Doli ni Aatma books and stories free download online pdf in Gujarati

ડોલીની આત્મા

ડોલીની આત્મા


મુંબઇમાં જૂન મહિનાની મધ્યમાં વરસાદ જામ્યો હતો. બોરીવલીમાં રહેતી દિપાલીનું મન આજે ખૂબ ઉદાસ હતું. બારીમાંથી વરસતા મૂશળધાર વરસાદને એ જોઇ રહી હતી.

"કહું છું, આપણે અઠવાડિયા માટે પૂનામાં આપણા જૂના બંગલામાં રહેવા જઇએ તો? મને હવે મુંબઇમાં છેલ્લા એક મહિનાથી ખૂબ ઉદાસી લાગ્યા કરે છે." દિપાલીએ પોતાના પતિ નચિકેતને કહ્યું હતું.

"મને પણ એ બંગલામાં જઇને રહેવાની ખૂબ ઇચ્છા થાય છે પણ સાત વરસ એ બંગલામાં રહેતા ભાડુઆત એવું કહીને બંગલો ખાલી કરીને ગયો હતો કે આમાં કોઇ આત્માનો વાસ છે માટે સાત વરસથી એ બંગલો ભાડે પણ ગયો નથી અને મને પણ ત્યાં રહેવા જવાની હિંમત થતી નથી." નચિકેતે પૂનાના બંગલામાં ન જવાનું કારણ દિપાલીને જણાવ્યું હતું.

"મને તો આ વાત સાવ અફ્વા લાગે છે. એ ભાડુઆત આપણા મનમાં ખોટો વહેમ નાંખીને ગયો છે. તમે બાજુમાં રહેતા આપણા પાડોશીને સચ્ચાઇ શું છે? એ પૂછી તો જુઓ. તો આપણને નિર્ણય લેવાની ખબર પડે." દિપાલીએ નચિકેતને રસ્તો બતાવતા કહ્યું હતું.

નચિકેતને દિપાલીની વાત યોગ્ય લાગતા એણે એના મોબાઇલમાંથી એની બાજુમાં રહેતા પડોશી દિનેશ ખાંડેકરને ફોન કર્યો હતો અને દિનેશભાઇ જોડે પોતાના બંગલા વિશે અને ભાડુઆતે ફેલાવેલી વાત માટે પૂછપરછ કરી હતી.

"તમારા ભાડુઆતે જે આત્માની વાત ફેલાવી હતી એ વાત મને તો સત્ય હોવાનું લાગે છે. એની વાતનો પુરાવો મને કોઇ મળ્યો નથી કારણકે મેં વર્ષો પહેલા અમારા ગુરૂજી પાસે અમારા ઘરની ચોકી કરાવી લીધી છે. જેથી આવી કોઇ આત્મા અમારા ઘરમાં પ્રવેશ કરી શકે નહિ. પણ એ ભાડુઆતને તમારું આ ઘર ખૂબ જ પસંદ હતું છતાં પણ એ ઘર છોડીને જતો રહ્યો અને અમારી વચ્ચે ખૂબ જ સારો સંબંધ હતો એટલે મને એમની વાત સાચી હોય એવું લાગે છે." દિનેશ ખાંડેકરે આ રીતે નચિકેતે પૂછેવા સવાલનો જવાબ આપ્યો હતો.

નચિકેતે પોતાનો ફોન સ્પીકર ઉપર રાખ્યો હતો એટલે દિપાલી પણ દિનેશ ખાંડેકરની વાત સાંભળી રહી હતી.

ફોન પત્યા બાદ દિપાલીએ નિસાસો નાંખ્યો હતો. પત્નીને નિરાશ થયેલી જોઇને નચિકેતને ખૂબ દુઃખ થયું હતું.

"ચાલ, તારી ખૂબ જ ઇચ્છા છે તો બે દિવસ એ બંગલામાં રહી આવીએ. આપણને જો કાંઇ આત્મા જેવું અથવા અજૂગતું લાગશે તો આપણે મુંબઇ પાછા આવી જઇશું. હું આજે જ ત્યાં સફાઇવાળા માણસો મોકલી સાફસફાઇ કરાવી લઉં છું. આપણા બંગલાની ચાવી દિનેશભાઇ પાસે જ પડી છે." નચિકેતે પત્નીને ઉદાસ જોઇ પૂના જવાનો નિર્ણય લીધો હતો.

બે દિવસ બાદ નચિકેત અને એની પત્ની દિપાલી ગાડીમાં મુંબઇથી પૂના જવા માટે નીકળ્યા હતાં. દિપાલી આજે ખૂબ જ ખુશ હતી. મુંબઇ પૂનાનો હાઇવે, રસ્તા પર આવતા પર્વતો, સતારા ઘાટ પાસેની ટનલ આ બધું એને ખૂબ જ ગમતું હતું.

દિપાલી વરસતા વરસાદમાં ઉગેલી ગ્રીનરીને જોઇ ખૂબ ખુશ થઇ રહી હતી. સાત વર્ષ પછી નચિકેત આજે પોતાના બંગલામાં જઇ રહ્યો છે એને એનો આનંદ હતો કારણકે આ જ ઘરમાં એનો જન્મ થયો હતો અને વીસ વર્ષ આ ઘરમાં રહ્યો હતો માટે એની બધી બાળપણની યાદો આ ઘર સાથે જોડાયેલી હતી.

દિપાલી અને નચિકેત બંગલાના ઝાંપા પાસે પહોંચ્યા. નચિકેતે ગાડી ઊભી રાખી અને પાડોશી દિનેશભાઇને સાચવવા આપેલી બંગલાની ચાવી લેવા એમના ઘરે ગયો હતો.

વર્ષો બાદ દિનેશભાઇ અને એમના પત્ની બંન્નેને એણે જોયા હતાં. એ બંન્નેને જોઇ એ ખૂબ ખુશ થયો હતો. દિનેશભાઇ પાસેથી બંગલાની ચાવી લઇ પોતાનું ઘર ખોલ્યું હતું.

ઘરની સાફસફાઇ કરાવી હોવાના કારણે ઘર ખૂબ જ સ્વચ્છ લાગતું હતું. દિપાલીએ બેડરૂમમાં જઇ અને પલંગ ઉપર લંબાવી દીધું હતું.

દિપાલી અને નચિકેતે ઘણાં સમય પછી ચાર-પાંચ કલાક એકબીજા સાથે ખૂબ હસી-મજાક અને વાતો કરી હતી. રાત્રિના બે વાગે દિપાલી અને નચિકેત ભર ઊંઘમાં હતાં. એવામાં નચિકેતને કોઇ અવાજ સંભળાયો.

ઊંઘમાંથી નચિકેત એકદમ જાગી ગયો હતો. અવાજની દિશા તરફ એણે પોતાના કાન સરવા કર્યા હતાં. નચિકેતને ઝાંઝરનો અવાજ આવી રહ્યો હતો.

નચિકેત ઊભો થઇ બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં આવ્યો હતો. ડ્રોઇંગરૂમની ટ્યુબલાઇટ નચિકેતે ચાલુ કરી હતી.

નચિકેતની આંખો ડ્રોઇંગરૂમની દિવાલ ઉપર હતી. દિવાલ પર એને કોઇનો પડછાયો દેખાયો હતો. એ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. નચિકેત એટલો ગભરાયેલો હતો કે દિપાલી બરાબર એની પાછળ આવીને ઊભી રહી હતી એનું ધ્યાન એને ન હતું. દિપાલી પણ નચિકેતની પાછળ ઊભી ઊભી ખૂબ જ ડરી રહી હતી.

બંન્ને જણ ધીમે પગલે પાછા બેડરૂમ તરફ જવા માટે પગ ઉપાડી રહ્યા હતાં એવામાં જ એક સ્ત્રીનો અવાજ બંન્નેને સંભળાયો હતો.

"નચિકેત, મારાથી ડરવાની જરૂર નથી. હું તને ડરાવવા માટે નહિ પરંતુ તું મારી મદદ કરીશ? એવું પૂછવા માટે આવી છું. તું મને સારી રીતે ઓળખે છે. હું તમારી પાડોશમાં રહેતા દિનેશભાઇની દીકરી છું. મારું નામ ડોલી છે. ખબર છે આપણે નાનપણમાં સાથે ખૂબ રમતા હતાં. હું તો સવારથી સાંજ સુધી આ ઘરમાં જ રહેતી હતી. તારી મમ્મી મને દીકરીની જેમ ગણતી હતી. યાદ આવ્યું તને?" એ સ્ત્રીની વાત સાંભળી નચિકેત અને દિપાલી બંન્ને જમીન પર બેસી ગયા હતાં.

નચિકેતને યાદ આવ્યું કે ડોલી એ એની નાનપણની મિત્ર હતી અને એના પાડોશી દિનેશ ખાંડેકરની દીકરી હતી. જે સાત વર્ષ અગાઇ ઘર છોડી જતી રહી હતી.

"હા મને યાદ છે, ડોલી. પણ તું તો સાત વર્ષ પહેલા ઘર છોડીને જતી રહી હતીને? પણ તું કઇ રીતે મરી ગઇ અને આત્મા કઇ રીતે બની ગઇ?" નચિકેતે એના મનમાં ઉદભવેલા સવાલો ડોલીની આત્માને પૂછ્યા હતાં.

"હું અઘોર સાધના અને તંત્રવિદ્યાની શોધ કરવા માટે મહાબળેશ્વર પાસે આવેલા એક અઘોરીબાબાના આશ્રમમાં જતી રહી હતી. ત્યાં હું સ્થુળ શરીર અને સૂક્ષ્મ શરીરને અલગ કરવાની પ્રક્રિયા શીખી રહી હતી. એ પ્રક્રિયાના અભ્યાસ દરમ્યાન જ મારું સ્થુળ શરીર અને સૂક્ષ્મ શરીર અલગ તો થઇ ગયા પરંતુ મારી જ ભૂલના કારણે હું ફરીવાર મારા મૂળ શરીરમાં પ્રવેશી શકી નહિ. અઘોરીબાબાએ મને મારા મૂળ શરીરમાં દાખલ કરવાની ખૂબ જ કોશિષ કરી પરંતુ એવું કરવું શક્ય ના બન્યું. એટલે ત્રણ દિવસની મહેનત પછી મારી જ પરવાનગીથી અઘોરીબાબાએ મારા એ શરીરને અગ્નિદાહ આપી દીધો અને કહ્યું કે 'તું તારા ઘરે પાછી જા અને તારા જ ઘરમાંથી તારું કોઇ વસ્ત્ર લઇને તું પાછી આવી જા.' હું મારા આ સૂક્ષ્મ શરીરે મારું વસ્ત્ર લેવા માટે મારા ઘરમાં દાખલ થવા ગઇ ત્યારે મારા પિતાએ કરાવેલી ઘરની ચોકીના કારણે અને હું આત્માના સ્વરૂપમાં હોવાના કારણે ઘરમાં પ્રવેશી શકી નહિ. ત્યારબાદ છેલ્લા સાત વરસથી હું તારા જ ઘરમાં રહું છું. આ જ ઘરમાં રહેતા એક ભાડુઆતને મેં આ જ રીતે એને સમજાવવાનો અને કહેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ એટલો ગભરાઇ ગયો હતો કે એ આ વાત સાંભળી શકે એવી અવસ્થામાં જ હતો નહિ અને બીજા દિવસે તો એ એના પરિવાર સાથે આ ઘર છોડીને ભાગી ગયો હતો. એનો સામાન લેવા પણ એ પાછો આવ્યો ન હતો. માટે મારી વિનંતી છે કે તું મને મદદ કર." ડોલીના આત્માએ નચિકેતને પોતાની વ્યથા સંભળાવી હતી.

"તમે આત્મા છો અને અમે માણસો છીએ. તો પણ અમે તમારી વાત આટલી સરળતાથી કેમ સમજી શકીએ છીએ? જાણે તમે જીવતા જો હોય એવી રીતે." દિપાલીએ ડોલીની આત્માને પૂછ્યું હતું.

"તમારો સવાલ એકદમ સાચો છે. કારણકે હું હજી મરી નથી. મારું સૂક્ષ્મ શરીર જીવી રહ્યું છે, મારી આભા જીવી રહી છે, મારા સ્થુળ શરીરમાં હું પ્રવેશ કરી શકી નહિ માટે એને અગ્નિદાહ આપવો પડ્યો. હું જો મૃત્યુ પામી હોત તો ચોક્કસ હું તમને મારી વાત સમજાવી ના શકી હોત. પણ કુદરતના નિયમ પ્રમાણે હજી હું મારું આયુષ્ય જેમ તમે ભોગવી રહ્યા છો એમ જ હું ભોગવી રહી છું. મારા અને તમારામાં ફક્ત ફરક એટલો જ છે કે હું સૂક્ષ્મ શરીરે આયુષ્ય ભોગવી રહી છું અને તમે સ્થુળ અને સૂક્ષ્મ બંન્ને શરીરે તમારું આયુષ્ય ભોગવી રહ્યા છો." ડોલીની આત્માએ દિપાલીને સમજાવતા કહ્યું હતું.

"હું તમારી મદદ કઇ રીતે કરી શકું? તમે મને ખુલીને સમજાવો તો મને ખબર પડે." નચિકેત હવે મૂળ પ્રશ્ન પર આવ્યો હતો.

"જો નચિકેત, તું મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજે. હું તને જે પ્રક્રિયા સમજાવીશ એનાથી તને કોઇ જ નુકસાન થશે નહિ અને મને પણ એક સ્થૂળ શરીર મળી જશે. સૌપ્રથમ હું એક મૃત્યુના કિનારે હોય એવી છોકરીની શોધ કરીશ અને ત્યારબાદ હું એક કાચની બોટલમાં મારા સૂક્ષ્મ શરીર સાથે પ્રવેશી જઇશ. મેં તને કીધું એવી છોકરીના મૃતદેહ પાસે હું તને લઇ જઇશ અને હું સમજાવીશ એ રીતે તારે આ બોટલ જેમાં હું મારા સૂક્ષ્મશરીર સાથે હોઇશ એ બોટલને ખોલીને એના કપાળ ઉપર બોટલ ઊંધી કરી દેવાની રહેશે. આ પ્રક્રિયા કરતા પહેલા તારે મારા ઘરેથી મારા પપ્પા મમ્મીને સમજાવી એમની પાસેથી મારું એક વસ્ત્ર લાવીને એ વસ્ત્ર બોટલની આસપાસ વીંટાળવું પડશે. આટલી વાત સમજ્યો?" ડોલીની આત્માએ નચિકેતને પૂછ્યું હતું.

"ડોલી, તમે તો ખરી વાત કરો છો. હું તમારી આત્માને બોટલમાં લઇ એના પર તમારું કપડું વીંટાળી તમે કહો એ મૃતદેહના કપાળ ઉપર બોટલ ઊંધી કરી દઉં એ વખતે એના સગાંવ્હાલા મને રોકે નહિ? મારે એ વખતે એમને શું સમજાવવાનું? અને એ પહેલા તારા પપ્પા-મમ્મીને જઇને તારી આ વાત સમજાવું એટલે તારા પપ્પા મને સવારના પહોરમાં ધીબી નાંખે. તું તો કેવી વાત કરે છે?" નચિકેતે આખી વાસ્તવિક પરિસ્થિતિ ડોલીની આત્માને સમજાવતા કહ્યું હતું.

"આ ખૂબ જ અઘરું કામ છે અને ડોલીની આત્મા જે રીતે સમજાવી રહી છે એ રીતે આ કરવું મને ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે." દિપાલીએ નચિકેતને કહ્યું હતું.

"નચિકેત, હું તને કહું એટલું કર. સૌથી પહેલા તું કાલે પપ્પા પાસે જા અને મેં તને આ વાત કરી છે એની તું રજૂઆત એમને કર. ત્યારબાદ તું કાલે આ સમયે એમને અહીંયા લેતો આવ. હું એમને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ અને કાલે સવારે હું પોતે તને કઇ જગ્યાએ મૃતદેહ મળશે એ સમજાવીશ. બોલ મારું આ કામ કરીશને? સાત વર્ષ રાહ જોયા પછી આ ઘરમાં કોઇ વ્યક્તિ આવ્યું છે અને તું તો મારો બાળપણનો મિત્ર છે. મારું આટલું કામ નહિ કરે?" ડોલીની આત્મા વિનંતીભર્યા સ્વરોમાં બોલી રહી હતી.

"હા ડોલી, તારા માટે હું ચોક્કસ કરીશ. હું અને દિપાલી તને બીજા સ્થુળ શરીરમાં પ્રવેશ કરાવીને જ રહીશું. તારા બાળપણમાં મિત્ર તરીકે હું તારા કામમાં આવી શકું અને એ પણ આવા સંજોગોમાં તો મને આ વાતનો આનંદ થશે." નચિકેતે ડોલીની આત્માને કહ્યું હતું.

બીજા દિવસે સવારે દિપાલી અને નચિકેત દિનેશભાઇના ઘરે પહોંચ્યા હતાં. દિનેશભાઇ અને એમના પત્ની શોભાબેન બંન્નેને નચિકેત અને દિપાલીએ આખી વાત સમજાવી હતી.

નચિકેત અને દિપાલીની વાત સાંભળતા સાંભળતા બંન્નેની આંખમાં આંસુની ધાર વહી રહી હતી. એ બંન્નેની આંખમાંથી આંસુ દુઃખના નહિ પરંતુ હરખના હતાં એવું બંન્ને જણાએ અનુભવ્યું હતું.

બરાબર એ જ દિવસે રાત્રે દિનેશભાઇ અને શોભાબેન નચિકેતના ઘરે આવ્યા હતાં. રાત્રિના બરાબર બે વાગે ડોલીની આત્મા આવી હતી અને ડોલીએ એના માતા-પિતા સાથે બધી જ વાત વહેલી પરોઢ સુધી કરી હતી. ડોલીએ ઘરમાંથી ભાગી જવા માટે માતા-પિતાની માફી પણ માંગી હતી.

નચિકેત અને દિપાલી, માતા-પિતા અને એમની પુત્રીના મિલનને સાક્ષી બનીને જોઇ રહ્યા હતાં. એ બંન્નેની આંખો પણ હર્ષના આંસુથી ભરાઇ ગઇ હતી.

વહેલી પરોઢે શોભાબેન એમના ઘરમાં જઇ ડોલીનો જૂનો ડ્રેસ લઇ આવ્યા હતાં. નચિકેત પણ ડોલીના કહ્યા પ્રમાણે એક કાચની બોટલ બજારમાં જઇ લઇ આવ્યો હતો અને ડોલીએ સમજાવ્યા પ્રમાણે ડ્રોઇંગરૂમની મધ્યમાં મુકી દીધી હતી અને એની આસપાસ ચાર મીણબત્તીઓ પણ ગોઠવી દીધી હતી.

ડોલીના ડ્રેસનો ટુકડો બોટલ સાથે ચોંટાડી દેવામાં આવ્યો હતો. હવે રાત્રિના બે વાગે ડોલીની આત્મા આવે એની રાહ ચારેય જણે જોવાની હતી. રાત્રે બે વાગે ડોલીની આત્મા આવી હતી.

"નચિકેત, હવે તું સૌપ્રથમ ચારેચાર મીણબત્તીઓ સળગાવી દે અને કાચની બોટલનું ઢાંકણું ખોલી દે. જેવો મારો પ્રવેશ બોટલમાં થશે એટલે ચારેચાર મીણબત્તીઓ ઓલવાઇ જશે. ત્યારે તું બોટલનું ઢાંકણું બંધ કરી દેજે. જેવો મારો આત્મા બોટલમાં જશે એટલે બોટલનો કલર તમને લીલા કલરનો દેખાશે એટલે તમારે બધાંએ સમજી લેવાનું કે હું બોટલમાં પ્રવેશ કરી ચૂકી છું. હવે આ બોટલ લઇને તમારે પૂનાની બાલાજીનગર વાળી સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. ત્યાં જનરલ રૂમમાં ખાટલા નંબર 36 ઉપર વિદ્યા દેશપાંડે નામની 26 વર્ષની છોકરી દેહ છોડવાની તૈયારીમાં જ છે. મેં મારા જ્ઞાનથી જાણ્યું તો ખબર પડી કે એ આ શહેરમાં એકલી જ રહે છે અને અનાથ છે માટે હું એના શરીરમાં પ્રવેશ કરીશ તો એની આગળ પાછળ રડવાવાળું કોઇ છે નહિ માટે તમને લોકોને કોઇ ત્યાં એના કોઇ સગાંવ્હાલાની તકલીફ પડશે નહિ અને એ દેહ છોડશે અને હું એની કાયામાં પ્રવેશ કરીશ એટલે એ એકદમ નોર્મલ થઇ પથારીમાં બેઠી થઇ જશે. એટલે આત્મા અને ઓરા મારો હશે અને શરીર એનું હશે. એ મૃત્યુ પામી હોવાના કારણે એને એનો કોઇપણ ભૂતકાળ યાદ રહેશે નહિ. સાદી ભાષામાં સમજાવું તો મારું શરીર બદલાઇ ગયું છે પણ હું તો એની એ જ છું એવી પરિસ્થિતિનું સર્જન થશે. તમને લોકોને મારી વાત સમજાઇ?" ડોલીએ આખી વાત સમજાવીને પૂછ્યું હતું.

"હા બેટા, વાત તો અમને સમજાઇ ગઇ, પરંતુ તું એ છોકરીના શરીરમાં પ્રવેશ કરીશ ત્યારબાદ એ છોકરીનું જ નામ, આધારકાર્ડ, પાનકાર્ડ એનું રહેશે અને જીવન તારા કર્મોના આધારે જીવવું પડશે એવું થશે, બરાબરને? પણ બેટા તારા જીવન માટે તું એ છોકરીને મારી રહી છે એવું પાપ તો નથી કરતીને?" દિનેશ ખાંડેકરે દીકરીને પૂછ્યું હતું.

"ના પપ્પા, એવું પાપ હું નથી કરી રહી. એ છોકરીનું આયુષ્ય પૂરું જ થઇ રહ્યું છે અને બીજા વાત તમે બરાબર સમજ્યા છો. તમે ચાર જ જાણતા હશો કે હું તમારી દીકરી છું. બાકી આખી દુનિયાને એવું લાગશે કે તમે મને દીકરી તરીકે દત્તક લીધી છે અને એટલે હું તમારા ઘરમાં રહું છું." ડોલીએ પિતાને આખી વાત ખુલાસા સાથે સમજાવી હતી.

ડોલીની આખી વાત સાંભળી અત્યાર સુધી ચૂપ રહેલા શોભાબેન બોલ્યા હતાં.

"બેટા, તું કોઇપણ સ્વરૂપમાં હોય. પણ અમે જાણીએ છીએ કે તું અમારી ડોલી છે. બસ એ વાત જ અમારા લોકો માટે પૂરતી છે." શોભાબેને રડતાં રડતાં કહ્યું હતું.

"હા બેટા, તારી મમ્મી સાચું કહે છે." દિનેશભાઇ પણ રડતાં રડતાં બોલ્યા હતાં.

"તો પપ્પા, હવે તમે ચારેય જણ ઉતાવળ કરો. હું બોટલમાં પ્રવેશ કરું છું. બોટલમાં પ્રવેશ થતાં બધી મીણબત્તીઓ ઓલવાઇ જશે. મીણબત્તી ઓલવાઇ જાય પછી બોટલ બંધ કરી બોટલની અંદરનો કલર લીલો ના થાય ત્યાં સુધી બોટલ ઊંચકતા નહિ. બોટલનો કલર લીલો થઇ જાય પછી બોટલ હાથમાં લઇ સીધા બાલાજીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પહોંચી જજો. તમે જ્યારે ત્યાં પહોંચશો ત્યારે એ છોકરી એના જીવનના આખરી શ્વાસ લઇ રહી હશે. ડોક્ટરો એને બચાવવાની કોશિષ કરી રહ્યા હશે પણ એ બચશે નહિ. જેવા ડોક્ટર એને મૃત જાહેર કરે એટલે નચિકેત તું આ બોટલ એ સ્ત્રીના કપાળ પર ઊંધી કરી દેજે. કોઇ તમને પૂછે તો કહેજો કે તમે આ સ્ત્રીના સગાંવ્હાલા છો. તો ચાલો હવે હું બોટલમાં પ્રવેશ કરું છું." આટલું બોલી ડોલીની આત્મા બોટલમાં પ્રવેશી હતી.

ડોલીનો પ્રવેશ બોટલમાં થતાં જ મીણબત્તીઓ ઓલવાઇ ગઇ હતી. મીણબત્તી જેવી ઓલવાઇ ગઇ એવી તરત જ નચિકેતે બોટલનું ઢાંકણું બંધ કરી દીધું હતું અને બોટલ અંદરથી લીલા કલરની થઇ ગઇ હતી. એ પછી તરત નચિકેતે બોટલ હાથમાં લઇ લીધી અને ચારેય જણા ગાડીમાં બેસી ગયા હતાં.

દિનેશભાઇ ગાડી ચલાવી રહ્યા હતાં અને અડધો કલાક બાદ તેઓ સિવિલ હોસ્પિટલના જનરલ રૂમમાં પ્રવેશી ગયા હતાં. ચારેય જણા જનરલ રૂમમાં પ્રવેશી ખાટલા નંબર 36 તરફ ગયા હતાં એ વખતે વિદ્યા દેશપાંડે એના જીવનના આખરી શ્વાસ લઇ રહી હતી.

ડોક્ટરોએ ખૂબ મહેનત કરી છતાં વિદ્યાનો જીવ બચાવી શક્યા ન હતાં. દિનેશભાઇએ નર્સને એમની ઓળખ વિદ્યાના સગાંવ્હાલા તરીકે આપી હતી. વિદ્યાએ જ્યારે છેલ્લાં શ્વાસ લીધા અને ડોક્ટરે જ્યારે એને મૃત જાહેર કરી એ સમયે એના માથા પાસે ઊભેલા નચિકેતે બોટલનું ઢાંકણ ખોલી બોટલનું મોઢું એના કપાળ ઉપર મુકી દીધું હતું.

નચિકેતે વિદ્યાના કપાળ ઉપર જેવી બોટલ મુકી એની બે મિનિટમાં જ એના હાથ પગ હલવા લાગ્યા હતાં. ડોલીએ વિદ્યાના મૃત થયેલા સ્થુળ શરીરમાં પ્રવેશ કરી અને પોતાના સૂક્ષ્મ શરીરને એના સ્થુળ શરીરમાં સમાવી લીધું હતું, જેના કારણે વિદ્યાના હાથપગ હલવા લાગ્યા હતાં અને વિદ્યા જીવતી થઇ ગઇ હતી.

"ડોક્ટર મારી દીકરી વિદ્યાના હાથપગ હલે છે. હજી એ જીવતી લાગે છે. જરા જુઓને." રૂમમાંથી બહાર નીકળી રહેલા ડોક્ટરને દિનેશભાઇએ બૂમ પાડીને કહ્યું હતું.

ડોક્ટર ઝડપથી દોડતા પાછા વિદ્યા પાસે આવ્યા હતાં. વિદ્યાને ભાનમાં આવેલી જોઇ એમને ખૂબ નવાઇ લાગી હતી. વિદ્યા ભાનમાં આવીને તરત જ પથારીમાં બેઠી થઇ ગઇ હતી.

"મારા પચ્ચીસ વર્ષના ડોક્ટરી વ્યવસાયમાં હું પહેલીવાર આવો ચમત્કાર મારી સગી આંખે જોઇ રહ્યો છું કે મૃત પામેલું વ્યક્તિ બે મિનિટમાં જાણે કશું થયું જ નથી એવી રીતે પથારીમાંથી ઊભું થઇ ગયું છે." ડોક્ટરે આશ્ચર્યચકિત થઇ કહ્યું હતું.

વિદ્યાની તપાસ કર્યા બાદ ડોક્ટરને વિદ્યા સાવ નોર્મલ લાગી હતી એટલે વિદ્યાને બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ બિચારા ડોક્ટરને ક્યાં ખબર હતી કે વિદ્યા તો મૃત પામી છે અને એના બદલે ડોલી હવે વિદ્યાના શરીરની માલિક બની ગઇ છે.

ડોલી વિદ્યાના શરીરને ધારણ કરી પોતાના માતા-પિતા સાથે વર્ષો બાદ પોતાના ઘરમાં પ્રવેશી હતી અને એના માતા-પિતાને ભેટીને ખૂબ જ રડી હતી.

નચિકેત અને દિપાલી પણ આ અકલ્પ્ય ચમત્કાર પોતાના જીવનમાં સગી આંખે જોઇ રહ્યા હતાં અને અનાયાસે આ ઘટનાના સાક્ષી બની ગયા હતાં.

"ડોલી, એક મિત્ર તરીકે હું તારા કામમાં આવી શક્યો અને તારી આત્માને પરકાયામાં પ્રવેશ કરાવી શક્યો એનો મને ખૂબ આનંદ છે. તું ભલે વિદ્યાના શરીરમાં જીવી રહી છે પરંતુ મારા માટે તો તું હંમેશા મારી બાળપણની મિત્ર ડોલી છે અને ડોલી રહીશ." નચિકેતે પોતાની આંખના આંસુ લૂછતાં કહ્યું હતું.

"નચિકેત, તે આ કળિયુગમાં પણ એક સાચા મિત્રની ફરજ મારી વાત ઉપર વિશ્વાસ મુકીને નિભાવી છે. હું સદાય તારી ઋણી રહીશ." ડોલીએ નચિકેતનો હાથ પકડીને કહ્યું હતું.

નચિકેત અને દિપાલી હવે જ્યારે પણ પૂના રહેવા જાય છે ત્યારે વધારે સમય એ લોકો ડોલી સાથે જ વીતાવે છે. ડોલી એની પોતાની જિંદગી એના માતા-પિતા સાથે ખુશીથી વીતાવી રહી છે.

(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. સાચું કહું તો આ વર્ષો પહેલા બનેલી સત્ય ઘટના છે. જે ઘટનાને મેં આજના સમયમાં હુબહુ રૂપાંતરિત કરીને લખી છે.)

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED