મોટી બેન Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોટી બેન

મોટી બેન



સુહાની ગ્રેજ્યુએટ થઇ અને કોલેજના આનંદભર્યા દિવસો અને જીવનની વાસ્તવિકતાથી એકદમ અજાણ પોતાની મસ્તીમાં જિંદગીનો લ્હાવો ઉઠાવી રહી હતી. કોલેજમાં જ એને એની સાથે ભણતા વિક્રમ સાથે પ્રેમ અને લાગણીના સંબંધો રચાઇ ગયા હતાં. એની જિંદગી ઇન્દ્રધનુષની જેમ સાતે રંગ વિખેરતી સાતે કળાએ ખીલી ઉઠી હતી પરંતુ સુખ અને દુઃખ એ કુદરતનો ક્રમ છે. કોઇનાય જીવનમાં સુખ લાંબુ ટકતું નથી એમ દુઃખોના વાદળ પણ જીવનના આકાશ પર કાયમ ટકી રહેતા નથી.

સુહાનીના ઇન્દ્રધનુષી રંગ જેવા જીવનમાં અચાનક દુઃખોનો કાળઓ રંગ ઘેરાઇ ગયો હતો. સુહાની હજી તો કાલે જ વીસ વર્ષની થઇ હતી અને એના પછીના જ દિવસે એના માતા-પિતાનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. સુહાનીના પિતા ધનેશભાઇ અને માતા સુલક્ષણાબેનના કાર અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ પંદર વર્ષના નાના ભાઇ મિતેષ અને સત્તર વર્ષની નાની બહેન મનાલીની જવાબદારી સુહાની પર આવી પડી હતી.

સુહાનીના પિતાને એક લોખંડની ફેક્ટરી હતી. ધંધાના કારણે પિતાએ બંગલા ઉપર અને ફેક્ટરી ઉપર લોન લઇ રાખી હતી. સુહાનીએ એમના સી.એ. ધીરેનભાઇની મદદથી ફેક્ટરી વેચી અને બેંકનું બધું દેવું પૂરું કરી દીધું હતું અને પિતાએ ખૂબ લગનથી અને ઉત્સાહથી બનાવેલા બંગલાને બચાવી લીધો હતો અને ધીરેનભાઇના ત્યાં જોબ ઉપર લાગી ગઇ હતી. સુહાની સવારે જોબ અને સાંજે ટ્યુશન કરી પોતાના ભાઇ-બહેનને ઉછેરવાનું કામ માતા-પિતાની જગ્યાએ રહીને કરવા લાગી હતી. સુહાનીએ પોતાના ભાઇ-બહેનને ઉછેરવા અને એમની સંપૂર્ણ જવાબદારી મોટીબેન તરીકે પોતાના શીરે લઇ લીધી હતી. વિક્રમ માટેની પોતાની અંદરની લાગણીઓ અને પ્રેમને એણે પોતાના દિલમાં જ દાબી દીધો હતો.

"વિક્રમ, તું મને ભૂલી જા અને બીજે લગ્ન કરી તારા જીવનને આગળ વધારી દે. મારે મારા નાના ભાઇ બહેનની જિંદગીને પાટે ચડાવવી પડશે. હું નથી ઇચ્છતી કે મારી જવાબદારીઓના કારણે તારી જિંદગી પણ ધૂળધાણી થઇ જાય." સુહાનીએ વિક્રમને સમજાવતા કહ્યું હતું.

"બીજે લગ્ન કરી લઉં? આપણી વચ્ચે રહેલો પ્રેમ અને લાગણીનો સંબંધ ભૂંસી નાંખું? હું બીજા જેવો નથી. હું લગ્ન કરીશ તો તારી જોડે જ કરીશ અને ઘર સંસાર વસાવીશ તો તારી જોડે જ વસાવીશ. તારા સિવાય મારે જીવનમાં બીજી કોઇ છોકરી જોઇએ નહિ. તું મારી સાથે લગ્ન કરી લે. આપણે બંન્ને જોડે તારા ભાઇ-બહેનની જવાબદારી નિભાવીશું. હું પપ્પાના ધંધામાં જોડાઇ ગયો છું. માટે આર્થિક રીતે તારે નોકરી કરવાની કે ટ્યુશનો કરવાની પણ જરૂર નથી." વિક્રમે સુહાનીને સમજાવતા કહ્યું હતું.

"મારા ભાઇ-બહેનને મોટા કરવા અને એમને જીવનમાં વ્યવસ્થિત રીતે સેટલ કરવા એ મારી જવાબદારી અને ફરજનો ભાગ છે અને હું એમાં તને પાડવા માંગતી નથી. હું તારી જોડે લગ્ન નહિ કરું. મારા કારણે તું તારી જિંદગીને અટકાવી ના દે. જીવનના ઘણાં બધાં નિર્ણયો લાગણીશીલ થયા વગર વાસ્તવિક પરિસ્થિતિને જોઇને લેવાના હોય." સુહાનીએ આંખમાં આંસુ સાથે વિક્રમને કહ્યું હતું.

"લાગણીશીલ થઇને તું નિર્ણય લઇ રહી છે અને હું તને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવું છું. આજના સમયમાં બે ભાઇ-બહેનોને પૈસા વગર મોટા કરવા સરળ નથી. તું થોડો તારી પોતાની જિંદગીનો વિચાર તો કર." વિક્રમે સુહાનીનો હાથ પકડતા કહ્યું હતું.

"વિક્રમ, જેના માથે કુદરતે મુસીબતનો પહાડ મુકી દીધો હોય એની પાસે વિચારવાની ક્ષમતા હોતી નથી. જ્યારે નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા ઝાડો જે ટટ્ટાર રહે એને પૂર ઉખાડી નાંખે છે. પરંતુ એ ઝાડ ઉપર રહેતા પંખીઓ ઉડી જાય છે અને પંખીઓએ ઉડી જ જવું જોઇએ. જીવનના આ પૂરમાં સુહાની નામનું ઝાડ ઉખડી રહ્યું છે. તું પણ આ ઝાડ ઉપર બેઠેલા પંખીની જેમ ઉડી જા. એમાં જ તારું અને તારા માતા-પિતાનું ભલું છે." સુહાની મક્કમતાથી બોલી હતી.

"તારા મૂળિયા હું આટલી જલ્દી ઉખડવા નહિ દઉં અને હું એ ઝાડ ઉપરનું પંખી નથી કે નથી કોઇ જહાજનો ઉંદર કે પોતાની વ્યક્તિનો ખરાબ સમય આવે તો ભાગવા માંડે. તું ભલે આજે મારી જોડે લગ્ન ના કરે પણ જ્યાં સુધી લગ્ન માટે હા નહિ પાડે ત્યાં સુધી હું તારી રાહ જોઇશ અને હવે મારે આ વિષય પર કોઇ ચર્ચા કરવી નથી." વિક્રમ પણ એના પ્રેમનો તંતુ છોડવા તૈયાર ન હતો.

સુહાની છેવટે નિસાસો નાંખી ઊભી થઇ ગઇ હતી. સુહાની અને વિક્રમ અઠવાડિયે એક વખત જાહેર સ્થળે મળતા હતાં. સુહાની વિક્રમને ક્યારેય પણ એકાંતમાં મળતી ન હતી.

"મોટીબેન, મારે સ્કૂલની ફી ભરવાની છે અને કેટલાંક પુસ્તકો ખરીદવાના છે. મારે પૈસા જોઇશે." મિતેષે સુહાનીને કહ્યું હતું.

"મોટીબેન, મારે પણ કોલેજની ફીના પૈસા અને હવે કોલેજમાં જવાનું છે માટે સારા ડ્રેસ લાવવા માટેના પૈસા જોઇશે." મનાલી પણ બોલી હતી.

"સારું, બે દિવસ પછી મારા ટ્યુશનના રૂપિયા આવશે એમાંથી અને ઓફિસમાંથી ઉપાડ લઇને તમને આપીશ." સુહાનીએ હસતાં હસતાં કહ્યું હતું.

મિતેષ અને મનાલીને કોઇપણ તકલીફ ના આવે એ માટે સુહાની રાત-દિવસ મહેનત કરી રહી હતી. સવારે પાંચ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી સુહાનીનું જીવનચક્ર ભાઇ-બહેનની જવાબદારીના ચક્રવ્યૂહમાં પસાર થઇ રહ્યું હતું. મર્યાદિત આવક અને અમર્યાદિત ખર્ચાઓ વચ્ચેની કશ્મકશમાં પાંચ વર્ષ ક્યાંય વીતી ગયા એ પણ સુહાનીને ખબર પડી નહિ. સુહાનીના આવા સંઘર્ષવાળા દિવસોમાં દર રવિવારે સાંજે એ બે કલાક વિક્રમને મળતી હતી અને એ બે કલાક જ એના અંધકારમય જીવનમાં થોડો પ્રકાશ રેલાવી જતા હતાં.

મનાલી હવે બાવીસ વર્ષની થઇ હતી. એના લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવાની ચિંતા સુહાનીને સતાવતી હતી પરંતુ મનાલીએ એની એ ચિંતા એક દિવસ દૂર કરી દીધી હતી.

"મોટીબેન, હું આદિત્ય નામના છોકરાને પ્રેમ કરું છું. આદિત્યના પિતાનો સી.જી.રોડ ઉપર સોનાના દાગીનાનો શો-રૂમ છે. આદિત્ય પણ એમની સાથે એમના ધંધામાં જોડાયેલો છે. આદિત્યએ અમારા બંન્ને વચ્ચેના પ્રેમની વાત એના ઘરમાં કરી હતી. હું પણ એના માતા-પિતાને એકવાર મળવા ગઇ હતી. એ લોકો લગ્ન માટે તૈયાર છે. જો મોટીબેન તમે હા પાડો તો હું આદિત્ય સાથે લગ્ન કરવા માંગું છું." મનાલીએ શરમાતા શરમાતા સુહાનીને કહ્યું હતું.

"મનાલી, તે તો મારી ચિંતા હળવી કરી નાંખી. તું આદિત્ય સાથે લગ્ન કરે તો મને કશો જ વાંધો નથી. મમ્મીના સોનાના દાગીના અને હીરાનું મંગળસૂત્ર વેચીને તારા લગ્ન ધામધૂમથી થઇ જશે અને જરૂર પડશે તો આપણે આ બંગલા ઉપર લોન પણ લઇ લઇશું." સુહાનીએ મનાલીને ખુશી સાથે ગળે ભેટતા કહ્યું હતું.

"વાહ મનાલી દીદી, તમે તો લગ્ન કરી અમને છોડી જતા રહેશો પછી હું અને મોટીબેન બંન્ને જ ઘરમાં રહીશું. મારું પણ બી.બી.એ. પતે પછી એમ.બી.એ. કરી કોર્પોરેટ કંપનીમાં જોબ લઇ લઇશ પછી મોટીબેનને કશું જ કરવાની ચિંતા નહિ રહે." મિતેષે પણ હસીને કહ્યું હતું.

મનાલીના લગ્ન આદિત્ય સાથે સુહાનીએ ખૂબ સારી રીતે કર્યા હતાં. સગાંવ્હાલાઓ સુહાનીએ જે રીતે એના ભાઇ-બહેનને સાચવ્યા એ માટે લગ્નના દિવસે સુહાનીના ખૂબ વખાણ કર્યા હતાં. લગ્નના દરેક કામમાં વિક્રમ સક્રિય રહીને સુહાની સાથે બધી જ જવાબદારી એક પતિની જેમ નિભાવી રહ્યો હતો. વિક્રમની લાખ કોશિષ છતાંય સુહાનીએ વિક્રમ પાસેથી એક પણ રૂપિયો લીધો ન હતો.

મિતેષ હવે એમ.બી.એ. થઇ ગયો હતો. સુહાની પણ સત્યાવીસ વર્ષની થઇ ગઇ હતી. મિતેષ એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરવા લાગ્યો હતો. સુહાનીના જીવનમાં એના ભાઇ-બહેનની જવાબદારી એ નિભાવી શકી એનો એને આનંદ હતો.

મિતેષ પોતાની સાથે જ જોબ કરતી કલગી નામની યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો.

"મોટીબેન, આ કલગી છે. હું અને કલગી બંન્ને ઓફિસમાં જોડે જ કામ કરીએ છીએ. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. કલગીના પિતા આ દુનિયામાં નથી. એની મમ્મી અને કલગી બંન્ને એકલા જ છે અને અમે બંન્ને લગ્ન ખૂબ સાદાઇથી એટલેકે કોર્ટ મેરેજ કરવા માંગીએ છીએ. લગ્નનો ખોટો ખર્ચ કરી અમે પૈસાનો વ્યય કરવા માંગતા નથી." મિતેષે સુહાનીને કહ્યું હતું.

"મારી ઇચ્છા તારા લગ્ન ખૂબ ધામધૂમથી થાય એવી હતી કારણકે મેં મનાલીના જે રીતે લગ્ન કર્યા એ રીતે હું તારા પણ લગ્ન કરું. પરંતુ તમારા બંન્નેની આ જ મરજી છે તો મને કોઇ વાંધો નથી. જિંદગી છેલ્લે તો તમારે બંન્નેએ જોડે જીવવાની છે." સુહાનીએ હસતાં હસતાં બંન્નેના માથે હાથ ફેરવતા કહ્યું હતું.

મિતેષે સાદાઇથી લગ્ન કરી લીધા હતાં. લગ્નના પહેલા જ દિવસથી કલગીનું વર્તન સુહાની માટે સારું ન હતું. કલગી કારણ વગર સુહાની સાથે ઝઘડી પડતી હતી અને મિતેષ ચૂપચાપ આ તમાશો જોયા કરતો હતો.

"તમે તમારા ભાઇ-બહેનને મોટા કર્યા છે તો કોઇ મોટું તીર નથી માર્યું. તમારી જગ્યાએ કોઇપણ હોય તો એ આવું જ કરે પણ એનો મતલબ એવો નથી કે તમે આખા ઘરમાં અને અમારા જીવનમાં પણ તમારી દાદાગીરી ચલાવો. મારાથી આ બધું સહન નહિ થાય." કલગીએ એકદિવસ ગુસ્સામાં સુહાનીને કહ્યું હતું.

"મોટીબેન, તમે અમારા જીવનમાં ખૂબ જ હસ્તક્ષેપ કરો છો. હવે અમને અમારી જિંદગી જીવવા દો. તમે અમારા માટે જે કંઇપણ કર્યું હોય એ તમે તમારી મરજીથી કર્યું છે. હું અને મનાલી તમને હાથ જોડીને મદદ માંગવા આવ્યા ન હતાં. મેં મનાલીને આજે એટલે જ બોલાવી છે કે એ તમને સમજાવી દે." આટલું બોલી મિતેષે મનાલી સામે જોયું હતું.

"જુઓ મોટીબેન, હું તો હવે સાસરાવાળી થઇ ગઇ. મારે તો આ ઘરમાં હવે મહિનામાં બે-ત્રણ દિવસ આવવાનું થાય પરંતુ અમે નાના હતાં ત્યારથી જ અને આપણા પપ્પા મમ્મી જીવતા હતાં ત્યારથી અમારા ઉપર તમારું જ વર્ચસ્વ રાખતા હતાં અને મમ્મી પપ્પાના ગયા પછી તમારું એ વર્ચસ્વ ખૂબ વધી ગયું છે. તમે અમારા પર ઉપકાર કર્યો છે એનો પળેપળે અમને અહેસાસ કરાવ્યો છે. એના કરતા તમે લગ્ન કરીને તમારી જિંદગી જીવ્યા હોત તો સારું થાત અને હજીય કંઇ મોડું થયું નથી. અમને અમારી જિંદગી શાંતિથી જીવવા દો. અમને નડવાનું બંધ કરો અને તમારી જિંદગી લગ્ન કરીને શાંતિથી જીવો." મનાલી પણ નફ્ફટાઇથી બોલી હતી.

"મેં તમને લોકોને મારા સંતાનોની જેમ મોટા કર્યા. મેં મારી જિંદગીના આઠ વર્ષ તમારી પાછળ તમને જીવનમાં સ્થિર કરવા માટે આપ્યા. પહેલા તમને મારી જે દરેક વસ્તુ ગમતી હતી એ આજે નથી ગમતી. મારા પ્રેમ અને લાગણીનું તમે મને આ ઇનામ આપ્યું?" સુહાનીએ રડતાં રડતાં કહ્યું હતું.

"જુઓ મોટીબેન, તમે પપ્પાની ફેક્ટરી વેચી નાંખી. એમાં કેટલા રૂપિયા આવ્યા, બેંકનું દેવું ભર્યા પછી કેટલા રૂપિયા બચ્યા હતાં એ અમને ખબર નથી પરંતુ તમે પપ્પાના એ પૈસામાંથી અમારું ભરણપોષણ કર્યું છે અને નોકરી અને ટ્યુશન કરી તમે પૈસા ભેગા નહિ કર્યા હોય એની શું ખાતરી? છતાંય અમારે એ વાત સાથે હવે કોઇ લેવાદેવા નથી. દીકરા તરીકે હવે આ બંગલો મારો છે. માટે આ ઘરમાં રહેવું હોય તો તમારે મારા અને કલગીના પ્રમાણે રહેવું પડશે, નહિતર...." મિતેષે વાત અધૂરી છોડી દીધી હતી.

"નહિતર... વાત કેમ તે અધૂરી છોડી દીધી? નહિતર તું મને ઘરમાંથી કાઢી મુકીશ કે પછી એના માટે પણ તારે તારી પત્નીને પૂછવું પડશે?" સુહાની રડતાં રડતાં ગુસ્સાથી બોલી ઉઠી હતી.

"જુઓ મોટીબેન, આપણા ભાઇ-બહેનની વાતમાં મારી પત્નીને લાવવાની જરૂર નથી. તમારે હવે શું કરવું છે એ તમે પોતે જ નક્કી કરી લો તો સારું છે." આટલું બોલી મિતેષ પગ પછાડતો પોતાના બેડરૂમમાં જતો રહ્યો હતો.

સાંજે સુહાની વિક્રમને મળી હતી અને વિક્રમને વળગીને ખૂબ રડી હતી.

"મેં મારા ભાઇ-બહેન માટે કશું કરવાનું બાકી નથી રાખ્યું પરંતુ આજે હું એમને એક ક્ષણ માટે પણ ગમતી નથી. પહેલા મારી દરેક વાત સાંભળનાર મારા ભાઇ-બહેન હવે મારું મોઢું સુધ્ધા જોવા તૈયાર નથી. હું આટલું બધું તો મારા મમ્મી પપ્પાના અવસાન વખતે પણ તૂટી નહોતી જેટલું હું મારા ભાઇ-બહેનના વર્તનથી તૂટી ગઇ છું. મિતેષે તો મને પપ્પાના પૈસાથી જ મેં એમને ઉછેર્યા છે માટે એમના પર કોઇ ઉપકાર કર્યો નથી આવું બોલીને એણે મને આડકતરી રીતે ચોર પણ કહી દીધી છે." સુહાની ધ્રુસકે ને ધ્રુસકે રડતાં બોલી હતી.

"સુહાની, તે તારા ભાઇ-બહેન માટે તારી ફરજ પૂરી કરી દીધી. હવે આપણી જિંદગી શરૂ કરવાનો સમય આવ્યો છે. તારા ભાઇ-બહેનના વર્તન પરથી તું હવે સમજી લે કે એ લોકોને તારી જરૂર નથી. ચાલ હું અને તું લગ્ન કરી આપણી જિંદગીને શરૂ કરીએ." વિક્રમે સુહાનીને સમજાવતા કહ્યું હતું.

સુહાનીએ વિક્રમની વાતમાં હા પાડી અને બંન્ને જણે સાદાઇથી લગ્ન કરી લીધા હતાં.

સુહાની ધીરે-ધીરે પોતાના ઘરસંસારમાં વિક્રમ સાથે આનંદથી જીવન વ્યતિત કરી રહી હતી પરંતુ રોજ પોતાના ભાઇ-બહેનને યાદ કરી આંખમાંથી આંસુ પાડી દેતી હતી. આમ કરતાં કરતાં લગ્નને એક વર્ષ પસાર થવા આવ્યું હતું.

"સુહાની, આપણા લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું છે. આપણે લગ્ન તો સાદાઇથી કરી લીધા પરંતુ લગ્નના પહેલા વર્ષની ઉજવણી ધામધૂમથી કરીએ. આપણા સગાંવ્હાલા, મિત્રો બધાંને બોલાવીએ અને તું મા બનવાની છે એ સમાચાર પણ બધાંને આપીએ. હું મારા જીવનમાં સૌથી વધારે ખુશીઓની પળોમાં જીવી રહ્યો છું. મારી ખુશી મારે બધાં સાથે વહેંચવી છે." વિક્રમ ખૂબ ભાવુક થતાં બોલ્યો હતો.

"તારી ઇચ્છા છે તો મને કોઇ વાંધો નથી. મિતેષ અને મનાલીને પણ આપણે આમંત્રણ આપીશું. પછી ભલે એ આવે કે ના આવે. મોટીબેન તરીકેની મારી ફરજ મારે આજે પણ ચૂકવી નથી." સુહાનીએ વિક્રમ સામે જોઇ કહ્યું હતું.

વિક્રમે અમદાવાદની આલીશાન હોટલમાં એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પોતાના સગાંવ્હાલા અને મિત્રોની સાથે સાથે સુહાનીના સગાંવ્હાલા અને એના ભાઇ-બહેનને પણ આમંત્રણ આપ્યું હતું. મિતેષ, કલગી, મનાલી અને આદિત્ય ચારે જણા પાર્ટીમાં આવ્યા હતાં.

સુહાની પોતાના ભાઇ-બહેનને જોઇ ખુશીથી રડી પડી હતી. ક્યારેય આંખથી દૂર ન કરેલા ભાઇ-બહેનને બરાબર એક વર્ષ પછી જોઇ રહી હતી.

"મોટીબેન, તું ખુશ તો છેને?" મનાલીએ સુહાનીને પૂછ્યું હતું.

"હા મનાલી, હું ખૂબ ખુશ છું. વિક્રમ મને ખૂબ જ સાચવે છે પણ તારી અને મિતેષની ખૂબ યાદ આવે છે. મને રોજ એમ થાય કે હું દોડીને ઘરે પહોંચી જઉં અને મિતેષને મળી આવું પરંતુ મિતેષે કરેલા વ્યવહારથી હું ખૂબ દુઃખી થઇ હતી માટે ઘરે પાછી એને મળવા જઇને વધુ દુઃખી થવા માંગતી નથી." સુહાનીએ મનાલીને કહ્યું હતું.

સુહાની અને મનાલી વાત કરી રહ્યા હતાં એટલામાં મિતેષ પણ આવી ગયો હતો.

"મોટીબેન, કોન્ગ્રેચ્યુલેશન.... વિક્રમ જીજાજીએ કહ્યું કે હું મામા અને મનાલી માસી બનવાની છે. હું તારા માટે ખૂબ ખુશ છું." મિતેષે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું.

કલગી અને આદિત્યએ પણ વિક્રમ અને સુહાનીને અભિનંદન પાઠવ્યા હતાં. પાર્ટી પતી ત્યારે ત્રણે ભાઇ બહેન ખુશીથી ગળે વળગીને છૂટા પડ્યા હતાં. ઘરે આવીને સુહાનીએ વિક્રમને કહ્યું હતું.

"સ્ત્રીનું સાચું ઘર પોતાના પતિનું જ હોય છે. પીયરમાં ગમેતેટલો પ્રેમ અને લાડકોડ છતાંય એ પરાયુ જ બની રહે છે. હું એ જ છું જે પહેલા હતી પરંતુ તારી જોડે લગ્ન કર્યા બાદ આજે એક વર્ષ પછી એ લોકોનો બદલાયેલો વ્યવહાર જોઇ હું એટલું તો સમજી ગઇ છું કે મેં મારા જીવનના વર્ષો મારા ભાઇ-બહેન પાછળ આપીને મારી ફરજ નિભાવી અને આજે હું એમના ઉપર બોજ નથી માટે એ લોકોના હૃદયમાં મારા માટે ફરી પાછી પહેલા જેવી લાગણી દેખાઇ રહી છે." સુહાની આ વાત દુઃખી થઇને કહેતી હતી કે ખુશ થઇને એ વિક્રમ કળી શક્યો ન હતો.

પાર્ટી પત્યા બાદ મિતેષ, કલગી, મનાલી અને આદિત્ય મિતેષના બંગલે આવ્યા હતાં. ચારેય જણ ચૂપ થઇ એકબીજા સામે જોઇ રહ્યા હતાં.

"મિતેષ, હવે આપણે મોટીબેનને કહી દઇએ કે આપણે એને ત્રાસ આપવાનું અને મેણાંટોણાં મારવાનું નાટક કર્યું હતું. મોટીબેન દિલમાં ને દિલમાં રડી રહી હતી. ઓના ચહેરા પર આનંદ હતો પરંતુ એ આનંદમાં આપણે કરેલું વર્તન એને હજુય દુઃખ પહોંચાડી રહ્યું છે. મારાથી મોટીબેનનું આ દુઃખ જોવાતું નથી અને તારું કહેવાનું માનીને બિચારી કલગી તો કારણ વગર મોટીબેનની જોડે લડી લડીને ઘર તોડાવનાર વહુની ખોટી છાપ લઇને જીવી રહી છે." મનાલી ધ્રુસકે ને ધ્રુસકે રડતાં બોલી રહી હતી.

"મનાલી દીદી, દુઃખ તો મારાથી પણ જોવાતું નથી. મોટીબેનને ખરાબ શબ્દો બોલવા માટે મેં મારી જીભ કઇ રીતે ઉપાડી છે એ તો મારું મન જ જાણે છે. હું મોટીબેનને ઈશ્વર સમાન સમજુ છું અને મેં જ મારા ઈશ્વરને અપશબ્દો કહી આ ઘરમાંથી કાઢી મુકી છે. પપ્પાના પૈસાથી આપણને મોટા કર્યા એવો ખોટો આરોપ પણ મેં એમના પર ભારે હૃદયે મુક્યો હતો. જો મેં આવું કર્યું ના હોત તો મોટીબેન આપણને ક્યારેય પણ છોડીને એનો ઘરસંસાર ના વસાવત અને હું નહોતો ઇચ્છતો કે એ એની આખી જિંદગી આપણા અને આપણા સંતાનોના વૈતરા કરીને પસાર કરે. વિક્રમ જીજાજી સાથે એ જીવન જીવી શકે અને આપણા બેથી દૂર રહી શકે એટલા માટે મેં મારી જાત ઉપર પત્થર મુકી એને કડવા વેણ કીધા છે. જો આપણે એને સત્ય કહી દઇશું તો એ વિક્રમ જીજાજીમાંથી એનું ધ્યાન હટાવી ફરીવાર એનું ધ્યાન આપણા તરફ થઇ જશે અને હવે તો એ મા બનવાની છે. માટે આપણે નાટક કર્યું છે એની જાણ મોટીબેનને ક્યારેય થવી ન જોઇએ અને હા આપણે ચાર જણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મોટીબેન મા ના બને ત્યાં સુધી આપણે પણ સંતાન નહિ લાવીએ એ પ્રતિજ્ઞામાંથી આપણે હવે મુક્ત થયા છીએ. હું ખરેખર કલગી અને આદિત્ય જીજાનો તારા અને મારા બંન્ને વતી આભાર માનુ છું કે એ બંન્નેએ આપણને એક સાચા જીવનસાથી તરીકે સહકાર આપ્યો છે." આટલું બોલતા મિતેષ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો.

મનાલી મિતેષના ખભે હાથ ફેરવી એને શાંત રાખી રહી હતી.

કલગી અને આદિત્ય ત્રણે ભાઇ-બહેન વચ્ચેનો પ્રેમ જોઇ હર્ષના આંસુ આંખમાંથી વહાવી રહ્યા હતાં.

(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.....)

- ૐ ગુરુ