Adhuri Ichchha books and stories free download online pdf in Gujarati

અધૂરી ઇચ્છા

અધૂરી ઈચ્છા

(આ વાત વર્ષ 2000ની છે.)


રાજકોટના પ્રતિષ્ઠિત સર્જન ડૉ. ભાસ્કર જોષીની રાજકોટમાં હોસ્પિટલ હતી. રાજકોટ અને એની આસપાસના ગામોમાંથી લોકો ટ્રીટમેન્ટ અને સર્જરી માટે ડૉ. જોષી પાસે જ આવતા હતા કારણકે ડૉ. જોષી સાચું નિદાન અને સાચી પ્રેક્ટીસ બંન્ને બરાબર રીતે કરતા હતા.

ડૉ. ભાસ્કર જોષીએ એમની સાથે જ ભણતી ડૉ. શીલા સાથે લવમેરેજ કર્યા હતા. બંન્નેનું દામ્પત્યજીવન ખૂબ સરસ ચાલતું હતું. ડૉ. શીલા MBBS થયેલા હતા એટલે તેઓ વધારે સમય હોસ્પિટલના મેનેજમેન્ટમાં આપતા હતા.

લગ્નના ચાર વર્ષ બાદ એમના ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. જેનું નામ એમણે દિવ્યાંશી પાડ્યું હતું. દિવ્યાંશી નડિયાદમાં રહી મેડીકલનો અભ્યાસ કરી રહી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી.

ટૂંકમાં કહીએ ડૉ. ભાસ્કર જોષી એમના પરિવાર સાથે સુખમય અને આનંદપૂર્વક જીવન વ્યતિત કરતા હતાં.

‘કહું છું ડૉ. મહેશ રાજાણીના દીકરાના લગ્નમાં આપણે ગોંડલ જવાનું છે, યાદ છે ને?’ શીલાએ પતિને પૂછ્યું હતું.

‘અરે, હું તો ભૂલી જ ગયો હતો. કાલે તો મેં ડ્રાઇવરને પણ રજા આપી દીધી છે. ડૉ. રાજાણીના ત્યાં જવું તો પડશે જ. પણ ચાલો કંઇ વાંધો નહીં હું ગાડી ચલાવી લઇશ.’ ડૉ. જોષી બોલ્યા હતાં.

‘સારું, તમે થાકી ગયા હશો તો પાછા વળતા ગાડી હું ચલાવી લઇશ.’ શીલાએ કહ્યું હતું.

બંન્ને જણા સવારે છ વાગે રાજકોટથી ગોંડલ જવા નીકળ્યા હતાં.

ગોંડલથી લગભગ દસ કિલોમીટર પહેલા અચાનક એક વૃદ્ધ ડોસી ગાડી પાસેથી પસાર થઇ રોડ ક્રોસ કરી રહી હતી. આ જોઇ ડૉ. જોષીએ જોરથી બ્રેક મારી અને ગાડીમાંથી ઉતરી ગુસ્સામાં રાડ પાડી.

‘એ ડોસી, મરવાની થઇ છું? મરવું જ હોય તો ઘરે બેસીને મરને, ગાડી સામે આવીને બીજાને શું કરવા મારે છે?’ ડૉ. જોષી ગુસ્સાથી ઉકળી પડ્યા હતાં.

‘તમે ગાડીમાં અંદર બેસી જાઓ. ડોસીને સંભળાતું પણ નથી ને તમે રાડારાડ ખોટી કરો છો. આપણે લગ્નમાં જવાનું મોડું થાય છે.’ શીલાએ પતિના ગુસ્સાને શાંત પાડતા કહ્યું હતું.

લગ્નમાં હાજરી આપી બંન્ને રાજકોટ મોડી રાત્રે પરત ફર્યા હતાં.

બીજા દિવસે નિયત સમયે ડૉ. જોષી હોસ્પિટલ પહોંચી ગયા હતાં. હોસ્પિટલ પ્હોંચતા જ એમને નવાઇ લાગી હતી. આમ તો વર્ષોથી જ્યારે એ હોસ્પિટલ પહોંચે ત્યારે પેશન્ટોથી વેઇટીંગ રૂમ ભરાઇ જ ગયેલો હોય.

સવારે નવ વાગે હોસ્પિટલ પહોંચે તો બપોરે બે વાગ્યા સુધી જમવાનો પણ મેળ પડતો ના હોય અને રોજની એક સર્જરી તો કરવાની હોય જ. આના કારણે તેઓ રાત્રે દસ વાગે ફ્રી પડતા હતાં અને આજે અચાનક પેશન્ટ વગરનો ખાલી વેઇટીંગ રૂમ જોઇ એક ક્ષણ માટે તો તેઓ ડઘાઇ ગયા હતાં.

‘નર્સ, આજે એપોઇન્ટમેન્ટ નથી?’ ડૉ. જોષીએ નર્સને પૂછ્યું.

‘સર, એપોઇન્ટમેન્ટ તો પચ્ચીસ હતી પરંતુ કોઇ પેશન્ટ આવ્યું જ નથી અને કાલે જેતપુરના જે પેશન્ટની સર્જરી હતી એ પણ કેન્સલ થઇ છે.’ નર્સ પણ આશ્ચર્યચકિત મુખમુદ્રામાં બોલી રહી હતી.

ડૉ. ભાસ્કર જોષી પોતાની કેબીનમાં જઇ વિચારમાં પડી ગયા હતાં. પોતાની કેબીનને ચાર-પાંચ વાર જોઇ ચૂક્યા હતાં. કેબીન જ્યારથી બની ત્યારથી પહેલીવાર આટલી ધારીને એમણે કેબીનને જોઇ હશે કારણકે પહેલીવાર તો એમને હોસ્પિટલમાં આટલી ફુરસત મળી હતી પણ આ ફુરસત એમને કાંટાની જેમ વાગી રહી હતી.

નિયત સમય પ્રમાણે ડૉ. શીલા પણ બાર વાગે હોસ્પિટલ આવી ગઇ હતી. નર્સે એને પણ આખી વાત કહી ત્યારે એ પણ નવાઇ પામી ગઇ હતી.

આવું લગભગ દસ દિવસ સુધી સળંગ ચાલ્યું. ડૉ. ભાસ્કર જોષી અને શીલા આ મુદા ઉપર અલગ-અલગ થીયરીઓ વિચારી ચૂક્યા હતાં. કોઇ પેશન્ટની સર્જરી છેલ્લા બે મહિનામાં બગડી નથી, કોઇ પેશન્ટ સાથે દુર્વ્યવહાર કે કોઇ ખોટું નિદાન થયું નથી, કન્સલ્ટીંગ ફી અને સર્જરીની રકમ પણ વધારવામાં આવી નથી છતાં હોસ્પિટલમાં પેશન્ટો આવતા કેમ નથી એનું રહસ્ય બંન્ને ઉકેલી શક્યા ન હતાં.

‘કહું છું આપણે ગુરુજીને મળીને વાત કરીએ તો?’ શીલાએ ગભરાતા ગભરાતા પતિને પૂછ્યું હતું.

‘હવે આમાં ગુરુજીનો ક્યાં કંઇ રોલ છે. ગુરુજી આમાં શું કરશે? મને લાગે છે કે ડૉ. પંકજ મહેશ્વરી જે આપણો પ્રતિસ્પર્ધી છે એણે જ કોઇ અફ્વા ફેલાવી હશે. કાલે જ મેં આપણા પટાવાળા નંદુને એની હોસ્પિટલ બહાર મોકલ્યો હતો. એના ત્યાં પેશન્ટોનો ધસારો ડબલ થઇ ગયો છે. નંદુના કહેવા પ્રમાણે વર્ષોથી આપણા ત્યાં આવતા કેટલાંક પેશન્ટોને એણે ત્યાં જતા જોયા છે. એટલે આમાં ગુરુજીને મળીને કશો ફાયદો નથી. ડૉ. પંકજ મહેશ્વરી શું ચાલ ચાલ્યો છે એ જાણવું પડશે.’ ડૉ. જોષી બોલ્યા હતાં.

‘ભલે તમે ડૉ. પંકજે કરેલા કાવતરાની શોધ કરો પણ એકવાર ગુરુજીને મળવામાં શું જાય છે. આમેય અહીં ખાલી બેસી જ રહ્યા છે ને.’ શીલા બોલી હતી.

'ખાલી બેસી રહ્યા છે' એ શબ્દો ભાસ્કરના હૃદયમાં તીરની જેમ વાગ્યા હતા. નાછૂટકે ડૉ. જોષીએ અમદાવાદ જવાની હા પાડી.

શીલા ગુરુજી સાથે જોડાયેલી હતી. અધ્યાત્મમાં એને ખૂબ જ ઊંડી રૂચિ હતી. અગોચર વિશ્વને જાણવામાં એ ખૂબ જ રસ લેતી હતી. શીલાએ ગુરુજીના પર્સનલ ટેલિફોન નંબર પર ફોન કરીને ગુરુજી પાસે સવારનો મળવાનો સમય લઇ લીધો હતો.

ડૉ. ભાસ્કર અને પત્ની શીલા અમદાવાદ ગુરુજીના આશ્રમે પહોંચ્યા હતાં. આયુમાં નાના એવા આધ્યાત્મિક વ્યક્તિને શીલાએ ગુરુ બનાવ્યા હતાં એ વાતથી ડૉ. ભાસ્કર જોષીને કાયમ નવાઇ લાગતી હતી. આમ તો શીલા કોઇ નાની વસ્તુ પણ ખરીદે તો બે-ચાર વ્યક્તિનો એ વસ્તુ માટેનો અનુભવ પૂછીને પછી જ લે અને ચોવીસ વરસના વ્યક્તિને ગુરુ બનાવતા પહેલા એણે કોઇનો પણ અભિપ્રાય લીધો ન હતો.

શીલા અને ડૉ. ભાસ્કર ગુરુજીના કક્ષમાં પ્રવેશ્યા. બંન્નેએ ગુરુજીને વંદન કર્યા ત્યારબાદ શીલાએ ગુરુજીને હોસ્પિટલની વાતથી વાકેફ કર્યા હતાં.

ગુરુજી આંખ બંધ કરી દસ મિનિટ ધ્યાનમાં સરી ગયા. ડૉ. ભાસ્કરને આ દસ મિનિટ દસ જનમ જેવી લાગતી હતી. દસ મિનિટ પછી ગુરુજીએ આંખ ખોલી હતી.

‘તમારો સામનો કોઇ આત્મા સાથે થયો છે, જે આત્માને હજી મુક્તિ મળી નથી. તમે મને એ જણાવો કે હોસ્પિટલમાં જે દિવસથી દર્દીઓ આવવાના બંધ થયા એના ત્રણ દિવસ પહેલા કોઇ અજૂગતી ઘટના થઇ હતી?’ ગુરુજીએ બંન્નેની સામે જોઇ આ સવાલ પૂછ્યો હતો.

‘ગુરુજી મને બરાબર યાદ છે કે જે દિવસથી પેશન્ટો આવવાના બંધ થયા એના પહેલાના ત્રણે-ત્રણ દિવસ અમે રાજકોટમાં જ હતાં, ખાલી એક દિવસ ગોંડલમાં એક લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતાં ત્યારે રસ્તામાં એક અજૂગતી ઘટના બની હતી. અમે જ્યારે ગોંડલ નજીક પહોંચવા આવ્યા હતા ત્યારે એક ડોસી અમારી કાર પાસેથી પસાર થઇ રસ્તો ક્રોસ કરી રહી હતી અને ભાસ્કરે ગાડીને જોરથી બ્રેક મારવી પડી હતી. ભાસ્કર આમ તો કોઇ દિવસ ગુસ્સે થતા નથી પરંતુ એ દિવસે એ ડોસી ઉપર ખૂબ ગુસ્સે થઇ ગયા હતાં. બસ આ એક જ ઘટના એવી હતી કે જે અજૂગતી હતી.’ શીલાએ એકીશ્વાસે આ આખો જવાબ આપ્યો હતો.

ડૉ. ભાસ્કર જોષી શીલાની આખી વાત દરમ્યાન પોતાનું માથું હકારમાં ધુણાવી રહ્યા હતાં.

‘આ બધી વાતોનો પેશન્ટો હોસ્પિટલમાં નહીં આવવા સાથે શું સંબંધ?’ એવું અકળામણ સાથે મનમાં વિચારી પણ રહ્યા હતાં.

પંદર મિનિટ બધી ગણતરી કર્યા બાદ ગુરુજીએ બંન્નેની સામે જોઇને કહ્યું હતું.

‘જુઓ, જે ડોસી તમને મળી હતી એ ડોસી નહીં પરંતુ એ એક આત્મા હતી. તમે અવગતિએ ગયેલા આત્માને ગુસ્સામાં આપેલી વાણીના કારણે એ આત્માએ પોતાની શક્તિથી તમારું સંપૂર્ણ ભૌતિક ચક્ર બંધ કરી દીધું છે અને હવે તમારા કુટુંબનું શારીરિક ચક્ર પર ઘાત કરવાની કોશિષ આ આત્મા કરશે. તમારા ઘરના ત્રણે મેમ્બરમાંથી કોઇને કંઇ શારીરિક તકલીફ તો નથી થઇ ને?’ ગુરુજીએ બંન્નેની સામે જોઇ પૂછ્યું હતું.

‘મારી દીકરીને પરમદિવસે જ પથરીનો દુખાવો ઉપડ્યો હતો. દવાથી હવે રાહત છે. અમને બંન્નેને કોઇ તકલીફ નથી.’ ડૉ. ભાસ્કર જોષી બોલ્યા હતાં.

'ગુરુજી આ સમસ્યાનો આપ જ કોઇ ઉપાય બતાવો.' દુઃખી સ્વરે શીલા બોલી હતી.

હું આપને જે ઉપાય બતાવવા જઇ રહ્યો છું એને આપ બરાબર સાંભળો.

‘આપને હું એક કવચ બનાવીને આપીશ. એ કવચને આપે એ ડોસીને જે જગ્યાએ જોઇ હતી એ જગ્યાએ આ કવચ મુકી દેવાનું છે. હવે અહીંથી મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. આ કવચ મુક્યાના ત્રણ દિવસની અંદર એ ડોસી કોઇને કોઇ કામ માટે તમારી પાસે આવશે અને એ જે કામ કહે એ કામ તમે કરી દેજો. એમાં કોઇપણ જાતનો વાદવિવાદ કરતા નહિ.’ ગુરુજીએ પોતાની વાત પૂરી કરી હતી.

પતિ-પત્ની બંન્ને ગુરુજીની વાત સાંભળીને બાઘા જેવા બની ગયા હતાં.

શીલાએ થોડા સ્વસ્થ થઇ ગુરુજીએ કહેલી વાત પર અમલ કરવા માટે હા પાડી હતી. પરંતુ કોઇ આત્મા આવી રીતે કોઇ માણસને મળવા આવે ખરી? અને ધારો કે આવશે તો અમને કંઇ હાનિ નહીં પહોંચાડે ને? શીલાના મનમાં આવા સવાલ ઉદભવ્યા હતાં.

'શીલા તારા મનમાં ઊભા થયેલા સવાલ હું જાણું છું. એ આત્મા તમને બંન્નેને કોઇપણ જાતનું નુકસાન અચૂક નહીં કરે. એ માટે તમને બંન્નેને ગળામાં પહેરવા માટેની રક્ષાકવચ બનાવી આપું છું. આ રક્ષાકવચ તમારે ત્રણ દિવસ સુધી ગળામાંથી ઉતારવાનું નથી.' ગુરુજીએ શીલાના મનમાં ઉઠેલા સવાલનો જવાબ સામેથી આપ્યો હતો.

‘મને તો આ બધું અશક્ય અને અવિશ્વસનીય જેવું લાગે છે.’ ડૉ. ભાસ્કર જોષી અકળામણમાં બોલી ઉઠ્યા હતાં.

‘હું જાણું છું કે આપ ડૉક્ટર છો અને આ બધી વાતમાં વિશ્વાસ ના કરો એ પણ મને ખબર છે. પરંતુ મારા બતાવેલા માર્ગદર્શન પ્રમાણે તમે કરશો તો મારી વાતની સત્યતાનો બોધ તમને પોતાને જ થઇ જશે. તમે કહેતા હોય તો હું તમને અત્યારે એ આત્મા માટેનું કવચ કરી આપું અને ગળામાં પહેરવા માટે રક્ષાકવચ પણ બનાવી આપું.’ ગુરુજી બોલ્યા હતાં.

‘ગુરુજી આપ જેમ કહેશો તેમ અમે કરવા તૈયાર છીએ પણ આ મુસીબતમાંથી અમને બહાર કાઢો.’ શીલા આંખમાં આંસુ સાથે બોલી હતી.

ગુરુજીએ તૈયાર કરી આપેલું આત્મા માટેનું કવચ સાથે લીધું અને ગળામાં પહેરવાનું રક્ષાકવચ ગુરુજીની સમક્ષ જ બાંધી દીધું.

ગુરુજીના આશ્રમેથી નીકળ્યા બાદ પતિ-પત્ની અમદાવાદથી સીધા એ જગ્યા પર પહોંચ્યા જ્યાં ડોસી સાથે ભેટો થયો હતો. બપોરનો સમય હોવાના કારણે રસ્તો સૂમસામ હતો. ડૉ. જોષીએ ગાડીમાંથી ઉતરીને આત્માનું કવચ એ જગ્યાએ મુકી દીધું અને પરત પોતાના ઘરે રાજકોટ આવી ગયા હતા.

કાલથી ત્રણ દિવસમાં ડોસી આવે એની રાહ જોવાની હતી.

‘આપણા પેશન્ટો ડૉ. પંકજ જ લઇ જાય છે. આમાં ભૂત-પ્રેત કે આત્માની કોઇ જ વાત છે નહિ. તું અને તારા ગુરુજી બંન્ને ખબર નહિ કઇ દુનિયામાં રહો છો.’ ડૉ. જોષીએ ઘરે આવીને પત્ની શીલા પર અકળામણ કાઢતા કહ્યું હતું.

‘ડૉ. પંકજ પચ્ચીસ વર્ષથી તમારો હરીફ છે. ભૂતકાળમાં એનાથી સર્જરીઓમાં થયેલી ભૂલના કારણે હરણીયા અને પથરીના ઓપરેશનોમાં પણ એના હાથે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા જેના કારણે આપણી હોસ્પિટલ કરતા એની હોસ્પિટલમાં પેશન્ટો અડધા પણ આવતા નથી પરંતુ જ્યારથી આ ડોસીનો કિસ્સો બન્યો છે ત્યારથી એની હોસ્પિટલમાં પેશન્ટો ખૂબ વધી ગયા છે. આવું રાતોરાત થવા પાછળ મને તો આ જ રહસ્ય લાગે છે જે ગુરુજીએ આપણને કહ્યું છે. માટે ત્રણ દિવસ સુધી બરાબર એ આત્માની રાહ જોવી પડશે અને ભૂલમાંથી પણ તમે એવું કશું ન કરતા કે એ ભૂલ આપણને નડી જાય. કાલથી હું હોસ્પિટલ તમારી સાથે જ આવીશ અને જ્યાં જશો ત્યાં જોડેને જોડે આવીશ.’ શીલાએ હુકમભર્યા સ્વરે કહ્યું હતું.

બીજા દિવસે સવારે ડૉ. ભાસ્કર અને શીલા હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે પણ હોસ્પિટલમાં એક પણ પેશન્ટ ન હતું. બપોરે ચાર વાગે શીલા અને ભાસ્કર ઊભા થઇ ઘરે જવા નીકળતા હતા એ સમયે કેબીનનો દરવાજો ખખડ્યો.

‘ડૉ. સાહેબ, એક વૃદ્ધ પેશન્ટ આવ્યા છે. અંદર મોકલી આપું?’ નર્સે કહ્યું હતું.

‘હા, મોકલી આપ.’ ડૉ. ભાસ્કર જોષી બોલ્યા હતાં.

પતિ-પત્ની બંન્ને એકબીજાની સામે જોઇ રહ્યા હતાં. બંન્નેના મનમાં એક જ સવાલ હતો કે આ પેલી ડોસી તો નહિ હોય ને?

નર્સે દરવાજો ખોલ્યો. એક વૃદ્ધ ડોસી હાથમાં લાકડી સાથે અંદર દાખલ થઇ. વૃદ્ધ ડોસીને જોતા ડૉ. ભાસ્કર જોષી અને તેમની પત્ની બંન્ને પોતાની જગ્યાએ થીજી ગયા. અત્યારે બંન્નેને કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ બંન્ને માટે સર્જાઇ હતી.

નર્સે ખુરશીમાં ડોસીને હાથ પકડીને બેસાડ્યા.

‘દાક્તર, મારા પગમાં પાકી ગયું છે, મને પાટો બાંધી આપશો?’ ડોસીએ ડૉક્ટરની આંખમાં આંખ નાંખીને પૂછ્યું હતું.

ડૉ. જોષીએ નર્સને કહ્યું કે ડ્રેસીંગ માટેનો સામાન લઇ આવ. શીલાએ ઊભા થઇને ડરતા ડરતા ડોસીને સોફા ઉપર સુવડાવ્યા.

ડોસીના પગના પંજામાં મોટું ચાંદુ પડી ગયું હતું. ડોક્ટરે ઘાવને બરાબર સાફ કરી એના પર બરાબર પાટો બાંધી દીધો અને માજીને સોફામાં બેઠા કર્યા. આટલું કરતા કરતા તો ડૉ. ભાસ્કર જોષી પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.

‘દાક્તર સાહેબ, મારું એક કામ કરશો તમે?’ ડોસીએ પૂછ્યું.

ડૉ. ભાસ્કર જોષીએ હામાં માથું હલાવ્યું.

ડોસીએ પોતાની થેલીમાંથી પીત્તળનો એક ડબ્બો કાઢ્યો અને ડબ્બો ડોક્ટરના ટેબલ પર મુકીને ખોલ્યો. એમાં સોનાના દાગીના હતાં.

‘દાક્તર, હું વીસ વરસ પહેલા મારા ગામથી મારી દીકરીના ગામ એને આ દાગીના આપવા જતી હતી પરંતુ રસ્તો ઓળંગતા મને એક ખટારાવાળાએ ટક્કર મારી દીધી અને મારા પ્રાણ ત્યાં જ નીકળી ગયા હતા પણ મારી દીકરીને દાગીના આપવા માટેની મારી આ ઇચ્છા અધૂરી રહી ગઇ એટલે મારી સદગતિ થતી નથી. હું વીસ વરસથી આવી રીતે રસ્તો ક્રોસ કરવાની કોશિષ કરી રહી છું પણ મને કોઇ જોઇ શકતું નથી. વીસ વરસ પછી તમે પહેલા વ્યક્તિ છો કે જે મને જોઇ શક્યા. એટલે જ મેં તમને મારી શક્તિથી એવા બંધનમાં બાંધી દીધા કે તમે તમારા ઉપર આવેલી તકલીફને દૂર કરવા કોઇ જ્ઞાની પાસેથી હું આપના સુધી આવી શકું અને મારા મનની ઇચ્છા કહી શકું અને એ ઇચ્છા પૂરી થાય. તમે મારી દીકરીના ત્યાં દાગીના પહોંચાડી દેશો તો તમારો ઉપકાર થશે અને તમારું જીવન પણ પહેલાની જેમ સામાન્ય થઇ જશે. તમે આ દાગીના મારી દીકરીના ત્યાં પહોંચાડશો ને?’ ડોસીએ પોતાની વીતક કથા કહી ડોક્ટરને પૂછ્યું હતું.

ડૉ. ભાસ્કર જોષી સાવ અવાક થઇ ગયા હતાં. મોઢામાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો ન હતો.

‘હા, ચોક્કસ પહોંચાડી દઇશું. આપની દીકરીનું સરનામું આપો. અમે આજે જ એને આ દાગીના આપી આવીશું.’ વાતને સંભાળી લેતા શીલા બોલી હતી.

ડોસીએ પોતાની દીકરીનું સરનામું શીલાને લખાવ્યું હતું.

‘તો હવે હું જઉં છું. મારું આ કામ તમે પતાવશો તો મારા આત્માને મુક્તિ મળશે અને તમને મારામાંથી મુક્તિ મળશે.’ આટલું બોલી ખડખડાટ હસતા ડોસી કેબીનની બહાર નીકળી ગયા હતાં.

ડૉ. ભાસ્કર જોષી હજુ પણ શોકમાં હતાં. શીલાએ એમને ઢંઢોળીને પાણી પીવડાવ્યું. ડૉ. જોષીનો હાથ પકડી એમને ગાડીમાં બેસાડ્યા અને પોતે ગાડી ચલાવવા લાગી. ડોસીએ જે સરનામું આપ્યું હતું એ ગામડું ગોંડલની બહુ જ નજીક હતું. ડોસીના બતાવેલા સરનામા પ્રમાણે પૂછતા-પૂછતા બંન્ને જણા ડોસીની દીકરીના ઘર પાસે પહોંચી ગયા હતાં.

ડૉ. ભાસ્કર જોષી હવે થોડા સ્વસ્થ થયા હતાં.

શીલાએ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક સાઇઠ વરસની વૃદ્ધાએ દરવાજો ખોલ્યો.

‘મારે કુમુદબેનને મળવું છે. કુમુદબેન મળશે? તેઓ અહીં રહે છે?’ શીલાએ પૂછ્યું હતું.

‘હા, મારું નામ જ કુમુદ છે. આપ કોણ છો? અંદર આવોને.’ કુમુદે આવકારતા કહ્યું હતું.

શીલા અને ડૉ. જોષી ઘરમાં પ્રવેશ્યા. શીલાએ કુમુદને અહીં આવવા માટેનું કારણ કહ્યું અને આખી ઘટના વિગતવાર સમજાવી હતી. શીલાની વાત સાંભળતા સાંભળતા કુસુમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. શીલાએ પોતાની વાત પુરી કરી અને કુમુદના હાથમાં પીત્તળના દાગીનાનો ડબ્બો આપ્યો. કુમુદે ડબ્બો ખોલ્યો. સોનાના દાગીના ઉપર કુમુદના આંસુ પડી રહ્યા હતાં.

શીલા અને ડૉ. જોષી ગાડીમાં બેસી રાજકોટ તરફ આવવા રવાના થઇ ગયા હતા.

‘તારા ગુરુજી પણ અજબ ચમત્કારી છે. કોઇની અધૂરી ઇચ્છાને તેમણે આંખ બંધ કરીને જાણી લીધી. હું તો હજી પણ અડધો શોકમાં છું. ’ ડૉ. ભાસ્કરે ગાડી ચલાવતી શીલાને કહ્યું હતું.

‘ગુરુજી એટલે જ કહે છે કે કળિયુગમાં બધું જ શક્ય છે. કશું અશક્ય નથી. પાણી પર ચાલતી ગાડીઓ હશે અને રસ્તા પર ચાલતા સ્ટીમરો હશે.’ શીલાએ ગુરુજીની ભવિષ્યવાણી ડૉ. જોષીને કહી હતી.

શીલા જ્યારે બોલી રહી હતી ત્યારે ડૉ. જોષી મનોમન ગુરુજીને વંદન કરી રહ્યો હતો.

બીજા દિવસે ડૉ. જોષી રાબેતા મુજબ હોસ્પિટલ ઉપર પહોંચ્યો હતો. હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ પહેલા જેવી પેશન્ટોની ભીડ દેખાઇ હતી. ડૉ. જોષીને જોતા નર્સે આવીને ખુશીથી કહ્યું હતું કે આજે પચાસ એપોઇન્ટમેન્ટ છે.

ડૉ. ભાસ્કર જોષી ઉત્સાહમાં આવીને ફરીથી પોતાના પેશન્ટોને ચેક-અપ કરવામાં વ્યસ્ત થઇ ગયા હતાં.



( એક સત્ય ઘટના પર આધારિત )
- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED