kaliyug no baap books and stories free download online pdf in Gujarati

કળિયુગનો બાપ

કળિયુગનો બાપ


જ્યંતીલાલ અને એમનો નોકર સવજી બંન્ને ચાલતા ચાલતા ગામના સરપંચ રાવજી પટેલના ઘરે જઇ રહ્યા હતાં. જ્યંતીભાઇના મુખ ઉપર એમના મનમાં ચાલતા વિચારો સ્પષ્ટ દેખાઇ આવતા હતાં. એ બધાં વિચારો એમના મનમાં ઊભી થયેલી ચિંતાનો સ્પષ્ટ ચિતાર મોઢાના હાવભાવ ઉપરથી આપતા હતા. ઘરેથી દસ મિનિટ ચાલીને સરપંચના ડેલા સુધી પહોંચતા પહોંચતા કંઇક કેટલાંક વિચારો એમના મનમાં આવી ગયા હતાં.

સરપંચ પોતાના ઘરમાં ખાટલા પર બેઠાં બેઠાં બીડી પી રહ્યા હતાં. જ્યંતીભાઇને ઘરમાં પ્રવેશતા જોઇ એમણે ઊભા થઇ એમણે જ્યંતીભાઇને આવકાર આપ્યો હતો, કારણકે એ ગામના મોટા ખેડૂત તો ખરા જ પરંતુ ગામના પ્રતિષ્ઠિત માણસોમાંના એક હતાં.

"આવો જ્યંતીલાલ, પધારો... બેસો... આજે મને યાદ કર્યો?" જ્યંતીલાલને આવકાર આપતા સરપંચ બોલ્યા હતાં.

"હું થોડા દિવસથી એક ચિંતામાં ઘેરાયેલો છું. તમારા ભાભીને આ દુનિયા છોડીને ગયે વરસ થઇ ગયું. હવે હું મારી મિલકત એટલે કુલ બસોને દસ એકર જમીન મારા બંન્ને દીકરાઓને સરખે ભાગે આપી દેવા માંગુ છું. આજકાલના સમય સંજોગો પ્રમાણે અત્યારથી દીકરાઓને એમનો વહીવટ સોંપી દઇએ તો ભવિષ્યમાં બંન્ને ભાઇઓ વચ્ચે ક્લેશ-કંકાસ ના થાય તેમજ પ્રેમભાવ ટકી રહે અને દસ એકર જમીન હું આ મારા નોકર સવજીને આપવા માંગુ છું. એ નાનો હતો ત્યારથી અમારા ઘરે છે. એણે અમારા આખા પરિવારની ખૂબ સેવા કરી છે. હવે આ બાબતે મારે શું કરવું એની સલાહ આપની પાસે લેવા આવ્યો છું." જ્યંતીલાલે સરપંચને બીડી પીતા પીતા કહ્યું હતું.

"જો જ્યંતીલાલ આજના સમય પ્રમાણે દીકરાઓને અત્યારથી બધું આપી દેવું મને યોગ્ય લાગતું નથી. તમે વસીયતનામું બનાવી દો કે તમારા મર્યા બાદ આ પ્રમાણે જમીનોનો ભાગ વહેંચી લેવો એટલે વાત પૂરી થાય." સરપંચ રાવજીભાઇએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું.

"અરે રાવજીભાઇ, સાંઇઠ વરસ તો મારે થયા. જેટલા કાઢ્યા છે એટલા તો મારે કાઢવાના નથી અને બંન્ને દીકરાઓ અને વહુઓ મને ખૂબ સારી રીતે સાચવે છે. મેં મારા બાપાના અને કાકાના મારા દાદાના ગયા પછી જમીનો માટે મોટા ઝઘડા થતાં જોયા છે. હું નથી ઇચ્છતો કે મારા મર્યા પછી વસીયતનામું કર્યું હોવા છતાંય બની શકે કે મારા દીકરાઓ વચ્ચે વિખવાદ ઊભો થાય અને અત્યારે જે પ્રેમ છે એ પ્રેમ મિલકતના કારણે ઝઘડામાં પરિણમે માટે અત્યારથી મારા હાથથી બંન્નેને એમનો હિસ્સો આપી દઉં એટલે મારે નિરાંત અને પછી એ લોકો જાણે અને એમનું કામ જાણે." જ્યંતીલાલે પોતાનો વિચાર ફરીવાર દોહરાવ્યો હતો.

"તમે નક્કી જ કરી લીધું છે તો એ પ્રમાણે કરો પણ નિયતીનું ચક્ર એક સરખું રહેતું નથી. સમય જ્યારે ખરાબ થઇને આંખ સામે આવે છે ત્યારે એ સમયને સહન કરવો અઘરો હોય છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારો આ નિર્ણય સાચો પડે." રાવજીભાઇએ જ્યંતીલાલ સામે જોઇ કહ્યું હતું.

જ્યંતીલાલે છેવટે પોતાના મનમાં વિચારેલી વાતને અમલમાં મુકી દીધી હતી. મોટા દીકરા બકુલ અને નાના દીકરા નકુલ બંન્નેને સો-સો એકર જમીન અને ગામમાં રહેલા બે ઘર એમાંથી એક ઘર બકુલને અને એક ઘર નકુલને આપી દીધું હતું.

નાનપણથી જ અનાથ અને એમના જ ઘરમાં રહેતા એમના નોકર સવજીને દસ એકર જમીન અને એ જમીન પર રહેલું નાનું ઘર પણ આપી દીધું હતું. પરંતુ જ્યંતીલાલે લીધેલો આ નિર્ણય એમના જીવનમાં તકલીફોનો પહાડ લઇને આવશે એની કલ્પના એમને હતી નહિ.

મિલકતની વહેંચણી કર્યા બાદ બંન્ને વહુઓ હવે જ્યંતીલાલને રાખવા તૈયાર હતી નહિ. બંન્ને દીકરાના ત્યાં છ-છ મહિના રહેવાના વારા કાઢ્યા પછી પણ બંન્ને વહુઓ જ્યંતીભાઇને બે ટાઇમ ખાવાનું પણ બરાબર આપતી નહિ. એમને બીડી માટેના પૈસા પણ આપવાનું બંન્ને દીકરાઓએ બંધ કરી દીધું હતું.

"આ તમે બીડી પીને તમારું શરીર ખરાબ કરશો અને હોસ્પિટલના ખર્ચા અમારે થશે માટે બીડી પીવાનું બંધ કરી દો." મોટા દીકરા બકુલે ગુસ્સાથી જ્યંતીલાલને કહ્યું હતું.

"બકુલ, તું મારી સામે આવા અવિવેકથી ક્યારેય બોલ્યો નથી અને બીડી તો તું જન્મ્યો એ પહેલાથી હું પીવું છું. હવે સાંઇઠ વરસે આ વ્યસન મારાથી ના છૂટે. તમને લોકોને બધી મિલકત મેં આપી દીધી એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તમારા ઘરે મને બે ટાઇમ ખાવાનું પણ પૂરું મળતું નથી." જ્યંતીભાઇએ બકુલને કહ્યું હતું.

"અમારા ઘરમાં ખાવાનું પૂરું મળતું ના હોય તો અમારા ઘરમાં રહો છો શું કરવા? અને તમારી મિલકત અમને આપીને અમારા પર કોઇ ઉપકાર કર્યો નથી. દીકરાઓને પેદા કરીને આ ધરતી પર લાવ્યા છો તો તમારું જે છે એ તમારે એમને જ આપવું પડેને? અને આ ઉંમરે સવાર સાંજ રોટલા ને દૂધ ખાવાથી શરીરમાં પચે નહિ એટલે એક વખતનું ખાવાનો નિયમ કરો." રસોડામાંથી બકુલની પત્ની સુશીલાએ ઘાંટો પાડીને કહ્યું હતું.

"સુશીલા વહુ, મેં જ્યાં સુધી મારી મિલકત તમને લોકોને આપી ન હતી ત્યાં સુધી મને રોજ ગરમ ગરમ રોટલા અને દૂધ કરીને ખવડાવતા હતાં. ઘણીવાર હું ખાવાની ના પાડું તો તમે તમારા દીકરા ટીનીયાના સમ આપી પરાણે ખવડાવતા હતાં. હવે તો પેટ ભરીને ખાવાનુંય આપતા નથી. તમને તમારા ઘરડા સસરા પર દયા નથી આવતી?" જ્યંતીલાલે આંખમાં આંસુ સાથે કહ્યું હતું.

સુશીલા અને જ્યંતીલાલની વાત સાંભળી બકુલ ચૂપ રહ્યો હતો. જ્યંતીલાલે બકુલ સામે જોયું હતું.

"ફટ છે ભૂંડા તને. બૈરીનો એટલો ગુલામ બની ગયો છે કે તારી બૈરી મારું અપમાન કરે છે તો ચૂપચાપ સાંભળી રહ્યો છું." જ્યંતીલાલે બકુલ સામે લાલ આંખ કરી કહ્યું હતું.

"તમારે બાપુજી શાંતિથી રહેવું હોય તો રહો નહિતર તમે નકુલના ઘરે જતા રહો. આ રોજ રોજનો કકરાટ મારાથી સહન થતો નથી." આટલું બોલી બકુલ ઘરની બહાર નીકળી ગયો હતો.

જ્યંતીલાલ નકુલના ઘરમાં જઇ શકે એમ હતા નહિ કારણકે નકુલની પત્ની વિમળા તો સુશીલા કરતાંય ચાર પગથિયાં ચડે એવી હતી. ખાવા તો આપતી ન હતી પરંતુ જ્યંતીલાલને તો એક-બે વાર એણે ઘરના કપડાં ધોવા માટે પણ કહી દીધું હતું. બોલવામાં જરાય લાજ શરમ રાખતી ન હતી.

છેવટે જ્યંતીલાલે બંન્ને દીકરાઓનું ઘર છોડી આ ગામ છોડી જતા રહેવાનું નક્કી કર્યું હતું.

ગામ છોડવા માટે પણ પૈસાની જરૂર પડે. ગામમાં બધાંને જ્યંતીલાલની કૌંટુબિક પરિસ્થિતિની ખબર પડવા લાગી હતી. જ્યંતીલાલ કોઇની પાસે પૈસા માંગી પોતાની થોડી ઘણી બચેલી આબરૂ પણ જવા દેવા માંગતા ન હતાં. જ્યંતીલાલ ખૂબ વિચારી અને સવજી પાસે ગયા હતાં.

"બેટા સવજી, હવે આ ગામમાં મારા અન્ન-પાણી પૂરા થઇ ગયા છે. હવે હું આ ગામ છોડી કોઇ બીજી જગ્યાએ જઇ મારું જીવન પૂરું કરવા માંગુ છું. તારી પાસે થોડા પૈસા હશે ખરા?" જ્યંતીલાલે આંખમાં આંસુ સાથે સવજીને પૂછ્યું હતું.

"બાપા મને બધી ખબર છે. તમારા દીકરા અને વહુઓ તમને રાખતા નથી. હું અને તમે મારી જોડે મારી આ ઝૂંપડીમાં રહોને. આ દસ એકર જમીન તમે જ મને આપેલી છે. હું જે કમાવું છું એમાંથી આપણે બંન્ને સારી રીતે જીવન જીવી શકીશું. તમે મને કદી નોકર ગણ્યો નથી પણ પોતાના દીકરાની જેમ રાખ્યો છે. મને તમારી સેવા કરવાની તક આપોને." સવજીએ જ્યંતીભાઇના પગ પકડતા કહ્યું હતું.

જ્યંતીલાલ આજે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતાં. પોતાનું સગું લોહી સગા દીકરા બૈરીઓના ગુલામ બની અને એમના દુશ્મન બન્યા હતાં. જ્યારે આ પારકો છોકરો એમને બાપની જેમ રાખવા તૈયાર હતો. સવજીના શબ્દો સાંભળી જ્યંતીલાલમાં હિંમત પાછી આવી હતી. એ સવજી સાથે રહેવા લાગ્યા હતાં.

જ્યંતીલાલે પોતાના જીવનમાં શાખ સારી બનાવી હતી. એમણે સરપંચ રાવજી પટેલ પાસેથી થોડા રૂપિયા વ્યાજે લઇ આજુબાજુના ગામમાં જમીનોની દલાલી અને લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. સવજી આ સમય દરમિયાન એમની સાથેને સાથે રહેતો હતો. જ્યંતીલાલની જમીનના ધંધામાં ખૂબ હોંશિયારી હતી અને એ હોંશિયારી એમને કામમાં આવી હતી. સારી અને મોકાની જમીનો રાવજીભાઇની જોડે ભાગમાં રહી એ લેવા માંડ્યા હતાં. આમ કરતા કરતા બે વરસ વીતી ગયા હતાં. જ્યંતીભાઇ હવે આર્થિક રીતે ઘણાં સદ્ધર થઇ ગયા હતાં. ગામમાં એમણે પોતાનું એક ઘર પણ લઇ લીધું હતું જેમાં એ સવજી જોડે રહેતા હતાં પણ હવે એ સવજીને નોકર નહિ પણ દીકરો સમજીને જ રાખતા હતાં, કારણકે પહેલીવાર રાવજીભાઇએ જ્યંતીલાલને વ્યાજે પૈસા સવજીની દસ એકર જમીન ગીરવે લઇને જ આપ્યા હતાં અને એ પૈસાની મદદથી જ જ્યંતીલાલ આજે ફરીવાર આર્થિક રીતે બેઠા થઇ ગયા હતાં.

આ બાજુ બકુલ અને નકુલ પિતાની મળેલી મિલકતને પોતાના મોજશોખ, જુગાર અને ખરાબ મિત્રોની સંગતમાં વાપરી ચૂક્યા હતાં. બંન્ને પાસે રહેવા માટે ઘર સિવાય હવે કોઇ મિલકત રહી ન હતી. બંન્ને જમીનો વગરના થઇ ગયા હતાં. ખાવા માટે બે ટંકનો રોટલો પણ મળતો ન હતો માટે પોતાના ઘર પણ ગીરવે મુકવા પડ્યા હતાં.

બંન્ને દીકરાઓ અને વહુઓએ સરપંચ રાવજી પટેલ પાસે જઇ પોતાની ખરાબ પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું અને પિતા જોડે કરેલા અન્યાય માટે એમને પશ્ચાતાપ પણ થતો હતો.

રાવજી પટેલે બંન્નેની વાત સાંભળી અને જ્યંતીલાલના ઘરે જઇ એમના બંન્ને દીકરાઓની પીડાની વાત રજૂ કરી હતી.

"તમારા બંન્ને દીકરા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. જમીનો વેચાઇ ચૂકી છે અને બે ટાઇમ ખાવાના પણ એમને ફાંફા પડી રહ્યા છે. ભગવાનની દયાથી હવે તમારે ઘણું સારું છે. તમે તમારા દીકરાઓને માફ કરી અને એમને મદદ કરો." સરપંચે જ્યંતીલાલ સામે જોઇ કહ્યું હતું.

જ્યંતીલાલ બીડી પીતા પીતા આખી વાત સાંભળી રહ્યા હતાં.

"જુઓ સરપંચ, મારા દીકરાઓએ મારી સાથે શું કર્યું એ તો આખું ગામ જાણે છે. મેં મારી સંપૂર્ણ મિલકત એમને આપી દીધી જેથી એ લોકો એમનું ભવિષ્ય એમની રીતે બનાવી શકે પરંતુ એમણે એમની જિંદગી સારી બનાવવાના બદલે ઐયાશીમાં પોતાનું બધું ગુમાવી દીધું. મારા હૃદયમાં એમના માટે જરા પણ પ્રેમ રહ્યો નથી પરંતુ તમારા જેવો મિત્ર જ્યારે મને કંઇક કહેવા આવે અને હું એ ના માનું એ સારું ના કહેવાય. એકવાર મેં તમારી વાત ના માનીને ભૂલ કરી હતી. મારી બધી મિલકત મારા બંન્ને દીકરાઓને આપી દીધી પરંતુ બીજી વાર તમારી વાત નહિ માનીને ભૂલ નહિ કરું." જ્યંતીલાલ મૌન થયા અને ગજવામાંથી બીજી બીડી કાઢીને સળગાવી હતી.

"તો પછી હું એમને કહી દઉં કે તમે એમની મદદ કરવા અને એમનો હાથ પકડવા માટે માની ગયા છો?" રાવજી પટેલે ઉત્સાહથી પૂછ્યું હતું.

"હા હું મદદ કરીશ પણ મદદ કરવાની પદ્ધતિ થોડી અલગ છે. સુશીલાવહુએ આ ઘરમાં બે ટાઇમ આવીને રસોઇ કરવાની રહેશે અને વિમળાવહુએ કચરા-પોતા ને કપડાં-વાસણ કરવાના રહેશે. મારા બંન્ને દીકરા બકુલ અને નકુલે મારી જમીનમાં ખેતમજૂર તરીકે કામ કરવાનું રહેશે અને ચારે જણનો પગાર એમણે સવજી પાસેથી જ લેવાનો રહેશે. જે સવજીએ આખી જિંદગી એમના વૈતરા કર્યા છે એ સવજી પાસેથી જ એમણે વૈતરા કરી પોતાના મહેનતાણાના રૂપિયા લેવા પડશે. આ એક કળિયુગના પિતા તરીકેનો મારો ન્યાય છે. મને ખબર છે કે એ ચારેય જણે મારી આ શરત મંજૂર રાખવી પડશે કારણકે આખા ગામમાં કોઇ એમને નોકરીએ રાખે એમ નથી. મેં આપેલા બંન્ને ઘર શરાફના ત્યાં ગીરવે પડ્યા છે. માટે તેઓ ઘર વેચી શકે એમ પણ નથી. મારા એ બંન્ને ઘર શરાફને હું પૈસા આપી મારા નામે કરાવી દઇશ અને એ બંન્ને ઘરમાં રહેવા માટે એ બંન્ને જણે ભાડું પણ ચૂકવવું પડશે. તમે જઇ એમને આ વાત કહી દો. એમને મારી શરત મંજૂર હોય તો કાલથી કામ પર લાગી જાય." જ્યંતીલાલે પેટનું પાણી પણ ના હાલે એવી રીતે વાત કરી હતી.

રાવજીભાઇને પોતાના મિત્ર માટે મનમાં ખૂબ માન વધી ગયું હતું. પરંતુ સાથે સાથે એક બાપ આટલી બધી હદે ક્રૂર બની શકે છે એ જાણીને નવાઇ પણ લાગી આવી હતી. રાવજીભાઇ ઊભા થઇ જ્યંતીભાઇના ઘરની બહાર નીકળી ગયા હતાં.

બકુલ, નકુલ અને તેમની પત્નીઓને રાવજીભાઇએ પોતાના ઘરે બોલાવીને જ્યંતીભાઇએ મુકેલી શરત કહી હતી. આ ચારેય જણ પાસે આ શરત સ્વીકારવા સિવાય કોઇ છુટકો ન હતો કારણકે એમના સંતાનો ભૂખથી ટળવળતા હતાં. ચારેય જણા જ્યંતીભાઇએ આપેલા કામને પોતાના જીવનમાં કુદરતે મારેલો તમાચો સમજીને સ્વીકારી લીધું હતું.

સુશીલા અને વિમળા રોજ સવારે જ્યંતીભાઇના ઘરે જતી અને પોતપોતાનું કામ કરી સાંજે પાછી આવતી હતી. બકુલ અને નકુલ પણ પિતાની જમીનમાં ખેતમજૂર તરીકે કામ કરી સાંજે પાછા ફરતા હતાં. જીવનમાં પહેલીવાર ચારેયને કાળી મજૂરી કરવાની ફરજ પડી હતી.

સુશીલાવહુ રોજ ગરમ ગરમ રોટલા બનાવી જ્યંતીલાલને જમાડતી હતી.

"સુશીલાવહુ, જમવાનું તો હજીય તમે એટલું જ સરસ બનાવો છો અને તમારી જીભ પણ હવે કડવી રહી નથી. કેમ સવજી, બરાબરને?" જ્યંતીભાઇએ અડધો રોટલો સવજીની થાળીમાં મુકતા કહ્યું હતું.

"હા બાપા, સાચી વાત છે." સવજીએ રોટલાનો ટુકડો મોંમા મુકતા કહ્યું હતું.

સુશીલાના હૃદયમાં સસરાએ મીઠાશથી બોલેલા શબ્દો પણ તીરની જેમ આરપાર ખૂંપી ગયા હતાં. એ રસોડામાં જઇ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. વિમળા પણ એના ખભે માથું મુકીને આંસુ સારી રહી હતી.

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED