુરમાંથી તેણે જ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. બાકી તો અન્ય બાપીકા ખેતી વ્યવસાયમાં પડી ગયા હતા.

રેવતીએ એ સમયે જયંતને કહ્યું હતું : ‘જયંત... મને પણ લઈ જા ને તારી સાથે. મારે પણ આગળ ભણવું છે.’

પરિચય તો હતો જ. પાંચમું ઘર. રેવતી મોટેભાગે રમા પાસે જ હોય. રમાને કામકાજમાં મદદ કરતી હોય. બાળપણમાં સાથે રમ્યાં પણ હતાં. એ જયંતને બરાબર યાદ હતું.

રેવતી પણ અભ્યાસમાં તેજસ્વી હતી. તે પણ તરવામાં પારંગત હતી. શરીર કસાયેલું હતું. રૂપમાં નમણાશ હતી. વયમાં આવ્યા પછી તેની વાચાળતા સમેટાઈ ગઈ હતી. ગરીબ ખોરડાની મર્યાદાએ તેને કેટલાક સત્યો સમજાવી ગઈ હતી. વિધવા માએ શિખામણ આપવાની પણ જરૂર નહોતી રહી. તે ખુદ તેની વય કરતાં વિશેષ સમજી ચૂકી હતી.

તેણે એક સાહસ કરી નાખ્યું હતું, પોતાની ઇચ્છાથી. માતા ચોખ્ખી ના પાડવાની હતી, એ તે જાણતી હતી. તેને એક ઇચ્છા વળગી હતી, આગળ ભણવાની. જયંતની માફક. તેણ જયંતને પૂછ્યું હતું.

જયંતને રેવતી માટે સહાનુભૂતિ હતી. તે તેને અવારનવાર તેની તાલુકા મથકની શાળા વિશે વાતો કરતો.

‘ઓહ ! કેટલી મોટી શાળા ? રેવતી... બેન્ચો પણ નવીનકોર. વિષય પ્રમાણે શિક્ષકો બદલાય અને શિસ્ત પણ કેવી ? લાઇબ્રેરી પણ ખૂબ સમૃદ્ધ. અનેક પુસ્તકો... બસ, વાંચ્યા જ કરો. મને તો મોજ પડે છે ત્યાં. અને રેવતી, ત્યાં પણ જયંતનું નામ છે.’

તે એકશ્વાસે, અનેક વાતો આરોહ-અવરોહ સાથે કહી નાખતો.

‘અને રેવતી ત્યાં છોકરીઓ પણ હોય. તેમની બેન્ચો અલગ.’ અને એથી જ તેણે એક દિવસ પૂછી નાખ્યું હતું, જયંતને.

‘મને શો વાંધો હોય ? ડબલ-સવારીમાંય બંદાને ફાવશે. વાતો કરતાં કરતાં રસ્તોય ખૂટી જશે.’

જયંતે ઉત્સાહ દેખાડ્યો હતો. તે ખુશ થઈ હતી. રાતે સૂતાં સૂતાં જયંત પાછળ સવારી કરવાની મધુર કલ્પના પણ કરી હતી. તે તેની મર્યાદાઓ જાણતી હતી. તેને કોઈ રજા આપવાનું નહોતું.

‘શું કરવું છે, આગળ ભણીને ? જયંત તો છોકરો છે અને તું તો...?’ વિધવા માતાએ વડચકું ભર્યું હોત. અરે, આકરાં શબ્દો પણ કહ્યાં હોત. પણ તેણે આ કશું ક્યાં કરવું હતું ?

તેને સંતોષ થયો હતો કે જયંતે ‘હા’ પાડી હતી. ડબલસવારીમાં બેસાડીને દોરી જવાની તૈયારી બતાવી હતી. આ તેનું સુખ હતું. એ સુખ તેણે મનમાં સંઘરી રાખ્યું હતું. જયંતે ના પાડી હોત તો તેને કેટલી પીડા થાત ?

એ પછી તે બન્ને વચ્ચે, આ વિષયમાં ક્યારેય કશી વાત થઈ નહોતી. જે ખંડમાં જયંત હોય, એ ખંડમાં તે ભાગ્યે જ જતી. એમ છતાં પણ જયંતની બધી જ સગવડો સચવાતી હતી.

રેવતી બધું જાણતી હતી, જયંતી જરૂરિયાતો વિશે. તે તેની ગેરહાજરીમાં તેનો ખંડ વ્યવસ્થિત કરતી, કપડાં ગડી કરીને ગોઠવતી, ક્યારેક કોઈ પુસ્તક ગમી જાય તો વાંચવા પણ લાગતી.

તેને ક્યારેક, જયંત પર અધિકારભાવ પણ જાગતો હતો. તે જે કાંઈ કરી રહ્યો હતો, એમાં તેનો પણ હિસ્સો હતો. તે ખરેખર સુખ અને આનંદ અનુભવતી’તી એ વાતથી. જયંત મોટો થઈને શું બનશે એ વિશે તેને ખાસ ગતાગમ પડતી નહોતી પણ એટલું જાણતી હતી કે તે જરૂર મોટો માણસ બનશે, મોટા કાર્યો કરશે. એ સમયે તેને કેટલો આનંદ થશે ? તેને દરેક દિવસ યાદ આવશે, દરેક વાતો યાદ આવશે, તેણે કરેલી મદદ યાદ આવશે.

એક સાંજે તે આ ઘરમાં આવી તો વાતાવરણ જૂદું જ હતું. રમા રડતાં રડતાં. જયંતની બૅગ તૈયાર કરતી હતી. રામભાઈ ગાદલાનો વિંટો વાળી રહ્યા હતા. મનોહર અસ્વસ્થતાથી ઊભા હતા.

‘રેવતી... જયંતને હૉસ્ટેલમાં મોકલીએ છીએ...’ રમા માત્ર આટલું જ બોલી હતી. તેની આંખો આંસુથી છલકતી હતી. છેક હોઠ સુધી ડૂમો પહોંચી ગયો હતો.

‘જુઓ, છોકરાના હિતમાં આમ કરવું પડે. સાઇકલની મુસાફરીમાં કેટલો સમય વેડફાય ? અને હવે તેમ કરવું પાલવે તેમ નથી. શું સમજ્યા ? આગળનો અભ્યાસ કાંઈ સહેલો નથી.’

મનોહર આટલું જ બોલ્યા હતા. ઓરડામાં ઉદાસી હતી. ખુદ જયંત પણ માતાના દુઃખે દુઃખી હતો. તે ઝટપટ તૈયાર થયો હતો, પિતા અને માતાને પ્રણામ કર્યા હતા, રેવતી તરફ દૃષ્ટિપાત પણ કર્યો હતો. અને તરત જ રામભાઈ સાથે શહેર જવા નીકળી પડ્યો હતો.

રેવતીએ તેને હાથ હલાવી વિદાય આપી હતી. તેણે ખુદે રમાને સમજાવી હતી. ‘માસી, તમે જ કહેતા હતા ને કે છોકરા તો પરદેશ જાય...’

‘હા... રેવતી, કહેવું અને અનુભવવું એ બન્ને વચ્ચે મોટો ફરક છે.’ રમા માત્ર આટલું જ બોલી હતી. હવે જયંત સાઇકલ પર બેસીને... ઘંટડી વગાડતો વગાડતો આવવાનો નહોતો, કે સવારે જવાનો નહોતો. હવેથી આ હવાામં તેની હાજરી અનુભવવાની નહોતી.. તેનો મર્દાના અવાજ... કાન... અને મનને ભરી દેવાનો નહોતો.

બીજે દિવસે તે રમા પાસે આવી ત્યારે તે સૂનમૂન થઈને બેઠી હતી. રસોઈ કરવાની સામગ્રી એમ જ પડી હતી.

‘બોલો માસી, શું બનાવવું છે ? તમે ચિંતા ન કરો. હું રસોઈ સંભાળી લઈશ. મને ખબર છે કે ક્યાં શું પડ્યું છે અને આમ પણ હું તમારા ઘરની ઉંદરડી છું.’

રમા એ દશામાં પણ હસી પડી હતી.

રમા તેને સતત અંતરના આશીર્વાદ આપતી હતી, ક્યારેક પ્રગટ તો ક્યારેક અપ્રગટ. પૂર્વજન્મની પુત્રી જ હશે નહિ તો આમ બને ખરું, તે વિચારતી. જો તે માન્યા હોત તો મારે કદાચ આવી જ...

વિચારોને થોડા નિયંત્રણમાં રાખી શકાય છે ? એ તો યથેચ્છ વિચારવાના જ. બહુ લહેરમાં હોય તો હસીને કહેતી : ‘જા... બેટા, પછી તારી મા કહેશે કે મારી રેવતી છેક હરી જ લીધી. મારાં અંતરના આશીર્વાદ છે કે તને સરસ સાસરું મળે.’

રેવતી શરમાઈ જતી, પછી છણકો કરીને કહેતી : ‘નથી જાવું સાસરે. સાસરે જાય મારી બલારાત ! માય આખો દિવસ સાસરે મોકલવાની વાત કર્યા કરે છે અને માસી તમેય...!’

‘બેટા, સમય આવશે ત્યારે તું પૂછવા નહિ રહે. સંસારનો નિયમ છે, ને...?’

રમા વાત પર અલ્પવિરામ લગાવી દેતી, પણ રેવતીના મનમાં રમખાણ મચી જતું. તેને જયંત યાદ આવી જતો. જયંતને કેટલું સુખ હતું. સહુ તેને ભણાવાની વાત કરતા હતા, તેના ઉજ્જ્વળ ભવિષ્ય વિશે વિચારતા હતા. કોઈ તેને સાસરે મોકલવાની વાત કહેતા નહોતા.

તેની સાથે આવો વહેવાર શા માટે કરવામાં આવતો ? તે છોકરી હતી, એ કારણે જ ? ખરેખર તો તેણે જયંતની માફક ભણવું હતું, ખૂબ ખૂબ ભણવું હતું. તેને શિક્ષિકા બનવાના કોડ હતા. એક શિક્ષક સમાજ માટે શું શું કરી શકે એની તેને જાણ હતી. જયંતના પિતા બાદલપુર જેવા નાનકડા ગામડાને શિક્ષણ અને સમાજના માધ્યમથી - કેટલું જીવંત બનાવ્યુ ંહતું - એ તે જાણતી હતી. તે પોતે જ તેમની પાસે ભણી હતી.

એક ખળખળ પ્રવાહને થંભાવી દેવો એ કેટલું કઠોર કાર્ય હતું અને એ તેણે કરવું પડ્યું હતું. જયંતના પિતાને વાત કહી હોત તો ? તેઓ જરૂર તેના મનની વાત સમજે, કોઈ ઉપાય પણ બતાવે. અરે, જીદ્દી માતાને સમજાવે પણ ખરા.

એક સાંજે રેવતી એ વાત કહેવા આવી હતી. તેના પગ બારણામાં જ હતા. ત્યાં તેણે રમાને બોલતી સાંભળી.

‘જુઓ માસ્તર, તમે હસી કાઢતા નહિ. મને એક વિચાર આવ્યો છે. રેવતીને આપણા ઘરની પુત્રવધૂ જ બનાવવી છે. જોડી કેવી જામશે ? રેવતી કેટલી ગુણીયલ છે ? મારી, તમારી અને જયંતની પણ કેટલી કાળજી રાખે છે ? આવી વહુ ઘરમાં રૂમઝૂમ કરતી હોય તો... જિંદગી જીવવા જેવી લાગે. શું કહો છો તમે ?’

રમાના શબ્દોમાં આનંદનો ઉછાળ હતો. રેવતીના પગ થંભી ગયા. પુત્રવધૂ એટલે... હું જયંતની વહુ ! માંડવામાં પાનેતર ઓઢીને અગ્નિ ફરતા ચાર ફેરા ફરે, એ વહુ. જયંત અને તે ? કેટલી સરસ કલ્પના હતી ? પછી તો મારે... માડીથી દૂર પણ નહિ જવાનું. બસ, પાંચમું જ ઘર. પછી તો જયંત મારો વર અને... હું...

તેને લજ્જા આવી. તે ધીમે પગલે બારણું, ફળી, ડેલી ઓળંગતી તેના ઘરે ચાલી આવી.

માનો બબડાટ તો ચાલુ જ હતો.

‘આ છોકરીનો એક પગ ઘરમાં અને એક માસ્તરને ત્યાં. રમાને કહેવું પડશે કે રાખ આને તારા ઘરમાં.’

પ્રકરણ - ૫

મનોહરને જયંતની યાદ આવતી હતી. તે આંખો મીંચીને બેઠા હતા. વેણુ ક્યાંક પડોશમાં ગઈ હતી.

જયંત લશ્કરમાં શા માટે જોડાયો હતો ? તે તો સરસ નોકરી કરતો હતો. રામભાઈએ તેને એ વાત કરી હતી.

‘ભાઈને તો સરસ નોકરી છે. પગાર પણ સારો હશે...’

તેમને ખુશી થઈ હતી પણ તે કશું બોલ્યા નહોતા. પુત્ર સંબંધ છોડીને ચાલ્યો ગયો હતો, એક સ્ત્રી ખાતર. એ ખૂબ ખૂબ ડંખ્યું હતું. તેના જખમ હજુ સુધી ચચરતા હતા. ગીતાના જ્ઞાતા હતા, ગીતાપાઠ પણ નિત્ય કરતા હતા પરંતુ એ વાત આચરણમાં મૂકી શકતા નહોતા. આ બાબતમાં તે અસહાય હતા. પોતાની જાતને સમજાવી શકતા નહોતા, મનના પ્રવાહને ખાળી શકતા નહોતા. ક્યારેક પોતાની જાત પર પણ ચીડ ચડતી.

‘શાનો જ્ઞાની ? જાતને તો સંભાળી શકતો નથી. પુત્ર સાથે અંટસ રાખીને બેઠો છું...’ તો ક્યારેક વળી જૂના વિચારો હામી બની જતા.

‘શું નથી કર્યું, તેના માટે ? અમારી એક એક ખુશી તેને ચરણે ધરી દીધી... અને તે અમને એક ખુશી પણ ન આપી શકે ? શી ખામી હતી રેવતીમાં ? આવી ગુણીયલ છોકરી કાંઈ રેઢી પડી હતી ? બિચારીનો ભવ... બગાડ્યો... આશા રાખીને બેઠી હતી. અને તેનાથી પણ ક્યાં અજાણી હતી ? નાનપણથી તેની સેવા કરતી હતી. રમાને સાચવતી હતી. આ કાંઈ સારી વાત તો ન ગણાય. પાપ લાગે પાપ...’

એ સાંજે તેમને પણ પત્નીની વાત જચી ગઈ હતી.

‘આ બાબતમાં તમે બન્ને મા-દીકરો જે નક્કી કરો એ કબૂલ છે. બાકી એ છોકરી તો ખરેખર વ્હાલ ઉપજે એવી છે...’

મનોહરે તરત જ અભિપ્રાય આપ્યો હતો. આમ તો તે તોળીતોળીને અભિપ્રાય આપવાવાળા હતા. ખૂબ વિચાર કરીને જ... થોડાં શબ્દો કહે. આમાં તો પૂરો ઉત્સાહ દેખાડ્યો હતો.

‘તમારી નજર સારી પહોંચે છે. આવી વહુ આવે તો જયંતને ઠીક રહે અને આપણું ઘડપણ પણ સુધરે. પાછી ભણેલી પણ છે. મેં જ ભણાવી છે. તેના ગુણ હું જાણું ને.’

એ પછી તો રામ અને તેમની વાતો, આ વિષય પર જ કેન્દ્રિત થતી હતી. વહુની વાતોથી કયા માતા-પિતાને આનંદ ન થાય ? રમા તો લાગણીશીલ હતી પરંતુ એ રમતમાં પોતે પણ પૂરી તન્મયતાથી ભળ્યા હતા. તેમના સ્વભાવમાં આ તત્ત્વ વળી ક્યાં હતું ?

જયંત છેક ઉનાળાની રજાઓમાં આવ્યો હતો. દિવાળીની રજામાં શાળાનો પ્રવાસ હતો. એ પછી પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ પડી ગયો હતો. તેના પત્રો આવતા, વિગતવાર આવતા. તેની ભાષા સુધરી હતી. સરસ પત્રો લખતો હતો. પત્રમાં તે અવશ્ય રેવતીનો ઉલ્લેખ કરતો હતો.

‘માડી... પેલી ઘરની ઉંદરડી નિયમિત આવે છે ને ?’

તો ક્યારેક લખતો : ‘રેવતીના સાથમાં તને મારી ખોટ - થોડા અંશે પૂરાતી હશે.’

રેવતી તો ખુશ થતી જ પરંતુ રમા તો અત્યંત ખુશ થતી.

‘જોયુંને, તેનું મન પણ રેવતીમાં છે.’

મનોહર હવે નિવૃત્તિની તૈયારી કરી રહ્યા હતા. વયના નિયમ તો સૌને લાગુ પડે. આટલાં વર્ષો વીતી ગયા, એનું ભાન પણ ક્યાં રહ્યું હતું ? બસ... પ્રવૃત્તિ જ... એમનું જીવન રહ્યું હતું. તેમને એક જયંત નહિ, અનેક જયંતો જગાડવાનાં હતાં.

તે તન-મનને નિવૃત્તિની દિશામાં દોરી રહ્યા હતા, વર્ષોની માયાને સમેટી રહ્યા હતા. એ દરમ્યાન જયંત બેત્રણ વાર બાદલપુર આવી ગયો હતો. તે ખાસ્સો મોટો થઈ ગયો હતો. મુખ પર ઝીણી મૂછનો દોરો આવી ગયો હતો. હવે તો તે દાઢી પર રેઝર વાપરતો હતો.

રમાના આનંદના પાર નહોતો. રેવતી પણ તેને અહોભાવથી નીરખતી હતી. પિતાને પુત્રની પ્રગતિથી પૂરો સંતોષ હતો. રેવતીએ નોંધ્યું કે હવે જયંત જે પુસ્તકો વાંચતો હતો એ તેની સમજની બહાર હતા.

તેણે તેના ક્રમો જાળવી રાખ્યા હતા. તે હજુ પણ જયંતનો ખંડ વ્યવસ્થિત રાખતી હતી. પુસ્તકો, વસ્ત્રો અને બીજી ચીજો યોગ્ય રીતે ગોઠવતી હતી. એ ઉપરાંત હવે તે દરરોજ સવારે થોડાં જૂઈનાં પુષ્પો ટીપોઈ પર ગોઠવતી હતી. જોકે હવે જયંત પણ વ્યવસ્થિત બની ગયો હતો. એ હૉસ્ટેલ જીવનનો પ્રભાવ હતો. તે થોડો મિતભાષી બન્યો હતો, વિવેકી બન્યો હતો.

અને રમાને પણ ખૂબ હોંશ હતી, પુત્રને મનની વાત કહેવાની. એક દિવસ કહી જ નાખી વાત. મનને ક્યાં સુધી વાળવું ? રેવતી પણ હાજર હતી.

‘જયંત... મેં તો તારા માટે એક વહુ પણ ખોળી કાઢી છે...’ રમાએ કહી નાખ્યું હતું. તેનો ચહેરો આનંદથી છલકાતો હતો. એ સમયે રેવતી પૂરેપૂરી અવઢવમાં મૂકાઈ ગઈ હતી. રમાના મનમાં શું હતું એની તેને જાણ હતી જ. હરખ તો તેને પણ થતો હતો. ત્યાંથી છટકી જવાનું મન થતું હતું.

‘બાદલપુરમાંથી ?’ જયંત હસ્યો હતો અને પછી તેણે પાસે ઊભેલી રેવતી પ્રતિ જોયું હતું.

‘જાઉં છું... માસી...’ કહેતા તે સરકી ગઈ હતી. તેની પાસે, એ સિવાય કશું કરવાનું રહ્યું નહોતું. જયંતને વગર કહ્યે ખ્યાલ આવી ગયો કે એ વહુ કોણ હોઈ શકે. - તેણે રેવતી પ્રતિ એ દૃષ્ટિએ જોયું હતું. બાદલપુરમાંથી તો એક રેવતી જ હોઈ શકે એમ તે વ્યક્ત કરતો હતો.

‘તેં તો એ છોકરીને શરમાવી દીધી... જયંત !’ રમા બોલી હતી. રેવતીએ ડેલી ઓળંગતા એ વાક્ય સાંભળ્યું પણ ખરું. તે વધુ સાંભળવા, ઇચ્છા હોવા છતાં પણ ના રોકાઈ.

‘અચ્છા... તો આ મારી વહુ છે, ખરું ને ?’ જયંતે હળવાશથી ઉત્તર વાળ્યો.

‘હા... રેવતીમાં શું કહેવાપણું છે ? તારી ગેરહાજરી.... અમારી કેટલી સેવા કરે છે ? ભણેલી છે, તારી સાથે શોભે એવી છે તારા બાપુ પણ સંમત છે. એ વાત પર.’

રમાએ રેવતીની તરફેણના મુદ્દા સ્પષ્ટ કર્યા અને ઉમેર્યું પણ ખરું કે રેવતીથી સારી વહુ ક્યાંય ન મળે.

‘માડી, એણે તો કબજો જમાવ્યો જ છે, પછી મારા પરણવા, ન પરણવાથી શો ફરક પડે છે ?’ જયંતે આખી વાતને હળવાશથી લીધી હતી. એ રમાને ગમ્યું નહોતું. તેનું મોં પડી ગયું. આ ભણેલો છોકરો આખું સપનું વેરણછેરણ તો નહિ કરી નાખે ને ? તેને ડર પણ લાગ્યો. તેમણે બમણાં જોરથી કહ્યું હતું,

‘જયંત, તને આ મજાક લાગે છે ? આ તો મારું અને તારા બાપનું સ્વપ્નું છે. અમારી નજર માંડ રેવતી પર ઠરી છે. આવી વહુ ઘરમાં આવે તો સંસાર લીલોછમ થઈ જાય. બેટા, અમારો અનુભવ સાવ ખોટો ન હોય. અમારી ઇચ્છાને રોળી નાખતો નહિ. અમે તારા ભલા માટે જ...’

રમા વાક્ય પૂરું ન કરી શકી કારણ કે આંખો છલકાતી હતી.

‘માડી, હજુ તમારું એક સ્વપ્ન તો પૂરું કરવા દો. મારે ખૂબ ખૂબ ભણવું છે. બાપુના વિશ્વાસને યોગ્ય બનવું છે.’ તેણે હળવેથી કહ્યું હતું.

‘જોજે, દીકરા... માની શ્રદ્ધાનો છેદ ઉડાડી ના દેતો.’ રમાએ તેની વાત છોડી નહોતી. પુત્ર અનુત્તર રહ્યો હતો એ જોઈને રમા ક્ષુબ્ધ થઈ ગઈ હતી.

‘તને શું રેવતી પસંદ નથી ? કેમ કશું કહેતો નથી...’ તે બોલી હતી. તેનું મોં પડી ગયું હતું.

‘માડી, હમણાં મને મારી રીતે આગળ વધવા દે. સમય આવ્યે તારી વાત સ્વીકારી લઈશ...’ જયંતે તેને ગમે તેવો ઉત્તર વાળ્યો હતો.

‘તો એમ કહેને. મારો તો શ્વાસ થંભી ગયો.’ રમા ખરેખર હસી પડી.

તેને થોડો સંતોષ થયો. આખરે તે પુત્ર પાસેથી ગમતો ઉત્તર મેળવી શકી હતી. તેને થયું કે પુત્ર હવે કેવડો મોટો થઈ ગયો હતો, તેને પણ સમજાવવો પડતો હતો. સમય કેટલો પરિવર્તનશીલ હતો !

આવો વિચાર તેને સ્પર્શ્યો જરૂર પણ ખાસ ટક્યો નહિ. તે પુત્રની વાતોથી હરખઘેલી થઈ ગઈ હતી. તેણે ક્યાં અસ્વીકાર કર્યો હતો ? યોગ્ય સમયે તે માબાપની ઇચ્છા મુજબ રેવતી સાથે લગ્ન કરવા સંમત થયો હતો.

અને તેને ભણવું હતું. અરે, ભણને, તારી ઇચ્છા પ્રમાણે. રેવતી પણ તને મદદ કરે એવી છે. તું એ છોકરીને ક્યા નથી ઓળખતો ?

અને રમાએ પતિ પાસે જીદ કરી.

‘જુઓ... આપણે મકાન પર મેડી ચણાવીએ તો ?’

રમાએ તેના સ્વપ્ન પર મેડી ચણવાનું શરૂ કર્યું હતું. હવે તે જાતને ખાળી શકે તેમ નહોતી. જયંત તો હૉસ્ટેલમાં ચાલી ગયો હતો.

‘જુઓ... તમે તો આગળના ખંડમાં હો અને એકલા થોડા હો ? ગામલોકો તો તમને ઘેરી જ વળ્યા હોય, ખરું ને ? પાછળનો ખંડ તો અમારો. મારેય કાંઈ ઓછી માયા હોય છે ? તો પછી, જયંત અને તેની વહુ ક્યાં આરામ કરે ?’

મનોહર ચકિત થઈ ગયા હતા. પત્ની પૂરેપૂરી વહુઘેલી થઈ ગઈ હતી. અને મેડીનું કામકાજ શરૂ થયું હતું. રમા આનંદવિભોર બની ગઈ હતી. મેડીના કામકાજમાં પણ તેણે ઊંડો રસ લીધો હતો, સલાહ-સૂચનો કર્યા હતા. પુત્રને પત્રમાં લખ્યું હતું.

‘બેટા... તારા બાપુ નિવૃત્ત થયા. લોકોનો આવરોજાવરો પણ વધ્યો. પછી બધો વિચાર કરીને મેડી ચણાવવાનું નક્કી કરી જ નાખ્યું. ભવિષ્યમાં પણ... મેડી તો જરૂરી જ ને...’

તેણે પુત્રને સંકેત આપી જ દીધો.

રેવતી તો પૂર્વવત આવતી હતી, રમાને મદદરૂપ બનતી હતી. તે આ મેડીના સર્જનને તટસ્થતાથી જોઈ રહી હતી.

રમાએ તો તેને પણ મનની વાત કહી હતી.

‘છોકરો મોટો થાય... એટલે આવી મેડીની જરૂર પડે જ. રેવતી, બરાબર ને ?’

રેવતીને ક્યારેક થતું કે આ મેડી તેને માટે જ થઈ રહી હતી. તે જ ત્યાં જયંતની સાથે મહાલવાની હતી. એ સમયે હૃદય જોરજોરથી ધડકવા લાગતું. રમા... તેમના ુખ માટે આગોતરી સગવડ કરી રહી હતી. તે કેટલી નસીબદાર હતી ? એક વિધવાની પુત્રીના ભાગ્યમાં આવી મોટી ઘટના બની શકે ખરી ? પણ ખરેખર એમ જ બની રહ્યું હતું.

અને ક્યારેક થઈ આવતું કે ખરેખર આમ બનશે તો ખરું ને ? તે બે અંતિમો વચ્ચે લોલકની માફક ભટકતી હતી.

જયંતના પત્રો આવતા હતા. રમા તેની પાસે વંચાવતી હતી.

‘વાંચ... જોઉં, શું લખે છે, જયંત ?’

રેવતી ઉત્સાહથી પત્ર વાંચતી હતી. તેના વિશે લખાયેલું એક વાક્ય... તે વાંચતી તો હતી પરંતુ મોટેથી વાંચવાનું ટાળતી હતી. એક પણ વાક્ય તેના મનને બહેકાવવા મટે પર્યાપ્ત થઈ રહેતું.

‘ના... તે મને ભૂલ્યો નથી જ. કેવી રીતે ભૂલે ? ઘરમાં વાત તો થઈ જ હશે ને ? અને તેણે મને સ્વીકારી પણ હશે. આવો ભણેલો વર મારા ભાગ્યમાં હશે જ અને માસી મેડી ચણાવે છે. એ કોના માટે ? જયંત માટે અને જયંતની વહુ એટલે કે...’

આમ તો રેવતી શાંત પ્રકૃતિની હતી, પણ આ કલ્પનાવિહારમાં તો તે ક્યાંની ક્યાં પહોંચી જતી હતી.

‘પછી... હું પણ ભણીશ, જયંત મને શીખવશે.’ તેની જૂની વૃત્તિ નવાં સ્વરૂપે ઉછળી આવતી.

એ દિવસો સુખમય હતા. ઘરના કામો જલદીથી પતાવીને રમા પાસે દોડી આવતી. મેડીનું કામકાજ ચાલતું હતું. રમાની ચિંતાઓનો પાર નહોતો. રવેશ બરાબર રહેશે કે નહિ, એનું છજું બરાબર બહાર નીકળશે કે નહિ.

એ સ્થિતિમાં રેવતી રાહતરૂપ હતી.

‘આવી ગઈ, બેટા... તારી મા મને શ્રાપ તો આપતી નથી ને ? કહેતી નથી ને કે રમા એની દીકરી હરી ગઈ.’

રમા વિનોદ કરતી. આમ તો તે બન્ને સખીઓ હતી.

‘આ મેડીનું કામ પતી જવા દે. એ પછી તારી મા સાથે મારે માંડીને વાત કરવી છે. કહેવું છે કે જા, સાડી સત્તર વાર, તારી રેવતીને મારે હરી જવી છે. કાયમ માટે. આ મેડી તારી દીકરી માટે જ....’

રમાએ અંતરની વાત, રેવતીને કહી જ નાખી હતી. રેવતીનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો હતો.

આ તો સાવ સ્પષ્ટ વાત હતી, પૂજાના ગોખમાં બળતાં દીવા જેવી સ્પષ્ટ.

‘માસી... મને શરમ આવે છે.’ એમ કહી તેણે બે હાથ મોં પર ઢાંકી દીધા હતા. રમા ખડખડાટ હસી પડી હતી.

રેવતીએ ખૂબ વિચાર્યું હતું, એ વિશે. પછી તેને જયંતના વિચારો આવતા હતા. પડછંદ કાયાવાળો એ છોકરો વાતો પણ કેવી સરસ કરતો હતો ? મુલાયમ મુલાયમ વાતો કરતો હતો અને પોતે પાસે બેઠી બેઠી તલ્લીન થઈને સાંભળતી હતી. ક્યારેક હોંકારો પણ ભણતી હતી, તો ક્યારેક કશી પૃચ્છા પણ કરી લેતી હતી. તેનું પાર વિનાનું કુતૂહલ થોડુ સંતોષાતું હતું, થોડું અકબંધ રહી જતું હતું. કેટલીક વાતો પૂછી શકતી પણ નહોતી, સંકોચને કારણે.

જયંત કાંઈ બાલ્યવયનો સાથી રહ્યો ન હતો. એના શરીરમાં એક પુરુષ આકાર લઈ રહ્યો હતો. એમ તો રેવતી પણ સ્ત્રી બની રહી હતી. તેના વસ્ત્રોમાં પરિવર્તન આવ્યું હતું. તેની મા તેના પર શિખામણોનો ધોધ વહેવડાવતી હતી. ક્યારેક ચિંતાતુર પણ બની જતી.

‘હવે તો તારા હાથ પીળાં પણ કરવા પડશે. અને મારી પાસે તો સોનાનું ઘરેણું પણ નથી. હતાં એ તો ખપમાં આવી ગયા, એમની છેલ્લી માંદગીમાં.’ માની ઉદાસી દીકરીને પણ વળગતી. છેવટે કશું ન સૂઝવાથી તે કહી નાખતી : ‘માડી... મારે હાથ પીળાં જ નથી કરવા. પછી છે કાંઈ ઉપાધિ ?’ અને મા જોરદાર નિશ્વાસ નાખતી.

‘છોકરો તો છે, જોયેલો અને જાણીતો પણ એ લોકો આપણને હા થોડા પાડે ? તેમની અપેક્ષા તો ખૂબ ઊંચી હશે. એટલે એ યાદ કરવાનો કશો અર્થ નથી. રમા તો સખી છે પણ આ વાત કહેવા મન નથી માનતું. આટલો સંબંધ છે એ પણ ના રહે.’ તે નિશ્વાસ નાખતી મનની વાત પુત્રીને જણાવતી.

રેવતીને માની વાત સમજમાં આવી જતી. તે ઠાવકી થઈને માને સલાહ આપતી. ‘માડી... ભગવાનમાં શ્રદ્ધા રાખ. આવાં ઠાલાં વલોપાતનો શો અર્થ છે ?’

અને વાત વાજતે ગાજતે એકમેકના હોઠે આવી હતી.

મેડીનું કામ પૂરું થયું હતું. રમા પોરસાઈ પોરસાઈને સહુને એ દેખાડતી હતી. મનોહરને તો પત્નીના સુખમાં જ તેમનું સુખ મળી જતું હતું. રમાએ પુત્રને પત્ર લખી નાખ્યો હતો.

‘બેટા... મેડીના રવેશમાં ઊભા હોઈને તો આખું બાદલપુર દેખાય, સીમ દેખાય, ખેતરાં દેખાય અને મેડીમાં હોઈએ ત્યારે મન ટાઢું હિમાળા જેવુ ંથઈ જાય. તું આવીશ ત્યારે બધું નજરે નિહાળીશ. રેવતી પણ ખુશ છે. તેણે કેટલી મદદ કરી, આ ચણતરકામ ચાલતું હતું ત્યારે ?’

પણ એ રજાઓમાં જયંત ન આવ્યો. રમા રાહ જોતી રહી અને રેવતી પણ. એ દરમ્યાન, રમાએ રેવતીની માને ખુશ ખુશ કરી મૂકી. તેને તાલાવેલી લાગી હતી, સારા સમાચારનો ઢંઢેરો પીટવાની.

‘જો... તું હવે ધરપત રાખજે. ખોટી ચિંતાનો ભાર ન રાખતી. આજથી તારી દીકરી રેવતી મારા જયંતની વહુ. તાંબાના પતરે લઅયાં બરાબર ગણી લેજે. મેં તો ક્યારનુંય નક્કી કરી નાખ્યું હતું. માસ્તરેય ખુશ છે. જયંતનેય કાને વાત નાખી છે અને સાંભળ, ખુદ રેવતીય જાણે છે !’

રમાની ખુશીનો પાર નહોતો.

અને રેવતીના ઘરે તો સાચેસાચ લાપશીના આંધણ મૂક્યા હતા. રેવીતની માની ખુશી તો સમજી શકાય તેવી હતી, પણ રેવતીય રંગમાં આવી ગઈ હતી. તેનો રહ્યોસહ્યો સંશય પણ ચાલ્યો ગયો હતો.

તેણે રમાને કહ્યું હતું : ‘બા, બાપુને કહોને, મારે ભણવું છે. મારે કાંઈ પાછળ રહેવું નથી.’

રમા માટે તેનું સંબોધન બદલાઈ ગયું હતું, વહેવાર બદલાઈ ગયો હતો. ઘરના સભ્યો ઓળખીતાં હતાં, પણ હવે તો આત્મીય હતાં. બધું જ બદલાઈ ચૂક્યું હતું.

‘વાહ... આણે તો મને મા ગણવા માંડી. કેટલું હેત ઉભરાઈ છે મને તેના પર ?’ રમા હરખાઈ ગઈ. રજેરજ વાત માસ્તર સુધી પહોંચી. મનોહર વિચારમાં પડી ગયા હતા.

જયંત રમાની વાત માનશે તો ખરો ને ? તેમને એક વિચાર સ્પર્શી ગયો. પણ રમા કાંઈ એમ વાત ના કરે. તે પુત્રને ઓળખે જ. તેની આટલી શ્રદ્ધા કાંઈ નિરાધાર તો ના હોય.

અને પછી તો મનોહરને પણ રેવતીમાં રસ જાગ્યો હતો.

‘સાવ લુખી લુખી જ વહુ બનાવી દીધી ? કશું શુકનનું આપ્યું કે નહિ ?’ તેમણે પણ રસ લેવાનું શરૂ કર્યું હતું.

‘રેવતીની ઇચ્છા આગળ ભણવાની હોય તો, હવે ઘેર બેઠા પણ ભણી શકાય છે. હું બધી વ્યવસ્થા કરીશ. એ ભાર મારા પર...’

મનોહર ખરેખર રેવતીમય બની ગયા હતા. કોઈ અજાણ્યાંને તે ઘેલા જ લાગે.

નિવૃત્તિ પછી એક નવી દિશા ખુલી.

આ સમાચાર તો આખા બાદલપુરમાં પ્રસરી ગયા.

‘સારું કર્યું, માસ્તર સાહેબ. જયંત માટે સારી વહુ શોધી કાઢી.’ કોઈ હરખ કરતું. તો કોઈ વળી બીજી રીતે વાત કહેતું : ‘સારું કર્યું. ગરીબ વિધવાની ચિંતા ઓછી કરી. નહિ તો એના નસીબમાં તમારું ખોરડું ક્યાંથી હોય ?’

રેવતીની સ્થિતિ થોડી હાલકડોલક હતી. તે વહેલી તકે જયંતને મળવા ઇચ્છતી હતી. આ રજાઓમાં તો તે બાદલપુર આવ્યો જ નહોતો.

આ દંપતી આટલા હરખાઈ ગયા હતા પણ ખરેખર તે ઇચ્છતા હતા એમ જ થશે ખરું ? જયંતની ઇચ્છા પણ ભણેલી હતી ખરી ? તેણે તો સ્પષ્ટ વાત કરી નહોતી. હવે તો હરખના હિલ્લોળામાં તેની વિધવા મા પણ સ્નાન કરતી હતી.

‘અલી... મને તો સપનું પણ નો’તું આવતું કે તું રમાના ઘરમાં... નસીબ ફરે એ આનું નામ. જયંત આવે એટલે વિધિ કરી જ નાખવી છે. પછી કશી ચિંતા ન રહે.’

‘મા, તું બહુ હરખાઈ ગઈ.’ રેવતી સાવધાની રાખવા ઇચ્છતી હતી.

‘હરખ તો થાય જ ને. આવડું મોટું ઘર અને પાંચમાં પૂછાય એવો જમાઈ. મારી તો જિંદગી સુધરી ગઈ. હવે સંતોષનો શ્વાસ લઈ શકીશ. એ લોકો તને સારી રીતે રાખતા હતા. તો પણ આવો ખ્યાલ તો ક્યાંથી હોય કે તને વહુ તરીકે સ્વીકારી લેશે. રમાએ સંબધ જાળવ્યો. નહિ તો ક્યાં આપણે ને ક્યાં એ ?’

એ દરમ્યાન રેવતીએ હિંમત કરીને જયંતને એક પત્ર લખ્યો. ખૂબ વિચાર કરી કરીને વાક્યો ગોઠવ્યા.

‘જયંત, તમે રજામાં કેમ ન આવ્યા ? નવી મેડી પર ચડીને તમારી પ્રતીક્ષા કરતી હતી. મેડીના રવેશમાંથી સામેની સડક, બસ-સ્ટોપ, એ આખું દૃશ્ય સ્પષ્ટ કળાય છે. પણ તમે ના આવ્યા.

જયંત, હવે તો આખું બાદલપુર જાણે છે કે હું તમારી વહુ થવાની છું. એક વાર તમારા મુખે સાંભળવું છે. મને ધન્ય ક્યારે કરશો ?’

જયંતી હૉસ્ટેલનું સરનામું મેળવીને પત્ર પાઠવી દીધો. કેટલો રોમાંચ થયો હતો એ સમયે ? એક રાત તો મટકું મારી શકી નહોતી. કેવું મોટું સાહસ કર્યું હતું, તેણે એકલીએ ? કોઈ જાણે તો શું વિચારે ? તેને ઘેલી ગણે કે મૂરખી ? મા જાણએ તો તેનું આવી જ બને.

‘આમ કાગળ લખાય ? તને મર્યાદાનું ભાન છે ?’ કેટલુંય સાંભળવું પડે.

તે છુપી રીતે પત્રના પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતી રહી.

રમા મનોહરને કહેતી હતી : ‘જુઓ, આ છોકરીને જયંતની કેવી માયા લાગી છે ? તે સવાર-સાંજ મેડીને સાફ કરે છે. જયંતનો સામાન પણ મેડીમાં ગોઠવી દીધો છે. રોજ સવારે તાજાં પુષ્પો એ ખંડમાં ગોઠવે છે અને જયંતની પ્રતીક્ષા પણ કરે છે.’

મનોહર અહોભાવપૂર્વક હસ્યા હતાં.

‘આ બધી માયા સહજ છે. આ વખતે જયંત આવે ત્યારે ધાર્મિક વિધિ કરી જ ાનખીએ. ઘરમાં હમણાં કોઈ અવસર પણ ક્યાં આવ્યો છે ?’

રમા તાજા પુષ્પની માફક ખીલી ઊઠી હતી.

પ્રકરણ - ૬

મનોહર જિંદગીના પ્રસંગો વાગોળી રહ્યા હતા. વેણુ પ્રાતઃકાલીન કાર્યોમાં પરોવાયેલી હતી. બે રાતો તો એમ જ વીતી હતી. તે મનોહરના આગમનથી પૂરેપૂરી મૂંઝાયેલી હતી. આમ તો આ વ્યક્તિ સારી લાગતી હતી. સરસ રીતભાત હતી. બોલચાલની ઢબ પણ પ્રભાવશાળી હતી. ભાષામાં ક્યાંય હિણા શબ્દનો પ્રયોગ આવતો નહોતો.

અરે, બેટા-બેટા કહેતા થાકતા નહોતા. લાગણી વિના આમ બોલી ના શકાય.

‘અરેરે, આ સમયે શા માટે આવ્યા ? બધું જ છિન્નભિન્ન થઈ ગયું - એ સમયે ? ખુદ જયંતનું અસ્તિત્વ નથી એ સમયે ?’

તેને રહીરહીને એ જ વિચારો આવતા હતા. વૃદ્ધને અહીં મોકલીને વિધાતાએ તેની સાથે મજાક કરી હતી. તેણે એક તુક્કો માર્યો હતો કે જયંત આર્મીમાં જોડાઈ ગયા હતા. પણ એ અસત્ય ક્યાં સુધી ટકવાનું હતું ?

જોકે તેને આમ સૂઝી ગયું, એ પણ એક અકસ્માત જ હતો. વાતાવરણ યુદ્ધના રંગે રંગાયેલું હતું. તેણે પોતે, નીલ સાથે સાંજે ફરવા ગઈ ત્યારે લશ્કરના સૈનિકોને તેમના વાહનોમાં પસાર થતાં જોયાં હતાં. એ જાવનોના ચહેરા પર નીતરતી બેફિકરાઈ તેને સ્પર્શી ગઈ હતી. ભવિષ્યની કોઈ પણ પળ તેઓ માટે અંતિમ પળ બની શકે તેમ હતું. તેમ છતાં પણ ખરબચડાં ચહેરાઓ પર ગજબની શાંતિ હતી.

વેણુને એ જ વિચાર આવ્યો હતો. એ લોકો જાગતાં હતાં જથી વેણુ નિરાંતે સૂઈ શકે, નીલ નિરાંતે જંપી શકે. વેણુ અને નીલ જેવાં અને તે પૂરા અહોભાવમાં આવી ગઈ હતી. એ સૈનિકો તેને ઈશ્વરની સમકક્ષ લાગેલા. એક-બે વાર તો તેણે હાથ ઉછાળીને સૈનિકોનુ ંઅભિવાદન પણ કરેલું.

‘નીલ... જો આ આપણાં રક્ષકો. કેટલાં મહાન છે એ લોકો ? જિંદગીનું બલિદાન આપતા પણ અચકાતાં નથી. આપણે શાંતિથી... જીવી શકીએ એ માટે...’

નીલે તેનો હાથ દબાવ્યો હતો. તેને ગમે તેવું હસ્યો હતો.

‘નીલ... મારી વાત ખોટી છે ?’ તેણે એક નવી બાળકીની માફક પૂછ્યું હતું.

‘સાચી વાત છે, વેણુ...’ નીલે તેને ગમતો જવાબ આપ્યો હતો. તેને સંતોષ થયો હતો.

એ વાતાવરણની અસર હેઠળ તેણે વૃદ્ધને ઉત્તર વાળ્યો હતો. વૃદ્ધ થોડાં ગૂંચવાઈ ગયા હતા પણ એ વાત સ્વીકારી લીધી હતી. વેણુનું હૈયું ત્યારે પારેવાની પાંખો માફક ફડ ફડ થતું હતું. તેની પરીક્ષાની ઘડી હતી પણ... પછી તેનો ફફડાટ શમ્યો હતો.

વૃદ્ધ ભોળા હતા. તેમણે વેણુની વાત માની લીધી હતી. જયંત સાથેનો સંપર્ક રહ્યો જ નહોતો. વૃદ્ધ અચાનક જ પુત્રને મળવા આવ્યા હતા. કહે છે ને કે... સંબંધો તો લોહીના હોય. એ ક્યારેય અસ્ત ના થાય. એમ જ બન્યું હતું. આટલાં વર્ષે વૃદ્ધ ઘર શોધતાં અજાણ્યાં નગરમાં દોડી આવ્યા હતા.

કોઈ યુદ્ધ અનંતકાળ સુધી ચાલતા નથી. અંત આવે જ છે. જયંત પણ પરિવારજનોને યાદ કરતા જ હતા ને ? મનથી ક્યારેય વિખૂટાં પડ્યાં હતાં ખરાં ? અને આ અંટસ - તેના માટે જ હતો. એ પણ વેણુ જાણતી હતી. વૃદ્ધના આગમને તેની હાલત સમૂળગી બદલી નાખી હતી. દરેક પળે થતું હતું કે હવે શું ?

દરેક પળે તે વલોવાતી હતી. આ કાંઈ સાદી રમત તો નહોતી, આગ સાથેની રમત હતી. જોકે દરેક પળે તેને લાગતું હતું કે તેણે કશું અયોગ્ય કર્યું નહોતું. વૃદ્ધ જો જયંત વિશે સત્ય જાણે તો તે જીરવી શકે ખરાં ? ભાંગી જ પડે. અરે, ગમે તે થઈ જાય. વેણુ ફફડી ઊઠતી હતી.

આ સવારે... તે અન્યમનસ્ક બનીને કામકાજ આટોપતી હતી. ચિત્ત ચકડોળે ચડ્યું હતું ત્યાં જ તેણે બારીમાંથી જોયું કે નીલ આવી રહ્યો હતો. એક ક્ષણ તો થઈ આવ્યું કે નીલને વળગી પડે, અને મુક્ત થઈને રડી પડે... ખાલી તઈ જાય. તેની છેલ્લી મુલાકાતથી આ પળ સુધી. કેટલું વીતી ચૂક્યું હતું, તેના નાજુક હૃદય પર ?

બીજી ક્ષણે... તે ચમકી હતી. તેને વૃદ્ધની હાજરીનો ખ્યાલ આવ્યો હતો. તે તરત જ સાડીને છેડો સરખો કરતી દોડી હતી.

‘આવો... ભાઈ...’ વૃદ્ધે આગંતુકને જરા વિસ્મયભાવથી આવકાર્યા હતા. નીલ પણ ચમક્યો હતો. તેને તો કલ્પના પણ ક્યાંથી હોય કે વેણુના એકાંકી ઘરમાં અન્ય કોઈ હોય ?

‘બાપુ... આ તેમના ખાસ મિત્ર.’ દોડી આવેલી વેણુએ સ્થિતિ સંભાળી હતી. નીલ... અચંબામાં પડી ગયો હતો. વેણુ આમ સાડીમાં પણ ન હોય આ સમયે. કોણ હશે, આ વૃદ્ધ ? તેને ખ્યાલ આવી ગયો કે વેણુનું પરિવર્તન આ વૃદ્ધની હાજરીને કારણે જ હતું. તેને સમજાયું હતું કે તેણે સાચવી સંભાળીને વર્તાવ કરવાનો હતો.

તેણે વેણુની આંખો વાંચી લીધી, અને એનો ઉત્તર પણ આપી દીધો. વેણુનો હાંફ તેની નજરની બહાર નહોતો જ.

‘આવો... આવો... બેસો ભાઈ. હું જયંતનો પિતા.’ વૃદ્ધે નીલને ધરાી ધારીને જોયો અને પછી સ્નેહથી આવકાર આપ્યો. તેના શાંત મુખ પર સ્મિતની છાલક વરસી.

‘તમે આર્મીમાં કેમ ન ગયા, અને ભાઈબંધને મોકલી આપ્યો ?’ વૃદ્ધે તરત પૂછી નાખ્યું. પણ હવે નીલ સાવધાન હતો. તેણે હસીને ઉત્તર વાળ્યો : ‘કાકા... જયંત કેટલો જીદ્દી છે, એ તો આપ જાણો છો ને ?’ અને મનોહર ખડખડાટ હસી પડ્યા અને પછી પૂછી પણ નાખ્યું.

‘શું નામ તમારું ?’

‘મારું નામ નીલ...’ નીલ કાંઈક સ્વસ્થ થતો જતો હતો. જો કે વેણુની અસ્વસ્થતા યથાવત્‌ હતી. નીલે સંકેતથી તેને શાંત રહેવા સૂચવ્યું.

‘નીલ... તારી વાત તો સાચી. જયંત જીદ્દી તો ખરો, છેક નાનપણથી. પણ તેને આર્મીમાં જોડાવાનું સૂઝ્‌યું ? વહુનું પણ ના માન્યું ?’

મનોહરે પ્રશ્નો ખડા કરી દીધાં.

‘હા... તે ક્યાં કોઈનું માને તેવો છે ? બાકી અમે સમજાવ્યો હતો...’ નીલે સ્વસ્થતા ધરાણ કરી હતી.

‘આ લડાઈ ચાલુ જ છે. તેનું પોસ્ટીંગ ક્યાં હશે એ પણ ખબર ન પડે, ખરું ને ?’ વૃદ્ધના ચહેરા પર ચિંતાના ભાવ હતા. પૂરા દશ વર્ષથી નિહાળ્યો નહોતો, પત્રથી પણ મળ્યા નહોતા. અરે, સંબંધ જ તૂટી ગયો હતો. એ પુત્ર માટે પિતા ચિંતિત હતા. નીલને ખૂબ દુઃખ થયું. જે દુઃખ વેણુનું હતું એ હવે તેનું થયું. વેણુ પર આટલાં સમયમાં કેટલી યાતના પડી હશે એનો ખ્યાલ આવ્યો.

‘હા... કાકા હમણાં તો ખબર ના પડે, લડાઈ ચાલુ હોય ત્યાં સુધી તો નહિ જ...’ નીલે ગંભીર બનીને ઉત્તર વાળ્યો. વેણુ તો દૂર થીજી ગઈ હોય એમ સંકોચાઈને ઊભી હતી.

તેનું તેજ હરાઈ ગયું હતું. મનોહરની નજર બહાર એ નહોતું. તેમને વેણુની સ્થિતિનો ખ્યાલ આવી ગયો. જો આવી જ વાતો કરવામાં આવે તો તે તો ભાંગી પડે. છેક છ માસથી તે એકલી જીવી રહી હતી. તેનું મન કેવું આળું થઈ ગયું હતું ? તેમણે તરત જ વાતની દિશા બદલી.

‘નીલ... મારો જયંત તો નાનપણથી બહાદુર છે. સોન નદીમાં પૂર આવ્યા હોય અને અનરાધાર વરસાદ વરસતો હોય તો પણ તે એવાં ભયંકર વ્હેણમાં કૂદી પડતો. સાઇકલ પર બેસીને કોણ જાણે કેટલી ખેપ મારી આવે. થાક અને બીકનો તો પરિચય જ નહીં. જો જે, તે ત્યાં ગયો છે તો પરાક્રમ કરવાનો જ. હું તેને બરાબર ઓળખું છું. ક્યાંય પાછો પડવાનો નથી. માટે વહુ... તું જરા પણ ભાર ન રાખીશ અને ભાઈ કહે છે એ પણ સાચું છે. લડાઈ બંધ પડે પછી જ એનો પત્ર આવે અને કદાચ, રજા મળે તો તે પણ આવે.’

વૃદ્ધે આખું વાતાવરણ બદલી નાખ્યું.

‘હા... બાપુ... એમ જ થશે.’ વેણુ બોલી. તેનો ચહેરો હળવો થયો. ચાલો... તેમણે પોતે જ તંગ સ્થિતિને હળવી કરી. નીલે પણ નિરાંતનો શ્વાસ લીધો.

‘ભાઈ આવ્યા છો તો જમીને જ જજો. ખરું ને વહુ. અને હા વહુ... જયંત તરફથી પૈસા તો નિયમિત આવે છે ને ?’

મનોહરે બધું જ વિચારીને પ્રશ્ન પૂછી લીધો. તેમની પાસે પણ થોડાં પૈસા તો હતા જ. જરૂર પડે બાદલપુરથી પણ રામભાઈને પત્ર લખીને મંગાવી શકાય. એ પણ તેમણે વિચારી રાખ્યું હતું.

‘બાપુ... પૈસા તો નિયમિત આવી જાય છે...’ વેણુએ કહી દીધું.

નીલ તો વેણુ પર આફરીન થઈ ગયો. વેણુએ સ્થિતિને બરાબર સંભાળી હતી અને હજુ પણ સંભાળવાની હતી. ક્યાં સુધી એ માત્ર અનુમાનનો વિષય હતો. જોકે હજુ તેમના - તેના તથા વેણુના લગ્નની નક્કી કરેલ તારીખ તો દૂર હતી તેથી તેની ખાસ ચિંતા અત્યારે તો નહોતી, પરંતુ બધી વાત વૃદ્ધ પર આધાર રાખતી હતી. તે અહીંથી વિદાય લે એ જ યોગ્ય હતું.

‘બાપુ... ત્યારે હું જાઉં હવે...’ નીલે વિદાયની તૈયારી કરી.

‘તમે અહીં જ છોને ? તો પછી વહુની સંભાળ લેતા જ હશો... હું તો આટલાં વર્ષે આવી ચડ્યો. જયંત તો ન મળ્યો પણ વહુને મળાયું. આ તમારી પણ ઓળખાણ થઈ. ક્યારે શું બને છે, એ આપણે જાણતા નથી.’

મનોહરે વાતનું સમાપન કર્યું. તેમને નીલ ગમી ગયો. સારો અને સારા પરિવારનો લાગતો હતો.

‘સાચી વાત છે, બાપુ... અહીં જે બને છે એ ક્યાં આપણાં નિયંત્રણમાં છે ? અણધાર્યા મળી જઈએ છીએ અને અણધાર્યા છૂટા પડીએ છીએ.’ નીલે ડહાપણ ડહોળ્યું.

વેણુને આનંત થયો કે નીલ પણ સરસ અભિનય કરી રહ્યો હતો.

નીલ ગયો. વૃદ્ધે ભાવપૂર્વક વિદાય આપી. વેણુએ બારીમાંથી હાથ હલાવી નીલને ફરી આવવાનો સંકેત કર્યો. નીલે એને ઉત્તર પણ વાળ્યો.

આખા ઘરમાં ન સમજાય એવી શાંતિ પ્રસરી ગઈ. વેણુએ પોતાની જાતને રસોડામાં જોતરી દીધી અને વૃદ્ધ પુનઃ ચિંતનમાં સરી ગયા.

‘ભાઈની વાત સાચી છે. હું અહીં અણધાર્યો જ આવી ચડ્યો છું અને કદાચ... અણધાર્યો જ ચાલી જઈશ. એ પણ એમ જ ચાલી ગઈને. જયંતને મળી પણ ન શકાયું અને ન મળાયું એનો વસવસો અંત સુધી રહ્યો. જયંત પર તેમને કેટલી લાગણી હતી ? જીદ કરીને મેડી પણ ચણાવી હતી. વહુ-દીકરા માટે મન... એ પળથી ભાંગતું ગયું. જયંતના વર્તને તેને સાવ ભાંગી નાખી.’

તે ઉદાસ બની ગયા.

રેવતી યાદ આવી ગઈ. જયંતે રેવતીને સ્વીકારી હોત તો ? આવું કશું બન્યું ન હોત અને તેની મા મૃત્યુ પણ ન પામત, આટલી વહેલી ચાલી ન જાત. આ બધાં જ અકસ્માત હતા, ન નિવારી શકાય તેવાં.

જયંત છેક આવો તો નહોતો જ. તેને ક્યારેય ઘર ન સાંભલ્યું. મા ન યાદ આવી. ક્રોધી બાપને તેણે માફ ન જ કર્યો.

જીદ્દી તો ખરો જ. ભણતરે તેની જીદ ઓછી ન કરી.

મનોહર અતીતમાં સરી ગયા.

આટલી બધી ઘટનાઓ તેમના જીવનમાં શા માટે ઘટી હશે, એ જ સમજાતું નહોતું. સાવ સરળ જિંદગી હતી. બાદલપુરની જિંદગી પણ સરળ હતી. પુત્રને હોંશથી ભણાવ્યો હતો અને પુત્ર પણ અત્યંત મેધાવી હતો, અસાધારણ હતો. માબાપ માટે લાગણી નહોતી એમ પમ નહોતું. અરે, રેવતી માટે પણ તેને લાગણી તો હતી જ. બેય સાથે જ મોટા થયા હતા ને છેક શૈશવથી ?

સાચી વાત છે નીલની. જે કાંઈ બને છે એ માણસના નિયંત્રણમાં નથી.

મનોહરને નીલ પસંદ પડી ગયો. નાની વયમાં પણ સમજ સારી હતી. જયંતને મિત્ર તો સારો હતો. વેણુની સંભાળનો ભાર પણ નીલ પર જ હશે. તેણે અનુમાન કર્યું.

જમતાં જમતાં તેમણે સામે બેઠેલી વેણુને પૂછી નાખ્યું,

‘વહુ... આ નીલ જયંતનો ગાઢ મિત્ર, ખરું ને ?’

‘હા... બાપુ...’ વેણુએ ધડકતે દિલે જવાબ આપ્યો. તે તેના મનને નવા સંભવિત તોફાન સામે તૈયાર કરવા લાગી.

‘તો પછી આપણી વાત પણ જાણતા જ હશે...’ વૃદ્ધે હળવાશથી કહ્યું. વેણુ શો જવાબ આપે ? તે મૌન રહી. વૃદ્ધના મનમાં ધમાસાણ ચાલી રહ્યું હતું એનો તેને ખ્યાલ આવ્યો.

‘વેણુ... મારે તને દુઃખી નથી કરવી. અતીત ઉખેળવો જ નથી એવા નિશ્ચય સાથે અહીં પગ મૂક્યો છે. પણ કોણ જાણે, મન નિયંત્રણમાં રહેતું જ નથી. કેટલો ઠપકો આપું છું મનને ? હમણાં હમણાં તો મનને અને તનને બીમારી લાગુ પડી ગઈ છે. રાતે નીંદર આવતી નથી. દરરોજ એ માટે ગોળી લેવી પડે છે. સાથે જ રાખું છું. ગોળી અસરકારક છે. એક ગોળી મારી રાતને પૂરી કરે છે. છેક પરોઢિયે... આંખો ખુલે છે...’

મનોહરના વલોપાતે વેણુને હચમચાવી નાખી. ઓહ ! કેટલી યાતનાઓ વચ્ચે આ વૃદ્ધ જીવે છે ? આખરી અવસ્થામાં આ બધું જીરવવાની શક્તિ પણ ક્યાંથી હોય ?

તો પછી જયંત વિશે સત્ય હકીકત જાણવાની શક્તિ તો ક્યાંથી બચી હોય ? આ નાટક... ચલાવવું જ પડશે. નીલ સાથમાં છે ને. હું કયાં એકલી છું ? વૃદ્ધ વિદાય થાય ત્યાં સુધી, કોઈ પણ ઉપાયે... સત્ય ઢાંકી રાખવું પડશે. જયંત... આ કેટલી પીડા છે ? તમે આવું બનશે એવું કલ્પ્યું હતું ? ઓહ ! ઈશ્વર... આમ શાથી બનતું હશે ? આટલી પીડા વચ્ચે પાછું જીવવાનું ?

જયંતે રેવતીને સ્વીકારી હોત તો ? પછી સુખના સમીકરણો બદલાઈ ગયા હોત ! કદાચ... જયંતને મૃત્યુ આંબ્યું પણ ના હોત !

પોતાનું તો જે ગમે તે થાત પણ કેટલાં લોકો સુખ પામી શક્યાં હોત ? પછી તો વેણુ એ ખ્યાલોમાં ચકરાવા લાગી. વૃદ્ધે જેમતેમ બે કોળિયાં ધાન પેટમાં નાખ્યું પણ વેણુ એમ ન કરી શકી. પાણી પીને અંદરના ખંડમાં ચાલી ગઈ. આ સ્થિતિ અસહ્ય હતી. તેને થયું કે તે પણ ઊંઘ લાવવાની ગોળી લઈ લે અને ગાઢ નિદ્રામાં સરી જાય.

જયંતે ઘરની રજેરજ વાતો તેને કહી હતી, જે તેણે તટસ્થતાથી સાંભળી હતી. જે સ્ત્રીને તેણે ક્યારેય જોઈ જ નહોતી, અને લગભગ ક્યારેય જોવાની પણ નહોતી, એ વિશે તે ઘણી બધી વાતો જાણતી હતી.

એ સમયે તેણે એ વાતો પર વિચાર્યું પણ હતું. સહાનુભૂતિ પણ જન્મી હતી. પણ પછી તો એ વાતો વિસરી ચૂકી હતી. ખુદ જયંતે જ ચિરવિદાય લીધી હતી, પછી એ વાતો અર્થહીન બની જતી હતી.

તે તો હવે નીલમય બની રહી હતી, જયંતની ઇચ્છા મુજબ તેની સાથે શેષ જિંદગી જોડી રહી હતી ત્યારે આ બધા ગત પાત્રો સજીવન થયાં હતાં.

આ ક્ષણે... તેને રેવતીની લાગણીઓ સ્પષ્ટ સમજાતી હતી. એ છોકરી કોઈ દેખીતા અપરાધ વગર અકારણ સજા ભોગવતી હતી. તેણે તો કશી ફરિયાદ સુદ્ધાં કરી નહોતી. ખૂબ વિચિત્ર લાગતું હતું વેણુને.

ચૂપચાપ બળતી મીણબત્તી જેવું જ થયું હતું.

રેવતીએ તો જયંતને પણ ક્યારેય કશું કહ્યું નહોતું. હા, એક પત્ર લખ્યો હતો, બે-ચાર લીટીનો. સરસ, ભાવવાહી... લખાણ હતું. ખરા હૃદયથી એ થોડાં શબ્દો આલેખ્યાં હતાં. એ અર્થની ભાષામાં તો પ્રેમપત્ર જ હતો.

જયંતે એ પત્રનો ઉત્તર આપ્યો નહોતો. કેટલાં નિર્દયી ગણાય જયંત ? એ મુગ્ધ છોકરીએ કેટલી હિંમત ભેગી કરી પત્ર લખ્યો હશે ? છુપા છુપા હૈયું ઠાલવ્યું હશે... પત્ર બિડ્યો હશે... છાતી પર ચાંપ્યો હશે... અને પ્રત્યુત્તર માટે પ્રતીક્ષા પણ કેટલી કરી હશે.

જયંતની આ ભૂલ ગણાય. તેણે... આ પત્ર સાચવ્યો હતો, એ જ દર્શાવતું હતું કે તેને પણ એ છોકરી પ્રિય હતી.

જયંતે એ વાત પણ કબૂલી હતી, વેણુ સમક્ષ. તે મૃત્યુ પામ્યો એ પહેલાંના થોડા દિવસો દરમ્યાન બન્યું હતું. જયંતે એક રાતે તેને કહ્યું હતું : ‘વેણુ... એ મારી ભૂલ હતી. કેટલુંક એવું બને છે કે આપણે આપણી નિકટની વ્યક્તિને અકારણ અન્યાય કરી બેસતા હોઈએ છીએ. રેવતીને પ્રત્યુત્તર નહોતો આપ્યો, એ મારી નરી ભૂલ હતી. શુદ્ધ લાગણીઓની મેં અવહેલના કરી હતી. મને મારા ભણતરનો ઉન્માદ લાગ્યો હતો. રેવતી અને મારા વચ્ચે મને મોટી ખાઈ દેખાણી હતી. અને પાછા... બા-બાપુ એવી રીતે વર્તતા હતા કે રેવતી મારી વહુ જ હોય.

બાપુએ કહ્યું જ હતું, વખતોવખત કે રેવતી તેમની પુત્રવધૂ હતી.

બા તો રડી પડી હતી. તેણે રેવતીની મરતી માતાને વચન આપ્યું હતું કે રેવતી જયંતને જ પરણશે. એ વચનના મૂલ્યની ચિંતા કરતી હતી. ઘરમાં આટલું ક્ષુબ્ધ વાતાવરણ હતું છતાં રેવતી એક હરફ પણ બોલી નહોતી.

જયંતે આખી વાત વેણુને પરિતાપ સાથે કહી હતી.

તેની માતાના મૃત્યુ પછી રેવતી જયંતના ઘરમાં રહેતી હતી. તેનું આત્મીય કોઈ હતું જ નહિ. જયંતના બા-બાપુએ તેને પરિવારમાં સમાવી લીધી હતી. જરા પણ આળી લાગણી ન થાય તેનો સખત ખ્યાલ રખાતો હતો.

આ બધી વાત વેણુને જયંતે કહી હતી.

‘વેણુ... આ પાપ જ ગણાય. બીજું શું ? મેં છડેચોક, રેવતીને આશ્રિતા ગણાવી હતી. મને આટલી નફરત થવાનું કોઈ નક્કર કારણ હતું જ નહિ. વિાય કે મારું અહમ્‌. મેં ભોળી માને અનેક વાર કહ્યુ ંહતું કે તેઓ તેમની ઇચ્ચા મારા પર લાદી ન શકે. આ તો તેની જિંદગીનો પ્રશ્ન હતો. એમ પણ કહ્યું હતું કે તે હવે બાદલપુરમાં રહેવા ઇચ્છતો નહોતો.

વેણુ, કેટલી વ્યથા પહોંચી હશે એ ત્રણેય પર ? મારામાં આટલી કઠોરતા ક્યાંથી આવી હશે ?

મને અનેક વ્યક્તિઓએ સમજાવ્યો હતો પણ હું મારી માન્યતાઓમાં અડગ રહ્યો હતો. એક કારણ કદાચ એ હતું કે મારા ખીસામાં એક માતબર નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર હતો.

અને સૌથી મોટું કારણ તો મારા મગજની ખરાબી જ કહી શકાય. વેણુ... એ સમયે... હું સાચેસાચ માણસ જેમ રહી શક્યો નહોતો. મને પસ્તાવો થાય છે એ વાતનો.

વેણુને એ પણ યાદ હતું કે જયંત બાદલપુર જવા પણ વિચારતો હતો. તેનું મન તો ત્યાં પહોંચી ગયું હતું, પણ પછી ક્ષોભમાં પડી જતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તે ક્ષમાને યોગ્ય પણ નહોતો.

વેણુએ તેને એ સમયે સંભાળ્યો હતો. બાદલપુર જવા માટે પણ માર્ગ કરી આપ્યો હતો.

‘જયંત... તમે જઈ આવો. મળી આવો. મન હળવું થઈ જશે. યાદ રાખો એ લોકો તમને ઝંખતાં હશે. પ્રેમ કાંઈ એક પક્ષે થોડો હોય છે ? પ્રેમના પડઘાં પડે છે. આમાં વચ્ચે મને લાવવાની જરૂર નથી. અને સાંભળો, એ રેવતીને પણ સાંત્વના આપજો. એ હજુ પણ તમને ઝંખે છે. તે નફરતના ભાવ વ્યક્ત કરે તો પણ તમે... તો સરળ અને નિખાલસ રહેજો.’

પણ એ દિવસ આવે એ પહેલા જ તે અકસ્માતનો ભોગ બન્યો હતો. સાવ નજીવો અકસ્માત જીવલેણ બની ગયો હતો.

નીલ અને તે હૉસ્પિટલમાં હતા.

જિંદગીની અનહદ આશા વચ્ચે મૃત્યુની કોર પણ કળાતી હતી. એ દિવસો કસોટીના હતાં.

જયંત અનેક વાતોના લવારાં કરતો હતો. એમાં માતા, પિતા, નીલ, રેવતી અને વેણુ આવી જતાં હતાં.

ડૉક્ટરોએ આશા મૂકી દીધી હતી પરંતુ વેણુની શ્રદ્ધા જીવંત હતી. નીલ... પાસે જ પડછાયાની માફક હતો. એ વેણુને મન સૌથી મોટી રાહતની વાત હતી.

જયંતે... મૃત્યુ પહેલાં સાવ સ્વસ્થતાથી કહ્યું હતું : ‘વેણુ... મારા ગયા પછી... તમે બન્ને પરણી જજો, આ મારી છેલ્લી ઇચ્છા છે. નીલ મારી વેણુને સંભાળજે. એ મારો ખજાનો તને સોંપું છું.’

વેણુ હતાશ થઈ ગઈ હતી. તેને કશી સમજ પડે એ પહેલાં જ જયંતે શ્વાસ છોડ્યો હતો.

વેણુ નીલને વળગી પડી હતી, એક કારમી ચીસ સાથે.

પ્રકરણ - ૭

મનોહર... ઝપ દઈને એક ગોળી ગળી ગયા. વેણુએ આપેલું પાણી ગટગટાવી ગયા. શીશી બંધ કરીને જરા હસ્યા.

‘વેણુ... હવે આ રીતે જ જિંદગી ગુજારવાની રહી. નિદ્રા માટેની ગોળી, જમેલું પચાવવા માટેની ગોળી, થાક દૂર કરવા માટેની ગોળી. ટૂંકમાં શેષ આયશું આમ જ...’

તે હસ્યા પણ એ હાસ્ય વચ્ચેનું પોલાણ છતું થઈ ગયું.

‘આ સારું થયું કે તને મળી કાયું. જયંતને મળવાનું તો બાકી જ રહ્યું.’

‘બાપુ.. બધો વલોપાત છોડો. ઉપરવાળાની ઇચ્છા વિના કશું નથી થતું.’

વેણુએ સાંત્વના આપી. તે ક્યારેક જયંતને પણ આ રીતે સમજાવતી હતી. જયંત માની પણ જતો હતો. તેના શબ્દો આટલાં અસરકારક હશે એ તે ખુદ જાણતી નહોતી. તેને પણ આશ્ચર્ય થતું હતું. જયંત સ્વભાવે ભારે જિદ્દી હતો પણ વેણુ પ્રતિ ક્યારેય કઠોર બન્યો નહોતો.

અને વૃદ્ધ પણ શાંત થઈ ગયા.

‘તારી વાત સાચી છે, વહુ... તારી સાસુ પણ આમ જ...’

તેમણે વાક્ય પૂરું ન કર્યું. બસ, આંખો મીંચીને જંપી ગયા. વેણુએ જયંત પાસેથી રમા વિશે અનેક વાતો જાણી હતી. જયંતને માતા પ્રતિ અપાર લાગણી હતી. તે માત્ર માતાએ જ કહ્યું હોત તો તેમની વાત સ્વીકારીને રેવતીને પરણી જાત, સંબંધ જોડત અને નિભાવત પણ ખરો. મનોહર એ દુરાગ્રહમાં જોડાયા ના હોત તો વાત પતી જાત.

મનોહરને સૌ પ્રથમ તો પુત્રની રીત ના ગમી. મા-બાપના પ્રસ્તાવનો તેણે સ્વીકાર કરવો જ જોઈએ. તેમણે તેને મોટો કર્યો હતો, ભણાવ્યો હતો, વિકાસની બધી જ તકો પૂરી પાડી હતી. સાધનોના અભાવે પુત્ર પાછળ પડી જાય નહિ એની પણ કાળજી રાખી હતી. એવાં માબાપ શું પુત્રના ભવિષ્ય વિશે વિચારી ના શકે ? કોઈ યોગ્ય નિર્ણય ના લઈ શકે ? રેવતીમાં શી કમી હતી ? જયંતે જે રીતે તેમની અવહેલના અને અવગણના કરી એ તેમને ગમ્યું નહોતું.

સાવ શાંત પ્રકૃતિના પિતા ઉશ્કેરાઈ ગયા હતા. રમા તો પુત્રને સમજાવતી હતી પણ મનોહરે તો આજ્ઞા જ કરી હતી.

આટલી લાગણીનો આવો પ્રતિભાવ ? તેમના ક્રોધે વિવેક છોડ્યો હતો. અને જયંત પણ જિદે ચડી ગયો હતો. છેલ્લાં કેટલાં સમયથી તે ઘરમાં સતત ક્યાં રહ્યો હતો ? નવા વિચારોએ તેને ઘેલો બનાવ્યો હતો. તે પણ વિવેક ચૂકી ગયો હતો.

બાકી... તેને રેવતી સામે તો કશો વિરોધ નહોતો. એક નાનકડાં તણખાએ ભડકો કર્યો હતો. બાપ અને પુત્ર વચ્ચે જબરજસ્ત ખાઈ સર્જાઈ હતી. માની મમતા પણ રોળાઈ ગઈ હતી.

રામભાઈ જેવાનું ડહાપણ પણ કશા કામમાં આવ્યું નહોતું.

અંતે રમાએ પણ કહેવું પડ્યું હતું : ‘બેટા... તારા તરફથી આવી આશા તો નહોતી જ. તું સ્વીકારે કે ન સ્વીકારે, રેવતીને અમારી પુત્રવધૂ જ માનીશું. બાકી... તારા પર છોડીએ છીએ.’

એ ક્ષણે... જયંતને થઈ આવ્યું’તું કે માતાની વાત સ્વીકારી લે. પણ... સામે પિતાનો ચહેરો તગતગ્યો હતો.

એ અસર તરત જ ઝાકળની માફક ઊડી ગઈ હતી.

ક્રોધ સૌથી પહેલો ભોગ વિવેકનો જ લે. માતાની વાત એક તેજલીસોટો બનીને વિલય થઈ ગઈ.

જ્યારે પુનઃ સ્વસ્થ થયો ત્યારે તો તે ક્યાંય આગળ નીકળી ચૂક્યો હતો. માતા-પિતા, રેવતી, બાદલપુર ક્યાંય પાછળ રહી ગયાં હતાં. એક નવી દુનિયા તેને ઘેરી વળી હતી. જે આવડતો તેણે હાંસલ કરી હતી, એનાં પર એક સરસ નોકરી મળી ગઈ હતી.

‘મિસ્ટર... તમે ગામડામાં રહીને આટલું શિક્ષણ કેવી રીતે મેળવ્યું ?’ એક અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

‘બાદલપુર... કયા જિલ્લામાં આવ્યું ? હું ધારું છું કે એ તો સાવ અંતરિયાળ આવ્યું છે.’ બીજાને પણ એવી જ લાગણી થતી હતી.

જયંતે સંતોષકારક ઉત્તરો આપ્યા હતા. પિતા શિક્ષક હતા. એ ઉલ્લેખ પણ તેણે કર્યો હતો. એ સમયે... તે લાગણીથી ભીનો થઈ ગયો હતો. તેને ભાન થયું હતું કે તે જે કાંઈ હતો એ પિતાને લીધે હતો, માતાને કારણે હતો અને પેલી શાંત છોકરીનું બલિદાન પણ કાંઈ ઓછું ન હતું.

‘વેલ... તમે કાલથી જ કામ શરૂ કરી દો. યાદ રાખજો, તમને તમારી નિષ્ઠા જ મદદ કરશે. સારા પિતાના લાયક પુત્ર બનજો.’

આ વાક્ય સાથે... તેનો પ્રગતિનો માર્ગ અંકાઈ ગયો હતો. તે તેના મિત્ર નીલની ઓરડી પર આવ્યો ત્યારે તેના પગમાં જોર હતું પરંતુ એવી લાગણી પણ થતી હતી કે તે મન મોકળું કરીને રડી લે, છાતીએ બાઝેલાં ડૂમાને ઓગાળી દે.

એથી પણ વિશેષ, બાદલપુર જઈને મા-બાપની ક્ષમા માગી લે, રેવતીને પણ સ્વીકારી લે. તેના જીવનમાં પ્રવેશેલાં આનંદને વ્હેંચી દે. આખરે તો એ લોકો જ તેના અધિકારી હતા.

શહેરમાં આવ્યો ત્યારે કોઈ પરિચિત નહોતું. આખા નગરમાં તે સાવ એકાકી હતી. તેને ડર નહોતો લાગતો પણ એકલતા ભીંસતી હતી. વળી જે સ્થિતિમાં ગૃહત્યાગ કર્યો હતો એની તીવ્ર અસર પણ તેના મનમાં હતી. કેટલાં વિચારો આવતાં હતાં ? દરેક વિચાર... નવાં નવાં વલયો સર્જતો હતો. એ દશામાં જ તેણે સરસ પગારવાળી નોકરી મેળવી લીધી. પણ એ પહેલાં તો તેને નીલ મળ્યો હતો. બન્ને એક ઉપહારગૃહમાં મળી ગયા હતા. અકસ્માતે જ થોડી વાતો થઈ અને પરિચય સંધાયો.

‘હં, તો શું તમારી જરૂરિયાત મકાનની છે ? એક ઓરડી ચાલે ખરી ?’

નીલ તરત જ મદદરૂપ થઈ ગયો.

નામ વિગેરેની આપલે તો એ પછી થઈ. નાસ્તાનું બિલ પણ નીલે જ ચૂકવ્યું.

‘જયંત, એક સમયે હું પણ આ શહેરમાં અજાણ્યો હતો. મને પણ કોઈક મદદરૂપ બન્યું હતું. એ તો એમ જ ચાલે. ભવિષ્યમાં તમે પણ કોઈને મદદરૂપ બનશો જ.’ નીલે હસીને કહ્યું હતું.

નીલનો સ્વભાવ જયંતને ગમી ગયો. ચાલો, શરૂઆત તો સારી થઈ હતી. તેને સંતોષ થયો હતો.

અને નીલે બતાવેલી ઓરડી પણ સારી હતી. નીલ ખુદ ત્યાં રહેતો હતો અને હવે બીજા વિસ્તારમાં તેના કોઈ સગાના મકાનમાં જઈ રહ્યો હતો. જયંત ગોઠવાઈ ગયો, એ નવી દુનિયામાં.

તે કેટલોક સમય તો એકાકી રહ્યો હતો, પરિવારથી અલગ રહ્યો હતો. નવીન વાતાવરણનો સંકોચ રહ્યો નહોતો. બાદલપુર દૂર ને દૂર ધકેલાતું હતું. પિતાએ અનેક પત્રોમાં નવી મેડી ચણાવી હતી એની વાતો લખી હતી. એ મેડી પણ તે ક્યાં જોઈ શક્યો હતો ?

ઘરે આવ્યા પછી અચાનક જ સંઘર્ષ જાગી ગયો હતો. એક સાંજે તે આવ્યો હતો ત્યારે બાદલપુર એવું ને એવું ઊભું હતું, કોઈ પરિવર્તન વિના. તેને થોડું જર્જરિત લાગ્યું હતું. લોકોની રીતભાત પણ અસભ્ય લાગી હતી.

શેરીમાં પ્રવેશ કરતાં જ સામે પિતાનું મકાન દેખાયું હતું. નવી મેડી પણ દેખાઈ હતી. મન પ્રસન્ન થયું હતું.

રેવતીના ઘર પાસેથી પસાર થતાં રેવતી યાદ આવી હતી. સર્પદંશથી મૃત્યુ પામેલી તની મા પણ યાદ આવી હતી. આ વાત પિતાએ પત્રમાં લખી હતી, વિગતથી લખી હતી. રેવતી અનાથ થઈ ગઈ, એ વાત તેને સ્પર્શી ગઈ હતી. રેવતીનો શાંત ચહેરો આંખો સામે તાદૃશ થયો હતો.

એ દિવસે તે અસ્વસ્થ બની ગયો હતો. રેવતીની યાદ આવ્યા કરતી હતી. રેવતી તેની સામે જ બેઠી હોય, રડતી હોય એવી તીવ્ર અનુભૂતિ થઈ હતી. તેને એ છોકરી માટે ચિંતા થઈ હતી.

જ્યારે જાણ્યું કે રેવતી પોતાના ઘરે માતા-પિતાના આશ્રયે રહે છે ત્યારે તેને રાહત થઈ હતી. તેને વિચાર આવ્યો કે તે રેવતીને પત્ર લખે, બે શબ્દો આશ્વાસનના લખે તો રેવતીને જરૂર ગમે. તેણએ પણ એક પત્ર તો જયંત પર લખ્યો જ હતો ને. સરસ લાગણીભર્યો પત્ર લખ્યો હતો. તેને એ સમયે આશ્ચર્ય પણ થયું હતું કે રેવતી આવું સરસ લખી શકતી હશે ?

એ પત્ર ખરેખર તો પ્રેમપત્ર જ કહેવાય તેવો હતો. કોઈ વિવાહિતા તેના સંબધિત પાત્રને આવાં પત્રો લખે. જયંતને એવી સમજ હતી. શો ઉત્તર હોય આવાં પત્રોનો ? તે અને રેવતી સાથે જ મોટા થયા હતા પરંતુ જયંતને ક્યારેય આવી લાગણી તો જન્મી નહોતી.

તેણે આખરે મનોમંથનને અંતે ઉત્તર આપવાનું માંડી વાળ્યું હતું. આનો ઉત્તર શો હોઈ શકે ? તેને એટલો ખ્યાલ તો આવી ગયો કે રેવતી મોટી થઈ ગઈ હતી, તે તેની રીતે વિચારતા થઈ ગઈ હતી.

એક સમયે તેણે શહેરમાં ભણવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, તેની પાસે.

મૃત્યુના પ્રસંગે તો કશું લખવું જોઈએ, એવી પ્રબળ લાગણી તેને જન્મી હતી. તે લાગણીભીનો બની ગયો હતો. રેવતીની શી હાલત થતી હશે એ પણ તેને સ્પર્શતું હતું.

તેણે બાદલપુર જવાનું નક્કી કર્યું. બધી વાત રૂબરૂ કરી લેવી. રેવતીને સાંત્વના આપવી. માતા સાથે કેટલી વાતો કરવાની હતી. પિતાનો ચહેરો પણ ધરાઈને જોવો હતો. પેલી મેડી નીરખવી હતી. પણ અચાનક જ સ્થળાંતર કરવાનું બન્યું. વધુ અભ્યાસ માટે... બીજા સ્થાને જવું પડ્યું. ઉતાવળે કાગળ લખી નાખ્યો પિતાને, લખવા વિચારેલું કશું લખી શકાયું નહિ.

રમા હતાશ થઈ ગઈ હતી. પુત્રમિલનની આશા રાખીને બેઠી હતી, પણ સંજોગો પ્રતિકૂળ બનતા ન હતા. હોઠે આવેલું જળ છટકી જતું હતું. એક વાર વિખૂટો પડેલો પુત્ર શું કાયમ વિખૂટો જ રહેશે ?

રમાને ડર લાગી ગયો. આ વાત તેને માટે અશક્ય હતી. એક વેળા તો થઈ આવ્યું કે તેને બહાર મોકલવામાં જ ભૂલ થઈ હતી. તે શું તેના પિતાની માફક શિક્ષક ન બની શકત ? ખેતર પાછળ પણ ધ્યાન આપી શકત નજર સામે તો રહેતો. એ તથા રેવતી... કિલ્લોલ કરતા હોત...

તેણે આ વાત રેવતીને પણ કહી.

‘બોલ... રેવતી, એમ થયું હોત તો, શું ખોટું થયું હોત ? આ ગામ કાંઈ અયોગ્ય જગ્યા તો નથી જ ને. પરણી ત્યારથી અહીં આવી છું. તેં મને ક્યારેય દુઃખી જોઈ ? હા... કોઈને દુઃખે દુઃખી થવાય એ અલગ વાત છે. તારી માને આટલાં દખ હતાં તોય તે કાયમ હસતી જ રહી હતી, છેલ્લા શ્વાસ લગી. તારી સોંપણી કરી ત્યારે તેના ચહેરા પરની પીડા વાંચી શકાતી હતી. તેને તારી ચિંતા હતી, મૃત્યુની નહોતી.’

રમા એક સાથે બોલી ગઈ હતી. રેવતીની ભીની આંખો તેણે લૂંછી હતી, તેને બાથામં લીધી હતી.

‘બેટા... દુઃખી ના થતી. તારા મા તો મારી બેનપણી. આખા બાદલપુરમાં મને તેની એકની સાથે આટલું હેત ! તે હોત તો સારું હોત પણ બધું આપણી ઇચ્છા મુજબ થોડું બને છે ? જોને... જયંત આવ્યો ? કેટલી હોંશથી મેડી ચણાવી. એમાં એક રાતેય સૂવા પામ્યો ?’

જયંતે રમા વિશે અનેક વાતો વેણુને કહી હતી.

‘વેણુ... આવી લાગણીભીની મા મળી હોય, એ ભાગ્ય જ કહેવાય...’ તે કહેતો વેણુને.

‘જયંત... મા તો આવી જ હોય. નામ, સ્થાન... અલગ અલગ હોય પણ મા તો એક જ હોય. કમનસીબે... મારે એ વાતો માત્ર સાંભળવાની જ બની છે, પણ જે સાંભળ્યું છે એ પણ અદ્‌ભુત છે.’

વેણુ તેના અતીતમાં સરી જતી.

તેને માતાનો ચહેરો બરાબર યાદ હતો. થોડાં પ્રસંગો પણ યાદ હતાં. થોડાં સ્પર્શો, થોડાં શબ્દો, થોડી હૂંફો, જે તેને સ્મૃતિમા ંહતી એ સાચવીને તે બેઠી હતી. અભાવની લાગણી તેને ઘેરી વળતી હતી. કેમ આ બનતું હશે, એવો બાલિશ પ્રશ્ન પણ તેની જાતને પૂછી બેસતી હતી. આવું કોઈ કોઈ કમભાગીના જીવનમાં ન બને એ સત્ય સ્વીકારતા તેનું મન થાકી જતું હતુ.ં

આ સરળ વાત સમજવામાં અત્યારે પણ પીડા અનુભવાતી હતી અને બાળકી હતી ત્યારે પણ એટલી જ પીડા થતી હતી. તેના પ્રતિ સૌ કરુણા અને સહાનુભૂતિ વરસાવતાં હતાં પણ પ્રેમ તો કોઈ આપતું નહોતું.

‘બિચારીનું શું થાત, જો અમે ના હોત તો ?’ તેના કાકી આ વાક્ય વારંવાર રટતા, એ તેને યાદ હતું. જેમ સમજ વિકસતી ગઈ તેમ તેમ પીડા વધતી ગઈ. પાડોશીઓ દયા ખાતાં. તેને બોલાવતાં, સારી રીતે વાતો કરતાં, તેનાં ખબર-અંતર પૂછતાં પરંતુ એમાં વાક્ય તો આવી જ જતું :

‘અનાથ છે બિચારી. આપણે દયા નહિ રાખીએ તો કોણ રાખશે ? પાડોશી છીએ ને ? કાકી તોય કાકી જ, એ થોડી મા બની શકવાની હતી ?’ એમ કહીને વેણુની કાકીની નિંદા પણ કરતી એ સ્ત્રીઓ.

વેણુને ખૂબ વિચિત્ર લાગતું, એ સમયે. તેને જેની ઝંખના હતી એ તો પ્રાપ્ત થતું જ નહોતું. ખાલી લૂખી સહાનુભૂતિથી મન ભરાતું નહોતું. તેને થતું કે કોઈ તેને બાથાં લે, ચૂમી ભરે, વહાલથી તરબોળ કરી દે, તેના રોમ રોમને સભર કરી લે.

પણ આવું કશું બનતું નહોતું. કાકી... ભલી સ્ત્રી હતી. પાડોશની સ્ત્રીઓ અપેક્ષા રાખતી હતી, એવું વર્તન તો તે નહોતી કરતી. ક્યારેય ઠપકો પણ આપતી નહોતી. ક્યારેક પ્રેમ કરતી નહોતી. એકંદરે એ સ્ત્રી તેની નજીક આવતી જ નહોતી.

ક્યારેક શબ્દો રૂક્ષ બનતાં તો ક્યારેક તે સદંતર બેપરવા રહેતી. વેણુ ઇચ્છતી કે તે તેને કશું કહે, કશો - રૂક્ષ તો રૂક્ષ પણ વહેવાર કરે પણ એવું કશું જ બનતું નહોતું.

તે મા તો નહોતી જ પછી મા જેવું ક્યાંથી વર્તી શકે ? વેણુએ નાની વયમાં એ સત્ય આત્મસાત્‌ કર્યું હતું.

એ સ્ત્રીની પણ મર્યાદા હતી. તે વિધવા સ્ત્રી હતી. વેણુને તેનો આશરો હતો. એ રીતે એ સ્ત્રીને પણ વેણુનો આશરો હતો.

‘એ તારી સાથે સારી રીતે વર્તવાનો દેખાવ કરે છે. તું ભોળી છે, વેણુ. પણ એ તો એટલી ભોળી નથી. તને પરણાવશે પછી આ ઘર તો તેનું જ થઈ જશે ને ? અને આ લત્તામાં આવાં મકાનની કિંમત કાંઈ ઓછી ન ગણાય. લાલો લાભ વિના...’

વેણુ આવી વાતોનો ક્યારેય જવાબ ન વાળતી. તેની કાકી કાંઈ એવી નીચ સ્ત્રી તો નહોતી. તેનો અનુભવ કહેતો હતો, આજસુધીનો અનુભવ...

એ સ્ત્રી એક અંતર રાખીને બેઠી હતી. તેને માતૃત્વનો અનુભવ નહોતો. એ પહેલાં જ વૈધવ્ય આવી પડ્યું હતું.

ક્યારેક વેણુને થઈ આવતું કે તે પાસે સૂતેલી કાકીને વળગી પડે, તેના રોમરોમમાં કશું ઝીલી લે. પણ દરેક વખતે, તેને પેલી સ્ત્રીની નિર્જળ, સૂકી આંખો એમ કરતાં રોકતી.

વેણુએ વૃદ્ધની આંખોમાં રહેલી આર્દ્રતા પારખી. તે હચમચી ગઈ. હવે તો આ વૃદ્ધ પતિ-પત્ની પુત્રને ક્યારેય મળી શકવાના નહોતા. કેટલી તરત ભરી હતી એ વૃદ્ધની આંખોમાં ?

અને બાદલપુરમાં રહેતી એ વૃદ્ધા પણ કેટલી તલસતી હતી, પુત્ર માટે ? જયંત ન હતા. એ યથાર્થ હતો. વેણુ તો એ જીરવી ચૂકી હતી પણ આ લોકોનું શું થાય ?

વેણુ થથરી ગઈ. જયંતની વિદાયનું દુઃખ તેણે પણ અનુભવ્યુ હતું. આ આખો સમય ઊંડા વિષાદમાં સર્યો હતો. જેને એક વેળા ચાહ્યો હતો, જેના વિના એક પણ ચેન પડતું નહોતું એ પતિને જ ભૂલી જવો ? કેટલું કપરું કામ હતું ?

તેની પાસે જયંતના સહવાસના થોડાં વર્ષો હતાં, આત્મીયતાભર્યા થોડાં પ્રસંગો હતાં, છતાં પણ તે બેબાકળી બની ગઈ હતી; જ્યારે આ લોકો સાથે તો જયંતને લોહીનો સંબંધ.

અને પેલી રમાએ તો તેને જન્મ આપ્યો હતો. તેનાં દેહમાંથી તેને ઘડ્યો હતો. એ સ્ત્રી પર કેટલું વીતતું હશે ? વૃદ્ધ તો અહીં સુધી પહોંચ્યા પણ હતા જ્યારે એ રમા તો... એ ગામમાં રહી શું શું નહિ વિચારતી હોય ?

તેને લાગ્યું કે તેણે વૃદ્ધની વાતમાં હોંકારો ભણવો જરૂરી હતો. વેણુએ વિવેકભરી રીતે કહ્યું : ‘બાપુ... તેમને પણ સાથે લાવવા હતા ને ?’

‘તેમને સાથે...?’ વૃદ્ધ એટલું બોલીને અટકી ગયા. તેમણે એક પળ ઊંચે જોયું અને આંખો મીંચી દીધી.

વેણુને લાગ્યું કે તેણે કશી ભૂલ કરી હતી. આ વાક્ય કદાચ બોલવાનું ના પણ હોય. વૃદ્ધને શું અસર કરી શકે, એટલું તેને જ્ઞાન નહોતું જ. અરે, પરિચય જ કેટલાં અલ્પ સમયનો હતો ? તે વિચારવા લાગી કે તેણે હવે શું કરવું જોઈએ, જેથી મનોહર પુનઃ સ્વસ્થ બની શકે.

અચાનક જ વૃદ્ધે આંખો ખોલી. આંખોમાં ચમક હતી. તેમણે સાવ ભીના સ્વરમાં કહ્યું : ‘બેટા... એમણે તો મને આગ્રહ કરીને મોકલ્યો છે, તેનું એક કામ કરવા.’

તેમણે તરત જ ઉત્સાહથી પતરાની બેગ ખોલી. કપડાં આમતેમ ઉથલાવવા માંડ્યા. અંતે એક રેશમી વસ્ત્રમાં બાંધેલો પોટલી કાઢી.

‘અહીં આવ બેટા... આ તારા મટે તારા સાસુએ...’

વેણુ કાંઈક સમજી... અલબત્ત થોડું વિસ્મય તો રહ્યું જ. તે નજીક સરી. વૃદ્ધે વ્હાલથી તેને પાસે બેસાડી.

તેનો આખો ચહેરો જ બદલાઈ ગયો. ચહેરા પરના વિષાદમાં ચમક પણ ભળી. તે હરખથી છલકાતો હોય તેમ લાગ્યું. તેમણે હળવે હાથે પોટલી છોડી.

‘આ તારા ઘરેણાં, તારી સાસુ તરફથી. ખૂબ જ પ્રેમથી આપ્યાં છે.’ વેણુના ખોબામાં અચાનક સુવર્ણનો વરસાદ થયો.

કંગન, હાર, બાજુબંધ... કાનના, નાકના, ડોકના ઘરેણાંઓ ઝળખી ઊઠ્યાં. વેણુ આભી બની ગઈ. તે આ શું જોઈ રહી હતી ? એક સ્ત્રીએ બીજી સ્ત્રીને તેની મમતા મોકલી હતી. એ સ્ત્રીને તેણે ક્યારેય જોઈ પણ નહોતી ? અને એ સમયે કે જ્યારે... ખુદ જયંત જ...

પ્રકરણ - ૮

જીવનનું નામ જ અકસ્માત. અપેક્ષા મુજબ જ ઘટનાઓ હંમેશા ના ઘટે. બે નિયત ઘટનાઓની વચ્ચે અગણિત અગમ ઘટનાઓ. જ્ઞાનની રીતે તો સમજ પડે પરંતુ વહેવારની રીતે ?

વેણુ આ પળે, આવી જ એક આકસ્મિક ઘટનાથી છેદાઈ ગઈ, છિન્ન-ભિન્ન થઈ ગઈ.

તેના ખોબાામં પેલી અજાણ સ્ત્રીએ મોકલેલાં ઘરેણાં હતાં. ઝળહળતાં હતાં. વૃદ્ધની આંખો પર એક બે આંસુ થીજી ગયા હતા અને વેણુને તો થઈ આવતું હતું કે તે મન મૂકીને રડી પડે. શક્ય હોય તો આ વૃદ્ધને ખભે માથું મૂકીને રડી પડે; એટલું રડે કે સાવ ખાલી થઈ જાય.

તે લાગણીવશ બનીને વૃદ્ધને નમી. તેમણે કંપતો હાથ તેના મસ્તક પર મૂક્યો. ખુદ વેમુ જ કંપતી હતી.

‘તું અને જયંત સુખી થાવ.’ વૃદ્ધ એટલું બોલ્યાં.

અને વેણુનું કંપન વધ્યું. તેણે સ્થિર રહેવાની શક્તિ પણ જાણે ગુમાવી. બરાબર એ સમયે... રોશની બંધ થઈ. તે ભાનમાં આવી. ઝટપટ જાતને સંભાળી. આ તો અંધારપટ્ટનો સમય !

વેણુ ઊભી થઈ. વસ્ત્રો સરખાં કર્યા. ઝટપટ બારી-બારણાં બંધ કરીને બોલી : ‘બાપુ... બ્લેક આઉટ થયો.’

‘હા બેટા.... એક વધુ બ્લેક આઉટ. એની હવે એની ક્યાં નવાઈ છે ? લડાઈ બંધ થતી પણ નથી. શું મળવાનું આ યુદ્ધોથી ?’ તે બબડ્યા, સ્વગત વાતો કરતા હોય એ રીતે.

‘બાપુ... હવે તમે જંપી જાવ. બધી ચિંતાઓ ઉપરવાળાને સોંપી દો.’ વેણુની વાત મનોહરને બહુ સરસ લાગી. તે એક જાતનું સુખ અનુભવા લાગ્યા.

‘આ તો અસલ... તેમના જેવી જ છે.’ તેમને મૃત પત્ની યાદ આવી ગઈ. હવે આંસુ વહેવડાવવાનો સમય નહોતો. વહુએ શું કહ્યું હતું ? બધી જ ચિંતાઓ ઉપરવાળાને સોંપી દેવાની.

તેમણે આંખો મીંચી. મનમાં ઈશ્વરનું સ્મરણ કર્યું. દવાની અસર પણ શરૂ થાય જ ને ? ધીરે ધીરે તેમણે અભાનતા પ્રતિ ગતિ કરવા માડં.

વેમુ સરકીને તેના ખંડમાં ગઈ. પલંગ પર ઘરેણાંનો ઢગલો કર્યો અને પછી ઢગલો થઈને પલંગમાં પડી. પડતાં ભેગી જ રડી પડી.

ઓહ ! શું શું બની રહ્યુ હતું તેના જીવનમાં ? જયંતની માતા તરફથી આજે તેને ભેટ મળી હતી; એવી ભેટ મેળવીને કોઈ પણ સ્ત્રી ધન્ય બની શકે. જ્યારે તેની સ્થિતિ સાવ વિચિત્ર હતી. એ તો અન્ય પુરુષને પરણી જવાની હતી, તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. માત્ર એ સમયની પ્રતીક્ષા થઈ રહી હતી.

માત્ર છ માસ પહેલાં જ આ ઉપહાર મળ્યો હોત તો ? તે કેટલી નાચી હોત ? તેનું હૈયું હરખથી છલકાઈ ગયું હોત ? હરખ તો અત્યારે પણ થતો હતો પણ એથી જન્મેલો વિષાદ બધી લાગણીઓને અતિક્રમી જતો હતો. આ વૃદ્ધ ખાસ આટલાં માટે જ આવ્યા હશે ? તેમના ચહેરા પર કેટલી ખુશી ઉભરાતી હતી અને સાથે ગ્લાનિ પણ હતી. એ તો હોય જ ને ? આ સંબંધો કેટલાં ગૂંચવાઈ ગયાં હતાં ?

દોષ ગમે તેનો હોય, પરિણામ તો સહુએ ભોગવવું જ પડ્યું ને ? વેમુ આવાં વિચારો કરતી સતત રડતી હતી. તેને રમાને મળવા મન થવા લાગ્યું. મારે એ સ્ત્રીને મળવું જોઈએ. તે બબડતી હતી.

જો સંબંધો હોત તો એ સ્ત્રી તેની સાસુ હોત અને તે તેની વહુ હોત. આ વહુ શબ્દ અદ્‌ભુત રોમાંચ જગાવતો હતો.

તે જયંતની પત્ની તો બની શકી હતી પણ આ વૃદ્ધોની વહુ બનવાનો લ્હાવો તેને મળ્યો નહોતો.

હવે આવી વાતો સ્મરવાનો અર્થ પણ શો હતો ? તેણે એ સ્ત્રીની ભેટ સ્વીકારી હતી, મન ન હતું છતાં સ્વીકારી હતી. તેઓને ઠેસ ન લાગે એ માટે સ્વીકારી હતી.

એ સ્વીકારવા સિવાય તેની પાસે કયો વિકલ્પ હતો ?

બહારની ગલીમાં રક્ષકોની હરફર શરૂ થઈ ગઈ હતી. ભારે બૂટવાળા પગલાંઓના અવાજ સંભળાવો શરૂ થયો હતો. વાતાવરણમાં સ્તબ્ધતા હતી. આખા નગરમાં અંધકારનું સામ્રાજ્ય હતું.

નીલની યાદ આવતી હતી પણ તેને આ ક્ષણે મળવાનું શક્ય જ નહોતું. તેને આ અસહાયતા ખૂંચી. આ ગુંગળામણનો શો અર્થ હતો ? રાતે ભીડાઈ રહેવું પડતું હતું તો દિવસે પણ ક્યાં શાંતિ હતી ? તે બહાર પણ ક્યારે નીકળી હતી ? બસ... એ સાંજે નીલ સાથે ફરવા નીકળી હતી, નીલે તેને સરસ ઉપહાર આપ્યો હતો અને એ સાંજે જ વૃદ્ધ આવ્યા હતા.

આટલાં નાનકડાં સમયનો પણ બોજ લાગતો હતો. તે ખાસ કશી પ્રવૃત્તિ કરતી નહોતી છતાં પણ થાકી જતી હતી, હાંફી જતી હતી. તેને માંડ માંડ એક દિશા મળી હતી.

તેને આ યુદ્ધ અને આ બ્લેક આઉઠ કાંઈ ગણતરીમાં નહોતા. બ્લેક આઉટની પ્રથમ રાતે તો નીલ તેની સાથે રહ્યો હતો, જોડાયેલાં પલંગોમાં એક તરફ તે સૂતી હતી, બીજે છેડે નીલ.

આખી રાતનું જાગરણ થયું હતું. સતત વાતો ચાલી હતી; યુદ્ધની, પ્રેમની, જયંતની. ક્યારેક નબળી ક્ષણો પણ આવી હતી, પણ નીલે એ સંભાળી હતી.

‘નીલ... આટલું અંતર કપાી શકાતું નથી. એ ખરેખર વિડંબણા જ ગણાય...!’ તે કદાચ મજાકમાં કહેતી હશે અથવા સાચી હોય તેના કથનમાં.

‘સમય આવશે ત્યારે આ અંતર પણ કપાઈ જશે. વેણુ... તું શા માટે ઉતાવળ કરે છે ? તું કાંઈ સાવ તરસી તો નથી.’

નીલનો અવાજ પણ થરથરતો હતો. તેને લાગતું હતું કે એ પ્રયોગ કરવા જેવો નહોતો.

‘નીલ... આ એકને એક, બે જેવી વાત નથી, તને અનુભવ થશે.’ વેણુ બોલી હતી.

બહાર... પગરખાંનો અવાજ આવ્યો હતો.

‘વેણુ... પરોઢ થતું લાગે છે...’ તે બોલ્યો હતો. વેણુ ધીમું ધીમું મલકી હતી. મનમાં છૂપો આનંદ પણ થયો હતો કે નીલ... કાંઈ સસ્તો નહોતો.

‘હવે ક્યાં દૂરની વાત હતી ? અને સંસાર એટલે શું માત્ર એજ વાત હતી ?’ તે મનોમન શરમાણી પણ હતી. તેણે સવારે નીલ પાસે સ્પષ્ટતા કરી હતી, ‘સૉરી નીલ, રાતે ભાવાવેશમાં આવી ગઈ...’

નીલે તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું હતું : ‘વેણુ... એમાં તારો કાંઈ દોષ નહોતો. મને પણ તને આવ્યા હતા એવાં વિચારો આવ્યા જ હતા. મેં મારી જાતને માંડ માંડ સંભાળી હતી. તેં કહ્યાં પછી તો એ કામ કપરું થયું હતું. વેણુ... સમય પહેલાં આગળ દોડી જવામાં શાણપણ તો નથી જ ને ?’

વેણુએ હકારમાં માથું હલાવ્યું હતું.

‘અને હવે... વચ્ચે છે પણ શું ?’ તે હસ્યો હતો.

સાંજે લહેરથી શહેરની ગલીઓ ઘૂમ્યાં હતાં. ખરીદી કરી હતી. વેણુ ખુશખુશાલ થઈ ગઈ હતી. છેલ્લાં છ-સાત માસ દરમ્યાન આટલી હળવી ક્યારેય નહોતી.

માર્ગો પર સૈનિકોની ચહલપહલ હતી. ઠેર ઠેર નાગરિકોને સૂચના આપતા બેનરો લાગી ગયા હતા. ચોકે-ચોકે લોકટોળાઓ ઉભરાતાં હતાં. સહુના ચહેરા પર, ન સમજી શકાય એવો તણાવ હતો. એ માહોલમાં પણ વેણુ હળવી રહી શકી હતી. તેના મનમાં કશું નહોતું, યુદ્ધ તો નહોતું જ.

અને એ સાંજે... વૃદ્ધનું આગમન થયું હતું.

અને પછી એક પછી એક યુદ્ધ શરૂ થઈ ગયા હતા.

જયંતની માતાએ ખોબો ભરીને સુવર્ણના અલંકારો તેને ભેટ મોકલાવ્યાં હતાં. વેણુ ધોધમાર રડી પડી હતી, એ રાતે તેને નીલ યાદ આવ્યો હતો, જયંતની યાદ પણ આવી હતી.

આ ઘર હવે છોડી જવાનું હતું. પછી તે નીલના ઘરે ચાલી જવાની હતી. નીલનું ઘર નવી સજાવટથી સજાઈ રહ્યું હતું. નીલને એનો આનંદ હતો. તેની કેટલાય વર્ષોની એકલતા ભાંગવાની હતી. તે કાયમ એકલવાયો રહ્યો હતો. એક વેળા તો તેને થઈ આવ્યું હતું કે આ દુનિયામાં એનું પોતાનું, અંગત કહી શકાય તેવું કોઈ નહોતું, જેની સાથે તે દિલની વાત કહી શકે, દિલને ખુલ્લું કરી શકે. અનેક લોકો તેના જીવનમાં આવ્યાં હતાં અને ચાલ્યાં ગયાં હતાં. જળના કાંઠાને પણ તરત સહેવી પડતી હોય છે.

વેણુ સાથેનો તેનો પરિચય કેટલો જૂનો હતો, એ તેની સ્મૃતિમાં હતું. સવિતા-સદનની એક ઓરડીમાં તે રહેતો હતો. નવી નવી નોકરી હતી. કાચી ઉંમર હતી. અનુભવ તો શો હોય, જિંદગીનો ? જિંદગી એક અજાણ્યો ભારેખમ શબ્દ હતો, તેને માટે. કમાતો હતો અને લગભગ એટલું ખર્ચ કરી નાખતો હતો. આવતીકાલ તો તેને સ્પર્શતી પણ નહોતી. તેના શોખના વિષય અલગ હતા. તે સાહિત્યનો શોખીન હતો. તેની ઘરવખરીમાં અર્ધો ભાગ પુસ્તકોનો હતો. સાહિત્યકારોના નામ તેના હોઠો પર હતા. પસંદગીના લેખકનું પુસ્તક તેના કબાટમાં આવી જતું હતું. કેટલાક કવિ-લેખકોની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. બસ એ એનું વિશ્વ હતું.

સાવ અંતર્મુખી નીલને પ્રથમ વેણુ જ મળી હતી. જયંત તો એ પછી. નીલ રહેતો હતો એ ઓરડી અને વેણુ રહેતી હતી એ મેડીવાળું મકાન બન્ને સામસામે હતાં. માત્ર સ્મિતોની આપ લે. વેણુના ચહેરા પર એક અકળામણની રેખા પણ ખરી પરંતુ નીલમાં, એ સમયે એ ઉકેલવાની આવડત નહોતી. એ છોકરી જોવી ગમતી હતી નીલને. સાવ સાદા બે જોડ કપડાં, તે એ વારાફરતી પહેરે. બહાર જવાનું થાય ત્યારે વળી સાડી પહેરી હોય અને એય પાછી એકની એક, નીલવરણી.

નીલ વિસ્મયમાં પડી જતો. મેડીવાળા મકાનમાં રહેતાં લોકોનો આવો શોખ હશે કે પછી લોભ હશે ? એ પ્રશ્ન તેના મનમાં રમ્યા કરતો પણ એ તો ક્યારેક જ. પાછો તે પુસ્તકોમાં પડી જતો.

નજીકની વીસીમાંથી ખીસાને પરવડે અને હજમ થવામાં ખાસ મુશ્કેલી ના પડે એવું ભોજન મળી રહેતું હતું. નોકરી દિલ દઈને કરતો હતો. બસ... તેને આ જિંદગી પ્રતિ કશી ફરિયાદ નહોતી. પણ એક સાંજે પેલી વેણુએ તેની પાસે એક ફરિયાદ કરી.

‘હું ખરેખર મૂંઝવણમાં છું. તમે મને મદદ કરશો ?’ તે બોલી હતી. ખરેખર તેના ચહેરા પર એવાં જ ભાવો હતાં.

‘હં.. બોલ.’ નીલ પોતે જ અવઢવમાં પડી ગયો હતો, આ સાંભળીને.

‘હું દુઃખી છું.’ તે માત્ર આટલું બોલી હતી.

શું જવાબ આપે નીલ ? તે પોતાની જાતને પૂછવા લાગ્યો કે તે પોતે શું હતો, સુખી કે દુઃખી ? આ છોકરીને વળી શું દુઃખ હશે ? આમ તો કાયમ હસતી ને હસતી રહેતી હતી.

‘કયું દુઃખ છે ?’ તેના હોઠ પર આપોઆપ પ્રશ્ન ફૂટી ગયો.

તે તેની વાત કઈ રીતે રજૂ કરવી એ વિશે મૂંઝવણ અનુભવી રહી હતી. તે કશું શરૂ કરે તે પહેલા તો એક સાદ આવ્યો :

‘વેણુ... ઓ વેણુ... ક્યાં ચાલી ગઈ ? મહેમાન આવવાના છે ? કેટલા કામ છે ?’

કોઈ સ્ત્રી તેને સાદ પાડી રહી હતી અને તે દોડતી ચાલી ગઈ, પાછળ એક વિસ્મય મૂકીને. નીલ માટે ચિંતનની એક નવી દિશા ખૂલી હતી. એ સાંજ તેણે બારી પાસે જ ગુજારી હતી. સામેના મકાનમાં કશી ચહલપહલ તો હતી જ.

પ્રૌઢ સ્ત્રીના અવાજોનો ટૂંકો ઉત્તર પેલી છોકરી આપતી હતી. ઘર સ્વચ્છ બની ગયું. પછી પેલી છોકરી તૈયાર થતી હોય તેમ લાગ્યું. એકવાર તો તે ફળિયામાં પણ આવી હતી. નીલ આડશમાં રહીને દૃશ્યો નિહાળતો હતો. પેલીએ નીલરંગી સાડી જ પહેરી હતી. તેને એક વિચાર આવી ગયો. શું આની પાસે એક જ સાડી હશે ? શું આ તેનું દુઃખ તો નહિ હોય ને ? બંગબાબુ શરદ્‌ચન્દ્રની નાયિકાઓ ઘોર દારિદ્રમાં જીવતી હતી છતાં એ કાંઈ એ લોકોનું દુઃખ નહોતું.

રવિબાબુની નાયિકાઓની પણ એ જ અવસ્થા હતી. આ વેણુને શું દુઃખ હશે ? હવે તેને નામનો ખ્યાલ આવ્યો હતો.

નીલે ક્યાંય સુધી બારી ખુલ્લી રાખીને સામેના મકાનમાં થતી ગતિવિધિ જોયા કરી. કોઈ મહેમાનો આવ્યા પણ ખરાં. નીલને એ પછી જ ખ્યાલ આવ્યો કે એ લોકો એ છોકરીને જોવા માટે આવ્યા હતા. ‘કન્યા પધરાવો સાવધાન’ જેવી બાબત હતી. તેને વેણુનું દુઃખ સમજાયું. તેને કદાચ પેલો આગંતુક છોકરો પસંદ નહિ હોય અથવા એ પરિવાર પણ ગમતો નહિ હોય. બસ, આવું જ કશું એનું દુઃખ હશે. તે આગંતુકોને તો બરાબર જોઈ શક્યો નહોતો પરંતુ એક વાર વેણુ સામે તો દૃષ્ટિ મળી ગઈ હતી. તે જ્યારે નીલરંગી સાડી પહેરતી ત્યારે તેની સુંદરતા ખીલી ઊઠતી હતી, એ નીલનો અનુભવ હતો.

પણ ત્યારે તે પૂરી રીતે વિષાદમાં ડૂબી હતી. નીલને રસ પડ્યો અને નાખુશી પણ થઈ. શું આ છોકરીને તેની ઇચ્છા વિરુદ્ધ પરણાવી દેવામાં આવશે ? આ ભારે દુઃખ જ કેવાય ને ? અણગમતાં પાત્ર સાથે પરણવું અને આખી જિંદગી તેની સાથે જ....

નીલને કમકમા આવી ગયા. તેણે આવી ઘણી કથાઓ વાંચી હતી. પછી પેલી વેણુનું દુઃખ તેનું થઈ ગયું. તે રોજ સવારે વેણુને તેના ફળિયામાં કામ કરતી જોયા કરતો. દૃષ્ટિઓ મળતી ત્યારે પેલી સ્મિત પણ કરતી હતી. પરંતુ તે એ પછી તેની પાસે આવી નહોતી. શું થયું હશે ? તેના મનનું સમાધાન થઈ ગયું હશે ? કદાચ, તેને પેલો આગંતુક પસંદ પણ પડી ગયો હોય અને તેનું દુઃખ સુખમાં પલટાઈ ગયું હોય ?

નીલે, એ પછી વેણુના વિચાર કરવાનું છોડી દીધું. તેની પાસે તેની પ્રવૃત્તિઓ તો હતી જ. તે એમા ડૂબી ગયો. મન મનાવ્યું કે આવું તો બન્યા કરે, નવલકથાઓમાં અને જીવનમાં.

એક દિવસ... વેણુની ચિઠ્ઠી આવી. કોઈ નાનું બાળક આપી ગયું. નીલે નોંધ્યું કે અક્ષરો સારા અને મરોડદાર હતા. લખાણમાં લખનારની મનોસ્થિતિનું દર્શન થતુ ંહતુ.ં

લખ્યું હતું : ‘નીલ... મારી વેદના એ નથી કે મારે કોઈ અણગમતી વ્યક્તિ સાથે જોડાવું પડે, જિંદગી ગુજારવી પડે. એ તો હું કરી જ રહી છું, જ્યારથી સમજ આવી ત્યારથી. મારી વ્યથા અલગ છે. મને ક્યાંય સાચો પ્રેમ મળ્યો નથી. મને એની ભૂખ છે. એ માટે જ તમારું માર્ગદર્શન મેળવવા આવી હતી. મને ખબર છે, તમે સહૃદયી છો. તમારા સ્મિતમાં પણ સહાનુભૂતિ અનુભવું છું. એક તમારા પર મન ઠર્યું છે. તમે જરૂર માર્ગ બતાવશો. હવે શુષ્ક વહેવારોથી થાકી છું. મારે સાચો પ્રેમ પામવો છે, જે મને ફૂલની માફક જીવતી રાખે. નીલ... મદદ કરશો મને ?

તમારું નામ તો ઘણા સમયથી જાણુ છું. સાચું કહેજો તમને મારું નામ વેણુ છે, એ ક્યારે ખબર પડી ?’

નીલ ઊંડા વિચારમાં પડી ગયો. પત્ર વારંવાર વાંચ્યો. વાંચવો ગમે તેવો હતો. પણ આ કેવો પ્રશ્ન હતો ? તેની શી અપેક્ષા હતી, નીલ પાસે ?

આ છોકરી ખરેખર દુઃખી હતી કે મનોરોગી ? કે પછી દુનિયાદારીની ઝાઝી ગતાગમ પડતી નહોતી ? અલબત્ત, પત્રલેખનમાં તો કવિતા હતી.

નીલને ખાસ રસ નહોતો તો પણ એ છોકરીની વાતમાં ખૂંપતો ગયો. તેના રસના વિષય, વાચનનો પણ ભોગ લેવાતો ગયો. આમ જ ચાલ્યા કરત પણ એમાં અંતરાય આવ્યો.

નીલના દૂરના કાકા યુ.કે.થી આવ્યા. પૈસાપાત્ર હતા અને નિઃસંતાન હતા. આ શહેરમાં જ તેમનો ફ્લેટ હતો, પોશ વિસ્તારમાં. આમ તો કેટલાક વર્ષોથી યુ.કે.માં હતા, બિઝનેસ કરતા હતા. પૈસો આવે એટલે એને અનુરૂપ શોખ પણ આવે. અહીં બિઝનેસ સર્વે માટે આવ્યા હતા. પત્ની ત્યાં જ રહી હતી, ધંધો સંભાળવા.

અને તેમની ઇચ્છા શક્ય હોય તો અહીં જ સ્થાયી થવાની હતી. કારણ ગમે તે હોય, વતનમાં પુનરાગમનની ઇચ્છા કે પછી પત્ની સાથેના મતભેદો, તે અઢળક પૈસા સાથે આવી ચડ્યા હતા.

તેમને અચાનક નીલ યાદ આવી ગયો.

‘હા... એ નીલ અત્યારે તો યુવાન હોય... અને મદદમાં પણ આવી શકે.’

બસ નીલનું ભાગ્ય પલટાઈ ગયું. તે મળ્યો... વાતો કરી. યોજનાઓ તૈયાર થઈ ગઈ.

તે અચાનક ઓરડીમાંથી તે સ્વજનના ફ્લેટમાં પહોંચી ગયો. બધું ત્વરાથી ગોઠવાઈ ગયું. એ ધમાલમાં પેલી વેણુ અને તેનો પત્ર એ બધું જ વીસરી જવાયું. ઉતાવળે ઉતાવળે તેણે નિર્ણયો લીધાં. આમાં જોખમ તો હતાં જ, પણ જોખમો તો સ્વીકારવા જ પડે. યુવાનીનો અર્થ જ જોખમો સ્વીકારવા અને સામનો કરવો.

બરાબર એ સમયે જ તેને જયંતનો અણધાર્યો ભેટો થઈ ગયો. તેણે જયંતને પોતાની ઓરડીમાં ગોઠવી દીધો. મકાન માલિક તો કશી ખોટમાં હતો નહિ. તેણે વ્યવસ્થા મંજૂર રાખી. શાંત, વાચનમાં રચ્યોપચ્યો રહેનાર નીલ અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયો. તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેના જીવનમાં સાવ અચાનક, આવી ભરતી આવશે.

અને જયંત ગોઠવાઈ ગયો એ ઓરડીમાં. સામાન લઈ જતો હતો ત્યારે નીલને પેલી છોકરી યાદ આવી ગઈ. મૂળ લાગણીભીનો માણસ. વેણુ તો દરવાજે ઊભી ઊભી આ ગતિવિધિ ફાટી આંખો જોઈ રહી હતી. નીલ થંભ્યો હતો. તેને સંકેતથી પાસે બોલાવી હતી.

‘વેણુ... જવું પડે છે એટલે ગયા વિના છૂટકો નથી. મારો મિત્ર જયંત અહીં જ છે. મેં તેને તારી વાત જણાવી છે. તે તને મદદ કરશે. એ તો વળી મારા કરતાં પણ વિચક્ષણ છે, પાવરધો છે. ખૂબ ખૂબ ભણેલો છે અને હું પણ આવતો રહીશ...’

નીલે તેના પરિવર્તનની સ્પષ્ટતા કરી હતી, સાંત્વના આપી હતી અને એથી પણ વિશેષ વેણુને જયંતને સોંપી હતી.

વેણુ આજ્ઞાંકિત છોકરીની જેમ શ્રદ્ધાથી તેને સાંભળી રહી. જયંત સાથે જ હતો. તેના ચહેરા પર પણ વિસ્મયના ભાવ હતા. શું કહી રહ્યો તેનો નવો મિત્ર ? અને કોણ હતી આ છોકરી ?

જયંત અને વેણુ બન્નેની નજરો બે પળ માટે અથડાઈ હતી.

અને વેણુ તરત ભીતર ચાલી ગઈ. નીલને દુઃખ તો થયું. એક પળ એમ પણ થયું કે કાકાની વાતનો અસ્વીકાર કરી નાખ.

એ પણ ક્યાં શક્ય હતું ?

પ્રકરણ - ૯

પરોઢ ઊગતાં જ એક બ્લેકઆઉટ અસ્ત થયો. વાતાવરણમાં એક ન સમજાય તેવો ભાર હતો. સામાન્ય પરોઢ તો નહોતું જ.

વેણુના આખા અસ્તિત્વ પર કશું ભારેખમ લદાઈ ગયું હતું. રાતભર તે જંપી શકી નહોતી. નિદ્રા વેરણ થઈ ગઈ હતી. રાતભર પાસાં બદલતી રહી, મનને ટપારતી રહી પણ ઊંઘથી તો દૂર ને દૂર જ રહી. નીલની યાદ તીવ્રતાથી ઝળુંબતી રહી.

નીલ પાસે હોત તો, તેને આટલી પીડા ના થાત.

નીલને કામના ઢગલાં હોય પછી તે પણ શું કરે ? કાકા... તેમનો ધંધો આટોપીને યુ.કે. ચાલ્યા ગયા હતા. પત્ની સાથે સમાધાન પણ થયું હતું. આ ઉંમરે મતભેદ અને પાછું સમાધાન ?

નીલ એ બધી વાતો કેટલી સરળતાથી કહેતો હતો, જાણે હવામાનની વાતો ના કહેતો હોય ? વેણુને આશ્ચર્ય થતું. તેને તો બે પુરુષોનો અનુભવ હતો, અને એ બન્ને કાંઈ એટલાં જટિલ નહોતાં કે સમાધાન કરીને જીવી ના શકાય ?

જયંત સાથનાં સહજીવન બાબત વેણુને કાંઈ ફરિયાદ નહોતી અને નીલ સાથે તે સંસાર માંડી રહી હતી. એ કાંઈ અજાણ્યો નહોતો. અરે, ખૂબ જૂનો, છેક સવિતા-સદનમાં હતી ત્યારનો પરિચય હતો. તેણે તો નીલને ચિઠ્ઠી પણ લખી હતી. કેવું કેવું લખ્યું હતું ? લખ્યું હતું કે તે પ્રેમભૂખી છે. તેને કોઈ સાચા હૃદયથી લાગણું આપતું નથી.

વેણુ એ યાદ કરીને અત્યારે પણ હસી પડતી હતી.

વેણુએ ઘરેણાંની રેશમી પોટલી હાથમાં લીધી, એક ટશે ક્યાંય સુધી ભાવથી જોઈ રહી. પછી ભાવવિભોર થઈને હૈયે ચાંપી. ક્યારેય ન જોયેલી સ્ત્રીને હૃદયપૂર્વક યાદ કરી.

તેની એક હોંશ પૂરી થઈ હતી. પણ એ ક્યારે ? ઈશ્વરના ગણિતમાં પણ ખામી રહી જતી હશે ? પેલાં વૃદ્ધ પાસે તો તેણે ખુદે એક આશા મૂકી હતી, જયંતને જીવંત કર્યો હતો. તેને એ સમયે એક સૂઝ્‌યું હતું. પણ... હવે શું બનવાનું હશે ? તે વિચારતી હતી, ક્યારેક એ વિચારતા પણ ડરતી હતી.

એ પછી એને નીલ સાંભરી આવતો.

તેણે ઘરેણાંની પોટલી સંભાળીને કબાટમાં મૂકી. પછી તરત જ તેનાં પગલાં પરસાળમાં ગયાં જ્યાં વૃદ્ધ હતા. તે પલંગ પાસે પહોંચી. વૃદ્ધ હજુ ઊંઘમાં હતા, દવાની અસર હજુ પણ ચાલુ હતી, એમ લાગ્યું. તેમના ચહેરા પર શાંતિ હતી, નિર્ભેળ શાંતિ.

‘તેમને કેટલી શાંતિ થઈ હશે, મને ઘરેણાંની ભેટ આપીને ? જિંદગીનો એક મકસદ પૂરો થયો હશે કદાચ.’ તે વિચારતી હતી.

‘પણ બીજો મકસદ... જયંતને મળવાનો, ક્યારેય પૂરો થવાનો નહોતો. એ કેવડી મોટી પીડા હતી ?’

સમય તો એની રીતે ગુજરતો હતો. વૃદ્ધ પુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આર્મીમાંથી ક્યારે ઘરે આવ ને ક્યારે...

આ કેટલી નિસહાયતા હતી ? વેણુએ માંડ માંડ મનને સંભાળ્યું હતું ત્યાં ફરી બંધ કરેલો અતીત ઉખળતો હતો. તે નીલને પરણવાની હતી, સમર્પિત થવાની હતી, એ શું આ રીતે ?

આખરે તે જે કરી રહી હતી એ જયંતની અંતિમ ઇચ્છા હતી. દુનિયા ગમે તે કહે, તે અને નીલ એની પરવા કરવાના નહોતા. તેણે મન મક્કમ કર્યું હતું. બધી તૈયારીઓ કરી લીધી હતી. કૉર્ટ-મેરેજની તારીખ પણ નક્કી હતી. તે અને નીલ બન્ને ઉદાસીમાંથી બહાર આવી ગયાં હતાં. પણ ત્યાં જ...

પણ એમનોય શો દોષ ? કેટલીક ઘટનાઓ જ એવી રીતે બનતી હોય છે કે એના વિષે વિચારતા મન અને તન બન્ને થાકી જાય. આ એમ જ થઈ રહ્યું હતું. વેણુ તો થાકી હતી. હજુ એ દિવસ તો દૂર હતો પરંતુ નિકટ તો આવી જ રહ્યો હતો.

આખી રાતની અસ્વસ્થતા છતાં પરોઢે વેણુમાં તાજગી પૂરી. તે મનોહર પાસે આવી ને મનમાંથી ખોટાં વિચારો ખસી ગયાં. તેણે વૃદ્ધને પ્રણામ કર્યા. તે સાવ હળવી બની ગઈ.

‘બેટા... તારા સાસુનો ઉપહાર તને ગમ્યો ?’ વૃદ્ધે ઊઠતા વેંત જ તેને પૂછ્યું. તેમના ચહેરા પર પ્રસન્નતા લીંપાઈ હતી.

‘હા... બાપુ. આ ઉપહાર કોને ના ગમે ?’ તેણે નમ્રતાથી ઉત્તર વાળ્યો. વેણુના મનમાં કોમળભાવો હતાં, એ જોઈને વૃદ્ધ ભાવવિભોર બની ગયા.

‘વેણુ... તારી સાસુને ભારે હોંશ હતી, વહુને જોવાની, શણગારવાની. આ પોટલી તો તેણે વર્ષો પહેલાં તૈયાર રાખી હતી. જયંત તો ત્યારે બદલાપુરમાં ભણતો હતો. હા, વહુ એનાં ઘાટ જૂના જમાનાના હતા, પણ સોનું તો સો ટચનું. તેમણે સામે બેસીને તૈયાર કરાવેલા. ગોવિંદ સોની તો ઘરનો માણસ, તો પણ તારી સાસુ તો સૂચના આપ્યા જ કરે. ઘાટ ન ગમે તો સુધરાવ્યા કરે.’

વૃદ્ધ ઘણું ઘણું બોલી ગયાં, એક શ્વાસે. જરા થાક ખાવા રોકાયા પણ ચહેરો તો હરખથી લથબથ. વેણુ જોતી જ રહી ગઈ.

‘બાપુ... તેમને કેમ ના લાવ્યા ?’ તે બીજી વાર પૂછી બેઠી. ‘લાવવા હતા ને... મને કેટલો આનંદ થાત ?’

વૃદ્ધ શો જવાબ આપે ? બસ... આંખો મીંચી દીધી. વેણુને લાગ્યું કે આ જવાબ ટાળી રહ્યા હતા. કશી ગાંઠ હશે. સમસ્યા કે લાચારી હશે. એ કદાચ અહીં આવવા તૈયાર પણ નહિ થતા હોય. લાગણી હોય ત્યાં જીદ પણ હોય. એ સ્ત્રી જયંત પર અત્યંત લાગણી રાખતી હતી. મા હતી ને ? જયંતે એ સ્ત્રીની કેટલી મધુર વાતો કહી હતી.

એ વાતો થકી તો વેણુ ખુદ એ સ્ત્રીને સમજી શકી હતી, આત્મસાત્‌ કરી શકી હતી.

તો પછી આ વૃદ્ધ એકલા શા માટે આવ્યા હશે ? કદાચ... પેલી રેવતીનો પ્રશ્ન પણ ડંખ્યો હોય.

‘બેટા... તેમનું શરીર... ક્યાં હવે ઝીંક ઝીલે છે ?’ તે હળવેથી બોલ્યો.

‘તેમને ઠીક નથી, બાપુ ?’ વેણુના સ્વરમાં કોમળતા ભળી. તે જાણે કે એ વૃદ્ધની પીડામાં તણાવા લાગી !

‘બેટા, હવે ઘડપણમાં તો આવું જ.’ વૃદ્ધે અર્ધસત્યનો આશરો લીધો. તેમને આટલું કરતાં પણ ખૂબ કષ્ટ પડતું હતું. પત્નીનું મૃત્યુ ક્યાં છતું કરવું હતું ? બાદલપુરમાંથી નીકળ્યા ત્યારે જ ગાંઠ બાંધીને નીકળ્યાં હતાં કે આ વાત જયંતથી છાની રાખવી. તે જાણતા હતા કે દીકરાને મા પર અત્યંત લાગણી હતી. તે આ સત્ય સહી ના શકે. આઘાત લાગે તો એની અસર ગમે તે થઈ શકે. કશું થઈ જાય તો ? આ કારણસર જ તેમણે રમાના મૃત્યુના ખબર, રામભાઈનો આગ્રહ હોવા છતાં પણ, પુત્રને પાઠવ્યા નહોતા. રીસ-રોષનો પ્રશ્ન ગૌણ હતો. એ વિચાર પણ આવ્યો તો હતો જ, પણ એ આવેગ થોડો સમય રહ્યો હતો.

સ્થિર બુદ્ધિ થયા પછી તો આ વિચાર જ રહ્યો હતો. ગમે તેમ તોય પોતાનો પુત્ર હતો.

‘બાપુ, તેમની પાસે કોણ છે અત્યારે ? પેલી રેવતી...’ વેણુ ખરેખર પીડાના વહેણમાં તણાવા લાગી. તેની સમક્ષ પીડા સહેતી, પથારીવશ એક વાત્સલ્યમૂર્તિ સ્ત્રી આકારાઈ રહી હતી.

મનોહર જરા ચમક્યો. તેમને વેણુ આમ વાત કરી રહી એ ગમતું હતું. આટલી આત્મીયતાથી પત્ની સાથે વાતો થતી હતી. ક્યારેક રેવતી થોડી વાતો કરતી હતી. જોકે તે તો લગભગ મૂંગી જ રહેતી હતી. તેના હાવભાવ ચહેરા પર વાંચી શકાતા.

અને એ મૌન ખૂબ દાહક બની જતું. પતિ-પત્ની બન્ને હચમચી જતાં. આ તે કેવું તપ ? તે જાણતી હતી કે તેનો મનનો માનેલો પુરુષ તો પરાયો બની ગયો હતો. તેને તે ફરી પામવાની નહોતી. તો પણ તે શાંતિથી... કોઈ જાતની અપેક્ષા કે ફરિયાદ વગર... જીવન જીવી રહી હતી. આ ઉંમર આમ વેડફી નાખવાની નહોતી. રમાએ તેને અન્ય સ્થળે લગ્ન કરી લેવા માટે, રડતાં રડતાં અનેક વાર સમજાવી હતી પણ તે તો મક્કમ મન કરીને બેઠી હતી.

‘ના... બા, આ મારું ઘર છે. હવે એ છોડીને ક્યાંય નથી જવું...’

તે એક જ ઉત્તર વાળતી.

‘આમ આયખું ઓગાળી નાખવાનો શો અર્થ, બેટા ? તારેય ઓરતા હોય ને ? તારી મા મને ઠપકો આપતી હશે. મેં તો તને દુઃખી દુઃખી કરી મેલી. બેટા.... રેવતી કાંઈક વિચાર.’

પણ તે એકની બે ના થઈ.

‘બા... મને તમારે કાઢવી છે ? મને બધું જ મળી ગયું છે. કશાની અપેક્ષા નથી. એક વાર માનેલા પતિને છોડીને બીજે ક્યાંય નથી જવું. એ ભલે ન માને. મારે મન તો... !’

રેવતીની વાતો સાંભળીને રમા રડી પડતી.

‘બા... એ બન્ને અહીં આવશે તો હું એ બન્નેની સેવા કરીશ. મારે કોઈ ફરિયાદ નથી.’

આ બધી જ વાતો અંતે મનોહર પાસે તો પહોંચી જતી. પતિ-પત્ની મળતાં ત્યારે આપોઆપ હૈયાં ખાલી થઈ જતાં.

રેવતીની વાત નીકળતી અને એ બન્ને ઊંડા વિષાદમાં ડૂબી જતાં. કઈ માટીમાંથી ઘડાઈ હતી આ છોકરી ? આટલું દુઃખ છાતીમાં ભરીને બેઠી હતી છતાં તે કોઈને દોષ દેતી નહોતી. જયંતને પણ નહિ. અને આ પ્રેમાળ દંપતીને તો રજમાત્ર દોષ આપે ખરી ? તે તો એ બન્નેને પૂજતી હતી, આદર આપતી હતી.

ક્યારેક બોલવું જ પડે તેમ હોય ત્યારે જાતને જ દોષ દેતી. ‘મારાં ભાગ્યમાં આમ લખાયું હશે, એ મિથ્યા થાય ?’

એય દુઃખી તો થતી જ હશે પણ એ દુઃખને ભીતર ભંડારીને બેઠી હતી. તેણે કહ્યું જ હતું, જયંતના ગયા પછી.

‘બા... બાપુ... મને મારો માર્ગ મળી જશે. તમે એક દયા કરો. મને જવાની રજા આપો. હું અહીં રહું એનો અર્થ એ જ થાય કે એ પછી અહીં પગ ના મૂકે, તમારે વિજોગ સહેવો પડે.’

રમા ચોધાર આંસુએ રડી પડી હતી.

‘રેવતી, બેટા... આ વાત ક્યારેય ન કરતી, વિચારતી પણ નહિ. તારે અમને શું નિરાધાર કરી મૂકવા છે ? જયંત આવશે એ વાત ભૂલી જા. તું તો મારી દીકરી છું.’

મનોહરે પણ એ જ વાત મક્કમતાથી કહી.

અને રેવતીએ પણ વચન આપ્યું કે તે આ ઘર નહિ છોડે. જયંત અને એની સ્ત્રી આવશે તો તેમની પણ સેવા કરશે.

આ છેલ્લી વાત તેણે કોઈ જાતની કડવાશ વગર કહી હતી.

વેણુના મુખે રેવતીનું નામ સાંભળીને મનોહર ચકિત થઈ ગયા.

‘તું રેવતીને જાણે છે ?’ તેમણે વેણુ સામે જોઈને પૂછ્યું.

અને પછી વેણુના મુખભાવ અવલોકીને ઉમેર્યું પણ ખરું,

‘તને જયંતે કહ્યું હશે...’

વેણુ મૂંઝવણમાં પડી ગઈ. તેને એક પળ થઈ આવ્યું કે વૃદ્ધને રેવીતનો ઉલ્લેખ ગમ્યો હશે કે નહિ, કારણ કે તેમની દૃષ્ટિમાં તો રેવતી પ્રતિનો પક્ષપાત જ હોય ને ! તે બન્ને તો એ રેવતીને જ પુત્રવદૂ ગણતા હતા. વેણુ તો એક અણગમતું પાત્ર હતું. જોકે વૃદ્ધના વર્તનમાં ક્યારેય આવું લાગ્યું તો નહોતું. તે તો સરસ વર્તાવ કરતા હતા.

ખરેખર તો તેમની લાગણી ક્યારેક તેને અકળાવતી હતી. આવી પ્રેમાળ વ્યક્તિ સાથે જયંત કઈ રીતે આમ વર્તી શક્યા હશે ? તે એ રેવતીને પરણ્યા હોત તો ? ભલે એ સુખની લ્હેરખી મને ન સાંપડી હોત પણ પેલી રેવતી તો તરબોળ થઈ જ હોત ને ? અને કદાચ આ અકસ્માત પણ ન થયો હોત. એ છોકરીના ભાગ્ય કદાચ સારા લખાયાં હોય.

ત્યાં જ વૃદ્ધ મૌન તોડ્યું.

‘બેટા... મને તું ગમી. તેં મને ખુશ કરી દીધો. તને કોઈના પ્રતિ દુર્ભાવ નથી. જયંતને તું મળી એ સારું થયું. તારી સાસુ હોત તો... કેટલી પ્રસન્ન થાત - તને જોઈને ?’

‘બાપુ... અમારી જ ભૂલ ગણાય. અમારે આપના આશીર્વાદ અને ક્ષમા માગવા આવવું જોઈએ. હવે તો... અંજળ જ..!’

તે આગળ ન બોલી શકી કારણ કે તે જામતી હતી કે એ હવે બનવાનું નહોતું, ક્યારેય પણ...

વૃદ્ધ એ પળે મૃત પત્નીને સ્મરતા હતા.

ચાર આંખો ભીની થઈ. બન્નેના દુઃખ અલગ અલગ હતાં.

‘આ તો મેં તને દુઃખી કરી...’ વૃદ્ધનો સ્વર લાગણીસભર બન્યો.

‘ના... બાપુ... વાત તો નીકળે. માણસ છીએ ને ?’ વેણુએ સાડીના પાલવથી આંખો લૂંછી. સ્હેજ હળવી થઈ.

ના... મન મક્કમ કરવું જ પડશે. નહિ તો કોઈ નબળી ક્ષણે... જયંતના મૃત્યુની વાત... હોઠથી નીકળી જશે...! તેણે શિથિલ થતાં મનને ટપાર્યું.

વૃદ્ધ પણ એ જ મથામણમાં પડ્યાં હતાં.

‘હું કેમ ઢીલો પડ્યો ? રમાના મૃત્યુની જાણ થાય તો વહુને કેટલો આઘાત લાગે ? તેને પણ લાગણી બંધાણી છે રમાની. અને જયંત પણ જાણે જ ને ? ના - ભૈ ના. મારે મન પર પથ્થર મૂકવો પડશે. આ વહુ હોશિયાર છે. જરા ગફલતમાં રહ્યો તો... બધું ધૂળધાણી થઈ જશે. વેણુને તો રેવતી પર પણ ભાવ છે... આ કાંઈ નાની વાત ના કહેવાય ? અરે, હવે તો પ્રશ્ન થશે કે...’

અને તે એ બિંદુએ અટકી ગયા. એ બન્ને પાત્રોની તુલનાનો શો અર્થ હતો ? એવું કરાય જ નહિ.

બન્ને ઉદાત્ત હતાં, એકમેક પ્રતિ સહિષ્ણુ હતાં અને તેમ છતાં પણ ક્યારેય મળ્યા નહોતાં. અદ્‌ભુત કહેવાય આ સ્ત્રીઓ.

મનોહર ફરી ગદ્‌ગદ્‌ થઈ ગયા.

બરાબર... એ સમયે નીલનું આગમન થયું. વેણુ તો ખુશખુશાલ થઈ ગઈ. જો વૃદ્ધની હાજરી ન હોત તો, નીલને વળગીને રડી પડત. તે ભાવ પ્રદર્શિત કરતી ઊભી થઈ. નીલ પણ તેને જ નીરખી રહ્યો હતો.

‘કોણ... નીલભાઈ ?’ વૃદ્ધે નીલને પકડી લીધો.

નીલ સભાન થયો. તેને લાગ્યું કે તેણે આ રીતે પકડાઈ જવું ના જોઈએ. તે તરત જ વૃદ્ધ પાસે બેસી ગયો.

‘હા... બાપુ, હું નીલ...’ તેણે પણ વેણુનું સંબોધન અપનાવી લીધું.

‘આવ... ભાઈ, જયંતનો મિત્ર ? ખરું ને...’ વૃદ્ધ, ઓળખાણ પડતાં હળવા થઈ ગયા.

‘હા... બાપુ, કેમ છે તબિયત ? ફાવે છે ને - અહીં ?’ નીલે સ્વસ્થ થઈને ખુશીખબર પૂછ્યા. એ દરમ્યાન, વેણુ પાણી લઈને આવી. નીલને વેણુને જોઈને અચરજ થતું હતું. આમ સાડીના વેશમાં જોવાનો મહાવરો જ ક્યાં હતો ?

તેને અછડતો વિચાર આવી ગયો કે વેણુએ તેણે ભેટ આપેલ નીલરંગી ડ્રેસ પહેર્યો હશે કે નહિ. અને પોતે જ જવાબ આપી દીધો હતો.

‘આ બિચારી ખરી ફસાઈ હતી.’ તે વિચારતો હતો.

‘બાપુ... લડાઈ શરૂ થઈ ગઈ...’ તે બોલ્યો તો ખરો પણ પછી પસ્તાવો પણ થયો કે વૃદ્ધ પાસે આ વાત શા માટે છેડી. તે ખરેખર તો આ વાત વેણુને કહેવા ઇચ્છતો હતો.

‘લડાઈ શરૂ થઈ ગઈ ? ખરેખર...?’ વૃદ્ધના પ્રત્યાઘાત હતા.

‘હા... બાપુ... રેડિયો પર સત્તાવાર સમાચાર આવી ગયા. બીબીસી પર પણ વિગતવાર...!’

નીલે એકીશ્વાસે કહી નાખ્યું. વેણુ પાણીનો પ્યાલો ઝાલીને ઊભી રહી ગઈ. તેને આવનાર પ્રશ્નની ખબર પડી ગઈ.

તેણે અને નીલે દૃષ્ટિ મેળવી લીધી. કશો સંકેત પણ થઈ ગયો, વેણુ દ્વારા.

‘એનો અર્થ એ થયો કે જયંત હમણાં નહિ આવે...’ તેમણે નિઃશ્વાસ નાખતાં કહ્યું. મોં સાવ પડી ગયું.

‘બાપુ... હમણાં થોડાં દિવસ તો આવાં જ જવાના. લડાઈ એટલે લડાઈ...’ નીલને વાતને વધારવા સિવાય છૂટકો જ નહોતો.

‘હા... બેટા, તારી વાત સાચી. પણ એનાં સમાચાર પણ ના મળે ? મોરચા પરથી વાત પણ ના કરી શકે ? વહુ... કાયમ સમાચાર કેવી રીતે આવે છે ? ફોન પર વાત તો થાય છે ને ? એ કયા ફોન પર...?’ વૃદ્ધની તાલાવેલી ચિંતામાં બદલાઈ ગઈ.

‘બાપુ, નિયમિત... પત્રો આવતા.’ વેણુએ મૌન તોડ્યું. તેને લાગ્યું કે જયંતનો વિષય હતો એટલે તેણે બોલવું તો જોઈએ. બાકી તેને વળી લશ્કરના નિયમોની શી જાણકારી હોય ? કેવી રીતે સંદેશા આવે ? ક્યારે આવે... ? કશી જાણકારી નહોતી. એ જૂઠે તેને ક્યાં લાવી દીધી હતી... એ વાતે તે અકળાતી હતી.

‘બરાબર... હમણાં તો ક્યાંથી આવે ? સરહદ ઘણાં સમયથી સળગે છે. જયંત પણ એ મોરચા પર ક્યાંક હશે જ. તેને તારી ચિંતા તો થતી જ હોય ને ?’

‘નીલે કહ્યું છે ને કે યુદ્ધસ્ય વાર્તા રમ્યા. એ શું સાવ અમસ્તું ? જયંત જેવાં અનેક યુવાનો... મોરચા પર હશે જ ને ? તેઓના આપ્તજનો પણ હશે જ ને ? શિક્ષક છું એટલે સમજ છે કે મારે આવાં વિચારો ના કરવા જોઈએ. દેશ અને જનની માટે સર્વસ્વ ન્યોછાવર કરવું જોઈએ. પણ નીલ, સાથોસાથ એક બાપ પણ છું ને ?’

આટલું બોલતા તે ભાંગી પડ્યાં. નીલે તેમને સંભાળ્યા.

વેણુય બોલી : ‘બાપુ... ઈશ્વર પર ભરોસો રાખો. એ સહુનું ભલું કરતો હોય છે.’

‘સાચું બોલી બેટા. તારી સાસુ પણ એમ જ...’ વૃદ્ધ કાંઈક સ્વસ્થ થાય. નીલનો શ્વાસ હેઠો બેઠો.

વેણુને જયંત યાદ આવી ગયો. એ જીવંત હોત તો આ કશું પણ બનત ? વૃદ્ધને તો સંભાળ્યા પણ પોતાની જાતને તે સંભાળી ન શકી.

‘વેણુ... બેટા, નીલ આપણી સાથે જ જમશે. તેની હાજરીમાં મને ઠીક લાગે છે. નીલ... બેટા...’ તેમણે બન્ને સામે જોયું હતું.

પ્રકરણ - ૧૦

નીલ જ્યારે વેણુની વિદાય લઈને નીકળ્યો ત્યારે તેની અસ્વસ્થતા રજમાત્ર ઓછી થઈ નહોતી. તેની સમક્ષના પ્રશ્નોમાં ઉમેરો થયો હતો.

અલબત્ત, તે વેણુને મળી શક્યો હતો. તેની સાથે થોડી વાત પણ કરી શક્યો હતો. મન જોકે ભરાયું નહોતું તો પણ સાવ ખાલી પણ નહોતું. આવી વાતો થાય એ તો અપેક્ષિત હતું કારણ કે એક પિતાને, આ સ્થિતિમાં પુત્રની જ યાદ આવે એ સહજ હતું, પરંતુ વેણુ માટે અને કાંઈક અંશે નીલને પણ અભિનય કરવો કઠણ હતો.

જોકે તેને એક સંતોષ જરૂર થતો હતો કે તે બન્ને એક ઉમદા કાર્ય કરી રહ્યાં હતાં. એક પિતાને આઘાત ન લાગે એ માટે મથામણ કરી રહ્યાં હતા.

જમ્યાં પછી વૃદ્ધ વામકુક્ષિ કરતા હતા ત્યારે તે હળવેથી વેણુ પાસે પહોંચી ગયો હતો. વેણુ તેની પ્રતીક્ષા જ કરતી હતી. તેની આંખોમાં એ ભાવ હતો.

વેણુના હાથ એંઠા હતાં. તે રસોડાને સમેટી રહી હતી.

‘વેણુ...’ એમ કહેતો નીલ તેની પાસે ઊભો રહ્યો.

‘નીલ... તમે થાકી ન જશો. આમ કરવું જ પડશે.’ તે બોલી. ગઈ રાતે તો તે ખુદ જ થાકી ગઈ હતી, નીલ પાસે હોય એમ ઇચ્છતી હતી અને અત્યારે તે નીલને આશ્વાસન આપતી હતી.

‘હા... વેણુ...’ નીલે તેનાં ખભા પર હાથ મૂકતાં જવાબ વાળ્યો. વેણુને નીલનો સ્પર્શ ગમ્યો. તે હસી પણ ખરી.

‘નીલ... રાતે તું આવી શકીશ, આઠ પછી ?’ તેણે અચાનક પૂછ્યું.

‘અહીં...?’ નીલ ચકિત થઈને પ્રેયસીને જોઈ રહ્યો. વેણુના ચહેરા પર ચમક હતી.

‘હા, નીલ. તું આખી રાત મારી પાસે રહેજે. સવારે ચાર વાગે... પાછા ફરવામાં તને મુશ્કેલી નહિ પડે કારણ કે એ સમયે અંધારપટ...નો સમય પૂરો થાય અને પરોઢ થાય.’ તે ઉખાણા જેવું બોલી.

‘વેણુ... તને થાક લાગ્યો છે. આ કેવી રીતે શક્ય છે, એ મને કહે.’ નીલે તેના ખભા વ્હાલથી દબાવ્યાં.

‘નીલ... એ રાતે ઊંઘની ગોળી લે છે અને થોડી વારમાં તો ઘસઘસાટ નીંદર લાગી પણ જાય છે અને સવારે પાંચ વાગે આંખ ખુલે છે...’

વેણુએ ઘટઃસ્ફોટ કર્યો.

નીલ થોડું વિચારવા લાગ્યો. તેના હાથ પાછા મૂળ સ્થાને આવી ગયા. વેણુ જરા દૂર ખસી. કપાળ પરની બિંદી સ્થાનભ્રષ્ટ થઈ ગઈ હતી. આવી વિગતો પર વિચારવાનો આ સમય નહોતો.

‘વેણુ, જોખમી છે.’ તે બોલ્યો. તેનાં વસ્ત્રો પણ પસીનાથી ભીનાં હતાં. આ ભાગમાં પવનની આવજા નહિવત્‌ હતી.

‘નીલ... તને એ રાતની જેમ પરેશાન નહિ કરું...’ તે હળવાશથી બોલી. નીલ આભો બનીને તેની પ્રિય સ્ત્રીને જોઈ રહ્યો.

એ પળે - તેને તે સવિતા-સદનમાં હતી એવી અલ્લડ છોકરી જ લાગી.

કોઈ પણ વયે સ્ત્રી, સ્ત્રી જ હોય છે. નીલ વિચારતો હતો. તેનાં જીવનમાં તો પ્રવેશેલી સ્ત્રી આ વેણુ જ હતી, માત્ર વેણુ ! તો પણ તે કેટલો સુખી હતો.

તેને અનુભૂતિ થતી હતી કે તે કશું પામી રહ્યો હતો. જે જીવન તે જીવી રહ્યો હતો, એ કેટલું સુંદર હતું.

સવિતા-સદનની ઓરડી જયંતને સોંપીને તે એક નવી દુનિયામાં પ્રવેશ્યો હતો, જે સાવ અજાણી હતી. લંડનસ્થિત કાકા આ નગરમાં સ્થાયી થવા આવ્યા હતા પરંતુ તે સાવ અસ્થાયી હતા. ગૌર ચહેરો, ટટ્ટાર ઊંચો દેહ. પરંતુ બે આંખો તેમની, ચીમળાયેલાં ફૂલ જેવી જિંદગીની ચાડી ખાતી હતી. સંપત્તિ તો હતી પરંતુ શાંતિ નહોતી. અંગ્રેજ સ્ત્રીને પરણ્યા હતા પણ લગ્નજીવન જેવું કશું હતું નહિ. તે સ્ત્રી ભારત આવવા તૈયાર નહોતી. તેને આ દેશ માટે જરા પણ માન નહોતું. હેમંતભાઈને વતન સાંભર્યું હતું અને પેલી તેનું વતન છોડવા તૈયાર નહોતી.

અંતે તે બન્ને છોડીને અચાનક જ આ દેશામં, આ નગરમાં આવી પહોંચ્યા હતા. ત્યાંની રીતભાત, જીવનશૈલી અને સ્વચ્છતા - મનમાંથી ખસતી નહોતી અને અહીંનું કુટુંબજીવન અન્યત્ર ક્યાંય પ્રાપ્ત થવાનું નહોતું, એ લગભગ સમજાઈ ગયું હતું.

એક સ્થળે બધું જ સુખ શા માટે મળતું નહિ હોય ? ઈલા તેમને શા માટે ચાહી શકી નહિ હોય ? તેમણે તો તેને ભરપૂર પ્રેમ કર્યો હતો. એકપક્ષીય પ્રેમ પણ કર્યો હતો પણ અંતે થાક્યાં હતાં. એકતરફી વરસાદનો કશો અર્થ નહોતો. ખૂબ ઝઝૂમ્યા હતા એ સંસારને બચાવવા. પણ ઈલા માની નહોતી. અનેક ભિન્નતા સપાટી પર આવી હતી.

‘ઈલા... મારા દેશમાં પ્રેમ તો નિર્મળ હોય છે, ટેમ્સના સ્વચ્છ જળ જેવો. જેમાં ક્યાંય નિયમો અને કાનૂનો આવતા નથી. અંતરાય ન હોય એ જ સાચો પ્રેમ...!’

ઈલાને તેની માતા માર્ગારેટે પણ સમજાવી હતી. મૃત ભારતીય પિતાની જીવન વિશેની ફિલસુફી પણ ધીરજથી સમજાવી હતી.

‘ના... મોમ... એ જૂનવાણી વ્યક્તિ સાથે હું ના જીવી શકું...’ દીકરી તેની જીદ પર અડી રહી હતી.

હેમંતભાઈએ આ બધી વાત નીલને કહી હતી.

‘નીલ... મેં એ સંબંધ હજુ તોડ્યો નથી, ઈલા ઇચ્છતી હતી છતાં પણ. ભલે તે તેના માર્ગે જાય. ક્યારેક પાછી પણ વળે એ માર્ગેથી.’ હેમંતના કરમાયેલાં ચહેરા પર કાંઈક ચમક વંચાતી એ વેળાએ.

નીલ લાગી ગયો - કાકાને અને કાકાના ધંધાને સંભાળવા. વેણુ લગભગ ભુલાઈ ગઈ.

તેણે તો વેણુની સોંપણી જયંતને કરી હતી ને ? પછી ભાઈસાહેબ એ દિશામાં ડોકાયા જ ક્યાં હતા ? ક્યારેક વેણુ યાદ આવી જતી ત્યારે નીંદર ભાંગીને તેને યાદ કરી લેતો. સરસ છોકરીને યાદ કરીને, એ સમયે તે નક્કી કરતો કે તે તેને મળી લેશે, ખબર-અંતર પૂછી લેશે.

પણ પછી એ સમય આવતો જ નહોતો. તેની અનેક વ્યસ્તતાઓ વચ્ચે વેણુ માટેનો સમય બચતો નહોતો.

એક વાર ખુદ હેમંતભાઈએ વાત ઉખાળી હતી.

‘અલ્યા નીલ, તારે શો પ્રશ્ન છે ? તું તો કોઈ પ્રેમાળ છોકરીને પસંદ કરી લે ? આ ઉંમર સરી જશે પછી પ્રેમની તાજગી નહિ રહે. મારા દાખલા પરથી તું ગભરાઈ ના જતો. આ દુનિયા માત્ર ઈલાઓની નથી.’

નીલને વેણુ યાદ આવી જતી. સુખી થવાની વાત તો સાવ અલગ હતી. બસ... તેને એ છોકરી ગમતી હતી.

અને એક સાંજે ખુદ જયંત જ તેને શોધતો આવ્યો હતો.

‘અરે, નીલ... તું તો દેખાયો જ નહિ ? તારી સલાહની જરૂર પડે ત્યારે ક્યાં મળવું ? આ માંડ મળ્યો તું...’

જયંતે તેને ખૂબ ખૂબ શોધ્યો હતો, એ તો પછી ખ્યાલ આવ્યો.

‘બોલ... શી વાત છે ? વેણુની વાત... !’ નીલે વેણુનું રટણ કર્યું હતું.

‘હા... એ વેણુની જ વાત છે. તને ઠીક ખ્યાલ આવી ગયો. હું આવતી કાલે વેણુ સાથે લગ્ન કરું છું. તેની કાકી તો કોઈ મોટી વયના પુરુષ સાથે તેનું ગોઠવતી હતી. મેં તેની કાકી સાથે વાત કરી, વેણુના કહેવાથી; પણ તે શાની માને ? પૈસા લઈને બેઠી હતી. મારાથી વેણુનું રુદન ન ખમાયું. અંતે મેં જ નક્કી કરી નાખ્યું કે તેની સાથે... !’

જયંતે તેને ઉત્સાહથી એ વાતો કહી પરંતુ નીલ તો થીજી જ ગયો.

‘ઓહ ! એ છોકરી... આ જયંતને...?!’

‘દોસ્ત... તેં મને મદદ કરી છે અને આમાં પણ તારી મદદ વગર મારે ચાલવાનું નથી.’ જયંતે તેની વાત પૂરી કરી.

અને નીલે મદદ કરી પણ ખરી. તે હવે કાકાનો કારોબાર સંભાળતો હતો, તે કાંઈ સામાન્ય નોકરિયાત રહ્યો નહોતો.

તેણે તે બન્નેની ગાડી પાટા પર ચડાવી, પણ પોતાની ગાડી તો અસ્તવ્યસ્ત થઈ ગઈ. વેણુ ખુશ ખુશ હતી. તેણે નીલને ઠપકો આપ્યો હતો.

‘તમે તો પછી દેખાયા પણ નહિ ? તમારા આ ભાઈબંધને નાછૂટકે મારો બોજો સંભાળવો પડ્યો.’

વેણુના શબ્દો સ્પષ્ટ હતા. જયંત પણ સાંભળતો હતો. તેણે મજાક માની હતી. વેણુ આમેય અલ્લડ છોકરી હતી. તેને રેવતી યાદ આવી હતી, માતા યાદ આવી હતી, પિતા અને પિતાએ તેના માટે બંધાવેલી મેડી યાદ આવી હતી. પણ આખરે તે એક છોકરીને મદદ કરી રહ્યો હતો. બાદલપુર જવાનો માર્ગ જ બંધ થઈ ગયો હતો. તેના પગ એ દિશાાં વળી શકે તેમ નહોતા.

તેણે વેણુને સ્વીકારી લીધી. એક સાહસ કરી નાખ્યું.

નીલે એ નાવને કિનારા સુધી પહોંચાડી પણ ખરી. મિત્રધર્મ બજાવ્યો પણ મન થાકી ગયું. તેને લાગ્યું કે વેણુ ગઈ જ; તે કદી પણ તેની બની શકવાની નહોતી. મન હતાશામાં ડૂબી ગયું.

તેણે કૉર્ટ-મેરેજની વ્યવસ્થા કરી આપી, એક સારાં વિસ્તારમાં મકાન પણ ભાડે અપાવી દીધું.

તેણે જોયું કે વેણુ જયંતની સાથે પડછાયાની માફક રહેતી હતી. તેના ગૌર ચહેરા પર આનંદ તગતગતો હતો. તેણે નીલને કહ્યું હતું, ‘મને નવા સંબંધનો આનંદ છે, મુક્તિનો આનંદ છે. એ દિવસો હવે ભૂલી જવા માગું છું. નીલ, તમે અમને ભૂલી ન જતાં, મારી જિંદગીમાં તમો બન્ને સંડોવાયેલાં છો. મારે તમારો ઉપકાર પણ કેવી રીતે ભૂલવો ? જયંત પતિ અને તમે આત્મીય મિત્ર.’

જયંત પણ નીલને ભૂલી જવા ઇચ્છતો હતો. તે વેણુમાં એવી રીતે ડૂબી જવા ઇચ્છતો હતો જેથી રેવતી સ્મૃતિમાં પણ ના આવે.

એ રીતે અતીત ભૂંસી નાંખવો શક્ય હતો ?

કોઈપણ પળે રેવતી સજીવન થઈ જતી, કોમળ શબ્દો ફૂટી જતાં, તેનું આછું સ્મિત મલકી ઊઠતું, જયંત રીતસર છળી જતો.

વેણુ તો તેનું સુખ ગાંઠે બાંધી રહી હતી.

‘જયંત... ખૂબ મોટું ભાગ્ય છે મારું. નીલનો પાડ માનું એટલો ઓછો કે તેમણે મને તમને સોંપી.’ તે ભાવવશ થઈને જયંતને કહેતી.

નીલની ભીતરી વાત તો કોઈ જાણતું નહોતું.

હેમંતભાઈ નીલને આગ્રહ કરતા હતા.

‘નીલ, કોઈ છોકરી પસંદ કરી લે. એ વિના જિંદગી અધૂરી છે. જો ઈલા શું લખે છે ? તેનો પત્ર આવ્યો, આજે જ. તેને તેની ભૂલ...! કાકાની ગાડી પાટા પર ચડી રહી હતી. ધિક્કાર અને અણગમો પ્રેમના વાઘાં સજી રહ્યાં હતાં.’

નીલ શો જવાબ આપે ? વેણુ તો એક જ હોય ને ? અને એ એક જયંતની બની ગઈ હતી. તેની બેદરકારીથી ?

નીલનો કેટલો ખ્યાલ રાખતી હતી ? તેણે સંબોધનમાં પણ માત્ર નીલ રાખ્યું હતું, એ પણ સૂચક હતું. તે નીલને કોઈ અન્ય ભાવે જોવા તૈયાર નહોતી.

નીલના મનનું સમાધાન થયું હતું : ‘બસ, એ છોકરીને મારા પર પણ એવો જ ભાવ હતો. મેં તેની કાળજી ન રાખી, એ મારો દોષ. આવાં સંજોગોમાં તે બીજું કરે પણ શું ?’

સંબંધો એવાં ને એવાં ગાઢ અને આત્મીય રહ્યાં. જયંત પણ સમજદાર હતો. તેને પણ નીલનું અવલંબન ગમતું હતું.

એક વેળાએ વેણુએ નીલને એકાંતમાં રેવતીની વાત કહી હતી. ‘નીલ... જયંત પણ અતીતનો બોજો વેંઢારીને બેઠા છે. કોઈ રેવતી છે - બાદલપુરમાં...!’

તેણે વિગતવાર વાત કહી હતી.

‘નીલ, ક્યારેક ક્યારેક મને રેવતી કહીને સંબોધે છે. ક્યારેક ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જાય છે. ક્યારેક કહે છે કે મને... જરૂર સજા મળશે - રેવતીની અવગણનાની. તને ખબર નથી, વેણુ એ છોકરી, હજી પણ મારી યાદામં જીવન વિતાવે છે.’

નીલનું મન જરા ખળભળ્યું હતું. તેને પણ પોતાની વ્યથા યાદ આવી હતી.

‘બને, વેણુ, સંજોગો સંબંધોના સમીકરણો બદલાવી નાખે છે. અરે, જિંદગી જ બદલાવી નાખે છે.’

તે સહજ રીતે બોલ્યો હતો. વેણુ વિચારવા લાગી, પણ મર્મ સુધી પહોંચી શકી નહોતી. એ સમયની મનોદશા પણ એવી હતી કે તે ત્યાં લગી પહોંચી ના પણ શકે.

બન્નેએ સમાધાન સાધ્યું હતું.

‘નીલ, મને કશું દુઃખ નથી. જયંત મને બરાબર સાવે છે. મારી કોઈ ફરિયાદ નથી પણ મને થાય છે કે એની વ્યથા કેવી હશે ? તેના નસીબમાં આમ વહેરાવાનું જ રહ્યુંને, બે ધ્રુવ વચ્ચે ?’

નીલે તેને શક્ય હોય તેટલી સાંત્વના આપી હતી. વેણુ એક વેળા તો ભાવવશ બનીને તેની સાવ નિકટ આવી હતી પણ નીલે મર્યાદાની આડશમાં રહેવાનું પસંદ કર્યું હતું. વેણુ ત્રિપત્ની હતી. અને એ સિવાયના ભાવ હતા, એ તો તેનાં પોતીકા હતા.

પણ વેણુ ઓળખી ગઈ હતી, એ છદ્મ ભાવોને. તેણે એકવાર એકાંતમાં પૂછ્યું પણ ખરું :

‘હેં... નીલ, તમારાં મનમાં પણ હું વસી છું, એ વાત સાચી ? મારું નિરીક્ષણ ખોટું ન હોય.’

નીલ આવાં સીધાં પ્રશ્ને બે પળ ડઘાઈ ગયો હતો. આ સ્ત્રી તેનાં મન સુધી છેક પહોંચી શકી હતી. તેને જરા વિસ્મય થયું હતું પછી તરત સ્વસ્થ થઈ ગયો હતો.

‘વેણુ... હવે મારો કોઈ પમ ઉત્તર અર્થહીન ગણાશે અને કેટલાક પ્રશ્નો અનુત્તર રહે એ જ સારું.’ તેણે ઉત્તર વાળ્યો હતો.

વેણુએ નિઃશ્વાસ નાખ્યો હતો.

‘એટલે એમ કે મારા નસીબમાં પણ ઝૂરાપો જ લખ્યો છે. નીલ... હવે મને તમારી વેદના પણ સ્પર્શશે.’

તે બોલી હતી, વેદનાભર્યા શબ્દોમાં :

‘નીલ... તમને મનથી ચાહીશ તો એ પાપ ગણાશે. પણ એ પાપ હું કર્યા કરીશ મોત આવશે ત્યાં સુધી અને જયંત પણ મારા જ રહેશે. હું તેમને વફાદાર રહીશ. પેલી રેવતી પાસે જશે તો પણ હું રોકીશ નહિ.’

નીલ વેણુને નવી દૃષ્ટિથી જોઈ રહ્યો.

‘વેણુ... બધું ભૂલી જા. એમ માન કે આપણે નવેસરથી મળી રહ્યાં છીએ. આપણે કોઈ પૂર્વ પરિચય જ નથી.’

વેણુ હસી હતી, ન સમજાય તેવું.

આજે પણ તે વિદાયવેળાએ આવું જ હસી હતી. કહેતી હતી કે ‘તમને પરેશાન નહિ કરુ.ં એ રાતની માફક.’

આવી તણાવવાળી પરિસ્થિતિમાં પણ તે મજાક કરી શકતી હતી. અદ્‌ભુત હતી વેણુ. એ પળોને મમળાવતો, નીલ મુખ્ય માર્ગ પર આવ્યો. સાંજનો સમય થતો જતો હતો. બજારમાં ખાસ્સી ભીડ હતી. સહુ કઈને ઝટપટ કામ આટોપીન સમયસર ઘરે પહોંચવાની ઉતાવળ હતી. આઠ વાગે તો આખું શહેર અને આસપાસનો વિસ્તાર અંધારપટ્ટમાં ગરક થઈ જવાનો હતો. વાતાવરણમાં યુદ્ધના ઓછાયા હતા.

ખૂણેખાંચરે યુદ્ધનાં સમાચારોની આપલે થતી હતી. ભય અને આતંક ફેલાયેલાં હતાં. અફવાઓનું બજાર ગરમ હતું.

‘સાંજે... રેડિયો પર વડાપ્રધાનનું ભાષણ છે...’ કોઈ નવાં સમાચાર ઉમરતું હતું અને એ વ્યક્તિની આસપાસ લોકોનું નાનું જૂથ ખડું થઈ જતું હતું.

‘આજે આપણાં શહેરામંથી દુશ્મન દેશના જાસૂસો પકડાયાં’ કોઈ વળી ભડાકો કરતું હતું.

‘આ સમાચાર સાવ ખાનગી છે.’ બીજી વ્યક્તિ જરા આગળ વધતી.

આમ... નીલને અનેક વાતો સાંભળવા મળી. એમાં સત્યનો અંશ કેટલો હશે એ પણ પ્રશ્ન હતો.

વાતાવરણમાં ઉત્તેજના હતી એ જ વાત સાચી હતી. લશ્કરી વાહનોની અવરજવર ચાલુ જ હતી. સહુની નજર ઘડિયાળના ડાયલ પર હતી, એ પણ સાચું હતું.

નીલ તેની ઑફિસમાં આવ્યો. એ લગભગ બંધ થવાની તૈયારીમાં હતી. નીલે ઝટપટ નીચેના માણસ પાસેથી દિવસભરના કામનો હિસાબ મેળવ્યો. આવનાર દિવસના કામોની ચર્ચા કરી. થોડી મિનિટોમાં ઑફિસ ખાલી થઈ ગઈ.

નીલ ઘરે આવ્યો. તેના મનમાં ઑફિસની ચિંતા પણ પ્રવેશી હતી. તે ખુદ જ અનિયમિત થઈ ગયો હતો. પૂરતું ધ્યાન પણ આપી શકતો નહોતો અને એની અસર યુનિટ પર પડે એ સ્વાભાવિક હતું.

કેટલાય પ્રશ્નોનો નિર્ણય લેવાનો બાકી હતો. આ બધી વાતો ધંધાને અસર કરે જ.

હમણાં તે વેણુ પાછળ સમય પસાર કરતો હતો. એ પણ જરૂરી બન્યું હતું. આ સ્થિતિ કાંઈ લાંબો સમય ચાલી ન શકે.

નીલે નક્કી કરી નાખ્યું કે હવે તે ઑફિસમાં વધુ સમય ગાળશએ અને એ પણ આવતીકાલથી જ. કાકાએ સોંપેલ જવાબદારી સારી રીતે નિભાવવી એ તેની ફરજ હતી. એમાં ગફલત ના ચાલે. ભલે, કાકા હિસાબ માગતા નહોતા પ તેની નૈતિક ફરજ તો હતી જ.

તેણે પલંગ પર પડ્યા પડ્યા ભાવિ યોજના વિચારી લીધી. જરૂરી ફોન પણ કરી નાખ્યાં.

જમવાની ઇચ્છા નહોતી એટલે મહારાજને યોગ્ય સૂચના આપી દીધી. ફ્લૅટમાં અત્યારે એકલો હતો પણ હવે એ એકલતા થોડાં દિવસોમાં સમેટાઈ જવાની હતી. વેણુ અહીં અનેકવાર આવી ગઈ હતી. સમય મળે ત્યારે વેણુ ફ્લૅટને તેની ઇચ્છા મુજબ સજાવતી પણ હતી. નીલ પણ તેને સહકાર આપતો હતો.

‘એક બંગલા બને ન્યારા’ એ ગીત નીલ બરાબર સાયગલના અવાજમાં ગાવાના ચાળા કરતો હતો ત્યારે વેણુ હસી પડી હતી.

વેણુએ તો તેના ભાડાના ઘરનો સામાન પણ સમેટવા માંડ્યો હતો. જયંતનો સુખડના હારવાળો ફોટો આ કારણસર તો સામાનમાં વિંટાઈ ગયો હતો અને એ સારું જ થયું હતું. વૃદ્ધની નજરે એ ફોટો ચડ્યો હોત તો ?

સમય તો ગુજરતો હતો. નીલ એક પછી એક પ્રશ્ન વિશે વિચારી રહ્યો હતો, જે ઑફિસ ચલાવવા માટે જરૂરી હતા.

અને તેને અચાનક વેણુ યાદ આવી ગઈ. શું કહેતી હતી, વેણુ ? રાતે આઠ પછી... વૃદ્ધ ગોળીની અસર નીચે નિદ્રાધીન થઈ જાય પછી ઘરમાં પ્રવેશવું, રાતભર વેણુ સાથે સમય ગુજારવો... અને સવારે ચાર વાગે જ...

તેને વેણુની વાત યોગ્ય ન લાગી. અને વેણુને તેની જરૂર હતી - એ પણ હકીકત હતી. તે સારી રીતે ઝઝૂમતી હતી, પણ હવે થાકી હતી, તેને નીલની જરૂર હતી.

તે અવઢવમાં રહ્યો ત્યાં જ અંધારપટ્ટનો પ્રારંભ થઈ ગયો. આખું નગર અંધકાર નીચે દટાઈ ગયું જાણે. નીલ પાસે હવે કોઈ માર્ગ નહોતો, વેણુ પાસે પહોંચવાનો.

બારી-બારણાં વાસીને તે પલંગમાં પડ્યો. વેણુનાં વિચારો કરતાં કરતાં આંખો બિડાઈ ગઈ.

અને મધરાતે આખા નગરમાં સંભળાય એવો મોટો ધડાકો થયો. બારી-બારણાં, ફર્નિચર હચમચી ગયાં. એ ખ્યાલ આવતાં નીલને સમય ન લાગ્યો કે દુશ્મનના ઍરક્રાફ્ટે નગરની આસપાસ ક્યાંક બૉમ્બાર્ટમેન્ટ કર્યું હતું. નીલને વેણુ યાદ આવી ગઈ હતી.

‘ઓહ ! વેણુ...’ તેણે ચીસ પાડી હતી.

પ્રકરણ - ૧૧

એ સમયે વેણુ તો ભરઊંઘમાં હતી. શ્વશુરે આપેલી પેલી ભેટની પોટલી તેના પડખાામં જ હતી. અંધારપટ થાય એ પહેલાં જ તેણએ અંદરના ખંડમાં આવીને એ પોટલી છોડી હતી.

તેની આંખો એ ઝળહળાટમાં અંજાઈ ગઈ હતી. તેણે ક્યાંય સુધી એ નિહાળ્યા કર્યા. પ્રેમથી આપેલો ઉપહાર હતો - એક ન જોયેલી સ્ત્રી તરફથી. રમા સાથે માત્ર આ કારણે જ નહિ પરંતુ બીજા કારણસર પણ મમતા બંધાઈ હતી.

તેને લાગ્યું કે તે કશુંક પામી હતી જે તેના જીવનમાં ખૂટતું હતું. જયંત હોત તો આ અવસર કેવો બની જાત ? બાપ અને પુત્ર વચ્ચેનું અંટસ તૂટ્યું પણ હોત અને એનો રાજીપો તેને કેટલી ખુશ કરી મૂકત ? માણસ માણસ વચ્ચેના સંબંધો કેટલા કોમળ હોય છે કે નાની શી વાતમાં તૂટી જાય ? અન એને બંધાતા દશ દશ વર્ષો વીતી જાય ? તેમ છતાં પણ સંધાવું તો પડે જ છે. પથ્થરને પણ ઓગળવું પડે છે. માણસનાં હૈયાં આળાં કેમ ? મીણના હૈયા હોત તો કેટલું સરળ બનત.

પણ જયંત ક્યાં હતાં ? આ વૃદ્ધ તો પુત્રને મળવાની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. એ ઇચ્છા પ્રતિદિન પ્રબળ બનતી જતી હતી. તે એક અનિશ્ચિતાત વચ્ચે જીવી રહી હતી.

તેણે એ અલંકારોને પ્રેમાળ સ્પર્શ કર્યો હતો, હૈયે વળગાડ્યાં હતાં અને એ સાથે જ રડી પડી હતી.

બસ... ત્યારે જ સાઇરન વાગ્યું હતું, અંધારપટનું એલાન કરતું. બારી-બારણાં તો બંધ કર્યા જ હતા.

શ્વસુરને ઊંઘની ગોળી પણ રાબેતા મુજબ આપી દીધી હતી. તે તો કદાચ જંપી પણ ગયા હશે. તેવું તેણે અટકળ કર્યુ.ં

થાક તો હતો, શારીરિક અને માનસિક. એ અવસ્થાામં તેને તેની પ્રિય પ્રાર્થના યાદ આવી ગઈ. તેનો અનુભવ હતો કે આ પ્રાર્થનાએ તેને અનેક વેળા શાંતિ આપી હતી. છેક સવિતા-સદનમાં હતી ત્યારે પણ પ્રાર્થના તો કરતી જ. કોણે શીખવી હતી ? ત્યાં હતી ત્યારે એક ભલા પાડોશીએ તેને આ માર્ગ બતાવ્યો હતો. એ સમયે પણ આ ચિંતાઓ અને મૂંઝવણો તો હતી જ ને ?

‘વેણુ... ઈશ્વર પ્રાર્થના જરૂર સાંભળે છે. એમાં પણ તારા જેવી બાળકીની પ્રાર્થના તો તરત સાંભળએ છે. અને એનો ઉત્તર પણ... આપે છે.’

વેણુમાં શ્રદ્ધા જન્મી હતી, એ પ્રાર્થના પ્રતિ. શૈશવથી યૌવન અને યૌવનથી અહીં સુધીનો માર્ગ જરા પણ સરળ નહોતો. પણ પ્રાર્થના તો સરળ જ રહી.

શબ્દો બદલાયાં અર્થો બદલાયાં પરંતુ ભાવના તો અતૂટ રહી, અચલ રહી. જયંતના કમનસીબ મૃત્યુ સમયે તે હચમચી ગઈ હતી. માનસિક રીતે ભાંગી પડી હતી. માંડ સરળતાથી ચાલતી જિંદગી અર્થહીન બની ગઈ હતી. તે આખી બદલાઈ ગઈ હતી. જાણે એ વેણુ જ નહોતી ! આમાં પ્રાર્થના ક્યાંથી યાદ આવે ?

રાતે તેણે પ્રાર્થના કરી. શબ્દો ભૂલાઈ ગયા હતા એને તાજા કર્યા. અતીત પણ સજીવન થયો. જૂનાં અવસરો યાદ આવ્યા. પેલી ભલી પાડોશી સ્ત્રી પણ યાદ આવી.

‘ના, આ સમયે. મારે માત્ર પ્રાર્થના જ કરવી છે, એક ભૂલાયેલાં સંબંધને સજીવન કરવો છે. જ્યાં હતી ત્યાં પહોંચી જવું છે.’

વેણુએ નિર્ધાર કર્યો. વિખરાયેલાં મનને સમેટવું અને પરમતત્ત્વમાં એકાકાર કરવું એ સરળ વાત તો નહોતી જ. મહાવરો મૂકાઈ ગયો હતો. મન ભયંકર રીતે ડહોળાઈ ગયું હતું.

વેણુએ મથામણ કરી અને થોડી ક્ષણો માટે પણ તે મનને સ્થિર કરી શકી. તેને હળવાશનો સ્પર્શ થયો. તેની ખુશીનો પાર ન રહ્યો. નાહક ભટકતી રહી આટલો સમય ?

તેણે જાતને ઠપકો પણ આપ્યો.

એક વાર... વૃદ્ધ પાસે જઈ આવી. તે નચિંત મને સુતેલાં જણાયાં. અલબત્ત, પેલી દવાની અસર હશે જ એમાં. એવી કંઈ પીડા વળગી હશે કે ઊંઘ પણ એનો સહજ ક્રમ ચૂકી જતી હશે ? પીડા તો ખરી જ ને ? જયંતની અશાંત દશાની પણ તે સાક્ષી હતી. રાતોની રાતો, જયંત પણ... આમ જ વલોવાતા હતા.

રહી રહીને તેને વિચાર આવતો હતો કે આ અંટસમાં તે શા માટે કશું ના કરી શકી ? તેણે જે કાંઈ કર્યું એ પૂરાં હૃદયથી કર્યું નહોતું. આ વૃદ્ધા પરિચયે તેને ખળભળાવી મૂકી હતી. બેય કિનારા એક થવા આતુર હતાં પણ તે પુલ બની શકી નહોતી.

આ પ્રાર્થનાએ વેણુને સ્થિર કરી હતી. તે સ્પષ્ટ થઈ ગઈ હતી.

‘ના, હવે... એ વિચારોનો કશો અર્થ નથી. જે બન્યું છે એ હકીકત છે. એની સાથે વિખવાદ કરવાથી શું મળવાનું હતું ?’

તેણે એમ પણ નક્કી કરી નાખ્યું કે જયંતના મૃત્યુની જાણ કોઈ પણ ભોગે - આ વૃદધને નહિ કરે. લગ્નની તારીખ બદલવી પડે તો એ પણ તેને મંજૂર હતું. એક અસત્યથી બે વ્યક્તિઓને દુઃખ પહોંચવાનું નહોતું અને એક ત્રીજી વ્યક્તિ - રેવતી પણ હતી. જેને પણ જયંત માટે અસીમ લાગણી હતી.

ત્રણ ત્રણ વ્યક્તિઓને ભાંગી નાખીને શું મળવાનું હતું ? તે ઝઝૂમશે પણ આ વાત છાની જ રાખશે.

પ્રાર્થનાના ભાવમય વાતાવરણમાં જ તે નિદ્રાધીન થઈ હતી.

દુશ્મન ઍરક્રાફ્ટના હુમલા સમયે ખૂબ મોટો ધડાકો થયો હતો. દિશાઓ ધણધણી ઊઠી હતી. બારી-બારણાં ધ્રૂજ્યાં હતાં.

ઍરક્રાફ્ટની ઘરેરાટીની પાછળ જ બીજી ધણધણાટી ગઈ હતી પરંતુ એ શું હતી - એ તો લોકોને સવારે જ ખબર પડી હતી.

વેણુનો પલંગ ખળભળ્યો હતો. પેલી પોટલી ફરશ પર જઈ પડી હતી. તે ઝબકી ગઈ હતી.

જે કાંઈ થયું એનો ખ્યાલ તરત જ આવ્યો પણ બીજી પળે તો જાગૃત થઈ ગઈ. હજી પણ તેના મન પર પ્રાર્થનાની અસર હતી. ડર તો લાગ્યો અને વિખેરાઈ પણ ગયો. તેનો હાથ છાતી પર ચંપાઈ ગયો. એ પછીની પળો ઘેરાં સન્નાટામાં પસાર થઈ.

તેને તરસ લાગી હોય અને જીભ તાળવે ચોંટી હોય એવી અનુભૂતિ થઈ છતાં પણ એમ જ પડી રહી.

એ પછી પાસેની ગલીમાં થોડી ચહલપહલ થતી હોય એવું લાગ્યું. તેણે ઘડિયાળના રેડિયમ-કાંટા પ્રતિ જોયું. મળસ્કું થવામાં હજી થોડી વાર હતી. તેને નીલની યાદ આવી ગઈ. નીલ તેની ચિંતામાં પડી ગયો હશે અને હવે તે ઊંઘી પણ નહિ શકે.

‘તેનું ચાલે તો... તે અત્યારે જ અહીં આવી જાય...’ તે વિચારતી હતી. નીલ વિશે વિચારતા તેને અપરંપાર સુખ મળતું હતું. શેષ સમય એમાં જ પસાર થયો. પેલો ધડાકો તો મનમાંથી નીકળી જ ગયો.

ગલીમાં અવરજવર શરૂ થઈને તે બેઠી થઈ. પ્રકાશ ફૂટું ફૂટું થતો હતો. તેને વૃદ્ધ યાદ આવ્યા.

અરે, ધડાકો થયો ત્યારે એમને શું થયું હશે ? જાગ્યાં તો હશે જ.

તે બહાર પરસાળમાં દોડી આવી.

વૃદ્ધ પથારીમાં બેઠા હતા. હાથમાં માળા ફરી રહી હતી. એ પણ નજીક આવતા દેખાયું.

‘બાપુ...’ વેણુ બોલી. સંબોધનમાં મમતા હતી, પૃચ્છા પણ હતી.

‘વહુ... તું ડરી તો નથી ને ?’ વૃદ્ધે માળા અટકાવીને ઉત્તર વાળ્યો.

‘ના... બાપુ... પણ ઝબકી જવાયું...’ વેણુ બારી ખોલતાં બોલી. પ્રકાશની ટશરો પરસાળમાં પ્રસરી રહી.

‘મને પણ એમ જ થયું.’ તે હસ્યા. પછી તરત જ ઉમેર્યું : ‘વેણુ... બેટા, મને તારી ચિંતા થઈ. પછી જયંત યાદ આવી ગયો. ત્યાં તો આવાં ધડાકાઓ થતા જ હશે. એ વચ્ચે જ... યુદ્ધ લડાતું હશે. આપણે તો એક જ...’

વૃદ્ધે વાક્ય અધૂરું છોડ્યું, જાણે કે યુદ્ધની વાતોનો થાક લાગ્યો ! અને પુત્રની ચિંતા પણ વળગી. એમ જ હતું. તે પુત્રની ચિંતામાં જ પડ્યા હતા.

તે તરત સાવધાન થઈ ગયા. ફરજનું ભાન થયું.

આવી વાતોની વહુ પર કેવી અસર થાય ? તે તરત જ હસી પડ્યા.

‘વહુ... જયંત તો બહાદુર છે. તને ખબર છે - સોન નદીમાં પૂર આવ્યું હોય ત્યારેય એમાં ઝંપલાવે. સામે કાંઠે મહાદેવના મંદિરે જઈને પાછો... તરતો... તરતો....’

તે ઉત્સાહથી બોલ્યા : ‘વહુ... શરીર કાઠું... પહેલીથી જ. તને તો ખબર જ હોયને.’

‘હા, બાપુ...’ વેણુએ હોંકારો આપ્યો.

‘અને આવાં ધડાકાો થાય... લડાઈ છ ને ? પણ દુશ્મનો અહીં સુધી આવી જાય એય બરાબર નહિ...’ વૃદ્ધ ફરી યુદ્ધની વાત ભણી વળ્યા.

શેરીમાં સવાર પડી ચૂકી હતી. વાત તો બીજી કંઈ હોય ? એ ધડાકાની વાતો જ ચાલતી હતી. વેણુ તરત જ એ ટોળામાં ભળી ગઈ. જાણે કે તે ઇચ્છતી હતી કે શ્વશુર સાથે જયંત વિશે વાતો ન થાય. જેટલી વાતો થાય એટલી ગૂંચ પણ વધતી હતી, અને તેની વ્યથા પણ.

મનોહર ફરી જયંત વિશે વિચારવા લાગ્યા.

‘આવાં વાતાવરણમાં તો તે ક્યાંથી આવી શકે ? રજા મળે ખરી ?’ તેમને તેની સલામતીની પણ ચિંતા થવા લાગી.

અખબારોમાં પ્રતિદિન યુદ્ધમાં શહાદત વહોરનારાઓની તસ્વીરો આવતી હતી, પરિચયો આવતાં હતાં, ભારે ગુણગાન ગવાતા હતા. તે ભારે હૈયે એ જ વાંચી જતા હતા. આવો જ લાગતો હશે ને તેમનો જયંત - આ ગણવેશમાં ? દરરોજ સવારે મૃત્યુંજયની માળા ફેરવતા હતા પુત્રની સલામતી અને કલ્યાણ માટે.

વિચાર આવી જતો કે આ જે સૈનિકો શહાદત વહોરી ચૂક્યાં હતાં એ પણ કોઈકના જયંત તો હશે જ ને ? પરંતુ તેમ છતાં પણ પોતાનો સ્વાર્થ જોવાઈ જતો.

તે પ્રાતઃ વિધિમાંથી પરવારતા હતા ત્યાં જ વેણુ ખબર લાવી.

‘બાપુ... કાલે ધડાકો થયો એ દુશ્મનના ઍરક્રાફ્ટ જ હતા. શહેરથી દૂર, ટી.બી. હૉસ્પિટલથી બે ખેતરવા પાછળ બૉમ્બ ધડાકો થયો. જમીનમાં મોટો ખાડો પડી ગયો છે પણ બીજું નુકસાન નથી. અને બાપુ... પછી આપણાં તોપચીઓએ એ વિમાન ઉડાવી દીધું.’

વેણુના ચહેરા પર ખુશી હતી.

‘ગમે તેમ તોય તું એક સૈનિકની પત્ની છે. જયંત આવશ ત્યારે તને આવી અનેક વાતો કહેશે, તેનાં અનુભવોની.’ વૃદ્ધે પ્રતિભાવ આપ્યો.

તેમની દૃષ્ટિમાં યુદ્ધ અને જયંત એકાકાર થઈ ગયા હતા.

‘હા... બાપુ...’ વેણુએ હોંકારો ભણ્યો. તે તરત જ કામકાજમાં ડૂબી ગઈ. તેને એક વિચાર ઝબક્યો. તે તરત તૈયાર થઈ ગઈ. નવાં વસ્ત્રો પહેર્યા. વૃદ્ધે આપેલી પોટલી ખોલી. એક પછી એક અલંકારો દેહ પર ધારણ કરવા લાગી. હાર, કંગન, કાનના લટકણિયાં, ચાંદીના ઝાંઝર... ભાતભાતનાં અલંકારો હતા.

તેણે એક પછી એક સંભાળપૂર્વક પહેર્યા, અને અરીસા સામે ઊભી રહી. ચહેરો વયની ચાડી ખાતો હતો છતાં પણ તે સરસ લાગતી હતી. ‘ચાલ - ત્યારે આજે શઅવશુરને ખુશ કરી દઉં. અને જયંત પણ ખુશ થશે - જ્યાં હશે ત્યાં.’

વૃદ્ધ તો માળા ફેરવી રહ્યા હતા.

તે તેમને પગે લાગી. વૃદ્ધ તેમને અહોભાવપૂર્વક જોઈ રહ્યા.

‘વાહ... વહુ... તને તો આ ખૂબ શોભે છે.’ તેમનો ચહેરો ખુશીથી છલકાઈ ગયો.

‘ખુશી થઈ, બેટા... ઈશ્વર તમને બન્નેને સુખી કરે.’ ભીતરમાંથી શબ્દો નીકળ્યા - જાણે કે કેટલાં સરળ હતા શ્વશુર ? તેમને સુખ આપવા માટે જ તેણે આ અલંકારો પહેર્યાં હતા.

વેણુ આનંદ ધોધથી ભીંજાઈ ગઈ. તેને સંતોષ થયો કે તેણે આજે એક શુભ કાર્ય કર્યું હતું. પ્રાર્થનાએ જ તેને પ્રેરી હતી કે તે આમ કરે.

‘ચાલ... ત્યારે બેટા, જરા બાગમાં જઈ આવું. મહાદેવ પણ ત્યાં જ છે.’

મનોહરે તેની ખુશીને આગળ વધારી. તેને એ બન્ને સ્થળ પસંદ પડ્યા હતા. મહાદેવનું મંદિર પ્રાચીન હતું. હજી આધુનિકતાનો સ્પર્શ પામ્યું નહોતુ.ં પાસેથી જ લોકોની ભીડ ચાલી જતી હતી પણ ખાસ કોઈનું ધ્યાન પડે તેમ નહોતુ. ઝાઝો ઠાઠ નહોતો. માત્ર બે દીવા બળતા હતા ગર્ભદ્વારમાં. કોઈનું આકર્ષણ ના બને પછી એની દરકાર પણ કોણ કરે ? પાસે એક પીપળો હતો. જ્યાં થોડી સ્ત્રીઓ સવારે એકત્ર થતી અને ભક્તિભાવ પ્રદર્શિત કરતી. એકાંત પણ નહોતું અને ભીડ પણ નહોતી. મનોહરને મન એનો જ આનંદ હતો. અને બાગ પણ તેમને મન દેવસ્થાનથી કમ નહોતો. ત્યાં પણ લોકોની ભીડ હતી પણ એ મનનું રંજન કરતી હતી. પ્રકૃતિનો સાથ તેમને સાવ હળવાંફૂલ બનાવી દેતો હતો.

તેઓ એ સમયે જતા હતા જ્યારે પેલી સવારની ભીડ ઓસરતી જતી હોય. પછી થોડાં વૃદ્ધો બચ્યાં હોય.

બાગની બહારની દુનિયા પ્રવૃત્તિમાં પડી હોય ત્યારે અહીંની શેષ દુનિયા સ્થિર બની ગઈ હોય.

પ્રભુ સાથે સંવાદ ચાલતો હોય કે મનને પરમતત્ત્વમાં સ્થિર કરવાની મથામણ ચાલતી હોય. એ થોડાં નિવૃત્ત લોકો પરસ્પરમાં હૂંફ શોધતા બેઠા હોય. મનોહરને એ દુનિયા ગમતી.

આજે પહેલા મંદિરમાં પહોંચી ગયા. શિવલિંગ સામે શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવ્યું કે તરત જ બાદલપુર યાદ આવી ગયું. શું કરતી હશે રેવતી ? સાવ એકલી થઈ ગઈ હશે ?

આજે તે ખુશ ખુશ હતા. વેણુએ તેમને ભાવવિભોર બનાવી દીધા હતા. રમાનું એક સ્વપ્ન સાકાર થયું હતું. રમાએ એ માટે જ અલંકારો આપ્યા હતા. તેની છેલ્લી ઇચ્છા આ હતી.

‘તેમને કેટલી શાંતિ મળી હશે, જ્યાં હશે ત્યાં ?’ વૃદ્ધ ગદ્‌ગદ થઈ ગયા હતા. નમન કરતાં કરતાં આંખો ભીની થઈ ગઈ.

રમા હોત તો અવશ્ય, વેણુને જોઈને રાજી થાત. તે વિચારતા રહ્યા. આવી વહુ હોય તો આનંદ જ થાય ને, પછી ભલે વેણુ હોય કે... પણ આમાં વેણુનો દોષ પણ શો ? જો રમા હોત તો તે એ વાત સારી રીતે સમજાવી શકત, એમ પણ તેમને લાગતું હતુ.ં

‘આ બધી... તારી લીલા છે, ભોળાનાથ...’ તે મોટેથી બોલ્યા, જાણે વાત કરતા ન હોય એ રીતે.

અને એમનો આંતરિક સંવાદ તો ચાલતો જ હતો. આ સ્થાન જ એવું હતું કે મન બધાં જ અંચળા તજીને નિખાલસ બની જાય. વૃદ્ધને એની અનુભૂતિ પણ થતી હતી.

તેમને સહસા વિચાર સ્ફૂર્યો, બાદલપુર પત્ર લખી નાખવાનો.

રેવતી કેટલી ચિંતા કરતી હશે ? આવી મોટી વાત વિસરાઈ ગઈ, એ તેમને વિચિત્ર લાગ્યું. તે ખૂબ ચીવટવાળા હતા. જયંતને નિયમિત પત્રો લખતા હતા. તે અભ્યાસ કરતો હતો ત્યારે મનોહરે... પુત્રને અનેક પત્રો લખ્યા હતા. પુત્ર પત્ર લખવામાં આળસુ હતો. એ વાત પણ તે સારી રીતે જાણતા હતા, પરંતુ એ તેમની પિતા સહજ લાગણી હતી.

બાગમાં જઈ તેમણે પત્ર લખી જ નાખ્યો, રામભાઈ પર. રામભાઈ તેમના આત્મીય હતા અને... એથી પણ નિકટ હતા. રેવતી તેમને જ સોંપીને આવ્યા હતા ને ?

પત્રમાં બધાં જ ભાવો ઠલવાઈ ગયાં. બાદલપુર... આંખો સામે સજીવન થયું. રમા સામે જ ઊભી હોય તેવું લાગ્યું.

‘રામભાઈ... જયંતને મળવા આવ્યો પણ જયંત જ ના મળે. એ તો લશ્કરમાં જોડાઈ ગયો છે. છ માસ થયા એ વાતને. વેણુએ કહ્યું. વહુ... સારી છે. મારી સરસ સંભાળ રાખે છે. લાગણીવાળી છે. રમા હોત તો તે પણ જોઈને રાજી થાત. જેવી ઈશ્વરની મરજી.’ વૃદ્ધના બે ગરમ આંસુ પણ પત્રમાં પાડ્યા હતા.

એ પછી તેમણે રેવતીને લખ્યું :

‘બેટા... તું એમ ન માનતી કે આ ડોસો તને ભૂલી ગયો. તું તો જેટલી રમાને વ્હાલી હતી એટલી જ મને છે. અમે તો તારા ઋણી છીએ, અપરાધી છીએ. તારા કહ્યો જ અહીં આવ્યો છું અને જયંતને મળીને તરત જ ત્યાં આવી પહોંચીશ, એ પણ નક્કી જ છે. વેણુને તારા પ્રતિ લાગણી છે. એ પણ તારા જેવી જ પ્રેમાળ છે. લાગે છે કે તમે બન્ને અમારી આંખોના રતન છો. વ્યથા પણ છે અને આનંદ છે. મારી સ્થિતિ તો તું સમજી શકે તેવી છે. બેટા... જયંત સાથે કશી એવી વાત નથી કરવી જે તેને વ્યથિત કરે. આવશે ત્યારે યુદ્ધનો થાક પણ હશે જ ને ? તેની સુખાકારી માટે હું દરરોજ... મૃત્યુંજયના મંત્રનો જાપ કરું છું.

બસ... મારે તેને મન ભરીને નિરખવો છે, આંખોથી પીવો છે. કેટલા વર્ષ થયા એ વાતને ? રમા પણ એ તરસમાં ગઈ. હા - રેવતી, મેં એમની અને તારી ઇચ્છા પૂરી કરી છે. પેલાં અલંકારો તો વેણુએ પહેર્યા પણ ખરાં. પહેરીને મારા આશીર્વાદ લેવા આવી. આજ વારે જ બન્યું. લડાઈ ચાલે છે. સંભાળીને રહેજે.’

પત્ર લખાઈ ગયો, પરબિડીયામાં બિડાઈ પણ ગયો અને પોસ્ટબૉક્સને હવાલે પણ થઈ ગયો.

પછી વૃદ્ધને લાગ્યું કે તે એકલા નહિ રહી શકે. એકલતાનો પણ થાક લાગે. તે તરત જ એક ટોળામાં ભળી ગયા.

ત્યાં સમાન વયનાં વૃદ્ધો જ હતા. આવકાર પણ મળ્યો. યુદ્ધની વાતો ચાલતી હતી.

‘આ લડાઈ તો દુશ્મનના પ્રદેશમાં ચાલે છે. બાકી આપણા વડાપ્રધાને... દાંત ખાટા કરી નાખ્યા...’ એક વૃદ્ધે જુસ્સાથી કહ્યું.

‘અને એમનું વિમાન છેક આપણા શહેરમાં ઘૂસી ગયું.’ બીડો સ્વર ટીકાત્મક હતો.

ચર્ચા થાય ત્યાં વિખવાદ તો થાય જ.

‘અને... એ તો ઉડાવી પણ મૂક્યું ને ? આ યુદ્ધમાં આપણો હાથ ઉપર છે. વડાપ્રધાનનું ભાષણ જ સાંભળોને...!’

‘અરે, આખો દેશ તેમની પાછળ છે. સોમવારના એટકાણાં શરૂ થઈ ગયા. મુંબઈમાં લોકોએ કાંઈ સોનું આપ્યું છે ? અધધધ થઈ જવાય...’ અનુમોદનાના અવાજો વધવા લાગ્યા.

‘લશ્કરમાં આપણા ગુજરાતીઓ કેટલાં ?’ બીજો અવાજ આવ્યો.

પાંચ ક્ષણનું મૌન પથરાઈ ગયું. વાત સાચી હતી. ગુરખા, શીખ, જાટ, રાજપૂત... એમાં ગુજરાતી કેટલાં હતાં ?

મનોહર બોલ્યા વિના રહી ન શક્યા.

‘મારો જયંત... લશ્કરમાં છે - અત્યારે મોરચા પર જ છે.’ મનોહરે ગૌરવથી જાહેર કર્યું.

અને બધી જ નજરો તેમના પ્રતિ ઢળી, અહોભાવપૂર્વક.

પછીની વાતો - જયંત વિશે જ ચાલી. મનોહરે... મોકળા મને વાતો કરી.

‘કંઈ સમાચાર આવ્યા, મોરચાના, તમારા પુત્ર દ્વારા...?’

લગભગ સૌના મુખ પર આ ઉત્સુકતા હતી.

પ્રકરણ - ૧૨

નીલ ઊંડા વિચારમાં પડી ગયો. તેને સતત વેણુની યાદ આવતી હતી. તેણે નીલને કહ્યું હતું કે રાતે તેની સાથે રહે. તેણે એ માટેનો રસ્તો પણ બતાવ્યો હતો. પણ તેના મનમા એ ગોઠવાતું નહોતું. આ રીતે વેણુ પાસે રાતભર રહેવું - યોગ્ય નહોતું લાગ્યું. વૃદ્ધને આ રીતે છેતરવા શું યોગ્ય ગણાય ? તેણે આ પ્રશ્ન તની જાતને પૂછ્યો હતો. સાથોસાથ વેણુનો આજીજીભર્યો ચહેરો પણ કળાતો હતો. તેણે તો તેમ પણ કહ્યું હતું કે તે તેને પરેશાન નહિ કરે.

વેણુ તેની પ્રિયા હતી, ટૂંક સમયમાં પત્ની બની જવાની હતી. તારીખ, વાર, સમય બધું જ નક્કી જ હતું, વચ્ચે સમયનો જ અંતરાય હતો અને લાગણી કાંઈ હમણાં હમણાં જ કાંઈ જન્મી નહોતી. તે સવિતા-સદનમાં હતી ત્યારથી એ કૂંપળો ફૂટી હતી, અભાનપણે. એ વય આ વલણોને પારખી ન શકે તેવી હતી. વ્યક્ત કરવાની તો વાત જ નહોતી.

આટલાં દીર્ઘ અંતરાલ પછી એ લાગણીઓનો એક માળો બાંધવાનો હતો. બેય ખુશ ખુશ હતાં. વેણુ પાસે જયંતનો અતીત હતો. એક સરસ સ્વપ્નમાંથી ગુજરી હતી. અને હવે... તે નીલની બનવાની હતી. પણ ત્યાં જ જયંતના વૃદ્ધ પિતા... ઘર શોધતાં શોધતાં આવી ચડ્યા હતા. સંજોગ એવા થયાં કે વેણુ નીલને એ રીતે આવકારી નહોતી શકતી જેમ તે છેલ્લાં થોડાં દિવસોથી કરી રહી હતી.

નીલને વેણુના વચનો યાદ આવી ગયા. તેને થતું હતું કે તેણે વેણુની વાત માનવાની જરૂર હતી. એ પળએ તેને નીલની કેટલી જરૂર હશે ? એ ધડાકાની અસર તો એ વિસ્તારમાં પણ થઈ જ હશે ને ? અખબાર કહેતું હતું કે લગભગ આખા શહેરામં એ પ્રચંડ ધડાકાની અસર થઈ હતી. ધરતીકંપ જેવો આઘાત અનુભવાયો હતો. અખબારે આપણી રડાર સિસ્ટમ નિષ્ફળ ગયાની વાત લખી હતી, અને આપણાં ગનમેનોની પ્રશંસા કરી હતી. દુશ્મનનું પ્લેન પાઇલોટ સાથે નાશ પામ્યું હતું.

નીલને એ સમયે તો વૃદ્ધ પર પણ ગુસ્સો આવ્યો.

અરે, આ સમયે જ આવવાનું સૂઝ્‌યું ? આટલાં વર્ષોનો સમય હતો તમારી પાસે ? જયંતની હયાતી દરમ્યાન જ....!

બીજી મિનિટે, નીલને પોતાના વિચારો બદલ શરમ આવવા લાગી. તે કેવું વિચારવા લાગ્યો હતો ! એ વૃદ્ધનો શો દોષ ?

સવાર થતાં જ તે ઝટપટ તૈયાર થઈ ગયો હતો, વેણુને મળવા માટે. તે નીકળવા જતો હતો ત્યાં જ યુ.કે.થી હેમંતભાઈનો ફોન આવ્યો.

‘હેમંત સ્પિકીંગ ફૉર્મ...’

થોડી ઔચપારિકતા પછી તે બિઝનેસ મેટર પર આવ્યા. એ વાતો ખાસ્સી ચાલી.

હેમંત હમણાં પૂરો રસ લેતો નહોતો. એની કાકાને ખબર પડી ગઈ કારણ કે તે બરાબર જવાબ આપી શકતો નહોતો.

‘નીલ... મને લાગે છે કે તું અપસેટ છે. તું મને બધી વાત કાલે જણાવજે. મારે એક પાર્ટી સાથે ટોક કરવાની છે. એમાં રાઉન્ડએબાઉટ ના ચાલે. નીલ... બી નોરમલ ફર્સ્ટ. શું છે તને ? પ્રેમમાં પડ્યો નથી ને ? ઈલા સાથે... બસ ચાલે છે. સાચું પૂછ તો... મારો સંસાર માર્ગારેટ જ ચલાવે છે... તું વળી કોના ચક્કરમાં પડ્યો ?’

હેમંતે બધું જ પૂછી લીધું, બધું જ કહી દીધું.

નીલ તરત જ ઑફિસે પહોંચ્યો. કામ એટલે કામ. કાકાએ સોંપેલું કામ તેણે બરાબર કરવું જ રહ્યું. એમાં વિશ્વાસભંગ ન કરાય. તે થોડો બેદરકાર તો થયો જ હતો.

દશ થઈ ગયા. ઠીક ઠીક કામ આટોપાઈ ગયું હતું. માથા પરનો ભાર હળવો થયો હતો. સ્ટાફ આવતો જતો હતો, નીલની હાજરીથી અસર પડતી હતી.

તે, અંતે વેણુના ઘરે પહોંચ્યો. પ્રવેશતાં જ વૃદ્ધ ના જણાયા. તેણે ચારે તરફ નજર દોડાવી, વૃદ્ધને શોધવા જ તો.

બાદલપુર તો નહિ ચાલ્યા ગયા હોય ને ? વિચાર આવ્યો. પણ તેમની પતરાની પેટી... પુસ્તકો તો નિયત જગ્યાએ હતા. આનંદ આવ્યો એવો જ એ ઝાકળની માફક ઊડી ગયો.

‘નીલ...’ અંદરના ખંડમાંથી વેણુનો સાદ આવ્યો. તે ત્વરાથી ભીતર ગયો. વેણુ સોળે શણગાર સજીને સામે હસતી હસતી ઊભી હતી. આ કાંઈ તેનું પ્રથમ દર્શન નહોતું. અનેક વેળા... મળ્યાં હતાં, નિકટતા માણી હતી, પણ વેણુ ક્યારેય આવી શોભાયમાન લાગી નહોતી. આખા શરીરે અલંકારો ઝળાંઝળાં થતાં હતાં. વસ્ત્રો પણ ચીવટપૂર્વક પહેર્યા હતા. સરસ લાગતી હતી વેણુ અને તેનું સ્મિત... પણ એક અલંકાર બની ગયું હતું.

એ ક્ષણે નીલ બધાં જ તણાવોથી મુક્ત થઈ ગયો. વેણુ કશું કહે એ પહેલા તો તેણે તેને બાહુપાશમાં લીધી. તેને લાગ્યું કે વેણુ એ માટે તૈયાર જ હતી, તૈયાર થઈને બેઠી હતી.

‘નીલ... સવારની તારી પ્રતીક્ષા કરતી હતી.’ તે માત્ર આટલું જ બોલી. એના સ્મિતમાં હવે પરિતોષ હતો, પ્રસન્નતા હતી.

એ ક્ષણોનું એક માધુર્ય હતું, શ્રાવણની મેઘલી રાતની મંથર ગતિની વર્ષા જેવું. મન પર કોઈ સતત અભિષેકતું હોય એવી અનુભૂતિ હતી. વેણુ પ્રસન્નતા પામી હતી જ્યારે નીલ તો કશાકમાં ખોવાઈ ગયો હતો. કોઈક તેને તીવ્રતાથી ખેંચી રહ્યું હતું.

હાથમાં વણુ હતી અને તે ખેંચાતો જતો હતો. અદ્‌ભુત અનુભૂતિ હતી. શું આ એ જ વેણુ હતી જેને તે વર્ષોથી ઓળખતો હતો ? અનેક વાર મળ્યો હતો, સાવ લગોલગ બેસીને ? તેનાં આંસુ લૂછ્યા હતા ? આ બીજી સ્ત્રી ક્યાંથી આવી - વેણુમાં ? આ રૂપને તેણે ક્યાં સંતાડ્યું હતું ?

નીલ સંમોહન અવસ્થામા સરી રહ્યો હતો ત્યાં જ તેને વેણુએ સભાન કર્યો. વૃદ્ધની જેષ્ઠિકાનો ખટખટ અવાજ સંભળાતો હતો. તે દૂરથી આવી રહ્યા હતા એનો સંકેત હતો.

મનોહર ધીમે પગલે ભીતર પ્રવેશ્યા ત્યારે નીલ ડાહ્યો ડમરો બનીને ખુરશીમાં બેસી ગયો હતો.

‘કોણ... નીલ ? ક્યારે આવ્યો... બેટા ?’ વૃદ્ધના ચહેરા પર તાજગી હતી. મંદિર અને બાગ બન્નેએ તેમને તૃપ્ત કરી મૂક્યા હતા. બાદલપુર રામભાઈ પર એક લાગણીભર્યો પત્ર લખી નાખ્યો હતો, રેવતી હજી સ્મૃતિમાં હતી.

‘બાપુ... બસ આ હમણાં જ. કેમ છે તબિયત ?’ નીલે કાયમનો પ્રશ્ન પૂછી નાખ્યો. તે તો મનથી વેણુની પાસે હતો. આટલી હળવાશ તેણે છેલ્લે ક્યારે અનુભવી હતી ?

‘બેટા... જયંતના કશા સમાચાર આવ્યાં ? ફોન આવ્યો ?’ વૃદ્ધે જે વાત હૈયે હતી એ પૂછી નાખી. તેમને ખરેખર જયંતની ચિંતા થતી હતી. યુદ્ધ કાંઈ રમત તો નહોતી જ. સાચેસાચ નવીઓનો સંહાર થતો હોય છે. રોજેરોજ અખબારોમાં મૃત્યુ પામેલાં સૈનિકોનાં આંકડા આવતા હતા. કોઈ કોઈ નામ આવતા હતા. ક્યારેક તસ્વીર પણ. નીચે સારાં સારાં શબ્દોમાં એ શહીદને અંજલિ આપવામાં આવતી હતી. મનોહર અખબારો એ ઉદ્દેશથી વાંચી જતા હતા, ધડકતે હૃદયે. એ નામો અને તસ્વીરો જોઈ જતા - રખે એમાં ક્યાંય એના જયંતનું નામ ન હોય ! ઈશ્વરમાં શ્રદ્ધા હોવા છતાં પણ મન ડગી જતું. મૃત્યુંજયની માળા ફેરવતાં ફેરવતાં હાથના આંગળા ધ્રૂજી જતાં.

આવી મનોદશામાં - તેમને વેણુની પણ ચિંતા થતી. વેણુને પણ ચિંતા થતી જ હશે ને ? જયંતની ચિંતા થાય જ ને. એ તો તેની પત્ની હતી. મારે મારી ચિંતા વહુ પર શા માટે લાદવી ? - મનોહર વિચારતા હતા.

‘અરે... તે પણ કદાચ તેની ચિંતા મારાથી છુપાવતી હશે.’ તેમણે અનુમાન કર્યું હતું.

નીલ આવ્યો, એ તેમને ગમ્યું. સારો છોકરો હતો. જયંતનો મિત્ર હતો. એથી વિશેષ પ્રિય હતો.

નીલને લાગ્યું કે તેણે વૃદ્ધને સાવ નિરાશ ન કરવા જોઈએ. અલબત્ત, તેની પાસે કશું જ નહોતું, વૃદ્ધને કહેવાનું. જયંત જ નહોતો ત્યાં જયંતનો સંદેશ ક્યાંથી આવે ? શો જવાબ આપવો આ તલપાપડ થયેલાં વૃદ્ધને ? સામે બારણા પાસે અઢેલીને વેણુ ઊભી હતી. વણુએ એટલાં સમયમાં બધાં અલંકારો ઉતારી નાખ્યાં હતાં. સૌભાગ્યના સિવાયના સાદા વસ્ત્રો પરિધાન કરી લીધાં હતાં.

તેના ચહેરા પર પણ ચિંતા અને વિસ્મય અંકાયેલાં હતાં. બે પાંચ પળમાં અભિસારિકા રૂપ વિખેરી નાખ્યું હતું.

નીલ આભો બની ગયો.

‘શાં વિચારાં પડી ગયો નીલ ?’ વૃદ્ધે બીજો પ્રશ્ન પૂછી નાખયો.

‘બાપુ... આજે મેં લશ્કરના એક સૈનિક સાથે વાત કરી. અચાનક જ ભેટો થઈ ગયો. તેને થોડી માહિતીની જરૂર હતી અને હું મળી ગયો. મેં તેની સાથે યુદ્ધની વાત કરી.’

નીલ.. વાર્તા ગોઠવ તો હતો. વૃદ્ધને સંતોષ થાય એવી કોઈ વાર્તાની જરૂર હતી. વૃદ્ધ... તેને સાંભળી રહ્યા હતા.

‘શી વાત થઈ, નીલ ? તેં જયંત વિષે કશું પૂછ્યું ?’ વૃદ્ધ એ વાર્તામાં ઓગળવા લાગ્યા.

નીલ અંદરથી જરા થરથર્યો. વેણુ પણ ડઘાઈ ગઈ.

‘બાપુ... આ યુદ્ધ હવે પતી જશે. લાંબું ચાલે તેમ નથી. આપણે જીતી જઈશું. મિત્રદેશો યુદ્ધવિરામ માટે મથી રહ્યા છે. આપણો હાથ ઊંચો રહેશે. બસ... એ પછી જયંતનો સંદેશો આવી શકે અને રજા મળે તો તે ખુદ પણ આવી શકે.’

નીલે આશાનો તંતુ જીવંત રાખ્યો. વેણુને શાતિ થઈ કે નીલે સરસ વાત કહી હતી. વૃદ્ધને ભાંગી પાડવાના નહોતા.

‘તો... સારું. યુદ્ધ કાંઈ શાંતિનો વિકલ્પ નથી.’ તે સ્વસ્થતાથી બોલ્યા.

‘નીલ... તેને મળવા આવ્યો છું તો શું ઈશ્વર એનો રસ્તો નહિ કરે ?’ તેમણે ઉમેર્યું. તેમનો હાથ ઊંચો થયો ઉપરના ઈશ્વર પ્રતિ.

‘હા, બાપુ...’ વેણુએ હોંકારો ભણ્યો.

‘બાપુ, ઈશ્વર આપણને સૌને દોરે છે.’ નીલે ભાવથી તેને અનુમોદન આપ્યું. વેણુએ પાંપણો ઢાળી. તેને રાહતનો અનુભવ થયો. પળેપળ પ્રતીક્ષા થતી હતી. ચિંતાના વાદળાં પાછળ ધકેલાયા હતા. વૃદ્ધ નીલની વાર્તા સાચી માનીને હળવા થયા.

‘વહુ, આજ તો મંદિરમાં પ્રસન્ન થઈ જવાયું. બહુ પવિત્ર સ્થાન છે. ભીડ વચ્ચે એકાંત છે, પ્રભુ સાથે એકાકાર થઈ જવાય એવી શાંતિ છે !’ મનોહર અગમમાં સરી ગયા.

નીલે પણ શાંતિ અનુભવી. તેણે વેણુ સાથે સંકેતથી વાત કરી લીધી. આમ તે બન્ને વચ્ચે ક્યાં કશી વાતો થઈ હતી ? વેણુએ તેને કહી દીધું કે તેને તેના નિવાસસ્થાને મળશે અને સાંજે જ.

‘નીલ... જમીને જજે.’ વૃદ્ધે પ્રેમથી કહ્યું પણ તેણે વિવેકપૂર્વક ના પાડી.

તે ઊભો થયો અને વૃદ્ધ પણ તેની સાથે ઊભા થયા.

‘નીલ... ચાલ તારી સાથે ચૌટા સુધી આવું....’ તેમણે જેષ્ઠિકા હાથમાં લીધી. જરા હસ્યા પણ ખરાં.

‘વહુ... બે ડગલાં ફરી આવું.’ તેમણે વેણુ સામે પણ હસી લીધું.

‘આવો... બાપુ...’ નીલે પણ આશ્ચર્ય અનુભવ્યું. તેને થતું હતું કે તેને કશુંક કહેવા ઇચ્છતા હતા, વેણુથી છાનું. વેણુ તે બન્નેને જતાં જોઈ રહી. બન્ને ધીમી ચાલે આગળ વધ્યા. નીલ પળેપળે ગૂંચવાતો હતો. પરિચિત વૃક્ષની છાયા પાસે વૃદ્ધ અટક્યા.

‘નીલ... તું તો મારા દીકરા જેવો છે. જેવો જયંત તેવો તું. બેટા... જ્યારે પણ જયંત તને ફોન પર મળે ત્યારે તું, બેટા... મારી વાત જ ન કરતો. હું અહીં છું એ વાત તેને કહેતો નહિ. બેટા, મનનો તાગ કોણ પામી શક્યું છે ? કદાચ તેના મનમાં હજી પણ મારા પ્રતિ કટુતા હોય, તો તે પાછો અહીં જ ન આવે, એવું પણ બને. મારા કારણે તે વહુને મળવા પણ ન આવે. વહુ દુઃખી થાય એ મને ના ગમે. શું સમજ્યો ? મારી વાત ઉખાળતો જ નહિ. જાણે કે હું...’

તે આટલું બોલીને અટકી ગા. આગળ વિચારતા પણ થાક લાગતો હતો. તેમની આંખો ભીની થઈ. આંખોમાં ન સમજી શકાય તેવી કરુણા તગતગતી હતી. તેમણે વાત પૂરી કરી.

‘બેટા... વહુની હાજરીમાં મારે આવી વાત કાઢવી જ નહોતી. તેનો સંદેશો મળી જાય, તો તું મને એ વાતો કહેજે. મને શાંતિ થઈ જશે !’

નીલ ફરી ખળભળી ઊઠ્યો. આ વૃદ્ધ પર શું શું ગુજરતું હશે એનો ખ્યાલ આવતો હતો. એ ક્ષણે તો તે ઈશ્વર પાસે યાચી રહ્યો :

‘હે ઈશ્વર... કોઈના ખાતર નહિ, બસ... આ વૃદ્ધના ખાતર પણ... તું જયંતને પાછો મોકલ.’

તેણે સાંત્વના આપી હતી કે તે માને છે એવું અશુભ બનવાનું નહોતું.

‘નીલ... આજ સવાર સુધી મને જયંતને મળવાના વિચાર આવતા હતા. મેં બાદલપુર પત્ર લખ્યો એમાં પણ એમ લખ્યું હતું પણ હવે મારું મન બીજી દિશામાં વળી રહ્યું છે. મને માત્ર તેના કલ્યાણનો જ વિચાર આવે છે. તે હેમખેમ હોય એ જ મારે મન સર્વસ્વ છે. મારે તેનો શાંત વર્તમાન મારા અતીતથી ડખોળવો નથી.’

વૃદ્ધે સાવ સ્પષ્ટ વાત કહી દીધી. પછી તેમને કશું વ્યક્ત કરવાનું હતું જ નહિ એમ મૌનમાં ડૂબી ગયા.

નીલે ફરી સમજાવ્યા.

‘બાપુ, આપણે ફરી આ વિષે વિચારીશું. તમે આટલું બધું ન વિચારો. આપણે ધારતા હોઈએ એવું ભાગ્યે જ બને છે. તમે તો જ્ઞાની છો, અનુભવી છો, હું તમને શું કહું ? બસ... સ્વસ્થ રહો. શાંત રહો. અતિશય ના વિચારો. આખરે તો એની ઇચ્છા મુજબ જ... !’

દલીલો કરતાં કરતાં નીલ ખુદ થાક અને ગ્લાનિ અનુભવવા લાગ્યો.

‘ભલે... બેટા, પણ તું મારી વાત ન ભૂલતો. જયંત સાથે વાતો કરે એમાં મારો ઉલ્લેખ ના કરતો. મને તો એ જ સૂઝે છે. અતીત ઉખળે એવું કશું શા માટે કરવું જોઈએ ?’ તે જરા અટક્યા.

‘અને... નીલ... મારી ઇચ્છા તો જયંતના ખુશીખબર સાંભળીને અહીંથી ચાલ્યા જવાની છે. મને જયંત અને વહુના સમાચાર મોકલતો રહેજે. એટલું કામ તને સોંપું છું.’

પછીની ક્ષણો ઘેરાં મૌનની રહી. વૃદ્ધ રોકાયા નહિ. ફરજની સોંપણી થઈ ગઈ. મન હળવું થઈ ગયું. મોટો બોજો હટી ગયો.

તે ઘરે આવ્યા ત્યારે વેણુ બારણે ઊભી હતી. તેની આંખોમાં ચિંતા અને પ્રતીક્ષા બન્ને હતાં.

‘વહુ... મારી વાત જોતી ઊભી છું ? મારે ક્યાંય જવું નહોતું બસ, ચૌટા સુધી જઈ આવ્યો. નીલને એક બે કામ સોંપ્યા. બાકી... ભારે સુશીલ છોકરો છે.’

વેણુએ વૃદ્ધનો ચહેરો વાંચ્યો. ના, એમાં હવે કશું અસાધારણ તત્ત્વ નહોતું. સાવ પરિચિત ભાવ હતા, જે તે ઓળખતી હતી.

શી વાત કરી હશે નીલ સાથે ? જરા... જિજ્ઞાસા તો થઈ જ, પણ મન મનાવ્યું કે નીલ તો એ વાતો તેને કહેવાનો જ હતો ને !

વૃદ્ધના મનમાં જયંત બાબત રઘવાટ જાગ્યો હતો એ હકીકત હતી. બેસતાં, ઊઠતાં તેમનાં મનમાં પુત્ર રમતો હતો, પુત્રની સલામતી રમતી હતી. આ કેવી મોટી છલના હતી ? જેનું અસ્તિત્વ જ નહોતું એ વ્યક્તિ સાથે એ જીવંત હોય એવો વહેવાર કરવો પડતો હતો. આ વેદના કાંઈ નાનીસૂની નહોતી. બધો સમય વેણુ વર્તમાન અને અતીત વચ્ચે રહેંસાતી હતી. જયંતને તીવ્રતાથી યાદ કરતી હતી અને એનો અભાવ પણ જાગી ઊઠતો હતો, એક આંધીની માફક.

તે સતત બે કાળ વચ્ચે, બે પુરુષ વચ્ચે અથડાયા કરતી હતી. ક્યારેક ભિંસાતી પણ હતી. જયંતનો સાથ છૂટ્યાં હજી છ માસ માંડ થયા હતા અને તે નીલમય બની હતી. પુરુષ બદલાયો હતો પણ મન બદલાયું નહોતું. એના બદલાવની પ્રક્રિયા એટલી સરળ નહોતી.

નીલ માટે તે પહેલી સ્ત્રી હતી પરંતુ નીલ તેના માટે કાંઈ પ્રથમ પુરુષ નહોતો. નીલના સ્વીકાર પાછળ પણ જયંત જ હતો, જયંતે અંત સમયે કહેલાં વચનો હતા. તેની પોતાની ઇચ્છા થોડી હતી ?

જયંતની હયાતી દરમ્યાન તેને નીલ પ્રતિ આવો પ્રબળ ઉમળતો ક્યારેય નહોતો જાગ્યો - તે તેનો પતિ હોય. હા, ક્યારેક નીલ એક પુરુષ બનીને તેના મનોવ્યાપારોમાં આવતો હતો ખરો, પરંતુ પુરુષ અને પતિ વચ્ચે પણ ફરક તો ખરો ને.

મનોવ્યાપારમાં કશું બની શકે. એ ક્યારેય નિયંત્રણમાં હોય છે ખરા ? વેણુએ અનુભવ્યું હતું કે જયંત તેને પરણ્યો હોવા છતાં મનથી રેવતીથી મુક્ત થઈ શક્યો નહોતો. એ કબૂલ પણ કરતો હતો. વેણુને તેની આ નિખાલસતા ગમતી હતી. એ પુરુષે તેને ક્યારેય અન્યાય તો કર્યો નહોતો. અંતિમ પળો સુધી વેણુ તેના હૈયે વળગેલી હતી. દશ વર્ષનો સંસાર - જે રીતે વીતવો જોઈએ - એમ જ વીત્યો હતો. વેણુને કશી ફરિયાદ નહોતી.

અને આ વૃદ્ધના આગમને તેને જયંતની નજીક આણી હતી. આમ તો નાટક કરતી હતી પણ હવે તે સાચેસાચ માનવા લાગી હતી કે જયંત ખરેખર... પાછા આવે તો...

આ વૃદ્ધે તેને જયંતની દુનિયામાં પ્રવેશ કરાવ્યો હતો. જે ભૂલવાની મથામણો કરતી હતી, જે કાંઈક અંશે ભૂલી ચૂકી હતી એ અતીતના પૃષ્ઠો સજીવન થતા હતા.

કેટલાં પ્રસંગો તેને યાદ હતાં ? એ દૃશ્યો, એ શબ્દો, એ સ્પર્શો... પુનઃ અનુભવાતાં હતાં. તેને થતું હતું કે તે નીલ સાથે કોમળ લાગણીમાં બંધાઈ જશે ત્યારે પણ તેને જયંત આમ જ વળગી રહેશે ? તે શું બે પુરુષો સાથે પ્રેમ કરશે ?

જે ઉત્કટતાથી તે જયંતને ચાહતી હતી એટલી જ ઉત્કટતાથી શું નીલને...? તેને આજ સવારનો બનાવ યાદ આવ્યો હતો. તે નખશિખ તૈયાર થઈને બેઠી હતી - નીલ માટે, મન પણ નીલ માટે જ ઝૂરતું હતું. તેને હતું જ કે નીલ આવશે જ. આ બધું જ સહેતુક હતું, પૂર્વયોજીત હતું. તે પ્રતીક્ષા કરી રહી હતી નીલની.

એ આવ્યો. તે અપેક્ષા મુજબ તેના બાહુપાશમાં ભિંસાણી પણ ખરી. રોમરોમ તરબતર બની જવાયું. પણ એ ક્ષણેય તેને જયંતની સ્મૃતિ તો જાગી હતી. જયંત અનુભવાતો હતો.

એ પછી ઘડીક નીલ અને ઘડીક જયંત એમ ચાલ્યું હતું.

બપોરે તે પલંગમાં પડી પડી વિચારતી હતી કે નીલને સુખ આપી શકશે કે નહિ. જયંતને બહાને નીલને ચાહવાથી નીલને શું મળશે ? અને એ જે પામશે એ પૂર્ણ વેણુ હશે ખરી ?

આ પણ એક જાતની છલના જ ગણાય છે. નીલ તો સાવ ભોળો હતો, એને શો અનુભવ ? એ તો આ ભિન્નતા ક્યારેય સમજવાનો નહોતો અને મારી પાસે છેતરાવાનો હતો.

પ્રકરણ - ૧૩

સવારે સમાચાર મળ્યા કે વિશ્વની મહાસત્તાઓ આ યુદ્ધ ખતમ કરવા મેદાને પડી હતી. કદાચ, હવે યુદ્ધ આટોપાય પણ ખરું. અખબારોમાં આવ્યું હતું. કાંઈક ભીતિ સાથે અખબારોએ આશાવાદને ચમકાવ્યો હતો.

વૃદ્ધે હરખ સાથે આ સમાચાર વાંચ્યા. હજી યુદ્ધ તો ચાલુ જ હતું. જોકે આપણા દેશનો હાથ ઊંચો હતો. આપણું સૈન્ય દુશ્મનની સીમા ઓળંગીને આગળ નીકળી ગયું હતું. સમાધાનની ગરજ એ લોકોને હતી. વૃદ્ધે વિગતવાર કોલમ કોલમ વાંચી લીધું.

પછી વિચારવા લાગ્યા. તેમને અતિશય વિચારવાની ટેવ હતી. ‘યુદ્ધ આખરે યુદ્ધ જ છે. એમાં રક્ત જ વહેવાનું છે.’

તેમણે તરત જ સાદ પાડ્યો : ‘વહુ... સારા સમાચાર છે. યુદ્ધ લગભગ સમેટાશે એમ લાગે છે. જો આ...!’

તેમના સ્વરમાં આનંદ નીતરતો હતો. વેણુએ આનંદનો રણકો સાંભળ્યો. આમ તો સચેત હતી જ. કારણ કે વૃદ્ધનો ઉમળકોય ભિન્ન હતો અને તેનો આનંદ પણ અલગ તો.

વેણુને ખ્યાલ હતો જ કે આ ઉમળકો છેક જયંત સુધી લંબાવાનો હતો. તે સજ્જ થઈને વૃદ્ધ પાસે આવી.

‘જો... બેટા... આપણા માટે સારા સમાચાર છે. યુદ્ધ બંધ થશે પછી તો જયંતના સમાચાર મળશે જ. તેને ફોન પર મળી શકાશે. અથવા કદાચ તે આવે પણ ખરો. એ લોકોના નિયમો આપણે ક્યાં જાણીએ છીએ ? પણ બેટા... આ શાંતિની વાત ગમી.’

તે એકશ્વાસે બોલી ગયા. વેણુને એટલો ઉમળકો ન જાગે એ સહજ હતું તેમ છતાં પણ તેણે ચહેરા પર સ્મિત ઓઢી લીધું.

‘હા... બાપુ...’ તે ધીમેથી બોલી પણ ખરી. વૃદ્ધને લાગ્યું કે તેની હાજરીથી વેણુ શરમાતી હતી પણ એનો ઉપાય પણ નહોતો.

‘મેં નીલને કહ્યું પણ છે અને તને પણ કહું છું. મારે તને એ વાત કહેવી જ હતી. બેટા, હવે મને થાય છે કે જયંત આવે એ પહેલા જ બાદલપુર ચાલ્યો જાઉં.’

વૃદ્ધનો અવાજ જરા કંપ્યો. વેણુ ચકિત થઈ ગઈ. આ તો સાવ અણધારી ઘટના હતી. પુત્રને ઝંખતા વૃદ્ધે આ નિર્ણય શા માટે લીધો, એ તેને સમજાયું નહિ. આમ તો તે બાદલપુર ચાલ્યા જાય એ વાત વેણુને અનુકૂળ હતી. અનુકૂળ જ શા માટે, તેને ગમતી વાત હતી. આ તો ખરેખર આનંદના સમાચાર હતા તેમ છતાં પણ તેને એનો આનંદ ન થયો.

‘બાપુ... તમે આમ શા માટે વિચારો છો ?’ વેણુ લાગણીવશ થઈને બોલી. તેનાથી આમ જ બોલાયું. કોણ જાણે તેની ભીતરમાં રહીને કોણ આવું બોલાવતું હતું.

‘ના... બેટા, આ તને મળ્યો. મન ભર્યું ભર્યું થઈ ગયું. એક સંતોષ થઈ ગયો. વળી બાદલપુરમાં પણ...’ તે અટકી ગયા. હા... કોણ હતું બાદલપુરમાં એક રેવતી સિવાય ? રમા તો ચાલી ગઈ હતી, જ્યાંથી ક્યારેય પાછી ન આવી શકે. બાદલપુર પાછા ફરવાનું જ હતું કારણ કે રેવતી તો હતી ને. રેવતી રમાની અમાનત હતી.

‘બેટા, મારે મારા અતીતથી તમારા વર્તમાનને ડખોળવો નથી. જયંત સાથે તું સુખે તારો સંસાર ભોગવ. મારે વિક્ષેપ નથી કરવો. મેં વિચારી લીધું, ખૂબ વિચારી લીધું. મારા તમને બેયને આશીર્વાદ છે. જયંતને મળવાની ઝંખના સાથે અહીં આવ્યો હતો પણ હવે ફંટાઈ ગયું છે. મને રોકીશ નહિ. નીલને કહ્યું છે, જયંતના સમાચાર સાંભળીને નિરાંતે ચાલ્યો જઈશ. તું જરા પણ ઓછું ન આણીશ. તેં મને કેટલું સુખ આપ્યું છે. હું તને દીકરી ગણું છું. અને રેવતી પણ...’

વૃદ્ધ ઘણું બોલી ગયા. વેણુની આંખ ભીની થઈ.

‘અને આ રીતે જ ક્યારેક આવી જઈશ. જો આ લડાઈ કદાચ બંધ પણ થશે. જયંત તને મળે, મળવા આવશે પણ ખરો. તેની સાથે જીદ ન કરતી. એમ માની લેજે... કે અમે તારી સાથે જ છીએ. હવે તો તું મને ઓળખે પણ છે.’

આમ તો આ વાત વેણુને અનુકૂળ હતી પણ તે રડી પડી. અભિનય કરતાં કરતાં તે સાચી ભૂમિકા ભજવવા લાગી હતી.

‘રડ નહિ, બેટા. આ સંસારમાં બધું ક્યાં આપણી ઇચ્છા મુજબ બને છે ? તારે ને મારે લેણાદેણી હશે તો હું અહીં આવી ગયો. અને જયંતનો મિત્ર પણ સારો છે, સદ્‌ગુણી છે... મને તમારી ચિંતા હવે ના રહી.’

વૃદ્ધ પૂરેપૂરાં ઠલવાઈ ગયા. તેમની આંખો પણ ભીની હતી.

‘ચાલ, જરા મહાદેવને રીઝવી આવું. આમ તો વેણુ, એ કરાવે છે એ ખેલ કરીએ છીએ આપણે. આમાં આપણું શું છે ?’

તે ગયા પણ ખરાં.

વેણુને લાગ્યું કે તે સાવ એકલી થઈ ગઈ. વૃદ્ધની માયા લાગી ગઈ હતી, આટલા સમયમાં.

પ્રારંભમાં તો તે ઇચ્છતી હતી કે વૃદ્ધ ચાલ્યા જાય અને તે નિર્વિઘ્ને નીલ સાથે સહજીવનનો પ્રારંભ કરી શકે, પણ હવે તો ખુદ વૃદ્ધ જવા ઇચ્છતા હતા અને તે તેમને સાચેસાચ રોકતી હતી.

મન તો અસીમ આકાશ જેવું; એ તો કઈ દિશામાં ગતિ કરે એ સમજવું જ મુશ્કેલ. નીલ આ ક્ષણે હાજર હોય તો તે વેણુને જ ઠપકો આપે. ‘અરે, આ તો સારી વાત હતી કે વૃદ્ધ પોતાની રીતે જ જઈ રહ્યા હતા. આમાં દુઃખી થવાની જરૂર જ ક્યાં હતી ?’

તેણે વિચારી લીધું કે નીલ તો તેની રીતે જ વિચારે. લગ્નની નિર્ધારેલી તિથિ નજીક આવી રહી હતી તેમ તેમ તે વિહ્‌વળ બની રહ્યો હતો, ઉત્તેજીત પણ જણાતો હતો અને આવી અવસ્થા કોની ના હોય ? આ બાબત જ એવી હતી. તે ઘર સજાવી રહ્યો હતો.

વૃદ્ધના આગમન પછી તે અસ્વસ્થ બની ગયો હતો. તેની વેણુ પ્રતિની ચિંતા પણ વધી હતી.

તે આ વ્યથામાં ઓગળી રહી હતી ત્યાં જ પાસે રહેલી ભદ્રા આવી પડી. તેને વેણુ પર અપાર લાગણી હતી. તે તેની એકની એક પૌત્રી તન્વીને સંભાળતી હતી. પુત્ર અને પુત્રવધૂ તો અમેરિકા હતા. તે પણ એકાકી હતી અને તેથી જ તન્વી તેનું સર્વસ્વ હતું. આ ઉંમરે પમ તન્વી પાછળ શ્રમ કરતા કંટાળો અનુભવતી નહોતી. વયનો મસમોટો તફાવત પણ ઓગળી ગયો હતો.

તેણે મનોહરને બહાર જતાં જોયા હતા.

‘વેણુ... તારા સસરા તો સાવ ભગવાનનું માણસ છે. આટલાં દિવસ થયા પણ લાગે છે જાણે છે જ નહિ. છે સહેજેય ઉપદ્રવ ? કેટલાક વૃદ્ધો તો એવા હોય કે ત્રાસી જવાય...!’

તેણે આવતાંવેંત જ વૃદ્ધની પ્રશંસા શરૂ કરી.

‘હા... માસીબા... એમ જ છે.’ વેણુએ ઉત્તર વાળ્યો પણ તેનો અજંપો છાનો ના રહ્યો. તે આંસુ લૂછી રહી હતી.

‘વેણુ... તારું દુઃખ હું સમજું છું. આવી ભદ્ર વ્યક્તિને છેતરતા દુઃખ તો થાય જ પણ એ સિવાય કશો રસ્તો પણ નથી, શું સમજી ? અને એ જ સાચો રસ્તો છે, જે તને સૂઝ્‌યો. ના, તેમને આઘાત તો ન જ અપાય. અરે, કદાચ કાંઈ થઈ જાય તો... ?’

વેણુને તેનું આગમન ગમ્યું.

‘બેસો... માસી... આ તમે આવ્યા એ ગમ્યું.’ વેણુ જરા હસી પણ ખરી.

‘ખાસ, તારી પાસે બેસવા જ આવી છું. તન્વીએ આજે રસોડું સંભાળ્યું છે એટલે નિરાંત છે. એને જ હોંશ ચડી છે. તેં પણ રસોઈ માંડી લાગે છે.’

ભદ્રા વાચાળ હતી. એકલતા ક્યારેક વાચાળ બનાવી દેતી હોય છે, ખાસ કરીને - કોઈ મળે ત્યારે.

‘વેણુ, જયંતના મૃત્યુની ખબર અત્યારે તો દબાવી રાખી છે; પણ એ ક્યાં સુધી ચાલશે ? મને ગઈ રાતે ચિંતા થઈ.’ ભદ્રા બોલી.

‘માસીબા એમ લાગે છે કે તે કદાચ પાછા જશે. બહુ લાગણીવાળા છે. અને બાળક જેવા સરળ છે. એમ પણ બને કે... તે કદાચ સત્ય સમજી ગયા હોય ! કશું સમજાતું નથી. તેમણે આજે જ પાછા ફરવાની વાત ઉચ્ચારી. મેં આગ્રહ કર્યો તો પણ એ ના માન્યા...!’

વેણુએ મનની વાત ભદ્રાને કહી.

‘વેણુ... જો તે જતા હોય તો રોકતી નહિ, કારણ કે અહીં રહેશે તો જયંતની વાત જાણી જ જશે. આવી વાતો લાંબો સમય છાની ન રહી શકે. અને વેણુ એનો ભાર પણ કેટલો રહે ?’

‘માસી, તમારી વાત સાચી છે. એ આવ્યા ત્યારથી મારું મન આંધીમાં અટવાઈ ગયું છે. બધું કરું છું પણ ક્યાંય મન લાગતું નથી અને ખોટા વિચારો પણ કેવાં આવે છે ? તેઓ તો પુત્રની પ્રતીક્ષા કરે છે. લડાઈ પૂરી થાય એની રાહ જુએ છે કારણ કે મેં જ એમ કહ્યું છે. અને માસી... ક્યારેક તો મનેય એમ થાય છે કે એ આવશે, બારણે ટકોરાં મારશે. જાણું છું કે આ છળ મેં જ રચ્યું છે તેમ છતાં પણ... !’

વેણુ ફરી ઢીલી થઈ ગઈ.

‘થાય... એ તો, વેણુ - હજુ તો જયંતને છ મહિના જ થયા છે ને ? અરે, મૃત્યુ પામેલાના ભણકારા તો આખી જિંદગી લગી સંભળાય. આ તો આપણું પોતાનું જ માણસ, ક્યાં કોઈ અતરાપિ હતો ? આટલાં વરસ જેનું પડખું સેવ્યું એ ધણી. વેણુ, મને કેટલાં થયા ? તો પણ ક્યારેક મનેય તારા માસા દેખા દે છે. અરે ! ક્યારેક તો બે વેણ કહે છે પણ ખરાં. બેટા, આ તો જનમ જનમનો સંબંધ...!’

અને વેણુની આંખો અષાઢ-શ્રાવણની જેમ વરસવા લાગી.

ભદ્રા દુઃખી થઈ ગઈ. તેને જરા ક્ષોભ થયો. તે તો સાવ સહજ રીતે કહી રહી હતી. આ તો વેણુને દુઃખી કરી, એ અપરાધભાવ તેને ઘેરી વળ્યો.

‘વેણુ, મેં તો તને રડાવી.’ તે બોલી.

‘ના... માસી, તમે આવ્યા એ તો મને ગમ્યું. આ જરા મન હળવું થયું. દશ દશ વર્ષોનો સાથ અને એકાએક એ તંત તૂટી જાય એનું દુઃખ તો થોડું ભૂલાવાનું હતું ? બસ... મનને મારીને... જીવવાનું. અને માસી તેમણે તો મને સુખી કરી છે. તેમણે સહ્યું હશે પણ એ સંતાપથી મને દૂર રાખી. તમે તો જાણો જ છો ને, માસી.’

તેણે અતીત યાદ કર્યો.

‘મને ખબર છે, બેટા... હું જયંતને, તું આવી એ પહેલાંથી ઓળખું. અરે, તને પરણીને લાવવાનો હતો, એની રજેરજ વાત મને કહે. મેં તેની એ હોંશ પણ જાણી છે. દરરોજ કોઈને કોઈ વાત કહેવાની હોય જ. આ તન્વી... સાથે પણ કાલીઘેલી ભાષામાં તારી જ વાતો કહે...!’

ભદ્રાએ વાતને વળાંક આપ્યો. વેણુ હસી પડી. તેણે આંખો લૂછી નાખી. ‘પણ વેણુ... આમ તો તારા વૃદ્ધ સસરા ભલા લાગે છે. તો પછી એ બાપ-દીકરાને આટલો અંટસ શાથી થયો હશે ? આ તો નખશિખ સજ્જન... જયંત પણ સમજદાર...’

ભદ્રા પાસે રેવતીની કથા શા માટે ઉખેળવી ? પછી... અનેક પ્રશ્નો ઊભા થાય. કોઈને લાગે કે આનો દોષ... બીજાનો દોષ... નાહક એમાં શા માટે પડવું ? તેણે વાતને સમેટી લીધી.

‘માસીબા, વાતમાં તો શું હોય ? કેટલીક વાર સમય અને સંજોગો જ ઘટનાઓ સર્જતા હોય છે. બાકી તો આપણા નસીબ. એમાં કોઈ ડાહી વ્યક્તિનું ડહાપણ ચાલતું નથી.’

‘સાચી વાત છે તારી વેણુ. પણ હવે મારી વાત સાંભળી લે. આ જતા જ હોય તો રોકતી નહિ, કારણ કે સત્યને ક્યાં સુધી ઢાંકી શકીશ ? તે ભલે જાય બધું જ સચવાઈ રહે. તેમને આઘાત ન લાગે, તારા વતનમાં જે હોય એને પણ... દુઃખ ન લાગે. તારી હિંમત પણ ખરી કહેવાય.’ તે જરા અટકી ગયા.

‘ભલે માસી... તેમને નહિ રોકું. તમે માનશો, મને તો તેમની પણ લાગણી થાય છે. કેવા સરળ સ્વભાવના છે ? મારો તો શો પરિચય ? તો પણ દીકરી જેવી લાગણી રાખે છે. વેણુ...વેણુ... કહેતાં થાકતા નથી. અને માસી... મારા મારે ઘરેણાંની પોટલી લાવ્યા છે. મને આપી ત્યારે... એય રડી પડ્યા અને હુંય...’

વેણુ ભાવાર્દ્ર થઈ ગઈ.

‘તારા ભાગ્યમાં તેમની સેવા લખી હશે. બસ, હવે રંગે સંગે વિદાય કરી દે. એ પણ બને કે તેમને... ખ્યાલ આવી ગયો હોય...’

ભદ્રા તર્ક લડાવતી હતી પણ વેણુએ ના પાડી. ખરું કારણ તો તે જાણતી હતી પણ ભદ્રા પાસે એ કશું ઉખેળવા ઇચ્છતી નહોતી.

અચાનક ભદ્રા બોલી, કાંઈક ગંભીર બનીને.

‘વેણુ, તને કદાચ મારી વાત નહિ ગમે પણ મારો માંહ્યલો તો મને એજ રસ્તો દેખાડે છે. બેટા, તું સાચું કહી દે. સત્ય ઢાંક્યું કાયમ નહિ રહી શકે. આઘાત જરૂર લાગશે પણ તે એ જીરવી લેસે. દુઃખનું ઓસડ દહાડા...’

વેણુ ચમકી. ભદ્રામાસી શું કહી રહ્યા હતા ? આ વાત કહેવા જ આવ્યા હશે ? અથવા એમ જ ઊગી હશે - મનમાં ?

‘ના... માસી... પુત્ર ઝંખતા આવેલા પિતાને આ વાત તો ન જ કહેવાય. તેમનું મન કેટલું કોમળ છે એ તમે જાણતા નથી. મેં તો એકએક પળ અનુભવી છે. પૂર્વ-પરિચય જ નહોતો, તેમ છતાં પણ તેમની પુત્રને મળવાની ઝંખના સમજાતી હતી અને એ લાગણી યથાવત્‌ છે. માસી, હજુ પણ એ આંખો પુત્રને ઝંખે છે. મારા પર સ્નેહ દર્શાવે છે એ પણ પરોક્ષ રીતે પુત્રપ્રેમ જ છે.’

વેણુએ લાગણીવશ થઈને પોતાની સ્થિતિ વ્યક્ત કરી.

‘વેણુ, તું સાચી જ હોઈશ, કારણ કે હું તો તને ઓળખું જ છું. જયંત નથી છતાં પણ તું કેવું જીવન જીવે છે, એ હું જાણું છું. તું તો કમનસીબ છે, બેટા. નહિ તો તારું સ્થાન તારા સ્વજનો સાથે જ હોય ને ? અને તું ધન્યતા પણ અનુભવે તેઓ સાથે. જેવી ઉપરવાળાની ઇચ્છા. અમે તો અહીં જ છીએ, તારી એકલતાના ભાગીદાર... પરંતુ બેટા... આખી જિંદગી પડી છે... એ કાંઈ આમ જ... નહિ વીતે ? કઠોર... છે એમ કરવું. ભલે આ વાત પછી ક્યારેક... અત્યારે તો લાવ, તને મદદ કરું. તેં હજુ રસોડામાં પગ પણ ક્યાં મૂક્યો છે ? મારે તો તન્વી લાગી ગઈ છે...?’

બસ, એ પછી વાતોની દિશા બદલાઈ...

આજે કેટલી ગંભીર વાતો થઈ. વેણુ વિચારી રહી હતી.

‘માસી, તમે બેસો... હવે... હું લાગી જાઉં છું. બાપુ... આવતા જ હશે.’ વેણુએ રસોડું સંભાળી લીધું.

તેને નીલની ચિંતા પણ થતી હતી. તે કેમ નહિ આવ્યો હોય ? આમ તો તે આવ્યા વિના ના રહે. ખરેખર તો વેણુને જ નીલના દર્શનની આદત પડી ગઈ હતી. આંખો પાથરીને જ બેઠી હતી - નીલ માટે.

ખૂબ જ સંવેદનશીલ હતો નીલ. જાણે કાચનું વાસણ ! જયંત આવેગવાળો હતો પણ ની તો જાતને બાળવાવાળો હતો, મીણબત્તી જેવો. પોતે બળી જાય, ઓગળી જાય પરંતુ અન્યને કશું આપતો જાય. કોઈ ફરિયાદ નહિ. બસ ચૂપચાપ બળ્યા કરે. એથી જ વેણુને નીલની વિશેષ ચિંતા રહેતી હતી. જયંતના મૃત્યુ પછી આવા સંવેદનશીલ નીલે તેને સંભાળી હતી અને હવે વેણુએ તેને સંભાળવાનો હતો.

આમ તો તે ઋણ ચૂકવી રહી હતી. એ વાત વેણુ જુદી રીતે લેતી હતી. અરે ! નીલને તો આની જાણ કરાતી હશે ? એ તો રીસ ચડાવીને જ બેસી જાય. એમ જ કહે : આ કાંઈ વ્યાપાર છે ? આ તો... લાગણીની બાબત હતી.

વેણુએ તેને ચાહ્યો હતો, ચાહતી હતી અને શક્ય હોય તો અંતિમ શ્વાસ લગી ચાહવાની હતી. અરે, શક્ય હોય તો... તે આ સંબંધ જનમજનમ સુખી જોડી રાખવા માટે પણ તૈયાર હતી.

નીલ માટે તો ગમે તે કરવા તૈયાર હતી. નીલ પ્રત્યેની અપાર લાગણીઓ ક્યારેક તેને બીજી દિશામાં દોરી જતી હતી. તેને થતું કે તે આ લાગણીથી તરબોળ વ્યક્તિને સુખી કરી શકશે ખરી ? તે એમાં ઊણી તો નહિ ઊતરે ને ? નીલની અપેક્ષા સંતોષી શકશે કે નહિ ? ક્યારેક તેને લાગતું કે તે અક્ષમ હતી, નીલ માટે.

તે નીલને નિરાશ તો નહિ કરે ને ? નીલને જોયા વિનાનો ભાગ્યે જ કોઈ દિવસ ગયો હતો. વૃદ્ધના આગમન પછી પણ એ ક્રમ તૂટ્યો નહોતો. નીલે તો તેમને પણ જીતી લીધા હતા. અદ્‌ભુત હતો નીલ.

અને ભદ્રામાસી શું વિચારતા હતા ? તે મનોમન હસી પડી. તે તેના નીલ સાથેના સંબંધ વિશે જાણે તો તેમના પર આકાશ તૂટી પડે. તે તેને કોણ જાણે કેવી દૃષ્ટિથી જુએ ?

જોકે તેમની એક વાત સાચી હતી, જે વિશે તે કહી રહ્યા હતા. ‘વેણુ, તો પછી તેં તારા સાસુને તો જોયા જ નહિ હોય ને ? તેનું મન અવશ્ય તને ઝંખતું હશે. તને ખબર છે. ક્યારેક કોઈ પણ સ્ત્રીને પત્ની બનવાના ઓરતા જાગે, વહુ બનવાની હોંશ જાગે અને સાસુ બનીને વહુને શણગારવાની પણ હોંશ જાગે. આ તને ઘરેણાં મોકલ્યાં એ લાગણીથી જ ને ? અને તને જોવાની પણ તરત તો હોય જ એ સ્ત્રીના અંતરમાં. ભલે... અત્યારે... જયંત વિશે ન જાણે પણ ક્યારેક તો...’ ભદ્રામાસી સાવ સરળ રીતે કહી શક્યા હતા.

‘તું ત્યાં જઈ આવજે તો ખરી. આ વ્યક્તિ લાગણીથી છલોછલ છે તો પેલી સ્ત્રી પણ એવી જ હશે. તારે એ બન્નેની શેષ જિંદગી સુધારવી જોઈએ... કેમ લાગે છે મારી વાત ? તું રોટલી વણ... હું ઝટપટ શેકી નાખું... હમણાં આવશે જ... કેવાં નિરુપદ્રવી છે ? સહેજે ભાર ન પડવા દે. અને તું શું માને છે ? આમને કોણે અહીં મોકલ્યા હશે ? પેલી મમતાભરી સ્ત્રીએ જ.’

‘હા... માસી...’ વેણુએ હોંકારો ભણ્યો હતો.

અત્યારે તેનું મન નીલથી ભદ્રામાસી, જયંતથી પેલી દૂરના સ્થાને રહેલી મમતાભરી સ્ત્રી સુધી ભટકતું હતું.

અચાનક જ તેણએ પૂછી નાખ્યું ભદ્રો. બસ, પૂછાઈ ગયું - મનોમન સંવાદ કરતી હોય એ રીતે.

‘ભદ્રામાસી... મનને ગાંઠો કેમ વળતી જતી હશે ? દૂરથી ઝંખતી વ્યક્તિઓ નિકટ આવતાં કેમ વિમુખ થઈ જતી હશે ?’

‘બેટા... આ મન ખૂબ ચંચળ છે. એ હાથમાં આવતું નથી. લાખ ઉપાયે એને કાબૂમાં લઈ શકાતું નથી. નહિ તો બેટા, આ સંસારમાં કશું બને જ નહિ. આપણે અધૂરા છીએ એટલે જ વખતોવખત છલકાયા કરીએ છીએ... ખાલી થયા કરીએ છીએ. તું એમ ન માનતી કે માસી બહુ જ્ઞાની થઈ ગયા છે. સમય મળ્યો છે અને વાંચવાનો શોખ છે. અને વિચારું પણ છું. અને બાકી રહે એ તું અને તન્વી. અને તારા જેવી સ્ત્રીઓ પાસેથી મેળવું છું.’

ભદ્રામાસીથી વેણુ ખાસ્સી પ્રભાવિત થઈ ગઈ. વાત તો સાચી હતી માસીની.

આ માસી નીલ વિશે જાણે તો તેને સહી શકે ? તેમને એમ ન લાગે કે વેણુ ખરાબ સ્ત્રી હતી ?

બસ... ત્યાં જ વૃદ્ધની લાકડીનો અવાજ સંભળાયો, નજીક આવ્યો. આવતાંવેંત જ તે બોલ્યા :

‘વેણુ બેટા, શું નીલ આવ્યો હતો ?’

પ્રકરણ - ૧૪

એ રાતે ફરી હેમંતભાઈનો ફોન આવ્યો હતો.

‘હેલો... નીલ, તેં આપેલો ડેટા મળ્યો પણ... નીલ, થોડો ડેટા તો રહી જ ગયો છે. આઇટેમ નંબર પાંચ અને છ તો સાવ બ્લેન્ક છે. અત્યારે પાસે હોય તો લખાવી દે.’

પણ નીલ તેમ કરી શક્યો નહોતો. એ ડેટા તેણે કઢાવ્યો જ ક્યાં હતો દેસાઈ પાસે? દોષ તેનો જ હતો. તે થીજી જ ગયો. આ તો તેની ચોખ્ખી બેદરકારી હતી. કેવી રીતે રહી ગયું હશે ? તે તો ખૂબ ચોક્કસ હતો - આવા વિષયમાં.

તેને ક્ષમા માગવા સિવાય બીજો માર્ગ જ નહોતો. કેટલું હીણપત જેવું ગણાય ? થઈ ગયું હતું. આજકાલ ?

‘નીલ... ડોન્ટ બોધર... કાલે મને આ ડિટેઇલ્સ આપી દેજે. મને લાગે છે કે તું હમણાં કાંઈક અસ્વસ્થ છું. વૉરની અસર છે કે શું ? અરે... ત્યાંનું વૉર મને પણ બેચેન બનાવી દે છે. આ દુનિયાને હવે વધુ યુદ્ધો પોષાય તેમ નથી. કોણ સમજાવે - આ મૂર્ખોને?’

હેમંતભાઈ યુદ્ધના વિષયમાં સરકી ગયા. થાય જ ને ? એ પણ આ દેશમાં જ જન્મ્યા હતા, પોષાયા હતા...

‘અરે ! નીલ... પછી શું થયું તારી પેલી છોકરીનું ? શું નામ તેનું ?... હા... જરા ઑફબીટ નામ છે અને નીલ, હું માનું છું કે એ પણ ઑફબીટ જ હશે. નીલ, સ્ત્રીને સમજવી સહેલી નથી. આ વિશ્વનું સૌથી વિકટ કામ એ જ છે. તું માનીશ ? મને ઈલા નથી સમજી શકતી એટલું તેની મોમ માર્ગારેટ સમજે છે. બસ... એ વેણુને ઝટ પરણી જા. લગ્ન કરવામાં વળી શી વાર લાગે... વ્હેન યુ બોથ આર રેડી... એન્ડ માય બોય... તમે બન્ને અહીં આવી જાઓ થોડો સમય... ઑફિસ... દેસાઈને સોંપી દેેજે. સારો માણસ છે... અને હા... પેલી ડિટેઇલ્સ...’

હેમંતે અનેક વાતો કરી નાખી, અકરાંતિયાની માફક. નીલને તેની ક્ષતિ બદલ પરિતાપ થતો હતો. તે એ મનોસ્થિતિમાંથી બહાર ન આવ્યો. તે વારંવાર પોતાની જાતને પ્રશ્ન કરતો હતો કે આમ શાથી થયું. આ તો હેમંતભાઈ હતા એટલે વાત ગળી ગયા હતા, પણ આ કંઈ નાનીસૂની વાત નહોતી જ. તે તેની જાતને માફ કરવા તૈયાર નહોતો.

રાત આખી... મન સાથેના સંવાદમાં વીતી. અંધારપટ્ટ હતો, નહિ તો તેણે રાતે જ... ઑફિસે જઈને... દેસાઈ અને ભાવસારને બોલાવીને એ વિગતો મેળવી હોત અને કાકાને ક્ષમા સાથે મોકલી પણ હોત.

નીલ સંવેદનશીલ હતો. તેને પથારીમાં પડ્યાં પડ્યાં વેણુની યાદ આવી. તેની આ અસ્વસ્થતાનું કારણ વેણુ તો નથી ? તે સતત વિચારતો હતો. વેણુ વિશે વિચારવું તેને ગમતું, પણ આજે જરા દિશા ફંટાઈ ગઈ હતી. તેને થયું કે હવે તેણે તરત જ વેણુ સાથે પરણી જવું જોઈએ. કૉર્ટ-મેરેજમાં વિલંબ ન થવો જોઈએ. તેને વેણુની જુદાઈ જ અસ્તવ્યસ્ત બનાવતી હતી. બસ, હવે... સમયનો અંતરાય ન રહેવો જોઈએ.

એક માત્ર વેણુનો સહવાસ જ તેને શાંતિ પ્રદાન કરે તેમ હતો. વેણુ વિના તે અપૂર્ણ હતો. તે હવે વિરહ અને એકલતા સહી શકે તેમ નહોતો. આ બધી શૂન્યતાનું કારણ વેણુની અનુપસ્થિતિ હતી, હૃદયસ્થ હતી પરંતુ સમીપ ક્યાં હતી ? એટલી સમીપ કે વચ્ચે કોઈ અવકાશ કે અંતરાય જ ના રહે !

તેનું ચાલે તો તે અબઘડી જ વેણુને ઘરે લઈ આવે, અને તેના અસ્તવ્યસ્ત મનને અને સૂના ઘરને તેને સોંપીને ગાઢ શાંતિમાં ડૂબી જાય.

વેણુએ તેને કહ્યું જ હતું ને ? અનેકવાર કહ્યું હતું.

‘નીલ, મને ત્યાં આવવા દે. પછી તો તારા બિઝનેસમાં મદદ કરીશ. સાથે કામ કરીશું અને સાથે પ્રેમ પણ...’

નીલ ખુશખુશ થઈ જતો. આ કેવી અદ્‌ભુત સ્ત્રી હતી ?... તેની રિક્તમાં રંગોળી પૂરવા થનગનતી હતી.

એ રાતે તે વિવશ બની ગયો, વેણુ માટે. તે પણ તલપાપડ જ હતી, નીલ માટે. શું આ યુદ્ધ નડતું હતું ? ના, યુદ્ધો વચ્ચે પણ નવીવન તો પાંગરતું જ હોય છે ને ? જન્મ, મૃત્યુ માટે ક્યાં સમય મુકરર હોય ? એ રીતે લગ્ન માટે પણ...

આવેગ, લાગણી, પ્રેમ કોઈ વિલંબ સહન કરે ? તો... પછી તે અને વેણુ શાની પ્રતીક્ષા કરી રહ્યા હતા ?

હા, પેલા વૃદ્ધ હતા ને ? જયંતના પિતા. તેઓ પણ કશી પ્રતીક્ષા કરી રહ્યા હતા. કેવી કરુણતા હતી ? આખી વાત જ વ્યથાથી ભરી હતી. તેઓ જેની પ્રતીક્ષા કરતા હતા એ પુત્ર ક્યારેય આવવાનો નહોતો.

જોકે હવે તેઓ ઢીલા પડ્યા હતા. બિચારા સારા હતા. નીલ તેને જેમ સમજાવતો હતો એમ માની જતા હતા. હવે તો બસ પુત્રનો સંદેશો પામવાની જ ઇચ્છા બચી હતી.

નીલને એ વાત સમજાતી નહોતી કે વૃદ્ધે પુત્રને મળીને જ વતનમાં જવાનો આગ્રહ શા માટે જતો કર્યો હતો ? અને હવે માત્ર સંદેશ મેળવીને વિદાય થવા ઇચ્છતા હતા. આમ શાથી થયું હશે ? અલબત્ત, આ તો નીલ અને વેણુને મનગમતી વાત હતી. ગમે એ કારણ હોય પણ એ વિશે ઝાઝું શા માટે વિચારવું - એમ નીલને થયું.

આ તો આનંદની વાત હતી. તે ભીતરથી ઉછળી પડ્યો હતો. અલબત્ત, તેણે વેમુ સાથે આ ખુશીની વાત નહોતી ચર્ચી. વેણુ કેટલી ખુશી થઈ હોત ? તે તો નીલને વળગી જ પડી હોય. ‘નીલ, બસ હવે આપણો રસ્તો સાફ. હવે નિર્વિઘ્ને તારા ઘરમાં પ્રવેશું. તારા જીવનમાં તો પ્રવેશી ચૂકી છું પણ નીલ, હવે વિધિવત્‌ પ્રવેશું...’

નીલને આવી લાગણી થતી હતી. હવે રસ્તો સરળ બની રહ્યો હતો. વૃદ્ધ ખુદ જ પુત્રને મળ્યા વિના પાછા ફરવાનું વિચારતા હતા... હવે તો માત્ર આટલું જ કરવાનું હતું. એક સવારે બનાવટી અભિનય સાથે વૃદ્ધને જયંતનો સંદેશો પહોંચાડવાનો હતો.

‘બાપુ, સારા સમાચાર... કાલે રાતે જ... બરાબર આઠ વાગે... જયંતનો ફોન આવ્યો. તેની ટુકડી મોરચા પરથી હેડક્વાટરમાં પાછી ફરી હતી. બસ મજામાં છે. લડાઈનો અનુભવ પણ કહ્યો. એથી વિશેષ તો તે કહી પણ ના શકે. બાપુ, મને તો થયું કે તમારા સમાચાર પણ આપું પણ તમે ના કહી હતી ને ? હમણા રજા મળે તેમ નથી.’

અને વૃદ્ધ તેને એકીટશે તાકી રહેશે. તેમની આંખો ભીની પણ થશે અને સામે ઊભેલી વેણુ પણ રડી પડશે. સહજ જ રીતે. તેને જયંત યાદ આવી જશે.

અરે, એમ તો તેને પણ દુઃખ તો થશે જ ને, બેવડું દુઃખ ?

પરંતુ એ પહેલા વેણુને વિશ્વાસમાં લેવી જરૂરી હતી.

નીલ જે વિસ્તારમાં નિવાસ કરતો હતો એ નગરનો પોશ વિસ્તાર ગણાતો. અહીં તવંગરોનાં બંગલાઓ વિશેષ હતા. વૈભવ હતો અને એટલે જગ્યાનિ વિશાળતા હતી. સાથોસાથ એકલતા પણ હતી. વાહનોની ચહલપહલનો શોર, માણસોના અવાજ કરતાં બળકટ હતો.

નીલની નાનકડી બંગલી આમ તો હેમંતભાઈની હતી. હેમંતભાઈનો ખૂબ ગમતી હતી. તેમને હતું કે તે ઈલા સાથે અહીં સરસ રીતે રહી શકશે. ઈલા પણ આ સ્થાનને પસંદ કરશે. પણ એ સ્વપ્ન પૂરું ના થયું. ઈલા એ દેશમાં આવી જ નહિ.

હવે આ બંગલી નીલની હતી અને વેણુની પણ. વેણુ અને નીલ બન્નેએ મળીને એને સજાવી હતી.

હેમંતભાઈને જ્યારે નીલે વેણુ વિશે, સૌ પ્રથમ વાર વાત કહી ત્યારે તેમણે તરત જ પ્રત્યાઘાત વાળ્યો હતો :

‘અચ્છા... તો નીલ, હવે એ સ્થળે પ્રથમ વાર એક સ્ત્રી આવશે. નીલ, બંગલીના ભાગ્ય ફરી ગયા.’

અને પછી ઉમેર્યું હતું : ‘નીલ, તું એ સ્ત્રીની ઇચ્છા મુજબ ઘર સજાવજે. આ પણ એ લ્હાવો છે. નીલ, મેં પણ એકવાર આવું તોફાન કર્યું હતું. જોકે નીલ, એ તારી વેણુ ખરેખર સરસ સ્ત્રી હશે. મને તેના વિશે પત્ર લખજે. અને વહેલી તકે તમે બન્ને પરણી જાઓ. મારી, શુભેચ્છા છે.’

એ પછી નીલે હેમંતભાઈને વેણુ વિશે લખ્યું હતું, વેણુને વંચાવીને લખ્યું હતું. વેણુ શરમાઈ ગઈ હતી - લજામણિના છોડની માફક. ‘નીલ... મને આટલી ઊંચે ના ચડાવશો. તમે મને ઓળખો છો. એ કરતાં હું મારી જાતને વદુ ઓળખું છું. આપણે જમીન પર જ ચાલીએ. અને નીલ મને હેમંતકાકાનો પરિચય આપો. મારે એ વ્યક્તિ વિશે જાણવું છે. હવે તો તે મારાય વડીલ, મારા ય સ્વજન.’

વેણુએ હેમંતભાઈના ખંડને પણ સજાવ્યો હતો, તેની સમજ મુજબ.

‘નીલ, કાકા આવે ત્યારે તેમને કેટલો આનંદ થાય - આ બધું નિહાળીને ?’

વેણુએ હેમંતભાઈનો મોટી સાઇઝનો ફોટો તેમના ખંડમાં દીવાલ પર ટાંગ્યો હતો. અને ઈલાનો ફોટો પણ એન્લાર્જ કરીને બીજી દીવાલ પર કલાત્મક રીતે સજાવ્યો હતો.

‘સરસ હતી ઈલા’ વેણુને પ્રથમ પ્રતિભાવ આ હતો. ચહેરા પર માર્દવતા હતી, નમણાશ હતી અને જરા અતડાપણું પણ હતું. રૂક્ષતાને મળતી એક રેખા પણ હતી. કુમાશ હતી પણ ખુલ્લાપણું નહોતું.

વેણુએ ઈલા વિશેની વાતો પણ પછી જાણી. નીલે મતભેદોની વાત કહી. લગભગ વિચ્છેદની નજીક પણ પહોંચી ગયા હતા એ પણ વાત કહી. ત્યારે વેણુને લાગ્યું કે તે ચહેરાઓ વાંચી શકતી હતી. તેને નીલમાં એક નિખાલસ અને ઋજુહૃદયના પુરુષના દર્શન થયા હતા. અને એ વાત તેણે નીલને પણ કહી હતી.

નીલ હસી પડ્યો હતો.

એક વાત વેણુ નહોતી જાણતી. કદાચ નીલને પણ સભાનતા નહોતી. નીલ હવે દિવસે દિવસે વેણુની બાબતમાં વધુ ને વધુ સંવેદનશીલ બને જતો હતો. ક્યારેક એ સંવેદનશીલતા માલિકીપણાના ભાવમાં પણ સરી જતી હતી. આટલાં વર્ષ તેણે વેણુ વિના ગુજાર્યા હતા, કોઈ સ્ત્રી વિના ગુજાર્યા હતા. વયની વસંતો ઉમેરાતી હતી, પણ તેને કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો જ નહોતો.

બસ... તે તો હેમંતભાઈએ સોંપેલ ધંધો સંભાળવામાં લાગી ગયો હતો. હેમંતભાઈએ ઈલા તરફના અસુખની વાત તેને અવારનવાર કરી હતી. તેની સમક્ષ સ્ત્રીનું એક ચિત્ર આકારાઈ ગયું હતું. અને ચિત્ર કાંઈ સારું નહોતું.

પછી તો જયંતની સોબત વધી હતી. આવરોજાવરો શરૂ થયો હતો અને એક સમયની તેની ઓરડીની સામે રહેતી સવિતાસદનવાળી વેણુની પુનઃ સજીવન થઈ હતી. તેના સ્ત્રી વિશેના ખ્યાલો બદલાયા હતા.

તે માનવા લાગ્યો કે બધી સ્ત્રીઓ ઈલા નથી હોતી. એમાં વેણુ પણ હોય છે. અને વેણુ એટલે તો એક અગમ્ય ખેંચાણવાળી સ્ત્રી. મિત્રપત્ની હતી તો પણ શું ? તેને કશું ખેંચાણ તો થતું જ હતું. મન સાથે સંવાદો થતા હતા. આવાં વિચારો આવી જતા હતાં. એ કાંઈ ચાહીને આવું કશું ક્યાં કરતો હતો ? તે મિત્રપત્ની હતી. એ સત્ય હતું પણ તે ક્યાં કશી મર્યાદા ઓળંગવાનો હતો ? કા... તે વેણુ... ને વેણુનું સંબોધન કરતો હતો.

અને વેણુ પણ તેને નીલ જ કહેતી હતી ને ? સવિતાસદનના સંબંધો જ ચાલતા હતા. જયંતની ઉદારતા પણ ગણાય. તેણે ક્યારેય આ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો - વેણુ સમક્ષ.

એવો પુરુષ જ આવી અંતિમ ઇચ્છા વ્યક્ત કરી શકે ને ?

નીલમાં કોણ જાણે પણ વેણુ પ્રતિનો રઘવાટ પ્રવેશ્યો હતો. તે તીવ્ર બન્યો હતો, વેણુની પ્રાપ્તિની બાબતમાં. વેણુ મનથી તેની થઈ ચૂકી હતી અને હવે સાક્ષાત્‌ વિધિવત્‌ પ્રવેશ કરવાની હતી, તો પણ તેની અધીરાઈ હદ ઓળંગી ગઈ હતી.

આ રાત નિર્ણયની હતી. તેણે નિર્ણય કર્યો કે હવે સમજાવીને પટાવીને પણ જયંતના પિતાને વિદાય કરવા, તરત જ ઘડિયા ગ્ન કરી નાખવા... અને વેણુને...

છેવટે વૃદ્ધને સત્ય હકીકત જણાવી પણ દેવી, કે જયંત હવે આ દુનિયામાં નથી... એ આર્મીમાં ગયો જ નથી... અને જયંતની ઇચ્છાથી જ... તે બન્ને.... લગ્ન કરી રહ્યા હતા...

તે છેલ્લી કક્ષાએ જવા તૈયાર થઈ ગયો હતો. નીલનો ઉશ્કેરાટ સીમા ઓળંગી ગયો હતો.

અને... એ કાર્ય આજે જ કરવા માગતો હતો. વેણુને આ વાત પસંદ નહિ પડે એની તેને બીક હતી. ના પણ... તે તેને સમજાવશે... હઠ પકડશે, પણ વાતને છોડશે નહિ.

પરંતુ એ પહેલા તેણે હેમંતભાઈનું અગત્યનું કામ આટોપવાનું હતું. તે પરોઢ થવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. રાતભર મટકું માર્યું નહોતું. તેણે તેના શયનખંડમાં આમતેમ આંટા પણ માર્યા હતા. ઉજાસના દર્શન થયા ત્યારે તે ખૂબ થાકી ગયો હતો. તન તૂટતું હતું અને મન પણ રઘવાટમાં ડૂબ્યું હતું. તેણે એ જ અવસ્થામાં દેસાઈ અને ભાવસારને ઑફિસે પહોંચી જવાની અને કામની સૂચના આપી.

દેસાઈએ તો ટકોર પણ કરી હતી :

‘સર... તમારી તબિયત તો...’

અવાજ પણ તન-મનની હાલતનો અરીસો બની શકે છે, એ તેણે અનુભવ્યું.

‘દેસાઈ, હું પણ આવું છું. આ ડેટા... ખૂબ જરૂરી... એન્ડ વિધીન નો ટાઇમ.’ તેણે તબિયતની વાતનો છેદ ઉડાડીને કામની અગત્યતાની તાકીદ કરી.

અને તે તૈયાર થવા લાગ્યો. તેણે તેની ચા પણ બનાવી. આજે નીલ ખૂબ જ ઉતાવળમાં હતો. મહારાજ આવ્યા ત્યારે તો તે બહાર જવા માટે તૈયાર થઈ ગયો હતો.

‘સાહેબ, ચા પણ બનાવી નાખી ?’ મહારાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું. પણ તે તો તેની ધૂનમાં હતો. આટલાં વર્ષોની ઓળખાણ હતી પરંતુ આજે તેમને નીલમાં નવિનતા લાગી.

‘હવે સાહેબે પરણી જવું જોઈએ - પેલાં બેન સાથે.’ એવો વિચાર પણ આવ્યો. મહારાજે તો હેમંતભાઈની ચાકરી પણ કરી હતી. તે ક્યારેક આવા ગંભીર બની જતા નહોતા. વાતાવરણ ક્યારેય ભારોભાર બન્યું નહોતું.

‘શું થયું હશે નીલને ? મહારાજને ચિંતા પણ થઈ.

‘હું જાઉં છું. રસોઈ ઢાંકીને જજો. મારી રાહ જોવાની જરૂર નથી.’ નીલે એ જ મિજાજમાં સૂચના આપી.

આ સૂચનાનો અર્થ મહારાજ સમજતા હતા. એનો અર્થ એ કે એક વધુ વખત રસોઈ એમને એમ પડી રહેવાની હતી.

નીલ... પગથિયાં પાસે આવ્યો. સહેજ અટક્યો. પાછો ફર્યો. બ્રીફ તપાસી અને પુનઃ પગથિયાં પ્રતિ આગળ વધ્યો. બધું પરિચિત જ હતું. આંખો મીંચીને પણ છેક દરવાજા સુધી પહોંચી જાય એટલી પરિચિતતા હતી પણ મન ક્યારેય આવું વ્યગ્ર નહોતું.

અને નીલ પ્રથમ પગથિયે લપસ્યો. પાંપણો પલકે એટલા સમયમાં જ એ બની ગયું. એક ધબાકો સંભળાયો. એની પાછળ જ એક હળવો ઉંહકારો સંભળાયો.

આ એક અણધારી ઘટના હતી.

‘શું થયું, સાહેબ...?’ મહારાજ દોડી આવ્યા, ત્યારે નીલની હાલત ખરાબ હતી. દેહની હાલત તો ઠીક હતી પણ મનની હાલત વસમી હતી. થોડી પળો પછી પીડા પણ અનુભવાવા લાગી. મહારાજે તેને ઊભો કર્યો.

હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે પણ તેની જબાન પર કામનું જ રટણ હતું અને મનમાં વેણુ હતી.

દેસાઈ અને ભાવસાર કામ પડતું મૂકીને આવી પહોંચ્યા એ પણ નીલને ન ગમ્યું.

‘તમને કોણે મૅસેજ આપ્યો ? મહારાજે... ? ઓહ ! તેમણે તો ધમાલ કરી મૂકી. પીડા થાય છે - પણ એ તો થાય જ. તો પછી મહારાજે...’

નીલને વિચાર આવી ગયો કે મહારાજે જરૂર વેણુને આ વાત જણાવી હશે. તેમની ડાયરીમાં વેણુનો પી.પી. નંબર તો હતો જ.

‘સર... તમે ચિંતા ન કરો. તમે કહ્યો એ ડેટા... બની જ જશે અને આજે જ...’ દેસાઈએ આશ્વાસન આપ્યું.

તેને નીલની સંવેદનશીલતાનો ખ્યાલ હતો.

અને વેણુ આવી પહોંચી, લગભગ હાંફતી... તેની આંખો ભીની હતી. ‘ઓહ ! ભગવાન ! શું થયું... તમને...?’ તે હાંફ વચ્ચે માત્ર આટલું જ બોલી, આટલું જ બોલી શકી. નીલ સ્ટ્રેચર પર હતો. તેણે વેણુને જોઈ..., નવિન દૃષ્ટિથી જોઈ. તેને લાગ્યું કે વેણુ હમણાં જ રડી પડશે.

ના... તે રડી નહિ, હતપ્રભ બનીને નીલને અવલોકવા લાગી.

દેસાઈએ પાસે આવીને વેણુને નીલ વિષે ચિંતા ન કરવાનું કહ્યું. અલબત્ત, તે આ સ્ત્રી વિશે વિશેષ કશું જાણતો નહોતો. આત્મીય હશએ - એટલું લાગેલું. અત્યારે એથી વધુ વિચારવું પણ શક્ય નહોતું.

આત્મીય વ્યક્તિ હશે નહિ તો નીલની આંખોમાં આટલી ચમક ન આવે. ભાવસારે પણ અનુભવ્યું.

પછી તો સારવાર શરૂ થઈ, ઍક્સ-રે લેવાયા. પીડાના સ્થાનો શોધાયા. નીલની પીડા વધતી જતી હતી. વેણુ પાસે જ હતી. તેનો ચહેરો સાવ નિસ્તેજ બની ગયો હતો.

‘વેણુ... બાપુ... ને કેમ છે ?’ એ સ્થિતિમાંય નીલે પૃચ્છા કરીને વૃદ્ધને યાદ કર્યા.

‘એ તો... ફરવા ગયા છે. મહારાજનો ફોન આવ્યો ને આ નીકળી પડી. માસી તેમને સંભાળી લેશે...?’ વેણુ ધીમેથી બોલી. મનનો આઘાત હજુ પણ કણસતો હતો, થથરતો હતો.

સ્પેશિયલ ખંડના દ્વાર પાસે મહારાજ બારણું પડીને ઊભા હતા. દેસાઈ અને ભાવસાર... બહાર નર્સ સાથે કશી પૃચ્છા કરતા હતા. હૉસ્પિટલના વાાતવરણમાં જ એક જાતની ઉદાસી હતી. કદાચ માનવ મનનો પડઘો પણ હોઈ શકે.

ખંડની બારીની બહાર વૃક્ષો હતાં. એક વેલ બારીને જ વળગી હતી. ગુલાબી પુષ્પો પવનના ઝોક સાથે બારીના ખુલ્લા અવકાશમાં પ્રવેશતા હતા, પરંતુ અત્યારે વેણુનું મન એમાં નહોતું. નજર પાથરી ખરી પણ તરત જ સમેટી.

શું હશે ? શરીરમાં શું ખરાબી હશે ? હાડકાઓ તો ખૂબ જ સંવેદનશીલ. એનો જખમોય જુદાં અને ઇલાજ પણ અલગ. વેણુને બરાબર ખ્યાલ હતો. તેણે જયંતને આવી સ્થિતિમાં જોયો હતો, તે લોહીથી લથબથ હતો. તે હસવા મથતો હતો પરંતુ હસી શકતો નહોતો. વેણુ અને નીલ તેની પાસે વળગીને જ હતા. ડૉક્ટરો સારવાર તો કરતા હતા પરંતુ... આશ્રય તો એક માત્ર ઈશ્વરનો જ હતો. જયંતે ત્રુટક ત્રુટક કરતા વાક્યો કહ્યા હતા, થીજી ગયેલી વેણુના હાથ પર કણસતો હાથ મૂક્યો હતો. અને કહ્યું હતું : ‘હું ન જીવું તો નીલ તને સંભાળશે... તમે બન્ને પરણી... જજો...!’

અને વેણુને જડવત્‌ મૂકીને તેણે ચિરવિદાય લીધી હતી. વેણુ એ વેળાએ પણ રડી શકી નહોતી. બસ... નીચોવાઈ ગયા હતાં એનાં આંસુ. સાવ ખાલી થઈ ગઈ હતી. તેને થતું હતું કે તે કેમ રડી શકતી નહોતી ? ભીતર ને ભીતર ગુંગળાતી હતી, વલોવાતી હતી. આમ જ જયંત ચાલ્યા ગયા ? બસ... આ જ મૃત્યુ અને આ જ... બે પળમાં કશું તૂટી જવું ? આટલી પાતળી રેખા - જીવન અને મૃત્યુ વચ્ચે ?

આ પ્રશ્નોના જવાબ તેને ક્યારેય મળ્યા નહોતા. તેણે જાતે જ મનને સમેટવું પડ્યું હતું.

આજે ફરી... તે એ જ... હૉસ્પિટલમાં હતી. તેના શરીર અને મન એ જ દશામાં હતાં. ફરી શું નીલ પણ... તેને આ આઘાતે ઘેરી લીધી હતી. એક પળ તેને નીલમાં જયંત દેખાયો, લોહીના લાલ લાલ ધાબાં દેખાયા અને બીજી પળે... પલંગમાં સૂતો... નીલ દેખાયો. એ નીલ હસતો હતો. સફેદ રંગ હતો પથારીનો, દીવાલોનો, નર્સના યુનિફૉર્મનો !

પ્રકરણ - ૧૫

નીલના એક હાથપર આખા શરીરનો બોજો આવી ગયો હતો. જોકે જે તૂટ હતી એ ગંભીર નહોતી. પગ પર પણ મૂઢ માર જેવું હતું પરંતુ એ પણ મેજર તો નહોતું જ. આમ તો આખું શરીર પીડા ભોગવતું હતું અને એથી પણ વિશેષ પીડા માનસિક હતી.

ડૉક્ટર કમલેશ શાહ આ વિષયમાં બાહોશ ગણાતા હતા.

‘એમ માનો કે ખાસ કશું થયું જ નથી. મેજર કશું નથી છતાં દશ-બાર દિવસ સુધી તો મારા ઑબઝર્વેશનમાં રહેવું પડશે.’

નીલ તેમની વાત સાંભળી રહ્યા. એક ન સમજી શકાય તેવી લાચારી તેમના ચહેરા પર લીંપાઈ ગઈ.

દશ-બાર દિવસ અહીં હૉસ્પિટલમાં રહેવાનો અર્થ સ્પષ્ટ હતો. તે બન્નેએ નિયત કરેલ લગ્નનો દિવસ આ અંતરાલમાં જ આવતો હતો. કેમ આમ બનતું હતું ? જયંતના પિતા અચાનક આવી ચડ્યા હતા. એ માનસિક યંત્રણા તો હજુ ચાલુ જ હતી ત્યાં આ શારીરિક પીડાઓનું નવું પ્રકરણ શરૂ થયું હતું.

નીલે તરત જ વેણુ સાથે દૃષ્ટિ મેળવી. વેણુ નતમસ્તકે પલંગની ધાર પર અધૂકડી બેઠી હતી. તે જરા પણ સ્વસ્થ નહોતી. ચહેરો જાણે કરમાઈ ગયો હતો. અલબત્ત, તે એ વિચારતી નહોતી, જે નીલ વિચારતો હતો.

નર્સે દેસાઈને દવાની યાદી પકડાવી એટલે તે વિદાય થયો. થોડું એકાંત સર્જાયું.

‘વેણુ, કેમ આટલી ચિંતામાં પડી ? દશ દિવસમાં, કદાચ એથી પણ વહેલા સાજો થઈ જઈશ.’ નીલે હસીને કહ્યું.

‘ભગવાન એમ જ કરશે...’ વેણુ ધીમેથી બોલી. એ સમયે તેણે આંખો મીંચી પણ ખરી.

‘તારી શ્રદ્ધા સાચી જ પડે છે, વેણુ...’ નીલે વાત લંબાવી. અલબત્ત, તેને પીડા તો થતી જ હતી. મારની અસર તો આખા દેહ પર હતી.

‘નીલ, મારો સ્વભાવ પણ ક્યાં સુધરે છે ? હું તને કાયમ ચિંતા કરાવું છું. તારી અપેક્ષા મુજબ વર્તતી પણ નથી. આ એનું જ પરિણામ છે, નીલ.’ આટલું બોલતાં તે ગળગળી બની ગઈ. તેને અપરાધભાવ અકળાવતો હતો. તે માનતી હતી કે આ અકસ્માત એનું જ પરિણામ હતું.

‘ના વેણુ, એમ નથી. તું નાહક દુઃખી થાય છે. એમ માન કે આ તારી મારી પરીક્ષાનો સમય છે. આ દશ-બાર દિવસ તો પંખીની પાંખની જેમ ફફડતા પસાર થઈ જશે. અને પછી... તું અને હું...’

નીલ હસી પડ્યો. એમ કરતાં પણ તેને કષ્ટ થતું હતું. ત્યાં નર્સ આવી પહોંચી.

‘નીલ... તમે વાત પણ ન કરો. અને બેન... તમે એ સાજા થઈ જાય પછી પેટ ભરીને વાતો કરજો. અત્યારે તો તમારા પતિને આરામની જરૂર છે.’

વેણુએ લજ્જા અનુભવી. આમ તો તેઓ થનારાં પતિ-પત્ની હતા. એ સ્થિતિથી ખાસ દૂર પણ નહોતા, તેમ છતાં પણ વેણુએ સંકોચ અનુભવ્યો. નીલે જરા હસીને આંખો મીંચી દીધી.

અત્યારે તો તે સંપૂર્ણપણે ડૉક્ટરને અધીન હતો. અને એમાં જ તેની ભલાઈ હતી. આ જગ્યા સારી જરૂર હતી પરંતુ અહીં આ ખંડમાં, પલંગમાં કાયમ રહી શકાય નહિ.

મહારાજ બહાર લૉબીમાં બાંકડા પર ઉદાસ બનીને બેઠા હતા.

વેણુ મહારાજને મળી. તેમની પાસે આંખે દેખ્યો અહેવાલ હતો... ‘બસ... કોઈ ઊંડા વિાચરોમાં ખોવાઈ ગયા હોય તેમ લાગ્યું. મેં તેમને આવાં ક્યારેય જોયા નહોતા. કદાચ આખી રાત મટકુંય નહિ માર્યું હોય તેમ લાગતું હતું. તેમને શું કહી શકાય ? બસ... પહેલે પગથિયેથી જ પડ્યા...’

વેણુનો અપરાધભાવ સપાટી પર આવી ગયો.

‘બસ, મારી ચિંતામાં જ હશે. હું તો તેમને અત્યારથી જ કષ્ટ આપવા લાગી. જેને સુખ આપવા માગું છું એને ક્યાં સુખ આપી શકું છું ? જયંત સાથે પણ આવું જ બન્યું હતું. કદાચ મારામાં કોઈને સુખી કરવાની ક્ષમતા જ નહિ હોય, અથવા આ હથેળીમાં એવું લખાયું નહિ હોય, શું કરું ?’

તે ઊંડી હતાશામાં ડૂબી ગઈ.

અને એ પણ હકીકત હતી કે નીલ તેના વિના રહી શકે તમે નહોતો. ના, એ વિચાર પણ ના કરાય. તે પાછી ફરી શકે તેમ પણ નહોતી. તેણે મનને સાંત્વના આપી.

‘બસ... હવે ક્યાં લાંબો વિક્ષેપ છે ? બસ, થોડા દિવસો પસાર કરી નાખીએ. પછી તો નીલને એટલું સુખ આપીશ, એટલું સુખ આપીશ કે... તે લથબથ થઈ જાય. અને એમાં મને કેટલું સુખ મળશે ?’

વેણુ એ ખ્યાલમાં લીન થઈ ગઈ. તે એ પણ વીસરી ગઈ કે તે હૉસ્પિટલની લૉબીની એક બેઠક પર બેઠી હતી. મહારાજ તેને એકીટશે નિહાળી રહ્યા હતા.

અલબત્ત, મહારાજ તો જાણતા જ હતા કે વેમુ હવે ગણતરીના દિવસોમાં જ નીલની ગૃહસ્વામિની બનવાની હતી. એનો આનંદ પણ અનુભવાતો હતો. ઘરની એકલતા તૂટવાની વેળાએ આ બનાવ બન્યો હતો. અલબત્ત, આ કાંઈ ગંભીર બનાવ તો નહોતો જ, તો પણ તેમનું મન ક્ષુબ્ધ બની ગયું હતું.

દેસાઈ રોકાઈ ગયા, નીલ પાસે. તેમણે તો વેણુને પણ કહ્યું હતું.

‘બેન... તમારે જવું હોય તો જાવ. હું સાહેબ પાસે છું જ...’ પણ વેણુનું મન માને ?

ભાવસાર પર નીલે કહેલ ડેટા સમયસર મોકલી આપવાનો ભાર હતો, તે ગયા.

થોડીવારમાં ભાવસારનો જ ફોન પણ આવી ગયો.

‘સર, ડેટા ફેક્ષ થઈ ગયો. નાઉ... ડોન્ટ બોધર...’

દેસાઈ પ્રતીક્ષા કરતા રહ્યા કે ક્યારે નીલ જાગે અને તે સમાચાર આપીને તેને નચિંત બનાવી દે. પણ નીલ તો દવાની અસર નીચે જંપી ગયો હતો.

વેણુ પાછી ભીતર આવીને પલંગની એક કોર પર બેસી ગઈ. તેને શ્વશુર યાદ આવી ગયા. શું કરતા હશે ? તે તો ફોન મળતા જ ઉતાવળે તૈયાર થઈને દોડી હતી. હૉસ્પિટલમાં નીલને દાખલ કર્યાં છે - એ શબ્દો જ તેને ડખોળવા માટે પૂરતા હતા.

મહારાજે ફોન કર્યો હતો. તે શુધબધ ખોઈ બેઠી હતી. એ ક્ષણે તેને જયંત યાદ આવી ગયો હતો.

આવો જ એક ફોન આવ્યો હતો અને તે તેને કાયમને માટે ખોઈ બેઠી હતી. શું થયું હશે - મારા નીલને ?

તે વલોવાઈ ગઈ હતી. હાથ, પગ અને આખું શરીર થીજી ગયું હતુ.

કાંઠે આવેલું સુખ હાથતાળી દઈને ચાલ્યું જશે કે શું ?

અંતિમ છેડાનો વિચાર પણ તેને આવી ગયો. દરેક અકસ્માત કાંઈ ગંભીર હોતા નથી એ જાણવા છતાં પણ મન એ દિશામાં હડસેલાઈ ગયું.

મહારાજે કહ્યું હતું કે બહુ મોટું નથી. બેન... બસ આવી જાવ અહીં પણ તેને અતીતનો અકસ્માત સાંભરી આવ્યો.

તે એક વાર એ આઘાતમાંથી ગુજરી ચૂકી હતી.

હવે તેને શાંતિ થઈ. ના, નીલને સારું હતું. બસ... થોડા સમયનો સવાલ હતો. તે ફરજિયાત આરામ લઈ રહ્યો હતો.

વેણુ તરત જ ભદ્રામાસી પાસે પહોંચી હતી. તેનો ચહેરો જ ચાડી ખાતો હતો કે કશું બની ગયું હતું.

ભદ્રાને નીલનો ખ્યાલ હતો જ. અલબત્ત, તે બન્નેના સંબંધો વિશે કશું જાણતી નહોતી. તે આવી બાબતમાં અકારણ રસ લે તેવી સ્ત્રી નહોતી. તેણે વેણુને કાયમની માફક સાંત્વના આપી હતી.

‘ભલે... જા તું નીલ પાસે. હું વડિલને સાચવી લઈશ અને પાછી ગભરાતી નહિ. કામ પડે તો ફોન કરજે...!’

એ સમયે મનોહર તો મહાદેવના દર્શને ગયા હતા. એ પછી બગીચામાં પણ જતા હતા. આ તેમનો દૈનિક ક્રમ હતો.

અત્યારે તેને ભદ્રામાસી અને તેના શ્વશુર યાદ આવ્યા. થયું કે ફોન તો કરી દઉં, જેથી ખ્યાલ આવે કે તેમને કશી મુશ્કેલી તો આવી નથી ને.

અને મુશ્કેલી જ હતી. મનોહર જમ્યા નહોતા.

‘ભદ્રાબેન... મને ભૂખ જ નથી. આવું કશું સાંભળું છું પછી મારી ભૂખ મરી જાય છે. હમણાં હમણાંથી આવું બને છે. મન જરા નબળું પડી ગયું છે.’

તે સાચે જ ઉદાસ થઈ ગયા હતા. ચહેરા પર થાક હતો જ, એમાં ચિંતા ઉમેરાઈ હતી.

‘ભદ્રાબેન... માઠું ના લગાડતા. તમારી લાગણીને મારે ઠેસ પહોંચાડવી નથી, પરંતુ હવે મારાથી દુઃખ જીરવાતું નથી. નહિ તો આ નીલ સાથે વળી શો સંબંધ ? મારા જયંતનો મિત્ર. વહુની સંભાળ રાખે છે. જયંતના ફોન હજુ પણ તેના પર જ આવે છે. પણ મને એ મારા જયંત જેવો જ લાગે છએ. તમને હૉસ્પિટલનો ખ્યાલ છે, ભદ્રાબેન ?’

વૃદ્ધની નિખાલસ વાતો સાંભળીને ભદ્રાથી નિઃશ્વાસ નખાઈ ગયો. તેને ખૂબ દુઃખ થયું. ‘સારું કર્યું વેણુએ...’ તે વિચારી રહ્યા.

આમને જયંતના મૃત્યુની વાત કહેવાય જ કઈ રીતે ? અરે, ખર્યું પાન જેવા છે - ભલું પૂછવું - આઘાત સહી ના શકે. વેણુએ ડા’પણનું કામ કર્યું હતું - આ વાત છાની રાખીને.

અને આમને આમ હેમખેમ... ગામડે જતા રહે પછી ગંગા નાહ્યા. ‘થોડું પેટમાં નાખો. નકામી... તબિયત બગડશે તો તમને ઉપાધિ અને વેણુને પણ ખરી.’ ભદ્રાએ ફરી આગ્રહ કર્યો. પણ ડોસા ન માન્યા. ‘ભદ્રબેન... તમને તકલીફ આપવી પડે છે એ મને નથી ગમતું. અને મારે વહુની મુસીબતેય વધારવી નથી. જો હૉસ્પિટલનો ખ્યાલ ન હોય તો... અહીં બેઠોબેઠો મૃત્યુંજયની માળા ફેરવ્યા કરીશ નીલ માટે !’

ભદ્રાનું અંતર દ્રવી ગયું - એ અજાણ્ય વૃદ્ધ માટે.

કેવી લાગણીશીલ વ્યક્તિ હતી ? આવી વ્યક્તિ આ મહાનગરમાં ભાગ્યે જ મળે. માણસાઈ હજુ પણ ગ્રામ્ય પ્રદેશમાં બચી હતી.

‘વેણુ નસીબદાર તો ખરી. જયંત પણ સારો પુરુષ હતો. વેણુને ફૂલની જેમ સાચવતો હતો. અને આ શ્વશુર તો એથી પણ વેંત ચડે તેવા હતા.’

તેમને એ પછી તો અનેક વિચારો આવી ગયા.

‘આવાં પિતા-પુત્રને વળી મતભેદ શાનાં પડી જતા હશે ? આ ક્યારેય અહીં ક્યાં આવ્યા હતા... અને અત્યારે એકાએક... આગમન થયું હતું ! વહેલા આવ્યા હોત તો મોંમેળો પણ થાત, મનની ગૂંચ ઉકેલાઈ પણ જાત...! પણ બધું જ આપણી ઇચ્છા મુજબ ક્યાં બનતું હોય છે ?’

ભદ્રા આ તંતુથી મુક્ત થતી નહોતી. ખુદ પૌત્રીએ પણ એક વેળા ઢંઢોળી હતી.

‘દાદી... શા વિચારમાં ડૂબી ગયા ? પેલા નીલઅંકલ પડી ગયા એ વાતમાં ? તમને ખબર છે, દાદી, વેણુ આન્ટી અને નીલ અંકલ લગ્ન કરવાના છે.’

અને ભદ્રા ફડકી. શું બકી રહી હતી આ છોકરી ? કોણે તેને આવું કહ્યું હશે ? તેણે પૌત્રીને ટપારી પણ ખરી.

‘હા... દાદી... વેણુ આન્ટી જ મને કહેતા હતા એક દિવસ. એ દિવસે તે ખૂબ જ આનંદમાં હતા તૈયાર પણ સરસ થયા હતા. અરીસમાં જોતાં જોતાં મને કહે કે...’

ભદ્રાને લાગ્યું કે વાતમાં તથ્ય હોવું જોઈએ. આ છોકરી આવી વાત કાંઈ જોડી જોડીને ના કહી શકે. તેમને આંચકો અને આઘાત બન્ને લાગ્યા. હજુ જયંતને કેટલો સમય થયો ? બસ... છ માસ જ... તેમને લાગ્યું કે વેણુએ આટલી ઉતાવળ ન કરવી જોઈએ. શું તેણે યોગ્ય નિર્ણય કર્યો હતો ? આત્મીય પાત્રને, તેના પ્રેમને, આ બાબત અન્યાય કર્તા તો નહિ બને ને ? કાંઈ પ્રિયપાત્રથી આમ જ અળગા થઈ જવાનું ? તેમને વેણુનું આ પગલું ઉતાવળિયું લાગ્યું.

તે ઘરનો દરવાજો વાસીને એક ખુરશીમાં બેસી ગયા. નીલની આત્મીયતા પણ સમજાતી હતી.

‘તેણે આ વાત કેમ નહિ જણાવી હોય ? તે કોઈ નાની સરખી વાત પણ મારાથી છાની રાખતી નથી.’

ભદ્રાનું મન ડહોળાઈ ગયું. વેણુ તેને પ્રિય હતી. પ્રિયપાત્રનો દોષ નજરે પડે ત્યારે કેવું વલણ રાખવું એ સમજાતું નહોતું.

એ વલોપાતમાં જ સાંજ પડી. વેણુનો ફોન આવ્યો. તેમનો સ્વર જરા કાંપ્યો. પૂર્વવત્‌ ઉમળકો આવી આવીને અટકી જતો હતો. વેણુ સાથે આમ વાતો થાય ?

‘હં બોલ... તારા સસરા તો ભદ્રપુરુષ છે. બિચારા માળા ફેરવે છે - મૃત્યુંજયની. જમ્યા પણ નથી. જયંતને પણ તારા પર કેટલી લાગણી હતી અને આ તો તેના પણ પિતા. વેમુ, આવા સ્વજનો પુણ્યશાળી સ્ત્રીને જ મળે. તારે આ લોકોને ક્યારેય ના ભૂલવા જોઈએ, મને પૂછતી હો તો. ના... નથી જમ્યા બોલ... બીજું શું કામ છે ? હા... તારી એક ટપાલ પણ આવી છે.’

આટલી અસ્વસ્થતા વચ્ચે પણ વેણુને એક વાત ખ્યાલમાં આવી કે માસીએ નીલના ખબર ના પૂછ્યા, નીલ વિશે એક હરફ પણ... પણ તરત જ સમાધાન થઈ ગયું.

અરે, તે તો વૃદ્ધ શ્વશુરની ચિંતામાં પડ્યા હશે ! તેમણે સવારથી પેટમાં નાંખ્યું નહોતું. અને નીલના કલ્યાણ માટે મૃત્યુંજયની માળા ફેરવી રહ્યા હતા. ઓહ ! કેટલાં સારા હતા એ ?

તે તરત જ નીલ સાથે વાત કરીને નીકળી પડી.

‘મને સારું છે, વેણુ. અને આ લોકો નીલની પત્નીને પણ નીલ પાસે રહેવા દે તેવા નથી.’ આટલું કહીને તે હસ્યો હતો.

‘વેણુ, કાલે તારી અનુકૂળતા મુજબ જ આવજે. તેમની સંભાળ રાખજે. આ સજા થોડા દિવસો માટે તો ભોગવવાની જ છે. આ સમય પણ ચાલ્યો જશે. ભાવસારે અંકલને ડેટા મોકલી આપ્યો એટલે ખાસ્સી રાહત છે મને.’

વેણુને રાહત થઈ. તે મુક્તમને હસી પણ ખરી.

તે ઘરે આવી ત્યારે દિવસ આથમવાની તૈયારીમાં હતો. તેને સમયનો ખ્યાલ આવ્યો. હમણાં થોડીવાર પછી અંધારપટ્ટ થવાનો હતો. યુદ્ધ કાંઈ સમાપ્ત થયું નહોતું. સરહદ પર ઘમસાણ લડાઈ ચાલુ જ હતી. અખબારોનાં પાનાઓમાં વિગતો આવતી હતી, ચિત્રો આવતા હતાં, દેશગીતનાં પાઠ આવતા હતા. નેતાઓના જોમદાર ભાષણો આવતા હતા.

વાતાવરણમાં એક ન સમજી શકાય એવો તણાવ હતો.

વેણુ તો એ જાણતી જરૂર હતી પણ મોટું દુઃખ આવતા નાનું ભૂલાઈ જાય એ રીતે તે આ વાતાવરણથી અલિપ્ત થઈ ગઈ હતી.

પોતાના યુદ્ધો ચાલતા હતા પછી અન્ય યુદ્ધો ગૌણ બની જાય એ સાવ સહજ હતું.

તેણે ઉતાવળમાં માસી સાથે વાત કરી, તેમનો આભાર માન્યો. ભદ્રાએ મન ડખોળાવ્યું હતું એટલો ખ્યાલ તો આવી ગયો.

‘માસી... નીલને હવે સારું છે.’ તેનાથી બોલાઈ ગયું. અલબત્ત, ભદ્રાએ એ વિશે કશું અત્યારે પણ પૂછ્યું નહોતું.

‘જા... હવે, તેમને સંભાળ. તેં પણ કશું પેટમાં નહિ નાખ્યું હોય, ખરું ને ? ને આ ટપાલ લેતી જા...’

ભદ્રા લાગણીથી બોલી. આટલાં વર્ષોથી જે વ્યક્તિ પર નિર્ભેળ લાગણી વરસાવતી હતી એ કાંઈ એકાદ ઘટનાથી વિચલિત ન જ થાય. ભદ્રા વિમાસણમાં પડી હતી.

શાંત જળમાં આઘાત લાગે તો પણ સપાટીને સ્થિર થતાં સમય લાગે. મનની સપાટી અશાંત થાય ત્યારે કોણ કહી શકે કે એ ક્યારે સ્થિર થશે ?

શ્વશુરે નીલના ખબર પૂછ્યા. તે થાક્યા પણ હતા અને ક્ષુધિત પણ. વેણુએ તેમની સાથે પ્રેમથી વાતો કરી. બન્ને નિરાંતે જમ્યા. ‘જયંતનો મિત્ર અને મારે મન જયંતના જેવો જ. વહુ મને પછી ચિંતા થઈ. બસ... મૃત્યુંજય મંત્ર શરૂ કરી દીધા. આમેય જયંત માટે તો કરું જ છું, આખી બપોર...’ વૃદ્ધે સહજભાવે વાતો કરી.

અને વેણુની આંખો ભીની થઈ ગઈ.

ભાગ્ય તેના પર આટલું કઠોર શા માટે બન્યું હશે ? જયંત હયાત હોત તો આ જીવન સરળતાથી જ વહ્યું હોત ને ? નીલ સાથેનો અધ્યાય શરૂ થયો જ ના હોત !

નીલ સાથેના સંબંધમાં તે કાંઈ ખોટું આચરણ તો કરતી નહોતી, તો પણ તેને અવનવા તર્ક કેમ આવતા હતા ? અંતરાયો કેમ આવતા હતા ?

માનસિક, શારીરિક થાક હોવા છતાં પણ નિદ્રા વેરણ બની હતી. અંધારપટ્ટ નીચે આખું શહેર જંપ્યું હતું.

શેરીઓ સૂની થઈ ગઈ હતી. હોમગાર્ડઝના પદરવો સંભળાતા હતા. પણ મનની ગલીઓ ક્યાં સૂની હતી ?

તે ઘડીમાં સવિતાસદના શૈશવના નિવાસસ્થાને પહોંચી જતી હતી, તો ઘડીકમાં જયંત સાથે સંવાદો કરવા લાગતી.

‘જયંત, તમારે આમ છોડી જ દેવી હતી તો મને દોજખમાંથી મુક્ત કરી જ શા માટે ? કાકીના જૂલમો સહેવાની ટેવ પડી ગઈ હતી. અત્યારે તો મૃત્યુ પણ પામી હોત. કટકે કટકે મરવા કરતાં, એમ થયું હોત તો, ઠીક થયું હોત.’

તેને મધરાતે પેલી ભદ્રામાસીએ આપેલી ટપાલ યાદ આવી, જે કામમાં ભુલાઈ ગઈ હતી. પાસે પલંગ પર જ પડી હતી.

કોણે લખ્યું હશે મને ? છેલ્લા છ માસ દરમ્યાન ભાગ્યે જ કોઈ પત્ર આવ્યો હતો ? કાકી તો ના લખે. તે તો સંબંધ તોડીને ભાગી ગઈ હતી. બીજું કોણ લખે તેને ? નીલ સિવાય તેનું કોણ હતું ?

અંધારપટ્ટ હતો નહિ તો - મધરાતે ઊઠીને પણ કુતૂહલ સંતોષી લેત. મળસ્કું થતાં આછા ઉજાસમાં તેણે પરબીડિયા પરના અક્ષરો ઉકેલ્યા. અજાણ્યાં પરંતુ મરોડદાર અક્ષરો હતા.

લખનારની જગ્યાએ નામ હતું - રેવતી બાદલપુર. સરનામાં વેણુનું નામ હતું.

શું લખ્યું હશે - બાદલપુરવાળી રેવતીએ ? અને એય વેણુ પર ? વેણુ આશ્ચર્યમાં પડી. તેને અનેક વેળા થયું કે તે રેવતીને મળે. જયંતે અનેક વાર વાતચીતમાં રેવતીનો ઉલ્લેખ કર્યો હતો. આ મહાભારત સર્જાયું હતું પણ એ પાત્રની આસપાસ જ ને ?

વેણુએ ધડકતાં દિલે પત્ર વાંચવાનું શરૂ કર્યું. સંબોધન પણ સરસ હતું - મીઠું મધ જેવું : પ્રિય વેણુ.

‘નવાઈમાં પડી ગઈ હોઈશ - મારા આ પત્રથી. ખરું ને - મેં આ પત્ર દ્વારા - મારી એક જૂની ઇચ્છા પૂરી કરી છે. આમ તો તને મળવાની ઇચ્છા હતી પણ એમ કાંઈ બધું આપણી ઇચ્છા મુજબ થાય ખરું ? અરે, ખરેખર તો કશું થતું નથી. છતાં અણધાર્યું... કશું બની જાય છે. ટૂંકમાં - આપણાં નિયંત્રણમાં તો કશું જ નહિ.

મેં એક સ્વપ્ન રોપ્યું હતું પણ એમાં ઈશ્વરની ઇચ્છા નહિ હોય અને એથી જ, મને તું મળી.

બાપુએ પત્રમાં તારી ખૂબ પ્રશંસા કરી છે. અને તું એને યોગ્ય હોઈશ જ, નહિ તો બાપુ - અકારણ કશું ન લખે.

બહુ જ સાચુકલાં અને પવિત્ર જીવ છે. સરળ પણ કેટલાં ? બાળક જેવા જ. જોકે તને અનુભૂતિ થતી હશએ.

તેમના આશીર્વાદ તારા પર વરસ્યાં એ જ પ્રમાણ છે કે તું કેવી સરસ હોઈશ - ભીતરથી પણ.

મારા બધાં જ અજંપા, વસવસા... શાંત થઈ ગયાં - આ જાણીને. હજી સુધી એક ડૂમો સાચવીને અહીં બેઠી હતી - એ એકાએક ઓગળી ગયો. બસ, સાવ ખાલી થઈ ગઈ. શરદના આકાશ જેવી.

વેણુ, હું એક રિક્ત ડાળી હતી. તારા થકી એ વૃક્ષ સાથે એક સંબંધ બંધાઈ ગયો અને તૃપ્તિ થઈ ગઈ.

તારા વિશે શું કહું ? તું મારા ગત જન્મની બહેન જ હશે. મારો આ જન્મ સુધારવા જ આવી હોઈશ - એમ લાગે છે.

શું કરે છે બાપુ ? સાવ એકલાં થઈ ગયા હતા. મેં જ સમજાવીને મોકલ્યા હતા. પુત્રને મળવાની ઇચ્છા કયા પિતામાં ના હોય ? આ તો સંજોગ. બીજું શું ? આટલો વિયોગ લખ્યો હશે.

માતા તો પુત્રની ઝંખનામાં ગઈ. હા, વેણુ, આપણી સાસુ ગયાં. તને એ વાત જણાવીને દુઃખી ન કરવાનું નક્કી કરીને તેઓ અહીંથી વિદાય થયા હતા.

તેઓ અહીં આવવાનું કહે તો તું રોકતી નહિ. વેણુ, મારે તેમની સેવા કરીને આયખું પૂરું કરવાનું છે. મારેય કોઈની હૂંફ તો જોઈશે જ ને ? પ્રભુ... સૌનું કલ્યાણ કરે.’

વેણુ રડી પડી. રાત ભર રોકી રાખેલા આંસુ... દડ દડ વહી રહ્યાં.

પ્રકરણ - ૧૬

સવારે સૌથી પ્રથમ કાર્ય, પેલા ઘરેણાંને ભાવથી હૈયે લગાડવાનું કર્યું. છેલ્લી ભેટ હતી એ અદીઠ વાત્સલ્યમૂર્તિ તરફથી. માતા તો તેના જીવનમાંથી ચાલી ગઈ હતી જ્યારે તે અબુધ બાળકી હતી. અને આ બીજી માતા પણ ચાલી ગઈ હતી, ગુપચુપ... છેલ્લી ભેટ પાઠવીને.

સારું થયું તે જીવનમાં ન આવ્યા. પુત્રનો વિયોગ તો અંત સુધી ના આવ્યો. વસવસા સાથે ગયા પણ... દારુણ દુઃખ સાથે તો ના ગયા. અને બાપુ...? ના, તેમને પણ મારે આ દુઃખથી વંચિત રાખવા ચે.

જીવતરના ખંડેરને મારે તોડી નાખવા નથી. ભલે, તે રેવતી પાસે રહે. સાચી વાત છે તેની; તેને પણ કોઈક તો...

વેણુએ ઘરેણાંની ગઠરી હૈયા સરસી કરી. પછી હળવેથી દિનચર્યાનો પ્રારંભ કર્યો. મનોહર તો હજી પણ નિદ્રામાં હતા. આમ તો આ સમયે સ્નાનથી પરવારીને બેઠા હોય, પૂજાની તૈયારીમાં પડ્યા હોય.

કશું થયું હશે ? વેણુ દોડતીક તેમની શૈયા પાસે આવી. સ્વસ્થ લાગ્યા. મૂંઝવણ વચ્ચે વેણુએ પોતાનો હાથ વૃદ્ધના કપાળ પર મૂક્યો.

‘બાપુ... તબિયત તો બરાબર છે ને ?’ એમ બોલી પણ ખરી.

વૃદ્ધ જાગી ગયા. આસપાસ નજર માંડી.

‘વહુ બેટા... આજે તો ખૂબ સૂતો. ગોળી લેવાનું જ વિસરાઈ ગયું. છેક મધરાતે આંખો મળી.’ તે વ્યગ્રતાથી બોલ્યા.

‘બાપુ, સૂઈ રહોને. ઊંઘ તો પૂરી થવી જ જોઈએ. મને ચિંતા થઈ કે તમને તાવ તો આવ્યો નથી ને, કશું અસુખ તો નથી ને ?’

વેણુએ આત્મીયતાથી કહ્યું. આજે તેની વૃદ્ધ પ્રતિ જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી.

‘વેણુ, મને ગઈ રાતે બાદલપુર યાદ આવી ગયું.’ તે આર્દ્ર સ્વરે બોલ્યા. વેણુની આંખો પણ ભીની થઈ. તેમને યાદ તો આવે જ ને - પત્નીની, પેલી રેવતીની. અને જયંતની યાદ પણ આવે. તે હૈયું ખોલી શકતા નહોતા, એ લાચારી હતી. તે પણ કશુંક છુપાવતા હતા જે રીતે વેણુ કરી રહી હતી. જેના પર લાગણી હોય તેને દુઃખ આપી શકાય ખરું ?

આ એ જ મથામણ હતી.

પ્રાતઃવિધિ, પૂજા આટોપાયા. વૃદ્ધે માળા શરૂ કરી. વેણુની એક આંખ તેમના તરફ જ હતી. ટેવવશ બધાં કાર્યો થતાં હતાં.

અખબાર આવ્યું. વેણુએ અછડતી નજર પાથરી-અખબારમાં. ફ્રન્ટપેઈજ પર શીર્ષ-સમાચાર હતા, યુદ્ધના અંતના. યુદ્ધના અંતની ઘોષણા થઈ હતી. સૈન્યો સરહદની અંદર ખસેડી લેવાની જાહેરાત થઈ હતી. ખુશીના સમાચાર હતા. સર્વત્ર આ નિર્ણયને આવકાર મળ્યો હતો.

‘બાપુ... યુદ્ધ બંધ થયું.’ તેણે હરખભેર સારા સમાચાર આપ્યા.

માળા થંભી ગઈ. નિસ્તેજ, થાકેલો ચહેરો ઝળહળી ઊઠ્‌યો.

‘બેટા, હવે જયંતના સમાચાર મળશે. કદાચ રજા મળે તો તે આવે પણ ખરો. હું મૃત્યુંજયની માળા જયંત અને નીલ માટે જ ફેરવું છું. ચાલો, ઈશ્વર દયાળુ છે. મારા જેવાની પ્રાર્થના પણ સાંભળે છે. તું પણ ઝંખતી તો હોઈશ જયંતને. મને ખ્યાલ છે આ આનંદનો.’

આ પળ પરીક્ષાની હતી. વેણુની આવી સ્થિતિ તો અનેક વાર થતી હતી. આવી દરેક પળે, તે લાગણીભીની બની જતી હતી.

તે લજ્જાનો અભિનય કરતી, અંદરના ખંડમાં સરકી ગઈ. જો કે વૃદ્ધની ખુશીનો પાર ન રહ્યો. તેમને તેમનો પુત્ર નજીક દેખાયો.

તેમની ખુશી યોગ્ય હતી. પુત્રમિલનમાં યુદ્ધ અંતરાયરૂપ હતું. અને તે અંતરાય દૂર થયો હતો. તેમને આશા હતી કે ભલે જયંત ન આવે પરંતુ તેનો સંદેશો તો જરૂર આવશે જ.

બહાર શેરીમાં પણ યુદ્ધવિરામની જ વાતો થતી હતી.

‘ચાલો... અંધારપટ ગયો.’ કોઈ કહેતું હતું.

‘યુદ્ધ એટલે સંહાર અને વિનાશ. આખો ઇતિહાસ તપાસો. છેક મહાભારતના કાળથી...’ કોઈ તવારીખ પર નજર નાખતું હતું.

‘શાંતિના સમયમાં જ રાષ્ટ્રનો વિકાસ થાય...’

‘પણ યુદ્ધ આપણા પર લાદવામાં આવે તો લડવું જ જોઈએ. કાંઈ કાયરની જેમ શાંતિપાઠ ના કરાય.’

આમ શેરી ગાજતી હતી. સૌના ચહેરા હળવા થઈ ગયા, એ ચોક્કસ.

વૃદ્ધ ઉત્સાહથી આંગણામાં આવ્યા. વેણુ ઉચાટ સાથે પાછળ આવી. તેનો અજંપો વધી ગયો હતો. શું કાંઠે આવેલું વહાણ આમ ડૂબી તો નહિ જાય ને ?

વૃદ્ધે બારણામાં ઊભેલાં ભદ્રાબેન પાસે હર્ષ વ્યક્ત કર્યો.

‘બેન, લડાઈ ખતમ થઈ. હવે મારો જયંત કદાચ આવે પણ ખરો, અને ના આવી શકે તો તેનો ફોન તો જરૂર આવશે જ.’

ભદ્રાબેને સાંભળ્યું. વેણુનો ચહેરો લેવાઈ ગયો.

‘હા. દાદા, લડાઈ બંધ થઈ. સૌ સારાં વાનાં થશે. ભગવાન બધાંનું કલ્યાણ કરે છે. જયંતના સમાચાર તો ચોક્કસ આવશે જ.’

ભદ્રાબેને વૃદ્ધને ગમતી વાત કહી.

વૃદ્ધે બીજી મમત પકડી : ‘વહુ, મારે નીલને મળવું છે. હું પણ તારી સાથે હૉસ્પિટલમાં આવીશ.’

‘બાપુ, તમને કષ્ટ પડશે. ઉજાગરો પણ છે. આરામ કરો એ જરૂરી છે.’ વેણુએ અનેક બહાના આગળ કર્યા પણ તે ન માન્યા.

‘બેટા, મારે નીલની તબિયત જોવા જવું છે. ઘરનો છોકરો છે. જયંત જેવો જ એ. માણસ છીએ તો માણસની રીતે જીવવું જોઈએ. બેટા, ક્યારેક એમાં ભૂલ થાય છે ત્યારે પરિણામો સારા નથી આવતા.’

વેણુ વૃદ્ધના વક્તવ્યનું હાર્દ સમજી.

જે થયું હતું એની પીડા હજી પણ ડંખતી હતી. એ ક્યાં બદલી શકાય તેમ હતું ? આ પરિતાપ છેલ્લાં શ્વાસ લગી અટકવાનો નહોતો.

‘બાપુ, આ સ્મૃતિ વરદાન ગણાય કે શાપ ?’ વેણુએ વાતના અનુસંધાને પૂછી નાખ્યું. તેમને આ પ્રશ્ન પૂછવાની ઇચ્છા નહોતી પરંતુ - સાવ અચાનક પૂછાઈ ગયો હતો. તે તો મન સાથે વાત કરતી હતી.

‘બેટા, એ વરદાન પણ છે અને શાપ પણ. એ બંધન પણ છે, અને મુક્તિ પણ છે. ક્યારેક એમ લાગે છે કે બધું જ અર્થહીન છે. તો ક્યારેક લાગે છે કે કાંઈક અર્થ તો હશે જ. આખરે આ એની રચના છે.’

વૃદ્ધે ઊંચે જોયું હતું.

વૃદ્ધ તેમની ઇચ્છા મુજબ નીલને મળ્યા પણ ખરા.

તે આજે ખુશમિજાજમાં હતા. નીલ સાથ સરસ વાતો કરી.

‘નીલ, તું તારા મિત્રનો વિચાર કર. તે સરહદ પર લડતો હશે ત્યારે તેને મુસીબત નહિ પડતી હોય ?’ તે સહજ રીતે બોલ્યા.

વેણુએ નોંધ્યું કે હવે વૃદ્ધની દરેક વાતમાં પુત્રનો ઉલ્લેખ થઈ જતો હતો. તેમનું મન પુત્રમાં જ લીન હતું. યુદ્ધવિરામે તેમને આશા આપી હતી, અપેક્ષા જગાડી હતી પુત્રમિલનની.

‘બાપુ, તમારી વાત સાચી છે. આમ તો મેં પણ અનેક મુસીબતો સહી છે, પરંતુ કાલની રાત વિચિત્ર દશામાં પસાર કરી.’

નીલે પણ અભિનય ચાલુ રાખ્યો.

‘અને દીકરા, બીજી વાત. તું શા માટે નથી પરણ્યો એ નથી જાણવું પણ હવે તું પરણી જા. જયંતને વેણુ જેવી ગુણીયત સ્ત્રી મળી તો તને પણ મળી જશે. તારા મનમાં અસ્વસ્થતા છે એનું કારણ આ જ છે. મારી તને સલાહ છે કે યોગ્ય છોકરી જોઈને પરણી જા. જયંત કેટલો ખુશ થશે અને વેણુને સખી મળશે.’

વૃદ્ધ એમની ધૂન મુજબ બોલી રહ્યા હતા. નીલને સાંભળ્યા સિવાય છૂટકો નહોતો.

વેણુ નતમસ્તક ઊભી હતી.

એ સમય માંડ માંડ પસાર થયો. તે તથા નીલ કશી વાત પણ ન કરી શક્યા. બન્ને પાછા ફર્યાં.

‘વેણુ, પછી તમે બન્ને આ સરળ ચોકરાને સમજાવજો. તેને યોગ્ય પાત્ર સાથે પરણાવી દેજો. મેં તો મનની વાત કહી દીધી. મને નીલ પર લાગણી થાય છે એટલે બે શબ્દો કહ્યા. મેં યોગ્ય જ કહ્યું ને વહુ ?’ વૃદ્ધે ઘરમાં પગ મૂકતા વેંત જ તેમની વાત તાજી કરી લીધી.

‘હા, બાપુ,’ વેણુએ હોંકારો ભણ્યો પણ તેને થાક લાગ્યો હતો.

તે જાણે એક સુકાન વિનાની નાવ બની ગઈ હતી. કઈ પળે ક્યાં તણાતી હતી એ જ સમજ પડતી નહોતી. બસ, આંખે પાટા બાંધીને બેઠી હતી. હરપળે ક્યાંક હડસેલાતી હતી.

વૃદ્ધ તો ખુરશીમાં બેસી ગયા, આંખો મીંચીને. જમણા હાથમાં માળાના મણકાઓ પણ ફરવા લાગ્યા, પરંતુ વેણુ માટે એટલી સરળ નહોતી.

જયંત કાંઈ મનમાંથી ગયા નહોતા. વૃદ્ધે સતત યાદ કરીને વેણુને જયંતમય બનાવી દીધી હતી. તે સૂતી પણ ખરી, પણ જયંતની સ્મૃતિ જાગતી રહી, જગાડતી રહી.

એ દશ વર્ષનું સહજીવન તેની ચેતનાન આંદોલિત રાખતું હતું. શું નીલને તે એટલી તીવ્રતાથી ચાહી શકશે, કાયમ ચાહી શકશે ? રહી રહીને તેને તેની નિર્બળતાનો ખ્યાલ આવતો હતો.

સાંજ પડી. આગળની દિનચર્યા આગળ ધપાવવાની હતી. વૃદ્ધની ખુશીમાં પણ ભાગીદાર બનવાનું હતું.

અને આજે પાછો અંધારપટ પણ નહોતો. અંધકાર દૂર થતો હતો ત્યારે અંધકારના ઉપકારો યાદ આવતા હતા. એની આડશમાં કેટકેટલું છાનું રહી શકતું હતું, એ તેને યાદ આવ્યું.

શું કરતી હશે રેવતી, બાદલપુરમાં ? પત્રમાં જયંતનો ક્યાંય ઉલ્લેખ ન હતો તો પણ સતત એની હાજરી વર્તાતી હતી. એ સ્ત્રી પર કેટલી વીતી હશે ? તેની પીડાનો હિસાબ ક્યાં મળવાનો હતો ?

તે આ જાણતી હોત તો જયંતને પરણત ખરી ? કદાચ પરણી જાત. અરે, જે થયું એમ જ થયું હોત. એ સમયે તો તેને પોતાની પીડાની જ પડી હતી. એવી માનસિકતા જ ક્યાં હતી કે તે અન્ય કશું વિચારે ?

બિચારી રેવતી ! તેની દુનિયામાં જયંત જીવંત હતો. આ પત્ર પણ તેણે મથામણો પછી લખ્યો હશે. અલબત્ત, તે ખાલી થઈ ગઈ હતી, આ પત્ર દ્વારા. તેણે વેણુ પ્રતિ સદ્‌ભાવના વ્યક્ત કરી હતી. બન્નેનું કલ્યાણ વાંછ્યું હતું. તેને હવે ત્યાગમાં આનંદ આવતો હતો તે એ ખ્યાલથી પ્રસન્ન હતી કે જયંત વેણુની સાથે સુખી હતો. વૃદ્ધે તો વેમુની એટલી પ્રશંસા કરી હતી કે તે આમ માનવા પ્રેરાય જ. આ પત્ર એનું પ્રત્યક્ષ પ્રમાણ હતું.

તે સાંજે ભદ્રાબેન પાસે પહોંચી. વૃદ્ધ મંદિરે ગયા હતા. સવારનો ક્રમ સાંજ પર ઠેલાયો હતો. આજે આ સાંજની રોનક હતી. યુદ્ધ પૂરું જાહેર થયા પછીની પહેલી સાંજ હતી.

રસ્તા પર ભીડ તો હતી પરંતુ એમાં કોઈન વહેલા ઘરે જવાની ઉતાવળ નહોતી, ચિંતા નહોતી, યુદ્ધની ભુતાવળ નહોતી. દરેક ચહેરા પર હળવાશ હતી. યુદ્ધની ચર્ચા તો થતી હતી પરંતુ એમાં તણાવ નહોતો. યુદ્ધો ભાગ્યે જ જીતાતા હોય છે. ક્યાંક શાણપણ વચ્ચે લાવવું પડે છે. અને જીત પણ શાણપણની જ થતી હોય છે. મનોહર મંદિરના ગર્ભદ્વાર પાસે રહીને વિચારતા હતા.

ભાવિકોની ખાસ્સી ભીડ હતી. અસ્ત થતાં સૂર્યપ્રકાશામં હવે ઉષ્મા નહોતી, રમતિયાળ બાગ જેવી ક્રીડા હતી. મંદિરનું એકાંત તો તેમણે અનેકવાર માણ્યું હતું. હવે ભીડને માણતા હતા. ભીડનું પણ એક સૌંદર્ય હતું. વાતાવરણ ઝાલરના ધ્વનિ જેવું જ રણઝણતું હતું. સ્ત્રીઓ વિધવિધ રંગી વસ્ત્રો, મેઘધનુષ્ય જેવું દૃશ્ય ભૂમિ પર ખડું કરતા હતા, અને પંખીઓ શા માટે પાછળ રહે ?

આ સુખ જ સાચું હતું જે સહજ પ્રાપ્ત હતું. તો પછી આ હવાતિયાં શાના હતા ? આ યુદ્ધો શા માટે હતા ? તેમના અંટસનું કારણ પણ શું યોગ્ય હતું ? આટલા વર્ષ એક મમતમાં વેડફાયા હતા. રેવતી માટે આટલો દુરાગ્રહ ના રાખ્યો હોત તો, જયંત કદાચ રેવતીને જ પરણ્યો હોત ! તેને રેવતી માટે લાગણી તો હતી જ. સાથે જ મોટા થયા હતા ને ? એ કારણે એ લાગણીને ઓળખવી જરા મુશ્કેલ બને એ ખરું. એમ જ થાત પરંતુ તેણે પુત્ર પર ઇચ્છા લાદવાની ભૂલ કરી હતી.

‘કદાચ, રમા આમ કરી શકી હોત જો તે વચ્ચે આવ્યા ના હોત તો. પણ તેમનો અહમ્‌, તેમની મોટપ પુત્ર પરનો અધિકાર વચ્ચે વિકરાળ વડ બનીને આવ્યો હતો. છેક આટલાં વર્ષે સાદી વાત સમજમાં આવી હતી... એ સમયે સમજ આવી હોત તો આ દુર્ઘટના ના બની હોત !’

સાયં આરતી પછી મનોહર ધીમે પગલે ઘરભણી ચાલ્યા.

આ રસ્તો હવે પરિચિત થઈ ગયો હતો. મકાનો અને કોઈ કોઈ ચહેરાઓ પણ પરિચિત બની ગયા હતા.

અહીં આવ્યા ત્યારે આ બધું જ અજાણું હતું. નગર, રસ્તા, શેરી અને ચોક ! અરે, વેણુ પણ અજાણી જ હતી ને ?

અલબત્ત, તેણે વૃદ્ધને તરત જ ઓળખી લીધા હતા. એ તેની કુશળતા અને સમજ ગણાય. તે એ પળથી જ આત્મીય બની ગઈ હતી. મનને શીતળતાનો સ્પર્શ થયો હતો. તેમને તરત જ રેવતી યાદ આવી હતી. વહુ શબ્દ બોલતાં મન ભર્યુંભર્યું થઈ ગયું હતું.

આ મહાદેવનું મંદિર મળી ગયું. બીજું શું જોઈએ ? સરસ... ઘટાદાર અને માનવીઓથી ભર્યુંભર્યું ઉદ્યાન સાંપડ્યું હતું. વૃદ્ધને તેમના બાદલપુરના ખેતર યાદ આવ્યાં હતાં. હજુ પણ રળી આવતા હતા. બાર માસ સુધી ન ખૂટે એવું ધાન મળતું હતું, તેમને તથા ખેડૂના પરિવારને.

અને નીલ પણ મળ્યો હતો - જયંતનો દોસ્ત.

‘આ તો પરિવાર વિસ્તર્યો હતો. રમાની ખોટ તો ક્યાંથી પૂરાય પરંતુ વેણુ મળી હતી, નીલ સાંપડ્યો હતો.’

હવે પાછા બાદલપુર જશે ત્યારે આ બધુંય સંગાથે આવવાનું હતું. મનોહર એ વાત સુપેરે સમજતા હતા.

અને બાદલપુર પાછા ફરવાનું નક્કી જ હતું. આ તો પડાવ હતો, મુકામ ક્યાં હતો. જયંતને મળવા આવ્યા હતા અને એ જ રહી ગયું હતું. ખરી વિચિત્રતા હતી. એ વળી લશ્કરમાં જોડાઈ ગયા ? તેમણે કે રમાએ આ સ્વપ્નેય ધાર્યું નહોતું. બાદલપુરમાં આ વાત કોઈ ના માને. રામભાઈ જેવા રામભાઈ પણ કહે : ‘ના બને, સાહેબ, હું ના માનું. એ તો ચોપીડના કીડા. આમ બંધૂક હાથમાં ના ઝાલે...’

પણ અશક્ય વાત પણ બની હતી. આટલાં વર્ષોના અંતરાલમાં તો ઘણું ન બનવાજોગ બન્યું હતું. એ અતીત વિશે વિચારવાનો શો અર્થ ? વેણુ કહે એ જ... સત્ય. આપણે હવે વેણુની આંખે જ તેને જોવાનો.

પણ એ હશે કેવો ? કેવો લાગતો હશે ? જૂનો ચહેરો આબેહૂબ યાદ છે, પણ એ તો બદલાઈ ચૂક્યો હશે.

અને પોળનો ઝાંપો આવી પણ ગયો. કોઈએ તેમને જય જય કર્યા, તો કોઈએ મોં મલકાવ્યું. વૃદ્ધને લાગ્યું કે શેરીના લોકો પણ તેમને ઓળખતા થયા હતા. એક સૈનિકના પિતાને સૌ ઓળખે જ ને ?

જયંત કાંઈ પરાક્રમ કરે તો... તેમનું નામ આખા નગરમાં, આખા રાજ્યામં, દેશમાં પ્રખ્યાત થઈ જાય. વેણુનું નામ પ્રથમ આવે. મારી રેવતી નૈપથ્યમાં જ રહી જાય.

વૃદ્ધ એક થડકો ખાઈ ગયા. કયો સંબંધ રેવતીનો જયંત સાથે ? આવી વાત કાંઈ લોકોને કહેવાય ? એ રેવતી - તેને સંભાળતી હતી, બાદલપુરમાં. તેના પુસ્તકો ગોઠવતી હતી, વસ્ત્રો વ્યવસ્થિત કરતી હતી, તેને વિદાય પણ આપતી હતી, પ્રતીક્ષા કરતી હતી, તેનું ઉપરાણું લઈને રમાને પટાવતી પણ હતી.

‘માસીબા... જયંતને થાક લાગ્યો હશે. કેટલાં કલાકની ખેપ ખેડી હશે. લાવો... ને હું લઈ આવું - સાવ નજીક જ છે ને ....?’

રમા મીઠું મધ જેવું હસી પડતી, તેનો પક્ષપાત જોઈને.

અને જયંતને પણ રેવતી વગર ક્યાં ચાલતું હતું ?

‘મા... રેવતી ક્યાં ગઈ ?’ તે ગમે ત્યારે પૂછી બેસતો. રમા હસીને પુત્રને સમજાવતી : ‘બેટા... તેના ઘરે તો જાય ને ? અને હમણાં જ હતી અહીં. તું હોય છે ત્યારે તો તે અહીંથી ખસતી નથી.’

અને એમ જ હતું. તે રમાનો પડછાયો બનીને રહેતી હતી પરંતુ મન તો જયંતમાં જ રહેતું. જંયતના કામ ટપોટપ આટોપાયા જ હોય. અને એ પણ મૂંગા મૂંગા જ. તેને બહુ બોલવાની ટેવ નહોતી. બહુ થાય તો જરા મલકી લે. તેની અભિવ્યક્તિ પૂરી.

વૃદ્ધ ઘરે આવ્યા ત્યારે ભદ્રાબેન દ્વાર ઉઘાડતા હતા.

‘વહુ હૉસ્પિટલે ગઈ છે. હવે આવવી જ જોઈએ. તમે આરામ કરો ત્યાં આવી જશે.’ ભદ્રાબેને આપેલું પાણી પીધું.

‘હવે તો અંધારપટ ગયો, રાતે શાંતિથી બેસી શકાશે ?’ ભદ્રાબેને વાતનો તંતુ લંબાવ્યો.

‘હા... હવે સમય મળશે. યુદ્ધ ગયું એથી તો કેટલું સારું થયું ? જાણે આપણને આપણી પાખો પાછી મળી !’ વૃદ્ધની ભાષામાં વિદ્વત્તા ભળતી, તો ક્યારેક કવિતા પણ પ્રવેશી જતી.

‘ભોળિયા જીવ છે.’ ભદ્રાબેન વિચારતા હતા.

‘આપણે ક્યારેક ભજન, પ્રાર્થના પણ કરીશું. તમને ખબર નહિ હોય પણ વેણુ સરસ ભજન ગાય છે. તેનો કંઠ સારો છે.’ ભદ્રાબેન વાતનો તંતુ લંબાવતા હતા. અંધારપટમાંથી મુક્તિ મળી હતી. એની અસર હશે કદાચ.

‘એમ...? આવી વાતો કરાવનો સમય જ ક્યાં મળ્યો છે ? અને હવે પાછા ફરવાનો સમય પણ થઈ ગયો. જયંતના ખુશીખબર મળી જાય, પછી મારે... અહીં રહેવાનું નક્કી નથી. ગમે ત્યારે... ચાલી નીકળું. ભદ્રાબેન, આ મળ્યાં તો હવે પછી પણ મળીશું જ.’

ભદ્રા બે પળ માટે થીજી ગઈ.

‘ભગવાન આવાં વૃદ્ધ સામે પણ ક્રૂર કેમ બની શકે ?’ તે વિચારી રહી. ‘વેણુએ નીલ સાથે નક્કી કર્યું પણ આ વૃદ્ધને પુત્ર ક્યાંથી મળવાનો ? અરે, હવે તો પુત્રવધૂ પણ ખોવાનો સમય આવી ગયો છે.’

ભદ્રના મનમાં કટુતા વ્યાપી ગઈ.

ત્યાં જ વેણુ આવી પહોંચી. તેના ચહેરા પર ઉચાટ હતો.

‘માસી... તમને કષ્ટ આપું છું, તમને મદદ કરવાને બદલે.’ તેણે ભદ્રા પ્રતિ ભાવ વ્યક્ત કર્યો. તે ખરેખર દુઃખી થતી હતી એ દેખાઈ આવતું હતું. ખાલીખમ શબ્દો નહોતા.

પછી વૃદ્ધ પ્રતિ વળી હતી.

‘બાપુ... તમારી સગવડ પૂરી સચવાતી નથી, એથી મને દુઃખ થાય છે. પણ ત્યાં પણ જીવ તણાઈ રહે છે. કોઈ અંગત છે જ નહિ.’

વૃદ્ધે તેને સાંત્વના આપી.

‘વહુ... તારે મારી ચિંતા ન રાખવી. કેમ છે નીલને ?’

‘બાપુ, આજે ફરી ઍક્સ-રે પાડ્યાં. હાથના, પગના અને બીજા. હૉસ્પિટલમાં કેટલું રોકાણ થશે એ નક્કી ન ગણાય. તેમનાં કાકા વિલાયત છે - એ પણ આવવાના છે...!’ વેણુએ આજનો ચિતાર આપ્યો.

વેણુ તો અંદરના ખંડમાં ચાલી ગઈ, વસ્ત્રો બદલાવવા.

તેને ચિંતા થતી હતી, હૉસ્પિટલમાંથી વળગી હતી.

‘નીલ... મારું મન અહીં તારી પાસે હોય ને, મારે ઘરે જવું પડે છે. એ કેટલી મોટી સજા ગણાય ? આ મારી કેવી મોટી પરીક્ષા ?’

તે નીલ પાસે રડી પડી હતી.

‘એમાં પાછું... તારું અહીંનું રોકાણ પણ વધતું જાય છે. નીલ... આમ અંતરાયો કેમ આવે છે, આપણાં મિલનમાં ?’

તેનું આક્રંદ વધતું જતું હતું.

નીલે તેને માંડ માંડ સમજાવી હતી.

‘વેણુ, આમ હિંમત હારી જવાય ? ઈશ્વર આપણને સહાય કરે જ છે. આપણને ક્યારેક દેખાય છે તો ક્યારેક નથી દેખાતી. જોજે ને બધાં જ અંતરાયો દૂર થઈ જશે, અને આપણે બન્ને...’

તે હસી પડ્યો.

‘જો બાપુ પર ગુસ્સો ના ઉતારતી. તે આપણા કરતાં પણ વધુ કમનસીબ છે. અને યાદ રાખજે, એમનાં આશીર્વાદ ફળશે.’

વેણુએ તેની વિદાય લીધી હતી - હસતાં મુખે.

વૃદ્ધે એ રાતે વિચારી લીધું.

જયંત શા માટે કશો સંદેશ નહિ મોકલાવતો હોય ? તેને કશું થયું તો નહિ હોય ને, આ લડાઈમાં ?

વૃદ્ધની આખી રાત ડખોળાઈ ગઈ. મૃત્યુંજયની માળા ફેરવવા જેટલી સૂધબૂધ પણ ના રહી.

પ્રકરણ - ૧૭

વેણુ રાતભર નીલે કહેલી વાતો વાગોળતી રહી. નીલની તબિયત સુધરતી જતી હતી, એ મોટું સુખ હતું. લગ્ન તો થશે જ ને ? ક્યારેક ક્યારેક તો બિહામણા વિચારો આવી જતા. આમ અંતરાયો આવે એ કાંઈ અશુભ તો નહિ કરે ને ? તે પળે ફફડી જતી, વલોવાઈ જતી. ઈશ્વર સાથે ઝગડો કરી બેસતી. નીલ પ્રાપ્ત તો થશે ને ? કે પછી અંતરાયો વચ્ચે તે તેને ગુમાવી બેસશે ? ના, હવે તે નીલ વિના રહી ના શકે. નીલ ના મળે તો આયખું ટૂંકાવી જ નાખે. હવે નીલ વિના જીવી શકાય તો નહિ જ. પણ નીલ કેમ ના મળે ? મારી આંખોની સામે જ છે. ભલે પતિ-પત્ની નથી બન્યાં પણ મનથી તો એકમેકને વરેલાં જ છીએ ને.

પેલી રમતિયાળ નર્સ તો તે બન્નેને પતિ-પત્ની જ માનીને વાત કરતી’તી.

‘વેણુબેન... તમારા પતિદેવ તો ભારે આનંદી છે. આવી પીડાને ગણકારે તેવા નથી. તમને ઘરે તો કેટલું હસાવતા હશે, ખુશખુશાલ કરી દેતા હશે !’

તે આમ કહેતી ત્યારે નીલ મંદમંદ હસ્યા કરતો. વેણુ વળી એવો જવાબ વાળતી કે નીલ ચકિત થઈ જતો.

‘ના... સિસ્ટર... આ મહાશય તો અહીં હસતા-હસાવતા હશે. બાકી ઘરે તો ગંભીર બનીને બેઠા હોય. ત્યાં તો મારે જ તેમને ખુશ રાખવા પડે.’

‘આવા પુરુષને ખુશ કરવા બહુ સહેલી વાત. બેન, એ તો આવો અભિનય કરતાં હોય બાકી તો ભીતરથી ખુશમિજાજમાં જ હોય. આ તો તમને તક આપે... ખરું ને મિ. નીલ ?’

નર્સ ભારે રમતિયાળ સ્વભાવની હતી પણ કામમાં તો ખૂબ જ ચીવટવાળી. હસતાં હસતાં ફરજ બજાવે. ફરજના ભાગરૂપ જ આ હળવાશ.

‘અને સિસ્ટર... તમારી દવાઓ વિના તમારું આ હાસ્ય જ મને સાજો કરી નાખશે.’ નીલ વાતને લંબાવતો.

‘જોજો, મિ. નીલ એવાં વહેમમાં ના રહેશો. તમારું રોકાણ લંબાશે એ તમને જ નહિ ગમે. તમારા પત્નીને તો જરા પણ નહિ ગમે !’ તે ટહૂકતી.

ગમ્મત પડતી નીલને.

‘વેણુ... અહીં આ રીતે જ સમય પસાર કરવાનો છે. પેલી નર્સ પણ કદાચ સમય પસાર કરતી હશે.’ નીલે વેણુને કહ્યું હતું.

‘હા, નીલ, આ સમય પસાર કરવાની જ મથામણ છે. ક્યારેક એ પીડા આપે છે તો ક્યારેક ખુશી. પણ આખરે એમાંથી જ...’

‘જો પાછી ફિલસૂફી પર ચડી ગઈ ? મને લાગે છે કે મારે તારી સાથે ઝટપટ પરણી જવું જોઈએ અને તને આ રોગથી મુક્ત કરવી જોઈએ.’ નીલે પ્રતિભાવ આપ્યો.

‘પહેલાં સાજો તો થા, મને પરણી જા અને પછી જે કરવું હોય એ કરજે.’ તે જરા હળવાશથી બોલી હતી. ચહેરો ખીલ્યો હતો - કળી ઉઘડતી હોય એમ.

‘વેણુ, બસ એટલી જ વાર છે. આ મટે એની પ્રતીક્ષા છે. પછી મારે સમય વેડફવો નથી. બસ, વનતી ત્વરાએ તને મારા અગોસમાં લઈ લેવી છે.’ નીલના વચનોમાં મક્કમતા હતી એ તે જોઈ શકી.

‘નીલ... મારે એની જ પ્રતીક્ષા છે.’ તે ભાવુક બની ગઈ હતી એ પળે.

એ રાત ભાવસમાધિમાં જ વીતી હતી. આગલા ખંડમાં વૃદ્ધ સૂતા હતા એ પણ ખ્યાલમાં રહેતું નહોતુ.ં તેણે આપેલો ડ્રેસ પહેર્યો હતો. અરીસા સામે ઊભી હતી.

સવારે મોડી ઊઠી હતી.

‘વેણુ બેટા... શરીરે અસુખ તો નથી ને ?’ વૃદ્ધનો ઉચ્ચાર ભર્યો સ્વર કાને પડ્યો અને તે મીઠી ચંદ્રામાંથી ઝબકી હતી.

‘ના બાપુ, મને ઠીક જ છે. રાતે જરા મોડે સુધી ઊંઘ ન આવી. કોણ જાણે કેમ પણ !’ તેણે ત્રુટક ત્રુટક ઉત્તર વાળ્યો.

‘સમજ્યો... બેટા, મને પણ ક્યાં ઊંઘ આવે છે ? મનમાં ચિંતા જાગે પછી સ્વસ્થ ન રહી શકાય. જયંતના સમાચાર પણ ન આવે એટલે...’

વૃદ્ધ તેમની કેડી પર ચાલતા હતા. તેમને મન હાલ પીડા એક જ હતી, જયંતના સમાચારની.

તેઓ દૈનિક અખબાર વિગતે વાંચતા હતા. યુદ્ધના સમાચારો તો અક્ષરેઅક્ષર વાંચી જતા હતા. ક્યાંય જયંતનું નામ તો નથી ને, એ વાત તો તેમને ઉચાટ કરાવતી હતી, એ વાંચન દરમ્યાન. યુદ્ધ દરમ્યાન શહાદત વહોરનાર સૈનિકો વિષે પણ થથરતાં થથરતાં વાંચી લેતા.

‘ના...ના... એવું તો ના બને. અખબાર પહેલાં એ સમાચાર શહિદના ઘરવાળાઓને જ મોકલે. પણ મારે એવું શા માટે વિચારવું જોઈએ ? મારા જયંત વિષે જ...?’

તેઓ ધડકતે દિલે અખબાર એક તરફ મૂકી દેતા.

‘વહુને પણ ચિંતા તો થાય જ ને ? આ છોકરો પણ હૉસ્પિટલમાં છે, નહિ તો કશું કરે પણ ખરો.’

વેણુ પણ સમજી જતી કે વૃદ્ધના હૃદયમાં શું હોઈ શકે ? પત્નીને ગુમાવી બેઠેલ વૃદ્ધ માટે અંગત જનમાં જયંત સિવાય હતું પણ કોણ ? અને તેમણે તો રેવતીને પણ ગળે વળગાડી હતી અને વેણુ પર પણ વ્હાલની વર્ષા ઢોળી હતી. નીલ પ્રત્યે પણ આત્મીયતા દર્શાવી હતી. અજાતશત્રુ હતા. તો શું આ અંટસ માટે જયંત જવાબદાર હશે ? રમા વિષે તો ખુદ જયંતે પણ લાગણીભરી ાવતો કરી હતી, રડ્યો પણ હતો. કહેતો હતો : ‘મેં એને અકારણ દુભવી એનો વસવસો મને નિરાંતે જીવવા નહિ દે - મરવા પણ નહિ દે.’

જયંતે પિતા માટે આવી ભાવસભર વાતો ક્યારેય કરી નહોતી. ખાસ બોલ્યો જ નહોતો. તેની વાતો રમા અને રેવતી પાસે જ અટકી જતી. એ કારણે જ વેણુ પાસે જયંતના પિતાનું ખાસ ચિત્ર હતું નહિ. ગ્રામ્યશાળાના શિક્ષકનું ચિત્ર કેવું બને, જેમણે પુત્ર સાથેનો સંબંધ કાપી નાખ્યો હોય ? અને એ પણ એક માની લીધેલી વહુ માટે, પુત્રની સહમતિ વિના ?

અને તેમ છતાં પણ વૃદ્ધ જ્યારે આવ્યા ત્યારે કશા પણ વિચાર કર્યા વિના વેણુએ તેમને પ્રેમથી આવકાર્યા હતા. અને બહુ જ થોડા સમયમાં વૃદ્ધ સાથે લાગણીથી બંધાઈ ગઈ હતી.

‘ઓહ ! આવાં સરળ !’ તેનું મન પાવન વિચારોથી છલકાઈ જતું હતું. કસમયે અને અંતરાયરૂપનું આગમન - તેને ક્ષુબ્ધ બનાવે - એ તો સહજ હતું પરંતુ તેનો ભાવપ્રદેશ અકબંધ રહ્યો હતો. તે દયા અને કરુણાથી આર્દ્ર બની જતી હતી.

આ સમયે પણ વેણુએ એવી જ લાગણી અનુભવી હતી. રાતભર અનુભવેલી ખુશી વિખરવા લાગી હતી. તરત નીલ યાદ આવ્યો હતો.

‘વેણુ... તું સ્વસ્થ જ રહેે. જયંતની રક્ષા મારો લાલ કરશે. મારી શ્રદ્ધા એ જ જવાબ આપે છે. મારાં મૃત્યુંજય મંત્રો વિફલ ના જાય.’ વૃદ્ધ મક્કમ સ્વરે બોલ્યા. તેમના ભાલ પર ત્રણ આડી કરચલીઓ અંકાઈ. વેણુ ભીતરથી થથરી ગઈ.

‘બાપુ... મને તો તમારી ચિંતા થતી હતી...’ તેમ અકારણ બોલી. તેનો સ્વર પોલો હતો. તે રૂદન રોકવા માટે બોલી હતી.

‘મારી ચિંતા ? વેણુ... મારી ચિંતા શા માટે કરતી હતી ? હું તો હવે આયખું પૂરું કરી રહ્યો છું. ગમે ત્યારે ખરી જાઉં. થોડાં કામ આટોપવા જ આવ્યો છું. જયંતને મળવું હતું. તને પણ જોવી હતી અને વહુ... મારે જયંતને થોડી સોંપણી પણ કરવી હતી.’

તે જરા અટક્યા. ઊંડા વિચારોમાં ડૂબી ગયા.

‘બેટા... સાંભળે છે ને ?’ પાછો લાગણીભર્યો અવાજ સંભળાયો.

‘હા... બાપુ.’ વેણુએ કાંઈક અવઢવમાં ઉત્તર વાળ્યો. તેને પળે પળે બેચેની લાગતી હતી. મનમાં કશું વમળાતું હતું. મન પર ભાર વધતો જતો હતો.

‘જો બેટા... જયંતને મળવાનું કદાચ મારા ભાગ્યમાં નહિ હોય.’ તે સાવ સરળતાથી બોલ્યા, જાણે મન સ્વચ્છ થઈ ગયું હોય તેમ.

‘બેટા, જયંત આવે ત્યારે તેને મારો સંદેશો આપજે કે...’ પાછા શબ્દો શોધતા હોય એમ જરા અટક્યા.

‘બેટા... તેને કહેજે કે શક્ય હોય તો આ બાપને ક્ષમા આપી દે....’

‘બાપુ...!’ વેણુનો સાદ ફાટી ગયો.

‘હા, બેટા, જ્ઞાનીને અહમ્‌ ઓગાળતા સમય લાગે.’

‘બાપુ... આવું ના વિચારો. તેમનો પણ દોષ હશે. પેલી નિર્દોષ રેવતીને સજા કરવાનો દોષ તો ખરો જ ને ? એમણે તમરાં બન્નેનું દિલ દુભવ્યું એ કાંઈ... યોગ્ય તો નહોતું જ...’

મનોહર ગળગળા થઈ ગયા અને વેણુ તો બોલતી રહી.

‘અને બાપુ... હું તેમના જીવનમાં ન આવી હોત તો પણ સારું હતું. હું ક્યાં કોઈને સુખ આપી શકી છું ? પણ કોણ જાણે મારું નિર્માણ આ પરિવારને છિન્નભિન્ન કરવા માટે જ...’

તરત જ વૃદ્ધે તેને હાથના સંકેતથી અટકાવી. તે કંપતી હતી.

‘બસ... બેટા, તેં તો મને પ્રેમ, સંતોષ બધું જ આપ્યું છે. તારી જાત પ્રતિ કઠોર ન બન. મારી પાછલી ઉંમર તેં સુધારી છે. હું તો કેટલો નસીબવાળો છું કે મને ત્રણેય સ્ત્રીઓએ ખૂબ ખૂબ આપ્યું, લાયક નથી તો પણ આપ્યું. રેવતીએ જ મને દિશા બતાવી. તેનું જીવનતપ જ ગણાય ને ? તો પણ કશી ફરિયાદ નહિ, પેલી ધૂપસળી જેવું. અને તેં પણ મને ધન્ય કર્યો. મારા ભાગ્ય તો ખરા જ ને ? અન જયંત આવે તો પણ તે મને થોડો ધિક્કારવાનો હતો ?

બેટા.. રમા અને રેવતીએ મને સાચવ્યો. તેં મારા જયંતને... અમારી ન્યૂનતાઓ ઢાંકી દીધી.

બેટા... મને બધું કહી જ દેવા દે. આ પળ એ માટે જ હશે. જયંતને મારી વતી કહેજે કે.. હું ના હોઉં ત્યારે... રેવતીની સંભાળ રાખે. હું સોંપણી કરું છું.’

અવાજ જરા થથર્યો અને શણી ગયો. વેણુ અવાચ બની ગઈ. આનો શો પ્રતિભાવ આપવો ? ભાવ પાસે શબ્દોની શી વિસાત ? તેની સામે જ ભજવાઈ રહ્યું હતું એ સહેવાની શક્તિ ક્યાં બચી હતી ? તે તો ખાલી થઈ ગઈ હતી, સાવ ખાલી ! કશું કરવાની ક્ષમતા જ ક્યાં બચી હતી ?

‘બેટા... સ્વસ્થ થઈ જા. તારું કલ્યાણ જ થવાનું છે. જયંત પણ સ્વસ્થ જ હશે, મારું અંતર કહે છે. મારાં મૃત્યુંજય મંત્રોનો પ્રભાવ. બીજું શું ? બેચાર દિવસમાં જયંતના કુશળ સમાચાર મળી જશે.

તું ચિંતા છોડ. અને બેટા, નીલ પણ સ્વસ્થ થઈ જશે.’

વૃદ્ધનો શ્રદ્ધાભર્યો સ્વર રણકતો હતો.

‘અને બેટા હું હવે ગમે ત્યારે બાદલપુર જવા રવાના થઈશ. રેવતી એકલી કેટલાં દિવસ રહે... એમ તો રામભાઈ છે - તારી સાસુ છે...’ અવાજ જરા દબાયો.

તેમણે આંખો લૂંછી નાખી અને જરા હસ્યા પણ ખરા.

‘આમ તો બેટા, હું કોણ છું ? આ સહુનો તારણહાર ? ઉપરવાળો જ બધું કરે છે ને ? આપણે તો નિમિત્તમાત્ર...’

‘હા, બાપુ...’ વેણુએ હોંકારો દીધો. એમાં પોલાણ તે એકલી જ જાણતી હતી.

‘ચાલ... બેટા મહાદેવને રાજી કરતો આવું... હરે હરે...’ કરતાં વૃદ્ધ ઊભા થયા અને વેણુ બારણું ઝાલીને સ્થિર ઊભી રહી વૃદ્ધ... દૃષ્ટિમાં રહ્યા ત્યાં લગી.

પછી તેણે તરત જ દોટ મૂકી, ભદ્રામાસીને ત્યાં.

માંડ રોકેલાં આંસુ દડ દડ વહી ગયા. મુક્ત મને રડી પડી.

‘માસી... મારી દશા તો જુઓ...’ કહેતી ભદ્રાને વળગી પડી. જયંતના મૃત્યુ સમયે પણ તે આમ જ વળગી પડી હતી, ભદ્રાને. દુઃખને હૂંફની જરૂર પડે, સાંત્વનાની જરૂર પડે. કોઈનો માયાળુ સ્પર્શ ડૂબતાંને કિનારો મળ્યાં જેવું થાય.

વેણુ હીબકાં લેતી હતી. ભદ્રા ખરેખર મૂંઝવણમાં પડી ગઈ. તેને એક અમંગળ ધારણઆ થઈ આવી. નીલને કશું થયું હશે ? તેને હવે ખબર પડી હતી કે તે તથા નીલ લગ્નબંધને બંધાવાના હતા.

એ બન્ને વચ્ચે ગાઢ સંબંધ રસમય તબક્કામાં પ્રવેશવાના હતા. પૌત્રીએ વાત કરી હતી. વેણુ તો એ વિષે સાવ મૌન રહી હતી. એનું તેમને ઓછું પણ આવ્યું હતું.

પણ નીલની માંદગી કાંઈ મોટી નહોતી, તેની સમજ મુજબ.

વેણુએ અછડતી વાત કરી હતી.

જેવાં ઉચાટ તે કરતી હતી - એવું ખાસ નહોતું. અને તેના શ્વુરને તો હમણાં જ બહાર જતાં જોયા હતા.

તો પછી થયું શું આ છોકરીને ? જોકે મનની ગતિ તો ક્યાં કોઈને સમજાતી હોય છે ? એ રીઝએ તો રમકડાંથી પણ રીઝે, અને દુઃખી થાય તો કલ્પવૃક્ષની નીચે પણ નિસાસા નાખે.

ભદ્રાએ તને પંપાળી, થાબડી, રડવા દીધી.

‘બોલ બેટા, શું થાય છે તને ?’ એમ વ્હાલથી બોલી પણ ખરી.

‘માસી, હવે મારી મર્યાદા આવી ગઈ. સત્યને ક્યાં સુધી ઢાંકી શકીશ ? ક્યા સુધી આ ભદ્રપુરુષને છેતર્યા કરીશ ? આવું બધું કરતાં મને કેટલું થતું હશે ? મન પર પથ્થર રાખીને ક્યાં લગી...’

હીબકાં વચ્ચે તથ્ય પકડાયું. ભદ્રા જાણતી જ હતી આ પીડાને.

‘વેણુ, તું તો સરસ ટકી શકી. આ તો ખરેખર પુણ્યનું કામ. તું જે કરે છે... એ તો માનવતા છે માનવ માટે માનવે આમ જ કરુવં જોઈએ...’

ભદ્રાએ બિરદાવલી ઘૂંટી, તેને હળવી કરી. તે કશું કહે એ પહેલાં જ... ભદ્રાએ વાતનો તંતુ આગળ ચલાવ્યો.

‘વેણુ, તેમને આ ઢળતી વયે આઘાત ના જ અપાય. કેવાં સરળ અને માયાળુ છે તારા શ્વસુર ? વહુ બેટા કહેતા હોઠ સુકાય છે. આંખોમાં અમી ભર્યું છે. બેટા આવી વ્યક્તિ તો વિરલ ગણાય. તું જે કરે છે એ તો ભારે સૂઝબૂઝનું કામ. તારા જેવી ઠાવકી દીકરીને જ આવાં વિચારો આવે. બેટા, જયંતના આત્માને પણ કેટલી શાંતિ થશે...!’

વેણુના હીબકાં શાંત થઈ ગયાં.

‘માસી... મારી અવદશા...’

તેણે ભદ્રાને બધી વાતો કહી - જે બની હતી. થોડી વાતો તો ભદ્રા જાણતી જ હતી. થોડી અજાણી વાતો હતી.

જયંતને જીવંત માનીને. કેટલી વાતો બની રહી હતી. કેટલી શક્યતાો હતી ઘટનાઓની, એ બધું જ સામે આવી ગયું હતું.

વૃદ્ધની પીડા પણ ઓછી નહોતી. બાદલપુરમાં રેવતી હતી અને પુત્રની પ્રતીક્ષા હતી - જે ક્યારેય આવવાનો નહોતો. પત્ની ગુમાવ્યાનો તીવ્ર વસવસો હતો. એ બધાંની વચ્ચે વૃદ્ધ હડદોલાતા હતા અને છેલ્લે રેવતીની સોંપણી, પુત્રને કરી હતી પુત્રવધૂ દ્વારા !

અપેક્ષાઓ ક્રમે ક્રમે છોડતાં ગયા હતા.

પુત્રને મળવાની ઇચ્છાને, માત્ર સંદેશો પામવા સુધી સીમિત બનાવી હતી ત્યારે તેમના દુઃખી મન પર શી વેદનાઓ આઘાત પામી હશે ? વેણુને આશ્વાસન આપતા હતા, નીલને જયંતના મિત્રના સંબંધે વ્હાલથી જોતા હતા. ભદ્રા પાસે જયંતના શૈશવની વાતો કરતા હતા.

શું નહિ વીતતું હોય તેમનાં જિર્ણ હૃદય પર ? સાથે અતીતનો ભાર તો ખરો જ. પોતે અપરાધભાવ વેંઢારતા હતા અને પુત્રની ક્ષમાયાચનાની વાત સુધી ઓગળી ગયા હતા.

વેણુ અરેરાટી અનુભવવા લાગી. આવી યાતનામય સ્થિતિની. ભદ્રાને વેણુની વાત સમજાતી હતી. આ કરુણિકાનો કોઈ ઉકેલ જ નહોતો અને કોઈ ઉકેલ હોય તો એ માત્ર સમય હતો.

તેમણે વેણુને આ વાત સમજાવી, લાગણીભર્યા કોમળ શબ્દોથી સમજાવી.

‘બેટા, તું આમ કરવું ચાલુ રાખ. તું ખુદ ભૂલી જા કે જયંત મૃત્યુ પામ્યો છે. તું પણ વૃદ્ધ જેવી જ પ્રતીક્ષા કર. ઈશ્વર આપણી લાજ રાખશે જ. એવું કશું જ નહિ બને કે તારી મહેનત વિફળ જાય. કશું એવું જરૂર બનશે કે વૃદ્ધ ખુદ પોતે જ ગામ ચાલ્યા જાય, સાવ સહજ રીતે.’

વેણુ તેમને વળગીને બેઠી હતી. તે હળવી થઈ. ભદ્રાએ તેના આંસુ લૂંછી નાખ્યા. નીલની તબિયતની પૃચ્છા પણ કરી અને પછી હળવેથી ઉમેર્યું.

‘વેણુ... તારે હવે રડાય નહિ. નીલ સાથે લગ્ન થાય એ પહેલાં હતી એવી સ્વસ્થ બની જા.’

અને વેણુ ચમકી, શરમ પણ અનુભવી.

‘માસી... તમને...’ તે પૂછવા જતી હતી પણ તરત ભદ્રાએ હસીને કહી જ દીધું :

‘માસી તો મોઢું જુએ ને બધું સમજી જાય. આ માસી તો અંતર્યામી છે ...!’

પ્રકરણ - ૧૮

મહાદેવને રીઝવીનો મનોહર પાછા ફર્યા ત્યારે વેણુ પુનઃ સ્વસ્થ થઈ ગઈ હતી, તે તેમણે નોંધ્યું. તેણે તથા ભદ્રાએ સાથે મળીને રસોઈ બનાવી હતી - એ પણ સમજાયું. તેમણે એ લાગણી તરત વ્યક્ત કરી પણ ખરી.

‘ભદ્રાબેન... તમે છો, એટલે મને બાદલપુરમાં પણ નિરાંત રહેશે.’

વેણુ ચોંકી. ભદ્રાબેન પણ ચકિત થયા. વૃદ્ધ બાદલપુર જવાની વાત કહેતા હતા આ તો. તેમણે વેણુ સામે જોયું.

‘આ તો મારી દીકરી જેવી છે... બાકી તો માણસ માણસને ખપમાં ન આવે એનો અર્થ શો ?’ ભદ્રાએ ઉત્તર વાળ્યો. તેને ખ્યાલ આવી ગયો કે હવે વૃદ્ધ અહીં લાંબું રહેશે નહિ.

‘મારા જયંતને પણ સારું ને. તમે છો એટલે... એ નિરાંતે સરહદ પર...’ વૃદ્ધે વાક્ય અધૂરું છોડ્યું.

‘આમનો જીવ જયંતમાં જ છે...’ ભદ્રા બબડી હતી. વેણુ તો ચૂપચાપ ઊભી હતી. કાંઈક ઉત્તર તો આપવો જ પડે એમ ભદ્રાને લાગ્યું. તેણે કલ્પિત તંત આગળ ચલાવ્યો.

‘લશ્કરની નોકરીની મેં ના જ પાડી હતી. વેણુ તો કરગરી હતી પણ એ માને ખરો ? બસ... ધૂન ચડી...’

‘સાચી વાત છે તમારી. ભારે જીદ્દી...?’ તેમણે પ્રતિભાવ આપ્યો અને પાછા અટકી ગયા. કાંઈક દ્વિધામાં તો હતા જ.

તેમને રેવતી સાંભરી હતી. તે ખૂબ સાહસિક હતી. એનો પણ ખ્યાલ હતો જ. રામભાઈને સોંપીને આવ્યા હતા એટલે બીજી ચિંતા તો નહોતી. રામભાઈ નાનાભાઈ જેવો હતો. પણ રેવતીના મન પર કોઈનું નિયંત્રણ ખરું ? તેનું મૌન સપાટી પરનું હતું બાકી તેનું હૈયું અતળ ઊંડાણવાળું હતું. તેનો તાગ રમાને હતો. તે તેના ચહેરા પરથી મનને ઓળખી શકતી હતી.

વૃદ્ધ પ્રત્યેની લાગણી પણ એક નિયંત્રણ હતું, રેવતી માટે. કદાચ રમા સોંપીને ગઈ હશે તેને જેવી રીતે રમાએ રેવતીને સોંપી હતી. અલબત્ત, મૃત્યુ એટલું અચાનક થયું હતું કે આવાં ભૌતિક વહેવારો માટે અવકાશ ઓછો હતો.

એ સાવ સહજ હતું કે હવે મનોહરે અને રેવતીએ એકમેકને સંભાળવાના હતા. રેવતીની ગણતરી ખરી કે વૃદ્ધ જયંત પાસે રહી જાય, બાપ-દીકરાનો અંટસ ઓગળી જાય... અને પછીતે પોતાનો માર્ગ જાતે જ શોધી લેવા જેટલી મુક્ત થઈ જાય. આ તેની હૃદયપૂર્વક ઇચ્છા હતી.

અલબત્ત, તે શું કરવાની હતી, શું કરી શકે, એ વિષે કશું જાણતી નહોતી. વિચાર્યું પણ નહોતું. બસ, એટલું જાણતી હતી કે તે પછી બાદલપુરમાં નહિ રહે. દુનિયાની વિશાળતામાં તેને ક્યાંય બે ગજ જગ્યા નહિ મળે ? પણ... આ બધું જ મનોહર ત્યાં સ્થિર થાય, સ્થાયી થાય એ પર જ અવલંબતું હતું.

શા માટે આ પરિવાર પર વધુ બોજરૂપ બનવું ? અને એ પણ અકારણ. લાગણી તો અઢળક હતી તેના પર, રમાની, મનોહરની. આ પરિવારે તેને ખાતર કેટલું સહ્યું હતું ? જયંત કોઈ સ્ત્રીને પરણ્યો એ પછી તો તેની કશી ભૂમિકા જ નહોતી આ પરિવારમાં. તેણે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, રમા પાસે. પણ એ કાંઈ માને ?

પછી તો રેવતીને લાગ્યું કે તેણે રમાની પાસે રહેવું જોઈએ. તેઓ બન્ને પણ નોધારાં જ હતાં.

આમ નિરાધાર છોડીને ના જવાય. પોતે નોંધારી હતી એ રીતે આ લોકો પણ નોંધારા જ હતાં.

તે રમાની સેવા કરતી રહી, મનોહરને સંભાળતી રહી. આમ પણ મનોહર... એટલાં સરળ હતાં કે આધાર વિના રહી ના શકે. રમા હતી, તે હતી - એટલે ટકી રહ્યા હતા.

‘મારું બળ... તમે બન્ને છો.’ એણ કહીને જરા ક્ષુબ્ધ થઈ જતા.

રેવતી સમજી જતી કે તેમને જયંતની યાદ આવતી હશે. આ ત્રીજી ચીજ પણ તેને જીવાડતી હતી - જયંતને મળવાની ઇચ્છા.

પહેલાં જયંત પ્રત્યે રોષ અને રિસની દૃષ્ટિ હતી પણ હવે તો બસ... એ ઇચ્છા પ્રજ્વળતી હતી.

અને રમાના મૃત્યુ પછી તો તે પણ હચમચી ગઈ હતી. હવે મનોહર તો સાવ નોંધારા બની ગયા હતા. કોનો આધાર ગણવો ? જયંતની દિશા તો સાવ બંધ હતી.

તેણે જ એ દિશા ઉઘાડી હતી અને હવે પ્રતીક્ષામાં હતી કે જેવાં મનોહર સ્થિર થાય અને તે બાદલપુર છોડી દે. ક્યાં એ મોટો પ્રશ્નાર્થ હતો, પણ મન મક્કમ હતું.

એ આશયથી તેણે વેણુ પર પત્ર લખ્યો હતો. જરા સંકોચ પણ થયો હતો - એ અજાણી સ્ત્રી પર પત્ર લખતા. હજુ પણ સ્વપ્નમાં જયંત આવી જતો હતો. સ્મરણમાં પણ આવી જતો હતો. એ કાંઈ વસ્ત્ર નહોતું કે શરીરથી અળગું કરી શકાય. મનને કાયમ સમેટી શકાય ? એ પણ શક્ય નહોતું.

તે વૃદ્ધ તરફથી એક સારા પત્રની અપેક્ષા રાખતી હતી. પણ જયંત તો હતા નહિ. આર્મીમાં જોડાયાનું મનોહર લખતા હતા. શા માટે આર્મીમાં જોડાયા હશે ? પેલી વેણુએ તેમને રોક્યા નહિ હોય ? તે વેણુને ક્યાં ઓળખતી હતી ?

મનોહરે પ્રથમ પત્રમાં એ વેણુની ઘણી પ્રશંસા કરી હતી, તો પછી તે સારી જ હશે. સ્ત્રી તો સારી જ હોય ને ? અને રેવતીએ વેણુ પર પત્ર લખ્યો હતો. જયંત નહોતો એટલે લખ્યો હતો. એમાં સંકેત પણ હતો કે તે વૃદ્ધને ત્યાં રોકી રાખે.,

મનોહરને પણ રેવતી યાદ આવતી હતી. રેવતી મૂંઝાતી હશે - એમના વિના રમા હતી તો ઠીક હતું પણ હવે તો...

‘વહુ મારી બધી વાત જયંતને કહેશે. આટલાં સમયમાં તો વહુની માયા પણ લાગી ગઈ. એ છે પણ એવી, મારી રેવતી જેવી જ... જાણે બીજી રેવતી ! આ જાણ્યાં, માણ્યાં... હવે જીવ ચાલ બાદલપુર... જયંત તો આવે, ન આવે, ક્યાં નક્કી ? આ લડાઈ પતી, જરા નિરાંત થઈ. બાકી... આ મનની લડાઈ તો ક્યાં અટકવાની ? ઠેઠ... ઠાઠડીમાં બંધાઈશું ત્યાં સુધી...’

વૃદ્ધ ચિંતનમાં સરી ગયા.

અચાનક તેમને જયંત સાંભર્યો. લશ્કરના ગણવેશમાં કેવો લાગતો હશે ? અમસ્તોય પાંચ હાથ પૂરો હતો... પડછંદ... ખડતલ કાઠી... સોનમાં પૂર આવ્યાં હોય તોય તરીને સામે કાંઠે પહોંચી જાય. ડર જ નહિ. સાક્ષાત યમરાજ સામે પણ ખડખડ હસે.

પણ સમય જતાં કશું બદલાય તો ખરું ને, ચહેરો મહોરો...?

ક્યાંક એનો ફોટો તો હશે જ, જોવો જોઈએ.

વૃદ્ધમાં એક ઇચ્છા સળવળી.

વેણુને તેમણે જ આગ્રહ કરીને હૉસ્પિટલે મોકલી.

‘બેટા... જઈ આવ. જયંતના સમાચાર પણ આવ્યા હોય કદાચ.’

વેણુના ગયા પછી વૃદ્ધની ઇચ્છા તો વકરી.

‘લાવને, હું જ ખાંખાખોળાં કરી લઉં. મળી જશે.’ એમ કહેતા તેમણે ઘરના દ્વાર વાસ્યાં. ભીતરના ખંડમાં કદાચ, પહેલી વાર જ પ્રવેશ્યા. મન જરા થથર્યું પણ ખરું પરંતુ અંતે ઇચ્છા બળકટ નીવડી.

‘આમાં ક્યા કશી ચોરી હતી ? મારે બસ... જયંતનો એક ફોટો જ, એક ઝલક જોઈ લેવી છે, ધરાઈને જોવી છે.’ તેમણે દલીલ કરી હતી.

‘ભલે... આ વેણુનો ખંડ રહ્યો. એ પણ મારી વહુ જ છે ને ?’

બસ... પછી તો બધું સાચવી સાચવીને ફંફોસવા લાગ્યા. જે ખસેડતા એને પૂર્વવત્‌ ગોઠવવાની કાળજી પણ રાખતા હાત. સાવ નવી જ દુનિયા હતી.

રમાના વસ્ત્રો - તેમણે આમ ક્યારેય ફંફોસ્યાં નહોતાં. અરે, પૂરાં જોયાં પણ ક્યાં હતાં ?

રમાની એ દુનિયામાં પ્રવેશ્યા જ નહોતા. તેમનો ખંડ અલગ હતો, કબાટ અલગ હતો. રેવતી દરરોજ સાંજે, તેમના ધોેયલા વસ્ત્રો કાળજીપૂર્વક કબાટમાં ગોઠવી જતી હતી.

કબાટના વસ્ત્રોમાં એક નવીન ગંધ આવતી હતી. તેમણે જાળવીને એક ખાનું બરાબર ફંફોસી લીધું - ગોઠવી પણ લીધું.

પછી બીજું ખાનું... તેમાં થોડાં પુસ્તકો હતા. તેના પર મરોડદાર અક્ષરોમાં જયંત મનોહર લખાયું હતું. જયંતના અક્ષરો તો ઓળખાયા. જયંતે પોતાનું નામ પણ લખ્યું હતું એનો આનંદ પણ થયો. ક્યાંક ક્યાંક વેણુના લખાણો પણ હતા.

બધું જ કાળજીથી ઉથલાવી માર્યું પણ ફોટો ના મળ્યો. કોઈ કોઈ લોકોને આવી ચીજો પુસ્તકોની બેવડમાં રાખવાની ટેવ હોય - એ સમજીને બધું તપાસી જોયું.

પછી સાવ નીચેનું ખાનું આવ્યું. વૃદ્ધ થોડા થાક્યાં હતાં પણ નિરાશ થયા નહોતાં.

ત્યાં અચાનક એક બૉક્સ મળ્યું. સેન્ટની ગંધ એમાંથી જ મઘમઘતી હતી. સાથે બંધ હવાની ગંધ પણ ખરી.

તેમણે એ ખૂલ્લું કર્યું. શું હતું એમાં ? એક ડ્રેસ નીકળી પડ્યો - પીંક કલરનો.

વેણુનો હશે ? પ્રશ્ન થયો.

એનો જ હોય ને બીજા કોનો હોય ? પહેરતી હશે. જયંત આગ્રહ કરે તો પહેરતી હશે. શહેરમાં તો આવું હોય.

વૃદ્ધે આવાં દૃશ્યો અહીં જોયા પણ હતા.

જોકે મારી મર્યાદા તો બરાબર જાળવતી હતી. વૃદ્ધે વિચાર્યું.

ત્યાં એક ચબરખી પર ધ્યાન ગયું. ડ્રેસ પર ચીટકી હતી. તેના પર લખ્યું હતુ : પ્રિય વેણુને - નીલ રફથી.

વૃદ્ધ ચોંક્યા. પુનઃ વાંચી ગયા એ લખાણ.

પ્રિય વેણુ ? અને નીલ તરફથી ? સેન્ટની તરબત્તર કરતી... મન ચકરાવા લાગ્યું.

અક્ષરો તાજા જ હતા. પોશાક પણ લગભગ નવોનકોર હતો - એકાદ વાર પહેર્યો હોય તેવો.

તો શું વેણુ...? વૃદ્ધ હચમચી ગયા.

અને જયંત પણ નથી. એની અનુપસ્થિતિમાં - તે તથા પેલો નીલ... આમ...?

જૂનાં દશ્યો નવાં સંદર્ભમાં ઉભરાવા લાગ્યાં. વેણુ આમ પતિત થઈ શકે ? નીલ જેવો કોઈ પ્રેરે તો થઈ પણ શકે. મનને ક્યાં જાણી શકાય છે ? નીલને તે ક્યાં ઓળખતા હતા. અરે, આ પળે તો વેણુ પણ અજાણી થઈ ગઈ હતી. આ તો પાપ... અનૈતિકતા... લાંછન...!!

વૃદ્ધને રોષ જાગ્યો, વેણુ પર. કેવી સરળ લાગે છે ? અને... આ તેનો આંતરિક... ચહેરો !

તે નીચે બેસી ગયા, ફરસ પર. પેલો પોશાક પણ તેમના પર પટકાયો. સેન્ટની રહીસહી ફોરમ પણ અહીંતહીં વિખરાઈ ગઈ.

રેવતી શું ખોટી હતી ? તે હજુ પણ પવિત્ર રહીને જીવે છે.

જયંત, તેં આ શું કર્યું ? મા-બાપની ઇચ્છા ઉથાપવાનું આ પરિણામ ?

એ... આર્મીમાં અને આ સ્ત્રી...

વૃૃદ્ધ રોષ અને ધિક્કારથી કંપતા હતા. તેમનો જમણો હાથ કંપતો કંપતો... ચોથા ખાનાના તળિયા પર અથડાયો. ત્યાં કશું નક્કર.... અનુભવાયું - ફોટોફ્રેમ જેવું. કુતૂહલવશ. એ ઊંચકાયું પણ ખરું. શું હતું એ ? હા... ફોટોગ્રાફ જ હતો. કબાટને તળિયે પડ્યો હતો. એમાંથી સુખડની સુવાસ આવતી હતી. વૃદ્ધે તેમના ઝભાની ચાળથી ધૂળ ખસેડી.

અરે... એ તો જયંત હતો ! જયંતનો મોટો ફોટોગ્રાફ ! બે હાથમાં સમાય તેવો.

એ જ મોં-ફાડ, નાક-નક્શો, એ જ પાતળી... મૂછ... એ જ ભરાવદાર ચહેરો... એ જ - એ જ.... જે દસ વર્ષ પહેલાં... એક સાંજે ગુમાવ્યો હતો.

કેટલાં વર્ષે તેની ઝલક જોવા મળી ? બાપને તરછોડીને ગયો હતો એ સાંજ સજીવન થઈ. પણ એમાં રોષ નહોતો, પૂર્વગ્રહ નહોતો, માત્ર જયંત જ હતો.

એક આંખમાં રમા હતી, બીજીમાં રેવતી હતી. અને બાદલપુરની... હવેલી જેવા મકાનની ભીની ભીની પરસાળ હતી ! યુગ વીતી ગયા. જાણે તેને જોયા ? તેમણે ફોટાને ચુમ્યો.

નીચે શું લખ્યું હતું ? આંખોની ઝાંખપ લૂછીને તેમણે... વાંચ્યું. સ્પષ્ટ લખ્યું હતુાં્‌ :

જયંત મનોહર.

જન્મ તારીખ... મૃત્યુ તારીખ...

નીચે જયંતના અક્ષરોમાં લખાયેલ એક ચિઠ્ઠી હતી.

‘નીલ... વેણુ તને સોંપું છું. તમે બન્ને પરણી જજો... શક્ય હોય તેટલાં વહેલાં. આ મારી આખરી ઇચ્છા છે.

બાદલપુરમાં એક રેવતી ઝૂરે છે. બા-બાપુ... નોંધારાં બેઠા છે. આટલું બસ છે. તું વેણુને સ્વીકારી લેજે. મારા મૃત્યુની જાણ - એ લોકોને ના થવી જોઈએ. - જયંત.’

એ કાગળ પર લોહીના નિશાનો હતા - જયંતના લોહીના. એમાં વૃદ્ધના આંસુ ભળી ગયા.

*