kanjus marawadi books and stories free download online pdf in Gujarati

કંજૂસ મારવાડી

કંજૂસ મારવાડી


“પરિમલ ગાર્ડનમાં ચાલવા આવવાની શરૂઆત કરે આપણે બધાંને દસ વર્ષ આજે પૂરા થયા માટે એની ખુશીમાં આજે પાર્ટી થઇ જાય. ચાલીને બહાર નીકળીએ એટલે સમોસા, કચોરી અને ઢોંસાની લિજ્જત ઉઠાવીએ અને આ પાર્ટી આપણા ખાસ મિત્ર સુરેશભાઇના ખર્ચે કરીશું.” મનોહરે સુરેશભાઇ તરફ જોઇને કહ્યું હતું.

“મનોહર, હું તો માત્ર રોજની જેમ પૌંઆ ખવડાવીશ. પૌંઆ ખાવા હોય તો ખાઇ લે. દસ વર્ષ ભલે પૂરા થયા હોય પણ આનાથી વધારે હું કશું ખવડાવવાનો નથી અને પાર્ટી મારા ખર્ચે તો આપવાનો નથી.” સુરેશે ગુસ્સાથી મનોહર સામે જોઇ કહ્યું હતું.

“અરે યાર, તું મિત્ર થઇને બસો-ત્રણસો રૂપિયા માટે કંજૂસાઇ કરે છે. તું કરોડપતિ છે એ તો તું યાદ રાખ અને અમે તારા અંગત મિત્રો છીએ. તારું કંજૂસ મારવાડીપણું અમારા જેવા અંગત મિત્રો માટે તો ના બતાવ.” મનોહરે હસતાં હસતાં કહ્યું હતું.

“હા યાર, મનોહરની વાત સાચી છે. તારા જેવા કરોડપતિ બસો-ત્રણસોના નાસ્તા માટે આઘોપાછો થાય તો પછી અમારી તો વાત જ ના થાય.” દિનેશે પણ મજાકના સૂરમાં સુરેશને કહ્યું હતું.

દીપક આ ત્રણે જણની ચર્ચા સાંભળી રહ્યો હતો અને હસી રહ્યો હતો.

સુરેશ, મનોહર, દિનેશ અને દીપક ચારે જણ દસ વર્ષ પહેલા પરિમલ ગાર્ડનમાં પહેલીવાર મળ્યા હતાં અને ત્યાંથી જ ચારેયની મિત્રતાનો સેતુ બંધાયો હતો. રોજ સવારે છ વાગે ચારે જણ ચોમાસું, શિયાળો કે ઉનાળો કોઇપણ ઋતુ હોય પણ છ વાગે પરિમલ ગાર્ડનમાં પહોંચી જ જતા હતાં. કોઇ અમદાવાદ બહાર ગયું હોય એ સિવાય સવારે છ વાગે પરિમલ ગાર્ડનમાં મળવાનો ચારે જણાનો ક્રમ તૂટ્યો ન હતો.

સુરેશ કાપડના ધંધાનો મોટો વેપારી હતો અને આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતો. સાથે સાથે કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ ભાગીદાર હતો એટલે આર્થિક રીતે એની સદ્ધરતા ખૂબ જ હતી.

મનોહર બેંકમાંથી વી.આર.એસ. લઇ નિવૃત્ત થઇ પત્ની સાથે પોતાનું જીવન પસાર કરતો હતો. મનોહરને એક જ દીકરી હતી જે એણે અમેરિકા પરણાવી દીધી હતી.

દિનેશ એક વીમા એજન્ટ તરીકે કામ કરતો હતો અને આર્થિક રીતે એ પણ સુખી અને સંપન્ન હતો.

દીપક એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યો હતો અને ખાધેપીધે સુખી હતો.

ચારેય મિત્રો જીવનના સાંઇઠ વર્ષ વીતાવી ચૂક્યા હતાં. જીવનની સાંઇઠ દિવાળીઓ જોયા પછી જિંદગીના અલગ-અલગ અનુભવો સારા અને ખરાબ એ બધાં મિત્રોએ પોતપોતાની જિંદગીમાં લીધા હતાં. હવે જીવનના બાકીના વર્ષો આનંદ અને ઉલ્લાસથી પોતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરી પસાર કરી રહ્યા હતાં.

“છેલ્લા અઠવાડિયાથી દીપક ચાલવા આવતો નથી. એની તબિયત તો સારી છેને?” પરિમલ ગાર્ડનના બાકડા પર બેસી સુરેશે મનોહરને પૂછ્યું હતું.

“મારી જોડે એને વાત થઇ હતી. ત્રણ મહિના પછી એની ત્રીજી દીકરીના લગ્ન એણે લીધા છે. એના કારણે એ ચાલવા આવતો નથી. લાગે છે લગ્નની તૈયારીમાં પડ્યો છે.” મનોહરે સીગરેટનો કશ મારીને કહ્યું હતું.

“એક તો આપણે સવારે શુદ્ધ હવા લેવા ગાર્ડનમાં આવીએ છીએ અને તું આ સીગરેટ ફૂંકીને તારા ફેફસા ખરાબ કરી રહ્યો છે. સીગરેટો ફૂંકવાનું બંધ કરી દે. સાલા મનોહર વહેલો મરી જઇશ.” દિનેશે ગુસ્સો કરતા મનોહરને કહ્યું હતું.

દિનેશની વાત સાંભળી મનોહરે સીગરેટ ઓલવીને બાજુમાં પડેલી ડસ્ટબીનમાં નાંખી દીધી હતી.

“ચાલો કંજૂસ મારવાડી સુરેશ, ગરમ ગરમ ઇડલીનો નાસ્તો કરાવો. આજે તો આપણે ત્રણ જણા જ છીએ. ખર્ચો ઓછો થશે.” મનોહરે આંખ મારી સુરેશને કહ્યું હતું.

“હું તો ખાલી ચા અને પૌંઆ ખવડાવીશ. ખાવા હોય તો ખા નહિતર કંઇ નહિ.” આમ કહી સુરેશ ચાની કીટલી પાસે પહોંચ્યો હતો.

“અરે કંજૂસ મારવાડી, આ દુનિયામાંથી કોઇ છાતી પર રૂપિયા બાંધીને લઇ ગયું નથી. નાસ્તો કરાવવામાં સો-બસો રૂપિયા માટે કરકસર કરે છે. ઇન્કમટેક્ષની રેડ પડશે તો ઇન્કમટેક્ષવાળા વીસ-પચ્ચીસ કરોડ એમ જ લઇ જશે. એના કરતા અમારા જેવા ભાઇબંધોને નાસ્તો કરાવી પુણ્યનું ભાથું બાંધી લે.” મનોહરે સુરેશને વધારે ગરમ કરવાના ઇરાદાથી કહ્યું હતું.

“ઇન્કમટેક્ષવાળા ભલે મારા રૂપિયા લઇ જાય એનો મને વાંધો નથી પણ તને તો ગરમા ગરમ ઇડલી નહિ જ ખવડાવું. આ પૌંઆ ખાવા હોય તો ખા નહિ તો કંઇ નહિ.” આટલું બોલી સુરેશે પૌંઆ ખાવાનું શરૂ કર્યું હતું.

દિનેશ પણ પૌંઆ ખાતા ખાતા બંન્નેની ચર્ચા હસતાં હસતાં સાંભળી રહ્યો હતો. મનોહર ગુસ્સામાં આવીને અને જતો રહ્યો હતો.

“અરે આ મનોહર ગુસ્સામાં જઇ રહ્યો છે. એને રોક તો ખરો.” દિનેશે સુરેશ સામે જોઇ કહ્યું હતું.

“હવે જવા દે સાલાને. મને કંજૂસ મારવાડી કહી રોજ મારી ટાંગ ખેંચે છે અને આ તો કૂતરાની પૂંછડી છે. કાલે સવારે પાછો હતો એવો ને એવો જ થઇ જશે. તું આ પૌંઆ ખા અને એની ચિંતા છોડી દે.” સુરેશે હસીને દિનેશને કહ્યું હતું.

ઘરે આવીને સુરેશ મસ્કતી માર્કેટ પોતાની દુકાને પહોંચ્યો હતો. બપોરે દુકાનનું કામ પતાવી ચા પી રહ્યો હતો ત્યારે એને સવારે થયેલી દીપકની દીકરીના લગ્નની વાત યાદ આવી હતી. ઘરમાં લગ્ન લીધા હોય અને લગ્ન ત્રણ મહિના પછી હોય અને સવારે મોર્નીંગ વોકમાં આવ્યો નહિ એ વાત એને સવારથી જ અજૂગતી લાગતી હતી.

ચા પી અને એણે દીપકના મોબાઇલ ઉપર ફોન જોડ્યો હતો. થોડી રીંગ વાગ્યા પછી દીપકે ફોન ઉપાડ્યો હતો.

“હલો દીપક, હું સુરેશ બોલું. તું સવારે અઠવાડિયાથી ચાલવા કેમ નથી આવતો? તારી દીકરીના લગ્ન છે એ મને ખબર છે પણ એ કારણ મારા ગળે ઉતરતું નથી. માટે તું મને મિત્ર સમજતો હોય તો સાચું કારણ મને જણાવ.” સુરેશે દીપકને સીધું જ પૂછી લીધું હતું.

દીપક સુરેશની વાત સાંભળી થોડીવાર ચૂપ રહ્યો હતો.

“જો મિત્ર સુરેશ, મારી ત્રીજી દીકરીના લગ્ન માટે મેં મારી કંપનીમાં લોન માટે અપ્લાય કરી હતી પરંતુ કંપનીની પોલીસી બદલાઇ જવાના કારણે દીકરીના લગ્ન માટે લોન આપવાની ના પાડી છે. પહેલી બે દીકરીના લગ્ન વખતે મને લોન મળી ગઇ હતી અને એ લોન પણ મારા પગારમાંથી, પ્રોવિડન્ટ ફંડમાંથી તેમજ મારી પત્નીના દાગીના વેચીને પણ ભરી દીધી હતી જેથી મારી છેલ્લી દીકરીના લગ્ન વખતે મને લોન મળી જાય. પરંતુ કંપનીની પોલીસી બદલાઇ જવાના કારણે કંપનીએ અઠવાડિયા પહેલા મને લોન આપવાની ના પાડી દીધી હતી. એટલે અઠવાડિયાથી ત્રણ મહિના પછી દીકરીના લગ્ન કઇ રીતે કરીશ અને પૈસા ક્યાંથી લાવીશ એની મૂંઝવણમાં પડ્યો છું. રાત્રે ઊંઘ આવતી નથી અને ચિંતાના કારણે મોર્નીંગ વોકમાં પણ આવી શકતો નથી.” દીપકે પોતાની વ્યથા ફોનથી સુરેશને જણાવી હતી.

સુરેશ દીપકની બધી વાત શાંતિથી સાંભળી રહ્યો હતો અને મનોમન કશુંક વિચારી રહ્યો હતો.

“દીપક તું ઘરે જ છેને? હું હમણાં થોડીવારમાં તારા ઘરે આવું છું.” સુરેશે દીપકને કહ્યું હતું.

“હા, હું ઘરે જ છું.” દીપકે કહ્યું હતું.

સુરેશે તિજોરીમાંથી રૂપિયા ત્રણ લાખ લીધા અને દીપકના ઘરે પહોંચ્યો હતો. દીપક પાલડીમાં આવેલા એક ફ્લેટમાં રહેતો હતો. સુરેશ એકવાર પરિમલ ગાર્ડનથી એને એના ફ્લેટના ઝાંપા સુધી ઉતારવા ગયો હતો એટલે સુરેશે એનો ફ્લેટ જોયો હતો.

ફ્લેટના ઝાંપા પાસે પહોંચ્યા પછી ફોન કરી દીપકના ફ્લેટનો નંબર પૂછ્યો હતો. પાંચ માળના વગર લીફ્ટના બીલ્ડીંગમાં સુરેશ બીજા માળે આવેલા દીપકના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખુલ્લો રાખી દીપક સુરેશના આવવાની રાહ જોઇ રહ્યો હતો. સુરેશને પોતાના ઘરે આવેલો જોઇ દીપક ખુશ થયો હતો.

“તારા જેવો કરોડપતિ શેઠિયો આ પચ્ચીસ વર્ષ જૂના બીલ્ડીંગમાં મારા ઘરે આવે એ પણ મારા માટે તો એક પ્રસંગ જ કહેવાય.” દીપકે સુરેશને આવકારતા કહ્યું હતું.

દીપકે સુરેશની ઓળખાણ પોતાની પત્ની મીનાક્ષી સાથે કરાવી હતી.

“સુરેશભાઇ તમે શું પીશો? ચા કે કોફી? નાસ્તામાં તમારા માટે ખમણ બનાવ્યા છે.” મીનાક્ષીએ હસીને સુરેશભાઇને પૂછ્યું હતું.

“ભાભી, ચા તો હું હમણાં પીને જ આવ્યો છું પણ ખમણ હું ખાઇશ.” સુરેશે હસીને મીનાક્ષીને કહ્યું હતું.

મીનાક્ષી રસોડામાં ખમણ બનાવવા માટે ગઇ હતી. મીનાક્ષીને રસોડામાં ગયેલી જોઇ સુરેશે ત્રણ લાખ રૂપિયાથી ભરેલું પાકીટ દીપકને આપ્યું હતું.

“આ પાકીટમાં ત્રણ લાખ રૂપિયા છે. તારી નાની દીકરીના લગ્નના ખર્ચની તું ચિંતા ના કર. આ રૂપિયાથી તારી દીકરીનું લગ્ન થઇ જશે અને જરૂર પડે તો બીજા રૂપિયા મારી પાસેથી લઇ લેજે.” સુરેશે દીપકને પાકીટ આપતા કહ્યું હતું.

“ના સુરેશ, હું તારા રૂપિયા ના લઇ શકું. તું મારો મિત્ર છે. મારી નોકરી હવે એક જ વર્ષની બાકી રહી છે. માટે તારું આ કર્જ હું ક્યારેય ઉતારી ના શકું. રીટાયર્ડમેન્ટ પછી મને મળવાનું પ્રોવિડન્ટ ફંડ હું પહેલી દીકરીના લગ્નમાં ઉપાડીને વાપરી ચૂક્યો છું. બાકી વધેલું પ્રોવિડન્ટ ફંડ અને પત્નીના દાગીનામાંથી બીજી દીકરીના લગ્ન પણ પૂરા કર્યા. હવે આ રકમ જો હું તારી પાસેથી લઉં તો આ રૂપિયાનું દેવું હું ક્યારેય ઉતારી ના શકું.મારા પોતાના સગા ભાઇ અને સગા સાળાએ મારી દીકરીના લગ્નમાં આર્થિક મદદ કરવાની મને સ્પષ્ટ ના પાડી દીધી છે, કારણકે એમને ખબર છે કે હું એમનું દેવું ઉતારી નહિ શકું. હું આ જૂના બીલ્ડીંગમાં જે રહું છું એના કાગળિયા પણ અધૂરા હોવાના કારણે અને દસ્તાવેજ નહિ થયો હોવાના કારણે આ મકાન વેચાતું પણ નથી. માટે તારું દેવું હું ક્યારેય ભરપાઇ નહિ કરી શકું માટે હું આ પૈસા લેવાની ના પાડું છું. હું પૈસાના કારણે તારા જેવો સારો મિત્ર ગુમાવા માંગતો નથી.” દીપકે પૈસાનું પાકીટ પાછું આપતા કહ્યું હતું.

“જો દીપક, ભગવાને મને બે દીકરા આપ્યા છે. મારી ખૂબ ઇચ્છા હતી કે મને ઈશ્વર એક દીકરી આપે પરંતુ ઈશ્વરે મારી આ ઇચ્છા અધૂરી જ રાખી. તું મારો મિત્ર છે. તારી દીકરી એ મારી દીકરી જ કહેવાય. આ રૂપિયા હું તને ઉધાર નથી આપી રહ્યો. હું તારી દીકરીને મારી દીકરી સમજીને જ આ રૂપિયા આપી રહ્યો છું. આ રૂપિયા મારે પરત લેવાના નથી અને અણીના સમયે એક મિત્ર બીજા મિત્રના કામમાં ન આવે તો મિત્ર હોવાનો અર્થ શું? ત્રણ મહિના પછી દીકરીના લગ્ન છે. તને મારા સોગંદ છે, આ રૂપિયા તું ના લે તો.” સુરેશે ખૂબ આગ્રહ કરી દીપકને પાકીટ પાછું પકડાવી દીધું હતું.

સુરેશે આપેલી સોગંદના કારણે દીપક કશું બોલી શક્યો ન હતો. એટલામાં જ મીનાક્ષી ગરમા ગરમ ખમણ લઇ રસોડામાંથી ડ્રોઇંગરૂમમાં આવી હતી. સુરેશે ખમણ ખાધા અને ખમણના વખાણ કરી અને અગત્યનું કામ છે એવું કહી દીપકની ઘરેથી નીકળી ગયો હતો. દીપક ઊભો થઇ અને દિવાલ ઉપર લગાડેલા ભગવાનના ફોટા સામે જોઇ હસી રહ્યો હતો. મીનાક્ષી આ જોઇ નવાઇ પામી હતી અને દીપકની જોડે જઇ ઊભી રહી હતી.

“તમે ભગવાનના ફોટા સામે જોઇને કેમ હસી રહ્યા છો અને સુરેશભાઇ આપણા ત્યાં અત્યારે કેમ આવ્યા હતાં?” મીનાક્ષીએ પૂછ્યું હતું.

“સુરેશ આપણી દીકરીના લગ્ન માટે ત્રણ લાખ રૂપિયા આપીને ગયો છે. મનોહર એને કંજૂસ મારવાડી કહે છે કારણકે એ બસો રૂપિયાનો નાસ્તો પણ રકઝક કર્યા પછીયે કરાવતો નથી અને આજે ત્રણ લાખ જેવી રકમ આપણા માંગ્યા વગર આપણી દીકરીને પોતાની દીકરી સમજીને ઈશ્વરે મોકલેલા દેવદૂતની જેમ એ આપી ગયો અને કોઇને કહેવાની ના પણ પાડતો ગયો. એણે સાચી મિત્રતા નીભાવી અને ખરા અર્થમાં એ દરિયાદિલ છે એવું એણે સાબિત કરી આપ્યું.” દીપકે પત્ની સામે જોઇને કહ્યું હતું.

“મને લાગે છે કે સુરેશભાઇએ એમની સાચી મિત્રતા નિભાવી છે.” મીનાક્ષીએ પણ ભગવાનના ફોટાને વંદન કરતા કહ્યું હતું.

સુરેશ દીપકના ઘરેથી સીધો પોતાના ઘરે ગયો હતો. ડ્રાઇવરે ગાડી બંગલા પાસે ઊભી રાખી હતી. સુરેશ ગાડીમાંથી ઉતરી ઘરમાં દાખલ થયો હતો.

“અરે સુરેશ, હમણાં હું મંદિરે ગઇ હતી અને મને ચક્કર આવ્યા હતાં. હું એ વખતે દાદરા ઉતરી રહી હતી. અચાનક કોણ જાણે ક્યાંથી કોઇ સાધુ આવ્યા અને એમણે મારો હાથ પકડી લીધો અને પગથિયાં ઉપર બેસાડી દીધી હતી. એમના હાથમાં રહેલા કળશમાંથી પાણી મારી આંખો પર છાંટ્યું હતું. હજી તો હું એમની સામે જોઉં એ પહેલા તો એ અલોપ થઇ ગયા હતાં. જો હું પડી હોત તો ચોક્કસ મારા રામ રમી જાત. એ સાધુએ મારો જીવ બચાવી લીધો હતો.” 85 વર્ષના સુરેશના માએ સુરેશને કહ્યું હતું.

સુરેશે મનોમન ભગવાનનો આભાર માન્યો હતો.

બીજા દિવસ સવારે દીપક મોર્નીંગ વોકમાં આવ્યો હતો, કારણકે હવે એ દીકરીના લગ્નની ચિંતામાંથી સુરેશના કારણે મુક્ત થઇ ગયો હતો.

“આજે હું તમને બધાંને મારા તરફથી ઇડલી અને ઢોંસાની પાર્ટી આપીશ. આજે આપણા મિત્ર સુરેશને પૌંઆ અને ચાના ખર્ચમાંથી કમસેકમ આજના દિવસે મુક્તિ આપીએ.” મનોહરે હસતાં હસતાં બધાં સામે જોઇ કહ્યું હતું.

“વાહ! આજે તો ભૂતના મોઢામાં રામ... રામ... પણ આ ભૂતે મને કંજૂસ મારવાડી કેમ ના કહ્યો?” સુરેશે હસતાં હસતાં મનોહર સામે જોઇ પૂછ્યું હતું.

“આજનો દિવસ તને કંજૂસ મારવાડીના લેબલમાંથી હું મુક્તિ આપું છું.” આટલું બોલી એણે સુરેશની આંખમાં જોયું હતું.

સુરેશ મનોહરની આંખનો ભાવ સમજી ગયો હતો. સુરેશને સમજતા વાર ના લાગી કે દીપકે પૈસાની વાત મનોહરને કહી દીધી છે.

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED